પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૪


૨૪મું અધિવેશનઃ દિલ્હી

अविभक्त विभक्तंषुની – વિવિધતામાં એકતાની યુગયુગથી સાધના કરી રહેલા આપણા ભારતદેશની રાજધાનીમાં આપણે ગુજરાતી બોલનારા ભારતવાસીઓ આ સાહિત્ય-સંમેલનમાં ભેગા મળ્યા છીએ. આપણીસ્મૃતિ-આપણું હૃદય સૌપ્રથમ રાજઘાટ પહોંચી જાય તો એ સ્વાભાવિક છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના સમયમાં આપણા જીવનમાંથી અનેક કલેશો પ્રગટવા પામ્યા. એ શમાવવાના પુરુષાર્થના મહાન પ્રતીક સમું રાજઘાટ છે. પુરાણા સમયમાં એક મહાનુભાવ-શ્રીકૃષ્ણ-યમુનાને તટે જન્મ્યા હતા. જીવનભર ભારતની સેવાનાં કાર્યોમાં ગૂંથાયેલા રહ્યા, ક્યારેય સત્તાસ્થાન સ્વીકાર્યું નહીં. પોતે નિઃશસ્ત્ર રહી લોકકલ્યાણનાં સૂત્રો ધર્મ સંભાળે એ એમણે જોયું અને અંતે સૌરાષ્ટ્રને તીરે પારધીશર ઝીલીને વિદાય લીધી. ધર્મગોપ્તા પુરુષોત્તમના જવાની રાહ જોઈને ઊભેલો, જગતવ્યવહાર પ્રવેશવા ટાંપી રહેલો કલિ પ્રવર્તમાન થયો. આપણા જમાનામાં બીજા એક મહાત્મા સૌરાષ્ટ્રના સમુદ્રતટે જન્મ્યા; નિઃશસ્ત્ર યુદ્ધ જગાવીને માનવધર્મની સ્થાપના કરી સ્વજનની ગોળી ઝીલીને યમુનાને તીરે પોઢ્યા. એક આખું ચક્ર જાણે પૂરું થયું. હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો? માનવજાતના કલહો, સંઘર્ષો આજે તો કદાચ પહેલાં કદી ન હતા તેવા ઘેરા બન્યા છે, કહો કે સતત સર્વનાશના ભય નીચે જીવવાની ટેવ માનવજાતિ અત્યારે કેળવી રહી છે. માનવ-ઇતિહાસની આવી ક્ષણે જો કોઈના મનમાં વિચાર આવી જાય કે સાહિત્ય જેવી સંસિદ્ધિઓનું ખરેખર મહત્ત્વ કેટલું, તો મને નવાઈ ન લાગે. જોકે ખરો પ્રશ્ન તો એ છે કે આ જમાનામાં કે બીજા ઓછા કે વત્તા કસોટીભર્યા જમાનામાં કોઈ કવિ (સૌ સર્જક સાહિત્યકાર-કલાકાર માટે આ શબ્દ હું વાપરું છું) કાવ્યસર્જનને પોતાનું મુખ્ય જીવનકાર્ય બનાવવા શાથી પ્રેરાતો હશે? કવિ જેવા સંવદનશીલ જીવ માટે તો કોઈ પણ સમય એ પૂરતો વિષમ હોવાનો. કંઈ શ્રદ્ધાને જોરે કવિ ચાલતો હોય છે? શ્રદ્ધા શબ્દમાં श्रद् નો અર્થ ‘સત્ય’ આપવામાં આવ્યો છે. શ્રદ્ધા એટલે સત્ય ધારણ કરવું. સંસ્કૃત श्रद् અને લૅટિન credo (= “હું શ્રદ્ધા રાખું છું”) એક છે. મોનિયેર વિલિયમ્સ ગ્રીક kardia (= “હૃદય”) સાથેના સામ્યની સંભાવના ચીંધે છે. વસ્તુનું હૃદય (the heart of the matter) હાથમાં હોવું એનું નામ શ્રદ્ધા. કવિની શ્રદ્ધા શી હોય છે? કવિની શ્રદ્ધા શબ્દમાં છે, બલકે એની શ્રદ્ધાના બીજા પહેલુઓ દેખાય તો તે બધા પણ મૂળમાં પડેલી શબ્દમાંની એની શ્રદ્ધા સાથે સંકળાયેલા છે. શબ્દ માણસે ઉપજાવ્યો હોય ભલે ઉપયોગ માટે, પણ કવિતામાં એનો ઉપયોગ એણે આનંદ માટે કર્યો છે. સંભવ છે કે શબ્દના જન્મથી જ એની આનંદ આપવાની શક્તિ માણસને મુગ્ધ કરી રહી હોય. પહેલવહેલો શબ્દ યોજનારની જીભ ઉપર એનો સ્વાદ કેવો વળગી રહ્યો હશે એનો કંઈક ખ્યાલ બાળકોને નવા નવા શબ્દને વારંવાર જીભ પર રમાડતાં જોઈને આવે છે. છેક નાનપણની મારી એક સ્મૃતિ એવી છે કે મારી બા કોઈને મારે વિશે કહેતાં હતાં – મને એમનો અવાજ સંભળાય છે – કે જો ને આ “હમણાં”ને બદલે “અત્યારે” કહે છે. કોણ જાણે મને એ “અત્યારે” શબ્દ બોલવાનું એટલું બધું ગમતું હતું કે બસ કોઈ કેફમાં હોઉં એમ આખો વખત “અત્યારે”, “અત્યારે” બોલ્યા કરતો હતો. પણ વ્યવહારમાં યોજાતાં, શબ્દો લપટા પડી જતા હોય છે. આખાં ને આખાં શબ્દઝૂમખાં, વાક્યોનાં વાક્યો કેવળ માનસિક અચેતનતાના –વિચારહીનતાના પુરાવા સમાં ઉદ્‌ગારાઈ રહ્યાં હોય છે, મગજને કશી જ તસ્દી આપ્યા વગર, આયતાં મળેલાં વચનોનું શુક્રોચ્ચારણ થઈ જતું હોય છે. એક ગુજરાતી લેખકે રિક્ષાવાળા સાથેનો એક મુસાફરનો આખો ઝઘડો છાપાંનાં મથાળાંની ભાષામાં નિરૂપીને આ પરિસ્થિતિની હાસ્યાસ્પદતા સારી રીતે પ્રગટ કરી હતી. કવિની રચનામાં શબ્દે શબ્દ જીવંત હોય છે. કવિ કેવળ લોકબોલી (dilect)નો ઉપયોગ કરતા નથી. ઊંડામાં ઊંડી વ્યક્તિવિભાષા (idiolect; idioma-વ્યક્તિ) વાપરી રહ્યો હોય છે. કાવ્યમાં એકએક શબ્દ પોતાની અર્થચ્છાયા-પોતાના અર્થરણન સાથે જાણે કે નવો અવતાર પામે છે. આમ, કવિ માનવવાણીને સંજીવની પાય છે. જે ભાષામાં કવિતા રચાવી બંધ થાય તે અનુર્વર બની જાય, ખોટવાઈ ગયેલા યંત્ર સમી માનવસમાજને કશા ખાસ કામની ન રહેવા પામે. કવિનો શબ્દ પોતાનું આગવું બળ મેળવે છે આખા સંદર્ભમાંથી. એથી તો કોષમાં આપેલો શબ્દનો અર્થ, કવિતાને પામવાના આપણા પ્રયત્ન વખતે, કાંઈક અપૂરતો હોય છે; એટલું જ નહિ, પણ કોઈ વાર ભ્રામક પણ હોય છે. કાવ્યના કુલ અર્થસંદર્ભના પ્રકાશમાં કાવ્યના પ્રત્યેક શબ્દની અર્થસંપત નક્કી થતી હોય છે. શબ્દ એ મૂળ તો અવાજ છે અને અર્થનો સંકેત કરે છે. કાવ્યનો સમગ્ર શબ્દસંદર્ભ જે આનંદ-વસ્તુ બની રહે છે તેમાં એનું નાદતત્ત્વ એ માત્ર ભૂમિકા જ પૂરી પાડે છે એવું નથી, એ પોતે એક મહત્ત્વનો ઘટક અંશ બની રહે છે. કાગળ શોધાયો, લિપિ શોધાઈ, મુદ્રણયંત્ર શોધાયું, અને આપણે ચશ્માં ચઢાવીને કવિતા વાંચીએ છીએ, પણ આંખ તો બિચારી બધું તરત જ અંદરા કાનને સોંપી દેતી હોય છે. પણ કાનથી જ નહીં કવિતા લોહીથી વાંચવાની હોય છે. કોઈ અદ્‌ભુત કાવ્યકૃતિનાં બ્રહ્માંડક ભરી દે એવો રણકો હોય, પણ પહેલો એ ઊઠે છે આપણા લોહીમાંથી. કાવ્યને એક શબ્દનિર્મિત