પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૧.

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શ્રીદી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું ભાષણ

ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલન
અગિયારમું અધિવેશન: લાઠી
ડિસેમ્બર: ૧૯૩૩

દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
(ઈ.સ. ૧૮૬૮)


પોતાની સ્વસ્થતાથી અને સૌજન્યથી જેમણે ગુજરાતને આકર્ષ્યું છે અને નીરવ રહીને જેમણે ગુજરાતી સાહિત્યની સતત સેવા કરી છે એવા દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી લાઠીમાં મળેલ સાહિત્ય પરિષદ સંમેલનનું પ્રમુખપદ શોભાવે છે. ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તમ્ભો’ના ગ્રંથોના કર્તા તરીકે એમને ગુજરાત ઓળખે છે. સાહિત્યના ઇતિહાસ ઉપરાંત તટસ્થ વિવેચન પણ બન્યું તેટલું એ ગ્રંથોમાં એમણે ઉમેર્યું છે. ગુજરાતી અને અગુજરાતી અભ્યાસીઓ માટે આ પુસ્તકો માર્ગદર્શન તરીકે બહુ ઉપયોગી પૂરવાર થયાં છે. એ ઉપરાંત વરસો થયાં ‘મોર્ડન રિવ્યુ’ માસિકનાં પૃષ્ઠોમાં ગુજરાતી ગ્રંથોનાં સંક્ષિપ્ત અવલોકનો તેઓ આપ્યા કરે છે અને સતત વહેતા સાહિત્ય-પ્રવાહની સાથે પોતાનો સંબંધ અવિચ્છિન્ન રાખે છે. એમના ફારસી ભાષાના જ્ઞાનથી પણ ગુજરાતને લાભ થયો છે. ઇતિહાસના ગ્રંથોના અનુવાદ કરીને અને ગુજરાતને લગતી બીજી વિગતો વગેરેનો ઉદ્ધાર કરીને એમણે આપણને સારી સમૃદ્ધિ આપી છે. ઘણીવાર ફારસી સાહિત્યનો રસાસ્વાદ પણ એમણે કરાવ્યો છે. અભ્યાસના ક્ષેત્રમાં મુસ્લિમ અને પારસી લેખકોના સાહિત્યનું પણ એમણે મમત્વથી નિરીક્ષણ કર્યું છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસને માટે મુંબાઈની વિદ્યાપીઠમાં એમણે જે કાર્ય કર્યું છે તે તો એ વિદ્યાપીઠનો વિગતોથી ભરેલો ઇતિહાસ બહાર પડશે ત્યારે જ જણાશે. પરંતુ આજે યે તેઓ ગુજરાતીના અભ્યાસના એક પીઢ સંરક્ષક તરીકે વિદ્યાપીઠમાં જાગતી જ્યોત સમા બેઠા છે. વય અને જ્ઞાનની વૃદ્ધિ સાથે જે સ્વસ્થતા એમણે કેળવી છે તે એમના પરિચયમાં આવનારના લક્ષમાં તરત જ આવે છે. અને ગુજરાત માટે પોતાથી બને તે બધું કરવાની તત્પરતા પણ એમનામાં તીવ્ર સ્વરૂપમાં રહેલી છે એ આપણથી અજાણ્યું રહેતું નથી. સ્વ. કલાપીના ધામમાં પરિષદનું સંમેલન મળે ત્યારે આવા એક પ્રૌઢ સાહિત્યકાર પ્રમુખપદે હોય એ જ ઉચિત અને શોભાસ્પદ હતું.

ઉપોદ્‌ઘાત

મહેરબાન ઠાકોરસાહેબ, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! ગુજરાતી સાહિત્યપરિષદના અગિયારમા સંમેલનના સત્કારમંડળે સંમેલનના પ્રમુખ તરીકે મારી ચૂંટણી કરી છે અને તેને આપ સર્વેએ બહાલી આપી છે તે બદલ હું તેમનો તથા આપ સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સાથે સાથે મારા પોતાના દૃષ્ટિબિંદુથી જોતાં મારે એ જણાવવું જોઈએ કે મને સંમેલનના પ્રમુખપદે સંવરવામાં સત્કારમંડળે, તથા તેને બહાલી આપવામાં આપ સૌએ મારી યોગ્યતાને બદલે મારા પ્રત્યેના પક્ષપાતને અગ્રસ્થાન આપી પ્રસ્તુત ઠરાવ કર્યો છે. પક્ષપાતી ઠરાવ એ ખરો ઇનસાફ કહેવાય નહિ, અને એ ઠરાવ સામે મારે અપીલ નોંધાવવી હોય તો તે ક્યાં નોંધાવવી તે બાબત પણ હું ગૂંચવણમાં પડ્યો છુંઃ કારણ સત્કારમંડળના ઠરાવ સામે હું આપ સર્વેની પાસે અપીલ નોંધાવી તે ઠરાવ ફેરવવા માગણી કરી શકત, પરંતુ આપ સર્વેએ પણ તેને બહાલી આપી છે, તો હવે મારે માત્ર આખા ગુજરાતનાં વિદ્યારસિક બહેનો ને ભાઈઓ પાસે બીજી–સેકન્ડ–અપીલ નોંધાવવાની રહી; તે હું નોંધાવું છું. જો તેઓ પણ એ ઠરાવ બહાલ રાખશે તો હું હાર્યો કહેવાઈશ. જો બહાલ ન રાખતાં મારી યોગ્યતા ને પાત્રતા વિરુદ્ધ ફેંસલો આપશે તો હું જીતીશઃ કારણ તેઓ અને હું એકમતના થઈશું; એટલે જો મારી યોગ્યતા ન હોવાને લીધે આ પ્રમુખપદનાં અંગેની ફરજો તથા જવાબદારી સારી રીતે અદા ન કરી શક્યો હોઉં તો તેનો ભાર – તે બદલ ઠપકો – મારે શિર ન રહેતાં મને ચૂંટનારા ઉપર રહેશે. એ બાબત સહેજ પણ મારી ખુશી પર રહેવા દીધી હોત તો હું તે માથે લેવાની ચોખ્ખી ના કહેત, અને તે પણ માત્ર શિષ્ટાચાર ખાતર નહિ. પણ મારું અંતઃકરણ તેની ના પાડતું હોવાથી જ.

શોકદર્શન

આપણું કાર્ય શરૂ કરતાં પહેલાં છેલ્લા સંમેલન અને હાલના સંમેલન વચ્ચેના ગાળામાં જે સાહિત્યરસિક અને દેશોદ્ધારના રણક્ષેત્રમાં ઘૂમનાર વ્યક્તિઓ સ્વર્ગસ્થ થઈ છે તેમના અવસાન બદલ તથા આપણને ગયેલી ખોટ માટે આપણા સંમેલન તરફથી અંતઃકરણપૂર્વક શોક દર્શાવવાની હું તમારી રજાથી આ તક લઉં છું. (અ) સદ્ગત વિઠ્ઠલભાઈ પટેલ મારા જૂના મિત્ર હતા. તેઓ સાહિત્યના ક્ષેત્રમાં ઘૂમ્યા નથી, એ વાત ખરી છે, પરંતુ એ સંકુચિત ક્ષેત્રમાં કેદ થઈ રહેવું સ્વભાવતઃ જ તેમને માટે અશક્ય હતું. તેમના સ્વભાવને તો રાજકીય ક્ષેત્ર જેવું વિસ્તૃત ક્ષેત્ર જ માફક હતું. તે ક્ષેત્રમાં લડી તેમને દેશોદ્ધાર કરવો હતો. દેશના ઉદ્ધાર વડે સાહિત્યનો ઉદ્ધાર છે, કારણ જે દેશ સ્વતંત્ર તેનું સાહિત્ય સ્વતંત્ર, એટલે દેશના ઉદ્ધાર પર સાહિત્યનો ઉદ્ધાર પણ અવલંબે છે. કેવળ સાહિત્યપ્રવૃત્તિમાં જ મચ્યા રહેનારાઓ તેમને પોચા ને ઢીલા લાગતા. છતાં જો તેમનો મનોરથ પાર પડ્યો હોત તો એ પોચી ને ઢીલી વ્યક્તિઓ પર પણ તેમની ફત્તેહનો પ્રત્યાઘાત થતાં તે પણ કઠણ ને રીઢી બનત. એમના અવસાનથી દેશને અને ખાસ કરીને આપણા પ્રાંતને, ન પૂરી શકાય એવી ખોટ પડી છે. જેની ખોટ દેશને લાગે, પ્રાંતને લાગે, તેની સાહિત્યને લાગેઃ કારણ અમુક પ્રાંત યા દેશનું સાહિત્ય તે પ્રાંત યા દેશની હિલચાલથી વિરક્ત રહી શકતું નથી. ઈશ્વર એમના આત્માને શાન્તિ આપો! (બ) સ્વર્ગસ્થ ભાઈ મટુભાઈ હરગોવિંદદાસ કાંટાવાળાને અંજલિ આપ્યા સિવાય મારાથી કે આપનાથી કેમ રહેવાય? મારો ને એમનો સંબંધ જૂનો હતો તેનાથીએ વધારે જૂનો સંબંધ એમના અને મારા કુટુંબનો હતો. એમના પિતાશ્રી અને મારા પિતાશ્રી, બંને આપણા પ્રદેશમાં નવી પદ્ધતિએ અપાતી કેળવણીનાં રોપાયેલાં બીજને પાણી પાઈ ઉછેરનાર જે ગણ્યાગાંઠ્યા તે વખતના કેળવણીકારો હતા, તેમાં સાથે કાર્ય કરનાર મિત્રો હતા. ભાઈ મટુભાઈ આપણા સાહિત્યને ખીલવવા માટે લાગણીપૂર્વક મચ્યા રહેતા અને તે કાર્યમાં તેમને સહકાર આપવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. એમનાં આદરેલાં એ શુભ કાર્યો અધૂરાં નહિ રહે અને નાતાલ સુધીમાં અમે તે પૂરાં કરી નાંખીશું એવી મને ખાતરી હતી. વળી પોતે હાલ તરતમાં જ યુનિવર્સિટીના ફેલો તરીકે ચૂંટાઈને આવ્યા હતા. એટલે ત્યાં પણ જે થોડા ઘણા ગુજરાતીઓ છે તેઓ સર્વે સંમત થઈ કાંઈ ઉપયોગી દિશામાં કામ કરીશું, એવી આશા હતી. પણ એ બધી આશાઓ એમના અકાળ અને એકાએક આકસ્મિક અને અણધાર્યા અવસાનથી ધૂળમાં મળી ગઈ. એમની સાહિત્યસેવાઓ અમૂલ્ય હતી. એમના સ્પષ્ટ વક્તવ્યથી એમણે આપણાં માસિકોમાં એક અનેરી છાપ પાડી હતી. “સાહિત્ય” માસિક એમનું સદાયનું સ્મરણચિહ્ન રહી એક નિખાલસ સ્વભાવનો સાહિત્યવિલાસી શું શું કરી શકે છે તેની હમ્મેશ યાદ આપતું રહેશે. “સાહિત્ય” ઉપરાંત પણ રા. મટુભાઈની સાહિત્યસેવા ઘણી કીમતી હતી. ઈશ્વર એમના આત્માને શાન્તિ આપો. (ક) આપણા પારસીભાઈઓ મી. કાવસજી હોડીવાળા, મી. જી. કે. નરીમાન, સર જીવણજી જમશેદજી મોદી, એમના આત્માને આપણે સૌ અંજલિ આપીએ છીએ. એ ત્રણે કલમબાજ જરથોસ્તી ભાઈઓ સંસ્કૃતના સારા અભ્યાસી હતા. તે ઉપરાંત ઠેઠ સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પ્રત્યે મમતા દેખાડી હંમેશ તેની બહેતરી ઇચ્છતા. સંસ્કૃતના જ્ઞાનને લીધે ગુજરાતી શૈલીપર એમનો સારો કાબૂ હતો અને એઓ ગુજરાતી સાહિત્ય માટે જે કાંઈ કરી ગયા છે તે અલબત્ત મૂલ્ય વિનાનું નથી. ઈશ્વર એમના રૂહને શાંતિ બક્ષો. (ડ) મર્હૂમ પીરોજશાહ જહાંગીર મર્ઝબાન જેઓ ‘પીજામ’ને નામે ઓળખાતા અને જેઓ “જામે”ના અધિપતિ–બાહોશ અધિપતિ હતા, તેઓ પારસી ગુજરાતી પત્રકાર તરીકે અને રમુજી વાર્તાઓ વગેરેના લેખક તરીકે મશહૂર થઈ ગયા છે, તેમના મૃત્યુથી સારા ગુજરાતી પત્રકારોની સંખ્યા ઘટતાં એ દિશામાં ઘણી મોટી ખોટ આવી છે. આ ઉપરાંત મારે અહીં રા. રા. શિવપ્રસાદ દલપતરામ પંડિતના દુઃખદ અવસાનની સખેદ નોંધ લેવી જોઈશે. સ્વ. પંડિતે જીવનચરિત્રના વિષયને પોતાનો કરી ગુર્જર ભાષાના આ અંગને ‘ભારતનાં સ્ત્રી રત્નો’, ‘ભારતનાં સંતપુરુષો’ વગેરે વાર્તાઓ લખી સમૃદ્ધ કરી ગુજરાતી ભાષાની ઉત્તમ સેવા કરી હતી.

મારી મર્યાદા

સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારા પહેલાં આ ઉચ્ચ આસનને સો ટચના સોના જેવી સાહિત્યસેવા કરનારા દશ વિદ્વાનો શોભાવી ગયા છે. તેમનામાં કોઈ પ્રખર ભાષાશાસ્ત્રી તો કોઈ જૂના ગુજરાતી સાહિત્યના આજીવન અભ્યાસી, કોઈ વૈયાકરણી તો કોઈ કેળવણી વિસ્તારનાર, કોઈ ફિલસૂફ યાને તત્ત્વચિન્તક તો કોઈ વિવેચક, એવા સમર્થ યોદ્ધાઓ હતા. તેઓ પોતાની વિદ્વત્તાથી, ખાસ અભ્યાસ કરેલા વિષયપર પ્રમુખપદેથી આપેલાં વ્યાખ્યાનો વડે, આપણી સાહિત્યભૂમિમાં અવનવા પ્રકારનાં બી વાવી ગયા છે. કમનસીબે સાહિત્યના એવા કોઈ પણ ગૂઢ વિષયનો મારો ખાસ અભ્યાસ નથી. એ મારી ખામી હું સમજું છું. રાજકોટના સંમેલન વખતે મર્હૂમ દી. બ. અંબાલાલભાઈની પણ કાંઈક મારા જેવી જ સ્થિતિ હતી. તેમની ઉમ્મરનો મોટો ભાગ તેમણે ન્યાયખાતામાં ગાળ્યો હતો. તેમને અર્થશાસ્ત્રના અભ્યાસનો ઘણો શોખ હતો, અને પરિણામે પોતે અતિ ઘણા વ્યવહારકુશળ હતાઃ છતાં તેમના વ્યાખ્યાનમાં જૂની ગુજરાતી કે મધ્યકાલીન ગુજરાતી, નરસિંહ મહેતાનો જન્મદિવસ યા મીરાંબાઈનો સમય, નરસિંહના સમયમાં કે તેની પૂર્વે વપરાતી ભાષાનું સ્વરૂપ એવા એવા કોયડા પર વિવેચન કરી, તે કોયડા ઉકેલવાની દિશામાં કશી સૂચના કરવાનો માર્ગ તેઓ લઈ શક્યા નહતા. મારી દશા પણ તેવી જ છેઃ એટલે હું તો માત્ર આપણા સાહિત્યસમુદ્રને હલમલાવી રહેલા એક બે પ્રશ્ન ઉપર જ મારી અલ્પમતિ મને જે સૂચવે છે તે અનુસાર આપની સમક્ષ કંઈક વિચારો, વિચારણા માટે, રજૂ કરીને તેમજ એ વિચારને અમલમાં મૂકવા કંઈક સૂચન કરીને મને પોતાને કૃતકૃત્ય થયેલો સમજીશ.

સદ્ગત કલાપીને અંજલિ

નામદાર ઠાકોર સાહેબ! આ સંમેલન કઈ ભૂમિમાં મળવાનું પ્રાપ્ત થયું છે તે અત્રે ભેગી થયેલી મંડળીના ધ્યાન બહાર નથી. લાઠી એટલે સાહિત્યતીર્થ. જેણે પોતાનો બાપીકો વારસો જતો કરી એક રાજાએ અદા કરવાની ફરજો, એક નૃપતિએ માણવાના વિલાસ ને સુખ, એક રાજકુટુંબીએ ભોગવવાનું ઐશ્વર્ય એ બધાંને તુચ્છ ગણી, તેનો અનાદર કરી સાહિત્યવિલાસને જ પોતાનું ધ્યેય ગણ્યું; સાહિત્યરસમાં મસ્ત રહી પોતાના જેવા જ સાહિત્યરસિકોને પોતાને આંગણે નોતરી, બોલાવી, રાખી, તેની પવિત્રતામાં વધારો કર્યો; ગોવર્ધનરામ, મણિલાલ, મણિશંકર ભટ્ટ, જટાશંકર (જટિલ) એવા એવા સમર્થ વિદ્વાનોને પોતાના ગુરુ બનાવી તેમના શિષ્ટ બનવાનું પદ વગર આનાકાનીએ જે રાજવીએ સ્વીકાર્યું, તે રાજવી સાહિત્યકારની રાજધાનીમાં આ સાહિત્યસત્ર ઊજવવાનું સદ્ભાગ્ય ગુજરાતી સાહિત્યપરિષદને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ ઈશ્વરી સંકેત જ હું જોઉં છું. કલાપી ગયા, પરંતુ તેઓ આ ભૂમિને કાંઈક એવું આકર્ષણ સોંપતા ગયા છે કે જેથી તેમના ઉત્તરાધિકારીઓ પણ તે આકર્ષણને વશ થઈ, તેમની જિંદગીના ધ્યેયને પોષવા પોતાનાથી બનતું કરી રહ્યા છે. જો તેમ ન હોત તો “સાપ ગયા ને લીસોટા રહ્યા” એ કહેવત ખરી પડત; પરંતુ સાપ ગયા બાદ પણ આપણે કેવળ લીસોટા–સાપ ગયાની નિર્જીવ નિશાની–જોતા નથી; પરંતુ સક્રિય, સજીવ, ચેતનવંતો સહકાર જોઈએ છીએ. જો કલાપીનો આત્મા સ્વર્ગમાંથી આ પાર્થિવ હિલચાલો પર નજર રાખતો હશે તો જરૂર તેને આથી અવર્ણનીય સંતોષ થતો હશે. કારણ પોતે જીવતાંજીવત જે ન કરી શક્યા તે તેમના ઉત્તરાધિકારીઓ કરે છે. નામદાર ઠાકોર સાહેબ! આ સંમેલન ભરવા દેવા માટે, તેના કાર્યકર્તાઓ જોડે આવો સારો સહકાર કરવા માટે, અને એ રીતે સદ્ગત કલાપીના આત્માને સ્નેહની અંજલિ અર્પવામાં અમને સૌને ભાગ લેવા દેવા માટે, તમારો જેટલો ઉપકાર માનીએ તેટલો થોડો છે.

કાઠિયાવાડની શ્રેષ્ઠતાનાં લક્ષણો

લાઠીને ગુજરાતમાં અને કાઠિયાવાડમાં મશહૂર બનાવનાર કલાપીએ માત્ર કાવ્યો ને ગઝલો કે ગદ્ય લેખો લખીને સંતોષ માન્યો નથી. “હમીરજી ગોહેલ”ના લેખકને ઇતિહાસનો પણ શોખ હતો, અને તે કાઠિયાવાડના વતનીને માટે સુસંગત જ હતું. કાઠિયાવાડ એટલે શું નહિ? કાઠિયાવાડની શ્રેષ્ઠતાદર્શક પેલા લોકપ્રિય સંસ્કૃત શ્લોકમાં,

सौराष्ट्रे पञ्च रत्नानि नदीनारीतुरंगमाः ।
चतुर्थे सोमनाथश्च पञ्चमं हरिदर्शनम् ।।

તો માત્ર પાંચ જ શ્રેષ્ઠતાઓ બતાવી છેઃ કાઠિયાવાડની નદીઓ, સ્ત્રીઓ, ઘોડીઓ, પ્રભાસમાં સોમનાથનાં દર્શન અને દ્વારિકામાં શ્રીકૃષ્ણનાં દર્શન. પરંતુ કાઠિઆવાડમાં એ ઉપરાંત બીજું ઘણું છે, કે તે જેની શ્રેષ્ઠતા સાબિત કરે છે. ગુજરાત (હાલ જેને આપણે ગુજરાત સમજીએ છીએ તે)માં જે જે કાંઈ આછાપાતળા રૂમમાં જોવામાં આવતું તે કાઠિયાવાડમાં પૂર્ણ કલાએ પહોંચેલું જોવામાં આવતું. (ક) કાઠિયાવાડ એ વીરભૂમિ હતી. કાઠિયાવાડી ક્ષત્રાણી ને રજપૂતાણીની કૂખેકૂખે વીરો પાકતા. કાઠિયાવાડને ગામડે ગામડે તે તે ગામડાંઓનાં શૌર્યને પરાક્રમનાં સ્મરણચિહ્ન આજે પણ જોવામાં આવે છે. ગામડાને પાદરે ઊભા કરેલા પાળિયાના પત્થરો અને ચણેલી દેરીઓના કોયડા જો બરાબર ઉકેલવામાં આવે તો તેમાંથી વીરતાના, શૌર્યના, આંધળિયાં કર્યાના, સ્વમાન જાળવવા માટે આપેલા ભોગના કેટકેટલાએ બનાવો પ્રસિદ્ધિમાં આવે! કાયરની નસોમાં પણ જોરથી લોહી વહેવડાવે એવાં કેટલાંએ દૃષ્ટાંતો મળી આવે! સાથે સાથે કાઠિયાવાડ એ બહારવટિયાઓ– ‘રોબિન હૂડ’ની ભૂમિ છે, એ પણ ભૂલી જવું જોઈએ નહિ. (ખ) કાઠિયાવાડ એ ભક્તોની ભૂમિ હતી, ઓલિયા સંતોની ભૂમિ હતી. આજે પણ કાઠિયાવાડમાં જેટલા “ભગત” મળી આવે છે તેમાંનો સોમો ભાગ પણ ગુજરાતમાં મળી આવતો નથી. કાઠિયાવાડે નરસિંહ મહેતા ને ભોજો ભગત ગુજરાતને આપ્યા છે, પણ એ તો અતિ ઘણી જાણીતી–જગજાહેર વ્યક્તિઓ. પરંતુ ત્યારપછી પણ આજની ઘડીએ પણ કાઠિયાવાડમાં કેટલા ભગતો છે તેની ગણતરી કરવામાં આવે તો તે જરૂર ઘણી મોટી સંખ્યા, મોટે ભાગે જે ઉચ્ચ વર્ગ કહેવાય છે તેમાંથી નહીં, પરંતુ રબારી, ભરવાડ, એવા પછાત ગણાતા વર્ગમાંથી, હરિજનોમાંથી પણ મળી આવે તો નવાઈ નહિ. જ્યાં ભગત હોય ત્યાં ભજનો, ભજનિયાં ખરાં. જેણે કાઠિયાવાડનાં ગામોમાં, અને વિશેષે કરી હરિજનોના વાસમાં એ ભજનો ગવાતાં, એ ભજનિયાઓ લલકારાતાં સાંભળ્યાં હશે, તેમણે જરૂર તેને ન ભુલાય–ન ભૂંસાય, એવો પોતાના જીવનનો લાવો માન્યો હશે. માત્ર એક એકતારો, તેની તુનતુનીનો અવાજ, અને બીજા બધાઓ એ અવાજ જોડે એકતાન થઈ જઈ, ભજનના વસ્તુમાં ઓતપ્રોત થઈ જઈ, બીજા વિષયોનું તરત પૂરતું ભાન ભૂલી જઈ જે ધૂન મચાવી રહે છે, તેનો ચિતાર આપવો મુશ્કેલ છે; જે જુએ ને સાંભળે તેને તેનો ખ્યાલ આવી શકે. એકતારો – તંબૂરો એવાં ભજનોમાં કાંઈક અનોખી જ ચેતના અને આર્દ્રતા રેડે છે. તંબૂરો ન હોય તો એની મઝા જ આવતી નથી; તેથી જ મહાત્મા ગાંધીજીનાં પ્રિય ભજનોમાંના એકમાં ગવાયું છે કે,

