પરોઢ થતાં પહેલાં/૨૧
ત્રણ દિવસ પછી એ ભીષણ ઘટના બની.
પાંચ વાગી ગયા હતા, પણ કુમાર હજુ આવ્યો નહોતો. ચાવી લઈને કાળુને દવાખાનું ઉઘાડવાનું કહેવા માટે સુનંદા ઘરની બહાર નીકળી.
ફાટક તરફ તે જતી હતી ત્યાં તેણે કુમારને ઉતાવળે પગલે આવતો જોયો. તેનો શ્વાસ ભરાઈ ગયો હતો અને તેના મોં પર આજ સુધી કદી ન જોયેલો ભાર હતો.
સુનંદાની નજીક આવતાં જ તે ધીમા ઘોઘરા અવાજે એકદમ બોલ્યો : ‘દીદી, સાંભળ્યું? ગાંધીજીનું ખૂન થયું.’
આખુંયે આકાશ જાણે વીજળીની એક તીક્ષ્ણ રેખા બનીને પૃથ્વી પર આવી પડ્યું. ગાંધીજીનું ખૂન? એ બને જ શી રીતે? અવિશ્વાસના કિલ્લાને ભેદીને સચ્ચાઈનો આઘાત તેના હૃદય સુધી પહોંચ્યો નહિ. ‘સાચું બોલે છે?’
‘કેવી વાત કરો છો દીદી, આવી વાતમાં હું મજાક કરતો હોઈશ?’
‘ના, એમ નહિ, પણ સમાચાર સાંભળવામાં ક્યાંક કશી ભૂલ થઈ હોય…’
‘ચાલો દીદી, રેડિયો પર સાંભળીએ, અત્યારે એ જ સમાચાર આવી રહ્યા છે.’
બન્ને ઝડપથી ઘરમાં પાછાં ગયાં. કુમારે રેડિયો ચાલુ કર્યો. વાંસળી પર પૂર્વીના તીવ્ર, કરુણ સ્વરો… અને પછી — ‘હમેં યહ કહતે હુએ બહુત ખેદ હૈ કિ હમારે રાષ્ટ્રપિતા…’
સુનંદા માથું ઢાળીને બેસી રહી.
બીજો કોઈ દિવસ હોત તો કુમારે આશ્વાસન આપવાનો બીજીત્રીજી વાત કરી સુનંદાનું મન હળવું કરવાનો પ્રયત્ન કર્યો હોત, પણ આજે એવું કાંઈ પણ કરવાનું વ્યર્થ હતું. કોઈયે આશ્વાસન વડે હળવી ન કરી શકાય, તેવી એક અમાપ ઘટના બની હતી.
ક્યાંય સુધી કુમાર ચુપચાપ બેસી રહ્યો. પછી ઊભો થયો ને આંખ વડે જ સુનંદાને કહીને, કશું બોલ્યા વગર બહાર નીકળ્યો. જતાં જતાં બારણું ધીમેથી બંધ કરતો ગયો.
મૃત્યુ!
આજ સુધીમાં મૃત્યુનો બહુ પરિચય થઈ ચૂક્યો છે, પણ મૃત્યુનો આ વેશ તદ્દન અજાણ્યો હતો. આ પણ એક રોગથી જ થયેલું મૃત્યુ હતું. પણ આ રોગ જુદા પ્રકારનો હતો. રોગ બીજાનો હતો, ને મૃત્યુ બીજાનું થયું હતું. કોણે ખૂન કર્યું હતું તેની તે વખતે ખબર પડી નહિ. તેણે માની લીધું કે કોઈ મુસ્લિમે જ તે કર્યું હશે. ખૂન ગમે તે માણસે કર્યું હોય, પણ રોગ કોઈ એક માણસનો નહોતો. તે તો આ રોગનું વાહન માત્ર બન્યો હતો. રોગ આખી પ્રજાનો હતો, આખી માનવજાતનો હતો, અને તેનું પરિણામ એક તંદુરસ્ત માણસે ભોગવ્યું હતું. તેનો કદાચ એટલો જ વાંક હતો કે તે પોતે એ રોગથી ગ્રસ્ત નહોતો.
સુનંદાને થયું — ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી. બહારનાં આ બધાં નામ તો મિથ્યા આલંબનો છે. જેમાંથી જીવનનું આ સર્જન અને તેનો વિનાશ, તેના મૂળને પામવું તે જ એક ધર્મ છે. તે જીવનનો ધર્મ છે, હિન્દુ કે મુસલમાનનો નહિ, આ કે તે પ્રજાનો નહિ.
