પુરાતન જ્યોત/૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


[]


પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. અને એ પતી ગયે કેદાર પાસેથી ચોર્યાશીનું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામલોક નીંદમાં જંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલ્ય ચોરના જેવી હતી. કેમ કે એ માનવસમાજ પાસેથી એક દિવસ ચોરી લઈ ને જીવતી હતી. એ કેદારની મા હતી. રાતના અજવાસમાં રેતીના પણ્યાને (ઢગલાઓને) ખૂંદતી ખૂંદતી એ દરિયાકિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે, ને ચાર ખૂણે ચાર પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો ‘બથેશ્વર' નામે ઓળખે છે. “હે બથેશ્વર દાદા!” કેદારની માએ પ્રાર્થના કરી : “મારા કેદારને હું તમારા વરદાનથી [1] પામી હતી. તમે મારી બાથમાં સમાઈ ગયા'તા. આજ મારો પેટનો જણ્યો જ ઊઠીને મને દરિયે બૂરવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી ઉપર પણ જળપ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માગું છું. મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો.” પ્રભાતે કેદારની માનો વાજતેગાજતે વરઘોડે નીકળ્યો. ડોશીએ પોતાનું વિકૃત બનેલું મોં ઢાંકી લીધું હતું. પોતાનાં ખાવાપીવાનાં ઠામડાં એણે સાથે લીધાં હતાં. પોતાનાં લૂગડાંની પણ બચકી માથા ઉપર ચડાવી હતી. "ભાઈ કેદાર,” ડોશીએ એક બાજુએ ઊભા રહીને કાકલૂદી કરી : “લાલો કયાં છે?" “લાલાને રમવા તેડી ગયા છે.” “લાલાને સાચવજે હો ભાઈ! આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતો નહીં. ને તુંને પેટમાં દુખાવો ઊપડે છે માટે મઠ ખાતો નહીં, મઠ તને જરતા નથી.” ડોશીની આખરી વેળાની આવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા. ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો હતો. ‘હો’ ‘હો' જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી ગાયનો વેલો, વગેરે વગેરે વાતોમાં તે એવી શી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવરાવ્યો? કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં ઊભેલી એ ગ્રામ્ય ડોશીનાં નાક-મોંમાંથી વહેતાં લાળલીંટ અથવા એના બોખા મોં વચ્ચેથી ઊડતું થૂંક પણ સહુની હાંસીને પાત્ર બની ગયાં. "આ રક્તપીતણીનેય સંસાર કેવો ગળે વળગી રહેલ છે!" પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો. તમામ સામૈયું રત્નેશ્વરના ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોંયરાની ઉપર ઊંચે ટેકરો છે. સુખી સહેલગાહી જનોને એ ઊંચા પૃથ્વીબિંદુ ઉપરથી સમુદ્ર વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુઃખીને એ ભેખડની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મોકો આપે છે, તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે. ગામલોક દૂર અટકીને ઊભા. ડોશી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી. "જોજે એલી, પાછું વાળીને જોતી નહીં હો, નીકર અમારું સત્યાનાશ નીકળી જશે.” "હા ભાઈ.” ને ડોશી ચાલી. એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા સિવાય જ સહુને છેલ્લા રામરામ કહ્યા. છેક ટોચે જઈને ડોશી ઊભી રહી. રત્નાકર હડૂડતો હતો. “હાં, ડોશી, હવે હિંમત રાખીને કૂદી પડ.” લોકમાંથી પૂજારીએ સાદ પાડ્યો. "શાબાશ ડોશી." "રંગ ડોશી!” "જવાંમર્દ કેદારની મા.” “દુનિયામાં કશું અચલ નથી, ડોશી.” “જો વૈકુંઠનાં વેમાન તારે સારુ ઊતર્યાં આવે છે, ડોશી.” એકાએક ડોશી ત્યાંથી પાછી વળી. દોટ દઈને નાઠી. ચીસ પાડી કે, “ભયંકર! ભયંકર! મારે નથી જવું. રત્નાકર ભયંકર દેખાય છે.” "નથી જવું?” પૂજારીએ ત્રાડ પાડી. “નથી જવું એમ? અલ્યા દોડો, લાકડીઓ અને પથ્થરો મારી મારીને નાખો ડોશીને અંદર. સામૈયું શું અમથું અમથું કઢાવ્યું ત્યારે?” બ્રાહ્મણોએ ડોશીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલો દરિયાવ પોતાની લાખ લાખ ફેણો પછાડીને ફૂંફાડા મારતો હતો. પૂજારી બોલી ઊઠ્યોઃ “પધરાવો અંદર, નીકર ડાકણ સહુને વળગી જાણજો. રત્નાકરનો ભક્ષ છે, ભાઈ ઓ!” ન ફરીથી બધા એને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણ્યાની પછવાડેથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે — “ઘડીક ઊભા રે'જો. ઘડીક રોકાઈ જજો.” “ઊભા રહો, થોડી વાર થંભી જાઓ!” એ અવાજ કાને પડતાં જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તે પોતાનું ને ગામનું નિકંદન નીકળી જશે : નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે. “ઊભા રહો!”