પૂર્વાલાપ/૬૮. કલાપીને સંબોધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૮. કલાપીને સંબોધન


સુરતાની વાડીના મીઠા મોરલા!
ઊછળતા શા ઉરસાગર ઉલ્લાસ જો!
નિર્ઝરતી સૌભાગ્ય સુહાગન જ્યોત્સ્નિકા :
નયને ઝળકે નમણું નિર્મલ હાસ જો!
સુરતાની વાડીના મીઠા મોરલા!

આંજે ને અજવાળે આંખડલી સખી,
અંતર ઉપર ઊઘડે આલમનૂર જો!
હેત હૈયાનાં વહતી વાજે વાંસળી,
ઊડે સ્વર આકાશે અંદર દૂર જો!
સુરતાની વાડીના મોંઘા મોરલા!

નંદનવનના પ્રાસાદોની ટોચથી,
મધુરી કેકા આજે શી ઊભરાય જો!
સુરભિઓની સાથે સંસારે સરી,
અંતર્દ્વારે ગીતા શી અથડાય જો!
સુરતાની વાડીના મીઠા મોરલા!

“તત્સવિતાનુ ભર્ગ વરેણ્યં ધીમહિ |”
ગાયત્રીનો જૂનો ભેદક મંત્ર જો!
આજે અન્ય પ્રકારે આ માથું નમે,
નમતો સાથે આત્માનો એ તંત્ર જો!
સુરતાની વાડીના મોંઘા મોરલા!