પ્રતિસાદ/ન કર્મયોગી, ન કૉમિસાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search

હું એવા દેશમાં રહું છું જે ગંભીર પર્યાવરણીય પ્રશ્નોથી ઘેરાયેલો છે અને યુરોપમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવનારા દેશોમાંનો એક છે... ચેકોસ્લોવેકિયા શા માટે આવી સ્થિતિમાં છે એનાં અનેક કારણો હું આપી શકું... પણ છતાં એ મુખ્ય પ્રશ્ન નથી... આ માત્ર વૈજ્ઞાનિક, આર્થિક કે પર્યાવરણીય પ્રશ્ન નથી. આ પ્રચંડ પડકારનાં નૈતિક અને આધ્યાત્મિક પરિમાણો છે... આ આધુનિક માણસના ઘમંડનાં પરિણામો છે; એ એમ માને છે કે એને બધી સમજણ પડે છે અને બધું જાણે છે; એ પોતાને પ્રકૃતિના અને વિશ્વના સ્વામી તરીકે ગણાવે છે. આ ગ્રહ પણ એના પોતા માટે અસ્તિત્વમાં છે. આવી માણસની વિચારણા છે જે પોતાની ઉપર પોતાથી વધુ ઊંચું કંઈ છે એ પિછાનવાનું નકારે છે. માણસ વિશ્વનો સર્વશક્તિમાન માલિક નથી કે કશા પણ પરિણામની ભીતિ વગર પોતાને ફાવે તેમ વર્તી શકે. આપણે જે દુનિયામાં જીવીએ છીએ એ અત્યંત સંકુલ અને રહસ્યમય વણાટની બનેલી છે — જેને વિશે આપણે ખૂબ જ થોડું જાણીએ છીએ.


વાકલેવ હાવેલ



ન કર્મયોગી, ન કૉમિસાર

‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ના સન્ડે રીવ્યૂ વિભાગે તા. ૧૫-૩-૯૨થી એક પ્રયોગ શરૂ કર્યો, ભરત નાટ્યશાસ્ત્રના નવ રસોને એમના પરંપરાગત સંદર્ભમાંથી ઉખેડી વીસમી સદીના અંતભાગના સમયમાં એમને ગોઠવી દઈ નાણી જોવાનો. દરેક રસ માટે જુદી જુદી વ્યક્તિઓનો સન્ડે રીવ્યૂના સંપાદકે સાથ સાધ્યો. સાથે સાથે દરેક રસના ભાવને અભિવ્યક્ત કરતું કોઈક નામાંકિત ચિત્રકારનું ચિત્ર પણ હોય. ડૉ. સુધીર કકરે શૃંગાર રસ સાથે શરૂઆત કરી. પછી બીભત્સ - અશોક મિત્ર, હાસ્ય – એસ. એમ. - મુર્શેદ, અદ્ભુત – જયંત નારલીકર, વી૨ – નિર્મલ વર્મા, રૌદ્ર – નામદેવ ઢસાળ, કરુણ - ખુશવંતસિહ, ભયાનક – કુરાતુલૈં હૈદર અને શાંત – પી. લાલ એમ આખી શ્રેણી આવરી લેવાઈ. ચિત્રોમાં દાખલા તરીકે શૃંગાર રસના ભાવને અભિવ્યક્ત કર્યો ચિત્રકાર ભૂપેન ખખ્ખરે. બધા જ લેખકોમાં સૌથી વધુ કોઈએ પોતાના વિષયને ન્યાય આપ્યો હોય તો તે મને નિર્મલ વર્મા લાગ્યા અને સૌથી વધુ કોઈએ આશ્ચર્ય જગવ્યું હોય તો તે ખુશવંતસિંહે. ખુશવંતસિંહને વાંચીને થાય કે આવું પણ છડેચોક માત્ર અંગ્રેજીમાં લખાય એટલે ચાલી જઈ શકે? વિષય એમનો હતો કરુણ. અંગ્રેજીમાં karuna લખાય એટલે કદાચ એમણે કરુણનું કરુણા કરી નાખ્યું અને પછી તો બિન્ધાસ્ત એમની ગાડી તો ચાલી patheticને બદલે compassion ઉપર અને આપણે શોકને બદલે દાન ઉપર વાંચવાનું ભાગ્યમાં આવ્યું. ખુશવંતસિંહસાહેબ આપણને કહે છે કે karuna ગુણોનું કોકટેલ છે. એનાં ઘટકો છે દાન, દયા, મૈત્રી અને માનવતા. આ બધું ક્યાંથી ભેગું કર્યું? તો કહે છે કે બેન્જામિન વૉકરના ઍનસાઇક્લોપીડિયા ‘હિંદુ વર્લ્ડ’માંથી. ક્યાંય ભારતનું નામ નહીં અને કરુણની વાત નહીં. આ જ લેખમાં એક બાજુએ મંદાકિની ત્રિવેદી પરંપરાગત ભરત નાટ્યશાસ્ત્ર પ્રમાણે આ કરુણ રસનો અર્થ સમજાવે છે. અંગ્રેજીમાં એનો અનુવાદ Pathechic sentiment કરે છે. મંદાકિની ત્રિવેદી કહે છે કે Karuna rasa of the Pathetic sentiment has its roots in the dominant Psychological State of Sorrow (શોક). ખુશવંતસિંહ કમાલના ગોથું ખાઈ ગયા અને આપણને ખવડાવવા સજ્જ થયા. પણ આપણે વાત કરવી છે નિર્મલ વર્માના લેખની. કેવી રીતે એમણે આપણા આજના સમયમાં—આપણી સદીના અંતભાગમાં વીરરસને સાહિત્યમાં અભિવ્યક્ત થતો અને આચરણમાં જોયો! નિર્મલ વર્મા લખે છે કે ૧૯મી સદીની શરૂઆતમાં એક જાણીતી નવલકથા ‘Hero of our Time’ જુવાન રિશયન કવિ લર્મોન્ટોવે લખી હતી. આ નવલકથામાં રંગદર્શી યુગના અવશેષ સમા નાયકના કૃતક હિરોઇક ગુણો ઉપર વેધક વક્ર વ્યંગ છે. કદાચ એ પહેલી જ પ્રતિનાયક નવલકથા હતી. લર્મોન્ટોવને જાણે કે આપણા યુગનું પૂર્વજ્ઞાન હતું જેમાં દરેક હિરોઇક કૃત્ય એ પોતાના જ ઢોંગોની પ્રતિકૃતિ-પેરડી બની ગયું હોય. કોઈ શું આજે કંગાલ–લંડનની ગલીઓમાં કે પેરિસની સ્નૉબિશ સેલોમાં ઉમદા હિરોઇક કૃત્યોની આશા રાખી શકે? કદાચ બુર્ઝવા યુગનો આવો નીરસ આત્મતૃષ્ટિ ભર્યો દમિયલ દેખાવ જોઈને માર્ક્સવાદી ટીકાકાર ક્રિસ્ટોફર કૉડવેલ માનવા પ્રેરાયા હશે કે આપણે જેને વીરતા તરીકે સમજીએ છીએ એ અધોગામી પશ્ચિમમાં શક્ય નથી રહી. એમની દૃષ્ટિએ યુરોપના છેલ્લા વીર તે લૉરેન્સ ઑવ અરેબિયા હતા; પણ એમને પણ પોતાના વીરત્વ દાખવતા કૃત્ય માટે યુરોપ બહાર જવું પડ્યું હતું. હજી આજે પણ લૉરેન્સના અનુયાયીઓ છે. રેગિસ ડેબ્રેને છેક બોલિવિયાનાં જંગલોમાં હિરોઇક કૃત્યની પ્યાસ બુઝાવવા જવું પડ્યું હતું. બંનેમાંથી કોઈ સફળ ન થયું એ બતાવે છે કે એમની દોટ એક ભ્રમણા-મૃગજળ પાછળ હતી. ત્યારે આપણે શું એમ માનવું કે જે વીરતા ઇલિયડ અને મહાભારત જેવા મહાન અને ઉમદા ગ્રંથોમાં નિરૂપાયેલી આપણે જોઈ એ આપણા સમયમાં મરી પરવારી છે? આપણને વીરરસ સંજ્ઞાથી જે અભિપ્રેત છે – મર્દાનગી, હિંમત અને ત્યાગ એ શું યંત્રોદ્યોગીય સંસ્કૃતિના રણમાં શોષાઈ ગયાં છે? કોઈ પણ કૃત્ય માત્ર કોઈ એક વ્યક્તિની ઇચ્છાશક્તિથી ખ્યાતિ કે વીરતાભરી આભા પ્રાપ્ત નથી કરતું. એની પાછળ તો હોય છે કશોક ન્યાય માટેનો નાદ, ધર્મ માટેનો જુસ્સો – કશુંક એવું જે કોમના બીજા સભ્યોમાં ઊંડો ઘેરો પ્રતિસાદ ઊભો કરે, અકિલિસ, અર્જુન કે કર્ણ મહાન વીરનાયકો કહેવાયા એ માત્ર એમણે જે કર્યું એ કારણે નહીં, પણ જે ઉદ્દેશોથી એ પ્રેરિત થયા હતા એથી એ વીર કહેવાયા. વીરત્વ પ્રાપ્ત કરવું હોય તો કૃત્ય સાધાર (લેજિટિમેટ) હોવું જોઈએ. અને આ સાધારતા (લેજિટિમસી) પોતાથી કોઈ ઊંચા સ્રોતમાંથી ઉદ્ભવી હોવી જોઈએ. એ અસંદિગ્ધ અને પોતાના ક્ષણભંગુર જીવન કરતાં વધુ ટકાઉ હોવી ઘટે. ટી. ઈ. લૉરેન્સ અને ડેબ્રે વીરનાયકોના ઠઠ્ઠાચિત્રીય વૃત્તાંત જેવા રંગદર્શી સાહસિકો જ બની રહ્યા. ભૂતકાળની સુગ્રથિત કોમોની પડતી થઈ અને એની જગ્યા સામૂહિક કોમોએ લીધી; અહીં વ્યક્તિ વ્યક્તિ મટી અણુ જેવી બની ગઈ. વીરત્વ માટે જે આસાનીથી અવકાશ મળી રહેતો તે એકદમ સંકોડાઈ ગયો અને પછી ધીરે ધીરે લુપ્ત થઈ ગયો. પણ એ માટે તલસાટ રહ્યો. સાચું પૂછો તો જેમ જેમ વીરત્વ માટેનું ક્ષેત્ર અશક્ય બનતું ચાલ્યું એમ એને માટેની ઝંખના તીવ્રતર બનતી ગઈ. ડૉન કિહોટેના સર્જકથી વધુ આ તલસાટ કોણ સમજી શકે? આ સૌથી પહેલો બનાવટી વીરનાયક હતો. પછી તો એની લાંબી કતાર ચાલી. ઉમદા વીરનાયકોએ રંગમંચ ખાલી કર્યો કે તત્ક્ષણ હાસ્યાસ્પદ છાતી કાઢતા આભાસી ફેન્ટમોથી રંગમંચ ભરાઈ ગયો. આથી આપણે એમ જ માનવું પડે કે શું આધુનિક માણસ વૈશ્વિક વાસ્તવમાંથી છટકવાનો મરણિયો પ્રયાસ કરે છે અને આ કારણે એને અનેક ભૂમિકાઓ ભજવવાની આવે છે – જેવી કે વિદ્રોહીની, આઉટસાઇડરની, વરણાગિયાની, ડિસિડન્ટ લેખકની, બૉમ્બ ફેંકતા આતંકવાદીની, હિપીની