લાખો કરોડો લોકોની જેમ, તેના પોતાના જીવન સાથે પણ ગાંધીજીના વ્યક્તિત્વની છાયા છેક નાનપણથી વણાયેલી હતી. એ છાયા કેટલી અભિન્ન હતી, તેનું આજે એ ખસી જતાં તેને ભાન થયું. આ માણસ, જે સેંકડો વસ્તુઓને સંકલિત રૂપે જોઈ શકતો હતો, અને તેથી જ મોટા પ્રશ્નો પાસે જેણે નાના પ્રશ્નોનો કદી અનાદર કર્યો નહોતો! પોતાની રીતે દૃઢ પ્રતીતિઓ થવા છતાં, વધુ ઊંચાં સત્યો માટે જેણે હંમેશાં પોતાની અંદર જગ્યા રાખી હતી! રાજકીય નેતા કે સમાજ-સુધારક તરીકેના તેના રૂપ કરતાં તેના આંતરજીવનની આ સત્ય ભણીની સદા જાગ્રત યાત્રાએ, એ પ્રયત્નોની ભવ્યતા અને નિશ્ચલતાએ જ સુનંદાને હંમેશાં અભિભૂત કરી હતી.
આજે એક મોટું ગાબડું જીવનમાં પડી ગયું. તે અંગત નહોતું, તોપણ એકદમ આંતરિક હતું. હવે પછીની જિંદગી પહેલાં જેવી કદી નહિ રહી શકે. મૃત્યુનો આટલી નિકટતાથી કદી સંઘાત થયો નહોતો. અત્યાર સુધી જે લોકોનાં મૃત્યુ તેણે જોયાં હતાં તેમના જીવન સાથે તેને કશો વિશેષ સંબંધ નહોતો. પણ આ મૃત્યુ, નિકટમાં નિકટના સ્વજનના મૃત્યુ કરતાં પણ વધારે વિક્ષુબ્ધ કરી મૂકે તેવું હતું.
મૃત્યુના ગાઢ સામીપ્યમાં, મૃત માનવીના ઠરી ગયેલા શ્વાસને સાંભળતી તે બેસી રહી. નેહરુએ કહ્યું : ના એ પ્રકાશ સામાન્ય નહોતો, યુગો યુગો સુધી તે અજવાળું આપતો રહેશે.
પણ સુનંદા તેના અંતરમાં સમજે છે કે કશુંક બુઝાઈ ગયું છે, જીવનની એક હળવાશ બુઝાઈ ગઈ છે. જીવનનો હવે તે, મૃત્યુને સાથે રાખ્યા સિવાય કદાચ વિચાર નહિ કરી શકે.
ત્રીસમી જાન્યુઆરીની આખી રાત તે ચુપચાપ, અંધારામાં, બંધ થઈ ગયેલા રેડિયો સામે જોઈ બેસી રહી. તેના અંતરમાંથી શબ્દો ઝરવા લાગ્યા… ગાઓ સહુ આજ હરિગાન ગાઓ…
રાતના ઠંડા અંધારામાં ધીમા પગલે સત્યની યાદ તેની સમીપ આવીને બેઠી હતી. મૃત્યુના જે ગાઢ સંસ્પર્શની આ અનુભૂતિ તેને થઈ હતી, તેની વાત તે સત્યને કહી શકે, તો સત્ય તે સમજી શકે. બધી વાતો બધા લોકો સમજતા નથી હોતા, પણ તેને થયું, તેની આ વાત સત્ય સમજી શકે…
બીજા દિવસે કુમારે તેને ખબર આપી કે આખા ગામમાં હડતાલ છે, બધું બંધ છે, સાંજે જાહેર સભા થશે. સુનંદાએ તેને દવાખાનું ઉઘાડવાનું કહ્યું ત્યારે તે નવાઈ પામીને બોલ્યો : ‘દીદી, આજે કામ બંધ નથી રાખવું? આજે તો ગામમાં બધું જ બંધ છે.’
સુનંદાએ શાંત કંઠે કહ્યું : ‘તેથી દવાખાનું શા સારુ બંધ રાખવું પડે? કોઈને પણ અચાનક દવાની જરૂર પડે અને દવાખાનું બંધ જોઈને તેને પાછા જવું પડે તે મને પસંદ નથી.’
સુનંદાનો અવાજ હંમેશાં નરમ ને કોમળ જ રહે છે, પણ કોઈ કોઈ વારએમાં પહાડનો સ્પર્શ પામેલી દૃઢતા આવી જાય છે. એવો કંઠસ્વર કુમાર સાંભળે છે ત્યાર પછી તે કદી દલીલ નથી કરતો.
