પોત્તાનો ઓરડો/અનુવાદકનું નિવેદન
Excellent at translation, women are skilled at stepping into spaces created by the patriarchal superego and cleverly subverting them.
– Gail Scott
Spaces Like Stairs
સ્ત્રીઓ અનુવાદક તરીકે ઉત્તમ સાબિત થતી હોય છે. પિતૃસત્તાક ‘સુપરઇગો’થી ખીચોખીચ વિશ્વમાં પણ અવકાશ શોધી લઈ તેમાં ગોઠવાઈ જતાં તેમને આવડે છે. અને ત્યાર બાદ સમગ્ર પિતૃસત્તાક માળખાને ‘સબવર્ટ’ કરતાં પણ.
ગેઈલ સ્કોટ
સ્પેસીઝ લાઈક સ્ટેર્સ
૧૯૮૨માં કેલીફોર્નિયા યુનિવર્સિટીના કેમ્પસ પર અભ્યાસક્રમને અંતર્ગત વાંચેલ બે કૃતિઓએ મારા મનોજગતને વીજળીના કરંટની જેમ સ્પર્શેલું – વર્જિનિયા વૂલ્ફની ‘એ રૂમ ઑફ વન્સ ઓન’ અને એલન ગ્લાસ્ગોની ‘ધ વુમન વિધિન’. ત્યારે સમજાયું ન હતું કે તે કૃતિઓના આવા પ્રભાવનું કારણ શું હતું. ત્યારથી આજ સુધી એ કૃતિઓને મેં ફરીફરીને વાંચી છે. અને હવે, આટલે વર્ષે, સમજાય છે કે મને સ્ત્રીલેખનના માર્ગે અનાયાસ દોરી જનાર આ બે કૃતિઓ સ્વયં પાયાના પથ્થર સમી હતી. વળી રૂમનો તો એક અતિ વિશિષ્ટ દરજ્જો પણ ખરો. ’૮૨થી ’૯૯ સુધીની મારી સાહિત્ય-યાત્રાના તથા નારીવાદ અને આત્મકથા-સાહિત્યમાં વિકસેલ મારા વિશેષ રસનાં મૂળ હું આ બે કૃતિઓમાં જોઉં છું. અને મનોમન આ કૃતિઓ સાથે આવો ઘનિષ્ઠ ઘરોબો કરાવવામાં કારણભૂત પ્રોફેસર ઝેલ્ડા બોઇડે આપેલ વીમન્સ રાઇટિંગના કોર્સને હું બિરદાવું છું, સલામ કરું છું. આ બન્ને કૃતિઓ ગુજરાતીમાં હોવી જ જોઈએ તેમ મને લાગ્યા કર્યું છે. અને તેમાંની એક રૂમ, આજે ગુજરાતી પ્રજાના હાથમાં મૂક્યાનો મને આનંદ છે. મારા મત પ્રમાણે રૂમ વિના નારીવાદી વિચારને સમજવો અશક્ય છે. પુસ્તકના ગુજરાતી અનુવાદના અભાવમાં કહેવાતા નારીવાદી સાહિત્યની મહોરવાળા ગમે તે સાહિત્યના વાચન પરથી નારીવાદ વિષયક આડેધડ મનફાવે તેમ વિચારવાની / લખવાની જે પરંપરા આપણે ત્યાં ગુજરાતમાં ચાલી છે તેને કંઈક વ્યવસ્થિત તાત્ત્વિક રૂપ આપવાનો મારો પ્રયત્ન છે. સાત પગલાં આકાશમાં જેવી કૃતિઓને વ્યક્તિગત સ્તરે ‘બિનનારીવાદી’ કે ‘સ્વસ્થ નારીવાદ’ને હાનિકર્તા ગણાવીને કશું નથી વળવાનું. એક સ્પષ્ટ નિર્ભીક પ્રતિભાવની અભિવ્યક્તિ ઉપરાંત નારીવાદી સાહિત્યને મૂલવવાના અમુક સુનિશ્ચિત માપદંડો પણ ઘડાવા જોઈએ. આ કૃતિના અનુવાદ પાછળનાં બે મુખ્ય કારણોમાંનું એક કારણ મારી આ માન્યતા છે. કૃતિના અનુવાદનું બીજું કારણ મારો સ્ત્રીલેખન, નારીવાદ તથા વૂલ્ફ પ્રત્યેનો વ્યક્તિગત રસ છે. જે વિષય મારા મનોજગતને આટલોબધો સ્પર્શે છે તે મારી સ્વભાષામાં ઊતરવો જોઈએ તેવો એક આગ્રહ પણ ખરો. આમ કરવાથી ગુજરાતી વાચકોને લાભ થશે તેવી આશા છે. પણ એવા ભવિષ્યના કલ્પિત લાભની તુલનામાં મને પ્રાપ્ત થતો મનગમતું કામ કર્યાનો સંતોષ તો હકીકત છે. “સ્ત્રીઓ જન્મજાત દ્વિભાષી હોય છે.” એવું વિધાન ફ્રેન્ચ કેનેડિયન લેખિકા સ્યુઝન ડી. લોટબીનેરે અનુવાદ પરના પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ ‘ધ બૉડી બાઈ લિંગ્વલ : ટ્રાન્સલેશન એઝ એ રી-રાઇટિંગ ઇન ધ ફેમિનાઈન’ (ટોરોન્ટો : વીમન્સ પ્રેસ, ૧૯૯૫, ૨૨૦)માં કર્યું છે. જુલિયા ક્રિસ્ટેવાની જેમ લોટબીનેરનું પણ માનવું છે કે પિતૃસત્તાક ભાષાના માળખાના વારસા સાથે જન્મેલ સ્ત્રીઓને આ માળખું દ્વિભાષી બનવાની ફરજ પાડે છે. વારસામાં મળેલ પિતૃસત્તાક ભાષામાં બોલવું તે તેમની નિયતિ છે. ભાષાની આવી પૂર્વનિશ્ચિત ફ્રેમમાં પણ સ્ત્રી પોતાની આગવી ‘ફેમિનાઈન સ્પેસ’ ઊભી કરી લે છે. આવી દ્વિભાષા-ભાષી સ્ત્રીઓ અનુવાદક તરીકે ઉત્તમ પુરવાર થાય છે. કારણ કે “પિતૃસત્તાક ‘સુપરઇગો’થી ખીચોખીચ વિશ્વમાં પણ અવકાશ શોધી લઈ તેમાં ગોઠવાઈ જતાં તેમને આવડે છે. અને પિતૃસત્તાક માળખાને ‘સબવર્ટ’ કરતાં પણ.” (ગેઈલ સ્કૉટ, ટોરાન્ટો : વીમન્સ પ્રેસ ૧૯૮૯, ૧૧૦.) એક અનુવાદક તરીકેનો મારો અનુભવ ઉપર જણાવેલ વિચારોની સાક્ષી પૂરે છે. એટલું જ નહીં પણ અનુવાદકની ‘જેન્ડર’ તેના કાર્યમાં કેવી મદદ કે હસ્તક્ષેપ કરે છે તેનો પ્રત્યક્ષ અનુભવ પણ મને આ પુસ્તકના અનુવાદક-કાર્ય દરમિયાન થયો છે. મારી ‘જેન્ડર’, સ્ત્રીલેખનમાં મારી ઊંડી રુચિ અને નારીવાદ પ્રત્યેની મારી જાગ્રતતાએ જાણે મારા અનુવાદ-કાર્યમાં અનેરું બળ પૂર્યું હોય તેમ મને લાગ્યા કર્યું છે. વૂલ્ફને સમજવાં અઘરાં છે. તો વળી તેમના અતિ મહત્ત્વપૂર્ણ વિચારોની સમૃદ્ધિથી ભરચક એવા, રૂમ જેવા લખાણને અન્ય ભાષામાં ઉતારવાનું કામ તો વળી ઘણું જ અઘરું. વૂલ્ફે સૌપ્રથમ વાર વિચારેલ / પ્રયોજેલ ‘મેન-વુમનલી’, ‘વુમન-મેનલી’ જેવી સંજ્ઞાઓના અનુવાદમાં ‘સોશિયો કલ્ચરલ’ કારણો પણ કેવાં કનડે તે કલ્પી શકાય. ‘એન્ડ્રોજિની’ જેવી સંજ્ઞાનો અનુવાદ ગુજરાતી સાહિત્ય સંજ્ઞાકોષોમાં મળે ખરો. પણ ‘ઉભયલિંગી’ જેવી સંજ્ઞાને બરાબર સમજવા ખાતર પણ મૂળ સંજ્ઞા અંગ્રેજીમાં જાણવી આવશ્યક લાગે. આવી મારી માન્યતાને કારણે મેં આવી સંજ્ઞાઓને છે તેમ આપવાનું રાખ્યું છે. ‘મેન-વુમનલી’નો અનુવાદ ‘સ્ત્રીગુણયુક્ત પુરુષ’ અને ‘વુમન-મેનલી’નો ‘પુરુષગુણયુક્ત સ્ત્રી’ સુધી પહોંચતાં મને સૂઝેલા, મિત્રોએ સૂઝવેલા, કેટલાબધા પર્યાયો હતા! પુરુષમિત્રોએ સૂઝવેલ “સ્ત્રૈણ પુરુષ” અને ‘પૌરુષી-સ્ત્રી’ જેવા તરત જડતા શક્ય અનુવાદો મને કેમ સ્વીકાર્ય ન હતા તે તેમને સમજાતું ન હતું. પુરુષ હોવાના ‘પ્રિવિલેજ’ને કારણે તેઓ મને નડતા ‘સોશિયો-કલ્ચરલ’ કારણને ક્યાંથી સમજે? ‘પૌરુષી-સ્ત્રી’ કે ‘સ્ત્રૈણ-પુરુષ’ કહેવડાવવાનું કોઈને ગમે ખરું? સૂક્ષ્મ દૃષ્ટિની જરૂર જેટલી અનુવાદકને છે તેટલી કોઈનેય નથી. સ્ત્રી હોવાને કારણે તેમજ સ્ત્રીલેખનની મારી સમજને કારણે કદાચ વૂલ્ફને હું વધુ સારો ન્યાય આપી શકી છું તેમ મને લાગે છે. મુલ્કરાજ આનંદની નવલકથા અનટચેબલના અનુવાદ અછૂત (૧૯૯૫) દરમિયાન મહદંશે મેં મારા પુરુષમિત્રોએ કરેલ સૂચનો માન્ય રાખેલાં - પણ તેવું આ વખતે ન બન્યું. વૂલ્ફના વિચારજગત સાથે હું કોઈ વિશેષ તારથી જોડાયેલી હોઉં અને તેમનાં દરેકેદરેક વિચારને સુપેરે પામી જતી હોઉં તેવો અનુભવ મને થયો. અને આ અનુભવે મને અનુવાદની એક નવી દિશા ઉઘાડી આપી તેમ મને લાગ્યું – ફેમિનિસ્ટ અનુવાદકની દિશા. હવે અનુવાદના ક્ષેત્રે મારી ગતિ આ દિશામાં જ થાય તેમ પણ બને. આ કૃતિનું શીર્ષક એ કદાચ સૌથી વિશેષ રસપ્રદ છે. લેખિકા સર્જનાત્મક રીતે નારીના સ્વને માત્ર સુરક્ષિત રાખવા નહીં પણ તેને ઉઘાડવા, નિખાલસ થવા એની એષણાઓ અને કામનાઓ પ્રગટ કરવા, અથવા વધુ સ્પષ્ટ થઈને કહું તો તેને અલાયદું – આગવું એકાંત આપવા પોતાના ઓરડાની આવશ્યકતા લેખાવે છે. આ ઓરડો એ રૂપક નથી; એ પ્રવાહી પ્રતીક છે, અને એટલે જ એ જેટલો વિચારપ્રેરક છે તેટલો જ ભાષાકીય સાહિત્યિક સ્વાદદાયક પણ છે. વૂલ્ફની સર્જનાત્મકતા આવા વિવેચન પ્રસંગે પણ કેટલી જાગ્રત છે તેનું આ શીર્ષક સરસ ઉદાહરણ છે. આમ સાદા લાગતા આ શીર્ષકનું ગુજરાતી ભાષાંતર કરતી વખતે મેં ઘણી મુશ્કેલી અનુભવી છે; દ્વિધા અનુભવી છે. નિજી આકાશ (૧૯૯૮)ને કારણે નિજી ઓરડો, નિજી એકાંત, આગવું એકાંત, આગવો ઓરડો, અલાયદો ઓરડો, એમ કરતાંકરતાં તળપદા ગુજરાતી પદો પાસે હું અટકી છું – પોત્તાનો ઓરડો. અહીં ‘પોત્તાનો’ શબ્દ પર ભાર એટલા માટે મૂક્યો છે કે જેથી તેની તમામ અર્થચ્છાયાઓ ઓરડા શબ્દને પ્રાપ્ત થાય. સ્ત્રી પાસે પોતાનું કહેવાય તેવું શું છે? આ સમાજે તેને કશું આપ્યું નથી. એ સ્થિતિમાંથી તેણે હવે પછી ચણવાનો છે પોત્તાનો અલાયદો ઓરડો. મારા પોતાના વ્યક્તિત્વને નહીં તો વિચારજગતને આ સદીના અંતમાં પણ વૂલ્ફ હચમચાવી મૂકવાની શક્તિ રાખતાં હોય તો હું તો એમ નહીં જ કહી શકું કે ‘હુ ઇઝ અફ્રેડ ઑફ વર્જિનિયા વૂલ્ફ?’
✼ ✼ ✼