પોત્તાનો ઓરડો/પૂરક વાચન : સ્ત્રી માટેના વ્યવસાયો
(‘પ્રોફેશન્સ ફૉર વીમન’નો ગુજરાતી અનુવાદ)
These then were two very genuine experiences of my own. These were two of the adventures of my professional life -- Killing the Angel in the House [and] telling the truth about my own experiences as a body.
- Virginia Woolf
Professions for Women
આ મારા વ્યાવસાયિક જીવનના બે પ્રામાણિક અનુભવો હતા, કે પછી કહો કે મારા વ્યાવસાયિક જીવનનાં પરાક્રમો હતાં – ‘એન્જલ ઇન ધ હાઉસ’ની હત્યા અને મારા પોતાના સ્ત્રી-શરીર વિષયક સત્યને વાચા આપવાનો પ્રયત્ન.
- વર્જિનિયા વૂલ્ફ
પ્રોફેશન્સ ફૉર વીમન
તમારા સેક્રેટરીએ જ્યારે મને આમંત્રણ આપેલું ત્યારે જણાવ્યું હતું કે આ સંગઠન નોકરિયાત સ્ત્રીઓનું સંગઠન છે. અને સ્વાભાવિક રીતે જ આ સંગઠનનું એ મુખ્ય કામ નોકરિયાત સ્ત્રીઓના પ્રશ્નો ચર્ચવાનું અને તેમને મદદરૂપ થવાનું છે. તેમનું સૂચન હતું કે મારે તેમને મારા વ્યાવસાયિક અનુભવો વિશે વાત કરવી. વાત સાચી કે હું એક સ્ત્રી છું. એ પણ સાચું કે હું એક વ્યાવસાયિક સ્ત્રી છું. પણ આવી વાત કરવા લાયક કોઈ વ્યાવસાયિક અનુભવ મને છે ખરો? હૃદય પર હાથ મૂકીને કહું તો આવી વ્યાવસાયિક વાત કરવા લાયક મારી પાત્રતા નથી. તેમ છતાં પ્રયત્ન કરું. મારો વ્યવસાય સાહિત્યસર્જનનો છે. આ વ્યવસાયમાં અન્ય વ્યવસાયોની તુલનામાં સ્ત્રીઓ માટે કોઈ આગવા અનુભવની સંભાવના ઘણી સાંકડી છે. એક રંગભૂમિને બાદ કરતાં સાહિત્યનાં તમામ ક્ષેત્રોમાં સ્ત્રી માટે વિશેષ અનુભવની સંભાવના લગભગ નહીંવત્ છે. સાહિત્યની આ પગદંડી ઘણાં વર્ષો પહેલાં ફેની બર્ની, એફરા બ્હેન, હેરિયટ માર્ટિન, જેન ઑસ્ટિન તથા જોર્જ એલિયટ જેવી સ્ત્રી-લેખિકાઓએ આપણાં માટે કંડારેલી. મારા પહેલાં આ પગદંડી પર જાણીતી તેમજ અજાણી ઘણીબધી સ્ત્રીઓનાં પગલાં પડ્યાં છે. અને દરેકેદરેકના પગલે આ પગદંડી વધુ ને વધુ ઘડાતી ગઈ છે. એ સ્ત્રીઓના પ્રતાપે જ આજે સાહિત્યની આ સરસ મઝાની પગદંડી પર હું નિરાંતે ચાલી શકું છું. આ પગદંડી પર પડતાં મારાં આ પગલાં મારી પુરોગામી સ્ત્રીઓનાં પગલાંને અનુસરે છે. મેં જ્યારે લખવાનું પ્રારંભ્યું ત્યારે મારા