પરમ સમીપે/૭૬
હે પરમેશ્વર,
તેં અમને ઉત્તમ મિત્રો આપ્યા છે
તે માટે હું તારો આભાર માનું છું.
મિત્રો —
જેમના સાથમાં દુઃખો વહેંચાઈ જાય છે
અને આનંદ બેવડાય છે,
જેમની સમક્ષ અમે જેવા છીએ તેવા જ
પ્રગટ થઈ શકીએ છીએ, અને જેમની
પાસે નિખાલસપણે હૃદય ખોલી શકીએ છીએ,
જેઓ અમારી નિર્બળતાની જાણ સાથે અમને સ્વીકારે છે
અને અમારામાં એવી લાગણી પ્રેરે છે
કે તેમને અમારી જરૂર છે;
જેમને મળીને અમે હળવા થઈએ છીએ
અને સમૃદ્ધ પણ થઈએ છીએ,
ગેરસમજ થવાના, કે
મૈત્રી જોખમાવાના ભય વિના અમે જેમના
વિચારો કે કાર્યોનો વિરોધ કરી શકીએ છીએ
અને એ વિરોધ પાછળનો પ્રેમ જેઓ પારખી શકે છે;
જેઓ લાંબા સમયથી ટકી રહ્યા છે,
બધાં વાવાઝોડાંમાં સાથી બન્યા છે,
અને ભવિષ્યમાં પણ તેઓ સાથે જ હશે
એવો વિશ્વાસ જેમના માટે રાખી શકાય છે,
જેઓ અમારા માટે ઘસાય છે અને એ વિશે સભાન હોતા નથી,
આવા મિત્રો તેં અમને આપ્યા છે
તે માટે અમે તારા કૃતજ્ઞ છીએ.
પરમાત્મા,
અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે
કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ
અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ,
અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના
અને સાત્ત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં
અમે એકમેકને સક્રિય સાથ આપીએ.
અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા,
તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય
ત્યારે અમે તેમને વિસરીએ નહિ.
ઈશ્વરત્વનો અંશ જેમાં ઝલકે છે તેવા આ
ઉત્તમોત્તમ માનવ-સંબંધનું અમને વરદાન આપ, પ્રભુ!