કે હાયજેકરની. પણ ક્યારેય વીરની ભૂમિકા ભજવવાની એને આવતી નથી. એવો વીર કે જેના જીવન અને કશ્મકશમાં એક અદના માણસને પણ આશા લાધી હોય કે એના અંતરાત્માને સમર્થન મળ્યું હોય. પણ જો અંતરાત્માની બાબતો બધી દેવળ કે સાંપ્રદાયિક વડાઓને સમર્પિત કરી દીધી હોય તો મનુષ્યના આત્માની પીડાનું શું, જેમાંથી વીરત્વભર્યા કૃત્યનું ગૌરવ અને ભવ્યતા ઉદ્ભવતાં હોય? આપણા ભાગ્યમાં તો રહ્યા છે સત્તાશોખીન સરમુખત્યારો અને જુલમગારો. ફ્રેન્ચ અને રશિયન ક્રાંતિએ શું આપણને એમ નથી બતાવી આપ્યું કે ગમે તેવાં ઉમદા ધ્યેયોથી એ ક્રાંતિઓ કેમ પ્રેરિત ન થઈ હોય, પણ દરેક ક્રાંતિ પોતાના વીરોને ભરખી જાય છે – જો એમને વીર કહી શકાય તો. અને જે બચી જાય છે – જેમ કે લેનિન, સ્તાલિન, માઓ, કાસ્ટ્રો અને બીજા અનેક – એ પોતાની પાછળ એટલી વિશાળ વેરાન ભૂમિ મૂકી જાય છે કે આપણને વિમાસતા કરી મૂકે કે આધુનિક દુનિયામાં આપણે જે દરેકને પોતાની અંગત વેરાનભૂમિમાં જીવવું પડે છે એમાંથી પલાયન થવાની તકલીફ ઉઠાવવા જેવી છે ખરી? પણ વધુ મૂળભૂત રીતે એ આપણામાં સંશય પણ જગાડે કે આ વીરત્વની સંકલ્પના જ — જે રીતે આપણા સમયમાં એ સમજાય અને આચરાય છે — શંકાસ્પદ નથી ને? આ સુપ્ત સંશયને કારણે જ શું આપણે મહાત્મા કહીને સૌથી વધુ આદર આપ્યો એ મહાત્મા સંજ્ઞા જ આપણા બિનસાંપ્રદાયિક યુગમાં આજે વધુ દૂર અને પારકી લાગે છે? છતાં એક વખત લાખો ભારતીયો માટે ગાંધી એમના છેલ્લા શ્વાસ પર્યંત મહાત્મા રહ્યા; ગાંધીના જીવનનો અંત એ એમના આત્મબલિદાનની ટોચની વીરતા હતી. વીરતાનો આપણે આવો અર્થ સમજતા હોઈએ તો ગાંધી બધા વીરોમાં તદ્દન એકાકી વીર હતા કારણ કે વીસમી સદીના એ જ એક રાજકીય પુરુષ હતા — જો એમને રાજકીય પુરુષ કહી શકાય તો – જેમણે ધમધમતી ક્રિયાશીલતાની વચ્ચે પણ આદર્શો પરથી મન ચલિત નહોતું કર્યું. સાથે સાથે સ્વપ્નિલ આદર્શોના ધૂંધળાપણામાં એમણે ક્રિયાશીલતાને તિલાંજલિ આપી દીધી નહોતી. આ લૌકિક કાર્ય અને અલૌકિક આદર્શ વચ્ચેનું સીધુંસાદું સમીકરણ નહોતું, પણ એવું વિશિષ્ટ અને મૂલગામી રીતે જુદું પડતું વીરત્વ હતું જેની પ્રમાણભૂતતા સત્તામાંથી નહીં, પણ જે સાચું છે એમાંથી ઊભી થતી હતી. પણ સાચું શું છે, પોતે જે કરે છે એ પોતાના કર્તવ્ય સાથે – ધર્મ સાથે સુસંગત છે કે નહીં એની ખબર શી રીતે પડે? આ જવાબ મેળવવા માટે ગાંધીને છેક બીજા મહાકાવ્યના વીરનાયક અર્જુનની પીડા પાસે જવું પડ્યું. અર્જુને આ જ પ્રશ્ન મહાયુદ્ધની વચ્ચે કર્યો હતો અને જે જવાબ એને મળ્યો એ તદ્દન આવરણહિત-ચકિત કરનારો હતો; એ જવાબ આપતી જે વીરત્વની સમજણ છે એથી તદ્દન વિરુદ્ધનો હતો કારણ કે કૃષ્ણે અર્જુનને એ સલાહ આપી કે જ્યાં સુધી પોતે કર્તા છે એ સ્વ-ભ્રમણામાંથી એ મુક્ત નહીં થાય ત્યાં સુધી સાચું શું, પોતે શું કરવું જોઈએ એની એને કદી ખબર પડશે નહીં. આ કદાચ વીરત્વમય કૃત્યના સ્વરૂપ ઉપર સૌથી વધુ પ્રકાશ પાડનારી સૂક્ષ્મ દૃષ્ટિ છે. અહીં વીર કૃત્ય કોઈ શક્તિના આંધળા સ્રોત સાથે કે વ્યક્તિના મિથ્યા ઘમંડ સાથે નથી સંકળાયેલું. ઘમંડી એવી ભ્રમણામાં હોય છે કે પોતાની ઇચ્છાશક્તિથી કૃત્ય બન્યું છે. પણ ખરો વીર તો પોતે જે કૃત્ય કરે છે એથી જુદો પડી નિરપેક્ષભાવે એને નિહાળે છે, અર્જુન મહાન યોદ્ધો ગણાયો તે એટલા માટે નહીં કે સમરાંગણમાં એણે અસંખ્ય દુશ્મનોને હણી નાખ્યા હતા, પણ એટલા માટે કે છેવટે એના સૌથી વધુ ઘાતક શત્રુ—પોતાના અહંકારનો નાશ કરવામાં એ સફળ થયો હતો. ગાંધી શું કૃષ્ણ જે કહેવા માગતા હતા તે આ રીતે સમજ્યા હતા? – કૉમિસાર નહીં, પણ કર્મયોગી થવાનું? એવો કોઈક જે જાણે છે પોતે શું છે અને એને ખ્યાલ છે કે પોતે જે છે તે એટલું જ વાસ્તવ છે જેટલું એ સ્વપ્ન પણ છે. પણ એમ ખ્યાલ આવવો કે પોતાનું જીવન સ્વપ્ન છે એ પોતે જે નથી એ પોતે છે એવાં સ્વપ્નો સેવવા કરતાં ઘણું જુદું છે. આથી જ્યારે આધુનિક વિશ્વમાં આપણે જ્યારે આ જ કરતા આવ્યા છીએ ત્યારે આપણે યોગીઓ નહીં પણ સ્વપ્નોના સોદાગર-ડ્રીમ મર્ચન્ટ છીએ. હોલિવુડનાં સ્વપ્નોનાં કારખાનાંઓમાં જેટલા હીરો અને હીરોઇન બને છે અને વેચાય છે એટલા જ લંડન અને પૅરિસના સંગીત-હૉલોમાં પણ બનાવાય છે. મેડમ બોવરીના સસ્તી પ્રેમકથાઓની હીરોઇન બનવાના સ્વપ્નથી માંડીને મેરિલીન મોનરોએ જે સ્વપ્ન પોતાના દેહમાં ધારણ કર્યું–એ આખી સદી પસાર થઈ ગઈ છે. પણ પોતાના જાતના વાસ્તવથી ભાગવાનો તલસાટ બદલાયો નથી. જો કંઈ પણ થયું હોય તો આપણા સમયમાં એ તલસાટ હજાર ગણો વધી ગયો છે. જેટલો જલદી એ પોતાનો ગૂંચવાડાભર્યો બોજો બીજા ઉપર નાખી દે એટલો