zoom in zoom out toggle zoom 

< પરોઢ થતાં પહેલાં

પરોઢ થતાં પહેલાં/૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨

પલંગ ઉપર સત્યને સુવાડવામાં આવ્યો હતો.

સહેજ લાંબો, સુકાયેલો લાગતો પણ અતિશય પ્રશાંત નિર્મળ ચહેરો. ઊજળા ઘઉં જેવો રંગ. આંખો બંધ, માથે સાધારણ રીતે હોય તેના કરતાં ઘણા વધારે અને એકદમ જ કાળા રંગના વાળ. શરીર ઉપર પીળી ચાદર ઓઢાડી હતી, મોં ઉપરાંત માત્ર બે પગ જ દેખાતા હતા. સહેજસાજ રક્તિમ આભાવાળા, એક પણ ફાટ કે ચીરા વગરના અસાધારણ કોમળ પગ… પરિવ્રાજકના ન હોય તેવા. પાયેર આલો… પગમાં ઝળહળતો દીવો. કોણે એ વાત કરી હતી?

ક્ષણવાર સુનંદા ભાન ભૂલી ગઈ. તેના પગ કંપ્યા. તેણે ભીંતનો ટેકો લીધો.

‘બહુ નહિ વાગ્યું હોય, કેમ દીદી? ક્યારે ભાનમાં આવશે?’ કુમારે ખુરશી લઈને પલંગ પાસે મૂકી. સુનંદા ખુરશીમાં બેઠી, પણ સત્યનો હાથ હાથમાં લઈ નાડી જોવાની તેની હિંમત ચાલી નહિ. નીચા નમી તેણે શ્વાસની ગતિ જોઈ.

‘કેવી રીતે વાગ્યું?’

‘તોફાન ચાલ તું હશે ત્યારે એ આવી ચડ્યા હશે. આવવાના છે એવી મને ખબર નહોતી પણ શોકસભા હતી એટલે કદાચ આવે, એવો અંદાજ હતો. ટોળાની વચ્ચે કોને ખબર કેવી રીતે રફીક સપડાઈ ગયો હતો. તેની ચીસ સાંભળી તેને બચાવવા તે ભીડમાંથી અંદર ઘૂસ્યા, તો તેમના પર જ પ્રહાર થયો. મેં તે વખતે જ તેમને જોયા. દીદી, આ ગામમાં કોઈ સત્યભાઈ પર પ્રહાર કરી શકે એવી કલ્પના નહોતી. એમને મેં પછડાતા જોયા. એ પડ્યા કે તરત જ ભંગાણ પડ્યું. હું ને નંદલાલ એકદમ એમની પાસે દોડ્યા. નંદલાલ મોટેથી બરાડ્યો નાલાયકો, તમે આ માણસ પર હાથ ઉપાડ્યો? બધા લોકો ઝટપટ વિખરાવા માંડ્યા. બેત્રણ જણને વાગેલું. રફીકને પણ વાગેલું. ત્યાં નાનું ટોળું હતું, પણ હું ને નંદલાલ ને બીજા બેત્રણ મળી સત્યભાઈને ઊંચકીને જલદી અહીં આવ્યા. નંદલાલ કહેતો હતો કે દીપચંદે જ આ કામ કરાવ્યું હશે. એના મનમાં તે દિવસનું વેર હશે. ઠીક દીદી, જલદી ભાનમાં તો આવી જશે ને?’

સુનંદા બોલી : ‘સેરેબ્રેલ કન્કશન છે — હળવા પ્રકારનું. પછડાટને લીધે મગજને શૉક લાગ્યો છે. થોડા વખતમાં ભાનમાં આવી જશે. શરીરે ક્યાંય વાગ્યું છે?’

‘ઉઝરડા પડ્યા છે. હાથે ઘણું છોલાયું છે. દીદી, એમને કંઈક દવા આપવી પડશે ને? તમે અહીં બેસો છો? હું દવાખાને જઈ બૅગ લઈને આ આવ્યો. કોઈ ખાસ દવા લાવવાની હોય તો કહો…’

કુમાર જલદીથી ઓરડાની બહાર નીકળી ગયો.

સુનંદા સત્યની પાસે એકલી પડી.

જે માણસને મળવાની તેને દિવસોના દિવસોથી આટલી ઝંખના હતી, તેની સાથેનું આ એકાંત મિલન… પણ કેવા રૂપમાં?

