પરોઢ થતાં પહેલાં/૨
બીજે દિવસે મ્યુનિસિપાલિટીના પ્રમુખ શિવશંકર સાથે મુલાકાત થઈ. આ ગામના જીર્ણપણા સાથે કોઈ રીતે મેળ ન લે એટલો બધો તે સુઘડ હતો. તાજી હજામત કરેલો ચહેરો જેવો સુઘડ લાગે તેવો સુઘડ, જેની નીચે વાળનું કાળું જંગલ ઊગી નીકળવા માટે સદાય તૈયાર હોય. કોઈનો ચહેરો જોતાંવેંત સુનંદાના મનમાં એક છાપ પડે છે : એક પ્રકારની ઇન્ટ્યુટિવ – અંતઃસ્ફુરણાજનિત છાપ. સાધારણત: તે ખોટી નથી હોતી. સોનેરી ફ્રેમવાળા ચશ્માં પાછળ આછા કથ્થાઈ રંગની ઝીણી ચમકદાર આંખો લઈને, એકદમ સફાઈદાર સૂટ પહેરીને આવેલો શિવશંકર તેની સામે ટટ્ટાર ઊભો રહ્યો ત્યારે સુનંદાને થયું — આ માણસ સાથે કોઈ દિવસ સાવધ રહ્યા વિના વાત ન કરી શકાય. પચાસેક વરસનો તેનો ચહેરો ઘણી સહેલાઈથી ચાળીસ વરસનો હોવાનો દેખાવ સર્જી શકતો હતો અને તેની આંખો જાણે ન દેખાતી વસ્તુઓને શોધવા મથતી હોય તેમ વારે વારે બધે તીક્ષ્ણ નજર વડે ફરી લેતી હતી. ‘કેમ છો ડૉક્ટર, ઘરમાં ગોઠવાતાં કોઈ મુશ્કેલી નથી પડી ને?’ ‘ના. ના. બધું બરોબર હતું.’ ‘મને થયું, તમને કાંઈ તકલીફ તો નથી ને, તે પૂછતો જાઉં. અમસ્તું તો નવા ડૉક્ટર આવે એટલે મને મળવા માટે ઘેર જ આવે. પણ અત્યારે હું અહીંથી નીકળ્યો હતો એટલે મને થયું, હું જ જતો આવું.’ તે ખુરશી લઈને બરાબર ગોઠવાયો. ‘તમે આ ગામમાં પહેલી વાર આવ્યાં કે પહેલાં ક્યારેક આવી ગયેલાં?’ ‘પહેલી જ વાર. મેં તો આ આખો પ્રદેશ જ પહેલી વાર જોયો. હું આ તરફ કદી આવી જ નહોતી.’ ‘આ ગામ જરા જુદી જાતનું છે. બહારથી આવતા લોકો એક ગામને બીજા ગામ જેવું જ માની લે છે, કારણ કે તેઓ તેની બહારની રેખા જ જુએ છે. પણ તે ભૂલ છે. આ ગામની એક જુદી જ ઓળખ છે, એની પોતાની આગવી પરંપરા છે, તમે થોડા દિવસ રહેશો એટલે સમજાશે.’ ‘હા, માણસો જેમ બહારથી સરખા લાગવા છતાં એકબીજાથી જુદા હોય છે, તેમ ગામો ને શહેરોને પણ પોતાનું આગવું વ્યક્તિત્વ હશે જ.’ સુનંદા કંઈક બોલવું જોઈએ એટલે બોલી. ‘એમ જુઓ તો આ તરફનાં બધાં ગામડાં સરખાં. સ્ટેશનથી જરા દૂર વસેલું ગામ, સ્ટેશનને ગામ સુધી જોડતી એક પાકી સડક, બાકી બધા ધૂળિયા રસ્તા, ગંદાં છોકરાં, આળસુ લોકો, દુકાનનાં કાળાં પડી ગયેલાં પાટિયાં, મકાનોનો ઊપટી ગયેલો રંગ, બધું બધે સરખું જ.’ શિવશંકરના હોઠ હાસ્યમાં જરા પહોળા થયા. સુનંદા કૌતુકથી જોઈ રહી. આ માણસનો, બે ચોક્કસ સ્વરની ભદ્ર મર્યાદામાં રહીને વહેતો અવાજ તેને ગમ્યો નહિ. તેને થયું : આ માણસ ગમે તેટલો ગુસ્સે થયો હોય તોપણ આમ જ બોલતો હશે, મનનો રોષ સરસ રીતે મનમાં ભરી રાખી શકતો હશે. તેને લાગ્યું, આ માણસ નખથી શિખ સુધી કદાચ દંભી છે, અને તેથી જ આટલો સુઘડ દેખાવાનો તેનો પ્રયત્ન છે. ‘આ ગામની, તમે કહો છો તે બહારની રેખા જ મેં હજુ જોઈ છે, અને એ મને ગમી. ઘર ને હૉસ્પિટલ બન્ને સ્વચ્છ ને વ્યવસ્થિત છે. અંદરનો ભાગ હજુ મેં જોયો નથી.’ ‘તમારો કમ્પાઉન્ડર તમને આવીને મળી ગયો?’ ‘કુમાર ને? હા, કાલે અહીં પહોંચી કે તરત આવેલો. સ્ફૂર્તિવાળો અને હસમુખો છે. કામકાજમાં પણ ચપળ છે.’ ‘એ તો ઠીક, ઝાઝું કાંઈ ભણ્યો નથી. આ ગામના તો બધા જુવાન છોકરાઓ ભણે તેવા જ, મોટાં શહેરોમાં જતા રહેતા હોય છે; એન્જિનિયર, વકીલ, ડૉક્ટર કે એવા બીજા કોઈ મોટા વ્યવસાયમાં. આના જેવા કોઈક જ આ ગામમાં રહે છે. બોલવામાં ચાલાક છે, બાકી…’ કહી, સિફતથી તેણે જે કહેવું હતું તે કહ્યા વિના કહી દીધું. ‘પણ હું તો બીજી વાત કરતો હતો. બહારના રૂપરંગમાં આ ગામ બીજા ગામ જેવું જ છે, પણ અહીંની થોડીક વિશેષતાઓ છે. તમે તો ભણેલાં છો, ડૉક્ટર છો, એટલે નાતજાતમાં બહુ નહિ માનતાં હો, નહિ? અહીં હિન્દુઓની છે લગભગ તેટલી જ વસતિ મુસલમાનોની છે. મ્યુનિસિપલ દવાખાનું એટલે દવા લેવા તો બધા જ આવે, ભંગી ને ચમાર પણ.’ સુનંદા તેનો ઇશારો સમજી ગઈ. તેના મોં પર રતાશ ધસી આવી : ‘મારે માટે કોઈ હિન્દુ કે મુસલમાન કે બ્રાહ્મણ કે ભંગી નથી. મારે માટે અહીં આવે તે દરદી જ છે.’ ‘હા, હા, એ તો ખરું. એમ તો બધા ભાઈઓ જ છે ને? પણ આજકાલ બધે જરા અવિશ્વાસની હવા ફેલાયેલી છે ને! આ પાકિસ્તાન થયા પછી બીજે બધે મન ઊંચાં થઈ ગયાં ને આટઆટલાં તોફાનો થયાં, પણ આ ગામમાં કોઈ દિવસે એવી અફવા સરખી ઊડી નથી. સ્વરાજ્ય પહેલાં આ ગામની અમુક પરંપરાઓ હતી. હજુ પણ અમે તે જાળવી રાખવાના છીએ.’ ‘શાની પરંપરાઓ?’ ‘ઘણાં વર્ષોથી અહીં એક નિયમ છે કે દર વરસે દિવાળી અને મહોરમ વખતે આખા ગામે નદીપારના વનમાં જવું. સભા જેવું ભરીએ. ભાષણો થાય. દિવાળી હોય તો કીર્તન વગેરે થાય. મહોરમ હોય ત્યારે ખુતબો પઢે. પછી બધાં હળેમળે. ત્યાં જ નાસ્તો કરે. ગામની અડધી કરતાં વધુ વસતિ ત્યાં એકઠી થાય, માંદાં, નબળાં જ ન આવે, બાકી બધાં આવે. ગામમાંથી જ ફાળો થાય, તેમાંથી બધાં માટે ખાવાપીવાની વ્યવસ્થા થાય. ગામના આ બે મુખ્ય તહેવારો. બેમાંથી એક તહેવાર ૫૨ ઘણી વાર મેળો ભરાય. રાસગરબા થાય. હિન્દુ-મુસલમાન બધાં સાથે ભાગ લે. આ તહેવારોએ અહીંનાં લોકોનાં દિલને જોડી રાખ્યાં છે. અહીં નાના ઝઘડા છે, પણ કોમના નથી. નાના તો હું જ પતાવી દઉં. કોર્ટે ભાગ્યે જ જાય. ગાંધીજીના આદર્શો આ ગામે બરોબર અમલમાં મૂક્યા છે.’ ‘આ પરંપરા તમે શરૂ કરેલી?’ ‘ના. ઘણાં વરસો પહેલાં અહીં એક ફકીર આવેલો. તે વખતે ગામમાં એક વા૨ બહુ જ મોટું રમખાણ થઈ પડેલું, અહીં ગંગાચોકમાં જ. અને એમાં મોટાઓ નહિ, કુતૂહલથી ટોળામાં ઘૂસી આવેલાં ત્રણ નાનાં છોકરાં મરાઈ ગયાં. આખા ગામમાં અરેરાટી વ્યાપી ગયેલી. તે દિવસે એ ફકીરે તોફાન શાંત પાડ્યું ને આ પરંપરા શરૂ કરી. એને ઘણાં વરસો થઈ ગયાં. હવે તો હું જ એ સંભાળું છું. છેલ્લાં ઘણાં વરસોથી હું જ મ્યુનિસિપાલિટીનો પ્રમુખ છું.’ તેણે અભિમાન ને મીઠાશના મિશ્રણવાળા અવાજે કહ્યું. ‘તમે સારું કામ કરો છો.’ સુનંદા અમસ્તું જ બોલી. શિવશંકરના મોં ૫૨ ગૌરવનું એક સ્મિત પથરાઈ ગયું. ‘હું તો બૅરિસ્ટર હતો. આ મારું બાપદાદાનું ગામ, પણ હું પહેલાં મુંબઈમાં રહેતો. બહુ સારી પ્રેક્ટિસ ચાલતી હતી. પછી ગાંધીજીનાં ભાષણો સાંભળીને થયું કે ગામડામાં જઈને કામ ક૨વું જોઈએ, એટલે અહીં આવ્યો. અહીં અમારી ઘણી જમીન પણ છે. અહીં આવીને મેં ઘણું કામ કર્યું.’ તેના હું પણાની ગંધ સુનંદાને અકળાવી રહી. તે જરાક અસ્વસ્થ બની. શિવશંકરની ચકોર નજ૨ એ અસ્વસ્થતા તરત પામી ગઈ. એકદમ જ તે ઊભો થયો: ‘સવારના પહોરમાં આવીને તમારી સાથે વાતો કરવા બેસી ગયો. હવે જાઉં, ઘણું કામ છે. ગફૂરને તેના ભાઈ વચ્ચે હમણાં ઝઘડો ચાલે છે, પતાવવાનો છે. ગફૂર પણ આ ગામનો એક મુખ્ય માણસ છે. ઠીક, ચાલો, કોઈ કોઈ વાર ઘેર આવતાં રહેજો. આ ગામમાં બીજા કોઈને ઘેર જવું તો તમને ગમશે નહિ. પણ આપણા ઘેર તો તમને ઘર જેવું લાગશે. મારી દીકરી પૌલોમી હમણાં અહીં નથી. મુંબઈમાં ભણે છે. એ અહીં હોય ત્યારે તમે અમારે ઘેર થોડા દિવસ રહેશો તોપણ તમને ગમશે. અમસ્તુંયે કોઈ વાર કંઈ મુશ્કેલી કે તકલીફ હોય તો જરૂ૨ કહેજો. આ ગામમાં મારો શબ્દ ઉથાપવાની કોઈની હિંમત નથી.’ ‘ભલે ભલે…’ સુનંદાની ધીરજ એકદમ ખૂટી પડી. શિવશંકર ચાલ્યો ગયો, પણ સુનંદા ને લાગ્યું, પોતાની અકળામણ પાછળનો તેના પ્રત્યેની અરુચિનો ભાવ તે પામી ગયો છે.
ત્રણેક દિવસમાં સુનંદા નવા સ્થળ ને નવા કામ સાથે ઠીક ઠીક ગોઠવાઈ ગઈ. અહીં કશું ખાસ ન ગમે કે સીધેસીધું ખૂંચે તેવું નહોતું. માત્ર શિવશંકર તેને કુમારથી તદ્દન ઊંધો લાગ્યો, એકદમ જ ઢંકાયેલો. એને સરખી રીતે ઓળખવા માટે કેટલાયે જુદા જુદા ખૂણેથી જુદા જુદા સમયે તેને જોવાથી જરૂર પડે. કુમારે પણ કહ્યું : ‘દીદી, આ ગામમાં ઘણા સારા માણસો છે, અને ઘણા ખરાબ માણસો પણ છે. એમાંથી કેટલાક ખુલ્લા ખરાબ છે અને કેટલાક છાના. આ શિવશંકરથી સંભાળજો. તમે બહુ ભોળાં છો, એટલે આગળથી કહી દઉં છું.’ આટલા દિવસોમાં કુમાર સાથે એક સ્વાભાવિક નિકટતા સ્થપાઈ ગઈ હતી. તેની વાત સાંભળી સુનંદા એ પૂછ્યું : ‘શાથી જાણ્યું કે હું ભોળી છું?’ કુમાર હસ્યો : ‘લો, એટલુંયે હું ન સમજી શકું એટલો મને ભોળો ધાર્યો, સુ.દી.? જરાક જોઈએ તોયે ખબર પડી જાય…’ દવાખાનાનું કામ સાધારણ શરૂ થયું હતું. ગામમાં બીજા પણ ખાનગી પ્રેક્ટિસ કરતા બે ડૉક્ટર હતા એમાં ડૉ. દેસાઈ બહુ સારા ગણાતા. બે મહિનાથી મ્યુનિસિપાલિટીનું દવાખાનું બંધ હતું એટલે લોકો તેની પાસે વધુ જવા લાગ્યા હતા. આથી સુનંદા પાસે હજુ થોડા જ લોકોએ આવવાનું શરૂ કર્યું છે. વખત ઘણો મળે છે, અને જ્યારે જ્યારે એકાંત મળે છે કે દેવદાસના વિચારોથી મન ઊભરાઈ રહે છે. સ્મરણોની કાંટાળી કેડી પર થઈને તે વારંવાર અનિચ્છાએ પણ, ભૂતકાળના વનમાં જઈ પહોંચે છે. સાંજે દવાખાનું બંધ કર્યા પછી તે પોતાના રૂમમાં આરામખુરશીમાં લંબાઈને પશ્ચિમ તરફની બારીમાંથી બહાર જોયા કરે છે. કમ્પાઉન્ડ ફરતી દીવાલ હોવાને કારણે એની તરત પાછળ શું છે તે દેખાતું નથી, પણ તેની પાછળ જમીન છે. લાલ કથ્થાઈ માટીનો દૂર ફેલાયેલો વિસ્તાર છે. ત્યાં કોઈનું ખેતર નથી. છૂટાં છૂટાં વૃક્ષો છે. દીવાલની નજીક નજ૨ને સૌથી વધુ ભરી દે છે લીમડાનું ઝાડ; એકલું, ટટ્ટાર અને સુંદર. સાંજનાં ડૂબતાં કિરણો એની ટોચ પરથી સરતાં સરતાં