પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી જયંત પાઠકપાત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી જયંત પાઠક

  • જયંત પાઠકનો જન્મ ૧૯૨૦ના ઑક્ટોબરની ૨૦મી તારીખે પંચમહાલ જિલ્લાના રાજગઢ મુકામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ રાજગઢમાં લીધું. માધ્યમિક શિક્ષણ કાલોલમાં લીધું.

૧૯૩૮માં મૅટ્રિક થયા, ૧૯૪૩માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા, ૧૯૪૫માં એમ.એ. થયા અને ૧૯૬૦માં પીએચ.ડી. થયા. ૧૯૪૩-૪૭ના ગાળા દરમિયાન હાલોલમાં શિક્ષક તરીકે કામ કર્યું. પાંચ વર્ષ મુંબઈમાં ‘જન્મભૂમિ’ અને ‘હિંદુસ્તાન’ વગેરે દૈનિકોમાં કામ કર્યું. ૧૯૫૩થી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. થોડો સમય સૂરતની ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં સંશોધન સંસ્થાના નિયામક તરીકે કાર્ય કર્યું. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ કવિતા વાંચવા અને લખવાનું આકર્ષણ રહેલું. સુંદરમ્-ઉમાશંકરની કવિતા અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને બચુભાઈ રાવતનાં પ્રેરણા અને માર્ગદર્શન તેમને પ્રાપ્ત થયાં હતાં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘જીવનના સંદર્ભમાં કલાને મૂલવવાની દૃષ્ટિ’ આપી હતી. જયંત પાઠકની કવિતા અને કાવ્યભાવના ઉપર શેક્સપિયર, કાલિદાસ અને રવીન્દ્રનાથનો પ્રભાવ પડેલો. તેમનું પ્રથમ કાવ્ય ૧૯૩૮ના પ્રસ્થાનના દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ થયેલું. જયંત પાઠક પાસેથી કાવ્યસંગ્રહો, સ્મૃતિકથા, વિવેચન, અનુવાદ અને સંપાદન આ વિષયના ગ્રંથો મળેલ છે. તેમના ‘મર્મર’ (૧૯૫૪) કાવ્યસંગ્રહ પછી ‘સંકેત’ (૧૯૬૦), ‘વિસ્મય’ (૧૯૬૪), ‘સર્ગ’ (૧૯૬૯), ‘અંતરિક્ષ’ (૧૯૭૫), ‘અનુનય’ (૧૯૭૮), ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), ‘મૃગયા’ (૧૯૮૩), ‘શૂળી ઉપર સેજ’ (૧૯૮૮), ‘બે અક્ષર આનંદના’ (૧૯૯૨), ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭) અને ‘દ્રુતવિલંબિત’ (૨૦૦૩) પ્રગટ થયા છે. તેમની કવિતામાં પ્રકૃતિ, પ્રણય, કુટુંબજીવન, શૈશવ અને માનવીય ગૌરવ વગેરે વિષયો ઉપર સંવેદનશીલ કવિના હાથે લખાયેલી કવિતાઓ છે. તેમની કવિતામાં વિષય તરીકે ગ્રામજીવન અને નગરસંસ્કૃતિ પણ વણાયેલી છે. ઊર્મિનો આવેગ પણ તેમની કવિતામાં વિશેષ માલૂમ પડે છે. છંદોબદ્ધ રચનાઓમાં ભાવને અનુરૂપ પદાવલિ તેઓ પ્રયોજે છે. સબળ કલ્પનો, ગદ્યલયનો વિનિયોગ અને કલાકસબ અજમાવવા પરત્વે જયંત પાઠકમાં આધુનિક વલણ પણ જોવા મળે છે. જયંત પાઠકનું વિવેચનકાર્ય પણ એટલું જ નોંધપાત્ર છે. એમનો ‘આધુનિક કવિતાપ્રવાહ’ (૧૯૬૩) એ પીએચ.ડી.નો મહાનિબંધ હતો. ‘આલોક’ (૧૯૬૬), ‘કાવ્યલોક’ (૧૯૭૩) અને ‘ભાવયિત્રી’ (૧૯૭૪) – એમાં સાહિત્યતત્ત્વ વિશેનાં વિવેચનો છે. ‘ટૂંકી વાર્તા : સ્વરૂપ અને સાહિત્ય’ (૧૯૬૮), ‘ઝવેરચંદ મેઘાણી’ (૧૯૬૮), ‘સાહિત્યિક નિબંધો’ (૧૯૭૭), ‘વસંતધર્મીનું વિદ્યામધુ’ (૧૯૮૫), ‘કિમપિ દ્રવ્યમ્’ (૧૯૮૭) તેમના અન્ય વિવેચનસંગ્રહો છે. જયંત પાઠકનો અમૃત મહોત્સવ ઊજવાયો એ નિમિત્તે લખાયેલા લેખોનો સંગ્રહ ‘અર્થાત્’ (૧૯૭૭) નામે પ્રસિદ્ધ થયો છે. ‘વનાંચલ’ (૧૯૬૭) અને ‘તરુરાગ’ (૧૯૮૭) તેમણે લખેલી સ્મૃતિકથાઓ છે. તેમાં તેમણે શૈશવ, વતન અને વતનનો ગ્રામીણ અને વનપ્રદેશ અહીં સરસ રીતે આલેખાયા છે. જયંત પાઠકે તેમના ભાઈ રમણ પાઠક સાથે ‘ચેખોવની શ્રેષ્ઠ નવનિકાઓ’ (૧૯૫૭) એ નામે અનુવાદ કર્યો છે. ‘ધીરે વહે છે દોન’ રમણ પાઠક અને સુરેશ જોશી સાથે કરેલો અનુવાદ છે. ‘ટેલ ઑફ ટુ સિટીઝ’ (૧૯૬૭), ‘વૉર્ડ નંબર સિક્સ’ (૧૯૮૯) તેમણે કરેલા અનુવાદો છે. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીની ષષ્ટિપૂર્તિના અનુષંગે ગ્રંથ તૈયાર થયો તેનું સંપાદન તેમણે કર્યું છે. એ લેખો ‘ઉપાયન’ (૧૯૬૨)માં સમાવિષ્ટ છે. ઉપરાંત ‘નર્મદનાં કાવ્યો’, ‘કલાપીનાં કાવ્યો’, ‘કાવ્યકોડિયાં સંપુટ-૩’ (૧૯૮૧), ‘કાવ્યસંચય-૩’ (૧૯૮૧), ‘ગુજરાતી ઊર્મિકાવ્ય’ (૧૯૮૭) તેમણે કરેલાં સંપાદનો છે. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૫૭માં કુમાર ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, સોવિયેટ દેશ નહેરુ ઍવૉર્ડ, સાહિત્ય અકાદમી-દિલ્હીનો ઍવૉર્ડ, નરસિંહ મહેતા પુરસ્કાર, ન્હાનાલાલ પારિતોષિક તેમને પ્રાપ્ત થયાં છે. ૧૯૮૯-૯૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. પહેલી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ હૃદયરોગથી તેમનું અવસાન થયું હતું.

સાંપ્રત સાહિત્ય : વહેણો અને વળાંકો સજ્જનો અને સન્નારીઓ. ગુજરાતી સાહિત્ય પરિષદના આ ૩૫મા અધિવેશનના પ્રમુખસ્થાને મને લાવવા બદલ સૌપ્રથમ તો ગુજરાતી ભાષાસાહિત્યના સૌ ચાહકોનો હું હૃદયથી આભાર માનું છું. હું જાણું છું કે હું કોઈ પ્રકાંડ પંડિત નથી, મહાન કવિ નથી, વાર્તાકાર કે નાટ્યકાર તો નથી જ નથી. આવા ઘણા ‘નથી’ જેનામાં છે, તેને આ પદે સ્થાપવામાં સાહિત્યરસિકોનો સ્નેહ-સદ્‌ભાવ જ કારણભૂત હશે. મારી કોઈ લાયકાત હોય તો એટલી જ કે હું સાહિત્યમાં રસ-રુચિ ધરાવું છું ને સર્જન-વિવેચનક્ષેત્રે મારી શક્તિ ને આવડત પ્રમાણે કામ કરું છું. આવી સાહિત્યસંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષાસાહિત્યનું પોષણ-સંવર્ધન થાય છે ને થવું જોઈએ, એવી મારી આસ્થા ને ખેવના છે. એવા કાર્યમાં હું નિમિત્ત બનું, ભાગીદાર બનું તે મને ગમે. મારી પહેલાં, પ્રમુખના આ ગૌરવાન્વિત પદને શોભાવનાર મહાજનોનું સ્મરણ કરું છું ત્યારે હું થોડો સંકોચ જરૂર અનુભવું છું, પણ સાહિત્ય-પદારથ પ્રતિની મારી નિષ્ઠા ને આપ સૌનો મારા ભણીનો પક્ષપાત મને પ્રેરણા ને હામ આપે છે. મારા એ સૌ પુરોગામીઓને, સર્જકોને, પંડિતોને મનોમન પ્રણામ કરીને, એમના આશીર્વાદ પ્રાર્થીને હું આ સ્થાન સ્વીકારું છું. મને આશા છે કે ગુજરાતીના સાહિત્યરસિકોના સાથ-સહકારથી હું મારું કામ રૂડી રીતે કરી શકીશ. સામાન્ય રીતે આવાં મોટાં અધિવેશનોમાં પ્રમુખસ્થાનેથી આપવાના પ્રવચનમાં સાહિત્યના ઝીણા ને જટિલ મુદ્દાઓની વિચારણાને બદલે સાહિત્ય-જગતના કેટલાક વ્યાપક ને વ્યવહારુ પ્રશ્નોની વિચારણા થાય છે તે વધારે યોગ્ય ગણાય. અહીં ઉપસ્થિત સૌ સાહિત્યરસિકો તો છે, પણ બધાય સાહિત્યના પંડિતો કે સર્જકો છે એવું નથી. સાહિત્ય-સમાજમાં એક એવો વર્ગ હોય છે, જે સાહિત્યસર્જન કે સાહિત્યશાસ્ત્ર વિશે ઝાઝું જ્ઞાન ધરાવતો ન હોય, પણ સાહિત્યપદાર્થમાં રુચિ ધરાવતો હોય ને એના ગજા પ્રમાણે તેમ અનુકૂળતા પ્રમાણે સાહિત્યને અભિમુખ હોય. સામાન્ય રીતે આપણે સાહિત્યના વિદ્વાનો જ્યારે સાહિત્યની ઝીણી ને ઊંડી વાતો કરતા હોઈએ છીએ ત્યારે આ વર્ગને વિસારે પાડતા હોઈએ છીએ, એમના સાહિત્ય વિશેના પ્રતિભાવોને ઘણુંખરું લક્ષ બહાર રાખતા હોઈએ છીએ. આજના આ યંત્રોદ્યોગપ્રધાન યુગમાં માણસને માણસ બનવા માટે, માણસ રાખવા માટે સાહિત્યનો પ્રસાર આવશ્યક બલકે અનિવાર્ય છે એમ આપણે માનતા હોઈએ તો સામાન્યજનને સાહિત્યાભિમુખ કરવાની ચિંતા ને એને માટેના ઉપાયો કરવાની તત્પરતા આપણામાં હોવી જોઈએ. આનો અર્થ એવો નથી કે આવાં અધિવેશનોમાં વિદ્વદ્‌ભોગ્ય ચર્ચાઓ ન જ થાય, એ તો થાય જ ને અહીં પણ થશે. મારે તો માત્ર એટલું જ કહેવાનું છે કે મારું વક્તવ્ય હું બહુધા સાહિત્ય અને સાહિત્ય પરિષદ અંગેની કેટલીક વ્યાપક વિચારણા પૂરતું મર્યાદિત રાખું તો આપ સૌ મારા એવા અભિગમને સમજશો ને આવકારશો. સાહિત્યજગતમાં મેં પદાર્પણ કર્યું ત્યારના દેશકાળનો વિચાર કરતાં હું રોમાંચ અનુભવું છું. એ અરસો દેશના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ હતું. જીવન આશા-આકાંક્ષાઓથી તરવરતું, આદર્શોથી, ભાવનાઓથી ભર્યું ભર્યું હતું. પ્રજામાં સ્વાતંત્ર્યની લગની હતી ને સાથે જીવનનાં અનેક ક્ષેત્રોમાં ઉન્નતિ સાધવાની ઝંખના ને મથામણ હતાં. સમગ્ર જીવનમાં આવો જુવાળ આવ્યો હોય ત્યારે સાહિત્ય એના પ્રભાવથી ભાગ્યે જ અલિપ્ત રહી શકે. ખરી વાત તો એ છે કે ત્યારે સાહિત્ય જેવી કલા એ પ્રભાવને વધારે વ્યાપક ને પ્રબળ કરે. આ અરસાનો કવિ પ્રજાનું મુખ બન્યો. એને ‘એક માનવી જ કાં ગુલામ?’ એવો પ્રશ્ન તો સ્ફુર્યો; ઉપરાંત એનામાં ‘વિશાળ જગ વિસ્તરે નથી એક જ માનવી’ ને यत्र विश्व भवत्येकनीडम्નાં ભાન-ભાવના પણ જાગ્યાં. માનવતા ને સૌંદર્ય આ ગાળાના કવિના આરાધ્ય વિષય રહ્યા. સુંદરમે ‘માનવી માનવ’ કાવ્ય રચ્યું. ઉમાશંકરે ‘વિરાટ પ્રણય’ લખ્યું. સૌંદર્યને જ નહીં અસુંદરને પણ સુંદર કરીને ચાહવાની આ કવિઓની પ્રતિજ્ઞા છે. સુંદરમ્ કહે છે :

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને જે અસુંદર રહી તેહ સર્વને
મૂકું કરી સુંદર ચાહી ચાહી.