પહેલાંની સ્ત્રી-લેખનની પરંપરાને કારણે મને એટલાં બધાં વિઘ્નો નડ્યાં ન હતાં. લેખન એક સન્માનપૂર્ણ, નિર્દોષ વ્યવસાય હતો. સ્ત્રીનું કાગળ પર કલમ ચલાવવું કોઈ રીતે કુટંબની સુખશાન્તિ માટે જોખમકારક નહોતું ગણાતું. વળી કુટુંબે સ્ત્રીના આ વ્યવસાય પાછળ પોતાના ગજવામાંથી કશો ખર્ચ કરવાનો નહોતો. તે વખતમાં સોળ પેન્સમાં તો એટલો કાગળ આવતો કે શેક્સપિયરનાં સમગ્ર નાટકોનો ઉતારો તૈયાર થઈ જાય! વળી લેખનના વ્યવસાયમાં અન્ય વ્યવસાયોની જેમ વાજિંત્રો, મૉડેલ્સ કે પછી પેરીસ, વીએના કે બર્લિન જેવાં શહેરોની યાત્રા અથવા સ્ત્રી-પુરુષોનાં ટોળેટોળાં – કશાયની જરૂર ન હતી. કાગળના સોંઘાપણાએ પણ કદાચ અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં આ ક્ષેત્રમાં આવવા સ્ત્રીને આકર્ષી હોય! મારા વ્યાવસાયિક જીવનની કહાણી તદ્દન સીધી છે. સાવ સરળ. બસ એ માટે તમારે એક શયનકક્ષમાં હાથમાં પેન લઈને બેઠેલ એક છોકરીની કલ્પના કરવાની છે. એ છોકરીએ પોતાની કલમ દરરોજ દસથી એક વાગ્યા સુધી પાના પર ડાબેથી જમણે ફેરવ્યા કરવાની છે. પછી આ છોકરીને એક અન્ય સરળ અને સસ્તો તુક્કો સૂઝે છે. પોતે ચીતરેલ કાગળમાંથી થોડા કાગળ લઈ, એક પરબીડિયામાં બીડી, તેના ઉપર છ સેન્ટની ટિકિટ ચોંટાડી, પરબીડિયા પર સરનામું લખી, તે તેને લાલ ટપાલપેટીમાં નાખે છે. અને એમ કરતાં એ છોકરી પત્રકાર બની જાય છે. ત્યાર પછી મહિનાની પહેલી તારીખે એને પેલા લેખનો પુરસ્કાર પણ મળે છે. મૅગેઝીનનો એડિટર તેને એક પાઉન્ડ, દસ શિલિંગ અને છ પેન્સના પુરસ્કારનો ચેક મોકલે છે. એ છોકરી બીજી કોઈ નહીં હું જ છું, અને પેલો ચેક મારા જીવનનો પ્રથમ ઉત્સવ બની જાય છે. આ રકમથી જીવનજરૂરી કોઈ વસ્તુ ખરીદવાને બદલે હું એક પર્શિયન બિલાડી ખરીદી લાવું છું. પુરસ્કારની રકમ ખર્ચવાની રીત જ કહી આપે છે કે હું વ્યાવસાયિક લેખિકા કહેવડાવવાને લાયક ન હતી. મને વ્યાવસાયિક જીવનની તકલીફો અને સંઘર્ષોનો ખ્યાલ સુધ્ધાં ન હતો. મેં મારા એ પ્રથમ પુરસ્કારમાંથી ખરીદેલ બિલાડી પાછળથી પાડોશીઓ સાથે મારા ઝઘડાનું કારણ પણ બનેલી. મૅગેઝીન માટે લેખ લખી તેના પૈસામાંથી પર્શિયન બિલાડી ખરીદવાનું તદ્દન સરળ જ લાગે. આવા લેખ લખતાં વાર શી? પણ સહેજ ખમો. લેખો કોઈક નક્કર વિષય પર હોવા જોઈએ. જેમકે, મારો એ લેખ એક પુરુષ નવલકથાકાર પર હતો. તેની એક નવલકથાનો મેં રીવ્યૂ લખેલો. અને એ રીવ્યૂ લખતાં મને સમજાઈ ગયેલું કે જો મારે અન્ય કંઈ નહીં ને પુસ્તકોના રીવ્યૂ જ લખવા હોય તોય તે માટે મારે એક ‘ફેન્ટમ’ (છાયા) સાથે યુદ્ધ કરવું પડશે. એ ફેન્ટમ એક સ્ત્રી હતી. એક એવી સ્ત્રી કે જે ઘણાં કાવ્યોની નાયિકા રહી ચૂકી હતી. હું એને ‘એન્જલ ઇન ધ હાઉસ’ (ગૃહલક્ષ્મી) તરીકે ઓળખાવીશ. હું જ્યારે પણ રીવ્યૂ લખતી હોઉં ત્યારે તે ખલેલ પાડતી. કાગળ અને મારી વચ્ચે આવીને તે ઊભી રહી જતી. તે મને સતત પજવતી, સતત કનડતી. સતત કશુંક યાદ અપાવ્યા કરતી. છેવટે હું તેનાથી એવી તો કંટાળી કે મેં એને મારી નાખી. તમે એને ઓળખો છો? મારા પછીની પેઢીઓની ભાગ્યશાળી સ્ત્રીઓ કદાચ તેને ન પણ ઓળખતી હોય તેમ બને. તેમને કદાચ ખ્યાલ પણ ન હોય કે આ ‘એન્જલ ઇન ધ હાઉસ’ શું ચીજ છે. હું તમને બને તેટલી સ્પષ્ટ રીતે કહું કે તે કોણ હતી. તે અત્યંત સહાનુભૂતિપૂર્ણ હતી. વળી અત્યંત સ્વરૂપવાન પણ. જેટલી સુંદર તેટલી ઉદાર અને નિ:સ્વાર્થ પણ. કુટુંબજીવન જીવવાની અઘરી કલામાં ખૂબ પાવરધી. રોજરોજ તે પોતાની જાતનું બલિદાન આપતી. બધાંને જમાડીને વધ્યુંઘટ્યું ખાતી. ટૂંકમાં તેનું બંધારણ જ એવું હતું કે તેને પોતાની આગવી ઇચ્છા કે આગવા વિચાર હતા જ નહીં. અન્યની ઇચ્છા અને વિચારને એકરૂપ થઈ જીવવું તે જ તેનો જીવનમંત્ર હતો. આ બધા ગુણો ઉપરાંત તેનો સર્વોપરી ગુણ હતો તેની પવિત્રતા; તેનું સતીત્વ જ તેના સંપૂર્ણ સુંદર વ્યક્તિત્વનો સૌથી મહત્ત્વનો મુદ્દો હતો. રાણી વિક્ટોરિયાના શાસનકાળનાં છેલ્લાં વર્ષો દરમિયાન ઇંગ્લૅન્ડના દરેકેદરેક કુટુંબમાં આવાં ‘એન્જલ્સ’ હતાં. જ્યારે મેં લેખનો પ્રારંભ કર્યો ત્યારે મારે આ ‘એન્જલ’ સાથે પનારો પાડવાનું થયું. તેની પાંખનો પડછાયો હું મારી સામે ટેબલ પર પડેલ કાગળ પર જોઈ શકતી હતી. તેનાં રેશમી વસ્ત્રોનો સળવળાટ હું સાંભળી શકતી હતી. પેલા પુરુષની નવલકથાનો રીવ્યૂ લખવા મેં જેવી કલમ ઉપાડી કે તરત ‘એન્જલે’ મારા કાનમાં ગણગણાટ કર્યો. “જો સાંભળ છોકરી, યાદ રાખ, તું એક સ્ત્રી છે અને પુરુષે લખેલ પુસ્તક વિશે લખવા બેઠી છે. ધ્યાન