પરમ સમીપે/૯૦
ભગવાન,
હવે હું ઘરડો થયો છું ને જીવનને આરે આવી ઊભો છું
ત્યારે મને ખ્યાલ આવે છે કે
કેવાં ક્ષણિક સુખો અને વ્યર્થ ઇચ્છાઓમાં
મેં મારો સમય ને જીવનશક્તિ ખર્ચી નાખ્યાં છે.
હવે મારા શરીરમાં પહેલાં જેવું બળ નથી,
મારાં નેત્રો ઝાંખાં છે અને હાથપગ શિથિલ છે
મારે જે કરવું જોઈતું હતું તે મેં કર્યું નથી.
પણ હવે ખેદમાં ને ખેદમાં બાકીનાં દિવસરાત
પૂરાં થઈ જાય, એવું મારે નથી કરવું.
લોકો કહે છે કે વૃદ્ધાવસ્થા બીજું બાળપણ છે.
બાળપણ એટલે વિકાસની અનંત શક્યતાઓ
બાળપણ એટલે વિસ્મયોનો અનંત ઉઘાડ.
વૃદ્ધાવસ્થા એ કાંઈ પૂર્ણવિરામ નથી,
હજી તો મારે બહુ વિકસવાનું છે.
એ માટે હવે જ કામ કરવાનો સમય મળ્યો છે,
અત્યારે હું જે-જે ભાવનાનાં બીજ વાવીશ,
તે આગલા જન્મે ઊગી નીકળવાનાં છે.
અત્યાર સુધી તો હું મારામાં જ કેદી હતો,
મારી જ જાતને જોતો હતો,
મારી જ તૃષ્ણાઓને સાંભળતો હતો.
મારે તો હજીયે મારું વર્ચસ્ ચલાવવું હતું,
પણ તમે મને દેહનો દુર્બળ કરીને,
મારું પિંજરું કેવું તોડી નાખ્યું, ભગવાન!
અને એક ઝાટકે તમે કેવો મને આસક્તિઓમાંથી,
મારી જ છત્રછાયા નીચે મારું ઘર ચાલે એવા આગ્રહમાંથી
મુક્ત કરી દીધો, પ્રભુ!
હવે મારું શરીર ભલે શક્તિહીન હોય,
મારું મન હળવું થઈ આનંદના પ્રવાહમાં તરી શકે છે
કારણકે મને કોઈ વળગણ નથી,
હું જ બધું જાણું ને હું જ બધું કરું —
એવા અહંકારમાંથી,
જવાબદારી, ચિંતા, ફરજમાંથી હવે હું મુક્ત છું.
હવે હું ફક્ત તમારા પ્રત્યે જ મીટ માંડું તો માંડી શકું
મારાં બધાં સમય-શક્તિ-ધ્યાન તમારામાં પરોવું,
તો પરોવી શકું.
હાથપગ ભલે શિથિલ હોય ને નેત્રો ભલે ઝાંખાં હોય,
મારી કેદમાંથી બહાર નીકળી, હળવાશથી પાંખો ફફડાવી
હું વેગથી તમારા ભણી ઊડું, તો ઊડી શકું.
હવે તો આપણા બેની જ ગોઠડી ચાલે તો ચાલે,
નહિ ભગવાન?
[વૃદ્ધાવસ્થામાં]