પરમ સમીપે/૯૮
Jump to navigation
Jump to search
૯૮
મારી પ્રાર્થનાના શબ્દો જ્યારે શમી જાય
અને તેનો ધ્વનિ પણ આકાશમાં લય પામે
ત્યારે મારા ભાવનાં સ્પંદનો
હૃદયમાં ઝંકૃત થયા કરશે.
એ ભાવની લહરીઓ પણ
તમારે ચરણે ઢળી, ઊછળી, ઓસરી જાય
ત્યારે મારા પ્રાણના ગભીર તટે
તમારો સ્પર્શ રહેશે.
ભાવનાં આ વહેણ
ભાવસ્થૈર્યની પ્રશાંત ભૂમિમાં પહોંચે
ત્યારે તમારી સાથે
મારું અસ્તિત્વ ભાવ-ઐક્ય પામી રહેશે.