પોત્તાનો ઓરડો/પ્રકરણ ૨
હવે દૃશ્ય બદલાય છે. પાંદડાં ખરવાનું ચાલુ જ છે, પણ આ ઓક્સફર્ડ નથી; લંડન છે. એક રૂમની કલ્પના કરો. રૂમમાં એક બારી છે, જેમાંથી બહાર જુઓ તો જીવનની દોડાદોડ જોઈ શકાય. બારીની પાસે છે એક ટેબલ; એ ટેબલ પર એક કોરો કાગળ છે, જેના પર ‘વીમન ઍન્ડ ફિક્શન’ લખેલું છે. બસ, ફક્ત એટલું જ. ઓક્સબ્રિજની અનાયાસે થયેલ મુલાકાતનો સંબંધ પણ આ કાગળ સાથે છે. એ મુલાકાત દરમિયાન જાણતાં-અજાણતાં થયેલ અનુભવો મારા વિચાર-દીપક માટે તેલ સમા છે. કેમકે એ મુલાકાતે, ત્યાંના લંચ તથા ડીનરે, મારા મનને પ્રશ્નોથી ભરી દીધું છે. પુરુષ વાઇન પીએ તો સ્ત્રીએ કેમ પાણી જ પીવાનું? કેમ પુરુષજાતિ આટલી વૈભવશાળી જ્યારે સ્ત્રીજાતિ તદ્દન નિર્ધન? ગરીબાઈનો સાહિત્ય સાથે શો સંબંધ? કલાકૃતિના સર્જન માટે અનિવાર્ય એવી કોઈ પૂર્વશરતો હોઈ શકે? – આવા તો હજારો પ્રશ્નોનું તેલ વિચારના દીવામાં પુરાયું છે. પણ મારે પ્રશ્નની જરૂર નથી; જરૂર છે ઉત્તરની. અને તેના માટે મારે જરૂર છે તટસ્થ ન્યાયપૂર્ણ વિચાર ધરાવનાર કોઈની. એવું કોઈ છે કે જે ભાષા, શરીર વગેરેનાં બંધનોથી ઉપર ઊઠીને તટસ્થપણે પોતાનો અભિપ્રાય આપી શકે? બ્રિટિશ લાઇબ્રેરીના કબાટોમાં ગોઠવેલ પુસ્તકો સિવાય અન્ય કોઈ આ કામ ક્યાંથી કરી શકે? મને મારા પ્રશ્નોના ઉત્તર ત્યાં જ મળશે – વિચારીને મેં સત્યને ટપકાવી લેવા પેન્સિલ અને કાગળ લીધો અને ઘર બહાર પગ મૂક્યો. હું સત્યની ખોજમાં નીકળી પડી. દિવસ સાવ ભીનો હતો; ઉદાસ પણ. લંડન શહેર આમ પણ મને મોટા વર્કશોપ જેવું જ લાગે છે – એક મોટા મશીન સમું. બધા રહેવાસીઓ મશીનની જરૂરિયાત પ્રમાણે આગળ-પાછળ થયા કરતા હોય છે કે જેથી કોઈ પેટર્ન ઊભી થઈ શકે. બ્રિટિશ મ્યુઝિયમ આ ફેક્ટરીનો જ એક ભાગ છે. દરવાજાને ધક્કો મારીને અંદર પ્રવેશો કે તરત તમે એક મોટા ગુંબજની નીચે હોવ છો. ત્યાં પહોંચતાં મને લાગ્યું જાણે હું કોઈ ટાલવાળા મગજની અંદર રહેલો વિચાર હોઉં! એક એવી ટાલ જે ઘણાંઘણાં પ્રસિદ્ધ નામોની કોતરણીથી શણગારેલ છે. કાઉન્ટર પર જઈને સ્લીપ લઈને કૅટલૉગમાંથી નામો ટપકાવાનાં હતાં. પણ નામ શાં હોય? મેં તો પાંચ ટપકાં મૂક્યાં. દરેકેદરેક ટપકું એકએક આશ્ચર્યના ઉદ્ગાર માટે. એક વર્ષમાં સ્ત્રીઓએ કેટલાં પુસ્તકો લખ્યાં હશે? તમે શું માનો છો? અને પુરુષોએ? તેમણે કેટલાં લખ્યાં હશે? કહો જોઉં. શું તમને ખબર છે કે તમે વિશ્વનું સૌથી વધુ ચર્ચિત પ્રાણી છો? એક આખી સવાર આ લાઇબ્રેરીમાં વિતાવી મારી નોટબુકમાં બધાં જ સત્યો ટપકાવી લઈ હું ચાલી જઈશ તેવી મારી ધારણા હતી. પણ અહીં રખાયેલી સામગ્રી માટે તો મારે ઝીણી નજર ધરાવતા હાથીઓનાં ધાડાં જોઈએ, લોખંડના પંજા જોઈએ, અને પિત્તળની ચાંચ જોઈએ – આ બધું હોય તો કદાચ હું આ કોચલાને ભેદી શકું. થોકડેથોકડા કાગળોમાં સંતાઈને બેઠેલ સત્યનાં એ મોતીને હું કેવી રીતે પામી શકીશ? હું મારા મનને પૂછી રહી. અને આમ કરતાં-કરતાં નિરાશ થઈને પુસ્તકોનાં પાનાં ફંફોસતી રહી. પુસ્તકોનાં નામો પણ વિચાર માટે સારો વિષય હતાં. સેક્સ અને તેની પ્રકૃતિ ડૉક્ટરને કે બાયોલૉજિસ્ટને મન રસપ્રદ વિષય હોઈ શકે. પણ મને એ જોઈને આશ્ચર્ય થયું કે ભલભલા નિબંધકારો, નવલકથાકારો અને યુવા વિદ્યાર્થીઓ કે પછી સાહિત્ય સાથે કોઈ જ નિસબત ન રાખનાર – સર્વ પુરુષોને ‘સેક્સ’માં ગજબનો રસ પડ્યો હતો. કેટકેટલા પુરુષોએ સ્ત્રીઓ વિશે લખ્યું હતું! ઉત્સુકતાવશ મેં કૅટલૉગમાં ‘મૅન’ના ‘એમ’ અક્ષર હેઠળ વાંચવાનું શરૂ કર્યું. મારે જાણવું હતું કે શું સ્ત્રીઓએ પણ પુરુષ વિશે એટલાં જ પુસ્તકો લખ્યાં છે? ના, સ્ત્રીએ પુરુષ વિશે લખ્યું જ ન હતું. હાશ, મને સહેજ નિરાંત થઈ. કેમકે જો મારે પહેલાં પુરુષોએ સ્ત્રીઓ વિષયક જે કંઈ લખ્યું તે વાંચવું હોત અને ત્યાર બાદ સ્ત્રીઓએ પુરુષો વિશે જો એટલા જ પ્રમાણમાં લખ્યું હોત – તે વાંચવું હોત તો હું આ બધું વાંચીને કાગળ પર કલમ માંડું તે પહેલાં સો વર્ષે એક વાર પુષ્પિત થતા છોડને બબ્બે વાર પુષ્પિત થવું પડ્યું હોત. અને હવે ફાવે તે બાર એક પુસ્તકોની યાદી મેં કાઉન્ટર પર આપી દીધી. અને હું અન્ય લોકો સાથે સત્યના તેલની [પુસ્તકોની] રાહ જોતી ઊભી. આવી અસમાનતાનું શું કારણ હોઈ શકે? આ કૅટલૉગ જણાવે છે તેમ પુરુષોને સ્ત્રીઓમાં ઘણો જ રસ પડ્યો, પણ સ્ત્રીઓને કેમ વળતો રસ નહીં પડ્યો હોય? પરણેલા કે અપરણીત, વૃદ્ધ કે યુવક, લાલ નાકવાળા કે ખભે ખાંધવાળા અગણિત પુરુષોએ સ્ત્રીઓ વિશે લખ્યું. જાણે સ્ત્રી પોતે કોઈના આટલાબધા રસનો વિષય છે તે જાણીને તેને ગમે જ – સિવાય કે જેને રસ પડે છે તે અપંગ કે પંગુ હોય. આ વિચારતી હતી ત્યાં પુસ્તકો આવી ગયાં. એક જગ્યા પસંદ કરીને મેં ત્યાં આસન જમાવ્યું. પાસેની સીટ પર બેઠેલ એક વિદ્યાર્થી પોતાના વાચનમાં વ્યસ્ત હતો. તેને યુનિવર્સિટીએ સજ્જ કરેલો હતો રીસર્ચ માટે. મેં વિચાર્યું કે જો કોઈ રીસર્ચની ‘મેથડ’થી ટેવાયેલો ન હોય તો ગોવાળ જેમ ગાયને દોરી જાય તેમ પ્રશ્નને પેન તરફ દોરી જવાને બદલે વિચાર રૂપી કાંકરી તેને ગભરુ પક્ષીઓના ટોળાની જેમ અહીંતહીં ઉડાડી મૂકતી હોય છે. પ્રોફેસરો, સ્કૂલ-માસ્તરો, ધર્મગુરુઓ, નવલકથાકારો, નિબંધકારો, વિવેચકો, પત્રકારો – આવા બધા જ પુરુષોએ યોગ્ય હોય કે ન હોય, પોતે સ્ત્રી નથી માત્ર તે જ યોગ્યતાના જોરે સ્ત્રીઓ વિશે લખ્યું હતું. બધાએ એક જ પ્રશ્ન મૂક્યો હતો – કેટલીક સ્ત્રીઓ આટલી ગરીબ કેમ હોય છે? આ એક પ્રશ્ન પચાસ પુસ્તકોમાં અને એ પચાસ પુસ્તકો અગણિત પ્રશ્નોમાં ફેરવાઈ જાય તેટલી બધી વાર પુછાયો હતો. મારી નોટબુકનાં પાને પાનાં ભરાવા માંડ્યાં. મારા મગજની તે વખતની સ્થિતિથી તમને પરિચિત કરવા મેં ટપકાવેલ ‘વીમન ઍન્ડ પોએટ્રી’ શીર્ષક હેઠળના મુદ્દા વાંચી સંભળાવું છું :
- – મધ્યકાળમાં સ્ત્રીની સ્થિતિ
- – ફિજી ટાપુ પરની સ્ત્રીઓનું
- – દેવી તરીકે પૂજન
- – ના કરતાં ઊતરતી કક્ષાની નીતિમત્તા
- – ની આશીર્વાદિતા
- – ની વધુ સભાનતા
- – ની દક્ષિણી સમુદ્રી ટાપુઓ પર પુખ્તતાની ઉંમર
- – ની આકર્ષકતા
- – નો બલિ તરીકે ઉપયોગ
- – ની મગજની સાઇઝ નાની
- – ની તીવ્ર સભાનતા
- – ના શરીર પર ઓછી રુવાંટી
- – નું માનસિક, નૈતિક અને શારીરિક ઊતરતાપણું
- – નો બાળકો માટે સ્નેહ
- – ની જીવન જીવવાની વધુ શક્તિ
- – ની શારીરિક અશક્તિ
- – ની લાગણીની સબળતા
- – નો દંભ
- – શેક્સપિયરનો તે સંબંધી મત
- – લૉર્ડ બર્કનહેડનો મત
- – ડીન ઇન્ગેનો મત
- – ડૉ. જોન્સનનો મત
- – મિ. ઑસ્કર બ્રાઉનિંગ્રનો મત.