તે સત્ય સામે નીરખી રહી. અભાનાવસ્થામાં પણ આવો શાંત, ફિક્કો પડવા છતાં, સૂર્યથી ધોવાયેલી સવા૨ જેવો ઉજ્જ્વલ ચહેરો!

આ બંધ આંખો ઊઘડશે ત્યારે એ દૃષ્ટિમાં શું હશે? આ કંઠમાંથી જ્યારે શબ્દો નીકળશે ત્યારે તેનો ધ્વનિ કેવો હશે?

નાડી જોવી જોઈએ, પણ ચાદર ઊંચી કરી તેનો હાથ લેવાનું તેનાથી બન્યું નહિ.

ફરી જરા નીચા નમી તેણે શ્વાસની ગતિ જોઈ. ગતિ ધીમી છતાં લયમાં હતી.

હું જ૨ા વધારે નીચી નમું, તો મારો શ્વાસ તેના શ્વાસમાં ભળી જાય. તે વિચારી રહી. ધ્રૂજતાં, અટકતાં, અચકાતાં તેણે સત્યના કપાળ પર હાથ મૂક્યો. કોઈ જ જોનાર નહોતું, સત્ય પોતે પણ નહિ, તોપણ તેનો આખો દેહ કંપી ઊઠ્યો.

તેણે હોઠ કરડ્યા. હૃદય સાથે કબૂલ કરવું જ જોઈએ… આ માણસ માટે તેનું મન અતિશય ખેંચાણ અનુભવી રહ્યું હતું. એ ખેંચાણમાં દૂર કરવાનું મન ન થાય તેવી એક મધુર પીડા હતી. આ બંધ આંખો નીચેના તરલ જળમાં કયાં પ્રતિબિંબો સૂતાં હશે?

કુમારના આવતાં પહેલાં જ તેની આંખો ઊઘડે તો? તે શી વાત કરશે? તેનો અવાજ કેવો હશે? પોતાને તે શું કહીને બોલાવશે?

મનોમન તે બોલી…

તમે જો મને બોલાવશો તો હું તમારી પાસે ચાલી આવીશ.

તમે જો મને જરાક સાદ કરશો તો ચુંબક વડે ખેંચાતા લોહની જેમ હું તમારી પાસે ખેંચાઈ આવીશ.

તમે જરાસરખો સ્નેહ પ્રગટ કરશો તો હું મારી જાતને તમારી પર ન્યોચ્છાવર કરી દઈશ.

સત્યની અને તેની વચ્ચેનો એ નાનકડો અવકાશ વિદ્યુતની લહરથી કંપી રહ્યાં. સુનંદાનું સમગ્ર સ્ત્રીત્વ સત્ય માટે પોકારી ઊઠ્યું, તેના મૂક સાંનિધ્યમાં સર્વાંગે નહાઈ રહ્યું. પહેલી જ વાર, હજુ આજે, અત્યારે જ એણે સત્યને જોયો છે, તોપણ એક અજાણી અપૂર્વ આત્મીયતામાં તેનું હૃદય તેના તરફ ઢળી જાય છે. જાણે એ પોતાના મનનો જ માણસ, વર્ષોથી, શૂન્ય રહેલા હૃદયની સમૃદ્ધ તૃપ્તિનો સ્વર.

તેણે કપાળ પરથી હાથ લઈ લીધો.

આ તો બધી પોતાના મનની લીલા હતી. સત્ય તો કદાચ એથી સાવ અજાણ હતો. કદાચ તે એક અજાણ્યા માણસની જેમ વાત ક૨શે અને ઠીક થતાં, મુસાફરની જેમ ચાલ્યો જશે.

‘ના, ના, ના…’ તેનું હૃદય અરવ રુદન કરી રહ્યું. સત્યના મનમાં પોતાને માટે સ્નિગ્ધ ભાવ હશે જ. કુમારે તેની કેટલી બધી વાત કરી છે! અને કમલવનની વૈષ્ણવી…

એક ક્ષણ તેને શુંનું શું થઈ આવ્યું!

સહસા તે ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. સત્ય કોણ? ને પોતેયે વળી કોણ? એની સાથે પોતાને શો સંબંધ?

તેણે સ્વસ્થ થઈ રૂમમાં ચારે તરફ નજર ફેરવી. પલંગ પાસે મોટી બે બારીઓ હતી. બારી બંધ હતી ને ઉપર પડદા હતા. બાકીની ત્રણ ભીંતમાં લાકડાના ઘોડા હતા. બધા જ ઘોડા પુસ્તકોથી ઠસોઠસ ભરેલા હતા. આટલાં બધાં પુસ્તકો? તેને નવાઈ લાગી.

એક ખૂણામાં શ્વેત પથ્થરની બુદ્ધની મૂર્તિ હતી. એની નજીકમાં લાકડાનું અડધું કોતરેલું શિલ્પ. એક ખૂણામાં એક થેલો પડ્યો હતો. કદાચ સત્યનો હશે.

આખા વાતાવરણમાં દૂરતાની એક રહસ્યમય છાયા હતી. જાણે અહીં જે માણસ રહેતો હોય, તેની દુનિયા બીજાઓની દુનિયા કરતાં કંઈક જુદી હોય!

મૂર્તિ પાસે અગરબત્તી ને ધૂપદાની પડ્યાં હતાં. તેણે ઊભા થઈ ધૂપદાનીમાં અગરબત્તી મૂકીને સળગાવી અને સત્યની નજીક મૂકી. બારી ઉઘાડી નાખી તેણે પડદા પાડી દીધા, જેથી હવા આવે છતાં સત્યની આંખોને પ્રકાશ ન નડે. આજે સવારે તેણે પોતાના રસોડા પાછળના બાગમાં ખરી પડેલાં પારિજાતનાં ફૂલ વીણીને ભીના રૂમાલમાં રાખ્યાં હતાં. કરમાઈ ગયાં હશે. તોપણ પોતાનાં એ પ્રિય ફૂલ લાવી, આ પ્રિય માણસ પાસે મૂકવાનું તેને મન થયું. ઓશીકા પાસે પડેલાં ફૂલ એ જાગીને જુએ ત્યારે… પણ એ લેવા માટે ઘેર જવું પડે. સત્યના સાંનિધ્યમાંથી તે એક ક્ષણ પણ દૂર જવાને તૈયાર નહોતી. એ સાંનિધ્ય પોતે જ એક તાજી સુગંધના સાતત્ય જેવું હતું. ચાદર પર કરચલી નહોતી તોયે તેણે તે ઠીકઠાક કરી અને જરા ખુલ્લા દેખાતા બે પગ ઢાંકી દીધા.

ચાદરનો પીળો રંગ પણ તેને અપૂર્વ સુંદર લાગ્યો. સૂરજનો ભીનો તડકો… તેને થયું — પોતે જો એક તરુણ કળી હોત તો સત્યના સાંનિધ્યના આ સૂર્ય પ્રકાશમાં તે ખીલી અને મહોરી ઊઠત. તેને સદા કાળ આમ જ બેસી રહેવાનું મન થયું. અંદરથી એક મધુરતા ઊભરાવા લાગી.

આ ક્ષણોને જો મોતીની માળા બનાવી શકાય, તો પોતે તેને હંમેશાં ગળામાં પહેરી રાખે.

તે ભૂલી ગઈ કે પોતે ડૉક્ટર છે, સત્યની સારવાર માટે આવી છે. સઘળું ભૂલીને તે માત્ર સ્ત્રી બની રહી, પ્રિયમાં વિલીન થઈ જવાને આતુર કેવળ સ્ત્રી જ.

કુમાર આવી પહોંચ્યો. ‘જાગી ગયા સત્યભાઈ? હજુ નથી જાગ્યા?’

સુનંદાએ જરૂરી દવા તૈયાર કરી, સત્ય જાગે ત્યારે આપવા માટે. હમણાં કશું આપવાની જરૂર નથી. જાગે પછી ગરમ કૉફી આપવી પડશે. હવે કોઈ પણ પળે તે જાગશે…

કુમારના રૂમમાં સ્ટવ હતો. સુનંદાએ સત્ય માટે કૉફી બનાવી. કુમારે કહ્યું : ‘દીદી, તમે બેસો, હું બધું કરું છું.’ પણ સુનંદાએ જાતે જ સ્ટવ સળગાવી કૉફી ગાળીને ભરી. સત્ય માટે કામ કરતાં તેનું મન આનંદી ઊઠ્યું. સત્યની આંખ ક્યારે ઊઘડશે? હમણાં, હમણાં, હમણાં… તેના અંતરનું પંખી ગાઈ રહ્યું. પાંખ ફફડાવતું તે ઊડ્યું, સત્યના માથા પર આંટા માર્યા, પાંખનાં પીંછાં વડે આંખ પર મૃદુ સ્પર્શ કર્યો.

બહાર કશોક અવાજ સંભળાયો. ‘ડૉક્ટર સાહેબ અહીં આવ્યાં છે?’

કુમાર બહાર ગયો. ‘હા અહીં છે. કેમ, શું કામ છે?’

ત્રણેક માઈલ દૂરના ગામડેથી એક સ્ત્રી ને પુરુષ આવેલાં. એ માણસની બહેનને પ્રસૂતિ આવે તેમ હતું. કાલ રાતથી પીડા ઊપડી હતી, પણ છુટકારો થતો નહોતો. બાઈ બહુ જ કષ્ટાતી હતી. ડૉક્ટરની તાકીદની જરૂર હતી. નહિ તો બાળક અંદર મરી જાય ને જીવ જોખમમાં મુકાઈ જાય તેમ હતું.

સુનંદાના અંધારા વનમાં ઝગી ઊઠેલી સો મીણબત્તીઓ એક હળવી ફૂંકથી એકીસાથે બુઝાઈ ગઈ.

જવું તો જોઈએ જ.

કુમારે કહ્યું : ‘સત્યભાઈની તો હવે ચિંતા નથી, નહિ દીદી?’

સુનંદા એ મૂંગાં મૂંગાં ડોકું હલાવ્યું.

કુમારે કહ્યું : ‘આવા વખતે તમને જવા દેતાં મન માનતું નથી દીદી, પણ મારી ‘ના’થી તમે ઓછાં જ અટકવાનાં છો?’

હાય, કુમારને તે શી રીતે કહે કે આજે તેના પગ, તેનું હૃદય, તેનું સઘળું અસ્તિત્વ પેલા નાના ઓરડામાં અટકી પડ્યું છે! આજે તેને જવાનું જરા પણ મન નથી. એના થાકેલા પથ પર આજે પહેલી વાર ઊતરેલી આ મલય વાયુની ગંધથી સહેજેય દૂર થવાનું તેને મન નથી.

એનું હૃદય વલોવાઈ જવા લાગ્યું.

પણ એક સ્ત્રીનો જીવ જોખમમાં છે. જવું જ જોઈએ.

પગને ધક્કો મારીને તે ચાલી. કુમારે કહ્યું : ‘દીદી, સંભાળીને જજો ને સત્યભાઈની ચિંતા કરતાં નહિ. એ જાગશે કે હું દવા ને કૉફી આપી દઈશ, રાતના દસેક વાગતાં સુધીમાં તો તમે આવી જશો ને? રાતે હું આવીને સમાચાર આપીશ. અને હા, હું કહેવાનું ભૂલી ગયો હતો. રફીકને બહુ વાગ્યું છે. અમીના ને અબ્દુલ એને લઈને સાંજની ગાડીમાં મોટા દવાખાને ગયાં છે.’

ખડખડ કરતી ઘોડાગાડી ધૂળિયા મારગેથી ગામડા તરફ ચાલી. એણે ઉડાડેલી ધૂળથી સાંજનું આકાશ શોકમય બની ગયું.

*

ત્રીસેક વરસની સ્ત્રી. નાની અંધારી ઓરડીમાં અતિશય પીડાથી તરફડિયાં મારતી હતી. મજબૂત કાઠાની, વખત પડ્યે ધીંગાણું ખેલી શકે એવી જોરદાર દેખાતી આ સ્ત્રી અત્યારે સાવ જ અસહાય થઈને ચીસો પાડી રહી હતી.