રાખીને પુરુષના અહમ્ને ગમે તેવું જ લખ. કંઈક ઋજુ, કંઈક ગુણગાનભર્યું. સ્ત્રીને ઉચિત મીઠું બોલવાની કલા-યુક્તિને સ્વર આપ, કોઈને ખબર ન પડવા દેતી કે તારે પણ મગજ છે. અને આ બધા ઉપરાંત એક મુખ્ય વાતનું ધ્યાન રાખજે – તે છે તારા પાવિત્ર્યનું.” આ શબ્દો સાથે જાણે તે મારી કલમને દોરવા માંડી. અને તરત મેં તેનો વિરોધ કર્યો – આ કૃત્યનો મને યશ મળવો જ જોઈએ – જવા દો એ વાત. ખરું તો આ યશનાં ભાગીદાર પણ મારાં ફોઈ જ કહેવાય. મને વર્ષે પાંચસો પાઉન્ડ વારસામાં આપી તેમણે મને હું જેમ ઇચ્છું તેમ કરવાની છૂટ મેળવી આપી હતી. એમની એ મૂડીને કારણે જ સ્ત્રિયોચિત મોહકતાનો ઉપયોગ વ્યાવસાયિક બાબતોમાં ન કરવાનું મને પરવડે તેમ હતું. આ હિંમતના જોરે મેં મારી બરાબર પાછળ ઊભેલ એન્જલને ગળેથી પકડીને મારી નાખી. જો મારે કોર્ટમાં મારા બચાવ પક્ષે જુબાની આપવાની થાય તો હું કહું કે મેં આત્મરક્ષા કાજે તેની હત્યા કરી હતી. જો હું તેને ન મારી નાખત તો તે મને મારી નાખત. તે મારા લેખનના હાર્દને મૂળ સોતું ઉખાડી નાખત. કેમ કે જેવી મેં કલમ કાગળ પર મૂકી કે તરત મારી સર્વપ્રથમ પ્રતીતિ એ જ હતી કે વફાદારીપૂર્વક પુસ્તકનો રીવ્યૂ કરવા માટે પણ તમારે પોતાની બુદ્ધિ, પોતાનું મગજ, પોતાની માન્યતાઓ, સ્ત્રી-પુરુષ સંબંધો વિશે પોતાના સ્પષ્ટ આગવા વિચાર, નૈતિકતા અને ‘સેક્સ’ જેવા વિષય પરની સુસ્પષ્ટ સમજણ હોવી ઘટે. અને બીજી બાજુ પેલી મૃત ‘એન્જલ’ મારા કાનમાં કહ્યે જતી હતી કે આમાંના એકેય વિશેની ચર્ચા સ્ત્રિયોચિત ન હતી. સ્ત્રીએ તો માત્ર મરકમરક મીઠુંમીઠું હસવાનું ને આકર્ષવાનું. વધુ સ્પષ્ટપણે કહું તો તેના મતે સ્ત્રીએ સફળ થવા માટે જૂઠું જ બોલ્યા કરવાનું હતું. એમ તો કેમ ચાલે? અને તેથી જ જ્યારેજ્યારે પેલીની પાંખનો પડછાયો સુધ્ધાં મેં મારા કાગળ પર પડતો જોયો ત્યારેત્યારે મેં તેના પર શાહીના ખડિયાનો છુટ્ટો ઘા કરેલો. પણ તે તદ્દન નફ્ફટ હતી. તેથી જ તેને મરતાં પણ ખાસ્સી વાર લાગી. તેનું છલનામય રૂપ પણ તેને તેના આ કામમાં ઘણું મદદરૂપ હતું. આમ પણ નક્કર અસ્તિત્વધારી વ્યક્તિની હત્યા કરતાં આવા આભાસી ફેન્ટમની હત્યા વધુ અઘરી હોય છે. ઘણી વાર એવું પણ બનતું કે તેના તરફ શાહીનો ખડિયો છુટ્ટો ફેંકીને તેને વિદાય કરવાનો સંતોષ લઉં તે પહેલાં તો તે ફરી મારી આસપાસ ઝળૂંબવા માંડતી. પણ અંતે હું તેનાથી છુટકારો મેળવવામાં સફળ થઈ ખરી. અને આ સફળતાનો યશ મને મળવો જોઈએ. મેં કેટલા બધા લાંબા સમય સુધી તેને લડત આપી હતી! આટલો સમય મેં ગ્રીક કે લેટિન વ્યાકરણ શીખવામાં આપ્યો હોત તો તે સમય સાર્થક થાત. કે પછી મેં વિશ્વભ્રમણ કર્યું હોત તો દુનિયા જોવાનો સંતોષ તો થાત! પરંતુ ‘એન્જલ’ના પ્રતિકાર અને તેની હત્યાનો અનુભવ પણ મારા ઘડતર માટે જરૂરી તો હતો જ. એ જમાનાની દરેકેદરેક લેખિકા માટે એ અનુભવ મૂલ્યવાન હતો. ‘એન્જલ ઇન ધ હાઉસ’ની હત્યા એ જમાનાની સઘળી લેખિકાઓના વ્યાવસાયિક એજન્ડા (કાર્યસૂચિ)નો મહત્ત્વપૂર્ણ મુદ્દો હતી. મારા વ્યાવસાયિક જીવનની કહાણી આગળ ચાલે છે. પેલી ‘એન્જલ’ તો મરી ગઈ. તેની વિદાય બાદ હવે મારા રૂમમાં શું બાકી રહ્યું? તમે કહેશો કે એમાં વળી પૂછવાનું શું? હવે પેલી શાહીના ખડિયા સાથેની સ્ત્રી જ બાકી રહી. વાત ખરી. ‘ફેન્ટમ’ના પડછાયાથી મુક્ત હવે પેલી યુવતી પોતાના અસલ રૂપે શયનખંડમાં રહી. પણ તેનું અસલ રૂપ? એ વળી શું? સ્ત્રીનું અસલ રૂપ? સ્ત્રી એટલે શું? મને ખબર નથી. મને સાચે જ ખબર નથી કે સ્ત્રીની વ્યાખ્યા કેમ કરવી. તમને ય ખબર નથી. મારા મત પ્રમાણે જ્યાં સુધી સ્ત્રી મનુષ્યજાત માટેના દરેકેદરેક વ્યવસાયમાં ન પ્રવેશે, જ્યાં સુધી તે પોતાની જાતને કલાઓના માધ્યમથી સંપૂર્ણપણે અભિવ્યક્ત ન કરે, ત્યાં સુધી સમજપૂર્વક તેની વ્યાખ્યા કરવી અશક્ય છે. કદાચ તેથી જ હું તમારું આમંત્રણ સ્વીકારીને આજે અહીં આવી છું. કેમકે તમે બધાં સ્ત્રીની વ્યાખ્યા કરવાની, તેને સમજવાની, પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યાં છો. તમે બધાં પોતાની સફળતા તેમજ નિષ્ફળતાની માહિતીના આધારે સ્ત્રીની વ્યાખ્યા ઘડી રહ્યાં છો. અને આ એક એવું કામ તમારે હાથે થઈ રહ્યું છે કે જેના પ્રત્યે મને માન છે, જેમાં મને ખૂબ રસ છે. આપણે ફરી પાછા મારા વ્યાવસાયિક અનુભવના વિષય પર આવીએ. મેં મારા પ્રથમ લેખની રકમમાંથી પર્શિયન બિલાડી ખરીદેલી. લેખમાંથી પર્શિયન બિલાડી ખરીદાય? વાહ! તે તો સારું કહેવાય! પણ પછી મારી મહત્ત્વાકાંક્ષા વધેલી. અને