પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૪. શ્રી ભોગીલાલ સાંડેસરા


ચોત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી ભોગીલાલ સાંડેસરા
  • ગુજરાતી સાહિત્યના વિવેચક અને સંશોધક ડૉ. ભોગીલાલ સાંડેસરાનો જન્મ ૫ એપ્રિલ, ૧૯૧૭ના રોજ સંડેરમાં થયેલો. પિતા જયચંદભાઈ અને માતા મહાલક્ષ્મીબહેન. તેઓ આઠ વર્ષના હતા, ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું. તેમણે અભ્યાસ પાટણ હાઈસ્કૂલમાં કર્યો. હાઈસ્કૂલમાં ભણતા હતા, ત્યારે મુનિ જિનવિજયજી અને મુનિ પુણ્યવિજયજીનો મેળાપ થયો. શાળાના અભ્યાસ દરમિયાન શિક્ષક રામલાલ ચૂનીલાલ મોદી અને આચાર્ય કલ્યાણરામ નથ્થુરામ જોશીની પ્રેરણાથી સાહિત્ય સંશોધનનાં બીજ વવાયા. તેર-ચૌદ વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ થયેલો. એમનો પ્રથમ લેખ ૧૯૩૧ના જૂન મહિનાના બુદ્ધિપ્રકાશમાં ‘પડી માત્રાનો સમય’ એ શીર્ષકથી પ્રગટ થયેલો. ત્યારે હજુ તેઓ મૅટ્રિક થયા નહોતા. ‘રૂપસુંદરકથા’ પુસ્તકનું તેમણે સંપાદન કર્યું જે ૧૯૩૪માં મુંબઈની ફાર્બસ સભાએ પ્રગટ કર્યું.

૧૯૩૫માં મૅટ્રિક થયા પછી બે વર્ષ સુધી ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’માં જોડાયેલા રહ્યા. એ સમયગાળામાં તેમણે પત્રકારત્વનું ખેડાણ કર્યું. તેમને પીઢ પત્રકાર ચૂનીલાલ વર્ધમાન શાહનો પરિચય થયો. તેઓ બી.એ.ના અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. ત્યાં તેમને અનંતરાય રાવળની હૂંફ મળી. ૧૯૪૧માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત સાથે પ્રથમ વર્ગમાં પાસ થયા. ૧૯૪૩માં એ જ વિષયો સાથે એમ.એ.માં પણ પ્રથમ વર્ગ આવ્યો. તેમણે ‘રૂપસુંદરકથા’નું સંપાદન કરેલું. એ જ પુસ્તક એમને એમ.એ.માં ભણવામાં આવેલું. તેઓ એમ.એ. થયા કે તરત જ તેમને ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વિભાગમાં અધ્યાપક તરીકે નોકરી મળી. ત્યાં તેમને વિદ્વાન રસિકલાલ છો. પરીખનો પરિચય થયો. ૧૯૫૦માં ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ એ વિષય પર અંગ્રેજીમાં મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી મેળવી. એ નિબંધ હિંદી અને તેલુગુમાં પણ છપાયેલો. ભોગીલાલ સાંડેસરાએ ચાળીસેક જેટલાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’, ‘શબ્દ અને અર્થ’, ‘વસ્તુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’, ‘સંશોધનની કેડી’, ‘ઇતિહાસની કેડી’, ‘પંચતંત્ર’, ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જર કાવ્યો’, ‘પ્રાચીન ફાગુસંગ્રહ’ અને ‘અન્વેષણ’ ઉલ્લેખપાત્ર ગણી શકાય. એમણે આશરે અઢીસો જેટલા લેખો લખ્યા છે. ભોગીલાલ સાંડેસરાએ ૧૯૫૧થી ૧૯૭૫ સુધી વડોદરા યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવાઓ આપેલી. સાથે સાથે પ્રાચ્ય વિદ્યામંદિરમાં નિયામકપદે પણ રહ્યા. એ દરમિયાન ‘ત્રૈમાસિક સ્વાધ્યાય’નું તેમણે સંપાદન પણ કર્યું. ભોગીલાલ સાંડેસરાની વિદ્યાકીય સાધના પણ લાંબી છે. તેમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનો આપ્યાં હતાં. ૧૯૫૫માં નડિયાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ રહેલા, ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલી અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ અને જૈન ધર્મના વિભાગના પ્રમુખ, ૧૯૬૧માં સણોસરામાં ગુજરાતીનો અધ્યાપક સંઘ મળેલો તેના તેઓ પ્રમુખ હતા. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ – આમ અનેક સાહિત્યિક સંસ્થાઓમાં તેમણે પ્રમુખપદે રહીને તેમની સેવાઓ આપેલી. ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ કર્યો તેના સુફળ રૂપે ‘પ્રદક્ષિણા’ નામે વિદ્યાયાત્રાનું વર્ણન કરતું પુસ્તક તેમણે લખ્યું છે. ૧૯૫૩માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૬૨માં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયા છે. ૧૯૮૭માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન મુંબઈમાં ભરાયું ત્યારે તેનું પ્રમુખપદ તેમણે શોભાવેલું. ૧૮ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ તેમનું અવસાન થયું. ઐતિહાસિક શબ્દકોશ : કેટલાક વિચારો याज्ञवल्क्यः – वाग् वै ब्रह्म । वागेवाऽऽयतनमाकाशः प्रतिष्ठा प्रज्ञेत्येनदुपासीत । जनकः – का प्रज्ञता? याज्ञवल्क्य : – वागेव प्रज्ञता सम्राड् । {Right|બૃહદારણ્યક ઉપનિષદ, ૪-૧-૨}}
एकः शब्दः सम्यग् ज्ञातः शास्त्रन्वितः सुप्रयुक्तः स्वर्गे लोके कामधुग् भवति । {Right|પાતંજલ મહાભાષ્ય, ૬-૧-૮૪}}
इतिकर्तव्यता सर्वा लोके शब्दव्यापाश्रया । {Right|ભર્તૃહરિકૃત વાક્યપદીય ૧-૧૨૨}}
અધિવેશનના ઉદ્‌ઘાટક શ્રી ઉમાશંકરભાઈ, સ્વાગતાધ્યક્ષ શ્રી ચત્રભુજ નરસી ઠક્કર, સન્નારીઓ અને સજ્જનો! શ્રી ગોકળીબાઈ હાઈસ્કૂલના સુવર્ણ મહોત્સવ પ્રસંગે આજે આપણે અહીં મળીએ છીએ એ પરમ હર્ષનો વિષય છે. ગુજરાતી સાહિત્ય પરિષદના આ ચોત્રીસમા અધિવેશનનું પ્રમુખસ્થાન મને આપવા બદલ પરિષદના સભ્યોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ સ્થાન શોભાવનાર મારા પૂર્વસૂરિઓને હું યાદ કરું છું ત્યારે ઊંડા સંકોચની લાગણી અનુભવું છું તથા એમનાં ઉચ્ચ ધોરણોને હું પહોંચી શકીશ કે કેમ એ વિશે કંઈક શંકાશીલ બનું છું. પણ આશા રાખું છું કે આ સર્વના સહકારથી આ જવાબદારી હું નિભાવી શકીશ. બીજી એક આનુષંગિક છતાં અગત્યની વાત મને પ્રેરણા આપે છે. ચોત્રીસ વર્ષ પહેલાં ૧૯૬૩માં આ વિલે-પારલે નગરમાં પરિષદના બાવીસમા અધિવેશનના પ્રમુખસ્થાને મારા માર્ગદર્શક અને હિતચિંતક સદ્‌ગત પ્રો. રસિકલાલ છો. પરીખ હતા અને એમનો પરિચય મેં આપ્યો હતો, એ આનંદપ્રદ હકીકતનું અહીં સ્મરણ થાય છે. ગુજરાતી સાહિત્યજગતમાં, એક રીતે કહીએ તો આ શતાબ્દીઓનું વર્ષ છે. કાકાસાહેબની શતાબ્દી હમણાં ગઈ, મુનશી, રામનારાયણ પાઠક અને સ્વામી આનંદની શતાબ્દી નિમિત્તે એમનાં જીવન અને કાર્યનું સ્મરણ, અધ્યયન અને વિવેચન થઈ રહ્યું છે. હિન્દીના સુપ્રસિદ્ધ કવિ મૈથિલીશરણ ગુપ્તની શતાબ્દીનું પણ આ વર્ષ છે. કલિકાસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રની નવમી જન્મશતાબ્દી આવતા વર્ષે સં. ૨૦૪૫ના કારતક સુદ પૂર્ણિમાએ છે. આ સર્વ મનીષીઓ, વિદ્વાનો અને સાહિત્યકારોને આપણી માનાંજલિ સમર્પીએ છીએ. પરિષદ-પ્રમુખે સાહિત્યવિદ્યાના કોઈ અગત્યના પ્રશ્ન કે પ્રશ્નો વિશે કંઈ કહેવાનો પ્રઘાત છે. તેને અનુસરીને, આપણી ભાષાના એક મહત્ત્વના પ્રશ્ન તથા એની પ્રયોજના પરત્વે કેટલાક વિચારો હું રજૂ કરીશ. સાહિત્ય પરિષદના સ્થાપનાકાળથી શબ્દકોશ વિશે ચર્ચા થતી આવી છે. પ્રો. યશવંતભાઈ શુક્લે સુરત ખાતે બત્રીસમા અધિવેશન (૧૯૮૪)ના પ્રમુખસ્થાનેથી કહ્યું હતું તેમ, “પરિષદના છેક આરંભકાળથી ગુજરાતી ભાષા અને સાહિત્યને વિકસાવવાનાં ઓજારો તરીકે છંદશાસ્ત્ર, કોશ અને વ્યાકરણની જરૂરિયાત પરિષદના સૂત્રધારોએ પ્રમાણી હતી.” (હેવાલ, પૃ. ૨૧) બંધારણની કલમ ૩અ (૫)માં પરિષદના હેતુઓમાં “ગુજરાતીમાં કોશસાહિત્યનો પ્રબંધ કરવો” એ હેતુ પણ છે. કોશમાં વિષયકોશનોયે સમાવેશ કરીએ તો ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ થોડા સમય પહેલાં જ પરિષદે પ્રગટ કર્યો છે. ‘સાહિત્યકોશ’ છપાય છે. ‘ગુજરાતી ગ્રંથસૂચિ’, જે સાહિત્યકોશ જેટલી જ મહત્ત્વની પ્રયોજના છે, એ માટે પરિષદે કેટલાંક વર્ષ પહેલાં એક સમિતિ નીમી હતી અને તે સમિતિ માટે મેં તૈયાર કરેલી નોંધ’ ‘પરબ’ (જાન્યુઆરી ૧૯૭૯)માં છપાઈ છે. એ મહત્ત્વના