પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૯

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૯ કનૈયાલાલ માણેકલાલ મુનશી


૧૯મું અધિવેશન : નડિયાદ

તારીખ ૨૭, ૨૮-૧૦-૧૯૫૫ પરિષદ – સંમેલનના સભ્યો, સન્નારીઓ ને સદ્‌ગૃહસ્થો, આ પ્રસંગે તમે મને પ્રમુખપદ આપ્યું તે માટે તમારો કેટલો આભાર માનું? આ વખતે કોઈ બીજા યોગ્ય પુરુષને તમે પ્રમુખ ચૂંટ્યા હોત તો હું ખુશી થાત. આજે કેટલાંક વર્ષોથી પરિષદનાં કાર્યોથી હું નિવૃત્ત થઈ ગયો હતો. પણ પરિષદે મને આજ્ઞા કરી એટલે હું તાબે થયો છું. આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે અર્ધશતાબ્દીનું ભરતવાકય ઉચ્ચારવાની જવાબદારી મારે શિર નાખી છે, તો તે પૂરી કરવાની શક્તિ મને ઈશ્વર આપે એટલું હું પ્રાર્થું છું. પરિષદ-સંમેલન પણ નડિયાદમાં – ગોવર્ધનગ્રામમાં – ત્રીજી વાર મળે છે, અને યોગાનુયોગ આ સુવર્ણ મહોત્સવ પણ ગોવર્ધનશતાબ્દી પ્રસંગે ઊજવાય છે. નડિયાદ ઝવેરીલાલ યાજ્ઞિક, મનસુખરામ ત્રિપાઠી અને વિહારીદાસ દેસાઈથી શરૂ થતા મહાપુરુષોની ભૂમિ છે. એ બધાની પ્રેરણાથી આ સંમેલન સફળ બને એવી આશા સેવું છું. નવસારીમાં ૧૯૫૨માં મળેલા પરિષદ-સંમેલન પછી આજ આપણે મળીએ છીએ. તે વચગાળામાં આપણે ગુમાવેલા સરસ્તવતીભક્તો અને વિદ્વજ્જનોનું આપણને સ્મરણ થયા વિના નથી રહેતું. કવિવર અરદેશર ખબરદાર, અગ્રગણ્ય નવલકથાકાર રમણલાલ વસંતલાલ દેસાઈ, સૌમ્યમૂર્તિ રામનારાયણ વિશ્વનાથ પાઠક, અવિરત જ્ઞાનસેવી દુર્ગાશંકર શાસ્ત્રી, તેમજ રમણીયરામ ગોવર્ધનરામ ત્રિપાઠી, રત્નમણિરાવ ભીમરાવ, ચંદ્રશંકર શુકલ, અમૃતલાલ શેઠ તથા શામળદાસ ગાંધીને આપ સૌના અને મારા તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. શાસ્ત્રીજી અને પાઠક તો મારી સાથે અનેક ક્ષેત્રોમાં સંકળાયેલા હતા. શાસ્ત્રીજીની અને પરિષદ-સંમેલનના બે ભૂતપૂર્વ પ્રમુખોની ગેરહાજરી આપણને બધાયને સાલે છે. ૧૯૨૪થી મેં પરિષદની સેવા કરવા માંડી ત્યારે સર રમણભાઈ આદિ કાર્યકર્તાઓના ત્રણ ઉદ્દેશો મારી આંખ સમક્ષ હતા. પ્રથમ ઉદ્દેશ પરિષદને વ્યવસ્થિત કરવાનો હતો કે જેથી એને કોઈ તોડી શકે નહિ. બીજો રાજ્યકારણના આક્રમણ જુવાળમાં સાહિત્યની એક પૂરી પણ અવ્યવસ્થિત સંસ્થા ઘસડાઈ ન જાય તે માટે જોવાનો. ત્રીજો, પરિષદને સેંકડો શાસનોમાં વિભક્ત ગુજરાતીઓની એકતા મૂર્ત કરવાનું સાધન બનાવવાનો. આ ત્રણે ઉદ્દેશો ઘણે અંશે આજે પરિપૂર્ણ થયા છે. પરિષદ તૂટે એવો ભય ક્યારનો દૂર થયો છે. સાહિત્યનું ક્ષેત્ર એવું પ્રબળ થયું છે કે રાજકારણ એને જપ્ત કરી શકે તેમ નથી. અને ગુજરાતીઓની અનેક ક્ષેત્રમાં એકતા સાધતી સંસ્થાઓ હસ્તીમાં આવી છે, તેમ જ ગુજરાતીઓનું એકીકરણ પાસે આવી લાગ્યું છે. હવે એ જરૂરનું છે કે આપણાં નવાં સ્થપાયેલાં વિશ્વવિદ્યાલયો એનો ભાર ઉપાડવામાં સામેલ થાય. આ કામ સફળ કરી આપવાની ઇચ્છા, આ પદ મેં સ્વીકાર્યું છે તેનાં અનેક કારણોમાંનું એક છે. ૩૧ વર્ષે આજે આખો યુગ બદલાઈ ગયો છે. એના ઉદ્દેશો બદલાઈ ગયા છે. એ બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ નીતિ અને પ્રવૃત્તિઓની રૂપરેખા દોરવાનું કર્તવ્ય આજે પરિષદની સામે ઊભું છે.

(૨)

