પરમ સમીપે/૬૮
ઘણી વાર
પ્રાર્થના કર્યા પછીયે, અમારી તકલીફો જેમની તેમ રહે
ત્યારે અમે અધીર થઈ જઈએ છીએ કે :
અરે! ભગવાન તો કાંઈ સાંભળતા નથી
આટલી વિનંતી કરી, પણ ભગવાને સહાય તો કરી નહિ.
અમારે તો તત્કાળ ઉકેલ જોઈતો હોય છે — આજે ને આજે જ,
અને વળી અમારી રીતનો ઉકેલ જોઈતો હોય છે
અમારી સઘળી સામાન્યતાઓ, ક્ષુદ્રતાઓ, મૂર્ખતાઓ
સાચવી રાખીને
અમે તમારી પાસેથી શાંતિ ઇચ્છીએ છીએ.
પણ તમને કશી વાતની ઉતાવળ નથી.
જવાબ આપવાની તમારી પોતાની રીત છે
જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે.
અમે ઉતાવળ કરીએ તેથી કાંઈ વળતું નથી
અમે તો માત્ર શાંત થઈ, ધીરજથી પ્રતીક્ષા કરી શકીએ.
તમે એકી સપાટે બધાં વિઘ્નો દૂર કરી દો એમ બને
અથવા ખબર પણ ન પડે એમ ધીરેથી સંજોગો બદલી નાખો
એમ પણ બને
અથવા વિઘ્નોને ઓળંગી જવાની અમને શક્તિ આપો એમ બને
અથવા કોઈ અગ્નિ-સ્પર્શથી અમારી ચેતનાનું એવું રૂપાંતર કરો
કે વિઘ્નો અમને વરદાન લાગે, એમ પણ બને.
બધી મહાન ઘટનાઓ ચુપચાપ બને છે
તમારી સમજ પણ અમારા હૃદયમાં ચુપચાપ ઊતરે છે.
પણ અમને એટલી તો ખાતરી જ છે કે
અમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો,
તમારી સહાય મળ્યા વગર રહેતી નથી;
પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય!