પ્રતિસાદ/નિરદ ચૌધરી : એક વિશિષ્ટ પ્રતિભા


અંગ્રેજી હકૂમતને લીધે ભારતીય જીવન ઉપર યુરોપીય સાંસ્કૃતિક પ્રભાવ પડ્યો અને લગભગ એક નૂતન સંસ્કૃતિ ઊભી થઈ... પણ થોડાક દૂરંદેશી બ્રિટિશ વહીવટદારો અને ધર્મપ્રચારકોને બાદ કરતાં નૂતન સંસ્કૃતિ અને એના સર્જકો એટલે કે બંગાળીઓને સ્થાનિક અંગ્રેજો ધિક્કારતા હતા. ભારતીયો એમની સંસ્કૃતિ અપનાવે એ એમને ગમતું નહીં, અને આખી બ્રિટિશ હકૂમત દરમ્યાન એમણે ભારતીયોની આ પ્રવૃત્તિ સામે અમાપ દ્વેષ દાખવ્યો. આમાં ભારતમાંના બ્રિટિશ સામ્રાજ્યવાદની સૌથી મોટી નિષ્ફળતા રહી છે કારણ કે કોઈ પણ સામ્રાજ્ય સાંસ્કૃતિક વટાળપ્રવૃત્તિ વગર ટકી શકે નહીં. એમનું વલણ રોમનોે જે સાચા સામ્રાજ્યવાદી હતા એ કરતાં તદ્દન વિરુદ્ધનું હતું. રોમનોને ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોને એમણે શાંતિ આપી હતી એનો ગર્વ હતો. પણ જિતાયેલી ગ્રીક પ્રજાએ સાંસ્કૃતિક રીતે એમને જીત્યા હતા એનો એકરાર કરવાની એમને શરમ નહોતી લાગતી. બ્રિટિશરોએ ભારતીય સંસ્કૃતિને અપનાવવાની જરૂર નહોતી. એમની પાસેથી તો માત્ર પોતાની સંસ્કૃતિનો પ્રસાર કરવાની અપેક્ષા હતી. પણ આટલું પણ એમનામાં તીવ્ર અણગમો જગાડતા અને બંગાળીઓ અને બીજાં ભારતીયોઓનો એમણે કરેલો દુરુપયોગ માત્ર અનિયંત્રિત જ નહીં, પણ અનુચિત અને આક્રમક હતો.

નિરદ ચૌધરી



નિરદ ચૌધરી : એક વિશિષ્ટ પ્રતિભા

નિરદ ચૌધરીની એકદમ વિશિષ્ટ કહી શકાય એવી જીવંત પ્રતિભાને અને અતિ વિશાળ ફલકને આવરી લેતી, અનેક સ્તરે લખાણોમાં મુકાબલો કરતી એમની ગ્રંથસ્થ અભિવ્યક્તિને આપણે આપણા જોખમે જ ઉવેખી શકીએ. આ એવું વિલક્ષણ વ્યક્તિત્વ છે કે આપણને વાહ વાહ પણ બોલાવી દે અને સાથે આપણને ઉત્તેજિત કર્યા વગર અને ગુસ્સે કર્યા વગર પણ ન છોડે.

એમની સ્વભાવગત પૂર્ણ નિર્ભીકતા અને સર્વ વસ્તુ પ્રત્યે જોવાની એમની નિજી વિલક્ષણ દૃષ્ટિ, એક ઘા ને બે ટુકડા કરી નાખે એવી આક્રમકતા, પણ અહંકેન્દ્રી સ્રોતમાંથી ઊભી થયેલી નહીં; નિરપેક્ષ વૈચારિક અભિગમમાંથી એ પોતાનાં ધાર્યાં તીરો છોડે. એમનાં ઘણાં અર્થઘટનો સાથે કે હકીકતો તરફ જોવાની એમની રીત સાથે પણ કેટલીક વાર આપણને ઉગ્ર મતભેદ પડે, પણ એમની પોતાની અને બીજાઓ સાથેની નીતરતી પ્રામાણિકતાને પણ દાદ આપવાના આપણને મોકા સાંપડે. સંગીત, કલા અને ઊંડો અભ્યાસી એવો આ વિદગ્ધ જીવ પોતાની સૌંદર્યદૃષ્ટિ અને પોતાની વૈચારિક ભૂમિકાથી તીવ્ર તલવારબાજી ચલાવે. નિરદ ચૌધરીએ જેમને પોતાના શિક્ષક અને સાહિત્યિક માર્ગદર્શક તરીકે વર્ણવ્યા છે એ શ્રી મોહિતબાબુ મજુમદારે નિરદ ચૌધરીને લખેલા એક-બે પત્રોમાંથી થોડુંક જોઈએ. આ પત્રો નિરદ ચૌધરીએ પોતાની આત્મકથાના બીજા ભાગમાં છાપ્યા છે; એમણે એમના આ માર્ગદર્શક ઉપર એક આખું પ્રકરણ, ‘Death of my Master’ના નામે લખ્યું છે; શું કહે છે મોહિતબાબુ? “ઘણા પ્રશ્નો ઉપર તું મારો વિરોધ કરતો. મારી બુદ્ધિ કે મારી વિવેકબુદ્ધિ માટે તને કંઈ બહુ ઊંચો મત નહોતો. પણ આજે તારી આત્મકથા લખતાં કોણ જાણે કયું બીજ મેં તારા આંતરિક જીવનના ઊંડાણમાં વાવ્યું હશે કે તેં મને સન્માનના આટલા ઊંચા આસને બેસાડી દીધો છે.’ પછી બીજા પત્રમાં લખે છે, “તારા પુસ્તકે મારા મનને હલાવી દીધું છે—મારો પ્રત્યાઘાત કંઈક ઉગ્ર છે. એક બાજુ તારા લખાણની તેજસ્વિતા અને શક્તિએ મને મોહિત કર્યો છે તો બીજી બાજુ ઘણાં કારણોસર અને ઘણી રીતે તારા પાયાના અભિપ્રાયો અને નિષ્કર્ષોએ મને ચિંતિત કર્યો છે. મારી ચિંતા એ કારણે છે કે મને લાગ્યું છે કે તારી સમર્થ બુદ્ધિશક્તિ અને તારી નિષ્ઠાભરી સત્ય માટેની શોધ હોવા છતાં એમાં એક ‘blind spot છે.” મોહિતબાબુએ વાપરેલો આ blind spot શબ્દ એકદમ યોગ્ય તથ્ય ઉપર આંગળી મૂકે છે. નિરદ ચૌધરીએ ખેલદિલીથી આ પત્રો પ્રસિદ્ધ કર્યા છે એ એમના ચારિત્ર્યનું જમા પાસું છે. જોકે આ બધું એ એમની રીતે ઘટાવે એ વળી બીજી વાત છે. એમની વિચારણાની માંડણી કરતા જતા એક પછી એક મુદ્દાઓ સર કરતા નિરદ ચૌધરી ક્યારે સામાન્યીકરણ, સરલીકરણ કે છોકરવાદપણામાં પણ સરી પડે તે કહેવાય નહીં. ઉદાહરણ તરીકે એ આવાં વિધાનો કરે, ‘There is no Indian intelligentia; there is Indian dogmatism.’ ’Hindu is incapable of not being chauvinist.’ એક ભોજન સમારંભમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓની હાજરીમાં એમણે વિધાન કર્યું, ‘All the Indians in the ICS should have been hanged from the nearest post on ૧૫ August, ૧૯૪૭’. આ વિધાન અંગ્રેજોને પણ ઘણું સખત લાગ્યું. પણ નિરદ ચૌધરી ઠંડે કલેજે લખે છે કે બધાના આશ્ચર્ય અને મૂંઝવણ વચ્ચે જનરલ વિલિયમ્સ પોતાની બેઠકમાંથી ઊભા થયા અને ખંડ છોડી ચાલ્યા ગયા પછી પાછા આવ્યા નહીં. એ પૂરી નિર્દોષતાથી કહે છે કે એ જાણતા હતા કે અંગ્રેજો ભારતીય આઇસીએસ અધિકારીઓને અત્યંત તિરસ્કારથી જોતા હતા એટલે એમને ઉપરનું વિધાન કરવાનો ડર નહોતો. અંગ્રેજોના આવા વર્તનનું એમનું અર્થઘટન એવું હતું કે અંગ્રેજો જ્યારે રાજ કરતા હતા ત્યારે એમનું વલણ આપણી વિરુદ્ધનું હતું, પણ સત્તા છોડ્યા પછી એ ભારતીય રાજ્યકર્તાઓ તરફી બની ગયા. કૃષ્ણમેનને નિરદ ચૌધરીની આત્મકથાને ભારતીય-વિરોધી કહીને સખત રીતે ઉતારી પાડી હતી. એમના ઉપર ભારતીય-વિરોધી આરોપ સાર્વત્રિક હતો અને એમ લાગે એની નવાઈ નથી. જોકે એમને એનું હમેશાં આશ્ચર્ય રહ્યું છે. એમનો આવો અભિનિવેશ છતાં અંગત રીતે હું એમને ભારતીય-વિરોધી માનતી નથી, બલકે પોતાની રીતે એ પોતાના લોકોને ચાહે છે એવી મારી છાપ એમને માટે રહી છે. એમની તો કંઈ કેટલીયે અગણિત કહી શકાય એવી વસ્તુઓ લઈને લખવા મન પ્રેરાય – ઉશ્કેરાય કહો તોપણ ખોટું નથી, પણ એમણે આત્મકથાના બીજા ભાગના — ‘Thy Hand, Great Anarch’ છેલ્લા પ્રકરણમાં પોતાના જીવનમાંના શ્રદ્ધાના સ્થાન વિશે જે માંડણી કરી છે એ વિદગ્ધ, અત્યંત વિચાર પ્રેરનારી અને કંઈક અંશે દિશા ઉઘાડનારી પણ લાગે. એ પણ કંઈ ઓછું વિશાળ નથી, છતાં એમાંથી લઈને લખવા ધાર્યું છે. નિરદ ચૌધરી લખે છે કે જીવનમાં આવી પડેલી વિપત્તિઓ હું અને મારી પત્ની આનંદપૂર્વક પસાર કરી ગયાં, અમે માત્ર એમાંથી બહાર આવી ગયાં એટલું જ નહીં, પણ વધુ આરામભરી જિંદગીમાં સ્થિત થયાં. આ અમારામાંની હિમ્મત અને શ્રદ્ધા બંને કારણે બન્યું. મારી પત્ની આ બાબતે વધુ સહજ હતી, અને હું વધારે સભાન. અમારી શ્રદ્ધા પણ જુદા જુદા પ્રકારની હતી. એની શ્રદ્ધા વ્યવહારુ અને મારી વધુ સૈદ્ધાન્તિક હતી. હું આખી જિંદગી સિદ્ધાન્તપરસ્ત અને તાત્ત્વિક રહ્યો છું; મારી બધી તાકાત અને હિંમત સૈદ્ધાન્તિક અને તાત્ત્વિક વિચારણામાંથી આવ્યાં છે એટલે હું મારું પુસ્તક મારી આસ્થાના વિવરણથી પૂરું કરીશ. ચાલો, હવે જોઈએ ચૌધરીસાહેબ કઈ રીતે આસ્થાની પૂર્વભૂમિકા બાંધે છે અને શું કહેવાનું છે એમને પોતાની આસ્થા વિશે? એ લખે છે, ‘I believe in order to understand.’ મારે માટે જીવનના અંતભાગમાં આ બહુ વિચિત્ર એકરાર કહેવાય, કારણ કે એકવીસ વર્ષની ઉંમરે તો હું આક્રમક રીતે નાસ્તિક હતો. પણ મારે કહેવું જોઈએ કે આ શ્રદ્ધા મારામાં આવતી જતી શારીરિક ક્ષીણતાને કારણે નથી આવી; અલબત્ત, આવું બીજાં ઘણાંમાં થતું મેં જોયું હતું; મારાં ઘણાં અગાઉનાં પરિચિતો જેમણે કૉમ્ટે, માર્ક્સ કે ટ્રૉટ્સ્કી અને બર્ટ્રાન્ડ રસેલના સોગંદ ખાધા હતા એમને બીજી તરફ ઢળતાં જોયાં છે. માત્ર કૃષ્ણના ચરણોમાં નહીં, એ કંઈ ખરાબ નહોતું, પણ ધૂતારાઓના આશરે ગયેલાં જોયાં છે. મારી હિંદુ ધાર્મિક માન્યતાઓ પ્રત્યેની અશ્રદ્ધા હજી એવી જ છે, પણ હું એથી પણ વધુ આગળ ગયો છું અને બધા જ મોટા પ્રસ્થાપિત ધર્મોમાંથી મેં આસ્થા ગુમાવી દીધી છે. મારો હિંદુત્વનો ધર્મ તરીકેનો નકાર મને બૌદ્ધધર્મ, ખ્રિસ્તી ધર્મ કે ઇસ્લામ ધર્મ તરફ નથી લઈ ગયો. મારી શ્રદ્ધાની પુનઃપ્રાપ્તિ આવું recantation નથી. મેં અત્યંત પીડાભરી રીતે અનુભવ્યું કે મારે માટે આશા સાથે જીવવું હોય તો એ શ્રદ્ધા વગર અશક્ય હતું. દાયકાઓ સુધી મેં સહન કર્યું અને પછી સમજાયું કે બધી જીવતી શ્રદ્ધાઓ મેળવવી પડતી હોય છે. એ માનસિક અનુભૂતિઓમાંથી પસાર થઈને જ શક્ય બને. મને એમાંથી બોધપાઠ મળ્યો કે જેમ શરીર માટે ખોરાક તેમ માણસના મન માટે શ્રદ્ધાની જરૂર હોય છે, જો એ સાચી મનુષ્ય-પ્રકૃતિ ધારણ કરતો હોય તો. સૌ પ્રથમ તો શ્રદ્ધાને પ્રાપ્ત કરવા માટે આંતરિક ઝંખના હોવી ઘટે. લગભગ ૩૦ વર્ષની મથામણો પછી હું એ પ્રાપ્ત કરવામાં ભાગ્યશાળી બન્યો. પણ અહીં આપણે શ્રદ્ધાની પ્રાપ્તિને બૌદ્ધિક યત્નથી આવેલા નિષ્કર્ષો સાથે ગૂંચવી મારવી ન જોઈએ. શ્રદ્ધા તર્ક પારનું પ્રત્યક્ષીકરણ છે અથવા તો કદાચ એક કૃપા-ભેટ છે. પણ શ્રદ્ધા માટે વાત કરું એ પહેલાં મારા બૌદ્ધિક યત્નોની વાત કરીશ. હું ૧૬-૧૭ વર્ષની ઉંમરથી પુખ્ત વયે પહોંચ્યો ત્યાં સુધીમાં મેં બધી ધાર્મિક શ્રદ્ધા ગુમાવી દીધી હતી. મારા ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, જીવવિદ્યાવિજ્ઞાન અને પદાર્થ વિજ્ઞાનના અભ્યાસને કારણે આમ બન્યું હતું. મારે માટે એ વખતે વિજ્ઞાન એટલે કાર્લ પિયર્સનનું Grammar of Science હતું. મારું જીવવિદ્યાવિજ્ઞાનનું જ્ઞાન પણ યાંત્રિક હતું. સર્જન અને અસ્તિત્વની મારી માન્યતામાં પણ હું એટલો મતાગ્રહી હતો કે બધું શુદ્ધ રીઝનથી સમજાવી શકાય એમ હું માનતો. વૈજ્ઞાનિક ઉપપત્તિઓની શોધમાં પણ માણસ પોતાની જન્મજાત પ્રકૃતિઓથી પ્રભાવિત થતો હોય છે, એ હું સ્વીકારતો નહીં. ટૂંકમાં, વિશ્વ અને માનવીય જીવન વિશેની મારી સંકલ્પના પૂર્ણ અને સ્વયં-પર્યાપ્ત ઘટના હતી, જે સાન્ત નિયમો વડે ચાલતી હતી, અને જેમને પૂરતો યત્ન કરીએ તો શોધી શકાય એવા હતા એમ હું માનતો. પણ આ જાતનો બૌદ્ધિક આત્મવિશ્વાસ તો જ જાળવી શકાય જો એનામાં પ્રાણીના સ્તરની પૂરતી પ્રાણશક્તિ હોય, જે એને બૌદ્ધિક નિષ્કર્ષોથી સ્વતંત્ર જીવવાનું શક્ય બનાવે. પણ મારે માટે એ શક્ય નહોતું. શારીરિક તાકાતમાંથી આવતી પૂરતી પ્રાણશક્તિ મારામાં નહોતી, અને એની ગેરહાજરીમાં બાળપણની