આ જમાનામાં આપણી આંખ આગળ રાજકારણ, સુરક્ષિતતા અને સમાજકલ્યાણ સદાય રમ્યા કરે છે. તેથી સાહિત્ય પરિષદનું સાર્થક્ય ઘણાને ન સમજાય એમ પણ બને. પરિષદનું પ્રથમ ધ્યેય ગુજરાતી સાહિત્ય અને સંસ્કારની અભિવૃદ્ધિ અને વિસ્તારને પોષવાનું છે. એનું અંતિમ ધ્યેય સંસ્કૃતિના વિકાસને વેગ આપવાનું છે. માત્ર રાજકીય સુરક્ષિતતા અને આર્થિક સમાજકલ્યાણથી સંસ્કૃતિ વિકસતી નથી. સંસ્કૃતિનો વિકાસ તો સામુદાયિક જીવનમાં ઉલ્લાસની અભિવૃદ્ધિ, સરસતાનો પ્રાદુર્ભાવ, વ્યવહારનું સુરુચીકરણ ને ભાવનામયતાની સર્વોપરીતા આવે ત્યારે થાય છે. સુરક્ષિતતા અને સમાજકલ્યાણ એ તો તેનાં સાધન છે. આ દૃષ્ટિએ છેલ્લાં પચાસ વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ સાધી છે તેનું સમગ્રદર્શન કરવું જરૂરનું છે. ૧૯૦૫માં રણજિતરામે પરિષદ સ્થાપી ગુજરાતની અવ્યક્ત અસ્મિતાનું મંદિર રચ્યું. ગોવર્ધનરામે તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. ગુજરાત આળસ મરડી બેઠું થયું. એક યુગ સંકેલાઈ ગયો ને બીજો શરૂ થયો. એ જ અરસામાં રશિયા અને જાપાન વચ્ચેના યુદ્ધ તેમ જ બંગ-ભંગને કારણે ઉદ્દામ રાષ્ટ્રભક્તિનો પવન પહેલી વાર ગુજરાતમાં વાયો. વડોદરામાં શ્રી અરવિંદની પ્રેરણાથી થોડાક ગુજરાતીઓએ દેશસેવાની કંઠી બાંધી. ૧૯૦૭માં સુરતમાં કૉંગ્રેસ તૂટી ત્યારે ગુજરાતીઓએ રાજકારણમાં ઝંપલાવવું શરૂ કર્યું. શ્રીમતી વિદ્યાબહેન અને શારદાબહેન બી.એ.થયાં. આવો મોટો ગુનો કર્યો તે માટે એમને જે સહેવું પડ્યું તેનો ખ્યાલ તમને ઘણાને આવે એમ નથી. સારા ઘરની સ્ત્રીઓએ ગરબા પણ વિસાર્યા; એમાં તેમને અધમતાની ગંધ આવી. ગુજરાતી બોલનારાઓ ઉપર સેંકડો રાજવીઓ અમલ ચલાવતા. તેમની એકતા માત્ર આપણાં ભાષા અને સાહિત્ય પર નિર્ભર હતી. ગોવર્ધનરામ સર્વમાન્ય સાહિત્યગુરુનું સ્થાન પામી સાહિત્યરસિકોને એકસૂત્રતા આપી રહ્યા હતા. છતાં જોડણી એકધારી નહોતી અને શૈલીમાં સચોટ કથનપ્રભાવ આવ્યો નહોતો. ડાહ્યાભાઈ ધોળાશાજીએ નાટ્યકલા ને નવાં ગાયનગરબીથી સામાન્ય હૃદયો હલમલાવ્યાં. પહેલા વાર નટ ‘સુંદરી’એ સારા ઘરની સ્ત્રીના હાવભાવ અને વેશભૂષા પર ઊંડી અસર કરી. શૃંગારમય પ્રેમ લોકોની જીભે ચડ્યો ને હૃદયમાં ઊતરવા લાગ્યો. ‘કલાપી’નાં ઊર્મિભર ‘કેકારવે’, કાન્તનાં સૂક્ષ્મતમ ભાવ દર્શાવતાં અપૂર્વ કાવ્યોએ અને કવિ ન્હાનાલાલનાં શબ્દસૌંદર્ય શોભતાં ઊર્મિગીતોએ સંસ્કારી હૃદયો ગુંજતાં કર્યાં.

(૩)

‘ગુજરાત જોવા જોગ છે’ ને ‘વસંત કે આ ગુર્જરીની રસિકતા વરી’ એમ રંગભૂમિ પર ગવાયા લાગ્યું. ન્હાનાલાલે ગુજરાતને ‘કૃષ્ણચંદ્રની કૌમુદી’ સાથે સરખાવ્યો. ખબરદારે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ઉચ્ચારી મહાગુજરાતને શબ્દદેહ આપ્યો. ગુજરાતને એના ભૂતકાળનું ભાન થવા લાગ્યું. ‘ગુણવંતી ગુજરાત એક પ્રેરણાગાન બન્યું.’ આ વહેણમાં હું પણ તણાયો. ૧૯૦૫માં મેં ‘The Graves of the Vanishes Empires’ માં ગુજરાતની મહત્તા પર આંસુ સાર્યાં. ૧૯૧૪માં ગુજરાતની અસ્મિતા મારા હૈયે વસી ત્યારથી ચૌલુક્ય યુગના સાહિત્યમાં સર્જન કરવાનો મેં આરંભ કર્યો. ૧૯૧૭માં હાજી મહમ્મદે ‘વીસમી સદી’ માસિક દ્વારા નવા સાહિત્યકારો ને નવા ચિત્રકારોનો પરિચય કરાવ્યો. તેમાં શ્રી રવિશંકર રાવળે ચિત્રકલાનો ગુજરાતી સંપ્રદાય સ્થાપ્યો. આજે તેમાં ફાલ આવી રહ્યો છે. ૧૯૨૦માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ સ્થાપી. તેના શિક્ષણગુરુઓએ સાહિત્ય અને સેવાભાવ બંને ક્ષેત્રોમાં નવી ભાત પાડી. ‘જોડણીકોશે’ ગુજરાતી જોડણી એકધારી કરવાનો સફળ પ્રયત્ન આદર્યો. નવા પ્રભાતનું ભાન આવતાં ગુજરાતનું સાંસ્કારિક વ્યક્તિત્વ સુરેખ થયું. સાહિત્યસંસદે ગુજરાતના સંસ્કાર અને સાહિત્યની અભિવૃદ્ધિ કરવાનું કામ વેગભગ ઉઠાવ્યું ને ‘ગુજરાત’ માસિક પ્રગટ કર્યું. નાટક એ સાહિત્ય ને કલાનું ઉત્તમાંગ છે અને સંસ્કારી જીવનમાં અવૈતનિક કલા રૂપે એને સ્થાન ન અપાય ત્યાં સુધી સ્ત્રીની સમાનતા અધૂરી રહે અને વ્યવહારનું સુરુચીકરણ ન બને. સાહિત્યસંસદે નૃત્ય ને ગરબાને કલાત્મક સ્વરૂપ આપી તે પ્રવૃત્તિને ગૃહજીવનમાં અપનાવવાનો પ્રયત્ન કર્યો. તેણે ‘કાકાની રાશી’નો સફળ પ્રયોગ કર્યો જેમાં પહેલી વાર આપણા સમાજમાં પ્રતિષ્ઠિત સ્ત્રીપુરુષોએ નાટક ભજવી તેને એક આવશ્યક સામાજિક બળ રૂપે સ્વીકાર્યું. એક તરફથઈ ગુજરાતને ભૂત-મહત્તાનું ભાન થયા માંડ્યુ, બીજી તરફ ગાંધીજીએ વ્યક્તિગત કર્તવ્યપરાયણતા અને સામુદાયિક પરાક્રમ વડે આત્મદર્શન કરવાની કલા આપણને શીખવી. ગુજરાતે અર્જુનના કૌશલ્યથી એ પાઠ શીખી લીધો. મહત્તાનાં સ્વપ્નાં તેને સિદ્ધ કરવાના પ્રયાસોમાં પરિણામ પામ્યાં. સત્યાગ્રહનાં આંદોલનોથી ગુજરાતને પોતાની સામુદાયિક શક્તિમાં આત્મશ્રદ્ધા પ્રગટી. ગાંધીજીનાં વ્યક્તિત્વ અને આચરણ પર આપણો પૂજ્યભાવ કેન્દ્રિત થયો, સંઘશક્તિને કાર્યન્વિત કરવાની ટેવ આપણને પડી અને તેની અસર સાહિત્ય અને સંસ્કાર બંને પર પડી. ૧૯૨૭માં રેલસંકટ વખતે, વલ્લભાઈ પટેલ – તે વખતે સરદારને નામે દેશભરમાં વિખ્યાત નહોતા થયા – તેના નેતૃત્વમાં ગુજરાતે સંઘશક્તિ દાખવી બધાને ચકિત કર્યા. ૧૯૨૮માં તેમણે પ્રચંડ વ્યવસ્થાશક્તિથી બારડોલી સત્યાગ્રહ વડે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવ્યા ને ગુજરાત તેમ જ ભારતને પરાક્રમો કરવાની આત્મશ્રદ્ધા આવી. સરદારે ગુજરાતી અનુયાયીગણનું નિયંત્રણ કર્યું અને કર્તવ્યક્ષેત્રમાં ગુજરાતનાં કાર્યકરસંઘને એક અને અવિભાજય બનાવ્યો.