“ત્રૂટ્યો મારો તંબૂરાનો તાર, ભજન અધૂરું રહ્યું રે.”

(ગ) કાઠિયાવાડ, એ ભાટચારણોની ભૂમિ છે. ગુજરાતમાં એટલા રાજા, મહારાજા, ઠાકોરો, જાગીરદારો, જમીનદારો કે ઈજારદારો રહ્યા નથી કે જે ભાટચારણોને પોષી શકે. એ વર્ગના પોશીંદા તો રજવાડી વર્ગમાંથી મળે. એટલે એમનો વાસ પણ જ્યાં રજવાડું હોય ત્યાં જ હોય, અને જ્યાં ભાટચારણોનો વાસ ત્યાં લોકસાહિત્ય ને લોકવાર્તાનો વાસ. [1] આપણું એ વિશાળ કંઠસ્થ સાહિત્ય હજુ સુધી જળવાઈ રહ્યું હોય તો મુખ્યત્વે એ વર્ગને લીધે અને પછી રા. મેઘાણી, અને રા. રાયચુરા જેવા સંગ્રહકારોને લીધે. (ઘ) કાઠિયાવાડ એઠલે દુહા–લોકદુહા–પ્રેમશૌર્યની વાણીપ્રચુર દુહાની ભૂમિ. દુહાની કોટીનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય ભાગ્યે જ ગુજરાતમાં મળી આવે. વર્ષા ઋતુમાં ઝીણો ઝીણો, ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, વચ્ચે આડી નદી યા નાળું હોય, અને દુહા લલકારનારા એ નદી યા નાળાને સામસામે કિનારે ઊભા રહી, ડાંગ પર શરીર ટેકવી, જ્યારે એક બીજા જોડે વાદમાં–હરીફાઈમાં ઊતરે છે, એ દૃશ્ય, એ દુહા ગાનારની તન્મયતા જોઈ આપણે તળ ગુજરાતવાસીઓ હેરત પામી જઈએ છીએ. (ચ) કાઠિયાવાડ એ કચ્છની માફક, (હિંદુસ્તાનના ઇતિહાસના એક અમુક કાળમાં કચ્છ એ કાઠિયાવાડનો ભાગ ગણાતો) સાહસની ભૂમિ. હિન્દુસ્તાનનો કોઈ પણ પ્રદેશ લ્યો. બ્રહ્મદેશ, બંગાળા કે મદ્રાસ, પંજાબ કે મધ્યપ્રાંત, કરાંચી કે દક્ષિણ હૈદ્રાબાદ તે કાઠિયાવાડી વગરનો નહિ હોય; એટલે કાઠિયાવાડી વેપારી, કાઠિયાવાડી માણસ [2], સુથાર, મોચી, કડિયો, છેવટ કાઠિયાવાડી મજૂર (દાડિયો) તો ત્યાં જડશે જ જડશે. કાઠિયાવાડી વેપારી, તેમાં વિશેષે કરીને મેમણ કોમ, ક્યાં નહીં જડે? કાઠિયાવાડી મેમણ, વહોરા અને હિન્દુઓ, ઠેઠ લંકામાં જઈ વસ્યા છે. ‘લંકાની લાડી અને ઘોઘાનો વર’ એ જૂની લોકોક્તિ પ્રસિદ્ધ છે. જાવા આદિ દૂરદૂરના બેટો જૂના કાળથી કાઠિયાવાડીઓથી વસ્યા હતા. મદૂરામાં તો એક આખી વણકર કોમ સૌરાષ્ટ્રી કહેવાય છે. કોઈ જૂના વખતમાં કાળનાં–વખાનાં માર્યાં ઘણાં કુટુંબો ત્યાં જઈ વસ્યાં તે પાછાં કાઠિયાવાડ આવ્યાં જ નથી. કાઠિયાવાડ દ્વીપકલ્પના કિનારાનો વતની, વહાણવટી, ખારવો કે વેપારી જૂના વખતથી સાહસ ખેડી ક્યાં નથી ગયો? ને આજે પણ ક્યાં નથી જતો? પોરબંદર કે વેરાવળથી એડન, જિદ્દા જવું તે એને મન ખાડી ઓળંગવા જેવું છે. કાલીકટ–કોચીનની સફર આજે પણ ખુશખુશાલ રીતે કાઠિયાવાડનો ખારવો કરે છે. ઘોઘાનો લાસ્કર ચીન, જાપાન ને વિલાયતની સ્ટીમરપર હિન્દુ અને હિન્દી ઉતારુઓનો મોટો મદદગાર થઈ પડે છે. જંગબાર જવું ને આવવું તે તેને મન રમત છે. પૂર્વ આફ્રિકાનાં જંગલોમાં કાઠિયાવાડીઓ મંગળ કરે છે. દક્ષિણ અફ્રિકાને સત્યાગ્રહ ને સાહસના પાઠ એક કાઠિયાવાડીએ જ ભણાવ્યા. એ સાહસિક નરોની ભૂમિમાં શૌર્ય, પરાક્રમ, વીરતા. નીડરતાનાં ન દર્શન થાય તો બીજે ક્યાં થાય?

કાઠિયાવાડમાં ઇતિહાસના ભરચક સાધનો

ગુજરાતમાં મરાઠાઓનાં આક્રમણ પૂર્વે પણ મોગલ શહેનશાહત તરફથી નીમાઈ આવતા સૂબાઓની હકૂમતના સમયમાં જે અંધાધુંધી ચાલતી તેનો પડઘો કાઠિયાવાડમાં પણ પડતો. મોગલ શહેનશાહતની પડતી અને મરાઠાઓની ચઢતીને પરિણામે એ અંધાધુંધીમાં ઓર વધારો થયો. સાર્વભૌમિક સત્તા ઢીલી પડતાં ઠેકઠેકાણે બળવા, બંડ અને કાઠિયાવાડમાં જેને ધિંગાણાં કહે છે તે ફાટી નીકળ્યાં. અને રાજા, મહારાજા અને ઠાકોરો તો શું પણ જમીનદારો ને ઇમાનદારો પણ સ્વતંત્ર થવા મથ્યા. એ સ્વતંત્રતા મેળવવા તેમને લડવું પડ્યું અને માંહોમાંહેના વિગ્રહમાં નાના નાના ગામડાવાસી ક્ષત્રી રાજપૂતોને પણ કાં તો સ્વરક્ષણ માટે અથવા આક્રમણ અંગે હિમ્મત ને બહાદુરી, શૌર્ય ને વીરતા, દાખવવાં પડ્યાં. એ હિમ્મત ને એ બહાદુરીના ઇતિહાસનું ચિત્ર જો કોઈ કાબેલ ઇતિહાસલેખક નીકળી આવે તો તેની પીછી તેને શોભતા રંગમાં ચીતરી શકે. ગામડાનાં પાળિયાં ને દેરડીઓ, ગામમાં યા આસપાસ રહેતા ચારણ અને ભાટો, શૂરવીર લડવૈયાનાં કુટુંબીજનો, તે લેખકના હાથમાં ને ઇતિહાસ માટેનાં સાધનો મૂકી શકે.

ફારસીના જ્ઞાનની જરૂરત

કાઠિયાવાડનાં ગામેગામનો ઇતિહાસ લખવો શક્ય છે. એ વિષયનો વિચાર કરતાં આપણા સાહિત્યમાં જેની મોટામાં મોટી ખોટ છે તે વિષય પર આવું છું. પુરાણા ગુજરાતનો – મધ્યકાલીન ગુજરાતનો એટલે ચાવડા, સોલંકી, વાઘેલા વંશનો અને ત્યારબાદ મુસલમાની હકૂમત નીચે રહેલા ગુજરાતનો જેવો જોઈએ તેવો ઇતિહાસ હજુ લખાવાનો છે. એ લખાવાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ છે, પરંતુ તે ન ઉકેલાય તેવી નથી. ખરચની બાબત દૂર રાખીએ તો પણ એને માટે લાયક કાર્યકર્તાઓની ખામી છે. એ કાર્ય એક માણસનું નથી, તેને માટે લેખકોના એક આખા ઝૂમખાની જરૂર છે. શિલાલેખ, તામ્રપત્ર, દાનપત્ર, તખ્તીઓ, સિક્કા, સનદો, પરવાના, ફરમાનો, વગેરે લેખો જે જે ભાષામાં લખાયા હોય તે તે ભાષા ઇતિહાસના લેખકે જાણવાની જરૂર છે. કારણ કાંઈ દરેક લેખ, પત્ર, સિક્કો કે સનદ વંચાઈ તેનાં ભાષાંતર બહાર પડ્યાં નથી. મુખ્યત્વે જે બેત્રણ ભાષાની માહિતીની જરૂર છે તે સંસ્કૃત, ફારસી અને મરાઠી. આપણા અત્યાર સુધીના ઇતિહાસના લેખકોમાં મોટે ભાગે ફારસી પ્રત્યે ઉદાસીનતા જોવામાં આવે છે. ફારસી ભાષાએ ગુજરાત–કાઠિયાવાડના રાજકીય વ્યવહારમાં કેટલો મોટો ભાગ ભજવ્યો છે, તે આ સંમેલન સમક્ષ કહેવાનું હોય નહિ. ફારસી ભાષા તે વખતના રાજકર્ત્તાઓ–મુસલમાનો–ની દરબારી–રાજ્યભાષા હતી, એટલે બધો રાજકીય પત્રવ્યવહાર અને અન્ય વ્યવહારે એ જ ભાષામાં થતો. ફરમાનો ને પરવાના, હુકમો ને સનદો, એ જ ભાષામાં લખાતાં. અને છેવટ શિષ્ટ વર્ગમાં પરસ્પર વ્યવહારમાં [3] પણ એ જ ભાષા વપરાવા લાગી; અને તે એટલે સુધી કે ખુદ ગુજરાતમાં વેચાણસાટાણ ને ગીરોનાં ખતપત્રો, માંહોમાંહેના કબલા અને ભાડાચિઠ્ઠીઓ પણ ફારસીમાં જ લખાતી. ટૂંકામાં હાલ અંગ્રેજી ભાષા, આપણા જીવનવ્યવહારમાં જે સ્થાન લઈ બેઠી છે તે સ્થાન તે વખતે ફારસી ભાષા ભોગવતી હતી; એટલે કાંઈ નહિ તો મુસલમાની હકૂમતના સમયનો સાચો ઇતિહાસ જાણવા માટે ફારસી જાણ્યા વગર આપણો છૂટકો નથી.