તરીકે જોઈએ છીએ ત્યારે એ કાવ્ય હોય છે એમાં કદાચ ઘણો બધો ફાળો એના સંગીતતત્ત્વનો લાગે છે. ललितलवंगलतापरिशीलन-જેવી લચકીલી સંગીતભંગિઓની વાત નથી કરતો. संगीताय प्रहतमुरजाः જેવામાં કાલિદાસ જેવા ચોથી શ્રુતિ લઘુ રાખી તે પછી જોડાક્ષર યોજીને, ઢોલકઃઉપર કોઈષ માથું એક તરફ નમાવી દાંત ભીડીને થાપી મારતું હોય એવો અનુભવ પ્રત્યક્ષ કરાવતા હોય તેની પણ અહીં વાત નથી. વેદના ઋષિ नादो नदस्य એ ઉદ્‌ગાર દ્વારા એક મહાખીણ ભરીને ગાજતા, એ ખીણથી એ ખુલ્લા ગગનમાં ઊભરાતા છલકાતા નાદથી પોતાના આત્માને ભરી રહે છે એનું પણ સ્મરણ કરવાનો ઉપક્રમ નથી. આ અને ગૌડી-વૈદર્ભી રીતિઓનાં પોતપોતાનાં આગવાં પ્રદાનો એ બધું ય કાવ્યકૃતિમાં હશે. પણ જે સૌથી મોટી વસ્તુ છે તે તો આખા કાવ્યની એક કલાકૃતિ તરીકે જે સંગીતમયતા છે તે છે. દરેક કાવ્યકૃતિની એક ગુંજ હોય છે, અને એ પ્રગટતી હોય છે કવિની સર્જક વ્યક્તિતાના કેન્દ્રમાં રહેલી સંગીતિમાંથી. છંદ એને માટે અનિવાર્ય છે એવું નથી, જોકે છંદ આખી રચનામાં સંયમ, વ્યવસ્થા, પુનરાવર્તનને લીધે ઊપજતી એક જાતની ભૂરકી એ બધાનો સહેજે લાભ મેળવી શકે છે. પણ આપણા અનેક આચાર્યોએ काव्यं गद्यं पद्यं च- કાવ્ય પદ્યમાં તેમજ ગદ્યમાં હોય એમ કહ્યું છે. મુક્ત છંદ યોજીને અથવા છંદોમુક્તિ મેળવીને પણ કાવ્ય રચના થઈ શકે. પણ આજે જેને “અછાંદસ” કહીએ છીએ તે રચનાઓ નકાર દ્વારા પણ છંદનું સૂચન કરે છે, કારણ કે ગદ્ય કરતાં એ બિલકુલ ભિન્ન હોય છે. ગદ્ય ખંડ કરતાં એમની ગુંજ જુદી તરી આવતી હોય છે. આપણી બોલચાલની ભાષાનો નાદવૈભવ તો ગદ્યખંડ કે ગદ્યદેહધારી કાવ્યને મુકાબલે સામાન્ય રીતે પાતળો હોવાનો. તેમ છતાં આધુનિક યુગનું એ એક વલણ રહ્યું છે કે સામાન્ય બોલચાલની ભાષા (પદ્યનાટકમાં તો સવિશેષ) યોજવી. પદ્ય એવું શોધવું જે બોલચાલની ભાષાના સીમાડા પર ચાલે અને જરૂર પડ્યે પંખાળા ઘોડાની જેમ ઉડ્ડયન કરી શકે. ‘ભાષા પામવી શી રીતે?’-ફ્રેંચ કવિ રીમ્બો મૂંઝાઈને પૂછે છે. વર્ડ્ઝવર્થે કહેતાં કહી દીધું હતું કે સામાન્ય માનવીની ભાષા કાવ્યમાં અપનાવવી. પણ કવિ અપનાવે એટલે સામાન્ય માનવીની ભાષા સામાન્ય રહેવા પામતી નથી. વર્ડ્ઝવર્થનું જ એક કાવ્ય શરૂ થાય છેઃ I wandered lonely as a cloud-“ રખડતો’તો એકલો વાદળ સમો હું.” રખડતો’તો – એ તો ગમે તે બોલી બેસે. ‘એકલો’ પણ વસ્તુસ્થિતિ જણાવતાં અથવા કાંઈક આત્મદયા પ્રગટ કરવા જતાં કોઈ ઉમેરે. પણ ‘વાદળ સમો’ એવું સામાન્ય માનવી ન બોલે. ‘રખડતો’તો એકલો’ એટલું આપણા સૌની જેમ કહ્યા પછી કવિની વાણી તરત જ ‘ટેક-ઑફ’ – ઉડ્ડયન કરે છે ‘as a cloud’ – ‘વાદળ સમો’. શબ્દો સામાન્ય માનવી વાપરતો હોય એવા સાદા હોય એ સાચું, પણ કવિ યોજે ત્યારે આખી શબ્દરચના અસામાન્ય બની જતી હોય છે, અને એમાં મુખ્ય અર્પણ કવિની શબ્દરચનાના નાદતત્ત્વ ઉપરાંત એની ચિત્રો દ્વારા – કલ્પનો (images) દ્વારા કામ લેવાની શક્તિનું હોય છે. કવિ માત્ર હકીકતકથન કરતો હોતો નથી, સાક્ષાત્ કરાવતો હોય છે. ‘રખડતો’તો એકલો’ એટલું કહ્યે એનું મન માનતું નથી, ‘વાદળ સમો’એ ઉપમા દ્વારા એ આપણને આખી પરિસ્થિતિ પ્રત્યક્ષ કરાવે છે. કલ્પનો, ઉપમા રૂપક આદિ કાવ્યની વાણીની અલૌકિકતા અર્પે છે. કાવ્યદેહે લોકવાણી અલૌકિકતા ધારણ કરે છે. કાલિદાસનો કામી નાયક દુષ્યન્ત, શકુન્તલાના દર્શને नवमनास्वादितरसम् એ રૂપકથી પોતાનો મનોભાવ પ્રગટ કરે છે. રાજપીપળાનાં જંગલોનો કોઈ અનામી લોકકવિ એ જ ભાવ

કોરી ગાગેર મધે ભરી,
કાંઈ ઉપર ચીતર્યા મોર.

– એ ચિત્રથી તરતો મૂકે છે. કાવ્યની ભાષા પ્રત્યક્ષીકરણમાં રાચે છે. પદે પદે આકારો સામે મળવાના. પણ જેમ દરેક શબ્દના કે પંક્તિના પોતાના સંગીત કરતાં આખી કૃતિની સંગીતમયતા એ મુખ્ય છે, તેમ કાવ્યમાં સતત ડોકિયાં કરતા અનેક આકારો કરતાં આખી કાવ્યકૃતિની આકૃતિ એ મહત્ત્વની વસ્તુ છે. કાવ્યનો શબ્દસંદર્ભ શબ્દનાં બે તत्त्व वाक् અને अर्थનો – નાદસંદર્ભ અને અર્થસંદર્ભનો – બનેલો હોય છે અને એ બંને કાવ્યમાં, બલકે કાવ્ય રૂપે, અર્ધનારીનટેશ્વરની જેમ संपृक्त – એકાકાર થઈ ગયેલાં જોવા મળે છે. આ એકાકૃતિ એ કાવ્ય છે. આસ્વાદની ક્ષણે એ એકાકૃતિ આપણા અનુભવનો વિષય બને છે. પણ એ અનુભવ પૂરો થયા પછી જ્યારે કાવ્યશાસ્ત્રવિનોદ કરતા હોઈએ છીએ ત્યારે કાવ્યનાં ભિન્ન ભિન્ન ઘટકતત્ત્વો આપણી ગોષ્ઠિનો વિષય બને છે. આસ્વાદ એકાકૃતિનો, વિવેચન અંશોનું. વિવેચન ઉપર આ હંમેશનો શાપ છે કે એણે સમગ્રાકૃતિ, જે તો આસ્વાદક્ષણે જ અનુભવગમ્ય હોય છે, તેને છોડીને કાવ્ય અંશોની વાતો કરીને સંતોષ માનવો રહે છે. આમાં મુખ્યત્વે સામગ્રી અને આકાર એવા બે માર્ગે વિવેચન વળી જતું જોવા મળતું હોય છે. પણ હમણાં જ જોયું તેમ આકૃતિ એ શબ્દની – નાદ અને અર્થની – સર્વ સામગ્રીમાંથી નીપજતી હોય છે. આકાર એ આંખનો વિષય છે; અને શિલ્પ, સ્થાપત્ય આદિ આંખની કળાઓના આકારની વાત કરીએ છીએ ત્યારે આકાર માટે કામમાં લીધેલી નોખી સામગ્રીનો વિચાર કરવો શક્ય છે. પણ કવિતા કાનની કળા છે. એને માટે ‘આકાર’ શબ્દ વાપરીએ ત્યારે શિલ્પ-સ્થાપત્યની જેમ તેની સામગ્રીનો ખ્યાલ કરવો યથાર્થ નહીં લેખાય, કેમ કે કવિતા શિલ્પ-સ્થાપત્યના જેવી ચક્ષુગમ્ય કળા નથી, પણ સમયમાં વિસ્તરતી રચના છે અક્ષર પછી અક્ષર, શબ્દ પછી શબ્દ, વાક્ય પછી વાક્ય એમ સમયમાં આગળ વધતો આખોય શબ્દસંદર્ભ એકવાક્યતા-એકાકૃતિતા પામે ત્યારે એ કાવ્ય બને છે. કવિતા માટે આંખનો શબ્દ ‘આકાર’ આપણે ભલે વાપરીએ, એ આકારમાં એકેએક શબ્દના નાદ અને અર્થનું પૂરેપૂરું અર્પણ છે. એકેએક શબ્દની નાદસંપત્તિ અને અર્થસંપત્તિએ જ ક્રમેક્રમે આકૃતિ ઉપસાવી હોય છે, એટલે કવિતામાં શિલ્પ-સ્થાપત્યની જેમ આકારથી જુદી સામગ્રી વિચારવાનું રહેતું નથી. કાવ્યમાં આકાર બહિરંગ નથી, અંતરંગ છે. કવિની પ્રથમ પહેલી શ્રદ્ધા શબ્દમાં એટલે કે એ શબ્દના કાવ્યરૂપમાં – કલા-આકારમાં છે. પણ કાવ્યનો શબ્દસંદર્ભ એ નાદસંદર્ભ અને અર્થસંદર્ભનો બનેલો છે, અને અર્થસંદર્ભમાં કવિએ સંવેદેલો ભાવસંદર્ભ, ભાવનાસંદર્ભ અને શબ્દ સમાજની સરજત હોઈ આખોય સમાજસંદર્ભ પ્રવેશતો હોય છે. કાવ્યની આકૃતિ બંધાવા પામે એમાં આ બધાં વાનાં ભાગ ભજવી ચૂક્યાં હોય છે. કવિનું ભાવસંવેદન, કવિની ભાવનાસંપત્તિ, કવિનું ધર્મદર્શન એ ઉત્કટ અને ગહન હોય તો તેનો પાસ એની કવિતામાં વરતાયા વગર રહેવાનો નહીં. એના સામાજિક ખ્યાલો, તત્ત્વજ્ઞાનવિષયક માન્યતાઓ એ પણ એની કવિતામાં અંશભૂત થવાનાં. આ બધી વસ્તુઓ એની રચનાને વધુ માતબર કરી રહેતી હોય એવું પણ જોવા મળે છે. તે તે અંશ કવિની રચનાને એકાકૃતિ થવા આડે પણ આવી શકે, પણ જે દાખલાઓમાં સફળ એકાકૃતિ થવા પામતી હોય છે, તેમાં જે કાવ્યમાં આ બધાં વાનાં વધુ પ્રમાણમાં પ્રવેશ્યાં હોય છે તે બીજાં કાવ્યો કરતાં વધુ સમૃદ્ધ રચના નીવડવા સંભવ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે કવિની પોતાની એક માનવ તરીકેની માન્યતાઓ, ફિલસૂફી, શ્રદ્ધા હોય તો તેનો એના કાવ્ય સાથે કેવા પ્રકારનો સંબંધ હોય છે? કવિ તરીકે એને જેમાં શ્રદ્ધા છે તે તો છે શબ્દ, બલકે શબ્દસંદર્ભ, કાવ્યકૃતિ – જેનું એ સર્જન કરતો હોય છે. એના શબ્દની સધ્ધરતા-પ્રમાણભૂતતા (validity) તો એ કાવ્યકૃતિ હોય એમાં છે, પણ સાથેસાથે એનું મૂલ્ય (value) પણ ધ્યાનમાં લેવાયા વિના રહેતું નથી. કાવ્ય એ એક સ્વયંપર્યાપ્ત, આત્મનિર્ભર સૃષ્ટિ છે અને એનું મૂલ્ય કાવ્યેતર કારણો પર આધારિત ન હોવું જોઈએ એ વિચારનો આગ્રહ, કાવ્યમાં ભળતી વસ્તુઓ પ્રવેશી જતી જણાય ત્યારે સાહિત્યજગતમાં રાખવામાં આવતો જોવા મળતો હોય છે, અને કલા ખાતર કલા જેવા આત્યંતિક વાદનું સ્વરૂપ પણ ધારણ કરતો હોય છે. પણ કાવ્ય તરીકેની પ્રમાણભૂતતા (validity) અને મૂલ્ય (value) પરસ્પર વિરોધી વસ્તુઓ નથી. એ બે અંગ્રેજી શબ્દોનો એક જ લૅટિન ધાતુ valere (= મજબૂત હોવું) સાથે સંબંધ છે. જે કારણોએ કાવ્યની કલાકૃતિ તરીકે ‘પ્રમાણભૂતતા’ દૃઢ બને છે તેમાં ‘મૂલ્ય’નો પણ ફાળો સંભવે છે. જે કવિઓ શતાબ્દીઓ સુધી, સહસ્રાબ્દીઓ સુધી માનવજાતને વહાલા થઈ પડ્યા છે તેમની કાવ્યરચનાઓ જોઈએ છીએ તો તે કલાકૃતિઓ તરીકે તો સંગીન હોય છે જ, પણ તે ‘કાવ્યરચનાઓ’નું મૂલ્ય પણ માનવજાતિને હૈયે વસ્યું હોય છે. એથી એલિયટે સૂચવ્યું કે કોઈ કૃતિ એ કાવ્ય છે કે કેમ એ કાવ્યકલાનાં ધોરણે નક્કી થાય, પણ એ કાવ્યકૃતિ મહાન છે કે કેમ તે તો જીવનના સંદર્ભમાં જ નક્કી કરવાનું રહે. બીજી લલિતકળાઓમાં શુદ્ધ કળા સિદ્ધ કરવાનું સંભવિત હશે તેટલું કાવ્યકળામાં નથી. કવિનું માધ્યમ શબ્દ એ સામાજિક નીપજ હોઈ એના અર્થ-અંશમાં સમાજને અનેક બિંદુએ સ્પર્શતો સંદર્ભ પ્રવેશે છે. કવિની જીવનદૃષ્ટિ, કવિની માનવી તરીકેની શ્રદ્ધા – એનો સ્પંદ પણ એ અર્થઅંશમાં વરતાવાનો શબ્દ કાવ્યમાં એનો એ રહેતો નથી, સંદર્ભવશાત્ બદલાય છે. તે છતાં કવિ માટે એના વિશિષ્ટ માધ્યમને કારણે, ‘શુદ્ધ કવિતા’ એ લગભગ અશક્ય આદર્શ છે. શબ્દના નાદસંદર્ભને સૂક્ષ્મ રીતે યોજીને, અર્થસંદર્ભને ભોગે પણ ભાષાના સંગીતતત્ત્વનું અવલંબન લઈને, કલાકૃતિ આપવા જતાં માલાર્મે જેવા કવિને અપૂર્વ પ્રકારની સફળતા મળવા છતાં એવી કાવ્યસૃષ્ટિ અંગત બની જવાનો ભય રહે છે. અર્થસંદર્ભને પોતાનાં આગવાં પ્રતીકો દ્વારા સૂક્ષ્મ રીતે યોજવા જતાં રિલ્કે જેવા કવિની રચનાઓને માટે પણ એવો જ ભય ઊભો થાય છે. કાંઈક સમતુલાની કવિતાકલામાં અપેક્ષા છે, લૅટિન ભાષામાં vates શબ્દ કવિ તેમજ પયગંબર બંને માટે વપરાયો છે. કવિએ નર્યા કાવ્યકલાના ઉપાસક બનવાનું નથી, કેવળ પયગંબર બનવાનું નથી, કદાચ બંને એકીસાથે બનવાનું છે. રીમ્બો, એથી અનુરોધ કરે છેઃ ‘હું કહું છું કે આપણામાં જોવાની દર્શનની શક્તિ હોવી જોઈએ. આપણી જાતને આપણે દ્રષ્ટા બનાવવા જોઈએ.’ શંકરે વ્યાખ્યા આપી જ છે कविः कान्तदर्शी – આરપાર જોઈ શકે એ કવિ. સાહિત્યાચાર્ય ભટ્ટતૌતે કહ્યું છે नानृषिः कविः-ઋષિ નથી તે કવિ નથી. ऋषिश्च किल दर्शनात् – ઋષિ બને છે દર્શનની શક્તિથી. दर्शनात् वर्णनात् चाथ कविः- કવિ બને છે દર્શનની શક્તિની સાથે સાથે વર્ણનની શક્તિ હોય ત્યારે. કાવ્યમાં દર્શન સીધેસીધું નહિ પણ વર્ણનરૂપે – પ્રત્યક્ષીકૃત વસ્તુરૂપે હોય. કાવ્યમાં વિચારોના સ્ફટિકો ન રહેવા પામ્યા હોય, ઊર્મિદ્રવરૂપે એ પ્રસ્તુત થયા હોય. વિચાર બુદ્ધિનો વિય જ ન રહેતાં લાગણીવત્ બનીને મૂર્તતા પામતો હોય. કાવ્યમાં thinking એટલે thinging: વિચારણા એટલે વસ્તુનિર્મિતિ. આપણા જ્ઞાની કવિઓમાં આનાં અનેક ઉદાહરણો મળે છે. નરસિંહ મહેતા આ આખા વિશ્વપ્રપંચ અંગેનો પોતાનો ખ્યાલ માત્ર પાંચ શબ્દોમાં એક અપૂર્વ ચિત્ર આપણી આગળ ખડું કરી દઈને આપે છેઃ

બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

કબીરસાહેબ માયાની અપરંપાર શક્તિનો એક આબેહૂબ ચિત્ર આંકી આપીને નિર્દેશ કરે છેઃ

रमैयाकी दुल्हनने लुटल बजार ।

પરમાત્માની નવવધૂએ આખી બજારમાં લૂંટંલૂંટા કરી દીધી છે, મોટા મોટા મુનિઓ, તપસીઓ, સિદ્ધોની બધી સંપત પડાવી લીધી છે, એ કાંઈક હાસ્યપ્રેરક ચિત્ર માયાના દુર્દમ્ય સામર્થ્યને સચોટ રીતે પ્રત્યક્ષ કરાવી રહે છે. કાવ્યમાં જે સંક્રાન્ત કરવાનું છે તે તો છે કાવ્ય-ફિલસૂફીસંભાર નહીં. પ્રાપ્ય છે કાવ્યાનુભૂતિ, માત્ર તત્ત્વવિચાર નહીં. કાવ્ય, આનંદશંકર ધ્રુવે દર્શાવ્યું છે તેમ, अमृता आत्मनः कला – આત્માની અમૃત (૧. અમર, તેમજ ૨. સુધામયી) કલા છે. કાવ્ય આપણી માત્ર લાગણીને, આપણી માત્ર બુદ્ધિને કે આપણી માત્ર સંકલ્પશક્તિને સ્પર્શતું નથી, આપણી સમગ્ર સંવિતને, આપણા આત્માને વ્યાપી વળે છે. કાવ્યના પણ એકાદ અંશને જ આપણે આસ્વાદતા નથી. કૃતિની અખિલાઈને આપણા વ્યક્તિત્વની અખિલાઈ વડે આપણે અનુભવીએ છીએ. એક ઉત્તમ કાવ્યના અનુભવ પછી, આપણું ઊર્મિતંત્ર કે વિચારતંત્ર વધુ સમૃદ્ધ થયું એટલું જ બનતું નથી, આપણું આખુંય સંવિત્‌તંત્ર, આપણી સમગ્ર ચેતના, કહો કે નવો અવતાર પામે છે. જે કાવ્યની આવી ફલશ્રુતિ હોય છે, તના અર્થસંદર્ભનાં ભાવ, ભાવના, તત્ત્વવિચાર, ધર્મ, માન્યતા, શ્રદ્ધા, જીવનદૃષ્ટિ આદિ પરિમાણો ઠીકઠીક કાર્યક્ષમ પ્રમાણમાં સ્ફુટ થયેલાં હોય છે. ભાવ જેમ કાવ્યમાં પ્રવેશતાં સાધારણીકરણને પામે છે, તેમ બીજાં વાનાંનું પણ કાવ્યમાં પરિવર્તન થયા વગર રહેતું નથી. દા. ત., કવિની એક માનવી તરીકેની શ્રદ્ધા એ ને એ રૂપે કાવ્યમાં સ્થાન પામી શકતી નથી, એ પરાવર્તિત – પરિવર્તિત થવાની જ. એથી તો કાવ્યમાં, એની માનવ તરીકેની શ્રદ્ધા એ સંગીન છે કે કેમ એ વાતનું એવું મહત્ત્વ નથી. મહત્ત્વ છે કાવ્યમાં શ્રદ્ધાની ઉપસ્થિતિનું અને એ શ્રદ્ધાવસ્તુ કાવ્યમાં પ્રતીતિકર રીતે પ્રત્યક્ષીકૃત રૂપે પ્રસ્તુત કરવામાં આવી છે કે નહીં એ વાતનું. આપણને કાવ્યાસ્વાદક તરીકે કાવ્યજગતમાંની એની પ્રતીતિકરતા પર્યાપ્ત છે. ભાવક તરીકે કે માનવ તરીકે કાવ્યમાંની કવિની શ્રદ્ધા સાથે આપણો મેળ ન હોય તોપણ કશો અંતરાય નડતો નથી. આપણને કવિની શ્રદ્ધામાં રસ ન હોય તેથી કાવ્ય આપણા મનથી ઊતરી જતું નથી. તાજમહાલ બિન-મુસ્લિમો માટે કે નટરાજની મૂર્તિ બિન-હિંદુઓ માટે પૂરતાં મનભર બની રહે છે. એ જ રીતે કોઈ કવિની માનવ તરીકેની શ્રદ્ધામાં આપણને રસ છે એટલા જ ખાતર, જો એ એની કૃતિમાં પ્રતીતિકર રીતે પ્રસ્તુત થવા પામી નહીં હોય તો, એનું કાવ્ય આપણા મનમાં કાવ્ય તરીકે વસવાનું નહીં. કવિની એક માનવી તરીકેની શ્રદ્ધાની મૂલ્યવત્તા કે સચ્ચાઈ ઉપર એની કાવ્યકૃતિના મૂલ્યોનો આધાર નથી. કાવ્ય વાંચતાં, કોલરિજ કહે છે તેમ, આપણે આપણી માન્યતા કે શ્રદ્ધાના અભાવને સ્વેચ્છાપૂર્વક અંતરિયાળ ટિંગાડી રાખવાનો હોય છે, એનો અર્થ એટલો જ છે કે કવિ પોતાની શ્રદ્ધા પ્રતીતિકર રીતે પોતાની કાવ્યસૃષ્ટિમાં આપણી સમક્ષ નિરૂપતો હોય છે, એટલે આપણને એ બાધાકર નીવડતી નથી. જ્યાં સુધી કવિ પોતાની રચનામાં કલ્પનો, ચિત્રો દ્વારા બધું પ્રતીતિકર રીતે રજૂ કરી શકે ત્યાં સુધી એ શ્રદ્ધા એની પોતાની છે કે ઉછીની લીધેલી શ્રદ્ધાસામગ્રી છે એનો પણ વાંધો હોઈ શકે નહીં. કવિ પોતે બે કાવ્યમાં જુદા જુદા એકમેકથી વિરોધી શ્રદ્ધાબિંદુએ ઊભો હોય તોપણ ઘટના નિર્વાહ્ય બને છે. બલવંતરાયને આર્યસંસ્કૃતિ માટેનો પ્રેમ ‘આરોહણ’માં અને આર્યસંસ્કૃતિ માટેની તીખી ટીકાવૃત્તિ ‘ચોપાટીને બાંકડે’માં ખાસ્સાં કામ આપે છે. સંશય, અશ્રદ્ધા એ પણ એક શ્રદ્ધાબિંદુ જ છે. બલવંતરાયકૃત ‘ચોપાટીને બાંકડે’ અને ખાસ તો ‘અયિ શાપું તને’ એ કાવ્યો જોવાથી એ સમજાશે. જમાને જમાને કવિતારીતિ પલટાતી જતી હોય છે. સામાન્ય રીતે સાહિત્યચર્ચા છંદ, ભાષા, અલંકાર, શૈલી, આકૃતિ એ બધાં અંગે ચાલતી હોય છે. પલટાઓ પાછળ જીવન અંગેની શ્રદ્ધામાં થયેલાં પરિવર્તનોનો ભાગ જેવોતેવો હોતો નથી. દા. ત. કાવ્યમાં આકૃતિ અને ભાષાની ઇબારત ઉપરની ચર્ચામાં જૂની જીવનદૃષ્ટિને, જૂના જીવનાભિગમને કાવ્યેતર તત્ત્વ માનીને વેગળું રાખવામાં આવે, પણ આકૃતિ, કાવ્યભાષા આદિની એ ચર્ચા તપાસવા જતાં જીવનદૃષ્ટિના પરિવર્તનની – નવીન જીવનદૃષ્ટિઓની ‘કાવ્યેતર’ વાત પ્રાધાન્ય ભોગવતી જણાશે. મુખ્યત્વે તો જીવનાભિગમ પલટાવાને કારણે નવી રીતિ આવતી હોય છે, અને આગલી જીવનદૃષ્ટિનો વિરોધ આગલી ભાષાછંદરચનાના વિરોધ જેટલો જ જાગતો હોય છે. આથી દરેક નવીન રીતે પોતાનો ફાળો આપીને ચાલી જાય ત્યારે એની પ્રેરક જીવનદૃષ્ટિ જે કૃતિઓમાં ઉભડક રહી હોય, કાવ્યરૂપ પામી ન હોય, તે તરત જ ફીકી પડવા માંડે છે. કોઈ ને કોઈ જીવનદૃષ્ટિ કે શ્રદ્ધા એ કાવ્યરચનામાં અભિપ્રેત હોય જ છે. કોઈ વખતે એ શ્રદ્ધાના અભાવરૂપે કે જીવનદૃષ્ટિના વિરોધ રૂપે પણ પ્રગટ થાય. આજના સમયમાં ‘ધ થિયેટર ઑફ ધ ઍબ્સર્ડ’ એ પ્રચલિત-પરિચિત શ્રદ્ધાઓના શીર્ષાસન રૂપ હોવા છતાં પોતે પણ એક નવતર શ્રદ્ધા છે, શ્રદ્ધાને વિચલિત કરનારું જે કંઈ જ્યાં કાંઈ પડ્યું છે તે ત્યાં પકડી પાડવામાં યુરોપ પાવરધું છે. એમાં ખોટું પણ નથી, ભ્રમદાસ ન રહેવાની ચીવટ અને શ્રદ્ધા એ બંને વસ્તુ સાથે જરૂર હોઈ શકે. બલકે હાર્ડી કહે છે તેમ જો શુભતર તત્ત્વ ભણી જતો માર્ગ હોય તો તે અતિદુરિતને બરોબર નજરમાં માપી લેવાનું માગી લે છે. – ‘….if way to the Better there be, it exacts a full look at the Worst.’ એલિયટે આ સદીમાં કાવ્યરચનાની ઇબારત ફેરવી નાખી અને એમને દુનિયાભરમાં કવિકુલગુરુનું પદ સ્વીકારવાનું આવ્યું. માનવી અને કવિ તરીકેની એમની શ્રદ્ધા એમની રચનાની નવીનતા અને આધુનિક જીવનનાં સુરેખ ચિત્રણોની આડે એલિયટ-પદ્ધતિના સૌ અનુયાયીઓને પૂરેપૂરી સમજાઈ હશે કે કેમ એ પ્રશ્ન છે. કોલિંગવૂડ પોતાના ‘કલાના સિદ્ધાંન્તો’ નામના ગ્રંથની પૂર્ણાહુતિમાં ખાસ નોંધે છે કે “આ જમાનામાં એક મહાન કવિ એવો છે કે જેણે ‘શુદ્ધ સાહિત્ય’ની એક પંક્તિ પણ પ્રસિદ્ધ કરી નથી.” આપણા જમાનાનો સડો એ એલિયટની કવિતાનો વિષય બને છે એમ દર્શાવીને એ કવિને માટે કહે છેઃ કવિએ પોતાના શ્રોતૃવૃંદના મુખ બનવું જોઈએ, તેની પાસેથી જ પોતાનું વિષયવસ્તુ મેળવવું જોઈએ. એ વિષયવસ્તુ પયગંબરી હોવું જોઈએ. એનો અર્થ એ નહીં કે એણે ભવિષ્યની વાતોની આગાહી કરવાની છે, પણ એણે શ્રોતૃસમાજની ખફગી વહોરીને પણ એમના હૃદયનાં રહસ્યો કથવાનાં છે. એક કલાકાર તરીકે એનું કામ છે બોલી નાખવાનું, પેટછૂટી વાત કરવાનું. પણ એણે પોતીકા જીવનનાં રહસ્યો ઉદ્‌ગારવાનાં નથી. સમાજના મુખ તરીકે એણે જે રહસ્યો ઉચ્ચારવાં જ જોઈએ તે છે સમાજનાં માનવીઓનાં. તેઓને એનો ખપ છે તે એટલા માટે કે કોઈ પણ સમાજ પોતાના હૃદયને જાણતો હોતો નથી. અને આવા વિષયમાં અજાણપણું એ મૃત્યુ સમું છે. આ અજ્ઞાનમાંથી જે અનિષ્ટો પ્રગટે છે તેને માટે કવિ એક પયગંબર તરીકે કોઈ ઇલાજ સૂચવતો નથી, કેમ કે એણે એક ઇલાજ આપ્યો જ હોય છે. ઇલાજ છે કવિતા પોતે. કળા એ ચિત્તના ખરાબમાં ખરાબ રોગની – ચેતનાની વિકૃતિની – સમાજે કરેલી ઔષધિ છે. કોલિંગવૂડ કલાને સમૂહપ્રવૃત્તિ માને છે. એક કાવ્ય રચાય તેમાં તે તે શબ્દના પ્રથમ ઉદ્‌ગારનારનો અને જીવંત રાખનારનો, કવિ ઉપર પ્રભાવ પાડનારાં અનેક મહાનુભાવોનો – શ્રોતૃસમાજનો પણ ફાળો હોય છે. ‘શુદ્ધ કવિતા’નાં મૃગજળ પાછળ દોડવાની એ ના પાડે છે. કવિતાકળાએ, પોતાના માધ્યમ શબ્દને કારણે, અર્થસંદર્ભમાં પ્રવેશતા અનેક પ્રકારના સંમિશ્રણને નભાવી લીધા વગર છૂટકો નથી એ તો ખરું જ, એની એક કળા તરીકેની શ્રેષ્ઠતામાં એ સંમિશ્રણ ઉપકારક પણ નીવડે એ વાત પણ સમજવી રહે છે. કવિ પોતાના યુગ સુધી માનવજાતિએ સિદ્ધ કરેલા જીવનદર્શનને આત્મગત કરી શકે અને એને અભિવ્યક્તિ આપી શકે ત્યારે એની કૃતિની કળામાં જાણે એક નવું પરિણામ ઉમેરાતું ન હોય એવું જોવા મળે છે. આપણા દેશમાં વાલ્મીકિ, વ્યાસ અને કાલિદાસે અને આધુનિક યુગમાં રવીન્દ્રનાથે એવો બૃહત્ કવિધર્મ બજાવ્યો છે. વાલ્મીકિની નજર આગળ કેવી કાવ્યકૃતિઓ હશે તેની આપણને ખબર નથી. પણ સંસ્કૃતિઓના મહાન સંગમતીર્થે એમણે તમસાતીરે કાવ્યજ્યોતિ પ્રગટાવીને ભારતના ચિરંતન જીવનને આલોકિત કરી દીધું છે. કેટલા સંઘર્ષો, કેટલા વિસંવાદો રાજમહેલથી માંડીને જાતિજાતિ વચ્ચે ઊછળ્યાં કરતા હશે; એમાંથી આદિમ જાતિના એ કવિઋષિએ માનવના સામાજિક જીવનના સંગીતનો ‘સા’ એ કુટુમ્બજીવન છે એ સત્ય સારવ્યું અને ભારતવાસીઓનાં હૃદયહૃદયમાં સંચારિત કર્યું. વ્યાસે, એ સંગીતનો ‘સમ’ વળીવળીને ધર્મ ઉપર આવે છે એ એક વાત આપણે ગળે ઉતારવા પ્રયત્ન કર્યો. કાલિદાસની પ્રતિભા એ ‘સા’ અને ‘સમ’ બંને ઉપર સતત ઠરેલી જોવા મળે છે. રવીન્દ્રનાથમાં પણ હૃદયધર્મ અને સમષ્ટિ પ્રત્યેના ધર્મ વચ્ચેની એકતાનો તાર વારંવાર રણઝણી ઊઠે છે. કાવ્યમાં તે તે કવિની શ્રદ્ધા નર્યા ઉચ્ચારણ રૂપે આવતી નથી. વ્યાસ આરંભમાં જ ततो जयमुदोरयेत् એમ ઉત્સાહથી જય ગાવાની પોતાની પ્રતિજ્ઞાનો ઉદ્‌ઘોષ કરે છે. પણ પછી જય તો જ્યાં ધર્મ હોય ત્યાં છે – यतो धर्मस्ततो जयः- એ દર્શાવે છે. પણ એ શ્રદ્ધોદ્‌ગાર માત્ર પૂરતો ન જ નીવડે. શ્રીકૃષ્ણના વ્યક્તિત્વ દ્વારા એ આખુંય પોતાનું શ્રદ્ધાધન પ્રત્યક્ષીકૃત રૂપે આપણી આગળ મૂકે છે, ત્યારે આપણને મહાભારત કાવ્યકૃતિ મળે છે. પેલો શ્રદ્ધોદ્‌ગાર કાવ્ય બને છે यतो धर्मस्ततः कृष्णो यतः कृष्णस्ततो जयः- જ્યાં ધર્મ ત્યાં કૃષ્ણ જ્યાં કૃષ્ણ ત્યાં જય – એવા પ્રતીતિકર નિરૂપણને પરિણામે. કવિની શ્રદ્ધા સામાન્ય રીતે કોઈ વિચાર-વચનના સ્ફટિક રૂપે તારવવી શકય ન યે હોય. એક રીતે કહીએ તો પોતાની સમગ્ર કાવ્યસૃષ્ટિ એ જ કવિની શ્રદ્ધા. શેક્‌સ્પિઅર જેવા કવિની શ્રદ્ધા એમની કાવ્યસૃષ્ટિ બહાર શોધવી મુશ્કેલ બને છે. (અને એ કાવ્યસૃષ્ટિનો અનુભવ તો એની અગાધ કરુણાને લીધે ઈશુ જેવા સંતની શ્રદ્ધાની યાદ અપાવવા પૂરતો છે.) કવિની શ્રદ્ધા એની સમગ્ર કાવ્યકૃતિના સૂર રૂપે વરતાઈ આવવા પૂરો સંભવ છે. ભવભૂતિ મહાન કવિ છે. પતિપત્ની પ્રેમ એ આત્માની અમૃત કલા (અમર અને અમૃતસમો અંશ) છે એ એમનું દર્શન અપૂર્વ છે. એ સંબંધ આત્મજીવનનો અંશમાત્ર છે, એમ સૂચવવામાં એઓ અતિશયોક્તિથી દૂર રહ્યા છે. પણ એમની કવિ તરીકેની શક્તિ દામ્પત્યના દર્શનમાં, દમ્પતીપ્રેમના તાર છેડવામાં અને પ્રકૃતિના ખાસ કરીને કાલી (terrible) રૂપનું ગાન કરવામાં પરિસીમિત થાય છે. પતિપત્નીના પ્રેમસંબંધનું ગૌરવ કરવા આડે ક્યારેક સમષ્ટિ તરફ એમનાથી પીઠ થઈ જાય છે, કટાક્ષ પણ કરી દેવાય છે. એમનો બળબળતો ભાવ વાસન્તીનું રૂપ ધારણ કરી तामेव-शान्तमथवा જેવા અત્યંત સુકુમાર