પરિષદ-પ્રમુખનાં ભાષણો/૩૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્’


છત્રીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્’

નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો જન્મ ૨૮મી સપ્ટેમ્બર ૧૯૨૦ના રોજ સાવલીમાં થયેલો. ૧૯૩૮માં ડભોઈની હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૪૨માં બી.એ. થયા અને ૧૯૪૫માં એમ.એ. થયા. વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે થોડો સમય કાર્ય કર્યું. થોડો સમય વડોદરાની નભોવાણીમાં નોકરી કરી. ૧૯૪૬માં નવસારીની કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા અને ’૫૭થી વલસાડની કૉલેજમાં અધ્યાપક અને એ જ કૉલેજમાંથી તેઓ આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા. કાવ્યલેખનના સંસ્કાર ઘરઆંગણેથી જ મળેલા. વિદ્યાર્થી-અવસ્થાથી જ સંસ્કૃત ભાષાસાહિત્યના દૃઢ સંસ્કાર પડેલા હતા. તેમના ઉપર ગાંધીભાવના અને ઠાકોરશાઈ શૈલીનો પ્રભાવ પડ્યો હતો. તેમનું પ્રથમ કાવ્ય ૧૯૩૯માં ‘કુમાર’માં પ્રગટ થયેલું. તેમની કવિતાનો મુખ્ય ધ્વનિ માણસની માણસ ઉપરની શ્રદ્ધા, માણસનો માણસ ઉપર પ્રેમ છે. તેમની કવિ તરીકે ઝંખના ઉત્તમ કાવ્યસર્જનને પામવાની છે. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાક્ષેત્રમાં ઉશનસ્‌નું સ્થાન પહેલી હરોળમાં આવે. ૧૯૫૫માં તેમનો કાવ્યસંગ્રહ ‘પ્રસૂન’ પ્રગટ થયો. ૧૯૫૬માં સંવાદકાવ્યોનો સંગ્રહ ‘નેપથ્યે’ પ્રગટ થયો. તેમાં ‘કવિતાના ત્રીજા સૂર’નાં દર્શન થાય છે. ત્યાર પછી ‘મનોમુદ્રા’ (૧૯૬૪), ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪), ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૮), ‘કિંકિણી’ (૧૯૭૧), ‘ભારતદર્શન’ (૧૯૭૪), ‘અશ્વત્થ’ (૧૯૭૫), ‘રૂપના લય’ (૧૯૭૬), ‘વ્યાકુળ વૈષ્ણવ’ (૧૯૭૭) વગેરે તેમના કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. ઉશનસ્‌ની કવિતામાં વતન તરફનો પ્રેમ અને માતાની મંગલ સ્મૃતિ આહ્‌લાદક નીવડી છે. તેમનાં બા-વિષયક કાવ્યો હૃદયસ્પર્શી નીવડ્યાં છે. કવિતામાં વિષયનું વૈપુલ્ય છે. પ્રકૃતિ, પ્રણય, ભક્તિ, રાષ્ટ્રપ્રેમ, સર્વોદય, નગરસંસ્કૃતિ, શિશુજીવન, કુટુંબજીવન અને પૌરાણિક પ્રસંગો તેમની કવિતાના વિષયો છે. સૉનેટ તેમનું પ્રિય કાવ્યસ્વરૂપ છે. ભાવને અનુરૂપ ભાષાની મથામણ તેમની કવિ તરીકેની ખોજનો મુખ્ય વિષય બનેલ છે. ઉશનસ્‌ની કવિતાનું પ્રધાન લક્ષણ કલ્પનાનો વૈભવ છે. મનોરમ પ્રકૃતિચિત્રો ઉશનસ્‌ની કવિતાનું સબળ અંગ છે. ઉશનસ્‌ની કવિતામાં અધ્યાત્મવિષયનાં કાવ્યો પણ છે. ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯), ‘શિશુલોકની વીથિઓમાં’ (૧૯૮૦), ‘આરોહ-અવરોહ’ (૧૯૮૯), ‘સમસ્ત કવિતા’ (૧૯૯૬), ‘એક માનવી લેખે’ (૧૯૯૬), ‘મારા નક્ષત્રો’ (૧૯૯૭), ‘ગઝલને વળાંક’ (૨૦૦૪), ‘છેલ્લો વળાંક’ (૨૦૦૫), ‘ઉપાન્ત્ય’ (૨૦૦૫) અને ‘પૃથ્વીગતિનો છંદ’ (૧૯૯૬) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. ઉશનસે વિવેચનગ્રંથો પણ આપ્યા છે. ‘બે અધ્યયનો’ (૧૯૫૨), ‘રૂપ અને રસ’ (૧૯૬૬), ‘ઉપસર્ગ’ (૧૯૭૩) અને ‘મૂલ્યાંકનો’ (૧૯૭૯) – તેમનાં વિવેચનો છે. ‘મૂલ્યાંકનો’માં સ્વાતંત્ર્યોત્તર કવિતાનાં ભાષા, છંદ, લય અને અલંકારનું સમર્થ વિશ્લેષણ પાંચેક લેખોમાં કર્યું છે. આ સિવાય વિવેચનોમાં તેમણે કૃતિઓ, તેમના પૂર્વકાલીન સર્જકો અને સમકાલીન સર્જકો વિશેના લેખો લખ્યા છે. ‘પશ્ચિમી દેશોનો પ્રવાસ’ (૧૯૭૬) તેમની પ્રવાસકથા છે. ‘સદ્‌માતાનો ખાંચો’ (૧૯૮૮) સ્મૃતિકથા છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર એનાયત થયેલા છે. ૧૯૯૧માં કોઈમ્બતુરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું, ત્યારે તેઓ પ્રમુખ હતા.

એકવીસમી સદીના ઉંબરે ગુજરાતી કવિતાની અને મારી કવિતાની ગતિવિધિ ૧ કોઈમ્બતુર નગરીના ગુજરાતી સમાજના સ્વાગતાધ્યક્ષશ્રી, અન્ય નાગરિકો, મુરબ્બીઓ અને મિત્રો! આપણા ગુજરાતની મહાન સાહિત્ય પરિષદના પ્રમુખપદે આપ સૌએ મને પ્રેમપૂર્વક બેસાડ્યો તે માટે સૌપ્રથમ તો આપ સૌનો આભાર માનું છું. આ સંસ્થાના પ્રથમ પ્રમુખ ઈ. સ. ૧૯૦૫માં આપણા મૂર્ધન્ય સારસ્વત અને ગુજરાતભૂષણ એવા શ્રી ગોવર્ધનરામભાઈ ત્રિપાઠી હતા તે વાતના ખ્યાલમાત્રે જ હું નમ્રતાભાવ અને થોડોક સંકોચ પણ અનુભવું છું. મારી પૂર્વે આ પદના અધિકારીઓ – જેમાં એક વાર તો મહાત્મા ગાંધી પણ હતા – તેમને યાદ કરું છું ત્યારે આ પદ કેવી મોટી જવાબદારીવાળું છે તેનો ખ્યાલ આવે છે; પણ મને વિશ્વાસ છે કે આપ સૌના સ્નેહ અને સહકારના બળે હું મારી જવાબદારી નિભાવી શકીશ. પાછળ નજર નાખતાં મેં એ પણ જોયું છે કે આ ગરવી સંસ્થાના અધ્યક્ષપદે જે જે વાગ્‌જ્યોતિર્ધરો આવ્યા હતા તેમણે તેમના અધ્યક્ષીય પ્રવચન માટે પોતાના અખિલ જીવનની સારસ્વત શ્રદ્ધાના અર્ક જેવો વિષય પસંદ કર્યો હતો. આરંભના અધ્યક્ષોએ આ સંસ્થાના આદર્શ અને હેતુઓ માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા; ગુજરાતી પ્રજા અને સાહિત્યની સર્વતોભદ્ર પ્રગતિ અને વિકાસ થાય તે માટે ગુજરાતી સાહિત્યને કેવી રીતે ને કઈ કઈ દિશાઓમાં ખેડવું જોઈએ તેનાં દિશા અને નકશા તેમણે આંકી આપ્યાં હતાં, આથી આરંભનાં ભાષણોમાં આપણા ગુજરાતી સાહિત્યના ઇતિહાસની વિવિધ યુગવ્યવસ્થા વિશે તથા આપણી જોડણી આદિ વિશે તેમાં વિચાર કરવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવા માટે જીવનને કેવી રીતે સમૃદ્ધ રાખવું જોઈએ, વિસ્તારવું જોઈએ, વિકસાવવું જોઈએ, તે વિશે પણ તેમણે વિચાર કર્યો. ૧૨મા અધિવેશનના પ્રમુખ તો રાષ્ટ્રપિતા ગાંધીજી પોતે હતા. તેમણે આમજનતા માટે અને આમજનતા સમજે એવી – કોશિયો સમજે તેવી ભાષા ને શૈલીમાં જીવનપરાયણ સાહિત્ય રચવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો; એ એમના જેવી વિભૂતિને છાજે તેવો વિચાર હતો. તો પરિષદના બીજા એક પ્રમુખ શ્રી ભૂલાભાઈએ પરિષદના બંધારણમાં સુધારા વિચાર્યા હતા. શ્રી કનૈયાલાલ મુનશી જ્યારે આ સંસ્થાના પ્રમુખ થયા ત્યારે તેમણે ગુજરાતની અસ્મિતાની વાત આગળ મૂકી હતી કે ગુજરાત એક ‘સાંસ્કારિક વ્યક્તિ’ છે, તે માત્ર ભૂગોળ નથી. એ એક ઇતિહાસોત્થ સાંસ્કારિક જીવંત વ્યક્તિ છે. અનેક ગુજરાતી મહાપુરુષોનાં વ્યક્તિત્વથી તેણે ‘અસ્મિતા’ અર્જિત કરી છે એવો પ્રાદેશિક ગૌરવનો વિચાર તેમણે રજૂ કર્યો હતો. જોકે તેમણે ગુજરાતની પ્રાદેશિક અસ્મિતાને વિકસાવીને તેને ભારતીય અસ્મિતામાં વિલીન કરી દેવાની વાત પણ કરી છે એટલે ગુજરાતમાં ભારતીયતાના ભોગે પ્રાદેશિકતા સેવવાની વાત ક્યારેય કોઈએ કરી નથી, એ વાત ખાસ નોંધપાત્ર છે. યાદ રહે કે આ વાત આપણા પ્રથમ નવજાગરણથી જ શરૂ થઈ છે. ભારતીય અસ્મિતા એ નવપ્રબોધનું એક અભીપ્સિત લક્ષ્ય છે તો તે સાથે જ તે પ્રાદેશિક છબીને પણ ઉવેખતી નથી. છેક નર્મદથી જ આપણે ત્યાં ‘દેશાભિમાન’ શબ્દ સાથે જ ‘ગરવી ગુજરાતનો જય’ની વાત શ્વાસ અને ઉચ્છ્‌વાસની જેમ જ સાથે ઉચ્ચારાઈ છે; પણ કોઈએ આત્યંતિક રીતે આ પ્રાદેશિકતાને ચગાવી કે વકરાવી નથી. નર્મદના ‘જય જય ગરવી ગુજરાત’થી તે છેક ઉમાશંકરના ‘હું ગુર્જર, ભારતવાસી’ સુધી આ તર અને તમનો વિવેક જળવાતો આવ્યો છે. શ્રી ખબરદારે ગુજરાતને ‘ગુણવંતી’ કહી છે ને ગુર્જરરાષ્ટ્રનો એક મંત્ર પણ આવ્યો છે : “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” આ પરિપ્રેક્ષ્યમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદ, એ જ્યાં જ્યાં ગુજરાતી સમાજ વસતો હોય ને ગુજરાતી ભાષા બોલતો હોય ત્યાં ત્યાં દર બીજે વર્ષે પરિષદનું અધિવેશન ગુજરાત બહાર યોજતી હોય છે. આ રીતે તેણે કલકત્તા, દિલ્હી, મુંબઈ, પુણે, હૈદરાબાદ અને એક વાર તો મદ્રાસમાં – આ તામિલનાડુમાં જ – અધિવેશન યોજ્યું હતું ને તે સભાસ્થળને યોગ્ય રીતે જ ‘શ્રી ખબરદારનગર’ નામ આપવામાં આવ્યું હતું. કોઈમ્બતુરનું આ અધિવેશન તામિલનાડુમાં ભરાતું બીજું અધિવેશન છે તેવી આનંદ સાથે નોંધ લેવાનું મને મન થાય છે. કોઈમ્બતુરમાં મોટો ગુજરાતી સમાજ વસે છે ને આ વર્ષ તેની સ્થાપનાનું સુવર્ણજયંતીનું વર્ષ છે એ જાણીને મને આનંદ થાય છે એટલું જ નહીં, વધુ આનંદ તો એ માટે થાય છે કે તેણે એ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદને પોતાને આંગણે નિમંત્રી છે. ગુજરાત કેવળ ‘અર્થદાસ’ નથી, માત્ર ‘લક્ષ્મીનંદન’ પણ નથી, પણ ‘સરસ્વતીચંદ્રે’ય છે એ વાત આથી વ્યક્ત થાય છે. મને કવિશ્રી શેષની પેલી પંક્તિઓ અહીં યાદ કરવાનું મન થાય છે :

“લક્ષ્મી સરસ્વતીય બ્હેનપણી બનીને
વાસો અહીં વસતી’તી ગુજરાત દેશે.”