ફારસી ભાષામાં ગુજરાતના ઇતિહાસો

ફારસી ભાષામાં લખાયેલા ગુજરાતના ઇતિહાસોની ઉપયોગિતા વિષે હું હમણાં જ કાંઈ કહીશ. પરંતુ તે પૂર્વે ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોની તવારીખ સંબંધી ફારસી ભાષામાં લખાયેલા લેખ કેવી રીતે મદદરૂપ થઈ પડે તે જણાવીશ. સુરત, ભરૂચ, અમદાવાદ, ખંભાત, અને વડોદરામાંની જૂની મસ્જિદો ને મકબરામાં મળી આવતા શિલાલેખો પરથી અગત્યની ઘણી એક હકીકત મળી આવે. છતાં તે સંબંધમાં આપણે બેદરકાર રહીએ છીએ. ઉદાહરણ માટે હું મારો જ દાખલો આપીશ. ભરૂચમાં જૂના બજારને છેડે એક નાની સરખી મસ્જિદ છે. હું નાનો હતો અને જ્યારે ગુજરાતી નિશાળમાં જતો ત્યારે આવતાં ને જતાં બંને વખતે એ મસ્જિદ પાસે થઈને જતો. ત્યારબાદ મોટી ઉમ્મરે પણ કાંઈ સેંકડો વખત એ રસ્તેથી હું ગયો આવ્યો હોઈશ; પણ એ મસ્જિદ વિષે કાંઈ પણ હકીકત જાણવા મને કુતૂહલ થયેલું નહીં. છેવટ ગયે વરસે ભરૂચની આસપાસના એટલે ઇદગાહ, બાવા રેનની ટેકરી, વગેરે પર કોતરેલા ફારસી શિલાલેખ જોવા ભરૂચના કાજીસાહેબ જોડે જતાં તેમણે એ મસ્જિદ પણ મને દેખાડી. અને ત્યાંનો લેખ વાંચતાં મહમદ તઘલખના વખતની, તેની બંધાવેલી એટલે ૬૦૦ વરસની જૂની એ મસ્જિદ નીકળી. આને વિષે ભરૂચના કોઈ અહેવાલમાં ઈશારો છે કે નહીં તેની મને ખબર નથી, પરંતુ મહમદ તઘલખ ભરૂચમાં આવેલો, દક્ષિણમાં જતાં કે કોઈ બીજી વખત, એટલું તો તેના પરથી સમજાય છે. શ્રી ફાર્બસ ગુજરાતી સભામાં સાચવી રાખેલાં કેટલાંક જહાંગીર, શાહજહાન બાદશાહનાં ફરમાનો છે. તેમાંથી ઘણી અગત્યની બાબતો મળી આવે છે. શાન્તિદાસ ઝવેરીનું મુગલાઈ દરબારમાં કેટલું ચલણ હતું. શત્રુંજયની જાત્રા ચાલે તેટલો વખત જીવહિંસા થતી તેણે કેવી રીતે બંધ કરાવેલી, એક જૈન ધર્મશાળા ફેરવી ઔરંગજેબે મસ્જિદ બનાવેલી તેને ફેરવી પાછી ધર્મશાળા કેવી રીતે બનાવરાવી, વગેરે મહત્ત્વની ઘણી એક બાબતો પર તેથી પ્રકાશ પડે છે. સ્થાનિક ઇતિહાસને તો એ લેખો જરૂર ઉપયોગી થઈ પડે જ; પરંતુ વધારમાં તે ઉપરથી તે મોગલ શહેનશાહો પણ હિન્દુ ધર્મ પ્રત્યે કેટલી લાગણી ને સહિષ્ણુતા બનાવતા તેનો આપણને તવારીખી પુરાવો મળે છે. એવી જ રીતે બીજી કેટલીક અકબર, જહાંગીર ને શાહજહાનની આપેલી ફારસી સનદો સ્વર્ગસ્થ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ – “ગુજરાતી”ના મરહૂમ અધિપતિ–ના ચિરંજીવી ભાઈ નટવરલાલ તરફથી મને બતાવવામાં આવી હતી. એઓ મૂળ સુરતના દેસાઈ છે. તે દેસાઈગીરી અંગે એમના વડવાઓને હાંસોટ બાજુનાં અને સુરત ભરૂચનાં બીજાં ગામડાંઓના મીઠાના અગરોનો ઇજારો મળ્યો હતો. એ “નમકસાર” એટલે મીઠાના ઇજારાનો કારભાર એ વખતે કેમ ચાલતો હતો, ઇજારદારને મહેનતાણું શું આપવું અને વેપારીને વટાવ કેટલો આપવો ને વણજારાની મજૂરી કેટલી, તેની વિગત તેમાં જણાવાઈ છે અને તેથી જળવાઈ રહી છે. આવી જાતનાં થોકબંધ ફરમાનો, સંખ્યાબંધ સનદો, અને પારાવાર પરવાના, ગુજરાત ને કાઠીઆવાડના સેંકડો જાગીરદાર, મજમૂદાર, દેસાઈ અને જમીનદાર કુટુંબો પાસે આજે પણ મોજૂદ હશે. એ સનદો રૂમાલે વીંટાળેલી પડી રહે તેના કરતાં તેનો આવા તવારીખી અભ્યાસમાં ઉપયોગ થાય, તો તેમાંથી કાંઈ નહીં તો કેટલીક સ્થાનિક બાબતો તો ઇતિહાસના ચોકઠામાં ગોઠવી શકાય.

‘મિરાતે અહમદી’

ગુજરાત કાઠિયાવાડના ફારસીમાં લખેલા ઇતિહાસો છે, ને તે ઘણા જ ઉપયોગી છે. ગુજરાતના ‘મિરાતે સિકંદરી’ ને ‘મિરાતે અહમદી’ તથા ‘તવારીખે ફિરશ્તા’માં ગુજરાતને લગતો ભાગ છે. એમાં કાઠિયાવાડના ઇતિહાસનો પણ સમાવેશ થઈ જાય છે. કાઠિયાવાડ આખાનો ફારસીમાં લખાયલો ઇતિહાસ નથી. પરંતુ રણછોડજી દિવાનની ‘તવારીખે સોરઠ વ હાલાર’ જો કે બહુ જૂનો લેખ નથી, તો પણ કાંઈક અંશે કાઠિયાવાડ સમસ્તના ઇતિહાસની ખોટ પૂરી પાડે છે. આ બધા ઇતિહાસના ગ્રંથોમાં ‘મિરાતે અહમદી’ને ઊંચું સ્થાન આપવું ઘટે છે. ઇતિહાસ માટે સાધન ભેગાં કરી ઇતિહાસ લખવાની આપણા મુસલમાન ભાઈઓને નૈસર્ગિક સ્ફુરણા થઈ છે; અને તે વૃત્તિને વશ થઈને જ ‘મિરાતે અહમદી’ના લેખકે ઘણી મુશ્કેલીઓ વેઠી ઈ.સ. ૧૦૦૦ થી ૧૭૬૦ સુધીના ગુજરાતના ઇતિહાસનાં સાધન ભેગાં કરી ઇતિહાસ લખ્યો છે. તેમાં ઔરંગજેબના ગુજરવા (ઈ.સ. ૧૭૦૭) બાદનાં જે પચાસ સાઠ વરસનો પાણીપતની લડાઈ સુધીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે, તે તો એ ગ્રંથકારની પોતાની હયાતીમાં બનેલા બનાવો – જે કેટલાક બનાવોમાં પોતે તથા તેના પિતાએ ભાગ લીધેલો તેવા બનાવો–ની હકીકત છે. એટલે એ પુસ્તક ઘણું જ કીમતી ગણાય. એ પુસ્તકની ફારસી નકલ ઘણી જૂજ સંખ્યામાં મળે છે. એક સારી નકલ રા. બ. ભોળાનાથભાઈ પાસે હતી તે લહિયાઓની ઘણી ભૂલોથી મુક્ત હતી. એક બીજી મુંબઈ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં છે તે જૂનાગઢના વૈષ્ણવ નાગર વરજદાસ વલદે રંગીલદાસની પોષ સુદ ૧૦ સંવત ૧૮૮૧ (ઈ.સ. ૧૮૨૫)ની લખેલી છે. પણ એ પુસ્તકની જેટલી નકલો મળી આવે છે તેમાંની ઘણીખરી પુષ્કળ અશુદ્ધ તથા અધૂરી મળી આવે છે. એટલે નામદાર ગાયકવાડ સરકારની ‘ઓરીએન્ટલ સીરીઝ’માં પ્રો. સૈયદ નવાબઅલીએ સંશોધન કરી જે આવૃત્તિ બહાર પાડી છે તે જ સારી વિશ્વાસનીય ગણાય છે. એ ગ્રંથના ત્રણ ભાગ છેઃ એક જૂના ગુજરાત તથા ફરોખસિયરના સમય સુધીનો ભાગ, બીજો ત્યારબાદની પાણીપતની લડાઈ સુધીનો ભાગ, અને ત્રીજો ખાતિમે એટલે પુરવણીનો. આ ત્રણ ભાગમાંથી પહેલો બહુ ઉપયોગી નથી, જો કે તેમાં મોગલ શહેનશાહો તરફથી કાઢવામાં આવેલાં ફરમાનો, પરવાના અને બીજા હુકમોની અસલ પરથી નકલો આપવામાં આવેલી હોવાથી તેટલા પૂરતો તે કીમતી થઈ પડે છે. એ ભાગનું ગુજરાતીમાં ભાષાન્તર થયું છે. પરંતુ એ ભાગ ઘણો ખરો ‘મિરાતે સિકંદરી’ને આધારે લખાયેલો હોવાથી ને ‘મિરાતે સિકંદરી’નું અંગ્રેજીમાં ભાષાન્તર થયેલું હોવાથી તેમાંની હકીકત મેળવવી સુલભ છે. બીજા ભાગનું કે જેમાં લેખકે પોતે જોયેલી અનુભવેલી હકીકતનું વર્ણન આપ્યું છે તે આખાનું ભાષાન્તર અંગ્રેજીમાં, કે ગુજરાતીમાં હજુ પ્રસિદ્ધ થયું નથી. અંગ્રેજી ભાષાન્તર મી. સેડન કરે છે એમ સમજાય છે. તેનું ગુજરાતી ભાષાન્તર મારા તરફથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને કરી આપવામાં આવ્યું છે ને તે કટકે કટકે પ્રસિદ્ધ થાય છે. એ પુસ્તકમાં ગુજરાતની તે વખતની અંધાધુંધીનું આબેહૂબ ચિત્ર દોરવામાં આવ્યું છે. ખુશાલચંદ ઝવેરી નગરશેઠ, કપૂરચંદ ભણસાળી, રેશમી કાપડના વેપારીઓના મહાજન શેઠ ગંગાદાસ, વગેરે તે સમયના હિન્દુ શેઠિયાઓની રહેણીકરણી, મુશ્કેલીઓ અને તેમનાપર આવી પડતી આફત ને ગૂંચની ઉકેલનું ઘણું સારું વર્ણન તેમાં છે. મારવાડી સૂબાઓ તથા તેમના નાયબો (પ્રતિનિધિઓ) હિન્દુ હોવા છતાં મારવાડમાં પૈસો હરી જવા માટે હિન્દુમુસલમાન પર જે એકસરખો જુલમ ગુજારતા તેની સંપૂર્ણ વિગત તેમાં છે. મુસલમાન હાકેમો પણ લોભવૃત્તિને વશ થઈ જે ત્રાસ ગુજારતા તેનું નિષ્પક્ષપાત કથન તેમાં છે. લેખક ચુસ્ત મુસલમાન હોવા છતાં આખા લેખમાં તેણે એક પણ કઠોર શબ્દ – જેવો કે કાફર, જાહેલ (અજ્ઞાન), જહન્નમ (નરક)માં જવાને લાયક – હિન્દુ કોમને માટે વાપર્યો નથી, પરંતુ મારવાડીઓના જુલમ પ્રત્યે તેનું લોહી ઘણું ઊકળી આવે છે ત્યારે તેમને માત્ર તે “મારવાર” એટલે “સર્પ જેવા” કહી, ‘મારવાડ’ શબ્દપર શ્લેષ કરે છે. અમદાવાદના સ્થાનિક ઇતિહાસને લગતી એમાંથી ઘણી હકીકત મળી આવે છે ને ભાઈ રત્નમણિરાવ ભીમરાવને તો તે ઘણું ઉપયોગી થઈ પડવું જોઈએ. પરંતુ એ ગ્રન્થની પુરવણી એ તો એ લેખકની સર્વોત્તમ ને સર્વાંશે ઉપયોગી કૃતિ છે. જેમ અબુલ ફઝલની ‘આઇને અકબરી’ આખા મોગલ સામ્રાજ્યની વ્યવસ્થાની કૂંચી પૂરી પાડે છે, તેમ ‘મિરાતે અહમદી’ની પુરવણી મુખ્યત્વે અમદાવાદની સ્થાનિક વ્યવસ્થાની અને ગૌણ પક્ષે ગુજરાતની વ્યવસ્થાની કૂંચી પૂરી પાડે છે. અમદાવાદના રસ્તા, અમદાવાદના દરવાજા, ચકલા ને થાણાં, પરાં ને વાડીઓ, કૂવા ને વાવ, મંડાઈ ને ઇસ્પીતાલ. અમદાવાદમાં વસતી પચરંગી પ્રજાનાં મૂળ ને રીતરિવાજ, એ સૌ એમાં આપેલું છે. ગુજરાત કાઠિયાવાડના હિન્દુમુસલમાનનાં પવિત્ર ધામો, રોજાઓ, નદીઓ, પર્વત, બંદરો વગેરેનું સંપૂર્ણ વર્ણન તેમાં છે. આખા ગુજરાતના ઓલિયા, પીરના ઓરસો, મુસલમાન સાધુસંત, લેખકો વગેરેનાં ચિત્રો પણ એમાં જોવામાં આવે છે. સિદ્ધરાજ જયસિંહ કેવી રીતે ઇસ્લામમાં વટળ્યો તેની દંતકથા કહેવાનું પણ એ લેખક ભૂલ્યો નથી. એની ખરી કદર કરવા માટે તો એ પુરવણી અસલ જ વાંચવી જોઈએ.