(૪)

૧૯૩૮ના સંક્રમણકાળમાં કરાંચી સાહિત્ય પરિષદે ‘ગુજરાતીતા’ને પ્રગલ્ભ થવાની ઘોષણા કરી. પહેલેથી ગુજરાતની અસ્મિતાએ ભારતીયતાને પોતાનું પ્રથમ અંગ માન્યું છે. સંસદ અને પરિષદે તેને મૂર્તિ સ્વરૂપ આપવા તે જ વર્ષે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ આવ્યું. ગુજરાતીઓ સમૃદ્ધ થયા. એમની ઉદારતાને વેગ મળ્યો. સત્યાગ્રહથી સ્ત્રીઓમાં સ્વાતંત્ર્ય અને કાર્યકરોમાં સેવાભાવ આવ્યાં હતાં એટલે પરિણામે સામાજિક પ્રવૃત્તિઓ સબળ થઈ. ૧૯૨૫માં ગુજરાત વિશ્વવિદ્યાલય સ્થાપવાની અવ્યક્ત આકાંક્ષા વ્યક્ત થઈ. ૧૯૨૬માં ગાયકવાડ સરકારે વડોદરા વિશ્વવિદ્યાલય સ્થાપવા ‘વીજરી કમિશન’ નીમ્યું. પણ ગુજરાતની આકાંક્ષાને સ્પષ્ટ રૂપ આપવા સિવાય બીજું ફળ તે વખતે ન આવ્યું. વડોદરામાં વિજ્ઞાનમંદિરે તો અનુસ્નાતક વિદ્યાભ્યાસમાં પહેલ કરી જ હતી. ૧૯૩૯માં આણંદમાં કૃષિગોવિદ્યાભવન અને અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાનો સંશોધનવિભાગ સ્થાપાયાં અને ઉચ્ચતમ શિક્ષણથી વિકાસ શરૂ થયો. જેમ સ્વતંત્રતા પાસે આવતી ગઈ તેમ વિદ્યાવૃદ્ધિમાં આપણો ઉત્સાહ વધ્યો. ૧૯૪૭માં વડોદરા પરિષદે ગુજરાત વિશ્વવિદ્યાલય સ્થાપાયો એવો નિર્ણય કર્યો ને તેની યોજના કરવા મુંબઈ સરકારે માવલણકર સમિતિ નીમી. પ્રતાપસિંહરાવ ગાયકવાડે વડોદરા વિશ્વવિદ્યાલય સ્થાપના મુનશી-સમિતિ નીમી. વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઈ વિદ્યાલય શરૂ કર્યું ૧૯૪૯ની ૩૦મી એપ્રિલે વડોદરા વિશ્વવિદ્યાલયનો અને ૨૭મી નવેમ્બરે ગુજરાત વિશ્વવિદ્યાલયનો આરંભ થયો. ૧૯૫૫માં સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠ સ્થપાઈ રહી છે.

(૫)

