પરમ સમીપે/૭૨
ભગવાન,
અમે તારા વિશે ઘણી વાતો કર્યા કરીએ છીએ
અને મોટી મોટી વાતોથી અમારાં મોં ભરાઈ જાય છે.
જીવનની ગતિ શું અને કર્મ શું
મનુષ્ય કાંઈ કરવાને સ્વતંત્ર છે
કે પછી તે સંપૂર્ણપણે કર્માધીન છે —
તેની અખૂટ ચર્ચા અમે કરતાં રહીએ છીએ.
પણ ભગવાન,
અમે તારું નામ લેવાને તો સ્વતંત્ર જ છીએ ને?
અમારા રાગદ્વેષ ઓછા કરતાં અમને કોણ રોકે છે?
ઉદાર, માયાળુ ને સાચા બનવાની સ્વતંત્રતા
પણ તેં અમને આપી જ છે.
અમારાં કાર્યોને કયાં પરિબળો દોરી રહ્યાં છે તે તપાસવાની,
અમારા ઊંડા હેતુઓ સમજવાની
અમારાં વાણી-વિચાર-વર્તનમાં સંવાદિતા લાવવાની
તેં કાંઈ અમને ના નથી પાડી.
અમે આજ કરતાં આવતી કાલે
થોડાક ઓછા સ્વાર્થી, થોડાક ઓછા આત્મકેન્દ્રી
થોડાક ઓછા મિથ્યાભિમાની થવાનો પ્રયત્ન તો કરી જ શકીએ
અમારા સંજોગો કદાચ અમે ન બદલી શકીએ
પણ અમારે તે પ્રત્યે વલણ કેવું રાખવું, તે તો
અમારા હાથમાં જ છે ને!
અમે જરાક અંતર્મુખ બનીએ તો
વલવલાટ, વ્યાકુળતા, ચિંતા, ઉશ્કેરાટને બદલે
શાંતિ, ધીરજ, સમતા, સ્વીકૃતિના ભાવ કેળવી શકીએ,
અમે જેટલા ઓછા પ્રત્યાઘાત આપીએ
તેટલા વધુ સ્વતંત્ર બની શકીએ.
મનુષ્યના હાથમાં કાંઈ જ નથી એમ કહેવું,
તે તો પોતાની પોતાના પ્રત્યેની જવાબદારીમાંથી
છટકવા માટેનું બહાનું છે.
આવાં બહાનાં કાઢવામાંથી અમને બચાવજે
અંતહીન નિરર્થક બૌદ્ધિક ચર્ચાઓમાંથી અમને બચાવજે;
આજ કરતાં આવતી કાલે અમે થોડાક વધુ સારા
બની જ શકીએ તેમ છીએ,
અને તેમ ન કરીએ તો, એનું કારણ અમારામાં જ છે
એનું ભાન અમને કરાવજે.
કેવળ વાતો કરવાને બદલે
અમને જરાક જીવતાં શિખવાડજે.