પરમ સમીપે/૮૭
એ મોટી વિડંબના છે ભગવાન,
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે;
મિત્રો મને શુભેચ્છા આપે છે ત્યારે હું વિચારું છું:
તેઓ મારા વ્યવસાયની વૃદ્ધિ માટે શુભેચ્છા આપે છે?
મારો વ્યવસાય એક ધીકતો ધંધો બને,
એ માટે શું હું ભગવાની કૃપા યાચું છું?
વ્યવસાયની વૃદ્ધિ એટલે માંદગીની વૃદ્ધિ,
દરદીઓની વૃદ્ધિ, રોગોની વૃદ્ધિ
આ વિડંબના તો છે જ.
પણ એમાં સદ્ભાગ્યનું આશ્વાસન પણ છે, કે
મારી પાસે આવતા દરદીઓની પીડા હું કદાચ દૂર કરી શકું,
તેમને સાજા કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ હું ન રાખું.
દરદી શ્રીમંત હોય કે ગરીબ,
અજાણ્યો હોય કે ઓળખાણમાં—
એવા કોઈપણ ભેદભાવ વિના
સહુનો સમાનભાવે ઉપચાર કરું.
દવા બનાવતી કંપનીઓના પ્રચારને
પ્રલોભનોને વશ થઈ,
જરૂર કરતાં વધારે દવાઓ આપવાનો
જે વેપાર છે, તેમાં ભાગીદાર ન બનું,
જરા જરા-શી તકલીફમાં દરીદઓને મોંઘાં પરીક્ષણો
માટે ન મોકલું.
દરીદની વાત પૂરી શાંતિથી સાંભળું,
સાંત્વનાના બે સ્નેહાળ શબ્દો કહું
તેમનો વિશ્વાસુ મિત્ર બની રહું
દરદી પાસે પૈસા ન હોય તો પણ
“ગમે તે કર, તારે ફી તો ભરવી જ પડશે”
એવા નિષ્ઠુર વચન ઉચ્ચારવા જેટલો
સંવેદનારહિત કદી ન બનું.
અને સૌથી મોટી વાત તો એ કે,
હું તો ઉપચારમાં નિમિત્ત માત્ર છું.
આરોગ્યનો સ્રોત તમારામાંથી જ વહી આવે છે
સૌથી મોટો ઉપચારક તો ભગવાન, તમે જ છો.
આ હું સદાય યાદ રાખું ને નમ્ર બની રહું
એટલે હું માગું છું.
[ડૉક્ટરની પ્રાર્થના]