પરોઢ થતાં પહેલાં/૧
ટ્રેન ઝડપથી ધસતી જતી હતી. બંને બાજુનું આકાશ સાથે સાથે ચાલતું હતું, પણ ધરતી પાછળ સરી જતી હતી. એક પછી એક આવીને પસાર થતાં વૃક્ષો અને તારના થાંભલાઓ, જળથી ભરેલાં ખાબોચિયાં, લીલા રંગમાં સૂતેલાં ખેતરો, ઊડી જતાં પંખીઓના સ્વરના લિસોટાથી આસપાસના અવકાશની વીંધાતી શાંતિ — આ બધાંથી સુનંદાના ચિત્ત પર વિચિત્ર મેળવાળી એક રેખાકૃતિ રચાતી હતી. ફર્સ્ટક્લાસના કમ્પાર્ટમેન્ટમાં તે એકલી હતી. સવારના નવેક વાગ્યા હતા. હવે દોઢેક કલાકમાં જ તેને ઊતરવાનું આવશે; એક નાનકડું, દસબાર હજારની વસતિવાળું ગામ, જ્યાં આજ તે પહેલી વાર જઈ રહી હતી.
તેના હૃદયમાં કશો આનંદ નહોતો. એ ગામમાં પોતાનું જીવન કેવું હશે, તેની તેને કશી કલ્પના નહોતી, રહી રહીને તેને પોતાના જીવનની અનિશ્ચિતતાનો જ ખ્યાલ આવતો હતો. તેણે ધાર્યું હતું તેના કરતાં કેટલું જુદું તેના જીવનમાં બની આવ્યું હતું! અલસમંદ પ્રવાહવાળી નિસ્તરંગ સરિતામાં અનુકૂળ પવને નૌકા હંકારી જવાનાં સ્વપ્ન ઘડવાનું હજુ શરૂ કર્યું ત્યાં તો તે પ્રચંડ વાવાઝોડાના ઉછાળાથી મધ-દરિયામાં ઘૂઘવતાં મોજાં વચ્ચે તે એકાકી ફેંકાઈ ગઈ હતી. દિશાની કંઈ ખબર રહી નહોતી. સઢ ચિરાઈ ગયો હતો, સુકાન તૂટી ગયું હતું. સીમાહીન નિર્જનતાની અફાટ એકલતામાં ટપકા જેવડું તેનું અસ્તિત્વ ટકી રહેવા મથામણ કરી રહ્યું હતું, ચારે તરફના દિશાહીન અંધકારમાંથી માર્ગ કરીને પ્રકાશના કોઈક કાંઠે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પણ પોતાનો આ પ્રયાસ શું સફળ થશે? જીવનમાં અચાનક જ જે એકસામટા ઘણા બધા સવાલ ઊભા થઈ ગયા હતા, તેના ઉત્તરના ઊંડાણને શું તે શોધી શકશે?
તેનું હૃદય એક ઊંડો વિષાદ અનુભવી રહ્યું. સીધી સરળ સડક પરથી, પ્રશ્નોના અંધારા જંગલમાં મુકાઈ જવાની આવી કારમી પરિસ્થિતિ ન આવી હોત, જો દેવદાસે…
બે હાથ વચ્ચે તેણે મોં છુપાવી દીધું.
