પરમ સમીપે/૮૨
મુશ્કેલીના ઘોર વનમાંથી ક્યારેક અમને માર્ગ જ ન મળે
વેદના સહન ન થાય ને શક્તિ ખલાસ થઈ જાય
ત્યારે મન બહુ ખિન્ન થઈ જાય છે, શ્રદ્ધા સરી જાય છે.
‘અમારે જ ભાગે આ સહેવાનું કેમ?’ — એવો
અર્થહીન સવાલ ઊઠે છે.
પણ મુશ્કેલી તો કોને નથી આવતી?
મહાનમાં મહાન માણસને પણ ક્યારેક ને ક્યારેક
ઊંડા વિષાદની, એકલતાની ક્ષણો ઘેરી વળે છે.
મુશ્કેલીને અમે વિવિધ રીતે પ્રતિસાદ આપીએ છીએ;
રોદણાં રડીએ છીએ, ભાંગી પડીએ છીએ
કે દુઃખ ભૂલવા ગમે તેવા માર્ગનો આશ્રય લઈએ છીએ
અસંતોષ અને ફરિયાદને સતત ઘૂંટી
વધુ ઊંડી ગર્તામાં સરીએ છીએ
સંતાપને ઢાંકી દઈ, કંઈ તકલીફ છે જ નહિ —
એવા ડોળ કરીએ છીએ
હિંમતથી ઝૂઝીએ છીએ, વિદ્રોહ કરીએ છીએ
કે કઠોરતા અને કડવાશથી જીર્ણ થઈ જઈએ છીએ.
પણ અમે જરાક સમજવા માગીએ તો સમજાય
કે અમારી ઘણી મુશ્કેલીઓ ને પીડાઓ તો
અમારી મહત્ત્વાકાંક્ષા, અમારી આસક્તિ અને
અમારા ભયની જ સરજત હોય છે,
અમે અમારા મનને જરાક બદલીએ
તો ઘણીખરી મુશ્કેલીઓ તો આપમેળે જ ઓગળી જાય.
વળી અમને તો હંમેશાં બધું સહેલું ને નિર્વિઘ્ન જોઈતું હોય છે.
પણ તમે જાણો છો કે
મુશ્કેલીઓનું એક વિશેષ મૂલ્ય છે
દુઃખ ને વેદના ક્યારેય નિરર્થક નથી હોતાં
શિલ્પી જેમ ટાંકણું મારી પથ્થર ઘડે
તેમ તે અમારું ઘડતર કરે છે,
અમારામાં જીવનની સમજ પ્રેરે છે
અમે જાગ્રત બનીએ તો, ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ પણ
અમારા વિકાસ માટેનું સાધન બની શકે છે.
અમારા માર્ગે ફૂલ હોય ને માથે છાયા હોય
ભૌતિક સમૃદ્ધિની અમારી આસપાસ રેલંછેલ હોય
ત્યારે ભગવાન, તમારી સાથેનો સંબંધ પાંખો પડી જાય છે
તમારાથી અમે દૂર સરતાં જઈએ છીએ.
અમે સહેજે સહેજે તમારી પાસે આવતાં નથી
એટલે આ મુશ્કેલી તમે અમને નજીક લેવા પાડેલો સાદ છે
આ વિકટતા તે તમારી નિકટતા માટેનું જ નિમંત્રણ છે —
કદાચ અમારા આંતરજીવનને વેદનાની જરૂર પણ હોય,
જેથી એની આગમાં અમે વિશુદ્ધ અને પરિપક્વ બનીએ
અમારી અંદર જે ખાટું, કઠોર, સંકીર્ણ હોય
તે મૃદુ મધુર વિશાળ બને.
આ મુશ્કેલી ને વેદના, તમે અમારા પર કરેલો વિશેષ અનુગ્રહ છે.
તમારાથી અમે દૂર ચાલ્યા ગયેલાં
આ દુઃખે અમને ફરી તમારી નિકટ કર્યાં છે.
આ સંકટ, આ પરાજય, આ વ્યથા
એ તમારી કૃપા જ છે, પ્રભુ!
એમાં અમારું કલ્યાણ જ છે.
પૃથ્વીનો રસ પાંખે લઈ
આંખે સૂર્યકિરણને આંજી
ઊડતી જાય અભીપ્સા,
આ પારે, ઓ પાર.