આમ ને આમ હું નવલકથાકાર બની ગયેલી. કેવી નવાઈની વાત કે જો તમે લોકોને વાર્તા કહો તો તેઓ તમને પુરસ્કારરૂપે મોટરકાર આપે! અને વળી જગતમાં વાર્તા કહેવા જેવો આનંદ અન્ય કશામાં નથી! પુસ્તકોના રીવ્યૂ લખવા કરતાં નવલકથા-લેખન એટલે મઝામઝા. મારે જો તમારા સેક્રેટરીના સૂચન પ્રમાણે મારા વ્યાવસાયિક અનુભવની વાત તમને કરવાની હોય તો એક નવલકથાકાર તરીકે મારી સાથે બનેલ એક વિચિત્ર ઘટનાની વાત મારે તમને કરવી જ જોઈએ. પણ મારી એ વાત સમજવા માટે તમારે સર્વપ્રથમ એક નવલકથાકારની મન:સ્થિતિને સમજવી પડે. એક નવલકથાકાર હંમેશ એવી મન:સ્થિતિ પર પહોંચવા માટે તત્પર હોય છે કે જ્યાં તેને કશી સભાનતા રાખવાની પડી ન હોય. આ વાત કહી દઈને હું કોઈ વ્યાવસાયિક રહસ્ય તો નથી બહાર પાડી દેતી ને? નવલકથાકાર પોતાની આસપાસ એક સાતત્યપૂર્ણ વાતાવરણ સર્જવા પ્રયત્નશીલ હોય છે. જીવન સાતત્યપૂર્ણ અને શાંતપણે ચાલ્યા કરે તેવી જ તેની ઇચ્છા હોય છે. આવી મન:સ્થિતિમાં જે સમય દરમિયાન એ સર્જનમાં વ્યસ્ત હોય તે દરમિયાન કશું જ બદલાય તો જ સારું. એના એ જ ચહેરાઓ, એ જ પુસ્તકો, એ જ સતત બન્યે જતી રોજ-બ-રોજની ઘટનાઓ, દિવસો, મહિનાઓ સુધી એ જ નિત્યક્રમ, એ જ વાતાવરણ અને એ જ સતત લેખન. સાતત્યપૂર્ણ દિનચર્યા સહેજેય બદલાય તે તેને ન પોસાય. નાનુંશું પરિવર્તન તેના શરમાળ, કલ્પનાશીલ મનમાં વિક્ષેપ પેદા કરી દે. હું માનું છું કે સર્જકમનની આ સ્થિતિ સ્ત્રી-પુરુષ ઉભય માટે સરખી જ હોતી હશે. એ જે હોય તે. હું તમને મારી જાતને આવી મન:સ્થિતિમાં નવલકથાનું સર્જન કરતી કલ્પવા ઇચ્છું છું. એક એવી યુવતીની કલ્પના કરો કે જે તંદ્રાની મન:સ્થિતિમાં હાથમાં કલમ લઈને મિનિટો સુધી, ઘણી વાર કલાકો સુધી, કલમને ખડિયામાં બોળ્યા વગર બેઠી છે. આ દૃશ્ય વિશે વિચારતાં મને નદીકિનારે માછલી પકડવાના કાંટાને પાણીમાં નાખી વિચારમગ્ન સ્થિતિમાં કિનારે બેઠેલ માછીમારનું દૃશ્ય દેખાય છે. પેલી યુવતીની કલ્પના મનુષ્યમનનાં અજાણ ઊંડાણોમાં જળબંબાકાર દરેકેદરેક ખૂણે-ખાંચરે કાળમીંઢ શિલાઓનાં કોતરો સુધ્ધાંમાં ફરી વળે છે. અચાનક જ પાણીમાં ‘છબાક’ કરતો અવાજ થાય છે. જાણે કોઈ ધડાકો જ. અચાનક ફીણ-ફીણ. ગૂંચવણભરી પરિસ્થિતિ. અરેરે! કલ્પના