વાંચતાંવાંચતાં હાંફી જઈને મેં પ્રશ્ન કર્યો – સેમ્યુઅલ બટલરે એવું કેમ કહેવું પડ્યું કે ‘બુદ્ધિમાન પુરુષો સ્ત્રીઓ વિશે પોતે શું વિચારે છે તે સ્ત્રીઓને જણાવતા નથી?’ માથા પરના વિશાળ ગુંબજ પર નજર નાંખતાં હું ધ્રૂજી ગઈ. કેવું વિચિત્ર કે બધા પુરુષો સ્ત્રીઓ વિશે એકસરખું વિચારતા હોય છે! આ રહ્યા કવિ પોપના ઉદ્ગાર “મહદ્ અંશે સ્ત્રીઓ ચારિત્રવાન નથી હોતી.” નેપોલિયનનું માનવું હતું કે સ્ત્રીઓ કેળવણી માટે અયોગ્ય છે. ડૉ. જોનસન આથી તદ્દન વિપરીત કહે છે :[1] તેમને આત્મા હોય છે કે નહીં? અમુક લોકો કહે છે કે સ્ત્રીઓને આત્મા નથી હોતો. તો વળી અન્ય એવું માને છે કે સ્ત્રીઓ અર્ધ દૈવી હોય છે અને તેથી જ તેઓ પૂજાય છે.[2] અમુક સંતો તેમનામાં બુદ્ધિની અછત છે તેમ માનતા છે તો વળી અમુક તેમનામાં સભાનતાની છત છે તેમ માનતા. ગેટેને મન તે સન્માનનીય નહીં તો મુસોલિનીને મન તે તરછોડવા લાયક. જ્યાં જુઓ ત્યાં એક વાત તરત જણાય છે કે પુરુષોએ સ્ત્રીઓ વિશે ઘણુંઘણું વિચાર્યું અને પરસ્પરથી તદ્દન ભિન્ન વિચાર્યું. આ લોકોના વિચારોનો કોઈ વ્યવસ્થિત દોર હાથમાં આવે તેવો નથી. મેં પાડોશમાં બેઠેલ વિદ્યાર્થી તરફ નજર કરી. એ સ્થિરતાપૂર્વક કક્કાવારી પ્રમાણે નોંધ ટપકાવામાં વ્યસ્ત હતો. મેં મારી નોટબુક જોઈ. કેવી અસ્તવ્યસ્ત? કેવી આડી-અવળી? શરમજનક, તદ્દન શરમજનક – હું બબડી. સત્ય મારી આંગળીઓમાંથી વહીને કાગળ પર ટપક્યું તો હતું જ, પણ કંઈક વિચિત્રપણે. ઘેર તો ક્યાંથી જવાય? આખી સવારના મારા અભ્યાસનું તારણ માત્ર એટલું જ કે ‘પુરુષ કરતાં સ્ત્રીના શરીર પર રુવાંટી ઓછી હોય છે, કે દક્ષિણી સમુદ્રી દ્વીપો પર વસતા લોકો નવ કે નેવું વર્ષે પુખ્ત બને છે?’ ‘તું સ્ત્રી અને તેના સાહિત્ય પર અભ્યાસલેખ લખી રહી છે’ – મેં મારી જાતને ટકોર કરી. જો આખી સવાર આ રીતે પસાર કર્યા બાદ હું ભૂતકાળમાં સ્ત્રીઓએ લખેલ સાહિત્ય વિશે કશી સામગ્રી જ મેળવી શકી ન હોઉં તો સ્ત્રી-વિષયની વાત શી કરવી? સ્ત્રીના લેખન ઇત્યાદિ વિભિન્ન વિષયો પર લખનાર વિદ્વાન પુરુષોને વાંચવા મને નિરર્થક જણાયા. એમનાં એ પુસ્તકો ન ઉઘાડું તોય ચાલે. મારા કંટાળામાં અને મારા પાડોશીના વ્યવસ્થિત કામથી અનુભવાતી શરમમાં મારાં આંગળાં કાગળ પર ચિત્ર દોરવા માંડ્યાં. એક મનુષ્યદેહ અને ચહેરાનું ચિત્ર. આ હતું ધ મેન્ટલ, મોરલ ઍન્ડ ફિઝિકલ ઇનફિરિયોરિટી ઑફ ધ ફિમેલ સેક્સ – શીર્ષકનું પુસ્તક લખનાર મહાન પ્રોફેસર ફલાણાનું ચિત્ર. ચિત્રમાં તેઓ સ્ત્રીને જરાય આકર્ષક લાગે તેવા દેખાતા ન હતા. મહાકાય, ભારે ચહેરો, મોટાં જડબાં અને એ જડબાંથી બરાબર વિપરીત એવી નાની-નાની આંખો અને લાલલાલ ચહેરો – આવા હતા મારા પ્રોફેસર ફલાણા. તેમની કલમ કાગળ પર મંડાયેલી હતી. ચહેરાના