ભારતને છેક દક્ષિણ છેડે રહીનેય કોઈમ્બતુરવાસી ગુજરાતીઓ ગુજરાતને ભૂલ્યા નથી ને ગુજરાતની સારસ્વતશ્રીને અહીં આમંત્રી છે, એમાં એનું અર્થદાસત્વ નહીં, પણ કંઈક ‘સરસ્વતીચંદ્રત્વ’ પ્રગટ થાય છે ને તે માટે તે ધન્યતાને પાત્ર છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના પાછળ આ ભાવનાનાં પોષણ – સંવર્ધનનો આશ્રય રહ્યો છે એવી મારી સમજ છે; એટલે આ સંસ્થા તમામ સંસ્કારપ્રેમી ગુજરાતીભાષીઓની છે, પછી એ ભારતમાં કે ભારત બહાર ગમે ત્યાં રહેતા હોય. આ બધાયને સાથે રાખીને જ પરિષદ પોતાની ગતિનો લય જાળવી શકે એવી મારી મતિ છે, તો હું આ સ્થળેથી સૌને આપણી પરિષદના આવા ઊંચા આદર્શોને પોષવા ને સંવર્ધવા માટે આમંત્રણ આપું છું. સૌ સાહિત્યરસિકોને અને સારસ્વતોને મારું હાર્દિક આમંત્રણ છે કે તે સૌ પરિષદાભિમુખ થાય, તેને સેવે અને પરિષદ ઊંચાં કલાધોરણોમાંથી જરાય ચલિત ન થાય એમ પરિષદને જીવનપરાયણતા તરફ વાળવામાં સહાયક બને, અને આપણે સૌ પરિષદને સમસ્ત ગુજરાતની – બૃહદ ગુજરાતની અને દરિયાપારના ગુજરાતનીય પ્રતિનિધિ એવી વ્યાપક પાયાવાળી ને ઉન્નત આશયવાળી સાહિત્યિક સંસ્થા બનાવવા પ્રયત્નશીલ થઈએ. આપણે સૌ સામસામે નહીં પણ સાથે સાથે રહીએ તો જ આ વાત બની શકે. આના અનુસંધાનમાં હું ગુજરાતમાં, ભારતમાં ને દરિયાપારની ગુજરાતી સાહિત્ય સંસ્થાઓને પરિષદ સાથે વધુ નિકટ સંબંધમાં આવવા અનુરોધ કરું છું. હવે આપણે ત્યાં અનેક યુનિવર્સિટીઓ છે, અનેક કૉલેજ તથા નગરોનાં સાહિત્યમંડળો છે તે સૌને આ માવતર જેવી સંસ્થાના સભ્ય બની એની સાથે નિકટના ગાઢ સંબંધો કેળવતા અપીલ કરું છું. આ કાર્ય બરાબર સૂઝ-સમજથી થાય તે માટે હું ઇચ્છું છું કે પરિષદ પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓ થોડીક વધુ કેન્દ્રિત કરે; પોતાની વ્યાખ્યાનમાળાઓને વિવિધ સ્થળે યોજે, ને બંધ કે મંદ પડી ગયેલી સાહિત્યિક સંસ્થાઓને તે સજીવન કરે ને સજીવનને વધુ સક્રિય કરે. આ માટે બંને પક્ષે હૃદયપૂર્વકનો ખેલદિલ અને વ્યવહારુ રીતનો સહકાર જરૂરનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાત પ્રદેશની ને બૃહદ્ ગુજરાતની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિષયનો અભ્યાસક્રમ અદ્યતન ને પુષ્ટ થતો આવે તે માટે પણ સક્રિય રહી મથવું પડશે. મુંબઈ – મહારાષ્ટ્રમાં ગુજરાતી વિષયની ઉપેક્ષા થતી આવી છે તે તથા દ.ગુ. યુનિવર્સિટી – સુરતમાં હજી ગુજરાતી વિષયનું સ્વતંત્ર એવું ભાષાભવન પણ નથી તે ચિંતાની વાત ગણાય. દ. ગુજરાતના વનાંચલોમાં (ડાંગમાં તો ખાસ) ગુજરાતી ભાષાનો પાયો નબળો છે. શાળાઓની સ્થાપનાનું કામ તો સરકારી કેળવણીખાતાનું છે, પણ ત્યાં સાહિત્યિક ભાષિક જાગૃતિ આણવા માટે પરિષદે વધુ સક્રિય થવું પડશે એમ લાગે છે. આવા વનાંચલોમાં તો હવે વિનયનની કૉલેજો પણ ખૂલતી આવે છે ને એમાં ગુજરાતી સાહિત્યનું શિક્ષણ પણ થાય છે. પણ ત્યાં વિદ્યાર્થીઓમાં માતૃભાષાનો પાયો ખૂબ નબળો હોય છે તે તરફ પરિષદે ધ્યાન આપવું જરૂરી છે. ત્યાં પણ સરકાર સાથે મેળમાં રહી ગુજરાતી સાહિત્યના કાર્યક્રમો, ઉત્સવો, જયંતીઓ, મેળા, શિબિરો, કાર્યશાળાઓ અને ગુજરાતી ભાષાની પરીક્ષાઓ વધુ વ્યાપક ને અસરકારક રીતે, ક્રમબદ્ધ રીતે યોજાવાં જોઈએ એમ મારું નમ્ર માનવું છે જેથી તે આખી વનવાસી પ્રજાને ગુજરાતી સાહિત્યના ધોરી માર્ગ સુધી લાવી શકાય. એક બીજા ચિંતાપ્રદ વલણ તરફ પણ મને આપ સૌનું ધ્યાન દોરવાનું મન થાય છે; એ બાબત છે આપણી પારસી કોમની. નર્મદયુગથી તે છેક પંડિતયુગ સુધી જે કોમે કેટલાય નોંધપાત્ર પારસી સાહિત્યકારો આપ્યા, કેટલાંક ક્ષેત્રે તો તે અગ્રણી પણ હતી તે કોમ હવે ગુજરાતી ભાષા તરફ એકાએક ઉદાસીન કેમ થઈ છે તે વિચારવા જેવી વાત છે. જે કોમે આપણાં નાટકોમાં ને આપણા પત્રકારત્વમાં અગાઉ ઘણો ઉમદા ને પાયાનો ફાળો આપ્યો હતો ને જેમાં સંજાણા જેવા વિદ્વાન અને ખબરદાર, મલબારી ને જ.ન. પીતીત જેવા નોંધપાત્ર કવિઓ આપ્યા હતા તે હવે સાથે હોડમાં ઊતર્યા હતા તેમના અનુજો તે પછી એકાએક કેમ હતોત્સાહ થઈ ગયા હશે? ખબરદારેતો ગુજરાતની નર્મદે આંકેલી ભૌગોલિક સરહદોને વધુ વિકસાવી હતી ને ગુર્જરરાષ્ટ્રને જાણે એક મંત્ર જેવી પંક્તિ આપી હતી જેને મેં આગળ ટાંકી છે તેમના અનુજો હવે ગુજરાતી ભાષામાં કેમ કલમસંન્યાસ લઈ બેઠા છે? આ પ્રશ્ન આપણને આપણું આત્મનિરીક્ષણ કરવા પ્રેરે તેવો ચિંતાજનક છે. પારસીઓની માતૃભાષા જોકે હજી ગુજરાતી છે, ઘરમાં પણ તે હજી ગુજરાતી જ બોલે છે પણ ખબરદાર પછી મોટો પારસી સાહિત્યકાર કેમ પાક્યો નથી? પારસી કોમ ફરી ગુજરાતી સાહિત્ય તરફ પાછી વળે – સક્રિય થાય તે માટેય વિચારવું જોઈએ. યાદ રહે કે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન ૧૯૦૫માં શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીના અધ્યક્ષપદે મળ્યું હતું. તો કહી શકાય કે પશ્ચિમના સંપર્કે ને મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના ને સેવનથી જે નવપ્રબોધનો યુગ જન્મ્યો તેનું જ પરિષદ-સ્થાપના પોતેય એક સુફલ છે. આથી એનાં આરંભનાં અધિવેશનોના પ્રમુખનાં ભાષણોમાં આ નવજીવન રસથી ભરી ભરી વિચારણા ને હૂંફ વરતાય તો તે સ્વાભાવિક છે. આ હૂંફ પ્રાણવાન છે અને તેથી જ તે આગળ જતાં બે રીતે પ્રગટી છેઃ (૧) ગાંધીજીના અધ્યક્ષપદે તે કોશિયાની આમ વાણીના સાહિત્યની ઘોષણા કરે છે તો (૨) ક.મા. મુનશીમાં તે ગુજરાતની ‘અસ્મિતા’ પ્રગટાવવા ‘પુરુષોત્તમો’ની ઉપાસના તરફ વળતી જણાય છે. આ પરસ્પર સામસામી લાગતી જાહેરાત મૂળભૂત રીતે પ્રજાકીય આકાંક્ષાઓ ને આદર્શોને તાકે છે, જે તત્ત્વતઃ નવપ્રબોધના જ બે જુદા સૂરો છે. યાદ રહે કે છેક પ્રથમ અધિવેશનમાં જ સાક્ષરવર્ય શ્રી ગોવર્ધનરામે પરિષદનો આવો આદર્શ રજૂ કર્યો છે : “ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવો અને એ સાહિત્યને લોકપ્રિય કરવું એ આ સભાનો ઉદ્દેશ છે.” શ્રી ભૂલાભાઈ દેસાઈના અધ્યક્ષપદે ૧૯૩૧માં નડિયાદ મુદામે ગુ. સા. પરિષદનું ૧૦મું અધિવેશન મળે છે ત્યારે પરિષદનો હેતુ સમજાવતાં તેઓ કહે છે : “ચાલુ બંધારણના હેતુઓ જોતાં (૧) ગુજરાતી ભાષા અને સાહિત્યની સર્વ શાખાઓ સંરક્ષવી, વિકસાવવી, વિસ્તારવી અને ફેલાવવી”, ને પછી તેઓ ઉમેરે છે કે “પ્રજા અને સાહિત્ય વચ્ચેની ઊંડી ખાઈ પૂરવાની પહેલી જરૂર છે”ને શ્રી મેઘાણીની પેલી જાણીતી કવિને હાકલ કરતી પંક્તિ તે ટાંકે છે : “ત્યારે હાય રે હાય કવિ! તને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે?” અને ગુ. સા. પરિષદના સ્થાપક જેવા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતાનો મહત્ત્વનો મુદ્દો તેઓ યાદ કરે છે : “આપણા દેશનું ભાગ્ય ઊઘડે અને આપણી પ્રજાનો ઉત્કર્ષ શી રીતે થાય; એ એની મુખ્ય ભાવના છે.” પરિષદના બંધારણમાં થોડો સુધારો-વધારો કરી તેમાં પુસ્તકપ્રકાશન તથા સાહિત્યવિષયક ઐક્યનાં સંરક્ષણ એવી નવી વધુ કલમો ઉમેરાય છે. બંધારણમાં મધ્યસ્થ સભાનો પણ ઉમેરો થાય છે ને તેને વધુ વ્યાપક ને સર્વ ભેદભાવ વગરની લોકશાહી બનાવવાનું તેઓ સૂચન કરે છે. બારમા અધિવેશન(૧૯૩૬)ના પ્રમુખ ગાંધીજી ને ૧૩મા અધિવેશન (કરાંચી – ૧૯૩૭-૩૮)ના પ્રમુખ શ્રી મુનશી થાય છે તે નર્મદાદિએ જે ગુજરાતની ભૌગોલિક ચતુઃસીમા આંકી આપી છે તેને અતિક્રમીને તે ગુજરાત એ માત્ર ભૂગોળ નથી, પણ જીવંત સાંસ્કારિક ચૈતન્ય છે, વ્યક્તિ છે એમ કહી એ ગુજરાતના સ્થૂળ શરીરમાં આત્માની સ્થાપના કરે છે ને ગુજરાતી ભાષામાં ‘અસ્મિતા’ શબ્દ પ્રતિષ્ઠિત થાય છે. હવે જ પરિષદે ગુજરાતી જીવન અને કવનમાં શરીર અને આત્મા સહ અખિલાઈ પ્રાપ્ત કરી છે. ને તે એક જાતનું પૂર્ણ એકમ બને છે. મોહનદાસ ગાંધી અને કનૈયાલાલ મુનશી – પ્રભાવિત આ યુગને શ્રી વિજયરાય વૈદ્યે સાહિત્યમાંય ‘મોહનયુગ’ એવું નામ આપ્યું છે જેમાં ‘મોહન’ એટલે ગાંધીજી ઉપરાંત કનૈયાલાલ એવા શ્લેષનો લાભ લીધો છે. આ યુગમાં ગાંધીપ્રભાવે ‘જીવન ખાતર કલા’ અને મુનશીભાવે ‘કલા ખાતર કલા’ એવા બે ખ્યાલો વચ્ચે ગુજરાતી સાહિત્ય રચાય છે, પણ એકંદરે કાળબળે ગાંધીપ્રભાવ જ મોખરે આવે છે ને સાહિત્યમાં ‘લોક’ શબ્દ પ્રભાવક બને છે. હવે ગુજરાત કે ભારત એ ભૂગોળ માત્ર નથી, અને નથી તે માત્ર પુરુષોત્તમપરાયણતા જ, હવે તો ગુજરાત એટલે ગુજરાતની સામાન્ય આમપ્રજા – હવે તેના વાસ્તવિક પ્રશ્નો જ આગળ આવે છે ને સાહિત્ય ભલે કોશિયો સમજે તેવું ન લખાયું હોય તોપણ તે લોકાભિમુખ બની જીવનના કઠોર વાસ્તવ અને તેના પ્રશ્નોમાં ઊતરવા – સમજવા ને ઉકેલવા તો જરૂર મથતું દેખાય છે. આ ગાંધીયુગ ૧૯૪૮ સુધી ઠીક ચાલ્યો પણ હવે સ્વાતંત્ર્યોત્તર યુગ પણ બને છે. ૧૯૪૦માં ઉમાશંકર પ્રહ્‌લાદ પારેખના ‘બારી બહાર’ કાવ્યસંગ્રહની સીમાચિહ્ન જેવી પ્રસ્તાવના લખે છે તેમાં ઓસરતા ગાંધી-ઠાકોર યુગના કઠોર વાસ્તવ ને અર્થઘનતાને બદલે રવીન્દ્રનાથના સૌંદર્યવાદી પ્રભાવના ઉઘાડની વાતો આગળ કરે છે; ને તેનાં ઉત્તમ નિદર્શનોમાં પછી શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી નિરંજન ભગત–પ્રભાવિત એક લઘુ પણ સત્ત્વશીલ ‘અનુગાંધીયુગ’ ગુજરાતી સાહિત્યમાં પ્રવર્ત્યો છે ને કેટલીક ‘કવિતાના વાસ્તવ’વાળી રચનાઓ પણ મળી છે. પણ ૧૯૫૬ની આજુબાજુના સમયમાં વળી પાછું કશુંક ઉપરતળે થતું દેખાય છે. આ અરસામાં જ દૃઢશ્રદ્ધ ગાંધીવાદી ઉમાશંકર જોશી ‘છિન્નભિન્ન છું’ જેવી કૃતિ પ્રગટ કરે છે. શ્રી નિરંજન ભગત ‘પ્રવાલદ્વીપ’ નામે નગરચેતનાના વૈષમ્યવાળો, ગ્લાનિપ્રેરક કૃતિસંગ્રહ આપે છે તે સૌનું ધ્યાન ખેંચે છે; જોકે ઉમાશંકર વનવેલી કે વનવેલીકલ્પ એવા છંદોલયમાં પ્રવૃત્ત થાય છે, તો નિરંજન છંદોને પરંપરિત કરી તેના લયમાં પોતાનું વિશિષ્ટ કવિકર્મ કરે છે. જીવનની વિષમતાને એક વાર કાન્તે એમનાં ખંડકાવ્યોમાં ‘સુસ્વન વૃત્તો’માં પ્રગટ કરી આપી હતી. તેમ નિરંજન પણ કવિકર્મમાં ઠાકોર કરતાંય કાન્તની વધુ નિકટ રહીને એવું કરી શક્યા છે. ૨ અહીં હું મારી કવિતાયાત્રા વિશે વિગતવાર કરીશ. સાહિત્ય ઇતિહાસકારોએ યુગવ્યવસ્થાને ‘રાજેન્દ્ર – નિરંજનયુગ’ કહ્યો છે તેમાં મને મૂક્યો છે. પણ આ પૂરું સત્ય નથી. હું ‘ગાંધીયુગ’નો જ ગણાઉં. મારો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રસૂન’ ૧૯૫૫માં પ્રગટ થયો છે. તેમાંની કૃતિઓની નીચે તેમની રચ્યા સાલ છાપી છે તે જોવાથીય તે સમજાશે. મારું પ્રથમ કાવ્ય ૧૯૩૮-’૩૯નું છે : ‘દિગ્વિજેતા પૌરુષ’. તે ‘કુમાર’માં પ્રગટ થયું હતું. તે જ અરસામાં મારી એક કૃતિ શ્રી રામનારાયણ પાઠકના ‘પ્રસ્થાન’માં પણ પ્રગટ થઈ છે. આ પૂર્વે પણ મેં સાવલી – ડભોઈના મારા વિદ્યાર્થીકાળમાં કાવ્યરચનાઓ કરી હતી. આ યુગ ‘ગાંધીયુગ’ છે. ૧૯૩૦ના અરસામાં હું સિદ્ધપુર છોડી રુદ્રમાળના ખાંચામાંથી વતનગામ સાવલીના સદ્‌માતાના ખાંચામાં આવ્યો ત્યારે સિદ્ધપુરમાં વિલાયતી માલની થતી એક હોળી મેં નજરે જોઈ હતી. લોક, જતા-આવતાના માથા ઉપરની કાળી વિલાયતી ટોપી ઊંચકી લઈ એવા જ બીજા માલની સળગતી હોળીમાં નાખતા હતા ને સાવલીમાં તો મારો ભાઈ સનાતન અને હું રીતસર ગાંધીચળવળમાં જોડાઈ ગયા હતા. અમે કાંતતા, ખાદી જ પહેરતા અને પ્રભાતફેરીઓમાં પણ જતા હતા. ગાંધી – સરદાર – જવાહર ને સુભાષના ફોટા અમારા ઘરની ભીંતો ઉપર આવી ગયા હતા ને તે સાથે જ ખીંટીએ લટકતા હતા કાંતેલા સૂતરના ભરેલા ફાળકા. આ આબોહવા મારી કવિતાના આરંભકાળના પાયામાં છે. સાવલીમાં છેક ૧૯૩૩-’૩૪માં પણ જોડકણાં જેવું થોડુંક લખાયું છે. થોડુંક તો અંગ્રેજીમાંય ‘નર્સરી ર્‌હાઈમ’ જેવું લખ્યું હતું એવું આછું સ્મરણ છે. હું કવિતા તરફ તેવી રીતે વળ્યો તે વિશે થોડીક વાત કરું : એ ૧૯૩૨-’૩૩ના ગાળામાં જ અમે અમારા જોશીકાકાને ઘેર સંસ્કૃત ને ખાસ તો ગોરપદા માટે ઉપયોગી એવું ‘બામણિયું’ ભણવા જતા હતા ત્યારે એક સવારે – “ઓ રે ગાડા, ઢાળ ઊતરતાં ખૂબ નાસી જતું’તું” અને બીજી પંક્તિમાં “ઢાળ ચઢી જતા ખૂબ હાંફી જતું’તું” એમ આવતું હતું. જોઈ શકાય છે કે છંદ ખામીભરેલો છે પણ મંદાક્રાંતા છે, અને તેની શૈલી કંઈક ‘કલાપી’ના મંદાક્રાંતા જેવી છે. કદાચ આ બે પંક્તિઓ મારી સૌથી પહેલી રચાયેલી પદ્યપંક્તિઓ છે અને તે છંદમાં છે. મંદાક્રાંતા છંદના સંસ્કાર, તેની લયગુંજ કદાચ મારાં પાઠ્યપુસ્તકોમાંની કલાપીની કૃતિ ‘એક ઘા’, ‘મને જોઈને ઊડી જતાં પંખીઓને’ના પ્રભાવથી હશે એમ હું કલ્પું છું; નહીં તો આ વાત બીજી રીતે સમજાવી શકાય તેમ નથી. સાવલીના ઘરના વાતાવરણમાં હોય તો તે ગિરધરકૃત ‘રામાયણ’ ને પ્રેમાનંદકૃત ‘ઓખાહરણ’, ‘દશમસ્કંધ’, ‘સુદામા-ચરિત્ર’ ને ‘મામેરું’ જેવી કૃતિઓ વંચાતી તે હતાં. ‘સુદામા-ચરિત્ર’ તો છેક સિદ્ધપુરના ગાળામાં મારી મોટી બહેન તે ભણતી હતી તેના મુખેય સાંભળ્યું છે. સાવલીના ગાળામાં પછી એક આ પ્રેમાનંદની આખ્યાનશૈલી ને બીજી ધારા તે છંદોરચના જે પાછળથી ‘દલપત પિંગળ’, જે મામાએ મને કવિતા લખતો જાણી ભેટ આપ્યું હતું તેના સેવનથી પોષાઈ હતી તે બે ધારાઓ મારા કાવ્યારંભના મૂળમાં રહી છે. ત્રીજું પોષકબળ તે પિતાજી સ્નાન કરતી વખતે ને પછી દેવસેવા કરતી વખતે બોલતા તે ‘વસંતતિલકા’ અને ‘શિખરિણી’ છંદના સંસ્કૃત શ્લોકોની ગુંજ. સાવલી-ગાળામાં મેં ‘પ્રહ્‌લાદ આખ્યાન’ ને ‘સુધન્વા આખ્યાન’ જેવી રચનાઓ કરી જોઈ હતી, પણ પછી તો તે ઢબે છૂટી જ ગઈ છે પણ સંસ્કૃત-ગુજરાતી પિંગળના છંદો ઘૂંટ્યા તે ઘૂંટ્યા તે કદી પછી છૂટ્યા જ નથી. કદાચ ગુજરાતી કવિઓમાં છંદ છોડી, અછાંદસ તરફ સૌથી મોડો વળનાર કવિ હું છું. છેક ૧૯૭૫ની આજુબાજુના ગાળામાં ૧૯૭૬માં કરેલા મારા વિદેશપ્રવાસના ફળ જેવાં કાવ્યો ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯)માં છે. એ આખો કાવ્યસંગ્રહ અછાંદસ છે! આ ગાંધીપ્રભાવ અને છાંદસપ્રભાવ મને ગાંધીયુગનો જ – ભલે સુંદરમ્-ઉમાશંકરનો અનુજ એવો, એક કવિ સ્થાપે છે. મારો પ્રથમ કાવ્યસંગ્રહ ૧૯૫૫માં ‘પ્રસૂન’ નામે પ્રગટ થાય છે તેમાં મુખ્યત્વે ગાંધીપ્રભાવ અને અભિવ્યક્તિમાં બીજા ગૌણ પ્રભાવો પણ છે. શ્રી રવીન્દ્ર – અરવિંદના. ‘પ્રસૂન’ ખરેખર સદ્‌ભાગી કાવ્યસંગ્રહ છે. મિત્રોના આગ્રહથી ‘પ્રસૂન’ની હસ્તપ્રત તૈયાર કરી નવસારીના પ્રિંટિંગ પ્રેસમાં આપવા જ્યાં મારા ઘરનો ઓટલો ઊતરું છું કે ટપાલી સામો મળે છે. ઉમાશંકરનો પત્ર હતો કે હસ્તપ્રત તરત મારે એમને અમદાવાદ મોકલી આપવી. એ પોતે જ મુંબઈની ‘વોરા’ કંપની દ્વારા પ્રગટ કરવાની યોજના વિચારતા હતા. મેં તે મોકલી આપી. તેમણે તે સ્વીકારી હતી ને તેમાં હાંસિયામાં થોડીક નોંધો પણ મૂકી હતી. એક નોંધમાં તેમાં તેમણે ગાંધીજી ઉપરાંત રવીન્દ્ર – અરવિંદ પ્રભાવ વિશે પણ લખ્યું હતું. તેની પ્રસ્તાવના ‘ઉત્થાનશ્રી’ નામે સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદે લખી હતી. એમાં એમણે ઉત્તમ કવિતાના અંશો જોયા હતા ને તેનું ‘’ઉત્થાનશ્રી શીર્ષક સૂચવે છે તેમ અમુક રીતની ભાવનાશીલ પ્રગતિશીલતા પણ જોઈ હતી. પ્રકાશનના મૂળમાં હતા ઉમાશંકર. આગળ પ્રસ્તાવના હતી શ્રી વિષ્ણુપ્રસાદની, તેથી તરત ગુજરાતી કવિતામાં મારી સ્થાપના થઈ, મારો કવિ તરીકે સ્વીકાર થયો. ૧૯૫૫નો તે ઉત્તમ કવિતાસંગ્રહ ગણાયો ને પુરસ્કૃત પણ થયો, પણ બેત્રણ મુદ્દા તેનાં અવલોકનો થયાં તેમાં ઉપર તરી આવ્યાઃ (૧) હું ‘સર્વોદય’ ભાવનાનો કવિ છું. (૨) હું ઠાકોર-પ્રભાવિત અર્થઘન શૈલીનો કવિ છું અને (૩) હું કઠણ ભાષાનો એક દુર્બોધ કવિ છું. આ ત્રણે મુદ્દામાં અર્ધસત્ય છે. તે કેવી રીતે તે હવે જોઈએ. ‘પ્રસૂન’ની કૃતિઓમાં ને પછીથી હું શ્રી વિનોબાની સર્વોદય પ્રવૃત્તિથી પ્રભાવિત થયો છું પણ ‘પ્રસૂન’માં તો પ્રણય તથા પ્રકૃતિનાં ઠીક ઠીક સંખ્યામાં કાવ્યો છે, તેનું શું? છતાંય ગાંધી-વિનોબા પ્રભાવનો હું ‘સર્વોદય’ ભાવનાનો કવિ છું એવું જરૂર સ્વીકારું છું, તેનો મને આનંદ પણ છે. મારી એ સામાજિક નિસબતની કવિતાધારા હજીય ચાલુ છે. એનો મને આનંદ પણ છે. બીજો મુદ્દો ઠાકોર-પ્રભાવનો છે. તે વિશે વાત કરું. હા, મારા કૉલેજ, ભણતરમાં ઠાકોરનું ‘મારા સૉનેટ’ એ પાઠ્યપુસ્તક હતું. ૧૯૪૧-’૪૨ની એ વાત. પ્રો. ઠાકોરનું ‘ભણકાર’ મને અદ્યાવધિ ગુજરાતી ભાષાનું સર્વોત્તમ સૉનેટ લાગ્યું છે અને સૉનેટ-કવિતામાં એ ઊંચાઈએ પહોંચવાનો મારો આજેય એ જ આદર્શ છે. અભ્યાસક્રમમાં નાનાલાલનું એક નાટક હતું. પણ એ ડોલનશૈલીથી હું ક્યારેય પ્રભાવિત થયો ન હતો. નાનાલાલના છંદો મને ગમે છે, ને ગીતો પણ. પણ એક્કેના પ્રભાવમાં હું ન હતો, આજેય નથી. છતાં મને લાગે છે કે ‘ચિત્રદર્શનો’ની સુવૃત્ત કવિતા મને સેવવા માટે સાવલી-ડભોઈ-વડોદરા ગાળામાં મળી હોત તો મને તો લાભ જ થાત. કાન્ત તો મેં ઘણા જ મોડા વાંચ્યા! કાન્ત-નાનાલાલ મારા ઘડતરના ગાળામાં જરાક વહેલા આવ્યા હોત, એમના છંદપ્રભાવમાં હું વહેલો મુકાયો હોત તો વધુ લાભ ચોક્કસ થાત પણ જેવો મેં કાન્તનો ‘પૂર્વાલાપ’ વાંચ્યો કે મનમાં એનો ‘ઉપહાર’ સૉનેટનો શિખરિણી લય ઊંડો ઊતરી ગયો; ‘પ્રસૂન’માં પ્રો. ઠાકોરનો પ્રભાવ નથી એમ નથી કહેતો, પણ નજરમાં ‘કાન્ત’ના છંદો પણ છે જ. હા ‘ભણકાર’ એ મારો એક આદર્શ છે, તો ‘ઉપહાર’ એ મારો બીજો આદર્શ છે. મારું છાંદસકર્મ આ બે વચ્ચે ક્યારેક આમ તો ક્યારેક તેમ ચાલતું રહ્યું છે પણ ગતિની દિશાની વાત કરું તો તે ઠાકોરથી નીકળીને કાન્ત તરફ જવાની છે. અવલોકનકારોએ ખરી રીતે તો મારી કાવ્યબાનીના આ વિવિધ નમૂના છે એવી નોંધ કરવી જોઈતી હતી. આમ થવામાં મને ‘કુમાર’ના તંત્રી શ્રી બચુભાઈ રાવતના માર્ગદર્શનનો લાભ મળ્યો છે તેને ગણાવું છું. ‘પ્રસ્થાન’ના તંત્રી શ્રી રામનારાયણ કશું માર્ગદર્શન આપ્યા વગર જ કૃતિ છાપતા; પણ બચુભાઈ કાવ્યબાનીના માર્ગદર્શક થતા. મને લાગે છે કે તે સુઘડ ભાષાના ને સુઘડ છંદોના આગ્રહી, મર્મજ્ઞ – કસબી એવા તંત્રી હતા. પ્રો. ઠાકરનાં સૉનેટો ગુજરાતમાં દૃઢમૂળ થયાં તેમાં મને બે કારણો લાગે છે. એક તો એમને સુંદરમ્, ઉમાશંકર, શ્રીધરાણી જેવા સુઘડ કવિ શિષ્યો મળ્યા તે, ને બીજું તે રામનારાયણ અને બચુભાઈએ અને ખાસ કરીને બચુભાઈએ સૉનેટમાં છંદોબાનીની સુઘડ સુષમાનો આગ્રહ રાખ્યો તે છે. છેક સાવલી-ગાળામાં મેં ‘કાવ્યમંગલા’ ને ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહો વાંચ્યા છે. સુંદરમ્-ઉમાશંકરની કવિતાએ જ ગાંધી-ઠાકોરપ્રભાવિત કવિતાને રાજમાર્ગ જેવી બનાવી છે, એટલે આ વખતે મારી નજર સામે સાવલી-ડભોઈગાળામાં પ્રો. ઠાકોરની પ્રત્યક્ષ કવિતાઓ તો હતી જ નહીં. મારી નજર સામે હતા શ્રી સુંદરમ્-ઉમાશંકર ને તત્કાલીન બીજો કંઈક પ્રભાવ હતો તે શ્રી ઝવેરચંદ મેઘાણીનો. સાવલી – ડભોઈ-ગાળામાં ભાઈ સનાતન અને હું આ ત્રણ કવિઓ જેવું લખવા મથી રહ્યા હતા. હું કેવળ ગાંધી – ઠાકોરપ્રભાવિત રહ્યો છું એ મારી કવિતાનું ખોટું ને ગેરમાર્ગે દોરનારું મૂલ્યાંકન છે. એથી મને અન્યાય થયો છે એવી મારી લાગણી છે. આપણે ખુદ ‘પ્રસૂન’માંની કૃતિઓને જ સાંભળીએ :

