પરિષદ-પ્રમુખનાં ભાષણો/૨૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૫

દર્શન विन्देम देवतां वाचम् । વહાલા બંધુઓ, આ એક અજબ મગજવાળો કવિ એવું એવું કહી ગયો છે કે વાણીનો વ્યવહાર કરવા બેસીએ છીએ ત્યારે એના શબ્દો, એની જ પ્રાર્થના પુનઃ પુનઃ આપણે ઉચ્ચારેલી, આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. આ વાણીદેવી, વાગ્દેવતા આપણને મળો એવી આપણી પ્રાર્થના છે. આમ તો આપણા મુખમાં વાણી ક્યારથી આવીને બેઠેલી છે, પણ એ એના ઉત્તમોત્તમ રૂપે તો અમુક સમયે જ આપણી પાસે આવે છે. ઊર્ધ્વનાં, ઉપરની સૃષ્ટિઓમાં રહેલાં બધાં તત્ત્વો પોતાની મેળે, આપણી પાસે આવે છે. બેશક, આપણી પ્રાર્થના તેમને આપણા પ્રતિ પ્રેરે છે, પણ તે આપણી સાથે ક્યારે સંગમ સાધશે તેનો સમયનિર્ણય તો તે જ પોતે કરે છે. એનો સમય નથી પાકતો ત્યાં સુધી તે આપણા હાથમાંથી સરકી જતી રહે છે. આપણને મળી ગઈ એમ માનીએ તે જ સમયે તે સરકી જતી હોય છે. अविज्ञातं विज़ानताम्. એટલે જાણે કે આપણું બધું કહેલું અ-ભણિત અ-કવિત બની રહે છે અને પાછો આરાધનાનો યજ્ઞ આપણે આદરવાનો રહે છે. થઈ ગયેલી સિદ્ધિની મૂડી ઉપર આપણે આગળ વધી શકતા નથી. કારણ, હજી તો ઘણું ઘણું અ-સિદ્ધ, અ-વ્યક્ત, અનાકૃત પડેલું છે, બાવનની બહાર, બાવનથી ઉપર બેઠેલું છે. એ પરાત્પરને અહીં નીચે આવવા દેવા માટે આપણને પ્રાપ્ત થયેલી વાણીને મૂક કરી દેવાની રહે છે. વિચારોના સમરાંગણ જેવા કે મહાબજાર જેવા મનને નીરવ કરવાનું રહે છે, અનેક ભાવોના કોલાહલોના આક્રોશોના આગાર જેવા હૃદયને શાંત કરવાનું રહે છે, અને ત્યારે પછી આપણી धियः ને પ્રેરનાર દેવતા સક્રિય બને છે- The Transcendent acts, અનુદ્‌ગારિત શબ્દ આપણી પાસે આવે છે-And the hushed heart hears the unuttered word. મારી સ્થિતિ કંઈક આવી થઈ રહી છે. આપની સમક્ષ કહેવા માટે જે કાંઈ વિચાર્યું હતું તે જાણે આપ્યું ન આપ્યું ને મારી પાસેથી છિનવાઈ ગયું છે, અને જેમ જેમ વિચારતો જાઉં છું તેમ તેમ પ્રતિક્ષણે છિનવાતું જાય છે. ન જાણે, આવતી ક્ષણે શું થશે. એની જવાબદારી હવે મારી નહિ હોય. આપે પ્રેમપૂર્વક મને આ સ્થાન માટે બોલાવ્યો અને હું એ પ્રેમની આજ્ઞાને આધીન થઈ અહીં આવ્યો છું. મારે માટે કાંઈ કર્તવ્ય છે એવા ભાનથી આ જવાબદારી મેં સ્વીકારી છે. અને જે ક્ષણથી આ જવાબદારીની લાગણી મારા મનમાં જન્મી ત્યારથી હું કાંઈ એક નવા જન્મ જેવી સ્થિતિ અનુભવવા લાગ્યો. આપણી આ મહાન સંસ્થાના ઊગમથી માંડીને આજ સુધીની બધી ક્ષણોમાં હું જાણે કે જીવી આવ્યો, એટલું જ નહિ, જે ગુજરાતની સાંસ્કારિક ચેતનાની એકમાત્ર પ્રતિનિધિ જેવી આ સંસ્થા છે તે ગુજરાતના વ્યાપક જીવનની સાથે હું એકરસ બનવા લાગ્યો. આખું ગુજરાત, એનું બહુરંગી અને સુસમૃદ્ધ, ભૂત અને વર્તમાનનું જીવન, એ બધાંની અંદર જાણે લીન બની રહ્યો. આટલી મોટી પ્રાપ્તિની મેં આશા રાખી ન હતી. આ સ્થાનનું ગૌરવ અને માન અનુભવતો હું રોમાંચિત તો થાઉં છું, પરંતુ આ સૂક્ષ્મ અનુભૂતિ મારે માટે અકલ્પ્ય હતી. એ અનુભૂતિ એક નવું કર્તવ્ય ઊભું કરે છે. પેલા જર્મન કવિ ટોલરના શબ્દો યાદ આવે છેઃ

અહો કવિ, તું દોર અમોને!

પણ પ્રશ્ન થાય છે કે આ કવિ આપણને ક્યાં દોરી જશે. જ્યાં આપણે, માનવમાત્રે જવાનું છે ત્યાંનું દર્શન એને હશે એ પ્રતીતિમાંથી આ પ્રાર્થના તેના પ્રતિ થાય છે. कवयः क्रान्तदर्शिनः કવિ ક્યાંક આગળ જઈને જોઈ આવતો હોય છે, સબમરીનમાંના પ્રવાસીઓ માટે પેરિસ્કોપ કામ કરતો હોય છે તેમ કવિ પાણીમાં ડૂબેલી પ્રાકૃત ચેતનાથી ક્યાંક ઊંચે ચડી દૂર સુદૂરની, સ્થૂલ ક્ષિતિજની પાછળની બીજી ભૂમિને જોઈ આવતો હોય છે. અને આ ભૂમિની ભૂગોળ, તેમજ ખગોળ કઈ, કેવી હશે? આ બધી વસ્તુઓનો વિચાર કરતાં મન સ્તબ્ધ થઈ જાય છે. પણ પછી કાંઈક આછું આછું અજવાળું દેખાવા લાગે છે. બત્રીસ પૂતળીની વાર્તાઓમાં આવતું પેલું વિક્રમ રાજાનું આસન યાદ આવે છે. એ દટાઈ ગયેલા આસનના ટેકરા ઉપર ગોવાળિયા બેસતા અને એ બેસનાર છોકરામાં વિક્રમની ચેતના પ્રગટતી, એ અપૂર્વ બુદ્ધિપ્રતિભા દાખવતો. પણ એ ચમત્કારને જોઈ, એ આસનને ખોદાવી તેના ઉપર જ્યારે ભોજરાજા બેસવા ગયો ત્યારે પૂતળીઓએ તેને થંભાવી દીધો અને પૂછ્યું કે, થોભી જા, કહે, વિક્રમ જેવી તારામાં શી શી શક્તિ છે? આ પ્રમુખસ્થાન તે આપણી સારસ્વત ચેતનાના અવતાર જેવી આ પરિષદનું વિક્રમ-આસન છે. અત્યાર સુધીનો એ આસનનો હું દ્રષ્ટા રહ્યો છું. દૂર-સુદૂરથી એના ગૌરવની આભા મેં રોમાંચિત બનીને માણી છે, સાવ નજીકથી પણ એની સ્નિગ્ધતા મેં અનુભવી છે. મારું સ્થાન, મેં આ પરિષદના પ્રમુખ તરીકે આવેલી આપણી પ્રશસ્ત વિભૂતિઓના બાળક તરીકે, શિષ્ય અને સૈનિક તરીકે અનુભવ્યું છે. મારો અને એમનો અને આપણા સૌનો આ પૂર્વજ અને પૂર્વગ પુરોહિત પુરુષો સાથેનો સંબંધ એમનાં ચિત્ત-સંતાન તરીકેનો છે. પણ એમની સંપત્તિના વારસદાર તરીકે આ કાર્યભાર આપણે માથે આવે છે, તો એ પૂર્વજો અને એમનું આ આસન આપણને વિચાર અને વાણી આપશે. धियो यो नः प्रचोदयात्ની પ્રાર્થના આ નવી રીતે ઉત્તરિત થશે. આ વિચાર અને વાણી શાં હશે? આનો વ્યવહારુ ઉકેલ તો આચાર્ય ક્ષિતિમોહન સેને કહેલા એક ટુચકા મુજબ ઘણો સહેલો ને સટ લાગે છે. એ મહાવિદ્વાનને અમે જ્યોતિસંઘમાં બોલાવી ગયેલા ત્યારે ત્યાંની બહેનો સમક્ષ પોતે શું કહેવું તેના દૃષ્ટાંત લેખે તેમણે તેમના એક પહેલવાન વિદ્યાર્થીની વાત કહેલી. એ પરણીને તેમની પાસે આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે અમારી પ્રથમ મિલનની રાત્રે હું એને મળું ત્યારે મારે શી વાત કરવી, ત્યારે તેમણે કહેલું કે, તને જે વિષય પ્રિય હોય તેની વાત કરજે. અને આ વ્યાયામશીલ નવપરિણીત યુવાન જ્યારે દીપકથી ઝળહળતા એના શયનાગારમાં પોતાની પ્રિયતમ પત્નીને મળ્યો ત્યારે વાત ઉપાડતાં તેણે શું કહ્યું? – તને પંજા લડાવતાં આવડે છે? આપણા અત્યારના મિલનની ભૂમિકા સૌથી વિશેષ તો હું પ્રેમની અનુભવું છું અને પેલા ગુરુની આજ્ઞા મુજબ મારા પ્રિય વિષયની વાત કરવા જાઉં તો પંજો લડાવવા જેવું પણ બને. પણ હું એવો અતિશય વ્યાયામબદ્ધ માણસ નથી. મને કવિ તરીકે અને પ્રેમી તરીકેનો મારો વ્યવહાર કરવાની રજા જો મળતી હોય તો મારી આ કવિતાને મારી મદદમાં લાવું-

આજ મારું પ્રિય જેહ તેહને
બાહુ માંહિ લઈ બેસી હા રહું,
ને અનંત મુજ પ્રીત-ગીતને
એહ કર્ણમહીં હા રટ્યા કરું.

આ રીતે પછી આ પરિષદ કેવી બનશે તે હું કલ્પી શકતો નથી. અને પેલા વ્યાયામવીરે ગુરુની સલાહ મુજબ શું કર્યું હશે, કમલ જેવા કોમળ પોતાની પ્રિયતમાના હાથ જોયા પછી એ પંજા સાથે એનો પંજો કેવી રીતે મળ્યો હશે, એ કોમળતાએ પેલા લોખંડી કે પાષાણી પંજાને કેવી રીતે પિગળાવી દીધો હશે એ વાર્તા હજી આપણે જાણવાની રહે છે. તમારા કે મારા પંજાને હાનિ ન પહોંચે તેવી રીતે કંઈક કહેવા પ્રયત્ન કરું છું.