ભાવ જાણે કોઈ જીવલેણ જંતુને મારવા માટે પ્રયત્નશીલ હોય તેવા. પેનથી જંતુ મારે!? અરે, જંતુ મરી ગયું તોય તેને ન છોડે. તેમને જંપ જ નહીં. તેમનો ગુસ્સો એવો કે પેલા મરેલાને ય માર્યા કરે. જોઉં તો ખરી એ જંતુ તેની પત્ની તો નથી ને? મેં મારા દોરેલ ચિત્ર તરફ નજર કરી. શું તેમની પત્ની અન્ય કોઈના પ્રેમમાં હતી? કે શું ફ્રોઇડ કહે છે તેમ પ્રોફેસર ફલાણા જ્યારે ઘોડિયામાં હતા ત્યારે કોઈ સુંદર લલનાએ તેમની મશ્કરી કરેલી? ચોક્કસ ઘોડિયામાંય આ માણસ સોહામણો નહીં હોય. કારણ ગમે તે હોય પણ મારા આ ચિત્રમાં સ્ત્રીની હીનતા પર મહાન પુસ્તક લખનાર પ્રોફેસર ફલાણાનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો. નકામી ગયેલ સવારને લીધે ચઢેલી આળસના પ્રતાપે જ આ ચિત્ર દોરાયું હતું. પરંતુ કદાચ આપણી આળસ અથવા આપણા સ્વપ્નમાં જ તળિયે રહેલ સત્ય સપાટી પર તરી આવતું હોય છે. મેં ગુસ્સામાં દોરેલ પ્રોફેસર ફલાણાનું આ ચિત્ર માનસશાસ્ત્રીય સત્યનો પુરાવો હતું. મારા ગુસ્સાએ પેન્સિલ પાસે જાણે આ ચિત્ર દોરાવ્યું હતું. પણ ગુસ્સો શા કાજે? આખી સવાર દરમિયાન રસ, મૂંઝવણ, રમૂજ, કંટાળો – આ બધા ભાવો મેં અનુભવ્યા હતા. શું ગુસ્સાનો કાળો નાગ પણ એ બધાની વચ્ચે જઈ બેઠો હતો? ‘હાસ્તો.’ ચિત્રે ટાપસી પૂરી. તેણે મારું ધ્યાન આ ફલાણાના પુસ્તકમાંના એક વાક્ય તરફ દોર્યું. એ વાક્ય હતું સ્ત્રીજાતના માનસિક, નૈતિક અને શારીરિક ઊતરતાપણા વિશે. ગુસ્સાનો આ દૈત્ય એ એક વાક્યની નીપજ હતો. એ વાક્ય વાંચતાં જ મારું મન રોષથી ભરાઈ ગયું હતું. ગાલ ગુસ્સાના માર્યા દાઝી ઊઠ્યા હતા. હું ગુસ્સાથી તમતમી ગઈ હતી. એવું કંઈ નોંધપાત્ર કશું જ ન હતું એ વાક્યમાં. પણ કોઈ તમને એમ કહી જાય કે નિમ્નમાં નિમ્ન પુરુષથી પણ તમે ઊતરતાં છો તો ન જ ગમે. મેં રેડીમેડ લાલ ટાઈ પહેરી મારી પાડોશમાં બેઠેલા પેલા વેદિયા વિદ્યાર્થી પર નજર કરી. સ્કૉલર દેખાવાના કોડમાં તેણે કેટલાય દિવસોથી દાઢી કરી ન હતી. મનુષ્યજાતના મિથ્યાભિમાનની પણ બલિહારી છે! પેન્સિલ લઈ મેં પ્રોફેસરના ચિત્ર પર કૂંડાળાં કૂંડાળાં કરી મૂક્યાં. આમ, પ્રોફેસર વિદાય થયા. મારો ગુસ્સો પણ વિદાય થયો. પણ જિજ્ઞાસા હજુય બાકી હતી. પ્રોફેસરના ગુસ્સાને બુદ્ધિગમ્ય રીતે સમજાવી શકાય ખરો? આ પુરુષો આટલા ગુસ્સે કેમ છે? આખી સવાર દરમિયાન વાંચેલ બધાં જ પુસ્તકોમાં એક પ્રકારની ગરમાગરમી હતી. આ બધાં પુસ્તકોમાં એક પ્રકારનો ગુસ્સો હતો – સીધો નહીં. છૂપો ગુસ્સો. અન્ય ભાવો સાથે ભળીને આ ગુસ્સાનો રંગ બદલાઈ ગયો હતો. કહેવું હોય તો કહેવાય કે શુદ્ધ દેખીતા ગુસ્સાને બદલે આ ભેળસેળિયો અને છદ્મ ગુસ્સો હતો. જે કંઈ હોય તે. પણ આ બધાં ઢગલેઢગલા પુસ્તકો મારે કંઈ જ કામનાં નથી – મેં