પૂર્વાલાપ/૬૭. મનોહર મૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૭. મનોહર મૂર્તિ


[કવ્વાલી]

દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની!
નવરંગ પ્રફુલ્લ, ગુલાબ સમી
મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!

નયને કંઈ નૂર નવું ચળકે,
વદને નવી વત્સલતા ઝળકે;
સખી! એક જ તું ગમતી ખલકે
મને, મૂર્તિ મનોહર માશૂકની!

શિરકેશ સુકોમલ સોહી રહ્યા,
સ્મિત જોઈને તારક મોહી રહ્યા,
કામધેનુ-શી બાલક દોહી રહ્યા
તને, મૂર્તિ મનોહર માશૂકની!

હૃદયે શુભ, ઉજ્જવલ ભાવ ભરો :
પ્રણયામૃતની પ્રિય ધાર ધરો :
સહચાર મહીં ભવ પાર તરો,
સખી! મૂર્તિ મનોહર માશૂકની!

નવરંગ, પ્રફુલ્લ, ગુલાબ સમી,
મૃદુ, મૂર્તિ મનોહર માશૂકની!
દેવે દીધી દયા કરી કેવી મને,
અહા! મૂર્તિ મનોહર માશૂકની!