એ છે માનવ અને પ્રભુના સંબંધની કથા. પ્રભુ જેવું કંઈ છે ખરું? એ પ્રશ્ન જ્યારે માનવને ઉત્કટ રીતે ઊઠેલો છે ત્યારે તેનો જવાબ અવશ્ય મળેલો છે. બેશક, પ્રભુ માનવને, સૌ કોઈને માટે હંમેશાં પ્રગટ નથી नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः (ગીતા, ૭.૨૫). પણ એ પ્રગટ થાય છે, જ્યારે અને જ્યાં એની રુચિ થાય ત્યાં रूयमेवैष वृणुते तस्य विवृणुते तनुं स्वाम् અને પછી વેદનો ઋષિ બોલી ઊઠે છેઃ વેદાહમેતમ્ પુરુષમ્. કુરુક્ષેત્રમાં અર્જુનનાં આત્માને માટે આ મિલનની આકાંક્ષા જન્મે છે પ્રભુનું ऐश्वरं रूपम् તેને જોવાની ઇચ્છા થાય છે ત્યારે તેને દિવ્ય ચક્ષુ આપી પ્રભુ પોતાનું એ રૂપ દર્શાવે છે. પ્રભુની જેવી રીતે આત્મ-નિગૂહનની ક્રિયા છે તેવી જ રીતે આત્મપ્રકટનની પણ ક્રિયા છે. પ્રભુની આ દિવ્ય ચેતના વિશ્વની આવશ્યકતા પ્રમાણે વિશ્વમાં પ્રગટ થતી રહેલી છે. આમ તો આ આખું વિશ્વ એ પોતે જ પ્રભુનું રૂપ છે, પરંતુ એ બધું યોગમાયામાં અને તેણે સર્જેલા અંધકારમાં ડૂબેલું રૂપ છે. એ અંધકારમાં કારાગારની કરાલ દીવાલોની અંદર, મહા મેઘલી રાતે, પ્રભુ પોતાની જ્યોતિ પ્રગટ કરે છે અને જગત સાથે તે અનેક રીતના, સર્વ રીતના સંબંધોમાં આવે છે. આ સચ્ચિદાનંદ મહાતત્ત્વ વિશ્વમાં, વિશ્વના વ્યાપારમાં પોતાના ઊર્ધ્વ સત્‌ને, ઊર્ધ્વ ચિત્‌ને, ઊર્ધ્વ દિવ્ય આનંદને અરૂપ રહીને તેમજ સરૂપ બનીને મૂકતું રહે છે, સક્રિય કરતું રહે છે, ક્રમે ક્રમે પોતાની વધુ ને વધુ સ્થાપના કરતું રહે છે અને પોતાના વિશ્વરૂપ આવિર્ભાવને વધુ ને વધુ મૂળ દિવ્ય કોટિના રૂપ તરફ લઈ જતું રહે છે. પ્રભુ પોતાના પરમ સત્‌ને હિરણ્મય પાત્રથી ઢાંકીને બેઠેલા છે, અને માનવની પ્રાર્થના થતાં એ ઝળહળતા સુવર્ણની આંગી ઉતારીને તેની પાછળના શુદ્ધ રૂપમાં પ્રગટ થાય છે. પોતાના પરમ ચિત્‌ને-પરમ ચિતિને તે દુર્ગા અને કાલી રૂપે, સરસ્વતી અને લક્ષ્મી રૂપે જગતના વ્યવહારમાં વહેતી કરે છે અને કામાદિ ખલદલનું ભંજન કરે છે. તો વળી આ સત્ અને ચિત્‌ના પૂર્ણ સામર્થ્યને ધારણ કરી પોતાની શક્તિથી અસુરોનું અને દનુજોનું નિકંદન કરતા તે માનવના નેત્ર અને હૃદયના વિરામરૂપ રામ રૂપે અને પ્રાણીમાત્રના કર્ષણરૂપ મહાકૃષ્ણ રૂપે પ્રગટ થાય છે. એમની દ્વારા વ્યક્ત થતા સત્યથી પૃથ્વીનું ધારણ થાય છે, એમની દ્વારા ક્રિયામય થતી શક્તિથી સપ્તતાલ અને રાવણનાં દશ શિર છેદાય છે, ટચલી અંગુલિ ઉપર ગિરિ ગોવર્ધન તોળાય છે, તો સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધરણી પર ઢળે છે અને આભમાંનો સૂર્ય આચ્છાદિત બની દિવસની રાત્રિ સર્જાય છે અને તે દ્વારા દિવ્ય હેતુ સધાય છે. અને એ પ્રભુનું ‘કંદર્પ અગણિત રુચિર શુચિ છબિ’. વાળું મધુર રૂપ ભક્તના હૃદયને પરમ શાતા આપે છે, તો એ રુકિમણીના અંતરને આકર્ષતો ભુવનસુંદર અખિલસૌન્દર્યનિધિ કૃષ્ણ આત્મામાત્રને પોતાની રાસલીલામાં રસથી અભિસિંચિત કરે છે. માનવના અજ્ઞાન અને અહં આગળ તે લુપ્ત પણ થઈ જાય છે, તો પ્રાયશ્ચિત્તના તપોઅગ્નિ આગળ તે પાછો પ્રગટ પણ થાય છે અને માનવઅજ્ઞાનનાં સર્વે વસ્ત્રો હરી તેને પ્રકાશના વાઘા સજાવે છે. પરમ તત્ત્વની આવી બહુવિધ લીલા જેટલી કાવ્યમાં ગૂંથાઈ છે, તેથીયે અધિક તે સૂક્ષ્મ અનુભૂતિ અને સાધનાનો વિષય બનેલી છે. ‘ધ્યાનાવસ્થિતતદ્‌ગતેન મનસા’ યોગીઓ તેને જોતા રહેલા છે, તો તપ અને આરાધનાથી પુનિત બનેલાં ચક્ષુ વડે આ યોગના સાધકો તેને પ્રત્યક્ષ જોતા અને અનુભવતા પણ રહેલા છે. એવી કોઈ અનુભૂતિનું વર્ણન કરતો ભક્ત નરસૈંયો ગાઈ ઊઠે છેઃ

‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’

તો મીરાં જેવાં અનેક હૃદયો ઉદ્‌ગારી ઊઠે છેઃ

‘આધી રાત પ્રભુ દરસન દીનો જમુનાજીકે તીરા.’