‘તવારીખે સોરઠ’

એને મુકાબલે રણછોડજી દિવાનની ‘તવારીખે સોરઠ’ એટલો ઉત્કૃષ્ટ ગ્રંથ ગણાય નહિ. એમણે ધોરણ તો પકડ્યું છે ‘મિરાતે અહમદી’નું, પણ ‘મિરાત’નો લેખક ઇતિહાસનો વિભાગ અને પુરવણીનો વિભાગ એ બેને પૃથક પૃથક રાખી એકમાં બીજાને ભળી જવા દેતો નથી; પરંતુ રણછોડજીથી તેમ થઈ શક્યું નથી. એમના પુસ્તકમાં સર્વે બાબતનો ખીચડો થઈ ગયો છે. વળી એમાં આપેલો અહેવાલ પોતે નજરે જોયેલો ખરો, પણ ઘણે ભાગે “બુદ્ધિમાન પુરુષોના મોઢાની હકીકત ઉપરથી તથા લખેલી કેફીઅત પરથી” જે વૃત્તાન્તો એમના જાણવામાં આવેલાં તે ટપકાવી લીધાં છે. છતાં એમાં લખેલી સોરઠ ને હાલારની હકીકત ‘મિરાતે અહમદી’માં લખેલી હકીકત જોડે સરખાવતાં ‘તવારીખે સોરઠ’ની હકીકત બિલકુલ ભૂલ વિનાની અને બેશક વધારે વિગત સાથની મળી આવે છે. પરંતુ એ પુસ્તકની કીમત તો જુદે ધોરણે આંકવાની છે, અને તેમ આંકતાં એ પુસ્તકની જોડ બીજે મળતી નથી. પુસ્તક અજોડ છે; પોતે ધારત તો ભરતખંડ અને ગુજરાતની તવારીખ લખી શકત; પરંતુ તે સંબંધે પુસ્તકો હોવાથી કથેલું કથવું તેમને નકામું લાગ્યું. મતલબ કે જે વિષય અત્યાર સુધી મુસલમાન તવારીખનવેસો ખેડતા હતા તે વિષય ખેડવાની પોતાનામાં કાબેલિયત હતી એમ પોતે જાણતા હતા, છતાં ગવાઈ ગયેલું ગાવું તેમને ઠીક ન લાગ્યું. એટલે પોતાના “સ્વદેશપ્રત્યે પ્રેમની મનોવૃત્તિથી [દોરાઈ] માત્ર જૂનાગઢ તથા હાલારનાં સંસ્થાનના વૃત્તાંતો” લખવા પૂરતી જ પોતાની કલમ તેમણે ચલાવી. રણછોડજી દિવાનને પોતાને સંસ્કૃત ને ગુજરાતીનું સારી રીતનું જ્ઞાન હતું. આ પુસ્તક તેમણે પોતાના સુપુત્ર શંકરપ્રસાદને વાંચવા માટે લખ્યું હતું. શંકરપ્રસાદ ગુજરાતી જાણતો હતો છતાં ફારસીમાં લખ્યું તેનું કારણ શું? કારણ માત્ર એ જ હોવું જોઈએ કે તે વખતનો શિષ્ટ અને કેળવાયેલો વર્ગ ફારસીથી માહેર વર્ગ, તેનો લાભ લઈ તેની કીમત આંકી શકે. અર્વાચીન સમયના ફારસી તવારીખનવેસોમાંના એ એકલા હિન્દુ લેખકની સેવાની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી.

મુખ્ય મુખ્ય શહેરોના ઇતિહાસ

આપણાં મુખ્ય મુખ્ય શહેરોના ઇતિહાસનાં પુસ્તકો છે, નથી એમ નથી. વખતે તે ઉત્તમ પ્રતિનાં નહિ હોય, પરંતુ છે તો ખરાં. મુનશી અબ્દુલ હકીમનો સુરતનો ઇતિહાસ મોજૂદ છે. કવિ નર્મદાશંકરે પણ ‘સુરતની મુખ્તેસર હકીકત’ લખી છે. જૂનાગઢનો ઇતિહાસ તો ઉપર જણાવવામાં આવ્યો છે. તે ઉપરાંત હાલમાં જ ‘મિરાતે મુસ્તફાબાદ’ નામનો ગ્રંથ (ઉર્દૂમાં) બહાર પડ્યો છે. ફારસી લેખકો તથા બારોટોના ચોપડા પરથી ‘પાલણપોર રીયાસતનો ઇતિહાસ’ લખાયેલો છે (ઉર્દૂમાં અને ભાષાન્તર ગુજરાતીમાં). સુરતના એક વતની શેખ બક્ષુમીયાંએ ‘હદીકે ઉલ હિન્દ’ નામનો ઇતિહાસ લખ્યો છે તેમાં સુરત, ખંભાત, અમદાવાદ વગેરે મુખ્ય મુખ્ય શહેરોની હકીકત ઘણાં પુસ્તકોની મદદ વડે ઉપજાવી કાઢવામાં આવી છે. મરાઠી ઇતિહાસની જે ખબરો અને દફ્તરો હવે બહાર પડવા માંડ્યાં છે તેનો પણ ઉપયોગ કરી શકાય. સુરત, ખંભાત, ભરૂચ વગેરે જગાએ અંગ્રેજોની જે કોઠીઓ હતી તેના કારભારને લગતા દસ્તાવેજો પણ ‘સીલેક્ષન’ રૂપે બહાર પડ્યા છે, તે પણ ધ્યાન બહાર રખાય નહિ. ટૂંકામાં ઇતિહાસ લખવાનાં સાધનો છે. તે સાધનો ઉપયોગમાં લેવા માટે જે જે ભાષાઓનું જ્ઞાન જોઈએ તેમાં ફારસી ભાષા જાણવી બહુ અગત્યની છે. એના જાણકાર કે જે એનો ઇતિહાસ સંબંધે ઉપયોગ કરી શકે, એવા થોડા જ ગુજરાતીઓ છે. ગુજરાતીઓ એટલે હિન્દુ, પારસી, મુસલમાન એ ત્રણે કોમના ગુજરાતીઓ. યુનિવર્સિટીમાં બીજી ભાષા તરીકે ફારસી શીખનારની સંખ્યા, ખુદ પારસી કોમની જ સંખ્યા, ઘણી ઓછી થઈ ગઈ છે, તો પછી હિન્દુઓને કહેવું જ શું? મુસલમાનભાઈઓ હજુ કોલેજની કેળવણી મોટી સંખ્યામાં લેતા નથી, એટલે તેમને માટે કશું કહેવાનું નથી. ગુજરાતના ઇતિહાસ માટે ફારસીના જ્ઞાનની આવશ્યકતા છે માટે તેના પ્રત્યે ઉદાસીનતા નહિ ચાલે. તેમ વળી હાફેઝ ને સાદીની ગઝલોના જ્ઞાન પૂરતું ફારસીનું જ્ઞાન આ કાર્ય માટે નિરર્થક છે. તવારીખી ગ્રંથોનું જ્ઞાન જોઈએ.

લાયક થોડાક લેખકો

લાયક લેખકોની ખામીની આ હકીકત કાગળ પર મૂકતાં મને એક બે વ્યક્તિનો વિચાર આવે છે. પૂર્વે થઈ ગયેલા ભગવાનલાલ ઇન્દ્રજી અને આચાર્ય વલ્લભજી હરિદત્ત તથા રતિરામ દુર્ગારામ એમણે જે અમૂલ્ય કાર્ય આ દિશામાં કર્યું છે તે ભુલાય તેવું નથી. બાળાશંકર ઉલ્લાસરામે ફારસી ઇતિહાસના તરજુમા બહાર પાડવા પ્રયાસ આદરેલા, પરંતુ તેમણે કરેલું કાર્ય ચાલુ રહ્યું નહિ અને તેથી આપણને કાર્યકર્ત્તાઓની ખામી સાલ્યા કરે છે. સાહિત્યના રણક્ષેત્રમાં ઘૂમતો ભડવીર, પોતાના જ તાનમાં મસ્તાન, [4] કોઈને નમ્યું ન આપતો–અણનમ–બીજાની પાસે નમન લેતો, નાનાલાલ દલપતરામ કવિ, જો ધારે તો આ બાબતમાં ઘણું કરી શકેઃ ભાઈ નાનાલાલને ફારસી આવડે છે (જો કે એમની મારી સામે ફરિયાદ છે કે એમને યુનિવર્સિટીની પરીક્ષામાં પરીક્ષક તરીકે મેં ફારસીમાં નાપાસ કરેલા), એમને સંસ્કૃત આવડે છે. અકબર, જહાંગીર, નુરજહાં જેવા દૂરના દિલ્લીના પાટનગર શોભાવનાર શહેનશાહોને બાનુ પર દૃષ્ટિ નાખવાને બદલે પાસેના પાટનગરને પાસેના સૂબેદાર કે હાકેમો પર દૃષ્ટિ નાંખે તો એઓ બહુ સારી મદદ કરી શકે. એમનામાં ઇતિહાસને આકર્ષક બનાવવાની, ઇતિહાસને રસિક બનાવવાની નૈસર્ગિક લાયકાત, ઈશ્વરદત્ત કાબેલિયત છે. પોતે જે ગામ વ્યાખ્યાન આપવા જાય છે, તે ગામના સ્થાનિક ઇતિહાસને હંમેશાં પોતાની લાક્ષણિક શૈલી વડે આભૂષિત કરે છે. એમણે આખું કાઠિયાવાડ ખૂંદી નાખ્યું છે. રાજકોટ, જૂનાગઢ, વઢવાણ, લાઠી વગેરે સ્થાનોથી તો તેઓ જેવા અમદાવાદથી પરિચિત છે, અને તેથી પોતે જે ગામમાં વ્યાખ્યાન આપવા જાય છે તે ગામના સ્થાનિક ઇતિહાસને પોતાની કાવ્યમય શૈલી વડે અમર કરે છે. બીજી વ્યક્તિ જેનો મને વિચાર આવે છે તે મારા હમશહેરી, બાળમિત્ર પ્રો. બળવંતરાય કલ્યાણરાય ઠાકોર છે. એક ઇતિહાસલેખકમાં જોઈતા ગુણ એમનામાં છે. દરેક વિષય કે વસ્તુનો ખોજ કર્યા શિવાય તેઓ તે કબૂલ રાખતા નથી. ઇતિહાસની તો જોડે રહી, એમણે પોતાનું આખું જીવન ગાળ્યું છે. અમુક હકીકતનું અન્વેષણ કે પૃથક્કરણ પોતે ઊંડા ઊતરી કરી શકે છે ને પછી તેમાંથી સાર તારવી કાઢી આપણી સમક્ષ મૂકે છે. એવો એમને ખોજ કરવા જેવા વિષયનો એક જ કોયડો એમની પાસે મૂકું? સિદ્ધરાજ જયસિંહ માટે કેટલાએક અરબ્બી અને ફારસી ગ્રંથોમાં એવો ઉલ્લેખ થયો છે કે તેને ઇસ્લામ ધર્મમાં લેવામાં આવેલો, કોઈ કહે છે કે વહોરા કોમના દાઈ અબદુલ્લાએ તેને કેટલાએક ચમત્કાર બતાવી ખંભાતમાં વટલાવ્યોઃ કેટલાએક કહે છે કે વહોરા કોમના દાઈએ નહિ, પરંતુ પાટણમાં આવી રહેલા એક ઇસ્લામી ઓલિયાએ તેના રસોઈયા તરીકે રહી તેને વટલાવ્યો; અને મરતાં સુધી છૂપી રીતે તે ઇસ્લામી ધર્મ પાળતો. આ બધી દંતકથાઓ છે. પરંતુ એ જ પ્રસંગને લાગતો ઊહાપોહ હિન્દુઓને હાથે લખાયેલા ગ્રંથોમાં પણ થયેલો હોવો જોઈએ. એટલે એ પ્રશ્ન સંબંધે મળી આવતાં સઘળાં સાધનો ભેગાં કરી તેની કસોટી કરી તેમાંથી ખરું તત્ત્વ શોધી કાઢવા માટે તેઓ જરૂર સફળ પ્રયાસ કરી શકે. આમ છતાં પણ મને આશા છે કે વખત જતાં આપણે ત્યાં પણ કોઈ રાયબહાદુર ગૌરીશંકર ઓઝા પાકશે. ગુજરાતના ઇતિહાસની હાલની સ્થિતિ અને તે સ્થિતિ કેમ સુધારી શકાય એ વિષય પર ધાર્યા કરતાં વધારે લંબાણ થઈ ગયું, એટલે જે એક બે બીજી બાબત પર મારે કહેવું છે તે સંબંધે બે બોલ કહી હું ટૂંકામાં પતાવીશ.

ગુજરાતી સાહિત્યની સ્થિતિ

આજે ગુજરાતી સાહિત્યની સ્થિતિ કેવી છે, એ પ્રશ્ન ગુજરાતના સાહિત્યમાં રસ લેતા દરેક જણને મોઢેથી નીકળે તો તે સ્વાભાવિક છે. એ પ્રશ્નનો હું એક જ ઉત્તર આપી શકું અને તે એ છે કે સ્થિતિ સારી છે, આશા પડતી છે, આપણે આગળ વધતા જઈએ છીએ. જે દિશામાં નજર નાખીએ તે દિશામાં ગતિપ્રગતિ જોવામાં આવે છે; સાહિત્યની એકેએક શાખા ખેડાતી જાય છે. બાળસાહિત્ય કે જેને અત્યાર સુધી કોઈ લેખવતું ન હતું તેના પ્રત્યે લોકોની મમતા વધતી જાય છે. જે પુસ્તકો દિન પ્રતિદિન પ્રસિદ્ધ થતાં જાય છે તેમાં અલબત્ત નવલકથા અને નવલકથા કરતાં પણ ટૂંકી વાર્તાઓની સંખ્યા મોટી જોવામાં આવે છે. દાખલા તરીકે સને ૧૯૩૨માં લગભગ સો પુસ્તકો વાર્ત્તાનાં પ્રસિદ્ધ થયાં હતાં. દૈનિક અને સાપ્તાહિક સમાચાર પત્રો તેમ જ માસિકોમાં જો ટૂંકી વાર્તા ન હોય તો તેની કીંમત નહીં, તેને ઘરાકી નહિ. સાહિત્યનું એ અંગ આપણું મુખ્ય ધ્યાન ખેંચે છે. તેમ થવાનું કારણ કે અંગ્રેજી સાહિત્યે હાલ એ દિશામાં જોર વધારે પકડ્યું છે, એટલે આપણે તેની નકલ કરીએ છીએ. વળી ટૂંકી વાર્તા લખવી તે માટે ઝાઝો જ્ઞાનભંડાર જોઈતો નથી, ખાસ કોઈ વિષયનો અભ્યાસ કરવાની તસ્દી લેવી પડતી નથી; હાલના વાતાવરણથી લેખક પરિચિત હોય એટલે બસ. એટલે ઊગતા લેખકોને એ માર્ગ ઘણો સહેલો થઈ પડે છે, તેથી તેઓ તે તરફ આકર્ષાય છે.[5] સાહિત્ય આ રીતે વિકાસ પામતું જાય છે, તેનાં બે કારણો છેઃ (૧) પરિપાક પામેલા, કસાયેલા, અનુભવી, વૃદ્ધ અને ઠરેલ લેખકો, ઈશ્વરકૃપાથી આરોગ્યવાન રહી પોતાનું કર્ત્તવ્ય કર્યા જ જાય છેઃ અને (૨) કોલેજ, વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓમાંથી કેળવણી લઈ બહાર પડતો યુવકવર્ગ પણ આગળના કરતાં સાહિત્યમાં વધારે રસ લેતો હોવાથી તે વર્ગમાંથી પુષ્કળ લેખકો પોતાની માતૃભાષાની સેવા કરી રહ્યા છે. એ સંખ્યાબંધ લેખકોમાંથી દીવાળીમાં ફૂટતી ફૂલખરણીના કણ માફક કેટલાએક નીચે પડતાં પડતાં જરા પ્રકાશ આપી ભોંયે પડી જાય છે. કેટલાએક એ જ પ્રસંગે ફૂટતી કોઠીમાંથી ઊંચે ઊડતી તારાકણી માફક ઝગઝગાટ બતાવી ઊંચે ઊડી પછી ભોંય પડે છે, ત્યારે થોડા માત્ર આકાશે ચઢી ત્યાં ઝગમગાટ આપતા તારાનું અચળ સ્થાન પ્રાપ્ત કરે છે. એ વર્ગ હાલ કરે છે તેનાથી વિશેષ સુંદર કામ કરી શકે પરંતુ સરસ્વતી ને લક્ષ્મીનો જૂનો ઝઘડો તેમને નડે છે. પહેલાં ઉદરનિર્વાહનાં સાધનો મેળવવાં અને પછી સાહિત્યસેવા કરવી, એ સર્જનજૂની મુશ્કેલી તેમના માર્ગમાં આડે ઊભેલી જ છે. કવિ નર્મદાશંકરે માત્ર સરસ્વતીને જ પોતાનું જીવન અર્પણ કર્યું. તેને આર્થિક સંકટના સમયમાં પસાર થવું પડ્યું તે આપ સૌને વિદિત છે. ભાઈ વિજયરાય વૈદ્યે સાહિત્યભેખ લીધો છે. તેમનો અનુભવ જાણવો હોય તો તેઓ હાલ મોજુદ છે. તેઓ તમને જરૂર કહેશે કે એ સાહિત્યભેખ તે અસિધારનૃત્ય એટલે તલવારની ધાર પર નાચવું, ચાલવું નહિ. એ મુશ્કેલી આપણા માર્ગમાં રહેવાની. તે છતાં આપણે આગળ વધીએ છીએ, એ આપણા યુવાન લેખક વર્ગને ખરેખર મુબારકબાદી આપવાનું કારણ છે.

પારસીભાઈઓને બે બોલ

એ વિકાસની હદહુદૂદ બાંધતાં સરહદ પર બે કોમ ઊભેલી મળી આવે છેઃ એક આપણા પારસીભાઈઓ અને બીજા મુસલમાનભાઈઓ. કરાંચી, અમદાવાદ, વડોદરા, ભરૂચ જેવાં શહેરોમાંના પારસી લેખકો જેઓ હજુ આપણને વળગી રહ્યા છે, તેમને આપણાં અભિવંદન ને અભિનંદન. પરંતુ મુંબઈ જેવા શહેરમા પારસીઓની કલમે લખાઈ પ્રસિદ્ધ થતાં પુસ્તકો આપણે સમજવાં, એ દિવસે દિવસે વધારે મુશ્કેલ થતું જાય છે. પારસી-ગુજરાતી અને સાધારણ ગુજરાતી વચ્ચે જે અંતર પડી ગયું છે તે સંધાતું નથી. તેમની આપણા હિન્દુઓ પ્રત્યે એ ફરિયાદ છે કે તમે તમારી ભાષા સંસ્કૃતમાં કરી નાખી છે, અને તે ફરિયાદ અક્ષરશઃ સાચી છે, વજૂદવાળી છે. તેમ આપણે પારસીઓને કહીએ છીએ કે તમે તમારી ભાષા છેક બગાડી નાખી છેઃ માત્ર એકલી અંગ્રેજીની નકલ હોત તો પણ કાંઈ નહીં, ચલાવી લેત; પરંતુ તમારી ભાષામાં એટલા બધા અશાસ્ત્રીય, અશિષ્ટ, હલકી પ્રતિના, “બજારુ”, શબ્દો ઘુસાડી દીધા છે કે અમારાથી તેનો અર્થ સમજાતો નથી. નાના છોકરાને “ચેકૂસ”, કોઈ મોટો માણસ ધમધમાટ કરતો આવે તેને ‘ધન ધન ધોરી આયા’ એવું એવું ગુજરાતી લખાણ અમને સમજાતું નથી; અગર વાંચી સૂગ આવે છે.