સરી જાય છે. એટલી એ જમીનને પાર કર્યા પછી નદી આવે છે, પણ તે જરા નીચાણમાં છે તેથી આ બારીમાંથી દેખાતી નથી. પશ્ચિમે વહેતી આ નદી જરાક આગળ વળાંક લઈ દક્ષિણ તરફ વળી જાય છે અને ગામની અડોઅડ વહી જાય છે. નદી પર જવા માટે ગામમાંથી રસ્તો છે. આ તરફથી ખાસ કોઈ જતું નથી. સુનંદા એક વાર ગઈ હતી. ચોમાસુ હમણાં જ વીત્યું છતાં નદીમાં પાણી ઓછું હતું. બન્ને બાજુ પહોળો રેતીનો પટ હતો. પાણીમાંથી ચાલીને પેલી તરફ જઈ શકાય. ત્યાંથી ત્રીસેક ફૂટ પાછળ પાકી સડક છે, જેના પર થઈને કેટલીય બસ આવજા કરે છે. સુનંદા નદી ઓળંગીને સામે કાંઠે જઈને બેઠી હતી. બરોબર કાંઠા પર જ વાયવરણાનું ઝાડ હતું. તેનાં બીલીપત્ર જેવાં પાનની શામળી ઘટા ઘણા અવકાશને પોતામાં સમાવતી હતી. થડ નીચેથી પહોળું હતું અને મૂળ ઊંચાં ઊપસી આવ્યાં હતાં. સુનંદા ને ત્યાં બેસવાનું ગમ્યું. નદીને કાંઠે આવાં વૃક્ષોનાં ઝુંડ વચ્ચે એક નાનું મકાન બાંધવાનું એક વેળા તેને ઘણું મન હતું — જ્યારે તેણે દેવદાસ સાથે જીવનની અનેક કલ્પનાઓ ઘડી હતી. નદીને કાંઠે એક નાનું મકાન. ઊંચાણ પર બાંધેલા એ મકાનનાં પગથિયાં નીચે ઊતરતાં ઊતરતાં છેક નદીનાં પાણી પર જઈને અટકે. નદી સાથેની આ નિકટતા તેનો આનંદ હતો. ચોમાસામાં કોઈક વાર નદીમાં પૂર આવે ત્યારે તેનાં પાણી પગથિયાં ચડી છેક ઘરમાં બારણાં સુધી પહોંચે, તેની સાથે જોરદાર અવાજો કરી અથડાય, અફળાય, અને આખા ઘરને હચમચાવી મૂકે. દર વરસે મકાન જીર્ણ થતું જાય અને પોતાનું જીવન પૂરું થાય ત્યારે એનુંયે જીવન પૂરું થાય. મકાનનુંયે પોતાની સાથે મૃત્યુ થશે, એ ખ્યાલે તેની કલ્પનામાં મકાન જીવંત અને આત્મીય બની રહેતું. મકાનનો એ દીર્ઘ કાળ ન ટકી શકવાનો ગુણ સુનંદાના હૃદયમાં તેના પ્રત્યે કોમળ ભાવ જગાડતો હતો. નદી જ મકાનની મિત્ર, અને નદી જ મકાનનું મૃત્યુ. — અને વૃક્ષો. સુનંદાને વૃક્ષો માટે ઘણી પ્રીતિ હતી. મકાનનો વિચાર તે વૃક્ષોના સંદર્ભમાં જ કરી શકતી. વૃક્ષો એના ઘરનું અભિન્ન અંગ હતાં, ઘરનો જ વિસ્તાર હતાં. અમુક દિશાની બારીમાંથી અમુક વૃક્ષ દેખાવું જોઈએ — એ તેના આયોજનનો એક મુખ્ય મુદ્દો હતો. પોતાની કલ્પનાઓ તે દેવદાસને કહેતી. દેવદાસ કહેતો : ‘મારી બારી પર હું પડદા નહિ લગાડું. ગુલમહોરની ફૂલેભરી ડાળી જ મારી બારીનો પડદો બનશે.’ સુનંદા એ પૂછેલું : ‘ઉનાળો પૂરો થશે ને ફૂલો ખરી પડશે ત્યારે?’ ‘ત્યારે પાંદડાંનો પડદો હશે.’ ‘અને પાનખરમાં પાન બધાં ખરી પડશે ને ડાળીઓ સાવ સૂની થઈ જશે, ત્યારે?’ દેવદાસે કહેલું : ‘ત્યારે મારી ને આકાશની વચ્ચે કશો અંતરાય નહિ રહે. પછી હું એ આકાશમાં ઊડી જઈશ.’ નાનકડા એ મકાનને બહુ જ મોટું આંગણ રાખવાનું નક્કી થયેલું. ત્યાં ઝાડો રોપતી વખતે એના ફૂલના રંગની સંવાદિતાનો સુનંદાને ખ્યાલ હતો. આગ જેવાં પ્રજ્વલિત ગુલમહોરની જોડે શીળાં-પીળાં અમલતાસ. એક તરફ પિંક કેશિયા અને જેકેરેન્ડાની હાર. પિંક કેશિયાનાં ગુલાબી ફૂલોની જોડાજોડ જેકેરેન્ડાનાં જાંબલી ફૂલો કેટલાં સોહી ઊઠે તેની તે કલ્પના કરતી. પછી વર્ષો વીતશે, પોતાનું મૃત્યુ થશે. મકાન પણ મરણ પામશે, ત્યારે માત્ર આ વૃક્ષો જ જીવતાં રહેશે… પણ દેવદાસ ઘણી વાર ઊડી જવાની વાત કરતો. ‘તું વાત કરે છે એટલે, સુ.! નહિ તો મને કાંઈ મકાનફકાનમાં રસ નથી. મને તો મુક્ત રહેવું ગમે. જિંદગી આખી એક મકાનમાં રહેવાની હું કલ્પના જ કરી શકતો નથી. મારી કલા મારું જીવન છે અને તે એક સ્થળે બંધાઈ રહી શકે નહિ. વિવિધ અનુભૂતિની ખોજમાં તેને મુક્ત ભ્રમણ જોઈએ.’ સુનંદા પૂછતી: ‘મુક્ત રહેવા ઈચ્છે છે તો લગ્ન શું કરવા કરે છે?’ ‘હું તો ન કરું, પણ મને તું ગમે છે અને લગ્ન વગર તને હું મેળવી શકું નહિ. મને બાળકો પણ ગમે છે. તારા પર કોઈ કલંક ન લાગે, કાયદો તને હેરાન ન કરે, એ માટે હું લગ્ન કરું છું. બાકી હું સમાજને કે કાનૂનને માનતો નથી. ફૉર મી, સોસાયટી ઇઝ એ નૉન-એન્ટીટી (મારે માટે સમાજ જેવું કોઈ તત્ત્વ નથી). તારે માટે ને બાળકો માટે જ હું લગ્ન કરું છું.’ ‘કેમ, બાળકો એ બંધન નથી?’ ‘ના, પુરુષને મૂળભૂત બંધન નારીનું. બાળકો એને માટે બંધન નથી…’ ઘણી વાર તે મજાક કરતો : ‘આપણે કેટલાં બાળકો હશે?’ ‘એક પણ નહિ!’ સુનંદા ખિજાઈને કહેતી. ‘આપણે બાર બાળકો હશે.’ દેવદાસ એની ખીજ સાંભળ્યા વિના કહેતો, બાર આપણાં પોતાનાં ને બાર આપણે દત્તક લઈશું. અને બધાંને કહીશું — જેને જેટલાં બાળક અમારી પાસે મૂકવાં હોય તે મૂકી જાય. જોતજોતામાં તું જગજ્જનની બની જશે.’ દેવદાસ એટલું બધું હસતો કે બેવડ વળી જતો. સુનંદા ને કશોક ભય લાગતો. આ માણસ સાથે લગ્ન થાય તો શું તે પોતાની સાથે જિંદગીભર સંબંધ નિભાવી શકશે? પણ કોઈક વાર તે કેટલી કાળજી બતાવતો! ‘સુ. એટલે સુનંદા, સુ. એટલે સૂરજમુખી. સુનંદા, તું તારા ઘરનું બારણું પૂર્વ તરફ રાખજે, જેથી તું સૂરજમુખીની જેમ ખીલતી રહી શકે.’ તે કહેતો અને ત્યારે સુનંદા તેના પર વારી જતી. પણ નદીકાંઠે મકાન બન્યું નહિ, વૃક્ષો ઊગે તે પહેલાં તેની છાયા ખરી પડી. લગ્ન પછી એક જ વરસમાં દેવદાસ ચાલ્યો ગયો — જર્મની. સુનંદાને પછી ત્યાં બોલાવી લેવાની વાત હતી. વાત હતી, વચન નહોતું. દેવદાસને વચનો કદી ગમતાં નહિ. ‘તારે કદી મને વચનથી બાંધવો નહિ, સુનંદા!’ અને સુનંદા ભૂલી ગઈ કે લગ્ન તે એક બહુ મોટું વચન જ હતું, અને દેવદાસે પોતે તે ઇચ્છ્યું હોવા છતાં, તે એને નહિ સ્વીકારે. આજે સ્વીકારશે તો પછી એને તોડી નાખશે. જર્મની ગયા પછી ત્રણેક મહિના સુધી તેના પ્રેમથી ભરેલા પત્રો આવ્યા. પછી અચાનક જ આવતા બંધ થઈ ગયા, કશી પૂર્વ સૂચના આપ્યા વગર. સુનંદાને એ દિવસોની અસહ્ય, અંગેઅંગને ગૂંગળાવી નાખતી પીડા આજે પણ જેવી ને તેવી યાદ છે. ત્રણ વખત ટપાલ આવતી. સવારે, બપોરે અને પછી મોડી ઢળતી બપોરે. તેનું આખું જીવન એ ત્રણ સમય પર કેન્દ્રિત થઈ ગયું હતું. રાહ જોતાં તે થાકી જતી, ઢળી પડતી, વળી ઝબકીને જાગતી. સવારે નથી આવ્યો તો બપોરે આવશે. બપોરે ન આવ્યો તો સાંજે. આજ નહિ તો કાલે તો જરૂર આવશે. બહારગામ ગયો હશે, માંદો પડ્યો હશે. તેણે લખ્યો હશે, પણ વચ્ચેથી ગુમાઈ ગયો હશે. મારા પત્રો તેને મળ્યા નહિ હોય. લખવામાં જરા મોડું થયું હશે. મનને મનાવવા માટે જાતજાતનાં કારણો. પણ રોજ નવો દિવસ ઊગતો અને રોજ નવી વેદનાથી તેનું હૃદય વલોવાઈ રહેતું. ટપાલનો સમય થતાં, ભય અને આશાના પ્રચંડ આંદોલનથી તેનું શરીર ધ્રૂજી જતું. પગે દુર્બળતા વીંટાઈ વળતી. આંખો રસ્તા પર મંડાઈ રહેતી. ટપાલી ક્યારેક ટપાલ આપી જાય, પણ તેમાં દેવદાસનો પત્ર ન હોય! ક્યારેક તે દૂરથી જ બીજે વળી જાય. ઘર સુધી આવે જ નહિ. પોતાના ઘરની દિશામાં આવતાં આવતાં બીજી દિશામાં તેના વળી જવાની એ તીણી પળ દુર્દમ્ય હતાશાથી આરપાર વીંધાઈ રહેતી. ઉપરના માળની નાનકડી ઓરડીના ખૂણામાં ખુરશીમાં તે ભરાઈ બેસતી. વળી બીજી ટપાલ આવવાનો વખત થતો અને નવી આશામાં તેનું મન સંચારિત થતું. વળી આઘાત. તેનું હૃદય દિવસ-રાત પૂછ્યા કરતું : ‘દેવદાસ, ઓ દેવદાસ! તને ખબર છે, હું તારા પત્રની કેટલી રાહ જોઉં છું!’ પીડા, અભિમાન, ગુસ્સો, વિનવણીથી ભરેલા કેટલાયે પત્રો તેણે લખ્યા, એક્કેનો ઉત્તર આવ્યો નહિ. પછી તેના પત્રો પાછા આવવા લાગ્યા, ‘માલિકના ખબર નથી’ — ના શેરા સાથે. થોડા મહિના પછી, જર્મનીમાં અભ્યાસ કરતી તેની સખી વાસંતીનો પત્ર આવેલો : ‘દેવદાસ બ્રેમેનમાં મળ્યો હતો — ઘણા દિવસ પહેલાં. ઓસ્લો જવાની વાત કરતો હતો, તને તો લખ્યું હશે…’ સુનંદાનું અસ્તિત્વ એક એકાકી રુદન બની ગયું : એક કારમી પીડા અને તરફડાટ… લાગણીઓની અદમ્ય ભીંસ. જાણે હમણાં દેહની દીવાલો તૂટી પડશે અને લોહીનો ફુવારો બહાર ઊછળી પડશે. બા, ભાઈ, બહેનના સ્નેહનું આશ્વાસન તેને સ્પર્શી શક્યું નહિ. તેના જીવન પર ઘોર અંધકારનો પડદો ઊતરી આવ્યો. — માથું હલાવીને સુનંદાએ એ સ્મરણોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. ના, શો ફાયદો? પણ બધો વખત કાંઈ ફાયદાના વિચાર વડે મનની ગતિને રોકી શકાતી નથી. જીવનની, હૃદયની એક માંગ હોય છે અને તેની તર્ક અને બુદ્ધિગમ્ય વિચારણા વડે પૂર્તિ થઈ શકતી નથી. દેવદાસના ગયા પછી જીવનમાં જે એકલવાયો સૂનકાર ભરાઈ બેઠો છે, તે જ સુનંદાનો સૌથી મોટો પ્રશ્ન છે. ત્યાર પછી ફરી ભણી, ડૉક્ટર બની, જુદી જુદી જગ્યા એ કામ કર્યું, પણ જીવનની ભીતરમાં શૂન્યતાની ખાઈ પહોળીને પહોળી વિસ્તરતી ગઈ છે. તે એવી સ્ત્રી છે, જે સાચી રીતે માત્ર પ્રેમમાં જ જીવી શકે; એ સિવાયનાં બીજાં કોઈ પણ તત્ત્વો વડે જીવવા જતાં જીવન ખંડિત અને કૃત્રિમ બની જાય — પછી એ તત્ત્વો ગમે તેટલાં ઊંચા ને ઉમદા હોય. તેના કામમાં તેના હૃદયની તૃપ્તિ નથી, અંદરની અભિવ્યક્તિ નથી, એ તો તેની અંદરની ઘૂઘવી રહેલી વ્યથાને ઢાંકવા માટેનું ઢાંકણ માત્ર છે. પોતાનાથી ઘડીભર દૂર ભાગી છૂટવા માટેનો માર્ગ માત્ર છે. બહારની પ્રવૃત્તિ સાથે તે કદી હૃદયને એકરૂપ કરી શકી નથી, તેનું હૃદય નિરંતર બીજી કોઈક વસ્તુ ઝંખ્યા કરે છે. નિરંતર, નિરંતર… કોઈક સુભગ સુંદર સભરતા, જે અંદરના આવાસને શીતળ આનંદથી છાઈ દઈ શકે, સુકાઈ જવા આવેલા જીવનવૃક્ષને મહોરતું કરી શકે…