પરમ સમીપે/૮૮
આયુષ્યની ડાળીએથી
જીવનનાં પર્ણો એક પછી એક ખરતાં જાય
અને શક્તિનો પ્રવાહ ક્ષીણ થવા માંડે
ત્યારે હું જરા ભય તો પામું છું, ભગવાન!
પગે હવે વા આવે છે,
કાને બરોબર સંભળાતું નથી
આંખે મોતિયાનાં પડળ બાઝવા લાગ્યાં છે.
હું બીજાઓ પર બહુ અવલંબિત બની જઈશ,
મારું જીવન સાવ નિરુપયોગી બની રહેશે
એવો મને ભય તો લાગે છે, પ્રભુ!
…
તમે કાંઈ કહી રહ્યા છો, ભગવાન?
ઓહ - તમે કેટલી સરસ વાત કહી કે :
“શરીરની શક્તિ વડે તારે શું કરવું છે?
તારે એવરેસ્ટ પર આરોહણ થોડું કરવું છે?
કે પહાડ ખોદીને ગંગા થોડી વહાવવી છે?”
સાચી વાત છે, ભગવાન!
તમે વળી ક્યારે કહેલું કે
હું હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત હોઈશ
તો જ તમને પ્રેમ કરી શકીશ?
દુનિયાની બજારમાં હજાર જગ્યાએ દોડાદોડ કરી
ઘૂમી વળતો ‘હું’ તમને થોડો જ જોઈએ છે?
યુવાનીની શક્તિઓનો શિખરે હું હતો
ત્યારે હું તમારી નિકટ થોડો જ હતો?
ત્યારે તો તમે માત્ર ઉદાસ નેત્રે મારી વાટ જોઈ રહ્યા હતા
તમને તો જોઈતું હતું રાગદ્વેષઅભિમાનથી મુક્ત થયેલું શુદ્ધ હૃદય
અને એ હૃદયમાં પ્રેમનું એક ઝળહળતું ગીત.
અને એ તો હું, મારી પાસે કંઈ જ ન હોય,
માત્ર શ્વાસ જ રહ્યા હોય,
તોયે કરી શકું, નહિ?
શરીર ભલે શક્તિહીન હોય, પણ ચિત્ત જો સબળ બને
નેત્રો પર ભલે ઝાંખપ હોય, પણ મન જો જ્ઞાનથી ઉજ્જ્વળ બને
હાથ-પગ ભલે શિથિલ હોય, પણ હૃદય તમારા પ્રતિ વેગથી ગતિ કરે
આયુષ્યની ક્ષણો ભલે એક પછી એક ખરી રહી હોય, પણ
હું જો, અશક્ત ને અપંગ સ્થિતિમાંયે
ઉત્સાહ, આશા, આનંદ, ભક્તિની સ્ફૂર્તિથી સચેતન રહું
તો બીજાઓ માટે
એક ઉદાહરણ બની શકું.
અને તો એ મારું પ્રદાન પણ બની શકે.
અને તો પછી
છેલ્લામાં છેલ્લી ક્ષણ સુધી
જીવન ઉપયોગી જ છે, નહિ ભગવાન?
[અસહાય શરીર-સ્થિતિ-વેળા]