પરમ સમીપે/૯૪
પૃથ્વી પર મારા આ છેલ્લા દિવસો છે,
હવે કોઈ પણ ઘડીએ મારી આંખ મીંચાઈ જાય એમ બને.
જીવનની આ છેલ્લી પળોમાં,
હે પરમાત્મા,
હું તમારી ને કેવળ તમારી જ નિકટતા અનુભવી રહું, એવું કરજો.
મારું મન કશી વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ વૃત્તિમાં રોકાઈ ન રહે
કોઈ પીડાથી તે વિચલતિ ન થાય
કોઈ અધૂરપથી ગ્લાનિમાં ન અટવાય
એવું કરજો
મૃત્યુપળે હું માગું છું માત્ર તમારું સ્મરણ
તમારું સાન્નિધ્ય
હોઠ પર તમારું નામ
હૃદયમાં તમારો ધ્વનિ.
નાનાં સુખો અને વિવિધ દુઃખોમાં
જીવનનો આ આખો માર્ગ પસાર થઈ ગયો.
શક્ય તેટલી શુદ્ધ રીતે મેં જીવવાનો પ્રયત્ન કર્યો છે
સાંસારિક છળપ્રપંચથી હૃદયને મલિન થવા દીધું નથી,
મેં તમારી ભક્તિ કરી છે
અને એની શાંતિથી મારું મન સભર છે.
હવે બધું છોડવાની વેળા આવી છે.
મારા મનમાં કશી ઇચ્છા નથી, કોઈ વાસના નથી,
કંઈ રંજ નથી, ક્યાંય ફરિયાદ નથી.
બધા દુન્યવી સંબંધો અને કાર્યકલાપોમાંથી
મારું મન પાછું ખેંચાઈ ગયું છે.
મૃત્યુની પરમ ઉત્કટ અનુભૂતિને જિજ્ઞાસાથી ઝીલવા
દેહની દીવાલો ભેદી વધુ પ્રકાશમય લોક તરફ ઊડી જવા
હું તૈયાર અને તત્પર છું.
હવે મૃત્યુ કોઈ પણ ક્ષણે આવે,
હું તેને પ્રશાંતભાવે જાગૃતિપૂર્વક ભેટી શકું,
દેહ-વિચ્છેદની પીડાથી અસ્પૃષ્ટ રહીને
તેને પરમ માંગલ્યની પળ બનાવી શકું
એવું કરજો.
મૃત્યુ સમયે
ખુલ્લા આકાશ તળે,
તમારી વિરાટતાનું, તમારા સત્યનું
તમારા પ્રકાશનું, તમારા પ્રેમનું ધ્યાન કરતાં
મારી આંખો આનંદથી મીંચાય,
એવું કરજો, હે પરમાત્મા!
[છેલ્લા દિવસોમાં]