પરમ સમીપે/૬૭
આજ સુધી,
લોકો મને મળવા આવે ત્યારે હું કહેતી :
જુઓ, મારું ઘર કેટલું સુંદર છે!
ઘરમાં મેં સંગ્રહેલી વસ્તુઓ કેટલી કલાત્મક છે!
મારાં બાળકો કેવાં હોશિયાર ને તેજસ્વી છે!
મારાં કાર્યોમાં મેં કેટલી બધી સિદ્ધિ મેળવી છે!
લોકોમાં મારી કેટલી પ્રશંસા થાય છે!
સીધી કે આડકતરી રીતે આ બધું હું કહેતી
અને મારી આ આવડતો પર હું ફુલાતી.
અથવા, હું કહેતી કે :
જુઓ, મારા શરીરમાં કેટલી વ્યાધિઓ છે!
મારાં સ્વજનો કેટલાં સ્વાર્થી છે!
લોકો કેટલાં કૃતઘ્ન છે!
મેં આખી જિંદગી પ્રામાણિકતાથી કામ કર્યું
અને બીજાઓને માટે જાત ઘસી નાખી
પણ મને ક્યારેય એનો બદલો મળ્યો નહિ.
હું આમ કહેતી અને આ બધી બાબત માટે
લોકોનો, કે નસીબનો, કે ભગવાન, તમારો વાંક કાઢતી.
પછી એક સ્નિગ્ધ પ્રભાતે ઝળહળ કરતો સૂરજ ઊગ્યો,
અને સુક્કાં તરણાં સોનાવરણાં થઈ ગયાં.
હવે મને કોઈ કાંઈ પૂછે તો હું ચુપ રહું છું
દુનિયાની બજારમાં મને શું મળ્યું ને શું નહિ,
એ વાત હવે મને અડતી નથી.
હવે મારું મન આખોયે વખત
તમારા દિવ્ય પ્રેમમાં નાહેલું, મૃદુ ને સભર રહ્યા કરે છે
અંતરતમ આનંદની વાત કોને કરી શકાય?
પણ તમે જાણો છો, પ્રભુ!
અને એટલું પૂરતું છે.