દેવદાસ આજે તીવ્ર પણે યાદ આવે છે. તે હોત, તો આજની આ અજાણ્યા ગામ તરફની સફર ન હોત. એને ગયાને હવે અગિયાર વર્ષ થવા આવ્યાં છે. આ લાંબા ગાળામાં, સેંકડો રીતે તેણે પોતાના દુઃખને તટસ્થતાથી જોવાનો-સમજવાનો પ્રયાસ કર્યો છે, પણ વારે વારે તે એના લપસણા કિનારા પરથી અંદર સરી પડે છે, દુઃખ સાથે એકાકાર થઈ જાય છે. તેનું હૃદય જરાક ઓછું દુર્બળ હોત, સાચું શું અને માર્ગ કયો — તેની પરવા કર્યા વિના જે સેંકડો-સહસ્રો જીવન સાધારણ કર્મો ને સૂકાં કર્તવ્યોની સપાટી પર જીવી જાય છે, તેમ તે જીવી શકી હોત, તો કદાચ આજે તે વેદનાથી આટલી પીડાતી ન હોત. પણ તે એવી રીતે જીવી શકી નથી. લગ્ન વખતે કોલ અપાયો હતો : ‘સુખમાં, દુઃખમાં, શોકમાં, આનંદમાં, જીવનના અંત સુધીની યાત્રામાં પરસ્પરનો સાથ નિભાવવાની અમે પ્રતિજ્ઞા લઈએ છીએ —’ અને એ શબ્દો ઉચ્ચારતી વખતે તે નાની બાળકી નહોતી. કેવળ અણસમજમાં તેણે એ શબ્દો ઉચ્ચાર્યા નહોતા. જીવનનાં અનેક સ્તરો અને વિવિધ રૂપોનો ત્યારે તેને કશો પરિચય નહોતો, એ વાત સાચી. નાનકડા માયાળુ કુટુંબનો સ્નેહ અને મર્યાદિત કલ્પનાઓ વડે ઘડેલી એક સલામત સુંદરતાની સૃષ્ટિમાં તેણે વીસ વર્ષ વિતાવ્યાં હતાં, અને એકવીસમા વર્ષે તેણે દેવદાસ સાથે લગ્ન કર્યાં હતાં — સ્વેચ્છાથી. આજે તે એને સ્વેચ્છા કહે છે, પણ ત્યારે એણે એને પ્રેમનું નામ આપ્યું હતું. અને એ પ્રેમમાં પૂરેપૂરા સાચા બની રહી, જીવનને સુંદર ને ચરિતાર્થ બનાવવાનું તેનું સ્વપ્ન હતું. પણ પ્રેમના એ પરસ્પર બોલને સાંધી રાખવાની ગાંઠ દેવદાસે તોડી નાખી હતી. પ્રેમ વડે, સઘળા અંતર્વિરોધોને ઓળંગી, મહા-આનંદના આકાશલોકમાં પહોંચવાની તેની ઇચ્છાને દેવદાસે પોતાના હાથમાં લઈ મસળી નાખી હતી.
તેના હૃદયમાંથી એક નિશ્વાસ સરી પડ્યો.
ફરી ફરીને આ એક જ વાત. અગિયાર વર્ષોથી આ એક જ સવાલ તેની સામે ફેણ માંડીને ડોલ્યા કરે છે. યાદ રાખવું કે ભૂલી જવું? ડૂબી જવું કે બહાર આવવું?
તે ખિન્ન હસી. જાણે કાંઈક નક્કી કરવાથી તે કરવાની શક્તિ મળી જવાની હોય!
વ્યથાને ખંખેરી નાખી તેણે મોં ઊંચું કર્યું અને બારી બહાર જોયું. આકાશ નીચું, વાદળભર્યું, ભીના મૌનથી ભરેલું હતું. હલકા ભૂરા મેઘખંડ ધીમે ધીમે સ૨ી રહ્યા હતા. તડકાની માછલી એમાંથી કદીક બહાર આવતી અને પાછી એમાં સંતાઈ જતી હતી, અને છાયા પ્રકાશના આ આરોહ-અવરોહ નીચે હરિયાળીનો એકધારો ષડ્જ સ્વર ટ્રેનની જોડે જોડે ચાલ્યો આવતો હતો.
ગાડી કોઈક સ્ટેશનની નજીક પહોંચી રહી હતી. દૂર થોડાં મકાનોનાં છાપરાં દેખાવાં લાગ્યાં. એક ઊંચો મિનાર દેખાયો. કોઈક ઝાડ પર લીલી ધજા… ગાડીની ગતિ ધીમી થઈ, લાંબી વ્હિસલ વાગી, ટ્રેનનાં પૈડાં પાટા સાથે ઘસાયાં, ઘસડાયાં અને એક ક૨કરો અવાજ કરીને ગાડી ઊભી રહી ગઈ. સુનંદા ટટ્ટાર થઈ ગઈ. હા, અહીં જ તેણે ઊતરવાનું હતું. તેની અનિશ્ચિત જીવનયાત્રામાં નિશ્ચિતતાનું એક નાનકડું વિરામચિહ્ન. તેણે જલદીથી સામાન એકઠો કર્યો અને ગાડીમાંથી તે નીચે ઊતરી.