ઠાલવેલાં પુસ્તકોના ઢગલા પર નજર કરતાં હું બબડી. આ બધાંમાં ક્યાંય સત્યનો છાંટો નથી. સત્યના શ્વેત પ્રકાશને બદલે આ પુસ્તકો ગુસ્સાના લાલ પ્રકાશમાં લખાયાં છે. આખી સવારના મારા કામનું તારણ ફક્ત ગુસ્સો જ હતું. પ્રોફેસરો ગુસ્સે હતા [સ્ત્રી પર] પણ શા કાજે? શા કાજે તેમને આવો લાલલાલ ગુસ્સો વ્યાપતો હતો? આ પ્રશ્ન મારા મનમાં દોહરાતો હતો. મારા પગ બપોરના ભોજનનું સ્થાન શોધવા મંડી પડ્યા હતાં. બ્રિટિશ મ્યુઝિયમ પાસેના નાનકડા રેસ્ટોરન્ટમાં ગોઠવાવા સુધી આ પ્રશ્ન મારા મનમાં સતત ઘૂમરાયા કર્યો. આ જ ટેબલ પર જમનાર આગલો ઘરાક પોતે વાંચેલ છાપું ટેબલ પર મૂકતો ગયો હતો. કંટાળીને મેં છાપું વાંચવા માંડ્યું. હેડલાઇન્સ. ભોજનની રાહ જોતાંજોતાં છાપું જોઈ લેવાય તો સરસ. કંટાળો પણ દૂર થાય અને મન સારું થાય. સાથે સમાચાર જાણી લેવાય. જોતાંજોતાં એક સમાચાર જોઈ હું ચોંકી ઊઠી. આ સમાચાર કંઈક આવા હતા. કો’કના ભંડકિયામાંથી માંસ કાપવાની છરી મળી આવી હતી જેના પર મનુષ્યની રુવાંટી હોવાનું જણાયું હતું. આ કેસની સુનાવણીના આધારે માનનીય જસ્ટિસ શ્રી ફલાણાએ મૃત સ્ત્રીની બેશરમી પર ટીકા-ટિપ્પણી કર્યાં હતાં. અન્ય પણ ઘણાઘણા સમાચારો હતા. સાવ નિર્દોષ ભાવે છાપું વાંચનારને પણ આ છાપું વાંચીને એ સમજતાં વાર ન લાગે કે ઇઁગ્લૅન્ડનો સમાજ કેવો પિતૃસત્તાક છે. ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રોફેસર ફલાણાની આણ વર્તે છે તેની જાણ થઈ જાય. આણ. પુરુષની આણ. તેની પાસે પૈસો છે, પદ છે અને સંસ્થાઓ પર તેનું આધિપત્ય છે. તે જ [પુરુષ] આ છાપાના માલિક છે. અન્ય પુરુષ તેનો તંત્રી અને વળી કોઈ અન્ય તેનો પત્રકાર. પુરુષ જ ફોરેન સેક્રેટરી અને જસ્ટિસ. તે જ ક્રિકેટર. તે જ રેસકોર્સનો માલિક. પુરુષ જ સ્ટૉક એક્ષચેન્જનો કર્તાહર્તા. પોતાના શૅરહોલ્ડરોને તે ૨૦૦% ડિવિડન્ડ આપે. શિક્ષણ સંસ્થાઓને તે દાન આપે છે. અને બદલામાં તેમના પર રાજ કરે છે. પુરુષ જ નક્કી કરશે કે માંસની છરી પરની રુવાંટી મનુષ્યની હતી કે કેમ. તે જ પેલા હત્યારાને છોડી મૂકી શકે કે શિક્ષા કરી શકે. ફક્ત એક હવામાન સમાચારની આગાહી સિવાય અન્ય દરેકેદરેક સમાચાર પર તે કાબૂ ધરાવે છે. છતાંય તે ગુસ્સે છે. મને ખબર છે, તેને ગુસ્સો આવે છે પોતાની મર્યાદા તરફ આંગળી ચીંધનાર નાની નાની બાબતો પ્રત્યે. મેં જ્યારે પુરુષના સ્ત્રી વિષયક વિચાર પહેલવહેલી વાર વાંચ્યા ત્યારે તે શું કહે છે તે વિચારવાને બદલે મને વિચાર આવેલો તેનો પોતાનો. તેની તર્ક કરવાની પદ્ધતિનો. કોઈ પણ પ્રકારના સાચા-ખોટા તર્ક વાપરીને પોતે પૂર્વનિશ્ચિત કરી લીધેલ તારણ સુધી પહોંચી જવાના તેના આંધળા પ્રયત્નનો. એ કોઈ તટસ્થપણે તર્ક કરે તો પછી તારણ જે પણ આવે તેની સામે