પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૦.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રી ભૂલાભાઈ જીવણજી દેશાઈનું ભાષણ

દશમી ગુજરાતી સાહિત્ય પરિષદ: નડિયાદ
ડિસેમ્બર: ૧૯૩૧

શ્રી ભૂલાભાઈ જીવણજી દેશાઈ
ઈ.સ. ૧૮૭૭


સાહિત્ય પરિષદને સાહિત્ય સિવાયની બીજી બાબતો જોડે પણ સંબન્ધ છે ખરો. પરિષદને ભંડોળ છે તેનું રોકાણ કરવાનો પણ વિચાર કરવો પડે છે. અને પરિષદને બંધારણ પણ છે. એ બંધારણને સરળ અને અનુકૂળ બનાવવા માટે નવમા પછી દશમું સંમેલન પણ નડિયાદ મુકામે મળ્યું હતું. બંધારણની આંટીઘૂંટીઓનો નિવેડો લાવવા માટે એ સમયે શ્રીયુત ભૂલાભાઈ જીવણજી દેશાઈ પ્રમુખપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યનીતિ અને કાયદાધારાધોરણના કામમાં શ્રી. ભૂલાભાઈની પ્રતિષ્ઠા સમસ્ત હિન્દને પરિચિત છે. મુંબાઈ શહેરના રાજકીય જીવનના એ અગ્રણી છે. કોંગ્રેસમાં એમનું સ્થાન મહત્ત્વનું અને ગૌરવભર્યું છે. બેરિસ્ટરના ધીકતા ધંધાનો ત્યાગ કરીને સ્વાતંત્ર્યયુદ્ધમાં તેઓ જોડાયા ત્યારથી તેમનો ત્યાગ સહુને પરિચિત થયો છે. અંગ્રેજી ભાષા પરનું એમનું પ્રભુત્વ તો જાણીતું જ છે. ધીમે ધીમે ગુજરાતીમાં પણ એમણે સારી પ્રગતિ કરી છે અને આજે એમના અનેકવિધ વિચારો તેઓ સમર્થ રીતે ગુજરાતી ભાષામાં દર્શાવે છે. તેઓ એક સમર્થ વિચારક છે એ તો ગુજરાત જાણે જ છે. ગુજરાતી સાહિત્ય સાથેનો એમનો સંપર્ક પણ એમના પ્રમુખ તરીકેના ભાષણમાં આપણી નજરે પડે છે. એમના જીવનઅનુભવો જો શબ્દદેહ ધારણ કરે તો ગુજરાતને રસપૂર્ણ વાચન મળે. પણ આજે તો એમનો ઘણો સમય દેશસેવાના કાર્યમાં વ્યતીત થાય છે. આવા એક સમર્થ અગ્રણી ગુજરાતીને પ્રમુખપદ અર્પીને પરિષદે એમનું ઉચિત સન્માન કર્યું છે. એમની દેખરેખ હેઠળ પરિષદનું બંધારણ સુસ્થિર થયું અને આજે પરિષદનું નાવ સરળ રીતે કાળપ્રવાહમાં ચાલે છે. એમના જ્ઞાનનો વિશેષ લાભ ગુજરાતને ભાવિમાં મળે તેવી આપણી આશા અસ્થાને નથી.

ગાંધીયુગનું ગુજરાતી

સન્નારીઓ અને સજ્જનો! દશમી ગુજરાતી સાહિત્યપરિષદનો પ્રમુખ નીમી, આપે મારો સત્કાર કર્યો છે, એથી મને ઘણો આનંદ થાય છે. આવી જાતના દરેક કાર્યના આરંભમાં યોગ્ય પ્રમુખની પ્રસંદગી વિષે ભિન્નભિન્ન વિચારો હોય અને હોવા જોઈએ, અને નીમવામાં આવનાર પ્રમુખને માટે શુદ્ધ બુદ્ધિથી તે વિચારો દર્શાવવા હોય તો તે દર્શાવવા પણ જોઈએ. પરંતુ તે જો વિનય અને મર્યાદાને ઓળંગીને અને આવા પ્રસંગના મોભ્ભાને ન છાજે એવી રીતે કહેવામાં આવે, તો જે ભાષા અને સાહિત્યની સેવા કરવાનો તેઓ દાવો કરે છે તે જ ભાષા અને સાહિત્યને હલકું પાડવા જેવું થાય છે. એ ગમે તેમ હોય; મારે વિષે તો હું એટલો જ ખુલાસો કરવાની જરૂર જોઉં છું કે તમારા નોતરાને સત્કારતાં પહેલાં મને મનમાં સહેજ આનાકાની થયેલી. પરંતુ જ્યારે શ્રીયુત ફૂલચંદભાઈએ મારી પાસે ઉતાવળે જવાબ માગ્યો, ત્યારે મેં મારા પરમ પ્રિય મિત્ર સરદાર વલ્લભભાઈની સલાહ લીધી. સારે નસીબે તે વખતે અમે સાથે રહેતા હોવાથી એ વાત પર ચર્ચા કર્યા પછી, અમને એમ લાગ્યું કે ગુજરાતી ભાષા અને સાહિત્યની અભિવૃદ્ધિ માટે સૌ કોઈ ગુજરાતીથી જે કાંઈ થઈ શકે તે કરવું એ તેની ફરજ છે, એમ માનવામાં અમે બન્ને એકમત થતાં મેં હા પાડી. હું જે કંઈ વિચારો તમારી આગળ રજૂ કરું એ સઘળા તમારે ગળે ઊતરશે એવો મમત કરતો નથી. પરંતુ મારા વિચારો દર્શાવવાથી ગુજરાતી ભાષાના વિકાસ સંબંધી વધારે ચર્ચા થાય, એટલું જ નહિ પણ આ પ્રસંગે અપાતા ભાષણથી જેઓની એક જ ઘરેડમાં ચાલી વિચારવાની ટેવ પડી છે, એમને કદાચ આઘાત થાય તોપણ ગુજરાતી ભાષા અને સાહિત્યના સૌથી ઉપયોગી મુદ્દા ઉપર ચોખ્ખા વિચાર થયા, એથી મેં હા પાડી. એમાં હું કેટલે દરજ્જે સફળ થઈશ એની મને ચિંતા નથી, પરંતુ તમારી મદદથી અને જ્યાં આપણે એકમત નહિ થઈએ ત્યાં પણ તમારી સદ્ભાવભરી સમજથી હું જે કાંઈ કરી શકું, એ પ્રયત્નમાં જ હું સફળતા માનું છું. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતી જનતાએ ગુમાવેલા શ્રી વાડીલાલ શાહ, શ્રી નથ્થુરામ શર્મા, શ્રી. મગનભાઈ પટેલ, શ્રી પૃથુ શુક્લ અને શ્રી હરગોવિંદદાસ કાંટાવાળા, એમના શોકજનક મૃત્યુની નોંધ લેવી ઘટે છે. આપણે એમનાં કુટુંબને ગયેલી ન પૂરાય એવી ખોટ માટે દિલસોજી દાખવી, સદ્ગતના આત્માને શાન્તિ મળે એવી પ્રાર્થના કરીએ. શ્રી હરગોંવિદદાસ જેવા વિદ્વાન, શ્રી વાડીલાલ જેવા વિચારક, શ્રી હીરાલાલ જેવા તત્ત્વચિંતક, શ્રી નથ્થુરામ જેવા પંડિત, અને શ્રી પૃથુ શુકલ જેવા કવિ, તેમ જ શ્રી મગનભાઈ જેવા ઉત્સાહી કાર્યકર્તા ફરીને મળવા મુશ્કેલ છે. પ્રભુ તેમના આત્માને શાન્તિ આપો. આ પ્રસંગે પારસી કવિ શ્રીયુત ખબરદારને એમણે ગુજરાતમાં વસી સાચા ગુજરાતી થઈ, ગુજરાતી લોકજીવનને સ્પર્શીને જે સેવાઓ કરી છે તે માટે અભિનંદન ઘટે છે. ગુજરાતના રાષ્ટ્રજીવનના ઘટતરમાં હજીએ એ કવિ પોતાથી બનતો ફાળો આપશે, એવી આશા ગુજરાત રાખે છે. ખુદા એમને દીર્ઘાયુષ્ય બક્ષો. આ પરિષદ તો બંધારણને જ અંગે હોઈને મારે સાહિત્યના વિષયમાં ઊતરવાની જરૂર નથી, એવું કહેવામાં આવ્યું છે એ હું જાણું છું, પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય, અને એની સાથે પરિષદના બંધારણને કંઈ જ લાગતું વળગતું નહિ હોય તો એવી પરિષદની જરાયે ઉપયોગિતા હું જોતો નથી. એટલે આ પ્રસંગે મારા વિચારો ટૂંકમાં જણાવવાની હું જરૂર જોઉં છું. ચાલુ બંધારણના હેતુઓ જોતાં, (ક) “ગુજરાતી ભાષા અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી અને ફેલાવવી.” વગેરે, તેમ એના ઉદ્દેશ તપાસતાં મને એમ લાગે છે કે સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી એ બહુ ગૌણ વાત છે. પ્રાચીન સાહિત્યને જાળવી રાખવું અને એનું સંશોધન કરવું, એ પણ એક ગૌણ વાત છે. પ્રાચીન સાહિત્ય તો પ્રાચીન જ રહેશે અને યથાકાળે એ પોતાનું થાન આપોઆપ નક્કી કરી લેશે. એ પહેલાં પ્રજાએ સાહિત્યમાં વધારે રસ લેતા થવાની જરૂર છે. પ્રજા અને સાહિત્ય વચ્ચેની ઊંડી ખાઈ પૂરવાની પહેલી જરૂર છે. વધારે પ્રમાણમાં પ્રજા વધારે રસ લેતી થાય તો આપોઆપ પ્રાચીન સાહિત્યનું સંરક્ષણ તે કરશે જ, અને તેનું સંશોધન પણ થશે જ. ઉપર જણાવેલા હેતુઓ અપૂર્ણ છે, અધૂરા છે. હું માનું છું કે પરિષદ મંડળનો હેતુ ભવિષ્ય તરફ નજર રાખી ભાષાની ગતિ કઈ દિશા તરફ દોરવી, એ હોવા જોઈએ. ભવિષ્યની પ્રજાના ઘડતરમાં ભાષા કેવો અને કેટલો સંગીન ફાળો આપી શકશે, એ દિશામાં ભાષાપ્રવાહ વાળવાનું આપણું લક્ષ હોવું જોઈએ. એ સિવાયના સઘળા હેતુઓ ગૌણ છે. દેશકાળનો વિચાર કર્યા વિના યોજેલા હેતુઓનો કંઈ ઉદ્દેશ જ નથી. ભાષાના વિકાસ સંબંધી આપણે જરા વધારે વિચાર કરવાની જરૂર છે. હું માનું છું કે સાહિત્યનું મુખ્ય અંગ તો ભાષા જ છે. ભાષામાં જે કહેવાનું છે તે સ્પષ્ટ રીતે કહેવામાં ન આવે, અને તેની સચોટ અસર ન થાય, તો તે ખરી ભાષા નથી. ટૂંકમાં જે બોલવામાં તેમ જ લખવામાં આવે છે, તે સ્પષ્ટ અને