પણ આજે તે સુનંદાની રજા લઈને જલદી ચાલ્યો ગયો. તેણે સાંભળ્યું હતું કે શિવશંકરે કેટલાક લોકોને ગફૂરને માલ ન આપવા સમજાવેલા. કાલે સાંજે ગાંધીજીના મૃત્યુના સમાચાર આવ્યા તે પહેલાં શિવશંકર અને ગફૂરમિયાં વચ્ચે બધું એકદમ ધૂંધવાઈ ઊઠ્યું હતું. કુમારને અંદેશો હતો કે શિવશંકર આમાં કોઈક પણ રીતે અબ્દુલને હાથો બનાવવા માગતો હતો. કેવી રીતે, એ તે સમજી શક્યો નહોતો, પણ એવી રીતે, જે માત્ર શિવશંકર જ કરી શકે. કોઈને, ખુદ અબ્દુલનેય ખબર ન પડે તેવી કુશળ રીતે.
તે અબ્દુલને ઘેર ગયો ત્યારે અમીનાએ કહ્યું કે અબ્દુલ રફીકને સાથે લઈને ગફૂરને ઘેર ગયો હતો.
કુમારના મન પર એક અસ્પષ્ટ આશંકા છવાઈ રહી.
દેશના આ સૌથી મોટા દુર્ભાગ્યની ઘડીએ પણ શિવશંકર પોતાના સ્વાર્થની કોઈક રમત રમતો હશે એમાં તેને જરાયે શંકા નહોતી.
સાંજે પાંચ વાગ્યે ગંગાચોકમાં શોકસભા હતી અને ચાર વાગ્યે ગામમાં તોફાન ફાટી નીકળ્યું. કેટલાક મુસ્લિમ દુકાનદારોએ દુકાન બંધ રાખીને છાની રીતે વધુ પૈસા લઈ માલ વેચ્યો હતો એવી સાચીખોટી અફવા ફેલાઈ. તેમાંથી ઉશ્કેરાટ ને બોલા ચાલી થઈ. અને જાણે એવા કશાક નિમિત્તની જ રાહ હોય, તેમ ઝડપથી રમખાણ શરૂ થઈ ગયું, ગંગાચોકમાં હિન્દુ અને મુસલમાનોનાં ટોળાં સામસામાં આવી ગયાં.
સુનંદા રેડિયો પર સ્મશાનયાત્રાનો વૃત્તાંત સાંભળી રહી હતી. ગંગાચોકથી આ જગ્યા જરા દૂર હતી. તેને ગામમાં શરૂ થયેલી આગની ખબર નહોતી. એ ખબર તેને કાળુએ આપી.
આગલી સાંજથી શોકના ભારે ડૂબી ગયેલું તેનું હૃદય એકદમ જ ચોંકી ઊઠ્યું. તેણે તો ઊલટાનું એમ માનેલું કે આ અતિકરુણ ઘટનાના ઓછાયા હેઠળ, થોડા વખત માટે લોકો પોતપોતાના સ્વાર્થની લડાઈ ભૂલી જશે. કંઈ નહિ તો થોડા દિવસ તો, અંદર ગમે તે ચાલતું હોય, પણ ઉપરની સપાટી, અરીસાને ફૂંક લાગેને તેની સપાટી ઝાંખપથી ઢંકાઈ જાય, તેમ કાળની આ કારમી ફૂંકથી, શોક વડે ઢંકાઈ જશે.
એ ઝડપથી બહાર નીકળી ગામ તરફ ચાલી. આ તોફાન અટકાવવું જ જોઈએ — શિવશંકર અને ગફૂરમિયાંને મળીને. ગામના નામ પર આ મોટું કલંક છે. આ ગામમાં પોતે થોડાક સમયથી વસી છે, તો એ કલંકનો અંશ પોતાને માથે પણ છે. પોતે શું કરી શકે તેની તેને ખબર નહોતી, પણ અંદરના એક વેગથી તે ચાલી નીકળી.
ફાટકની બહાર નીકળી, મોટા રસ્તા પર ચાલી તે ગામ તરફ વળી.
જરા આગળ, ગંગાચોક તરફ વળવાના નાકે તેણે કુમારને ઊભેલો જોયો. સુનંદાને જોતાં જ તેણે આડા હાથ ધર્યા : ‘તમે શું કરવા આવ્યાં દીદી? ત્યાં તમે નહિ જઈ શકો.’ તેનો ચહેરો સખ્ત થઈ ગયો. ‘હું તમને ત્યાં નહિ જવા દઉં દીદી, તમે પાછાં જતાં રહો.’