આજ પહેલાં કદી ન જોયેલું, પણ બીજે બધે હોય છે તેવું અને તેથી સાવ અજાણ્યું ન લાગતું સ્ટેશન. આ લાઇન પરથી આજ પહેલાં તે કોઈ દિવસ પસાર થઈ નથી. આ બાજુના પ્રદેશનો પણ તેને જરાયે પરિચય નથી. નાનું સરખું સ્ટેશન. પીળી માટીથી રંગેલી દીવાલો. માથે પતરાનું છાપરું. પ્લૅટફૉર્મ ૫૨ થોડાક લોકો ઊતર્યા, થોડાક ચડ્યા. જુવાનોનું ટોળું સ્ટેશનના એક ખૂણામાં ઊભું હતું, તે ત્યાં જ ઊભું રહ્યું. તેમનામાંથી કોઈ ટ્રેનમાં ચડ્યું નહિ. તેઓ સુનંદા તરફ કુતૂહલથી જોઈ રહ્યા. અહીં તેને લેવા માટે કોઈ આવવાનું નહોતું, છતાં સુનંદા એ ચારે તરફ નજર નાખી લીધી; અને પછી મજૂર પાસે સામાન ઉપડાવીને બહાર નીકળી.
સ્ટેશનથી એક પાકો રસ્તો ગામ તરફ જતો દેખાયો. ત્યાં ઘોડાગાડીવાળા ઊભા હતા. ગામ અહીંથી દેખાતું નહોતું. દેખાતાં હતાં રસ્તાની બન્ને બાજુએ મોટાં મોટાં વૃક્ષો અને આસપાસ ફેલાયેલાં ખેતરો. વરસાદની ઋતુ હમણાં જ પૂરી થઈ હતી. ચારે તરફ લીલો રંગ જ સૂર છેડી રહ્યો હતો. વૃક્ષોનાં પાન ધોવાઈને સ્વચ્છ થઈ ગયાં હતાં અને તેમના રંગમાંથી એક પ્રકારની દીપ્તી ફૂટતી હતી.
આઠ-દસ ગાડીઓમાંથી ઘણીખરી તો ઉતારુઓએ રોકી લીધી હતી. બે ગાડીઓ તો ચાલવા પણ માંડી હતી. ખાલી ગાડીમાંથી કઈ લેવી તેનો વિચાર કરતી તે જરી વાર થોભી, ત્યાં એક ગાડીવાળાએ જ પૂછ્યું: ‘આવવું છે, બેન?’
સુનંદા એ માથું હલાવ્યું અને એમાં સામાન મુકાવ્યો. અંદર બેસતાં તે બોલી : ‘મ્યુનિસિપાલિટીનું દવાખાનું છે ત્યાં…’
ગાંડીવાળો ગાડી ચાલુ કરવા જતો હતો તે અટકી ગયો, અને પાછળ ફરીને તેની સામે જોઈ રહ્યો. તેના અવાજમાં વધુ નમ્રતા આવી ગઈ : ‘તો તમે જ નવા દાક્તરસા’બ છો? ગામમાં વાતો થતી’તી કે નવા દાક્તર આવવાના છે!’
સુનંદાએ ફરી કશો જવાબ ન આપ્યો. માત્ર માથું ધુણાવ્યું. કશીક તીવ્ર સંવેદનાથી તેની આંખોમાં પાણી આવી ગયાં. તેણે ઝડપથી રૂમાલ વડે આંખો લૂછી નાખી. નવા, સ્વતંત્ર, એકાકી જીવનનો આ અપરિચિત રસ્તો. તેના પર થઈને આ ગાડી તેને ક્યાં લઈ જશે?
સિમેન્ટના ધોળા રસ્તા પરથી ટપાક ટપાક કરતો ઘોડો દોડવા લાગ્યો. સુનંદાએ રસ્તાની આજુબાજુ શું શું આવેલું છે તે જોવાનો પ્રયત્ન કર્યો, પણ જરી વારમાં જ તે બેધ્યાન બની ગઈ. એકલતાની એક ઊંડી લાગણી તેની આસપાસ ભીંસ દેતી વીંટળાઈ વળી. જે પ્રશ્ન તેણે ઘણી વાર પોતાની જાતને પૂછ્યો હતો, તે વળી ફરી વાર સામે આવી ઊભો. પોતે અહીં આવવામાં ભૂલ તો નહોતી કરી ને? અહીં શું તેના હૃદયને જંપ વળશે? કોને ખબર, આ નવા ગામમાં લોકો તેને સ્વીકારશે કે તેની અવહેલના ક૨શે? તેણે આપેલી દવા પર શું તેઓ વિશ્વાસ રાખશે? લોકોની વાત પછી. તે પોતે પણ શું પોતાની પર વિશ્વાસ રાખી શકશે?