નિર્દોષતા અને પ્રાણીઓની સુખી નિર્વિચારિકતા તો ઊડી જ જાય. અમને ભોગવવી પડેલી કચડી નાખતી ગરીબાઈ કરતાં મારા બુદ્ધિયુક્ત દૃષ્ટિબિંદુએ મને વધુ પીડા આપી છે : આ જીવતર એ કેવી ક્રૂર મશ્કરી છે! ગાડાની ધૂંસરી જેમ બળદ સ્વીકારે એમ શું મારી જિંદગી મારે સ્વીકારવાની છે? પણ ક્યાંક કોઈક કૃપા મારે માટે કામ કરતી હશે, જેથી રાહત મેળવવા માટે મેં શરાબ, ડ્રગ્સ કે વેશ્યાઓનો આશરો ન લીધો. લગ્નને કારણે મારામાં એક પ્રકારનું જવાબદારીપણું ઊભું થયું અને સતત માનસિક તાણની સ્થિતિમાં જીવવાનું ન થયું – એટલી શક્તિ મળી રહી. પણ નૈતિક અને આધ્યાત્મિક ખાલીપણું ચાલુ રહ્યું, ખાસ કરીને બે વૈજ્ઞાનિક વલણોથી મારા મનને અત્યંત દુઃખ થયું અને મને ઊંડી હતાશામાં ધકેલી દીધો. એ બે વાત તે ઉત્ક્રાન્તિની પ્રક્રિયા આકસ્મિક છે અને સૂર્યમંડળ કે તારામંડળનું સર્જન પણ આકસ્મિક છે. કોઈને પણ થાય કે એ આવા કાલ્પનિક ભયોથી પીડાતો હોય તો એ જ લાગનો છે. પણ બૌદ્ધિક દૃષ્ટિએ જોઈએ તો હું માત્ર એક રેશનલ માણસ તરીકે બ્રહ્માંડ એ અતર્કનું (Ureason) સર્જન છે એ વિચાર સ્વીકારવાનું નકારતો હતો. એક જ વસ્તુએ મને તાકાત આપી તે નૈતિક સ્તરની હતી; એની વળી મને વધુ જ જરૂર હતી કારણ કે શારીરિક તાકાત તો મારામાં ખૂબ જ થોડી હતી અને એ તાકાત બૌદ્ધિક પડકારમાંથી ઊભી થઈ. વર્ષો સુધી હું એમ માનતો રહ્યો કે કોઈ પણ વિચારશીલ વ્યક્તિ માટે સૌથી ઉત્તમ વસ્તુ એ હતી કે એ વિશ્વને અણનમપણે પડકારતો રહે. ટૂંકમાં, માણસના જીવનનું ઐશ્વર્ય જ ભૌતિક પરિબળોથી મળતી હાર લાપરવાઈથી સ્વીકારવી એમાં છે – પ્રકૃતિ એ માણસની દુશ્મન છે એવી સંકલ્પના ઉપર રચાયેલો એ એક વિરક્ત માર્ગ હતો. પણ આ માનસિક અવસ્થામાં હું લાંબો વખત ટક્યો નહીં. એ એક ચમત્કાર જ જોઈ લો કે મારી અને વિશ્વની વચ્ચેના આ દ્વૈતનો હું અંત આણી શક્યો. એક નવા પ્રકારના અદ્વૈતવાદમાં મને શાંતિ મળી. હું અને વિશ્વ એક છીએ અને એકબીજાની સામે નથી એ મને પ્રત્યક્ષ થયું. મારી નવી શ્રદ્ધાનો આ પાયો છે. પણ આ શ્રદ્ધાએ મારો જે આગલો બુદ્ધિશક્તિમાં વિશ્વાસ હતો એનો કાંકરો નથી કાઢી નાખ્યો. ઊલટું, મારી શ્રદ્ધા માટેની ઝંખનાએ એ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે કારણ કે કડક બૌદ્ધિક તપાસ પહેલાં હાથ ધરવામાં ન આવે તો પૂરો સંભવ છે કે શ્રદ્ધા ધરાવતો માણસ ડોળ કરવામાં કે જાદુને લગતા મંત્રોચ્ચારમાં પડી જાય. કોઈ પણ સાચી શ્રદ્ધા રીઝને જે સ્થાપ્યું છે એનો ઇન્કાર કરી શકે નહીં; જોકે શ્રદ્ધાનું સ્વરૂપ એવું છે કે એ રીઝનની પર એવા વિશ્વનો એવો અનુભવ કરાવે કે જેમાં જ્ઞાન અને શ્રદ્ધાનું સંયોજન એક સુગ્રથિત અખિલાઈ ઊભી કરે. હું એમ પણ કહું કે શ્રદ્ધાના સ્વર્ગ સુધી પહોંચવા બૌદ્ધિક શિસ્તની પર્ગટરિમાંથી માણસે પસાર થવંવ રહ્યું. અને આ પસાર થવાનો માર્ગ મોટેભાગે યાતનાનો હોય છે. આપણાં બધાં વહેમો અને નબળી માન્યતાઓ એમાં બળીને ખાક થઈ જાય છે. શ્રદ્ધા સુધી પહોંચું એ પહેલાં મારે જે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું એ આધુનિક જીવવિદ્યાવિજ્ઞાન અને આધુનિક પદાર્થવિજ્ઞાનને ઊભી કરી હતી. મારું એ માનવું છે કે શ્રદ્ધાની કોઈ પણ કલમ જો આ બે વિજ્ઞાનોએ આખરે પ્રસ્થાપિત કરેલી કોઈ પણ વસ્તુનો વિરોધ કરે તો એ પ્રમાણભૂત ન કહેવાય. પણ આ જ માત્ર શ્રદ્ધાની કસોટી નથી. એણે શ્રદ્ધાના માણસમાં આત્મલક્ષી તાકાતની અવસ્થા પણ ઊભી કરવી જોઈએ. આવી તાકાતથી આત્મવંચનામાં પડ્યા વગર વર્તમાન અનિષ્ટો અને દગાબાજ ભયોની સામે એનો આત્મવિશ્વાસ ઊભો થાય છે અને એની જીવવાની વૃત્તિ મજબૂત બને છે. એટલે શ્રદ્ધાની બૌદ્ધિક પ્રાથમિકતાઓ કડક, સર્વગ્રાહી અને સંકુલ હોવી જોઈએ. હું હવે મારા બૌદ્ધિક વલણને વ્યાખ્યાયિત કરીશ. આનો મેં મારી શ્રદ્ધા માટેના સ્પ્રિંગબોર્ડ તરીકે ઉપયોગ કર્યો છે. હું એને એકદમ શુષ્ક અને ચુસ્ત રીતે રજૂ કરીશ. આ પછી નિરદ ચૌધરીએ આઠ મુદ્દાઓ લીધા છે તે અતિ સંક્ષેપમાં જોઈએ : (૧) બ્રહ્માંડ કે વિશ્વ સામાન્ય અર્થમાં પદાર્થ નથી પણ ગતિની સ્ટૅન્ડર્ડ ભાતોમાં અતિ સૂક્ષ્મ એનર્જિની વ્યવસ્થા છે. (૨) ફિનોમિના કે મેટર ખરેખર આમ જુઓ તો હસ્તી નથી ધરાવતાં, એ માત્ર ઐન્દ્રિય પ્રત્યક્ષીકરણ છે. બધું જ ગુણ છે, કોઈ એવું નથી જે ચીજ છે. એટલે આપણે સંવેદનાઓ સાથે અને સંવેદનાઓ ઉપર જીવીએ છીએ. (૩) પારંપરિક રીતે ફિનોમિના અને નૌમેના (નિરિંદ્રિય), મેટર અને સ્પિરિટ, દેખાવ અને વાસ્તવ વગેરે પ્રતિસ્થાપનાઓ વચ્ચે જે તફાવત કરવામાં આવે છે તે કલ્પિત છે. એવું કોઈ વાસ્તવ નથી જે એક કે બીજા પ્રકારની ઐન્દ્રિક અનુભૂતિ સિવાય આપણે માટે સાચું બને, અને જે નિરપેક્ષ વાસ્તવ માનવામાં આવે છે એ ઐન્દ્રિક અનુભૂતિની પાછળ રહેલા સ્વરૂપ અંગેનું અનુમાન છે. પણ વ્યાવહારિક રીતે માણસ માટે બંને સરખાં છે. (૪) વિશ્વ એના કાલગત પરિમાણમાં સતત પરિવર્તનશીલ પ્રવાહ છે. (પ) બ્રહ્માંડમાં એક પ્રક્રિયા તરીકે અને એનાં બધાં પિંડોમાં પણ કોઈ સંઘર્ષ નથી. બ્રહ્માંડમાં બધાની એકબીજા સાથે સંવાદિતા છે. એથી આપણને એ ભયાનક સત્યનો ખ્યાલ આવવો જોઈએ કે માત્ર માણસે એની પડેલી દશામાં સંઘર્ષ સર્જ્યો છે. (૬) દેહથી જુદો કહેવાતો આત્મા અસ્તિત્વ ધરાવતો નથી એટલે અમરત્વનો ખ્યાલ ખોટો છે. જેને આત્મા કહેવામાં આવે છે એ શરીરની પૂર્ણ ક્રિયાનું માત્ર વધારાનું પ્રગટીકરણ છે અને શરીરનો જ ભાગ છે. આથી એમ નીપજે છે કે માણસ મૃત્યુની પાર જઈ શકતો નથી અને પુનર્જન્મ જેવી કોઈ ચીજ નથી. (૭) કોઈ વ્યક્તિગત દેવ કે દેવતાઓ નથી કે બીજું વિશ્વ કે વિશ્વની પાર એવું બીજું કંઈ નથી. જો કંઈ પણ વિશ્વને હેતુસર ચલાવતું હોય તો એ વિશ્વમાં જ અંતર્ભૂત હોવું જોઈએ. (૮) બૌદ્ધિક જ્ઞાન એ આંશિક જ્ઞાન છે. આ જ્ઞાન આપણને ‘કેવી રીતે’ અને ‘ક્યાંથી’ કહી શકે છે, પણ ‘શા માટે’ અને ‘કઈ તરફ’ કહી શકતું નથી. એ મૂલ્યો પણ જોઈ શકતું નથી; જોકે એ ગુણોનું વિશ્લેષણ કરી શકે છે અને એમની વચ્ચેના તફાવતો જોઈ શકે છે. એટલે જ્ઞાન અસ્તિત્વની પૂરી સમજ આપણને ક્યારેય આપી શકે નહીં. આ બૌદ્ધિક પૂર્ણ ધારણાઓ એટલી તો સર્વવ્યાપી છે કે નિરદ ચૌધરી સ્વયં કહે છે કે તમે પૂછશો કે તો પછી શ્રદ્ધાએ શું કરવાનું બાકી રહે છે? મારો જવાબ એ છે, જે કંઈ સુખ માટે કરી છૂટવાનું હોય તે બધું જ. હા, જો માણસજાત માત્ર બાયોલૉજિકલ એષણાથી પ્રાણીઓની જેમ જીવવા માંગતી હોય તો જુદી વાત છે. જીવવા પ્રત્યેના સભાન આનંદનો આધાર મૂલ્યોનું પ્રત્યક્ષીકરણ, અસ્તિત્વની અર્થવત્તા અને સુપ્ત શક્તિઓ ઉપર છે. માત્ર શ્રદ્ધા જ બ્રહ્માંડમાં આ વસ્તુ લાવી શકે, એ સિવાય બ્રહ્માંડ તટસ્થ છે. આપણે શ્રદ્ધાના ગર્ભગૃહ સુધી પહોંચતાં પહેલાં જ્ઞાનની વાત કરી. ઐન્દ્રિક પ્રત્યક્ષીકરણ, બુદ્ધિશક્તિ, આંતરપ્રેરણા – આ બધાં જરૂરી અસરકારક અને પ્રમાણભૂત જ્ઞાનનાં સાધનો છે. હું માનું છું કે જ્ઞાનને એક બીજી વિરલ શક્તિની પણ જરૂર છે જે કેટલાંક મન ધરાવે છે; આવાં મન કંઈક રાડાર જેવાં કિરણો અનનોનમાં મોકલાવે છે અને જાણે કંઈક મેળવ્યું હોય એમ એમને લાગે છે. અહીં જ્ઞાન લગભગ કૃપાની ભેટ ન હોય એ કક્ષાએ પહોંચી જાય છે. હજી પણ શ્રદ્ધાના ગર્ભગૃહ સુધી પહોંચતાં પહેલાં બીજી એક પ્રાથમિકતાનો પણ વિચાર કરી લેવો પડે. મૃત્યુ માટે સાચો પ્રમાણભૂત ખ્યાલ હોવો જરૂરી છે. આજકાલ જે પોતાને આધુનિક કહેવડાવે છે એમનો જે મૃત્યુ પ્રત્યેનો ઉદાસીનતાનો દેખાવ છે એના જેટલું બીજું કંઈ તિરસ્કારપાત્ર નથી. એમાં નથી હિંમત કે નથી વાસ્તવવાદ, એ માત્ર હૃદયશૂન્યતા છે; કારણ કે આ ઉદાસીનતા બીજાંઓનાં મૃત્યુ પ્રત્યે જ દાખવવામાં આવે છે. પોતાના મૃત્યુની બાબતમાં તો ભૂલકણાપણું છે – સત્તા, સમૃદ્ધિ અને સલામતીએ ઊભું કરેલું ભૂલકણાપણું, મૃત્યુથી આમ ભાગવું એટલે વાસ્તવથી ભાગવું, નરી બેવકૂફી. માત્ર પ્રાણીઓ મૃત્યુથી વિસ્મૃત હોય છે. માણસ એમ રહી શકે નહીં, કારણ કે માણસ પોતાની આસપાસની સારપ અને સૌંદર્યથી સજગ છે અને જ્યાં સુધી પોતે જીવતો છે ત્યાં સુધી તો એને એ શાશ્વત અને અનંત લાગે છે. પોતાના મૃત્યુ સાથે આ બધાંનો પોતા માટે સદંતર અંત આવી જશે એ વિચાર એને અસહ્ય થઈ પડે છે. આવી સંવેદનશીલતા એ ન ધરાવે તો એ બરાબર ન કહેવાય. સારા