પોત્તાનો ઓરડો/પ્રકરણ ૧


પોત્તાનો ઓરડો**[1]

(એ રૂમ ઑફ વન્સ ઑનનો અનુવાદ)

Oh, but they can’t buy literature too...I refuse to allow you, Beadle though you are, to turn me off the grass. Lock up your libraries if you like; but there is no gate, no lock, no bolt that you can set upon the freedom of my mind.

Virginia Woolf
A Room of One’s Own

સાહિત્ય કોઈની બાપીકી મિલકત નથી... તું ભલે દરવાન હોય પણ તારો [પુરુષનો] બબડાટ સાંભળવાની હું સદંતર ના પાડું છું. તું મને ઘાસ પર ચાલતી રોકી શકે, તારી લાઇબ્રેરી મારે માટે બંધ કરી દઈ શકે, પણ એવો કોઈ દરવાજો નથી, કોઈ સાંકળ નથી, કોઈ તાળું નથી જેનાથી તું મારા મગજને કેદ કરી શકે.

– વર્જિનિયા વૂલ્ફ


  1. * આ દીર્ઘ નિબંધ વર્જિનિયા વૂલ્ફે ન્યુનહામ ખાતેની આર્ટ્સ સોસાયટી અને ગીર્ટન ખાતે ઓડેટા માટે ૧૯૨૮માં આપેલ બે વ્યાખ્યાનો પર આધારિત છે. લેખિકાએ પોતે જ પોતાનાં વ્યાખ્યાનોને એડિટ કરીને તેમને પ્રસ્તુત ઘાટ આપેલો અને આ શીર્ષક હેઠળ ૧૯૨૯માં સૌ પ્રથમ વાર પોતાના પ્રિન્ટિંગ પ્રેસ - હોગાર્થ પ્રેસ - દ્વારા છાપેલાં.