બન્ને તરફ ખેતરોને વૃક્ષોવાળો રસ્તો પૂરો થયો અને એક વળાંક લઈ ગાડી ગામમાં પ્રવેશી. સુનંદા સફાળી જાગી. બન્ને ત૨ફ હવે મકાનો હતાં. માટીની ભીંતવાળાં, કાળાં પડી ગયેલાં નળિયાંવાળાં મકાનો, ક્યાંક તૂટેલાં, ક્યાંક આખાં, બારણાં ક્યાંક ખુલ્લાં, ક્યાંક બંધ, બધાંની ઉપર જડતાની એક શાંત છાયા…
પણ હજુ ખરેખરું ગામ ને બજાર શરૂ થાય તે પહેલાં જ ગાડીવાળાએ લગામ ખેંચી ગાડી ઊભી રાખી. ‘આ તમારું ઘર, બેન!’ તે બોલ્યો અને નીચે ઊતરી સામાન ઉતારવા લાગ્યો. ‘દવાખાનું ને ઘર બેય અહીં ગામ બહાર છે. પહેલાંના દાક્તરસા’બ અહીં જ રહેતા હતા. એ તો બે મહિનાથી જતા રહ્યા છે. બે મહિનાથી ગામમાં સરકારી દાક્તર જ ન મળે. તમે આવ્યાં તે બહુ સારું થયું, બેન!’
આ સર્વથા અપરિચિત, એક પણ આત્મીયજન વગરના ગામમાં, ગાડીવાળાના આ શબ્દો સુનંદાનું પહેલું આશ્વાસન હતું.
ઘર ખરાબ નહોતું. એક ફાટકમાં થઈને અંદર જતાં, મોટા કમ્પાઉન્ડમાં પહેલાં હૉસ્પિટલ આવતી હતી, અને પચીસેક ફૂટ દૂર માળ વગરનું પથ્થરનું બાંધેલું પાકું મકાન. મકાનનો ઘાટ બહુ સારો નથી, પણ અંદરની ગોઠવણ સારી છે. પહેલો ખંડ છે, તેને ઑફિસ તરીકે વાપરી શકાય. દવાખાનું બંધ થઈ ગયા પછીના સમયમાં કોઈ દરદી આવે તો ત્યાં મળી શકાય. ત્યાર પછી એક નાની પરસાળ જેવું હતું. એની ડાબી બાજુએ સૂવાનો ખંડ હતો. પહેલા ને બીજા બન્ને ખંડની બારીઓ પશ્ચિમ તરફ પડતી હતી. મોટી મોટી બારીઓ, તેમાંથી ઢગલા બંધ અજવાળું અંદર વહી આવતું હતું. દીવાલો એકસરખી સપાટ અને સ્વચ્છ હતી. ગાબડાં પડ્યાં નહોતાં, પોપડા ઊખડી ગયા નહોતા, જાળાં બાંઝ્યાં નહોતાં. ચોખ્ખી, સફેદ રંગથી ધોળેલી હતી. ફરસની લાદી પણ એકસરખા રંગની, સુંવાળી ને ડાઘ વગરની હતી. સુનંદાને થયું — એના પહેલાં જે લોકો અહીં રહેતાં હતાં તેમણે ઘરને સારી રીતે સાચવ્યું છે. કદાચ એમને નાનાં છોકરાંઓ નહિ હોય! દીવાલ પર ક્યાંય પેન્સિલના કાળા લીટા નહોતા, કોલસાથી દોરેલું બિલાડીનું ચિત્ર નહોતું કે લાલ પેન્સિલથી લખેલાં નામ નહોતાં. અથવા કદાચ તેમના ગયા પછી મ્યુનિસિપાલિટીએ ફરી રંગ કરાવ્યો હશે. ગામમાં પ્રવેશતાં તેણે જે મકાનો જોયાં તેની સરખામણીમાં આ મકાન ઘણું સારું હતું. સૂવાના ખંડ પછી બીજા ઓરડાઓ, કોઠાર, રસોડું, બાથરૂમ હતાં. આગળ નાના ચૉક જેવું હતું ને ત્યાં સફેદ પથ્થરનો એક બાંકડો પડ્યો હતો.