ઉત્સાહી મુસલમાન યુવકો

મુસલમાન યુવકોએ આપણને સાથ આપવા માંડ્યો છેઃ પોતે ગુજરાતના વતની છે, પોતાની માતૃભાષા ગુજરાતી છે, એ બે અંગો તેમણે બહુ ચુસ્તતાથી પકડી લીધાં છે. અને તેથી તે બંને પ્રત્યે તેઓ પ્રેમથી નિહાળી ગુજરાતી ભાષાનું પોતાનું જ્ઞાન વધારવા ગુજરાતી સાહિત્યમાં પોતે જે યત્કિંચિત ફાળો આપી શકે તે આપવા તેઓ સક્રિય પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમ ગુજરાતી સાહિત્યમંડળ (રાંદેર)ના જલસામાં હાજર રહેવાનો મને પ્રસંગ મળેલો. તે વખતના વ્યાખ્યાતાઓનું આપણા સાહિત્યનું ઊંચા પ્રકારનું જ્ઞાન, પરિચિતતા, શામળ, પ્રેમાનંદ ને દયારામનાં કાવ્યોની ગાઢ માહિતી, વગેરે જોઈ મારામાં તેમને વિષે ઘણી માનની વૃત્તિ ઉત્પન્ન થઈ. મુનાદી, શબનમ, કોકિલ, બેકાર, શરદા, સાદિક એવા એવા લેખકોનો સાથ મળ્યેથી આપણાં સાહિત્યને જરૂર ફાયદો થવાનો. પરંતુ એમને એક વાત જણાવું: ગુજરાતી ભાષા જ ઉર્દૂ ધાટીની ગઝલોને અનુકૂળ નથી. વળી ગુજરાતી ગઝલોમાં ઉર્દૂ કાફિયા ઠોકી બેસાડવામાં આવતાં, ગઝલો વર્ણસંકર બની જવાનો ભય રહે છે. ખોજાભાઈઓ ધીમે ધીમે ઉર્દૂ તરફ વધારે આકર્ષાતા જાય છે. શરીફ સાલેમહમદ ને હાજીમહમદ અલ્લારખિયા જેવી વ્યક્તિઓ હવે તે કોમમાંથી આપણને મળશે કે નહિ તેનો શક રહે છે. પૃથક પૃથક વ્યક્તિઓના લેખનકાર્યદ્વારા આપણું સાહિત્ય વિકાસ પામતું ગયું છે, એ તો નિર્વિવાદ છે, પરંતુ સાથે સાથે કેટલીએક સંસ્થાઓ તરફથી પણ એ વિકાસ અંગે થોડો ફાળો અપાયો નથી. મુંબઈની શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફથી જે કાંઈ થોડું ઘણું કામ થયું છે અને થાય છે તેનો કશો પણ ઉલ્લેખ અત્રે કરવો હું દુરસ્ત ધારતો નથી. કારણ તેથી આત્મશ્લાઘાનો ભય રહે છે. પરંતુ અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી જે કામ વરસો થયાં મુંગે મોઢે કરી રહી છે, અને જે કામ, છેલ્લાં ૮-૧૦ વરસમાં જે વિશેષ ગતિ, વિશેષ ઉપયોગિતા, અને વિશેષ કીમતીપણું દાખવી રહ્યું છે, તેનો ઉલ્લેખ અહીં કર્યા સિવાય રહેવાતું નથી. એ સોસાઈટીના હાથ તળેનાં ફંડોની વ્યવસ્થા અમુક રીતે જ કરવાની હોય છે, એટલે સોસાઈટીને તેટલી હદમાં જ રહી કામ કરવું પડે છે. સોસાઈટીએ પ્રસિદ્ધ કરેલાં કેટલાંએક પુસ્તકો કચરા જેવાં છે એવો તેની સામે આક્ષેપ મૂકવામાં આવે છે; પરંતુ જ્યાં ઘણાં પુસ્તકો પ્રસિદ્ધ થયાં જાય, ત્યાં બધાં તો એકસરખી કોટિનાં–એકસરખી ઉત્તમતાનાં – ક્યાંથી હોય? પોતાને નક્કી કરી આપેલી હદમાં રહીએ સોસાઈટી આપણા સાહિત્યની ઉત્તમ પ્રકારની સેવા બજાવે છે, અને તે તેના કાર્યકર્ત્તાઓને ગર્વ લેવાનું યોગ્ય કારણ છે એમ પણ કહ્યા વગર ચાલતું નથી. સસ્તું સાહિત્ય પૂરું પાડવામાં એકલે હાથે સ્વામી અખંડાનંદજી જે કાર્ય કરી રહ્યા છે તેની પૂરતી કદર ગુજરાતે કરી છે કે નહિ, એ શંકાસ્પદ છે. એ સાહિત્ય સસ્તું હોવા ઉપરાંત “સોજ્જું” (‘ક્લીન’) નિર્ભેળ, નીતિમય, બોધપ્રદ અને બહુ જ સહેલી ભાષામાં લખાયેલું હોવાથી લોકપ્રિય થઈ પડ્યું હોય તો તેમાં નવાઈ નહિ. એ વાંચનમાળાનાં પુસ્તકોની દરેક આવૃત્તિની ગણતરી હજારોથી થાય છે, છતાં સ્વામીજીનું મન એ કાર્ય પરથી ઊતરી ગયું સમજાય છે. નહિ તો છાપખાનું કાઢી નાખી માળા બંધ કરવાનો વિચાર સરખો પણ એમને કેમ આવે? ગમે તે પ્રયત્ને પણ એ માળા ટકાવી રાખવા જેવી છે. દેશી રાજ્યો તરફથી સાહિત્યના વિકાસ માટે પ્રોત્સાહન મળતું નથી, એવું કહેનારની સમક્ષ નામદાર ગાયકવાડ મહારાજના એ દિશામાં પ્રયાસો ઘણા જૂના છે. વડોદરાની સાહિત્ય પરિષદ પછી તેમણે એક ખાસ ભાષાન્તર ખાતું સ્થાપ્યું છે, તેમાંથી અત્યાર સુધીમાં દોઢસોએક ગ્રંથો બહાર પાડ્યા છે. વળી હાલ શ્રીમંત મહારાજાએ એક નવી યોજના અમલમાં મૂકવા ધારી છે. પાંચ ગુજરાતી અને પાંચ મરાઠી સાહિત્યરસિકોનો એક મેળાવડો કરી તેમાંથી યોગ્ય લેખકને પસંદ કરી તેની પાસે વ્યાખ્યાન અપાવવું અને તેના પારિતોષક બદલ રૂ. ૨૫૦) તથા આવવાજવાનો ખરચ આપવો. આ યોજનાનો અમલ દર વરસે થતો રહેશે.

સાહિત્યપરિષદનાં સંમેલનોની ફળનિષ્પત્તિ

આ સંમેલનમાં ભાગ લેનાર તથા ભાગ ન લેનાર બહારની જનતા જો એ પ્રશ્ન કરે કે આટઆટલાં પરિષદનાં સંમેલનોને અંતે સક્રિય પરિણામમાં મળી આવતો લાભ શો, તો તે કુદરતી છે. જેવાં આપણી પરિષદનાં સંમેલન થાય છે તેવાં (હિંદી) નાગરી, બંગાળી, અને મરાઠી સાહિત્યનાં પણ સંમેલનો થાય છેઃ અને તેના રીપોર્ટો જોતાં તે સંમેલનોને પરિણામે સાહિત્યપ્રવૃત્તિની ઊર્ધ્વગતિ સતત ને ચાલુ રાખવા પ્રયાસો થયા સમજાય છે. મરાઠી સાહિત્યપરિષદ પણ આ નાતાલના તહેવારોમાં જ નાગપુરમાં મળી છે. નાગરી સાહિત્યપ્રચારિણી સભા, તેમ જ મહારાષ્ટ્રીય ભારત ઇતિહાસ-સંશોધક મંડળ જે ઉત્તમ કાર્ય કરે છે તેની બરાબરી કરવી મુશ્કેલ છે. આપણી પરિષદની ઉંમર અઠ્ઠાવીસ વર્ષની થઈ છે. શરૂઆતનાં આઠ દશ વર્ષ બાળપણનાં વર્ષ તરીકે બાદ કરીએ તો પણ અઢાર વરસના અરસામાં કરેલા કામનો જવાબ આપવો તો રહ્યો જ. ઊડતી નજરે જોતાં પરિણામ શૂન્યવત્, ફાયદો ઘણો નહિ, એવો જવાબ આપી શકાય. પરંતુ જરા ઊંડાણમાં જઈ જોઈશું તો પરિષદનું કાર્ય છેક જ સત્ત્વહીન, માલ વગરનું નહિ જણાય. એ પરિષદના નાદે જ આપણા સાહિત્યવિલાસી અગ્રગણ્ય વિદ્વાનોએ ઉત્તમ વ્યાખ્યાનો આપી ભાષાને મૂલ્યવાન બનાવી. એ સંમેલનો માટે લખાતા નિબંધો વડે જ કેટલીક વિશિષ્ટતાવાળી વ્યક્તિઓનો પગ છૂટો થયો, ક્ષોભ જતો રહ્યો, અને તે આગળ આવી શકી, સંમેલનોમાં હાજરી આપવા આવતા સભ્યોને પરસ્પર ઓળખાણ, પિછાણ ને મૈત્રીનો લાભ મળ્યોઃ આવાં આવાં કારણોને લઈને ગુજરાતી સાહિત્યના ઘડાતા. જીવતરને જોમવાન, ચેતનવંત થવા પ્રેરણા મળી. એ ફાયદો નરી આંખે દેખાય તેવો યા ગજ લઈને માપી શકીએ તેવો નથી; પરંતુ ગર્ભિત છે, સંમેલનોના ગર્ભમાં રહેલો છે. સંમેલન વખતે થયેલી વિચારોની અદલાબદલી, પારસીઓ જેને “આવજો માવજો” કહે છે તે, અંતમાં નફાકારક નીવડે છે. અત્યાર સુધીમાં સંમેલનો વડે ઘણો ફાયદો નહિ થયો હોય તો હવે પછીનાથી તો જરૂર થશે જ. કારણ દિવસે દિવસે આપણી ખામીઓ આપણને વધારે ને વધારે સ્પષ્ટ દેખાતી જશે અને આપણે તેના ઉપાય પણ કરશું. આપણાં સંમેલનો વડે કાંઈ નહિ તો પરપ્રાંતોમાં તો આપણા સાહિત્યની જાહેરાત થઈ છે, આપણું સાહિત્ય જાણીતું થયું છે. સાહિત્યપરિષદે હાલ જે ઠેકઠેકાણે નર્મદશતાબ્દી ઉજવાવી છે, એ એક સ્તુત્ય નવો જ માર્ગ કાઢ્યો છે. તેમ ગોવર્ધનરામ ત્રિપાઠીના અવસાનની પચ્ચીસમી જયન્તીને પણ ઉત્સાહથી વધાવી લેવાઈ છે, એ એક નોંધવાલાયક બાબત છે. આવા પ્રસંગોને મળેલી ફત્તેહ જોતાં ભવિષ્યમાં એ રસ્તે પણ સારું કામ કરી શકાશે એવી આશા રહે છે.