ચાહીને જગતને સુંદર કરવાનો એ કાળના કવિઓનો એક ઉમદા સંકલ્પ હતો, ને પુરુષાર્થ પણ. આની પાછળ માનવીની માનવતામાં આસ્થા હતી, પુરુષાર્થમાં શ્રદ્ધા હતી. મારા જેવા સાહિત્યકારોની સર્જનવૃત્તિના મૂળમાં આવી શ્રદ્ધા હતી. માનવીના જેવો જ પ્રકૃતિભણી પણ અમારો પ્રેમ. મારા જેવાનો જન્મ ને ઉછેર માણસ કરતાં પ્રકૃતિ તરફ હૃદય વધારે નિકટ ને ભરપૂર પ્રમાણમાં એવા પ્રદેશમાં, એટલે પ્રકૃતિ તરફ હૃદય વધારે ઢળે. સંસ્કૃતિનો અનાદર કે અણગમો તો નહીં જ નહીં. એવું હોય તો તો કવિતાકલા ભણી વળવાનું બને જ ક્યાંથી! કવિતા કલાય તે છે તો સંસ્કૃતિની જ નીપજ; માણસની સંસ્કારયાત્રાની એક અનન્ય ઉપલબ્ધિ. સંસ્કૃતિની અવસ્થામાં હોઈએ એટલે જ પ્રકૃતિની ઝંખના વધારે તીવ્રોત્કટ હોય એવું પણ સમજાય છે. માણસ ને એની સંસ્કૃતિ વિશે લખાતું તો હતું પણ જાણે પૂરા મનથી નહીં, પૂરી સંડોવણીથી નહીં. આથી ઊલટું જ્યારે પ્રકૃતિ આલેખન માટે કલમ ઊપડતી ત્યારે વધારે સહજ ને પરિચિત ભોંય ઉપર માંડતી લાગતી. અમારી પેઢીના કેટલાક કવિઓમાં પ્રકૃતિનું અને સંસ્કૃતિનું સમાન આકર્ષણ જોવા મળે છે તો કેટલાકમાં પ્રકૃતિ, આદિમતા, નૈસર્ગિક આવેગો ભણીનું આકર્ષણ વધારે હોવાનું જણાય છે. પ્રકૃતિને હું પૂરા રાગાવેગથી ચાહું છું એ વાતની પ્રતીતિ મારી ‘વનાંચલ’ અને ‘તરુરાગ’ જેવી કૃતિઓમાં થશે. વન્ય આવેગોની કવિતામાં શૈશવ, વતન, પ્રકૃતિ બધું એકબીજામાં ગૂંથાઈને આવે છે ને જાણે મારી અસલિયતને ઓળખાવે છે. મારા શ્વાસમાં હજી પણ થોડો વગડાનો શ્વાસ છે એનું ભાન મને સતત રહે છે. એટલે જ મેં લખ્યું : આનંદ છે : સંસ્કારથી હું ધન્ય; આનંદ છે : થોડો રહ્યો છું વન્ય. કવિતાથી આત્મસાક્ષાત્કાર, આપઓળખાણ થાય છે એવી એક વાત છે, ને સર્જન-ભાવનાથી ક્ષણે એવું થાય છે એવો અનુભવ પણ છે. માણસ, આપણા કવિ નિરંજન ભગત કહે છે તેમ, ‘ભયાનક ભવ્ય એકલતા’માં જીવે છે; કદાચ ‘ભવ્ય’ કરતાં ‘ભયાનક’ એકલતામાં વધારે. ઈશ્વરના અવસાનની જાહેરાત પછી તો આ ભયાનકતા ઘણી વધી જાય છે. માણસને કોઈનો આધાર નથી, એ નિરાલમ્બ છે, ને પાછો પોતાનું સંભાળવા જેટલો શક્તિશાળી નથી. માણસ જ, જેવોતેવો પણ, માણસનો આધાર છે, આશ્વાસન છે એવી સમજ ઊગી એટલે માણસ પ્રત્યે અપાર અનુકંપા, કરુણા જાગે છે. માણસના દ્વેષ-દોષ હું સહાનુભૂતિપૂર્વક સમજું છું ને વેઠી લઉં છું. માણસનો ગમે તેવો અપરાધ પણ ક્ષમાને પાત્ર છે, એની બધી નબળાઈઓ માફ કરવા જેવી છે એવો ભાવ મારામાં દૃઢ થયો છે. આવા ભાવની ઉત્કટતામાં મારાથી ‘માણસ’ જેવી કૃતિ રચાઈ ગઈ છે. રમતાં રમતાં લડી પડે : ભૈ માણસ છે! હસતાં હસતાં રડી પડે : ભૈ માણસ છે! પ્રકૃતિ સાથે એકપ્રાણ થઈ જવું ને માણસ માટે કરુણાનો ભાવ થવો એ જ મારે માટે તો આધ્યાત્મિકતા છે. કાવ્યનો આસ્વાદ બ્રહ્માસ્વાદસહોદર છે એ તો બ્રહ્મના આસ્વાદને જાણનાર કહી શકે, કવિ, કલાકાર લેખે આપણે તો એવું અનુમાન કરી શકીએ કે બ્રહ્મનો આસ્વાદ કાવ્યાસ્વાદસહોદર હશે. જે કહો તે, સાહિત્યના સર્જક-ભાવક તરીકે જે અનુભવ થાય છે, તે અ-લૌકિકનો લાગે જ છે. કવિતામાં ને ગદ્યમાં સર્જન અંગેનું મારું વલણ કંઈક વિશેષતા-વિશિષ્ટતા સિદ્ધ કરવાનું રહ્યું છે. આમ તો આ વાત કંઈ નવી નથી ને મારા પૂરતી જ નથી, સર્જકમાત્ર માટે છે; એ અપૂર્વનિર્મિતિને તાકે છે શક્તિ અનુસાર સિદ્ધ કરે છે. મારે એ સર્વસાધારણ વાત કરવી નથી. હું કંઈક બીજું, જુદું કહેવા માગું છું. મારી વાતને સ્પષ્ટ કરવાના પ્રયત્નમાં કહું તો એમ કે કોઈ ઉત્કટ ભાવને કે ઊંડા ચિંતનને કાવ્યમાં કે ગદ્યમાં માત્ર ઉતારવાનું, શબ્દમાં એનો અનુવાદ કરવાનું મારું લક્ષ નથી હોતું. વળી, ભાવ-ચિંતનમાં તણાઈ જવાનું કે ડૂબી જવાનું પણ મને ઇષ્ટ નથી. હું ભાવ-ચિંતનમાં ભાષાના આધારે તરવાનું ને ડૂબકીઓ મારવાનું પસંદ કરું છું. કશી એવી કલાયુક્તિ – Artistic device હું તાકું છું, જેથી ભાવકને ભાવ-ચિંતનનો સ્પર્શ થાય, ને પછી એ એની રીતે એમાં ગતિ કરે, એને માણે. ભાવને, અનુભવને અશેષ વર્ણવવાને બદલે કૃતિમાં એના અસ્તિત્વનાં ઇંગિતો ચાંપીને છૂટી જવું એ કલાનું કાર્ય, એવી કંઈક મારી સમજ છે. જરા જાડી ભાષામાં કહેવું હોય તો કહેવાય કે હું કવિ ઓછો ને કલાકાર, કસબી વધારે છું કદાચ. ‘વનાંચલ’ લખવું હતું ત્યારે, મારા આવા વલણને લીધે હું વિશિષ્ટ ગદ્યની શોધમાં હતો. મારે સંસ્મરણો, જન્મભૂમિમાં ગાળેલા શૈશવનાં આખી જનમભોમને જીવતી કરે એવાં સંસ્મરણો આલેખવાં હતાં. આને માટે મને મારા શૈશવની જન્મભૂમિની આખી સૃષ્ટિને મૂર્ત કરી આપે, સાક્ષાત્ કરી આપે એવા ગદ્યની આવશ્યકતા હતી. હું મારા પ્રદેશની બોલીની ઠીક ઠીક નજીકની ભાષા તો પ્રયોજી શકું, પણ એટલું પૂરતું ન ગણાય. એટલે મેં એ પ્રદેશમાં વસતા આધિવાસીઓની ઓછું બોલવાની ટેવને મારું ગદ્યલક્ષણ કર્યું ને પ્રત્યક્ષતા માટે ક્રિયાસૂચક પદોને ભૂતકાળને બદલે વર્તમાનકાળવાચક કર્યા : કવિતા ને ગદ્ય મારે માટે એકસરખાં જ અઘરાં છે એવો મારો અનુભવ છે. શ્રીઅરવિંદે ક્યાંક કહ્યું છે કે કવિતાનું પંખી ઊડે છે, જ્યારે ગદ્યનું પંખી જમીન ઉપર ચાલે છે. આ વાતમાં એટલું સાચું હશે કદાચ કે કાવ્ય વધારે ઊંચી કલ્પનાશીલતા માગે છે, જ્યારે ગદ્ય ઓછી. આવું હોય તોય મારા અનુભવ પ્રમાણે ગદ્યસર્જનમાં પણ પ્રેરણાનો એક ધક્કો, આવેગ જરૂરી હોય છે ને કૃતિની આખી ભાત સપ્રમાણ ને સ્પષ્ટ ઊઠે તે માટે કવિતાસર્જનમાં લઈએ એટલી જ કાળજી લેવાની હોય છે. ગદ્યને ગદ્ય રાખીને એને કવિતાની કોટિએ એટલે કે રસાત્મકતા સુધી પહોંચવું એ એક કસોટી છે, પેલું કહેવાયું છે તેમ કવિઓ માટે જ નહીં, ગદ્યકારો માટે પણ. કારણ કોઈ પણ કૃતિ કલાકૃતિ થાય એટલે વિશિષ્ટ અર્થમાં એ काव्य થાય છે; એમાં લોકોત્તરતા આવે છે, શબ્દ-અર્થની અ-લૌકિકતા સિદ્ધ થાય છે, રસાવહ બને છે. આટલી કંઈક અંશે કેફિયત જેવી વાત એ કાવ્ય ને ગદ્યના સર્જન સંબંધી મારી સમજને સ્પષ્ટ કરવા. છેલ્લાં પચાસેક વર્ષથી હું સાહિત્યના ક્ષેત્રે પ્રવૃત્ત છું. આ પાંચ દાયકાઓમાં બહારનું જગત અને તે સાથે માણસનાં રસરુચિ ઘણાં બદલાયાં છે. સાચી હોય કે ખોટી, પણ એક એવી લાગણી સામાન્ય સાહિત્યરસિક વર્ગમાં અત્યારે પ્રવર્તે છે કે સાહિત્ય ધીમે ધીમે પ્રજાજીવનથી અળગું-અતડું થતું જાય છે, ને તેથી એમાં પ્રજાનાં રસ ને નિસબત ઘટતાં જાય છે. આ ફરિયાદ આમ તો નવી નથી. દરેક જમાનામાં અમુક વર્ગ એ કરતો રહ્યો છે. નર્મદ-દલપતની કવિતા કરતાં પ્રેમાનંદ-શામળની કવિતા વધારે સારી ને સમજાય એવી; સાક્ષરયુગની કવિતા કરતાં નર્મદ-દલપતની કવિતા વધારે