“મારી સામે જ્યારે જ્યારે તું આવી ઊભો રહે છે
કુંજે કુંજે પ્રાણ તણે વન,
પ્રાણતણી કુંજોમાં સુરભિ પરિમલ બ્હેકી રહે છે.
(પ્રસૂન – ગીત અજ્ઞાત ફૂલ)
“રહ્યો અભય માહરો હણહણી હય પ્રાણનો
જિગીષુ અતલાન્ત પ્રાન્ત સઘળા અનાક્રાંતના
(પ્રસૂન – પરોઢમાં – પૃથ્વી છંદ)
“પ્રથમ શિશુ સૌ કહાનો, માતા બધી જ યશોમતી
મૃદુમલિન મોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી”
(પ્રસૂન – પ્રથમ શિશુ – હરિણી છંદ)
“આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં
લ્હેરો સ્ખલે, દિન પલેપલ ગાઢ ભોગ્ય
પ્રત્યેક ચંદ્ર મધુનો મધુરાત્રિ યોગ્ય!”
(પ્રસૂન – આવ્યો વસંત – વસંતતિલકા છંદ)
“ભલે આવ્યાં દેવી કુસુમવસના નંદનવને
સમુલ્લાસે શોભ્યાં સ્મિત કિસલયોની મરક લૈ”
(પ્રસૂન – વસંતનું સ્વાગત – શિખરિણી છંદ)
“વર્ષા બ્રહ્મા, મધુ, વિષ્ણુ, ચૈત્ર વૈશાખ ધૂર્જટી
શિશિરે બુદ્ધનું સત્ત્વ, એમ નર્તે ઋતુ નટી”
(પ્રસૂન – ચૈત્રવર્ણન – અનુષ્ટુપ છંદ)
“વણઝારો દિશ ડુંગર આડે
છેડે સૂર રાતે ને દહાડે,
ભવભવનમાં મેણાં લાગે રે, મોરલીમાં”
(પ્રસૂન – મોરલીમાં – (ગીત))
“ચરણ કૃપાજળનું હું મીન
પલપલ હર નિશદિન
પ્રભુ, તવ ચરણ કૃપાજળનું હું મીન
(પ્રસૂન – હું મીન – (ગીત))
“મારા સૌ અપરાધની ઉપર હો તારી કૃપાનો જય”
(પ્રસૂન – કૃપાનો જય – શાર્દૂલવિક્રીડિત છંદ)
“કેવળ ફરવાને નીકળ્યો છું
જાણે સંધ્યાકાળે -”
(પ્રસૂન – કેવળ ફરવાને – ૨૧-૪-૪૭ (ગીત))

આમાં ક્યાંય છંદ ઠાકોરશાઈ છે? ને ગીત પણ રાજેન્દ્ર-નિરંજન શૈલીનાં છે ક્યાંય? ‘પ્રસૂન’માં પ્રગટ થયેલી મારી સૉનેટ કૃતિ ‘વળાવી બા આવી’ (૧૯૪૩) જુઓ, એનો શિખરિણી છંદ; જરાય ઠાકોર જેવો છે? એને ગાંધીજીની સરલ બાનીનો જાણે ચેપ લાગ્યો છે. છંદ નથી તો ઠાકોરશાઈ કે નથી કાન્તશાઈ. તેમાં એક, વીસમી સદીના પ્રભાવે ગામડા ગામમાં આપણું જમાના જૂનું સંયુક્ત ઘર-કુટુંબ કેવી રીતે તૂટતું આવે છે એનું ભાન પણ ન રહે તે રીતનું લાઘવયુક્ત બયાન છે. એક અનિવાર્ય ટ્રૅજેડી જરાય બોલકી થયા વિના જ ચૌદ પંક્તિના આકારવિધાનમાં કેવી કંડારાઈ ગઈ છે! વીસમી સદીના વિકાસે – વિકાસના નામે ક્યાં જઈને કેવા મર્મસ્થળે મૂઢ માર વાગ્યો છે તેનું એમાં ડૂસકું છે. હું સર્વોદયવાદી છું, ઠાકોર-પ્રભાવિત છું ને કઠોર બાનીનો કવિ છું એવો એક્કે અપવાદ મૂકી શકાય તેવી આ કૃતિ નથી. મારી સ્મૃતિકથા ‘સદ્‌માતાનો ખાંચો’માં આ કૃતિ આસ્વાદવા-મૂલવવાની વધુ સામગ્રી પડી છે. ‘સદ્માતાનો ખાંચો’માંય આ ઘટના સમગ્ર પુસ્તકના કેન્દ્રસ્થાને જાણે કે રહી છે. અવલોકનનો ત્રીજો મુદ્દો છે મારી બાનીના દુર્બોધપણાનો. ‘પ્રસૂન’માં આપણે ઉપર જોયું તેમ (૧) પ્રો. ઠાકોરનો પ્રભાવ (૨) કાન્તપ્રભાવ (૩) રવીન્દ્રપ્રભાવ (૪) અરવિંદપ્રભાવ ઉપરાંત ‘વળાવી બા આવી’માં છે તે મારી પોતાની તળપદ બાનીની પણ શોધ જોવા મળે છે. વિવેચકોએ બે પ્રકારની દુર્બોધતા શોધી કાઢી છે. (૧) સંસ્કૃત તત્સમ શબ્દોના સમાસોવાળી ને (૨) દેશી ને ખરબચડી બાનીવાળી. સંસ્કૃત કાવ્યોના અભ્યાસે સંસ્કૃત-પ્રચુરતા આરંભનાં કાવ્યોમાં છે; પણ વૃત્તોમાં છે એટલી તે ગીતોમાં નથી એમ હું માનું છું. ઉત્તરોત્તર મારી કવિતા સરલ, સહજ ભાષાસૌંદર્ય તરફ વળી છે. એની પૂરતી નોંધ આપણા વિવેચને લીધી નથી; અને ખરબચડું પદ્યપોત પણ ઠાકોરશાઈ કે કર્કશ નથી; બલકે એ મને અભિપ્રેત એવું કવિકર્મ છે. ઉદાહરણ તરીકે આ પંક્તિઓ જુઓ :

“અનુર્વર, અકૃષ્ટ, ઉજ્જડ ધરા દિગંતો સુધી
અક્ષુણ્ણ, દ્રૂગ લે લટાર અટુલી અને બ્હાવરી
સુશુષ્ક ગ્રહ ખંડ પૃષ્ઠ પર ઠોકરાતી જતી
જતી ઉઝરડાતી, ક્યાંક તરડાતી વાંકીચૂકી
ઝીંટાતી વલુરાતી આ ઊષર ભૂખરાશો વિશે”
(સ્પંદ અને છંદમાં કેડી અને સંદર્ભ – ૧૯૬૫)
‘પ્રસૂન’ આદિનાં ગીતો વિશે વાત કરું તો મને લાગે છે કે મારી નજર સામે દયારામ – નાનાલાલ જેવો તળપદ ગુજરાતી પૂર્ણગીતનો નમૂનો નથી. થોડાક લોકલય છે, પણ મારી પાસે મેં ‘વ્યાકુળ વૈષ્ણવ’ (૧૯૭૭)માં જેને ‘ગીતિ’ કહી શકાય તેવા રવીન્દ્રભાવનથી આવેલા એક બે ગીતલય છેક ‘પ્રસૂન’ કાળથી હતા જે નગીનદાસના ‘ગીતાંજલિ’ અને બીજાં કાવ્યોના સેવનથી પુષ્ટ થયા છે. મારી પાસે આ પણ એક લય છે ‘ધન્યભાગ્ય’ ગીતનો. (૨-૨-૫૫)
“બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્‌હાન”
મને વહેમ છે કે એ ગાંધી-વિનોબા પ્રભાવમાં જન્મ્યું છે. ગીત ઠીક ઠીક પ્રશંસા પામ્યું છે; પણ હજી તત્સમ – તદ્‌ભવમિશ્રિત સમાસ તેમાં આવે છે પણ કર્ણને તે અસુભગ નથી. છેક ‘અશ્વત્થ’ (૧૯૭૫)માં પાછો આ લ્હેકો પ્રગટ થતો દેખાય છે :
“બાઈ રે, જરીક જ વધુ જો વેઠે,
આ રહ્યું એનું મકાન ઢૂંકડું,
અહીં આગળ તરભેટે.”