૧૯૪૭માં સ્વાધીનતાનાં વહાણાં વાયાં. સરદાર ભારતના એકીકરણના વિશ્વકર્મા બન્યા. ૧૯૪૮માં સૌરાષ્ટ્રનું એકીકરણ થયું. ૧૯૪૮માં કચ્છ, જૂનાગઢ, માંગરોળ અને માણાવદર અને ૧૯૫૦માં વડોદરા, ગુજરાતનાં બીજાં દેશી રાજ્યો અને આબુ મુંબઈ દેશમાં વિલીન થયાં. સંવત ૨૦૦૪ની કાર્તિક સુદ પ્રતિપદાએ, ૧૨ મી નવેમ્બર ૧૯૪૭ને દિને ગુજરાતને ભારતના ઇતિહાસમાં અનેરો પ્રસંગ બન્યો. જૂનાગઢ પડ્યું; સરદારશ્રી પ્રભાસ ગયા અને સમુદ્રમાં જઈ હાથમાં પાણી લઈ કહ્યુંઃ ‘મારી બધી મહત્ત્વાકાંક્ષાઓ આજે પૂર્ણ થઈ.’ સાંજની સભામાં તેમણે સંકલ્પ પ્રકટ કર્યો : ‘આ નવા વર્ષના શુભ દિને સોમનાથનું મંદિર ફરી બંધાય એવો નિર્ણય કર્યો છે.’ ૧૯૫૦ના મે મહિનાની આઠમી તારીખે જામસાહેબે મંદિરનો શિલાન્યાસ કર્યો. ૧૧ મે ૧૯૫૧ને દિને રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે સોમનાથ ભગવાનના નવા લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી. પિસ્તાળીશ વર્ષનું મારું સ્વપ્ન સિદ્ધ થયું. નવગુજરાતનો આરંભ થયો, સાથે ગુર્જર હૃદયની સદીઓની પ્રતિજ્ઞા પરિપૂર્ણ થઈ. ‘બુદ્ધિવર્ધક’ અને ‘અસ્તોદય’નો સંગમ થયો હોવાથી આપણી પ્રગતિ ગંગાજીના પ્રબળ પ્રવાહની જેમ આગળ વધે છે. ગુજરાતી માનસના સમતોલપણાને પરિણામે જૂનું હોય તેનો આપણે નિષ્કારણ ધ્વંસ થવા દેતા નથી. અને નવું ન જોઈએ એવા સંકલ્પે तातस्य कूपे આપણે લડી મરવા માગતા નથી. ભારતના બીજા પ્રદેશોની સરખામણીમાં આપણે ત્યાં જ્ઞાતિબંધનો શિથિલ થયાં છે અને તજ્જન્ય વિખવાદ ઘણો ઓછો છે. સ્ત્રીઓ ઘણે અંશે સ્વતંત્રતા અને સમાનતા પ્રાપ્ત કરવામાં આગળ વધી છે. ગીત, નૃત્ય ને નાટકોથી તેઓ સંસ્કાર અને જીવનમાં પ્રફુલ્લતા આણી રહી છે. છતાં તેમણે નથી ઘર સંભાળવું છોડવું કે નથી આર્યાનુરૂપ મર્યાદા છોડી. ગુજરાતી જીવનમાં નીતિ અને ઈશ્વરશ્રદ્ધા કાયમ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ, નરસિંહ મહેતો, સ્વામિનારાયણ, દયાનંદ અને મહાત્મા ગાંધીના આદેશ આપણાં હૈયાં પ્રેરે છે. જગતે પોતાની ચૂડમાં આજે પકડી બેઠેલા જડવાદનું ઝેર ઉતારવાનું આધ્યાત્મિક સામર્થ્ય ગુજરાતમાં હતું તેવું છે.

(૬)

૧૯૧૫થી મારી એક ઝંખના હતી કે ગુજરાતી બોલતી સમસ્ત પ્રજા એક શાસન-વર્તુળમાં આવે અને ગુજરાત ‘એક અને અવિભાજ્ય’ બની રહે. કરાંચી, રાજકોટ અને જૂનાગઢની પરિષદોમાં પણ એ જ ઝંખના વ્યક્ત થઈ હતી. મહાગુજરાત સંમેલને પણ ઠરાવ કર્યો હતો કે ગુજરાતનો એટલે ગુજરાતી જ્યાં બોલાય છે તે સમસ્ત પ્રદેશનો – મુંબઈ પ્રાંતમાં સમાવેશ કરી દેવો. ગુજરાતી પ્રજાની શાસનીય એકતાની ઝંખના મારા જીવતાં પરિપૂર્ણ થશે કે નહીં તે વિશે મને ખાતરી નહોતી. આજે આપણે મુક્ત કંઠે ઈશ્વરનો પાડ માની શકીએ કે એ શુભ ચોઘડિયું આવી લાગ્યું છે. ગુજરાત એક પ્રદેશમાં આવશે, સદાને માટે અવિભાજ્ય રહેશે અને ભારતની પ્રચંડ શક્તિનો સ્તંભ બની રહેશે. જે ધ્યેયથી એકત્રીસ વર્ષ પર પરિષદની સેવા કરવા હું તત્પર થયો હતો તે આજે સિદ્ધ થયું. આપણે રાષ્ટ્રધર્મને ગુજરાતની અસ્મિતાનું સર્વોપરી અંગ માન્યું છે. પ્રાદેશિક અભિમાન અને ભાષાવાદી વિભંજન-લાલસાથી ભારતને શું વેઠવું પડ્યું છે તેની સાક્ષી આપણા ઇતિહાસનાં પાનેપાનાં પૂરે છે તેનું આપણને ભાન છે. જો ભારત અવિભાજ્ય રહેશે તો બધા પ્રદેશો તરી જશે. જો ભારત ભાંગશે તો ક્યો પ્રદેશ જીવતો રહેવાનો છે? પ્રાદેશિક પુનર્વ્યવસ્થા–સમિતિની સૂચનાઓ વિશે આપણા રાજકીય દળોના નેતાઓ અને રાષ્ટ્રનેતાઓ વચ્ચે વાટાઘાટો ચાલે છે. એટલે તે વિશે અત્યારે વાક્‌સંયમ કેળવવો આવશ્યક છે. ભારતનો સૂર્ય મધ્યાહ્‌ને ચડી રહ્યો છે ત્યારે એક કરોડ સિત્તેર લાખ ગુજરાતીઓ બધું ખોઈ બેસીશું એવો ભય અસ્થાને છે. સિદ્ધિ આત્મબળને વરે છે, સંખ્યાબળને નહીં. જેનામાં અદમ્ય ઉત્સાહ, અડગ સંઘશક્તિ અને સર્વસમર્પણ કરવાનો સંકલ્પ હોય તેને તો સફળતા વરેલી જ છે. અને જે બલહીણો હોય તેની આત્મસિદ્ધિ કદી થઈ સાંભળી છે?