કાર્ય માટે જરૂરી માનવશક્તિ પરિષદ પાસે છે. પરંતુ શબ્દકોશની વાત કરીએ તો, ઈ. સ. ૧૮૦૮માં ડ્રમંડની ‘ગ્લોસરી’ છપાઈ ત્યારથી માંડી ગુજરાતમાં કોશરચનાપ્રવૃત્તિ સતત ચાલતી આવી છે. એનો રૂપરેખાત્મક પરિચય, ૧૯૬૧માં લોકભારતી, સણોસરા ખાતે મળેલા, ગુજરાતીના અધ્યાપક સંમેલનના ચૌદમા અધિવેશનના પ્રમુખસ્થાનેથી આપેલા ‘ગુજરાતી કોશ’ એ શીર્ષક નીચેના વ્યાખ્યાનમાં મેં આપ્યો હતો. ગુજરાત રાજ્ય સરકારના ભાષાવિભાગ દ્વારા નિમાયેલી ‘ત્રિભાષી વહીવટી શબ્દકોશ સમિતિ’ના (૧૯૭૮-૧૯૮૭; જોકે વચ્ચે બે વર્ષ એ કામ બંધ રહ્યું હતું) અધ્યક્ષ તરીકે કામ કરવાનો અવસર મને મળ્યો હતો. આશરે પચીસ હજાર અંગ્રેજી શબ્દોના ગુજરાતી અને હિન્દી પર્યાયો એમાં અપાયા છે અને એ કોશ થોડાક માસમાં પ્રગટ થવા ધારણા છે. એ કોશ છે તો વહીવટી, પણ ગુજરાતી અને હિન્દીના વિદ્વાનો એ સમિતિમાં હતા, તેમની સાથે ચર્ચાઓ થતાં ગુજરાતી, હિન્દી અને કેટલીક વાર અંગ્રેજી શબ્દોના પણ મૂળ, સ્વરૂપાન્તરો અને અર્થાન્તરોનો વિમર્શ થતો, જે વિશે દેખીતાં કારણોસર નોંધ થઈ શકી નથી. ગુજરાતી કોશસાહિત્યનાં છેલ્લાં પણ મુખ્ય સીમાચિહ્નો બે – ગૂજરાત વિદ્યાપીઠનો ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદ્ ગોમંડલ’. વિદ્યાપીઠના કોશની સૌથી મોટી સેવા ગુજરાતી ભાષાની જોડણીને નિશ્ચિત અને વ્યવસ્થિત રૂપ આપવામાં રહેલી છે. “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી” એવો ઉત્કટ પણ બુદ્ધિયુક્ત ભાષાભક્તિથી પ્રેરાયેલો ગાંધીજીનો આદેશ, નિદાન સાહિત્યપ્રેમી અને શિક્ષણરસિક વર્ગોમાં, વિદ્યાપીઠના કોશની સહાયથી પળાતો થયો છે અને જોડણીનાં નિશ્ચિત ધોરણો માટે સમસ્ત ગુજરાત એક જ કોશ તરફ મીટ માંડતું થયું છે તથા અગાઉ જોડણીવિષયક ચર્ચાઓ લગભગ ઐતિહાસિક અગત્યની બની છે એ વાત સર્વપરિચિત હોવા છતાં કંઈ નાનીસૂની નથી. ‘ભગવદ્ગોમંડલ’ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર બૃહદકોશ છે. આવા મહાકોશનો શબ્દસંગ્રહ તથા એની સંકલના, સંપાદન અને મુદ્રણ અસાધારણ આયોજના, ખંત-જહેમત અને અર્થવ્યય માગી લે એ સુસ્પષ્ટ છે અને આવું મોટું કામ ગુજરાતમાં થયું એ ખરેખર ગૌરવ લેવા જેવું છે. જોકે કેટલીક રીતે આ ગ્રંથ શબ્દકોશ ઉપરાંત જ્ઞાનકોશ જેવો થઈ ગયો છે. શબ્દાર્થો નિશ્ચિત કરવાની દૃષ્ટિએ અવતરણો ઘણુંખરું નવેસરથી એકત્ર થયાં હોવા છતાં, મૂળ પ્રયોગો ખોળી શકાય એવા વિગતવાર ઉલ્લેખ સાથે એ નોંધાયા નથી એ હકીકત ખટકે એવી છે. આ રીતે અધૂરા ઉલ્લેખો સાથે અવતરણ આપવાની રીત નર્મદ અને લલ્લુભાઈના સમયથી ચાલી આવે છે; એમાં આવશ્યક પૂર્તિ ‘ભગવદ્ ગોમંડલ’ દ્વારા થઈ શકી હોત. આમ છતાં ગુજરાતી ભાષાની વિરાટ શબ્દસંપત્તિ અને એના અર્થવૈવિધ્યનું પ્રથમ વાર સમયદર્શન ‘ભગવદ્ ગોમંડલે’ કરાવ્યું છે. જોકે બોલીઓ, જ્ઞાતિઓ અને જાતિઓના ખેતી વ્યવસાય અને કારીગરીના બહુસંખ્ય શબ્દો હજી વણનોંધાયેલા રહ્યા છે. આ કોશો આપણી પાસે હોવા છતાં ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર સંકલિત થયેલા બૃહદ કોશની અનિવાર્ય જરૂર છે; જેમ કોઈ પણ પ્રાચીન છતાં આજેયે જીવંત અને વિકસતી ભાષાને હોવી જોઈએ. ૧૯૬૧માં કલકત્તા ખાતે મળેલા, પરિષદના એકવીસમા અધિવેશનના પ્રમુખસ્થાનેથી પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ કહ્યું હતું : “આપણી પાસે જોડણીકોશ છે અને પુષ્કળ શબ્દોનો સમાવેશ કરતો ગોમંડલ કોશ છે. પણ મોટા કોશમાં શબ્દ અને અર્થનો બને તેટલો ઇતિહાસ મળવો જોઈએ. જૂના લેખકોની કૃતિઓ જેમતેમ સંપાદિત થઈને બહાર પડે છે, અપભ્રંશનો પરિચય જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ આને માટે સામગ્રી વધતી જાય છે.” (હેવાલ પૃ. ૩૩) અહીં વિલે-પારલેમાં, સને ૧૯૬૩માં, બાવીસમા અધિવેશનના પ્રમુખસ્થાનેથી આપેલા વિસ્તૃત વ્યાખ્યાનમાં પ્રો. રસિકલાલ છો. પરીખે શબ્દકોશ વિશે જે કહ્યું છે, તેમાંથી કેટલુંક અવતરણ પ્રસ્તુત થશે. આ પહેલાં પ્રગટ થયેલા શબ્દકોશોનો નિર્દેશ કરી તેઓ લખે છે : “પણ જે શાસ્ત્રીય કોશની આ પરિષદ માગણી કરે છે તેનો નમૂનો તો અંગ્રેજીનો ઑક્સફર્ડ યુનિવર્સિટીનો શબ્દકોશ છે; જે જાતના કોશમાં ગુજરાતીની આદ્યભૂમિકાથી માંડી આજ સુધીના શબ્દોનો સંગ્રહ – ગ્રંથાન્તર્ગત અને કંઠાન્તર્ગત – પ્રાદેશિક ઉચ્ચારણો સાથે – સંગ્રહ હોય : શક્ય હોય ત્યાં તેમનાં મૂળ આપ્યાં હોય અને તે તે સદીઓની તે તે કૃતિઓના આધારે તે અર્થની છાયામાં થયેલા ફેરફારો, ઉદાહરણો સાથે, નોંધાયા હોય…. ગુજરાતની યુનિવર્સિટીઓ જૂના ગુજરાતી ભાષા અને સાહિત્યના અનેક ડૉક્ટરો આપી રહી છે. આ સર્વને યોગ્ય તંત્ર નીચે મૂકી ગુજરાતની યુનિવર્સિટીઓ, ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ સભા, ભારતીય વિદ્યાભવન, લા.દ. વિદ્યાભવન જેવી સંસ્થાઓ સહકાર સાધી આ કાર્ય કરી શકે, આવું આયોજન કરવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ પગલાં ભરી શકે.” (પૃ. ૬૨-૬૩) વડોદરામાં ૧૯૮૦માં મળેલા, પરિષદના ત્રીસમા અધિવેશનના પ્રમુખસ્થાનેથી આપેલા વ્યાખ્યાનમાં પ્રો. અનંતરાય રાવળે એ જ આશયનું કહ્યું છે : “સાર્થ જોડણીકોશ અને ભગવદ્ ગોમંડલ પછી પણ ગુજરાતી ભાષાના મધ્યકાલીન, વર્તમાન, શિષ્ટ, પ્રાદેશિક લોકબોલીના, જુદા જુદા ધંધાના કારીગરોની ‘પારસી’ના એમ બધા પ્રકારના એક એક શબ્દને સમાવતા ઐતિહાસિક તેમ જ વૈજ્ઞાનિક શાસ્ત્રીય પદ્ધતિએ રચાયેલા અને શબ્દોના શુદ્ધ ઉચ્ચાર, જોડણી, બની શકે ત્યાં સુધી વ્યુત્પત્તિ અને લાક્ષણિક પ્રયોગ બતાવવા બૃહદકોશની જરૂર ઊભી જ રહે છે. તે પૂરી કરવાનું કર્તવ્ય પરિષદને શિરે રહે છે.” (પૃ. ૧૨-૧૩) ૧૯૭૨માં મદ્રાસ ખાતે મળેલા, પરિષદના છવ્વીસમા અધિવેશનમાં સંશોધન વિભાગના પ્રમુખસ્થાનેથી આપેલા ‘સંશોધનની સરાણે’ એ શીર્ષકના વ્યાખ્યાનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીએ ‘ઐતિહાસિક અને વ્યુત્પત્તિદર્શક શબ્દકોશ’ તથા અર્વાચીન ગુજરાતીના વિવિધ કોશો અને તેમને આધારે બૃહત્ કોશ નિર્માણ કરવાની જરૂર બતાવી છે (પૃ. ૨૦). ૧૯૮૫માં પૂના ખાતે, તેત્રીસમા અધિવેશનના મારા પુરોગામી પ્રમુખ શ્રી કે. કા. શાસ્ત્રીએ પણ તેમના વ્યાખ્યાનમાં આ અપેક્ષાનો ભારપૂર્વક નિર્દેશ કર્યો છે. (પૃ. ૩૮) આ સર્વ સંશોધકો અને વિવેચકોના અભિપ્રાયો છતાં સામાન્ય વાચક, વિદ્યાર્થી કે નાગરિકને પ્રશ્ન થવા સંભવ છે કે આટલા શબ્દકોશો હોવા છતાં અને વિદ્યાર્થીઓ માટે નાનામોટા દ્વિભાષી કે ત્રિભાષી કોશો પ્રગટ થતા હોવા છતાં આ નવા બૃહદ કોશની આપણે શી જરૂર છે? ઉત્તર એક વાક્યમાં આપવો હોય તો આપી શકાય કે ઐતિહાસિક બૃહદ કોશ એ કોઈ એવું મોંઘું ઘરેણું નથી, જેનો કોક કોક વાર ઉપયોગ થાય; એ તો કોઈ પણ પ્રાચીન અને વિકસિત ભાષાનું આવશ્યક ઓજાર છે, જેની સહાયથી અનેક નાનાં ઓજારો પ્રમાણભૂત સ્વરૂપે ઘડી શકાય. કોશરચનાની ઐતિહાસિક પદ્ધતિની હું વાત કરું છું. હમણાં જે વિદ્વાનોનાં મંતવ્ય મેં ટાંક્યાં એમનું કથયિતવ્ય એ જ છે. પ્રત્યેક ભાષાનું શબ્દભંડોળ એના ભાષકોના ભૂતકાલીન વૃત્તાંતનું, વર્તમાન સ્થિતિનું અને કંઈક અંશે ભાવિ આકાંક્ષાઓનું – એકંદરે એ બોલનારી પ્રજાના સમગ્ર જીવન અને ચિંતનનું દર્પણ છે. ભૌતિક અથવા બૌદ્ધિક ક્ષેત્રમાં નવીન સિદ્ધિઓની પ્રાપ્તિ સાથે અથવા નવા ફેરફારોના પરિણામ રૂપે કોઈ પણ ભાષાનો શબ્દસંચય વિસ્તૃત થાય છે તેમ જ જૂના શબ્દો નવા અર્થોમાં વપરાતાં, એ રીતે પણ, ભાષાની સમૃદ્ધિ વધે છે. ભાષાના શબ્દસંચયનું સર્વાંગી અધ્યયન એટલે એ બોલનારી પ્રજાએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રાચીન કાળથી