એ રૂમ ઑફ વન્સ ઑન

પોત્તાનો ઓરડો? તમે ચોક્કસ કહેશો કે અમે તો તમને ‘સ્ત્રી તથા તેની નવલકથા’ વિશે બોલવા આમંત્ર્યાં છે, તેને અને આ વિષયને શું લાગે વળગે? હું સમજાવવા પ્રયત્ન કરું. તમે મને સ્ત્રી તથા તેની નવલકથા વિશે બોલવાનું આમંત્રણ આપ્યું કે તરત સમય કાઢી નદીકિનારે જઈ મેં વિચારવાની શરૂઆત કરી. આ વિષયથી શું અભિપ્રેત છે? તેનો અર્થ કદાચ ‘ફ્રૅની બર્ની, જેન ઑસ્ટિન કે બ્રોન્ટી બહેનો વિશેની વાત’ એમ પણ કરી શકાય. સ્નોથી આચ્છાદિત હેવર્થ પાર્સનેજ, મિસ મિટફૉર્ડ વિશે કંઈક રમૂજ, જોર્જ એલિયટને માનભરી અંજલિ અને મિસિસ ગાસ્કેસની ચર્ચા – વાત પૂરી થઈ જાત. ભાષણ પતી જાત થયું. ‘સ્ત્રી તથા તેની નવલકથા’ વિષય દ્વારા તમને અભિપ્રેત અર્થ એવો પણ હોય કે સ્ત્રી એટલે શું? તે લખે તો કેવું લખે? સ્ત્રીઓ દ્વારા અથવા તેના વિશે લખાયેલ નવલકથા કેવી હોય? અથવા તો તમારા મનમાં આ ત્રણેય મુદ્દાઓ ઓતપ્રોત હોય કે તમે હું આ ત્રણેયને ધ્યાનમાં રાખીને વાત કરું તેવી અપેક્ષા રાખી હોય. પરંતુ જ્યારે મેં આ બાબત પર, ખાસ કરીને છેલ્લા મુદ્દાને ધ્યાનમાં રાખીને, વિચારવા માંડ્યું ત્યારે મને ખૂબ રસ પડ્યો. મને તરત જ કળાયું કે આ ખૂબ અઘરું કામ છે. આ બાબત વિશે કોઈ તારણ સુધી પહોંચવું કદાચ મારે માટે શક્ય ન પણ બને. કલાક એકના વક્તવ્ય બાદ એક વક્તા પાસેથી અપેક્ષિત નોટબુકમાં ટપકાવી લેવાય અને સદાય માટે મગજમાં એ મઢી લેવાય તેવું સુસ્પષ્ટ તારણ હું ન પણ આપી શકું. હું તો ફક્ત એટલું જ કરી શકું કે તમને એક પેટામુદ્દાની વાત કરું. તમને કહી શકું કે સ્ત્રીએ લેખક [વ્યક્તિ] બનવું હોય તો તેની પાસે પોતાનો અલાયદો ઓરડો અને પોતાની આગવી મૂડી હોવી ઘટે. પણ આમ કરવા જતાં વ્યાખ્યાનનો મુખ્ય વિષય વિશે તો વાત નહીં થાય. પરંતુ આ બંને બાબતોમાં હું એક સ્પષ્ટ સમજણ ઊભી કરી શકી છું. મારા મતે સ્ત્રી અને તેની નવલકથા બંને વણઊકલ્યા કોયડા છે. પણ આવી જ છું તો મારી હાજરીને સાર્થક કરવા હું મારા ઉપર મુજબના સ્ત્રીના અલાયદો ઓરડા અને આગવી મૂડીની આવશ્યકતા વિશેના મારા તારણ પર કઈ રીતે પહોંચી તેની વિગતે વાત કરીશ. વિચારોની કઈ હારમાળાએ મને આ તારણ સુધી પહોંચાડી તેની વાત હું માંડીને કરીશ. આ દરમિયાન મારા વિધાન પાછળના પૂર્વગ્રહો, વિચારો, તર્કોની ચર્ચા વગેરે તમને ખાત્રી કરાવશે કે આ બધાનો સંબંધ સ્ત્રી અને તેના લેખન, બંને સાથે છે. આમ પણ જ્યારે સેક્સ જેવો કોઈ વિષય ખૂબ જ ચર્ચાસ્પદ હોય ત્યારે તળિયે રહેલ સત્ય સુધી પહોંચવાની આશા ન રખાય. વધુમાં વધુ એવા વિષયને લગતી પોતાની માન્યતા કઈ રીતે જન્મી તેની જ વાત થઈ શકે. વક્તાના પૂર્વગ્રહો તથા તેની મર્યાદાઓથી શ્રોતાઓને પરિચિત કરી વક્તા વધુમાં વધુ તેમને પોતાના અભિપ્રાય નિશ્ચિત કરવામાં મદદ કરી શકે. ‘ફેક્ટ’ (સત્ય) કરતાં આ સંદર્ભમાં ‘ફિક્શન’ (કલ્પના) વધુ સત્યનિષ્ઠ સાબિત થાય છે. અને તેથી જ અહીં આવતાં પહેલાંના બે દિવસની વાત મારે ‘ફિક્શન’ની શૈલીમાં જ તમને કરવી છે. તમે મારે ખભે નાંખેલ વિષયના બોજથી નમી પડેલ ખભા સાથે મેં વિચાર્યા કર્યું. મગજે રાત-દિવસ આખો વખત સતત કામ કર્યા કર્યું. જેમ ઓક્સબ્રિજ એક વિશેષ નવનિર્મિત શબ્દ છે, તેમ ફેરહામ એક અન્ય એવી સંજ્ઞા છે : ‘આઇ’ પણ એક એવી જ સંજ્ઞા છે જે નક્કર અસ્તિત્વના અભાવમાં પ્રયોજાય છે. આજે મારા હોઠ ઘણાં અસત્યો ઉચ્ચારશે પણ તે અસત્યો સાથે ભળેલ સત્ય પણ તમને જડશે ખરું. તે સત્ય તમારે શોધવાનું છે. જે કામનું લાગે, સત્ય લાગે, તે તારવી લઈ બાકી જતું કરવાનું છે. એમ ન કરો તો પછી મારું બોલ્યું સઘળુંય કચરાટોપલીમાં નાખી સદંતર ભૂલી જવાનો પ્રયત્ન કરવાનો. આ હતી હું. મને મેરી બેટન, મેરી સેટન, મેરી કાર્મિકલ કે અન્ય કોઈ પણ નામે બોલાવશો તો ચાલશે. નામનું કોઈ મહત્ત્વ નથી. બેએક અઠવાડિયાં પહેલાં ઑક્ટોબર મહિના દરમિયાન નદીકિનારે વિચારમગ્ન એવી હું. – આ અવસ્થામાં ઘડિયાળના કાંટે પૂરેપૂરા ચોવીસ કલાક પણ બેસી શકાય તેમ હતું. વિચાર ઝરણાની જેમ વહી રહ્યો હતો. નદીકિનારે ઊગેલ ઘાસની લીલીછમ સુંદરતા પર મારો એ વિચાર કેટલો વામણો, કેટલો તુચ્છ લાગતો હતો! એ તો હતો માછીમારની પેલી માછલી જેવો કે જે એટલી તો નાનકી હતી કે બિચારા માછીમારે નક્કી કર્યું કે તેને પાછી પાણીમાં જવા દેવી જેથી થોડા વખત બાદ તે તાજીમાજી થઈ જાય ત્યારે તેને પકડીને કુટુંબના પેટનો ખાડો પૂરી શકાય. મારા વિચારની નાનપની વાત નથી કરતી. તમે સમજી જ ગયાં હશો કે હું શું કહી રહી છું. ગમે તેટલા નાનકા, તુચ્છ તોય મારા એ વિચારમાં રહસ્યભરી સંપદા હતી. જેવો તેને મગજમાં પાછો પધરાવ્યો કે તરત ચંચળ ગતિએ તે મગજનાં ઊંડાણ માપવા ઊંડી ડૂબકી મારી ગયો. એણે એવી તો ધમાલ મચાવી, એવાં તો છબછબિયાં કરવા માંડ્યાં કે મારા માટે શાંત બેસી રહેવું અશક્ય બની ગયું. અને અકળાઈને મેં ઘાસ પર આમથી તેમ આંટા મારવા માંડ્યા. અચાનક મારા વિચારોને જપ્ત કરતી એક પુરુષઆકૃતિ ત્યાં ઊગી નીકળી. તેનો ચહેરો ભય અને ગુસ્સાથી તમતમી ગયેલો હતો. બુદ્ધિ કરતાં અંત:પ્રેરણા મારી મદદે આવી. અરે! એ તો ચોકીદાર હતો. હું એક સ્ત્રી હતી. આ લીલુંછમ મઝાનું ઘાસ હતું. ત્યાં હતી પેલી ફૂટપાથ. ચોકીદારે જણાવ્યું કે એ સંસ્થાના પુરુષ ફેલોઝ અને સ્કૉલર્સ જ તે ઘાસ પર ચાલી શકે. મારી જગ્યા પથ્થર જડેલ ફૂટપાથ પર હતી. હું મારા માટેના રસ્તે ચાલવા માંડી. પેલા ચોકીદારના હાથ યથાવત્ નીચે લટકવા માંડ્યા, તેનો ચહેરો નિર્વિકાર બન્યો. જાણે પથ્થર કરતાં ઘાસ પર ચાલવું વધુ જ ગમે, તેમ છતાં મને કંઈ મોટું નુકસાન ગયું હોય તેમ ન લાગ્યું. તે સંસ્થાના ફેલોઝ, સ્કૉલર્સ અને સંચાલકો સામે મને કંઈ રોષ હોય તો માત્ર એ જ કે ત્રણસો વર્ષ જૂના ઘાસના લીલાછમ ગાલીચાના રક્ષણની તેમની પળોજણમાં મેં મારું નાનુંશું વિચારમત્સ્ય ગુમાવી દીધું હતું. એવો તે કયો વિચાર પકડવા હું તેની પાછળ ભાગી રહી હતી કે મેં આ સંસ્થાની લોનમાં અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો તે ખબર નથી. પરંતુ એટલી ખબર છે કે ઘટના બાદ તરત મન પર શાંતિનું આવરણ છવાઈ ગયેલું. ઑક્ટોબર મહિનાની ઓક્સબ્રિજ ખાતેની એ સવારે એ પુરાતન યુનિવર્સિટીની ઇમારતો પાસેથી પસાર થતાં હું પ્રવર્તમાન સમયની મુશ્કેલીઓ વિશે વિચારી રહી. અવાજ માટે દુર્ભેદ્ય તેવા કાચની કૅબિનેટમાં શરીર મુકાઈ ગયું અને મન જાણે બધાં જ સત્યોના સ્પર્શથી મુક્ત બની તે ક્ષણ સાથે સુસંબદ્ધ એવા કોઈ પણ ચિંતન માટે સજ્જ બની ગયું. અપવાદ ફક્ત એક જ – કોઈનું ફરી વાર ઘાસ પર ટ્રેસપાસિંગ કરવું. અનાયાસે જ ચાર્લ્સ લેમ્બે પોતાની ઓક્સબ્રિજ ખાતેની મુલાકાતને વર્ણવતા નિબંધનું સ્મરણ થઈ આવ્યું. મૃત લેખકોમાંનો એકમાત્ર પ્રેમાળ લેખક જો કોઈ હોય કે જેને તમે હક્કથી કહી શકો : ‘મને કહો તમે તમારા નિબંધો કઈ રીતે લખો છો?’ તો તે છે ચાર્લ્સ લેમ્બ. સો વર્ષ પહેલાં લેમ્બ ઑક્સબ્રિજ આવેલા અને તેમણે આ નિબંધ લખેલો. નિબંધના શીર્ષકનું સ્મરણ નથી. પણ એ નિબંધ તેમણે આ યુનિવર્સિટી ખાતે જોયેલ મિલ્ટનની હસ્તપ્રત વિશે હતો તેટલું સ્મરે છે. હા, લગભગ મિલ્ટનની લિસિડાઝ વિશે જ હતો એ નિબંધમાં લેમ્બે જે હસ્તપ્રતની ચર્ચા કરી હતી તે હસ્તપ્રત થોડાં જ પગલાં દૂર આવેલ યુનિવર્સિટી લાઇબ્રેરીમાં હતી તેનો મને ખ્યાલ આવ્યો. હું પણ લેમ્બના પગલે ત્યાં જઈ આ હસ્તપ્રત જોઈ શકું તેમ હતી. વળી અન્ય વાત પણ સૂઝી. આ જ લાઇબ્રેરીમાં થૅકરેની નવલકથા એસ્મોન્ડની હસ્તપ્રત પણ રાખવામાં આવી હતી. આ બધું વિચારતાં વિચારતાં હું અનાયાસે જ લાઇબ્રેરીના પગથિયે આવી ઊભી. બારણું ઠેલી અંદર પ્રવેશું તે પહેલાં ચાંદી જેવા ચમકતા શ્વેત કેશધારી પ્રેમાળ ફિરશ્તાએ પોતાની શ્વેત પાંખોના ફફડાટને બદલે શ્યામ ગાઉનના સળવળાટથી મને અવરોધી ક્ષમાયાચના સાથે તેણે મને અંદર જતાં રોકી. ધીમા પરંતુ દૃઢ સ્વરે એ શ્યામ ગાઉનધારી ફરિશ્તાએ મને જણાવ્યું કે આ યુનિવર્સિટીના કોઈ પણ પુરુષ ફેલો કે તેના ભલામણપત્ર વગર સ્ત્રીઓ આ લાઇબ્રેરીમાં પ્રવેશી શકે નહીં તેવો નિયમ છે! એક સ્ત્રીએ એ ભવ્ય, પુરાતન લાઇબ્રેરીને શાપ આપ્યો. પણ લાયબ્રેરીને તેની કંઈ પરવા હતી. એવા બધા શાપોની ચિંતા કર્યા વગર લાઇબ્રેરી પોતાની અમૂલ્ય સંપત્તિ સમાં પુસ્તકોને હૈયે રાખી મગ્ન છે નિજાનંદમાં. તે તેમ જ ભલે રહો. હું હવે ત્યાં ક્યારેય પગ નહીં મૂકું. પગથિયાં ઊતરતામાં ગુસ્સામાં મેં પ્રતિજ્ઞા કરી. હજુ લંચને લગભગ કલાક એકની વાર હતી. ક્યાં જવું? ત્યાં તો પાસેના દેવળમાંથી ઑર્ગનના સ્વરો સંભળાયા. મન થયું, લાવ ત્યાં જઉં. પણ પછી મન પાછું પડ્યું. રખે ને ત્યાંય મને પ્રવેશતી રોકી પાદરી મારા બેપ્ટીઝમનું સર્ટિફિકેટ માગે! અથવા તો પછી કોઈ વગવાળા પુરુષનું પ્રમાણપત્ર! ઓળખપત્ર! તેના કરતાં યુનિવર્સિટીનાં ભવ્ય મકાનોની સુંદરતા જોવી જ સારી. એમ વિચારી મેં ચાલવા માંડ્યું. કેવી સરસ ભવ્ય ઇમારતો છે આ! કેટલીય પેઢીઓએ તેમની માવજત કરી તેમને જતનથી જાળવી છે! કોણ જાણે કેટકેટલું ધન આ ઇમારતો બાંધવામાં વપરાયું હશે? પણ પ્રારંભકાળનો તે જમાનો શ્રદ્ધાનો જમાનો હતો. ત્યારે