ઉપાલંભવચનનું તેમ જ अयि कठोर यशः किल ते प्रियम् જેવા સખ્ત ઠપકાનું રૂપ ધારણ કરે છે, અને ગર્ભનાટકમાં સીતાની અનવદ્ય શુદ્ધિ તરફ લક્ષ્મણ ધ્યાન ખેંચે છે ત્યારે રામ જેવા રામ પાસે लोकः शृणोतु (‘લોકો સાંભળે’) – એવો સમાજ પ્રત્યે ટોણો ઉચ્ચારાવે છે ત્યારે આખી કૃતિના સૂરનો અણસારો મળે છે. કાલિદાસ સીતા લક્ષ્મણ સાથે સંદેશો મોકલે છે ત્યારે वाच्यस्त्वया मद्‌वचनात्स राजा એમાં પતિ માટે ‘રાજા’ શબ્દનો ઉપયોગ કરે છે એ દ્વારા પરિસ્થિતિમાંનો ઉપાલંભ જે સચોટતાથી અને સુષમાથી વ્યક્ત કરી શકે છે તે જોવાથી ભવભૂતિની એક ભાવવલણમાં તણાઈ જવાની મર્યાદા અને કાલિદાસની આખો વિશ્વચરખો સતત નજરમાં રાખવાની, તે તે પદાર્થને તેનું યોગ્ય – ન ઓછું ન અદકું – સ્થાન આપવાની શક્તિનો ખ્યાલ આવે છે. માનવજીવનના, વિશ્વજીવનના તમામ પદાર્થોના પરસ્પર યથાર્થ સંબંધની સમજ રૂપે કવિની શ્રદ્ધા એની કાવ્યરચનામાં વ્યક્ત થતી હોય છે. कविर्मनीषी परिभूः स्वयम्भूर्याथातथ्येनार्थात् व्यदघात् शाश्वतीभ्य समाभ्यः એ ઈશાવસ્ય – ઉપનિષદના શબ્દોની મદદની બોલીએ તો, સનાતન કાળમાં રહેલા પદાર્થોને તે તેના યોગ્ય સ્થાને પોતે કલ્પનાબળે બધે ફરી વળીને સ્વયંભૂ પ્રતિભાશક્તિ વડે એ કવિમનીષી ગોઠવે છે. પાતંજલ યોગસૂત્રોના ભાષ્યકાર વ્યાસ કહે છે તેમ શ્રદ્ધા છે चेतसः प्रसादः-ચિત્ત ઠરવાથી પ્રગટતી પ્રસન્નતા. જેમ કવિનું વ્યક્તિત્વ વધુ ઊંડેરું હોય, કહો કે જેમ એનું વ્યક્તિત્વ બહુમુખી અને અનેકવિધ (multiple) હોય, તેમ એની કવિતામાં ખાસ કરીને લાંબી કૃતિઓમાં અનેક પ્રકારની માન્યતાઓ અને એ સૌને એકકેન્દ્ર કરનાર એની કોઈક પાયાની શ્રદ્ધા પ્રવેશ્યા વગર રહે નહીં. અંગાંગના લાલિત્ય ઉપરાંત સમગ્ર કવિતાકૃતિના લાવણ્યનો પરિચય જેમ આપણને થઈ જતો હોય છે તેમ એ આખી કૃતિના શ્વાસોચ્છ્‌વાસ સમી આધ્યાત્મિક સ્ફૂર્તિ (spiritual fervur) પણ વરતાયા વગર રહેતી નથી. કવિની શ્રદ્ધા ગમે તે જમાનામાં ગમે તે દેશમાં કેવી હશે? કવિનાં શ્રદ્ધાસૂત્રો કાંઈક આવાં હોવાનાંઃ ૧. કવિ શબ્દનો બંદો છે, એ શબ્દને નિરંતર સેવવાનો. શબ્દનો જ્યોતિ ન હોય તો સંસારમાં અંધારું થઈ જાય એમ કહેવાયું છે. કવિના શબ્દનો આલોક ન હોય તો આંતરજીવનમાં અંધકાર છવાઈ જાય. કવિ શબ્દને કામદુધા ધેનુની જેમ સેવવાનો. શબ્દ એને માટે બધી આત્મસંપત ખડી કરી દેશે. નોબેલ પારિતોષિક મેળવનાર યહૂદી કવિ ઍગ્નોન કહે છેઃ “હે પ્રભુ! તું મને એક જ શબ્દ આપ, હું એક વધુ ભાષા ભણવાનું માંડી વાળીશ. બીજી ભાષા ભણીને તેની સંપત્તિથી સમૃદ્ધ થવા કરતાં પ્રભુ-દીધેલા એક શબ્દની કવિને વધુ ઝંખના છે. રવીન્દ્રનાથ શુનું શું થઈ શક્યા હોત. (એમના એક મોટા ભાઈ પ્રથમ હિંદી આઈ.સી.એસ. હતા), આખી જિંદગી – લાંબી જિંદગી – શબ્દનું સેવન કરતા રહ્યા. કોણ જાણે, શબ્દનું શુંય એવું જાદુ કવિ અનુભવી રહે છે. ૨. કવિ નાદતત્ત્વ ખાતર પણ નાદતત્ત્વને રમાડવામાં આનંદ માનવાનો. આખા શબ્દસંદર્ભનો નાદસંદર્ભ એ કવિતા સિદ્ધ કરવામાં એટલો બધો ફાળો આપી રહે છે કે એને માટેનો કવિનો પક્ષપાત હંમેશાં ઘણો, ક્યારેય વધુ પડતો લાગે એવો પણ રહેવાનો. ગ્રીક ભાષાની ઉત્તમોત્તમ પંક્તિ કેટલાકને મન એ છે જેનો અર્થ માત્ર એટલો છે કે દ્યૌષ્પિતર દેવ ઑલિમ્પિયાના શિખર પરથી નીચે આવ્યા. જે વશીકરણ હશે તે તો મૂળની શબ્દસંકલનામાં હોવું જોઈએ. કોઈ વાર નાદસંદર્ભ અર્થસંદર્ભની પરવા ના પણ કરે એવું બને. કાન્તનું એક અદ્‌ભુત કાવ્ય ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’ એમ આરંભાય છે અને એ પ્રથમ ઉદ્‌ગારમાં જ ચિત્ર કરતાં એનો નાદવૈભવ એટલો બધો આગળ રહે છે કે પછી ચિત્ર જામવા કરતાં ‘સ્નેહઘન કુસમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાંહી ઉત્કર્ષ પામે’ : એમાં નાદની લીલા જ સર્વોપરી બની રહે છે, અને એને દોષરૂપ લેખીને, આખીય કૃતિમાં નાદનું જે અર્પણ છે તે જોતાં, અવગણવાનું મુશ્કેલ છે. ૩. કવિને મન શબ્દ એ કર્મ છે. કવિકર્મ જ મારે તો – એ એની શ્રદ્ધા છે. ઘણી વાર એમ લાગે છે કે શબ્દમાત્રના ઉપયોગમાં કશુંક cantનું –દંભવર્તનનું – તત્ત્વ તો નહીં હોય. જેમ શરીરનાં અંગોના સંનિવેશમાં એકેએક હાવભાવમાં માણસનું અંતરતમ સત્ય પ્રગટ થતું હોય છે, તેવું જ શબ્દનું પણ છે અને એવું જ એનાં સૌ કાર્યનું પણ છે. આપણા હાવભાવ, આપણાં કર્મ આપણા આંતર સત્ય સાથે જેટલા પ્રમાણમાં અનુસંધાન પામવામાં અસમર્થ નીવડ્યાં હોય તેટલા પ્રમાણમાં તેમનામાં જૂઠ-દંભ પ્રવેશવાનાં અને તેવું જ આપણા શબ્દ વિશે પણ બનવાનું. પણ કવિનો શબ્દ એ શુદ્ધતર હોય છે, કેમ કે એ એના નર્યા શુદ્ધ અસ્તિત્વમાંથી આવતો હોય છે. અને એથી જ જેમ કોઈ કોઈ કર્મ માનવજાતિના જીવન ઉપર સતત પ્રભાવ પાડી રહે છે તેમ પ્રતિભા પ્રેરિત શબ્દનું પણ બનતું હોય છે. અંગ્રેજ કવિ સ્પેન્ડર નોંધે છે કે પોતાને સત્તાપ્રાપ્તિ અને કર્મજીવનનું એક વખતે આકર્ષણ હતું. પણ સત્તાપ્રાપ્તિનો આનંદ પોતાને મન ફીકો પડી ગયો, કેમ કે જોયું કે સૌ પદને માન આપતા હોય છે, પદધારીના આંતર- વ્યક્તિત્વને હરગિજ નહીં. કર્મજીવન વિશે એ એવી દલીલ કરે છે કે એક કર્મમાં પરોવાઈ જવું એટલે બીજાં અનેક કર્મોનો ત્યાગ કરવો, એટલે કે પરિસીમિત જીવન જીવવાનું સ્વીકારવું. આવી મર્યાદા જોવામાં કાંઈક વિચારદોષ લાગે છે. પ્રભુના