અસરકારક હોવું જોઈએ. એવી વાણી તે જ ભાષા. એમાં ભાષાનાં બંધારણ વિષે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એને આપણે શૈલી કહીએ, ઘાટ કહીએ, રૂપ કહીએ, ગમે તે નામ આપીએ. શબ્દરચનાનાં જાતજાતનાં પ્રકાર થઈ શકે છે. કેટલાક એ શબ્દોને જેમ બને તેમ અનિયમિત રીતે ગોઠવવામાં લહાવો માને છે, તો કેટલાક એ શબ્દોને ઠાંસીઠાંસીને આનંદ લે છે, તો કેટલાક એમાં સંસ્કૃત અલંકારોનાં ભાર ચઢાવવાં મોટાઈ માને છે. એમ સૌ કોઈ પોતાની મરજી પ્રમાણે શબ્દની ગોઠવણી કરે છે. એ બધી રચનામાં જે શબ્દરચના સૌથી સરળ, સહેલાઈથી સમજી શકાય તેવી, અને એમ છતાં પણ અર્થવાહી અને રસભરી હોય તે જ શબ્દરચના સૌને પ્રિય પણ થઈ પડે. એવી શબ્દ રચનાના – પછી ગદ્ય કે પદ્ય – ગમે તેટલા વિભાગો પાડો. જે વાણી ખળખળ વહેતા ઝરા જેટલી નિર્મળ અને પ્રવાહી નથી, જે વાણીની મન ઉપર છાપ પડતી નથી, તે વાણીની કંઈ જ ઉપયોગિતા નથી. વળી જે ભાષા લોકસમસ્તનાં વિચાર તેમ જ વર્તન સાથે પૂરતો જીવંત સંબંધ ધરાવતી નથી, તે ભાષા લૂલી, નબળી અને પ્રયોજન વિનાની છે, એ ભાષાનો કંઈ અર્થ નથી. ભાષા તો તે, કે જે આખી પ્રજા સમજે. જે ભાષા, પ્રજાનાં વિચારવર્તન, પ્રજાનાં સુખદુઃખ, પ્રજાના આનંદઓચ્છવ, પ્રજાના સમાજજીવનથી જેટલી અળગી રહે, તેટલી તે નકામી તે નિર્જીવ છે. અને તેટલા જ પ્રમાણમાં તેની નિષ્ફળતા છે. ભાષા એ સકળ લોકની વાણી છે. ભાષા દ્વારા જ સકળ લોકનો જીવનવ્યવહાર ચાલે છે. ભાષામાં પ્રાણ ન હોય, એ ભાષાનું પ્રયોજન શું? જે ભાષા લોકજીવનને ઉત્તેજે, લોકજીવનમાં આનંદ લાવે, એમનાં જીવનમાં રસ રેડે, લોકજીવનને બોધ આપે, લોકજીવનનું પરિવર્તન કરાવે, એમને પ્રેરણા આપે, લોકજીવનને બળ આપે, એમનામાં વિચારની વૃદ્ધિ કરે, એને ધીમે ધીમે ઉચ્ચ માર્ગે જવા પ્રેરે અને જેમાં લોકજીવનનો ઉદ્દેશ સમાઈ રહેતો હોય તે જ સાચી ભાષા. તે જ લોકોપયોગી ભાષા. તે જ લોકવ્યવહારની ભાષા. અને તેનું નામ જ ખરી ભાષા. છેલ્લાં દશ બાર વર્ષમાં ગુજરાતને સારે નસીબે એવી સુંદર ભાષા સાંપડી છે. હું તો હિમ્મતભેર એ જમાનાને ગાંધી-યુગ કહું છું. હું જાણું છું કે હું આ નામ આપું છું તે સાહિત્યની દુનિયામાં કેટલાકને ખૂંચશે. પણ સાહિત્યની દુનિયા કંઈ લોકજગતથી જૂદી તો નથી જ, અને ન હોવી જોઈએ અને હોય તો એ દુનિયા ઉપયોગ વિનાની અને દાંભિક છે. બે પાંચ વર્ષના નાનકડા ગાળાને યુગો કે પેઢીઓનાં નામ જેને આપવાં હોય તે ભલે આપે, પણ તેમને ગુજરાત અને ગુજરાતી સાહિત્યને નામે એવો દાવો કરવાનો હક્ક નથી. ગયા યુગ ગમે તે હોય, આજે તો એક જ યુગ છે – અને તે ગાંધી-યુગ. જે જમાનાએ લોકોનો આચારવિચાર, વિચારસરણી, રહેણીકરણીએ સૌને પલટાવી નાંખ્યાં, જે જમાનાએ લોકોમાં વીજળીવેગે જાગૃતિ આણી, લોકોની ધર્મની અને કર્મની ભાવનામાં પલટો આણ્યો, એને યુગ નહીં કહીએ તો શું કહીએ? હજી તો એ યુગનો આરંભકાળ છે, હજી તો કેટકેટલા પલટા થશે – થયાં કરશે. એ બેસી ચૂકેલા યુગ તરફ જેને આંખમીંચામણાં કરવાં હોય તે ભલે કરે; પરંતુ આજે નહીં તો કાલે એ યુગને યુગ તરીકે, તેમજ એ યુગનાં પ્રેમાવતાર મહાત્મા ગાંધીને એ યુગના નેતા તરીકે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. પછી ભલે તે સાહિત્યની દુનિયા હોય કે બીજી કોઈ હોય. ગાંધીયુગનું સાહિત્ય પણ વિશાળ છે. વિશાળ છે એટલું જ નહીં પણ વિચારસમૃદ્ધ પણ છે. એ પ્રેરક, બોધક અને વ્યાપક પણ છે. એ યુગને લઈને વધતા જતા સાહિત્યની અંદર સજીવ ફાળો આપનાર શ્રી મહાદેવ દેસાઈ, શ્રી રામનારાયણ પાઠક, શ્રી જુગતરામ દવે, શ્રી ચન્દ્રવદન મહેતા, શ્રી ગિજુભાઈ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી ઝવેરચંદ મેઘાણી, શ્રી લલિતજી, શ્રી નરહરિ પરીખ, શ્રી કાલેલકર, વગેરેનું એ સાહિત્યની દુનિયામાં સ્થાન બેશક ઘણું ઊંચું છે. સરદાર વલ્લભભાઈ પોતાને સાહિત્યની દુનિયાની વ્યક્તિ ન ગણાવે કે પોતે એક નવલકથા કે શ્લોક નહીં વાંચ્યાનું જણાવે, તો પણ એમના સરળ અને શુદ્ધ તળપદા ગુજરાતીને સાહિત્યની દુનિયામાંથી કેમ અળગું રખાય? જે જબાને જગતનો તાત એવા ખેડૂતના જીવનમાં નવું જોમ પેદા કર્યું, જેના ખંડિયેર હાડકામાંથી નવી જીવતી જોધ કાયા બનાવી, એ વાણીને સાહિત્યની અમૂલ્ય દોલત ગણવાનું અભિમાન કોઈ નહીં લે? પ્યારા વતનની પાક મટ્ટીમાંથી પાકેલા ખરા વતનદારોની જીન્દગીમાં નવી મસ્તી, નઈ તમન્ના, જગાવી એમને સાચા ભડવીર બનાવનાર વીર વલ્લભભાઈની વાણીને કયો કમનસીબ સાહિત્યનું અંગ ગણતાં અચકાશે? અને મહાત્મા ગાંધીજીએ કરેલી ગુજરાતી ભાષાની સેવાનો આંક આંકનાર આપણે કોણ? જેણે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિઓનો અને જૂના અને નવા વિચારોનો સુંદર મેળ સાધી અનંત સત્યનું સ્વરૂપ પ્રકટ કરી સમજાવ્યું; એટલું જ નહીં પણ એ સતદીવડાના પ્રકાશ વડે ગુજરાતને ગામડે ગામડે અને ઘરેઘર અજવાળાં કર્યાં એની સેવાની આંકણી શી રીતે થઈ શકે? લગભગ પાંચસો વર્ષ અગાઉ આદિ કવિ નરસિંહ મહેતાએ જે ગાયું,

“વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે”

એ કાવ્યભાવનો આદર્શ જીવનાર, ધીરા ભગતે કહ્યું તેમ,

“તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં,
અજાજુથ માંહે રે એક સમરથ ગાજે સહી.”

એમ સમરથની માફક ગરજનાર, તેમજ,

“ખબરદાર મનસૂબાજી, ખાંડાની ધારે ચઢવું છેજી,
હિમ્મત હથિઆર બાંધી રે, સત્યની લડાઈએ લઢવું છેજી.”

એમ હિમ્મત હથિયાર બાંધી સત્યની લડાઈઇએ લઢનાર, સુરદાસે કહ્યું તેમ,

“સબસેં ઊંચી પ્રેમસગાઇ”

એ પ્રમાણે સબસે ઉંચી એવી પ્રેમસગાઈ સાધનાર, વળી ધના ભગતે કહ્યું તેમ,

“રામબાણ વાગ્યાં હોય તે જાણે:”

એમ રામબાણથી ઘવાઈ જનાર, કબીરજીએ કહ્યું તેમ,

શૂર શંગ્રામ કો દેખ ભાગે નહી, દેખ ભાગે વોહી શૂર નાહી.

એમ સંગ્રામની પણ નવી નીતિ, અને નવો ધર્મ સરજનાર ગુજરાત અને ગુજરાતી ભાષાને નવજીવન આપનાર, હિન્દુસ્તાનને સતેજ કરનાર, અને જગતને નવો પેગામ આપનાર એ અમર વ્યક્તિનાં ગુણગાન જેટલાં ગાઈએ એટલાં ઓછાં છે. છેલ્લા દાયકામાં આપણી ગુજરાતી ભાષાને સરળ અને સચોટ, તીણી અને માર્મિક, બળવાન અને બુલંદ, નીડર અને નક્કર, વિનયભરી અને રસિક બનાવનાર સૌ કોઈ ભાષાભક્તોને મારાં અભિનંદન છે. વળી ભાષાનો આધાર કેવળ કલ્પનાના પરદેશી સાબુના ફીણથી ઉરાડેલા ગોળા ઉપર હોઈ જ ન શકે. ભાષાનું પોષણતત્ત્વ તો તે પ્રાંતના સાચા જનસ્વભાવના આલેખનમાં જ છે. જ્યાં સુધી એના સ્વભાવનું ખરું રહસ્ય ભાષામાં ઊતરે નહી ત્યાં સુધી ભાષાની કાયા રોગવાળી જ રહે છે, તેમ જ ભાષા સત્ય અને સ્વતંત્રતાના સિદ્ધાંતપર ઘડાયલી ન હોય તો તેનું કલેવર સડેલું જ ગણાય. હું ફરી ફરીને કહું છું, કે ભાષા સાદી અને સરળ હોવી જોઈએ. જેટલું સત્ય સાદું છે, અને સ્વતંત્રતા જેમ વહાલી છે, તેમ જ ભાષાનું કલેવર સાદું અને સજીવન હોવું જોઈએ; એનું વણાટકામ ભલે જાડું હોય કે બરછટ હોય. ભાષામાં શબ્દો પણ સમજાય એવા હોવા જોઈએ. અર્થ વિનાના પાંડિત્ય ભર્યા શબ્દોને આમતેમ ઘુસાડવાથી ભાષાનું પોત બગડે છે. ચોરીનાં હાલ્લાં શીકે ન ચઢે તે હવે સમજી જવું જોઈએ. ભાષા તો એક સાધન છે, ધ્યેય નહીં. અત્યારની આપણી દશા જોતાં, દેશકાળનો વિચાર કરતાં, ભાષા સાથે વાગ્વિલાસ કે શબ્દરચના નહીં કરી શકીએ. અત્યારે ભાષા સાથે લાડ કરનાર કે શબ્દોને લાડ લડાવનાર ભૂલ કરે છે. અત્યારે ભાષામાં શણગાર ચઢાવવવામાં વખત બગાડવાનું આપણને પાલવે તેમ નથી. એ બધા વાણીવૈભવ અત્યારે આપણને છાજતાં પણ નથી. એ છાજે જ્યારે આપણો સારો અને સ્વતંત્રતાનો સમય હોય ત્યારે. એ છાજે જે દેશે મુક્તિ મેળવી હોયે તેને. આપણી દશા અત્યારે વાણીવિલાસ કરવા જેવી નથી. અહીં નીચેની લીટીઓ અસ્થાને નહિ ગણાય.