અઢળક પૈસો પાયાના પથ્થરો પર ખર્ચાય તો અચરજ નહીં. રાજા-રજવાડાંઓ આવો પૈસો પોતાના ખજાનામાંથી ખર્ચતા. શ્રદ્ધાનો જમાનો પૂરો થતાં બુદ્ધિનો જમાનો આવ્યો ત્યારે પણ યુનિવર્સિટી માટે સોના-ચાંદીનો વ્યય કરનાર લોકો ઓછા નહોતા. ફરક ફક્ત એટલો જ હતો કે હવે આ નાણાં રાજા-રજવાડાંને બદલે ઉદ્યોગપતિઓ પાસેથી આવી રહ્યાં હતાં. પહેલાંની જેમ જ શિષ્યવૃત્તિઓ, વ્યાખ્યાનો, વિશેષ વ્યાખ્યાતાઓ વગેરે માટે સોના-ચાંદીનાં દાન સંસ્થાઓને મળતાં રહ્યાં. આ બધું આવતું હતું સમૃદ્ધ, સમર્થ, વિજયી પુરુષોના ગજવામાંથી.. જે સંસ્થાઓએ તેમને તેમના જીવનમાં સફળ બનાવ્યા તેમને તેમના ગજવામાંથી વિવિધ કામો માટે દાન મળતાં રહ્યાં. અઢળક પૈસો લાઇબ્રેરીઝ, લેબોરેટરીઝ, ઑબ્ઝરવેટરીઝ અને તેમના મોંઘાદાટ સાધનસરંજામ પર ખર્ચાયો. સદીઓ પહેલાં આ પૈસાને જોરે મખમલી ઘાસના ગાલીચા પથરાયા. જેમજેમ હું એ સંસ્થામાં ફરતી ગઈ તેમતેમ મને ખાત્રી થતી ગઈ કે આ સંસ્થાના પાયા સોના-ચાંદીથી પુરાવેલા હતા. મખમલી ઘાસ પર પગદંડીના પથ્થરો કેવા સરસ રીતે જડાયેલ હતા? વ્યસ્ત ‘વેઇટરો’ માથે ખાણી-પીણીની ટ્રે રાખીને દોડાદોડ કરી રહ્યા હતા. રંગભર્યાં ફૂલો, સરસ-મઝાની નાની-નાની બારીઓ અને તેમાંથી આવતો ગ્રામોફોનનો મધુર સ્વર. વિચારપ્રેરક વાતાવરણ હતું. ત્યાં તો મારો વિચારતંતુ ફરી તૂટ્યો – સંસ્થાના મોટા ટાવરના ડંકાથી. ટન, ટન, ટન. જાહેરાત કરી ડંકાએ – ચાલો જમવા. સમય થઈ ગયો. કોણ જાણે નવલકથાકારોએ લંચ-પાર્ટીઝનો મહિમા કરી તેમને યાદગાર અને રસપ્રદ કેમ બનાવી હશે? તેમને મન આવી પાર્ટીઓ એવી જગ્યાઓ છે કે જ્યાં જઈ ખાદ્ય પદાર્થો જેવા તુચ્છ વિષયને બાદ કરતાં જગતનાં દરેકેદરેક બાબતની રસપ્રદ ચર્ચા થઈ શકે. ખાણીપીણી, સિગારેટ, વાઇન જેવા વિષયો તેમાંથી ચોક્કસ જ બાકાત રહ્યા છે – જાણે કે કોઈ ક્યારેય સિગારેટ કે વાઇન પીતું જ નહીં હોય! ખાતું જ નહીં હોય! આજે મારે આ પ્રથાને તોડવી છે, ખાણીપીણીની વાત કરીને. અમારા ભોજનની શરૂઆત થઈ વાઇનથી. પાતળા કાચના વાઇન ગ્લાસીઝ પારદર્શી ગુલાબી અને પીળા રંગથી ચમકી ઊઠ્યા. કોણ જાણે કેટલાય ગ્લાસ ભરાયા અને ખાલી થયા. અને આ ગ્લાસીઝની ઉષ્મા કરોડરજ્જુના અડધે સુધી પહોંચી ગઈ – આ જ શરીરનો એ ભાગ જ્યાં આત્માનું આસન છે? હજુ તેનો સ્પર્શ વીજળીના કરંટ સમી બુદ્ધિને થયો ન હતો. પરંતુ હા, બુદ્ધિજન્ય વાર્તાલાપનું સુંદર વાતાવરણ તૈયાર થયે જતું હતું. કોઈને ઉતાવળ ન હતી. બુદ્ધિના ઝગારાથી બીજાઓને આર્ષવાની જરૂર ન હતી. કોઈ જ દેખાવ કરવાની જરૂર ન હતી. વિવિધ સુંદર વાતોમાં તે ક્ષણે જીવન સ્વર્ગ સમું લાગતું હતું! કેવું સરસ? સ્વજનોના હેતથી ભર્યું-ભર્યું હૂંફાળું! સિગારેટ સળગાવીને વિન્ડો સીટ પરના પોચાપોચા તકિયાઓમાં ઘૂસી જવા સિવાય અન્ય કોઈ વિચાર ન આવવા દે તેવું. જો એક ઍશ-ટ્રે હાથવગી હોત તો બારીની બહાર રાખ ખંખેરવા તે તરફ નજર ન કરવી પડત. અને તો પછી મને પૂંછડી વગરની બિલાડીનો વિચાર સુધ્ધાં ન આવત. લીલાછમ ઘાસ પર પથરાઈને બેઠેલી બિલાડી પણ જાણે બુદ્ધિશાળી હતી. જાણે તે પણ સૃષ્ટિ વિષયક ગહન પ્રશ્નોમાં ડૂબેલ હતી – કહી રહી હતી, ‘કંઈક ખૂટે છે, કંઈક જુદું છે.’ પણ શું ખૂટે છે? શું જુદું છે? આસપાસના લોકોની વાતોના દોરને તોડતી હું સ્વગત બબડી. આ પ્રશ્નના જવાબ માટે આ ઓરડાની બહાર, સમકાલીન સમયને પેલે પાર, યુદ્ધ પહેલાંના સમયની આ જ ઓરડામાં થયેલ આવી જ પાર્ટીમાં પહોંચી જવું પડે. તે જમાનામાં આવી પાર્ટીમાં સ્ત્રી-પુરુષો હોતા હશે, આવી જ વાતો ચાલતી હશે, વાઇન પિવાતો હશે. લગભગ કશું જ ભિન્ન નહીં હોય. કદાચ ભિન્ન હશે તો એ એટલું જ કે ત્યારે લોકો ધ્યાનપૂર્વક વાતો તો સાંભળતા હશે. આજની આ પાર્ટીમાં જે કાંઈ બોલાઈ રહ્યું છે તે હું તેટલા ધ્યાનથી સાંભળી રહી ન હતી. હું મગ્ન હતી આ વાતચીતની પશ્ચાદ્ભૂમાં રહેલ વિચારોની હારમાળાને પામવામાં. હા, ખરું. ફક્ત આટલો જ તફાવત હતો યુદ્ધ પહેલાંની અને આજની આ પાર્ટીમા.ં યુદ્ધ પહેલાંના તે દિવસોમાં પણ સ્ત્રી-પુરુષની વાતચીત આવી જ હોતી હશે. ફક્ત તફાવત હશે તેમના સ્વરમાં. તેમનાં વાક્યોના ઉતાર-ચઢાવમાં – યુદ્ધ પહેલાંના મનુષ્યના સ્વરમાં એક વિશેષ સંગીત હતું, એક ઉત્સાહ હતો. જે શબ્દોનું સમગ્ર મૂલ્ય જ બદલી નાખતો. આજે શું એ શક્ય બની શકે? કદાચ હા. કદાચ કવિની મદદથી તે શક્ય બને. પાસે પડેલ પુસ્તકને ઉપાડીને મેં નજર કરી. એ કવિતાનું પુસ્તક હતું. પાનાં ઉથલાવતાં કવિ ટેનિસનના કાવ્ય પર નજર પડી. રાણી વિક્ટોરિયાનો રાજકવિ ગાઈ રહ્યો હતો :