સુનંદાને કુમારનું આ રોકવાનું જરા પણ ગમ્યું નહિ. દબાયેલા ગુસ્સાથી તે બોલી : ‘હું પાછી નહિ જાઉં, મારું અહીં જ કામ છે.’
‘દી-દી!’ કુમાર એટલે મોટેથી બોલ્યો કે તેના અવાજના ધક્કાથી સુનંદાનો દેહ થડકી ગયો. ‘તમે નહિ જાઓ તો હું તમને હાથ પકડીને ખેંચી જઈશ. તમે કશું સમજતાં નથી. અહીં તમારું કામ જ શું હોઈ શકે? તમે દવાખાને જઈને બેસો. લોકો ઘવાઈને આવે ત્યારે પાટાપિંડી કરવાં પડશેને? અહીં નહિ, જાઓ દવાખાને જાઓ, દીદી!’
સુનંદા કુમાર સામે અપલક નેત્રે જોઈ રહી. આ કુમાર!
કુમાર પળએક દૃઢતાથી જોઈ રહ્યો. પછી તેનો ચહેરો એકદમ જ ઢીલો થઈ ગયો. તેની આંખ ચળકી ઊઠી. તેણે મોં ફરેવી લીધું. એક ક્ષણ પછી તેણે સુનંદા તરફ મોં કર્યું ત્યારે તેની નજર નીચી હતી. ધીમા અવાજે તે બોલ્યો : ‘દીદી, તમને મારા સમ છે. તમે જાઓ. વધારે વખત નથી, મારે ત્યાં જવું છે. તમે ક્યાંક આવી ચડશો એવો ભય મને હતો જ, તેથી તમને રોકવા જ હું આ નાકે આવીને ઊભો રહ્યો હતો. તમને તમારા જીવની જરા જેટલીય પરવા નથી તેની મને ખબર છે, પણ મારે તમને કોઈ પણ હિસાબે પાછાં મોકલવાનાં હતાં, દીદી, એક વાર મારું આટલું કહ્યું માનો.’
સુનંદા કાંઈ બોલી નહિ. ચુપચાપ તે પાછી વળી ગઈ.
દવાખાનું ઉઘાડીને તે બેઠી.
તો છેવટ, એકતાનો આભાસી પડદો ચિરાઈ ગયો હતો. ઘણાં વર્ષોથી આ લોકો બધાં સાથે રહેતાં હતાં, સાથે કામ કરતાં હતાં, દિવાળી અને મોહરમમાં સાથે જમતાં હતાં, તે છતાં તેમના જીવનમાં એવી કશી વસ્તુ નહોતી, જે પરસ્પર મેળના તારમાં ગૂંથાયેલી હોય.
મણિ અને શોભા અને શિવશંકર અને નંદલાલ… બધાં લોકો એકમેકની નિકટ હોવા છતાં એકબીજાથી કેટલાં જુદાં હતાં! બધાં જ લોકો પોતાના શોકમાં કે પોતાના સ્વાર્થમાં બીજાઓથી તદ્દન અલગ હતાં. નિઃસ્વાર્થ દેશપ્રેમ અને સ્વરાજ્ય અને એકતા અને માનવબંધુત્વ જેવા મોટા મોટા શબ્દોએ ચમકતા વાતાવરણનો પોલો ઘૂમટ રચી દીધો હતો. એની નીચે તેમણે સાથે હોવાનો અનુભવ કર્યો હતો, પણ તેમની ઘણાં વર્ષોથી ચાલી આવેલી પરંપરાઓ તો કેવળ એક વિધિ હતી. એ તેમના ચારિત્ર્યનું અંગ નહોતું, એ અંદરના સુખી સભર માનવહૃદયમાંથી સહજ ફૂટતા સ્નેહનો સંબંધ નહોતો.
…અને હવે એ આવરણ ખસી ગયું હતું.
ગામમાં શું ચાલી રહ્યું હશે, તેનો સુનંદાને અહીં બેઠાં કોઈ અંદાજ આવી શક્યો નહિ. આ ભાગ તદ્દન શાંત હતો અને રસ્તા પર પણ કોઈ અવરજવર નહોતી.