તેની મા એની પાસે આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેના શબ્દો સ્ત્રીની ચીસોના પૂરમાં તણખલાની જેમ ઘસડાઈ જતા હતા. ‘મારે જીવવું નથી, જીવવું નથી, મને મારી નાખો, મારો છુટકારો કરો… હે ભગવાન, મને કાંઈક થઈ જાય છે. મારું આખું શરીર કોઈ ફાડી નાખે છે, નસોના ચીરેચીરા કરી નાખે છે. ઓ મા, મને કેમ કોઈએ કહ્યું નહિ કે આમાં આટલી બધી પીડા થાય છે?’ તેના હાથની મુઠ્ઠીઓ વળી જતી હતી. આંખોમાં એક ઘેલા પણું આવી વસ્યું. ‘મારાથી નથી સહેવાતું, નથી સહેવાતું.’

સુનંદાએ તેને તપાસી. કોઈ બીજી તકલીફ નહોતી, પણ બાળકનું માથું બહુ મોટું હતું. બહાર આવી શકતું નહોતું, જોર કરવાની જરૂર હતી. પણ પીડામાં ત૨ફડીને સ્ત્રી એકદમ જ થાકી ગઈ હતી, તેનામાં જરાયે શક્તિ રહી નહોતી.

આ છોકરીનો બાપ ને ભાઈ બહાર ઊભા હતા. બાપ અસ્વસ્થતાથી આંટા મારતો હતો. દીકરીનું દુઃખ તેનાથી સહ્યું જતું નહોતું, છતાં તે કશું કરી શકે એમ નહોતો. કોઈ જ કાંઈ કરી શકે તેમ નહોતું. તેની માએ દીકરીની બધી પીડા પોતે લઈ લેવાની ઇચ્છા કરી હોત! પણ અત્યારે તો જોયો ન જાય એવો એ તરફડાટ તે નિષ્ક્રિય થઈને જોઈ રહી હતી. માણસની તીવ્રમાં તીવ્ર પીડાની કાળી ઘડીએ તેને કોણ સહાય કરી શકે?

વૈરાગીઓ કહે છે — પિતા, માતા, પતિ, પત્ની દુનિયામાં કોઈ આપણું નથી. સઘળા સંબંધો જૂઠા છે. અને છતાં માણસ હંમેશાં વેદનાથી કહે છે — દુનિયામાં મારું કોઈ નથી. સઘળા સંબંધો જૂઠા હોય, તો કોઈના ન હોવાની આ વેદના શા સારુ? અને ખરેખર જ શું એક માણસને બીજા માણસના સ્નેહની, લાગણીની, કાળજીની જરૂ૨ નથી હોતી? આપણે માંદા હોઈએ ત્યારે કોઈ આપણને પાણી પાય, માથું દબાવી આપે, ડૉક્ટરને બોલાવી લાવે, માત્ર પાસે બેસી હાથ પર હાથ ફેરવે, તેથી પણ શું સંતોષ નથી થતો?

અને છતાં કોઈ સાવ પોતાનું થઈ શકે નહિ. એક માણસના જીવનની ક્રૂર આંધળી પીડા, બીજું કોઈ લઈ તો ન શકે! ઊંડામાં ઊંડા દુઃખમાં કોઈ સહભાગી તો ન થઈ શકે. પોતાની નિબિડ વેદનામાં માણસ સદા એકાકી જ રહે.

તો એક વિશ્વાસ, દુનિયામાં કોઈકને પોતાનાં સુખદુઃખનું મૂલ્ય છે એવું એક આશ્વાસન, એ શું એક ખ્યાલ જ છે? એક વિચાર જ છે?

અને આ ભાન ભુલાવી દેતી, અંકોડેઅંકોડા છૂટા પાડી નાખતી, સાણસાની વચ્ચે કોઈ પીસી-ભીંસી દેતું હોય તેવી દુઃસહ્ય, દુઃસહ્ય પીડા! સ્ત્રીને તેનો પતિ ગમે તેટલો પ્રેમ કરતો હોય, તોપણ પ્રસૂતિની આ અઘોર પીડામાં તે શું તેને સાથ આપી શકે?

સંબંધ તો હૃદયનો હોય છે. મનનો ને લાગણીનો હોય છે, વિધિ ને વિચાર ને કર્તવ્ય નો હોય છે. પણ આ પીડામાં તો સ્ત્રી કેવળ શરીર બનીને રહી જાય છે. શરીરની પીડા માત્ર શરીર ઓળખે છે. પતિ… એ તો એક સંબંધનું નામ છે. તે કાંઈ સત્ય નથી. પણ શરીર સત્ય છે, આ પીડા સત્ય છે. તે માત્ર નામ નથી, જીવન ને મરણના જેવી જ તે નક્કર વસ્તુ છે.