લાગણીના ફૂલમાંથી આંસુ ટપક્યું
મોંઘું આંસુ ટપક્યું
ટપક્યું ને ઊભું છે દ્વાર.
આવતી એ આવતી, મારી હંસી એ આવતી
સમજોને જીવનનો સાર.
ટપક્યું ને ઊભું છે દ્વાર.
રાતું ગુલાબ બૂમ પાડીને કહેતું
એ આવી છે છેક મારી પાસ
ધોળું ગુલાબ રડતું ને બોલતું
કેમ કરી આવવામાં વાર?
ટપક્યું ને ઊભું છે દ્વાર.
કાન દઈ સાંભળે છે નાનકડું ફૂલ
અને કહેતું કે સાંભળું છું એના ભણકાર.
ફફડાવી હોઠ પેલી પોયણી કહેતી
હું કાયમ જોવાની તેની વાટ.
ટપક્યું ને ઊભું છે દ્વાર...

શું યુદ્ધ પહેલાં પુરુષો લંચ-પાર્ટીમાં આવાં ગીતો ગાતા હશે? અને સ્ત્રીઓ? સ્ત્રીઓ કયા પ્રકારનાં ગીતો ગાતી હશે? સ્ત્રીઓ ગાતી હશે :

હૈયું મારું ગાતું પંખી
પાણીમાં બાંધે માળો
ઘટાદાર છે તરુવર હૈયું
ફૂલથી લચતી ડાળો.
મેઘધનુષના સાતે રંગો
છીપ વચ્ચે દેખાય
એ છીપ જેવું હૈયું મારું,
મધદરિયે છબછબ નહાય,
આ સૌ કરતાં ઝાઝું પુલકિત
મારું હૈયું કેમ?
સાવ નિકટમાં આવી ઊભો–
આ ઊભો છે પ્રેમ.