એ હલકો થઈ જાય અને એને સારું લાગે—પછી ભલે એ કોઈ આપખુદ ડેસ્પટ હોય, પૉપ સિંગર હોય, સિનેમાનો નટ હોય કે ગૉડમૅન હોય; જ્યાં સુધી એ કોઈક દ્વારા આપણે આપણાં સ્વપ્નો જીવી શકીએ છીએ ત્યાં સુધી કોઈ ફરક પડતો નથી. જો નર્ક અન્ય છે તો સ્વર્ગ પણ અન્ય છે કારણ કે એ આપણને દર્પણ પૂરું પાડે છે જેમાં આપણે આપણે છીએ એનું પ્રતિબિંબ નહીં પણ જે થવાનું સ્વપ્ન સેવીએ છીએ તેનું પ્રતિબિંબ પાડે છે – થોડુંક વાંકું, થોડુંક રમૂજપ્રેરિત; જેમ કે ચેપ્લિનની ફિલ્મ ‘ગ્રેટ ડિક્ટેટર’માં હિટલર નેપોલિયન થવાનાં સ્વપ્ન સેવતો હતો એમ – રીયલ અને દયનીય જેમ બધાં પ્રતિબિંબો અને સ્વપ્નના હીરો હોય એમ. માણસ પોતાનો આત્મા સરી જવા દે અને ટેઢી પ્રતિમાના અચેત પદાર્થ સુધી નીચે ઊતરી જાય એથી મોટો વિષાદ કયો હોઈ શકે! અહીં અહંની ઉપરવટ જવાની વાત નથી, પણ ખુદ પોતાના સેલ્ફનો નકાર છે. એટલે જ કદાચ આપણા સમયના સાચા વીરો એ લોકો છે જેમણે ગુમાવેલા સેલ્ફનું ગૌરવ કરી અત્યંત વિપરીત સંજોગોમાં માનવ તરીકેની અસ્મિતા જાળવી રાખી છે. દલાઈ લામા અને સોલઝેનિત્સિન દેશવટામાં, માંડેલા અને વાકલેવ હાવેલ લાંબા ગાળાની જેલોમાં, બૉડ્સ્કી સોવિયેટ લેબર કૅમ્પમાં અને પ્રિમો લેવી ઓર્શાવિત્ઝમાં અને બીજાં બધાં હજારો અજાણ્યાં સ્ત્રીપુરુષો – આ બધાંનાં જીવન અણનમ હિંમત અને પ્રમાણિકતાનાં જીવંત દષ્ટાંતો છે. બર્ટોલ્ટ બ્રેખ્તે એક વખત સમાજમાં વીરોના અભાવ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. પણ આધુનિક સમયમાં વીરની ભૂમિકા ભજવવી કેવી તો કઠિન છે — ભયાનક વિષમતાઓની વચ્ચે એક માનવી તરીકે બચી રહેવા માટે એને મથવું પડે છે. માણસ તરીકે બચવા પામેલો – કદાચ આપણી ક્ષુબ્ધ સદીના નમ્ર અને અજાણ્યા વીરને આમ જ ઉત્તમ રીતે વ્યાખ્યાયિત કરી શકાય; એકીસાથે અંધારયુગમાં જીવવું અને એને પડકારવું. નિર્મલ વર્માએ વીરરસને વીસમી સદીના અંતભાગમાં કાર્યરત બનાવી આપણા આધુનિક સમયનું વેધક વિશ્લેષણ કર્યું છે અને હવે કઈ જાતનું વીરત્વ આજના સંદર્ભમાં માણસ માટે શક્ય છે એ સચોટ રીતે બતાવ્યું છે. કર્મયોગી કે કૉમિસાર નહીં, માણસ તરીકે જીવી ગયો એ વીર. કોઈ પણ સર્જન આખરે પ્રવર્તતા કાળની સંવેદનશીલતા(સેન્સિબિલિટી)નું પ્રતિબિંબ હોય છે.

તા. ૨૦-૬-૯૨