પુનશ્ચ/કૃતજ્ઞતાને ઊજવી રહ્યો
આજે સિત્તેર વર્ષનો થયો,
તે કોને કારણે ?
દેવોને કારણે ? ગ્રહોને કારણે ?
દેવો ? એમને તો મેં જોયા નથી ને જાણ્યા નથી,
સૌ કયા સ્વર્ગમાં વસે છે ? કોણ જાણે છે ?
ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું, જોયો પણ નથી
એટએટલા દૂર વસે છે.
એમણે મને જિવાડ્યો નથી,
એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી.
મારી પાસે, મારી આસપાસ તો છે મિત્રો,
એમને મેં જોયા છે, જાણ્યા છે;
એમણેય મને જોયો છે, જાણ્યો છે;
એમણે જ મને જીવનનો રસ પિવાડ્યો છે,
એમણે જ મને જિવાડ્યો છે;
એમને કારણે તો આજે સિત્તેર વર્ષનો થયો છું.
એથી જ મારા કેલેન્ડરમાં
દેવો અને ગ્રહોનાં નામ પરથી નહિ,
મિત્રોનાં નામ પરથી વાર ને મહિનાનાં નામ છે.
આજે હું માત્ર મારા જન્મને જ નથી ઊજવી રહ્યો,
મારાં સિત્તેર વર્ષોને જ નથી ઊજવી રહ્યો;
મિત્રોએ જિવાડ્યો એથી તો આટલું જીવ્યો,
આજે મિત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.
૧૯૯૬