પરમ સમીપે/૮૬
પ્રભુ,
આજે હું તારી પાસે બહુ દુઃખી હૃદયે આવું છું.
… ને દુ:સાધ્ય રોગે ઘેરી લીધા છે.
તેમનાં કષ્ટ ને પીડા મારાથી જોઈ શકાતાં નથી
આગળ શું થશે તેનો વિચાર કરતાં હું ધ્રૂજું છું
તેમનાં કુટુંબીજનોની વ્યથા અસહ્ય છે.
હે ભગવાન,
તેમને શાંતિ આપો, શાંતિ આપો, શાંતિ આપો.
તેમની પીડા પર શીતળતાનો લેપ કરો
તેમના હતોત્સાહ હૃદયમાં શાંત સ્વીકૃતિનો સંચાર કરો
તેમના ભાંગી પડેલા કુટુંબીઓને શક્તિ, હિંમત, ધૈર્ય આપો
તેમના ડૉક્ટરો ને નર્સોના હાથમાં કૌશલ્ય ને યશ મૂકો
તેમના હૃદયને મૃદુ ને સહાનુભૂતિયુક્ત બનાવો.
અને ભગવાન,
આ દુઃખ તેમની દૃષ્ટિને સમજયુક્ત ને વિશાળ બનાવે
તેમના વિચારો અને ભાવોને તમારા તરફ વાળે એવું કરો.
અને અમને પણ એ શક્તિ આપો કે
તેમને વધુમાં વધુ મદદરૂપ થવાના રસ્તા અમને સૂઝે
નિરર્થક ચિંતાને બદલે સક્રિય સહાય વડે અમે
અમારો પ્રેમ દર્શાવીએ,
શક્ય તેટલું બધું કરીએ,
અને પછીનું તમારા હાથમાં સોંપી દઈએ,
જીવનની આ યાત્રામાં, અમારો ને તેમનો જે ઘડીક સંગ
તમે ગોઠવ્યો છે
તેને સ્નેહ અને સેવા વડે સાર્થક કરીએ.
[સ્વજનની માંદગી-વેળાએ]