પરમ સમીપે/૯૫
જીવનના, તેજ-છાયાથી ભરેલા હજારો દિવસો
જેમની સાથે મેં વિતાવ્યા છે,
તેમની હવે વિદાયની પળ આવી છે.
ભગવાન, અત્યારે હું મારો વિચાર નહિ કરું,
હું કેમ જીવીશ ને મારું શું થશે — એની ચિંતા નહિ કરું,
પ્રેમથી અમે સાથે જીવ્યાં છીએ
પ્રેમથી હું વિદાય આપીશ.
પરમાત્મા, મને શક્તિ આપો કે,
વિદાયવેળાએ હું તેમને શાંત કંઠે કહી શકું :
“આ મર્ત્યલોક છોડી, પ્રકાશના લોક ભણી
હળવેથી ઊડી જાવ, પ્રિય —!
તમારી આસપાસ અમારા સહુનો પ્રેમ ફોરી રહ્યો છે
એ પ્રેમથી તમારું હૃદય ભરી લો
શરીરને ભૂલી જાવ,
જીર્ણ વસ્ત્રોની પોટલીની જેમ એને અહીં જ મૂકી દો
અને અમૃતના માર્ગ પર નવપ્રયાણ કરો.
તમે જ્યાં જશો ત્યાં, અમારાં પ્રેમ ને શ્રદ્ધા હંમેશાં સાથે હશે.
કશો ભય નથી, કોઈ દુઃખ નથી
ત્યાં શાંતિ છે, વધુ વિશાળ સત્યોની ભૂમિ છે.
શરીરની યાતનાઓમાંથી મુક્તિની ઘડી આવી છે
બધો અતીત, બધી આસક્તિ ખરી જાઓ.
કશાનો ખેદ ન રહો.
ભગવાનનો પ્રેમ,
એ અંતહીન, મધુર પ્રેમ
આપણો વાંક કદી મનમાં ન ધરતો, ક્ષમા કરવાને સદા તત્પર
એવો પ્રેમ તમને પોતાના બાહુમાં સમાવી લેવા તૈયાર ઊભો છે.
સુખેથી જાઓ, નિર્ભયતાથી આગળ પગલું મૂકો
બધું શાંતિમય, આનંદમય, કલ્યાણમય જ છે.
ૐ શાંતિ શાંતિ શાંતિ…”
[ચિર વિદાયની વેળાએ]