વાંધો ન હોઈ શકે. પછી તે તારણ પર પહોંચવાનો વસવસો કે ગુસ્સો પણ ન હોય. જો પુરુષ એ પ્રકારે વર્તતો હોત તો તેનાં તારણ સ્વીકારવામાં સ્ત્રીને પણ વાંધો ન હોત. વટાણા લીલા હોય છે અને કેનેરી પક્ષી પીળું. નિ:શંક. તેમાં ગુસ્સો કેવો? પણ તેના ગુસ્સાએ મને ગુસ્સે કરી. સામે પડેલ છાપા પર મારી નજર ચોંટેલી હતી. આટઆટલી સત્તા ભોગવનાર પુરુષે ગુસ્સે કેમ થવાનું તે જ મને સમજાતું ન હતું. કે પછી આ ગુસ્સો એ સત્તાખોરીનો જ એક ભાગ છે? જેમકે ગરીબો પોતાની સંપત્તિ ઝૂંટવી લેશે તે બીકે ધનિકો તેમના પર ગુસ્સે જ રહેતા હોય છે. કદાચ પિતૃસત્તાક પ્રોફેસરોના ગુસ્સાનું છૂપું કારણ પણ આવું જ કંઈક હોઈ શકે. કદાચ તે લોકો ગુસ્સે છે જ નહીં! વ્યક્તિગત જીવનમાં મળતા સંપૂર્ણ સમર્પણને તેઓ બિરદાવે છે. કદાચ પુરુષ કરતાં સ્ત્રીના ઊતરતાપણાને પ્રયત્નપૂર્વક સાબિત કરવા મંડી પડેલ એ સત્તાખોર પિતૃસત્તાકોને સ્ત્રીઓના ઊતરતાપણા કરતાં પોતાના [પુરુષના] ચઢિયાતાપણાને સાબિત કરવામાં વધુ રસ છે. તેના ગુસ્સામાં પિતૃસત્તાના ચઢિયાતાપણા રૂપી અમૂલ્ય હીરાનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા છે. મનુષ્યજીવન માત્ર આકરું છે. તે જીવવા અખૂટ આત્મવિશ્વાસની જરૂર હોય છે. ભ્રમણાની દુનિયામાં રાચતા આપણે, મનુષ્યો, આત્મવિશ્વાસ વગર નાના બાળક સમાન હોઈએ છીએ. અને આત્મવિશ્વાસનો આ અસામાન્ય, અતિ આવશ્યક ગુણ કઈ રીતે વિકસાવવો? એમ વિચારીનેસ્તો કે અન્ય બધા પોતાનાથી પામર છે, ઊતરતા છે! એ વિચારીનેસ્તો કે પોતે કોઈક ગેબી રીતે, વિશેષ રીતે, અન્યથી ચઢિયાતા છે! એ પૈસો હોય, પદ હોય, તીણું મઝાનું નાક કે પછી કોઈ મહાન ચિત્રકારે દોરેલ દાદાજીની છબી હોય. મનુષ્યની આવી દયામણી યુક્તિઓનો પાર નથી. અને તેથી જ પિતૃસત્તાકો પોતાની મહાનતાનું હથિયાર હાથવગું રાખે છે. તેમણે જીતવાનું છે, રાજ કરવાનું છે. અને તે માટે વિશ્વની અડધોઅડધ પ્રજા, એટલે કે સમગ્ર સ્ત્રીજાત, પુરુષજાત કરતાં ઊતરતી છે તેવું તેમણે માનવું/મનાવવું જ પડે. આ તેમની સત્તા કાયમ રાખવાનું મુખ્ય સૂત્ર છે. પણ આમ કહેતાં પહેલાં આસપાસ નજર કરી જોઈ લઉં કે આના પુરાવા મળે છે ખરા? હજુ ગઈ કાલે જ મેં અત્યંત વિનમ્ર એવા મિસ્ટર ઢીંકણાને રબેકા વેસ્ટના પુસ્તકનો એક ફકરો વાંચ્યા બાદ બોલતા સાંભળેલા “છટ, નામચીન ફેમિનિસ્ટ! તે કહે છે કે પુરુષો દંભી જ હોય છે.” મને આ સાંભળીને આશ્ચર્ય થયેલું. મિસ વેસ્ટ પુરુષજાતનું ઘસાતું છતાં સત્ય એવું વિધાન કરે તો તે ‘નામચીન ફેમિનિસ્ટ’ થઈ ગઈ! મિસ્ટર ઢીંકણાનો ઉદ્ગાર તેના ઘવાયેલ અહમ્નો દ્યોતક ન હતો. તે તેની સત્તા પર મારવામાં આવેલી તરાપનો પુરાવો હતો. સ્ત્રીઓએ સદીઓ સુધી અરીસાનું કામ કર્યે રાખ્યું છે. એવા જાદુઈ અરીસાનું કે