લોકાભિમુખ, લોકહિતલક્ષી; ગાંધી-ઠાકોર-પ્રભાવિત સાહિત્ય કરતાં સાક્ષરયુગનું સાહિત્ય વધારે સમૃદ્ધ ને સરસ; આધુનિક કહેવાતા સાહિત્ય કરતાં તેનું પુરોગામી સાહિત્ય વધારે સત્ત્વશીલ ને સુબોધ – આવું આવું કહેવાતું આવ્યું છે. આવા અભિપ્રાયમાં પ્રજાની રસવૃત્તિની સ્થિતિચુસ્તતા હશે, પુરાણું એ જ સારું એવી બદ્ધ મતિ હશે ને નવાને સમજવા-સ્વીકારવાની બાબતમાં પ્રમાદ પણ હશે. છતાં આવા અભિપ્રાય માટે સાહિત્યપક્ષે કોઈ વલણ, કોઈ અભિગમ, કોઈ પ્રવૃત્તિ જવાબદાર ખરી કે નહીં તે વિચારવું તો જોઈએ. બહુ દૂરની વાત જવા દઈએ ને આ સદીના સાહિત્યને લક્ષમાં રાખીને વાત કરીએ તો સાહિત્યની લોકાભિમુખતા ઉત્તરોત્તર ઘટતી જાય છે એવું લાગે છે. હું લોકાભિમુખતા કહું છું ત્યારે લોકપ્રિયતાની વાત નથી કરતો, એ બાબત તરફ ખાસ ધ્યાન ખેંચું છું. ‘લોકપ્રિય’નો લોકોને ગમે તેવું, લોકરુચિને સંતર્પનારું, લોક કલાસંસ્કારના જે સ્તરે છે તે સ્તરે જ તેમને સંતોષે એવું, એવો કંઈક અર્થ થાય. સાહિત્યની લોકાભિમુખતા ઘટતી જાય છે એમ કહું છું ત્યારે મારા મનમાં એ છે કે આપણું સાહિત્ય લોકજીવનથી લોકોના હરખ-શોક, લોકોની એષણા-આકાંક્ષા, લોકજીવનમાં બનતી ઘટનાઓ, લોકોમાં ઊંડે ઊંડે મૂળ નાખીને પડેલાં જીવનમૂલ્યો – આ બધાંથી વેગળું થતું જાય છે. સામાન્ય જનના જિવાતા જીવન સાથે એને જાણે કશી નિસબત રહી નથી, એનું રસક્ષેત્ર સંકોચાયું છે ને એનો પ્રભાવપ્રદેશ મર્યાદિત થતો જાય છે. જે ભાષાના સાહિત્ય વિશે તે ભાષા બોલતી પ્રજા જ્યારે આવું મંતવ્ય સેવે ત્યારે એને અણસમજનો પ્રલાપ ગણીને સાવ અવગણી તો ન શકાય, સાવધ થઈ જવું પડે ને એની સત્યાસત્યતા તપાસવી પડે. આપણા સાહિત્યકારો-સર્જકો ને વિવેચકો વિશ્વસાહિત્યથી આજે વધારે પરિચિત થયા છે. વિશ્વસાહિત્યપ્રવાહમાં વધારે ભળી રહ્યા છે; સાહિત્યકારનાં સંવેદનો, તેની અનુભૂતિઓ, કલાસિદ્ધિનું તેનું લક્ષ્ય ને કલાતત્ત્વનું મૂલ્યાંકન વધારે જાગતિક સ્વરૂપનાં બન્યાં છે એ સાચું છે, પણ એમ થતાં આપણે કંઈક અંશે ઘર-આંગણાની પરિસ્થિતિની, આપણા લોકના સંવેદનજગતની અવગણના કરતા થયા છીએ એમ લાગે છે. આપણે એ ભૂલી રહ્યા છીએ કે આપણા સમાજનો મોટો વર્ગ હજી સંજ્ઞાસંસ્કારની સીડીનાં નીચલાં પગથિયાં ઉપર છે; સાહિત્યનો પરિચય ને સ્પર્શ એમને માટે હજી દુર્લભ રહ્યા છે. પ્રજાનો મોટો વર્ગ જ્યારે આ સ્થિતિમાં હોય ત્યારે સાહિત્યના બધા ઉચ્ચાગ્રહો સામાન્ય જીનને અજાણ્યા લાગે, અસ્વીકાર્ય લાગે ને તેથી સાહિત્યની એમના જીવનમાં રસ પૂરવાની નેમ પણ અસફળ રહે. સ્પષ્ટ વાત કરીએ તો આપણા સાહિત્યકારોએ આવા વર્ગ ભણી નજર નાખતા રહેવું જોઈએ ને એમને માટે સુલભ ને સુગ્રાહ્ય એવું સાહિત્ય પણ રચાતું રહેવું જોઈએ. સામાન્ય જનના ચિત્તને ગ્રાહ્ય એવા સર્જન-વિવેચન વિશે સુગાળવા થવું ન ઘટે. આપણા કેટલાક સર્જક-વિવેચક સામાન્ય જિજ્ઞાસુ ભણી તુચ્છતા ને તિરસ્કારની નજરે જુએ, એમને પ્રાકૃત રુચિના ગણી અવગણે તે બરાબર નથી. એવું વલણ એકંદરે આપણા સાહિત્યના વિકાસ-વ્યાપને હાનિ કરનારું ગણાય. જે સમાજમાં, જે પ્રજાવર્ગમાં સાક્ષરતા, જ્ઞાન, સુરુચિ આદિ સંબંધમાં ઘણો તફાવત હોય, ખાઈ હોય ત્યાં તે તફાવત ટાળવા માટે, તે ખાઈ પૂરવા માટેના પ્રયાસ પણ કરવાના હોય, સામાન્ય જનની રુચિના વિકાસ ને સંમાર્જન માટે આપણે ત્યાં તો અટપટાં સંયોજન વગરના સર્જનાત્મક સરલ પ્રાસાદિક સાહિત્યની ને ‘બોલાવબોધી વિવેચન’ની પણ જરૂર ખરી. આમાં ભદ્ર, વિદગ્ધ, નિષ્ણાત વર્ગને આસ્વાદ્ય એવું ઊંચું સાહિત્ય રચવાનો નિષેધ નથી, માત્ર એ સિવાયનું સામાન્ય માણસની રુચિને સંતોષે-સંવર્ધે એવું સાહિત્ય પણ રચવાનો અનુરોધ છે. અહીં સર્જન-વિવેચનની આપણી સ્થિતિ-ગતિનું થોડું અવલોકન કરી લઈએ. સર્જનક્ષેત્રે જોઈએ તો સ્વતંત્રતા પછી જેમ આપણા દેશનું તેમ આપણા સાહિત્યનું પણ બે-અઢી દાયકા સુધી સારું ચાલ્યું. કવિતા, વાર્તા, નવલકથા ને નાટકનાં ક્ષેત્રે તાજી હવાની લહેરો વાવા લાગી. આપણી સૌંદર્યલક્ષી કવિતાની ધારા આ અરસામાં વધારે વેગથી વહેવા લાગી; સામાજિક, રાજકીય, આર્થિક પ્રશ્નોનો ઘણો ભાર એને માથેથી ઊતર્યો ને શુદ્ધ સાહિત્યસર્જનની દિશા ઊઘડી. આ કાળમાં ગીત-ગઝલના ક્ષેત્રે નવો ઉઘાડ જોવા મળ્યો; પરંપરિત છંદયોજના દ્વારા કૃતિમાં ભાવાનુકૂલ પંક્તિવિન્યાસ ને નાટ્યાનુકૂલ ભાવભંગિઓ સિદ્ધ થયાં. પદ્યમુક્તિના ને મુક્ત પદ્યના પ્રયોગોએ સંવેદનની વિવિધ રૂપછટાઓને અભિવ્યક્ત થવાની આસાની પૂરી પાડી ને અન્ય ભાષાઓમાંથી કાવ્યનો અનુવાદ કરવાના પ્રયાસને સરળ કરી આપ્યો. નવલકથા ને લઘુનવલ દ્વારા આલેખનક્ષેત્રે તેમ વિષયવસ્તુમાં વૈવિધ્ય-વૈચિત્ર્ય સધાયું. ટૂંકી વાર્તાએ પણ રૂઢ ચીલો છોડી નિરૂપણમાં ને નિરૂપ્ય વિષયમાં નવીનતા ને વૈવિધ્ય સાધ્યાં. લઘુકથાનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો ને મુક્તક જેવી એની ચમત્કૃતિને લીધે ખાસ્સો આસ્વાદ્ય બની રહ્યો. નાટકોમાં – એકાંકી ને બહુઅંકીમાં – પ્રયોગશીલતાનું વલણ થવા લાગ્યું. સાહિત્યમાં ને જીવનમાં પ્રવર્તિત ને પુરસ્કૃત અને વાદોની છાયામાં કૃતિઓ રચાવા લાગી. ઍબ્સર્ડ, અસ્તિત્વવાદી એવાં ઓળખાણવાળી કૃતિઓ સારી સંખ્યામાં ઉત્સાહપૂર્વક રચાવા લાગી. શેરી-નાટકો, લીલાનાટકોનો પ્રકાર પ્રગટ્યો, ખીલ્યો ને પ્રભાવક પણ બની રહ્યો. હાઇકુ જેવા કાવ્યપ્રકારે આપણા કેટલાક કવિઓનાં મન મોહી લીધાં. છેલ્લાં થોડાં વર્ષથી આ જુવાળ હવે ઓટમાં પરિણમતો જણાય છે. આપણી કવિતા ક્યાંક આવીને ઊભી રહી ગઈ છે ને પોતાને ઘૂંટી રહી લાગે છે. સ્વાતંત્ર્ય પછીના તરતના ગાળાના આપણા કવિઓ જાણે પોતાનું જે કંઈ સત્ત્વશીલ તે આપી ચૂક્યા હોય એમ જણાય છે, ને હવે એ જ પ્રકારમાં અગાઉનાં કાવ્યોથી ગુણમાં ઊણાં એવાં કાવ્યો રચી રહ્યા છે. ગીતો કંકુના થાપા, બારસાખનાં તોરણ, સિંદૂરિયા પાળિયા, કમખાના મોર, એવાં એવાં એક કાળે નવાં નવાં લાગતાં કલ્પનો-પ્રતીકોની પડેલી ઘરેડમાં ચાલી રહ્યાં છે. ગઝલને વિશે પણ આવું કહીએ તો ભાગ્યે જ ખોટું પડે. ગઝલ પરંપરાનાં પ્રતીકોથી મુક્ત થઈ છે, એણે વિષયવૈવિધ્ય સાધ્યું છે, એ પ્રયોગશીલ બની છે ને ગુજરાતી કવિતાના મુખ્ય પ્રવાહમાં ભળતી જાય છે એવું સંતોષપૂર્વક કહેવાતું હતું. આજે અનેક કલમોએ જે કંઈ નવું કર્યું તેને રૂઢ કરી નાખ્યું છે, એની કૂંપળની તાજગી હવે પાકેલા પાનની પીળાશમાં પલટાતી જતી જણાય છે. ગઝલ-રચનાઓ ઘણી થાય છે જે આપણાં સામયિકોમાં પાનાં ને પાનાં ભરીને પ્રગટ થાય છે, પણ એમાં સત્ત્વવાળી નખશિખ કલામંડિત કૃતિઓ કેટલી? ઓછી. હાઇકુ લખવાનો ઉત્સાહ હવે મંદ પડતો જાય છે. નિશાળમાંથી એ નીસરી ગયું છે, ને કવિઓય હવે એને બહુ સંભારતા નથી. પરંપરિત ને અછાંદસનો ભારે જુવાળ આવ્યો ને એમાં કેટલીક અસાધારણ ગુણવત્તાવાળી કૃતિઓ મળી; પણ પછી તો એય એક ઢાંચો બની ગયો, જે ઝટ ઝટ કવિ થવાના કોડવાળાને ઘણો ફાવી ગયો. છંદો પ્રયોજવામાં જુનવાણીપણું જણાવા લાગ્યું ને કેટલીક આધુનિક સંવેદનાઓ માટે છંદનાં બંધન નડે એવી મતિ પ્રવર્તી. આવી રચનાઓ વાંચતાં આજે આપણને એવો પ્રશ્ન થાય કે સાંપ્રત જીવનમાં એવી તે કઈ સમસ્યાઓ છે, વેદનાઓ છે, અનુભૂતિઓ છે, જે સદીઓથી કામ આપતા આપણા નીવડેલા છંદોમાં વ્યક્ત જ ના થઈ શકે! આપણા ઉમાશંકરે એક ઠેકાણે આ સંબંધમાં સરસ ટકોર કરી છે. તેઓ કહે છે કે અંગ્રેજીનો કે પરભાષાનો કોઈ નવકવિ છંદમાં કાવ્ય રચે તો એને કોઈ જુનવાણી નથી ગણતું, પણ આપણો કોઈ કવિ એવું કરે તો તે જુનવાણી ઠરે! છંદ काव्यનું અનિવાર્ય અંગ નથી એમ માનવામાં બાધ નથી. પણ તે સાથે કાવ્યમાં છંદ કેવળ આગંતુક ને એટલે નિરર્થક કે અનુપકારક છે એમ માનવાનું નથી. છંદ-લયનો ઉદ્‌ભવ હૃદયના ધબકારા ને રુધિરાભિસરણની ક્રિયામાં જોવાયો છે ને એરિસ્ટોટલે નિયમિત તાલના હલચલનમાં આનંદ લેવાનું માણસ માટે સહજ છે, એમ કહ્યું છે. વળી, આજે જ્યારે ભાષાકર્મનો મહિમા થાય છે ત્યારે કાવ્યમાં છંદ ભાષાનું સંતાન ને સર્જકને છેડેથી જોતાં ભાષાકર્મ જ ગણાય, એ વાત ધ્યાન બહાર ન રહેવી ઘટે. છંદ કાવ્યગત ભાષાપ્રપંચ છે, કલાપદાર્થ છે; એનું સામાન્ય, ભાષાના વ્યાકરણથી પરીક્ષણ-પૃથક્કરણ ન થાય, काव्यના સમસ્ત કલાવિધાનના ઘટક તરીકે કાવ્યના સંદર્ભમાં થાય. આથી જ લેવિને કહ્યું કે, “The conventions (meter, rhyme, alliteration etc.) therefore have to be singled out and isolated from general linguistic analysis. They must be approached from the traditional point of view which sees them primarily as artistic, not as linguistic devices…. Linguistic analysis wiil fail to explain its poetic significance.” અલબત્ત, નવું હંમેશાં નવું ન રહે એ સમજાય એવું છે. એટલે તો નવું સતત શોધતા ને કરતા રહેવાનું હોય છે, પણ આ અરસામાં આપણી એવી શોધની શક્તિ ને વૃત્તિમાં એકંદરે ઓટ અનુભવાય છે. આપણા નવલકથાકારો પણ પ્રયોગનું સાહસ મૂકીને પરંપરાની સલામતીમાં જાણે પાછા ફરી રહ્યા લાગે છે. નવલકથાઓ કદમાં મોટી તો થાય છે, પણ અંદરથી એનું દળ એટલું ઘટ્ટ ને પુષ્ટ જણાતું નથી. કલાના તત્ત્વને પણ લેખકે કંઈક અંશે વિસારે પાડ્યું જણાય છે. જીવનના અનુભવને ને શબ્દના સૌંદર્યને સાહિત્યસર્જનમાં અલગ સમજતા થઈએ તે બરાબર નથી. એમ કરવાથી ક્યાંક એકને ભોગે બીજાનો મહિમા થવાનો સંભવ રહે છે. કથામાં વાસ્તવના અનુભવો હોય ને ભાષામાં કવેતાઈ, સિનેમાશાઈ રંગો હોય એવુંય બનતું દેખાય છે. જીવનના અનુભવો, ઘટનાઓ, વ્યક્તિઓ ને તેમના વ્યવહારો – બધું ખરું, પણ કલામાં એમનું રૂપાંતર થાય છે તે ભાષાથી. એ ભાષા જો અનુભવને કલારૂપ આપવા માટે સક્ષમ ન હોય તો કૃતિ કાં તો અનુભવનો નીરસ હેવાલ બની જાય કે પછી ભાષાનો માત્ર ઘટાટોપ – વાગાડંબર. અનુભવની સમૃદ્ધિ ને શબ્દનું સૌંદર્ય એકરૂપ થાય, દર્શન ને વર્ણન વચ્ચે અદ્વૈત સિદ્ધ થાય ત્યારે જ કલાકૃતિ થાય. કલાકૃતિ તરીકે પોંખાતી આપણી કેટલીક નવલકથાઓ સમાન્તર રચાતી રહેલી સામાન્ય નવલકથાઓથી કંઈક જુદી રીતે પણ કલાગુણે ઊણી જણાય છે. આજની આ પરિસ્થિતિને અનુલક્ષીને ચારપાંચ વર્ષ ઉપર શ્રી ઉમાશંકર જોશીએ કાઢેલા ઉદ્‌ગારો અહીં ઉતારવાનું મન થાય છે. તેઓ કહે છે : “જ્યારે આજના યુગમાં મહાકાવ્યો નવલકથા રૂપે લખાય છે, ત્યારે આપણી ભાષામાં કેમ એવા બૃહત્ પટ ઉપર કથાઓ આલેખાતી નથી? આબુ-અંબાજીથી સાતપુડા સુધીની ભીલવાડની વનછાયા કથા-આલેખનમાં ક્યાં ઊતરી છે? હજાર માઈલનો દરિયાકિનારો છતાં ‘સુકાની’, ગુણવંતરાય જેવામાં સમુદ્ર એક-બે ઘુઘવાટા કરીને રહી ગયો!… ભાષાને અમદાવાદનાં પૂર્વનાં પચરંગી પરાંઓ સાથે નિસબત જ નહીં? કહેવાતી પછાત જાતિઓ અને શોષિત-અપમાનિત દલિતોનો અવાજ હજી હવે થોડો સંભળાવા માંડ્યો છે. કોમી, અને એને ઓઠે અથવા અલગ આર્થિક હોળાઓ ભભૂકી ઊઠે છે તેના કારમા, અકળાવનારા, કરુણાને સક્રિય કરે એવા ઓળા ભાષાપટ પર વરતાતા નથી. માણસજાતિ ઇતિહાસપ્રવાહમાં ખસતી ખસતી ભૈરવજાપ ખાવા ટાંપી રહેલી દેખાય છે ત્યાંથી માંડીને એક એક માણસની ભીતર અનુભવાતી રૂંધામણો, કુંઠાઓ, કમીઓ, તાકાતહીનતાની સાથોસાથ ક્યારેક ઉબેળાતી પ્રબળ ઝુંબેશલગની, માનવ હોવાની નિયતિનો તાગ – એ કેવી નવલકથાઓમાં, લઘુનવલોમાં પણ, ગંભીરભાવે છેડાય છે?” (સર્જકની આંતરયાત્રા, સર્જનનો ચહેરો – પૃ. ૧૩). ઉમાશંકર આવી ટકોર કરે છે ત્યારે એમને ગોવર્ધનરામ, મુનશી, દર્શક, પન્નાલાલ ને પછીની પેઢીના નવલકથાકારોની ઉત્તમ કૃતિઓનું વિસ્મરણ થયું છે એવું નથી. એમની ટકોરમાં વિશાળ ને વ્યાપક લોકજીવનના કથનવર્ણનમાં આલેખનમાં આપણે પૂરા સજ્જ ને પ્રવૃત્ત નથી એનો અસંતોષ છે. બાકી અપવાદો તો છે જ ને તે જ તો આશાનો સ્રોત છે. સર્વ સાહિત્યસ્વરૂપોમાં છેલ્લા દોઢ દાયકા દરમિયાન કેટલીક ઉત્તમ ને વિશિષ્ટ કૃતિઓ રચાઈ છે ને એમનો યોગ્ય સ્વીકાર-સમાદર પણ થયો છે. છતાં એકંદરે અવનવા પ્રયોગો માટેનો આપણો ઉત્સાહ ને આપણી સાહસવૃત્તિ કંઈક અંશે મંદ પડેલ છે એવી લાગણી રહે છે. દૈનિકોમાં ને બીજે નિબંધ-પ્રકારની રચનાઓ વિપુલ પ્રમાણમાં દેખાવા લાગી છે. અનેક વિષય ઉપર ઘણુંખરું સરેરાશ વાચકને લક્ષમાં રાખીને લખાતાં આવાં લખાણોમાં મૌલિક વિચાર-ચિંતન જેવું ઓછું હોય છે ને ઉછીના કે વ્યક્ત થઈ ચૂકેલા વિચારોને શણગારીને મૂકવાનું વલણ વધારે જોવા મળે છે. ક્યાંક અનુભવ મૌલિક, નવો હોય ત્યાં પણ તેને કેન્દ્રમાં રાખીને તેને ખીલવે, ઉઘાડી આવે એવી ભાષાશૈલીને બદલે તેને ઢાંકી દે, તેને સ્થાને કેન્દ્રમાં બેસી જાય એવી કવેતાઈ શૈલીથી નિબંધકારે ચેતવા જેવું છે. સામયિકો-પત્રો દ્વારા આપણને કેટલાંક સરસ પ્રવાસવર્ણનો મળ્યાં છે એ સુખદ બીનાની નોંધ પણ અહીં લેવી ઘટે. સમાજ, રાજ, અર્થકારણ આદિ ક્ષેત્રે પ્રવર્તતાં કેટલાંક પરિબળો ને પ્રવૃત્તિઓના પડઘા સાહિત્યમાં ન પડે તો જ નવાઈ. છેક પ્રાચીન કાળથી એમ થતું આવ્યું છે. નર્મદ-દલપતના જમાનામાં સુધારાનું આંદોલન પ્રગટ્યું ને સાહિત્યે એની રીતે ને તાકાત પ્રમાણે એને પોતાનામાં સમાવ્યું. આ સદીના ચોથા દાયકાના મધ્યમાં પ્રગતિશીલ સાહિત્યનું એક જાગતિક આંદોલન જાગ્યું ને ગુજરાતી સાહિત્યે પણ એનો કંપ અનુભવ્યો. સંઘો સ્થપાયા ને સંસ્થાઓ ચાલી, પ્રગતિશીલ સાહિત્યના સિદ્ધાન્તો ઘડાયા ને આચારસંહિતા રચાઈ. પછી આપણા કેટલાક શાણા ને દૃષ્ટિવંત સાહિત્યકારોને સૂઝ્યું કે સર્વ સાહિત્ય એના કલાગુણે કરીને પ્રગતિશીલ જ છે. એ આપણા અંતરતમને સ્પર્શે છે, સંસ્કારે છે ને અભીષ્ટને અભિમુખ કરી ઉન્નત ગતિમાં પ્રેરે છે. આવા પ્રગટ મંતવ્યના પ્રભાવે એ આંદોલન આંદોલન તરીકે મોળું પડ્યું, પણ સાહિત્યમાં દલિત, પીડિત, શોષિત ને તિરસ્કૃત વર્ગ પ્રતિ પક્ષપાત દાખવવાનું વલણ દૃઢ તો કરતું ગયું. આજે ‘દલિત સાહિત્ય’ નામથી ઓળખાતું આંદોલન ઉત્તરોત્તર બળ ને વેગ ધારણ કરતું જણાય છે; ભદ્ર, ઉજળિયાત સાહિત્ય વિરુદ્ધ દલિત સાહિત્ય એવો એક ભાવ ઊભો થયો છે. કેટલાક દલિત સાહિત્ય તરીકે ઓળખાતા સાહિત્યને ઉદાર સમભાવપૂર્વક તો કેટલાક સસંકોચ સ્વીકારતા ને આવકારતા થયા છે. આવા મુદ્દામાં સમાધાનનું વલણ રાખવામાં આવે તો સારું જ છે, પણ તટસ્થભાવે એ મુદ્દાની સમીક્ષા તો થવી જોઈએ. એ વગર એના તરફનું આપણું વલણ સ્પષ્ટ ન થાય. સાહિત્યનું ઉપાદાન ભાષા હોવાથી ને ભાષા જનસાધારણના સામાન્ય વ્યવહારનું પણ માધ્યમ હોવાથી, સાહિત્ય પાસે સમાજ બીજી કલાઓ કરતાં વધારે અપેક્ષા રાખે એ સમજાય એવું છે. નૃત્ય, શિલ્પ, સંગીત જેવી કલાઓ પાસે કોઈ સુધારાને, પ્રગતિશીલતાને, દલિતને સહાયભૂત થવાની અપેક્ષા રાખતું નથી. સમાજ ઉપર સાહિત્ય જેટલો એ કલાઓનો વ્યાપક પ્રભાવ નથી, એટલે સમાજ એને પોતાનાં ભૌતિક પ્રયોજનો સિદ્ધ કરવાના હથિયાર તરીકે ભાગ્યે જ વાપરવા ઇચ્છે. સાહિત્યનું એવું નથી. સાહિત્ય તો પ્રચાર ને હથિયાર તરીકે ઓળખાવાઈ ચૂક્યું છે ને એનો એવો ઉપયોગ પણ થયો છે. એ રીતે જોઈએ તો દલિત સાહિત્ય હોય, ને એના ઉદ્દેશોનો, કાર્યક્રમનો ઢંઢેરો પણ હોય; પણ સાહિત્યશાસ્ત્ર જે બેએક હજાર વર્ષથી રચાતું, વિચારાતું, સુધારાતું ને સ્વીકારાતું આવ્યું છે તેને એકદમ રદબાતલ તો ન જ કરી શકાય; એનાં હેતુ, પ્રયોજન, વ્યાખ્યા વગેરેને રાતોરાત બદલી ન શકાય; આપણી પ્રવૃત્તિની સગવડ પ્રમાણે મનસ્વી રીતે એનું અર્થઘટન ન થાય. પ્લેટો ને એરિસ્ટોટલ, ભરત, કુન્તક ને આનંદવર્ધનને રાતોરાત જુઠ્ઠા તો ન ઠેરવી શકાય. કલાનો ભલે કોઈ લૌકિક પ્રયોજન સિદ્ધ કરવા માટે ઉપયોગ થાય; પણ તે તેની આણમાં રહીને જ થાય; એની શરતે જ થાય; અન્યથા પ્રયોજનસિદ્ધિને જ હાણ થાય. પૂર્વે જ્યારે સમાજવાદ, સામ્યવાદ, દલિત-પતિત પ્રત્યેના પક્ષપાતથી પ્રેરાઈને સામાજિક-આર્થિક ક્ષેત્રે પ્રવર્તતાં અસમાનતા ને અન્યાય વિશે કાવ્યો લખાતાં હતાં, ત્યારે પ્રો. ઠાકોરે તેને વિશે કહેલું તે યાદ કરવા જેવું છે. એમણે કહ્યું : “દલીલ ખાતર ઉમેરિયે કે, કેવળ લખાણ, સાહિત્ય, કાવ્ય, સંગીત, કલાની દૃષ્ટિએ એમાં ગુણો ઊંચા ને વિરલ હોય, તથાપિ એને હું શું કરું? દ્વેષોત્થ, દ્વેષ નીગળતાં, દ્વેષ ફેલાવવાની ઉમેદવાળાં સાહિત્યકલાસર્જનોથી કઈ રીતે રીઝવું?…. મજૂરજીવન અને મજૂરી વિશે તમે અમને દ્વેષરહિત, પ્રેમોલ્લસિત કૃતિઓ સર્જી આપો, બેશક તેમને અમે સમુત્ક્રાન્તિપોષક ગણીશું ને વધાવી લઈશું.” (નવીન કવિતા વિશે વ્યાખ્યાનો – પૃ. ૫૩-૫૬) પ્રો. ઠાકોરનાં આ વિધાનોની મૂળ ભાવનાને સ્વીકારીને ઉમેરું કે કલાનાં જે માન્ય ધોરણો છે, એની જે વ્યાખ્યા, ઉદ્દેશ, ધ્યેય છે તેને પૂરી વફાદારીથી અનુસરીને જ કલાકૃતિ રચાય. અહીં ભારપૂર્વક કહીએ કે દલિત સાહિત્ય તરીકે ઓળખાતું સાહિત્ય કલા ને રસકીય તત્ત્વમાં સમૃદ્ધ હોય છે ત્યારે અન્ય સાહિત્ય જેવું જ આસ્વાદ્ય ને પ્રભાવક હોય છે. એમાં આપણને કાવ્ય, વાર્તા, નવલકથાની કેટલીક ઉત્તમ કૃતિઓ સાંપડી છે ને સાહિત્યમાં એમને મોખરાનું સ્થાન મળ્યું છે. આવી સાહિત્ય-પ્રવૃત્તિ સમાજ સ્વાસ્થ્ય માટે પણ અમુક અંશે આવશ્યક ગણાય. એથી સમાજના એક વર્ગમાં જીવન અને સાહિત્ય પરત્વે જાગૃતિ આવે છે. આજે આપણે જોઈએ છીએ કે દલિત સાહિત્યના આંદોલનના પ્રભાવે આપણી સામાજિક ચેતના પણ સામાજિક – રાજકીય – ધાર્મિક વ્યવસ્થા પરત્વે સભાન ને સચિંત બની છે, આમ, જીવનવ્યવસ્થામાં સુધાર લાવવા માટેની ઉપકારક પ્રવૃત્તિ તરીકે દલિત સાહિત્યના આંદોલનને આવકારીએ જરૂર, પણ કલા પાસે જો સુધારાનું કામ લેવું હોય તો તે એની શરતે ને એની આણમાં રહીને જ લઈ શકાય. આત્મદયા, રોષ, દ્વેષ, કલાકૃતિમાં ભલે વ્યક્ત થાય (જીવનમાં થાય તો કલામાં કેમ ના થાય?), પણ એવા ભાવો કૃતિમાં રસ રૂપે પ્રતીત થવા જોઈએ. એમ થાય તો જ ભાવકના સંસ્કારકોશમાં તે સ્થાયી થાય, વિકસે, વિસ્તરે ને ક્યારેક સક્રિય પણ થાય. દલિત સાહિત્યને આ મંતવ્યના પ્રકાશમાં જોવું જોઈએ ને તેને વિશે અભિપ્રાય બાંધવો જોઈએ. સાહિત્યની વિભાવનાઓ સ્પષ્ટ થાય, સ્વચ્છ થાય એ જરૂરી છે, બલ્કે અનિવાર્ય છે. એ માટે વાદવિવાદ થાય એય ઇષ્ટ છે; પણ વાદે વાદે તત્ત્વબોધ થાય જ એવું ન કહી શકાય. કેટલાક વાદવિવાદ સ્પષ્ટને અસ્પષ્ટ, સરલને ક્લિષ્ટ પણ કરે. અર્વાચીન સાહિત્યના આરંભથી આપણી વિવેચના ભારતીય અને પાશ્ચાત્ય વિવેચનનાં મિશ્ર ધોરણોનો સર્જનના મૂલ્યાંકનમાં વિનિયોગ કરતી રહી છે. આમાં ક્યારેક ભારતીય તો ક્યારેક પાશ્ચાત્ય વિવેચનના ભણી આપણો ઝોક રહ્યો છે; મૂલ્યાંકનનું ત્રાજવું આ બાજુ કે ઓ બાજુ નમતું રહ્યું છે ને સમતોલન ક્યાંક જોખમાયું પણ છે… સાહિત્યમાં અર્થનો મહિમા થાય તો પછી વળી શબ્દનો થાય; વિષયવસ્તુનો થાય તો સામે આકૃતિનો થાય; નર્યા વાસ્તવનિરૂપણનો થાય તો પછી આંતરસૃષ્ટિના આલેખનનો થાય. વિવેચનમાં સામસામે વિરોધમાં મુકાતી આ વિચારણાઓની કસોટી આખરે તો કલાકૃતિનાં પરીક્ષણ-મૂલ્યાંકનમાં થાય છે, ને કલાકૃતિમાં તો આમાંનું કશું એટલું કે આત્યંતિક રીતે આવતું નથી. શબ્દ અને અર્થ, વસ્તુ અને આકૃતિ, બાહ્ય, વાસ્તવ ને આંતરમનનાં સંચલનો, બધું એકસાથે ને એકબીજામાં ગળી-ઓગળીને આવે છે. કોઈ એકનો પક્ષ લઈને વિવાદે ચઢીએ ત્યારે ઘણાં આત્યંતિક અર્ધસત્યોની જિકર થાય ને સર્જનમાં જે સાથે છે તેમને સામસામાં મુકાય, ક્યારેક આપણી પાસે વિવેચનને ચકાસવા માટે યોગ્ય એવી કલાકૃતિ જ ન હોય ત્યારે વાદવિવાદ નિરાધારતામાં ચાલે; પરિણામે, ‘હા’ ને ‘ના’ને આડવેર, જેવો ઘાટ થાય. આપણી ભારતીય સાહિત્યમીમાંસા દોઢેક હજાર વરસ સુધી સતત ચાલી ને તત્ત્વવિચારમાં એણે કેટલાંક ઊંચાં શિખરો સર કર્યાં; પણ પછી એનું સાતત્ય તૂટ્યું, જ્યારે પશ્ચિમમાં સાહિત્યવિવેચના સતત ચાલતી રહી. આ બંને ધારાઓથી પરિચિત આપણો વિવેચક પશ્ચિમના વિવિધવિપુલ સર્જન ને જીવંત વિવેચનાના સંસર્ગમાં વધારે આવતો ગયો ને રહેતો હતો. વિવેચનને પાંગરવાની ભોંય સર્જન જ પૂરી પાડે છે એ સત્યને આપણે આ બંને વિવેચનધારાઓની