પરમ સમીપે/૭૫
મારું સ્થાન નાનું છે અને મારું કામ નજીવું છે.
મોટા મંચો ગજાવી મૂકવાનું
સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવાનું
કોઈ ભવ્ય સર્જન-સંશોધનનું મહાન પ્રદાન કરવાનું
કે વિશાળ માનવ-સમુદાયને
કોઈ ઉમદા ધ્યેય ભણી દોરી જવાનું કામ
મારે ભાગે નથી આવ્યું.
પણ તેથી શું?
આળસુપણે બેસી
મોટા ફલકની કલ્પના કે કામના કરવાનો કાંઈ અર્થ નથી.
બધાંનાં નામ ઇતિહાસમાં સોનેરી અક્ષરે થોડાં જ લખાય છે?
દંભ અને આડંબર વગર
છાના ખૂણે બેસીને કરેલાં
નાનાં કામોયે મહત્ત્વનાં છે.
તારી અનંતની યોજનામાં
મારે ભાગે જે અલ્પ કર્તવ્ય તેં રાખ્યું છે
તે હું આનંદ અને નિષ્ઠાથી કરીશ.
મને ઓછું વળતર મળે તેને
મારી ભૂલો માટેનું
કે સમય વેડફવા માટેનું બહાનું નહિ બનાવું.
કોઈ જોનાર હોય કે ન હોય,
કોઈ કદર બૂઝે કે ન બૂઝે
મારું કામ હું એવી ઉત્તમ રીતે પાર પાડીશ
કે તેને માટે ગૌરવ લઈ શકાય.
તેં મને ભલે નાનો ખૂણો આપ્યો,
એ ખૂણાને હું અજવાળાથી ભરી દઈશ.
ગમે તેવું તુચ્છ કામ પણ, હું સુંદરતા અને હૃદયપૂર્વક
તારું નામ લઈને કરીશ, ત્યારે તેમાં તારો ચહેરો મલકી ઊઠશે.
નાનકડા રજકણનેય તેં તારા વિશ્વમાં સ્થાન આપ્યું છે.
આંખે ન દેખાતા અણુમાં શક્તિનો ભંડાર ભર્યો છે
એ વાત હું ભૂલીશ નહિ, પ્રભુ!