(૭)

એક અત્યંત વિવાદાસ્પદ પ્રશ્નને છેડું છું. મારું સ્પષ્ટ મંતવ્ય છે કે જો ભારતમાં હિન્દી ઉચ્ચતર શિક્ષણનું માધ્યમ દરેક પ્રદેશમાં નહીં થશે તો પ્રાદેશિકતા વધશે અને ભારતની એકતાનો વિધ્વંસ થશે. અને એ માધ્યમ તરીકે સ્વીકારાશે તો બધી પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયા વિના રહેવાનો નથી. સ્વાર્થદૃષ્ટિએ જોતાં પણ જો આપણો કેળવાયેલો વર્ગ હિન્દી સારું બોલી ને લખી શકે નહીં તો તેને ગુજરાત બહાર સ્થાન નહીં રહે. શિક્ષણકેન્દ્રોમાં પરભાષાભાષી વિદ્વાનોનો પ્રોત્સાહક સાથ નહિ સાંપડે. શાસનકાર્યોમાં આપણે પાછળ રહીશું. સર્વોદયના જમાનામાં આપણી સેવાનું ક્ષેત્ર સંકુચિત થઈ જશે અને પ્રાદેશિક ભાષાવાદની અભિવૃદ્ધિ થયા કરશે. વ્યવહાર કે શિક્ષણનું માધ્યમ હિન્દી થયે ગુજરાતીનાં સૌંદર્યનો પ્રભાવ ઘટશે એ ભય અવાસ્તવિક છે. હિન્દીનો માધ્યમરૂપે ઉચ્ચતર અભ્યાસમાં સ્વીકાર કરવો એ ગુજરાતીના વિકાસ માટે જરૂરનું છે એમ હું માનું છુ. ગોવર્ધનરામ, નરસિંહરાવ ને ન્હાનાલાલ અંગ્રેજી ને સંસ્કૃત શીખ્યા તેથી ગુજરાતીનો વિકાસ રૂંઘાઈ ગયો? ગાંધીજી, મહાદેવભાઈ ને કાકા કાલેલકરે સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, મરાઠી ભાષાનો અભ્યાસ ન કર્યો હોત તો વધારે સારી રીતે ગુજરાતીની સેવા કરત? ભારતના શિક્ષિત વર્ગોને માતૃભાષા, હિન્દી, અંગ્રેજી ને સંસ્કૃત – આ ચાર ભાષાનું સારું જ્ઞાન હોવું જ જોઈએ. જેની માતૃભાષા હિન્દી હોય તેણે બીજી ભારતીય ભાષા શીખવી જ રહી. જેને સાહિત્યની સેવા કરવી છે તેને તો વિવિધ ભાષાઓનું જ્ઞાન અનિવાર્ય છે. ભિન્ન ભાષાઓના સંપર્કથી જ સાહિત્યમાં નવું સૌંદર્ય ને પ્રબળ કથનપ્રભાવ આવે છે. અને એ બંનેની અત્યારે ગુજરાતીને ઘણી જરૂર છે. ભાષા એ દરેક મનુષ્યના વ્યક્તિત્વનું અનિવાર્ય અંગ છે, છતાં તે ભૌગોલિક, સામાજિક, આર્થિક, સાંસ્કારિક અને સાહિત્યક બળોનો, અનેક સદીઓના સામુદાયિક પ્રયત્નો વડે ઘડાયેલો, સુંદર ગહન પરિપાક છે. જેમ તેને આપણે વાપરીએ છીએ તેમ તેમ તે આપણેને ઘડે છે, અને તેને આપણે ઘડીએ છીએ. આ કારણોથી સંસ્કારને રાષ્ટ્રની પુનર્ઘટનાનો દરેક યુગ કોઈ ને કોઈ ભાષાના પ્રભાવશીલ વિકાસ સાથે સંકળાયેલો હોય છે. ગુપ્તકાલમાં સંસ્કૃતનો દિગ્વિજય થયો. યુરોપીય રેનેસાંસ સમયે ઇટાલિયને અને એલિઝાબેથકાલીન ઇંગ્લાંડમાં અંગ્રેજીએ વર્ચસ્વ પ્રાપ્ત કર્યું. તેવી રીતે ભારતની ભાવિ પુનર્ઘટના રાષ્ટ્રભાષા ભારતીના ઉદ્‌ભવ ને વિકાસ સાથે જ સંલગ્ન છે. આ રાષ્ટ્રભાષાનો વાણો હિન્દી જ થઈ શકે, એમાં તાણો પ્રદેશિક ભાષાઓનો હશે, અને બંનેની એકસૂત્રતા સંસ્કૃત વડે સચવાશે. સ્વતંત્ર ભારતનાં જીવન અને સંસ્કાર ઘડવાને અને સબલ કરવાને આ ચીર તો આપણે વણવું જ રહ્યું. પણ એ ચીર એક પ્રદેશ, એક વિદ્વદ્‌મંડળ કે એક ભાષાસંપ્રદાયને પ્રયત્ને નહીં વણાય. એના વણનારાઓ તો વાણા ને તાણાનો એકસાથે ઉપયોગ કરનારાઓ જ છે. જેમ જેમ આપણે હિન્દીનો ઉપયોગ કરતાં જઈશું તેમ તેમ એમાં સંસ્કૃતનો કથનપ્રભાવ, ગુજરાતીની સરલતા અને સચોટતા, બંગાળીનું માધુર્ય અને તામિલની પ્રૌઢતા આવશે. જેમ રાષ્ટ્રના સ્વાતંત્ર્યયજ્ઞમાં આપણે સામુદાયિક ઉત્સાહ ને વેગથી ઝંપલાવ્યું તેવી જ રીતે જ કાર્ય કરીશું તો ટૂંક વખતમાં જગતને એક મહાપ્રભાવશાળી ભાષાની લહાણ કરી શકીશું.

(૮)

