પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૦

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૦ શ્રી કાકાસાહેબ કાલેલકર

આપ સહુએ પ્રેમપૂર્વક આ સ્થાન મને આપ્યું તે માટે હૃદયથી ધન્યવાદ આપું છું. ગુજરાતી સાહિત્ય પરિષદ ચલાવનારા આપ સૌ સમર્થ છો, અનુભવી અને ઉત્સાહી છો, એટલે મારે માટે આ અધ્યક્ષપદ બોજારૂપ જરાય નથી. અને છતાં એને માટે સ્વીકૃતિ આપી હું કંઈક પસ્તાયો છું. આના પહેલાં બે વાર મારું નામ વિચારાયું હતું, ત્યારે મેં વખતસર અને ઘસીને ના પાડી હતી. આ વખતે પણ મારે ના જ પાડવી જોઈતી હતી. કેમ કે ખરેખર, આ મારું કામ ન હતું. જ્યારે સન ૧૯૧૦માં હું પહેલવહેલો સેવા કરવાની દૃષ્ટિએ ગુજરાતમાં આવ્યો, ત્યારે જ મારા મન સાથે મેં વિચાર્યું હતું કે આખર સુધી નમ્ર સેવકની ભૂમિકા જ સ્વીકારવી; જેમાં અધિકાર ચલાવવાનો હોય અથવા પ્રતિષ્ઠા માણવાની હોય એવા સ્થાનથી દૂર જ રહેવું. એ મૂળ વિચારને વળગી રહ્યો હોત તો સેવા વધુ સારી ને શુદ્ધ રીતે થઈ હોત. પસ્તાવાનું બીજું પણ એક કારણ હતું. ‘હું ચૂંટાઈશ તો આ સ્થાનનો સ્વીકાર કરીશ. ના નહીં પાડું’ – એ જાતનું લખત કરી આપવાનો આપના નવા બંધારણનો ભૂંડો નવો નિયમ મારે પાળવો પડ્યો. આવો નિયમ લખત કરી આપનાર વ્યક્તિને કે એ માગનાર સંસ્થાને શોભારૂપ તો નથી જ. ખાસ કરીને શિષ્ટાચાર માટે પંકાયેલી સાહિત્યિક સંસ્થા માટે તો આવા નિયમની જરૂર ન જ હોવી જોઈએ. આગળ જતાં અગવડ ઉત્પન્ન ન થાય એટલા માટે નામ સૂચવનાર વ્યક્તિએ કે સમૂહે ખાનગી રીતે જાણી લેવું કે જેનું નામ સૂચવીએ છીએ એને અગવડ કે અરુચિ તો નથી? પણ બંધારણીય નિયમ પ્રમાણે લખત માગી લેવું એમાં મને તો ઔચિત્ય નથી લાગતું. આવો જ એક નિયમ મરાઠી સાહિત્ય પરિષદવાળાઓએ પણ કરી રાખ્યો છે. કદાચ તેનું જ અનુકરણ નવું બંધારણ કરતી વખતે આપે કર્યું હોય ત્યાં પણ એ નિયમનો ભોગ મારે થવું પડ્યું હતું. પણ તેમાંથી હું જેમ બચી શક્યો, તેમ બચવાનો ઇલાજ પણ અહીં ન રહ્યો. આ અમદાદમાં જ મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ ભરાઈ હતી અને શ્રી માવળંકર આદિ લોકોએ મારું નામ સૂચવ્યું. ‘એની પાછળ દાદાસાહેબની ઇચ્છા છે એટલે ના કેમ પડાય’ – એ મારી મૂંઝવણ હતી એટલે મેં લખી આપ્યું કે – ‘મારો દ્રઢ અભિપ્રાય છે કે જેઓ સાહિત્યસેવાને જ વરેલા છે, અને જેમણે સાહિત્યસેવા અખંડ ચલાવી છે, એવા લોકોમાંથી જ અધ્યક્ષપદ માટે ચૂંટણી થવી જોઈએ. હું એવો નથી. એટલે મતદાતાઓને મારી સિફારશ છે કે તેમણે મને મત ન આપવો. ‘અને તેમ છતાં જો મતદાતાઓ મને ચૂંટી કાઢશે જ, તો જેણે સેવામય જીવન પસંદ કર્યું છે તે કોઈ પણ સેવા માટેના આમંત્રણને ના ન જ પાડી શકે એટલે મારાથી ના નહીં પડાય.’ મેં સાંભળ્યું છે કે આવા લખતનો અર્થ શો કરવો, એ સ્વીકાર તરીકે ગણાય કે નહિ એનો નિર્ણય કરવા માટે પછી એક સમિતિ પણ બેઠી હતી! સદ્‌ભાગ્યે મરાઠી મતદાતાઓએ મારી સિફારશ સ્વીકારી અને મને બચાવી લીધો. પણ અહીં તો ઊંધું જ થયું. અધ્યક્ષપદને શોભાવે એવી અને મારા કરતાં અનેક રીતે વધારે યોગ્ય એવી ચારેચાર વ્યક્તિઓએ પોતપોતાનું નામ ખેંચી લીધું અને મને એકલાને અસહાય કરી મૂક્યો. ચૂંટણી માટે અવકાશ જ ન રહ્યો. અને સૂચવાયેલાં નામોમાંથી કેવળ મારું જ નામ ટક્યું. એટલેથી જ અધ્યક્ષપદ મારે ભાગે આવ્યું. જે ચાર વ્યક્તિઓએ મારા પ્રત્યે સદ્‌ભાવ રાખી પોતપોતાનું નામ પાછું ખેંચી લીધું તેમની એ લાગણી માટે હું કૃતજ્ઞ છું, પણ તેમણે મને મુશ્કેલીમાં નાખ્યો અને લાચાર કર્યો તેની નોંધ તો હું લેવાનો જ. જ્યારે મને ખબર પડી કે મારું નામ સૂચવાયું છે અને બાકીનાં નામો પાછાં ખેંચાયાં છે, ત્યારે મારા મનમાં એક જ વિચાર પ્રમુખપણે આવ્યો અને તે એ કે સાહિત્યરસિક ગુજરાતે અને વિદ્યાર્થીમિત્રોએ મારા લખાણની છેલ્લાં ત્રણ તપ સુધી જે એકધારી કદર કરી છે તેનો ઋણસ્વીકાર કરવાની અને એ બધાનો આભાર માનવાની તક મળી છે તો તે લઈ લઉં. જ્યારે જ્યારે હજી કોઈ લખે છે કે ‘મહારાષ્ટ્રીય હોવા છતાં ગુજરાતીઓને શરમાવે એવું ગુજરાતી કાકાસાહેબ લખે છે,’ ત્યારે ત્યારે હું જ શરમાઉં છું. આપણી દેશી ભાષાઓ એટલી બધ એકબીજાની નજીક છે – ખાસ કરીને કૃષ્ણાગોદાવરીની ઉત્તર તરફની – કે આપણા લોકોને એકબીજાની ભાષા નથી આવડતી એ જ શરમાવા જેવું છે. મહારાષ્ટ્રનો એક ‘દખણી’ આપણી સાથે એકરૂપ થઈ આપણી ભાષામાં લખે છે એ ગુજરાતીને હરખાવા જેવું છે એમ મારે વિશે લોકોએ લખ્યું હોત તો મને જરૂર જરા આનંદ થાત. વિદ્યાપીઠની સ્થાપના વખતે ગાંધીજીએ મને સવાઈ ગુજરાતી કહ્યો એનું કાંઈ નહિ. પણ યરવડા જેલમાંથી જ્યારે એમણે ગુજરાતી ભાષા માટે જોડણીકોશ તૈયાર કરવાનો ભાર ખાસ મારે માથે નાખ્યો ત્યારે મારી ગુજરાતીભાષાભક્તિની અસાધારણ કદર થઈ એમ મેં માન્યું. એ ફક્ત ભક્તિની જ કદર હતી. એને હું સેવાની કદર ન ગણું, કેમ કે જેટલી થવી જોઈએ એટલી સેવા મારે હાથે થઈ જ નથી. ગુજરાતીમાં લખવાનો મેં આગ્રહ રાખ્યો એટલી જ મારી વિશેષતા. જોડણીકોશને કારણે મારે એ વિષયનું થોડું અધ્યયન કરવું પડ્યું અને જ્યાં મતભેદો હતા ત્યાં સર્વસમન્વયકારી નિર્ણયો લેવામાં મારો હાથ હતો એટલું જ. બાકી એ બધું કામ સ્વર્ગસ્થ શ્રી નરહરિભાઈ, શ્રી વિશ્વનાથભાઈ અને સ્વર્ગસ્થ શ્રી ચંદ્રશંકર શુક્લ જેવા ગુજરાતીઓએ જ કર્યું છે. અને એ કોશનો સાચો વિસ્તાર તો શ્રી મગનભાઈ દેસાઈએ અને એમના સાથીઓએ જ કર્યો છે. વડોદરાના દિવસો બાદ કરતાં મારો ગુજરાત સાથેનો સંબંધ પ્રથમ આશ્રમવાસીઓ દ્વારા થયો. ત્યાર પછી કેળવણીકારો અને વિદ્યાર્થી આલમ સાથે, ‘નવજીવન’ સાપ્તાહિક દ્વારા સાહિત્યરસિકો અને લોકસેવકો સાથે અને સ્વાતંત્ર્યની લડતને કારણે રાજદ્વારી ગુજરાત સાથે હું સબંધમાં આવ્યો. એમાં આશ્રમવાસીઓ તો સ્વજનો જ કહેવાય. રાજદ્વારી ગુજરાતમાં કોઈ પણ જાતની સ્પર્ધામાં ન ઊતરવાનું નક્કી કરી મેં એ જગતને પ્રથમથી જ અભયદાન આપ્યું. મારો સંબંધ કેળવણીકારો, વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકો સાથે વિશેષ હતો. એટલે જીવનના સંધ્યાકાળે આ સ્થાનેથી એ બધાનો હૃદયથી ઉપકાર માનું છું. એમ તો મેં સાહિત્યચર્ચા કરતાં જીવનનાં અનેક અંગઉપાંગોની જ ચર્ચા વધારે કરી છે. અને વિદ્યાર્થીઓ તો મારા આરાધ્ય દૈવતો. એમની સેવા એ સેવા નથી પણ ભક્તિ-પુષ્પાંજલિ છે. હું ગાંધીજીને મળ્યો તે પહેલાં જ વડોદરા જઈ, ત્યાંના વિશિષ્ટ વાતાવરણમાં, ગુજરાતને મેં અપનાવ્યું હતું. ગાંધીજીને મળ્યા પછી Thy God shall be my god, they people my people – એ જાતનું સ્વાર્પણ મેં કર્યું. અને ગુજરાતે પણ ગાંધીજીને ચરણે આવેલા મને હૃદયથી અપનાવ્યો. ગાંધીજીનો આશ્રમપરિવાર, ગાંધીજીનું સૌરાષ્ટ્ર અને ગાંધીજીનું ગુજરાતઃ ત્રણે વિશેની મારી આત્મીતા કાયમ છે. મારા હૃદયમાં જેમ ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું સ્થાન છે, તેવી જ રીતે મને સાનંદ અનુભવ છે કે મને પણ ગુજરાતના હૃદયમાં સ્થાન છે. અને મારા વિદ્યાર્થીઓએ મારું જીવન સુવાસિત અને કૃતાર્થ કર્યું છે. પ્રારંભમાં જ પોતાને વિશે આટલા વિસ્તારથી બોલ્યો એને માટે આપ સૌની ક્ષમા માગું છું. ગુજરાતી સાહિત્ય પરિષદે કાયાકલ્પ કર્યો છે અને નવી પેઢીએ હવે આ પરિષદને પોતાના નવા આદર્શનું વાહક બનાવવાનો સંકલ્પ કર્યો છે. એમના એ સંકલ્પને વૃદ્ધજનોના આશીર્વાદ મેળવવા માટે જ જાણે શ્રી મુનશીને અને મને આમંત્રવામાં આવ્યા છે. કરાંચીમાં શ્રી મુનશી અધ્યક્ષ હતા અને માંલકિ પ્રવચન કરવાનું મારે ભાગે આવ્યું હતું. આજે હું અધ્યક્ષ છું અને માંગલિક પ્રવચન માટે શ્રી મુનશીની વરણી થઈ એ બધું બંધબેસતું લાગે છે. ગુજરાતી સાહિત્ય પરિષદ એટલે ગુજરાતી ભાષામાં રસપૂર્વક લખનારા અને એ લખાણનું રસપૂર્વક સેવન અને મૂલ્યાંકન કરનારા સરસ્વતી-ભક્તોનો મેળાવડો. એ જ આ સંસ્થાની યથાર્થ વ્યાખ્યા થશે. આ સંસ્થા જ્યારે સાહિત્ય અને લોકજીવન પરત્વે કોઈ રચનાત્મક પ્રવૃત્તિ સતત ચલાવવા માંડશે, ત્યારે આ વ્યાખ્યા બદલવી અને સુધારવી પડશે. હું માનું છું કે તેમ કરવાનું મુહૂર્ત હવે આવ્યું છે. અને તેથી ગુજરાતી સાહિત્ય પરિષદનો હું વધારે અને વ્યાપક અર્થ કરવા માગું છું. ગુજરાતી પ્રજાનો અથવા ગુજરાતી ભાષા વાપરનાર લોકોનો સમગ્ર પુરુષાર્થ સાહિત્યના ક્ષેત્રમાં કેમ પ્રતિબિંબિત અને વિકસિત થાય એનું ચિંતન કરનારા તેમજ સક્રિય સેવા દ્વારા એને સંગઠિત કરનારા લોકોનો સમુદાય એવી આ સંસ્થાની નવી વ્યાખ્યા આપણે કરવી જોઈએ. આ નવા આદર્શ પ્રમાણે આપણે ફક્ત ગુજરાતી સાહિત્ય અને એની ખિલવણીનો વિચાર કરી સંતોષ માનવાનો નથી, પણ સમસ્ત ગુજરાતી પ્રજાનો સર્વાંગીણ જીવનવિકાસ થાય એને માટે ગુજરાતી ભાષાએ શી રીતે તૈયાર થવું જોઈએ, ગુજરાતી સાહિત્યે કેવાં કેવાં ક્ષેત્રો વિકસાવવાં જોઈએ એની વિચારણા અને ચર્ચા કર્યા પછી એક વ્યાપક યોજના આ મંડળે ઘડીને હાથ ધરવાની છે. ગુજરાતના જ એક પ્રખર અર્થશાસ્ત્રી અને સાહિત્યસેવીની અધ્યક્ષતા તળે શ્રી જવાહરલાલજી જેવાઓએ સ્વરાજ થતાં પહેલાં જ એક સમિતિ નીમી હતી. એ સમિતિએ રાષ્ટ્રનાં અંગપ્રત્યંગોનો વિકાસ કેમ થાય એની એક મોટી યોજના ઘડી આપી. ગુજરાતના જ એક પ્રકાશકે એ યોજના દેશ આગળ મૂકી. એ પ્રાથમિક વિચારણામાંથી જ સ્વરાજ સરકારે પાંચ પાંચ વરસની યોજના ઘડનાર એક કાયમી યોજના-આયોગ સ્થાપ્યો. સરકાર તરફથી શરૂ થયેલું એ ભારે રચનાત્મક કામ ગણાય. એ યોજનામાં પ્રજાકીય જીવનના જેટલા વિભાગો કલ્પ્યા છે તેમાંથી દરેક વિભાગનું સ્વરૂપ સમજાવતું અને ખીલવતું સાહિત્ય ગુજરાતીમાં છે કે નહિ એ આપણે તપાસવું જોઈએ અને તે તે વિષયોના નિષ્ણાતોને અને ચિંતકોને તે તે વિભાગ પૂરતું એ કામ સોંપી દેવું જોઈએ. અહીં શરૂઆતમાં જ એક મહત્ત્વની વસ્તુ તરફ સૌનું ધ્યાન ખેંચવા માગું છું. સ્વરાજ મળ્યા પછી લોકકલ્યાણની બધી પ્રવૃત્તિઓ પોતાના હાથમાં લેવાનો સરકારે સંકલ્પ કર્યા પછી, આપણી રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષા અનેકગણી વધવાની. દુનિયામાં આપણને માનભર્યું અને આદરનું સ્થાન પ્રાપ્ત થયું છે. તેથી એના પ્રમાણમાં આપણો પુરુષાર્થ પણ વધવાનો જ. એવી અનુકૂળ પરિસ્થિતિમાં સ્વરાજ સરકાર સાથે સહકાર કર્યા વગર છૂટકો નથી. પણ તેમ કરવા જતાં સાથે સાથે સરકારના આહારમાં જવાનું જોખમ પણ રહે છે. દરેક ભાષાને પોતાની પરિષદ અથવા સ્વતંત્ર સાહિત્યસંસ્થા છે. પણ એ બધી ભાષાઓને એકત્ર આણનારી સંસ્થા પ્રજાએ ઊભી કરી નથી. પી.ઈ.એન. છે. પણ તે આંતરભારતીય હોવા કરતાં આંતરરાષ્ટ્રીય વધારે છે અને એ પોતાનું કામ અંગ્રેજીમાં કરવામાં માને છે. શ્રી મુનશીએ ગાંધીજીની મદદથી ભારતીય ભાષા પરિષદની સ્થાપના કરી. પણ તેમાં બીજી ભાષાઓ સાથેનો અમારો સહકાર જામ્યો નહિ. અને ત્યારે એને માટે દેશ તૈયાર ન હતો એમ પણ હોય. હવે તો સરકાર તરફથી સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ છે. ‘ભારતીય સાહિત્ય પરિષદ’ કે ‘ભારત ભારતી’ એવું દેશી નામ રાખવાને બદલે ‘સાહિત્ય અકાદમી’ એવું ભૂંડું નામ સરકારને કારણે એને ધારણ કરવું પડ્યું. સંસ્થા ગમે તેટલી સારી અને કાયદાથી સ્વાયત્ત હોય તોયે સરકારના વણછામાં કોણ જાણે એ તેજસ્વી બનતી જ નથી. સંપત્તિ, સત્તા અને પ્રતિષ્ઠા સરકારના હાથમાં. તેમાં વળી એ સરકાર સ્વદેશી અને લોકનિયુક્ત. એક તરફથી એનાથી દૂર રહેવું પોસાય નહિ અને બીજી તરફથી પોતાના ત્રિવિધ પ્રભાવથી એ સરકાર આપણને ખાઈ જાય, એ પણ પોસાય નહિ. એમાંથી વચલો મધ્યમ માર્ગ શોધી કાઢવો એ તો યોગીની કરામત જેવું અગમ્ય, કષ્ટસાધ્ય અને અદ્‌ભુત કામ છે. સાહિત્યનો સંબંધ પ્રકાશનપ્રવૃત્તિ સાથે પ્રાણ અને શરીર જેવો અવિભાજ્ય છે. એ પ્રકાશનપ્રવૃત્તિમાં પણ હવે પછી પ્રાઇવેટ સેક્ટર – ખાનગી વિભાગ અને પબ્લિક સેક્ટર – જાહેરવિભાગ એવું દ્વૈત આરંભાયું છે અને તેમાં જાહેર વિભાગ એ સરકારી વિભાગથી આજે તો અભિન્ન છે. અત્યારનું સરકાર-સંચાલિત રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ જો કુશળતા કેળવી શકે તો પ્રકાશનપ્રવૃત્તિ અને તમામ સાહિત્યપ્રવૃત્તિનો અંકુશ મોટે ભાગે સરકારના હાથમાં જ જાય. એ બાબતમાં ભયનિવારણ બે જ રીતે થઈ શકે. એક તો એ સરકારી ખાતું બહુ કુશળતાથી ન ચાલે અને ખાનગી પ્રકાશકો ફાવી જાય તો, અથવા પ્રજા પોતાનું દબાણ સરકાર ઉપર આણે અને કંઈક વચલો રસ્તો શોધી કાઢે તો. હું તો માનું છું કે સરકારી વિભાગ અને જાહેર વિભાગ એ બે એક જ છે એમ માનવામાં ભૂલ થાય છે. જો ગુજરાતના સારા સારા લેખકો અને નાનામોટા ખાનગી પ્રકાશકો બધા એકત્ર મળી ગુજરાત પૂરતું એક જાહેર પ્રકાશન મંડળ ઊભું કરે અને ખાનગી વ્યવસ્થાની દક્ષતા અને સંભૂય-સમુત્થાનની વ્યાપક શક્તિનો સંયોગ કરે તો બધી રીતે લાભ થઈ શકે. અને એવું જાહેર મંડળ સરકારના અંકુશથી અને સરકારી નીતિથી મુક્ત રહી સરકાર પાસેથી ધારેલી મદદ પણ મેળવી શકે. ગુજરાતની કાર્યકુશળતાનો લાભ જો લેખકોને મળે તો અનેક પ્રાન્તોને એમાંથી પ્રેરણા મળશે અને અખિલ ભારતીય સંગઠન ઊભું કરવામાં એ પહેલું પગથિયું થશે. સરકારી તંત્રનો મુખ્ય દોષ એ હોય છે કે ગમે તેટલી સમિતિઓ નીમો, અને ગમે તેટલા નિયમો ઘડો, આખી પ્રવૃત્તિ એકહથ્થુ થઈ બેસે છે અને છતાં ત્યાં પણ એ સર્વેસર્વાના મત પ્રમાણે બધું થાય છે એમ નથી. અને એવી વ્યવસ્થાના દોષો સામે લડતાં લડતાં જાહેરની સેવા કરનાર વ્યક્તિઓની આખી શક્તિ ખપી જાય છે. સરકારની દોરવણી વગર મોટાં