જેમાં પુરુષ પોતાના કદને હોય તેનાથી ક્યાંય વધુ મોટા કદનો જોતો આવ્યો છે! જો એમ ન થયું હોત તો આજદિને પણ આપણે બર્બર–સંસ્કૃતિમાં જ જીવતાં હોત. મનુષ્યજાતે આટલાં યુદ્ધો ન જોયાં હોત. આટલા નાયકો ન જોયા હોત. સુસંસ્કૃત જગતમાં આવા અરીસાઓ કેટલે અંશે જરૂરી છે તે જુદી વાત થઈ. પરંતુ હિંસક વીરતાભર્યાં પરાક્રમો માટે તો આવા અરીસા અનિવાર્ય જ છે. તેથી જ નેપોલિયન અને મુસોલિની બંનેએ સ્ત્રીઓના ઊતરતાપણા પર ખૂબ ભાર મૂક્યો છે. વાત સાચી જ છે જાણે. કેમકે સ્ત્રીઓ ઊતરતી ન હોત તો તેઓ પુરુષોની છબીને એન્લાર્જ ન જ કરત. સ્ત્રી પુરુષ માટે કેમ અતિ આવશ્યક રહી છે, તે પણ હવે સમજાય છે, અને એ પણ સમજાય છે કે સ્ત્રીની ટીકાથી પુરુષ બાવરો કેમ થઈ જાય છે. આ પુસ્તક સારું નથી, આ ચિત્ર નબળું છે, જેવી અત્યંત સહજ વાત કરીને પણ સ્ત્રી સામેવાળાનો કેટલો ગુસ્સો વહોરી લેતી હોય છે! એ જ વાત પુરુષ તો સદીઓથી અત્યંત સરળ-સહજ ભાવે કહેતો જ આવ્યો છે. કેમ? કેમકે જાદુઈ અરીસો જે દિવસે સત્ય બોલવા માંડે તે દિવસે વિરાટ રૂપધારી પુરુષની છબી સંકોચાવા માંડે; તેનું કદ ઘટવા માડેં. અને એમ થાય તો વિરાટ રૂપથી ટેવાયેલ પુરુષને જીવવું અઘરું પડી જાય. પોતે છે એના કરતાં વધુ નહીં તો બમણો મોટો ન જુએ તો પુરુષ ન્યાય આપવાનાં, આદિવાસીઓને સુધારવાનાં, કાયદા ઘડવાનાં, પુસ્તકો લખવાનાં, સુંદર વસ્ત્રો પહેરી ભાષણો આપવાનાં જેવાં મહાન કાર્યો કઈ રીતે કરી શકે? જાદુઈ અરીસો નહીં પણ તેમાં થતું વિરાટરૂપદર્શન પુરુષના તરવરાટને ટકાવી રાખવાની અતિ મહત્ત્વપૂર્ણ બાબત છે. એ અરીસો લઈ લો કે પુરુષ મૃતપ્રાય બની જાય, જાણે કે ડ્રગ વિનાનો ડ્રગ એડીક્ટ જ જોઈ લો. ભ્રમણાના આવા નશામાં નીચેના રસ્તા પર દોડાદોડ કરી રહેલ પુરુષને હું જોઈ રહી. તેઓ સતત પોતાની જાતને કહ્યા કરતા હશે કે અડધી પ્રજા કરતાં હું ચડિયાતો છું અને આ ધ્રુવવાક્ય તેમનામાં આત્મબળ પૂરતું હશે. જાહેર જીવનમાં અત્યંત સફળ એવા પુરુષોના મગજના હાસિયામાં આવી જ વિચિત્ર નોંધો ટપકાવેલી હોય છે! પણ અન્ય સેક્સની માનસિકતાનો વિચાર તમે ત્યારે જ કરી શકો કે જ્યારે તમારી પાસે તમારી પોતાની અલાયદી આવક હોય – વધુ નહીં તો વર્ષે પાંચસો પાઉન્ડ. આ વિચારતી હતી ત્યાં વેઇટર બિલ લઈને આવ્યો. પર્સમાંથી પૈસા કાઢીને મેં બિલ આપ્યું. વધેલા પૈસામાંથી વેઇટરને ટીપ આપી. બાકીની રકમ પર્સમાં મૂકી હું ઊભી થઈ. હજુ પર્સમાં ખાસ્સા પૈસા હતા. મને નિરાંત થઈ. પૈસાનો પણ કેવો મહિમા છે! એ પણ કેવું બળ પૂરતો હોય છે? મારી પાસે પૈસા છે તો સમાજ મને મનગમતું જમવાનું આપે છે, રહેવા જગા આપે છે. આ બધું થોડા એવા કાગળના ટુકડાઓને જોરે, જેને પૈસા કહે છે! આ પૈસા મારી ફોઈએ મારે નામે કરેલા. કારણ ફક્ત એ જ કે અમારા બંનેનું નામ એક હતું! મારાં ફોઈ મેરી બેટન સાંજે હવા ખાવા માટે ઘોડેસવારી કરતાં. એક વાર ભારતમાં મુંબઈ ખાતે આવી એક સવારી દરમિયાન ઘોડા પરથી પડીને તે મૃત્યુ પામ્યાં. તેઓ પોતાનો વારસો મને આપતાં ગયાં છે તેની જાણ મને એ રાતે થઈ કે જ્યારે ઇંગ્લૅન્ડમાં સ્ત્રીને મતાધિકાર આપવાનો કાયદો પસાર થયો. એક સોલિસિટરના પત્રથી મને જાણ થઈ કે મારાં ફોઈ મારે માટે આજીવન દર વર્ષે પાંચસો પાઉન્ડનો વારસો મૂકતાં ગયાં હતાં. વોટ અને વારસો બંને સાથે જ મળ્યાં! મારે મન વારસાનું મહત્ત્વ વધુ હતું. આ પહેલાં હું છાપામાં નાના-મોટા રિપોર્ટ લખીને, ઘરડી સ્ત્રીઓ માટે વાચન કરીને, થોડા-ઘણા પૈસા કમાઈ લેતી હતી. ૧૯૧૮ પહેલાં સ્ત્રીઓ માટે કમાવાનાં આવાં જ સાધનો હતાં. પણ જમાના પ્રમાણે સ્થિતિ અને મૂલ્યો બદલાતાં જતાં હોય છે. ઘરનાં પગથિયાં ચઢતાં હું વિચારી રહી. હોઈ શકે કે આજથી સો વર્ષ બાદ સ્ત્રીનો દરજ્જો કંઇક જુદો જ હોય. તેને પુરુષના રક્ષણની, શિરછત્રની જરૂર ન હોય. આજે જે કામો તેમને માટે પ્રતિબંધિત છે તે કામો તેઓ કરતી થઈ જાય અને ત્યારે બદલાયેલ સમયમાં સ્ત્રી વિષયક વિચાર પણ બદલાય. સ્ત્રીને સંરક્ષિત મિલકત તરીકે જોનાર સમયમાં સ્ત્રીવિષયક જે માન્યતાઓ પ્રવર્તતી હતી તે પણ બદલાય. આવી તથ્ય વગરની એક માન્યતા એ પણ હતી કે સ્ત્રી, માળી અને પાદરી વધુ જીવતાં હોય છે. પણ તેમને મળતું રક્ષણ જાય તો તેઓ જીવનનો સામનો કરતાં થાય. તેમને સૈનિક, એન્જિન ડ્રાઇવર કે મજદૂર બનવું છે. હઠાવી લો સુરક્ષાનું પોકળ કવચ અને કરવા દો તેને મહેનત. તેને જીવનનો, કહેવાતી તકલીફોનો, સામનો કરવા દો. બનવા દો એને જે બનવું છે તે – એન્જિન ડ્રાઇવર, નાવિક કે સૈનિક. પછી કોઈ પુરુષ, આશ્ચર્ય સાથે ‘મેં આજે એક વિમાન જોયું’ - તેમ, ‘મેં આજે એક સ્ત્રી જોઈ’ એમ બોલતો નહીં સંભળાય. જ્યારે સ્ત્રી ખોટી રીતે રક્ષિત નહીં રહે ત્યારે ગમે તે બની શકશે. સ્ત્રીનું ભલું પૂછવું! હું વિચારી રહી અને મેં ઘરનો દરવાજો ખોલ્યો. પણ આ બધા વિચારોનો મારા વ્યાખ્યાનના વિષય ‘સ્ત્રી તથા તેની નવલકથા’ સાથે શો સંબંધ છે? હું સ્વગત બોલી. અને મેં ઘરમાં પ્રવેશ કર્યો.
- ↑ “પુરુષને ખબર છે કે સ્ત્રી તેનાથી વધુ યોગ્ય છે. અને તેથી તે પોતાનાથી ઊતરતી, નબળી અભણ સ્ત્રી જ પસંદ કરે છે. જો પુરુષો આમ ન વિચારતા હોત તો તેઓ સ્ત્રી પોતાના જેટલી જ ભણે-ગણે તે બાબતમાં અસુરક્ષિત ન બનત...” આ ઉદ્ગાર બાદ ડૉ. જોનસને એમ પણ કહેલું કે પોતાના આ વિધાન વિશે તેઓ ગંભીર હતા – બોઝવેલ, દ જર્નલ ઑફ અ ટુર ટુ દ હેબ્રાઈડસ્.
- ↑ પ્રાચીન જર્મન લોકો માનતા કે સ્ત્રીઓમાં દૈવી તત્ત્વ હોય છે. અને તેથી જ તેઓ ભવિષ્યવાણી સાંભળવા તેમની પાસે જતા. – ફ્રેઝર, ગોલ્ડન બોવ.
❆