શું આવાં જ કોઈ ગીતો તે વખતની સ્ત્રીઓ ગાતી હશે? લંચ-પાર્ટીઓમાં આવાં ગીતો ગાવાની વાત તો જવા દો પરંતુ ગણગણવાની કલ્પના કરતાં મને હસવું આવી ગયું. કેમ? કેમ હસ્યાં? પ્રશ્ન ભરેલ મારી તરફ મંડાયેલ આંખોના ઉત્તરમાં મેં લોનમાં બેઠેલ, પૂંછડી વગરની બિલાડી તરફ આંગળી કરી. “બિચારી! જન્મથી જ તેને પૂંછડી નહીં હોય કે પછી કોઈ અકસ્માતમાં તેણે પૂંછડી ગુમાવી હશે?” લોકો પૂંછડી વગરની બિલાડીની વાતે વળગ્યા. “આવી બિલાડીઓ ફલાણા ટાપુ પર હોય છે.” પણ ત્યાં પણ પૂંછડી વગરની બિલાડી દુર્લભ તો ખરી જ.” “આ તો એક વિશેષ ‘બ્રીડ’ છે. કેટલી સુંદર છે?” મને થયું. આ પણ કેવું વિચિત્ર? પૂંછડીથી શો ફરક પડવાનો હતો. પણ લંચપાર્ટીમાં આવી જ વાતો થતી હોય છે! આ પાર્ટી તો મોડી બપોર સુધી ચાલી, એ સુંદર ઑક્ટોબર મહિનાની મોડી બપોરે રહેઠાણે પાછા ફરતાં હું પગ નીચે ચંપાતા પાનખરના સ્વરો સાંભળી રહી. દરેકે દરેક દરવાજામાંથી પસાર થતાં મને એવું લાગતું હતું કે જાણે દરવાજો સર્વદા માટે મારા પ્રવેશ માટે બંધ થઈ રહ્યો હશે. અગણિત ચોકીદારો જ્ઞાનના ખજાનાને તેલ સીંચેલ તાળાંઓમાં ચાવીઓ ફેરવી રાતભર માટે સુરક્ષિત કરવા મંડી પડ્યા. મેં પગ ઉપાડ્યા. મુખ્ય માર્ગ પર પહોંચ્યા બાદ પ્રશ્ન થયો ક્યાં જવું? સાંજના જમવાને હજી ઘણી વાર હતી. સાડા સાત પહેલાંનો સમય કેમ પસાર કરવો. આવા જમણ પછી તો સાંજે ન જમીએ તોય ચાલે. મગજમાં રમતી કાવ્યપંક્તિઓ પગને કેવા વ્યસ્ત રાખતી હોય છે! પગે પોતાની દિશા સ્વયં જ નક્કી કરી લીધી. મગજ પેલી કાવ્યપંક્તિઓ ફરીફરી ગણગણ્યે જતું હતું.

લાગણીના ફૂલમાંથી આંસુ ટપક્યું
મોંઘું આંસુ ટપક્યું
ટપક્યું ને ઊભું છે દ્વાર
આવતી, એ આવતી, મારી હંસી એ આવતી
સમજોને જીવનનો સાર
ટપક્યું ને ઊભું છે દ્વાર

પંક્તિઓ જાણે લોહીમાં ફરતી થઈ ગઈ. સહેજ વાર પછી બીજું ગીત ફૂટી નીકળ્યું :

હૈયું મારું ગાતું પંખી
પાણીમાં બાંધે માળો
ઘટાદાર છે તરુવર હૈયું
ફૂલથી લચતી ડાળો.

શું કવિઓ હતા જૂના જમાનામાં! હું ગણગણી. ઇમાનદારીપૂર્વક વિચારીએ તો આપણા સમય પાસે ટેનિસન અને ક્રીસ્ટીના રોઝેટી જેવાં કવિઓ હવે ક્યાં છે? આ સરખામણી અશક્ય. સાવ અશક્ય, જવાબ મળ્યો. કવિતા મનુષ્યમનને સ્પર્શે છે તેનું મુખ્ય કારણ જ એ છે કે મનુષ્યમનને તે એવી ચરમ સીમાએ લઈ જાય છે કે જ્યાં વિસ્મૃતિ સિવાય કશું જ નથી હોતું. કવિતા કો’ક ક્ષણે કોઈએ અનુભવેલ એક નાનકડી અનુભૂતિનો ઉત્સવ બની જતી હોય છે. (યુદ્ધ પહેલાંની કોઈ બપોરે થયેલ લંચપાર્ટી દરમિયાનની ક્ષણો જેવી) અને તેવી જ કવિતાને સદ્ય, સરળ સુપરિચિત પ્રતિભાવ મળે છે. કોઈ પણ પ્રકારની તુલના કે તર્ક વગરનો શુદ્ધ પ્રતિભાવ. સમકાલીન કવિઓ આપણા સમયમાં ઘડાઈ રહેલ, જિવાઈ રહેલ, અનુભૂતિઓની અભિવ્યક્તિ કરે છે. હજુ આ અનુભૂતિઓ કાચી છે તેથી કંઈક શંકા, કંઈક અવિશ્વાસ સાથે આપણે તેને જૂની-જાણીતી અનુભૂતિઓ સાથે અનાયાસે જ સરખાવીએ છીએ. પરિણામે સમકાલીન કવિતાની આવી દશા થાય છે. આ કારણસર જ સમકાલીન કવિતાની બે-પાંચ પંક્તિઓ પણ યાદ રાખવી અઘરી પડે છે. જવા દો એ વાત. મને એ વાત કહો કે હવે આપણે પહેલાંની જેમ લંચ-પાર્ટીઓમાં કવિતાઓ કેમ નથી ગણગણતા? આલ્ફ્રેડ ટેનિસને ગાવાનું કેમ મુલત્વી રાખ્યું છે?

આવતી એ આવતી મારી હંસી એ આવતી

ક્રીસ્ટીનાએ પ્રતિભાવ કેમ માંડી વાળ્યો છે?

આ સૌ કરતાં ઝાઝું પુલકિત
મારું હૈયું કેમ?
સાવ નિકટમાં આવી ઊભો –
આ ઊભો છે પ્રેમ.

આના માટે શું યુદ્ધને જવાબદાર માનવું? ૧૯૧૪ના ઑગસ્ટની રણદુંદુભિએ શું સ્ત્રી-પુરુષોના ચહેરા એવા અનાકર્ષક બનાવી દીધા કે રોમાન્સનું તત્ત્વ જીવનમાંથી મરી પરવાર્યું? યુદ્ધથી આહત મનુષ્યમનને ટેનિસન કે રોઝેટીની પ્રેમવિહ્વળતા ક્યાં પોષાય? હવે તો આપણે માત્ર વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, યાદ રાખીએ છીએ. પણ એમાં દોષારોપણ શા માટે? એ [યુદ્ધ] જે હતું તે, તેણે આપણી ભ્રમણા ભાંગી. ભ્રમની જગ્યાએ સત્ય મૂકી આપ્યું. સત્ય? શું સત્ય? વિચારમાં ને વિચારમાં ફેરહામ તરફ વળવાનું ચૂકી ગઈ. સત્ય શું છે? ભ્રમણા શું છે? મેં મારી જાતને પ્રશ્ન કર્યો. થોડાં પગલાં આગળ ચાલતાં મને મારી ભૂલ સમજાઈ. વળવાનું ચૂકી ગયાનો ખ્યાલ આવતાં પાછા જઈને મેં મારો રસ્તો પકડ્યો અને ફેરહામ પહોંચી ગઈ. મેં તમને આગળ જણાવ્યું કે એ ઑક્ટોબર મહિનો હતો. એ મહિનામાં અન્ય ઋતુનાં ફૂલોની વાત કરીને મારે મહિનાના નામને બગાડવું નથી. વસંતનાં ફૂલોની વાત મારાથી અહીં ન જ થાય. સાહિત્યે (નવલકથાએ) પણ સત્ય પર ટકવાનું હોય છે. જેટલી સાચી વિગતો તેટલું સારું સાહિત્ય એમ કહેવાતું આવ્યું છે. એટલે મહિનો હતો ઑક્ટોબરનો, પાનખરનો. પટપટ પીળાં પાન ખરી રહ્યાં હતાં. આ બધાંની સાથોસાથ મનમાં અન્ય પણ કાંઈક ચાલી રહ્યું હતું. એ જ પંક્તિઓ :

હૈયું મારું ગાતું પંખી
પાણીમાં બાંધે માળો
ઘટાદાર છે તરુવર હૈયું
ફૂલથી લચતી ડાળો.