ગતિવિધિથી જાણીએ છીએ. બીજી રીતે કહીએ તો વિવેચન સર્જનની પાછળ પાછળ એનાં પગલાં દબાવતું આવે ને એની ખૂબી-ખામીઓની ભાળ કાઢી ભાવકને ઓળખાવે, સ્વાતંત્ર્યોત્તર કાળમાં એક એવી પરિસ્થિતિ ઊભી થઈ, જેમાં પશ્ચિમમાં ત્યાંના પ્રચંડ સંક્ષોભને લીધે સર્જનનાં ને વિવેચનનાં વહેણો બદલાયાં. વાસ્તવિક જીવનમાં ને વૈચારિક જગતમાં જે પરિવર્તનો સર્જાયાં તેના પડઘા સાહિત્યમાં પડ્યા ને અવનવા સર્જનને પગલે અવનવી વિવેચનવિભાવનાઓ પ્રગટી. આ કાળની વિવેચનવિચારણા, કદાચ, બાહ્ય પરિસ્થિતિ ને વાતાવરણને કારણે, સર્વકાલીનતા કરતાં વધારે તત્કાલીનતા તરફ ને સમગ્રતા કરતાં વધારે આંશિકતા તરફ ઢળેલી રહી. જીવનવિચાર ને સાહિત્યવિચાર કંઈક અંશે અસ્થિર, ચંચલ રહ્યા. પરિણામે પરસ્પરવિરોધી વિચારણાઓ, વિભાવનાઓ, રીતિઓ એકસાથે પ્રવર્તવા લાગી. આપણો સાહિત્યકાર આ કાળના સર્જન-વિવેચનના સાહિત્યમાં ડોકિયું કરે છે ને ચંચળ પ્રવાહમાંથી જે હાથમાં આવે છે તે લઈ લાવે છે. આપણા સાહિત્ય-રસિકોને આમાંનું કેટલુંક અજાણ્યું ને અહીંના એને પરિચિત એ સાહિત્ય સાથે મેળ વગરનું લાગે છે. એક એવી લાગણી જન્મે છે કે સાંપ્રત વિવેચન આપણા સર્જનને લગતું નથી; આપણું સર્જન કદાચ સાંપ્રત વિવેચનને જોઈ જોઈને થાય છે. આમાં પૂરું સત્ય નહીં હોય, કહો કે નથી, પણ એવી લાગણીના મૂળમાં જે કારણ પડેલું છે તેની ભાળ તો કાઢવી જોઈએ. વિવેચનમાં પશ્ચિમનાં અદ્યતન સિદ્ધાન્તો, વિભાવનાઓ, પદ્ધતિઓનો આપણો પરિચય, તે જે સર્જનને અનુલક્ષીને ઉદ્‌ભવેલ છે, તેના અપરિચયને કારણે ઉભડક લાગે છે. આપણું સર્જન એક માર્ગે ને વિવેચન બીજે માર્ગે ચાલતું હોય એવું જણાય છે. આવા વિવેચનના સમર્થનમાં આપણે પશ્ચિમની કૃતિઓના નમૂના જ રજૂ કરવા પડે ને એમને વિશે જ વાત કરવી પડે, એટલે પણ ઘણાને વિવેચન આપણા સર્જનથી અળગું-વિખૂટું લાગે. આપણો વિવેચક-ભાવક શ્રેષ્ઠ – આપણા સામાન્ય ભાવકને પરાયો ને એની સાહિત્યરુચિનાં પોષણ-સંવર્ધન માટે નિરુપયોગી સમજાય. આપણા ભાવકનો રૂઢ ખ્યાલ કે કલાસર્જનમાં એક છેડે સર્જક ને બીજે છેડે ભાવક, વચ્ચે કૃતિ. પ્રત્યાયનની પ્રક્રિયાથી એ કૃતિ સર્જકથી ભાવક સુધી પહોંચે એ ભાવકમાં સર્જકની સંવેદના સંક્રાંત થાય. આવા ખ્યાલને નવું વિવેચન ભારેનો આઘાત આપનારું નીવડ્યું. સર્જક, ભાવક ને કૃતિમાં એણે કૃતિનો જ સ્વીકાર ને સમાદર કરવાનું વલણ દાખવ્યું. જાહેર કર્યું કે જે છે તે કૃતિ છે, સર્જક તો ગયો. The author is dead. વળી, ભાવકે ભાવકે કૃતિના જુદા જુદા પાઠ ને તેમનાં ગ્રહણ, એટલે સર્જક સાથે રૂઢ વિવેચનમાં જે પેલો એક ભાવક દેખાતો હતો તે પણ ન રહ્યો, હવે તો પાઠક, એટલે કે કૃતિના પાઠની પોતાની વાચનાનો સર્જક જ સર્વોપરી. આવી વિચારણાનું એક પરિણામ તે વિવેચનની સર્જન ઉપર સરસાઈ, – એટલે સુધી કે વિવેચન વિવેચ્ય કૃતિથી સ્વતંત્ર, અનન્યપરતંત્ર, એમ પણ કહેવાતું થયું. આ ને આવી આવી નવી નવી વિચારણાઓ થાય તે સાહિત્યપદાર્થની સમજણ માટે ઇષ્ટ જરૂર છે, પણ આપણો વિવેચક કંઈક ઉતાવળિયો ને એકમાર્ગી થયો લાગે છે. એની પાસે દોઢ-બે હજાર વર્ષનો પૂર્વ-પશ્ચિમનો વિવેચનવારસો છે. વારસાનો લાભ લઈને એ જો એક વ્યાપક ને સર્વાશ્લેષી ભૂમિકા તૈયાર કરી શકે તો આપણું વિવેચન સાહિત્યપદાર્થની સમજ ને આસ્વાદ માટે વધુ કામયાબ બની શકે. આપણો વિવેચક ક્યાંક ક્યાંક પૂર્વ-પશ્ચિમના વિવેચનવિચારમાં રહેલું સામ્ય તારવી આપે છે; તેમાં રહેલો વિશેષ સ્પષ્ટ કરી આપે છે ને સમન્વયની દૃષ્ટિ રાખીને આપણી કૃતિને વિવિધ વિવેચન-વિચારોથી તપાસે પણ છે, પણ આ અભિગમ ને આ પ્રવૃત્તિ બહુ વ્યાપક નથી, અલ્પ પ્રમાણમાં થાય છે; એ વધે એમ ઇચ્છીએ. એમ થાય તો સાંપ્રતમાં પ્રચલિત કેટલાક સાહિત્યવિચારોના એકાંગીપણાનું ને એમનો વિનિયોગ કરવામાં રહેલી અડચણોનું નિવારણ થાય. આ બધું છતાં એકંદરે સર્જન કરતાં વિવેચનના ક્ષેત્રે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સારું કામ થયું છે એવી છાપ ઊઠે છે. સર્જનમાં મંડળી મળવાથી ભાગ્યે જ કંઈ લાભ થતો હશે, જ્યારે વિવેચન-સંશોધનમાં તો વિદ્વાનો ને નિષ્ણાતો મંડળી રચીને ઘણું મૂલ્યવાન કાર્ય કરી શકે. આપણી સાહિત્ય-સંશોધનની સંસ્થાઓએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી અપ્રાપ્ય કે દુષ્પ્રાપ્ય સાહિત્યસામગ્રી સંપડાવી છે. સાહિત્યકોશ, સાહિત્યસંજ્ઞાઓનો કોશ, જ્ઞાનકોશ આદિનું કાર્ય ઓછીવત્તી ગતિએ ચાલી રહ્યું છે. પ્રાચીન સાહિત્યનું નવેસર સંશોધન-સંપાદન થાય છે ને લોકકલા, લોકસાહિત્ય જેવા વિષયમાં યુનિવર્સિટીઓ, અકાદમી ને અન્ય સંસ્થાઓ દ્વારા વિવરણ-વિવેચનના ગ્રંથો તૈયાર થઈ રહ્યા છે; જોકે પ્રગટ થતા સાહિત્યનું વિવેચન ઓછું થાય છે; થાય છે તો સમયસર થતું નથી, ઉતાવળે ને ઉભડક થાય છે, એવી એવી ફરિયાદો તો રહે જ છે. આપણે ત્યાં સાહિત્યનાં સામયિકોની સંખ્યા ઘટતી જાય છે ને તેમાંય સમીક્ષાની પ્રવૃત્તિ ઓછી થાય છે. ક્યાંક ક્યાંક તો સામયિકો સ્વીકાર-નોંધમાં સેંકડો પુસ્તકોની યાદી આપીને કૃતકૃત્ય થાય છે. કેટલાંક અખબારો સાહિત્યસમીક્ષાનો નિયમિત વિભાગ ચલાવે છે, પણ તેય પ્રગટ થતાં પુસ્તકોને પહોંચી વળતાં નથી. વળી આવાં અવલોકનો, તેમની કેટલીક મર્યાદાઓને કારણે શ્રદ્ધેયતામાં પણ ઊણાં ઊતરે છે. પુસ્તકો વિશે જુદે જુદે સ્થળે જે અભિપ્રાયો પ્રગટ થાય છે તે વાચકની સૂઝસમજમાં વધારો કરવાને બદલે તેની મૂંઝવણમાં વધારો કરનારા પણ ક્યારેક બનતા હોય છે. સાહિત્યકૃતિઓની તત્કાલ વિવેચના થાય, મૂલ્યાંકન થાય, એમનાં ગુણોની ને કમીઓની વાચકને વેળાસર જાણ થાય એવી કોઈ નિયમિત ને વિશ્વાસ પ્રેરે એવી વ્યવસ્થા હોવી ઘટે. ‘તટસ્થતા’, ‘નિષ્પક્ષતા’ જેવા મોટા આદર્શવાચક શબ્દો ન વાપરીએ, ‘મૈત્રીવિવેચન’, ‘ભાટાઈ’ જેવાં નિંદાત્મક વચનો ન પ્રયોજીએ ને કહીએ કે સમાલોચક કૃતિના ગુણદોષનું પૂરા વિવેકથી વિવરણ કરે, નિખાલસતાથી ગુણદોષ અનુસાર એને પુરસ્કૃત કે તિરસ્કૃત કરે. વિવેક જ જેની પ્રવૃત્તિનો પાયો તે વિવેચક કોદાળીને કોદાળી નહીં કહે તો બીજું કોણ કહેશે? [૨] એક કાળે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યસંસ્થાઓ સાહિત્યેતર કલાક્ષેત્રોના વિકાસ માટે પણ ચિંતા કરતી, પ્રવૃત્તિ કરતી ને તેમની સિદ્ધિઓને પુરસ્કૃત કરતી. આજે હવે ચિત્ર, સંગીત, નૃત્ય આદિ કલાઓની નોખી સંસ્થાઓ છે ને એમણે એમના વિકાસ-વિસ્તારની જવાબદારી ઉપાડી લીધી છે. સાહિત્યસંસ્થાનું કાર્યક્ષેત્ર આમ એક બાજુ સંકોચાયું છે તો બીજી બાજુ એને માટે સાહિત્યમાં વધુ સઘનતાથી ને એકાગ્રતાથી કાર્ય કરવાની