સુનંદાના મનમાં ઘણાબધા વિચારો ઊઠવા લાગ્યા. સ્ત્રી આટલી બધી પીડા વેઠીને બાળકને જન્મ આપે છે તેથી જ શું તે બાળકને આટલી મમતાથી ચાહે છે? જે પોતાની આ અપાર પીડાનું નિમિત્ત, તેના પ્રત્યે તેને શી રીતે આટલી મમતા સંભવે? તેનો પોતાનો તે અંશ, પણ શરીરથી એ અંશ છૂટો પડતાં જ પરાયો નથી થઈ જતો?

અચાનક તેને થયું — આ સ્ત્રીના અજાગ્રત મનમાં, બાળકના આ પરાયા થઈ જવા વિશે રહેલી ભીતિ જ તેને જોર કરતાં અટકાવતી હોય તેમ બને? પતિના ઘરની વિરોધી હવા વચ્ચે પોતાનું કહીને જેને પોતામાં રાખી શકે એવું માત્ર આ બાળક… તેથી જ કદાચ આ પીડા પાછળ પણ એક જીદ… જે સંપૂર્ણ પણે પોતાનું જ છે તેને પરાયું થવા દેવાનો એક અંધ ઇન્કાર…

મા તેની સામે જોઈને બોલી : ‘પરણ્યાને બાર વરસ થયાં પછી આ પહેલી વારનું બાળક છે!’

‘સાસરામાં બહેનને કેવી રીતે રાખે છે? બધું સરખું છે?’

‘ખાવાપીવાની તો કોઈ તકલીફ નથી, પણ જમાઈ જરા મારઝૂડ કરે છે. દારૂ પીવાની ક્યાંકથી લત લાગી છે. વ૨ એવો હોય પછી સાસુસસરા વહુનું શું માન રાખે? ત્રાસ તો ખરો જ. ત્યાં એને કાંઈ પણ થાય, એની સંભાળ લેનારું કોઈ નહિ.’

આખી રાત સુનંદાએ એ સ્ત્રી પાસે ગાળી. સ્વાભાવિક જન્મ થાય તો બીજું કાંઈ ન કરવું પડે. પણ પ્રત્યેક ચીસ સાથે સ્ત્રીની શક્તિ વધારે ક્ષીણ થતી જતી હતી.

સવાર પડવા આવી… સુનંદાને થયું, હવે સાધનોની મદદ લેવી પડશે. તેણે છેલ્લો પ્રયત્ન કરી જોયો : ‘હિંમત રાખીને જરા જોર કરો. તમે જોર કરતાં નથી. ચીસોમાં બધી શક્તિ વેડફી નાખો છો.’

સ્ત્રી

આર્તકંઠે બોલી : ‘મારામાં તાકાત જ નથી. જોર થતું નથી.’

સુનંદા ઊંચા અવાજે બોલી : ‘તમે જાણી જોઈને જોર નથી કરતાં. તમે બાળકને બહાર આવવા દેવા નથી માંગતાં.’

‘જાણી જોઈને?’

‘હા, જાણીને જ. તમારા વ૨ ૫૨ તમને દાઝ છે તેથી…’

‘ના, ના, એમ નથી. હું થાય તેટલું જોર કરું છું. લો જુઓ…’ તેણે જબરદસ્ત પ્રયત્ન કર્યો. શિયાળાની કડકડતી રાતે તેનું શરીર પરસેવાથી નહાઈ રહ્યું. ‘જોર તો કરું છું, જુઓ!’ તેણે દાંત ભીડ્યા. હોઠમાંથી લોહી બહાર નીકળી આવ્યું. અંદર હાડકેહાડકું તૂટી પડતું હોય તેમ લાગ્યું. તેણે એક જોરદાર હડસેલો મારવા પ્રયત્ન કર્યો. પોતાને પકડી રહેલી, જકડી રહેલી આ કારમી નાગચૂડમાંથી છૂટવા તેણે મરણિયો પ્રયાસ કર્યો. એક મોટી ચીસ તેણે પાડી.

બાળક બહાર આવી ગયું.

ઓહ! એ ક્ષણે કેટલી અદ્ભુત રાહત! કેટલી હળવાશ! કેટલી મુક્તિ!