માંડી આજ સુધી કરેલાં કાર્યોનો, એના ઐતિહાસિક સંપર્કોનો અને અદ્યતન પ્રવૃત્તિઓનો, એની લાક્ષણિકતાઓ ખૂબીઓ અને ખામીઓનો ઇતિહાસ. ભાષામાં રહેલા માનવતત્ત્વનો અભ્યાસ એની ધ્વનિપ્રક્રિયા કે સ્વર વ્યંજનપ્રક્રિયા દ્વારા નહિ, પણ મુખ્યત્વે એના શબ્દભંડોળ દ્વારા જ થઈ શકે. આથી પ્રત્યેક શબ્દનું એક ચરિત્ર હોય છે અને એનું કાલાનુક્રમિક આલેખન ઐતિહાસિક પદ્ધતિએ રચાયેલા કોશ દ્વારા, સાહિત્યિક અને અન્ય અવતરણોને આધારે થાય છે. કોશમાં મહત્ત્વના શબ્દો કે વાચકો (Vocables)નું ચરિત્ર હજાર કરતાંયે વધારે પંક્તિઓનું હોય અને તેમાં અર્થો તેમજ અર્થચ્છાયાઓના સમર્થનમાં વિવિધ ગ્રંથોમાંથી સેંકડો અવતરણ અપાયાં હોય. ઑક્સફર્ડનો બૃહદકોશ તેમજ ડેક્કન કૉલેજના સંસ્કૃત મહાકોશના હાલ છપાતા ખંડકો ઉપરથી આ વિધાનની વાસ્તવિકતા જોઈ શકાશે. શબ્દભંડોળની—નવાં શબ્દરૂપોની કે નવાં અર્થોની—વૃદ્ધિ એ કોઈ પણ જીવંત ભાષાનું લક્ષણ છે. પરંતુ જગતમાં જેટલી ભાષાઓ બોલાય છે અથવા બોલાતી હતી, એ સર્વમાં કોઈ શબ્દકોશો રચાયા નથી. પરંતુ સામાન્ય જીવનવ્યવહારથી વિશેષ એવી ગંભીર વિદ્યાને લગતી કશી પણ પ્રવૃત્તિઓ કરવા માટે કોશ અત્યંત આવશ્યક છે, અને એવી પ્રવૃત્તિ જ્યાં થઈ શકે છે ત્યાં તત્કાલીન જરૂરિયાતોને અનુલક્ષીને નાના મોટા કોશો અથવા વિશિષ્ટ પ્રયોજનલક્ષી શબ્દસંગ્રહો અવશ્ય તૈયાર થયેલા છે. ગુજરાતના પ્રથમ કોશકાર પણ ભારતવ્યાપી મહત્તા ધરાવનાર સર્વતંત્ર-સ્વતંત્ર મનીષી આચાર્ય હેમચંદ્ર છે. તેમણે ચાર એવા કોશો રચ્યા છે, જે પ્રાચીન ભારતની – ખાસ કરીને સંસ્કૃત અને પ્રાકૃતની – કોશરચનાપ્રવૃત્તિના લાક્ષણિક ઉદાહરણરૂપ છે. સાહિત્યજ્ઞોને વિદિત છે કે આ તેમ જ અન્ય પ્રાચીન શબ્દકોશો, અર્વાચીન કોશોની જેમ, અકારાદિક્રમે નથી, પણ ‘અમરકોશ’ આદિ પ્રાચીન કોશોની પદ્ધતિએ, પદ્યમાં તેમ જ શબ્દોને વર્ગમાં વહેંચીને રચાયેલા છે. આચાર્ય હેમચંદ્રના ‘અભિધાનચિંતામણિ’માં એક અર્થના અનેક શબ્દોનો સંગ્રહ છે. ‘અનેકાર્થસંગ્રહ’માં એક શબ્દના અનેક અર્થોની નોંધ છે. વૈદિક શબ્દોના સંગ્રહને ‘નિઘંટુ’ કહેતા તેમ વનસ્પતિના નામસંગ્રહને પણ ‘નિઘંટુ’ કહે છે. હેમચંદ્રે ‘નિઘંટુશેષ’ નામે કોશ રચ્યો છે, તે વનસ્પતિશાસ્ત્ર અંગેનો છે. સંસ્કૃત ભાષાના અભિધાનકોશોમાં પરિચિત હોય એવા પ્રાકૃત દેશી શબ્દોનો (જેમાંના કેટલાક તત્સમ, તદ્‌ભવ કે સંશયયુક્ત તદ્‌ભવ હોવાનું વિદ્વાનોને જણાયું છે) કોશ ‘દેશીનામમાલા’ પણ હેમચંદ્રકૃત છે. ‘દેશીનામમાલા’ની ગુજરાતી તથા અન્ય ભગિનીભાષાઓનાં મૂળની દૃષ્ટિએ પ્રત્યક્ષ ઉપયોગિતા છે. બીજા ત્રણ કોશો એ રીતે જોવાય નહિ, પણ એમાં સેંકડો શબ્દો એવા છે કે જે તત્કાલીન લોકભાષા સાથે સીધો સંબંધ ધરાવે છે અથવા એમાંથી સંસ્કૃતીકરણ દ્વારા લેવાયા છે. જેને જૈન પુરાણકથાનો આકરગ્રન્થ ગણી શકાય એવા, ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર’માં હેમચંદ્રે આવા બહુસંખ્ય શબ્દો વર્ણનાદિમાં વેર્યા છે. ‘સિદ્ધહેમ’ વ્યાકરણના આઠમા અધ્યાયના છેલ્લા પાદમાં અપભ્રંશ અવતરણોમાંના શબ્દપ્રયોગો જેટલું જ મહત્ત્વ, હેમચંદ્રની રચનાઓમાં સંસ્કૃતનો વેશ ધારણ કરેલા લોકભાષાના શબ્દોનું, ગુજરાતીના ઐતિહાસિક કોશની દૃષ્ટિએ ગણી શકાય. ગુજરાતની પ્રાદેશિક ભાષામાં – જેને પાછળથી ગુજરાતી નામ મળ્યું – છેલ્લાં લગભગ એક હજાર વર્ષથી સાહિત્યરચના થયેલી છે, પરંતુ સંસ્કૃત, પ્રાકૃત કે વજ્રભાષાના શબ્દકોશોની સાથે તુલના કરી શકાય એવા પદ્યાત્મક કોશો જૂના સમયમાં તેમાં રચાયા નથી. એનું કારણ કદાચ એ હોય કે વિદ્વાનોનું ભાષાજ્ઞાન અને શબ્દજ્ઞાન સંસ્કૃત અને વજ્રના કોશ – અલંકારાદિથી પોષાતું હતું અને સંતકવિઓને એવી કોઈ આગંતુક સહાયની જરૂર ઘણુંખરું નહોતી. હા, જૂની ગુજરાતમાં પણ કંઈક શબ્દકોશના જેવી ગણી શકાય એવી રચનાઓ છે ખરી. એ રચનાઓ તે ઔક્તિકો સાથેના શબ્દસંગ્રહો, મારુ-ગુર્જર કે જૂની ગુજરાતી બોલતા વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષા દ્વારા સંસ્કૃત ભણાવવા માટે થયેલી પાઠ્યપુસ્તિકા તે ‘ઔક્તિક.’ તેરમા સૈકાના સંગ્રામસિંહકૃત ‘બાલશિક્ષા’ (સં. ૧૩૩૬ = સને ૧૨૮૦) અને ચૌદમા સૈકાના કુલમંડનગણિકૃત ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ (સં. ૧૪૫૦ = સને ૧૩૯૪)થી માંડી લગભગ અઢારમા સૈકા સુધી અનેક નાનાંમોટાં ઔક્તિકો રચાયાં છે. પ્રત્યેક ઔક્તિકમાં વ્યાકરણની સાથે એક શબ્દસંગ્રહ હોય છે, જેમાં ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થો આપેલા છે. અકારાદિક્રમે નહિ ગોઠવાયેલા છતાં આ નાનકડા સંસ્કૃત-ગુજરાતી શબ્દકોશો છે, અને સાહિત્યમાં નહિ પ્રયોજાયેલા અથવા જવલ્લે પ્રયોજાયેલા ઘણા વાચકો, નિશ્ચિત અર્થો સાથે, એમાંથી મળે છે. બધા ઔક્તિકોના શબ્દસંગ્રહો એકત્ર કરવામાં આવે તો, જૂની ગુજરાતીનો એક સંક્ષિપ્ત પણ પ્રમાણભૂત કોશ આપોઆપ તૈયાર થાય, એટલું જ નહિ, પણ જુદાં જુદાં ઔક્તિકોએ આપેલા એક જ શબ્દના વિભિન્ન અર્થોને કારણે એવા શબ્દોની વિભિન્ન અર્થચ્છાયાઓ તેમ જ તેમનો ઐતિહાસિક અર્થવિકાસ નિશ્ચિત કરવામાં સરળતા થાય. લગભગ દોઢ શતાબ્દી જેટલો સમય થયો ગુજરાતીના અનેક કોશ વ્યવસ્થિત રૂપે રચાયા છે અને વિવિધ ઉદ્દેશોથી કોશરચનાના વિવિધ પ્રયત્નો થયા છે, એ ભાષાવિષયમાં જાગૃતિ સૂચવે છે. પણ કોશરચનાની ઐતિહાસિક પદ્ધતિનો સમાદર અને વિનિયોગ ગુજરાતી ભાષામાં થવો હજી બાકી છે. ઑક્સફર્ડની ‘ન્યૂ ઇંગ્લિશ ડિક્શનેરી’ આ પદ્ધતિએ રચાયેલા મહાકોશનો સર્વોત્કૃષ્ટ નમૂનો છે; અંગ્રેજી ભાષા પણ શાસ્ત્રીય કોશરચનાની બાબતમાં કદાચ યુરોપની સર્વ ભાષાઓમાં મોખરે છે. જ્હૉન્સનનો અંગ્રેજી કોશ સને ૧૭૫૫માં પ્રગટ થયો ત્યારથી લગભગ એક સદી સુધી અંગ્રેજી ભાષાસાહિત્યમાં પ્રમાણભૂત મનાતો રહ્યો. કોશ એ ભાષાના પ્રવર્તમાન સાહિત્યિક પ્રયોગનું શિષ્ટ ધોરણ બાંધી આપે છે, એ ખ્યાલ ત્યાં સુધી સર્વમાન્ય હતો. પરંતુ આર્કબિશપ આર.સી. ટ્રેન્ચ, જેણે ખાસ કરીને અંગ્રેજી શબ્દોના ઇતિહાસને અનુલક્ષીને ‘સ્ટડી ઑફ વર્ડ્‌ઝ’ નામે વ્યાખ્યાનમાળા સને ૧૮૫૧માં તૈયાર કરી અને તે એટલી લોકપ્રિય થઈ કે ૧૮૯૬ સુધીમાં તેની ૨૬ આવૃત્તિઓ થઈ ચૂકી હતી, તેણે ઇંગ્લૅન્ડની ફિલોલૉજિકલ સોસાયટી સમક્ષ ૧૮૫૭માં વાંચેલા Some Deficiencies in Existing English Dictionaries એ નામના નિબંધમાં ઐતિહાસિક ધોરણે રચાવા જોઈતા શબ્દકોશનો ખ્યાલ રજૂ કર્યો હતો (તેનો આ નિબંધ આજે સવા શતાબ્દી પછી પણ ધ્યાનથી વાંચવા જેવો છે.) ઐતિહાસિક અંગ્રેજી કોશનું કામ મુખ્યત્વે તેની પ્રેરણા અને આગ્રહથી ફિલોલૉજિકલ સોસાયટીએ હાથ ધર્યું હતું અને પાછળથી ઑક્સફર્ડ યુનિવર્સિટીના ઉપક્રમે તે આગળ ચાલ્યું હતું. ફિલોલૉજિકલ સોસાયટીએ એકત્ર કરેલ શબ્દભંડોળ અને અવતરણોની સામગ્રીને આધારે કોશના પહેલા સંપાદકે સને ૧૮૭૮માં કામ શરૂ કર્યું અને સંપૂર્ણ કોશ ૧૯૨૮માં પ્રગટ થયો (તેર ગ્રંથોમાં એનું પુનર્મુદ્રણ તે પછી ૧૯૩૩માં થયું). કોશના મુદ્રણનું કામ ફેબ્રુઆરી ૧૮૮૪થી એપ્રિલ ૧૯૨૮ સુધી ચાલ્યું. કોઈ પણ જીવંત ભાષામાં શબ્દભંડોળની વૃદ્ધિ અને જૂના શબ્દોના લોપ સાથે નવા અર્થોનો આગમ એ અત્યંત સ્વાભાવિક પ્રક્રિયા છે. અંગ્રેજી ભાષાના આ મહાકોશને છપાતાં ૪૫ વર્ષ લાગ્યાં હતાં. લગભગ અડધી સદી જેટલા આ સમય દરમિયાન – ખાસ કરીને પ્રારંભના મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દો બાબતમાં – શબ્દભંડોળમાં જે વિકાસ અને પરિવર્તન થયાં હતાં એની પૂરી નોંધ અર્થાત્ અર્ધી સદીના ભાષાવિકાસની નોંધ કોશકારોએ લેવાની હતી, અને તે માટે કોશની પૂર્તિનો એક આખો ગ્રંથ પ્રગટ કરવો પડ્યો, જેમાં સંપૂર્ણ સંદર્ભસૂચિનો સમાવેશ પણ થયો છે. કોશમાં અર્થનિર્ણયો માટે લગભગ ૧૭૦૦૦ ગ્રંથોમાંથી અવતરણો લેવાયાં છે – લેખો, વર્તમાનપત્રો આદિનો સમાવેશ એમાં થતો નથી – અને સમસ્ત અંગ્રેજી સાહિત્યની એના કરતાં મોટી અને આધારભૂત સંદર્ભસૂચિ બીજે ક્યાંય નથી. આટલા વિપુલ સાહિત્યની, શબ્દપ્રયોગો અને અવતરણોની દૃષ્ટિએ, તારવણી કોણ કરી શકે? કોશકાર્યાલયના થોડાક કર્મચારીઓના ગજા બહારની વાત છે. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં વસતા સેંકડો વિદ્યારસિક ‘વાચકો’એ એ કામ મોટા પ્રમાણમાં કર્યું હતું. અંગ્રેજી ભાષાનો એ સૌથી પ્રમાણભૂત કોશ છે – પ્રત્યેક શબ્દનું એ ઐતિહાસિક ક્રમે પ્રમાણસિદ્ધ ચરિત્ર આપે છે. પરંતુ સામાન્ય વાચકો માટે એનો વારંવાર ઉપયોગ જરા કઠિન હોઈ ઐતિહાસિક કોશનો સંક્ષેપ બે મોટા ગ્રંથ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને તે ઉપરથી થયેલો ઑક્સફર્ડનો સંક્ષિપ્ત અંગ્રેજી કોશ દરેક વિદ્યાર્થી માટે પણ હાથવગો છે. વિપુલ લિખિત સાહિત્ય અને લાંબો ઇતિહાસ ધરાવતી કોઈ પણ ભાષા માટે ઐતિહાસિક કોશનું કામ કેટલું શ્રમસાધ્ય છતાં કેટલું મહત્ત્વનું છે એ બતાવવા માટે આ વિગતો અહીં જણાવી છે. (સંસ્કૃત ભાષા માટે આ પ્રકારનો કોશ રચવાના કામનો આરંભ ૧૯૪૯માં પૂણેની ડેક્કન કૉલેજ સંશોધનસંસ્થા તરફથી થયો હતો; એના સ્વરવિભાગનું મુદ્રણ હજી પૂરું થયું નથી. સેંકડો વર્ષ લાંબો ઇતિહાસ ધરાવતી અને પ્રાચીન ભારતમાં ખેડાયેલા સર્વ વિદ્યાવિષયોનું વિપુલ સાહિત્ય ધરાવતી સંસ્કૃત જેવી ચિંતનસમૃદ્ધ અને લવચીક ભાષાનો કોશ રચવાનું કામ બહુ વિસ્તૃત છતાં સંકુલ અને સૂક્ષ્મ યોજના માગી લે તેવું છે, પરંતુ વિશાળ માનવસમુદાયમાં જીવનનાં બધાં ક્ષેત્રોમાં વ્યવહાર પામતી કોઈ પણ આધુનિક ભાષામાં તો કોશ રચાતો અને છપાતો હોય ત્યારે પણ નવા શબ્દો અને નવા અર્થો વિકાસ પામતા હોય છે. એટલે તેની કોશરચનાના પ્રશ્નો વળી કેટલીક રીતે જુદા પ્રકારના છે) કોશરચનાની નૂતન પદ્ધતિ પ્રમાણે, કોશ એ ભાષાના તમામ શબ્દોની માત્ર નોંધ નથી, પણ ઐતિહાસિક ક્રમે તે તે શબ્દના અર્થવિકાસની તપસીલ અને સમજૂતી છે. અત્યાર સુધીના આપણા લગભગ બધા કોશોમાં શબ્દોના અર્થો ઐતિહાસિક તો શું, તાર્કિક ક્રમે પણ ગોઠવાયેલા હોતા નથી; અર્થોનો ક્રમ ઘણુંખરું આકસ્મિક હોય છે. ખરું જોતાં પ્રત્યેક શબ્દ, પ્રત્યેક રૂપ અને પ્રત્યેક અર્થ ભાષામાં પહેલ પ્રથમ ક્યારે પ્રયોજાયેલો મળે છે, અને પ્રસ્તુત શબ્દ કે અર્થ પ્રયોગલુપ્ત થઈ ગયો હોય તો ક્યારે થયો, એની તથા એ સાથે સંબંધ ધરાવતી બીજી મહત્ત્વની બાબતોની આધારભૂત નોંધ શબ્દકોશમાં હોવી જોઈએ. એ સામગ્રીના પાયા ઉપર કોશમાંની વ્યાખ્યાઓ અને અર્થો આપવા જોઈએ તથા જે અર્થો કાળક્રમે પહેલા હોય તેમને પહેલા મૂકવા જોઈએ. અર્થાત્ તે તે શબ્દના રૂપ અને અર્થની ઉત્ક્રાંતિ એમાંથી સ્પષ્ટ થવી જોઈએ. ટૂંકમાં, કોશમાંના પ્રત્યેક શબ્દની સાથે તે તે શબ્દાર્થની સાહિત્યાદિનાં અવતરણોને આધારે રચાયેલી પ્રમાણભૂત જીવનકથા આવવી જોઈએ. અવતરણોની શક્ય એટલી વ્યાપક અને બુદ્ધિયુક્ત શોધ અને સંગ્રહ તથા કોશમાં એનો શાસ્ત્રીય ક્રમબદ્ધ વિનિયોગ એ ઐતિહાસિક કોશની પહેલી અનિવાર્ય શરત છે. આ પ્રકારના કોશમાં શક્ય હોય ત્યાં વ્યુત્પત્તિ પણ આવશ્યક છે. કોઈ પણ શબ્દ જે તે ભાષાનો ભાગ બન્યો ત્યાં સુધીનો, એ શબ્દના રૂપનો ઇતિહાસ એ વ્યુત્પત્તિ છે, અને શબ્દ તથા અર્થનો ભાષાગત ઇતિહાસ આલેખવા માટેની વાસ્તવિક ભૂમિકા તે પૂરી પાડે છે. અર્થવિમર્શ અને વ્યુત્પત્તિચર્ચા કેટલીક વાર સાથોસાથ થઈ શકે છે. આ માટે ભાષાનાં બને તેટલાં વધારે લખાણો શબ્દાર્થપ્રયોગની દૃષ્ટિએ તપાસવાં જોઈએ. કોઈ પણ ભાષાનો અથવા તેના સાહિત્યનો આરંભ ક્યારથી ગણવો એ ગાણિતિક ચોક્સાઈથી કહી શકાય એવી વાત નથી, એટલે એમાં અંદાજી ગણતરીએ ચાલવું પડે. ઑક્સફર્ડના કોશ માટે અંગ્રેજી ભાષાનો આરંભ બારમી સદીની અધવચથી ગણવામાં આવ્યો હતો. એ સમયે પ્રયોગલુપ્ત બન્યો હોય એવો કોઈ શબ્દ કોશમાં લેવામાં આવ્યો નથી. પણ એ સમયના પહેલાં તેમજ પછી પણ પ્રયોજિત હોય એ બધા શબ્દો લેવાયા છે. શબ્દાર્થસંગ્રહનાં અવતરણ માટે સોળમી સદીની અધવચ સુધીનું સર્વ તથા ત્યાર પછીનું બને એટલું (ખાસ કરીને મહત્ત્વના લેખકોનું તથા વિશિષ્ટ વિષયોનું) સાહિત્ય તે માટે તપાસવામાં આવ્યું છે. ગુજરાતીનો ઇતિહાસ લાંબો અને સમૃદ્ધ છે તથા એની લિખિત સાહિત્યસંપત્તિ વિપુલ છે. ગુજરાતને માટે હું માનું છું કે આચાર્ય હેમચંદ્રનું ‘સિદ્ધહેમ’ વ્યાકરણ રચાયું ત્યારથી એટલે કે લગભગ ઈ. સ. ૧૧૨૫ આ માટે અન્વેષણકાળની પૂર્વમર્યાદા લેવી જોઈએ. હેમચંદ્રનાં અપભ્રંશ અવતરણોમાં પ્રયોજિત બધા શબ્દો કોશમાં આવે; તે ઉપરાંત, એમાં હોય અને પૂર્વકાલીન અપભ્રંશ સાહિત્યમાં પ્રયોજાયા હોય એ શબ્દો પણ આવે. ઈ. સ. ૧૧૨૫થી માંડીને દયારામના અવસાનકાળ (ઈ. સ. ૧૮૫૩) સુધીનું બધું પ્રકાશિત સાહિત્ય તથા નિશ્ચિત ધોરણોએ ચૂંટેલું અપ્રકાશિત સાહિત્ય આ દૃષ્ટિએ તપાસવું જોઈએ તથા ત્યાર પછી વિશિષ્ટ લેખકો અને ચૂંટેલા ગ્રંથોમાંથી અવતરણો એકત્ર કરવાં જોઈએ. ઐતિહાસિક કોશમાં શબ્દોનાં ચરિત્ર આવે એમ મેં કહ્યું. થોડાંક ઉદાહરણથી મારી વાત સ્પષ્ટ કરું. જોકે અહીં કેટલાંક અવતરણો આપી નાનકડી નોંધ રૂપે રજૂઆત કરું છું. કોશમાં તો આ નિરૂપણ શબ્દકોશશાસ્ત્રની નિશ્ચિત થયેલી વૈજ્ઞાનિક પદ્ધતિએ પર્યાપ્ત પ્રમાણો સાથે, આવે. (૧) આપણી ભાષામાં ‘નાતરું’ અને ‘નાત’ શબ્દોની વાત કરું. નાનપણમાં ઉત્તર ગુજરાતમાં ‘ફલાણો મારે ગામનાતરે ભાઈ થાય’, ‘ફલાણી ગામનાતરે સાળી થાય’ એ વાક્યો સાંભળીને મને આશ્ચર્ય થતું, કેમ આપણી ભાષામાં ‘નાતરું’ શબ્દનો જે અર્થ સૌથી વધુ જાણીતો છે તે જ – અર્થાત્ પુનર્લગ્ન – મારા ધ્યાનમાં હતો. હકીકતમાં, પૂર્વોક્ત વાક્યખંડોમાં ‘નાતરે’નો અર્થ ‘નાતાથી-સંબંધથી’ એવો થાય છે. ‘નાતરું’ શબ્દના જૂના પ્રયોગનો કેટલોક અંશ જ આ અપવાદરૂપ રૂઢિપ્રયોગમાં ચાલુ રહ્યો છે. જૂના ગુજરાતી સાહિત્યમાં ‘નાતરું’ શબ્દ (કુમાર અને કુમારીના) લગ્નના અર્થમાં પ્રયોજાયો છે. સં. ૧૪૧૭માં રચાયેલ અસાઇતકૃત ‘હંસાઉલી’ (ખંડ ૨, કડી ૫૫-૫૬ તથા ૬૪) અને સં. ૧૬૧૬માં મધુસૂદન વ્યાસકૃત ‘હંસાવતી-વિક્રમચરિત્ર વિવાહ’માં (કડી ૨૬૩, ૬૦૬) ‘નાતરું’ અને ‘નાત્ર’ શબ્દ ‘નાતો-સંબંધ’ અને ‘લગ્ન’એ બંને અર્થોમાં છે. ‘નાતરું’ શબ્દનો ‘નાતો’ એ મૂળ અર્થ એ કરતાંયે પ્રાચીનતર ગુજરાતી સાહિત્યમાં છે. મહેન્દ્રસૂરિશિષ્ય ધર્મકૃત ‘જંબુસ્વામી-ચરિત’ (સં. ૧૨૬૬, કડી ૨૩) તથા જગડૂ-કૃત ‘સમ્યકત્વમાઈ ચઉપઈ’માં (સં. ૧૩૩૧ આસપાસ, કડી ૪૬) ‘અઢાર નાત્રાં’નો નિર્દેશ છે, તે એક પરંપરાગત દૃષ્ટાંતકથાને અનુલક્ષીને છે. એક જ ભવમાં થયેલા વિચિત્ર સંબંધોને કારણે એક સ્ત્રીને એક બાળક જુદી જુદી અરાઢ રીતે સગો થાય છે, એ તેમાં બતાવેલું છે. એ કથા અનેક ગ્રંથો અને લોકશ્રુતિમાં મળે છે. પણ એનું જૂનામાં જૂનું સ્વરૂપ સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’માં (પાંચમા સૈકા આસપાસ) પ્રાપ્ત થાય છે. આ કથાનક વિશે ‘અરાઢ નાત્રાં ચોપાઈ’ (સં. ૧૬૭૨) અને ‘અરાઢ નાત્રાં સંબંધ’ (સં. ૧૫૬૩ પહેલાં) જેવી સ્વતંત્ર કૃતિઓ પણ રચાયેલી છે. એમાંની પહેલી કૃતિના મંગલાચરણમાં એનો કર્તા કર્મસિંહ –

શ્રી ગૌતમ ગણધર નમી, પામી સુગુરુ પસાઉ,
અષ્ટાદશ સગપણ તણી, કથા કહું ધરી ભાઉ.
એ રીતે ‘નાતરા’નો ‘સગપણ’ એવો સ્પષ્ટ અર્થ આપે છે.
લોકસાહિત્યમાં ઊજળી અને મેહના દુહામાં ઊજળી મેહને કહે –
વણ સગે સાગવે, પણ નાતરિયે નેહ
વણ માવતરે જીવશું, તું વણ મરિયે મેહ.