શક્યતાઓ વધી છે. સાહિત્ય જેમ વિપુલતામાં ને વિવિધતામાં ગતિ કરે છે તેમ તેમ તેના પ્રશ્નો ને પ્રશ્નોની જટિલતા, સંકુલતા પણ વધતાં જાય છે. ગુજરાતી ભાષાસાહિત્યના અનેક પ્રશ્નો છે; એમાંના કેટલાક તો ઠીક ઠીક પુરાણા છે ને અવારનવાર વિચારણા માટે આવીને પાછા વિસારે પડી જાય છે. સર્જન-વિવેચનના કે ભાષાના કેટલાક તાત્ત્વિક પ્રશ્નોના નિરાકરણ અંગે પરિષદ એક સંસ્થા તરીકે કદાચ ઝાઝું ન કરી શકે એ સમજાય એવું છે, પણ વ્યવહારના સ્તરે રોજ રોજ વધતા ને ઉકેલ માગતા પ્રશ્નોનું નિરાકરણ તો એણે શોધવું ઘટે. આવા કેટલાક પ્રશ્નો અહીં આપ સૌના ધ્યાન પર લાવવાનું ઠીક સમજુ છું. ગુજરાતી સાહિત્ય પરિષદે તેના બંધારણમાં ભાષા-સાહિત્યના વિકાસનો, ઉત્કર્ષનો ઉદ્દેશ રાખ્યો છે ને બંધારણની જોગવાઈ અનુસાર તે કામ પણ કરતી રહી છે. પરિષદે કરવાનાં કામોમાં પ્રધાન-ગૌણનો વિવેક હોય, પ્રાથમિકતાનો ખ્યાલ હોય એ સારું છે, પણ નર્મદના શબ્દોમાં કહીએ તો ‘કેટલાંક કામો વિષે ઢીલ નવ ચાલે’, તેમ એમને કોરે પણ ન મુકાય. મને યાદ છે ત્યાં સુધી ગુજરાતમાં છેલ્લાં પચાસેક વર્ષથી ગુજરાતી લિપિ, શબ્દોની જોડણી ને વર્ણવ્યવસ્થા અંગે વિચારણા ચાલે છે. છેક આ સદીના ચોથા દાયકામાં ‘પ્રસ્થાન’ સામયિકમાં મેં કાકાસાહેબ ને કિશોરલાલની લિપિવિચારણાના લેખો ને એમણે નક્કી કરેલી સૂચિત લિપિમાં અન્ય વિષય ઉપર એમણે લખેલા લેખો પણ વાંચેલા. મહેન્દ્રભાઈ મેઘાણીએ લિપિ ને જોડણીમાં કેટલાક સુધારા સૂચવ્યા ને આજે પણ એ અનુસાર લખી રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના શબ્દકોશમાં જોડણીના નિયમો આગ્રહપૂર્વક છપાયા ને હવે પછી સાર્થ જોડણીકોશમાં છે તેથી જુદી જોડણી કરવાનો કોઈને અધિકાર નથી એવું આદેશાત્મક લખાણ પણ મુકાયું છે. છેક હમણાં પણ કેટલાક વિદ્વાનોએ જોડણી અંગે રજૂઆત કર્યાનું જાણમાં છે. સાહિત્ય પરિષદ આ પ્રશ્નો અંગે વિચારણા કરી એનો ઉકેલ લાવે એવું ઇચ્છીએ. ગુજરાતી ભાષાની અનેક બોલીઓ છે ને ગુજરાતમાં સમાવિષ્ટ એવા કચ્છમાં કચ્છી બોલી છે. આ બોલીઓમાં એક કાળે આપણે જેને લોકસાહિત્ય નામથી ઓળખીએ છીએ તે રચાતું ને મોટે ભાગે કંઠોપકંઠ પ્રસરતું ને પછીની પેઢીઓને પ્રાપ્ય બનતું. હવે આપણે જેને શિષ્ટ સાહિત્ય કહીએ છીએ, સાહિત્યની મુખ્ય ધારા ગણીએ છીએ તેમાં પણ બોલીઓનો પ્રયોગ સારા પ્રમાણમાં થવા લાગ્યો છે. આપણાં વાર્તા, નવલકથા, નાટક, કવિતામાં બોલીપ્રયોગ ઉત્તરોત્તર વ્યાપક બનતો જાય છે. આની પાછળ સ્વબોલી વિશેની મમતા ખરી ને એ પણ ખરું કે હવે લેખકો અનેક પ્રાદેશિક બોલીઓ બોલતા વર્ગમાંથી વધુ ને વધુ આવી રહ્યા છે. આમ, લોકસાહિત્ય ને શિષ્ટસાહિત્ય વચ્ચેનો ભાષાભેદ ઉત્તરોત્તર ઓછો થતો જતો જણાય છે ત્યારે બોલીઓમાં રચાયેલા સાહિત્યને શિષ્ટ સાહિત્યના મુખ્ય પ્રવાહમાં સમન્વિત કરી લેવું જોઈએ. છેલ્લા એક શતકમાં કચ્છમાં સાહિત્યસર્જનના ક્ષેત્રે જે કામ થયું છે તે તથા સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં રચાયેલું વિપુલ ને સત્ત્વશીલ સંતસાહિત્ય સાહિત્યના મુખ્ય પ્રવાહમાં ભેળવી લેવાય તો ઉભય સાહિત્યની સમૃદ્ધિ વધે. લોકજીવન અને સર્જક ઉન્મેષને લક્ષમાં લઈએ તો તત્ત્વતઃ સઘળું સાહિત્ય લોકસાહિત્ય છે. લોકોએ – ભલે સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ક્ષેત્રે જુદા જુદા સ્તરે રહેલા લોકોએ – રચેલું સાહિત્ય છે; એ સૌનો સમાવેશ, સમન્વય ને સામુદાયિક સ્વરૂપ જ મુખ્ય પ્રવાહ ગણાય. ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષાને શિક્ષણનું માધ્યમ તો કરી પણ એથી ગુજરાતીનો ખાસ કશો વિકાસ કે ઉત્કર્ષ થયો હોય એવું દેખાતું નથી. ગુજરાતી સાથે બીજી ભાષાઓનું શિક્ષણ પણ આપણે ત્યાં નબળું પડતું જાય છે એવો પણ એક અભિપ્રાય છે. સંસ્કૃતનો અભ્યાસ તો હવે ગઈ કાલની વાત બનતી જાય છે ને અંગ્રેજીનું શિક્ષણ પણ કથળ્યું છે. પરિણામે, માધ્યમ તરીકે સ્વીકારાયેલી ગુજરાતી અપેક્ષા પ્રમાણે કાર્યક્ષમ બની શકી નથી. સંસ્કૃત સારું ન આવડે, અંગ્રેજી સારું ન ભણાવાય તોપણ ગુજરાતી સારું હોય એમ માનવું એ એક ભ્રમ છે. મૂળ વગર તે શાખા શાની? માધ્યમના પ્રશ્ને એક બીજી સમસ્યા પણ ઊભી કરી છે. આનો ઉલ્લેખ અગાઉ પરિષદના સૂરત અધિવેશનમાં પ્રમુખ શ્રી યશવંતભાઈ શુક્લે પણ એમના વ્યાખ્યાનમાં કર્યો છે. આપણી અનેક શિક્ષણસંસ્થાઓ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવા લાગી છે ને ધનિક વર્ગ તેમજ પોતાને ભદ્ર વર્ગના ગણાતા સૌ એમનાં બાળકોને એવી સંસ્થાઓ દ્વારા કેળવણી આપવામાં ગૌરવ ને મોભો સમજે છે. આવા વલણ માટે જ્ઞાનપ્રાપ્તિ કરતાં સાંપ્રત સમાજમાં આર્થિક ક્ષેત્રે વધેલી મહત્ત્વાકાંક્ષાઓ કદાચ વધારે જવાબદાર હશે. આનું પરિણામ એ આવ્યું છે કે ગુજરાતમાં જ ગુજરાતી ભાષા-સાહિત્યથી અજાણ એવો એક વર્ગ ઊભો થતો જાય છે. પરરાજ્યમાં ને પરદેશમાં વસતા ગુજરાતીઓની ભાષા-સંસ્કારની વળી જુદી સમસ્યાઓ છે. પરદેશમાં મોટા, અન્ય ભાષાભાષી પ્રજાસમૂહ વચ્ચે રહેવાનું હોવાથી તેની સાથે ભળવાના પ્રયત્નમાં આપણાં ભાષા-સાહિત્ય વિસારે પડતાં જાય છે તો અહીં ઘરઆંગણે નાનકડા પણ વગદાર એવા વર્ગમાં ભળવા માટે આપણે આપણા ભાષાસાહિત્યથી વિમુખ થતા જઈએ છીએ. ગુજરાતી ભાષાસાહિત્યના અધ્યયન અંગે પ્રવર્તતી પરિસ્થિતિના સંદર્ભમાં એક અનુભવવાત કરું. આજથી પચાસેક વર્ષ પહેલાં ગુજરાતની કૉલેજોમાં (ને મુંબઈ-પૂનામાં પણ) ગુજરાતીના ને ગુજરાતી મુખ્યના અભ્યાસવર્ગોમાં અનેક પારસી-મુસલમાન-વોરા વિદ્યાર્થીઓ ભણતા, એટલું જ નહીં, ગુજરાતી ભાષામાં તેઓ કવિતા, વાર્તા, વિવેચન, લખતા, પત્ર-પત્રિકાઓ પ્રગટ કરતા ને જાહેર સભાઓમાં ગુજરાતીમાં સરસ પ્રવચનો કરતા. એ સૌને ગુજરાતી ભાષા પોતાની ભાષા લાગતી. આજે એ સ્થિતિ રહી નથી. રોજિંદા જીવનમાં કદાચ બોલવામાં તેઓ ગુજરાતીનો ઉપયોગ કરતા હશે, પણ સાહિત્ય પૂરતી તો એમણે ગુજરાતી છોડી જ દીધી લાગે છે. હવે પછી આપણા ભાષા-સાહિત્યમાં કોઈ મલબારી કે ખબરદાર, સંજાણા, તારાપોરવાળા કે હાજી મહમ્મદ થાય એવી કલ્પના કરી શકાતી નથી. આવી પરિસ્થિતિ માટે શિક્ષણ ને સાહિત્યના ક્ષેત્રની બહારનાં કારણો પણ હશે; છતાં આવું કેમ બન્યું, તે વિચારવું જોઈએ ને એ સૌને પુનઃ ગુજરાતીને અભિમુખ કરવાના ઉપાય શોધવા જોઈએ. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એવી ભાવનાને વાસ્તવમાં બદલવા માટે પરિષદ શું કરી શકે તે પણ વિચારીએ. પરિષદના બંધારણમાં તેની સ્થાપનાના હેતુઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે ને તેમને પાર પાડવા માટેની કેટલીક પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ થયો છે. આવી એક પ્રવૃત્તિ તે ગ્રંથપ્રકાશનની છે. સાહિત્ય પરિષદ આજે અનેકવિધ પ્રકાશનો કરે છે ને છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રકાશનપ્રવૃત્તિમાં સારો એવો વેગ આવ્યો છે. સરકાર, ધનિક વર્ગ ને સાહિત્યપ્રિય વર્ગની આર્થિક અને અન્ય સહાય વડે આ કાર્ય થાય છે. પરિષદ પ્રકાશનો કરે તે ઇષ્ટ ને આવકાર્ય છે. આપણે જોઈએ છીએ કે આ ક્ષેત્રમાં અનેક સંસ્થાઓ પ્રવૃત્ત છે. એમાં ધંધાદારી પ્રકાશકો તો છે જ, પણ તે ઉપરાંત રાજ્યની ને કેન્દ્રની સાહિત્ય અકાદમી, યુનિવર્સિટીઓ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ઉચ્ચ વિદ્યા-સંશોધનની સંસ્થાઓ પણ છે. આ સંજોગોમાં પરિષદે પુસ્તક-પ્રકાશનનું કાર્ય કરવું હોય તો તે અંગે કોઈ ચોક્કસ નીતિ નક્કી કરવી પડશે. સામાન્ય રીતે ધંધાદારી સંસ્થાઓ જેમાં લાભ હોય એવાં પ્રકાશનો હાથ ધરે એ સમજાય એવું છે. લેખકોને ચૂકવવાના પુરસ્કારમાં બને એટલી કરકસર કરીને ઉત્તરોત્તર મોંઘા થતા કાગળ પર કવિતા, વાર્તા, નાટક, નવલકથા ને ક્વચિત્ વિવેચન પણ તેઓ પ્રગટ કરે છે. એ સિવાયની જે સંસ્થાઓ ગણાવી તે ઉચ્ચ વિદ્યાનાં પુસ્તકો પ્રગટ કરે છે. આ સંજોગોમાં પરિષદે પોતાની પ્રકાશન-પ્રવૃત્તિ કેમ ગોઠવવી તેનો વિચાર કરવો જોઈએ. સામાન્ય રીતે આર્થિક જવાબદારી કે અન્ય કારણોને લીધે અન્ય સંસ્થાઓ પ્રગટ કરવા તૈયાર ન હોય એવું સાહિત્ય પ્રગટ કરવાનું પરિષદ માથે લે તો મોટી સેવા થાય. આપણાં પ્રકાશનો સામાન્ય રીતે દાતાઓએ આપેલા દાનની શરતો પ્રમાણે કરવાનાં હોય છે એ સાચું, પણ એવી શરતોમાં ઘટતા ફેરફાર કરાવીને પણ આપણે વિરલ સાહિત્ય-સામગ્રીનું પ્રકાશન કરાવી શકીએ. અલબત્ત, આ પ્રવૃત્તિ ખોટમાં જ ચલાવવી જોઈએ એવું મારું સૂચન નથી. દેશમાં, ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં ખાનગી પ્રકાશકો સાથે સ્પર્ધામાં ઊભા રહેવાની ક્ષમતા સાથે પરિષદ જેવી સાહિત્યસંસ્થાઓ દરેક સ્વરૂપની ઉત્તમ કૃતિઓ પ્રગટ કરે છે. પરિષદ પાસે એનું સ્વતંત્ર વિશાળ ભવન છે અને આપ સૌ સર્જકો-સહૃદયોનો સાથ છે તો એક અગ્રણી પ્રકાશનસંસ્થા તરીકે એ કેમ વિકસી ન શકે? ગુજરાતમાં અને ગુજરાત બહાર આજે નાનીમોટી અનેક સંસ્થાઓ સાહિત્યપ્રવૃત્તિ કરી રહી છે. આ પ્રવૃત્તિઓ સ્થાનિક સાહિત્યરસિકો ને રસિક ધનિકોના સાથસહકારથી ચાલે છે. એમાંની કેટલીક આર્થિક રીતે સધ્ધર હશે તો કેટલીક જેમતેમ નભાવતી હશે. એમની પ્રવૃત્તિઓ મોટે ભાગે તો સ્થાનિક કક્ષાએ જ ચાલતી હોય છે. કેટલીક સંસ્થાઓ એમના સ્થાનથી દૂર વસતા સાહિત્યકારોનો લાભ લેવા ઇચ્છતી હોય તોપણ આર્થિક સગવડના અભાવે તેમ કરી શકતી નથી. પરિષદે કેટલીક સંસ્થાઓને માન્યતા આપી છે ને પરિષદનાં અધિકારમંડળોમાં એમના સભ્યોને સ્થાન પણ આપ્યું છે. આ પ્રવૃત્તિ વિસ્તારવા જેવી છે. પરિષદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા અન્ય સૌ નાનીમોટી સાહિત્યસંસ્થાઓને તેમની પ્રવૃત્તિમાં મદદ કરી શકે તો સંસ્થાઓનું કાર્ય રૂડી રીતે ચાલે. આને માટે સંસ્થાઓ પરિષદ સાથે કોઈ પ્રકારના શિથિલ સમવાય જેવા માળખાથી જોડાય એવી વ્યવસ્થા વિચારી શકાય. આમ થાય તો સર્વ સંસ્થાઓ પરિષદની અંગભૂત સંસ્થાઓ બની રહે ને સમાન કક્ષાએ એકબીજીની સાથે સંયોજન સાધી શકે. પરિષદના સ્થાપનાકાળે ને પછી ઘણા સમય સુધી આજે આપણે જેને સમૂહ-માધ્યમો તરીકે ઓળખીએ છીએ તેમાંનાં ઘણાં અસ્તિત્વમાં નહોતાં. સાહિત્યના પ્રચારપ્રસારનું કાર્ય મોટે ભાગે પુસ્તકપ્રકાશન ને પત્ર-પત્રિકાઓ દ્વારા થતું. આજે વર્તમાનપત્રો ને સામયિકો ઉપરાંત રેડિયો, ટેલિવિઝન, કૅસેટ જેવાં જ્ઞાનવિતરણનાં દૃશ્ય-શ્રાવ્ય સાધનો સુલભ થયાં છે ત્યારે એમના ઉપયોગનો પણ વિચાર થવો જોઈએ. કાવ્ય, વિવેચન, વ્યાખ્યાન, વાર્તાલાપ આદિનો પ્રસાર આવાં માધ્યમો દ્વારા થઈ શકે. કેટલાંક ગુજરાતી વર્તમાનપત્રો ભાષા-સાહિત્યની ચર્ચા-સમીક્ષા માટે જગા ફાળવે છે ને આપણા વિદ્વાનો એનો ઉપયોગ પણ કરે છે, પણ જે યુગમાં ગતિ એક મૂલ્ય સમજાયું છે તેમાં જિજ્ઞાસુ તરત ને હાથવગું હોય તેવું સાધન પહેલું પસંદ કરે. આ સંજોગોમાં શુદ્ધ સાહિત્યની પત્રિકાઓ ને સામયિકો ઓછાં ચાલે એ સમજાય એવું છે. છાપામાં અઠવાડિયે એક વાર ને કૅસેટમાં જોઈએ ત્યારે મળતું હોય તે માટે જિજ્ઞાસુ મહિના, બે મહિના કે ત્રણ મહિના સુધી શા માટે વાટ જુએ? એટલે સાહિત્યિક સામયિકો ચાલતાં નથી, બંધ કરવાં પડે એવી ફરિયાદ કરીએ ત્યારે આજની પરિસ્થિતિને, પરિવર્તનને ધ્યાનમાં રાખીએ. વિવિધ વિષયમાં લોકોના રસને પોષતાં સામયિકો આજે પણ સારી રીતે ચાલે છે; ભૂતકાળમાં ‘પ્રસ્થાન’ જેવું પ્રતિષ્ઠિત સામયિક સાહિત્ય ઉપરાંત સમાજ, રાજકારણ, અર્થકારણ, માનસશાસ્ત્ર એમ વિવિધ વિષયના લેખો પ્રગટ કરતું હતું એ યાદ રાખીએ. પરિષદ આપણાં વર્તમાનપત્રો-સામયિકોમાં પ્રગટ થતા સાહિત્યમાંથી પસંદ કરીને ઉત્તમ સાહિત્યસામગ્રીના સંચય તૈયાર કરાવી શકે ને એમ ઝડપથી વીસરાઈ જતાં મહત્ત્વનાં લખાણોને સાચવી શકે. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોના ઉપયોગનો એણે આરંભ તો કર્યો જ છે; એ દિશામાં એ વધારે પ્રવૃત્ત થાય તો એની કાર્યક્ષમતા ને સિદ્ધિ વધે. શિક્ષણનો પ્રદેશ સરકારને હસ્તક ભલે હોય, ભાષા-સાહિત્યના શિક્ષણના પ્રશ્નોમાં પરિષદે પોતાનાં મંતવ્યો, અભિપ્રાય, સૂચનો રજૂ કરતાં રહેવું જોઈએ. ગુજરાતની એક સર્વોપરી સાહિત્યસંસ્થા તરીકે એ એની ફરજ ને અધિકાર પણ છે. સજ્જનો ને સન્નારીઓ, આપ સૌ પરિષદની પ્રવૃત્તિઓથી પરિચિત છો. પરિષદ સાહિત્ય ઉપરાંત ઉચ્ચ શિક્ષણ-સંશોધનનું કાર્ય કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એણે સાહિત્યકોશ ને સાહિત્યસંજ્ઞાકોશની રચના જેવાં મોટાં ને મહત્ત્વનાં કામ ઉપાડ્યાં છે ને સારી રીતે પાર પાડ્યાં છે કે પાર પાડવામાં છે. પરિષદ નિત્ય જાગ્રત રહીને પરિસંવાદો, જ્ઞાનસત્રો, વ્યાખ્યાનો યોજતી રહીને દેશપરદેશના વિદ્વાનોના જ્ઞાનનો લાભ સંપડાવતી રહી છે. અલબત્ત, આ બધું કરવા માટે એને એનાં સાધનો ટાંચાં પડતાં હશે, આર્થિક મૂંઝવણ થતી હશે, પણ ગુજરાતની સાહિત્યરસિક પ્રજા એની આ પ્રતિષ્ઠિત દાયકાઓથી સાહિત્યની સેવા કરતી સંસ્થાને સદાય સહાય કરવા તત્પર રહેશે એવી આશા રાખું છું ને પરિષદને પોતાને આંગણે નિમંત્રી તેનું ભાવભર્યું આતિથ્ય કરવા માટે સ્વાગત સમિતિના પ્રમુખશ્રી સહિત સૌ હોદ્દેદારોનો, કાર્યકરોનો ને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું.