પુરાતન જ્યોત/૪
મુંજિયાસર ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું થોડું ચાલીને પાછાં થોભી જતાં હતાં. એ સવારનો બનાવ એવો હતો કે કોઈને, ખાસ કરીને સ્ત્રીઓનો રસ તો એક વર્ષો સુધીય ન ખૂટે, ઊલટાનો વધે. એ રસ ત્યાંથી હજુ તાજેતરમાં જ ચાલી નીકળેલ વેલડાને લગતો હતો. વે'લડાના લાલ માફાનું ટપકું દેખાતું બંધ પડ્યું હતું. હવે તે સીમાડા ઉપર ફક્ત ધૂળનો જ થાંભલો દેખાતો હતો. છતાં કેડ્યે બાળકો તોડીને ઊભી ઊભી ગ્રામવનિતાઓ તે તરફ તાકતી હતી. મોં આડે ઓઢણામાં છેડા કરી કરી સહુ હસતી હતી. "આજ પહેલો જ બનાવ, કે સાસરે જનારી દીકરી ધરાર ન રોઈ.” "માવતરના વછા પડ્યે દીકરી જેવી દીકરીનું હૈયું રોયા વિના શે રહી શકે?” “અરે બાઈ, એટલું અલેણું. એટલી માયામમતા સુકાઈ ગઈ." "હા જ તો. નવાણે નીર સૂક્યાં ને દલડાના નેહ સૂક્યા, એવો કળિકાળ આવ્યો હવે તો.” "કોણ જાણે, અમરબાઈને સાસરે તે કેવુંય સુખ મળવાનું હશે!” “સુખસા'યબી છે એ વાત તો સાચી. અમારી જાણની જ વાત છે. એની સાસુ તો પેટે અવતાર લઈએ એવી. ને જુવાન પણ ભારી રંગીલો.” “અમે દીઠેલો ને! આંહીં આવેલો ત્યારે આંખોમાંથી શાં અમી ઝરે ઈ તો!” "બસ બાઈ, કે’નારા કહી રિયા તે પછી અમરબાઈ સાસરે જાતાં શા સારુ રોવે?” "રોવે નહીં! શું બોલો છો તમે!” “પણ રોવું આવે નહીં ને!” "તોય રેવું જોવે. ગલઢાંએ કરી મૂક્યું છે. કોઈ કરતાં કોઈ છોકરી મોટે રાગે રોયા વિના મહિયરનું પાદર છોડે છે કે દી?” “અરે, મારી હીરબાઈ ગઈ ત્યારે કેવા સાદ કાઢીને મારી છાતીએ ઢળીને રાઈ'તી! જાણો છો ને ફુઈજી?” "અરે બાઈ! અમારાં ટાણાંમાં અમારાં રોણાં કેવાં હતાં એની શી વાત કરીએ? ઈ તો ટાણાં જ ગયાં ને! ઈ વેળાયું ને ઈ વાતું!” એવા વાર્તાલાપના ધ્વનિ-પ્રતિધ્વનિ પણ જ્યારે પાદરનાં ઝાડવાંની ઘટા નીચેથી વિલય પામી ગયા, ત્યારે અમરબાઈનું ઓઝાણું બેક કોસનો પંથ કાપી ચૂક્યું હતું. ગ્રામવધૂઓની ફરિયાદ સોએ સે ટકા સાચી હતી કે સાસરે જતી અમરબાઈ નહોતી રડી – સાચું કે જૂઠું એકેય જાતનું એ નહોતી રડી શકી. ને તેના પરિણામે અમરબાઈની માતાને ઘણું ઓછું આવ્યું હતું. પોતાની દીકરીને સ્વર્ગની સુખસમૃદ્ધિ વાંછનારી માતા પણ એટલી ઈર્ષ્યાળુ તો બેલાશક હોય છે, કે પુત્રી તરફના માતૃ-સ્નેહના એકાદ આંસુ-ઊભરાની અને ગામભાગોળ ગજવતા એકાદ ઉચ્ચ સુરીલા આક્રંદની અપેક્ષા તો એ રાખે જ રાખે. માવતરને સંભારી સંભારી આંસુ સારવાને બદલે ૧૯-૨૦ વર્ષની દીકરી અમરબાઈ ત્યારે લહેરમાં હતી. એનું અંતઃકરણ વે'લડાના વઢિયારા બળદની ઝડપને પણ નહોતું સાંખી શકતું. એની ભરાવદાર છાતી વેલડાની ગતિને તાલ દેતી ઉછાળા મારતી હતી. એના