નો સાદ નજીક આવ્યો. સાદ પાડનાર માનવી દરિયાકાંઠાની ઝીણી લોટ જેવી રેતીના પણ્યમાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી, કે તત્કાલ પુરોહિતે ભાઠા ઉપર દોટ દીધી. બીજાં સહુ માણસો સ્તબ્ધ બની ઊભાં હતાં તેની સામે લાલ આંખ બતાવતા પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો. ડોશીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું. પણ એ મોં ઉપર દયાના ભાવ ઊઠી જ શી રીતે શકે? રક્તપિત્તના રોગે મનુષ્યના મુખને, સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો. ડોશીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી તેથી એની હાથજોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું : “બાપુ, પૂજારી બાપા, મને જીવવા દ્યો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક! બહુ ભયાનક! મને જીવવા દ્યો. મારા લાલિયાને જોવા માટે જીવવા દ્યો.” એ કાકલૂદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે “જય રત્નાકર!” કહીને ડોશીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોશી ગઈ. ને પાછા વળતાં જ એણે પેલા દોડ્યા આવતા આદમીની પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ધસ્યા આવતા જોયા. "માનતા પહોંચી ગઈ, હવે ભાગો ભાઈઓ!” બોલીને પૂજારીએ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજાં જોનારાં પણ તેતર પક્ષીના ઘેરાની પેઠે વીખરાયાં. દોડ્યા આવતા આદમીએ દરિયાનાં પરસ્પર અફળાતાં મોજાં ઉપર ડોશીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટિપાતો જોયો.. થોડી વાર ડોશીના દેહ ઉપર ને થોડી વાર નાસી જતાં મનુષ્ય ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે "કોઈ દોડો, આ બાઈને બચાવો!” પણ સ્વપ્નમાં બૂમ પાડવા મથનાર સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બેલાવે એવું કંઈ કરતાં કોઈ મનુષ્ય નજીક ત્યાં નહોતું. પછવાડે દોડ્યાં આવનારાં લેાકો હજુ દૂર હતાં. દરમિયાન ડોશીના શરીરને દરિયાના ગગડતા લોઢ ખેંચી જતા હતા. ના, ના, એણે ફરીથી નજર કરી ત્યારે સમજાયું કે ડોશીને ઝડપવા માટે મોજાંઓની વચ્ચે મારામારી ચાલતી હતી. એક દળ દરિયા બાજુ ખેચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ કાઢી નાખવા ઇચ્છતો હતો. ધરતી બાજુ જતાં મોજાંએ વધુ જોર કર્યું. ડોશીને મારણ મોજાંની દાઢમાંથી છોડાવી, કળસારીના નેસ તરફને કિનારે ધકેલવા માંડી. ભાઠા ઉપર ઊભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું થયું. એણે દરિયાની અનંત નીલિમા સામે હાથ જોડીને આરજૂ ગુજારી કે, “હે મહેરામણ! જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી. ને ઓ રત્નાકર! તારા નામનાં તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ છીએ. અમે મોટા મનનાં મનુષ્યોને સાગરપેટો કહીએ છીએ. તું અગાધ દિલનો હો તો આ મનુષ્યને પાછું સોંપ. હે દાદા!” બોલતો બોલતો એ કાંઠે કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોશીના દેહને શાંતિથી પધરાવી પાછું વળ્યું. આદમીએ ડોશીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી, એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી ડોશીના મોંમાંથી પાણી નીકળી પડ્યું. પછી એણે ડોશીના હાથ ઝાલીને ચક્કર ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોશીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું ત્યારે જ એ આદમીને ડોશીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી. એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો : "મચ્છી! મચ્છી! મચ્છી!” અવાજની પછવાડે જ બંદૂકધારી બેચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપી હતો. એમના ચહેરા ગોરા હતા. એ ફિરંગીઓ હતા. કળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળ્યો દેખાય છે, ને એ નાળ્યો ને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઈમારતના પાયા પણ સાફ દેખાય છે. પૂર્વે એ પોર્ટુગીઝોનાં મોટાં ગોદામો હતાં. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાનાં વહાણોની આવ-જા થવા દેતો. કળસાર ફિરંગીઓનું ધીકતું બારું હતું. કળસાર ગામની વચ્ચોવચ ફિરંગીએનું પ્રાર્થના-મંદિર આજે પણ લગભગ તૈયાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી રિસાઈને ચાલ્યા જતાં અત્યારે ત્યાં જૂની જાહોજહાલીની મિટ્ટી જ રહી છે. અને દરિયાઈ નાળ્યો નીલાં જલામ્બર વિનાની નગ્ન પડી પડી ધીકે છે. નજીક આવીને નજર કરતાં જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમનાં મોંમાં ચીતરી ચડી ગઈ. દૂરદૂરના દેવાલય તરફ દ્રષ્ટિ માંડીને બેઉ શિકારીએ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી (કોઈ પણ ભયથી રક્ષા પામવાની એ એક ખ્રિસ્તીધર્મ ક્રિયા છે). એ લોકોએ માલદાર માછલીને બદલે એક સડેલું માનવી જોયું તેથી મોટી નિરાશામાં પડી ગયા. “ઉસકો છોડ દો. તુમકો લગેગા. ઉસકે ગલેમેં ટોકરા કયું પહેનાતા નહીં?" એવી શિખામણ આપતા યુરોપિયને આઘે આઘે ભેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં પણ રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાશાપ ને ભયાનક માનવશત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તિયાને ગળે, સંધીઓ બળદોને કંઠે બાંધે છે તે અકેક ટોકરો બંધાતો, અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું, કે જેથી દૂરદૂર ચાલ્યા આવતા પતિયાની છાયા તો શું, હવા સુધ્ધાં ન લેવાઈ જાય તે રીતે લોકો ટોકરાના નાદ સાંભળી તરી જતાં. જિસસ, મેરી અને બીજી અનેક સંતોને પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જોવાની પણ હામ હારીને જ્યારે બારા તરફ દોડ્યા જતા હતા, રક્તપિત્તનાં જંતુઓ એમની પાછળ પડીને ગરદનમાં છિદ્ર પાડી રહ્યાં હોય એ ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતા. ત્યારે ડોશીના લદબદ ગંધાતા ખેળિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો; પણ પોતાની રક્ષા કાજે નહીં, ડોશીની શાતાને માટે. એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા-ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પાણકોરાની ધોળી બંડી હતી. કંઠે તુલસીના સાદા પારાની માળા હતી. કમ્મરે કાછડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચડાણ-ઉતાર બહુબહુ ખૂંદીને એના પગના પહોંચા રાંટા થઈ ગયેલા ભાસતા હતા. પગનાં પગરખાં જૂની ઓખાઈ ઢબનાં, કોઈને માર્યાં હોય તો ગાલ ફાડી નાખે તેવાં મજબૂત ચુંકદાર હતાં. "માડી!” એણે ડોશીને દિલાસો દીધો “રત્નાકરે ભોગ વાંદી લીધો. હવે ભે રાખશો મા.” ડોશીને આ સ્વપ્ન લાગતું હતું, પોતે જીવતી પાછી નીકળી છે અને જેના ફરતી પા ગાઉની હવા પણ જીવતું માનવી ન લ્યે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથોહાથ પંપાળી રહેલ છે, પછેડી વતી રક્તપીત્ત લૂછી રહેલ છે, એ ન મનાય તેવી વાત હતી. ડોશી ચમકીને ચીસો પાડવા લાગી : “ઓય! ઓય! રત્નાકર! ઓય મને ખાધી! એ પૂજારી આવ્યો! મને પાછી નાખે છે!" “મા!” પુરુષ એને છાતીસરસી લઈને ખાતરી આપે છેઃ "કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાળે છે. જુઓ તો ખરાં માડી એનાં રૂપ! ને પૂજારી હવે આવે તોય શું! તમને ને મને ભેળાં બુડાડે તો ભલે. બાકી હવે તમને એકલાં તો નહીં મૂકું.” ડોશીને આ સાચી સૃષ્ટિ વધુ ને વધુ અવાસ્તવિક લાગતી ગઈ. એનાથી એક જ બોલ બોલાયો – જે બોલ જનેતાના કલેજાના હજાર હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે. “બેટા!” “મા!” પુરુષના મોં પર શ્રદ્ધાની છોળો છલકી : “મારનાર કરતાં જિવાડનાર મોટો છે.” થોડા વખત પર સીમાડાની રેખા ઉપર જે માણસો તબકતાં હતાં તે બધાં રેતીના પણ્યાને ખૂંદતાં આવી પહોંચ્યાં. ભેખડ ઉપરથી આનંદના ધ્વનિ ઊઠ્યા કે, “એલા હેઈ! આ રિયા, દેવીદાસ બાપુ આ રિયા." કિકિયારી પાડીને ટોળું આવી પહોંચ્યું. વિલક્ષણ લોકવૃન્દ હતું. કોઈ ખેડુ, કોઈ ગોવાળ, કોઈ ગામડિયો વેપારી, કોઈ દાતણ વેચનારો વાઘરી, કમ્મરે પછેડીઓ બાંધેલી. કોઈના ગળામાં પખવાજ, કોઈના હાથમાં કાંસિયા, મંજીરા, એકતારો વગેરે સમૂહગાનનાં વાજિંત્રો હતાં. "અરે મા'રાજ!” લોકોમાંથી એક જણે ઠપકો દીધો : “ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા? ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રિયું છે!" "શું કરું ભાઈ!” ‘મહારાજ' અને દેવીદાસ બાપુના સંબધને ઓળખ પામેલા એ પુરુષે શરમાઈને જવાબ દીધો: “મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે ને! કોઈ લોધીને મોટા માછલાના વાવડ દ્યો, કોઈ શિકારીને રૂડા કાળિયાર સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે, ભાઈ?” બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોશીનાં લોહીપરુ લુછતા હતા. ગામડિયા ભાવિકો હતા. છતાં તેમનાં મન પણ સુગવાતાં હતાં. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાનામાના થૂંકી લેતા. જરા દૂર જઈને વાત પણ કરી લીધી કે, “ભગત જેવો ભગત થઈને લોહી પરુ ચૂંથવાની લતે શીદ ચડ્યો હશે! ઈશ્વરભજનમાં આત્મા લીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો પણ સા'યબી માણતાં આવડવી જોઈએ ને ભાઈ?” “ભાવિકો!” દેવીદાસે મધુર વચને પૂછ્યું : “કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે?" "ગાડું!” ભાવિકોમાંથી એક જણે કહ્યું : "ગાડું તો અહીં અંતરિયાળ ક્યાંથી મળે મા'રાજ!” "ને આ બાબતમાં ગાડું આપેય કોણ?” બીજાએ સત્ય સુઝાડ્યું. "ત્યારે કાંઈ ખાટલાની જોગવાઈ કરશું?” સંતે પૂછ્યું. “હા, કરીએ તમે કહેતા હો તો. પણ—માળું—ઈ બધું અહીં—આ બંધો!....” એમ ભાવિકોની જીભો તૂટક તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી. "ત્યારે ભાવિકો! આપણે એકાદ પછેડીની ઝોળી જ કરીએ તો કેમ?” "હા — ઈ ઠીક! અરે ભાણા પટેલ, તમારી પછેડી લાવજો તો! કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો. “મારી પછેડી તો ભાઈ, ફાટી ગઈ છે. ભાર નહીં ખમે.” એમ સહુએ પોતાપોતાની પછેડીની નિખાલસ નિંદા કરી નાખી. "કાંઈ હરકત નહીં ભાવિકો!” કહેતાં જ દેવીદાસે પોતાની કમ્મર પરથી પનિચું છોડ્યું. જમીન પર પાથર્યું. રક્તપીતણીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું: “ભાવિકો, હવે ચાર સરખા જણ આવી જાઓ. અક્કેક ખૂણો ઊંચકી લ્યો.” ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું. આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટકતૂટક બોલ સંભળાયા, કે – "મને તો ભઈ, ત્રણ દીથી હાડકચર રે' છે.” “મારા પેટમાં તો બરલ વધી છે, તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે.” "મારાં તો આંગળાં છોલાણા છે." આવી ગળગળ વાતને અંતે એક ચોખાબોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું: “દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટા વાળે છે. ત્યારે હું તમને પાધરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચુંથો એ અમને નથી ગમતું. ને આ ડોશીને જિવાડીને તમારે કયે મોટો ગઢ પાડવો છે? નાહક રત્નાગરને શીદ છંછેડો છો? અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામૈયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડેશીને બચાવવા દોડ્યા જશો, તો અમે તમને અમારા ગામમાં પધરામણી જ દેત નહીં. ને આ રક્તપીતના હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો. અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ.” "ભલે ત્યારે, ભાવિકો, પધારો. કલ્યાણ થાઓ સહુનું.” “ચાલો ભાઈ સહુ.” એમ કહીને એ સ્પષ્ટવક્તા માણસે સહુને પાછા વાળ્યા. એકલા રહેલા દેવીદાસે પછેડીના બે છેડા બાંધી લીધા. પોતાના બેઉ ખભા ઉપર ઝોળી પરાવી લીધી. અને પીઠ ઉપર પારણું વાળીને બાળકને ઊંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા. સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગનાં ભાલાં ફેંકતા હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા.





  1. આજ પણ એ માન્યતા છે કે જે સ્ત્રીની બાથમાં આ બથેશ્વરનું લિંગ સમાઈ જાય તેને સંતાન જન્મે.