મહા રોગને મૃત્યુના સાગરમાં;
લાખો ચીસ નિઃસાસ ભર્યા જગમાં.
સિતમે સળગંત ધરા-તલમાં,

રસ સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સોનેરી ભૂખ્યાં જનને
ત્યારે હાયરે હાય કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે?

સારા વિશ્વની જે દિ ક્ષુધા સમશે,
ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,
પૂરી રોટી પ્રતિ જનને જડશે,

કવિ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,
તારા કુંજન આજ જલાવી દે પ્રાણ! રે દંભ ગાવા તને કેમ ગમે?

આપણે જરૂર નવા ઘાટ ઘડી શકીશું. એમાં નવીન નકશી પૂરી શકીશું, જ્યારે દેશ સ્વતંત્ર થયો હશે ત્યારે. અત્યારે તો હિન્દુસ્તાનનાં સાચા ગૌરવરૂપ એના ખેડૂતો અને મજૂરના જીવનને સ્પર્શ કરી, એમને ઊંચી કક્ષાએ લાવવામાં, એમના સંસ્કારને સજીવન કરવામાં, ભાષાને ખપમાં લેવી જોઈએ. ભાષાનો વિકાસ અને એમના જીવનનો વિકાસ એકબીજા સાથે સંકળાયલાં હોવાં જોઈએ. અત્યારે તો રાષ્ટ્ર જીવનના ઘડતરમાં ભાષાનો ઉપયોગ થવો જોઈએ. અત્યારે તો મુક્તિનો એ ધનભાગ્ય દિવસ વહેલો આણવાને ભાષા સાધન તરીકે વાપરવી જોઈએ. ગઈ કાલ સુધી આપણે બધો વ્યવહાર લગભગ અંગ્રેજી ભાષાદ્વારા ચાલતો. હજી પણ કેળવણીના વિષયમાં આપણે હદપારની ગુલામી મનોદશા ભોગવી રહ્યાં છીએ. બાકીના સઘળા જીવનવ્યવહારમાં જ કેવળ નહીં, પરંતુ જનતાની શિક્ષણપદ્ધતિમાં પણ તે જ ગુજરાતી ભાષા દ્વારા જ અપાવી જોઈએ. અને તે જ ઉદ્દેશથી ગુજરાતી ભાષાની ખિલવણી કરવી જોઈએ. એટલું જ નહિ પણ સઘળી વિદ્યાપીઠોમાં મુખ્ય ભાષા ગુજરાતી જ હોવી જોઈએ. અને અંગ્રેજી બીજી ભાષા તરીકે રહેવી જોઈએ. યુરોપનાં દેશોમાં જર્મનીમાં જેમ અંગ્રેજી, ફ્રાંસમાં જેમ સ્પેનીશ અને ઇંગ્લાંડમાં જેમ ફ્રેન્ચ શીખવવામાં આવે છે તે પ્રમાણે હિન્દુસ્તાનમાં અંગ્રેજી ભાષા શીખવાવી જોઈએ. “સ્વભાષા દ્વારા શિક્ષણ” એ સૂત્ર પર જેટલી ચર્ચા થઈ છે, તેનાં પ્રમાણમાં એ દિશા તરફ કંઈ સક્રિય કામ નથી થયું, એ ખરેખર શોકજનક છે. આ દશાથી આપણી ભાષાને ઘણું ખમવું પડ્યું છે. પરંતુ હવે તો કેળવણી શિવાયનાં બીજાં ક્ષેત્રોમાં ગૂજરાતી ભાષાની ઉપયોગિતા અંકાવા માંડી છે, અને ભાષાની સાદાઈ અને સરળતા તેમ જ બીજા અનેક કારણોને લઇને લોકજીવન એટલું તો જાગૃત થયું છે કે રાજકીય વિષયમાં નાણાંવિષયમાં સમાજસેવામાં, ધર્મ અને કર્મના વિષયમાં લોકોએ ખૂબ રસ લેવા માંડ્યો છે અને તેની સાથે સાથે ગુજરાતી ભાષાની પણ ખિલવટ થઈ છે. જગતભરની હાલની ભાષાઓની ઇબારત સાદાઈ તરફ વહે છે, અને એમની મૂળ ભાષા કે માતૃભાષાની અક્ષરમાંથી છૂટી થઈ ભારેખમ અને શાસ્ત્રીય બંધારણ ત્યજી તદ્દન સાદી અને સરળ થતી જાય છે. ગ્લેડસ્ટનનું અંગ્રેજી બદલાઈ જોન બ્રાઈટનું અંગ્રેજી સ્થપાયું, અને મિલ્ટનની પદ્યભાષાની જગ્યાએ ટેનિસનની શૈલી દાખલ થઈ. છેલ્લાં વીશ વર્ષમાં ભાષાનો ઝોક સાદાઈ અને સરળતા તરફ એટલો બધો વધી ગયો છે, કે કેટલાક લોકોની આંખમાં એ પલટો તો એક મોટી ક્રાન્તિ જેવો લાગે છે. માટે હું ફરી ફરીને કહું છું કે ભાષા સાદી, સરળ અને રાષ્ટ્રજીવનને ઘડનાર અને પોષનાર હોવી જોઈએ. આવા પ્રકારની ભાષામાં લખાય એ જ ખરું સાહિત્ય. ગઈ કાલ સુધીનું સાહિત્ય આ કસોટીએ તપાસતાં માલમ પડશે કે ઘણે ભાગે તે અર્થ વગરનું, ઉપયોગ વગરનું અને જીવ વગરનું નીવડ્યું છે. રાષ્ટ્રના ઘડતરમાં કવિતા એક સાધન છે, અને એની સંગીતમયતા અને ઊર્મિપ્રાધાન્યને લઈને લોકજીવનમાં સંસ્કારિતાની પોષક છે, એમ હું માનું છું અને એનો જેટલો ઉપયોગ થાય એટલો કરવો જોઈએ. પરંતુ બુદ્ધિના અખાડામાં ઊતરી અક્ષરોના દાવપેચ કરવામાં કવિતાનો ઉપયોગ અત્યારે બીનજરૂરી છે. નવલકથા પણ રાષ્ટ્રાજીવનનાં ઘડતરમાં મોટું હથિયાર છે, જો વાપરતાં આવડે તો. પરંતુ પરદેશી રેસાઓ ઉપર નવલકથાની વસ્તુ ગૂંથાયાં કરવાની હોય અથવા નકલી કે ખોટા ઇતિહાસ પર રચાયલી આદિ નવલકથાને પાટલે મૂકી પૂજ્યાં કરવાની હોય તો એવી નવલકથાની કંઈ જ કિમ્મત નથી. તેમજ નવલકથા કેવળ રંજન ખાતર વખત કાઢવા માટે જ લખાવાની હોય તો હું કહું છું કે એ સમય અને ધનનો ખોટો વ્યય છે. અત્યારે આપણો એવો સમય નથી કે ગાદી તકિયે કે આરામખુરશીએ બેસી આપણે કેવળ દિલ બહેલવવા સાહિત્ય વાંચ્યા કરીએ. અત્યારે તો સાદી અને સરળ ભાષામાં લોકજીવનને મુક્તિને માર્ગે દોરે એવી રાષ્ટ્રવિધાયક નવલકથા હોય, તો જ તે તેનો કાંઈક ઉપયોગ છે. રા. કનૈયાલાલ મુનશીનાં તેમજ શ્રી ગૌરીશંકર જોષી (‘ધૂમકેતુ’)નાં લખાણો જેટલે અંશે ગુજરાતનાં લોકજીવનને સ્પર્શ્યાં છે, અને ગુજરાતી ભાષાનો પ્રવાહ જે દિશામાં વહેવો જોઈએ તેને અનુસરીને આલેખાયાં છે, તે પ્રમાણમાં તેનું ગુજરાતી સાહિત્યમાં સ્થાન છે. એ જ વાત નાટકોને માટે. તકલાદી અને કૃત્રિમ જીવનને અને અસંસ્કારી રહેણીકરણીવાળા જીવનને નાટકના તક્તાપર રજૂ કરવાથી આપણો દહાડો નહીં વળે. અને રંગભૂમિનો સડો દૂર નહીં થાય. સમાજની કાળી બાજુને કોઈ પણ જાતના મુદ્દા વિના, એની અસરનો વિચાર કર્યા સિવાય, ચૂનો ઢોળવાની કૂચિયા-પીંછીથી બેચાર ધાબાં મારી ચીતરાયલાં નવલકથા અને નાટકોને હું તો ઘણાં જ હાનિકારક માનું છું. પ્રામાણિકતા અને નગ્ન સત્ય કહેવાની હિમ્મતના બહાના હેઠળ, નાટકની શુદ્ધ કળાને વંઠેલી ન બતાવી શકાય. રણછોડભાઈ, ડાહ્યાભાઈ, મૂળશંકર, અને નથ્થુરામે, સાચા ગુજરાતી જીવનને સ્પર્શ કરવામાં ખરેખર સફળતા મેળવી હતી, અને એટલે દરજ્જે રંગભૂમિદ્વારા કુદરતી રીતે જનતાને લાભ પણ થયો હતો. પછી તો તે વહેણ, ઉજ્જડ રણમાં સુકાઈ ગયાં તે સુકાઈ જ ગયાં. નાટકોનો ખરો ઉપયોગ તો સમાજનાં બંધનો