મોટાં રચનાત્મક જાહેર કામો ખીલવવાની કળા આ જમાનાએ કેળવ્યે જ છૂટકો. લોકોને મારો પરિચય એક કેળવણીકાર, વિચારક અને સાહિત્યસેવક તરીકે છે. સંગઠન-કુશળ સંયોજક તરીકે મેં ખાસ એવું કશું કર્યું નથી. એટલે દેશની બદલાયેલી પરિસ્થિતિ-પરત્વે આટલું સૂચન કરીને વિચાર અહીં જ છોડી દઉં છું અને મારા મુખ્ય વિષય પર આવું છું. આપણા દેશનું જૂનું સાહિત્ય મોટે ભાગે ધર્મપ્રધાન જ હતું. એનું કારણ એ કે સાહિત્ય હંમેશાં સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય છે. સંસ્કૃતિને વાચા અર્પણ કરી એને બુદ્ધિગમ્ય અને હૃદયગમ્ય કરવી અને એને નવી નવી પ્રેરણા આપવી, એ સાહિત્યનું પ્રધાન અથવા એકમાત્ર કાર્ય છે. માટે અમુક યુગમાં સાંસ્કૃતિક જીવન ધર્મપરાયણ જ હોય ત્યારે પ્રજાનો સાહિત્યિક પુરુષાર્થ ધાર્મિક સાહિત્યમાં પ્રગટ થાય તો એમાં આશ્ચર્ય નહિ. ધર્મ જો એકાંગી થઈ કેવળ નિવૃત્તિપરાયણ થાય તો સાહિત્ય પણ જીવનવિમુખ જ થવાનું. પણ જીવન આવી રીતે જો હારી જાય તો જીવન જીવન જ નથી. જીવનની શક્તિઓ બે છેઃ સંસ્કારિતા કેળવી, ઉન્નતિ તરફ પ્રયાણ કરવાનો પુરુષાર્થ ખેડવો એ છે એનું એક બળ. એ રચનાત્મક અને સાત્વિક હોય છે. પણ આદર્શોના વિકૃત આકલનને કારણે અથવા કોઈ પક્ષની મહત્ત્વાકાંક્ષાથી જો જીવન દબાઈ જાય તો મરણિયા થઈ બળવો કરવો અને દબાવનાર તત્ત્વોને છિન્નભિન્ન કરી નાખવાં એ જીવનની બીજી તેજસ્વિતા. આ બંને તત્ત્વોએ અથવા બળોએ સાહિત્યશક્તિનો ઉપયોગ હંમેશ કર્યો છે. અને તેથી વિધાયક અને વિસ્ફોટક – બંને જાતનું સાહિત્ય માનવજીવનમાંથી ઉત્પન્ન થતું આવ્યું છે. આજની સંસ્કૃતિ કહે છે કે “આ બે બળો વચ્ચે ફરી ફરી સંઘર્ષ ચલાવવાને બદલે હવે બંનેનો સમન્વય થઈ શકે એવો રસ્તો શોધી કાઢો. અત્યાર સુધી દુનિયાએ જીવલેણ મોંઘી ક્રાંતિઓ ઘણી કરી, હવે સમન્વયમૂલક વિકાસ કરવાની ઉત્ક્રાન્તિ ખીલવ્યે જ છૂટકો. આંધળાપણું અને એકાંગીપણું ક્યાં સુધી ચલાવીશું? Thesis, Anti-thesis અને synthesisનો ચક્રનેમિ-ક્રમ હવે ટૂંકાવ્યે જ છૂટકો. જ્ઞાન અને કૌશલ્ય પૂરતા પ્રમાણમાં વધ્યા પછી સંઘર્ષ દ્વારા વારેઘડીએ વિનાશ સુધી પહોંચી જવાની જરૂર ન રહેવી જોઈએ. અહિંસાયુગમાં પ્રવેશ કર્યા પછી સમન્વય એ જ સમાજનું પ્રધાન બળ હોવું જોઈએ. સ્વરાજ્ય મળ્યું અને આપણે દુનિયાના નાનામોટા સ્વતંત્ર દેશોના દરબારમાં પ્રવેશ કર્યો. એ પ્રવેશ કેવળ રાજદ્વારી નથી. એ દરબારમાં આજે ભલે રાજદ્વારી વાતો અને આર્થિક વાતો જ પ્રધાનપણું ભોગવતી હોય, પણ એ દરબારમાં વિજ્ઞાન, કેળવણી અને સંસ્કૃતિને પણ સ્થાન છે. અને સાહિત્યનું તો વિજ્ઞાન, કેળવણી અને સંસ્કૃતિઃ ત્રણેની સેવા કરવાનું જીવનવ્રત જ છે. એટલે આપણી ભાષામાં દુનિયાની બધી જ સંસ્કૃતિનાં મૂળતત્ત્વો, એમનો ઇતિહાસ અને સંસ્કૃતિ પરત્વે તે તે પ્રજાએ દાખવેલા પુરુષાર્થનો ચિતાર મળવો જ જોઈએ. ભલે એક વિષય પર આપણી પાસે બિલકુલ પ્રાથમિક અને નાનકડી જ ચોપડી હોય. પણ તે સહેલી, રોચક અને અદ્યતન હોવી જોઈએ. પરદેશના લોકોના પુરુષાર્થથી રચેલી અને પરદેશી ભાષામાં લખેલી ચોપડીઓ બહુ બહુ તો દેશના દસ-પંદર ટકા લોકોને જ કેળવશે. પરિણામે માત્ર પરદેશી ભાષા જાણનાર અને એના પર જ નભનાર પરાવલંબી લોકોનું નેતૃત્વ આપણા દેશમાં રહેશે. આજે આપણા કેળવાયેલા લોકો પાસે જે કાંઈ જ્ઞાનનો સંગ્રહ છે તે બધો, દેશી ભાષાઓ મારફતે કરોડોની સામાન્ય જનતા સુધી પહોંચાડવાની ખાસ જરૂર છે. આજના આ પ્રજાયુગમાં એના વગર ચાલે નહિ. હવે એને માટે આપણે આપણી ભાષા આજે છે એના કરતાં ઘણી ઘણી સહેલી કરવી પડશે. અને એનું એ સહેલાપણું જાળવીને એને બધી રીતે સમર્થ અને સમૃદ્ધ પણ કરવી પડશે. હવે પછી આપણે દુનિયાની તમામ સંસ્કૃતિઓના વિશાળ પરિવારમાં રહેવું છે એ ખરું, પણ આપણા લોકોને કેવો વિવિધ સાંસ્કૃતિક ખોરાક જરૂરનો છે એનો નિર્ણય આપણે પોતે કરીએ તો જ આપણી સંસ્કૃતિનાં મૂળિયાં આપણે ટકાવી શકીશું અને એ વાટે સ્વદેશ અને સ્વજનોને અનુકૂળ એવું પોષણ પહોંચાડી શકીશું. કેવળ સરકારી પ્રેરણાથી ચાલતી પ્રવૃત્તિનું જે જોખમ મેં હમણાં જ બતાવ્યું એના કરતાં વધારે મોટું એવું એક સંકટ આપણે માથે ઝઝૂમે છે. એક વખત હતો જ્યારે આપણા યુવકોને પોતાના ધર્મનું ભાગ્યે જ જ્ઞાન મળતું. તે વખતે એને ઠેકાણે મિશનરીઓ પોતાના ધર્મનો પ્રચાર આપણી વચ્ચે કરતા, હવે એ સ્થિતિ કાંઈક સુધરી છે. પણ હવે સાહિત્ય અને સંસ્કૃતિની બાબતમાં આપણે પોતાના દેશ વિશે અને પોતાની સંસ્કૃતિ વિશે પણ-પરદેશી લોકોએ પરદેશી ભાષામાં લખેલી ચોપડીઓ મારફતે જ થોડુંઘણું જાણવા લાગ્યા છીએ, પણ થોડા જ દિવસમાં છેક નાનાં બાળકોથી માંડીને મોટેરાં સુધી બધાં માટે અમેરિકન કે રશિયન જેવી આક્રમણકારી સંસ્કૃતિના લોકો જ પોતાનું સાહિત્ય ગુજરાતી મારફતે આપણને પીરસે અને આપણું માનસ ઘડવાનો ઠેકો લે તો જરાયે નવાઈ નહિ. આપણી સંસ્કૃતિની ભાષા એક વખતે સંસ્કૃત, પાલિ, અર્ધમાગધી વગેરે ભાષાઓ હતી. દિલ્હીમાં પઠાણ અને મોગલો આવ્યા અને ઈરાનની પર્શિયન ભાષા મારફતે આપણે નવા સંસ્કારો લેવા લાગ્યા. આજે આપણી સંસ્કૃતિની ભાષા અંગ્રેજી છે. સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતા, રવીન્દ્રનાથ ઠાકુર, શ્રી અરવિંદ, આનંદ કુમારસ્વામી, ગાંધીજી, સરોજિની નાયડુ, તરુલતા દત્ત, રાધાકૃષ્ણન્, જવાહરાલલજી ઇત્યાદિ લોકો જ આપણા સંસ્કૃતિધુરીણો છે. એમનાં લખાણો આજે મોટે ભાગે અંગ્રેજીમાં જ વંચાય છે. દેશી ભાષામાં ઓછાં વંચાય છે. એટલે શી રીતે આપણે કહીશું કે અંગ્રેજી આપણા સાંસ્કૃતિક ધાવણની ભાષા નથી? આ લોકોમાંથી એકેને જબરદસ્તીથી અંગ્રેજીમાં લખવું પડ્યું ન હતું. એમની દેશભક્તિ, સંસ્કૃતિનિષ્ઠા અને જનસમાજની સેવા કરવાની ધગશ કોઈનાયે કરતાં ઊતરતી નથી. રવીન્દ્રનાથ કે ગાંધીજી જેવાઓએ ભલે ખ્યાલ રાખ્યો હોય કે પોતાના ઉત્તમોત્તમ વિચારો પ્રથમ સ્વભાષા મારફતે જ વ્યક્ત કરીશું, પછી એ ભાષાનો કૃપાપ્રસાદ અંગ્રેજી મારફતે દુનિયાને આપીશું, પણ એમને પણ સ્વજનોની સેવા કરવા માટે અંગ્રેજીની મદદ લેવી જ પડી. અને આ લોકોએ પોતાનું પોષણ જેટલું સંસ્કૃત આદિ દેશી ભાષાઓ મારફતે મેળવ્યું તેના કરતાં અંગ્રેજી મારફતે વધારે મેળવ્યું છે એની ના પડાય નહિ. ગુજરાતના આજના કવિઓ જ લો. તેઓ સંસ્કૃત અને ગુજરાતી બંને સાહિત્યનું ઉત્તમ સેવન કરે છે. એ સ્વધર્મ તેઓ ચૂક્યા છે એમ એમને વિશે કોઈ કહી ન શકે. અને છતાં સંસ્કારો ગ્રહણ કરવાનું એમનું મોટામાં મોટું વાહન અંગ્રેજી જ છે. ત્યાંથી મેળવેલું બધું તેઓ અનુકૂળ રૂપમાં નિષ્ઠાપૂર્વક સ્વભાષાને આપે છે. એ અત્યંત કીમતી અને પૌષ્ટિક પિરસણ છે એ વિશે શંકા નથી, પણ એ પિરસણ જ છે એ આપણે ભૂલવું ન જોઈએ. મનમાં સવાલ ઊઠે છે કે ગુજરાતી ભાષા આપણી સંસ્કૃતિનું પ્રધાન વાહન ક્યારે બનશે? લોકો જ્યારે શ્રમજીવી સામાન્ય પ્રજા સાથે એકજીવ થશે, સમર્થપણે પોતાનું જીવન જીવશે, સ્વતંત્રપણે એ જીવનનું ચિંતન કરશે એને માટે ગમે ત્યાંથી મેળવેલો સાંસ્કૃતિક ખોરાક પચાવી જ્યારે આત્મસાત્ કરશે અને પોતાનું સમૃદ્ધ જીવન, પોતાની ભાષા મારફતે પ્રગટ કરશે, ત્યારે ગુજરાતી ભાષા ગુજરાતી પ્રજાની સાંસ્કૃતિક ભાષા થશે. આમાં મુખ્ય સવાલ ભાષાનો નથી પણ જીવનનો છે. એ જીવન જો સ્વાશ્રયી, ઉત્કટ, ઊંડું, પરાક્રમી, ભાવનાશીલ અને સર્વસમન્વયકારી હશે અને જો પ્રજા સમર્થપણે એ જીવશે અને એ જીવન જીવતાં ઊંડામાં ઊંડો જીવનરસ ચૂસી શકશે તો એ જીવનને વ્યક્ત કરતી ભાષા અને એનું સાહિત્ય વિશ્વમાં આદરપાત્ર થશે અને આપણી પ્રજાને એ ઉત્તમમાં ઉત્તમ ખોરાક પૂરો પાડશે. જો આપણું જીવન જ છીછરું, રૂઢિવાદી, ગતાનુગતિક કે પરભૂત અને મંદાગ્નિદ્યોતક હશે તો સાહિત્યનું કેવળ કૌશલ્ય કરીકરીને કેટલી મદદ કરી શકવાનું હતું? દુનિયાના કોઈ પણ સાહિત્યનો બહિષ્કાર કરવા જેટલા આપણે આત્મઘાતકી ન જ થઈએ. ખોરાક જ્યાંથી મળે ત્યાંથી લઈએ પણ પસંદગી તો આપણી જ હોવી જોઈએ. અને પાચનશક્તિ તો આપણે ઉછીની ન જ લઈ શકીએ. આપણા ખોરાકનું બજાર પરદેશી લોકોના જ હાથમાં રહી જાય એટલે સુધી આપણે ગફલતમાં ન જ રહેવું જોઈએ. આજની સ્થિતિ આટલી ભયાનક થઈ ચૂકી છે એમ નથી કહેવા માગતો, પણ પાણીની રેલ આવ્યા પછી બંધ બાંધવા જઈએ એ શા કામનું? આવા કામમાં ‘પાણી પહેલાં પાળ’ એ જ સાચી જીવનનીતિ હોઈ શકે. પણ પરદેશથી આવેલી અને જુદી જ ઢબે કેળવાયેલી પ્રજાના પુરુષાર્થના પ્રતિનિધિરૂપ સાહિત્યનો આસ્વાદ લેતાં પહેલાં આપણે આપણો ચિરંતન વારસો શો હતો એ જાણવું જોઈએ. અને પ્રજાની કેળવણીનો પ્રારંભ તો આત્મપરિચયથી જ થવો જોઈએ. અને આપણે ત્યાં તો, કોઈ પણ સંસ્કારી અને પુરુષાર્થી પ્રજા અદેખાઈ કરી શકે એવો સંસ્કૃત સાહિત્યનો અઢળક વારસો પડેલો છે. સમૃદ્ધમાં સમૃદ્ધ વારસાના અધિકારીઓ આપણે, કેવળ ગફલતથી અકિંચન-કંગાલ ન બનીએ એટલું તો આપણે સાચવવું જ જોઈએ. સંસ્કૃતનું ધાવણ બુદ્ધ ભગવાનની મહાન પ્રેરણા પૂર્વ અને દક્ષિણ એશિયામાં બધે ફેલાઈ. ઈસા મસીહના ઉપદેશનું સંગઠન યુરોપભરમાં થયું. અને હવે ત્યાંની એ પુરુષાર્થી પ્રજાના પ્રયત્નથી યુરોપ-અમેરિકા ઉપરાંત આફ્રિકામાં પણ એ ફેલાય છે અને રાજનૈતિક ઇજારો (monopoly) મળવાથી સપ્તસમુદ્રના નાનામોટા દ્વીપોમાં પણ હજી અનો વિસ્તાર થતો જાય છે. હજરત મહમદ પેગમ્બરનું ઇસ્લામી જીવન-સંગઠન પશ્ચિમ એશિયા તેમ જ ઉત્તર આફ્રિકામાં લોકજાગૃતિનું કામ કરે છે. એ ત્રણે મહાન સાંસ્કૃતિક વિસ્તારના જબરદસ્ત પ્રયત્નો ધ્યાનમાં રાખીને પણ કહું છું કે સંસ્કૃત ભાષા અને સાહિત્ય મારફતે જે સાંસ્કૃતિક કાર્ય થયું છે તેટલું વ્યાપક અને ઊડું કામ બીજા કોઈ પણ પ્રજાકીય પુરુષાર્થે કર્યું નહિ હોય. આમાં કેવળ ભૌગોલિક વિસ્તાર જોવાનો નથી હોતો. મુખ્ય જોવાનું છે જીવનનું ખેડાણ અને જીવનનું ઉન્નયન. એમાં પણ એક બાજુ જોવાને મળે છે બુદ્ધિ અને ભાવનાનું ઊંડાણ, તો બીજી બાજુ ફેલાયેલો છે લોકજીવનનો વિસ્તાર. આજકાલના સાહિત્યસેવીઓ સંસ્કૃતના અભ્યાસમાં મોટે ભાગે મહાકાવ્યો અને નાટકો જ વાંચે છે. એને માટે જરૂરી વ્યારકણનો પરિચય મેળવે છે. ષડ્‌દર્શનના અધ્યયન-ચિંતન સાથે પ્રસ્થાનત્રયી જરાક જરાક સેવે છે અને જૂનું કાવ્યશાસ્ત્ર પણ નવાં હળ લઈને ખેડે છે. પશ્ચિમનું સાહિત્યશાસ્ત્ર હાથમાં આવવાથી સંસ્કૃતની સાહિત્યમીમાંસા વધારે ઊંડી થતી જાય છે. ઇતિહાસ-સંશોધનની વૈજ્ઞાનિક ચાવી હાથમાં આવવાથી ભારતનો ઇતિહાસ, ભારતનું વિવિધ સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ એ ત્રણે ક્ષેત્રમાં ખૂબ મૌલિક સંશોધન અને પ્રગતિ થવા લાગ્યાં છે. પાણિનિનું વ્યાકરણ અને એના પરના મહાભાષ્યનો જેટલો ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ થાય છે તેટલો જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભ્યાસ પણ થવા લાગ્યો છે. સંગીત, ચિત્રકલા, મૂર્તિવિધાન, સ્થાપત્ય અને નગર રચનામાં પણ આપણે સંસ્કૃત સાહિત્ય પાસેથી પ્રેરણા મેળવતા થયા છીએ. આયુર્વેદના ગ્રંથો હવે આધુનિક વૈદકની દૃષ્ટિએ લોકો તપાસવા લાગ્યા છે. પણ એ વૈદક ગ્રંથોમાં આપણું જીવન કેમ પ્રતિબિંબત થયું છે અને એમાં જીવનના કેવા કેવા આદર્શો સ્વીકારાયા છે, એ તપાસવાનું કામ પણ હવે થવું જોઈએ. એ કામ વૈદ્યો કરે એના કરતાં સાહિત્યસેવીઓ કરે અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધકો કરે તો આપણે એમાંથી વધારે મેળવી શકીશું. અધ્યાત્મવિદ્યા અને યોગશાસ્ત્રની મદદથી આપણે માનસશાસ્ત્ર કે ચેનતશાસ્ત્ર વધારે સારી રીતે ખેડી શકીશું. અને વખતે આજની દુનિયાના મોટામાં મોટા માનસિક રોગોના ઇલાજ પણ શોધી કાઢીશું. પણ મારો વિશેષ આગ્રહ પુરાણો અને લોકકથાના અધ્યયન માટે છે. ત્રૈવર્ણિકોના સમાજમાં શૂદ્રો ભળ્યા અને ચાતુર્વર્ણ્યની સ્થાપના થઈ એ એક મોટો સમન્વય હતો. ત્યારપછી આપણે આદિવાસીઓના જીવનમાં પ્રવેશ કર્યો એ પુરુષાર્થનું ઓછુંવત્તું પ્રતિબિંબ આપણા ભિન્ન ભિન્ન પંથોનાં પુરાણોમાં મળે છે. આ દિશામાં વૈષ્ણવોએ જે કામ કર્યું છે તેનો કંઈક ખ્યાલ આપણને છે. પણ શૈવ, શાક્ત, ગાણપત્ય, સૌર, કાપાલિક, અઘોરી વગેરે સમાજો અને સંપ્રદાયોની કથાઓ હવે આપણે પ્રાગ્-ઐતિહાસિક નૃવંશશાસ્ત્ર (anthropology) અને સમાજશાસ્ત્ર (sociology)ની દૃષ્ટિએ તપાસવી જોઈએ. એક બાજુ બસો ત્રણસો સ્મૃતિઓ અને બીજી બાજુ અઢાર પુરાણ અને અઢાર ઉપપુરાણ અને કથાસરિત્સાગર જેવી વાર્તાઓ લઈને આપણે બેસીએ તો આપણા સાંસ્કૃતિક પુરુષાર્થનો અને ધીરજ અને કુનેહ સાથે ચલાવેલા સાંસ્કૃતિક પ્રચારનો આપણને ખ્યાલ આવશે. આપણો આત્મવિશ્વાસ વધશે અને આપણને તેમ જ દુનિયાને નવી પ્રેરણા પણ મળશે. મિશનરી લોકો આજે આફ્રિકામાં અને ઓશિયાનિયામાં જે અણઘડપણે કરે છે, તે જ કામ અહીંના ધર્મસેવકોએ કેટલી કુનેહથી, અહિંસાથી અને માનવજીવન પ્રત્યે આદર રાખીને કર્યું હતું એનો વિચાર પણ આપણને એમાં ઠેર ઠેર મળશે. મને ભાન છે કે હું ઇતિહાસ-સંશોધનની પરિષદમાં બોલતો નથી, પણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે બોલું છું. પણ હું સાહિત્યનું અધ્યયન સાહિત્યનો સાંકડો અર્થ લઈને કરવામાં માનતો નથી. સાહિત્ય જો પ્રજાજીવનનું વાઙ્‌મયીન પ્રતિબિંબ હોય તો સાહિત્યસેવક જીવનોપાસક અને સંસ્કૃતિસંવર્ધક હોવો જ જોઈએ. કોણે કહ્યું કે સાહિત્યસેવામાં કેવળ પલ્લવગ્રાહી પાંડિત્ય જ શોભે? એ ડિલિટૅન્ટિ (dilettante) જ હોવો જોઈએ? હું તો માનું છું કે શબ્દશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર ઉપરાંત જીવનશાસ્ત્ર પણ એના અધ્યયનનો વિષય હોવો જોઈએ. અને જીવનશાસ્ત્રમાં શું શું નથી આવતુ? માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને અધ્યાત્મ એ પ્રસ્થાનત્રયી તો એમાં હોવી જ જોઈએ. હવે અલમ્-દુનિયાના સાહિત્યસેવીઓના પ્રિય વિષય ઉપર આવું. કવિતા, લઘુકથા, નવલકથા અને નાટકોમાં જે વિષય પ્રધાનપણું ભોગવે છે તે છે સ્ત્રીપુરુષનો પરસ્પર પ્રેમ. જીવનની ઉત્પત્તિ જ એ પ્રેમમાંથી છે એ પ્રેમને લીધે જ સ્ત્રીપુરુષનો ચિરંતન સહયોગ શકય બને છે. એ પ્રેમમાંથી જ બધા ઉત્કૃષ્ટ સદ્‌ગુણોનો પરિપાક થાય છે. એ પ્રેમના અરાજકમાંથી જ તમામ વિકૃતિઓ પેદા થાય છે અને જીવન છિન્નભિન્ન અથવા ઝેરી થઈ જાય છે. જૂના અને નવા સાહિત્યકારો એ પ્રેમને પિછાણી, એ પ્રેમનું વિવિધતાભર્યું વર્ણન કરતાં હજી થાક્યા નથી અને કોઈ કાળે થાકશે એમ માનવાનું કારણ નથી. અઢારમી અને ઓગણીસમી સદીના આપણા અંગ્રેજ વિદ્યાગુરુઓએ આપણા શૃંગારિક સાહિત્યને અશ્લીલ કહી અપ્રતિષ્ઠિત કર્યું. આજે એ સ્થિતિ બદલાઈ છે. પશ્ચિમના સમાજધુરીણો અને ન્યાયધીશો પણ દહાડે દહાડે અતિ વાસ્તવવાદી થતા જાય છે. આવી સ્થિતિમાં હવે આપણે આપણું શૃંગાર અને કામવિજ્ઞાન અંગેનું સંસ્કૃત સાહિત્ય એક વાર એકત્ર કરી, એમાંથી નીકળતા જીવનાનુભવો અને જીનવસિદ્ધાંતો સ્વતંત્રપણે તારવી કાઢવા જોઈએ. સ્મૃતિઓમાં આઠ પ્રકારના વિવાહો છે. અનુલોમ અને પ્રતિલોમ વિવાહોનો વિસ્તાર છે. એમાં સંડોવાયેલા કારીગર વર્ણો અને આદિવાસીઓ વિશે પણ એમાંથી જાણવાનું મળે છે. કામશાસ્ત્રમાં તેમ જ વૈદકશાસ્ત્રમાં એ વિષય પરત્વે જે માહિતી મળે છે તે બધી જીવન અને સંસ્કૃતિની દૃષ્ટિએ ગોઠવવી જોઈએ અને તટસ્થભાવે આ બધાનું મૂલ્યાંકન કરવું જોઈએ. કાવ્યશાસ્ત્રમાં અને નાટકશાસ્ત્રમાં સ્વકીયા અને પરકીયાના અનેક પ્રકારો વર્ણવ્યા છે. કેવળ ધર્મશાસ્ત્ર અથવા શિષ્ટાચારની કસોટી ઉપર જ એ બધી વસ્તુઓને કસવાનો જમાનો હવે રહ્યો નથી. પણ ભાવનાશુદ્ધિ, માનસિક આરોગ્ય, સમાજ-સ્વાસ્થ્ય, જીવનવિકાસ અને જીવનસમૃદ્ધિ – એ બધી દૃષ્ટિએ શૃંગારરસ ને કામવિજ્ઞાન બંનેને રીતસર ઠેકાણે પાડવાં જોઈએ. આ કામ જીવનવિમુખ, ચોખલિયા અને સૂતકી લોકોનું નથી એ પહેલેથી જ કબૂલ કરીએ. પણ ખરજવું વધારીને એમાં જ માણનાર વિકૃત રોગીઓ પણ આમાં પ્રમાણ નથી એ પણ આપણે સ્વીકારવું જોઈએ. સ્ત્રીજીવન અને પુરુષજીવન વિષેનો કિન્સી (Kinsey) રિપોર્ટ વાંચ્યા પછી તો આપણી પ્રજાના વાસ્તવવાદી સામાજિક જીવનમાંથી અને કલ્પનામાંથી વિસ્તરેલા સાહિત્યનું ખાસ અધ્યયન જવાબદાર વ્યક્તિઓએ કરવું જોઈએ અને એમાંથી તટસ્થ માનસિક તેમ જ સામાજિક આરોગ્યના નિયમો તારવી કાઢી, ચારે પુરુષાર્થને યથાપ્રમાણ આવકાશ મળે એ રીતે સમાજની દોરવણી કરવી જોઈએ. આમાં પણ શરીરસૌંદર્યનું કે સૌષ્ઠવનું તત્ત્વ અલગ, મનોવિકાસનો વિસ્તાર અલગ, કામવિજ્ઞાન અલગ, પ્રેમજીવનની સુવાસ અને એની વિકૃતિમાંથી ઉત્પન્ન થતા કોયડાઓની મીમાંસા અલગ – એ રીતે ચતુર્વિધ વિભાગમાં આ વિષય જો ખેડયો હોય તો હું માનું છું કે આપણી કવિતા, આપણી નવલકથાઓ અને આપણાં નાટકો – બધાં ક્ષેત્રમાં સમાજને નવો જ ખોરાક મળશે. એ જેટલો ઉત્તેજક હશે તેટલો જ વિચારપ્રેરક પણ હશે. આજની બેજવાબદારીને ઠેકાણે એમાં જીવનચિંતન દાખલ થયેલું હશે. અને પછી જ સાહિત્યકારો આવા નવજીવન નિર્માણમાં પોતાનું સ્થાન લઈ શકશે. ફૉઇડ અને યુંગની મીમાંસા મળ્યા પછી સાહિત્યકારોને કવિતા લખવામાં કે નવલકથાઓ રચવામાં જેમ નવો ખોરાક અને નવી દિશા મળ્યાં છે તેવી જ રીતે આપણા જૂના સંસ્કૃત સાહિત્યમાંથી આપણા જીવનનું જે સ્વતંત્ર આકલન મળે છે તેનું જો, વિજ્ઞાન અને અધ્યાત્મની દૃષ્ટિએ, અધ્યયન થાય તો સ્ત્રીપુરુષસંબંધના સુંદરમાં સુંદર અને વિવિધ ચિત્રો આપણે રજૂ કરી શકીએ. પેલા અમિરકન માયર્સે આપણે ત્યાંના યૌન સંબંધ વિશેના તમામ ઉલ્લેખો બે ભાગમાં એકત્ર કર્યા છે. એમાં પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ – ત્રણેનો ગમે તેટલો વિસ્તાર છે. પશ્ચિમના લોકોનું જીવન, એ લોકોનું જ પરંપરિત અધ્યયન, એ લોકોના ઝપાટાભેર બદલાતા આદર્શો અને એમના નવા નવા ઉકેલો એ બધાના કેવળ અનુયાયી થઈને આપણે ક્યાં સુધી ચલાવીશું? આપણે ત્યાંના જીવનવિસ્તારનો ચિતાર આપણા સંસ્કૃત સાહિત્યમાં ઓછો નથી. પાશ્ચાત્ય લોકોની મીમાંસા જેમ એકાંગી અને અધકચરી છે, તેમ આપણી પણ હશે. પણ આપણો અનુભવ ઓછો ઊંડો નથી. આપણી મીમાંસા છીછરી કે કૃત્રિમ નથી. અને આપણા આદર્શો ઓછા ભવ્ય નથી. જો આપણી પાસે જીવનવિમુખ વૈરાગ્ય છે તો જીવનને બધી રીતે સમૃદ્ધ અને કૃતાર્થ કરનાર અનાસક્તિ પણ છે. જો આપણે ત્યાં વામાચારી તાંત્રિકોની મોહજાળ અને એમાંથી ફેલાયલું દુર્ગંધી નરક હતું, તો એ જ વસ્તુની આખી ભૂમિકા શુદ્ધ કરી, ભુક્તિ અને મુક્તિ-બંનેનો સમન્વય સાધતો દક્ષિણાચારી તંત્રમાર્ગ પણ હતો. શાકત ઉપાસનામાં જે ભૂલો થઈ તે વૈષ્ણવોએ સુધારી અને આખી પ્રજાની રસવૃત્તિ શુદ્ધ દિશાએ વાળી. જ્યારે આપણા સંસ્કૃતિ-ધુરીણોએ જોયું કે કૃષ્ણભક્તિમાં અનાચાર દાખલ થઈ શકે છે, ત્યારે એમણે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રની ઉપાસના આગળ કરી. બીજી બાજુ, રામાયણના બાલબ્રહ્મચારી હનુમાનના શાક્તોએ શા હાલ કર્યા એ પણ આપણે જોયે જ છૂટકો છે. મારે એટલું જ કહેવું છે કે પાશ્ચાત્ય લોકોનો જીવનાનુભવ પ્રમાણ સમજી એમના સાહિત્યમાંથી ઉછીની પ્રેરણા મેળવી આપણે આપણું પ્રેમજીવન ચીતરવાનો પ્રયત્ન ન કરતાં, આપણે ત્યાંના એટલા જ સમૃદ્ધ સાહિત્યનું અધ્યયન કર્યા પછી આપણા પોતાના આદર્શો અને અનુભવો પ્રમાણે એ ક્ષેત્ર આપણે ખેડીએ તો એમાંથી આપણને સંતોષ થાય અને પછી જગતને પણ પ્રેરણા મળે એવું મૌલિક સાહિત્ય નિર્માણ થઈ શકે. સ્ત્રીપુરુષ-સંબંધ, કામવિજ્ઞાન, યૌનવિકાર, ચતુર્વિધ પુરુષાર્થ, ચાર આશ્રમ, સત્ત્વ-રજ-તમ આદિ ગુણોની આખી સૃષ્ટિ, આપણી સ્મૃતિઓ, આપણો આયુર્વેદ, યોગવાસિષ્ઠમાં વિસ્તરેલું યોગશાસ્ત્ર અને અધ્યાત્મ તેમજ ભક્તિમાર્ગ એ બધું એકત્ર કરી હેવલોક એલિસની પેઠે જ્યારે આપણે આ વિષયની સવિસ્તર મીમાંસા કરીશું ત્યારે જગત તો ચકિત થશે જ, પણ આપણે પણ આશ્ચર્યચકિત થઈશું કે આપણે ત્યાં આટલો સમૃદ્ધ વારસો હતો. અને સંભવ છે કે ગાંધીયુગને અંતે આપણે એ વિષયને કેવળ વર્ણનાત્મક બેજવાબદારીની ભૂમિકામાંથી ઉગારી ઐહિક જીવન અને આધ્યાત્મિક આદર્શ – બંનેને પરમ સંતોષ આપે એવી ભૂમિકા ઉપર લઈ જઈ શકીશું. ગુજરાતી ભાષાની શક્તિ વધારવી હોય તો એક તરફ સંસ્કૃત ભાષાનું ધાવણ દરેક લેખકને મળવું જોઈએ અને બીજી બાજુએ ગુજરાતી પ્રજાના કેવળ મધ્યમ વર્ગમાં નહિ – પણ તમામ પ્રજાના મૂળ સાહિત્યમાં એનાં મૂળિયાં પહોંચવાં જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં, મારી દૃષ્ટિએ, પાલિ તેમજ અર્ધમાગધી સાહિત્ય પણ આવી જ જાય છે. પ્રાકૃત ગણાતી પણ સંસ્કૃતની પાછળ પાછળ ખીલેલી તમામ ભાષાઓ સંસ્કૃતની અંદર જ ગણવી જોઈએ, પછી ભલેને એને ‘પ્રાકૃત’ કે ‘અપભ્રષ્ટ’ નામથી પંડિતોએ નવાજી હોય. જેમ સંસ્કૃત સાહિત્ય આજે સહેજે ઉપલબ્ધ છે તેમ સંસ્કૃત પછીનું – સંસ્કૃત કુટુંબનું બીજું સાહિત્ય સહેજે ઉપલબ્ધ નથી, એનું અધ્યયન પણ સંસ્કૃત જેટલું સાર્વત્રિક નથી એટલે અત્યારે એ બધું સાહિત્ય કાંઈક અંશે અજ્ઞાત જેવું રહ્યું છે. એ વિસ્તારમાંથી મહત્ત્વનો અંશ તારવી કાઢી ગુજરાતી ભાષાંતર સાથે પ્રકાશિત કર્યું હોય તો આપણો સાંસ્કૃતિક વારસો સમજવામાં આપણને ઘણી મદદ થશે અને આપણી દૃષ્ટિ પણ વ્યાપક અને વિશાળ થશે. ગુજરાતી ભાષાને એનો પૈતૃક કે માતૃક વારસો બધો ઉપલબ્ધ થાય એ ગુજરાતી પ્રજાનો અધિકાર છે. જૈન અને બૌદ્ધ પરંપરાનો ધાર્મિક અને સામાજિક પુરુષાર્થ આપણી આગળ પૂર્ણપણે પ્રગટ ન હોય તો તે સાંસ્કૃતિક અન્યાય તેમ જ હાડમારી ગણાય. વૈષ્ણવ-સંતસાહિત્ય વેદકાલીન યજ્ઞસંસ્થા, ઉપનિષદકાલીન અધ્યાત્મચર્ચા અને સાધના, પૌરાણિક સમયની ધર્મમીમાંસા, યોગમાર્ગીઓની ખોજ, બૌદ્ધ અને જૈનકાલીન જીવનસુધાર – આમ અનેક પ્રેરણાઓ અને પુરુષાર્થથી પ્રેરાયેલો અને ઘડાયેલો આપણો સમાજ અને શાક્તકાલીન થયેલી એની વિકૃતિ, એ બધાના વારસા સાથે સંતયુગના લોકકલ્યાણકારી પુરુષોએ ભક્તિમૂલક, સંતોષપ્રધાન, નિરભિમાની સંસ્કૃતિનો દેશ આખામાં પ્રચાર કર્યો એ લોકોએ વર્ણાભિમાનની નિંદા કે ઉપેક્ષા કરી. દબાયેલા લોકોને ઉપર ઉઠાવ્યા. દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત – બધાં દર્શનોનો જીવનસાધના દ્વારા સમન્વય કર્યો અને દેશ આખામાં તમામ માનવસ્તરો ઉપર પોતાની સદાચારપરાયણ સંસ્કૃતિની છાપ પાડી. આટલું વિશાળ અને આટલું ઊંડું કાર્ય ભાગ્યે જ કોઈ જમાનામાં થયું હશે. અને આ સંતોની બિરાદરી પણ કેવી? બધા સંતો એકબીજાને માને, બધા જ એકબીજાને પગે લાગે. એમણે સ્ત્રીપુરુષ વચ્ચેનો ભેદ મટાડ્યો. નવાં મૂલ્યો સાર્વભૌમ કર્યાં અને એક રીતે, ભારતભરમાં સર્વ-ધર્મ-સમભાવ માટેની તૈયારી કરી. એક વૈષ્ણવે મારી આગળ નિખાલસપણે કહ્યું હતું કે હું હિંદુ છું કે નહિ એ મને ખબર નથી. પણ હું વૈષ્ણવ છું અને દુનિયાના એકેએક ધર્મના વૈષ્ણવ સાથે મારો પારિવારિક સંબંધ છે. જાતિભેદ તો શું, ધર્મભેદ પણ મારી વૈષ્ણવ નિષ્ઠામાં ટકતો નથી. અને આ સંતોનું સાહિત્ય પણ કેવું? હળ ચલાવનાર ખેડૂત, કોસ ચલાવનાર કોશિયો, બળદગાડું હાંકનાર ગાડીવાળો, ઘાણી ચલાવનાર ઘાંચી, ઘાટ ઘડનાર કુંભાર, સાળ પર બેસી કાપડ વણનાર વણકર, કપડાં ધોઈ આપનાર ધોબી અને પોઠ લઈને આવજા કરનાર વણજારા – બધાને મોઢે આ સંતસાહિત્ય પહોંચેલું છે. ભગવાન વ્યાસે ભલે હિંદુ ધર્મને સાર્વભૌમ બનાવ્યો, પણ આખી પ્રજાનું ચારિત્ર્ય ઘડવાનું સર્વ-સમન્વયકારી સાંસ્કૃતિક કામ તો આ સંતસાહિત્યે જ કર્યું છે. આપણી પંચરંગી પ્રજાનો એક વર્ગ આ સંતસાહિત્યમાં તરબોળ થયા વગર રહ્યો નથી. સદાચારનો જીવતો પ્રચાર કરનાર આના કરતાં મોટી શાંતિસેના દુનિયાએ દીઠી નથી. રાજદ્વારી વિપ્લવ અને ઉપપ્લવ સામે ટકવાની શક્તિ ભારતીય જનતાને સંતસાહિત્યે જ આપી છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ગમે તે પ્રદેશમાં જાઓ અને ગમે તે ભાષામાં તપાસ કરો, સંતસાહિત્ય એક જ રૂપમાં અને એક જ શૈલીમાં સાંભળવાને મળશે. ત્યારે આવા મહાન સાંસ્કૃતિક અને સાહિત્યિક પુરુષાર્થના વારસ આપણે આજની દુનિયાની માનવસેવી સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રેરક અને વાહક સાહિત્ય ક્યારે તૈયાર કરીશું? નાનક જેવા સંતોએ ભારત બહાર મુસાફરી કરી હતી ખરી, પણ સામાન્યપણે આપણા સંતોને ભારત બહારનો વિચાર કરવાની જરૂર જણાઈ ન હતી. આજે તેમ રહ્યે નહિ પોસાય. આપણ સંબંધ દુનિયાના બધા દેશો સાથે બંધાઈ ચૂક્યો છે. આપણાં સંસ્કૃતિધુરીણોને કારણે, અને રાજદ્વારી નેતાઓને કારણે પણ આખું દુનિયાનું કુતૂહલ ભારત ઉપર કેન્દ્રિત થયું છે. ગાંધીજીના દેશબાંધવો, શ્રી અરવિંદના સમકાલીનો, રવીન્દ્રના કાવ્યમાં રાચનારા લોકો, દુનિયાની સેવા માટે કેવો પુરુષાર્થ આદરે છે અને કેવું સાહિત્ય પેદા કરે છે એ જોવાની ઉત્કંઠા બધે દેખાય છે. આપણા મધ્યકાલીન સંતોના જમાના કરતાં આજના જમાનાની ભૂખ વધારે છે. અને ગાંધીજીએ આપણને જીવનસમૃદ્ધિના નવા આદર્શો સૂચવ્યા છે. તેથી હવે પછીનું આપણું સાહિત્ય પ્રાચીન કાળનો કેવળ પડઘો બને તો તે નહિ પોસાય. પારકાની અનુભૂતિનો પ્રતિધ્વનિ કાઢ્યે પણ કોઈને સંતોષ નહિ મળે અને ભૂતકાળના રાગદ્વેષો અને સનાતની રૂઢિની સંકુચિતતાનો લવલેશ પણ આપણા જીવનમાં રહેવા દઈશું તો દુનિયાની અપેક્ષાની કસોટીએ આપણે હીણા નીવડીશું. જૂના વખતનું દાર્શનિક અદ્વૈત હવે આપણને હાર્દિક અદ્વૈત કેળવવાને પ્રેરે છે. બધાં રાષ્ટ્રોના લોકો આપણા પોતીકા જ છે, બધા વંશના લોકો એક જ પરિવારના છે. દરેક અણઘડ અને માનવદ્રોહી પ્રજાનું પાપ આપણું જ પાપ છે, એ જાતનું નવું અદ્વૈત આપણા સાહિત્યમાં દેખાવું જોઈએ આને માટે ઇતિહાસવિધાતા આપણી આકરી કસોટી કરી રહ્યાં છે કે જેથી આપણી વાણીમાં કશી કૃત્રિમતા કે કશું પોલાણ ન રહે અને લોકોની અશ્રદ્ધા ન જાગી ઊઠે. પ્રવાસનાં સાધનો આજના જેટલાં સુલભ ન હતાં ત્યારે પણ આપણી પ્રજાએ દેશદેશાંતર જઈ માનવજીવનની વ્યાપકતા અનુભવી હતી અને જીવનનાં સાર્વભૌમ અનુભવો સાહિત્ય દ્વારા તારવ્યા હતા. છતાં આપણા સાહિત્યમાં મુસાફરીનો અનુભવ અને મુસાફરીનો આનંદ વર્ણવેલો બહુ ઓછો મળે છે. હવે આપણે એ તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. દરિયાઈ સાહિત્ય કરાંચીના સાહિત્ય સંમેલન વખતે સાહિત્યના જે એક ઉપેક્ષિત ક્ષેત્રનો મેં સહેજ ઇશારો કર્યો હતો તેનું જ અહીં જરા સ્મરણ કરું. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત પાસે સુદીર્ઘ સમુદ્રકિનારો છે. એ દરિયો ખેડી આપણા લોકો દૂરદૂર સુધી ગયા છે. કઠણ પ્રસંગે વહાણનો સઢ ફેલાવી, એમાં ભેગું થતું વરસાદનું પાણી પીને લોકોએ સમુદ્રમાં પોતાના પ્રાણ બચાવ્યા છે, પણ પરદેશ જવાનું છોડ્યું નથી. કચ્છી લોકો તો દરિયાઈ સાહસ ખેડવા માટે પંકાયેલા છે. સૌરાષ્ટ્રના લોકો પણ દૂર દૂર સુધી ગયા છે. હું જ્યારે મુંબઈથી મોમ્બાસા ગયો ત્યારે એ જહાજના બધા ખલાસીઓ સુરત-નવસારી તરફના અને કરાડી-મટવાડ તરફના હતા. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની તો ગુજરાતીઓના જ હાથમાં છે. ત્યારે ગુજરાતી સાહિત્યમાં દરિયાઈ જીવન રજૂ કરતી ચોપડીઓ અને કવિતાઓ કેમ પૂરતા પ્રમાણમાં નથી? હું માનું છું કે જાતિભેદને કારણે આપણું જીવન એટલું ખંડિત થયું છે કે દરિયો ખેડનાર લોકોના જીવન સાથે સાહિત્ય ખેડનાર લોકોનું જીવન કોઈ કાળે એકરૂપ થયું નથી. ખલાસીઓનાં લોકગીતો કઈ કઈ ભાષામાં નથી? મરાઠીનાં, કોંકણીનાં અને બંગાળીનાં દરિયાઈ ગીતો તો મેં સાંભળ્યાં જ છે. પણ મધ્યમવર્ગના લોકોને એ ગીતો પોતાનાં જેવાં લાગતાં નથી. આપણા રાસોમાં મોર ટહુકે, ચાંદો આકાશની મુસાફરી કરે, સરવરની પાળે મિલનો થાય પણ સમુદ્રનાં મોજાં સાથે ઊછળતાં હૈયાંના રાસો ગુજરાતીમાં રચાયા હોય તો મેં હજી જોયા નથી. બહુ બહુ તો વિદેશ ગયેલા પતિને યાદ કરતી વિરહિણીનાં ગીતો મળી શકશે, પણ એની વાત હું નથી કરતો. દરિયો ખેડનાર પ્રજાની સમુદ્ર સાથેની દોસ્તીનાં ગીતો અને એની કથાઓ આપણને જોઈએ છે. આવી વસ્તુઓ આપણાં પાઠ્યપુસ્તકોમાં પણ આવવી જોઈએ, જેથી આપણાં બાળકોમાં નાનપણથી જ દરિયાઈ મુસાફરીનો થનગનાટ જાગે. યુરોપના લોકોએ રૉબિન્સન ક્રૂઝો, સ્વિસ ફૅમિલી રૉબિન્સન કે પૉલ ઍન્ડ વર્જિનિયા જેવી કથાઓ લખીને દરિયો ખેડવાની પ્રેરણા પરિપુષ્ટ કરી અને સિંદબાદની મુસાફરીઓ ઝાંખી પાડી. આપણે ત્યાં સાહિત્યકારોએ એવું જીવન જીવી જોયું નથી. એટલે – સંસ્કૃતમાં શું અને દેશી ભાષાઓમાં શું – જીવતું દરિયાઈ સાહિત્ય જોવાને મળતું નથી. પરદેશના વસવાટ અંગેનું સાહિત્ય જુદું અને તોફાની મોજાંઓ સાથે દોસ્તી બાંધનાર દરિયાઈ સાહિત્ય જુદું. બંનેનો વિકાસ આપણે ત્યાં થવો જોઈએ, પણ આપણી દરિયાઈ, ખલાસી પ્રજા દરિયા સાથે છૂટાછેડા કર્યા પછી જ કેળવણી લે છે. અથવા કેળવાયા પહેલાં જ દરિયાઈ જીવન પ્રત્યે અણગમો મેળવે છે. એટલે સાહિત્યનું આ ક્ષેત્ર અણખેડાયેલું જ રહ્યું છે. જાતિભેદને કારણે આપણા સાહિત્યનું પણ પારાવાર નુકસાન થયું છે. આવડો મોટો, મહાભારત જેવો રાષ્ટ્રીય ગ્રંથ, પણ એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય ઉપરાંતની પ્રજા દેખા દેતી જ નથી એમ કહીએ તો એની સામે વાંધો ન ઉઠાવી શકાય. પરદેશમાં વસવાટ આપણે ભૂલવું ન જોઈએ કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની પ્રજાએ પ્રાચીન કાળથી અર્ણવોનું આમંત્રણ સ્વીકાર્યું છે. ભારતનો પશ્ચિમ કિનારો ફરી વળ્યા પછી આપણી પ્રજાએ લંકા અને જાવા સુધીના દેશોનો પરિચય મેળવ્યો છે અને તે તે દેશની પ્રજા સાથે ભળી જઈ પોતાના પુરુષાર્થ માટે નવો અવકાશ મેળવ્યો છે. આ બાજુ મકરાણ, મસ્કત, એડન, હબસાણ, ઝાંઝીબાર, પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, મોઝાંબિક, માડાગાસ્કર, સીશલ અને મોરિશિયસ વગેરે પ્રદેશોમાં આપણા લોકો જઈને વસ્યા છે. એમાં જેટલા હિંદુઓ છે તેટલા જ લગભગ મુસલમાનો પણ છે. ધર્મભેદથી પ્રજાભેદ થાય છે એવું તેઓ અત્યાર સુધી માનતા ન હતા. પણ સૌરાષ્ટ્રના એક ગુજરાતી મુસલમાને એમના મનમાં બુદ્ધિભેદ આણ્યો અને એની માઠી અસર બંને બાજુના લોકો અનુભવે છે. પણ વ્યાપક જીવન અને ઊંડો સ્વાર્થ આવા ભેદને માટે અનુકૂળ નથી. એટલે બધી રીતે બગાડ કર્યા પછી આપણી એ આખી પ્રજા એકત્ર થવાની જ. રાજદ્વારી નહિ પણ હૃદયની અને જીવની એકતાની વાત હું કરું છું. નેપાળ ક્યાં નોખું સ્વતંત્ર રાજ્ય નથી? પણ તેથી નેપાળી લોકનું અને આપણું જીવન અથડામણોથી ઘવાયું નથી. જ્યાં સુધી બહાર જઈને વસેલા હિંદુ-મુસલમાનો ગુજરાતી ભાષા બોલશે ત્યાં સુધી આપણે બધા એક જ છીએ, અને એકત્ર રહેવાના. એ બધા લોકો ગુજરાતી સાહિત્ય વાંચે છે. પોતાની નિશાળોમાં ગુજરાતી પાઠ્યપુસ્તકો ચલાવે છે. એમનું જીવન આપણે ભૂલી જઈએ અથવા એની ઉપેક્ષા કરીએ તો એમાં માતૃભાષાનો દ્રોહ થશે. તે તે દેશનાં વર્ણનો, ત્યાંના લોકો સાથે આપણા લોકોએ કરેલ સહકાર અને જીવનયાત્રામાં મેળવેલી સફળતા એ બધા વિશે આપણે જાણવું જોઈએ, લખવું જોઈએ અને તે તે દેશમાં વસેલા ગુજરાતી લેખકોને પ્રોત્સાહન આપવું જોઈએ. તે તે દેશના સવાલોનું અધ્યયન જો આપણે બરાબર કરીએ તો ગુજરાતી સાહિત્યમાં એક અત્યંત કીમતી વિભાગ ખૂલશે અને એમાંથી પરદેશમાં જઈને વસવાટ કરવાના આપણા સ્વભાવને પ્રોત્સાહન મળશે. મને ખબર છે કે પરદેશના લોકો, ખાસ કરીને ગોરાઓ આપણા વિદેશી વસવાટ સામે મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. પણ ઘણીખરી મુશ્કેલીઓ પહોંચી વળવા માટે જ હોય છે, એટલું જીવન-તત્ત્વજ્ઞાન કોણ નથી જાણતું? મજૂરોને અને નાના નાના વેપારીઓને પરદેશમાં જવાની મનાઈ છે એ ખરું, પણ શિક્ષકોને, ડૉક્ટરોને, ધર્મોપદેશકોને અને સંસ્કૃતિના પ્રચારકોને આ બધા દેશોમાં જવાની અને ત્યાં વરસ-બે-વરસ ગાળવાની છૂટ જરૂર મળી શકે છે. અને જો આપણામાં સંકુચિતતા ન હોય, તે તે પ્રજાની શુદ્ધ મહત્ત્વાકાંક્ષા સાથે આપણો સાચો સમભાવ હોય, તો આપણે એ દેશોમાં ફાવવાના અને આપણી સેવાશક્તિ વધારવાના. આ જાતની પ્રેરણા આપનારું અને એ જાતનું માનસ કેળવનારું સાહિત્ય આપણે તૈયાર કર્યું છે? આ બધું જો આપણે ન કરી શક્યા તો આપણા પગ તે તે દેશમાં ટકવાના નથી. ત્યાંના લોકો આપણને ખાઈ જાય તો મારો જરાયે વાંધો નથી. પણ આપણો લોકસ્વભાવ એમાં આડે આવવાનો અને આપણા લોકો ખસીને પાછા આવવાના. એ હાર ટાળવા માટે આપણે ગુજરાતી ભાષાનું ધાવણ એમને અવશ્ય પહોંચાડવું જોઈએ. આ પ્રવૃત્તિ કુશળ લોકોના હાથમાં સ્વાશ્રયી થવાની. આનો પ્રારંભ તે તે દેશનાં ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક વર્ણનોથી થવો જોઈએ. પરદેશમાં જઈ અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિમાં, લગભગ હડધૂત દશામાં પણ ટકવાની જે શક્તિ આપણા લોકોએ બતાવી છે અને ખાસ કરીને આપણી સ્ત્રીઓએ એમાં જે હિંમત બતાવી છે, તેને માટે કોઈ પણ પ્રજા મગરૂર થઈ શકે છે. એ વીરગાથા ગાવા માટે જોઈતી વિભૂતિ-પૂજા અને સમાજશાસ્ત્રની વ્યાપક દૃષ્ટિ આપણા સાહિત્યકારોએ હજી કેળવી નથી એ જ દુર્દૈવની વાત છે. પોર્ટુગીઝ ખલાસીઓએ અને ચાંચિયાઓએ એક વખત જે દરિયો ખેડ્યો, એનાં મહાકાવ્યો લખાયાં છે અને એ પૂર્વજોની કીર્તિ ઉપર આજના પોર્ટુગીઝ લોકો પોતાની આત્મશ્રદ્ધા ટકાવવાનો પ્રયત્ન કરે છે. આપણે જો દૃષ્ટિ કેળવીએ તો આ ક્ષેત્રનું સાચા અર્થમાં ઉન્નત અને પોષક સાહિત્ય તૈયાર કરતાં જરાયે મુશ્કેલી નડવાની નથી. સ્વભાવે પ્રવાસી હોઈ મેં એ ક્ષેત્રની જ વાત સૌથી પહેલી કરી. પણ સાહિત્ય પરિષદે તો પ્રધાનપણે વાઙ્‌મયમાત્રની નહિ પણ શુદ્ધ સાહિત્યની જ ચર્ચા કરવાની હોય છે. જીવન સાથે સીધો સંબંધ ધરાવતું શુદ્ધ સાહિત્ય સાહિત્ય વિશે એક આદર્શ અથવા ખ્યાલ મારા મનમાં છે તે અહીં કહી દઉં તો અસ્થાને ન ગણાય. સાહિત્ય એ જીવનની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે એટલે જીવન સાથે સીધો અને ઉત્કટ સંબંધ ધરાવતાં બધાં શાસ્ત્રો પણ સાહિત્યમાં આવી જાય છે. આમ અધ્યાત્મવિદ્યા, ધર્મશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, આરોગ્ય, કામવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, સૃષ્ટિવર્ણન, પ્રવાસ – બધું જ સાહિત્યમાં આવી જાય છે. આ વિષય પરત્વે જેટલા નિબંધો, પ્રકરણો, શાસ્ત્રીય વિવેચનો અને પાઠ્યપુસ્તકો લખાયાં છે તે બધાં જ સાહિત્યમાં આવી જાય છે. અને છતાં આમાંથી તે તે વિષયને વરેલા તાત્ત્વિક કે શાસ્ત્રીય ગ્રંથોને આપણે સાહિત્યમાં ગણતા નથી. સાહિત્યની ચર્ચા કરતી વખતે એ બધા તાત્ત્વિક ગ્રંથોનો વિચાર સરખો આપણા મનમાં આવતો નથી. ત્યારે કેવળ સાહિત્ય શુદ્ધ સાહિત્ય અથવા નર્યું સાહિત્ય કોને કહેવાય? હું માનું છું કે કેવળ સાહિત્ય આ બધા વિષયોને અંગે જ બોલે છે ખરું, પણ એ શાસ્ત્રનો ભાર વહન કરીને બોલતું નથી. કેવળ સાહિત્યનો સંબંધ જીવન સાથે સીધો હોય છે. જીવન અંગેના વિચારો, અનુભવો, વહેમો અને એ બધાની ઉપપત્તિ જેવી મનમાં સ્ફુરે, તેવી રજૂ કરવી એ શુદ્ધ સાહિત્યનું કામ છે. ઉચ્ચ સંસ્કારિતા અને ઉચ્ચ અભિરુચિ અને ભાવનાની અભિવ્યક્તિની ઉત્કટતા, એટલી વસ્તુની દોરવણી શુદ્ધ સાહિત્ય સ્વીકારે છે. પણ શાસ્ત્રીય ચર્ચા, વૈજ્ઞાનિક વિશ્લેષણ અને કોઈ વિશિષ્ટ વાદની જોહુકમી શુદ્ધ સાહિત્ય સ્વીકારતું નથી. મારે શી રીતે જીવવું એને વિશે ધર્માચાર્યો અને કાનૂન-કોવિદો, ડૉક્ટરો અને વૈદ્યો અને રાજકીય પક્ષના નેતાઓ અને સલાહ ભલે આપે. તેઓ પોતપોતાના વિષયના તદ્‌વિદો હોય છે, એ વિશે પણ શંકા નથી. એમના પ્રમાણમાં મારું જ્ઞાન, મારો અનુભવ અને વિચારશક્તિ ભલે અલ્પ હોય, છતાં મારું જીવન મારે જ જીવવાનું છે, મારા નિર્ણયો મારે જ કરવાના છે. રાજાને સલાહકાર ભલે ગમે તેટલા હોય, પણ રાજા જો રાજ્ય ચલાવે, તો તે પોતાના નિર્ણય પ્રમાણે જ. એવી જ રીતે જેમનો મુખ્ય રસ તત્ત્વશોધનનો નથી, આદર્શ નિર્ણયનો નથી, પણ જેમણે જીવન જીવવાનો સંતોષ મેળવવો છે તેઓ જે રીતે કાચો કે પાકો, એકાંગી કે સર્વાંગી વિચાર કરે છે, ભાવનાઓ વ્યક્ત કરે છે, એકબીજાને પ્રેરે છે અથવા પોતાની સાથે જ વિચારવિનિમય કરે છે (જેમ કે વાસરીમા લખાતું લખાણ), તે બધું શુદ્ધ સાહિત્યમાં આવી જાય છે. સત્યનિષ્ઠા, તત્ત્વનિષ્ઠા, જ્ઞાનોપાસના એ બધી વસ્તુઓ ઉત્તમ છે. એમને ચરણે જીવન અર્પણ કરી શકાય. પણ શુદ્ધ સાહિત્ય પોતાની જીવનનિષ્ઠા આગળ, ઉપરની બધી ચરમ કોટિની જીવનનિષ્ઠાઓને પણ ગૌણ ગણે છે. પોતાનું જીવન પોતાની ઢબે જીવવા માગનાર વ્યક્તિ ડૉક્ટરને, ધર્માચાર્યને, પક્ષનાયકને અને હિતચિંતકોને કહી દેશે- “તમારી દૃષ્ટિએ અને કો’ક કો’ક વાર મારી પોતાની દૃષ્ટિએ પણ, હું ભૂલ કરતો હોઉં તો મારે એનો વાંધો નથી. મારે મારી ઢબે, મારા સંતોષ ખાતર જીવવું છે. અને મુખ્ય વસ્તુ એ કે મારા જીવનની લગામ મારે મારા પોતાના હાથમાં જ રાખવી છે. મારું કારખાનું કોઈ વિશ્વાસપાત્ર તદ્‌વિદને હું સોંપી શકું, મારાં નાણાંની વ્યવસ્થા પણ એવા જ કોઈને સોંપી શકું – અરે, મારું રાજ્ય પણ કોઈ સારા દીવાનને સોંપી શકું, પણ મારું જીવન તો મારા પોતાના હાથમાં જ રહેશે.” પોતાનું સર્વસ્વ ભગવાનને ચરણે અર્પણ કરનાર ભક્તે પણ ભગવાનને કહ્યું કે- “હે મારા હૃદયસ્વામી! મારું સર્વસ્વ તારે ચરણે અર્પણ કરી શકું એટલી સ્વતંત્રતા, એટલું વ્યક્તિત્વ અને એટલો અધિકાર હું મારી પાસે રાખવાનો જ.” આ જે અંતિમ આત્મનિષ્ઠા છે, આત્મનિર્ભરતા છે એ જ હોય છે શુદ્ધ સાહિત્યનું પ્રધાન લક્ષણ. તેથી એમાં અમુક જાતનું બંડખોરપણું, અમુક જાતની પ્રયોગપરાયણતા, એટલું જ નહિ પણ અમુક જાતની બેપરવાઈ અને બેજવાબદારી પણ હોઈ શકે છે. શુદ્ધ સાહિત્યમાં જીવનપરાયણતા જ મુખ્ય હોય છે અને તેથી જ એક જાતનું બંડખોરપણું અને પ્રયોગપરાયણતા વગર અથવા કાંઈ નહિ તો અનૌપચારિક સ્વાભાવિકતા વગર સાહિત્યનો સર્વોચ્ચ આનંદ આપણને મળવાનો નથી. આટલું કહ્યા પછી ઉમેરવું જ પડે છે કે જીવનનું ગાંભીર્ય, જીવનની માંગલિકતા, વિશ્વકલ્યાણની મહેચ્છા અને સેવાને અર્થે આત્માર્પણ કરવાની તૈયારી, આ જાતનાં તત્ત્વો જીવનનિષ્ઠા સાથે વણેલાં ન હોય તો પેલી જીવનપરાયણતા જીવનપરાયણતા મટી જીવનદ્રોહ બને છે. કોઈ માણસ કહે કે ‘હું મારા જીવનનો માલિક છું માટે એને હું એક ઘેલછામાં વેડફી નાખવા માગું છું, તો એ એના જેવું જ થશે કે કોઈ માણસ ઘરનો માલિક છે એ વાતનો અનુભવ કરવા ખાતર પોતાનું ઘર બાળવા તૈયાર થઈ જાય! પ્રયોગશાળામાં જાતજાતના પ્રયોગો કરવા માટે દરેક જાતની પૂરી સ્વતંત્રતા વિજ્ઞાનવેત્તાઓને અપાય છે. પણ તેટલા માટે સુરંગથી પ્રયોગશાળા જ ઉડાવી દેવાની સ્વતંત્રતા એમને ન હોય. એટલે જીવનનિષ્ઠામાં જે જે મંગલ તત્ત્વો આવી જાય છે તે બધાંનો સ્વીકાર કરીને જ નવું નવું અજમાવવાની પ્રયોગપરાયણતા અને ભૂતકાળનાં બંધનો વિશેનો અમર્ષ, શુદ્ધ સાહિત્યમાં જડવાં જોઈએ. શુદ્ધ સાહિત્ય આ રીતે જીવનનિષ્ઠા અને ઉચ્ચ અભિરુચિની મર્યાદા સ્વીકારશે પણ બંધિયાર હવામાં જીવવાની ના જ પાડશે. આવો આ આદર્શ તત્ત્વતઃ સર્વમાન્ય થશે. પણ વિગતોમાં અનેક પ્રકારના મતભેદોને અવકાશ હશે જ. અમુક જાતનું સાહિત્ય એક જણ અથવા એક જમાનો પસંદ કરશે અને બીજો એને વખોડશે. શું યોગ્ય ગણાય અને શું અયોગ્ય, એની ચર્ચા માણસ અખંડ ચલાવવાનો જ. અને તેથી જ સરકારનો કે કાનૂનનો અંકુશ સાહિત્ય પર રાખવાને બદલે માનવહિતચિંતક લોકસેવકોના અને નેતાઓના અભિપ્રાયોનો અંકુશ જ પસંદ કરવો જોઈએ. કાનૂન આવ્યો એટલે સમાજના નેતાઓ પોતાની જવાબદારી છોડી દે છે. જ્યારે સમાજના નેતાઓ – જીવનનિષ્ઠ નેતાઓ નિર્ભયપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે ત્યારે કાનૂનનો આશરો શોધવાનું મન કોઈને થતું નથી. સમાજનું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી જેમ ધર્માચાર્યોની, સમાજનેતાઓની અને અધ્યાપકોની છે, તેમ જ, પણ બીજ રીતે ‘શુદ્ધ સાહિત્યકારોની પણ છે. એ જેટલી સૂક્ષ્મ છે તેટલી જ વ્યાપક છે અને જ્યાં બીજા લોકો હારી જાય છે ત્યાં સાહિત્યકારો સમાજને બચાવી શકે છે, ચડાવી શકે છે, દોરી શકે છે એને એથીયે મહત્ત્વનું-આશ્વાસન આપી શકે છે. જ્યારે આવા સાહિત્યકારો જ ભાન ભૂલી જાય છે, પોતે છીછરા અને ઉચ્છૃંખલ બને છે, ત્યારે સાહિત્ય સડવા માંડે છે અને પોતાની સેવાશક્તિ ખોઈ બેસે છે. પરિણામે લોકોની અભિરુચિ કૃત્રિમ, વિકૃત અને રોગગ્રસ્ત થાય છે. નીરોગી સાહિત્ય, પ્રસન્ન સાહિત્ય, નિર્ભય અને આત્મનિષ્ઠ સાહિત્ય સમાજ માટે આશીર્વાદરૂપ છે. એને વિશે જ ભવભૂતિએ કહ્યું હતુઃ कामान् दुग्धे विप्रकर्षत्यलक्ष्मीम् कीर्ति सूते दुष्कृतं या हिनस्ति। નવલકથા – કાલ્પનિક કથાનકો સંસ્કૃત સાહિત્યમીમાંસામાં કાવ્યને અને લલિત સાહિત્યને ‘વક્રોક્તિ’ કહ્યું