આવી એક અનુભૂતિનું કોઈક વધારે સૂક્ષ્મતા અને ગહનતાવાળું અને ગુહ્ય સત્યના ઉપર પૂરેપૂરું મંડિત દર્શન અહીં આપવા મન થાય છે. એ છે શ્રી અરવિંદે પોતાના મહાકાવ્ય ‘સાવિત્રી’માં આપેલું અશ્વપતિને થયેલા પ્રભુના સાક્ષાત્કારનું વર્ણન. આ મહાકાવ્યમાં માત્ર કથાનો જ તંતુ નથી, પરંતુ એ કથાવસ્તુના પ્રતીક દ્વારા વિશ્વની ગુહ્ય વાસ્તવિકતાનો આપણને પ્રથમ વાર ઉપલબ્ધ થતો એક વિસ્તૃત, સાંગોપાંગ અને કહી શકીએ કે, પ્રમાણભૂત એવો આલેખ છે. આપણી મહાકાવ્યોની સૃષ્ટિમાં સૂક્ષ્મ જગતો અને પરલોકોના ઉલ્લેખો આવતા રહે છે. માત્ર ઉલ્લેખો નહિ, પણ એ બધા પરલોકો આપણા આ ભૂલોકના જેવા જ પ્રત્યક્ષ, ચક્ષુર્ગમ્ય હોય તેવી રીતે સંકળાયેલા અને વ્યવહારનો વિષય બનેલા છે, અને તે એટલે સુધી કે એની પાછળ કશું ગુહ્ય કે સૂક્ષ્મ તત્ત્વ હોય તેવી કશી છાયા ઉત્પન્ન થતી નથી. શ્રી અરવિંદે એમની યૌગિક અનુભૂતિઓને આધારે આ સ્થૂલ વિશ્વની પાછળ જે સૂક્ષ્મ ગુહ્ય વાસ્તવિકતા રહેલી છે તેની આપણને પહેલી વાર સાચી પિછાન આપી છે એમ આપણે આ કાવ્યમાં જોઈ શકીએ છીએ અને આ કાવ્ય દ્વારા એ ગહનતાઓના મૂર્ત સ્પર્શમાં આવી શકીએ છીએ. આખા વિશ્વને તેના સ્થૂલ અને સૂક્ષ્મ, ગુહ્ય અને ગુહ્યતમ સ્વરૂપમાં ત્રણે કાળની ગતિમાં પોતાનો વિષય કરતા આ મહાકાવ્યનો કથાતંતુ અને પાત્રસૃષ્ટિ આ પહેલાંના મહાકાવ્યોની સરખામણીમાં ઘણાં અલ્પ છે. લગ્ન પછી એક વર્ષમાં મૃત્યુને પામનાર સત્યવાનને વરેલી સાવિત્રી, અશ્વપતિ રાજાની પુત્રી, યમ ઉપર વિજય મેળવી એની પાસેથી સત્યવાનને પાછો મેળવે છે અને જગત માટે દિવ્યસૃષ્ટિની સ્થાપનાનું કાર્ય આરંભે છે એ એનું કથાવસ્તુ છે. સાવિત્રી, તેના પિતા રાજા અશ્વપતિ અને તેની રાણી, સાવિત્રીએ પોતાના જીવનસાથી તરીકે પસંદ કરેલો એક વખતનો રાજકુમાર સત્યવાન, ત્રિકાલજ્ઞ નારદમુનિ, પરમાત્મા અને તેમની મૂર્ત શક્તિરૂપ મા ભગવતી અને આ સ્થૂલ વિશ્વના એક માત્ર નિયંતા એવા યમદેવ એ આ કથાનાં સક્રિય પાત્રો છે, અને બાકીમાં તો બ્રહ્માંડની એકએક વસ્તુ, સ્થૂલ અને સૂક્ષ્મ સૃષ્ટિઓ અને તેનાં તત્ત્વો અને સત્ત્વો, બ્રહ્માઓ, દેવો, અસુરો અને રાક્ષસો, સ્વર્ગો અને નરકો, અનેકાનેક જગતો અને છેવટે એમાં આ કાવ્યના વાચકો, પૃથ્વીના સર્વ માનવો ‘આપણે’ – એ બધાં આ કાવ્યમાં યથાતથા નિજ નિજ સ્થાને પોતાનો ભાગ ભજવતાં રહે છે. આમાં કથાની અંદર કથાવસ્તુના કાલાનુક્રમે સૌથી પ્રથમ સક્રિય થનારું પાત્ર તે અશ્વપતિ રાજા છે. એ માત્ર એક નાનકડા રાજ્યનો રાજા નથી, પણ શ્રી અરવિંદે આ પ્રાચીન કથાના વસ્તુને માનવજાતિ માટે એક નવા દિવ્ય દર્શનના ધબકારથી ભરી દઈને તેને એક સાંકેતિક પ્રતીકાત્મકતા આપી છે તે મુજબ, આમાં આવતાં સર્વ પાત્રોની માફક અશ્વપતિ પણ એક મહાવિશ્વવિભૂતિ તરીકે રજૂ થાય છે. એ માત્ર નિઃસંતાન એવો સંતતિકાંક્ષી રાજા નથી, પરંતુ પૃથ્વી ઉપર એક મહાકાર્ય લઈને અવતરેલો ઊર્ધ્વ સૃષ્ટિનો મહા આત્મા છેઃ A thinker and toiler in the ideal’s air… His was a spirit that stooped from larger spheres… A colonist from immortality. (૧.૩, પૃ.૨૨) કોઈ આદર્શની હવામાં રમમાણ મહાચિંતક અને કર્મયોગી એવો એનો આત્મા કોઈ બૃહદ્ બ્રહ્માંડોમાંથી પૃથ્વી ઉપર આવેલો હતો, અમૃતત્ત્વના પ્રદેશમાંથી તેનું સંસ્થાન સ્થાપવાને તે પૃથ્વી ઉપર આવ્યો હતો. આ સ્થાપના માટે તેણે પછી યોગ આદર્યો. માનવ તરીકે માનવની પૂરી પ્રકૃતિમાં ઊતરેલા અને તેમાં લીન અને લુપ્ત થઈ ગયેલા આત્મા તરીકે તેણે એક દીર્ઘકાલીન સાધના દ્વારા પ્રથમ પોતાનો આત્મસાક્ષાત્કાર કરી પ્રકૃતિમાંથી મુક્તિ સાધી લીધી. His centre was no more in earthly mind… He neared the still consciousness sustaining all. (પૃ.૩૧) પૃથ્વીના પાર્થિવ મનમાંથી નીકળી તે વિશ્વને ધારણ કરનારી શાંત ચેતનામાં પહોંચ્યો. પૃથ્વી ઉપર રહ્યાં રહ્યાં શક્ય તેટલી પૂર્ણ આત્મસિદ્ધિ તેણે પ્રાપ્ત કરી લીધી. અને ત્યાંથી પછી પૃથ્વીપારનાં અજ્ઞાતનાં ભીષણ જોખમોથી ભરેલા પ્રદેશો માટે તે નીકળી પડ્યો, કોઈ નવા જ સ્થળ અને કાળમાં. He broke into another Space and Time. (પૃ.૮૪) અને ત્યાંથી પછી શ્રી અરવિંદ અશ્વપતિને આપણા સ્થૂલ સ્થલકાળથી પર એવાં જે અનંત બ્રહ્માંડો આવેલાં છે તેની એક દીર્ઘ યાત્રાએ લઈ જાય છે. લગભગ બસો પૃષ્ઠના ૧૫ સર્ગોના બનેલા બીજા પર્વમાં – બ્રહ્માંડયાત્રીનું પર્વ – શ્રી અરવિંદ આપણને વિશ્વના અનેક ગુહ્ય વાસ્તવિકતાવાળા પ્રદેશો, ઉચ્ચતમ સ્વર્ગો અને નિમ્નતમ પાતાળો અને તે સર્વથી ઉપર વિશ્વસર્જનના છેક કેન્દ્રમાં બેઠેલી પરમાત્માની દ્વિદલ ચેતના સુધીની વાસ્તવિકતાઓમાં લઈ જાય છે. અને ત્યાંથી પછી એ મૂર્ત સાકાર બનેલાં બ્રહ્માંડોથી, વ્યક્ત સૃષ્ટિથી ઉપર અશ્વપતિની ગતિ શરૂ થાય છે. ચૈતન્યના પ્રદેશની એક અકલ્પ્ય એવી પ્રલંબ યાત્રા બાદ અશ્વપતિ વિશ્વના મૂલતમ તત્ત્વમાં પહોંચે છે અને ત્યાં તેને પરમાત્માનું દર્શન થાય છે અને પછી તેમની શક્તિનું દર્શન, તેની અનુભૂતિ અને તેનામાં તેનો અવતાર થાય છે. આપણાં પુરાણોએ પરમાત્માના પરમ સ્વરૂપ વિષ્ણુથી માંડી બીજા અનેક દેવોનાં વિવિધ રૂપો વર્ણવ્યાં છે, એ રૂપોની સૂક્ષ્મ વાસ્તવિકતા છે જ. પરંતુ શ્રી અરવિંદ આપણા આ પરિચિત નામરૂપધારી દેવો કરતાંયે વધારે સૂક્ષ્મ રીતના તથા ઊર્ધ્વ સ્વરૂપના પરમ તત્ત્વનું આપણને જે દર્શન આપે છે તેવું દર્શન જગતના સાહિત્યમાં ક્યાંય અંકિત થયેલું નથી. અશ્વપતિના થયેલા એ મહાદર્શનનો પરિચય કરી આપણે પણ એ મહાદર્શન કરીએ. સર્વ, વ્યક્તમાત્ર સૃષ્ટિથી પર રહેલા અવ્યક્તની સીમા ઉપર પહોંચવું એ કેવી તો વિરાટ ઊર્ધ્વગમનની પ્રચંડ ક્રિયા માગી લે છે અને તે પછી જ વિશ્વની આદિમ મૂળ પરમ સત્તા, પરમાત્મા આપણને પ્રત્યક્ષ થાય એ વસ્તુની ભૂમિકા પ્રથમ શ્રી અરવિંદ બાંધી આપે છે. આપણે હવે આ મહાકાવ્યના ત્રીજા પર્વમાં – ભગવતીપર્વમાં – પહોંચીએ છીએ. ‘અજ્ઞેયની આરાધના’ના તેના પ્રથમ સર્ગમાં શ્રી અરવિંદ અશ્વપતિને મહાશૂન્યના ઉંબર પર મૂકી આપે છે. Alone and fronting an intangible Force… His spirit faced the adventure of the Inane. (૩.૧, પૃ. ૨૭૯)
અશ્વપતિ, કેવળ એકલો – કેમ કે આટલી દીર્ઘતમ ગુહ્યતામાં એની સાથે ભૂતલનું કોઈ તત્ત્વ આવી શકે તેમ નથી – કોઈ અગ્રાહ્ય એવી શક્તિ સંમુખ ખડો છે, એનો આત્મા મહાશૂન્યની સાહસયાત્રા માટે સજ્જ બન્યો છે. અને એ મહાશૂન્યના પ્રદેશમાં એ પ્રવેશે છે ત્યારે શું બને છે? ‘રૂપની કોઈ સૃષ્ટિઓ હવે તેના સાથમાં રહેતી નથી. ચિત્તની દીર્ઘતમ યાત્રા અંત પામી જાય છે, કર્મ પાછળની મહાસંકલ્પશક્તિ નિષ્ફળ નીવડી થંભી જાય છે, અવિદ્યાએ રચેલાં કમઠાણો ભાંગી પડે છે, અને આ વિશ્વને ધારણ કરતો આત્મા પણ કોઈ તેજોમય અપૂર્ણતામાં મૂર્છિત થઈ જાય છે, ચેતના એક એવી નકરી ભીષણ નીરવતામાં બેસી જાય છે કે જેમાંથી પછી જીવનનાં નામરૂપોનું ગૌરવ, જીવનની મધુર સંવાદિતાઓ અલ્પ વસ્તુઓ બની જાય છે અને બધું લુપ્ત થઈને એક સૂક્ષ્મ આનંદમય અભાવ છવાઈ જાય છે. એટલું જ નહિ, વિશ્વના જે બ્રહ્માઓ છે તેમનાં નામરૂપો પણ હવે શેષ રહેતાં નથી. એમણે યોજેલાં અને રચેલાં સુગ્રથિત મહાન બ્રહ્માંડોથી પર થતો થતો અશ્વપતિ આગળ વધે છે. એ બ્રહ્માંડોને એક પછી એક હાથ લઈને ભાંગીને ભુક્કા કરી નાખવામાં આવે છેઃ The Demiurges lost their names and forms, The great schemed worlds that they planned and wrought Passed, taken and abolished one by one. (એજન) વિશ્વમાત્રનું આમ પૂર્ણ વિસર્જન થયા પછી અશ્વપતિને હવે આ દર્શન થાય છેઃ The universe removed its coloured veil, And at the unimaginable end Of the huge riddle of created things Appeared the far-seen Godhead of the whole. (એજન) વિશ્વસમસ્તના પ્રભુ ત્યાં દૃષ્ટિગોચર