સાહિત્ય પરિષદમાં આવેલું વ્યવસ્થાનું જોમ

સાહિત્યપરિષદનું બંધારણ બદલાયું છે. જેમ પૂર્વે સંમેલનો મળતાં, ને દેવતામાંથી ઊડતા તણખા માફક સહેજ પ્રકાશ આપી શમી જતાં, ઓલવાઈ જતાં, તેમ હવે રહ્યું નથી. આગલાં સંમેલનોનાં ઉલ્લાસ, ઉત્સાહ, ધામધૂમ, ધગશ, આગંતુક મહેમાનોના ત્રણ દહાડા, આસપાસનાઓના તેર દહાડા, સ્થાનિક કાર્યકર્ત્તાઓના વખતે ત્રણ મહીના ટકતાં, પછી વિરમી જતાં, કારણ પાછળ કોઈ રીતનું પ્રેરક બળ રહેતું ન હતું. તે ખામી સુધારી હવે સાહિત્યપરિષદને એક કાયમી, જીવતી જાગતી, સતત કાર્ય ચાલુ રાખે એવી સંસ્થા બનાવવામાં આવી છે, એટલે એ સ્થાયી સંસ્થા (કૉર્પોરેશન)ના કાર્યકર્ત્તાઓએ પરિષદનું ધ્યેય અમલમાં મૂકવાની ધૂંસરી વહેવાની છે. સંમેલનો તો મળશે ને વિખેરાઈ જશે; પણ મળશે તે વખતે કાર્યકર્ત્તાઓનો મહાસભા હિસાબ લેશે. તેમણે મુદત દરમ્યાન શું કામ કર્યું છે તેનો તેમને હિસાબ આપવો પડશે: મતલબ કે સાહિત્યપરિષદના કાયમના કારભારીઓ પર પરિષદને આગળ ધપાવવી, કે છે ત્યાં ને ત્યાં પડી રહેવા દેવી, તેનો ભાર આવી પડ્યો છે. સાહિત્યપરિષદ શું કરી શકે એવો સવાલ પૂછવામાં આવે તો સામે સવાલ એમ પૂછી શકાય કે સાહિત્યપરિષદ શું ન કરી શકે? સાહિત્યપરિષદને કરવાનાં કામો બંધારણના લેખમાં આપવામાં આવ્યાં છે, જે નીચે મુજબ છેઃ अ (ક) ગુજરાતી ભાષાની અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી અને ફેલાવવી.

(ખ) ગુજરાતી ભાષામાં કે ભાષા વિષે લખાયેલાં પુસ્તકો સંરક્ષવાં, તૈયાર કરવાં છપાવવાં કે પ્રસિદ્ધ કરવાં. (ગ) ગુજરાતીઓનું સાહિત્યવિષયક ઐક્ય સંરક્ષવાનાં પગલાં લેવાં. आ ઉપરના હેતુઓ પાર પાડવાને માટે જરૂર જણાય તે પ્રમાણે

(ક) પુસ્તકાલયો, સંગ્રહસ્થાનો, છાપકાનાં કે એવી બીજી સંસ્થાઓ સ્થાપવાં અને નીભાવવાં. (ખ) અનુકૂળ વખતે સંમેલનો કે પ્રદર્શનો ભરવાં.

(ગ) આવા પ્રકારની સંસ્થાઓ પોતાની સાથે જોડવી, ખરીદી લેવી, પોતામાં ભેળવી દેવી, ઉત્તેજવી અથવા તેમની સાથે સહકાર કરવો, અને ગુજરાતી ભાષાના અને સાહિત્યના અભ્યાસને ઉત્તેજન આપવાના હેતુથી પરીક્ષાઓ લેવી.

(ઘ) ગુજરાતી ભાષાના અને સાહિત્યના પ્રચારને માટે વ્યાખ્યાનોની યોજના કરવી.

(ઙ) આવશ્યક કે ઉપયોગી જણાય તે પ્રમાણે સામાયિક પત્રો કે પુસ્તકો છાપવાં પ્રસિદ્ધ કરવાં, સંપાદિત કરવાં, ચલાવવાં અગર છપાવવાં અથવા તેમ કરવામાં મદદ કરવી.

(ચ) ગુજરાતી ભાષાને, સાહિત્યને તથા પ્રજાને લગતી સાહિત્યવિષયક કે ઐતિહાસિક શોધખોળ કરવી કે તે કરવામાં ઉત્તેજન આપવું.

(છ) ગુજરાતી ભાષાની, સાહિત્યની તથા ઇતિહાસની અભિવૃદ્ધિને માટે તથા તેમના પ્રચારને માટે જે વિશેષ કાર્યો કરવાની જરૂર માલમ પડે તે કરવાં.

(જ) પરિષદના હેતુઓ પાર પાડવામાં કે આગળ વધારવામાં મદદરૂપ થઈ પડે તેવા કારણસર જુમ્માભંડોળો (‘ટ્રસ્ટ ફંડ’) સ્વીકારવાં. એ હદમાં રહી પરિષદ બધું જ કરી શકે. જોઈએ માત્ર પૂરતું નાણું, અને તેનાથી પણ વધારે અગત્યનું અંગ, લાયક કાર્યકર્ત્તાઓ. એ વિષે વધારે વિવેચન ન કરતાં એટલું જ કહીશ કે સમય જતો જશે તેમ તેમ બધું જ મળી રહેશે. बहुरत्ना बसुंधरा. મુંબઈ જેવા શહેરમાં સ્થાનિક અને બહારના લેખકો અને સાહિત્યરસિકો મળી પોતાની ગૂંચવણી અને મુશ્કેલીઓ ઊહાપોહ કરી તે મુશ્કેલીઓ દૂર કરવા મંત્રણા કરી શકે. શ્રી ફાર્બસ ગુજરાતી સભા એ દિશામાં વિશાળ મદદ કરી શકે અને કરવા તૈયાર છે. જેમ જેમ સ્ત્રીકેળવણી વધતી જશે તેમ તેમ આપણા દેશનો ઉદ્ધાર થતો જશે. દેશના ઉદ્ધાર સાથે સાહિત્યનો વિકાસ સંકળાયેલો છે. સ્ત્રીઓ કેળવાશે એટલે બાળકો કેળવાશે. બાળકેળવણીના સવાલનો એની મેળે ફડચો આવી જશે. આજે આપણે ત્યાં બાળસાહિત્ય જોસથી આગળ વધી રહ્યું છે, તેમાં સ્ત્રીઓ કરતાં પુરુષોએ વધારે ફાળો આપ્યો છે. તો પછી જ્યારે સંખ્યાબંધ કેળવાયેલી ગુજરાતણો ને કાઠિયાવાડણો એમાં રસ લેતી થશે, ત્યારે સ્ત્રી અને પુરુષના સહકારથી, માતા અને પિતા બંનેના સામટા પ્રયત્નથી બાળજીવન, બાળકેળવણી, બાળસાહિત્ય કેટલે બધે દરજ્જે વિકસિત થશે તેનો ખ્યાલ આપ સૌ કરી શકશો. એ સ્ત્રીકેળવણીના વિષયને અગ્ર સ્થાન આપવા સાહિત્યપરિષદ શું કરી શકે તે વિચારવાનું છે.

માતૃભાષા–ગુજરાતીને ઊંચી કેળવણીમાં સ્થાન

આ વિષય જેટલો જ બલકે તેથી વધારે અગત્યનો વિષય આપણી માતૃભાષા–ગુજરાતીને ઊંચી કેળવણીમાં સ્થાન આપવા સંબંધી છે. એ પ્રશ્નનો એટલો બધો ઊહાપોહ થઈ ગયો છે કે તેને ચર્ચવાની લેશમાત્ર જરૂર હું જોતો નથી. છેલ્લાં આઠ દશ વરસમાં યુનિવર્સિટીએ પણ એ બાબતની અગત્ય કબૂલ રાખી ઠેઠ એમ.એ.ની પરીક્ષા સુધી ગુજરાતીને અંગ્રેજીની બરાબરીનું – લગભગ બરાબરીનું સ્થાન આપ્યું છે. અત્યાર સુધી થયું છે તે અલબત્ત પ્રશંસાને પાત્ર છે, પણ તે બસ નથી, જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે, ત્યારે જ ભાષાની ખિલવણી થશે. આપણી ભાષાને આપણું સાહિત્ય ખીલવવા માટે જેમ બને તેમ ગુજરાતીના વાપરનું ક્ષેત્ર વિસ્તૃત થવું જોઈએ. એ ક્ષેત્ર વિસ્તૃત થવાને માટે ખિલવણી પામેલી શિષ્ટ, સંસ્કારી અને શાસ્ત્રીય ગુજરાતીમાં પુસ્તકો લખાવાં જોઈએ. મતલબ કે પહેલું પગલું બીજાની પુરવણીરૂપ છે, ને બીજું પહેલાંની પુરવણીરૂપ છે, એક બીજાની જોડે સંકલિત છે. જે ભાષા વડે પ્રેમાનંદ ને દયારામે પોતાના વિચારો દર્શાવ્યા તે ભાષા વખતે ચાલુ જમાનાની ભીડને પહોંચી નહિ વળે, પરંતુ તેથી નિરાશ થવું જોઈએ નહીં. સ્પેન્સર કે ચૉસરના જમાનાની, મીલ્ટનના જમાનાની ભાષા શું તે ને તે જ સ્થિતિમાં રહી છે? ના, નથી રહી. તો પછી જે કારણોને લઈ, જે સાધનો વડે આજની અંગ્રેજી ભાષા ખીલી, સમૃદ્ધ થઈ તે જ કારણો, ને તે જ સાધનો આપણી ભાષાને કેમ નહિ ખીલવે ને સમૃદ્ધ બનાવે? આ દિશામાં પણ સાહિત્યપરિષદે તો શું પણ દરેક કેળવાયેલા ગુજરાતીએ પ્રયત્ન કરવો જોઈએ. આટલું બોલી, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારું વ્યાખ્યાન હું બંધ કરું છું. આ વ્યાખ્યાનમાં નથી વિદ્વત્તાની વિદ્યુતના ચમકારા, કે નથી પાંડિત્યના પાઠઃ મારાં ભાઈબહેનની સામે બેસી જેવી રીતે તમારી સાથે વાત કરવાનો મેં લોભ રાખ્યો છે, એ વાતચીત આપે સૌએ ધીરજથી સાંભળી તેમ જ મને આ બહુમાન આપ્યું તે બદલ અંતઃકરણપૂર્વક આપનો આભાર માનું છું.

* * *
પાદટીપ

  1. લોકસાહિત્ય ને લોકવાર્ત્તા એટલે જેને અંગ્રેજીમાં ‘ફોક-લોર’ ને ‘ફોક-ટેય્લ’ કહે છે તે.
  2. ‘આર્ટિઝન’
  3. . દાખલા તરીકે આજથી સો સવાસો વર્ષ પર સુરતના દીવાનજી કુટુંબના મીઠારામે ત્રંબકના ગોરના ચોપડામાં પોતાના નામઠામ ફારસીમાં લખી આપેલાં હતાં.
  4. Ploughing his lonely furrow.
  5. આ અભિપ્રાયને આ જોડે ટાંકેલા અભિપ્રાયથી ટેકો મળે છે. ઓક્ટોબર સને ૧૯૩૨ના ‘નાય્ન્ટીન્થ સેન્ચ્યુરી એન્ડ આફ્ટર’ નામના અંગ્રેજી માસિકમાં ટૂંકી વાર્તાઓના લખનાર મી. એલ. એ. જી. સ્ટ્રોંગનો એક ‘શૉર્ટ સ્ટોરીઝ’ એ મથાળાનો છેઃ તેમાંથી કેટલીક હકીકત નીચે મુજબ છેઃ (a) Short story form is comparatively new. (b) Its creator O. Henry had a vast knowledge of the circumstances and opinion of lower middle class life. (c) Magazine short story is aimed at its readers. (d) Literary short story is older. (e) Each writer goes his own way. There is no general agreement as to what constitutes a short story. Writers can go their own way unhampered.