જોબનમાં કેવડાની ફોરમ હતી. નાઘેરનાં સભર નીરમાં પાંગરેલી કેળને નિહાળી હોય, તો તમે અમરબાઈના એ દિવસના યૌવનનો મર્મ બરાબર પારખી શકો. “કેમ તું મારા સામે ને સામે તાકી રહી છે બેટા?” વેલડામાં બેઠેલી બીજી આધેડ સ્ત્રીએ એને પૂછ્યું. એ અમરબાઈનાં સાસુ હતાં. “હું શું જોઈ રહી છું એની મને પોતાને જ ખબર નથી, ફુઈ!” અમરબાઈએ જવાબ દીધો. સંભવ છે કે પોતાના મનોભાવને પોતે જ ન પિછાની શકનાર અનેક આત્માલુબ્ધોની પેઠે અમરબાઈને પોતાની ઊર્મિઓની પરખ ન પડી હોય. પણ આપણે કલ્પી શકીએ કે અમરબાઈ સાસુના ચહેરામોરામાંથી પોતાના સ્વામીની મુખમુદ્રાને મીંડવતી હતી. સાસુની અક્કેક રેખા ઉઠાવીને એ પતિની અણસાર ઘડતી હતી. એમ કરતાં અમરબાઈ ઝોલાં ખાવા લાગી. સાસુએ એને પોતાના ખેાળા તરફ ખેંચીને કહ્યું : “આંહી આવ, મારા ફૂલ! આંહીં આવ. મારા ખોળામાં એક નીંદર કરી લે ત્યાં હમણાં જ આપણે દત્તાત્રયને ધૂણે પોગી જશું.” અમરબાઈ એ અતિ ઉ૯લાસભેર સાસુના ખોળા પર માથું ઢાળી દીધું. સાસુના શરીરમાં એક બીજા દેહની છાયા છુપાઈ હતી. તેનો સ્પર્શ કલ્પતી અમરબાઈ નવીન રોમાંચ અનુભવી રહી. એનાં પોપચાં હજુ અરધાં ઉઘાડાં જ હતાં. સાસુએ એને ટાપલી લગાવીને કહ્યું : “સૂઈ જા, પાછું જાગરણ ભારે પડી જશે, ડાહી!” એ અર્ધસ્પષ્ટ બોલના માદક ઘેને અમરબાઈની આંખને પૂરેપૂરી ઢાળી દીધી.
પારણાના હીંચોળાટ બંધ પડતાં જેમ બાળક જાગી જાય છે તેમ અમરબાઈની પણ નીંદ ઊડી ગઈ. વેલડું ઊભું રહ્યું હતું. આખે માર્ગે વગડાની ગરમ ગરમ લૂ વાતી હતી, તેને બદલે વેલડું ઊભું રહ્યાની જગ્યાનો વાયરો શીતળ શીતળ લાગ્યો. પડદો ઊંચો કરીને અમરબાઈએ દ્રષ્ટિ ફેરવી. વેલડું લીલાં લીલાં ઝાડની ઘટા નીચે ઊભું હતું. ચૈત્ર મહિનાની નવી કૂંપળોએ કોળેલા લીમડા વીંજણો વાઈ રહ્યા હતા. એ કડવાં ઝાડોનો મોર મીઠી ફોરમોને ભારે પવનની પાંખોને નમાવતો હતો. પીપરાનાં પાંદ ઘીમાં ઝબોળ્યાં જેવાં ચમકતાં હતાં. એક નાની પરબની ઝુંપડી બાંધેલી હતી. નાની એક કૂઈ અને અવેડો હતાં. અવેડો ભરતો એક આદમી ઢેકવાને નમાવતી વખત હર વેળા ‘સત દત્તાત્રય' ‘સત દત્તાત્રય' બોલતો હતો. છાંયડામાં અમરબાઈની સાસુ ઊભાં ઊભાં એકબે જણાએની સાથે વાત કરતાં હતાં. સાસુના કદાવર ઘાટીલા આહીરદેહ ઉપર ગૂઢા રંગનું મલીર છૂટે છેડે લહેરાતું હતું. સાસુનું ગરવું સ્વરૂપ નીરખ્યા જ કરીએ છતાં ન ધરાઈ એ એવી મીઠાશે નીતરતું હતું. સાસુની વાતોના બોલ અમરબાઈ એ ભાંગ્યાતૂટયા પકડ્યા: "આવ્યો છે? ભાઈ આંહીં સુધી સામો આવ્યો છે?” "હા આઈ. કહે છે કે આઈને એક વાતની ચેતવણી આપવા માટે અહીં સુધી સામા પહોંચવાની જરૂર પડી છે.” "શેની ચેતવણી? ભાઈ ક્યાં છે? અહીં બોલાવોને!” “આંહીં તો નહીં આવે, શરમાય છે. કેમ કે અમરબાઈ બોન ભેગાં છે.” “દુત્તો! આવ્યો તો હશે એટલા જ માટે, ને વળી શરમનું પૂતળું થઈ માને બનાવે છે!” આઈ એ રમૂજ કરી : "ને ચેતવણી શેની?” "કે જગ્યાની અંદર આઈયે ન જાય, અમરબાઈ બે'નનેય ન જાવા દે.” “કાં?” "દેવીદાસ બાપુએ થોડા દિવસથી જગ્યાને ગંધવી મૂકી છે.” "શાથી?” "પતિયાંને ભેગાં કરવા માંડેલ છે. પોતે હાથે જ નવરાવે-ધોવરાવે છે, ને હાથે જ ખવરાવે છે. હમણાં તે એક પતણી ડોશીને ઝોળીમાં નાખીને પીઠ ઉપર લાદી લાવ્યા છે.” એ જ વખતે એક ઝાડ-ઘટાની નીચે એક ચોગાનની વચ્ચે ચણેલા ઓરડા તરફથી કોઈ દુઃખભરી ચીસો આવતી હતી. “આ કોણ ગોકીરા કરે છે?” આઈએ પૂછ્યું. "એ જ – એ પતણી ડોશી જ. દેવીદાસ મારાજ એનાં સડેલાં આંગળાં ધોવા બેઠા છે.” આહીરાણી થોડી વાર ઊંડા વિચારમાં પડી ગયાં. પછી એમણે કહ્યું : “ભાઈ ગાડાખેડુ, ઝટઝટ ઢાંઢાને નીરવ કરાવી લે. ત્યાં હું આંહીં કૂઈ ઉપર નાહીને બે માળા ફેરવી લઉં. ભાઈને આ ભાતાડિયામાંથી ઢેબરાં પહોંચાડો જ્યાં બેઠા હોય ત્યાં. ને અમરબાઈ, બચ્ચા, તારે જંગલ-પાણી જઈ આવવું હોય તે જઈ આવ. આપણે આંહીં ઝાઝું રોકાવું નથી. અરેરે, આવી દેવી જગ્યા! આવું થાનક! થાક્યા-પાક્યાનો વિસામો! એની જ હવા બગડી હવે તો.” એટલું કહીને સાસુ સ્નાનાદિકમાં પરોવાયાં. બીજા સાથીઓ પોતપોતાના બંદોબસ્તમાં પડ્યા. ચકમક ઝગાવીને ભૂંગળી પીવામાં સહુ મસ્ત બન્યા. તે વખતે જુવાન અમરબાઈ ધીરે ધીરે ઝાડની ઘટા નીચે ચક્કર દેવા લાગી. પોતાનો સ્વામી સામે લેવા આવેલ છે, એ પોતે જાણ્યું હતું. એની આંખો દૂરદૂરના એક વડલાની છાયામાં વડના થડનું ઓશીકું કરી પડેલા જુવાન આહીરને શોધતી હતી. પણ એના કાન બીજે સ્થળે મંડાયા હતા. પેલી દયામણી ચીસો એને ખેંચતી હતી. ખેંચાતી ખેંચાતી અમરબાઈ દૂર સરી ગઈ. એારડાના ચોગાન ફરતી ડીંડલા થોરની લીલી વાડ હતી. વાડની પછવાડે એ ફરવા લાગી. બૂમ વાડની અંદરથી આવતી હતી. વાડની આરપાર એણે નજર કરી. બિહામણું એ દ્રશ્ય હતું. રત્નેશ્વરના દરિયામાંથી બચાવીને આણેલી ડોશીની રક્તપિતની રસીને દેવીદાસ ધોતા હતા. પ્રભુએ દીધેલ સાદા પાણીમાં લીમડાનાં પાંદ નાખીને એ દરદીને નવરાવતા હતા. | દુખાવાને લીધે બૂમ પાડતી ડોશીને દેવીદાસ દિલાસા દેતા હતાઃ “નહીં, નહીં, મારી મા! અમ પુરુષના ગર્ભ વેઠનારી ને અનોધાં દુઃખ સહેનારી જનની! નહીં દુખાવું તમને. તમમાં તો હું જોગમાયાનું, અખિલ વિશ્વની ઈશ્વરીનું રૂપ જોઈ રહેલ છું, મા!” ડોશીનું અર્ધ મૃત્યુ પામેલ કલેવર એક જ ઉચ્ચાર કરતું હતું : “મારો કેદાર! મારો લાલિયો!” “અરેરે કેવાં સ્વાર્થી છો