મોટા કાળમીંઢ પથ્થર પર પછડાઈ પડી છે! પેલી યુવતી સ્વપ્નમાંથી જાગ્રત થઈ ગઈ છે. તેની મન:સ્થિતિ અત્યંત વ્યગ્ર છે. કોઈ પણ અલંકારના પ્રયોગ વગર કહું તો તે શરીર વિશે, શરીરના આવેગો વિશે વિચારી રહી હતી – એવા આવેગો કે જેની વાત સ્ત્રી માટે શોભનીય નથી. તેનું મગજ સતત ટકોર કરી રહ્યું હતું કે પુરુષજાત આ વિચાર જાણશે તો તે ડઘાઈ જશે! પોતાના શરીર અને તેના આવેગો વિશે બોલનાર સ્ત્રી વિશે પુરુષ શું વિચારશે તેની સભાનતાએ પેલી યુવતીની સર્જનાત્મક મન:સ્થિતિને ડહોળી નાખી હતી. હવે તેનાથી કશુંય લખાય તેમ ન હતું. તંદ્રા તૂટી ગઈ હતી. તેની કલ્પનાએ પણ સાથ આપવાનું માંડી વાળ્યું હતું. સ્ત્રી-લેખિકાઓનો આ અનુભવ સર્વસામાન્ય રહ્યો છે – પુરુષજાતની રૂઢિવાદિતા તેમને સતત કનડ્યા કરી છે. પુરુષો પોતે આવી બાબતમાં ઘણી છૂટ લેતા હોય છે, પરંતુ સ્ત્રીએ આ બાબતમાં લીધેલ સહેજ માત્ર છૂટને વખોડતાં તેઓ અચકાતા નથી. આ મારા પોતાના વ્યાવસાયિક જીવનના બે અનુભવોની વાત મેં તમને કરી. એમ કહોને કે એ બંને મારા વ્યાવસાયિક જીવનનાં મહાન પરાક્રમો જ હતાં. પહેલું – ‘એન્જલ ઇન ધ હાઉસ’ની હત્યા – જે મેં સુપેરે પાર પાડી. પેલી મરી ગઈ. અને બીજું – મારા પોતાના સ્ત્રી - શરીરના અનુભવો વિશેના સત્યને વાચા આપવાનો પ્રયત્ન. આ બીજા કામમાં હું સફળ ન થઈ શકી. મને લાગે છે કે આજદિવસ સુધી કોઈ સ્ત્રી એ કરવામાં સંપૂર્ણ સફળ થઈ નથી. કેમકે આ બાબત વિરુદ્ધ જોરદાર વિઘ્નો ઊભાં કરવામાં આવ્યાં છે. કયા વિઘ્નો? આ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે. દેખીતી રીતે એમ લાગે કે પુસ્તક લખવાથી સરળ અન્ય કોઈ કામ ન હોઈ શકે. દેખીતી રીતે પુરુષ કરતાં સ્ત્રીનાં માર્ગમાં વધુ વિઘ્નો છે તેમ ન પણ લાગે. પરંતુ સાચી વાત તો એ જ છે કે સ્ત્રીની બાબત તો તદ્દન ભિન્ન જ છે. તેણે હજુ ઘણી ભૂતાવળને લડત આપવાની છે. ઘણા પૂર્વગ્રહો પર વિજય મેળવવાનો છે. હું માનું છું કે સ્ત્રીને ‘એન્જલ ઇન ધ હાઉસ’ના લોહીથી હાથ રંગ્યા વગર કે કોઈ કાળમીંઢ શિલા પર અફળાઈને પોતાની કલ્પનાને ચૂર-ચૂર થતી જોયા વગર સ્વસ્થ ચિત્તે પુસ્તકલેખનની પરિસ્થિતિ સુધી પહોંચતાં હજુ ઘણો સમય લાગશે. જો સાહિત્ય જેવા – પ્રમાણમાં