કરણ બનીને જો કર્મ કરવામાં આવતું હોય તો કર્મ આ કે તે એક ગમે તે હોય, એની દ્વારા પ્રભુની શક્તિ, કરુણા, દીપ્તિ આદિની સમગ્રતા જ પ્રગટ થવા કરશે. માનવી તરીકે કવિને સામાજિક-રાજકીય કાર્યનો ભાર ઉઠાવવાનો પ્રાપ્ત થાય એ જુદી વાત છે. કવિ તરીકે એનું કાવ્યસર્જન એ પોતે જ એના અંતરતમ સત્યને પ્રતિબિંબતું હોઈ એક સબળ પ્રભાવક કર્મ છે. આપણું જીવન જુઓ. પોતાની સાથે કદી મુલાકાત લીધી છે. માગી છે? કવિતા એ આંતર સ્વરૂપ સાથે આપણી મુલાકાત ગોઠવી બેસે છે. આજે ચોમેર માણસો જ માણસો જોઈએ છીએ તેમાં ચહેરા ભૂંસી નાખેલ માનવપિંડો વિશેષ જોવા મળે છે. કવિ એની સાથે વાત શું કરે? એ તો એક જણ તરીકે બીજું કોઈ એક જણ સામે છે એમ માનીને ધીમેથી બોલે છે, વાત કરે છે. જુએ કે એને ચહેરો નથી તો એનો અવાજ મંદ પડી જાય છે, એ છળી ઊઠે છે, ચહેરાની ખાતરી થાય તો જ એનો અવાજ નીકળે છે. (આ ચહેરાની શોધ એના અવાજના tone-સૂર માટે કારણભૂત છે. એ જ સત્યશોધ.) ચહેરા ઉપસાવી આપવા, માનવને એના સ્વરૂપ સાથે ભેખડાવી દેવો એ કવિતાનો કીમિયો છે. આથી સરમુખત્યારશાહી હોય ત્યાં કવિઓ તરત મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કવિ તંત્રાનુરૂપ (conform) થતો નથી. ઋગ્વેદમાં वाक् કહે છે यं कामये तं तमुग्रं कृणोमिः જેવી ઉપર મારી (વાગ્દેવીની) ચાહના છે તેને હું ઉગ્ર બનાવું છું – તેને કવિ, ઋષિ, સુમેધાવી કરું છું. કોઈ પણ બાહ્ય જડ તંત્રની સામે કવિ એનો શબ્દ લઈને ખડો થઈ જાય છે. જેમ જેમ રાજ્યવાદ (statism) વધે, તેમ તેમ ચહેરાહીન માનવો વધવાનાં, તેમ તેમ કવિતા તરફ વધુ ને વધુ શંકાની નજરે જોવામાં આવવાનું એવા સમાજના ધુરીણોને કવિઓ ખૂંચવાના (આપણ જમાનામાં આના દાખલા આપણે જોયા છે.) કેમ કે તેઓનું હોવું – તેમની એકએક કવિતાનું જન્મવું – એ તત્કાલીન સમાજરચના જેના પાયા ઉપર થઈ હોય છે તેના સાફ ઇનકારરૂપ હોવાનું. ૪. કવિએ કાવ્યાકૃતિનું નિર્માણ કરવાનું છે. એ કાવ્યાકૃતિ આ વિશ્વકાવ્યની સભરતા અને રહસ્યમયતાના સૌન્દર્યનો પણ અણસારો આપી રહે, આપી શકે, એ કવિની શ્રદ્ધા છે. શબ્દે શબ્દે કાવ્યની આકૃતિ નિર્માતી આવે તેમ તેમ એમાં શબ્દાર્થને વળગીને માનવજીવનની – વિશ્વજીવનની પારાવાર વિગતો ઉપકારક બનવાની અને કવિની એ કવિતારચનાના સમય સુધી માનવજાતિની સર્વ કંઈ સંસ્કૃતિસંપતનો એને પાસ લાગવાની શક્યતા રહેવાની. આપણે હિંદમાં અને આજના યુગમાં જીવીએ છીએ, તેઓમાંથી જે કવિઓ હોય તેમના કવિતાસર્જનમાં દેશકાલ અને સંસ્કૃતિસંદર્ભ કેવાક રૂપે પ્રવેશવાના? હિંદ પશ્ચિમના સંપર્કમાં મુકાયું તે પછી રાજા રામમોહનરાયના સમયથી હિંદનો પ્રબોધકાળ (રિનેસાઁસ) શરૂ થયો. હિંદની બધી ભાષાઓએ પ્રફુલ્લન-ફલન અનુભવ્યું. છેક ગાંધીયુગ સુધી એ પ્રબોધકાલ ચાલ્યો. સાહિત્યક્ષેત્રે મબલખ ફસલનો એ કાળ હતો. બેતાલીસની ‘હિંદ છોડો’ લડત, બંગાળનો દુષ્કાળ, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, દેશના ભાગલા, સ્વાતંત્ર્યોત્તર સમસ્યાઓ – આ બધી ઘટનાઓ ભારતવાસીની ચેતનાને વળી એક નવા વળાંક પર લઈ આવી છે. એક નવો બીજો પ્રબોધકાળ જાણે આરંભાતો ન હોય, પહેલા પ્રબોધકાળમાં પરશાસનની ધૂંસરી ફગાવવાની હતી. ભારતની જિજીવિષા ત્યારે સક્રિય બની. ભારતીયતાની ખોજનો એ સમય હતો. આજે એ ખોજ પૂરી થઈ છે એવું નથી, પણ જાગતિકતાની ખોજનો સાહસભર્યો પુરુષાર્થ આપણે યુગબળથી પ્રેરાઈને આદરી ચૂક્યા હોઈએ એવાં ચિહ્નો દેખાય છે. બંગાળીના, તમિળના, તેલુગુના લેખકને કોઈ એની ભાષાના કે ભારતના લેખક તરીકે બિરદાવશે તો એથી એને હવે ભાગ્યે જ સંતોષ થશે. એને તો દુનિયામાં સાહિત્યિક ધોરણોથી પોતે મુલવાય એ જોઈએ છે. જે અર્થમાં કોઈ આધુનિક ફ્રેંચ કે જાપાની કવિ કવિ છે તે અર્થમાં પોતે કવિ છે કે નહીં એ જાણવામાં જ એને રસ છે. દુનિયા સાંકડી થતાં આમ બનવું અનિવાર્ય છે. પણ પોતાનાં મૂળિયાં પોતે ખોઈ ન બેસે એ એણે જોવું જોઈશે. પોતાની ધરતીમાં એનાં મૂળિયાં જેટલાં ઊંડાં હશે તેટલો ઊંચો વિશ્વકવિ એ થઈ શકવાનો. આમ, ભારતીયતા, એક નવતર રીતે, એ હવે સિદ્ધ કરવાનો. જાગતિક ચેતના પણ એને હવે સતત છેડ્યા વગર ભાગ્યે જ છોડશે. બિટનિક્‌સ, બીટલ્સ અને હિંપ્પીઝની આપણી આવૃત્તિઓ માટે આપણે તૈયાર રહેવાનું આવશે. પણ આખી માનવજાતિને સ્પર્શે એવો મોટો સવાલ તો છે વિજ્ઞાન – અને ખાસ તો એના કમાઉ દીકરા યંત્રવિજ્ઞાન અંગેનો. યંત્રવિજ્ઞાન પૃથ્વી ઉપર ઠરીઠામ રહેવા નિર્માયું છે. પ્રશ્ન તો એ છે કે એનો શોધનાર મનુષ્ય પણ પૃથ્વી પર રહેવા પામશે કે કેમ? બંનેનું સહઅસ્તિત્વ શકય બનશે? એ જોવાનું છે કે સર્જક કલાકારો પોતાની કલા દ્વારા ચિરંતન માનવમૂલ્યોની નવેસરથી સ્થાપના કરે છે કે કેમ, કલાકૃતિનું નિર્માણ કરીને કેમે બૂઝવી ન શકાય એવી અંદરની આત્માજ્યોતિનો પરિચય કરાવી રહે છે કે કેમ. દરેકને પોતાનો યુગ કપરો લાગતો હોય છે. યુગેયુગે કળિનાં વર્ણનો લખાતાં હોય છે. આપણે ત્યાંના કળિકાળના ગરબા જુઓ. આજનો આપણો સમય સુરસુરબળોના સંઘર્ષની દૃષ્ટિએ અ-પૂર્વ જ હશે એમ માનવાની જરૂર નથી. તેમ છતાં કોઈક લાક્ષણિકતાઓ આ યુગની હોઈ શકે. યુરોપે ‘રિનેસાઁસ’ (૧૫મી સદી) પછી જીવનના કેન્દ્રમાંથી ભગવાનને ઉઠાડીને માનવને બેસાડ્યો આજે હવે એ સ્થિતિ આવી છે જ્યારે કેંદ્રમાં માનવ નહીં પણ એનું શરીર દેખાય છે. જીવનધોરણ એ આરાધ્ય દેવ છે, આજના જગતની બંને છાવણીઓમાં. ભગવાનને સંદર્ભ માળખા તરીકે ન સ્વીકારીએ એટલે માનવ પણ પદભ્રષ્ટ થવાનો, એનું શરીર પ્રાધાન્ય પામવાનું. શરીરને માટે ગરીબાઈ જેટલી જ સમૃદ્ધિ પણ આપત્તિરૂપ છે. અમેરિકા તો ઠીક, સ્વીડન સમૃદ્ધ છે પણ એનાથી સમૃદ્ધિનો ઑથાર વેઠાતો નથી, આત્મહત્યાનો આંક ત્યાં સૌથી ઊંચો છે. શરીરકેંદ્રી જીવનરચનાનું માહાત્મ્ય આપણા યુગમાં વધતાં એકલવાયાપણું, પરાયાપણું, બેહૂદાપણું, નિઃસારપણું એ બધી મનોરુગ્ણતાઓ વકરવા માંડી હોય એવું ચિંતાભર્યું દૃશ્ય દેખવા મળે છે. વિજ્ઞાને ખડેકેલી સગવડો એ તો એને વધુ ઉત્તેજના આપનાર બની બેસે એ સ્વાભાવિક છે. દરેક જમાનાને એના સંશયો, હતાશા, નિરાશા, નાસ્તિકતા હોય છે. ગીતામાં શ્રદ્ધાની સાથે એનો વિરોધી શબ્દ અસૂયા આપવામાં આવ્યો છે. (श्रद्धावाननसूयश्च, ૧૮-૭૧; श्रद्धावन्तोऽनसूयन्तः ૩-૩૧) શ્રદ્ધા એટલે સત્યનો સહજભાવે સ્વીકાર; અસૂયા એટલે બબડાટ, ઈર્ષ્યા. શ્રદ્ધા એટલે नेति, અસૂયા એટલે नास्ति. આ નજર આગળ જોઈએ છીએ તે પણ નહીં, એનાથી ય કંઈક અદકું, વિશેષ, એમ કહીને नेति વચન કંઈક અગોચરની સ્થાપના કરે છે, સ્વીકૃતિ ઉચ્ચારે છે. જે કંઈ આગળ લાવીને મૂકો તેના ઉપર नास्ति વચન છેકો મૂકે છે એટલું જ નહીં, એ વાતનો મોટે મોભારે મહિમા કરે છે પણ આવા શૂન્યવાદ માટે લાંબો વખત તમાચા મરીને મોં લાલ રાખવાનું મુશ્કેલ છે. કશાને ટકવા ન દો તો શૂન્યવાદે લડવું પછી કોની જોડે? એલિયટે લેસ્લી પૉલ સાથેના વાર્તાલાપમાં કહેલું : ‘શૂન્યવાદ જે વસ્તુઓને ધિક્કારી કાઢે છે તેમની ગેરહાજરીમાં એને પોતાને જ ટકવું અશક્ય છે... શૂન્યવાદને પોતાને પણ નાબૂદ થવું રહે છે.’ શૂન્યવાદ પોતે કંટાળારૂપ બની બેસે છે. આજનાં સામૂહિક રંજનસાધનો માણસને પગભર-હૃદયભર કરી શકે એવું પણ નથી. એલિયટ કહે છેઃ ‘મને લાગે છે કે શુદ્ધ ભૌતિક સંસ્કૃતિનો અંજામ એણે યાંત્રિક સિદ્ધિઓ અને સામૂહિક રંજનસાધનો ઉપજાવ્યાં હોવા છતાં – અલબત્ત, અણુબૉમ્બના સ્ફોટથી ખરેખર વિનાશ ન ઊતરે તો – નર્યા કંટાળામાં આવવાનો. ધર્મ વગરની પ્રજા અંતે જોવાની કે જેને માટે જીવવું ગમે એવું એની પાસે કશું નથી.’ કવિતા અર્વાચીન યુગમાં ધર્મનું સ્થાન સંભાળે એવી ઇચ્છા મેથ્યુ આર્નલ્ડે અને આઈ.એ. રિચાર્ડ્સે પોતપોતાની રીતે કરી છે. તેટલી બધી જવાબદારી ભલે કવિતા ન ઉઠાવે, ન ઉઠાવીયે શકે, તેમ છતાં કવિતાનું જન્મવું એ જ આધ્યાત્મિક સજીવનતાનો પુરાવો છે એ અર્થમાં આપણા યુગમાં કવિતા પણ યંત્રવૈજ્ઞાનિક સભ્યતાની વચ્ચે માનવીય ગૌરવથી ઊભા રહેવાના માનવના પ્રયત્નમાં જરૂર ઉપકારક નીવડશે. કવિ ગાય છે એનો અર્થ જ એ કે એને જીવનમાં, આ વિશ્વમાં માનવજીવન એ એક મહાન બક્ષિસ છે એ વાતમાં, શ્રદ્ધા છે. અંતે શબ્દની વાત કરતાં કરતાં મૌનના મુકામ પર આવવાનું રહે છે. નૈષ્કર્મ્યની સિદ્ધિ કર્મના ઝંઝાવાત વચ્ચે પામવાનો કીમિયો ગીતા બતાવે છે. કાવ્યરચનાની-શબ્દસાધનાની વચ્ચે નૈઃશબ્દ્‌યસિદ્ધિ પામવાની છે. આ અંગે સ્મરણ થાય છે વ્યાસનું-મહાભારતમાં પોતપોતાનાં નાંનાંમોટાં અનેક અર્પણો કરી છૂટનાર વિશાળ કવિવૃંદની વચ્ચે એ કાવ્યનું કાઠું બાંધનાર જે કોઈ મુખ્ય હોય તે કવિઋષિનું અને એમના વિશે ઉચ્ચારાયેલા શ્રીકૃષ્ણના વચનનું. સ્મૃતિને જરીક વધુ છૂટો દોર આપું તો જ્યારે જ્યારે અહીં આવવાનું થાય છે ત્યારે ત્યારે ગુજરાતથી આપણે તો એક દિવસમાં આવી પહોંચ્યા – શ્રીકૃષ્ણને આવતાં કેટલો સમય જતો હશે એનો વિચાર આવી જાય છે અને અહીં આસપાસમાં ક્યાંક કૃષ્ણ વાસુદેવની અને કૃષ્ણ દ્વૈપાયન- (વ્યાસ)ની માનવહિતચિંતનની શી ગોષ્ઠિ ચાલતી હશે એ સાંભળવા કાન ભૂતકાળમાં પહોંચવા કરે છે. એ વખતની જેમ આ મહાનગર રાજધાની જ નહીં હૃદયધાની બની રહે એ ઘડી જલદી આવે એવી પ્રાર્થના પણ થઈ જાય છે. આપણા ત્રણ મહાનુભાવો – જેમને મુલાકાત માગવા રોકાયા વગર મળી શકાય છે – તેમના વડે અને ક્રમે ક્રમે અનેક ક્ષેત્રમાં તેજસ્વી કામગીરી અહીં વધતાં, અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ અહીં થતાં દુનિયાનાં બીજાં કેટલાંક મહાનગરોની જેમ આ પણ દેશના આંતરજીવનનું સાચું સજીવ કેન્દ્ર બની રહો – એ ભાવના અહીં અત્યારે મારાથી સહેજે ઉદ્‌ગારાઈ જાય છે. વ્યાસ વિશે શ્રીકૃષ્ણ રહે છેઃ मुनीनामप्यहं व्यासः– મુનિઓમાં વ્યાસ છું. મુનિ એટલે તો મૌનપરાયણ તપસ્વી. આવડું મોટું મહાભારત રચનાર વ્યાસ એ મૌનપરાયણ ઋષિઓમાં શ્રેષ્ઠ? કૌરવો અને પાંડવોના પિતા ધૃતરાષ્ટ્ર અને પાંડુના જન્મમાં વ્યાસને નિમિત્ત બનવું પડ્યું હતું. મહાભારતકથાની રેખાએ રેખા સાથે વ્યાસનું, લોહીસંબંધને લીધે, તાદાત્મ્ય છે. જે ક્લેશદાવાનલ પ્રગટ્યો તેને ન તો પોતે, ન શ્રીકૃષ્ણ જેવા પુરુષોત્તમ પણ ખાળી શક્યા. જે સૃષ્ટિનું સર્જન થવામાં પોતાને સ્થૂળ નિમિત્ત બનવાનું આવ્યું હતું. તેનું વિસર્જન પણ પોતાની નજર આગળ થતું એમણે જોયું. એ મૌનમાં ડૂબી ન જાય તો બીજું થાય પણ શું? પણ આખા સર્જનક્રમને આત્મામાં ધારણ કરનારના હૃદયમાં મૌન ‘મહાભારત’નો વિરાટ કાવ્યાકાર પામે છે. વ્યાસ ભગવાનનું મૌન ત્રૈકાલિક જીવનમાં સ્ફુરતી પરમાત્મલીલાના ગાનના श्रीमदर्जित-સુંદરભવ્ય ફુવારા રૂપે ઊછળી રહે છે. માનવવાણીનો આવો ઉપયોગ કરી શકનાર કવિ આ પૃથ્વીની વિદાય લીધા પછી જરૂર એમ કહેતો કહેતો જવાનો– ‘અમૃત લઈ આવ્યો અવનિનું.’