છેલ્લાં પચાસ વર્ષોમાં આપણા સાહિત્યકારોએ ગુજરાતીને સચોટ અને સમૃદ્ધ બનાવી છે. આજે એની અભિવ્યંજનાશક્તિ ભારતની કોઈ પણ ભાષાની શક્તિ સાથે સરાસરી કરી શકે છે. ‘ભગવદ્‌ગોમંડળે’ આપેલો શબ્દસમુચ્ચય ગુજરાતી ભાષાની વિપુલતા બતાવે છે. સંસ્કૃત અને અંગ્રેજીના સંપર્કથી એનો કથનપ્રભાવ અર્વાચીન આવશ્યકતાને પહોંચી વળી એવો કરવો એ આપણું કર્તવ્ય થઈ પડે છે. આ કરતાં આપણે ચોખલિયાપણાનો બંધ બાંધી પ્રવાહને રોકવો ન જોઈએ. શબ્દોને રૂઢોક્તિઓની સમૃદ્ધિ વધારવી જોઈએ. ખાસ કરીને જીવનના હરેક ક્ષેત્રના ગુજરાતી શબ્દો તેમ જ જૂની ગુજરાતીના અને બોલચાલના શબ્દપ્રયોગો વધુ પ્રમાણમાં વપરાશમાં લાવવા જોઈએ. તત્સમ શબ્દોનો ઉપયોગ કરી સંસ્કૃતના નિયમો પ્રમાણે અર્થસૂક્ષ્મતાને યોગ્ય તેમના નવા પ્રયોગો કરવા જોઈએ. અંગ્રેજીના સંપર્કથી જે પ્રયોગો છેલ્લાં સો વર્ષોથી થયા છે તેને સામાન્ય ભાષામાં વપરાતા કરવા જોઈએ. સાથે આજની સાધનવિપુલતા અને વૈજ્ઞાનિક જરૂરિયાતોને પહોંચી વળવા પરભાષાના અર્થવાહી શબ્દોનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ. આમ નવા શબ્દો ને પ્રયોગો સંસ્કારી મગજની ભઠ્ઠીમાં તવાઈ વપરાશમાં બહાર પડશે ત્યારે તે વાગ્‌વ્યાપારમાં સ્થાન પામી શકશે. સાથે ગુજરાતી ઉચ્ચારણ શુદ્ધ અને એકધારું કરવાની અગત્ય છે. દરેક શિક્ષકના મુખે જુદો ઉચ્ચાર થાય ત્યાં ભાષા કેમ ઉદ્ધરે? અને એવી જ શુદ્ધિ આખુંય મુદ્રણજગત ન સેવે તો ભાષાવિકાસ કેમ સાધી શકે? ગુજરાતી ભાષાનો વિકાસ તો ઝપાટાબંધ થવાનો. થોડાં વર્ષોમાં ફરજિયાત કેળવણીથી રસભર સાહિત્યની માંગ વધવાની. જેમ શિક્ષણની સંસ્થાઓ વધશે તેમ સરસ સાહિત્યની ભૂખ પણ ઊઘડવાની. આ પરિસ્થિતિને પહોંચી વળવા જૂના સાહિત્યનાં અપ્રગટ પુસ્તકોનું મુદ્રણ આપણે હાથ પર લેવું જોઈએ. તેથીય વધારે આવશ્યક તો પ્રગટ થયેલા જૂના સાહિત્યનું વૈજ્ઞાનિક સંશોધન અને આપણા સાહિત્યકારોની અપ્રગટ કે અપ્રાપ્ય કૃતિઓની આવૃત્તિઓ બહાર પાડવી એ છે. અફસોસની વાત એ છે કે, ગોવર્ધનરામની બધી અંગ્રેજી ને ગુજરાતી કૃતિઓ સળંગ રીતે છપાઈ નથી અને ન્હાનાલાલની પાંત્રીસ હજાર શ્લોકોની ‘હરિસંહિતા’ વણછપાયેલી સડે છે. અનુવાદો પાછળ પૈસા વેડફી દેવાનો અર્થ નથી. જો એમ કરવાનું મન થાય તો ઉસ્માનિયા યુનિવર્સિટીએ લાખો રૂપિયા ખરચી કરેલા નિષ્ફળ પ્રયોગોની કથા સાંભળજો. જો ભાષા અને જ્ઞાનનો વિસ્તાર કરવો હોય તો આપણા સાહિત્યકારો અને પ્રાધ્યાપકોએ અનુભવસિદ્ધ મૌલિક પુસ્તકો રચવાં જ રહ્યાં.

(૯)

જ્યાં સુધી સાહિત્ય અને સંસ્કારને માટે ગુજરાતીઓના હૃદયમાં પ્રેમ અને માન ન ઉદ્‌ભવે ત્યાં સુધી આપણાં જીવનનાં વહેણ ઉપરછલ્લાં જ રહેવાનાં. એ પ્રેમ અને માન ગુજરાતના હૃદયમાં છે? નર્મદ ને ગોવર્ધનરામની જયંતી સમસ્ત ગુજરાતે ગામેગામે ઊજવી સાંભળી છે? નડિયાદમાં ગોવર્ધનરામનું ભવ્ય સ્મૃતિમંદિર કોઈ ઠેકાણે નજરે ભાળ્યું? સમસ્ત ભારતના વિદ્વત્‌શિરોમણિ ગુજરાતી હેમચંદ્રનું ક્યાંય નામ કે નિશાન દીઠું? ભગવાન સોમનાથનો મહોત્સવ આવતી કાર્તિક પૂર્ણિમાએ પ્રભાસમાં યોજાયો છે. તમારામાંથી એ કેટલા જાણે છે? જે જાણે છે તેમાંથી કેટલાની કલ્પના ઉત્તેજિત થઈ છે? કેટલા જવાની ઉત્કંઠા કરી રહ્યા છે? ગુજરાતના વિશ્વકર્મા જયસિંહદેવ સિદ્ધરાજનું જન્મસ્થાન પાલણપુર અણજાણ, અસન્માનિત, અપૂજ પડ્યું છે. ત્યાં હજી સુધી ભવ્ય સ્મૃતિ મંદિર રચવાનું કોઈને સૂઝ્યું નથી. ગુજરાતને ‘કૃષ્ણચંદ્રની કૌમુદી સરખો’ ઉજ્જ્વલ ગણનારાઓમાંથી કેટલા જણ ‘દેહોત્સર્ગ’ના પરમ ધામનાં દર્શન કરી કૃતાર્થ થયા છે? તો પછી ત્યાં સુયોગ્ય સ્મરણમંદિર રચવાનું તો કોને મન થાય? એક વાત ભૂલશો મા. ભૂતમહત્તાનાં લોકસ્મરણોમાં વર્તમાન સામુદાયિક કાર્યશક્તિનાં અને ભાવિ સાફલ્યનાં મૂળ છે. જો એ મૂળિયાં સુકાવા દેશો તો રહેશે થડ; ને નથી થવાનાં ફળ કે ફૂલ. અને એમ જો થશે તો સાહિત્યને પ્રેરણા શાની મળશે? ગુજરાતનાં સર્જનહારોનાં સ્મરણો તાજાં રાખવાની ટેવ રાખો. આપણે ગુજરાતની ભક્તિનાં ખોટાં બણગાં ફૂંકવાં શા અર્થનાં? આપણી કરોડોની ધનદોલત છતાં પિતૃઋણ આપણે નથી ચૂકવ્યું, એટલે પરિષદે તો નીચું જોવું જ રહ્યું.