ઘણી સ્વતંત્રતા આપી શકતા – વ્યવસાયમાં સ્ત્રીના આ હાલ હોય તો અન્ય વ્યવસાયોની તો વાત જ શી? આ બધા પ્રશ્નો જો સમય હોત તો મારે તમારી સાથે ચર્ચવા હતા. આ વ્યાખ્યાનમાં જો મેં મારા વ્યાવસાયિક અનુભવ પર ભાર મૂક્યો હોય તો તેનું એક માત્ર કારણ એ જ છે કે એ અનુભવો જેટલા મારા છે તેટલા જ તમારા છે – તે અનુભવો આપણા બધાંના, સમગ્ર સ્ત્રીજાતના અનુભવો છે. દેખીતી રીતે મને એમ જણાય કે જીવનનું દરેકેદરેક ક્ષેત્રે, દરેકે દરેક વ્યવસાય, સ્ત્રીઓ માટે ખુલ્લો છે. પરંતુ સાચી વાત તો એ છે કે એ દરેકે દરેક ક્ષેત્રમાં પ્રવેશનાર સ્ત્રીએ ઘણી-ઘણી ભૂતાવળોનો સામનો કરવાનો હોય છે. જીવનની તેની વિઘ્નદોડમાં અવરોધોનો પાર નથી. આ બધા જાણીજોઈને ઊભા કરાયેલ અવરોધોને તેણે ખેલદિલીપૂર્વક પાર કરવાના છે. આ ઉપરાંત આ લડત આપણે કયા આશયથી આપી રહ્યાં છીએ તે પણ વિચારવાનું છે. આપણા આશયની ચકાસણી પણ તેટલી જ જરૂરી છે. અહીં આ સભાખંડમાં એકત્રિત થયેલ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓનો આ સમૂહ એક દુર્લભ સમૂહ છે. મારે મન આ સમૂહનું ઘણું મહત્ત્વ છે. આજદિવસ સુધી માત્ર પુરુષના ગણાતા ઘરમાં તમે બધાં તમારો આગવો ઓરડો મેળવી શક્યાં છો. કષ્ટસાધ્ય હોય તો પણ ભલે, પણ તમે બધાં એ અલાયદા ઓરડા માટે કમાઈ રહ્યાં છો. તમે વર્ષે ઓછામાં ઓછા પાંચસો પાઉન્ડ મેળવી રહ્યાં છો. પણ અલાયદા ઓરડાનું આ સ્વાતંત્ર્ય તો પ્રારંભ માત્ર છે. તમને તમારો વાંછિત ઓરડો તો મળ્યો, પણ હજુ તેને રાસરચીલાથી શણગારવાનો છે. અને ત્યાર બાદ મનગમતા પાત્ર સાથે ‘શેર’ કરવાનો છે. તમે તેને કઈ રીતે સજાવશો? તેને તમે કોની સાથે અને કઈ શરતો પર ‘શેર’ કરશો તે બધા હવેના વખતના પ્રસ્તુત પ્રશ્નો છે. ઇતિહાસમાં સર્વપ્રથમ વાર તમે બધાં આવા પ્રશ્નો પૂછવા સક્ષમ બન્યાં છો. ઇતિહાસમાં સર્વપ્રથમ વાર તમે આ પ્રશ્નોના તમને અપેક્ષિત જવાબો સાથે સુસજ્જ છો. આ બધા સવાલોની ચર્ચામાં ભાગ લેવો મારે મન સદ્ભાગ્યનો વિષય બની રહેશે. પણ આજે નહીં. ફરી કો’ક વાર. આજનો મારો સમય પૂરો થયો. માટે હવે અહીં જ વિરમું.
- ↑ * વર્જિનિયા વૂલ્ફે ૧૯૩૦માં વીમેન્સ સર્વિસ લીગ ખાતે આપેલ વક્તવ્ય ‘પ્રોફેશન્સ ફૉર વીમેન’નો અનુવાદ.
✼ ✼ ✼