zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૯૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૧

અમે મનુષ્ય છીએ ને, ભગવાન
એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ,
અમારા બધા દીવા એકીસાથે ઓલવાઈ જાય છે.
અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય
સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતાં હોઈએ
ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે
અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે
અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે
પગ તળેથી ધરતી ફસકી પડે છે.
અમારું હૃદય વિષાદથી ભરાઈ રહે છે
દિવસો બધા દીર્ઘ અને સૂના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન.
આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.
આ શું થયું? આ શું થઈ ગયું? — એવી મૂઢતા
અમને ઘેરી વળે છે.
ભગવાન, તમે આ શું કર્યું? — એમ વ્યાકુળતાથી અમે
ચિત્કારી ઊઠીએ છીએ.
પણ તમારી ઇચ્છાને સમર્પણ કર્યા વિના
તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?
આ વજ્રાઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.
તમારી દૃષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.
કદાચ અમે સલામતીમાં ઊંઘી ગયાં હતાં
કદાચ અમે ભૂલી ગયાં હતાં કે અમે અહીં સદાકાળ
ટકી રહેવાનાં નથી
તમે અમને ભાન કરાવ્યું કે,
જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.
અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.
હારેલાં, પરાજિત, વેદનાથી વીંધાયેલાં અમે
તમારે શરણે આવીએ છીએ.
આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો
અમને સમતા અને શાંતિ આપો,
ધીરજ અને શ્રદ્ધા આપો, કે
અમે હિંમતપૂર્વક જીવન જીવીએ
વ્યર્થ વિલાપમાં સમય ન વેડફીએ
શોકને હૈયે વળગાડીને ન ફરીએ;
આંસુથી અંધારા બનેલા પથ પર
અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ
વ્યથાનાં વમળોમાંથી જ અમે સત્ ચિત્ આનંદનું
કેન્દ્ર શોધી કાઢીએ;
મૃત્યુના અસૂર્ય-લોકમાંથી નીકળી અમે
શાશ્વત જીવન પર દૃષ્ટિ માંડીએ;
અને
પાર્થિવ સંબંધના બધા તાર તૂટી ગયેલા લાગે,
ત્યારે એક અમૃતલોક એવો છે
જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી
એનું અમે દર્શન પામીએ, એ માટે
અમને બળ આપો
 પ્રકાશ આપો
 પ્રજ્ઞા આપો.

[સ્વજનની વિદાયવેળાએ]