થયા. ક્યાં? કેવી રીતે? વિશ્વ અત્યાર સુધી પોતાના ઉપર જે રંગીન બુરખો ધારણ કરીને બેઠેલું હતું તે હવે તેણે હટાવી લીધો, અને તે આવરણની પાછળ, આ સર્જાયેલી સૃષ્ટિની જે પ્રચંડ સમસ્યા છે તેના કલ્પનાતીત એવા સીમાડે (કવિ અહીં માત્ર ‘સૃષ્ટિના સીમાડે’ એમ નથી કહેતા, પણ આ સૃષ્ટિ જે આપણે માટે મહાપ્રશ્નરૂપ છે એ પ્રશ્નરૂપ સૃષ્ટિઓનો કલ્પનામાં ફણ ન આવે તેવો જે સીમાડો છે ત્યાં. આ સૃષ્ટિઓની છેલ્લામાં છેલ્લી અવસ્થાએ) પ્રભુ દેખાય છે, કેવા દૂરદૂરથી નજરે પડતા – farsseen, – તદ્‌દૂરે દૂરતમે, એ છે વિશ્વના પરમ વિષ્ણુ, નારાયણ. પણ એનું નામ પાડ્યા વિના જ કવિ આગળ વધે છે, કેમ કે આપણે શેષશાયી વિષ્ણુના શંખ, ચક્ર, ગદા, પદ્ય ધારનાર નાભિકમલવાળા રૂપથી પણ આગળ જઈએ છીએ. તો હવે આ પ્રભુનાં કેવાં દર્શન થાય છે? His feet firm-based on Life’s stupendous wings, Omnipotent or lonely seer of Time, Inward, inscrutable, with diamond gaze. અશ્વપતિને પ્રથમ તો પરમાત્માનાં ચરણ દેખાય છે. એ ચરણ જીવનતત્ત્વની વિરાટ પાંખો ઉપર સુદૃઢ રીતે મંડાયેલાં છે. (વિષ્ણુને આપણે ગરુડ ઉપર, ગગનગામી મહાબલ જીવનશક્તિ ઉપર સવારી કરતા કલ્પેલા છે, પણ આ મહાતત્ત્વ એ જીવન-ગરુડની પાંખો ઉપર ઊભેલું છે. એને બેસવાની જરૂર નથી. એનામાં એવી પોતાની શક્તિ છે કે આ ગતિમાન પાંખો ઉપર પણ તે દૃઢ રીતે પોતાની જાતને નિબદ્ધ રાખી શકે છે.) એમાંથી જ પ્રભુની સર્વશક્તિમત્તા વ્યક્ત થાય છે, અથવા કવિ વિકલ્પ રૂપે બીજું વર્ણન આપે છે કે એ કાલના કેવળ એકમાત્ર એકએકલા દ્રષ્ટા છે. એ જો સર્વશક્તિમાન છે તો પછી એમનું સમોવડિયું કોઈ તત્ત્વ હોઈ શકતું નથી, એટલે એ પોતે સર્જેલા કાળના એકમાત્ર દ્રષ્ટા છે, પણ તે માત્ર પોતાના જગતને આંખો માંડીને જોયા કરે છે એમ નથી. એમની દૃષ્ટિ એમની ચેતના પોતાની અંદર પણ સ્થિર બેઠેલી છે, inward. અને ત્યાં તેમની ભીતરમાં એ પોતે શું શું છે, શું શું અનુભવતા છે, તો કે તે આપણને અગમ્ય છે, inscrutable. પરંતુ તે અંતઃસ્થ હોવા છતાં વિશ્વ ઉપર દૃષ્ટિ ઢાળી રહેલા છે કેવી? હીરકની. હીરકથી વધારે પ્રકાશમાન કોઈ બીજું સ્થૂલ તત્ત્વ નથી. એવી વેધક પ્રકાશમય દૃષ્ટિવાળા પરમાત્મા દેખાયા. અને પછી અશ્વપતિએ શું જોયું? એ પરમાત્મા અને એમણે સર્જેલાં બ્રહ્માંડો એ બે વચ્ચે શો વ્યવહાર થતો હતો? Attracted by the unfathomable regard The unsolved slow cycles to their fount returned To rise again frm that invisible sea. (એજન) વિશ્વમાં ભમી રહેલાં મંદમંદ ગતિએ ચાલતાં, જેનો કોયડો હજી ઉકેલાયો નથી એવાં આ ચક્રગતિમાં ઘૂમતાં બ્રહ્માંડો પ્રભુની એ હીરકમય દૃષ્ટિના અગાધ ભાવથી આકૃષ્ટ થયેલાં પોતાના એ મૂળ ધામમાં – પરમાત્મામાં પહોંચી રહ્યાં છે અને ત્યાં પહોંચી તે લય પામી જતાં નથી, એ અદૃશ્ય સાગરમાંથી તે પાછાં ઊઠી આવવાનાં છે. આમ, અશ્વપતિને પરમાત્માનાં દૃઢતમ ચરણ અને હીરકપ્રભ ચક્ષુનાં, એમની અગમ્ય અકલિત આંતરિકતાનાં, વિશ્વમાત્રને પોતાના તરફ ખેંચી રહેલા મહાસંકર્ષણબળનાં અને વિશ્વમાત્રને પોતામાં લેતા અને પાછા પોતામાંથી વિસૃષ્ટ કરતા પ્રભુનાં દર્શન થાય છે. પરમાત્માનું જે વ્યક્ત મૂલતમ સત્ત્વ છે તે આ જ હશે ને? અશ્વપતિની વિશ્વયાત્રા, આમ, આ વિશ્વોના મહાસર્જકના દર્શનમાં સમાપ્ત થાય છે. અને આ દર્શન પછી શું થાય છે? અશ્વપતિને આખું વિશ્વ એ પરમાત્મામાં લીન થઈ જતું દેખાય છે. એક વિલક્ષણ ભવ્ય અવિચલ નીરવ શાંતિ જગત અને આત્મા બંનેને ખંખેરી નાખે છે. એક નરી નિઃસંગ વાસ્તવિકતા તેના આત્માની તીવ્ર શોધના ઉત્તર રૂપે તેની સામે આખરે આવીને ઊભી રહી જાય છે. એમાં કશી ક્રિયા નથી, કશી ગતિ નથી. જીવનનો પ્રશ્ન એના મૌન આગળ જીવનના હોઠ ઉપર જ થંભી જાય છે, જંપી, મરી જાય છે. પરંતુ અશ્વપતિની યાત્રાનો અંત શું અહીં આ મૌનમાં જ છે? પ્રભુ તરફથી આ જ શું છેલ્લામાં છેલ્લો ઉત્તર છે? ના. પરમ નિર્વાણ એ કાંઈ પ્રભુનો છેલ્લો શબ્દ નથી, એ કાંઈ જીવનનો અંતિમ અર્થ નથી. આ મહાન અગમ્ય જગતનો અર્થ એ નથી. ના, આ પરમ શાંતિની અંદર એક પરમ શક્તિ રહેલી છે. એ શક્તિનાં દર્શન અને અનુભૂતિ હવે અશ્વપતિને થાય છે. For one was there supreme behind the God. A Mother Might brooded upon the world; A consciousness revealed its marvelous front Transcending all that is, denying none: Imperishable above our fallen beads He felt a rapturous and unstumbling Force. (૩.૨, પૃ.૨૮૪)
પ્રભુની પાછળ કોઈ બીજું પણ ઊભેલું હતું. કોણ? આખા યે જગત ઉપર એક માતૃ-મહાશક્તિ ઢળતી ઢળતી ઝૂકી રહી હતી. એ ચેતના હવે પોતાનું અદ્‌ભુત રૂપ અશ્વપતિને બતાવે છે. એ વસ્તુમાત્રથી પર હતી. પણ પેલી વિશ્વોને શૂન્યમાં ઢાળી દેતી નિઃસંગ વાસ્તવિકતા કરતાં આ જુદી હતી. એ કશાનો ઇન્કાર કરતી ન હતી. આપણાં ઝૂકેલાં નત મસ્તકો ઉપર અશ્વપતિ અનુભવે છે કે એક અવિનાશી આનંદસભર અને સ્ખલન રહિત શક્તિ આવી રહી છે. (કવિ આ કાવ્યમાં ‘આપણને’, માનવમાત્રને પાત્ર તરકે આ રીતે ઠેકઠેકાણે લાવતા રહે છે.) The undying truth appeared the enduring Power Of all that here is made and then destroyed, The Mother of all godheads and all strengths Who, mediatrix, binds earth to the Supreme. (૩.૨, પૃ.૨૮૫)
આ દર્શન દેતી મહામાતૃશક્તિ એ એક એવું સ્ત્ય છે જે કદી મૃત્યુ પામતું નથી. અહીં સર્જાતી અને પછી વિસર્જાતી સર્વ ચીજોની પાછળની એ સ્થાયી શક્તિ છે. એ જ સર્વ દેવોની અને સર્વ બલોની માતા-જનેતા-જનની છે. એ જ પ્રભુ અને માનવની વચ્ચે મધ્યગા છે, અને પૃથ્વીને પ્રભુની સાથે સાંકળવાનું કામ કરે છે. અને એનું દર્શન થતાં વિશ્વનો કોયડો હવે ઊકલી જાય છે. ઉપર જેને huge riddle of created things કહી હતી, unsolved slow ccles કહ્યાં હતાં તેનું નિરાકરણ હવે અશ્વપતિને દેખાય છેઃ The Enigma ceased that rules our nature’s night. (એજન) આપણી પ્રકૃતિની રાત્રિ પર રાજ્ય કરતો મહાપ્રશ્ન વિરમી ગયો. હવે જે શૂન્ય આકાશો દેખાતાં હતાં તેમાં એક હૃદય ધબકતું અનુભવાય છે, ઊર્ધ્વના ધવલ આધ્યાત્મિક ધામોમાંથી એક પ્રખર પ્રેમ વહી આવતો અનુભવાય છે, એ આવીને અવિદ્યાના પેટાળમાં રહેલી ગ્લાનિ, શોકને ખતમ કરી દે છે, એના સ્મિતમાં વેદના વિરમી જાય છે. A Heart was felt in the spaces wide and bare, A burning Love from white spiritual founts Annulled the sorrow of the ignorant depths; Suffering was lost in her immortal smile.          (એજન) વિશ્વની મહાજનનીનું દૈવી સ્મિત અશ્વપતિને દેખાય છે, ખાલી અને નિષ્પ્રાણ દેખાતા અવકાશોની અંદર એક હૃદય દેખાય છે, આધ્યાત્મિક તત્ત્વનાં ધામોમાંથી વહી આવતો એક જ્વલંત પ્રેમ અનુભવય છે. આમ, જે પરમ વાસ્તવિકતા જીવનના પ્રશ્નને ઠંડો કરી નાખતી હતી તેમાં એક ઉષ્મા, એક હૃદયનો ધબકાર દેખાતો થાય છે. એ સ્મિતમયી મહા જનનીનું અનંતવિધ કાર્ય કવિ વર્ણવે છે. અને અશ્વપતિનો આત્મા હવે કેવળ એને સમર્પિત થઈ જાય છે. અને હવે એના હૃદયની કથા અને વ્યથાની કથની શરૂ થાય છે. દૂર સુદૂર, વિશ્વના ચરમ સીમાડે પરમાત્મા દેખાયા, આ સર્વ અવકાશોને ભરતી મા ભગવતી દેખાઈ. પણ પોતે જે પૃથ્વીના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યો છે અને એ પૃથ્વી માટે જે કાંઈ તેની મનીષા છે- Her light, her bliss he asked for earth and men. (૩.૨, પૃ.૨૮૭)
તેનું શું એનું જલતું અંતર એની પાસે આ ધા નાખી રહ્યું છે. This was the fiery point that called her now. (એજન, પૃ.૩૦૨)
અખંડ ધીરજ ધારીને એ એક મૂગી પ્રાર્થનાને પ્રભુ તરફ વહેતી રાખે છે, અને ત્યાંથી, એ પ્રભુના ખાલી વિરાટ દરબારોમાંથી જવાબ લઈને કોઈ આશાનાં પગલાં આવે છે કે નહિ તે સાંભળવાને તે આતુર બનીને બેસે છે. પ્રભુ તરફથી, મા ભગવતી તરફથી કોઈ શબ્દની રાહ જુએ છે. અને આ રાહ ક્યાંય લગી જોવાની રહી. એ ભીષણ ઊર્ધ્વતાઓમાંથી કોઈ શબ્દ નથી આવતો, એ કાલાતીત ચક્ષુઓ હજી બિડાયેલાં જ છે. વરસ પર વરસો વીતે છે અને એનું હૃદય કોઈ શૂન્ય અસહાયતાના ભાર હેઠળ દબાતું રહે છે. But from the appalling heights there stooped no voice; The timeless lids were closed; no opening came. A neutral helpless void oppressed the years. (૩.૩, પૃ.૨૮૮)
પણ પછી એકાએક કાંઈ બને છે. એકાએક, કેમ કે ઘણી વસ્તુઓ ગુહ્યની સૃષ્ટિમાં તૈયાર થતી રહી હોય છે તેની આપણી બાહ્ય ચેતનાને કશી ગતાગમ હોતી નથી. અને એ જે બનેલું કવિ વર્ણવે છે તે માત્ર કવિતા નથી, કલ્પનાની સર્જન નથી, આધ્યાત્મિક જગતની એ એક મહાન, જીવંત, વિરલ, ક્રાંતિકારક અને સ્વાભાવિક અનુભૂતિ છે. શું થયું? Then suddenly there rose a sacred stir. પ્રલંબ પંક્તિ-પ્રવાહમાં પથરાતા રહેલા અંગ્રેજી બ્લૅન્ક વર્સમાં શ્રી અરવિંદે સભાન રીતે એક નવી શૈલી યોજી છે. એ રીતે ઘણી પંક્તિઓમાં વાક્ય કોઈ અસરકારક ચોટપૂર્વક પંક્તિને અંતે જ પૂરું થઈ જતું હોય છે. એકાએક એક પુનિત સંચાર ઉત્પન્ન થયો. એ મહાશૂન્યમાં જે નિષ્પ્રાણ નીરવતા પડેલી હતી, તેમાં જે એકલતા અને વિરાટ વિસ્તાર હતાં તેમાં એક શબ્દ આવ્યો, કોઈ પ્રેમીજનની પદ-પગલીના જેવો કંપતો કંપતો, અને આત્માના અવકાશ જેને સાંભળવા આતુર બેઠેલા હતા તેમાં તે સંભળાયો. અશ્વપતિને એક અપૂર્વ અનુભૂતિ શરૂ થાય છે. Amid the lifeless silence of the Void In a solitude and an immensity A sound came quivering like a loved footfall Heart in the listening spaces of the soul; A touch perturbed his fibres with delight. (૩.૪, પૃ.૩૦૩)
અનુભૂતિ ક્રમે ક્રમે વિકસતી જાય છે. પ્રથમ એક કશોક સંચાર ઊઠતો દેખાય છે, પછી એક અવાજ આવે છે, પછી એક સ્પર્શ આવે છે, અને અશ્વપતિના શરીરના તંતુઓને આનંદનો એક ક્ષોભ આપી જાય છે. આ શું છે? આ ક્યાંથી આવે છે? An influence had approached the mortal range, માનવના પ્રદેશની અંદર કોઈ એક પ્રભાવક તત્ત્વ આવી રહ્યું છે, કશુંક આવે છે, આપણા નિત્યના અનુભવોની સીમામાં જે કદી આવેલું નથી એવું આ કંઈક છે એટલું સંવેદન જન્મે છે. પણ એ અમૂર્ત સંવેદન તરત જ એક મૂર્ત આકાર લે છે. A boundless Heart was near his longing heart. અત્યાર લગી અગ્નિ જેવી ઝંખનાથી ધકધકતા તેના હૃદયની પાસે આવીને કોઈ નિઃસીમ હૃદય ચંપાઈ જાય છે અને તરત એક અકલ્પ્ય એવું કંઈક બને છે– A mystic form enveloped his earthly shape. એક ગુહ્ય આકૃતિ આવીને અશ્વપતિના પાર્થિવ દેહને આવરી લે છે. એ કોણ છે? શું છે? કવિ તરત જ તેનું નામ પાડી દે છે, સ્ત્રીવાચક શબ્દ વાપરીને, All at her contact broke from silence’s seal; અત્યાર લગી મૌનના આગળામાં ભીંસાઈ રહેલું તેનું આખું સ્વરૂપ એ મૌનમાંથી મુક્તિ અનુભવે છે, આત્મા અને શરીર બંને પેલા (Her-મા ભગવતીના) સ્પર્શ સાથે એકરૂપ થઈ રોમાંચિત થઈ જાય છે, કોઈ અકથિત આનંદની ઝપટમાં આવી જાય છે. Spirit and body thrilled indentified Linked in the grasp of an unspoken joy, Mind, members, life wer merged in ecstasy. મન, ઇન્દ્રિયો, પ્રાણ બધું આનંદઉદ્રેકમાં નિમજ્જિત થઈ જાય છે અને આ અનન્ય આનંદની ઉત્કટતા કવિ અપૂર્વ છટાથી વર્ણવે છે- Intoxicated as with nectarous rain His natures’ passioning stretches flowed to her Flashing with lightnings, mad with luminous wine. All was a limitless sea that heaved to the moon. કોઈ અમૃતની વર્ષા જાણે થઈ છે. એની પ્રકૃતિ મદમત્ત બની ગઈ છે, એ પ્રકૃતિના ધખધખતા વિસ્તારો (પ્રકૃતિનું માત્ર એકાદ અંગ નહિ, પણ જેટલા જેટલા રૂપમાં એ પ્રકૃતિ વિસ્તરીને પડેલી છે તે બધું) પ્રવાહની માફક મા ભગવતી તરફ વહેવા લાગ્યા, વીજળીઓના ઝબકારા થવા લાગ્યા, કોઈ તેજોમય મદિરાએ આવીને તેમને ગાંડા બનાવી દીધા. આખોય અશ્વપતિ, એનું તમામ એક અસીમ સાગર બનીને એ મહા ચંદ્ર તરફ ઊછળી રહ્યું. અનુભૂતિ આગળ વધે છેઃ A divinizing stream possessed his veins, His body’s cells awoke to spirit sense, Each nerve became a burning thread of joy: Tissue and fiesh partook beatitude. ઉપરથી આવતો આ સ્પર્શ એના શરીરની અંદર એક ઘણું વ્યાપક સંવેદન બની જાય છે. એ સ્પર્શ તે એક દિવ્યતા સર્જતો પ્રવાહ છે, એ ઊતરીને તેની નસોનો કબજો લે છે, એના શરીરના કોષોમાં આત્માનું ભાન જાગે છે, એનો પ્રત્યેક જ્ઞાનતંતુ આનંદથી સળગતો તંતુ બની જાય છે. એનાં મજ્જા અને માંસ પણ પરમાનંદમાં લીન થાય છે. અને હવે તો આ દિવ્ય સર્જક પ્રવાહ શરીરથી નીચે આવેલી અવચેતન ગુહાઓમાં પણ પ્રવેશે છેઃ A light, the dun unplumbed subconscient caves Thrilled with the prescience of her longed-for tread And filled with fickering crests and praying tongues. Even lost in slumber, mute inanimate His very body answered to her power. પ્રકાશિત બનેલી એ ધૂંધળી, અતાગ રહેલી અવચેતનની ગુહાઓ રોમાંચિત થઈ ઊઠી. એમને ખબર પડી ગઈ કે જે પગલીને તે ઝંખી રહી હતી તે હવે આવી છે, એ ગુફાઓમાં અગ્નિની જ્વાલાઓ સળગવા લાગી, એ અગ્નિની જિહ્વાઓ જાણે પ્રાર્થના કરી રહી હતી. અશ્વપતિનું શરીર નિદ્રામાં ડૂબેલું હોય મૂંગું, નિષ્પ્રાણ ઢળેલું હોય ત્યારે પણ એ મા ભગવતીની શક્તિને જવાબ વાળવા લાગ્યું. અને આમ પોતાના સ્પર્શથી અશ્વપતિના તંતુએ તંતુને રણઝણાવી રહેલી મા ભગવતી છેવટે તેની ભીતરમાં આવીને બિરાજે છેઃ The one he worshipped was withinhim now: જેની તે આરાધના કરી રહ્યો હતો તે હવે તેની ભીતરમાં આવી ગઈ હતી. દૂર દૂર, સૃષ્ટિઓની સીમાને સાવ છેડે દેખાયેલા પરમાત્મા અને તેનામાં ઊતરી આવેલી એ પરમાત્માની મહાશક્તિ મા ભગવતી. વિશ્વના બે છેડા જોડાઈ ગયા હતા. પ્રભુ માત્ર દૂર જ રહેતા નથી, દર્શન આપીને ત્યાંથી વિરમી જતા નથી, તેમની શક્તિ જ્યાં આપણે હોઈએ છીએ ત્યાં, સૃષ્ટિના દૂરતમ છેડા ઉપર પણ આપણને મળી આવે છે, મળવા આવે છે, આપણને વીંટીને ઊભી રહે છે, આપણા રૂપને પોતાની ગોદમાં લે છે અને એથીયે આગળ વધી આપણી ભીતર આવી ત્યાં બેસે છે. એક પરમ ઘટના બની ગઈ. વિશ્વવ્યાપક મહાસત્તા જો વિશ્વના દૂરતમ સીમાપ્રાન્તે છે તો તે માનવની નિકટતમ, તેના ભીતર સુધી આવી પહોંચનારી છે. માનવની સીમિત ચેતનાને બહાર ખેંચીને, મુક્ત કરીને તે દૂરમાં દૂર લઈ જાય છે, તો એ ચેતનાની સીમામાં તે ઊતરી તેની અંદર પોતાનું પ્રતિષ્ઠાન પણ કરે છે. પરંતુ મા ભગવતીનું કાર્ય માત્ર તેની ભીતરમાં ઊતરવાથી સમાપ્ત થઈ જતું નથી. એ જેટલી અંદર આવીને રહેનારી છે તેટલી તે બહાર પણ છે. અને અશ્વપતિનાં ચક્ષુ સમક્ષ પછી આ ભગવતીનું અલૌકિક સ્વરૂપ પ્રગટ થાય છેઃ Flame-pure, ethereal-tressed a mighty Face Appeared and lips moved by immortal words; એક વિરાટ મુખ ત્યાં દેખાયું. અગ્નિની જ્વાલા જેવું તે પવિત્ર હતું, કોઈ સ્વર્ગીય કેશ તેના ઉપર ઝૂલી રહ્યા હતા અને તેના હોઠમાંથી દિવ્ય વાણી વહેવા લાગી. આ સૂક્ષ્મ અનુભૂતિને કવિ જરા વધારે યૌગિક સ્વરૂપે બતાવે છેઃ A shape was een on threshold mind, a voice Absolute and wise in the hearts chamber spoke: પ્રભુ અને માનવની વચ્ચે ઉંબર જેવા આવી રહેલા મન ઉપર, મન-ઉંબર ઉપર એક આકૃતિ દેખાઈ, અને એનો એક પરમ સત્તાશીલ અને જ્ઞાનપૂર્ણ કંઠ હૃદયના મંદિરમા બોલી રહ્યો. આ છે માનવના અને પ્રભુના મિલનની પૂર્ણાહુતિ. આપણે એ દિવ્ય કેશધારી વિરાટ મુખાકૃતિનાં દર્શન કરીને અટકીશું, અશ્વપતિની માફક તેની આરાધના કરીશું અને તેની વાણી દ્વારા પ્રભુના દિવ્ય હેતુ અને કાર્યનું શ્રવણ કરીશું.