૧૯૫૬માં હું ‘નેપથ્યે’માં દીર્ઘકાવ્ય પ્રગટ કરું છું. એમાં કંઈક ખંડકાવ્ય જેવું છે; એક ‘અણુરહસ્ય’ તો પદ્યનાટકના અખતરા જેવું છે જેની પૂરતી નોંધ લેવાઈ નથી, બીજાં ‘પ્રાચીના’ જેવાં ને સુંદરમ્‌નાં એવાં દીર્ઘકાવ્યોના પ્રભાવમાં કરેલું કામ છે. શ્રી નિરંજન ભગતે એનું તે વખતે કડક વિવેચન કર્યું હતું; પણ રઘુવીરે તે વખતે જ એમાં કંઈક સત્ત્વ જોયું હતું. એટલે છેક ૧૯૮૧માં ફરી પાછો દીર્ઘકાવ્યનો સંગ્રહ ‘આરોહ અવરોહ’ મેં પ્રગટ કર્યો ત્યારે સ્વ. શ્રી વિષ્ણુભાઈએ એમાં “શ્રી ઉમાશંકર સાથે આ સંવાદકાવ્યોનું જોડાજોડ સ્થાન છે” એમ પત્રમાં લખ્યું હતું. પણ ડૉ. ચંદ્રકાન્ત શેઠ, ડૉ. પ્રવીણ દરજી ને શ્રી રાધેશ્યામ શર્મા સિવાય કોઈએ એને એવું હજી મૂલવ્યું નથી. ૨૫ વર્ષના ગાળા પછી પ્રગટતી આ દીર્ઘ કૃતિઓમાં બે સંવાદકાવ્યો છે ને બે સૉનેટમાળાઓ છે; પ્રથમ બે કાવ્યોમાં પૃથ્વીરાગ, જીવનરાગ તો ત્રીજી શિખરો પરથી આપણા સાંસ્કૃતિક પતનની, ‘આરોહણ’ને નજરમાં રાખી રચેલી આપણા અધઃપાતની સૉનેટમાળાઓ છે ને ચોથી ‘પાંડુ’ની પ્રેતોક્તિ સૉનેટમાળામાં કશુંક ‘આધુનિક’ દર્શનવર્ણન છે – સંવાદકાવ્યોમાં વનવેલીનો અભિનવ પ્રયોગ જોવા મારી સૌને વિનંતી છે. શિથિલ વનવેલીના આવા પ્રયોગમાં મેં ઉમાશંકરની જેમ જ એને નાટ્યછટાઓ માટે કામે લગાડવા પુરુષાર્થ કર્યો છે. જેની નોંધ કોઈ લે એવી મારી ઇચ્છા રહી છે. આધુનિક કે મારા સમકાલીન બીજા વિવેચકો અછાંદસના આક્રમણથી કાં તો મુગ્ધ કાં તો મૂઢ બની ગયા છે; આ ગાળામાં અનુગાંધીયુગ પછીય મારું નોંધપાત્ર છાંદસ કવિકર્મ થતું આવ્યું છે, વિકસિત થતું આવ્યું છે, ને પ્રયોગોમાં પણ ગયું છે પણ તેની પૂરતી ને સજાગ નોંધ લેવાનું કામ જાણે હવે વિવેચને અપ્રસ્તુત ગણી છોડી દીધું છે તે મને તો શોચનીય લાગે છે. સૉનેટ જ ઓછાં લખાય છે પછી સૉનેટમાળાની તો વાત જ ક્યાં કરવી? છતાં મેં એકાધિક સૉનેટગુચ્છો ને સૉનેટમાળાયે રચી છે; ‘રસ્તો ને ચહેરો’, ‘અનહદની સરહદે’; ને એ બહાને હું મારી પ્રણય અને પ્રકૃતિકવિતા વિશે બે વાત કરવી ઠીક ગણું છું. ભાઈ જયન્ત પાઠકે મારી કવિતાની સૂક્ષ્મ ગતિનું યોગ્ય નિરીક્ષણ કરતાં ક્યાંક કહ્યું છે કે ‘ઉશનસ્ પ્રકૃતિકવિતાના આધિમતત્ત્વ રૂપે ‘તૃણ’ ઉપર ઠર્યા છે. ને પ્રણયકવિતામાં તે ઠર્યા છે ‘ચહેરા તત્ત્વરૂપે’; ક્યારેક જોકે આ તૃણરેખા અને ચહેરાની રેખાઓ મારી કવિતામાં સેળભેળ થઈ જતી જોવામાં આવે છે’, જુઓ :’

“તૃણપત્તીએ દીધી પાછી દેખા,
એ જ એ જ એ રેખા.”

‘રસ્તો અને ચહેરા’ સૉનેટમાળા શ્રી સિતાશું યશશ્ચંદ્રને નોંધપાત્ર લાગી છે; એમાં મારી એક મનુષ્યચહેરાની યાત્રાની વાત છે. મારી ‘પ્રણય’ કવિતા કેવળ ભાવનાત્મક નથી, એમાં વ્યક્તિઓના ચહેરાઓની રેખાઓ મેં ઘૂંટ ઘૂંટ કરી છે; જાણે પૂર્વજન્મે કોઈ ચહેરો જોયો છે ને ચાહ્યો છે તેને હું હવે આ જન્મે શોધ્યા કરું છું : ને તેની સાથે મળતી આવતી રેખાઓ ક્યાંક જોઉં છું તો પછી આકુળવ્યાકુળ બની જાઉં છું. છેક ‘પ્રસૂન’થી આ ઝંખના ચાલુ જ છે. ને તે વધુ ને વધુ તીવ્ર થતી આવી છે ને કદીયે શમી નથી. ‘પ્રસૂન’ (૧૯૫૫)માં એક સૉનેટમાં તે આમ પ્રગટી છે. ‘ચરમ લક્ષ્ય’ (૪-૮-’૪૬) સૉનેટનો આરંભ આમ થાય છે :

“તને ચાહી છે ને ચાહીશ વળી હું જિંદગી લગી
પરંતુ યાત્રી હું ક્ષણક્ષણ વધુ સુંદર તણો.
ન કિંતુ યાત્રા આ તવ ભવન સોપાન અટકે.”

જોકે એમાં તારી કોઈ અવમાનતા નથી કેમ કે ‘પ્રિયે, તારામાં એ નીરખ, નિજ કો રેખ ખીલવે’ પ્રેમની કવિતા ચહેરા ઘૂંટવાની કવિતા છે – કેમ કે રેખા જ રૂપને ઘડે છે. “મધુર નમણા ચહેરાઓનો ભવોભવનો ઋણી” જેવી પંક્તિમાં એવી લાગણીની એક ટોચ નીકળતી દેખાય છે. ૧૯૭૬માં વિદેશયાત્રાએ પશ્ચિમમાં જવાનું થયું તો તેનો કાવ્યસંગ્રહ ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ એવું નામ ધારણ કરે છે અને અંતે આવતાં કૃતિ આમ આકાર લઈ શમે છે : “ચહેરે ચહેરે એમ અંતે વિશ્વમેળે” જીવનયાત્રા જાણે ચેહરે ચહેરે ફરવાની યાત્રા બની રહે છે. અને ચાહેલા ચહેરાઓથી જ જાણે જીવનની ઉપલબ્ધિ માપવાનો માપદંડ મળ્યો છે. ક્યાંક તે વાત આમ ઉત્કટ થઈને પ્રગટ થઈ છે. “મને ચહેરાઓનો ચડસ”, “મને આ રેખાઓ રીબવી રીબવી મારી ઠરશે” અને અહીં ચાહેલા ચહેરાઓ માટે જાણે ફરી ફરી જન્મવું પડશે એવી લાગણી મેં અનુભવી છે. વતનપ્રીતિની વાત પણ છેવટે બાના ચહેરા રૂપે જ પમાય છે. ‘વતન ને બાનો ચહેરો’ (અશ્વત્થ-૧૯૭૪) ‘રસ્તો અને ચહેરા’ સૉનેટવાળા આવા રસ્તે મળતા ચહેરાઓ, ઘૂંટતા પ્રેમની યાત્રાની કૃતિઓની ગૂંથેલી માળા છે. તો ‘અનહટની સરહદે’ (૧૯૬૬) મારા વનપ્રકૃતિના નિબિડ અનુભવની સૉનેટમાળા છે જે ‘સ્પંદ અને છંદ’ (૧૯૬૬)માં પ્રગટ થઈ છે. આ આઠેય સૉનેટો બચુભાઈએ ‘કુમાર’માં ખાસ અપવાદ રૂપે એકસાથે છાપ્યાં હતાં ને નોંધ પણ મૂકી હતી કે આ સૉનેટમાળામાં કવિની સર્જનચેતના પણ અનહદની સરહદે રહીને પ્રવર્તે છે. કોઈક વિવેચકોને આ સૉનેટમાળા આપણી ભાષાની એક સમૃદ્ધ કૃતિ લાગી છે. તો રાધેશ્યામ શર્માને એમાં કશીક ‘સેક્સ’ સંવેદના પણ અનુસ્યૂત થઈ છે એમ લાગ્યું છે. ખાસ તો તેના ૮મા સૉનેટમાં ‘ઝૂરતી ત્યહીં કો રાજકુંવરી’ જેવા ઉલ્લેખમાં આદિમતાનું પગેરું પ્રથમ તો મને તૃણતત્ત્વમાં મળ્યું હતું; તે છેવટે ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) કાવ્યસંગ્રહમાં તૃણદર્શનમાં પરિણમતું જોઈ શકાશે. તૃણ મને બ્રહ્મતત્ત્વનું પ્રતીક લાગ્યું છે. સ્વ. શ્રી સુંદરમ્ અને તૃણતત્ત્વમાંથી નીકળી જવા સૂચવતા હતા, પણ મેં એમનું માન્યું જ નહીં. મને તૃણ એ પ્રકૃતિની સંસ્કૃતિ ઉપર વિજયપતાકા જેવું લાગ્યું છે. તો શ્રી સુરેશ જોષીએ ‘કેસૂડાં’ના વાર્ષિક અંકનું સંપાદન કર્યું તેમાં મેં એક આખી ‘હાઇકુમાલા’ જેવો પ્રયોગ તૃણનાં આલંબને કર્યો હતો. તેમાં તૃણબ્રહ્મનું નરસિંહ મહેતાની જેમ આવું દર્શન કર્યું હતું : “લીલા લટકાં કરે તૃણનો બ્રહ્મ”. આ તૃણની આંગળી પકડીને જ હું દક્ષિણ ગુજરાતના વનાંચલોમાં પ્રવેશ્યો છું. ‘અનહદની સરહદે’માં હું આદિમ આવેગો ને અનામી આશ્રયો લઈને ડાંગના અડાબીડ વનમાં ગયો હતો; એ સૉનેટમાળા પછી હું જાણે હવે ‘તૃણ અને તારકો’ વચ્ચે આવી ગયેલા એક ગ્રહની જેમ બન્ને બાજુનું આકર્ષણ અનુભવું છું ને તેથી ‘તૃણ અને તારકો વચ્ચે’ (૧૯૬૪) જેવી કૃતિ જન્મે છે. જેની ટોચ આવી પંક્તિઓમાં આવે છે :

“તારકો ને તૃણની બિચોબિચ.
તારકો ને તૃણથી ખીચોખીચ!”