અચાનક તેણે રસ્તા પરથી લલિતાને જતી જોઈ. લલિતાનું ધ્યાન ગયું કે દવાખાનું ખુલ્લું છે. ફાટકમાં થઈને તે અંદર આવી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેનું હંમેશનું શાંત ગૌ૨વ ખંડિત થઈ ગયું હોય એમ લાગ્યું.
‘તમે સાંભળ્યું?’ તે બોલી.
‘શું?’ સુનંદાનો શ્વાસ હવામાં અટકી રહ્યો.
‘સત્યભાઈને તમે ઓળખોને? કહે છે કે તેમને વાગ્યું છે.’
‘સત્યભાઈને વાગ્યું છે? બહુ વાગ્યું છે? ક્યાં છે એ?’ સુનંદા સફાળી ઊભી થઈ ગઈ. તેના હૃદયના ધબકારા એટલા બધા વધી ગયા કે તેને પોતાને પણ સંભળાય. સત્ય અહીં હોય તેવો તો તેને જરાયે ખ્યાલ નહોતો.
‘મને ખબર નથી. ગંગાચોકમાં તોફાન થયું છે એમ સાંભળતાં હું જરા થોડે સુધી શું છે તે જાણવા ગઈ, ત્યાં અમીના દોડતી જતી હતી, તે આવું કંઈક કહેતી ગઈ. કેવી રીતે ને કેટલું વાગ્યું છે, મને કાંઈ ખબર નથી.’
સુનંદા બધું ભૂલીને એકદમ બહાર નીકળી — લગભગ દોડવાની ઝડપે તે ચાલી. શબ્દોમાંથી નહિ, એક એક શ્વાસમાંથી. હૃદયના એક એક ધબકારમાંથી, ગતિભર્યા એક એક પગલામાંથી એક આક્રોશ ઊઠવા લાગ્યો… સત્યને કાંઈ ન થાઓ, તેને કશી આંચ ન આવો.
રસ્તો વળતાં તેણે થોડાક લોકોને નાની નાની ટોળીમાં આમતેમ જતા જોયા. ભય ને આશંકાથી તે અધીર બની ગઈ. સત્ય વિશે કોને પૂછવું? આ બધા લોકોમાં, તે જેને વિશેષપણે ઓળખતી હોય તેવું કોઈ નહોતું.
તે ગંગાચોકવાળી ગલીમાં વળી ત્યાં તેણે કુમારને સામેથી દોડતો આવતો જોયો. તેનો ચહેરો ખેંચાઈ ગયો હતો. રેખાઓ તંગ હતી. ‘દીદી, હું તમને જ બોલાવવા આવતો હતો. અહીંથી નહિ, પેલા રસ્તેથી ચાલો. સત્યભાઈને વાગ્યું છે. ખબર નથી પડતી. બેભાન થઈ ગયા છે.’
‘ક્યાં છે એ?’ સુનંદા વ્યાકુળતાથી બોલી : ‘એમને દવાખાને લઈ જઈએ. ત્યાં બેડ્ઝ તો તૈયાર જ છે.’
‘ના દીદી, એમને મારા ઘેર પહોંચાડ્યા છે. એમને વાગતાં જ હમણાં પૂરતું તો તોફાન અટકી ગયું છે. તમે ચાલો મારી સાથે. અરે, પણ તમારી બૅગ તો નથી. દવા જોઈશે ને!’ તે જરાક મૂંઝાયો. ‘હું લઈ આવું દોડતો જઈને? પણ ના, ત્યાં સુધી તમને અહીં ઊભાં ન ૨ખાય. ઠીક ચાલો, પહેલાં ઘેર જઈએ, પછી હું લઈ આવીશ. પહેલાં તમે જુઓ તો ખરાં, મને લાગે છે, માથામાં કોઈ ખાસ જગ્યા એ વાગવાથી બેભાન થઈ ગયા છે.’
સુનંદા આજ સુધી કદી કુમારના ઘેર ગઈ નહોતી. માબાપથી તે જુદો રહેતો હતો તે વાત તેણે કરી હતી. આજે પહેલી વાર તે એના ઘરમાં પ્રવેશી. એક મોટો ઓરડો હતો, ને તેના પછી એક નાનો ઓરડો.
‘ત્યાં અંદરના ઓરડામાં તેમને સુવાડ્યા છે. એ એમનો જ રૂમ છે. કોઈક વાર અહીં રોકાય ત્યારે એ ત્યાં રહે છે.’
સુનંદાની અંદર એક અતિશય તીવ્ર પ્રકંપ ઊઠ્યો. આજે પહેલી વાર તે સત્યને જોશે…
અસ્થિર પગલે તે એ રૂમમાં પ્રવેશી.