ગોરજવેળાનો આ સમય હતો. સાંજના પ્રકાશમાં બદલાતા રંગો જાણે આસપાસનાં મકાનોની બારીઓના પડદાઓને સુંદરતમ બનાવી રહ્યા હતા. જગતની સુંદરતા ક્ષણાર્ધ માટે પ્રગટ થઈને જાણે અંતર્ધાન થઈ ગઈ. અહીં મેં બાગમાં પ્રવેશ કર્યો. કોઈએ બાગનો દરવાજો ખુલ્લો રાખી દીધો હતો અને આસપાસ કોઈ રખેવાળ પણ ન હતો. જગતની આખી સુંદરતા ક્ષણજીવી છે તેના બે જ છેડા હોઈ શકે – એક કાવ્ય અને બીજું હૃદયદ્રાવક દુ:ખ. ફેરહામના સુંદર બગીચામાં સંધ્યા ટાણે સરસ દૃશ્ય હતું. કો’ક ઊભું હતું. કો’ક ઝૂલા પર ઝૂલતું હતું. આ બધા લોકો સાચેસાચ હતા કે પછી ભ્રમ? પડછાયો? ત્યાં મેં તેને જોઈ, ઘાસ પર દોડી જતી. કો’ક રોકો એને. કો’ક તો રોકો! ફરી પાછી મેં તેને અગાશી પર જોઈ – નીચે નમીને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનો પ્રયત્ન કરતી. તે નમ્ર હતી. લઘરવઘર કપડાંમાં અતિ સામાન્ય લાગતી એ મોટા કપાળવાળી સ્ત્રી. શું આ જાણીતી વિદુષી શ્રીમતી ફલાણાં પોતે જ તો ન હતી? મારી સામે મારું સૂપ પડ્યું હતું. મોટા ભોજનખંડમાં ડીનર પીરસાઈ રહ્યું હતું. મઝા પડે તેવું કંઈ જ ન હતું; એ જ વાનગીઓ, એ જ લોકો, એ જ કંટાળો, પણ ફરિયાદ ક્યાં કરવી! રોજિંદું જીવન તો આમ જ હોય, કંટાળાથી ભર્યું. ભોજન પૂરું થયું. પટાપટ બધા જવા માંડ્યા. જોતજોતામાં ડાઇનિંગ હૉલ ખાલીખમ થઈ ગયો. હવે યજમાનના દીવાનખાનામાં અમે બે જણ જ હતાં – મેરી સેટન અને હું. બેમાંથી કોણ કહે કે જમવાનું સારું ન હતું? કે આના કરતાં તો આપણે બંને એકલાં અહીં જમ્યાં હોત તો સારું થાત? મન બબડ્યું પરંતુ વિવેક એમ બોલતાં મને રોકતો હતો. મનુષ્ય એટલે હૃદય, બુદ્ધિ અને શરીરનું મિશ્રણ. અને તેથી જ સારી વાતચીત માટે સારું ભોજન પણ આવશ્યક છે. આમ, ભોજન વગર બુદ્ધિ મરી પરવારે. અને બરાબર જમ્યા ન હોવ તો કશું જ ન થાય.

૧. કહેવામાં આવે છે કે ૩૦ હજાર પાઉન્ડ તો જોઈએ જ એવી દલીલ હતી. આ કંઈ મોટી રકમ ન હતી. ગ્રૅટબ્રિટન કે આયરલૅન્ડમાં છોકરાઓની કૉલેજો માટે અઢળક ધન ખર્ચાતું. તે જોતાં આ રકમ ઘણી નાની છે. પણ આ બનાવ એ જમાનામાં કેટલા ઓછા લોકો સ્ત્રી કેળવણીમાં માનતા હશે તેનો દસ્તાવેજ છે. – લેડી સ્ટીફન, એમીલી ડેવીસ ઍન્ડ ગીર્ટન કૉલેજ પુસ્તકના આધારે. ૨. આ રીતે એકઠી થયેલ રકમની પેનીએ પેની ભવન નિર્માણમાં જ ખર્ચાયેલી. અને રાચરચીલા વગેરે વિશેનો વિચાર પડતો મુકાયેલો – આર. સ્ટ્રેચી ધ કોઝ માંથી.


અમે બંને વાતોએ વળગ્યાં. શરૂઆત થઈ સામાન્ય વાતોથી. કોણ શું કરે છે વગેરે વગેરે. વાતો ગમે તે ચાલતી હોય પણ મારું મન આજથી પાંચ સદી પહેલાં ઊંચી છત પર કામ કરી રહેલ કડિયામાં હતું. રાજા-રજવાડાંઓ કોથળેકોથળા ધન લાવી ઇમારતોના પાયામાં ઠાલવતાં દેખાઈ રહ્યાં હતાં. બીજું એક દૃશ્ય જે આ દૃશ્ય સાથે જ મને દેખાતું હતું તે હતું ગંધાતા માર્કેટનું. આ બંને દૃશ્યો સાવ અસંબદ્ધ અને વાહિયાત હતાં અને તેમ છતાં તે એકસાથે જ દેખાતાં હતાં. આ બન્ને દૃશ્યોના ચકરાવે ચઢેલ મારા મનને મેં દૃશ્યોની દયા પર જ છોડી દીધું. કંઈ રાહત મેળવવા આવી વાત કોઈને નહીં તો વહેતી હવાનેય કરવી પડશે એમ લાગતાં મેં વર્ષો સુધી ચેપલના (દેવળના) છાપરે ઊભા રહી કામ કરતા કડિયાની વાત મારી બેનપણી મિસિસ સેટનને કરી. વર્ષોનાં વર્ષો સુધી રાજા-રજવાડાઓ અને ઉમરાવ નબીરાઓએ સોના-ચાંદીથી ભરેલા કોથળા એ દેવળના પાયામાં ખડક્યા હતા. એ બધો વર્ષોજૂનો ખજાનો પડ્યો છે આ યુનિવર્સિટી અને યુનિવર્સિટીના દેવળના પાયામાં. આ ઘાસ, આ ભવ્ય ઇમારત, આ યુનિવર્સિટી જ્યાં અમે બેઠાં છીએ, તે બધાંના પાયામાં ધનિક પુરુષોના ખજાનાઓ દટાયા છે. એ ખજાનાઓના જોરે આ ભવ્ય ઇમારતો ઊભી છે. ડાઇનિંગ હૉલની સુંદર મઝાની ચાઈના ક્રોકરી પણ આના જ પ્રતાપે. ખરું. મારી બેનપણી મેરી સેટને ૧૮૬૦ના જમાનાની વાત માંડી. એ વર્ષો દરમિયાન કેટલીય સમિતિઓ બનાવવામાં આવેલી. કેટલાય પત્રો, પરિપત્રો, વિનંતીઓ લખાયાં અને પોસ્ટ કરાયાં હતાં. કોણ જાણે કેટલીય મિટીંગો ભરાયેલી. સ્ત્રીઓની શૈક્ષણિક સંસ્થા ઊભી કરવા નાણાં એકઠાં કરવાના ઘણાબધા પ્રયત્નો થયેલા. કોઈએ એવી સલાહ પણ આપેલી કે જોન સ્ટુઅર્ટ મીલ [જેમણે રાણી વિક્ટોરિયાના જમાનામાં સ્ત્રીઓના હક્કની લડત આપેલી]ને મળો. વળી કોઈ કહે ‘સેટરડે રીવ્યૂ’માં જાહેરાત આપો. પણ એ છાપાવાળો નર્યો ઉદ્ધત હતો. વળી કોઈ કહે લેડી ફલાણાં, લેડી ઢીંકણાં ઘણાં મોટાં નામો છે, તેમને મળો, તેઓ મદદ કરશે. પણ કોઈ લેડી ઘણાં વ્યસ્ત હતાં, તો કોઈ સહેલગાહે ગયેલાં, કોઈને પણ સમય ન હતો – ટૂંકમાં કોઈ પણ લેડીએ મદદ ન કરી. ફક્ત ૬૦ વર્ષ પહેલાંની આ વાત છે. ખૂબખૂબ તકલીફોને અંતે છેવટે એ સ્ત્રીઓ પરાણે ત્રીસ હજાર પાઉન્ડ એકઠા કરી શકેલી.૧ અને એટલે જ આપણે લોકો પુરુષોની સંસ્થાની જેમ સધ્ધર ન હોઈ શકીએ. માથે ખાણી-પીણીની ટ્રે લઈ આમતેમ ફરતા વેઈટર્સ સ્ત્રી-સંસ્થામાં ન જોવા મળે. આપણી સંસ્થામાં આગવા ઓરડાઓ અને શાનદાર સોફાસેટ ન હોઈ શકે. એ બધા એશઆરામ માટે તો હજી ઘણી રાહ જોવી પડે.૨ આટઆટલી સ્ત્રીઓના આટલા સઘન પ્રયત્નોને અંતે પણ તેઓ નાની રકમ પણ એકઠી ન કરી શકી તે વિચાર માત્રથી અમને બંનેને સ્ત્રીજાતની ગરીબી પર ગુસ્સો આવ્યો. આપણી માતાઓએ શું કર્યું આખું જીવન? શું તેમની પાસે પોતાની દીકરીઓને આપી જવા કશું હતું જ નહીં? સ્ટાઇલમાં ફોટો પડાવતી, ઝરૂખે ઊભી રહી મીઠુંમીઠું સ્મિત કરતી કેટલીય સ્ત્રીઓની છબીઓ દીવાનખાનામાં હતી. હા, તે મેરીની માની છબી હતી, કદાચ તેની સાસુની, કદાચ અન્ય કોઈ પુરાતન સ્ત્રીની. આ બધી સ્ત્રીઓ જેમણે દસ-દસ, બાર-બાર બાળકોને જન્મ આપ્યો હતો. પણ માતૃત્વના સુખની એક ઝલક સુધ્ધાં તેમના ચહેરા પર દેખાતી ન હતી. તે ઘરેલુ સ્ત્રીઓ અમુક નિશ્ચિત દાયરામાં જીવ્યા કરી. જૂની શાલને સ્ટાઇલમાં ઓઢીને પાસેની બાસ્કેટમાં નાનકડા કૂતરાને બેસાડીને કેમેરાની આંખ તરફ તાકી રહેલી આ સ્ત્રીઓ આમ જ જીવી – સુખનો દેખાડો કરતી. જો તેઓ કમાતી હોત, કામ કરતી હોત – રેશમના ઉત્પાદનનું કે સ્ટૉક એક્ષચેન્જનું કે અન્ય ગમે તે — તો તેઓ ચોક્કસ વીસથી ત્રીસ હજાર પાઉન્ડ મૂકતી ગઈ હોત. અને તો અમે, તેમની પુત્રીઓ કે પૌત્રીઓ, આજે અમારી પોતાની સંસ્થાની ઇમારતમાં નિરાંતે બેસીને આરક્યોલૉજી, બોટેની, એન્થ્રોપોલોજી, ફિઝિક્સ, મેથેમૅટિક્સ, ઍસ્ટ્રોનોમી, રીલેટિવિટી કે જ્યોગ્રાફી જેવા વિષયોની ચર્ચા કરતી હોત. જો મિસિસ સેટન, તેની મા અને તેની નાનીએ કમાવાની કલા શીખી હોત અને જો તેઓ પણ પોતાના પતિઓની જેમ પોતાની સંપત્તિ સ્ત્રીઓ માટેની સ્કૉલરશીપ વગેરે માટે આપતી ગઈ હોત તો અમે પણ ગૌરવભરી રીતે ધંધાકીય વાતો કરી શકત, અમારી રહેણી-કરણી પણ કંઈ ભિન્ન હોત. આજે અમે આમતેમ જઈએ છીએ, હરીએ-ફરીએ છીએ, હોટલોમાં જમીએ છીએ, ચાર સાડાચાર સુધીમાં પાછાં આવી જવાય તે રીતે બહાર જઈએ છીએ, થોડીઘણી તુકબંદી પણ કરીએ છીએ તેની ના નહીં. પણ જો મેરી સેટનની મા કમાતી હોત તો? તો આ મેરી આજે છે તે મેરી ન હોત. મેરી પોતે શું માને છે? પોતાની કલમના એક લસરકાને જોરે જો તે ફેરહામ કૉલેજને પચાસ હજાર પાઉન્ડ આપી શકતી હોત તો? પણ કૉલેજને રકમ આપવી એટલે કુટુંબના હક્કને / હિતને જતું કરવું. પણ આટલી સંપત્તિ કમાવી અને સાથે તેર તેર બાળકો જણવાં એ તો અશક્ય જ – કોઈ પણ મનુષ્ય એ ન કરી શકે. સૌપ્રથમ તો બાળકના જન્મ પહેલાંના નવ માસ. પછી બાળકનો જન્મ. અને ત્યાર બાદના ઓછામાં ઓછા ત્રણ-ચાર માસનું સ્તનપાન. અને વળી ત્યાર બાદનાં પાંચેક વર્ષ બાળઉછેરમાં જાય. એમાંય વળી માનસશાસ્ત્રની દૃષ્ટિએ આ પ્રથમ પાંચ વર્ષ કોઈ પણ માણસના ઘડતરમાં મુખ્ય ભાગ ભજવતાં વર્ષો હોય છે. એટલે તેની જવાબદારી પણ કેટલી મોટી? જો મેરીની મા કમાતી હોત તો મેરીની નાનપણની સ્મૃતિઓ કેવી હોત? તો શું એ મા સાથે સ્કૉટલૅન્ડ જઈ શકી હોત? તેના હાથની સ્વાદિષ્ટ કેક ખાઈ શકી હોત? પણ, આ બધા પ્રશ્નો સાવ અસ્થાને છે કારણ કે કદાચ મેરી જન્મી જ ન હોત. મેરીની મા અને તેની માની મા – આ બધી સ્ત્રીઓએ અઢળક કમાઈને સ્ત્રી-શિક્ષણ સંસ્થાના પાયામાં નાખ્યું હોત તો? એ પ્રશ્ન જ અસ્થાને છે. કેમ કે પ્રથમ તો સ્ત્રી માટે કમાવું જ અશક્ય હતું અને બીજું, કદાચ કમાવું શક્ય બની જાત તોપણ સ્ત્રીને સંપત્તિનો, અરે, પોતે-જાતે કમાયેલ સંપત્તિનો પણ હક્ક ન હતો. ફક્ત છેલ્લાં અડતાલીસ વર્ષથી જ મિસિસ સેટનને આ હક્ક મળ્યો છે. તે પહેલાંની સદીઓમાં મિસિસ સેટનની સઘળી સંપત્તિ તેના પતિની જ બની જાત. કદાચ તેથી જ એ પુરાતન સ્ત્રીઓએ સ્ટૉક-એક્ષચેન્જમાં ભાગ્ય અજમાવવાનું માંડી વાળ્યું હશે. ‘મારી કમાયેલ પાઈએ પાઈ મારા પતિની થઈ જશે, અને એ આ રકમ કોઈ સંસ્થાને આપી દેશે. પછી કમાયાનો મારે શો અર્થ? મને શો ફરક પડે છે કમાવાથી? ભલે એ જ કમાય અને વાપરે’ તેણે વિચાર્યું હશે. નાનકા કૂતરા સાથે છબી પડાવનાર પેલી સ્ત્રીનો વાંક કાઢીએ કે ન કાઢીએ પણ એક વાત નક્કી કે આપણી પરદાદીઓએ પોતાના જીવનના સંચાલનમાં ભયંકર ભૂલ કરી હતી – તેમણે પોતાનાં સુખ-સગવડ, ઇચ્છા-આકાંક્ષા ખાતર, એક એકસ્ટ્રા પીણા, એક વધારાની સિગારેટ ખાતર કે ગમતી ચોપડી ખાતર બચત જ નહોતી કરી! ખૂબ પ્રયત્નને અંતે તેઓ સ્ત્રી-સંસ્થાની દીવાલો ખડી કરી શકી હતી, બસ!? અમે બંને જેમ હજારો સ્ત્રીઓ કરે છે તેમ, બારીએ ઊભાં રહીને નીચે દીવાના ટમટમાટથી ચમકતી યુનિવર્સિટી - ટાઉનશિપને જોઈ રહ્યાં. એ દૃશ્ય સુંદર હતું, રહસ્યમય હતું. ચંદ્રનો પ્રકાશ તેને – રહસ્યને – વધુ સઘન બનાવી રહ્યો હતો. કેટલાં બધાં પુસ્તકો હતાં એ ઇમારતોમાં? બારીએ ઊભી ઊભી હું ઇમારતોની અંદરની સજાવટ, દાતાઓની ભવ્ય છબીઓ, દીવાલો પર કોતરાયેલ વિગતો, ફુવારાઓ, ઘાસ વગેરે વિશે વિચારી રહી. આ સાથે એ ઇમારતોની અંદરનો વૈભવ–સુંદર મઝાની મખમલી કારપેટ્સ, ખૂંપી જવાય તેવી આરામખુરશીઓ, પીણાંઓ, સિગારેટો, ધનથી ખરીદી શકાય તે દરેકેદરેક વૈભવ અને એકાંત વિશે પણ. આપણી પરદાદીઓએ આપણને આમાંનું કશું જ નથી આપ્યું – મને આપણી દાદીઓ પર દયા આવી, એવી સ્ત્રીઓ કે જેમને ત્રીસ હજાર પાઉન્ડ ભેગા કરતાં આંખે પાણી આવી ગયાં તે કોઈ સામાન્ય સ્ત્રીઓ ન હતી. તેર-તેર બાળકોને જન્મ આપનાર તે સ્ત્રીઓ સમાજના મોભાદારોની પત્નીઓ હતી! ત્યાંથી વિદાય લઈ મેં મારા ઉતારા તરફ પગ ઉપાડ્યા. આખા દિવસના અંતે આવવા જોઈએ તેવા વિચારો આવતા હતા. હું વિચારી રહી હતી કે મિસિસ સેટન પોતાની દીકરી માટે કેમ કંઈ જ ન મૂકી ગઈ. હું વિચારી રહી કે ખિસ્સાની નિર્ધનતા વિચારની નિર્ધનતા માટે કેટલી જવાબદાર હોય છે! અને શ્રીમંતાઈ વિચારમાં પણ કેવું બળ પૂરતી હોય છે? તરત જ સવારે યુનિવર્સિટી-વિસ્તારમાં કિંમતી ફરકોટ સાથે આમતેમ જતા દબદબેદાર વૃદ્ધ સજ્જનો યાદ આવ્યા. એક વ્હીસલ માત્રથી તેમનો પડતો બોલ ઉપાડવા સેવક હાજર થઈ જતો હતો. દેવળમાંથી આવતા સ્વરોનું સ્મરણ થયું. મને જોઈને ધબ દઈને વસાતા લાઇબ્રેરીના દરવાજાનું સ્મરણ થયું. દરવાજા બહાર પુરાવું એ દુ:ખદ છે તો એનાથી વધુ દુ:ખદ દરવાજાની અંદર પુરાવું છે. હું વિચારી રહી – પુરુષજાતની સલામતી અને વૈભવ અને સ્ત્રીજાતિની બિનસલામતી અને દારિદ્ર વિશે. પુરુષજાતની આગવી પરંપરા, જ્યારે સ્ત્રીજાતિમાં પરંપરાના સદંતર અભાવ ઇત્યાદિ વિશે. બધા વિચારને અંતે પણ કોઈ નિર્ણય પર ન પહોંચાયું. હા, માથે ઊગી રહેલ તારાઓ અને આસપાસ પ્રવર્તતી નીરવ શાંતિએ એ ખાતરી ચોક્કસ કરાવી કે તર્કો, વિતર્કો, ગુસ્સા અને હાસ્યથી ગ્રસ્ત દિવસની કરચલીગ્રસ્ત ત્વચાને સંકેલી વિશ્રામ કરવાનો સમય આવી પહોંચ્યો હતો. રાત ઘણી વીતી ગઈ હતી.