આપણી આ પરિષદ, ગુજરાતની આપણી આ મહાન સંસ્થા સાઠ કરતાં વધુ વર્ષ વિતાવી ચૂકી છે. આપણા વિદ્વજ્જનોએ એને કન્યા રૂપે, યુવતી રૂપે વર્ણવી છે, એને માટે ગૃહસ્થાશ્રમની કે ચિરબ્રહ્મચર્યની કલ્પના સેવેલી છે. પણ મનુષ્યની આ પરિભાષાને વળગી રહીશું તો પછી આપણે એને માટે જરા-મરણની પરિભાષામાં પણ વાત કરવી પડશે. વાસ્તવિક રીતે તો પરિષદની ગતિ આપણા જેવા પ્રાકૃત માનવોને હાથે રચાતી રહી છે, છતાં સ્વતઃ તે માનુષી વસ્તુ નથી. આ પરિષદ તો આપણી સારસ્વત ચેતનાનો આવિષ્કાર છે, દિવ્ય ચૈતન્યવાળી સદા વહેતી ગતિવાળી સરસ્વતીનું આપણી વચ્ચે આ પ્રાકટ્ય, કહો કે અવતરણ છે. રણજિતરાજ જેવા ભગીરથોએ એને તપ કરીને પ્રસન્ન કરી નીચે બોલાવી છે અને આપણા ગોવર્ધનરામ જેવા શિવ-શંકરોએ એને પોતાની જટામાં ઝીલી છે, અને એ પતિતપાવનીને આપણા અનેક ભગીરથો પોતપોતાના પિતૃઓના મોક્ષ માટે, પોતપોતાની ભાવનાઓની સિદ્ધિ અર્થે દોરતા રહ્યા છે. એમનાથી દોરાતી એ ભલે ગમે તે દિશામાં જતી રહી હોય, અત્રલુપ્તા સરસ્વતી જેવી તેની સ્થિતિ થઈ હોય, છતાં તે ચિરયૌવના અને શાશ્વતરૂપિણી છે. અને એ રીતે આપણી વચ્ચે તેનો આવિર્ભાવ આ નવા નવા ઉન્મેષોમાં સતત થતો રહેવાનો છે, અને આપણી ‘धियः’ને પ્રેરતી તે ‘चोदयित्री सूनृतानाम्’ આપણને આપણા ઇષ્ટતમ અને કલ્યાણતમ કર્તવ્યમાં લઈ જશે. આ પરિષદની સિદ્ધિ-અસિદ્ધિઓનું જમા-ઉધાર પાસું ભલે ગમે તેવું હોય, અને માણસના હાથની વસ્તુમાં આમ હજી થતું જ રહેવાનું, પરંતુ તેની સમગ્ર મુદ્રા જોઈશું તો જણાશે કે આપણી સાંસ્કારિક ચેતનાની પ્રતિનિધિરૂપ એવી સંસ્થા તો આ જ એકમાત્ર છે. ગુજરાતની જે ઉત્તમોત્તમ વિભૂતિઓ છે, સર્જનના, ચિંતનના, ભાવનાત્મકતાના પ્રદેશના જે અગ્રણી પુરુષો છે તે બધા એક કે બીજી રીતે આ પરિષદ સાથે સંકળાયા છે. એમના વ્યક્તિત્વે, એમની પ્રતિભાએ, એની શક્તિએ અહીં આવીને પોતાની કો’ક ઉત્તમોત્તમ અભિવ્યક્તિ આપેલી છે. આ પરિષદના રંગમંચ ઉપર, એના પ્રમુખોએ, એના અનેકવિધ વિભાગીય પ્રમુખોએ, એને નિમિત્તે સર્જાયેલા અનેકાનેક નિબંધોએ જે સમૃદ્ધિ પીરસેલી છે તે જોતાં પ્રશ્ન થશે કે એવો કયો વિષય છે જેનો વિચાર આ પરિષદમાં થયેલો નથી. આપણે ‘સાહિત્ય’ના નામથી આપણું કામ શરૂ કર્યું છે, પણ એ ‘સાહિત્ય’ તો વાણી જે જે વસ્તુને સ્પર્શી શકે છે તે વસ્તુમાત્રને પોતાના આશ્લેષમાં લેતી પ્રવૃત્તિ બની ગયું છે. આપણા સાહિત્યના પ્રશ્નો, કેળવણીના પ્રશ્નો, ભાષાના, લિપિના, પાઠ્યપુસ્તકોના પ્રશ્નો, તત્ત્વચિંતનના,લોકકલ્યાણના અને ઈશ્વરપરાયણતાના પ્રશ્નો – એમ આપણે ઘણું ઘણું વિચાર્યું છે. રમણભાઈએ એમના આઠમી પરિષદના પ્રમુખસ્થાનેથી એમના વિનોદની રીતે નોંધ્યું છે તે મુજબ માત્ર ‘પુનર્જન્મ’નો જ પ્રશ્ન પરિષદમાં વિચારવાનો બાકી રહ્યો છે! અને આવું બધું બહુવિધ વિશ્વરૂપ ચિંતન મનન કરતાં કરતાં આપણે કર્મનો પથ પણ યથાશક્તિ ખેડ્યો છે. પરિષદે પોતાના હેતુઓનું આકલન કરતાં પોતાના કાર્યની રૂપરેખા આંકી પણ છે. એ દિશામાં એને પોતાને હાથે કેટલીક ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ થઈ છે તો કેટલીક વસ્તુઓ તેની પ્રેરણાથી કોઈ ને કોઈ રીતે સધાઈ છે. દા. ત.,પરિષદની પહેલી બેઠકથી જ આપણે જોડણીનો મહાપ્રશ્ન વિચારવા માંડ્યો; અને તે હવે સિદ્ધ બન્યો છે-ભલે તે કાર્ય પછી ગાંધીજીના આદેશથી ગूજરાત વિદ્યાપીઠે સિદ્ધ કર્યું. અહીં જ આપણા કાર્યક્ષેત્રનો, કાર્યશક્તિનો, તેની મર્યાદાનો પ્રશ્ન આપણને સમજાવા લાગે છે. પરિષદે કાંઈક સક્રિયતા કરવી જોઈએ, પણ શું કરવું જોઈએ – એ પ્રશ્ન ફરી ફરીને ઊભો થાય છે અને ફરી ફરીને આપણે કંઈક તેનો ઉકેલ લાવવા મથીએ છીએ અને લાવીએ પણ છીએ. જરાક ઊંડે જઈને જોઈશું તો જણાશે કે આપણે શું કરવું છે, એના કરતાં કરનાર કોણ છે એ પ્રશ્ન વધારે મહત્ત્વનો છે, એ પહેલો પ્રશ્ન છે. કાર્યશક્તિવાળા અને કાર્યની ભાવનાવાળા, ધગશવાળા માણસો હશે તો તેઓ અનેક કામો કરી નાખશે. એક રણજિતરામ હતા, અને તેમણે પરિષદ ઊભી કરી. એક ગાંધીજી હતા અને તેમણે જોડણીકોશ કરાવી આપ્યો. પણ અહીં બીજો મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે તે વ્યક્તિ અને તેની સાથે સંકળાતી સમષ્ટિનો. કોઈ પણ કાર્યના વ્યાપક કરવાને માટે સમષ્ટિને તેમાં લેવાની રહે છે. એકલા રણજિતરામ કે ગાંધીજીથી પરિષદ કે જોડણીકોશ તૈયાર ન થઈ શકે. એટલે પછી આ વ્યક્તિ પોતાની આસપાસ, પોતાના વિચાર અને ભાવના, પ્રેરણા અને આદર્શની પાછળ કેટલાકને કેવી રીતે આકર્ષી શકે છે, આમંત્રી શકે છે તેનો પ્રશ્ન ઊભો થાય છે. અને અહીં પછી માનવકૃતિ ઊભી કરી શકે તેટલી અનેકાનેક પરિસ્થિતિઓ – સારી, માઠી અને હરેક રીતની-ઊભી થઈ શકે છે. અને આપણે ત્યાં એવું બન્યું છે. રણજિતરામે પરિષદનો સૂત્રપાત નાખ્યો, પણ આ પરિષદમાં ભેગા થતા આપણા સાક્ષરો કેવી રીતે હળશે મળશે અને શું શું કરશે એના પ્રશ્નો પછી ડોળા ફાડીને સામે આવવા લાગ્યા. પરિષદમાં હળતામળતા, કરતાકારવતા સજ્જનોને હાથે કે કોઈક રીતે કંઈક એવું થયું કે કવિ ન્હાનાલાલ સદાને માટે પરિષદથી રિસાઈ ગયા. પરિષદના વ્યવહાર માટે બંધારણની જરૂર જણાવા લાગી, પણ એ બંધારણ ઉપજાવતાં ઉપજાવતાં પરિષદને પચીસ વર્ષ લાગ્યાં અને એક ધારાશાસ્ત્રીને આપણે પરિષદના સુકાને બંધારણ બનાવવાને બેસાડીને બંધારણ બનાવ્યું. પરિષદના એકવીસમા વર્ષે, પ્રમુખસ્થાનેથી રમણભાઈ નોંધે છે તેમ, ત્યાં સુધીમાં કોયડાઓનો એક મોટો ભારો પરિષદ આગળ ઊભો થઈ ગયો હતો. અને ૧૯૩૧માં પરિષદને શ્રી ભૂલાભાઈ દેસાઈના પ્રમુખપદે મળેલા વ્યવસ્થિત બંધારણ પછી વળી એવું થયુ કે આ પહેલાં તો માત્ર એક કવિ-સાક્ષર તેનાથી વિમુખ થઈ ગયા હતા, અને હવે તો અનેક કવિ-સાક્ષરો, સાહિત્યરસિકોની લગભગ આખી સૃષ્ટિ પરિષદથી વિમુખ બનવા લાગી. ‘આજે ઘણા આગેવાન તેમજ બીજા સાક્ષરો આ પરિષદમાં ભળતા નથી. મુંબઈમાં કેટલાકોએ મને ચોખ્ખું કહ્યું કે “શતાબ્દીમાં તો અમારે આવવું જ જોઈએ. બાકી પરિષદમાં અમને હવે કશો રસ રહ્યો નથી.” હું ધારું છું કે અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપણા નીચે જે બેઠક થઈ હતી, તે પછી આ જ પરિષદમાં, પરિષદની આ જ બેઠકમાં હું આવી શક્યો છું, લગભગ વીસ વર્ષે. તેનાં ઘણાં કારણોમાં એક કારણ આ પણ છે કે પરિષદની કાર્યવાહી જેવી હોવી જોઈએ તેથી તદ્દન જુદી જાતની મને લાગી છે.’ ૨૮-૧૦-૫૫ – કાન્તિલાલ છગનલાલ પંડ્યા (ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯મું સંમેલન, નડિયાદના સત્કારપ્રવચનમાંથી) વ્યક્તિ અને સમષ્ટિના મેળવી વચ્ચે કાંઈક વસ્તુ હજી ખૂટતી હતી બંધારણ બન્યા પછી જે મહા સક્રિય વ્યક્તિ પરિષદના રંગમંચ ઉપર આવી તેણે સાહિત્યજગતની સમષ્ટિ સાથે પોતાની રીતે વ્યવહાર આદર્યો અને એમાં એવું બન્યું કે આ પહેલાં જેવી રીતે કવિ ન્હાનાલાલ પરિષદથી અળગા થઈ ગયા હતા તેવી રીતે હવે આપણી એક બીજી સાક્ષરવ્યક્તિ, બળવંતરાય ઠાકોર, તેનાથી અલગ બની ગયા. બેશક, કવિની પેઠે એ પરિષદ પ્રતિ ઉદાસીન તો ન રહ્યા, ‘પરિષદની મુક્તિ’નો જંગ તેમણે ખેલ્યો, કહો કે પ્રેર્યો અને પાર પણ પાડ્યો, પણ પરિષદના રંગમંચ ઉપર તેમનું પગલું પછી કદી ન પડ્યું. ૧૯૩૧ પછી બીજા પચીસેક વર્ષ ગયાં અને ૧૯૫૫માં નવો બંધારણીય તબક્કો રચાયો. બંધારણમાં ઇષ્ટ પરિવર્તન માટેનો મોરચો નવલોહિયા સાહિત્યકારોએ ૧૯૩૬થી, અમદાવાદમાં ભરાયેલા સંમેલનમાં ગાધીજી આવ્યા ત્યારથી માંડ્યો હતો. પણ એ મોરચા પરની પૂરી સક્રિયતા ૧૯૫૫માં નડિયાદમા, પરિષદના સુવર્ણ મહોત્સવ પ્રસંગે રચાઈ-એને પરિષદના જીવનની ખરેખર સુવર્ણ ઘટના કહેવી જોઈએ અને પછીનાં થોડાં વર્ષોમાં – ૧૯૫૯–માં નવી શકલવાળા, બ.ક.ઠા. જે લોકશાહી–ડેમોક્રેટિક–બંધારણ માટે અવાજ પુકારતા હતા તેવા બંધારણવાળી પરિષદ બની. પરિષદના બંધારણનો આ ત્રીજો તબક્કો બન્યો, અને આપણે એ પૂરા લોકશાહી બંધારણ હેઠળ કામ કરીએ છીએ, આપણી યથામતિ, યથાશક્તિ. અત્યારે આપણે પરિષદના લગભગ ૬૪મા વર્ષમાં છીએ અને આ દીર્ઘ કાળ દરમિયાન ભરાતાં રહેલાં તેનાં અધિવેશનોના 25મા અધિવેશનમાં મળીએ છીએ. પરિષદનાં આ અધિવેશનોની આ રજતજયંતી છે અને એવા ધન્ય પર્વે આપણે આજે જે મળીએ છીએ તેનો એક આનંદ અનુભવતા આપણે હવે ભવિષ્ય તરફ દૃષ્ટિપાત કરી શકીશું. આ ભવિષ્યમાં આપણે અત્યારના લોકશાહીવાળા ‘ડેમોક્રેટિક’ બંધારણ હેઠળ છીએ છતાં એનાથી એકાદ કદમ આગળ વધાય તો વધીએ. બંધારણનો પ્રશ્ન જ્યારે અમદાવાદના સંમેલનમાં, ૧૯૩૬માં ગાંધીજી આગળ ઊભો કરવામાં આવ્યો ત્યારે તેમણે કહેલુઃ “સાહિત્ય પરિષદમાં ‘ડેમોક્રસી’ના બધા નિયમો નહિ હોય... આવી સંસ્થામાં ‘ડેમોક્રસી’નું ધોરણ ન ચાલે. ચલાવવામાં આવે તો તે ‘ડેમોક્રસી’ નહિ પણ ‘મોબોક્સી’ થાય.” આ વાતનું ચિંતન આપણે વધુ કરવાની જરૂર છે. ગાંધીજીએ પોતાની વાત સમજાવતાં બૅન્કો અને હાઈકોર્ટોનો દાખલો આપેલો અને કહેલું કે એમાં તો એ બૅન્કનો કારભાર ચલાવવાની જેમાં કાર્યશક્તિ હોય, પ્રામાણિકતા હોય, ન્યાયની જેનામાં શુદ્ધ દૃષ્ટિ હોય તે જ કાર્યની ધુરાનું વહન કરે. સાહિત્યનું જે પ્રાણરૂપ તત્ત્વ છે, સાહિત્યના જે પ્રશ્નો છે, અને જેને માટે આપણે સૌ પ્રવૃત્ત થયા છીએ તેનો નિર્ણય કોઈ બહુમતીના આધારે થઈ શકવાનો નથી. એને માટે નો સાહિત્યજગતની જે ઉચ્ચતમ પ્રજ્ઞાઓ હોય એની દ્વારા પ્રવૃત્તિનું નિર્માણ થવું જોઈએ. એમની દ્વારા પ્રવૃત્તિનો આરંભ, પ્રવૃત્તિની દીક્ષા અને દિશા રચાવી જોઈએ. અને આ કેવી રીતે બનશે? પરિષદ તો આગળ વધીને હવે ઉપનિષદ બનવી જોઈએ. આપણી સંસ્કૃતિના આદિકાળમાં જેવી રીતે વિદ્યા સંપન્ન ગુરુની પાસે બેસીને વિદ્યાર્થી તત્ત્વની પ્રાપ્તિ કરતો, ગુરુનું જ્ઞાન, ગુરુની મેધા, પ્રતિભા, ગુરુનું વ્યક્તિત્વ – એના એ નિકટતમ સંપર્કમાં આવી તેનું તે પાન કરતો, તેનાથી પુષ્ટ અને વૃદ્ધિંગત થતો, કંઈક એવી રીતે આપણી પરિષદની અંદર આપણા પ્રતિભાશીલ સાહિત્યકારો – માત્ર સાહિત્યકારો જ નહિ, આપણી સાંસ્કારિક ચેતનાના પ્રદેશની હરકોઈ સિદ્ધ વ્યક્તિ–ની આસપાસ તેમના નિકટતમ સંપર્કમાં પહોંચાય, તેમનું સ્નિગ્ધ સાંનિધ્ય સેવાય અને એમાંથી આપણી નવી નવી પેઢીઓ પુષ્ટ થતી જાય એવું કાંઈ થવું જોઈએ. બેશક, આ ઉપનિષદ પહેલાંના કાળના જેવી નહિ હોય. આ ગુરુઓ અને તેના શિષ્યો એક જ જગાએ ભેગા મળીને બેઠેલા હશે કે બેસશે એમ નથી. આ જે ‘ઉપ’ ત્વ છે તે માત્ર ભૌગોલિક નથી, પણ આંતરિક છે – અને એવા આચાર્યોની આસપાસ આપણે ભેગા થતા રહ્યા છીએ પણ આપણી પ્રથમ પરિષદના પ્રમુખ ગોવર્ધનરામ એવા આચાર્ય હતા, કે જેમની આસપાસ આખું ગુજરાત, આપણા તે સમયના યુવાન વયના સાક્ષરો, આનંદશંકર, બળવંતરાય અને બીજા ઘણા ઘણા ગોઠવાયા હતા – આંતરિક રીતે તેમજ બાહ્ય રીતે. અને એવી આચાર્ય પરંપરા આપણને અક્ષુણ્ણ મળેલી પણ છે. આપણી પરિષદની ઘણી ઘણી વિભૂતિઓ આનંદશંકર, બળવંતરાય, ગાંધીજી આદિની આસપાસ એમની ઉષ્મા ઝીલતું એક વિકાસશીલ વૃંદ સર્જાતું રહેલું છે. આપણી સાહિત્ય પરિષદની પ્રવૃત્તિમાં આપણા સર્જકો, ચિંતકો, આપણા મેધાવી વ્યુત્પન્ન પુરુષોનો સંપર્ક, આપણને જે અન્યથા વ્યાપક રીતે મળતો રહે છે તે વધારે નિકટતર સાંનિધ્યમાં રચાય એવું બનવું જોઈએ. દા. ત., ગાંધીજી જ્યારે અમદાવાદના ૧૯૩૬ના અધિવેશન વખતે વિષયવિચારિણીમાં પોતાનું હૃદય ઠાલવતા હતા ત્યારે મેં જોયેલું કે એ એક નાનકડી ઉપનિષદ જ બની રહી હતી. એટલું જ નહિ, એ આખું અધિવેશન ગાંધીજીની આસપાસ ઉપનિષદ જેવું બની ગયું હતું, કેમ કે એમણે જનમાત્રને પોતાનાં હૃદયની નિકટમાં નિકટ લઈ લીધા હતા. આપણા સર્વ સાહિત્યસર્જકો, તત્ત્વચિંતકો, જીવનદ્રષ્ટાઓ અને આપણા સૌની વચ્ચે એક આવો વધુ નિકટતર સંપર્ક રચાય, બંધારણની આંટીઘૂંટીઓમાં ઊતર્યા વિના, આપણે એકબીજાની પડખે બેસી જઈએ, આપણા અગ્રગામી પુરુષોની આસપાસ ગોઠવાઈ જઈએ, આપણાથી એકબીજાના અંતરતમમાં જવાય તેટલા જઈએ, આપણું ઉત્તમોત્તમ બીજાને આપીએ અને બીજાનું લઈએ, આપણા વ્યવહારમાં એક ઊંડું સૌહાર્દ, આહ્‌લાદક સૌજન્ય આવે, એક મધુર સંવાદિતા આવે, એક સઘન એવું આત્મૌપમ્ય, આત્મૈક્ય, એકરૂપતા આવે અને આપણે એક પૂર્ણ સંવાદમાં અને પૂર્ણ સત્યમાં પહોંચેલો કે પહોંચવા મથતો સાહિત્યસંઘ બની રહીએ આવી કાંઈક અભીપ્સા હું સેવું છું. બેશક, આ બધું બનવું સહેલું તો નથી. અન્યોન્યની નિકટ જવાના, એકબીજાના ભીતરમાં જવાના લાભ છે તો ગેરલાભ પણ નહિ હોય એમ નથી. આપણને આવા સઘન સંપર્કમાં અન્યોન્યના માધુર્યનો અને ઔદાર્યનો અનુભવ થાય તો અન્યોન્યના કાંટાઓનો પણ અનુભવ બની શકે છે, પણ આપણે એવાં જોખમ માટે તૈયાર રહીએ અને આપણી સંવાદ અને માધુર્યની, સત્ય અને સૌન્દર્યની આરાધના આગળ વધારતા રહીએ એમાં આપણા મિલનની ચરિતાર્થતા છે. બેશક, અત્રે આપણે મળીને સાહિત્યના અને સાહિત્યસર્જનના પ્રશ્નો વિચારતા રહ્યા છીએ, પણ આપણી પ્રવૃત્તિ વિચાર અને ભાવનાના ક્ષેત્રમાં તો સાહિત્ય પૂરતી રહેલી જ નથી. આપણી સાહિત્ય પરિષદ એક વ્યાપક જીવનજાગૃતિના અંશ રૂપે રચાઈ છે અને એ જ રીતે એ જાગૃતિનાં સર્વ આંદોલનો આપણે ઝીલતા રહ્યા છીએ તેમ જ આપણા તરફથી પણ નૂતન અભિનવ આંદોલનોનું સર્જન કરતા રહ્યા છીએ. અને એ રીતે આપણી ગતિ એક વિશ્વતોમુખ રૂપવાળી રહેલી છે. આ વિશ્વતોમુખી રીતે આગળ વધતાં આપણે વિશ્વના પૂર્ણ સત્યનો સાક્ષાત્કાર કરી શકીશું અને એ સત્યને કલાકારને જેનું વરદાન મળેલું છે તે સૌંદર્યના સ્વાંગમાં રજૂ કરીશું. આપણા સાહિત્યનો જગતની સાથે, જનતા સાથે જે સંપર્ક હોય તેની વાત તીવ્ર રૂપે આપણી વચ્ચે જ્યારથી ગાંધીજી આવ્યા ત્યારથી બનવા લાગી. ૧૯૨૦ના અધિવેશન વખતે તેમણે સાહિત્યકારોને કહેલું, “સાહિત્ય પરિષદને હું કહું છું કે આપણા કોસ હાંકનાર જેવાના મોંમાંથી અપશબ્દ કઢાવો અને નહિ તો આપણી અવનતિનું પાપ તમારે શિરે રહેશે.” અને ૧૯૩૬ના અધિવેશન વખતે પોતે જે દરિદ્રો અને રોગીઓની વચ્ચે રહેતા હતા તેમના જેવા અતિ પ્રાકૃત જનોને માટે આપણે ‘સાક્ષરો’ શું આપી શકીએ તેની ટહેલ નાખી હતી. આ કરુણાપૂર્ણ પુકાર ઘણો સાચો હતો. પણ જરા ઊંડા ઊતરીએ તો પ્રશ્ન આટલો સરળ અને સહેલો નથી. આપણી અવનતિનું પાપ માત્ર સાક્ષરોને માથે જ શી રીતે આવશે? આપણા સાક્ષરોને પોતાને જ જુઓ ને? કોસ હાંકનારના અપશબ્દોની સામે હરીફાઈમાં ઊતરે એવા અપશબ્દો શું આપણા સાક્ષરોની પાસે નથી રહ્યા? તો આપણે પૂછવું પડશે કે આ બંનેની અવનતિનું પાપ કોને માથે મૂકી શકાશે? જીવનની અવનતિ માત્ર અપશબ્દો પૂરતી જ નથી. આખું જીવન અને જગત અપ-તત્ત્વોથી ભરેલું છે. ખરી રીતે તો જગત રચાયું છે ત્યારથી દસ્યુઓ અને પણિઓ, વૃત્રો અને અસુરો, રાક્ષસો અને આતતાયીઓ પ્રગટતા રહેલા છે. એમ આખુંય વિશ્વ એક વિરાટ સમસ્યા રૂપે રહેલું છે. એ સમસ્યાની ચાવી આખરે તો પ્રભુના હાથમાં છે. Our life is a paradox with God for key. (‘સાવિત્રી’ ૧.૪, પૃ.૬૨) પણ એ ચાવી હાથ આવતી નથી. પ્રભુએ ક્યાંક સંતાડી પણ દીધી છે. For the key is hid and by the Inconscient kept. (એજન) સંતાડીને ઠેઠ અચિત્‌ના હાથમાં તે સાચવવાને આપી છે. એ અચિત્‌ની પાસેથી ચાવી મેળવવી એ જીવનનો સનાતન પ્રશ્ન છે. ભગવાન ધીરે ધીરે એ ચાવી માણસના હાથમાં આપે છે. માનવનું મન પોતાની રીતે જ્ઞાનના પ્રકાશમાં પહોંચે છે. પણ એ જ્ઞાન તેને બહુ મદદ નથી કરતું. जानामि धर्मं न च मे प्रवृत्तिः जानाम्यधर्मं न च मे निवृत्तिः । આ દુર્યોધનની લાચારી માનવમાત્રની છે. એકલા જ્ઞાનને – માનવમને ઉપજાવેલા જ્ઞાનને-શું કરીશું? એટલે ઋષિપત્નીને ગાવું પડ્યું–