(કહાનજી ધર્મસિંહ-સંપાદિત ‘કાઠિયાવાડી સાહિત્ય’, પૃ. ૫૯) અહીં પણ ‘વણ નાતરિયે નેહ’નો અર્થ ‘વિના સંબંધે સ્નેહ’ એવો થાય. આટલી ચર્ચા ઉપરથી સ્પષ્ટ થશે કે ‘નાતરું’ શબ્દ, અર્થ તેમ જ વ્યુત્પત્તિ બંને દૃષ્ટિએ, ‘નાત’ સાથે સંબંધ ધરાવે છે. ‘નાત’ શબ્દ સં. ज्ञाति(ઓળગીતો, સંબંધી) ઉપરથી જૂની ગુજ. नाति, અર્વાચીન ગુજ. ‘નાત્ય’ દ્વારા આવ્યો છે. ત્યારે ‘નાતરું’ શબ્દ સં. ज्ञात्र( ઓળખાણ, સંબંધ) ઉપરથી વ્યુત્પન્ન થયો છે. જેમ સંસ્કૃતમાં मा (માપવું) ઉપરથી मात्र (માપ), स्ना (નાહવું) ઉપરથી स्नात्र( સ્નાન), युज् (જોડવું) ઉપરથી योक्त्र (योक्त्रकम्માંથી ગુજ. જોતરું), पा (પીવું) ઉપરથી पात्र (पात्रकमમાંથી ‘પાતરું = જૈન સાધુનું લાકડાનું વાસણ) તેમ ज्ञा (ઓળખવું, જાણવું) ઉપરથી ज्ञात्र( ઓળખાણ) થાય. એના સ્વાર્થિક રૂપ ज्ञात्रकम् ઉપરથી ‘નાતરું’ની વ્યુત્પત્તિ સરળ છે. ઓળખાણમાંથી સંબંધો થાય અને એને પરિણામે જ્ઞાતિઓ બંધાય અને લગ્નો થાય. એ વસ્તુ ‘નાતરું’ અને ‘નાત’ શબ્દોના આ ઇતિહાસમાંથી ફલિત થાય છે. જાહેર રીતે કરવામાં આવેલ સંબંધ (ज्ञात्र) તે નાતરું એટલે લગ્ન. વ્યુત્પત્તિથી જ સંબંધનો અર્થ એમાં વિવક્ષિત હોવાથી સગપણ – સંબંધ હોવાથી તેમાં કેવળ ‘સગપણ’નો અર્થ પણ ચાલુ રહ્યો અને અર્વાચીન ભાષામાં, જૂના અર્થો ભુલાઈ જતાં, મુખ્યત્વે એ જ અર્થ વ્યાપક બન્યો, પરંતુ ‘પુનર્લગ્ન’ વાચક ‘નાતરું’ અને પુનર્લગ્નોનો રૂઢિ દ્વારા વિરોધ કરનાર ‘નાત’ એ બંનેનો ઉદ્‌ભવ એક જ મૂળનાં તેમ જ લગભગ એકાર્થક શબ્દો(ज्ञाति-ज्ञात्र)માં છે એ પણ ઐતિહાસિક દૃષ્ટિએ એક રસપ્રદ ઘટના છે. (૨) હવે આપણે એક એવો શબ્દ લઈએ, જેનાં મૂળ તાત્વિક રીતે ભૂતકાળમાં હોવા છતાં જેણે વર્તમાનકાળમાં વિશિષ્ટ અર્થવિકાસ સાધ્યો છે. એ શબ્દ છે ‘વિશ્વવિદ્યાલય’. એમાંનું ‘વિશ્વવિદ્યા’ શબ્દાંગ ‘વિશ્વતોમુખી – સર્વતોમુખી વિદ્યા, વ્યાપકજ્ઞાન’ એ અર્થમાં છે. (અંગ્રેજી Cosmologyના પર્યાય તરીકે અર્વાચીન ભારતીય આર્ય ભાષાઓમાં ‘વિશ્વવિદ્યા’ શબ્દ ઘણી વાર પ્રયોજાય છે, પણ એમાં ‘વિશ્વ’ એ નામ હોઈ ‘વિશ્વની વિદ્યા’ એવો ભિન્ન અર્થ ત્યાં થાય છે, જ્યારે ‘વિશ્વવિદ્યાલય’માંના ‘વિશ્વવિદ્યા’માં ‘વિશ્વ’ વિશેષણ તરીકે છે.) સંસ્કૃત શબ્દ ‘विश्व’ ઘણું કરીને विश ‘વ્યાપવું’ એ ધાતુ ઉપરથી બનેલો છે. આથી ‘વિશ્વ’ એટલે ‘પ્રત્યેક-સર્વ’, અને એટલે જ ‘વિશ્વ’ એટલે સમસ્ત સૃષ્ટિ. विश्वे देवाः અર્થાત્ ‘સર્વ દેવો’ (જોકે કેટલાકના મત મુજબ એનો અર્થ ‘અમુક દેવોનો સમૂહ’ થાય છે, નહીં કે ‘સર્વ દેવો’) विश्वरूप એટલે ‘સર્વરૂપધારી (પરમાત્મા)’, विश्वकर्मन એટલે ‘પ્રત્યેક વસ્તુનું સર્જન કરનાર’ (સ્વર્ગીય સ્થપતિ)’ विश्वजनाः એટલે ‘સમગ્ર માનવજાતિ’ જેમાં આરંભે ‘સર્વ’ અથવા ‘પ્રત્યેક’ના અર્થમાં विश्व શબ્દ આવતો હોય એવા પુષ્કળ સામાસિક શબ્દો સંસ્કૃતમાં છે. ‘સર્વજ્ઞ’ના અર્થમાં विश्वविद् શબ્દ ‘ઋગ્વેદ’ અને ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’માં છે. विश्वविद् ઉપરથી विश्वविद्या શબ્દની ઘટના ઘણી સરળ છે, પણ વૈદિક સાહિત્યમાં અથવા ત્યાર પછીના જૂના સંસ્કૃત સાહિત્યમાં विश्वविद्या શબ્દનો પ્રયોગ થયો હોય એમ કોશાદિ પ્રાપ્ત સાધનો ઉપર જણાતું નથી. જોકે સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાના વિશાળ સાહિત્ય માટે આવું વિધાન કરવું એ કદાચ સાહસ ગણાય. સંસ્કૃત માટે ઐતિહાસિક સિદ્ધાંત અનુસાર સંકલિત થતા કોશના વ્યંજન વિભાગનું મુદ્રણ પણ હજી શરૂ થયું નથી અને પ્રાચીનતર સંસ્કૃત સાહિત્યમાં विश्वविद्याનો પ્રયોગ કદાચિત્ મળે એ અસંભવિત ન કહેવાય. પણ ઉત્તરકાલીન સંસ્કૃત સાહિત્યમાં તો આ શબ્દ નિશ્ચિતપણે છે જ. તેરમા સૈકામાં ગુજરાતમાં થઈ ગયેલા મહામાત્ય વસ્તુપાલે પોતાના ‘નરનારાયણાનંદ’ મહાકાવ્યને અંતે વિદ્વાનોને વિનંતી કરતાં કહ્યું છે. — उद्‌भास्वद्‌विश्वविद्यालयमयमनसः कोविदेन्द्रा वितन्द्रा मन्त्री बद्धाज्जलिर्वो विनयनतशिरा याचते वस्तुपालः । स्वल्पप्रज्ञाप्रबोधादपि सनदि मया कल्पितेऽस्मिन् प्रबन्धे । भूयो भूयोपि यूयं जनयत नयनक्षेपतो दोषमोषम् ।। (અર્થાત્ પ્રકાશમાન એવી વિશ્વવિદ્યાના આલય રૂપ જેમનાં મન છે એવા હે વિતન્દ્ર કોવિદો! હાથ જોડીને, વિનયપૂર્વક શિર નમાવીને મંત્રી વસ્તુપાલ આપની પાસે યાચના કરે છે કે – પ્રજ્ઞાના અલ્પ પ્રબોધથી મેં રચેલા આ પ્રબંધમાં વારંવાર નજર નાંખીને એનો દોષ દૂર કરશો.) વસ્તુપાલના જ એક સમકાલીન તેમજ એના સાહિત્યમંડળના સભ્ય ઉદયપ્રભસૂરિ પોતાના ‘ધર્માભ્યુદય’ મહાકાવ્યના મંગલાચરણમાં એક સમકાલીન વિદ્વાન નરચંદ્રસૂરિની સ્તુતિ કરતાં કહે છે – नरचन्द्रमुनिनद्रस्य विश्वविद्यामयं महः । चतुरन्तधरित्रीशसम्यैरम्यर्चितं स्तुभः ।। (અર્થાત્ ચારે દિશાના રાજાઓના સભાસદોએ જેની અભ્યર્થના કરી છે એવા નરચંદ્રમુનિના વિશ્વવિદ્યામય તેજની અમે સ્તુતિ કરીએ છીએ.) આ બે શ્લોકોમાં ‘વિશ્વવિદ્યા’ શબ્દ જે વિશિષ્ટ અર્થમાં છે, લગભગ તે જ અર્થમાં અર્વાચીન ‘વિશ્વવિદ્યાલય’ શબ્દના અંતભૂત ‘વિશ્વવિદ્યા’માં છે. પણ ‘વિશ્વવિદ્યાલય’ એ શબ્દનો પ્રયોગ આજે આપણે અંગ્રેજી Universityના પર્યાય તરીકે ગણીએ છીએ. એ શબ્દ પહેલવહેલો વહેતો મૂકનારને કદાચ સંસ્કૃત ‘વિશ્વવિદ્યા’નો ખ્યાલ ન હોય એમ પણ બને. ‘વિશ્વવિદ્યાલય’ શબ્દ બંગાળીમાંથી ગુજરાતીમાં આવ્યો એવો નરસિંહરાવ દિવેટિયાનો મત છે. પણ તેઓ આ શબ્દની યોજનાને ભ્રમમૂલક ગણે છે. University શબ્દનું મૂળ લૅટિન Universitat કે Univeritasમાં છે; એનો અર્થ ‘આખું’, ‘સંપૂર્ણ’, ‘વિશ્વ’ થાય છે. મૂળ અર્થમાં એને વિદ્યા કે શિક્ષણ સાથે કશો સંબંધ નથી. મધ્યયુગીન લૅટિનમાં – મુખ્યત્વે કાયદાની પરિભાષામાં એ શબ્દ કોઈ પણ સમુદાયનો સમસ્ત નિર્દેશ કરવા માટે વપરાતો. જુદી જુદી શ્રેણિઓ કે મહાજનો માટે એ શબ્દ પ્રયોજાતો. વિદ્યાના સંદર્ભમાં પણ Universitas Magistorument Scholarium (શિક્ષક અને વિદ્યાર્થીઓનો સમસ્ત સમુદાય) એવા પ્રયોગ થતા. એવાં વિદ્યાવિષયક મંડળોનું પ્રભુત્વ વધતાં એમાંનો માત્ર Universitas શબ્દ, સરળતાને ખાતર, સામાન્ય રીતે બોલવાના પરિણામે તે ઉપરથી University શબ્દ વ્યુત્પન્ન થયો. આપણા દેશમાં એના પર્યાય રૂપે ‘વિશ્વવિદ્યાલય’ શબ્દ યોજવામાં આવ્યો. પણ ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો, મૂલ કરતાં એનો ભારતીય પર્યાય વધારે સુભગ, ઔચિત્યપૂર્ણ અને અર્થવાહક છે. એની યોજના નરસિંહરાવ કહે છે તેમ, યોજક પક્ષે ભ્રમમૂલક હોય તોપણ પરિણામ રમણીય છે. University વ્યુત્પત્તિની દૃષ્ટિએ માત્ર ‘સમુદાય-મંડળ’નો અર્થ છે; અને ‘સર્વ વિદ્યાઓનું સ્થાન’ એ અર્થ પાછળથી લક્ષણાથી વિકાસ પામેલો છે; જ્યારે ‘વિશ્વવિદ્યાલય’ શબ્દ ઠીક ઠીક પ્રાચીન કાળથી એના વર્તમાન અર્થનો દ્યોતક છે, એટલું જ નહિ, પણ ‘વિશ્વવિદ્યા’ શબ્દની ઘટનાનો સહજ વિચારમાત્ર સર્વ વિદ્યાઓને પોતામાં સમાવનારી તત્ત્વવિદ્યા સુધી લઈ જાય છે. મૂલ કરતાં પર્યાયો સારા યોજાયા હોય એવા અકસ્માતો ક્વચિત્ બને છે. વસ્તુપાલ ‘વિતન્દ્રકોવિદો’ના મનને ‘વિશ્વવિદ્યાલયમય’ કહે છે, એ જ સાચી વસ્તુ છે એમ નથી લાગતું? (૩) સં. आत्माનાં પ્રાકૃતમાં બે રૂપો થાય છે – अप्पा અને अत्ता. अप्पा ઉપરથી હિન્દી અને ગુજરાતીમાં ‘આપ’ શબ્દ થયો. ગુજરાતીમાં ‘આપ’નો અર્થ ‘પોતે’, ‘પોતાની જાત’, એટલો જ છે, અને ‘આપોપું’, ‘આફણિયે’ વગેરે જૂના ગુજરાતી શબ્દો એ સાથે સંબંધ ધરાવે છે. પણ હું ધારું છું કે હિન્દીની અસરથી ‘તમે’ સર્વનામનો બહુમાનપૂર્વક અર્થ વ્યક્ત કરવા માટે ‘આપ’ શબ્દ વપરાતો થયો, એ અર્થફેરનું એક નોંધપાત્ર ઉદાહરણ છે. आत्मा वै पुत्रनामासि એ ઉક્તિ દર્શાવે છે તે પ્રમાણે, आत्मन्નો એક અર્થ ‘પુત્ર’ પણ થઈ શકે છે. પ્રાકૃત अत्ता ઉપરથી વ્યુત્પન્ન થયેલો ‘આતા’ શબ્દ જૂની ગુજરાતીમાં ‘પુત્ર’ અર્થમાં છે. (એને મળતો अदा શબ્દ શૌરસેની અસરવાળી જૈન પ્રાકૃતમાં છે, પણ ત્યાં એનો અર્થ ‘અંતરાત્મા’ જ છે.) ‘પુત્ર’ અર્થમાં ‘આતા’ અને ‘આતાજી’ના અનેક પ્રયોગ વિશ્વનાથ જાનીકૃત ‘પ્રેમપચીશી’માં છે. ‘આતાભાઈ’ વિશેષ નામ તરીકે ગુજરાત-સૌરાષ્ટ્રમાં છે, ત્યાં પણ आत्माનો પ્રાકૃત अत्ता દ્વારા થયેલો તદ્‌ભવ છે. (૪) ‘ભાત’ એટલે ચોખા. એ શબ્દ સંસ્કૃત भक्त ઉપરથી પ્રાકૃત भत्त દ્વારા આવ્યો છે. સંસ્કૃતમાં ‘બાફેલા ચોખા’ તથા ‘રાંધેલા ખોરાક’ એ બંને અર્થો તેના થાય છે. જોકે હું ધારું છું કે ‘બાફેલા ચોખા’ અથવા ‘ચોખા’ એ એનો અર્થ વધારે પુરાણો હોવો જોઈએ. ‘ખેતરમાં ભાત આપવા જવું’ એ ગુજરાતી પ્રયોગમાં ‘ભાત’નો અર્થ ‘ખોરાક’ એવો સામાન્ય છે. વળી નોંધપાત્ર એ છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેડૂતના ભાતમાં ચોખા ભાગ્યે હોય છે. ‘ભતવારી’ એટલે ‘ભક્તહારી’ – ‘પાણીહારી’ (પાણિયારી)ની જેમ. મુસાફરીમાં લઈ જવાનો ખોરાક તે ‘ભાતું’. જૈન પરિભાષામાં भक्तपान ‘ભાતપાણી’નો અર્થ આહારપાણી અથવા ખાનપાન. જે પ્રજામાં મુખ્ય ખોરાક ચોખાનો હશે એની પાસેથી આ શબ્દ ઘઉં, બાજરી વગેરે મુખ્યત્વે ખાનાર પ્રજા પાસે આવ્યો હશે એવું અનુમાન થાય છે. સંસ્કૃતમાં પ્રશિષ્ટ કરતાં વધુ અંશે તે ‘જૈન સંસ્કૃત’નો શબ્દ છે. મૂળે એ આર્યેતર શબ્દ હોય એમ પણ બને, કેમ કે કોઈ સંસ્કૃત ધાતુમાં એની વ્યુત્પત્તિ સાધવી મુશ્કેલ છે. જૈન સૂત્રોની પ્રાકૃત, જે મૂળે પૌરસ્ત્ય પ્રાકૃત છે એમાં મુખ્યત્વે બંગાળ, બિહાર જેવા પૂર્વના ભાષાવિસ્તારો, જ્યાં આર્યેતર અસર સારા પ્રમાણમાં હતી, ત્યાંથી એ આવ્યો હોય એ સંભવિત છે. જોકે આ વાત નિશ્ચિતપણે પુરવાર કરવા માટે વધુ સંશોધનની અપેક્ષા રહે છે. બંગાળીમાં ‘ધાન’ શબ્દ માત્ર ‘ડાંગર’ માટે વપરાય છે, એ અર્થવ્યાપારની દૃષ્ટિએ નોંધપાત્ર છે. ‘ભાત’નો પર્યાય ‘ચોખા’ વળી શબ્દસંક્ષેપથી થયો છે. ‘ચોખા’ (સં. चोक्ष) એટલે ‘સાફ’. છડેલા – સાફ કરેલા ભાત માટે चोक्षाः व्रीहयः કે शालयः એવો પ્રયોગ થાય. એમાંથી બોલચાલની સગવડ માટે માત્ર चोक्षाः અંગેનો જ વ્યવહાર થતાં પ્રાકૃત चोक्खा દ્વારા ‘ચોખા’ શબ્દ ‘ભાત’ માટે વપરાતો થયો. (૫) અર્થવિકાસ કે અર્થસંકોચ થતાં શબ્દ વ્યુત્પત્તિમૂલક અર્થથી દૂર ચાલ્યો જાય છે. ગુજરાતીનો ‘પોળ’ શબ્દ સં. प्रतोलि ઉપરથી પ્રાકૃત पओलि, જૂની ગુજરાતી ‘પોલિ’>‘પોળ્ય’ દ્વારા વ્યુત્પન્ન થયો છે. (દેહલકૃત ‘અભિનવ ઊંઝણૂ’માં સંસ્કૃત મૂળને અનુસરતો ‘પ્રોલિ’ શબ્દ અનેક વાર મળે છે, કડી ૨૦૫, ૨૦૬, ૨૦૮). ‘પોળ’ એટલે ‘દરવાજો’ : રાજસ્થાનમાં ‘પોળ’ શબ્દ ‘દરવાજા’ના અર્થમાં વપરાય છે. ગુજરાતમાં ત્રણ દરવાજાને ‘ત્રિપોળિયું’ કહે છે. મહોલ્લાની બહાર પોળ અથવા દરવાજો હોય, એથી એને પણ ‘પોળ’ કહેવા લાગ્યા. એ દરવાજાની અંદરનો ભાગ જેની બંને બાજુએ વસવાટનાં મકાનો હોય તે ‘શેર’ કે ‘શેરી’, સમય જતાં ‘પોળ’ અને ‘શેરી’ એ બંને શબ્દો પર્યાય તરીકે વપરાવા લાગ્યા. ‘શેરડો’ (જેમ કે ‘પાણીનો શેરડો’ – પાણી ભરવા જવાનો માર્ગ) એ ‘શેર’નું સ્વાર્થિક રૂપ છે અને ‘શેઢો’ (બે ખેતરોની વચ્ચેનો માર્ગ) એનું સ્વરૂપાંતર છે. સં. प्रतोलिમાંથી प्रનો લોપ થતાં તથા મૂળ શબ્દનું સ્ત્રીલિંગમાંથી પુંલ્લિંગમાં પરિવર્તન થતાં ગુજરાતી શબ્દ ‘ટોલ્લે’ (બારણાની ટોચની બન્ને બાજુઓ પરનું સુશોભિત લાકડું) થયો. બંગાળીમાં ‘મહોલ્લા’ના અર્થમાં ‘તોલા’ શબ્દ આવે છે. એની પણ વ્યુત્પત્તિ આ છે. કોઈ વસ્તુ કે વાતને મુલત્વી રાખવા માટે ગુજરાતીમાં ‘ટોલ્લે મૂકવું’ રૂઢિપ્રયોગ છે. એક જ મૂળ શબ્દનાં આ બે ભિન્ન રૂપો, મળતા ગણી શકાય એવા અર્થમાં બે ભગિનીભાષાઓમાં પ્રચલિત છે. આથી ઊલટું, એક જ શબ્દ મૂળમાં અને વ્યુત્પન્ન ભાષામાં બે ભિન્ન અર્થમાં પણ હોય છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃતમાં नील એટલે ‘ભૂરું’, ગુજરાતીમાં ‘લીલું’ એટલે હરિયાળા રંગનું. સંસ્કૃતમાં कटु એટલે ‘તીખું’ અને तिक्त એટલે ‘કડવું’, પણ ગુજરાતીમાં ‘કડવું’ અને ‘તીખું’ એ બંનેના અર્થો મૂળની તુલનાએ ઊલટપાલટ થઈ ગયા છે. (૬) પાટણ અને આસપાસના ખત્રીઓમાં પ્રચલિત ‘ગોઠી’ અટક સંસ્કૃત गोष्ठिक>પ્રાકૃત गोट्ठिअ સાથે સંબંધ ધરાવે છે, અને જૈન મંદિરોના પગારદાર પૂજારીઓને ગુજરાતમાં ‘ગોઠી’ કહે છે, એનું મૂળ પણ આ શબ્દમાં રહેલું છે. અમદાવાદમાં ખાડિયામાં એક પોળ ‘ગોટીની શેરી’ કહેવાય છે, એનું ખરું નામ ‘ગોઠીની શેરી’ છે, એમ એ પોળના રહેવાસી સદ્‌ગત સાક્ષર કેશવલાલ ધ્રુવે મને અંગત વાતચીતમાં કહેલું. ચૌલુક્ય સમયના અને ત્યાર પછીના કેટલાક અભિલેખોમાં गोष्ठिक અટક મળે છે. મિત્રવાચક ‘ગોઠિયો’ શબ્દ એમાંથી આવ્યો છે. (એનું સ્ત્રીલિંગ ‘ગોઠણ’ પણ થાય છે!) સંસ્કૃત ‘ગોષ્ઠિ’ એટલે ‘સભા’ અથવા ‘મંડલી’. ‘ગોષ્ઠિ’માં બેસે તો ગોષ્ઠિક. ગ્રામનગરોમાં અમુક સ્થાનોએ એકત્ર થતા પુરુષોનું મંડળ ‘ગોષ્ઠિ’ કહેવાયું અને એમાં બેસનારા ‘ગોષ્ઠિક’ તરીકે ઓળખાયા. ઉત્સવ પ્રસંગે યુવાનો જે પૈસા ઉઘરાવે એને હજી કેટલેક ઠેકાણે ‘ગોઠ’ કહેવામાં આવે છે. ‘વાતચીત’ના અર્થનો મરાઠી ‘ગોષ્ઠ’ અને ગુજરાતી ‘ગોઠડી’ શબ્દ એ સાથે સંબંધ ધરાવે છે. આ બધા શબ્દોના મૂળમાં ગાયો અને બીજાં પશુઓના વાડાનો સૂચક गोष्ठ શબ્દ છે, એ ભાગ્યે જ ધ્યાન બહાર રહે તેમ છે. गोष्ठ આસપાસ ‘ગોષ્ઠિ’ રચાતી; પછી એનું શહેરીકરણ થયું. વાત્સ્યાયનના ‘કામસૂત્ર’માં ‘ગોષ્ઠ’ના ઉલ્લેખો છે. ‘વસુદેવ હિંડી’ જેવા પ્રાચીન ગ્રંથમાં ‘લલિત ગોષ્ઠિ’ અને ‘દુર્લલિત ગોષ્ઠ’નાં વર્ણનો છે. ગુજરાતના જૈન મંદિરોનો વહીવટ પરાપૂર્વથી જુદાં જુદાં ગામ કે મહોલ્લાના ‘ગોષ્ઠિકો’ (અર્થાત્ મિત્રમંડળ) કરે છે, તેથી એના પૂજારીઓ પણ ‘ગોઠી’ કહેવાયા એનું અનુમાન થાય છે. (૭) पत् ‘પડવું’ ઉપરથી पत्र (‘જે પડે છે તે, પાંદડું’) શબ્દ થયો. માત્ર વૃક્ષના પત્ર માટે જ નહિ, પણ એ શબ્દ પુસ્તકોનાં ‘પત્ર’ માટે પ્રયોજાયો છે. કેમ કે પુસ્તકો અમુક વૃક્ષોનાં પાંદડાં ઉપર લખાતાં હતાં. पत्र ઉપરથી થયું पात्र. પ્રારંભમાં માનવજાતે માટીનાં કે ધાતુનાં નહિ, પણ વૃક્ષના ‘પાત્ર’ પડિયા બનાવ્યાં હશે એમાં શંકા નથી. વળી લક્ષણા આગળ ચાલી. નાટકમાં ભૂમિકા ભજવનાર નટ માટે ‘પાત્ર’ શબ્દ પ્રયોજાયો. જૂની ગુજરાતીમાં નર્તિકા માટે ‘પાત્ર’ શબ્દ વ્યાપક છે, જેના અપભ્રષ્ટ રૂપ ‘પાતર’માં અર્થ હલકો પડી ગયો છે. વળી ‘પાત્ર’ શબ્દ સુયોગ્યતાનો પણ વાચક છે; દાન દેવા યોગ્ય વ્યક્તિને ‘પાત્ર’ અથવા ‘સુપાત્ર’ કહેવામાં આવે છે. આનાથી ઊલટું, ‘કુપાત્ર’ અને તેનો અપભ્રષ્ટ ‘કપાતર’ છે. (૮) ફારસીમાંથી ગુજરાતીમાં લેવાયેલા ઋણ શબ્દ ‘બુત’નો ઇતિહાસ રસપ્રદ છે, કેમ કે ફારસીએ સંસ્કૃત પાસેથી તે ઉછીનો લીધેલો છે. ફારસી ‘બુત’ (મૂર્તિ)નું મૂળ સંસ્કૃત बुद्धમાં છે. બૌદ્ધ ધર્મનો – વિશેષતઃ એની મહાયાન શાખાનો પ્રચાર ભારતની બહાર અનેક દેશોમાં થયો હતો, જેમાં ઈરાન અને અફઘાનિસ્તાનનો પણ સમાવેશ થાય છે. મૂર્તિભંજક આરબોએ જ્યારે ઈરાન ઉપર વિજય કર્યો ત્યારે ત્યાંનાં મંદિરોમાં એમણે મોટે ભાગે બુદ્ધની મૂર્તિઓ જોઈ, કેમ કે મહાયાનને બુદ્ધની મૂર્તિની પૂજા અભિમત હતી. સંસ્કૃત ‘બુદ્ધ’નું ‘બુત’ એવું અપભ્રષ્ટ રૂપ ફારસીમાં પ્રચારમાં આવ્યું. ‘બુતપરસ્ત’ એટલે ‘મૂર્તિપૂજક’, ‘બુતશિકન’ એટલે ‘મૂર્તિભંજક’, ‘બુતખાના’ એટલે ‘મંદિર’. ફારસીમાંથી આ શબ્દ પ્રસ્તુત સાધારણીકૃત અર્થમાં ગુજરાતી સમેત અનેક ભારતીય ભાષાઓમાં પ્રચારમાં આવ્યો તે સાથે એનો પૂર્વજ ‘બુદ્ધ’ પણ વપરાશમાં ચાલુ રહ્યો. ફારસી ‘બુત’ના ‘બ’માં મહાપ્રાણના પ્રક્ષેપથી વ્યુત્પન્ન થયેલો ‘ભુત’ શબ્દ પદ્મનાભના ‘કાન્હ દે પ્રબંધ’ (ખંડ ૧, કડી ૧૧૫, ખંડ ૨, કડી ૧૮)માં સોમનાથ શિવલિંગ માટે પ્રયોજાયો છે. આ શબ્દચર્ચા કેવળ ઉદાહરણાત્મક છે, અને અહીં એનો વિશેષ વિસ્તાર બિનજરૂરી છે. ગુજરાતી ભાષામાં બસો-પાંચસો વર્ષ જીવી ગયેલા સેંકડો પ્રયોગલુપ્ત શબ્દોની વિગતે નોંધ ઐતિહાસિક કોશે લેવી જોઈએ. એવા થોડાક શબ્દોની યાદી અહીં આપું – અલવેસર (સુંદર), કઈવાર (સ્તુતિ), પુંતાર (હાથીનો મહાવત), સારસી (મત્ત હાથીની ચીસ), પાંડવ (અશ્વપાલ), પરીઅચિ (પડદો), ઘોડાની લાસ (ઘોડાનો સમુદાય), જેડી (વિલંબ), શ્રીકરીસીકરી (ખુરશી જેવી બેઠકવાળી પાલખી), પખડ (રાહ જોવી), ખડો ખલી (નાનો કુંઠ), અંતેઉરિ (રાણી), ઊંલગ (ગું. ‘ઓળગ’, સેવા), ઊસર (સં. અવસર, નૃત્યસમારંભ), કૂંચ (દાઢી), તલાર (કોટવાલ), ઊજાઈ (દોડે), બઇકાર (સંગીતકાર), સઇર (શરીર), વંદરવાલ (સં. वन्दनमाला, લીલાં તોરણ), સાંઈ (આલિંગન), ઉલોચ (ચંદરવો), વેઢિ (તકરાર), ભેડિ (તકરાર), રવણ્ણ (રમણીય), ગુડી (ધજા), ગુડવું (હાથીને પલાણવાની ક્રિયા), અરણ (અરતિ), વાલિ (અશ્વશાલા), સાવટૂં (જરિયાન), ઓલવો (સંતાવાની જગા), કાષ્ઠભક્ષણ (ચિતા ખડકીને બળી મરવું), ગંડ (રક્ષક), જમહર (જૌહર), હૂણ (સોનાનો એક સિક્કો), રાળ (ચાંદીનો એક સિક્કો), પરઘુ (એક નાનો રાજકર્મચારી), ફારકી (કિલ્લા ઉપરથી પથ્થર ફેંકવાનું યંત્ર), સઇફલું-સીફલું (મારણાન્તિક યુદ્ધ), બોડી (કોડી), મડધો (ટપાલ લઈ જનાર કાસદોનો ઉપરી), ઇત્યાદિ. અનેક વિષયોના પુષ્કળ અપરિચિત અને અલ્પપરિચિત પણ બહુશઃ પ્રયોગલુપ્ત શબ્દો માટે ‘વર્ણક-સમુચ્ચય’ (ભાગ ૨)ની સૂચિઓ જોવા ભલામણ છે. આવી યાદી લંબાવી શકાય, પણ પ્રયોગલુપ્ત ગુજરાતી શબ્દોનું સ્વરૂપ દર્શાવવા માટે આટલા નિર્દેશો પર્યાપ્ત થશે. એક સમયે વ્યાપક પ્રચારમાં હોય, પણ કાલાન્તરે કેવળ વિશિષ્ટ સંદર્ભમાં, ચોક્કસ જ્ઞાતિ ધંધો કે કારીગરીમાં – અને ઘણી વાર અર્થસંકોચ સાથે – ચાલુ રહેલા બહુસંખ્ય શબ્દોનું કેવળ સૂચન અહીં થઈ શકે. ભાષા અર્થાત્ તેના ભાષકો અર્થના વાહક શબ્દો પાસેથી કેવી કરકસરથી કામ લે છે, એનાં સેંકડો ઉદાહરણ એમાં મળશે. પણ એ વિશે બેત્રણ સામાન્ય વિધાનો અહીં કરું. ભાષા વિચારો વ્યક્ત કરવાનું સાધન છે, પણ એ સાધન અપૂર્ણ છે. વાચક શબ્દ અને વાચ્ય વસ્તુ કે ભાવ એ બંને વચ્ચે પૂર્ણ સામંજસ્ય ભાગ્યે સાધી શકાય છે. સામાજિક, દેશિક અને વૈચારિક પરિવર્તનોની સાથે જે નવા વિચારો જન્મે છે તે સર્વને માટે ભાષામાં તેટલા પ્રમાણમાં નવા શબ્દો તૈયાર થતા નથી. શબ્દ એ વિચારનું વાહન છે, એટલે કોઈ વિશિષ્ટ ભાષા બોલનારાઓની વિચારસૃષ્ટિ જેટલું વિસ્તૃત એ ભાષાનું શબ્દભંડોળ હોવું જોઈએ અને પ્રત્યેક વિચાર કે નવી વસ્તુ માટે ભાષામાં નવા શબ્દનું સર્જન થવું જોઈએ, એમ ઉપલક દૃષ્ટિએ મનાય. પણ વસ્તુતઃ એમ થતું નથી. નવા શબ્દો ઘડવાની પદ્ધતિ ઘણી વાર નવા વિચારો કે અર્થો વ્યક્ત કરવાને પૂરતી સમર્થ હોતી નથી, એટલું જ નહિ, પણ થોકબંધ નવા શબ્દોના ભાર નીચે ભાષકોની સ્મરણશક્તિ ચગદાઈ જવાનો ભય રહે છે. આથી માનવચિત્ત અર્થવ્યક્તિની એક સરળ પદ્ધતિનો ઘણી વાર આશ્રય લે છે. એક જ શબ્દને યથાસમય નવા સંદર્ભમાં પ્રયોજીને તેમાં નવા, છતાં મૂળથી સાવ ભિન્ન નહિ એવા અર્થનું તે આરોપણ કરે છે. વળી ભાષામાં જેટલું મહત્ત્વ બોલનારનું એટલું જ સાંભળનારનું છે. સાંભળનારનું ધ્યાન, પ્રસંગોપાત્ત સંદર્ભને કારણે, શબ્દના વ્યુત્પત્તિમૂલક કે કોશગત અર્થ તરફ નહિ, પણ શબ્દની પાછળ રહેલા ભાષકના વિચાર પ્રત્યે જ સીધું જાય છે, અને એ રીતે અર્થનો સકોચ કે વિસ્તાર થયાં કરે છે. અર્થાત્ નવા વિચારો અને ઘટનાઓ કે વસ્તુઓ વ્યક્ત કરવા માટે ભાષામાં જે નવા શબ્દોનો પ્રયોગ થાય છે તે સર્વે રૂપદૃષ્ટિએ નવા જ હોય એવું નથી; કેવળ અર્થદૃષ્ટિએ નવા હોય એવા શબ્દો પણ એ જ હેતુ સાધી શકે. ભાષા, એ રીતે, જ્યારે કોઈ નવા અર્થનું સર્જન કરે છે ત્યારે, મોટા ભાગે ચાલુ શબ્દ ઉપર નવા અર્થનું આરોપણ કરે છે. ભાષાનું શબ્દભંડોળ રૂપદૃષ્ટિએ અસ્પૃષ્ટ રહેલું જણાય છે, પણ વસ્તુતઃ આ પ્રક્રિયાને પરિણામે એક નવો જ શબ્દ જન્મે છે. કેમ કે નવો ધ્વનિ પ્રયોજવાનો આયાસ નિવારીને એક જ રૂપમાંથી અથવા તેવા તદ્‌ભવોમાંથી અનેક અર્થો, એ રીતે, નિષ્પન્ન થાય છે. કેટલીક વાર જૂના શબ્દોનો જીર્ણોદ્ધાર થાય છે અને જૂના શબ્દો નવા સંદર્ભમાં પ્રયોજાવાને પરિણામે એક પ્રકારનું અપ્રકટ લાઘવ સધાય છે. દરેક ભાષામાં આવાં અર્થસંક્રાન્તિવિષયક દશાન્તરો રજૂ કરતા પુષ્કળ શબ્દો હોય છે. અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તો, જેના અર્થમાં નાનુંમોટું પરિવર્તન થયું ન હોય એવો કોઈ શબ્દ ભાષામાં જડવો મુશ્કેલ છે. માનવચિત્તના જે વ્યાપારો ભાષાના શબ્દભંડોળ અને એના રોજ-બ-રોજના વિકાસ ઉપર આધિપત્ય ભોગવે છે તેમનો અભ્યાસ પણ એ સામગ્રીમાંથી થાય છે. નિર્દિષ્ટ નવા અર્થે મુખ્યત્વે અર્થસંકોચને પરિણામે બને છે, અને અર્થસંકોચની પરાકાષ્ઠા વિશેષતઃ શાસ્ત્રીય વિષયોની પરિભાષામાં જણાય છે. અર્થસંકોચનો મુખ્ય આધાર બોલનારની સંવિવક્ષા (Emphasis) તથા આસપાસની પરિસ્થિતિ ઉપર છે, અને સાંભળનારનું ચિત્ત એને અનુસરીને જ અર્થગ્રહણ માટે તૈયાર થાય છે. શાસ્ત્રીય વાઙ્‌મયમાં અર્થની ચોક્કસાઈ અને ઝીણવટ એ મુખ્ય પ્રયોજન છે, અને એ કારણે એમાં શબ્દોના અર્થને સુનિર્દિષ્ટ કરવા માટે મર્યાદિત બનાવવાનું અનિવાર્ય છે. સામાન્ય શબ્દો, આ રીતે, શાસ્ત્રીય વાઙ્‌મયમાં કેવી રીતે વિશિષ્ટ અર્થો ધારણ કરે છે એનાં બે-ચાર સાધારણ ઉદાહરણો આપું. ‘રસ’ શબ્દના સામાન્ય વ્યવહારમાં સ્થૂલ અને સૂક્ષ્મ બંને અર્થો છે. (જેમ કે ‘ફળનો રસ’ અને ‘રસ=લેવો’); અલંકારશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રમાં બીજો અર્થ છે અને વૈદકશાસ્ત્રમાં ત્રીજો (રસ-પારો) છે, જે