છે. પોતાને જે કહેવું હોય તે સાદીસીધી રીતે ન કહેતાં સુંદર ઢબે, આડકતરી રીતે કહેવું એનું નામ વક્રોક્તિ. રાજપુત્રોને રાજનીતિશાસ્ત્ર શીખવવા માટે વાંદરા, કૂતરા, સિંહ અને શિયાળની વાર્તા મારફતે બધું કહેવું એ વક્રોક્તિનું સરસમાં સરસ ઉદાહરણ છે. આજે વક્રોક્તિએ નવલકથા અને લઘુકથાનું રૂપ ધારણ કર્યું છે. છેલ્લાં સો-બસો વરસમાં સાહિત્યના આ પ્રકારની ઉપાસના અને એની શક્તિ-બંને ખૂબ વધ્યાં છે. એ શક્તિ પારખીને એનો પૂરતો લાભ ઉઠાવવાની તૈયારી બધા જ સમર્થ સાહિત્યકારો બતાવે છે. પણ એ શક્તિ હજી દુર્દાન્ત જ છે. એ શક્તિનો વધુમાં વધુ ઉપયોગ થાય અને દુરપયોગ ન થાય એને માટે માણસજાતે હજી પૂરતું ચિંતન કર્યું નથી. અને આ સાહિત્યપ્રકાર એવો છે કે જો યુવાન માણસ એનાથી પ્રારંભ કરે અને ફક્ત એનું જ અખંડ સેવન કરે તો જીવન ઉપર એની માઠી અસર થવાનો ઘણો સંભવ રહે છે. એટલે જ મેં એક વિદ્યાર્થીને લખ્યુ હતું કે આખો વખત માત્ર આવું કાલ્પનિક સહિત્ય વાંચ્યા કરશો તો તમારું જીવન જ એક કલ્પિત કથા થશે. (If you give all your time to the reading of fiction and fiction alone, your life itself will become a fiction.) હું માનું છું કે ગદ્યના ક્ષેત્રમાં આડકતરી સેવા કરવાનું કામ નવલકથાનું છે, અને સીધી સેવા કરવાનું કામ નિબંધનું છે. હું આ બીજા પ્રકારનો પ્રતિનિધિ છું. એટલે જ કાલ્પનિક સાહિત્ય વિશે કાંઈ પણ કહેતાં સંકોચ અનુભવું છું. અને જ્યારે જોઉં છું કે નવલકથાકારો (અને કો’ક કો’ક વાર નાટકકારો પણ) પાત્રોનાં સંભાષણમાં અને પોતાનાં વર્ણનોમાં અવારનવાર નાના કે મોટા ખાસા નિબંધો દાખલ કરે છે ત્યારે મને પક્ષપાતી આનંદ થાય છે. પણ નવલકથાની શક્તિ હું ઓળખું છું. એ પ્રકારનો પ્રશંસક પણ છું. અને તેથી જ એ પ્રકાર સુધરી જાય, માદક પેયનું કામ ન કરતાં સુધારસનું કામ કરતો થાય, એમ ઇચ્છું છું. કેટલાક લોકો બીક બતાવે છે કે નવલકથાનો ખોરાક વધી ગયા પછી લોકો બીજું કશું વાંચતા જ નથી, સારાનરસાનો વિવેક કરવાની શક્તિ જનતા ખોઈ બેસે છે. અને શરાબી માણસ પાસેથી ધૂર્ત લોકો જેમ ગમે તે કામ કરાવી શકે છે, તેમ નવલકથાના રસિયાઓને લોકનેતાઓ (demagogues) ગમે તેમ દોરી શકે છે. હું નથી માનતો કે આજે સ્થિતિ એટલી બધી બગડી છે અથવા નવલકથાને જ કારણે લોકોનાં ભેજાં નબળાં પડ્યાં છે. અને છતાં ચેતવણી આપનાર લોકોની કદર તો આપણે કરવી જ જોઈએ. કાવ્ય અને નાટક ગમે તે જમાનાનો વિચાર કરો અથવા ગમે તે દેશનો, સાહિત્યનો પ્રાણ મુખ્ત્યવે એની કવિતામાં જ વસે છે. છાપાં, નવલકથા અને જાહેરચર્ચાનો જમાનો ગદ્યનો જ જમાનો છે એની ના નથી. અને આદર્શ નિબંધોમાં ગદ્ય અને કાવ્યનો સમન્વય પણ કરી શકાય. લલિતગદ્ય ગમે ત્યારે પદ્યનું સ્થાન લઈ શકે છે, છતાં સાહિત્યની સુવાસ તો છંદ, લય અને ગેયતામાં જ વધુમાં વધુ પ્રગટ થાય છે. તાલબદ્ધતામાં જે તૃપ્તિ છે અને બૌદ્ધિક થાક ઉતારવાની શક્તિ છે તેનો વિચાર કરતાં, એ ગુણોવાળું સાહિત્ય જ અજરામર રહેવાનું છે એ વિશે શંકા રહેતી નથી. ભાટચારણોની તેમ જ ભક્ત ઉપાસકોની સગવડ ખાતર એક જમાનામાં છંદોબદ્ધ સાહિત્યની રચના થતી હતી, એ બાહ્ય પ્રયોજન હવે પહેલાંના જેટલું મહત્ત્વનું રહ્યું નથી. સમાજસેવકો જ્યારે જોશે કે નિશાળો અને છાપાંઓ મારફતે પ્રજાજીવનની પૂરેપૂરી સંસ્કારિતા સધાતી નથી, ત્યારે છંદોબદ્ધ સાહિત્ય અને તે સંભળાવવાની જૂની પ્રવૃત્તિ ફરી સજીવન થશે. અને પ્રવૃત્તિ કેવળ ધાર્મિક સાહિત્ય કે લોકસાહિત્ય સુધી મર્યાદિત ન રહેતાં, ઇતિહાસ, દેશવર્ણન, પ્રવાસવર્ણન, કથાઓ અને સમાજશાસ્ત્રીય ચર્ચાઓ સુધી પોતાનું ક્ષેત્ર ફેલાવશે. જૂના જમાનામાં તમામ સાહિત્યને છંદોબદ્ધ કરતા. આંક, પાડા અને પલાખાંથી માંડીને શબ્દકોશ સુધીનું બધું જ સાહિત્ય છંદોબદ્ધ થતું. વૈદક અને જ્યોતિષ, સ્થાપત્ય અને સંગીત – બધાંના શાસ્ત્રગ્રંથો છંદોબદ્ધ કરવામાં આવતાં. હવે એ આવશ્યકતા રહી નથી. છાપવાની કળા, પુસ્તકાલયોથી પ્રવૃત્તિ અને નિયતકાલિક સાહિત્ય – આ ત્રણ સાધનોની મદદમાં ગ્રામોફોન અને રેડિયો પણ આવ્યાં છે, એટલે કાવ્યમય પ્રબંધોની આવશ્યકતા પહેલાં જેવી રહી નથી. છતાં ભાવનાનો ઉત્કર્ષ તો કવિતા દ્વારા જ ચરમ કોટિએ પહોંચી શકે છે, અને ભાવના અને ચિંતનનો અર્ક તો કવિતામાં જ સંઘરી શકાય છે. જેમ જેમ જમાનો સુધરતો જશે તેમ તેમ કાવ્યનું ક્ષેત્ર અને કાવ્યની પ્રવૃત્તિ ઓછાં થશે, એમ એક વખતે મનાતું. હવે એ બીક સેવાતી નથી. જીવનનું ક્ષેત્ર જેમ જેમ વધુ ખેડાય છે, તેમ તેમ કાવ્યને નવા નવા વિષયો જડવા લાગ્યા છે. અને ભાવના સાગરનું જેમ જેમ નવેસર મંથન થાય છે, તેમ તેમ નવાં નવાં કાવ્યતત્ત્વોનો આવિષ્કાર થતો જાય છે. કેવળ છંદો-વ્યાયામ કરતાં આવડ્યો અને રૂઢ કવિકલ્પનાઓમાંથી નવી નવી ચમત્કૃતિ સર્જતાં આવડી એટલે કવિકર્મ કૃતાર્થ થયું એમ માનવાના દિવસો હવે રહ્યા નથી. આજનો કવિ અધ્યયન અને ચિંતનમાં સંસ્કૃતિની ટોચે પહોંચેલો હોવો જોઈએ. એક તરફ પ્રજાજીવનના બધા સ્તરો અને પ્રકારો સાથે એ એકહૃદય થાય એ જરૂરનું છે અને સાથે સાથે અસંસ્કારી રાગદ્વેષનાં મોજાંઓ સાથે અને સમાજદ્રોહી તોફાનો સાથે એ તણાઈ ન જાય એટલી તટસ્થતા અને અલિપ્તતા પણ એનામાં હોવી જોઈએ. ‘સત્યયુગ જેમ પ્રાચીન કાળમાં જ હતો તેમ જ સર્વોચ્ચ કવિઓ પણ જૂના કાળમાં જ થઈ શકયા, આજના કવિઓની પ્રતિભા અલ્પપ્રાણ છે’ – એવી ટીકા કેટલાક લોકો એટલા વિશ્વાસથી કરે છે કે જાણે એ બાબતમાં બે મતને અવકાશ જ નથી. હું કબૂલ કરું છું કે જૂના કવિઓનો ભાષા પરનો કાબૂ અસાધારણ હતો. અને પોતાના કવનમાં પરદેશીપણું તો નથી આવ્યું? – એ જાતની બીક એમને સેવવી પડતી નહિ. જૂના શ્રેષ્ઠ કવિઓની જીવનનિષ્ઠા ઉત્કટ હતી. એમની શ્રદ્ધા એકાગ્ર અને ઊંડી હતી. અને છતાં જૂના કાળના શ્રેષ્ઠ કવિઓ અને આજના જમાનાના શ્રેષ્ઠ કવિઓ વચ્ચે તુલના કરવા બેસીએ તો આજના કવિઓ લેશમાત્ર ઊતરતા નથી એવો જ મારો આંતરિક અભિપ્રાય છે. આપણા કરતાં આપણા વડવાઓ શ્રેષ્ઠ હતા એમ કહેવાની પ્રથા તોડવાની હિમાયત હું નથી કરતો. આપણે એ રિવાજ હજી એકબે પેઢી જરૂર ચલાવીએ, પણ એ ઔપચારિક પ્રથાને યથાર્થ કથન તરીકે સ્વીકારવા હું તૈયાર નહિ થાઉં. જૂની સામાન્ય કવિતાની યાંત્રિકતા, કૃત્રિમતા અને રૂઢિજડતામાંથી આપણે ઊગરી ગયા છીએ એ કાંઈ નાનોસૂનો લાભ નથી. વ્યાસ, વાલ્મીકિ આદિ કવિઓની યુદ્ધનિષ્ઠા અને કેટલાક મધ્યકાલીન કવિઓની જીવનવિમુખ વૈરાગ્યનિષ્ઠાઃ બન્નેની કદર કરતાં છતાં આપણે એ વાતાવરણ વટાવી ગયા છીએ, શત્રુની સ્ત્રીઓની દુર્દશાનું વર્ણન કરવાનું હવે આપણને ગમતું નથી, આપણો શૃંગારરસ પણ વધારે ભાવનાપ્રધાન થયો છે, એ વસ્તુની સહર્ષ નોંધ આપણે લેવી જોઈએ. વાસ્તવવાદને નામે કો’ક કો’ક વાર અભિરુચિમાં વિકૃતિ આવી જવાની. પણ એ વિકૃતિ સ્થાયી અથવા વ્યાપક એવી બીક રાખવાનું હજી કારણ નથી. કવિતા મારું ક્ષેત્ર નથી એટલે એ વિશે હું કશું કહું નહિ. ફકત યુગપ્રવૃત્તિના સ્વરૂપની નોંધ લઈને જ આ વિષય અહીં છોડી દઉં છું. મને વિશ્વાસ છે કે સાહિત્ય પરિષદની ત્રણ દિવસની વિચારણામાં સાહિત્યના કવિતાવિભાગને પૂરો ન્યાય મળશે અને આપણે ભાવના-તરબોળ થઈને જ વિખેરાઈશું. કવિતા સાથે જ નાટકોની ચર્ચા કરી લેવાનો કેટલાક લોકોનો રિવાજ હોય છે અથવા હતો. તેમ કરવાનું હવે કારણ રહ્યું નથી. હું માનું છું કે ધીરોદાત્ત નાયકની આસપાસ નાટકો રચવાની પ્રથા નષ્ટ થવાની નથી. છતાં હવે પછી શૌર્યના જુદા જ આદર્શો નાટકોમાં પ્રતિબિંબિત થશે અને પ્રેમનો ઉત્કર્ષ પણ, જમાનામે અનુસરીને, નવાં નવાં સ્વરૂપો ધારણ કરશે. કેવળ વ્યક્તિ જ નહિ પણ જનસમુદાય પણ નાટકમાં નાયકનું સ્થાન લેશે અને આંતરપ્રાન્તીય તથા આંતરરાષ્ટ્રીય વાતાવરણમાં નાટકો લખાશે અને ભજવાશે. જીવનનું ઊંડાણ અને જીવનાનો વિસ્તાર બન્ને તત્ત્વો હવે પછીનાં નાટકોમાં વ્યક્ત થવાં જ જોઈએ. બોધપ્રધાન સાહિત્ય એક વખતે મિત્રમંડળમાં didactic શબ્દની ચર્ચા ચાલી. એને માટે ‘બોધગર્ભ’, ‘બોધપરાયણ’ એવા અનેક શબ્દો સૂચવાયા. અમારા જુગતરામભાઈએ તરત –પ્રેરણાથી એક શબ્દ ઉપજાવી કાઢ્યો – ‘દાદોક્તિક’. કોઈ વ્યક્તિ દાદા અથવા મોટા ભાઈ થઈને ઉપદેશ આપે, બીજા કોઈનું સાંભળવાને તૈયાર ન હોય, અને સ્મૃતિકારની ભૂમિકા ધારણ કરી પોતાનો જ નિયમ ચલાવવા માગે ત્યારે એનું એ વલણ કોઈને ગમતું નથી. એટલે એની બોલવા-કહેવાની શૈલીને આપણે સૌમ્યપણે didactic કહીએ છીએ. એ આખો ભાવ ‘દાદોક્તિક’ શબ્દમાં આબાદ રીતે આવી જાય છે. આજના જમાનાને દાદોક્તિક સાહિત્ય પ્રત્યે સૂગ છે. સૂગ છે એટલું જ નહિ પણ લોકો એવું સાહિત્ય સ્વીકારવા પણ તૈયાર નથી હોતા. આપણા સંસ્કૃત સાહિત્યવિવેચકોએ પ્રભુસંમિત, મિત્રસંમિત અને કાન્તાસંમિત એવી ત્રણ શૈલીનું વર્ણન કર્યું છે. માણસથી આમ જ કરાય, આમ ન કરાય, એવા માલિક જેવા હુકમ તો શાસ્ત્રો જ કાઢી શકે છે. એ ઉપદેશ પ્રભુસંમિત હોય છે. મિત્ર સદ્‌ભાવથી બોલે છે, સલાહ આપે છે અને પછી સાંભળનારને છૂટો રાખે છે કે જેમ કરવું હોય તેમ કરે. ‘રામની પેઠે વર્તવું સારું, રાવણની પેઠે નહિ, જુઓ રાવણનો નાશ થયો અને રામની કીર્તિ આજે પણ ગવાય છે’ – વગેરે હિતોપદેશ કરનાર સાહિત્ય મિત્રસંમિત હોય છે. જ્યારે કાવ્ય અથવા લલિત સાહિત્ય કોઈ પ્રેયસીની પેઠે સાંભળનારનું મન આકર્ષી લે છે, એના પર કબજો મેળવે છે અને પ્રસન્નપણે એવી તો છાપ પાડે છે કે માણસ વગરકહ્યે અનુકૂળ થઈ જ જાય છે અને પછી કહ્યું માને છે. હું માનું છું કે સત્-સાહિત્યમાં ત્રણેને અવકાશ હોવો જોઈએ. જે પ્રભુ નથી, ગુરુ થવાને લાયક નથી અને તારતમ્ય ઓળખવાની અક્કલ પણ જેનામાં નથી, એની બોધપરાયણતા કોઈને પણ ખૂંચે. ગાંધીજીએ એક વિશાળ રાષ્ટ્રને બધી રીતે ચડાવવાનો સફળ પ્રયત્ન એક જમાના સુધી કર્યો. એમનાં લખાણોમાં બોધવચનો ભરપૂર છે પણ એને કોઈ didactic કે દાદોક્તિક ન કહે. એમનામાં રહેલો ઔચિત્યનો ખ્યાલ, એમની નમ્રતા અને એમનો આદર્શ વિવેક – ત્રણેને કારણે એમનું સાહિત્ય એટલું તો રોચક અને પ્રેરણાદાયક થયું છે કે એ વાંચતાં માણસની ચિત્તવૃત્તિને પવિત્ર જળમાં સ્નાન કર્યા જેટલો આનંદ મળે છે અને એનું ચિંતન કરતાં માણસને અનુભવ થાય છે કે પોતાને રોચક અને પૌષ્ટિક ખોરાક મળ્યો છે. આજના કવિઓ બોધપરાયણ કવિતા ભલે ન લખે. એમનો એ અધિકાર નયે હોય; પણ વ્યાસ, વાલ્મીકિ જેવા કવિઓ યોગ્ય પ્રસંગે બોધપરાયણ સાહિત્ય લખવાના અને આપણે એને ઉત્તમ સાહિત્ય તરીકે સ્વીકારવાના. એક વખતે એક બાળપોથી તૈયાર કરતી વખતે કેટલાક સાથીઓએ આગ્રહ રાખ્યો કે એમાં બોધ આપનાર એકે પાઠ ન હોય. મેં કહ્યું કે બાળપોથીમાં તો ત્રણે પ્રકારની શૈલીને સ્થાન હોવું જ જોઈએ. બાળકો અને બ્રહ્મચારીઓ એવી ઉંમરના હોય છે કે જ્યારે એમને સંસ્કૃતિના પાયાની વાતો સીધી બોધ રૂપે જ આપવી જોઈએ. એ રીતે તેઓ લે છે પણ ખરા અને હજમ પણ કરે છે. આથી વિરુદ્ધ, એક સાહિત્યપરાયણ રોમન મહિલાએ કહ્યું છે કે ઉત્તમ સાહિત્ય બોધગર્ભ જ હોવું જોઈએ, લેખકે સાહિત્યની સૂચક શક્તિ પર અવિશ્વાસ કરી સુયાણીનું કામ ન કરવું જોઈએ. બોધ ગર્ભમાં રહે એ જ સારું. હું માનું છું કે એ મહિલાનો એ નિર્ણય સ્વીકારવા જેવો છે. જોકે સાહિત્યમાત્રમાં બોધ હોવો જ જોઈએ એમ તો કોઈ ન કહે, રસપ્રદ યથાર્થ ચિત્રણ હોય તો બસ. સાથે સાથે રંજન હોય તો તે ઇષ્ટ જ છે. સાહિત્ય માટે અસહ્ય છે એક નીરસતા અને નિર્જીવપણું. ગૂઢવાદ આપણી કવિતા પશ્ચિમના સાહિત્યની અસર તળે આવી છે એ વિશે શંકા નથી. છતાં એની શૈલી ઉપર સંસ્કૃત સાહિત્યની અસર મટી નથી અને કોઈ કાળે મટવાની નથી. આશ્ચર્યની વાત એક જ છે કે જે ગૂઢવાદ આપણી નવલકથામાં ભૂલેચૂકે પણ દેખાઈ આવતો નથી, નિબંધોમાં જે ગૂઢવાદની ઊંડી ચર્ચા આપણને ક્યાંય જડતી નથી અને ગાંધીજીને બાદ કરતાં આપણા રાજદ્વારી કે સામાજિક જીવનમાં પણ જે ગૂઢવાદની ઝાંખી થતી નથી, તે કવિતામાં આટલો બધો કેમ વધ્યો છે? જૂના સંતો જીવનની ઊંડી સાધના સાધી, એમાંથી અનુભવમૂલક ગૂઢવાદી સાહિત્ય લખતા. એની ઘરેડ જામ્યા પછી અનુભવ વગરના લોકો પણ ગૂઢ અનુભૂતિ વર્ણવવા લાગ્યા. અને કો’ક વાર તો એમનું સાહિત્ય મૂળ સંત સાહિત્ય કરતાં પણ વધારે રોચક અને અસરકારક દેખાય છે. હવે એ જમાનો ગયો છે અને ‘સંતોનો ગૂઢવાદ જીવનવિમુખ છે, એ કામનો નથી; હવે પછીનો ગૂઢવાદ રવીન્દ્રનાથ ઠાકુર જેવા કવિસાધકોને અનુસરી શકે છે; - એમ કહેવામાં આવે છે. એ કહેવામાં તથ્ય ઘણું છે. એ પ્રમાણે વિચાર કરીએ તોયે આજના કવિઓએ રવીન્દ્રનાથની પેઠે વિશ્વસાહિત્યનો અને વિશ્વનો પરિચય કેળવવો જોઈએ. ઇતિહાસનો નિચોડ, વિજ્ઞાનનો પુરુષાર્થ, સમાજશાસ્ત્રનો બોધ, માનસશાસ્ત્રનું ઊંડાણ, અધ્યાત્મની પ્રેરણા અને સંસ્કૃતિ – સમન્વયમાંથી નીતરતી માનવતા – એ બધાના આપણે ઉપાસક થવું જોઈએ. આટલી સાધનાની મદદથી જીવન જીવતાં અને પુરુષાર્થ ખેડતાં જે ગૂઢ અનુભવ થાય તે જો કવિતા દ્વારા જીવનદેવતાને ચરણે અર્પણ કરવામાં આવે, તો તે કવિતાસમૃદ્ધિ માટે નક્કર ફાળો ગણાશે. કહે છે કે ભાંગ, અફીણ અને શરાબ એ ત્રણેના અલગ અલગ સેવનથી અલગ અલગ પ્રકારની ગૂઢવાદી કલ્પનાઓ સ્ફુરે છે. એ વાત કેટલી સાચી છે એ તો અનુભવી જ કહી શકશે. પણ હવે પછીનો ગૂઢવાદ કેવળ તરંગી ન રહેતાં, નક્કર અનુભવમૂલક હોય, અથવા કાંઈ નહિ તો જીવનની ઉપાસનામાંથી દૃઢ થતી શ્રદ્ધાને વ્યક્ત કરતો હોય તો જ આજની સાહિત્યપ્રવૃત્તિ કૃતાર્થ થશે. આજનું છીછરાપણું હમણાં એક નવો સવાલ જાગ્યો છે. કેટલાક લોકો તકરાર કરવા લાગ્યા છે કે