એ તો જ્ઞન મને ગમતું નથી ઋષિરાય જી રે,
રૂએ બાળક માગે અંન, લાગુ પાય જી રે.

અને એનો ઉકેલ એણે એ મહાજ્ઞાનીને બતાવવો પડ્યો–

જઈને જાચો જાદવરાય ભાવઠ ભાંગશે રે.

આ શરીરની ક્ષુધાની વાત થઈ. પણ બીજી પણ ક્ષુધા છે.

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર,
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.

જ્ઞાન અમુક વખતે ટૂંપણું થઈ જાય છે. માનવને એથીયે વધુ જીવનપ્રતર્પક રસ જોઈએ છે. અને એ માટે પણ આપણે જાદવરાયની પાસે જવાનું રહે છે. અને ત્યાં જઈ શકીએ છીએ ત્યારે પછી એ માધવ જાદવ માનવ ઉપર કેટલો ત્રૂઠે છે તેની વાત આપણે જાણીએ છીએ. અશ્વપતિને દૂર દૂર વિશ્વસમસ્યાને અંતે દેખાયેલા પ્રભુ પોતાની પરમ શક્તિને છેક માનવની ભીતર સુધી નીચે ઉતારી દે છે. અને સમસ્યનો અંત ત્યારે આવે છે. પણ આખું જગત સમસ્યાના આ અંતિમ છેડે હજી પહોંચ્યું નથી. એ દિશા તરફ જવાની તેની સનાતન યાત્રા હજી પણ ચાલુ છે. જગતમાં પલટા પછી પલટા, પરિવર્તનોની અને ક્રાંતિઓની પરંપરા, વિચારો અને ભાવના અને કાર્યશક્તિમાં પ્રચંડ ઉન્મેષો આવતા રહ્યા છે અને એ રીતે આપણે સૌ આગળ વધતા તો રહ્યા જ છીએ. આપણી સાહિત્ય પરિષદના જીવનમાં છેલ્લાં ૬૫ વર્ષ જોઈશું તો જગતની અને હિંદની પલટાતી પરિસ્થિતિ સાથે આપણે કેવા સંકળાયેલા રહ્યા છીએ તે સહેલાઈથી દેખાઈ આવે છે. ૧૯૦૫માં આપણે પરિષદનાં મંગળાચરણ કર્યાં અને એ જ અરસામાં ૧૯૦૭માં સૂરતમાં કૉન્ગ્રેસને નવો ક્રાન્તિકારી જન્મ મળ્યો. ૧૯૨૦માં અમદાવાદમાં પરિષદ મળે છે અને ગાંધીજીનો અસહકારનો મહાશંખ ફૂંકાય છે, અને બીજાં દસ વર્ષમાં સત્યાગ્રહનો મહાસંગ્રામ મંડાય છે. ૧૯૩૬માં આપણે ગાંધીજીને પરિષદમાં લઈ આવીએ છીએ, નવા બંધારણનો સંકલ્પ સેવીએ છીએ ત્યાં તો ૧૯૪૨માં આપણે બધા એવા મરણતોલ સ્વાતંત્ર્યજંગમાં અટવાઈ જઈએ છીએ કે પેલા બંધારણનો વિચાર કરવાની પણ ક્ષણ આપણને મળતી નથી. અને આ આપણો જંગ તે આખા જગતના મહાજંગોનું એક અંગ જ છે જગતને માટે જાણે યુદ્ધ એ જ મહાન સિદ્ધિસાધન હોય તેમ આદિકાળથી તે લડતું જ રહ્યું છે. जहि शत्रुम्‌નો મંત્ર ભગવાનને સતત આપવો પડ્યો છે. આ છેલ્લાં સાઠ વર્ષમાં જગતમાં વિરાટ પાયા ઉપર બે મહાયુદ્ધો થયાં અને એ પછી માનવે સેવેલી શાંતિ એ મિથ્યા વસ્તુ હોય તેમ માનવની આસપાસ કોઈ ને કોઈ જંગ ઊભો થતો જ રહ્યો છે. જગતની ઘણી ઘણી વસ્તુઓ – વસ્તુ માત્ર – પલટો માગી રહી છે, નવું સર્જન માંગી રહી છે. અને તે માટેની મહામોંઘી કિંમત ચૂકવીને તે એ નવું સર્જન પામી પણ રહી છે. આપણે જ્યારે જ્યારે જાગ્રત રીતે વિચારતા થયા છીએ ત્યારે ત્યારે આપણી આસપાસ આપણને યુગપલટો અને ક્રાંતિઓ થતી દેખાઈ છે. અને આજે છેલ્લાં બે વિશ્વયુદ્ધો પછી, જગત એક નવી ક્રાંતિના ઉંબર ઉપર ઊભેલું છે. અને આ ક્રાંતિ તે પહેલાંની ક્રાંતિઓ કરતાં ઘણી જુદી અને ઘણી ઊંડી છે. પહેલાંની ક્રાંતિઓ રાજકીય હતી, આર્થિક હતી, આજની ક્રાંતિઓ મૂલગામી છે. માણસ જે મૂલ્યોને મૂલતમ સમજીને વળગી રહેતો હતો તે બધાં આજે ઉપરતળે થઈ રહ્યાં છે, વિસર્જિત થઈ રહ્યાં છે. માણસ જેને પરમ આદર્શ અને પરમ શક્તિ માનત હતો તે પણ હવે પોલાં અને સત્ત્વહીન દેખાવા લાગ્યાં છે. આપણાં નૈતિક અને વૈચારિક મૂલ્યો આજની પરિસ્થિતિને માટે કશાં પણ કામયાબ નીવડતાં નથી. માનવ પોતાની દુર્વૃત્તિઓને જીતી શકે તેવું એકે બળ – જ્ઞાનનું કે સંકલ્પનું – તેની પાસે નથી. આ જાણે કોઈ નવાં સાધનો, નવી સિદ્ધિ આવવાની હોય તે પૂર્વે જૂનાના વિસર્જનનો વિશ્વવ્યાપી યજ્ઞ ચાલી રહ્યો છે. નવા નવા દૃષ્ટિકોણો ઊભા થતા જાય છે. માણસનાં કપડાંમાં, વેશભૂષામાં, તેના રસોમાં, તેની જીવન વિશેની ચરિતાર્થતાની શોધમાં પળે ને પળે પરિવર્તન થઈ રહ્યું છે. જીવનની પરમ તૃપ્તિની શોધ માણસને એવો તો આકુળવ્યાકુળ કરી રહી છે કે બાહ્ય સમૃદ્ધિઓથી છલકાતું જીવન છેવટે આત્મઘાતમાં જ પોતાનો મોક્ષ જુએ છે. આપણે સાંભળીએ છીએ કે અમેરિકાના સૌથી સમૃદ્ધ સંસ્થાન કૅલિફૉર્નિયામાં આપઘાતોનું પ્રમાણ જગતના સૌ દેશો કરતાં વધારે છે. આ પરિવર્તનનાં વેગીલાં ચક્રોની ગતિ જગતના અને તેના જ પ્રતિબિંબરૂપ આપણા સાહિત્યમાં પણ સર્જાવા લાગેલી છે. જગતનું સાહિત્ય, કવિતા, નવલ આજે નવા નવા આવિર્ભાવોમાં પહોંચી રહેલાં છે. આપણું સાહિત્ય પણ – આપણી કવિતા, આપણી નવલકથા, નવલિકા – આપણો સાહિત્યિક અભિગમ પણ આપણે જેની કદી કલ્પના કરી ન હતી તેવાં રૂપોમાં ગતિ કરવા લાગ્યાં છે. આપણને કદી કલ્પના ન હતી કે આપણી કવિતામાં અપદ્યાગદ્ય કે અછાંદસતા પાછી આવશે, પણ તે એવા તો ધસારાબંધ આવી રહી છે, અને એવા તો સામેના છેડે જઈને કે અપદ્યાગદ્યના આપણા આદ્ય સર્જક ન્હાનાલાલ પણ મોંમાં આંગળાં નાખી દે. આપણા છંદો, આપણી પદાવલિ, આપણી ચિત્રાત્મકતા, આપણાં પ્રતીકો, કાંઈ ને કાંઈ અભિનવતાની શોધમાં લીન બની ગયાં છે. અને પ્રાચીનના વિસર્જનની આ ક્રિયા ઘડીક તો એવી ગતિમાં પહોંચેલી છે કે તેણે છેવટે આત્મવિસર્જનમાં જ લીન થવું પડે. છંદ ન જોઈએ તો પછી વિષય પણ ન હોય, તો પછી કાવ્યનો કાંઈ અર્થ પણ શા માટે હોય? કવિતાને વિચારોના ભારણથી મુક્ત રાખો, કવિતાને ‘શુદ્ધ કાવ્ય’ બનાવો અને એની શોધમાં પછી શુદ્ધના નામે શૂન્ય હાથમાં આવી રહે તો નવાઈ નહિ. અત્યારની બહિર્લક્ષી સંસ્કૃતિ માણસને આપઘાતમાં મૂકી આવે છે, તેમજ આવી આજની કવિતા પણ પોતાના ઘાતમાં પહોંચી શકે છે. પરંતુ જે મૃત્યુ પામે છે તે તો બાહ્ય શરીર છે. અંતરાત્માનું મૃત્યુ નથી. આપણું સાહિત્ય, કવિતા, આપણી નવી સર્જકતા અત્યારે ઠીક ઠીક પ્રયોગોમાં ગતિ કરી રહી છે. અમારી પેઢીના કવિઓની પછી નવી કવિપેઢી કેવી આવશે તેનો ઉત્તર ઘણા જ કુતૂહલપ્રેરક રૂપે મળવા લાગ્યો છે. ખરેખર, આવું આવું આપણે ત્યાં લખાશે એ કદી કલ્પનામાં ન હતું. અને એ નવા ઉન્મેષની પાછળ જ્યાં સચ્ચાઈનું તત્ત્વ છે ત્યાં આપણા નવા કવિઓના સર્જનમાં નવા લેબાસ હેઠળ પણ શુદ્ધ કવિતા સર્જાવા લાગી છે. આપણી નવલકથા અને નવલિકા સાચા નવોન્મેષો પામી રહી છે. બેશક, હંમેશાં બને છે તેમ અપક્વ કલાશક્તિમાંથી ઘણી ઘણી અપક્વ કૃતિઓ રચાય, તેની બોલબાલા પણ થાય એવું અત્યારે પણ થઈ રહ્યું છે. પરંતુ આપણે અત્યારે એક સંક્રાંતિના નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. આખું જગત એક નવા આવિર્ભાવમાં પહોંચવાને કટિબદ્ધ બનેલું છે. એવે વખતે જાણે જીવનસિદ્ધિનો એક નવો મોરચો રચાઈ રહ્યો છે. માનવના જીવનવ્યાપારમાં અત્યારે અનેક અદૃશ્ય ઊર્ધ્વ બળો કામ કરી રહેલાં છે. બેશક, અનેક અદૃશ્ય એવાં અંધોરૂપ બળો પણ પોતાનો બહાર પૂરવેગમાં ફેલાવી રહ્યાં છે. પણ તે બધાં, સૂક્ષ્મ રીતે જોઈશું તો જણાશે કે પોતાની સંપત્તિને છેવટની વાપરી નાખવા માગતાં હોય, પોતાની શક્તિનો છેવટનો ક્યાસ કાઢી લેવા માગતાં હોય તેમ પોતાને અશેષ કરવા માટે ગતિ કરી રહ્યાં છે. જગતમાં આટલા વિશાળ પાયા ઉપર થઈ રહેલી ઊથલપાથલ એ આ બધાં અપ-તત્ત્વોના જાણે કે વિદાયસમારંભ જેવી છે. આને અંતે એક મંગલમય મધુર સુંદર શિવરૂપ જગત રચાવાનું છે. અને એ જગતમાં આપણું સાહિત્ય પણ એક મંગલમય શિવ સુંદર સ્વરૂપને ધારણ કરશે. આ પરિવર્તનની મહાક્રિયાને આપણે સમજીએ, વધાવીએ, આપણાથી થાય તેટલો એ પૂર્ણ પલટો પોતામાં રચીએ અને એક નવા અતિમાનુષ અવતાર માટે તૈયાર થઈએ. આપણી પરિષદ આ નવા યુગપલટાની અગ્રગામી જ્યોતિર્વાહિકા બની રહે, આપણે તેના ધુરંધરો બનીએ. નવા સર્જનની, નવી ક્રાંતિની, નવી સિદ્ધિની આપણી આરાધના વધુ ને વધુ બળવતી બનો, વધુ ને વધુ તેજસ્વી બનો. વિશ્વની પરમ સર્જકશક્તિ પોતાના સંકલ્પને જગતમાં સક્રિય કરી રહી છે તેની મહાક્રિયામાં આપણે પણ આપણું પૂર્ણ ભાનપૂર્વક સમર્પણ કરીએ, આપણે તેના સહકારી અને સહચારી બનીએઃ सह वीर्यं करवावहै.