સુનંદાએ નિરાંતનો શ્વાસ લીધો.

થાકથી તેનું શરીર તૂટી પડતું હતું, પણ તે થોભી નહિ. તેણે હાથ-મોં ધોયાં, થોડીક પ્રાથમિક વિધિ પતાવી માને બાળક માટે સૂચનાઓ આપી. અને પછી તે જવા માટે તૈયાર થઈ.

‘બહુ જ થાકી ગયાં હશો, દાક્તર સાહેબ! જરા વાર આરામ કરો. હમણાં ચા થઈ જશે. ચા પીને જાઓ.’ સ્ત્રીની માએ કહ્યું.

પણ હવે સુનંદાથી એક ક્ષણ પણ થોભાય તેમ નહોતું. આખી રાત પાછળના ખૂણે ધકેલી રાખેલી સત્યની યાદ ફરી એકદમ પ્રબળ બની ગઈ. પીડામાંથી આ સ્ત્રીની મુક્તિ થતાં જ તેનું આખું અસ્તિત્વ સત્ય પાસે દોડી જવા તલસી રહ્યું. એને કેમ હશે? મૂર્છા તો રાતે જ, સાંજે જ ઊતરી ગઈ હશે. જાગીને તેણે શી પૂછપરછ કરી હશે?

તેની આંખો સત્યને જોવા માટે વ્યાકુળ બની ગઈ.

તે પાછી પહોંચી ત્યારે સાડા આઠ વાગી ગયા હતા. ઘેર જઈ તે સીધી નહાવા ચાલી ગઈ. થાક ને ઉપરાઉપરી બે રાતના ઉજાગરાથી તેનો દેહ ક્લાન્ત બની ગયો હતો. માથું ભારે થઈ ગયું હતું. આંખો વારંવાર ઢળી પડતી હતી. નાહ્યા પછી સ્ફૂર્તિ આવી. કુમારને ત્યાં જવા તે નીકળી પણ દવાખાનામાં ચારેક જણ આવીને બેઠાં હતાં. કુમાર નહોતો. કાળુ બહાર પગથિયાં પાસે ઊભો હતો. બોલ્યો : ‘આજે કુમારભાઈ આવ્યા નથી. મેં દવાખાનું હમણાં જ ઉઘાડ્યું.’

કુમાર સત્યની પાસે રોકાયો હશે, એટલે જ નહિ આવ્યો હોય. તેને કાળુને પૂછવાનું મન થયું, પણ એ ઇચ્છા તેણે રોકી. દવાખાનામાં જઈ તેણે બધાને તપાસી દવા આપી. એમાંથી બે જણને કાલના તોફાનમાં વાગ્યું હતું. તેમણે ખબર આપી કે કાલના હુલ્લડમાં બે જણ મરી ગયા હતા.

સાડા દસ વાગ્યા. સુનંદા બહુ જ થાકી ગઈ હતી. હવે દવાખાનામાં કોઈ નહોતું. રફીક! રફીક હોત તો દોડતો કુમારના ઘેર જઈ સત્યના ખબર લઈ આવત. અથવા તેને દવાખાનામાં બેસાડી પોતે કુમારને ત્યાં જઈ શકત. પણ દવાખાનામાં તો કાળુને પણ બેસાડી શકાશે…

ટેબલ પ૨નાં કાગળિયાં સરખાં કરી તે ઊઠવા જતી હતી, ત્યાં કુમાર આવ્યો.

સુનંદા ઊભી થઈ ગઈ. ‘કેમ છે સત્યભાઈને? ચાલ હું ત્યાં જ આવું છું.’

કુમાર બોલ્યો : ‘આવવાની જરૂ૨ નથી દીદી, સત્યભાઈ તો ગયા.’

ગયા?

બે અક્ષરના આ શબ્દમાં કેટલી સંચિત પીડા!

‘હા, રફીક મરી ગયો એવા ખબર આવ્યા એટલે ત્યાં શહેરમાં ગયા. હજુ હમણાં જ, કલાક પહેલાં જ ત્યાં ગયા. અમીના પાસે…’

રફીકના મૃત્યુના સમાચારથી સુનંદાના મનમાં જે હાહાકાર વ્યાપ્યો તેમાં બીજા એક શોકનો ચિત્કાર પણ સંભળાતો રહ્યો.