મકાનમાં ફર્નિચર પણ હતું. આગળના ખંડમાં એક મોટું ટેબલ, પાંચ-છ ખુરશીઓ, લાકડાની એક નાની પાટ અને ભીંતમાં જડેલો કબાટ હતાં. સૂવાના રૂમમાં લાકડાનો પલંગ હતો. પલંગ બરોબર બારીની સીધમાં આવી રહે તેટલી ઊંચાઈનો હતો, એ જોઈ સુનંદાને સારું લાગ્યું. રસોડામાં સ્ટવ હતો, પાણીથી ભરેલી બાલદી, થોડાં વાસણો અને નાનું માટલું હતાં. માટલામાં પાણી ભરેલું હતું અને એની પર મૂકેલો પ્યાલો, તાજો માંજેલ, ચકચકિત હતો.
મકાનની પાછળ થોડી જમીન હતી. અને તે પછી દીવાલ, જે આખા કમાપાઉન્ડને ઘેરીને ઊભી હતી. દીવાલમાં પાછળની તરફ એક દરવાજો હતો, પણ તે ભાગ્યે જ કોઈ ઉઘાડતું હોય તેમ લાગ્યું. સુનંદાને ફૂલો બહુ જ પ્રિય છે. આ પાછળની જમીનમાં છોડ ઉગાડી શકાય. રસોડાની બારીમાંથી ફૂલ દેખાયા કરે એ ગમે.
મકાન જોઈ લીધા પછી તે સૂવાના ખંડમાં આવી અને ખૂણામાં આરામખુરશી પડી હતી, તે ખેંચીને બેઠી. મુસાફરીમાં કશી તકલીફ નહોતી પડી પણ તેને અતિશય થાક લાગ્યો હતો. જ્યાં કોઈ દીવો હોવાનો વિશ્વાસ નથી એવા, અણજાણેલા અંધારા વનમાં યાત્રા શરૂ કરતાં પહેલાંની તંગદિલીનો થાક.
ફાટક પાસે મ્યુનિસિપાલિટીનો માણસ કાળુ હતો, તે ઘ૨માં તેનો સામાન મૂકી, ચાવી તેને સોંપીને ચાલ્યો ગયો હતો. ‘અમે રાહ જોતાં’તાં બેન! ત્રણ દિવસથી રોજ ઘર સાફ કરતો હતો.’ તે વિનયપૂર્વક હસેલો, અને પછી જતાં જતાં કહેતો ગયો હતો ‘— થોડી જ વારમાં કુમારભાઈ આવશે. આજનો દિવસ તમારી જમવાની ગોઠવણ એ કરશે. કાલથી સવિતા આવશે. એ ઘરનું બધું કામ કરશે અને તમે કહેશો તો રાંધી પણ આપશે અને અહીં સૂઈ પણ રહેશે.’
સુનંદાને લાગ્યું, ગામ છેક જ અજાણ્યું હતું, પણ પોતાની તરફ ઉદાસીન નહોતું. પોતાના માટે તૈયારી કરવામાં આવી હતી. લોકો રાહ જોતાં હતાં, કદાચ પોતાના આવવાના સમાચાર જાણી રાજી થયાં હશે. અને કુમાર… કુમાર કોણ?
મ્યુનિસિપાલિટીના માણસે કહેલું — કુમારભાઈ દવાખાનાના કમ્પાઉન્ડર છે. જૂના દાક્તર વખતે તે જ કામ કરતા હતા. એમના ગયા પછી બે મહિના એમણે થોડુંઘણું કામકાજ સંભાળેલું. હવે તમારા કમ્પાઉન્ડર તરીકે કામ કરશે. સાહેબ કહેતા હતા કે બેનને ન ફાવે તો બીજા કમ્પાઉન્ડર રાખે; જેવી બેનની ઇચ્છા. પણ કુમારભાઈ બહુ સારા માણસ છે. કામકાજમાં હોશિયાર છે… વગેરે વગેરે.
તેના ગયા પછી સુનંદા સામાન એમ ને એમ રહેવા દઈ આરામખુરશીમાં લંબાવીને પડી. બે દિવસથી તેના પર જે જાતજાતના વિચારોનો હુમલો થયો હતો, વિવિધ લાગણીઓથી મન જુદી જુદી દિશામાં ખેંચાયા કર્યું હતું, તેથી તેના જ્ઞાનતંતુઓ બહુ જ થાકી ગયા હતા. તેણે ખુરશીમાં આંખો મીંચી મનને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો.
પણ હજુ તેને હળવા થવાનો વખત મળે તે પહેલાં બહારના રૂમનું બારણું ખખડ્યું. કોણ હશે? સુનંદાને નવાઈ લાગી. પછી તેને ખ્યાલ આવ્યો — કાળુએ વાત કરી હતી તે કુમાર હશે.
તે ઊઠીને બહાર ગઈ અને બારણું ઉઘાડ્યું. બહાર એક નાનો દસેક વર્ષનો મીઠો છોકરો ઊભો હતો. હસીને બોલ્યો : ‘અંદર આવું?’ અને તે સુનંદાના ઉત્તરની રાહ જોયા વિના રૂમની અંદર આવ્યો.
‘તમે નવા ડૉક્ટર સાહેબ છો ને?’
સુનંદા હસી. છોકરો ચપળ હતો. ગોરું, નાનકડું, મોહકતામાં ખીલતું મોં, પાણીદાર આંખો, માથે સાવ ટૂંકા કાપેલા વાળ.
‘તું કોણ છે? તારું નામ શું?’ સુનંદા એ સ્નેહાળ અવાજે પૂછ્યું.
‘મારું નામ રફીક. કુમારભાઈ કહે — મેલ આવી ગયો, જોઈ આવ, ડૉક્ટર સાહેબ આવ્યા કે નહિ, એટલે હું જોવા આવ્યો છું. કાલેય આવેલો. હું કુમારભાઈને બોલાવી લાવું.’ તે પાછો ઝડપથી દોડી ગયો.
સુનંદા તેને દોડતો જતો જોઈ રહી. ઘડીક વારમાં હૉસ્પિટલ પાસે થઈ, દરવાજા પાસે પહોંચી, ફાટકમાંથી બહાર નીકળી ગયો. મઝાનો છોકરો છે. ૨ફીક… મુસલમાન હોવો જોઈએ — સુનંદા વિચારી રહી. તેના આગમનથી પ્રથમ ઘડીઓમાં, જે કશાનો તેને અનુભવ થયો તેમાં તેના દુઃખતા હૃદયની ધાર ઘસાય તેવું કાંઈ નહોતું. ગાડીવાળો માણસ, મ્યુનિસિપાલિટીનો પટાવાળો કાળું અને રફીક — ત્રણેનો તેને જે સહેજસાજ સંપર્ક થયો તે સુખદ હતો. અને કુમાર. તે કોણ હશે? કેવો હશે? અત્યાર સુધી તેને કદી કોઈ કમ્પાઉન્ડર સાથે સીધું કામ પાડવાનો પ્રસંગ આવ્યો નહોતો. અત્યાર સુધી તેણે મોટી હૉસ્પિટલોમાં, બીજા ઘણા ડૉક્ટરોની સાથે કામ કર્યું હતું. આ પહેલી જ વાર તે સાવ સ્વતંત્ર રીતે કામ કરવા નીકળી હતી. અહીં તેને માત્ર દવાખાનું જ નહોતું ચલાવવાનું, એક આખી હૉસ્પિટલ જ સંભાળવાની હતી. એ વાત ખરી કે, નાનકડી હૉસ્પિટલ હતી અને તેમાં માત્ર ચાર જ ખાટલાની વ્યવસ્થા હતી. તોપણ આજ સુધી તેણે કરેલાં કામ કરતાં આ વધુ જવાબદારીભર્યું કામ હતું. તેને એ વિષે ચિંતા નહોતી. ડૉક્ટર તરીકેની પોતાની કાર્યશક્તિ વિષે તેને પૂરતો આત્મવિશ્વાસ હતો. તેને જે આશંકા હતી તે તો પોતાના હૃદયની સ્વસ્થતા વિષે. પીડાના પાતાળમાં ડૂબી ગયેલું તેનું મન શું જાગીને, બહાર સપાટી પર આવીને અન્ય લોકોનાં દુઃખદરદ તરફ પૂરું ધ્યાન આપી શકશે? પોતાની વેદનાને ભૂલી જઈ તે બીજાઓની વેદનાનો ઇલાજ કરવામાં પોતાનું ચિત્ત પરોવી શકશે?