મા!” કહીને દેવીદાસ હસતા હતાઃ “મને તમારો કેદાર નહીં કરો શું? ને હું તમારા ખોળામાં આળોટું, તો તમારો લાલિયો ન કહેવાઉં હું મા? જોજો ને, તમે સાજાં થાવ કે તરત જ હું તમારા ખોળામાં સૂઈશ. જોજો ને પછી લાલિયાની માફક જ તોતડી બોલી કરીશ. પછી કાંઈ કહેવું છે મા?” ધાસ્તી અને ગભરાટનાં વાદળાં અમરબાઈના હૃદય ઉપરથી ઊડી ગયાં : આગના ભડકા કરતાંયે વધુ વિકરાળ એક રોગની સાથે અમરબાઈ એ એક જીવતા માનવીને ગેલ કરતો જોયો. ડોશી પોતાની સારવાર કરનારને ચેતવતી હતી : “અરે દીકરા, તારી ફૂલેલ કાયાનું શું થશે?” "હેં મા! કહો જોઉં, તમારી જુવાનીમાં તમારી કાયા કેવી હતી?” “અરે બેટા, બબે હેલ્યે હું વાવનાં પાણી ભરતી. મને ગામલોક હોથલ પદમણીનો અવતાર માનતા.” "ત્યારે બસ! મા! તમામ દેહીના એ જ હવાલ છે. જુવાનીના મદ ક્યારે ગંધાઈ ઊઠશે એની કોને ખબર છે? માનવદેહને તો રોમે રોમે રોગ ભર્યા છે; એને હું કયાં સુધી દાટી રાખીશ!” કહેતા કહેતા દેવીદાસ ડેાશીના શરીરને લૂછતા હતા. લુછેલા દેહ ઉપર નવેસર રક્તની રસીના ટશિયા ઊઠતા હતા. "ને હું તો એ જ વિચારી રહ્યો છું મા, કે સ્ત્રીનો દેહ શી શી નરકવેદના સહે છે! સ્ત્રીના શરીરને ચૂંથાવાનું – ચૂંથાવાનું – અરે ભોગની ભરપૂર મોજ મંડાતાંની ઘડીથી જ સ્ત્રીના ખોળિયાને ટીપે ટીપે ખપી જવાનું. હું પુરુષ તમને ધોઉં છું ત્યારે મા, મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષજાતનાં પાપ ધોઉં છું.” એવા એવા બોલનું વશીકરણ અનુભવતી અમરબાઈને બહારના જગતનું કંઈક એવું વિસ્મરણ થયું, કે પોતે એ જગ્યાના ચેગાનમાં ક્યારે પેસી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. ચોગાન ઓળંગીને એ ઓરડામાં પહોંચી, ને ત્યાંથી પાછલી પરસાળમાં. પોતાના પગનો સંચળ સંભળાવ્યા વગર જ એ ઊભી રહી. બહાર ઊભીને કાંટાની વાડ સોંસરું જે દ્રશ્ય અધૂરું દીઠેલું તે એણે અહીં પૂરું દીઠું. દેવીદાસે ડોશીને એક ખાટલા ઉપર લીમડાનાં પાંદની પથારી કરીને સુવરાવી હતી. હવે એ પોતાના હાથને લીમડાના પાણીમાં ધોતા ધોતા કહેતા હતા : “હવે જુઓ મા, હું ઝોળી લઈને જાઉં છું રામરોટી માગવા. સાંજે પાછો આવીશ. પડખેના ઓરડામાં વાઘરીની દસ વરસની છોકરીને સુવરાવી છે. એ બૂમો પાડે તો તમે એને અહીં સૂતાં સૂતાં છાની રાખજો હો મા! એને તો હજી ટચલી આંગળીએ જ નાનું ચાઠું છે, વધુ નથી.” ઝોળી લઈને સન્મુખ બનતાં જ દેવીદાસે અમરબાઈને ઊભેલી, બે હાથ જોડીને પગે લાગતી દેખી. “અરે, અરે, અહીં નહીં બોન! અહીં નહીં, બહાર, બહાર ....” કહેતાં ચમકેલા દેવીદાસે આ યુવાન રૂપસુંદરીને બહાર જવા ચેષ્ટા કરી. અમરબાઈ ન બોલી, કે ન હલીચલી.