(૧૦)

ત્રીસ વર્ષ પૂર્વે મેં રોમૅન્ટિક સાહિત્ય અને પ્રણાલિકાબદ્ધ સાહિત્ય વચ્ચેનો ભેદ વર્ણવ્યો હતો. પ્રણાલિકાબદ્ધ સાહિત્ય અંતરોર્મિથી અલગ એવા કોઈ એક ઉદ્દેશનું ધોરણ સ્વીકારે છે ઘણી વાર તે પરભવપ્રેમી કે નીતિસાધક થવા માંગે છે. કોઈ વાર શિષ્ટ ગણાતા સાહિત્યના અનુકરણને વિસારે મૂકી એ બંધનમુક્ત થઈ શકતું નથી. આજના જમાનામાં સાહિત્યની દૃષ્ટિએ ઉપયોગિતા હોવી જોઈએ એવું ધોરણ લગભગ સર્વમાન્ય થઈ પડ્યું છે. પણ રોમૅન્ટિક સાહિત્યનો આવા કોઈ ધોરણ સાથે સંબંધ નથી. અંતરનાં ઊંડાણોને વ્યક્ત કરવામાં એવી સફળતા રહી છે. એનો સર્જનહાર નિરસંકોચ આત્મકથનમાં પોતાને સાર્થક સમજે છે. આ રોમૅન્ટિક સાહિત્ય અર્વાચીન કાલખંડ (Modern Age)ની વિશિષ્ટતા છે. એનાથી પ્રેરાઈ છેલ્લી સદીનું આપણું ઘણું સાહિત્ય સર્જાયું છે. નર્મદ આપણો પહેલો રોમૅન્ટિક પણ એના સ્વભાવમાં સૂક્ષ્મતા ને માર્દવ નહોતાં. વળી એની દૃષ્ટિ સરસતાયુક્ત નહોતી. અતિશયોક્તિભર કથનો એને સ્વાભાવિક હતાં, છતાં માનવહૃદયનું માર્ગદર્શન સ્વીકારવામાં તે રાચતો. એ સાહસી હતો. અજાણ્યે પંથે જવાનો એનામાં ઉત્સાહ હતો. જ્વાળામુખી પર જઈ ઊભા રહેવાની એનામાં ધૃષ્ટતા હતી. એથી એ આપણાં અર્વાચીનોમાં આદ્ય હતો. અર્વાચીન સાહિત્યનું ખરું ક્ષેત્ર માનવહૃદય જ છે. એ સત્યને આપણા સાહિત્યકારોએ સ્વીકારી આપણા સાહિત્યમાં નવી દૃષ્ટિ આણી. ગોવર્ધનરામ વિશે મેં કાલે જ વિસ્તારથી કહ્યું. પોતાના હૃદયના ધબકારા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીનાં હૃદયોમાં એમણે સાંભળ્યા ને આપણને સુણાવ્યા. પોતાના હૃદયનાં દ્વાર એમણે ખોલી નાંખી આપણને આપણા હૃદયમાં વિહરતા કર્યા; અને તેથી એમની સર્જકતાએ અર્વાચીન ભારતીય સાહિત્યમાં નવું સીમાચિહ્ન ઊભું કર્યું. નરસિંહરાવ, કાન્ત અને કલાપીએ પોતાના હૃદયનાં દ્વારપટો વધારે ખોલ્યાં અને આપણા હૃદયના સામ્રાજ્યની સીમા પણ વિસ્તૃત બનાવી. ન્હાનાલાલે હૃદયનાં સુકુમાર સ્પંદનોને શબ્દસૌંદર્ય વડે આહ્‌લાદજનક બનાવ્યાં. ગાંધીજીએ પોતાની આત્મકથામાં અંતરનાં મંથનો અને વૃત્તિઓને નગ્ન રૂપે વર્ણવી રૂસોનાં આત્મકથનોની સરસાઈ કરી. રોમૅન્ટિક સાહિત્યના આ આદ્ય દ્રષ્ટા રૂસોએ પોતાનાં ‘આત્મકથનો’માં આ નવી દૃષ્ટિને સ્પષ્ટ કરતું એક સૂત્ર ઉચ્ચાર્યું છેઃ ‘Moi Seul’ `માત્ર હું જ’ હું જેવો છું તેવો જ. જેવા મારા ભાવોને ઊર્મિમંથનો છે તેનું જ હું દર્શન કરાવીશ અને એવા જ દર્શનમાં તમને તમારું હૃદય દેખાશે. માનવીમાત્રનું હૃદય સાગર છે. એમાં ઉલ્લાસમય તરંગો ઊઠે છે. ભભકરંગી મત્સ્યો ને પ્રવાલવ્યૂહો પણ છે. દેવકન્યાનું હોય એવું સુમધુર સંગીત એનો પ્રાણ છે. છતાં એમાં વિકરાલ શિશુમારો, ઝેરી જંતુઓ ને ગૂંગળાવતાં કંદરો પડ્યાં છે. સાગર એના તરંગો પર મનુષ્યને ઉછાળી શકે છે અને એનાં ગૂંગળાવતાં ઊંડાણોમાં ડુબાવી પણ દે છે. એ સાગરનાં ઊંડાણો નીરખવાં અને એનાં સુંદર ને ભયંકર રહસ્યોને પ્રતિબિમ્બિત કરવાં, આ દૃષ્ટિ સાહિત્ય સ્વીકારે છે તે જ પળે પ્રણાલિકાબદ્ધ સાહિત્યે હૃદય પર કરેલો ઢાંકપિછોડો ખસી જાય છે. બંને સાહિત્યપ્રકાર વચ્ચેનો ભેદ ખુલ્લો થઈ જાય છે, અને અર્વાચીન સાહિત્યની મર્મભેદક મોહિનીનાં રહસ્યો સાહિત્યકારોને સમજાય છે.

(૧૧)

આ દૃષ્ટિ માત્ર અર્વાચીન સાહિત્યમાં જ છે એમ નથી. અર્વાચીન માનવીએ મસ્ત જીવન પરજે નવી દૃષ્ટિ કેળવી છે, તેનું એ અંગ છે. અને તે જ માનવ ઇતિહાસના પુરાણા કાલખંડથી આપણા અર્વાચીન કાલખંડને જુદો પાડે છે. આ દૃષ્ટિ સ્વીકારે છે કે જીવન એ જ પરમ સત્ય છે. માનવહૃદયમાં રંગભર, વૈવિધ્યપૂર્ણ આંતરવૈભવ – Vivid richness of the life – આવે અને સૂક્ષ્મ સ્વાનુભવશક્તિ દરેક અનુભવના રસમાં તલ્લીન બની શકે તો આ સત્ય સિદ્ધ થઈ શકે છે. આ વૈભવ પર ઢાંકપિછોડો થાય કે એને વિકૃત કરવામાં આવે ત્યારે જીવન અસત્ય બને છે. આ અર્વાચીન દૃષ્ટિ એવી સમાજવ્યવસ્થા રચવા માગે છે કે જેથી દરેક મનુષ્યને આંતરવૈભવ સુગમ બને. આ જ સર્વોદય. સમાજસેવા, લોકશાસન કે કલ્યાણશાસન (Welfare State) એ ઉદય જલદીથી થાય તે માટેનાં માત્ર સાધનો છે. જયારે આ સત્યનાં દર્શન થાય ત્યારે માનવીની આત્મસિદ્ધિ થાય છે. ત્યારે એને અપૂર્વતાની ઝાંખી થાય છે – પરલોકમાં નહીં આ લોકમાં, સ્વભાવના દમનથી નહીં પણ તેના ભાવનામય પરિવર્તનથી. કોઈક વાર આ આંતરવૈભવ નિર્મળ ને ભવ્ય બની ઉલ્લાસની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે નૈસર્ગિક હોય તે આધ્યાત્મિક થાય છે ને આધ્યાત્મિક હોય તે નૈસર્ગિક બની જાય છે. એમ થતાં ઈશ્વરનું મનુષ્યમાં અવતરણ થાય છે. અને તેને બળે સમસ્ત માનવો આંતરવૈભવથી સમૃદ્ધ બને છે. અનાદિ કાળથી યોગીઓ, ભક્તો ને ચિંતકો એ જ વૈભવને કેળવી, એના વિકાસની પરાકાષ્ઠાએ પહોંચી પોતાનામાં અને જગતમાં ઈશ્વરનો આવિર્ભાવ જોતા આવ્યા છે. આજના જમાનામાં આવા વૈભવનું સાહિત્યમાં દર્શન કરવું દુર્લભ બનતું જાય છે, કારણ કે તેની આડે મહાલય આવીને ઊભો છે અને ઘણી વાર તે સાહિત્યકારની સ્વાનુભવશક્તિને રૂંધી નાખે છે. સામાન્ય રીતે સાહિત્યના પ્રકાર અને સરસતાનો આધાર તત્કાલીન વાચકવૃંદની રુચિને ગ્રહણશક્તિની મર્યાદા ઉપર રહે છે. ઘણી વખત શિક્ષિત અને સંસ્કારી રસિકવર્ગમાં રુચિવિકાર થયો હોવાથી સાહિત્યનો વિકાસ સંકુચિત બની જાય છે. બાણને ‘કાદમ્બરી’ રચતાં તેના સમયના આડંબરી ભાષાના રસિકોને સંતોષવા અટપટો ભાષાપ્રયોગ અનિવાર્ય થઈ પડ્યો. આ જમાનામાં રસિક રાજવીઓ ચાલ્યા ગયા છે. તેમના દરબારોમાં પોષાતા સિદ્ધહસ્ત સાહિત્યકારો પણ સાથે ગયા. વિદ્વાન કે અભ્યાસી રસિકોના અભિપ્રાય પર હવે પુરસ્કાર અવલંબતો નથી. આજે સામાન્ય વાચકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે અને પુરસ્કાર આપવાની શક્તિ તેમની પાસે આવી છે. એ સમુદાય નથી રસિક ને નથી ચપળ બુદ્ધિનો. વળી રાજ્યસત્તાના હાથમાં પોતાની નીતિને અનુકૂળ સાહિત્ય પ્રસારવાની ને પોષવાની નિઃસીમ શક્તિ આવી પડી છે, એટલે સાહિત્યસર્જન તેના પ્રચારનું માત્ર સાધન છે એમ અજાણ્યે સાહિત્યકાર સ્વીકારી લે છે. આ બધાનાં ફલસ્વરૂપ સાહિત્યનાં આદર્શ ને ધોરણ બંને અધોગત થતાં જાય. સરસતાનો સાક્ષાત્કાર કરવાની જેને વાંછના છે તેને આ પડદો છેદવો જ પડે છે. સમસ્ત સંસારની અમર સાહિત્યકૃતિઓનું સેવન કરી અનંતકાલ સુધી સ્વીકાર્ય બને એવા સર્જનનો તલસાટ કેળવે તે જ સાહિત્યકાર આ કરી શકે છે. કલાકોરને ઈશ્વરે સમૃદ્ધ આંતરવૈભવ આપ્યો છે. તે જ તેમની જીવનયાત્રા સફળ કરવાનું ક્ષેત્ર અને સાધન બંને છે. તેથી જ કલાકારોને કહું છું કે એનો છેહ કરશો નહીં. એના પર કોઈને જંજીરો બાંધવા દેશો નહીં. એને કલાસ્વામીઓની ઉષ્મા આપજો. અનુભવનાં આંસુથી એના પર જલસિંચન કરજો. ગરીબીથી ગભરાશો નહીં. તૃપ્તિથી વિમુખ રહેજો. જગતનાં પ્રલોભનો ને ડરામણોથી બેપરવા બનજો. સૂક્ષ્મ બનેલી સ્વાનુભવશક્તિથી સમૃદ્ધ થયેલા તમારા આંતરવૈભવને નગ્ન રૂપે ને નિઃસંકોચપણે સાહિત્યમાં મૂર્ત કરજો. આત્મશ્રદ્ધાથી ચળશો નહિ. આમ મૂર્ત થયેલું તમારું સાહિત્ય હૃદયોને નવપલ્લવિત કરશે અને માનવીઓને અપૂર્વ થવાનું સામર્થ્ય આપશે. ભલે જગત હસે કે અવગણે, પણ તે જ સાહિત્યકારને આત્મસિદ્ધિના શિખર પર લઈ ગયા વિના રહેશે નહીં. આવું સાહિત્ય ગુજરાતમાં સર્જાય એ જ પ્રાર્થના અત્યારે કરું છું, અને છેલ્લી પળે જ્યારે મારા નિશ્ચેત હાથમાંથી લેખણ સરી પડશે તે વખતે એ જ પ્રાર્થના કરીશ. शिवास्ते पन्थानः सन्तु।