તે વિચારમાં ડૂબી ગઈ હતી. કુમારને રફીક ક્યારે ઘરની પાસે આવી ગયા, તેની તેને ખબર પડી નહિ. અચાનક જ તેણે તેમને બન્નેને પોતાની સાવ સમીપ જોયા. કુમાર હસીને બોલ્યો : ‘અમારું ગામ ગમ્યું, ડૉક્ટર સાહેબ? ગામ ગમ્યું હશે તો ગામના લોકો પણ ગમશે. કંઈ નહિ તો, હું ધારું છું, અમે બે તો તમને ગમીશું.’ તે મુક્ત રીતે હસ્યો.
તેની કશી ઔપચારિકતા વિનાની આ સરસ મૈત્રીપૂર્ણ વાત સાંભળી સુનંદાનું દિલ હલી ગયું. બાવીસ વર્ષનો જુવાન. પહોળું કપાળ, કંઈક નાનું, સીધું નાક, હાસ્ય ને વેરવા તૈયાર હોઠ અને આંખોમાં ઘણીબધી સરળતા. સુનંદાએ આવા જુવાનને જોવાની અપેક્ષા રાખી નહોતી. કેટલાક લોકો પહેલી વારના મેળાપમાંય આખા ને આખા પ્રગટ થઈ જતા હોય છે. તેમનો પૂરો પરિચય પામવા વિવિધ પરિસ્થિતિઓની પડ છે તેમને જોવાનું જરૂરી નથી હોતું. કુમાર તેને એવો લાગ્યો. તે કાંઈ બોલે તે પહેલાં કુમાર ફરી બોલ્યો : ‘તમે થાકી ગયાં હશો. નવી જગ્યાએ જવાનો જે આનંદ હોય છે, તેને પોતાનો થાક પણ હોય છે. તમને ભૂખ પણ લાગી હશે. તમે મારે ઘેર જમવા આવો કે હું ટિફિન અહીં લઈ આવું? પણ તે પહેલાં તમારે નાહવું હશે. ચાલો, હું જ પાણી ગરમ કરી આપું. તમે ઠંડા પાણીથી નાહશો કે ગરમ?’ તે બોલતો બોલતો ઘરની અંદર ચાલ્યો. ઘડી પહેલાં નીરવ અને નિર્જીવ લાગતા ઓરડાઓ તેની વાતોને વચ્ચે વચ્ચે વિરામચિહ્નની જેમ આવતા હાસ્યના નાનામોટા ધ્વનિના પડઘાથી જીવતા થઈ ગયા.
‘તમે મકાન જોયું? ગમ્યું? રસોડામાં જોયું? કાળુને પાણી ભરી રાખવાનું કહ્યું હતું, પણ પછી થયું કે એ યાદ રાખે કે ભૂલી જાય, એટલે હું જ સવારે આવીને માટલું ભરી ગયો હતો. સ્ટવ પણ હું જ મૂકી ગયો હતો. ઘર પેલા લોકોએ બહુ ગંદું કરી મૂક્યું હતું. મ્યુનિસિપાલિટી ફરી રંગ કરાવવા તૈયાર નહોતી. એનો પ્રમુખ શિવશંકર છે, તે મહાઠગ માણસ છે. પણ મેં કહ્યું — મકાનને હૉસ્પિટલને રંગ કરાવવો જ પડશે, નહિ તો હું કમ્પાઉન્ડરનું કામ નહિ કરું.’
તે રસોડામાં જઈ સ્ટવ સળગાવવા લાગ્યો. ‘રફીક, જા, બહારથી ખુરશી લઈ આવ.’ રફીક દોડતો જઈ ખુરશી લઈ આવ્યોને પોતાના ખમીસની ચાળથી લૂછી નાખી, સુનંદા પાસે મૂકી. સુનંદા ખુરશી પર બેઠી.
‘હં, હું શું કહેતો હતો? — મેં કહ્યું : રંગ કરાવવો જ પડશે. ઠીક, મારી વાત સાંભળતાં તમને થતું હશે કે હું તે વળી કોણ, કે કામ ન કરવાની ધમકી આપું તો મ્યુનિસિપાલિટી મારી વાત માની જાય?’ તે મોટેથી હસ્યો.
સુનંદા ને થયું — છોકરો બહુ વાચાળ લાગે છે.
તેણે સ્ટવ સળગાવ્યો. રફીક તપેલું લઈને બહાર દોડ્યો ને પાણી ભરીને લઈ આવ્યો.