મને લાગે છે કે મારી કૉસ્મિક અનુભૂતિ કંઈક આવા વાસ્તવવાળી છે. હું દ્યાવાપૃથિવી વચ્ચે ને બન્નેનો જાણે કોઈ વિવર્ત છું. મારી ચેતનાએ જાણે પૃથ્વીને ઓળંગી છે ને હવે હું આકાશપ્રભાવિત છું. હવે જાણે એકલી પૃથ્વીની કે એકલા આકાશની વાત કરી શકાતી નથી. – આ અનુભૂતિમાં હું કેવી રીતે દૃઢ થયો તેના કારણમાં જતાં મને એમ લાગે છે કે હું ધીમે ધીમે ઉપનિષદોમાં વેદાંતદર્શનમાં ભારતીય દર્શનના તાત્ત્વિક પ્રભાવમાં વધુ ને વધુ આવી ઠર્યો હતો. ખાસ તો ગીતાના, વિનોબાના, શંકરાચાર્યના પ્રભાવમાં ને તે જ વખતે અમેરિકન વૈજ્ઞાનિક કાપ્રાનું “તાઓ ઑફ ફિઝિક્સ” વાંચ્યું ને તે અને વેદાન્ત જાણે ચિત્તમાં એકાકાર થઈ ગયાં. આખું વિશ્વ નટરાજના નૃત્ય જેવી લયબદ્ધ ગતિમાં આંદોલિત છે. એ આ બંને વિચારણાના પાયામાં છે. શંકરાચાર્યનો પેલો શ્લોક પણ ચિત્તમાં ઘર કરે છે ‘લોકત્રયં શાંભવ નર્તનસ્થલી’. અને પરિણામે તૃણ અને તારકોનો અભેદ અનુભવ્યો. બધું લયબદ્ધ રીતે રાસમાં હોય તેમ એકબીજાની સાથે તાલમાં ને તાલીમાં જાણે પ્રવર્તે છે. બધું જાણે એકબીજાની પાસે સરે છે, ને એકબીજાથી સંભોગાઈ જાણે ત્રીજા વિવર્તને જન્મ આપે છે અને આ એક અનંત પ્રક્રિયા રૂપે પ્રવાહિત છે. આ જ દર્શન પછી ‘વ્યાકુળ વૈષ્ણવ’ની કેટલીક ગીતિઓમાં અને ‘સદ્‌માતાનો ખાંચો’માં પણ ‘નષ્ટોમોહઃ’ નામક પ્રકરણમાં પણ નિરૂપાયું છે. અને આ ગાળામાં લખાયેલી કેટલીક મારી ‘એક્‌સ્ટસીઓ’માં પણ તે જોવામાં આવશે. મારે એમ પણ કહેવું જોઈએ કે આ અનંત સંકુલ તરંગલોલ દર્શને મારી એક્સ્ટસીઓને ચાલના પણ આપી છે. આ એક્સ્ટસી, એ શી ચીજ છે? એ બધું સેળભેળ કરી દેતી, અવનવા વિવર્તોમાં સંકર, સંસૃષ્ટિની પ્રક્રિયા અને પરિણામે અનુભવની એક અદમ્ય વન્ય ફૂંક છે; એક સેળભેળ કરી મૂકતો વાવાવંટોળ છે જેમાં ભાષા, ભાવ ને ભંગિમા, બધું જ જાણે ઉદ્ધત લયમાં નર્તન કરતું એકબીજામાં મળી જતું ગતિ કરે છે. આ વખતે જો છંદ હોય તો તે રમણે ચઢે છે અથવા અછાંદસમાં હિલ્લોળા લે છે. ઉભયરીતિમાં માણવાનો છે આવેગ જ બધાં જે ઉપકરણોને તળે ઉપર કરી મૂકે છે તે આવેગ જ. એમાં માણવાની છે તે તો છે સંકુલતા. આ ત્રણે ઉપકરણોની ગૂંચવાયેલી લટોની વેગીલી ગૂંથણી પણ એક અશક્તિની ગતિ નથી તેથી જ તે એક અરાજકતા રૂપે પરિણમતી નથી. તેની પોતાની એવી એક વ્યવસ્થા છે, પોતાનો એક rhythm – લય છે, ચાલના છે. છેક હમણાં ૧૯૯૦માં જ ‘ફૂંક’ નામે રચાયેલી ને ‘પરબ’માં પ્રગટ થયેલી એક એક્‌સ્ટસી-રચના જોઈએ :

“એક સર્જક-ફૂંક નીકળી છે ભરપૂર
કોઈ ધમણ જેવી છાતીમાંથી
ફૂંક્યું છે રે કોઈએ બ્રહ્માંડનું પોલાણઃ
પાતળો ને પારદર્શક
ઊંચો ને ઊંડો જતો,
મોટો ને મોટો થતો
જાય છે રે આ પરપોટો
એક ફૂંક અને શો શૂન્યમાં સણકો ઊઠ્યો છે!
કષ્ટાઈ રહી છે બ્રહ્માણ્ડની કૂખ,
પ્રસવની ચૂંક નીકળી છે.”

આ પૂર્વેની મારી ‘અસ્થમેટિક્સ’ની સૉનેટમાળા જુઓ. ‘અસ્થમા’ એટલે દમ. મને શ્વાસનું દર્દ, એટલે સૂકી પહાડોની હવા, પ્રભાતનો તડકો, મને જાણે પાગલ બનાવી દે છે ને, ભીના ભેજવાળા વલસાડથી હું નાસી છૂટું છું. ને પછી પહાડોમાં તડકામાં ને પવનોમાં આવી હું દેડકાની જેમ હાંફું છું. આ તડકા, આ હવાને શું કરું? એને પોશે પોશે જાણે ઉછાળું છું, પીઉં છું, ચાહું છું, બૂકડા ભરું છું. એક અકરાંતિયાની જેમ. ને તેમાં આવી પણ એક પંક્તિ જન્મે છે : ‘ઉછીનુંય અલ્યા, આલોને કો મને બીજું ફેફસું’ દમ જેવા દર્દમાં હું આખી રાત હાંફું છું ને જાગતો બેસી રહું છું; પ્રભાતે સૂર્ય ઊગતાં હું જાણે સૂર્યને એફિડ્રિનની ટૅબ્લેટની જેમ ગળી જાઉં છું ને હાંફ બેસી જાય છે; હાંફમાં શ્વાસનળીઓમાં જે વાવાઝોડું ફૂંકાય છે તે જો સમુદ્રકાંઠે ફૂંકાયું હોત તો કેટલીય હોડીઓને ડુબાડી દેત. આમ દમને પણ એસ્થેટિક દૂરતા આપી છે ને કાવ્યમાં ઊજવ્યો છે. જે જે ઉપાધિયોગ આવ્યો તેને જાણે કવિતામાં સમાધિયોગમાં પલટી નાખ્યો છે. વિસ્મય અને આવેગબળ એ મારી કવિતાના મૂળમાં છે ને તે કૃતિને ચાલના આપે છે. પ્રકૃતિની જેમ મારી પ્રેમકવિતામાં પણ આવા આવેગોની એક્સ્ટસી રચનાઓ છે. હું પ્રેમને પણ એક આદર્શ ભાવના કે તત્ત્વજ્ઞાનમાં લઈ જતો નથી પણ એને એસ્થેટિકલી આદિમ વન્ય આવેગોથી ઇન્દ્રિયગ્રાહ્યતામાં મૂર્ત કરીને પામું છું, માણું છું. આ એક્‌સ્ટસી રચના પછી હું, જ્યારે તેની કળ ઊતરે છે ત્યારે સમાજનાં દુઃખદર્દો જોઉં છું. ત્યારે કશીક પ્રતારણાનો ભાવ અનુભવું છું. લોકનાં આવાં દુઃખદર્દો હોય ત્યારે આવી ‘એક્‌સ્ટસી’નો શો અર્થ? આ એક escapisim – ભાગેડુવૃત્તિ છે, મારે મારી શબ્દશક્તિ સામાજિક દુઃખદર્દોના નિવારણમાં યોજવી જોઈએ એવી એક પ્રબળ લાગણી થઈ આવે છે. છેક ‘પ્રસૂન’થી મારી કવિતાની જાણે આવી બે ધારા પ્રધાન-ગૌણ, રીતે વહી રહી છે ને તે કદી લુપ્ત થઈ નથી. ‘પ્રસૂન’, ‘આર્દ્રા’માં તરત ઉપર વર્તાઈ આવે એવા સૂરે પ્રગટી છે ‘કોક જણે તો કરવું પડશે ભાઈ’ કે ‘દેશ મારે આંગણિયે આવે ને જાય’ કે ‘ભારતમાં જન્મ્યો છે, તારી જબરી જવાબદારી’, – વચ્ચે એ લુપ્ત થતી લાગે છે. ‘અશ્વત્થ’ (૧૯૭૫) સંગ્રહમાં મેં એક જાહેરનામું ગ્રંથના આરંભમાં મૂક્યું છે કે મારી કવિતાએ હવે સંદેશા આપવાનું છોડી દીધું છે ને હું હવે જાણે એક અવકાશયાત્રી છું ને માત્ર બ્રહ્માંડમાં લીધેલી વિસ્મયની છબીઓ હવે ઝીલું છું ને પૃથ્વી ઉપર સંક્રાંત કરું છું. બસ, મારું આ એક જ કામ હવે રહ્યું છે એવી એની મતલબ રહી છે, પણ તે છતાં હું મનુષ્યનાં સામાજિક આર્થિક દુઃખદર્દોથી મારી કવિતાને મુક્ત, તટસ્થ રાખી શક્યો નથી. છેક આરંભથી જ મારી તો આ દશા છે : “મને બન્ને ખએંચે પ્રણય : પ્રથમીનો, રમણીનો.” આ બન્ને બાજુના ખેંચાણે – તાણાતાણે જાણે હું રહેંસાઈ રહ્યો છું; આવાં સામાજિક નિસબતનાં કાવ્યો છેક આજ સુધી રચું છું ને ‘નિરીક્ષક’ ને ‘ભૂમિપુત્ર’માં પ્રગટ પણ કરતો રહ્યો છું. હવે એનો એક સંગ્રહ કરવાની ઇચ્છા છે; નામ પણ વિચારી રાખ્યું છે ‘માનવીનો ઊતરેલો ચહેરો’. એમાંનું એક ‘છેલ્લો માણસ’ કાવ્ય છે એણે દલિતોનું સારું ધ્યાન ખેંચ્યું છે. મેં હંમેશાં માન્યું છે કે કવિતાનો શબ્દ એક ઊર્જા છે, શક્તિ છે. એને આપણી સામાજિક, જાગતિક નિસબતોમાં પ્રયોજવી જોઈએ, જીવનની ભરપૂર સંકુલતામાં એને સંડોવવી જોઈએ, મને પેલી પ્રો. ઠાકોરની પંક્તિઓએ સતત પ્રેર્યો છે ને સાવધાન પણ રાખ્યો છે : “બધા સૂર ખિલાવજે મનુજચિત્ત સારંગીના” પણ ક્યારે પેલું “રટણ સૂક્ત સૌંદર્યનું” ભૂલતો નહીં. કલાના ઊંચા આદર્શોનો ભોગ આપ્યા વિના કવિએ બધે જ, જીવનમાં બધે જ ફરી વળવું જોઈએ એમ માનું છું. છેક ૧૯૯૦માં રચાયેલી આ કૃતિ ‘અગ્નિહોત્રનું વ્રત’ જોઈએ, અલબત્ત, તે ગાંધીરીતિની જ સર્વોદય ક્રાંતિ આલેખે છે :

“આપણા એ વાત્સલ પૂર્વજ
આપણા અંધારા ઘરના ગોખલામાં
દીવાસળીની એક પેટી મૂકતા ગયા છે,
એક એક દીવાસળીમાં ઢાંકી ઢબૂરી ગયા છે
આવતી કાલના પ્રભાતનો એક એક ઉજ્જ્વલ સૂર્ય,
હવે તેનો તમે તડકો કરો કે ભડકો,
દવ ચાંપો કે પેટાવો દીપક,
બધું હવે તમારા જ હાથમાં છે.”

