પરમ સમીપે/૬૩
હે પરમાત્મા,
જેમ હું ધન આપવાની બાબતમાં ઉદાર બની શકું છું
તેમ સમય આપવામાં
ક્ષમા આપવામાં
પ્રેમ આપવામાંયે ઉદાર બની શકું
— એવી મને હૃદયની મોટપ આપો.
મારા કરતાં બીજાઓ વધુ સારું કામ કરે
ત્યારે હું તેની પ્રશંસા કરી શકું
મને ન ગમતા લોકોમાં પણ
સારી બાબતો જોઈ શકું
મારા વિચારોનો વિરોધ કરતા લોકો પણ
મારા મિત્રો હોઈ શકે તેવું માની શકું
— એવી મને હૃદયની મોટપ આપો.
વિરુદ્ધ પક્ષે પણ સત્ય હોય તેવું સ્વીકારી શકું
મેં સારું કામ કર્યું હોય તો તે બીજાને કહેવાની લાલચ ટાળી શકું
દેખીતા કારણ વગર કોઈ સહાય કરે
તો તેમાં તેનો કોઈ ગુપ્ત હેતુ હશે, એવી શંકા કરવાથી બચી શકું
— એવી મને હૃદયની મોટપ આપો
કોઈનાં ભૂલ વાંક કે ગુના માટે કાજી બની ન્યાય તોળવા ન બેસું
બીજા પાસેથી ઇચ્છું છું તે નિખાલસતા ને સમજદારી બીજા
પ્રત્યે દાખવી શકું
મારાં વાણી વચન કર્મથી
દુનિયામાં હું જે અસુંદરતા સર્જું, તે પિછાણી શકું
અને મારી ઊણપો-અધૂરપો પ્રત્યે સભાન બની
તમારી ભક્તિ વડે વધુ ને વધુ સાત્ત્વિક બની શકું
— એવું મને શાણપણ આપો.