‘તમે હજુ હૉસ્પિટલ જોઈ નથી ને? પછી હું બતાવીશ. બધું વ્યવસ્થિત ગોઠવીને રાખ્યું છે, બે મહિનાથી હું જ થોડુંઘણું કામ ચલાવતો હતો. તમે એની સ્વચ્છતા જોઈને ખુશ થઈ જશો.’ કુમાર ઊભો થયો અને સુનંદા સામે જોઈને વળી હસ્યો : ‘મારાં બહુ વખાણ કરું છું એમ લાગે છે? અરે હા, હું તો ભૂલી જ ગયો. જમવાનું અહીં લઈ આવું? હા, તમને એ જ ફાવશે, નાહીને તૈયાર થાઓ ત્યાં સુધીમાં હું લઈને આવું છું. રફીક અહીં જ છે. કંઈ કામ હોય તો કહેજો. આંટા ખાવા માટે તે ફરિયાદ કરે તેવો નથી, એકસોએકમા આંટા સુધી તો નહિ જ.’ રફીક ત૨ફ જોઈ મોજપૂર્વક હસ્યો : ‘આવડોક છે, પણ આ ગામમાં મારો સૌથી મોટો દોસ્ત છે.’
આટલા બધા વખત દરમ્યાન સુનંદાને ખાસ કાંઈ બોલવાનો અવકાશ જ મળ્યો નહિ. તે નાહીધોઈને તૈયાર થઈ ત્યાં તો કુમાર જમવાનું લઈને આવી ગયો. બોલ્યો : ‘આજનો દિવસ આવું ચલાવી લેવું પડશે. કાલથી તો સવિતા આવી જશે. ફક્કડ રસોઈ બનાવે છે. તમે આમંત્રણ ન આપો તોય કોઈકવાર જમવા માટે અહીં બેસી પડવાનું મન થાય એવી.’ તે પાછો હસ્યો.
સુનંદા ને થયું — વાતે વાતે હસવાનું કુમારને વરદાન મળ્યું લાગે છે, પણ થોડુંક ઓછું બોલે તો ચાલે ખરું.
સુનંદા જમી ત્યાં સુધી તેણે સામે બેસીને, હૉસ્પિટલની, પહેલાંના ડૉક્ટરની, ગામની કેટલીય વાતો કરી. જમવાનું પતી ગયા પછી તે બોલ્યો : ‘ડૉક્ટર સાહેબ, હવે આરામ કરો. હું સાંજે પાંચેક વાગ્યે આવીશ. પછી આપણે હૉસ્પિટલમાં જઈશું.’
તે બારણામાંથી જવા જતો હતો ત્યાં અચાનક અટકીને ઊભો રહ્યો. ‘ડૉક્ટર સાહેબ!’
‘શું?’
‘તમને ડૉક્ટર સાહેબ કહીને ન બોલાવું તો? બહુ ફૉર્મલ લાગે છે!’
‘તો શું કહીને બોલાવીશ? ’
‘સુનંદાબહેન કહું તો ચાલશે? ના, સુનંદાદીદી અથવા માત્ર દીદી જ કહું તો? અથવા સુ.દી.?’
સુનંદા હસી. ‘કાંઈ પણ કહેજે ને, ભાઈ! મને તો ગમશે જ.’
‘બંગાળી ચોપડીઓ બહુ વાંચીને એમ થયા કરતું હતું, કે કોઈને દીદી કહી શકાય તો કેટલું સારું! બહેન કરતાં દીદી કેટલો સરસ શબ્દ છે, નહિ સુ.દિ.? અને તમે તો ડૉક્ટર સાહેબ કરતાં મોટી બહેન જેવાં જ વધુ લાગો છો!’ તે એનું પડઘા પાડતું હાસ્ય હસ્યો : ‘બહુ બોલું છું, નહિ દીદી? પણ કામ પણ એટલું જ સારું કરું છું.
તમે જોજો ને!’
‘જોયું જ ને ભાઈ! આ અત્યારે તેં જે જે કર્યું તે જોયું સ્તો!’
ઠીક તો દીદી, હવે જરા આરામ કરો. મારી વાતનો તો પાર નહિ આવે. પણ તમને જરા આરામ આપું. પાછો પાંચ વાગ્યે હાજર થઈ જઈશ.’
તે હસ્યો અને રફીકનો હાથ પકડી ચાલી ગયો.