zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૭૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭૩

રોજેરોજ સવારથી રાત સુધીમાં
હું જે જે વસ્તુઓનો ઉપયોગ કરું છું
તે વસ્તુઓને બનાવનાર શતસહસ્ર લોકોને મારા નમસ્કાર.
સાધનો અને યંત્રોની બહુલતાના આ યુગમાં
જેઓ પોતાનો પરસેવો પાડીને મહેનત કરે છે
અને અમારા જીવનની સુખ-સુવિધા પૂરી પાડે છે
તેમના પ્રત્યે અમે ક્યારેય ધ્યાન આપ્યું નથી.
રોજેરોજ જે ઘર-આંગણે આવી અમારી સેવા બજાવે છે,
તેમનાં મોં સુધ્ધાં અમે સરખી રીતે જોયાં નથી.
બારણે તેમને વાટ જોતા ઊભા રાખ્યા છે કે પૈસા માટે ધક્કા
}ખવડાવ્યા છે.
અમારી સવાર-વેળાની સામગ્રી પૂરી પાડનાર
દૂધવાળા અને છાપાવાળા ભાઈઓ
આંગણમાં ઝાડુ વાળનાર અને કચરો ઊંચકી જનાર બંધુઓ
અમારાં કપડાં ધોનાર અને વાસણ માંજનાર સહાયકો
એકેએક ઘરમાં જેની વાટ જોવાય છે, અને તે દરેક
ઘરમાં જવા, જે પોતાનાં પગરખાં ઘસી નાખે છે તે ટપાલી
પોતાના જીવને જોખમમાં મૂકી અમારી મિલકતનું
રક્ષણ કરનાર રાતના ચોકીદારો
તાપ હોય, ઠંડી હોય કે વરસાદ હોય
હંમેશાં તેઓ મૂંગામૂંગા પોતાનું કર્તવ્ય બજાવ્યે જાય છે.
આ બધાં તેમનું કામ ન બજાવે કે ગફલત કરે
તો અમે કેટલી મુશ્કેલીમાં મુકાઈ જઈએ
તે અમે જાણીએ છીએ
પણ તેઓ સુચારુ રીતે કામ કરે છે,
અને એને કારણે સરળ બનતી અમારી જિંદગીમાં
અમે તેમના પ્રત્યે જ બધિર બની રહીએ છીએ.
અમારી આ ઉપેક્ષા ને અવગણના માટે
ઝટ નજરે ન ચડતી આ અમાનવીયતા માટે
પરમેશ્વર, અમને ક્ષમા કરજો.
અમારા આ બાંધવો પર તમારી કૃપા વરસાવજો.
અમારા પર તેમનું કેટલું ઋણ છે તે અમે વીસરીએ નહિ,
તેઓ સુખદુઃખથી ધબકતા, વિવિધ જરૂરિયાતોવાળા મનુષ્યો છે
એવું અમને યાદ રહે,
તેમનો અને અમારો જ્યારે પણ મેળાપ થાય
ત્યારે તેમને અમે માનવભાવે ઓળખીએ,
એવું કરજો, પ્રભુ!