ઉપરથી ‘રસાયણ’ બન્યું છે. ‘ધાતુ’ શબ્દનો સામાન્ય વ્યવહારમાં એક અર્થ છે, વ્યાકરણમાં બીજો અને વૈદ્યકમાં ત્રીજો છે. ‘વિગ્રહ’ શબ્દ વ્યાકરણમાં, રાજ્યશાસ્ત્રમાં અને મૂર્તિવિધાનમાં જુદી જુદી રીતે વપરાય છે. એક જ ‘જાતક’ શબ્દનો ફલજ્યોતિષમાં અને બૌદ્ધ શાસ્ત્રોમાં જુદો અર્થ છે. ‘લગ્ન’ સામાન્ય વ્યવહારમાં અને મુહૂર્તશાસ્ત્રમાં જુદી રીતે પ્રયોજાય છે. ‘વિમાન’નો સામાન્ય અર્થ ‘વાયુયાન’ છે પણ જૈન શાસ્ત્રોમાં સ્વર્ગના ‘દેવતાઓના નિવાસસ્થાન’ માટે તેનો પ્રયોગ છે; પણ સ્થાપત્યશાસ્ત્રમાં ‘વિમાન’ એટલે દેવમંદિરનો એ ભાગ કે જેના ઉપર મુખ્ય શિખર હોય છે. ‘તાલ’ શબ્દનો સામાન્ય વ્યવહારમાં, સંગીતમાં અને પ્રાચીન શિલ્પશાસ્ત્રમાં અર્થ જુદો છે. ‘વ્યાકરણ’ શબ્દમાં માત્ર ‘સમજૂતી’નો મૂળ અર્થ રહ્યો નથી. વ્યાકરણમાં વપરાતા પ્રકૃતિ, પ્રત્યય, ગુણ, વૃદ્ધિ, ઉત્સર્ગ, અપવાદ, કારક, અભ્યાસ આદિ શબ્દો અર્થસંકોચ દ્વારા કેટલું અર્થવૈશિષ્ટ્ય અને અર્થવૈવિધ્ય સાધી શકાય એનાં ઉદાહરણ રજૂ કરે છે. શાસ્ત્ર અને વિજ્ઞાનને લગતા અનેક વિષયોમાં નવી પરિભાષા ઘડવાના પ્રયાસો આપણા દેશમાં થઈ રહ્યા છે ત્યારે જુદાં જુદાં પ્રાચીન શાસ્ત્રો અને વિજ્ઞાનોમાં પ્રયોજાયેલી પરિભાષાનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ. ઐતિહાસિક સિદ્ધાન્તાનુસાર રચાવા જોઈતા બૃહદ્ કોશના ભગીરથ કાર્ય-મહાભારત પ્રયોજના માટે અનેક ભૂમિકારૂપ કામો થવાં જોઈએ. ગુજરાતી ભાષા પાસે છેલ્લાં લગભગ એક હજાર વર્ષમાં રચાયેલા સાહિત્યનો વારસો અવિચ્છિન્ન અને અવિકલ રૂપમાં છે. આધુનિક યુગમાં કોઈ પણ ભાષાને ગૌરવરૂપ થાય એ ગદ્યસાહિત્ય અને ગદ્યકારોની તેમ જ કવિઓની તેજસ્વી પરંપરા આપણી પાસે છે. જૂના ગ્રંથોની શાસ્ત્રીય વાચનાઓનાં તથા તે ગ્રંથના અથવા વિશિષ્ટ યુગોના શબ્દકોશની રચનાનાં તેમ જ વિશિષ્ટ શબ્દો કે શબ્દસમૂહોના કાલાનુક્રમિક અધ્યયનનાં કામોનો સમાવેશ આમાં થાય. મુંબઈની પારસી પંચાયતે Collected Sanskrit Writings of the Parsees એ ગ્રંથમાલા પ્રગટ કરી છે, તેમાં પારસી ધર્મગ્રંથોના જૂના ગુજરાતી ગદ્યાનુવાદો પણ છે. વસ્તુતઃ આ પારસી ‘બાલાવબોધો’ છે અને શબ્દોના ઐતિહાસિક અભ્યાસ માટે અમૂલ્ય છે. જૂના ગુજરાતી સાહિત્યની જે કૃતિઓ સને ૧૯૪૦ પછી પુસ્તકાકારે મુદ્રિત થઈ છે તેમને અંતે નાનીમોટી શબ્દસૂચિઓ છે. એ ઉત્સાહજનક છે. પણ સદીવાર પસંદ કરેલા અનેક જૂના ગુજરાતી ગદ્યપદ્ય ગ્રંથોની, શબ્દસૂચિ સહ, શાસ્ત્રીય વાચનાઓ બની ત્વરાએ થવી જોઈએ. ભાષાની અર્થાભિવ્યક્તિને ખીલવવામાં જેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે તે બધા સાહિત્યકારો, કવિઓ, ગદ્યકારો અને ચિંતકોની શબ્દસૂચિઓ (Index Verboorum) થઈ શકે. ગુજરાતમાં ખાસ કરીને મધ્યકાળમાં સંસ્કૃતની એક પ્રાદેશિક શૈલી અસ્તિત્વમાં આવી હતી, જેને કેટલીક વાર ‘જૈન સંસ્કૃત’ અથવા ‘પ્રાદેશિક સંસ્કૃત’ (Vernacular Sanskrit) નામે ઓળખવામાં આવે છે. એમાં પ્રયોજાયેલાં સેંકડો સંસ્કૃત શબ્દપ્રયોગોના વાસ્તવિક અર્થો ઉકેલવામાં જૂનું ગુજરાતી સાહિત્ય સહાયભૂત થાય છે. તેમ જૂના ગુજરાતી શબ્દોના અર્થો નિશ્ચિત કરવામાં એ પ્રાદેશિક સંસ્કૃત ઉપયોગી થાય છે; એથી ‘જૈન સંસ્કૃત’ના ગ્રંથોના કોશો એક તરફ સંસ્કૃત અને બીજી તરફ ગુજરાતીનો અર્થવિકાસ સમજવા માટે અગત્યના છે. આ દિશામાં Lexicographical Studies in Jain Sanskrit (વડોદરા, ૧૯૬૨) એ ગ્રંથ રૂપે પ્રયત્ન મેં અને જયંત ઠાકરે કર્યો છે; એ વિશે મારા બીજા કેટલાક લેખો અંગ્રેજીમાં વડોદરાના ‘Journal of the Oriental Institute’માં જરૂરી નોંધો સહ શબ્દસૂચિ રૂપે પ્રગટ થયા છે. ગુજરાતની જુદી જુદી પ્રાદેશિક બોલીઓ, જાતિઓ, જ્ઞાતિઓ, વિવિધ વ્યવસાયો, હુન્નરો અને કારીગરોની પૂરી શબ્દાવલિઓ હજી થઈ નથી. જુદા જુદા ધંધાદારીઓ અને વ્યાવસાયિકોની ગુપ્ત બોલી ‘પારસી’ઓનો સંગ્રહ પણ ઉપયોગી છે, કેમ કે ‘પારસી’ના મૂળમાં તો ચાલુ ભાષા અને ચાલુ શબ્દો જ છે. (ગુજરાતની સોએક ‘પારસી’ઓનો સંગ્રહ કેટલાંક વર્ષ પહેલાં ભાનુપ્રસાદ ચોક્સીએ કર્યો છે, જે અપ્રગટ છે.) મદુરાના સૌરાષ્ટ્રી બ્રાહ્મણોની બોલીમાં, તામિલનાડુમાં વસેલા ‘લંકાઈ વાણિયા’ જેઓ ગુજરાતીમાંથી લંકા જઈ પછી તામિલનાડુમાં વસ્યા હતા, તેમની બોલીમાં જૂની ગુજરાતીના શબ્દો ભરપટ્ટે છે; ઉત્તર પ્રદેશમાં વસેલા ગુજરાતી નાગરોની અને મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા ખેડાવાળ બ્રાહ્મણોની બોલીમાં દોઢબે સદી પહેલાંની ગુજરાતીનો સંસ્પર્શ વરતાય છે. એ બોલીઓને પણ કોશકારે શબ્દોના રૂપ અને અર્થ બંને દૃષ્ટિએ લક્ષ્યમાં લેવી જોઈએ. આવાં કામો થાય એની સાથોસાથ બૃહદ કોશની તૈયારી થવી જોઈએ. અંગ્રેજીમાં બૃહદ કોશના સંકલન અને પ્રકાશનને લાંબો સમય લાગ્યો અને ભારતમાં સંસ્કૃત મહાકોશનું મુદ્રણ હજી પ્રારંભમાં છે, એથી અકળાઈને આવાં કામો આપણે હાથમાં જ ન લઈએ, એવું ન થવું જોઈએ. ગુજરાતીના મહાકોશ માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભગિનીભાષાઓના અભ્યાસીઓ આપણી પાસે હોય તેમ ફારસી, અરબી, તુર્કી, પોર્ટુગીઝ, ડચ અને મુખ્ય દ્રાવિડી ભાષાઓના તથા ગુજરાત અને આસપાસના પ્રદેશોની આદિવાસી બોલીઓના જાણકારો પણ હોય. કોઈ પણ જીવંત અને વિકસતી ભાષાનું શબ્દભંડોળ એવી રીતે વૃદ્ધિ પામતું જાય છે કે જુદાં જુદાં શાસ્ત્રોના સાચા અને સ્પષ્ટ અર્થો આપવા માટે તે તે શાસ્ત્રોના નિષ્ણાતોની સેવાઓ આવશ્યક બને. પરંતુ શાસ્ત્રોના પારિભાષિક શબ્દાર્થો પણ સામાન્ય વપરાશના શબ્દોના અર્થસંકોચથી કે બીજી સાદૃશ્યમૂલક પ્રક્રિયાઓથી નિષ્પન્ન થાય છે, એટલે કે સર્વ શબ્દાર્થોને યોગ્ય સંદર્ભ અને ક્રમમાં મૂકવા માટે, ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના નિષ્ણાતોની છેવટે જરૂર પડે. ટૂંકામાં, પ્રતિબદ્ધ કાર્યકરોની એક ‘ટીમ’ ઊભી થાય તો, યુરોપીય ભાષાઓમાં પણ ઉત્તમ નમૂના રૂપ અંગ્રેજીનો મહાકોશ યશસ્વી રીતે પૂર્ણ થયો અને એમાં યથાસમય પૂર્તિ થતી રહે છે, તેવું આપણી ભાષા માટે થઈ શકે. સંસ્કૃતના મહાકોશના પ્રશ્નો અંગ્રેજી અને ગુજરાતી જેવી બોલાતી ભાષા કરતાં ભિન્ન છે, પણ સંસ્કૃત કોશે નિદાન ત્રણ હજાર વર્ષનું સાહિત્ય અને અડાબીડ ચિંતનસૃષ્ટિને સમાવવાની હતી; એનું કાર્ય પણ વહીવટ અને વિદ્યાના અનેક પ્રશ્નો ઉકેલ્યા પછી સંતોષકારક રીતે આગળ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે ગુજરાતીનો ઐતિહાસિક કોશ પણ યથાક્રમ સંપૂર્ણતા પામશે અને આપણી ભાષાના પ્રત્યેક શબ્દનો અર્થાત્ આપણી સમગ્ર સંસ્કૃતિ અને તેના વારાફેરાનો પ્રમાણોપેત અધિકૃત વૃત્તાન્ત, ઐતિહાસિક ક્રમે, તેમાંથી ઉપલબ્ધ થશે તથા આપણી ભાષાને કદાચ સૌથી મહત્ત્વનો સન્દર્ભગ્રંથ તે દ્વારા સાંપડશે અને ગુજરાતીની અદ્યાવધિ સમગ્ર સંચિત શ્રી અને સંસ્કૃતિ તેમાં સુપેરે પ્રગટ થશે. અંતમાં, વિલે પારલે ખાતે પરિષદને નિમંત્રીને ભાવભર્યું આતિથ્ય કરવા માટે સ્વાગતસમિતિના સર્વ હોદ્દેદારોનો, કાર્યકરોનો અને સ્વયંસેવકોનો સર્વ ડેલિગેટો વતી હું હૃદયપૂર્વક આભાર માનું છું.