પ્રથમથી જ હું પૃથ્વીના ને માણસના પ્રેમમાં રહ્યો છું તેનું મને એક કવિ તરીકે ગૌરવ પણ છે. હું જેમ જેમ વિચારું છું તેમ તેમ મને સમજાતું આવે છે કે આ અખિલ વિશ્વ મૂળે તેના સ્રષ્ટાની આનંદલીલા છે. આનંદ એની સિસૃક્ષાના મૂળમાં એક એક્‌સ્ટસીની જેમ રહેલો છે. એ ઉપનિષદવાણીથી હું પ્રભાવિત છું. આપણે સૌ અમૃતના, આનંદના પુત્રો છીએ. એ એક આખો આનંદલોક, નર્યો સૌંદર્યલોક છે; એ આદર્શ સૌંદર્ય-ઉપભોગમાં આપણી ગરીબાઈ, આપણું પછાતપણું, આપણા ભેદભાવ, ઊંચનીચપણું, આપણાં દુઃખદર્દો બધું બાધક નીવડે છે. આ બધાના નિવારણમાં કવિતા પ્રવર્તે તો અંતતોગત્વા તે વૈશ્વિક સૌંદર્ય ઉપભોગના, એસ્થેટિક્સના પ્રવર્તનની જ તે વાત બનીને રહે છે. આપણા રસનો જ, રસાત્મકતાનો જ તે તે વિષય બની રહે છે : છેવટે આ નિસબત સૌંદર્યના, આનંદના ભાવન – સર્જનની જ વાત બની રહે છે. ‘વ્યાકુળ વૈષ્ણવ’ ૧૯૭૭માં પ્રગટે છે. સ્વ. શ્રી સુંદરમે એને ‘ગુજરાતની ગીતાંજલિ’ કહી મૂલવી છે. મેં એમને એ વિશે પૂછ્યું હતું : “આપે આ વિધાન ગંભીરતાથી કર્યું છે?” તો કહે, “પૂરી ગંભીરતાથી ને જવાબદારીપૂર્વક.” એ મુરબ્બી પ્રસ્તાવનાના આરંભે તો સાશંક ને કડક ટીકાકાર હતા; પણ જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ તે આ નિર્ણય ઉપર આવીને અટક્યા; મને તો તેથી આનંદ થયો જ પણ પ્રસ્તાવનામાં એમણે આ ગીતિઓમાં ક્યાંક ક્યાંક પરમાત્મા નહીં પણ કોઈ વ્યક્તિ, પ્રિયતમાનાં એંધાણ પારખ્યાં છે. ને મારે કહેવું જોઈએ કે તેમની તે વાત સાચી છે. ‘વ્યાકુળ વૈષ્ણવ’માં વ્યાકુલતાનું તત્ત્વ સાચકલું છે પણ તે ‘વૈષ્ણવ’ તો સર્વત્ર ને સર્વથા નથી જ. આ ગાળામાં વ્યક્તિનિષ્ઠ પ્રીતિનો જાણે જુવાળ આવ્યો છે; એ કોઈ એક્‌સ્ટસીમાં ઉદ્ધત તાલે પ્રગટ થવાને બદલે આ વખતે તે ગીતિ ઢાળમાં ઢળે છે! ગીતિ એક આત્મનિવેદનાત્મક માત્રામેળ રીતિ છે એમ સુંદરમે નોંધ્યું છે. વ્યાકુલતાના રસાયણે જ વ્યક્તિ ને વિભુ વચ્ચેની ઝીણી આડરેખાને ભૂંસી નાખે છે; ને બધું પ્રેમના દર્દમાં એકાકાર ને આલોકિત થઈ ગયું છે; એમાં વિભુ કે વ્યક્તિ ગમે તે હોય પણ સમાન લક્ષણ તો દર્દભરી વ્યાકુલતા જ છે : પ્રેમ જ વ્યક્તિને વિભુ – ખુદા બનાવી મૂકે છે; મારી ‘વ્યાકુળ વૈષ્ણવ’ની ગીતિઓમાં મને તો તેની પ્રથમ ગીતિ ખૂબ ગમે છે ને તે આખા ગ્રંથનો જાણે કે આમુખ બની રહે છે.

“પડવાની ઝીણી વાટ પાતળી મૂકી કોડિયે બાંકી
વિરહિણી કોઈ દીપ પેટવી વ્રેહની કરી લે ઝાંખી,
બીજત્રીજના ખરે મોગરા, શગ સંકોરે પ્રીતિ,
અંધારામાં વ્રત ફળજો મુજ, મિલનની મળજો મિતિ,
દેવ, જજોજી, પૂર્ણચંદ્રનું વલય કોડિયે આંકી.”
(૨૩-૭-’૬૮)

‘વ્યાકુળ વૈષ્ણવ’ની ગીતિઓને રઘુવીર ને ચંદ્રકાંત શેઠે આપણા ગીતનું કંઈક નવું જ સ્વરૂપ ગણ્યું છે; આપણા અભિનવ વિવેચક ને અભ્યાસી એવા ડૉ. રમણ સોનીને આ ગીતિઓ નોંધપાત્ર લાગી છે. હવે એમાં ક્યાં છે સંસ્કૃત શબ્દોની ભરમાર કે સામાસિકતા? વ્યાકુલતાએ આખી બાનીને જ જાણે પ્રાંજલ બનાવી દીધી છે. મેં અગાઉ કહ્યું તેમ આ ગીતિલય છેક ‘પ્રસૂન’થી દેખાય છે. નગીનદાસના રવીન્દ્રપદ્ય અનુવાદોએ આગળ જતાં પુષ્ટ કર્યો છે. આપણે ‘પ્રસૂન’ (૧૯૫૫)ની એવી થોડીક ગીતિઓ જોઈએ :

“કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે,
એક્કે કામ નથી કરવાનું મારે આ જનમારે”
(‘કેવળ ફરવાને’ તા. ૨૧-૪-’૪૭)

‘વગડાનો શ્વાસ’માં ડૉ. સુરેશ દલાલે આવા વલણની ગુજરાતી બીજી કૃતિઓ નિરંજન ભગત ને જયન્ત પાઠકની સાથે મૂકીને દર્શાવ્યું છે કે આવા વલણના સૌથી પહેલા ઉદ્‌ગાતા ઉશનસ્ છે છેક ૧૯૪૭માં. બીજા તો તે પછી આવે છે. આ મેળામાં આવ્યાનો આનંદ-ભાવ અહીં સહજ ઉછાળે ઊછળ્યો છે. “હું તો આ ધતી પર આવ્યો કેવળ જોવા મેળો.” ને મેળામાં છેવટે આવું દર્શન વિકસે છે!

“કોઈ નથી મોટું રે, મોટું કેવળ છે આ પૂર”
કવિ પ્રજારામને સૌપ્રથમ આ કૃતિ મેં વંચાવી હતી; તો એ બોલી ઊઠ્યા હતા : કેવળ શુદ્ધ કવિતાનું આ ગીત છે! તે પૂર્વે રચાયેલી આવા લયની જ ‘પ્રસૂન’માં આ ગીતિ છે. ‘ઉદ્‌ગાર’ને જુઓ :
“બસ ઊભા રહેવા દો મુજને આજે ખુલ્લી હવામાં,
ખુલ્લા આ આકાશની નીચે,
સૌ સંગાથે, સૌની વચ્ચે;
તારું વિશ્વ હૃદય આશ્લેષી લેવા દે જનતામાં”
(૮-૩-’૪૪)

‘વ્યાકુલ વૈષ્ણવ’નાં ભાવ, ભાષા ને ભંગિનાં મૂળિયાં આમ પ્રથમથી જ દેખાય છે. ૧૯૭૭માં પશ્ચિમ દેશોના પ્રવાસે ગયો હતો. તેનું કાવ્યપરિણામ તે ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯)માં આવ્યું છે. આ પૂર્વે મેં અછાંદસ રીતિમાં લખ્યું તો છે પણ આ વખતે પશ્ચિમના પ્રવાસમાં હું નર્યો એ નૂતન જગતદર્શને આશ્ચર્યભાવલીન રહ્યો હતો. અહીં પણ વ્યક્તિ ને વિભુ તત્ત્વના પ્રેમનો વિસ્તાર જ હતો. અહીં મેં આ પૃથ્વી તો એ જ જોઈ જે મારા વાડામાં, વતનમાં જોઈ હતી! આ અભિજ્ઞાન કેવળ ‘તૃણ’ને કારણે જ મને થયું એટલે પૃથ્વીને ‘તૃણવતી’ કહી. અને એક ચહેરો હું સ્વદેશમાં આવ્યો ત્યારે સ્મગલ કરી લાવ્યો છું. એમ એક ચહેરાની વાત પણ આવે છે. મારા આ પ્રવાસમાં આમ હું આખો જ ગૂંથાયો છું, ઊકલ્યો છું ને સમેટાયો છું છેક ૧૯૭૬ સુધીનો! એટલે એમાં પ્રકૃતિ અને સંસ્કૃતિના તથા ઇતિહાસ અને ભૂગોળના તાણાવાણાનું પટકુળ વણાયું છે. શ્રી રઘુવીરે એને “મૂલ્યનિષ્ઠ સૌંદર્યયાત્રા” કહી છે. ને મુ. શ્રી યશવન્તભાઈએ તો કહ્યું, “આ સંગ્રહમાં વિશ્વ ઉપર કવિનું વહાલ વરસી રહ્યું છે.” આ ‘મૂલ્યનિષ્ઠ સૌંદર્યયાત્રા’ છેવટે તો મારી પ્રેમયાત્રા જ છે. પણ મારે જે તરફ ધ્યાન દોરવું છે તે તો તેમાં પ્રવર્તતા અછાંદસ તત્ત્વ વિશે છે. આખા પશ્ચિમપ્રવાસમાં હું મારા ચિત્તના એકાન્તમાં ને પછી ડાયરીબુકમાં આવી વિસ્મય-વહાલની નોંધ કરતો ગયો. આ નોંધો જ એવી અકૃત્રિમ, કાવ્યલયમાં ઊતરી આવી હતી કે મેં તેવી જ ‘પૃથ્વીના પશ્ચિમ ચહેરે’માં રહેવા દીધી છે. અછાંદસ ‘જીનનનો લય તૂટે તો કવનનોય લય તૂટે’ એ ન્યાયસૂત્રે મારામાં આવ્યું નથી. મારું એ વલણ ઘણા આધુનિક વિવેચકોને ટીકાપાત્ર લાગ્યું છે, પણ અગાઉનું ન્હાનાલાલનું અપદ્યાગદ્ય પણ જીવનનો લય તૂટવાથી ક્યાં આવ્યું હતું? અછાંદસ કે ગદ્યછંદ આપણા ભારતમાં રવીન્દ્રનાથ જેટલાં જૂનાં છે. જે ભાવનાપૂર્ણ શ્વાસોને કારણે પાળ તોડીને પ્રગટ્યાં છે. મારામાં તે વિસ્મયાનંદની છોળથી તૂટ્યાં છે એ નોંધવું જોઈએ.

‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’માંની પંક્તિઓ માણીએ :
“આ આખી યાત્રા જ તારા
વ્હાલસોયા મુખની રેખાએ રેખાએ ચાલી છે જાણે
જાણે કે આ પ્રેમયાત્રાની પગલીઓ ઊઘડી છે”


“તું એની એ તો છે, તૃણવતીય પ્રીછું તૃણવતિ!”


“ઘાસ ફૂટવા માટે જમીનને કેટલો વરસાદ જોઈએ?
બોલ્ટનમાં ઝીણી ઝીણી ઝરમર ઝરે છે
કેવળ ઘાસની પત્તીઓ માટે”


“અહીં પગદંડીઓમાં ફૂટું છું.
ઘાસમાંની કીડીની જેમ


ઘરે પાછો આવી ગયો છું
અને લાવ્યો છું તારી એક રહસ્યવાત.
સાન્તાક્રુઝના ઍરપૉર્ટના
કસ્ટમ અધિકારીઓથી છુપાવી
એક તારો ચહેરો સ્મગલ કરી લાવ્યો છું ને હવે
જોરથી ધડકું છું દમિયલની માફક તેના ઉપર ઝૂકીને.”
તો, અંતિમ કૃતિ ‘પરિણતિ’નો લય તો મને ખૂબ ગમે છે : (૧૫-૪-’૭૭)

“ચ્હેરે ચ્હેરે એમ અંતે વિશ્વમેળે!
નેળે નેળે સાંજ પડ્યે પાછા ઘેરે!
વ્હેળે વ્હેળે, પળ ખાઈ નદીઆરે
લ્હેરે લ્હેરે તટહીન મઝધારે!
છંદે ગીતે છલોછલ ચલે ગતિ,
અંતે મીંડે શાંતિનીડે પરિણતિ”