મેળાપ થયો છતાં મળી શકાયું નહિ. આટલા બધા જે શબ્દો સાંભળ્યા હતા, તેને અવાજનું પરિમાણ મળ્યું નહિ. એની ખુલ્લી આંખોમાં કેટલી આત્મીયતા છે, કેટલી અલિપ્તતા છે, તેની જાણ થઈ નહિ. તેના વેદનામલિન, ધૂલીધૂસર ૫થ ૫૨, સુગંધની એક લહર આવી તેવી જ ચાલી ગઈ?

શોકથી તેનું હૃદય ઘવાઈ રહ્યું.

કુમાર ત્યાં જ બેસી રહ્યો. બીજા બેત્રણ જણ આવ્યા તેમને દવા આપી બધું કામ પતાવી સુનંદા ઘેર જવા નીકળી ત્યારે કુમાર પણ તેની સાથે ગયો. સુનંદા એ કશું પૂછ્યું નહિ. ઘેર પહોંચતાં જ બારણામાં ઊભા રહીને તેણે કહ્યું : ‘સુ.દી.!’

‘શું?’

‘સત્યભાઈ તમારે માટે એક પુસ્તક ભેટ આપી ગયા છે. કહે : તારાં દીદીએ મારે માટે ઘણી મહેનત કરી, તે માટે કૃતજ્ઞ છું.’

શાનું પુસ્તક? બાઉલગીતોનું? પોતાને બંગાળી તો આવડતું નથી. તો જીવન કેમ જીવવું તેનો ઉપદેશ આપતું પુસ્તક? — સુનંદા મૌન ઊભી રહી.

કુમારે પુસ્તક આપ્યું.

એક નાનુંસરખું અંગ્રેજી પુસ્તક — ભારતનાં ફૂલવૃક્ષો પરનું. અંદર ઘણી આર્ટપ્લેટ પર સ્પેથોડિયા, ગાયકમ, જરૂલ, કોલવિલ્લિયા, કેસૂડો, શિરીષ, પંગારાનાં સુંદર રંગીન ચિત્રો. આગળપાછળ, ઉપરનીચે ક્યાંય તેનું કે આપનારનું નામ નહોતું. સત્યના અક્ષર એણે જોયા નથી. ફૂલો માટેની પોતાની પ્રીતિ વિશે કુમારે તેને વાત કરી હશે. પુસ્તક ઘણા વખતથી લઈ રાખ્યું હશે. સાથે રાખીને ફર્યા હશે. મોકો મળે તો આપી શકાય, છેવટે આજે…

કુમા૨ બારણામાં ઊભો સુનંદા સામે જોઈ રહ્યો હતો. ‘દીદી!’

‘હં!’

‘તમે બહુ જ થાકી ગયાં છો, તોપણ તમારી આંખો કેટલી ચળકે છે!’

સુનંદાએ મોં ફેરવી લીધું.

‘દીદી!’

સુનંદાથી હં એટલું પણ બોલી શકાયું નહિ.

‘દીદી, કાલે રાતે મેં સત્યભાઈને કહ્યું કે મારાં દીદીની આંખો એકલાં આંસુની બની હોય, તેમ હંમેશાં ચળક્યા જ કરે છે. એમણે શું કહ્યું દીદી, ખબર છે? એમણે કહ્યું : એ આંખોને આપણે ઉલ્લાસનાં કિરણોથી ચળકતી બનાવી દઈશું.’

સુનંદાની આંખમાંથી ઝરઝર આંસુ સરી પડ્યાં.

‘સત્યભાઈને જવું પડે તેમ હતું એટલે એ ગયા. અમીના તેમને બહુ જ માને છે. આ દારુણ ઘડીમાં અમીનાને હિંમત આપવાનું કામ માત્ર સત્યભાઈ જ કરી શકે તેમ હતા. તેમણે કહ્યું છે, એકબે દિવસમાં જ તે ફરી આવશે…’

તે ધીમેથી ચાલ્યો ગયો.

સુનંદા પુસ્તક હાથમાં રાખીને પલંગમાં સૂતી. તેની આંખો જ નહિ, આખું અસ્તિત્વ આંસુનું બનેલું હોય તેમ તેનું રુદન વહી રહ્યું… આખી બપોર, આખી રાત!

*