તોડવામાં થવો જોઈએ. આજ વર્ષોથી ગુજરાતી સમાજ અનેક હાનિકારક રૂઢિનાં અને ખોટાં ધાર્મિક બંધનોની અંદર સમસમી રહ્યો છે. એથી સમાજના આખા અંગનો વિકાસ નથી થઈ શકતો, પણ એ વધારે બેડોળ થતું જાય છે. એ બંધનોનું ઝેર તો એટલું બધું વ્યાપી ગયું છે, કે સમાજનું માનસ પણ તદ્દન ગુલામી દશાવાળું થઈ ગયું છે. એનાથી સ્વતંત્રપણે વિચાર પણ થઈ શકતો નથી. સામાજિક બંધનોના જુલમ તો અસહ્ય જ છે અને એનો જેમ બને તેમ વહેલો નાશ કરવાની જરૂર છે. સામાજિક સ્વતંત્રતા સાધવાને અને સમાજના પ્રાણ રુંધી રહેલાં બંધનો તોડવાને નાટકોને જરૂર સાધન તરીકે વાપરી શકાય. ત્યારે લોકજીવનને સ્પર્શે અને પલટે, એ ખરી ભાષા અને ખરું સાહિત્ય. આકાશમાંના તારાઓ જેટલું ઊંચું અને એ ઊંચાઈએ ધૂમકેતુઓની માફક ફરી, કોઈ કોઈક વાર દેખા દઈ લખાયલું સાહિત્ય તે સઘળું નિરર્થક. સંસ્કૃતની શબ્દચમત્કૃતિઓ વડે ચમકાવી, અને જ્ઞાનના આડબંરભારવડે લાદીલાદી, બીજાઓને બાળક જેવા લેખી, પોતે ઊંચે આસને બેસી રહેવાનું સલામત માનનારાઓએ સરજેલું સાહિત્ય, કેવળ ઓળા સમાન છે. એ સઘળું લોકોને મન ટગર ટગર જોયાં કરવા પૂરતું જ, સમજવા માટે નહીં. શબ્દોના એ ઠાલા ભણકારા લોકોને મન અર્થ વગરના છે. નરસિંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ અને નર્મદ પછી તો ગાંધીયુગ. અને ગાંધીયુગ તે જ અમરયુગ. એ યુગનું સર્જન તે જ સાચું સર્જન. એ યુગનાં પોષક તત્ત્વો એ જ સાચાં તત્ત્વો. હજી તો એ યુગનું પરોઢિયું છે. એના મધ્યાહ્ન સમયમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો પૂરો વિકાસ થશે. પત્રકારિત્વ પણ સાહિત્ય જ છે. વર્તમાનપત્રો પણ સાહિત્યનું અંગ છે. તેમાં લોકજીવન ઘડવાની અગાધ શક્તિઓ રહેલી છે. શુદ્ધ અને પ્રામાણિક હેતુથી લખનાર, રાષ્ટ્રજીવનના ઘડતરમાં વર્તમાનપત્રોના ફાળાની જેટલી કદર કરીએ એટલી ઓછી છે. આ સંબંધે સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેશાઈ, મહેરજીભાઈ માદન, મૂર્હમ કેખશરૂ કાબરાજી, અને મૂર્હમ બેહેરામજી મલબારી, શ્રી. ઠાકોરરાય ઠાકોર, શ્રી મણિભાઈ દેશાઈ, શ્રી. ચન્દ્રશંકર પંડ્યા, શ્રી. સોરાબજી કાપડિયા, શ્રી. શામળદાસ ગાંધી, શ્રી. ખંડુભાઈ દેશાઈ, શ્રી. પ્રભુદાસ મોદી, શ્રી. જયંતીલાલ અમીન, અને શ્રી અમૃતલાલ શેઠ, વગેરેની ખાસ નોંધ લેવી ઘટે છે. આ પરિષદના સત્કારમંડળના અધ્યક્ષ શ્રી. અંબાલાલ બુ. જાનીની ગુજરાતી સાહિત્યની સેવા ગુજરાતી સાહિત્યનાં ઘણાં ક્ષેત્રોમાં છે, પરંતુ વર્તમાનપત્રદ્વારા તેમની ગુજરાતી જનસમાજની સેવા ગયાં પચ્ચીશ વર્ષ થયાં સતત અને સંગીન છે, તે સારુ એમને હું ખાસ અભિનંદન આપું છું. જે સંસ્થાઓ ગુજરાતી સાહિત્યને લોકોપયોગી બનાવી શકે છે તેમની સેવાની કિમ્મત પણ કાંઈ ઓછી નથી. ગુજરાતને ગામડે ગામડે પુસ્તકો પહોંચી શકે એટલું જ નહિ, પણ ત્યાંના લોકોને ખરીદવાને સુગમ થઈ પડે એટલાં સસ્તાં વહેંચી શકે એવી સંસ્થાઓને તો ખરેખર ધન્યવાદ છે. મારી જાણમાં તો એવી બે સંસ્થાઓ છે. એક તો “સસ્તું–સાહિત્ય–વર્ધક કાર્યાલય”, અને બીજું “નવજીવન કાર્યાલય.” “સસ્તું–સાહિત્ય–વર્ધક” સંસ્થાએ સારાં અને સરળ ગુજરાતી પુસ્તકોમાં પ્રકાશનો કરવામાં જે ફાળો અપ્યો છે, તે માટે ભિક્ષુ અખંડાનંદનો ગુજરાત જેટલો ઉપકાર માને તેટલો ઓછો છે. ખરું જોતાં તો એ કામ સાહિત્યપરિષદનું જ કહેવાય અને તે ક્યારનું થવું જોઈતું હતું. “સસ્તા સાહિત્ય” તરફથી પુસ્તકો ગુજરાત ઉપરાંત ગુજરાત બહાર જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે દેશેદેશ પહોંચ્યાં છે, એ ખરેખર આનંદની વાત છે. એ જ પ્રમાણે તદ્દન પડતર કિંમતે હળવું અને વિચારભર્યું સાહિત્ય પ્રકટ કરી, પ્રચાર કરવામાં “નવજીવન કાર્યાલય”નો હિસ્સો પણ જેવો તેવો નથી. સારું તેમ જ સરળ સાહિત્ય પ્રકટ કરવું, અને લોકોને તેમાં રસ લેતાં કરવાં, એ કંઈ સાધારણ કામ નથી. એમાં કુનેહ, ઝીણી સમજ, નાડ પારખવાની આવડત, અને ઊંચી કલા અને સેવાભક્તિની જરૂર છે. સાહિત્ય પરિષદ આ દિશામાં જેટલું કરે તેટલું ઓછું છે. આજ સુધી એ દિશામાં કંઈ ન થયું હોય તો ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાની જરૂર છે. બીજી પ્રચારક સંસ્થાઓ મુંબાઈ, અમદાવાદ, રાણપુર, વગેરેમાં છે, પણ ઉપલી બે સંસ્થાઓના શુભ અને પ્રથમ પ્રયાસ તો ખરેખર દાખલા રૂપ જ છે. તેમાંય નવજીવનના કાર્યવાહકોનું તો ગુજરાત સદા સર્વદા ઋણી જ રહેશે. છેવટે સાહિત્યની સેવા કરવાની ધગશ રાખનારા મારા જુવાન મિત્રોએ બે બોલ કહેવાની જરૂર જોઉં છુ. પંડિત અને વિદ્વાનોએ વારંવાર સલાહના શબ્દો કહ્યા હશે. અને ખાસ કરીને ભાષાના ઇતિહાસ વિશે, કર્તા અને ક્રિયાપદની ગોઠવણી વિશે, અને અત્યંત આગ્રહપૂર્વક તો જોડણીના નિયમો વિશે ડહાપણના શબ્દો કહ્યા હશે. વ્યાખ્યા અને નિયમોના તમારા જ્ઞાનભંડારમાં હું કંઈ પણ ઉમેરો નહીં કરી શકું. જોડણીના અને વ્યાકરણના નિયમોને ડગલે ડગલે ઠોકરો મારવામાં કંઈ બહાદુરી કે મોટાઈ નથી, પરંતુ એ વિષયમાં ચિવ્વટ-હદબહારની ચિવ્વટ રાખી, માથા કરતાં મણીકો ભારી કરવામાં પણ કંઈ સાર નથી. ભાષાને માટે નિયમ છે, નિયમને માટે ભાષા નથી. જગતની સઘળી ભાષાઓમાં ફેરફાર તો થયાં જ કરે છે. અંગ્રેજી ભાષામાંયે આજે પણ એ ભાષાના ઘણાયે શબ્દોની જોડણી અને ઉચ્ચારમાં વારંવાર ફેરફાર થતા જાય છે. વ્યાકરણ અને જોડણીના કાબેલ ચોકીદારોની ચોકી છતાં ગુજરાતી ભાષાનું વલણ ભલભલાની નજર ચુકાવીને છટકીને આગળ વધતું જ જાય છે. અનેક નિયમોની જાળમાં દૃઢ બંધાયલી સંસ્કૃત ભાષાએ પણ દશીવીશીમાં દશાપલટ અનુભવી છે. એ ઘડભાંજ તો અસલ જૂની છે, અને તે ગમે તેવી ચોકસ નજરવાળી સિપાઈનો પહેરો હશે તોયે થયા જ કરવાની છે. માટે ઊગતા જુવાનિયાઓને હું ખાસ અરજ કરું છું. કે તમારે એની ચિંતા કરવી નહીં એ મારી એમને પહેલી સૂચના. અને બીજો બોલ એમને જે કહેવાનો તે એ કે અત્યારે ખરેખરો મન્થન કાળ છે, એનો પૂરેપૂરો લાભ લેજો. સાહિત્યનો ઘણીયે વાર કરવામાં આવે છે એવો સાંકડો અર્થ કરશો નહીં. તેમજ આડંબરી અર્થ પણ કરશો નહીં. સાહિત્યનો ખરો આધાર વસ્તુ ઉપર છે. અસલ ગુજરાત તો કેવુંયે માતબર હશે, કોણ જાણે. પણ અત્યારે તો નવું ગુજરાત પ્રકટી રહ્યું છે. એના તેજની રેખાઓ વડે ગુજરાત બહારનાં અંધારાં પણ અલોપ થવા માંડ્યા છે એ ગુજરાતમાં અત્યારે તપનો પ્રભાવ છે; દેશદાઝના ઊંચા ખમીર છે, ભોળા અને નીડર ખેડૂતોની ખરી મહેનત છે, સાચી નિખાલસતા છે, અજાયબ પમાડે એવી ત્યાગની ભાવના અને ખાનદાની છે, ડહાપણ ભર્યો અને વ્યવહારુ ઘરસંસાર છે, અજય અને અમોઘ અહિંસાનું હથિયાર છે. પ્રેમ, સત્ય અને શાન્તિનો તરવેણી સંગમ છે. કવિતા, નાટક કે નવલકથા માટે એવી કઈ ભાવના અહીં ઓછી છે કે તમારે પારકી આશા પર આધાર રાખવો પડે? એવી કઈ પ્રેરણા અને વસ્તુ અધૂરાં છે કે તમારે બહાર સાધન શોધવા જવું પડે? એવું જહોજલાલીવાળું હાલનું ગુજરાત છે, અને એવી બરકતવાળી એની સાહિત્ય સામગ્રી છે. આજે તમારી નજર સામે જે ભવ્ય ગુજરાત છે એ જ તમારા જીવંત સાહિત્યની સાચી કામધેનુ છે. એવા અઢળક ધન વડે તમે શું શું પેદા નહીં કરી શકો? સાહિત્યપરિષદના તેમ જ પરિષદમંડળનાં બંધારણ વિશે ચર્ચા કરતાં પહેલાં, સાહિત્યપરિષદમાં શું થયું છે તેનું ટૂંકું નિવેદન કરવું જોઈએ. અમદાવાદમાં પહેલી સાહિત્યપરિષદ મેળવવાનો સઘળો યશ સ્વ. રણજિતરામ મહેતાને છે, પણ મહત્ત્વની વાત એ પરિષદમાં તેમણે સ્પષ્ટ કરેલો મુદ્દો વધારે ધ્યાન ખેંચે એ છે. “આપણા દેશનું ભાગ્ય ઊઘડે અને આપણી પ્રજાનો ઉત્કર્ષ શી રીતે થાય.” એ એમની મુખ્ય ભાવના આપણે કદી વીસરી જવી જોઈએ. નહીં, એ ઉદ્દેશથી એમણે જે પ્રથમ સંમેલન ઈ.સ. ૧૯૦૫માં યોજ્યું હતું તેનું આજે દસમું સંમેલન થાય છે. સંતોષની વાત તો એ છે કે આવાં સંમેલનો ભરવામાં હિન્દુસ્તાનના બીજા પ્રાંતો કરતાં ગુજરાતે પહેલ કરી છે. લગભગ એ જ પ્રકારનાં મરાઠી, હિન્દી અને બંગાળી સાહિત્યસંમેલનો થયાં, પણ તે ૧૯૦૫ પછી જ. આ પહેલ કરવામાં ગુજરાત સ્વાભાવિક ગૌરવ લે એમાં કાંઈ નવાઈ નથી. ઈ.સ. ૧૯૦૭માં બીજી પરિષદ ભરાઈ. ત્રીજી ૧૯૦૮માં મળી અને એ પરિષદમાંથી નાણાંપ્રકરણના ફણગા ફૂટ્યા. રાજારજવાડાઓના આશ્રયની આશાએ રાજકોટમાં ભરાયેલી એ પરિષદમાં ભંડોળકમિટીની સ્થાપના થઈ, અને વડોદરામાં ભરાયેલી ચોથી પરીષદમાં એ યોજનાને સદ્ધર ટેકો પણ મળ્યો. પરિષદના કાર્યમાં નિબંધો વાંચવાની અને તે એકઠા કરવાની, વળી વિભાગો રચવા વગેરેની કાર્યદિશાઓ ઉપરાંત, આ નાણાંપ્રકરણે જ વધારે ધ્યાન અને ચર્ચા આકર્ષ્યાં છે; તે એટલે સુધી કે કોઈક કોઈક વાર સાહિત્યપરિષદનો ટૂંકભંડોળ પરિષદ જેવો દેખાવ થતો હતો. સાહિત્યની દિશામાં કંઈક સક્રિય કામ કરવાની વારંવાર બૂમો પાડવા છતાં એ સંબંધમાં સ્વ. રણજિતરામે નક્કી કરેલાં ધ્યેયથી પરિષદનું વહાણ આઘું ને આઘું ઘસડાતું ચાલ્યું એ શોકની વાત છે અને એથી સ્વાભાવિક રીતે પરિષદમાં નીરસતા અને નિર્જીવતા દાખલ થવા પામ્યાં હોય તેમાં શી નવાઈ! ઈ.સ. ૧૯૧૫માં પાંચમી પરિષદ સુરતમાં મળી. ત્યાં વિભાગવાર વિષયોની યોજના ઘડાઈ અને તે અમદાવાદમાં ભરાયેલી છઠ્ઠી પરિષદમાં વધારે વિકાસને પામી. અમદાવાદમાં પરિષદને તેના પ્રથમ પ્રમુખ તરફથી એક રકમ મળી. અને એ જ પ્રસંગે બીજી પણ રકમો મળવાનાં વચનો આવી મળતાં એ પરિષદમાં એક પરિષદમંડળ સ્થાપવાનો અને તેનું બંધારણ ઘડવાનો વિચાર ચર્ચાયો. એ પરિષદમાં સૌથી અગત્યનો મહાત્મા ગાંધીજીએ રજૂ કરેલો ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવાનો ઠરાવ અને સૌએ વધાવીને પસાર કરેલો એ ઠરાવ હજુ સુધી ફલિત નથી થયો, એની પણ નોંધ લેવી ઘટે છે. ભાવનગરમાં ભરાયેલી સાતમી પરિષદમાં પણ નાણાંભંડોળમાં કંઈક ઉમેરો થયો અને એ ધનસંચયની યોગ્ય વ્યવસ્થા કરવા પરિષદમંડળ નીમવા માટે એક ખાસ સમિતિ પણ નીમાઈ. એ સમિતિએ નક્કી કરેલી યોજના પર વિચાર કર્યાં પછી મુંબાઈમાં ભરાયેલી આઠમી સાહિત્યપરિષદે, એક પરિષદમંડળની સ્થાપના કરી, અને તે ૧૯૨૪ની સાલમાં કાયદા પ્રમાણે નોંધાયું. ૧૯૧૫માં ધારેલું તે નવ વર્ષના ગાળા પછી મંડળ નોંધાયું. તેના નિયમોમાં સુધારાવધારાની તરત જરૂર જણાવાથી તા. ૧૪મી ફેબ્રુઆરી ૧૯૨૬ને દિવસે વડોદરામાં મળેલી મંડળની સામાન્ય સભામાં સુધારાવધારા સાથે ખરડો મંજૂર કરવામાં આવ્યો, અને ત્યાં પસાર થએલો ખરડો રજીસ્ટ્રરને ત્યાં નોંધવામાં આવ્યો. તે વખતે બદલાયલા ઉદ્દેશો નીચે પ્રમાણે છેઃ (ક) ગુજરાતી ભાષા અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી, અને ફેલાવવી. (ખ) ગુજરાતી ભાષામાં કે ભાષા વિષે લખાયેલાં પુસ્તકો સંરક્ષવા, તૈયાર કરવાં, છપાવવાં કે પ્રસિદ્ધ કરવાં. (ગ) ગુજરાતીઓનું સાહિત્યવિષયક ઐક્ય સંરક્ષવાનાં પગલાં લેવાં. તેમાંના પહેલા બે ઉદ્દેશોની બાબતમાં હું ઉપર વિવેચન કરી ચૂક્યો છું. બંધારણનો વિષય ત્રીજા ઉદ્દેશને લગતો છે. બંધારણની રચના હું તો માનું છું તેમ સાદી અને સર્વગ્રાહી હોવી જોઈએ. બંધારણ તો એક સાધન છે. બંધારણ પ્રવૃત્તિનું પોષક હોવું જોઈએ, નહિ કે બાધક. પરિષદનું બંધારણ એવું હોવું જોઈએ કે ગુજરાતી સાહિત્યના વિષયમાં રસ લેનારી ભિન્ન ભિન્ન વિચાર ધરાવનારી વ્યક્તિઓ સંપ અને સહાનુભૂતિથી ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા એક મનથી કરે એવી યોજનાવાળું હોવું જોઈએ. બંધારણની જરૂરિયાત તો સૌ કોઈ સ્વીકારશે, પણ જો બંધારણ વિશાળ અને વ્યાપક ન હોય તો તે નકામું છે. એ બંધારણ સાદું, સર્વમાન્ય અને સઘળા ઉદ્દેશને સમાવનારું હોવું જોઈએ. સાહિત્ય એ તો વાણીનું ગંગાજળ હોવું જોઈએ. કોઈ પણ આવે, એ પીએ, અને પવિત્ર બને. સૌ કોઈ એનો લાભ લઈ શકે. એમાં બંધ પ્રતિબંધ પાલવે જ નહિ. રજીસ્ટર્ડ થયેલાં બંધારણથી અસંતોષ થયેલો છે, એ પણ હવે તો જાણીતી વાત છે. નડિયાદમાં છેલ્લી મળેલી પરિષદમાં પસાર થયેલા ઠરાવોમાં નીચેનો ઠરાવ નંબર ૬ પસાર કરવામાં આવ્યો હતોઃ “આ પરિષદ ચોક્કસ રીતે માને છે, કે પરિષદના તથા પરિષદ મંડળના બંધારણમાં બનતી ત્વરાએ મહત્ત્વના ફેરફારો કરવાની જરૂર છે. તેટલા માટે ચાલુ બંધારણો, પ્રમુખ સાહેબને તા. ૨૬મીએ આપેલ લેખી માગણી તથા તા. ૨૭મીએ આપેલ બંધારણને લગતા ઠરાવોની છાપેલ દરખાસ્તો તથા અન્ય ગૃહસ્થો કે મંડળો તરફથી જે કોઈ સૂચનાઓ આવે તે સર્વ તપાસીને, પરિષદ તેમજ પરિષદમંડળનાં બંધારણ યોગ્ય થાય અને પરિષદનું પ્રાધાન્ય તથા મહત્તા જળવાય તેવા, તથા બીજા શા ફેરફારો બંને બંધારણોમાં કરવા તે સૂચવી પોતાનો અહેવાલ મધ્યસ્થ સભાને મોકલાવી આપવા એક સમિતિ નીમે છે. મધ્યસ્થ સભાએ પોતાની સૂચનાઓ સાથે આ અહેવાલ બીજી પરિષદ બોલાવી પંદર માસની અંદર પરિષદ આગળ મંજૂરી માટે રજૂ કરવો. આ સમિતિ નિર્ણય ઉપર આવતાં પહેલાં પોતાને યોગ્ય લાગે એવા ગૃહસ્થની જુબાની અગર લેખિત અભિપ્રાયો લેશે, મેળવશે અને તે પર વિચાર કરશે. જ્યારે જ્યારે આ સમિતિમાં કોઈ જગા ખાલી પડે ત્યારે ત્યારે તે જગા પૂરવાની પ્રમુખને સત્તા આપવામાં આવે છે.” આ ઠરાવને સમિતિએ ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણ વિષે એક ખરડો તૈયાર કર્યો છે અને હું માનું છું કે આપ સઘળા એ ધ્યાનપૂર્વક જોઈ ગય હશો. એ ખરડા પર વિચાર કરતાં એમાંથી કુદરતી રીતે બે સવાલ ઊભા થાય છે. પહેલો સવાલ એ છે કે આ બેઠક ગમે તે રૂપમાં એ ખરડાનાં મુખ્ય મુદ્દાઓ છેવટનાં કબૂલ કરે એને લગતો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળ ૧૮૬૦ના ૨૧માં એક્ટ પ્રમાણે રજીસ્ટર્ડ થયું છે. મંડળ સ્થાપવાને એ કાયદાના ‘સેક્શન’ બે પ્રમાણે મંડળનું નામ, હેતુઓ અને મંડળની વ્યવસ્થાપક સભા એ ત્રણ ફરજિયાત છે અને એના સંબંધમાં આ યોજના સાથે મંડળના નિયમોની એક યાદી પણ હોવી જોઈએ. એ ખરડો રજીસ્ટર્ડ થયેલો છે. એક્ટની બારમી કલમ મંડળને હેતુઓમાં વધારા ઘટાડા કરવાની, બીજા મંડળ સાથે જોડી દેવાની સત્તા આપે છે. ૧૩મી કલમ મંડળને બરખાસ્ત કરવા સંબંધી છે. તે ઓછામાં ઓછી ૩/૫ બહુમતી વાળાઓના મતથી પસાર કરી શકાય. કલમ ૧૪મી ઠરાવે છે, કે એવી રીતે મંડળ બરખાસ્ત થતાં એની મિલકત અને ભંડોળ એનાં સભ્યોમાં વહેંચી શકાય નહિ. પરંતુ ઓછામાં ઓછી ૩/૫ હાજર સંખ્યાની બહુમતી વડે એ મિલકત કોઈ બીજા મંડળને આપી શકાય. એમાં બરખાસ્ત કરતી વખતે સભ્યો જાતે અથવા અંગ્રેજી કે મુખત્યારનામાથી મત આપી શકે. ઉપલી કલમો જોતાં એમ લાગે છે, કે નવું બંધારણ જે કરવા ધાર્યું છે, તે તો હાલનું મંડળ બરખાસ્ત કર્યે જ હસ્તીમાં આવી શકે. ગુજરાતી સાહિત્ય પરિષદ મંડળ અને એનાં ભંડોળમિલકત ગુજરાતી સાહિત્ય પરિષદના નવા રજીસ્ટર્ડ થનારા મંડળને સોંપી શકાય, એ જ યોગ્ય માર્ગ લાગે છે. મંડળના નામમાં ફેરફાર કરવા માટે કાયદામાં એક પણ કલમ નથી. રજીસ્ટર્ડ થયેલા મંડળના હેતુઓમાં અને કમિટીએ તૈયાર કરેલા ખરડાઓના હેતુઓમાં મને મહત્ત્વના ફેરફાર લાગે છે. સૂચવાયેલા બંધારણમાં બીજો વિભાગ સૌથી અગત્યનો છે, અને એ પર સઘળાનું ધ્યાન ખેંચું છું. તે ફકરો ૮મો જે મધ્યસ્થ સભાના બંધારણ સંબંધી છે. મને એ આખું પૂરેપૂરું વિશાળ લાગતું નથી અને એના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. સૂચવવામાં આવેલું બંધારણ સપ્રમાણ નથી, અને ઉપલો ભાગ પ્રમાણમાં બહુ જ ભારી છે. અને (ક) (ખ) અને (ડ) નિયમોમાં જણાવેલી બાબતો પણ પ્રમાણસર લાગતી નથી. એટલે હું માનું છું કે જૂનું મંડળ બરખાસ્ત કરવું અને ફરીથી નવે પાને નવું મતું પાડવું. નવા મંડળના બંધારણમાં મધ્યસ્થ સભા સઘળા વિચારવાળાં સભ્યોની હોવી જોઈએ. ચાલુ બંધારણમાં એમ ન હોવાથી એ એકહથ્થુ થવાનો ભય રહે છે. બીજો મુદ્દો વિભાગ ચોથાને લગતો છે અને તે મધ્યસ્થ સભાની મુદત અને વખતોવખતની ચુંટણી સંબંધી છે. જૂનું બંધારણ નવેસરથી રચવું અને સૂચવાયલી યોજનાઓમાં ફેરફાર કરવા, અને ભાષા અને સાહિત્યના વિષયમાં સર્વે પ્રકારના મત ધારવનારાઓનું પ્રતિનિધિત્વ રાખવું જોઈએ, જેથી ગુજરાતી ભાષા અને સાહિત્ય ખરે માર્ગે અને પ્રજાના ઉપયોગી માર્ગે દોરાય. મધ્યસ્થ સભા એકલા નિપુણ કે ચતુર માણસોની જ બનેલી હોવી જોઈએ નહિ. એવી સભા ઘણે ભાગે જડ થઈ બેસે છે. ગુજરાતી ભાષાનાં હિત તરફ જ નક્કી થનારા બંધારણનું ધ્યેય હોવું જોઈએ. ગુજરાતી બોલતી આખી પ્રજા સાથે એ બંધારણનો જીવંત સંબંધ હોવો જોઈએ, તો જ ગુજરાતી જીવન તથા તેના વિચારવાળા ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ થઈ શકે. એ ચોકામાં નાતજાતના અંતરાય વિના, નાનાં મોટાંના ભેદભાવ વિના સૌ કોઈનું સ્થાન હોવું જઈએ. એમાં કોઈ એક સંઘની સત્તા કે જોહુકમી ન હોવી જોઈએ. “પંચ ત્યાં પરમેશ્વર” તે પ્રમાણે સર્વ મતને રજૂ કરનાર એ પંચ હોય તો તે પંચની હકૂમત સૌ કોઈ પાળવા તૈયાર થાય. નરસિંહ મહેતા જાણીતા પરભાતિયામાં કહે છે તેમ, “પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદૃષ્ટિને સર્વ સમાન.”

* * *