જોઈએ તો આ ‘વનવેલી’ જ છે! મને તો મારી ને ગુજરાતની ભાવિ કવિતામાં ‘વનવેલી’ના લયના ભારે પ્રવર્તનની આશા દેખાય છે. શું લિરિકમાં, શું પદ્યનાટકમાં કે શું દીર્ઘકાવ્યમાં, સર્વત્ર. વાત બહુ લંબાઈ ગઈ, પણ એક વાત કરીને અટકું. ને એ વાત છે ગુજરાતી કવિતાની ૨૧મી સદીના ઉંબરે પ્રવેશે એક અટકળની. ૧૯મી સદીના ઉત્તરાર્ધે બે સંસ્કૃતિઓના સંઘર્ષે ૧૮૮૭માં ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહાકાવ્યોપમ ગદ્યકૃતિ પ્રગટી છે, જેમાં ભારતીય સંસ્કૃતિએ પશ્ચિમ સાથે લીધેલી ટક્કર વ્યક્ત થઈ છે. ગાંધીયુગમાં સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદે સુંદરમ્-ઉમાશંકરને હાકલ કરી હતી કે ગાંધીયુગનું મહાકાવ્ય આપો, તે તો થયું નથી ને તે બન્ને કવિઓય અને ત્રીજા ટહેલ નાખનારેય હવે આપણી વચ્ચે નથી. ‘દર્શકે’ ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ના ત્રણ ભાગમાં બીજી એવી, બીજા વિશ્વયુદ્ધ પછી – ને ગાંધીપ્રભાવમાં સાંસ્કૃતિક ટક્કર લીધી છે, વિદ્યાપીઠના પ્રભાવ વગર જ ગોપાળબાપાની તળપદ યુનિવર્સિટીના જ પ્રભાવે. શ્રી સુંદરમે શ્રી અરવિંદ દર્શનની ધીંગી કૃતિઓ આપી છે તો ઉમાશંકર જીવનભર કોઈ મહા પદ્યનાટકને અવતારવા મથી રહ્યા હતા. તે પૂર્વે ‘વિશ્વગીતા’માં નાનાલાલ પણ આવું પદ્યનાટક તાકતા લાગે છે. શ્રી સુરેશ જોષી કોઈ મહાન રચના માટે મહાન પ્રશ્નોની મોઢામોઢ રહેવાનું કવિઓને કહેતા હતા : પણ તે કાવ્યના આંતરિક ને બાહ્ય જાડ્‌યની સામે ઝઘડતા રહ્યા. ને હવે તો તેય નથી. શ્રી રઘુવીર જેવા, કૉન્ગ્રેસી લોકશાહી શાસનમાં તળે ઉપર થતાં આપણાં ગામડાંનાં સ્થિત્યંતરોને અનેક સ્તરોએ પન્નાલાલ પછી નિરૂપે છે. જેમાં પાછી ભારતીય તળપદ ટક્કર જોવા મળે છે. અને આવી ટક્કરોમાં મને રસ છે. ૧૯૯૧ સુધીમાં તો વિશ્વનો નકશો બદલાઈ રહ્યો છે, દેશો તૂટીને નવી સંધિમાં જોડાય છે, ગઈ કાલનો તૂટેલો માનવસમાજ નવેસર ગોઠવાવા મથી રહ્યો છે. ભારત – ગુજરાતનો માનવસમાજ પણ બીજા નવપ્રબોધમાં છે. આપણું દલિતસ્તર પણ આ તત્ત્વની શોધમાં નીકળ્યું છે. ચંદ્રની માટી પૃથ્વી પર આવી ગઈ છે. નવી આશા પ્રગટતી લાગે છે. તૂટેલા હાથને આત્માવાન શરીરમાં જોડવાનો છે. તૂટેલા મનુષ્યને સમાજમાં ફરી સ્થાપવાનો છે. પૃથ્વીને આકાશમાં નવેસર તારાગ્રહો વચ્ચે સ્થાપવાની ક્ષણ છે! શું કરીશું આપણે? કોઈ મહાન, સંકુલ સર્જનને યોગ્ય એવી આ ક્ષણ છે; ગુજરાતમાં મહાકાવ્ય જન્મશે? કે મહાનાટક? કે મહાનવલ? વ્યાસ-વાલ્મીકિ પછી ત્રીજા કવિની વિશ્વ જાણે રાહ જુએ છે, પણ અહીં ગુજરાતમાં આપણે આવું જ ઝંખી રહ્યાં છીએ ખરાં? ૧૯૯૧ના અંતભાગમાં એકંદરે વૈશ્વિક પરિસ્થિતિ સકારાત્મક વળાંક લઈ રહી છે. સામ્યવાદ પૂર્વયુરોપમાં, ખુદ સોવિયેટ રશિયામાંય બંધિયાર સમાજ મટીને બાકીના વિશ્વ તરફ વધુ ખુલ્લો ને લોકશાહી વલણ ધરાવતો થયો છે, વિભાજક એવી બર્લિનની દીવાલ તૂટી ગઈ છે. શીતયુદ્ધ લગભગ પૂરું થઈ ગયું છે. ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ હમણાં તો દેખાતી નથી; ઠેરઠેર લોકતંત્રનો ઉદય થતો દેખાય છે. યુનો વધુ અસરકારક બનતું દેખાય છે. અણુશક્તિનો શાંતિ માટે ઉપયોગ કરવો એવું વલણ વધતું જાય છે, અણુશસ્ત્રો, મહાસત્તાઓ વડે જ પાછાં ખેંચાઈ રહ્યાં છે. વિજ્ઞાને પૃથ્વીની સરહદ ઓળંગી છે ને વિશ્વ અવકાશચેતનામાં દાખલ થયું છે તેથી આ પૃથ્વી ઉપર નવો જ પ્રેમ, નવી જ લાગણી જન્મી છે, નવો જ ઉદ્‌ગાર જન્મ્યો છે : ‘Oh I feel Earthsick.’ આ ‘પૃથ્વીઝુરાપો’ એક નવી જ રોમાંચક લાગણીના ઉદ્‌ગાર છે, આ એક મોટું turningpoint – પરિવર્તનબિંદુ છે. એક નવા જ દ્યાવાપૃથિવી ચેતનાના સાહિત્યની શક્યતાની, આ નવી જ ક્ષણ છે. માનવી પૃથ્વીસંદર્ભમાં ને પૃથ્વી બ્રહ્માંડ સંદર્ભે નવા રોમહર્ષણમાં છે તો, ભારતમાં ૧૯૯૧માં આપણે ૧૯૪૭ના આઝાદીપર્વ પછી ચાર દાયકા સ્વરાજ્યના – એટલે કે આબાદીના કાર્યક્રમના – ચાર દાયકા પસાર કર્યા છે. નર્મદયુગ એ યુનિવર્સિટીજન્ય પ્રથમ નવપ્રબોધ હતો, તો ૧૯૯૧માં વિદ્યાપ્રસારને કારણે તથા લોકાભિમુખ કારભારને કારણે બીજો નવપ્રબોધ યુગ બેઠો છે. આમ પ્રજા-સમાજમાં નીચલા સ્તરો થોડાક ભણતરેય પોતાની આત્મસ્થાપના માટે, હક્ક માટે જાગૃત થયા છે ને સમાજવ્યવસ્થામાં પોતાનો હિસ્સો માગી રહ્યા છે આથી આપણે આ બીજા નવપ્રબોધમાં કાલેલકર પંચે જેને પછાત વર્ગ ગણાવ્યો હતો તે (૧) હરિજન (૨) ગિરિજન ને (૩) સ્ત્રીજન. એમ ત્રણે વર્ગમાં હક્ક તરફે જાગૃતિ આવી છે. આનું એક સમવેત સ્વરૂપ તે દલિત સાહિત્યનો ઉદય છે. તેમાં આજે તો આક્રોશ વધારે છે પણ વધુ કાવ્યશાસ્ત્રના અભ્યાસે કલાસિદ્ધિ સાહિત્ય તરફ પણ હવે વધારે ને વધારે આવશે જ જે ભારતીય સાહિત્યને પ્રભાવિત કરશે. તો જ સર્વોદય કે અંત્યોદયની આપણી ક્રાન્તિ સફળ થશે. સામ્યવાદથી કંઈક જુદો એવો વિનોબાનો શબ્દ પ્રયોજું તો ‘સામ્યયોગ’ આત્મવાન એવો સામ્યવાદ પ્રસરશે. આ પુનઃ જાગરણ Revival નહીં હોય, સાવ નૂતન એવો આ બીજો પ્રબોધ હશે – ઉપેક્ષિત સ્તરોનો લોકપ્રબોધ. તો આપણે ત્યાં ગુજરાતમાં ૧૯૯૧માં કેવી પરિસ્થિતિ છે? પ્રથમ નવપ્રબોધ યુનિવર્સિટીજન્ય હતો, ખાસ તો અંગ્રેજી ને સંસ્કૃત ભાષાના સમન્વયે જન્મેલો. હવે આપણે ત્યાં અંગ્રેજી અને સંસ્કૃત બેય ભાષાઓનો પ્રભાવ રહ્યો નથી. પણ સ્કૂલો કૉલેજો વધી છે. છેક વનાંચલોના ઊંડાણમાં પણ વિદ્યાવિસ્તાર થયો છે એટલે આ બીજો નવપ્રબોધ યુનિવર્સિટીના તેજ વગરનો છે. અહીં પણ ત્રણે પછાતવર્ગો હક્ક પરત્વે જાગ્રત થયા છે ને હક્ક માગે છે. આપણે ત્યાં પણ દલિતસાહિત્ય, નારીવાદી, નવા પ્રગતિશીલ સાહિત્યનો જન્મ અને પ્રસાર-પ્રચાર થવા લાગ્યો છે જે હવે પછી વધુ ને વધુ અસરકારક બની ગુજરાતી સાહિત્ય ઉપર પ્રભાવ પાડશે એમ માની શકાય. ૧૯૫૬ની આજુબાજુ અસ્તિત્વવાદી, નિઃસારતાવાદી મોજું આપણે ત્યાં આવ્યું હતું. તેણે એક આડપેદાશ રૂપે શુદ્ધ સાહિત્યની કંઈક કલ્પના કરી હતી. તે ગાળાનો શુદ્ધ કવિતાનો શબ્દ છેવટે એટલો તનુ બની ગયો છે કે જીવનના ધીંગા પ્રશ્નોનો ભાર તે ઝીલી શકે તેવો રહ્યો નથી. અને આ બીજા નવપ્રબોધમાં જીવન તેની પ્રશ્નોભરી અખિલાઈથી સામે આવ્યું છે ને વધુ આવશે. ગુજરાતનો હવે પછીનો કવિ આ કેવી રીતે કરી શકશે તે વિચારણીય છે. કદાચ આપણે ગાંધીયુગની ધીંગી ભાષા, અનુગાંધીયુગની સૌંદર્યલય દીક્ષા ને આધુનિક કવિતાનો નિઃશેષ જાડ્‌યવિરોધ, એય સમન્વિત રીતે કેળવવાં પડશે. ભાવિ કવિતા Future Poetryમાં શ્રી અરવિંદે ફરી પાછા કોઈ છંદ પાસે જવું પડશે એમ ભાખ્યું છે. જે કોઈ ધીંગી કૃતિ(તે મહાકાવ્ય કે દીર્ઘકાવ્ય કે પદ્યનાટક હોય ભલે)ની રચનામાં ઉપકારક રીતે કામ લાગે તેવો હશે. આમ આપણે વૈશ્વિક રીતે વિજ્ઞાનમય અવકાશી ચેતનામાં છીએ, તો ભારતીય રીતે આમપ્રજાના બીજા નવપ્રબોધમાં ઐહિક રસે જીવનઉદ્ધારના સઘન પ્રયોગકાળમાં છીએ ત્યારે આવી કોઈ ધીંગી કાવ્યરચનાના કવિની અપેક્ષા રાખી શકીએ. આ એક સકારાત્મક ક્રાન્તિની ક્ષણ છે. ગાંધીયુગ વચ્ચે જે પ્રગતિશીલ ને વાસ્તવવાદી યુગ બેઠો હતો તેનાથી આ વધુ વ્યાપક ને સઘન કાર્યક્રમ છે તેના ટેક ઑફની જાણે ઘડી આવી પહોંચી છે. ૨૧મી સદીના ભાવિ કવિ માટે આ એક પડકાર હશે. આ સંકુલતાને વણી લેતા કોઈ કવિની ગુજરાત પણ હવે સકારણ રાહ જુએ છે. તો મારી ભાવિ દિશા શી છે? હું પણ આપણા વેદાન્ત અને કાપ્રાના વેદાન્તના સેવન ને ભાવનથી એક વિશિષ્ટ – સમન્વિત બ્રહ્માંડચેતનામાં પ્રવેશ્યો છું. તો બીજી બાજુ હું મનુષ્યસમાજનાં દુઃખદર્દોથી અલિપ્ત પણ નથી. કારખાનામાં જેને ‘Hand’ કહી ઉતારી પાડ્યો હતો તે Handને, આત્મવાન શરીરમાં ફરી ગોઠવવાનો છે, એવા શરીરને આત્મવાન વિશ્વસમાજમાં ફરી સ્થાપવાનું છે. પૃથ્વીને બ્રહ્માંડમાં તેના આત્મવાન વિશ્વસમાજ સહિત ફરી સ્થાપવાની છે, પૃથ્વીને બ્રહ્માંડમાં તેના યોગ્ય સ્થાને ફરી – નવેસર સ્થાપવાની છે. સ્વ. શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ કહેતા હતા તેમ આકાશમાં અવ્યવસ્થિત તારાઓને હટાવી નવેસર ગોઠવવાના છે. આ આખી પરિસ્થિતિ કોઈ સોળ માળા રૂપે કે કોઈ દીર્ઘકાળમાં કે કોઈ પદ્યનાટકમાં રચવાની મને ખૂબ ઇચ્છા છે; પણ જાણે આ સંકુલતા સામે ઊભેલો હું અશક્તિ અનુભવું છું. મને લાગે છે કે છંદ પાછો આવશે. હું કાન્ત કાલિદાસ જેવા સુઘડ છંદને ફરીથી ઝંખું છું. સુઘડ અનવદ્ય છંદોરચના એ મારી ભાવિ કવિતાનો એક આદર્શ છે. હું મારા Ecstasy જેવા આવેગોને સુઘડ છંદમાં ઢાળી શકીશ? બ્રહ્માંડ ઉપરાંત મારી સાથે પ્રથમથી જ રહેલાં બે વાનાં – પૃથ્વી ને પ્રિયતમાનાં અદમ્ય આકર્ષણો તથા છેલ્લા માણસની મારી ચિંતાને હું સંયોજી શકીશ કોઈ એકત્વવાળી પદ્યકૃતિમાં? મારે આ નૂતન કોસ્મિક – વૈશ્વિક અને ભારતીય પરિસ્થિતિની સંકુલતાસાથે જેને દ્યાવાપૃથિવી ચેતના કહી શકાય તેમાં આશ્ચર્ય અનુભવતો, ટકરાતો ને વ્યવસ્થાતો માણસ નિરૂપવો છે કોઈ નૂતન છંદમાં, પણ તે મારાથી થઈ શકશે ખરું? ન જાને.