આપણા સાહિત્યમાં છીછરું, ટાયલું સાહિત્ય એટલું વધી પડ્યું છે કે લોકોમાં ઊંડા વિચાર કરવાની કે સમજવાની શક્તિ ક્ષીણ થતી જાય છે. આ તકરાર હમણાં હમણાં જ ઊઠી છે. એણે હજી બરાબર રૂપ પકડ્યું નથી. લોકોનું ધ્યાન એ તકરાર તરફ પૂરતું ગયું પણ નથી. જીવનમાં જો પારમાર્થિકતા (seriousness) હોય, પુરુષાર્થ હોય, ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા હોય અને એ જાતનું જીવન ખેડવાનું વીર્ય હોય તો એનું પ્રતિબિંબ સાહિત્યમાં પડવાનું જ, અને માત્ર લલિત આકર્ષણને કારણે નહિ પણ જીવનવિષયક ઉન્નતિની તમન્નાને કારણે લોકો જોઈતું સાહિત્ય શોધી કાઢવાના અને આદરપૂર્વક વાંચવાના. અને આજના જમાનામાં જો એ તત્ત્વ જ ન હોય તો જીવનશોધનના સાહિત્યની ઠાલી કદર કરી, એને ફૂલ ચડાવી, એને કોરે મૂકી દેવાના. સ્વદેશી કે પરદેશી ઉપલબ્ધ સાહિત્યમાંથી નવું સાહિત્ય ઉપજાવવાનો ધંધો જ જ્યાં સુધી ચાલે, ત્યાં સુધી ચિંતકો મૌલિક ચિંતન નથી કરવાના. જીવનની ઉત્કટ ઉપાસનામાંથી જ્યારે સાહિત્ય ઉત્પન્ન થશે ત્યારે દેશી-પરદેશી ઇતિહાસ, ચિંતન, પ્રયોગો અને વિજ્ઞાનમાંથી જોઈતો ખોરાક મેળવીને જીવનોપાસક સાહિત્ય પેદા થવાનું. જીવન પરત્વે જેનામાં ઉત્કટતા છે, પારમાર્થિકતા છે, એને અનુયાયી મળવાના જ. સમાજને ચેપ લાગવાનો જ. હું નથી માનતો કે આવી આત્મનિષ્ઠા આપણા સમાજમાંથી ક્ષીણ થવાના દિવસો આવ્યા છે, આપણા અધ્યાપકો, રાજનૈતિક નેતાઓ અને સાહિત્યકારો જો ક્ષીણવીર્ય થાય તો તેમને ખસેડી દેનારો એક વર્ગ પેદા થવાનો જ છે. કેમ કે રાષ્ટ્રીય પ્રાણ પોતાની પૂરી શક્તિ લઈને પ્રગટ થવા માગે છે. જંગલમાં વાંસના અંકુર જ્યારે ઊગે છે ત્યારે જમીન ફાડીને, પથરા ખસેડીને, એકદમ ઉપર ઊગી નીકળે છે. સાહિત્ય અને સદાચાર સાહિત્ય અને નીતિ એ વિષય ઉપર જૂના વખતમાં ઘણું લખી ચૂક્યો છું, ‘નીતિના સામ્રાજ્ય તળે સાહિત્યને સાંસ્થાનિક સ્વરાજ્ય (dominion status) આપવા કાકાસાહેબ તૈયાર છે’ – એ જાતની ટીકા પણ મેં તે વખતે સાંભળી હતી. સાહિત્યનો પ્રવાહ યુગપ્રેરણાને અનુસરીને ચાલવાનો. આજે તો યુગપ્રેરણા એટલે યુરોપ-અમેરિકાની પશ્ચિમી પ્રેરણા. આપણું જીવનચિંતન જ્યારે સ્વાશ્રયી થશે અને આપણા સાહિત્યકારોનું આત્મગૌરવ વધશે અથવા સમાજના સાચા નેતાઓ જ્યારે જ્યારે સાહિત્યસ્વામી બનશે ત્યારે જ આ સવાલનો ઉકેલ આવશે અને તેમાં નિર્ણય કેવળ જૂના સાંસ્કૃતિક આદર્શને લઈને નહિ પણ ભવિષ્ય માટેના જવાબદારીભર્યા કલ્યાણકારી આદર્શને અનુસરીને થશે. સાહિત્યકાર સમાજના મન ઉપર ભારે અસર કરે છે. તેથી સમાજમાં એની પ્રતિષ્ઠા જામે છે. આગળ જતાં જો પોતાના સાહિત્યને શોભે એવું એનું જીવન નીવડ્યું તો એની એ પ્રતિષ્ઠા અને ઉપયોગિતા ટકવાની, બાકી જનતા તો કાદવમાંથી કમળ જન્મે છે એટલા માટે કમળનો અનાદર કરતી નથી. કમળને દેનાર કીચડને સ્થાને જ જો કોઈ સાહિત્યકારને રહેવું હોય તો એને કોઈ ત્યાંથી ખસેડે નહિ. આત્મસ્વાતંત્ર્ય દરેકને રહેવાનું જ. માણસનું જીવન પવિત્ર હોય તો એની અસર સમાજ ઉપર પડે જ છે. એવાના સાહિત્યમાં પણ જો એ નિર્મળતાની સૌરભ આવી જાય તો તે ઉત્તમ જ છે. પણ આ વિષયની ચર્ચા કર્યે ખાસ લાભ દેખાતો નથી. સમાજમાં જીવનશુદ્ધિની આંતરિક અભિલાષા હોય છે. તે ઘટે પણ છે અને વધે પણ છે. એની અસર સાહિત્ય ઉપર જેટલી થવાની હોય તેટલી થવાની જ. સાહિત્ય જો સામાજિક જીવનનું કલાત્મક ચિત્ર ન હોય, કેવળ ફોટોગ્રાફ જ હોય, તો એને નીતિઅનીતિના આદર્શ સાથે કંઈ લેવાદેવા નહિ. જેને સંસ્કૃત ચર્ચાકારો ‘હાનોપાદાન’ કહે છે, એટલે કે સારાનરસાનો વિવેક કરી અમુક વસ્તુનો જ પુરસ્કાર કરવો અને અમુક વસ્તુનો તિરસ્કાર કરવો, એ જો કલાત્મક આદર્શ સાહિત્ય કબૂલ રાખે તો જ એની સાથે ઇષ્ટ અને અનિષ્ટના ભેદની ચર્ચા કરી શકાય. પછી એ આદર્શ કલાનો હોય અથવા નીતિનો હોય. જૂની રૂઢિના વાસી થયેલા આદર્શો છોડી દેવાય. દુનિયા ચોખલિયા લોકોની નથી, એ પણ સ્વીકારી શકાય. પણ કંઈક તો ઇષ્ટ-અનિષ્ટના આદર્શો સ્વીકાર્યે જ છૂટકો. જે આચરણ નિંદ્ય છે તેનું વર્ણન કરવા જતાં જો એની હીનતા સ્પષ્ટ ન કરીએ અને એનું વર્ણન અત્યંત રોચક રીતે કરીએ તો તે કળાને કેમ ઇષ્ટ જણાય છે એ સમજવું મુશ્કેલ છે. વાસ્તવિક દુનિયામાં જે વસ્તુ પ્રત્યે આપણને સૂગ ચડે, તે જ વસ્તુ સાહિત્યની દુનિયામાં આપણને રસાળ કોમ જણાય છે એ સમજાવવાની જવાબદારી કળા-પરાયણ લોકોની છે. માણસજાત પેદા થઈ ત્યારથી એને નબળાઈ વરેલી છે. એના પ્રત્યે તિરસ્કાર કેળવ્યે એ દૂર થતી નથી. કેવળ સહાનુભૂતિ કેળવ્યે એ સુધરી નથી. અમુક નબળાઈ એ નબળાઈ જ નથી એમ જેને લાગતું હોય તેણે સમાજસેવક અથવા સમાજહિતચિંતક બની રીતસરની ઝુંબેશ ચલાવવી જોઈએ. દુનિયા એને માનવહિતકર્તા તરીકે પૂજશે. માર્ટિન લ્યૂથર એક કૅથલિક સંન્યાસી હતો. સંન્યાસના આદર્શ પ્રત્યે એને સૂગ ચડી. એ છડેચોક એક સંન્યાસિનીને પરણ્યો. પોપના અધિકાર અને કૅથલિક આદર્શ સામે એણે લોકોનો પુણ્યપ્રકોપ જગાડ્યો અને ઈસાઈ ધર્મની અંદર એક તકરારી પ્રોટેસ્ટંટ પંથ સ્થાપ્યો. જર્મની, ઇંગ્લંડ, અમેરિકા વગેરે ઠેકાણે એ પંથ ખૂબ ફેલાયો છે. એની પોતાની અમુક શાસ્ત્રનિષ્ઠા અને રૂઢિનિષ્ઠા હતી. એમાં પણ સુધારાઓ થતા જાય છે. એ બધું ધર્મ અને નીતિના ક્ષેત્રમાં સુધારાના પાયા પર ચાલે છે. એ લોકોએ કળાના આદર્શ પાછળ સંતાઈ જઈ બેજવાબદાર સાહિત્ય ઊભું નથી કર્યું. કળાનું ક્ષેત્ર નોખું, નીતિનું ક્ષેત્ર નોખું એમ કહી જીવનના ભાગલા પાડવા જેમને શક્ય જણાય તેઓ જરૂર તે પ્રમાણે કરવાના, અને નીતિયુક્ત કળા અને નીતિબાહ્ય કેવળ કળાનું વિવેચન પણ કરવાના. એ ભૂમિકા પર ચર્ચા કર્યે કશો જ લાભ નથી એ નિર્ણ ઉપર હું આવ્યો છું. જીવનમાં જે જે વસ્તુ દેખા દે છે તે તે સાહિત્યનો વિષય થઈ શકે છે એ વિશે બેમત હોઈ જ ન શકે. અમુક માણસ હડહડતો નીતિનિષ્ઠ છે, અથવા નીતિનો પુરસ્કાર કરતાં થાકતો નથી, એટલા પરથી એ સમાજસુધારક થઈ જ શકે છે, એવું જેમ ન કહી શકાય, તેમ જ એ ઉત્તમ સાહિત્યકાર ગણાવો જ જોઈએ, એવો આગ્રહ પણ ન રખાય. સાહિત્યની પોતાની અમુક અસર હોય છે. એ અસર જે પેદા કરી શકે તેને જ ઉત્તમ સાહિત્ય કહી શકાય એ વાત તો સ્પષ્ટ છે. પત્રકાર સાહિત્ય મહારાષ્ટ્રની કોઈ સાહિત્યસભામાં બોલતાં મેં કહ્યું હતું કે, દૈનિક છાપાંઓમાં તંત્રીઓ પ્રજાને રોજ રોજ જે પીરસે છે તેને પણ હું સાહિત્યમાં સ્થાન આપું છું. એ બધું ભલે ઉતાવળે લખેલું હોય, લોકો બીજે જ દિવસે એ ભૂલી જતા હોય, એની પાછળ જવાબદારીનું ભાન ભલે કાચું હોય, તો યે પ્રજામાનસ ઘડવામાં એના ફાળાનો વિચાર કરતાં એને સાહિત્યમાં જ ગણવું જોઈએ. મહારાષ્ટ્રના ટીકાકારોને એ વાંચીને લાગ્યું કે છાપાંવાળાઓને ખુશ કરવાનો એ એક નાજુક અને તેથી સફળ પ્રયત્ન છે. એવી ટીકાને શો જવબ અપાય? હું ખરેખર માનું છું કે સાહિત્ય એનું સ્વરૂપ અને એનું કાર્ય – એને વિશે સમગ્ર રૂપે ચર્ચા કરતી વખતે વૃત્તવિવેચનના ફાળાનો વિચાર કર્યા વગર અને એનો સાહિત્યગુણ સ્વીકાર્યા વગર ચાલે નહિ. તંત્રીઓ અનેક પ્રકારના હોય છે. કેટલાક લોકોના જ્ઞાનની મર્યાદા અને જવાબદારીનો અભાવ જોઈ ગ્લાનિ જ પેદા થાય. પણ સરવાળે વિચાર કરતાં પરદેશના વૃત્તવિવેચકો કરતાં આપણા વૃત્તવિવેચકો ઊતરતી કોટિના છે એમ કોઈ કહી ન શકે. ઊલટું, આપણા લેખકો અને તંત્રીઓ વધારે ગંભીર અને જવાબદાર હોય છે એમની સામે ટીકા કરવી જ હોય તો એટલું કહી શકાય કે તેઓ બહુ સહેલાઈથી એક ઘરેડમાં ઊતરી જાય છે. તત્ત્વનિષ્ઠા કરતાં જો ઘરેડનિષ્ઠા વધી જાય તો જીવનનિષ્ઠા ટકી જ ન શકે. જીવનનિષ્ઠાની તાજગી વિના કોઈ પણ જાતના સાહિત્યમાં ચૈતન્ય આવી શકતું નથી. જે રોચક નવલકથાઓને આપણે સાહિત્યકૃતિ ગણીએ છીએ તેમાં પણ જો ઘણી વાર કાચા અને એકાંગી તેમજ છીછરા વિચારો આવી જાય છે, એની ભાષા પણ કોક કોક ઠેકાણે, ઇરાદાપૂર્વક, ઢંગધડા વિનાની રાખવી પડે છે (કેમ કે નવલકથા દ્વારા સમાજનું યથાર્થ ચિત્ર રજૂ કરવાનું હોય છે), તો છાપામાં આવતા ઉતાવળિયા લેખોને સાવ ઉતારી પાડવાની જરૂર નથી. દૈનિક છાપામાં આવ્યું એટલા જ ખાતર એ લખાણ સાહિત્યની હારમાં ન બેસી શકે એવો દંડક ચલાવવો ન જઈએ. એક જણે વ્યવહારદૃષ્ટિએ એક કસોટી મૂકી છે. જે લેખ સમય ગયા પછી પણ એકબે વાર વાંચવાનું મન થાય તે લેખને સાહિત્ય-કોટિમાં, સાહિત્યની ન્યાતમાં બેસવા દેવાય. પછી એ જ કસોટી નિબંધોને, નવલકથાઓને અને લઘુકથાઓને પણ લાગુ પાડતી. લિપિસુધાર ગાંધીજીની પ્રવૃત્તિને કારણે દેશને સ્વરાજ મળ્યુ. દુનિયામાં આપણી પ્રતિષ્ઠા વધી અને આત્માની શક્તિના ચમત્કાર વિશેની લોકોની નાસ્તિકતા ઓછી થઈ, એ તો છે જ. પણ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યશૈલી ઉપર ગાંધીપ્રવત્તિની અસાધારણ અસર થઈ છે. સાહિત્યનાં ક્ષેત્રોની વિવિધતા ઘણી વધી અને લડતને કારણે પ્રજામાં દૈનિક છાપાં વાંચવાનો રસ વધ્યો. બીજા પ્રદેશોમાં લોકો હજી અંગ્રેજી છાપાં ઉપર જ વધારે આધાર રાખે છે. હું માનું છું કે બીજા પ્રદેશોના પ્રમાણમાં ગુજરાતી લોકો ગુજરાતી દૈનિકો વધારે રસપૂર્વક વાંચે છે, અને તેથી સમાચાર ભેગા કરવામાં અને એની ચર્ચા કરવામાં, તેમજ માનવજીવનનાં ભિન્ન ભિન્ન અંગોની વિગતોમાં ઊતરવામાં, ગુજરાતી દૈનિકો ઠીક ઠીક આગળ વધ્યાં છે. રાજદ્વારી લોકોએ એ સ્થિતિનો લાભ ઉઠાવ્યો છે, પણ દેશી ભાષાનાં દૈનિકોની સ્થિતિ સુધારવા તરફ એમનું પૂરતું ધ્યાન ગયું નથી. જો આપણે ગુજરાતી લિપિમાં અત્યંત જરૂરી સુધારો કરવાનો સવાલ અને એની ઉપયોગિતા સમજ્યા હોત તો ગુજરાતમાં સાક્ષરતા પ્રચાર વધારે સહેલો થયો હોત. ગુજરાતી દૈનિકોનો ખર્ચ ઘણો ઓછો થયો હોત, નફો વધ્યો હોત અને ટેલિપ્રિન્ટરીનો લાભ ગુજરાતી માટે અને બીજી દેશી ભાષાઓ માટે મેળવી શક્યા હોત. અને લિપિમાં ફેરફાર કરવા તે કેટલા? ગુજરાતીએ અમુક ફેરફારો કરવામાં તો પહેલ કરી જ છે. ગુજરાતી લિપિએ શિરોરેખા ક્યારની કાઢી નાખી છે. એટલે કે ગુજરાતીમાં અક્ષરોનાં માથાં બાંધવાં નથી પડતાં દેવનાગરીના અટપટા ए ऐ કાઢી નાખીને અ ઉપર એક (એ) અને બે (ઐ) માત્રા આપણે ચડાવીએ છીએ. ર, વ સાથે ગોટાળો કરતો દેવનાગરીનો ख આપણે ખસ્‌સન્ ખસેડ્યો અને એના બદલામાં યજુર્વેદી ‘ષ’માંથી ઉત્પન્ન થયેલી ‘ખ’ આકૃતિ ચલાવી. આવી પ્રગતિશીલ લિપિ જો ઇ-ઈ, ઉ-ઊ અને ઋ આ ત્રણ અક્ષરનાં ચાલુ રૂપોને બદલે અ ની સ્વરાખડી ચલાવવાનું પસંદ કરે – અ, ઈ, અ, અ, અઃ આટલા જ સુધારા થાય, તો આપણે કરોડોના ખર્ચમાં ઊતર્યા વગર દેશી ભાષાઓ માટે ટેલિપ્રિન્ટરી ચલાવી શકીશું. બીજો સુધારો તે બારાખડી કરતી વખતે સ્વરનાં ચિહ્નો અક્ષરોના માથા ઉપર કે પગ તળે મૂકવાને બદલે, એ જ ચિહ્નો અક્ષર પછી મૂક્યાં હોય તો અક્ષરનાં બીબાં ગોઠવવાનું ખર્ચ એકદમ ઘટી જાય. આ બે સુધારા અત્યંત આવશ્યક છે. જો ગુજરાતી લિપિ નાગર લિપિનું સ્થાન લેવાની અને અખિલ ભારતીય લિપિ થવાની મહત્ત્વાકાંક્ષા રાખે તો અ, ક, ચ, જ, ઝ, ફ, બ, ભ એટલા અક્ષરોનાં રૂપો નાગરીની નજીક લઈ જવાં પડે. એટલે આજની ગુજરાતી લિપિ ગુર્જરી-નાગરી ગણાય અને અંગ્રેજીમાં જેમ રોમન અને ઇટાલિક એવી બે શૈલીઓ ચાલે છે તેમ નાગરીમાં પણ રૂઢ નાગરી અને ગુર્જરી નાગરી એવી બે શૈલીઓ ચાલશે. અને ધીરે ધીરે પોતાના ગુણોને કારણે જ ગુર્જરી નાગરી અખિલ ભારતીય લિપિ થઈ જશે. ગુજરાતી પ્રજા પાસે વહેવારની દૃષ્ટિ છે, એ લાભહાનિ સમજે છે. ‘આત્મહત્યા કરીશું પણ રૂઢિને છોડીશું નહિ’ એ જાતની ઉત્તર ભારતીય જીદ ગુજરાત પાસે નથી. ગુજરાતી સાહિત્ય પરિષદે લિપિ સુધારની બાબતમાં કરાંચી સંમેલન વખતે, પ્રારંભ કર્યો હતો. શ્રી મુનશીએ એને પોતાની માન્યતા પણ આપી હતી. પણ સ્વ. શ્રી કિશોરલાલભાઈનું કે મારું દબાણ ઓછું નીવડ્યું અને પ્રજાકીય હિત ઓછું સમજનાર લોકોનું શ્રી મુનશી ઉપર દબાણ વધ્યું. પરિણામે, એ સુધારાની પ્રવૃત્તિ ત્યાં જ અટકી અને આખા ભારતને નવી દિશા બતાવવાની તક ગુજરાતે ખોઈ. જે પ્રજાના નેતાઓ પાસે ગંધીજીના જેવી ભવિષ્યમાં જોવાની દૃષ્ટિ નથી તેઓ સારામાં સારી સંધિ ખોવાના જ. શ્રી વિનોબા ભાવે, સ્વ. શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી બચુભાઈ રાવત અને હું ગાંધીજીની મદદથી તે વેળાએ જે કરી શકત તે ન થઈ શક્યું. પછી આજે એકલા શ્રી મહેન્દ્ર મેઘાણી જોર કરે તે ક્યાં સુધી ચાલવાનું? મહાત્મા ગાંધીએ શરૂ કરેલું એ કામ હવે ન કરી શકે આજની કૉંગ્રેસ કે ન કરી શકે આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ. હવે જો ગુજરાતી દૈનિકો ચલાવનાર પ્રેસવાળાઓ અને પ્રકાશન સંસ્થાઓ પોતાનું હિત સમજે અને હિંમત કરે તો જરૂર ઘણું થઈ શકે. અથવા જો દેશમાં નવી શક્તિ જાગે અને એને ગળે આ વાત ઊતરે, તો જ આ જરૂરી ફેરફાર થઈ શકશે. તેમ થાય તો ગુજરાતી પ્રકાશનોની સંખ્યા હજારોથી નહિ પણ લાખોથી ગણવાનો વારો આવશે. ગુજરાત પાસે આજે બધું છે. પણ ક્રાન્તદર્શી નેતૃત્વ નથી. જો જવાહરલાલજીએ ભવિષ્ય તરફ નજર રાખી, નાણાંની બાબતમાં મેટ્રિક પદ્ધતિ દાખલ ન કરી હોત તો ભારતના બીજા કોઈ પણ નેતાનું એ દિશામાં ચાલ્યું ન હોત. જવાહરલાલજી અને બીજા નેતાઓ જો અંગ્રેજીથી સંતુષ્ટ ન હોત તો તેમણે દેશી ભાષાઓને સક્રિય પ્રોત્સાહન આપતાં લિપિસુધારનો સવાલ અને એનું મહત્ત્વ સમજી લીધું હોત. પણ જ્યાં સુધી પણ તળેની ભૂમિ સરકી ન જાય, ત્યાં સુધી આ નેતાઓનો અંગ્રેજીનો મોહ ઊતરવાનો નથી. અંગ્રેજી એમને બધી મદદ કરશે પણ પ્રજામાનસ ઉપરનો એમનો કાબૂ ટકાવવામાં મદદ નહિ કરે. આજના રાજ્યકર્તાઓ રાજકાજ અંગ્રેજીમાં ચલાવીને પોતાની ઘોર ખોદી રહ્યા છે એ એમના ધ્યાનમાં આવશે ખરું, – પણ બધું પત્યા પછી. એટલે લિપિસુધારમાં એની મદદ મળવાની આશા નથી. ગુજરાતીમાં દૈનિક છાપાંવાળાઓમાં રાજનૈતિક મહત્ત્વાકાંક્ષા જાગશે તો તેઓ જોતજોતામાં લિપિસુધાર કરી લેશે. છે જરાસરખું અને સહેલું; ફક્ત એ તરફ ધ્યાન નથી જતું એટલું જ. શ્રાવણપ્રવૃત્તિ મારા નાનપણમાં મહારાષ્ટ્રમાં જ્યાં ત્યાં પુરાણિકો સંસ્કૃતમાં અને મરાઠીમાં પૌરાણિક ગ્રંથો, વિવેચન સાથે, વાંચી સંભળાવતા અને હરિદાસો – એટલે કે કીર્તનકારો – પૂર્વરંગ, ઉત્તરરંગવાળા કીર્તનો કરતા. પૂર્વરંગમાં કોઈ પણ ધાર્મિક વિષયની છટાદાર ચર્ચા કરીને એ જ વસ્તુને કોઈ રોચક વાર્તાના રસિક વિસ્તાર સાથે ઉત્તરરંગમાં ખીલવતા. એમાં સુભાષિતો, ગીતો અને કવિતાના ફકરાઓ વેરાતા અથવા વણાતા. એ જ કામ ભાટચારણો ઐતિહાસિક પ્રસંગો અને લોકવાર્તાઓ લઈને લોકભોગ્ય ઢબે કરતા. આમ પ્રજાકીય સાંસ્કૃતિક કેળવણી અને રંજન બંને સધાતાં. આજે એ કામ અધ્યાપકો ને લોકનેતાઓ વ્યાખ્યાનો મારફતે કરે છે. પણ એમાં કાંઈક એકાંગીપણું આવે છે અને સરસ સાહિત્ય સાથેનો પરિચય કેળવાતો નથી. આજકાલ કવિઓના કાવ્યાવાચનની પ્રથા ખૂબ ખીલી છે અને સામાન્ય જનતામાં એ આવકાર મેળવતી થઈ છે. ગુજરાતમાં માણભટ્ટો એ જ કામ કરતા. ભવાઈઓના નમૂના મેં જોયા નથી, એટલે હવે એ પ્રથા આજે કેટલો સંતોષ આપે તે હું કહી ન શકું. ગુજરાતી રાસ રમવાની પ્રથા ઘણી સુંદર છે. એમાં કાવ્ય, નાટ્ય અને સંગીત ત્રણેનો લોકભોગ્ય મેળ થયો છે. કવિઓનાં કાવ્યવાચનો પણ હવે જ્યાં ત્યાં થવા લાગ્યાં છે. એ પ્રથા ખૂબ વધારી શકાય અને એ વાટે લોકોની અભિરુચિ કેળવાય. લોકગીતો અને લોકવાર્તાઓ લોકપ્રિય કરવાની સ્વ. શ્રી મેઘાણી જેવાઓની પ્રવૃત્તિ સાહિત્યના સર્જન માટે અને આસ્વાદન માટે ઘણી જ પ્રભાવશાળી નીવડી. સૌરાષ્ટ્રે આ ક્ષેત્રમાં ગુજરાતી સાહિત્યની અને સંસ્કારિતાની ઉત્તમ સેવા કરી છે. હવે એ ઢબે ઠેર ઠેર ચાર છ મહિનાનું સત્ર ચલાવી, દેશ આખાનો સાંસ્કૃતિક ઇતિહાસ પ્રજા આગળ સુંદર ઢબે રજૂ કરી શકાય. ઐતિહાસિક જીવનચરિત્રો જીવતાં કરી શકાય અને પ્રજાને વિશ્વજીવનમાં એનું સ્થાન બતાવી શકાય. પુસ્તકો છાપવાની કળા ફેલાઈ અને દૈનિક છાપાંઓ ઘેર ઘેર પહોંચવા લાગ્યાં. એ લોકજાગૃતિનાં સાધનો ઇષ્ટ છે એ વિશે શંકા નથી. પણ સાહિત્યસેવનની સામૂહિક કે સામાજિક પ્રવૃત્તિનું સ્થાન એ ન લઈ શકે. સિનેમા જેવી ચલચિત્રની ખર્ચાળ પ્રવૃત્તિથી આપણી રસિકતા આડે રસ્તે ચડી છે કે નહિ એ સવાલ કોરે મૂકીએ તોયે, આપણી સ્થાનિક સર્જક પ્રવૃત્તિ ક્ષીણ થતી જાય છે એ વસ્તુનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. આપણા અધ્યાપકો જો રજાના બે ત્રણ મહિના જ્યાંથી આમંત્રણ મળે ત્યાં પહોંચી જઈ લોકભોગ્ય સાહિત્યસેવનની પ્રવૃત્તિ ચલાવે તો પ્રજાજીવન સાથે તેઓ ઓતપ્રોત થઈ શકશે અને પ્રત્યક્ષ લોકસેવા કર્યાનું સમાધાન મેળવી શકશે. રાજદ્વારી કટુતા અને સંસ્કૃતિ-સંવર્ધન સ્વરાજના સૈનિક તરીકે આખો જન્મારો કામ કરતાં મેં જીવનની ધન્યતા જ અનુભવી છે. પણ બહુ થોડા લોકોને ખબર હશે કે કૉંગ્રેસના સદસ્ય થવાની મેં કોઈ કાળે ઇન્તેજારી રાખી નથી. કોઈ આવીને મારી પાસેથી ચાર આના માગી લે અને મારી સહી લે તો તે વરસ પૂરતો કૉંગ્રેસનો સદસ્ય થયો છું. કૉંગ્રેસની મહાસમિતિ માટે ભૂલેચૂકે પણ ઉમેદવારી કરી નથી. કૉંગ્રેસનું બંધારણ બદલાયું અને પ્રમુખે એ.આઈ.સી.સી. – મહાસમિતિના સદસ્ય તરીકે મને નીમ્યો ત્યારે થોડા વખત માટે હું તેનો સદસ્ય રહ્યો. આજે વિધાનસભાનો સદસ્ય છું તે પણ રાષ્ટ્રપતિએ ઉદારતાથી મારી નિમણૂક કરી તેથી. રાજદ્વારી પ્રવૃત્તિ વગર આપણું ચાલવાનું નથી એ હું જાણું છું. જેમ બજાર વગર કે પોલીસખાતા વગર આપણું ચાલવાનું નથી. છતાં જેમ પોલીસખાતાને આપણા રાષ્ટ્રીય જીવનનું કેન્દ્ર આપણે માનતા નથી, અથવા ચોવીસે કલાક બજારમાં બેસવાનું આપણે પસંદ ન કરીએ, તેમ જ રાજદ્વારી પ્રવૃત્તિ વિશે પણ છે. આપણા જીવનની સુવાસ અને આપણો સાંસ્કૃતિક ઉત્કર્ષ રાજદ્વારી લોકોના હાથમાં રાખીશું તો આપણે પસ્તાઈશું. અને આપણી આજની રાજદ્વારી પ્રવૃત્તિ એટલી અણઘડ છે કે સારું કામ હોય કે નઠારું, એ લોકોને સરખી રીતે કરતાં આવડતું જ નથી. અને ગાંધીજીએ ઘણી તપશ્ચર્યાથી અને અસાધારણ કુનેહથી જે સાંસ્કૃતિક મૂડી ઊભી કરી હતી તે મુખ્યત્વે રાજદ્વારી લોકોએ જોતજોતામાં વેડફી નાખી એમ ઇતિહાસ કહે તો મને આશ્ચર્ય નહિ થાય. પ્રજાસેવાની સગવડની દૃષ્ટિએ ગાંધીજીએ ભાષાવાર પ્રાન્તરચનાની ભલામણ કરી. એ રીતે પ્રજાજાગૃતિ ઉત્તમ થાત અને સાંસ્કૃતિક જીવન પણ પરિપુષ્ટ થાત. પણ આ લોકોએ પ્રાન્તોને બદલે રાજ્યો સ્થાપ્યાં. એની સાથે પ્રાન્તદીઠ સંસ્કૃતિ નોખી હોવાનું તૂત જાગ્યું, એમાં દેશના વધુ ભાગલા થવાન બીક દેખાઈ! કદાચ ખરી રીતે તો ભાષાવાર પ્રાન્તરચના થાય તો અંગ્રેજીનું શું થશે એ એમને અંદરખાનેથી બીક તો નહિ હોય? આખું વાતાવરણ એમણે ઝેરી કર્યું અને ભાષાવાર પ્રાન્તરચનાની નિંદા કરતાં કરતાં આખરે એ જ વસ્તુની, ખરાબ રીતે, અમલબજાવણી કરી! એ જ રીતે આપણો ગુજરાત-મહારાષ્ટ્રનો સવાલ લો. ગુજરાત-મહારાષ્ટ્ર સહિયારું જીવન ગાળે એ મારો અભિપ્રાય બધા જાણે છે. પણ આજે જો કોઈ મને પૂછે કે મહારાષ્ટ્ર-ગુજરાતનું દ્વિભાષી રાજ્ય રહે એ ઇષ્ટ છે કે બંનેને અલગ અલગ કરવા ઇષ્ટ છે? તો રાજદ્વારી લોકોની કાર્યપદ્ધતિ જોતાં સૉક્રેટિસની પેઠે હું કહીશ – In either case they will repent! दिल्लीके लड्डु खायेगा सो पस्तायेगा और नहीं खायेगा सो भी पस्तायेगा । હવે આનું જે થવાનું હશે તે થશે. આપણે સાહિત્યકારો માંગલ્યના ઉપાસક, સંસ્કૃતિના સંવર્ધક અને પ્રજાના નમ્ર સેવક; આપણે આ રાજદ્વારી પક્ષોના અનુયાયી થઈને આપણા જીવનમાં ઝેર શા માટે ભેળવીએ? આપણે કહીએ “ગુજરાત અને મહારાષ્ટ્ર એક વરસે નોખાં કરો, બીજે વરસે ભેળાં કરો, ત્રીજે વરસે ત્રીજું જ કાંઈ તૂત ઊભું કરો. તમારાં અડપલાંથી તો તોબા. અમે એવાં રાજદ્વારી વેરઝેરથી અળગા રહેવા માગીએ છીએ. મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેની સંસ્કૃતિ એક જ ભારતની સંસ્કૃતિ છે. બંનેને માટે એક જ સમુદ્રકિનારો છે. મહારાષ્ટ્રની કેટલીક નદીઓ જેમ આંધ્રમાં વહે છે તેમ બીજી કેટલીક ગુજરાતમાં પણ વહે છે. આપણું જીવન ઓછુંવત્તું ઓતપ્રોત જ રહેવાનું અને ખરેખરું સ્વરાજ્ય થયા પછી તો પ્રાન્તીય ભેદ ઝાઝા ટકવાના નથી. શરત એટલી જ કે રાજદ્વારી લોકો એમાં માથું ન મારે!” જાતિભેદની નિંદા કૉંગ્રેસે જેટલી કરી છે તેટલી કોઈ સંસારસુધારકે અથવા ધર્મસુધારકે કરી નથી. અને છતાં જાતિભેદનાં વેરઝેર વધવા માટે રાજદ્વારી ચૂંટણીનું વાતાવરણ જેટલું જવાબદાર છે તેટલું બીજું કાંઈ નથી. જાતિ જાતિ વચ્ચેની ઈર્ષા અસૂયા પહેલાં હિંદુ સમાજ પૂરતી જ હતી. હવે એ જાતિગત ‘કોમી’ સ્વભાવ મુસલમાનોમાં અને ઈસાઈઓમાં પણ આવી ગયો છે. એ પણ ન્યાતો જ છે અને એમની અંદર પણ પેટા-ન્યાતો જોવામાં આવે છે. રાજદ્વારી જીવનનું મહત્ત્વ ટકશે ત્યાં સુધી ફૂટનું તત્ત્વ ટકવાનું અને વધવાનું. મારું આ પૃથક્કરણ અને નિદાન સાચું હોય કે ન હોય, આપણે માંગલ્યને વરેલા સંસ્કૃતિના ઉપાસકો, આપણું ક્ષેત્ર આ ઝઘડાથી અલિપ્ત રાખીશું અને શ્રદ્ધા સેવીશું કે સાગરનાં મોટાં મોટાં તોફાનો પણ જેમ પૃષ્ઠભાગ ઉપર જ હોય છે, ઊંડાણમાં અક્ષુબ્ધ જીવનરાશિ જ હોય છે, તેવી જ રીતે આપણે ભારતીય સંસ્કૃતિનું પ્રજાકીય જીવન અક્ષુબ્ધ રાખીશું. હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા પડ્યા તેથી ગુજરાતના હિંદુ-મુસલમાનોએ અલગ અલગ થવાનું કશું કારણ નથી. ગુજરાતના હિંદુ, મુસલમાન, પારસી, ઈસાઈ, યહૂદી બધા ગુર્જરી ગિરાની અને ગુજરાતી બોલનાર પ્રજાની કશા ભેદ કે પક્ષપાત વગર પ્રેમભાવે સેવા જ કરીશું અને એ રીતે આખા દેશની અને વિશ્વની સેવા કરીશું. આજના વાતાવરણમાં પણ મને સર્વાનુમતે વગર વિરોધે ગુજરાતી સાહિત્ય પરિષદનો અધ્યક્ષ ચૂંટી સાહિત્યિક ગુજરાતે-સાંસ્કૃતિક ગુજરાતે પોતાનો એ સંકલ્પ જાહેર કર્યો જ છે. એવા સંકલ્પને ઈશ્વરના આશીર્વાદ છે, એ વિશ્વાસનું આપણે જતન કરીએ. પછાત કોમોનું સંભરણ આપણે પ્રાંત પ્રાંતના લોકો વચ્ચેના સંભરણ (integration)ની વાત કરી. કૉંગ્રેસ સ્થપાઈ ત્યારે એ વાત એટલી અઘરી લાગતી ન હતી. રાજ્યકર્તાઓ વચમાં ના પડ્યા હોત તો હિંદુ-મસલમાનોનું પણ અમુક સંભરણ જામતું આવ્યું હતું. જેમ તેમ પણ આપણે દેશનાં બધાં તત્ત્વો વચ્ચે સુમેળ સાધતા હતા અને સંઘર્ષો વચ્ચે પણ સહકારનાં તત્ત્વોનો પુરસ્કાર કરતા હતા. એ ઉકેલ કામચલાઉ હતો એ ખરું, પણ તેટલાથી કામ ચાલતું હતું. સુમેળ સાધવો, પ્રજાને એકજીવ કરવી, એનામાં આત્મીયતા જગાડવી એ રાષ્ટ્ર-કાર્ય હવે પાકે પાયે અને બનતી ઉતાવળે સધાવું જ જોઈએ. એમાં મુખ્ય સવાલ પ્રાન્તોનો નથી, પણ જાતિ જાતિ વચ્ચેનો અને પછાત ગણાતી કોમોનો છે. આજે આપણે એમની સેવા કરવાનો પ્રારંભ કર્યો છે. પણ એમને સમજવાનો પ્રયત્ન હજી થયો જ નથી. આ બધા લોકો ક્યાંથી આવ્યા? કઈ પરિસ્થિતિમાં આપણે એમની વચ્ચે જઈ પહોંચ્યા?-એ બધું જાણી લેવું જોઈએ. ભારતની નસેનસ જાણનાર એક અંગ્રેજે કલ્પના કરી છે કે આદિવાસીઓ આખા એશિયામાં ફેલાયેલી એક પ્રાગ્-ઐતિહાસિક મહાજાતિ હતી. જીવનવિજ્ઞાનમાં એ પ્રગતિ ન કરી શકી. જીવનકલહમાં એ હારી એટલે એના કકડા કકડા થઈ ગયા. કોઈ મહાસાગર કકડા થાય અને એમાંથી અંતે ખાબોચિયાં બચી જાય એના જેવી આ લોકોની સ્થિતિ છે. એ ગમે તે હોય, એ લોકોનાં થોડાં ગીતો આપણે ભેગાં કરીએ અને એમની ભાષામાં પ્રાથમિક ત્રણ-ચાર પાઠ્યપુસ્તકો તૈયાર કરીએ, એટલું બસ નથી. (એટલું પણ આજે થયું નથી. થાય તો તો ઘણી મદદ થાય એ વસ્તુ નોખી.) આપણે એ આદિમ-જાતિ લોકોનું ગિરિજનોનું અને પછાત લોકોનું જીવન સહાનુભૂતિપૂર્વક અને આદરપૂર્વક સમજી લેવું જોઈએ. આપણે અંતે એકબીજામાં ઓતપ્રોત થવાના છીએ એ આદર્શ સ્વીકારવો જોઈએ અને એ પ્રમાણે બધી જાતિઓ, કોમો અને વર્ગો વચ્ચેનું કાયમી અળગાપણું તોડવું જોઈએ. જીવનનો એ આદર્શ – એ રાષ્ટ્રીય આદર્શ – આપણા સાહિત્યમાં પ્રતિબિંબિત થાય તો ઘણું મોટું રાષ્ટ્રકાર્ય થશે અને પછી સિદ્ધ થતી આપણી રાષ્ટ્રીય એકતા પ્રાણવાન થઈ આપણી સામૂહિક શક્તિ રશિયા, ચીન કે અમેરિકાથી વધારે મજબૂત થશે. સાહિત્યકારો એમ તો ન જ કહી શકે કે આ કામ અમારું નથી. તેઓ જાણે કે જેમનું એ કામ હશે તેઓ જ અંતે સાહિત્યસેવીઓમાં અગ્રગણ્ય થવાના છે. ભાષાંતર-કળા હવે સાહિત્યના સીમાડા પરના એક વિષય પર આવું. સાહિત્યસેવીઓમાં ભાષાંતરકારની કોટિ સહેજ ઊતરતી ગણાય છે. ‘ભાષાંતર’ શબ્દ પણ એટલો હલકો થઈ ગયો છે કે એ છોડીને લોકો હવે ‘અનુવાદ’ શબ્દ વાપરતા થયા છે. જોકે સંસ્કૃતમાં અનુવાદનો અર્થ નોખો જ છે. એક ભાષાની ઉત્કૃષ્ટ કૃતિને બીજી ભાષામાં ઉત્કૃષ્ટ રૂપમાં દાખલ કરવી એ કાંઈ નાનીસની કળા નથી. ભાષાંતર માટે ઉત્કૃષ્ટ કૃતિની પસંદગી કરવા માટે પણ ભારે યોગ્યતા જોઈએ છે. ભાષાંતરનું કામ ગમે તેવા લોકોએ હાથમાં લીધું તેથી એ વેઠ અથવા વૈતરું ગણાયું. નહિ તો, સાચા ભાષાંતરકારને સંસ્કૃતિના ક્ષેત્રનો એલચી ગણી શકાય. અત્યાર સુધી આપણે સંસ્કૃત અને અંગ્રેજીના ગ્રંથો ઠીક ઠીક સંખ્યામાં અનુવાદ્યા છે. કેટલાક અનુવાદો ઉત્કૃષ્ટ નીવડ્યા છે એ અનુવાદોથી સાહિત્યની શ્રીવૃદ્ધિ તો થઈ જ છે પણ ગુજરાતીની જાતજાતની શૈલીઓને પણ અસાધારણ લાભ થયો છે. બંગાળી, મરાઠી અને હિંદી ગ્રંથોના અનુવાદો કરીને પણ ભાષાંતરકારોએ ગુજરાતી વાચકવર્ગને ઘણો જ રોચક ખોરાક પૂરો પાડ્યો છે. યુરોપની અનેક ભાષાઓના ગ્રંથો અંગ્રેજી અનુવાદ પરથી આપણે ગુજરાતીમાં આણીએ છીએ. આનો આજે ઇલાજ નથી અને અંગ્રેજી અનુવાદો જ્યાં સુધી સારામાં સારા પસંદ કરીએ, ત્યાં સુધી દુઃખ માનવાનું કારણ નથી. છતાં જાપાની, ચીની, રૂસી કે ફ્રેંચ સાહિત્યને મૂળ ભાષા પરથી ગુજરાતીમાં આણી શકીએ તો જ તે સેવા બધી દૃષ્ટિએ સંતોષકારક ગણાશે. અરબીફારસીના ગ્રંથો અંગ્રેજી પરથી ગુજરાતીમાં આણીએ તો કોને સંતોષ થાય? અનુવાદોની બાબતમાં અંગ્રેજી ભાષાની પોતાની મર્યાદા છે તે આપણે ધ્યાનમાં રાખવી ઘટે. સ્વરાજ મળ્યા પછી આપણા પુરુષાર્થનું ક્ષેત્ર એકદમ વધ્યું છે દુનિયાનાં અનેક રાષ્ટ્રો સાથે આપણો સીધો સંબંધ શરૂ થયો છે. એટલે હવે આપણા દેશમાં દુનિયાની એક અથવા બીજી પ્રમુખ ભાષા શીખનાર લોકોની સંખ્યા વધવી જ જોઈએ. એકસામટી અનેક ભાષાઓ જાણનાર લોકોનો ઉપયોગ રાજદ્વારી ક્ષેત્રમાં થશે. સાહિત્યની દૃષ્ટિએ મને લાગે છે કે ગુજરાતી લખવાની શક્તિ કેળવવા માટે સંસ્કૃત, પાલિ, માગધી જેવી આપણી સાંસ્કૃતિક ભાષા શીખ્યા પછી, આપણા વિદ્વાન લોકોએ અંગ્રેજી ઉપરાંત એક અથવા બે ભાષા જ ઉત્કૃષ્ટ રીતે કેળવવાનો અને એ ભાષાનું સાહિત્ય પી જવાનો આદર્શ પોતાની સામે રાખવો જોઈએ. અને તે તે ભાષાના લોકો આજે શું વિચારી રહ્યા છે અને કેવો પુરુષાર્થ આદરી રહ્યા છે એને વિશે એમણે વખતોવખત અહેવાલો અને લેખો આપી સ્વજનોની જાણકારી અદ્યતન કરવાની જવાબદારી ઉઠાવવી જોઈએ. અત્યાર સુધી આપણે ભારતીય સંસ્કૃતિ અને યુરોપીય સંસ્કૃતિ એવો મૌલિક ભેદ માનતા હતા અને એના ઉપર ભાર પણ મૂકતા હતા. ત્યાર પછી આપણે એશિયાઈ અથવા પૌરસ્ત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એવો ભેદ કરવા લાગ્યા. એનો અર્થ એ નથી કે ચીન, જાપાન, મૉંગોલિયા, કમ્બોડિયા ઇત્યાદિ પૂર્વ તરફના લોકોનાં સાહિત્ય અને સંસ્કૃતિ સાથે આપણો પરિચય વધ્યો; અને એ બધાંમાં રહેલાં ખાસ મહત્ત્વનાં પૂર્વી તત્ત્વોનો આપણને સાક્ષાત્કાર થયો. આપણે એટલું જ જાણતા હતા કે પશ્ચિમના લોકો પ્રગતિશીલ છે અને જોરાવર છે. પરિણામે, એમનો ધર્મ અને સંસ્કૃતિ આક્રમણકારી છે, જ્યારે એશિયાઈ દેશો યથાસ્થિતિકર, જુનવાણી અને દબાયેલા છે. આટલું સામ્ય જોયા પછી અનુમાન બાંધવું કઠણ ન હતું કે પૂર્વના દેશોની જીવનદૃષ્ટિ અને સંસ્કૃતિમાં ઘણુંઘણું સામ્ય હોવું જ જોઈએ. પણ આ બધું અનુમાન થયું, અથવા ‘ભાવતું હતું અને માની લીધું’ એના જેવુ થયું. એટલું તો ખરું કે પૂર્વ તરફના દેશોમાં ભારતમાં જન્મેલો બૌદ્ધ ધર્મ ફેલાયો, અને તે તે દેશ કે રાષ્ટ્રની સંસ્કૃતિ ઉપર બૌદ્ધ જીવનદૃષ્ટિની અસર છે. છતાં આવા તારવેલા અનુમાન ઉપર આપણે પૌરસ્ત્ય સંસ્કૃતિનું ચિત્ર ઊભું ન કરી શકીએ. તે તે દેશનો ઇતિહાસ, ત્યાંનું સ્થાપત્ય, ત્યાંનું સંગીત અને એની આજની આકાંક્ષા – એ બધા સાથે આપણો ઊંડો પરિચય હોવો જોઈએ. આજે જે નામનો પરિચય છે તે અંગ્રેજી ભાષાને પ્રતાપે જ છે. તે તે દેશમાં જઈ રહી, ત્યાંના લોકો સાથે એકરૂપ થયા વિના હૃદયનું ઐક્ય અથવા કેવળ સાચો પરિચય પણ આપણે કેળવી શકવાના નથી. એટલા માટે પણ આપણે સાહિત્યના અનુવાદની કળા ખીલવવી જોઈએ. વેપાર ખેડવા ખાતર ગુજરાતી અનેક પરદેશોમાં જઈને રહ્યા છે. પોતાનાં દીકરા-દીકરીઓની કેળવણી માટે થોડાક શિક્ષકોને પણ તેઓ વસાવે છે. મારે ગુજરાતીઓમાં એ મહત્ત્વાકાંક્ષા જગાડવી છે કે જેમ હિંદી એ રાષ્ટ્રભાષા છે, બંગાળી સૌથી પ્રૌઢ વિકસિત ભાષા છે, તમિળ ભારતની એક જૂનામાં જૂની અને મૌલિક સાહિત્યની પરંપરા ધરાવતી ભાષા છે, તેમજ આખી દુનિયાનો પરિચય કરાવનારી ભાષા તરીકે ગુજરાતી તમામ ભારતીય ભાષાઓમાં અગ્રસ્થાન લઈ લે, અને એને પરિણામે પરદેશી પણ ગુજરાતીનો એટલા જ આદરથી અભ્યાસ કરે જેટલો આજે તેઓ હિંદી કે બંગળી સાહિત્યનો કરે છે. જે ભાષામાં પ્રજા માટે ગાંધીજીએ લખ્યું, તે ભાષામાં યુગદર્શન અને વિશ્વદર્શન કરાવવાની શક્તિ આવવી જ જોઈએ. હું કહેતો હતો કે હવે ભારતીય અને યુરોપીય અથવા પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિભેદના રાગડા ગાવાના દિવસો રહ્યા નથી. ભારતમાં જન્મેલા એક અંગ્રેજી સાહિત્ય-સ્વામીએ ભલે કહ્યું હોય કે પૂર્વ અને પશ્ચિમ નોખા જ રહેવાના, એમનું મિલન થઈ જ ન શકે; આજે આપણે જાણીએ છીએ-ભૂગોળના પ્રાથમિક પાઠ તરીકે પણ જાણીએ છીએ કે પૂર્વ અને પશ્ચિમ એ ભેદ જ કૃત્રિમ છે. અમેરિકા માટે જાપાન એ પાશ્ચાત્ય દેશ છે! અને આપણે એ જ દેશને ‘સુદૂર પૂર્વનો’ એટલે કે પૂર્વોત્તમ દેશ કહીએ છીએ! વિજ્ઞાનને કારણે કહો, અર્થસંબંધને કારણે કહો કે રાજદ્વારી સંકટોને કારણે કહો, આપણે આખી દુનિયા સાથે સંકળાઈ ગયા છીએ. કોઈ પણ સંસ્કૃતિ આપણે માટે પરાઈ રહી નથી. પછી એનાથી અપરિચિત રહેવાય જ કેમ? મારું કહેવાનું એ છે કે આજે જેમ અમદાવાદમાં વિજ્ઞાનની મૂળભૂત શોધખોળ કરવા માટે એક પ્રયોગશાળા છે તેવી જ રીતે અનેક ભાષાઓ શીખવા માટે અને તે તે ભાષાના સાહિત્ય સાથેનો પરિચય વધારવા માટે અહીં એક સમર્થ વિશ્વ-ભાષા-મંદિર હોવું જોઈએ. સામ્રાજ્યની મહત્ત્વાકાંક્ષાથી બ્રિટિશ લોકોએ જે કર્યું તે જ કામ વિશ્વસેવાથી પ્રેરાઈને આપણે કરવાનું છે. રવીન્દ્રનાથે વિશ્વભારતીની સ્થાપના કરી તે બંગાળી અને અંગ્રેજી બે ભાષા મારફતે કામ કરે છે. અહીં ગુજરાતી, હિંદી અને એક કરતાં વધારે યુરોપિયન ભાષા મારફતે સાહિત્યપરિચય વધારવાનો પુરુષાર્થ ખીલવવો જોઈએ. આજકાલ કેટલીક સંસ્થાઓ અંગ્રેજી કે બીજી ભાષાની ચોપડીઓનો અનુવાદ ગુજરાતીમાં કરાવે છે ત્યારે ભાષાંતરકાર પાસેથી એકાદ પ્રકરણનો અનુવાદ કરાવી, તેટલા પરથી અનુવાદકની યોગ્યતા નક્કી કરે છે. આ ખોટી કસોટી છે. ખરું જોતા જેનો અનુવાદ આપણને જોઈએ છે, તે ચોપડીનો વિષય અને એનું પ્રતિપાદન ઉમેદવાર કેટલું સમજ્યો છે એ જાણવા માટે રીતસરનું એક પ્રશ્નપત્ર તૈયાર કરીને એમાં પાસ થનાર વ્યક્તિઓમાંથી જ કો’કને અનુવાદનું કામ સોંપવું જોઈએ અને સફળ અનુવાદ કરનારનું જાહેર રીતે સન્માન થવું જોઈએ. પીઢ ભાષાંતરકાર માટે આમ કરવાની જરૂર ન હોય એ દેખીતી વાત છે. ભાષાંતર એટલે એક ભાષાની સુંદર કૃતિ પોતાની કે બીજી ભાષામાં આબાદ રીતે ઉતારવી, એટલો જ અર્થ લોકો કરે છે. પણ ભાષાંતર એથી ય વિશેષ અને મોટું કામ કરે છે. દરેક ભાષાની પોતાની શૈલી અને વિચાર કરવાની પદ્ધતિ હોય છે. દરેક સમાજમાં વપરાતી ઉપમાઓ અને રૂપકો તે પ્રજાના અનુભવ, ચિંતન અને પુરુષાર્થમાંથી ઉત્પન્ન થયેલાં હોય છે. ભાષાંતર દ્વારા એનો પરિચય થયા પછી એની અસર લેનાર ભાષાની શૈલી ઉપર અને ચિંતન ઉપર થવાની જ. તત્ત્વજ્ઞાનની ચર્ચા સંસ્કૃતમાં એક વિશિષ્ટ શૈલીથી થાય છે, પશ્ચિમમાં બીજી શૈલીથી. એની અસર પણ ભાષાંતર દ્વારા એકબીજા પર થાય છે. પરદેશના જે લોકોએ આપણું દાર્શનિક સાહિત્ય વાંચ્યું છે તેઓ હવે પોતાની ભાષામાં નવા નવા સામાસિક શબ્દો ઉપજાવવા લાગ્યા છે. આ રીતે ભાષાંતર એટલે પરસ્પર જીવનદૃષ્ટિ અને સાહિત્યશૈલીની એક જાતની દીક્ષા હોય છે. આ વાત જેઓ જાણે તેઓ ભાષાંતર કરવા બેસતી વખતે ભાન રાખવાના જ કે આપણે એક સાધના કેળવીએ છીએ. પ્રચાર અર્થે ભાષાંતર કવિ, મનીષી, ચિંતક કે વિચારક પોતાની પ્રેરણા પ્રમાણે લખીને એ સાહિત્ય પ્રગટ કરે એટલે એનું કામ પૂરું થયું. બીજી ભાષાવાળાઓને એમાંથી પ્રેરણા મળતી હોય તો તેઓ ભલે અનુવાદકળા કેળવી, પોતાને પસંદ પડે તે સાહિત્ય પોતાની ભાષામાં ઉતારી લે – એ નીતિ આજ સુધી દુનિયાએ ચલાવી ગરજુ લોકો અનુવાદકળા કેળવે, એ એ નીતિનો સાર હતો. પણ માનવજાત એક ડગલું આગળ વધવા માગે છે. બૌદ્ધ, ઇસ્લામી અને વિશ્વાસી ધર્મ જેમ દુનિયાને કહેવા લાગ્યા કે “કોઈને અમારા ધર્મની ગરજ છે કે નહિ એની રાહ અમે નથી જોવાના. જે જીવનસાફલ્ય અમારા ધર્મ મારફતે અમને મળ્યું છે તે અમે દુનિયા આગળ પીરસવાના જ અને દુર્દૈવી લોકો એનું મહત્ત્વ ન સમજે તો એમના ઉપર એ લાદવાનો પુરુષાર્થ પણ કરવાના જ.” એવો રાજસિક સંકલ્પ એ ધર્મના લોકોએ ઉત્સાહભેર કર્યો. હવે એ ચેપ દરેક મહત્ત્વાકાંક્ષી દેશની સંસ્કૃતિને લાગ્યો છે. “અમારું સાહિત્ય તમે વાંચો, અમારું સંગીત સાંભળો, અમારા રાજનૈતિક, આર્થિક અને સામાજિક આદર્શોને સમજી લો અને એના ચાહતા બનો.” –એમ કહી બધાં રાષ્ટ્રનાં રાજ્યો અને ત્યાંની જાહેર સંસ્થાઓ પ્રચાર કરવા લાગ્યાં છે. “અમારી ભાષા શીખીને અમારા સાહિત્યનું સેવન કરશો તો ઉત્તમ. તેને માટે તમને મદદ કરીશું. પણ એ મહેનત તમારાથી ન થાય તો અમારું ઉત્તમ સાહિત્ય, અમારે ખર્ચે, તમારી ભાષા સુધી પહોંચાડી દઈશું. તમારી ભાષા શીખનારા વિદ્વાનો અમારી પાસે છે. અમારી ભાષા જાણનારા વિદ્વાનો તમારે ત્યાં હશે જ. બંનેને સંતોષ થાય એવું પારિશ્રમિક આપીશું પણ અમારું સાહિત્ય તમારા દિલ અને દિમાગ સુધી પહોંચાડી દઈશું.” એવો મિશનરી ઉત્સાહ રશિયા અને અમેરિકા જેવાં રાષ્ટ્રો કેળવી રહ્યાં છે. એમાં નવું કશું નથી. મિશનરી લોકો દુનિયાભરની ભાષા શીખી લોકોને એમની ભાષામાં બાઇબલનો અનુવાદ પહોંચાડતા આવ્યા જ છે. આપણા વિદ્વાનોએ પણ સંસ્કૃત અને પાલિ ભાષાનું સાહિત્ય તિબ્બત અને મૉંગોલિયા સુધી પહોંચાડવાનું કામ કર્યું જ હતું. ત્યારે ગુજરાતી સાહિત્યના સારા સારા નમૂનાઓ હિંદી, બંગાળી, તમિળ કે કાશ્મીરી જેવી ભાષાઓમાં કરી આપવાની અથવા કરાવવાની મહત્ત્વાકાંક્ષા આપણે કેમ ન રાખીએ? પરભાષાનું સાહિત્ય પોતાની ભાષામાં આણવાનું કામ આપણી ગરજે આપણે કરીશું જ. પણ ઉચ્ચ સ્વાર્થથી પ્રેરિત થઈને સ્વભાષાનું સાહિત્ય પરભાષામાં ભાષાંતરિત કરી આપવાનો પરોપકાર પણ કરવાના દિવસો આવ્યા છે. આખા રાષ્ટ્રની હાર્દિક એકતા અને જીવન-સમન્વય સાધવો હોય-emotional integration કરવું હોય-તો અનુવાદ દ્વારા આપ-લેની દ્વિવિધ પ્રવૃત્તિ અખત્યાર કર્યે જ છૂટકો. સાહિત્ય પાછળ સંગીત પણ આવવાનું જ. પણ એની ચર્ચામાં અહીં નહિ ઊતરું. પાઠ્યપુસ્તકો ગુજરાતી ભાષાનો પ્રચાર સંગીન રીતે તમામ ગુજરાતની પ્રજામાં કરવો હોય તો પાઠ્યપુસ્તકોનો સવાલ બધા સાક્ષરોએ નવેસર વિચાર્યે જ છૂટકો. પણ એ સવાલ સરકારી અણઘડ નીતિ અને પાઠ્યપુસ્તકોના સર્જકો, લેખકો અને પ્રકાશકોના નાણાકીય સ્વાર્થ વચ્ચે એવો તો ચોળાયો છે કે આજે એ સવાલ છેડીને હું કાંઈ વિશેષ સેવા કરી શકું એમ મને લાગતું નથી. અત્યારે એક જ ઉપયોગી સૂચના કરવાનું મન થાય છે. વિદ્યાર્થીઓ સાથે જેમનો પ્રત્યક્ષ સીધો પરિચય છે અને જેમનો કેળવણીનો આદર્શ મધ્યમવર્ગના કે પૈસાદાર લોકોનાં બાળકો સુધી સીમિત નથી, એવા કુશળ લોકોએ, સારા સારા લેખકોના ઉત્કૃષ્ટ વિચારોના સુભગસુંદર ફકરાઓ ભેગા કરી એમાંથી પાઠ્યપુસ્તકો જેવી પણ કેવળ વાચનને પ્રોત્સાહન આપનારી અને જ્ઞાનવૃદ્ધિ કરનારી વાચનમાળા તૈયાર કરવી જોઈએ. જે પછાત કોમનાં બાળકોને હજારો વર્ષ પછી પહેલી વાર જ વિદ્યાસંસ્કારો મળવા માંડ્યા છે તેમને માટે ખાસ પાઠ્યપુસ્તકો અને વાચનમાળાઓ તૈયાર થવી જોઈએ. એમને પ્રેરણા મળે એવાં જીવનચરિત્રો પણ એમને અપાય. પણ ખાસ કરીને રહેણીકરણીની સુઘડતા, ગ્રામોદ્યોગનું કૌશલ્ય, આરોગ્ય, કાયદાઓ તેમજ નાણાંવ્યવહાર વિશે સામાન્ય જ્ઞાન આપતી ચોપડીઓ એમને માટે લખાવી જોઈએ અને એ ચોપડીઓમાં પછાત અને ગ્રામીણ લોકોના શબ્દો વધારેમાં વધારે વાપરવા જોઈએ. જમાના પરત્વે અને સ્થાન પરત્વે પરિસ્થિતિ બદલાય છે. તેથી શરૂઆતમાં આવાં પુસ્તકો હજારોની સંખ્યામાં ન જ છપાય અને મોંઘે ભાવે તો વેચાય જ નહિ. એટલે આવાં ખાસ પુસ્તકો સસ્તાં કરવાની બધી યોજનાઓ અમલમાં આણવી જોઈએ. કાયાકલ્પ થયેલી આ પરિષદ જો વિદ્વાનોનો સતત સહકાર મેળવી શકે અને જોઈતાં નાણાં ભેગાં કરી શકે તો પરિષદે પોતાનું એક પ્રકાશનખાતું ચલાવવું જોઈએ અને સારામાં સારા સંદર્ભગ્રંથો અને દુનિયા વિશે માહિતી આપતાં પુસ્તકો અને નક્શાઓ વગેરે છાપવાં જોઈએ. આવી યોજના સફળ કરવા માટે ગુજરાતભરનાં તમામ પુસ્તકાલયો સાથે અને એમના સંગઠન સાથે પરિષદે સંપર્ક સાધવો જોઈએ. મારું ચાલે તો કેળવણી પરત્વે કામ કરનારા તમામ શિક્ષકોને અને પુસ્તકોના ચલણમાં મદદરૂપ થનારા ગ્રંથપાલોને હું પરિષદના સદસ્ય બનાવી દઉં અને એમની પાસેથી નાણાં રૂપે નહિ પણ સેવાના રૂપમાં લવાજમ લઉં. અને સરકારની સંમતિ મેળવી તમામ પોસ્ટમાસ્તરોને પણ પરિષદના સદસ્ય બનાવું, કેમ કે ગામડાંઓમાં અને શહેરથી દૂર એવા પછાત વિસ્તારોમાં સંસ્કૃતિના પ્રતિનિધિ અને સરસ્વતીદેવીના એલચીઓ તરીકે કેવળ એ લોકો જ હોય છે. સાહિત્ય પરિષદ એ લોકો વાટે પ્રજાની અને નવા નાગરિકોની ઘણી ઘણી સેવા કરી શકે અને ગુજરાતમાં કેવળ સેવા દ્વારા અને સંસ્કૃતિના વિસ્તાર દ્વારા પોતે એક જબરદસ્ત શક્તિ બની શકે. સતત પ્રવૃત્તિ સાહિત્ય પરિષદના પ્રમુખે સાહિત્યના તમામ વિભાગોનું નિરીક્ષણ, પરીક્ષણ અને વિવેચન કરવાનું હોય છે એ હું જાણું છું. કોઈ પણ સારા પુસ્તકાલયમાં ગુજરાતી કે બીજી ભાષાની ચોપડીઓનું જે વર્ગીકરણ હોય છે તે સ્વીકારી કવિતા, નાટક, લઘુકથા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, સાહિત્યચર્ચા, કલામીમાંસા, રસવિમર્ષ, સંદર્ભગ્રંથો, અનુવાદો વગેરે વિભાગોની ચર્ચા ભાષણમાં આવવી જોઈએ એ જૂના રાબેતા મુજબ થોડા વિચારો તો મેં રજૂ કર્યા જ છે. પણ એ જૂના ચીલામાંથી બહાર નીકળી, જીવન અને સંસ્કૃતિના વિભાગ પ્રમાણે અને પ્રજાકીય પુરુષાર્થ પ્રમાણે સાહિત્યચર્ચા કરવાનું મેં પસંદ કર્યું છે અને ગાંધીમંડળનો પ્રતિનિધિ હોઈ કેટલીક રચનાત્મક સૂચના પણ કરી છે. ગાંધીજીના હાથમાં કૉંગ્રેસ આવી અને ત્રણ દિવસના મેળાવડાનું એનું રૂપ ફરી ગયું અને આખું વરસ સ્વરાજ્યપ્રાપ્તિ પરત્વે રાષ્ટ્રસેવા કરનારી એ એક જીવતીજાગતી રચનાત્મક સંસ્થા બની ગઈ અને એ સંસ્થા વાટે પ્રજાનું રાજદ્વારી અને રાષ્ટ્રીય જીવન ઘડાયું. હવે એ બધી ઐતિહાસિક વાત થઈ ગઈ છે. ત્યારે શું આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યની જીવતી, જીવનસ્પર્શી અને ચૈતન્યમયી પ્રવૃત્તિને અંગે પ્રજાનું બૌદ્ધિક અને સાંસ્કૃતિક જીવન ઘડવાનો પ્રયાસ આ પરિષદ મારફતે ન કરીએ? વિશ્વભારતી અને સાહિત્ય અકાદમી જેવી પ્રવૃત્તિ ઉપરાંત જીવનભારતીનું કામ પણ સાહિત્ય પરિષદે ઉપાડવું જોઈએ. અમેરિકા જો પોતાના સાહિત્ય દ્વારા આપણા જીવન ઉપર અસર કરવા માગે છે તો આપણે આપણા પડોશીઓની ઓછીવત્તી સાંસ્કૃતિક સેવા કરવાનો આદર્શ નજર આગળ કેમ ન રાખીએ? જે સૂચવે તેણે કરી બતાવવાની તૈયારી રાખવી જોઈએ, એ ગાંધીજીનો આદર્શ હું ભૂલ્યો નથી. અને તેથી જ પરિષદના કાર્યકર્તાઓને કહીશ કે મારી જે સૂચનાઓ ગળે ઊતરે તે અમલમાં મૂકવા માટે તમારે પરિષદ તૈયાર કરવી જોઈએ. આ ઉંમરે, મારું કામ તો સુંદર અને વહેવારમાં આણી શકાય એવું યોજના-ચિત્ર રજૂ કરવાનું જ છે. રચનાત્મક કાર્યનું મહત્ત્વ સમજીને જ ગાંધીજીએ સ્વરાજની પૂર્વતૈયારી રૂપે અનેક સંસ્થાઓ સ્થાપી અને ચલાવી. સ્વરાજ-સરકારે પણ પ્રારંભથી જ પંચવર્ષીય યોજનાઓરૂપી રચનાત્મક કાર્યક્રમના પાયા ઉપર સ્વરાજની અને પ્રજાજીવનના ઉત્કર્ષની ઇમારત ચણવાનો મનસૂબો કર્યો છે. આ જ દિશામાં સાહિત્ય પરત્વે અને સાહિત્ય દ્વારા પ્રજાકીય સાંસ્કૃતિક જીવન ઉન્નત કરવા માટે નક્કર પ્રવૃત્તિ સાહિત્ય પરિષદ શરૂ કરે તો મને પરમ સંતોષ થશે, અને સ્વરાજ મળ્યું તેથી જ આ બધું કરી શક્યા એની ધન્યતા અનુભવતો મારા દિવસો હું પૂરા કરી શકીશ. સ્વરાજ થયા પછી આપણી પ્રજાના પુરુષાર્થને માટે કશી સીમા હોઈ જ ન શકે.