નસીબે મારી સોળ વર્ષની ઉંમરથી જ મારામાં એ હતી અને એથી હું પીડાવા લાગ્યો હતો. આજે તો મૃત્યુને હું બૌદ્ધિક રીતે જીવવિદ્યાજ્ઞાનના પ્રકાશમાં સ્વીકારું છું કે દરેક જીવતી વ્યક્તિનો મૃત્યુ એ ન છટકી શકાય એવો અંત છે અને નૈતિક રીતે એક અંગ્રેજી ઉક્તિ પ્રમાણે હું માનું છું કે જે માણસ મરવાને લાયક નથી એ જીવવાને પણ લાયક નથી. હું બધું મૃત્યુની કસોટી ઉપર ચઢાવતો હોઉં છું. મારી નજીવી ઇચ્છાઓની બાબતમાં પણ એમ કરું છું. દાખલા તરીકે મારે એક વખત એક કટ-ગ્લાસની ફૂલદાની ખરીદવી હતી; મેં મને પૂછ્યું કે જો હું કાલે મરી જવાનો હોઉં તોપણ આ ચીજ ખરીદવા જેવી ખરી? જ્યારે જવાબ ‘હા’માં આવ્યો ત્યારે જ મેં ખરીદી. હું જે કંઈ પ્રાપ્ત કરું એનું મારા અસ્તિત્વથી અલગ કંઈક મૂલ્ય હોવું જોઈએ. અલબત્ત, મારે એમ કહેવું નથી કે મારી સફળતાઓ અને મારી પ્રાપ્તિઓએ મને આનંદ આપ્યો નથી. પણ જો હું એમ કહું કે મૂલ્યની નિરપેક્ષ વિચારણા પણ મારે માટે ઓછું વજન ધરાવતી નથી તો એ દંભ નથી. મૃત્યુને યાદ કરીને હું મારી ઘણી ગેરમાર્ગે દોરનારી તૃષ્ણાઓને ટાળી શક્યો છું. મેં ઘણી વાર રાજકીય કારકિર્દીનો વિચાર કર્યો છે. પણ આવી મહેચ્છાઓ હું છોડી શક્યો છું. હું જોઈ શક્યો કે ધારો કે હું રાજ્યકર્તા બની પણ શક્યો હોત, જોકે મારામાં એટલી સમજણ હતી કે એ ખાસ સંભવિત નહોતું, તોપણ મેં એક રાજ્યકર્તા તરીકે જે કર્યું હોત એનું મારા મૃત્યુ પછી કંઈ પણ મૂલ્ય ન હોત. મેં મારા ઘણા સાહિત્યિક મિત્રોને રાજકારણ માટે સાહિત્ય છોડી દેતા જોયા છે. પણ એ એમને માટે કરુણાન્તિકા બની રહી. માત્ર ધર્મ જ એવી વસ્તુ છે જે મૃત્યુને કશા ટ્રેજડીના ભાવ વગર આંબી શકે છે. પણ મારામાં ધાર્મિક શ્રદ્ધા ન હોવાને કારણે મારે માણસ જે કંઈ બધું કરે છે એનું, જે દુનિયામાં એ જીવે છે અને જે અંતે એને છોડી જવાની છે એમાં શું પ્રદાન છે એની કસોટી કરવી પડતી હોય છે. હું પચાસ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો મૃત્યુએ ઊભા કરેલા પ્રશ્નનો જવાબ શોધી શક્યો. વ્યક્તિના જીવનનો મૃત્યુ સાથે આખરી અંત આવે છે. આપણું શરીર એક ભૌતિક પદાર્થ છે; એનર્જીથી જીવતું એકમ છે, જે એનર્જી ખતમ થવાથી અંત પામે છે. માણસનું જીવન પ્રાણીના જીવન કરતાં જુદું છે એમ પણ હું માની શક્યો નહીં. જો બધી જ વસ્તુઓનો સર્જનહાર ભગવાન હોય તો માત્ર માણસને જ મૃત્યુ પછી જીવન બક્ષે અને પ્રાણીને નહીં! અને એવા માણસને જે બધું જ ખોટું કરવાને શક્તિમાન છે; જ્યારે પ્રાણી કશું જ ખોટું કરી શકતુંં નથી. આથી હું ઝડપથી નિષ્કર્ષ ઉપર આવ્યો કે માણસ અને પ્રાણી જીવન અને મૃત્યુની બાબતમાં સમાન છે અને બંને એનર્જિનાં અલગ પિંડો અખિલ એનર્જિ જે વિશ્વ છે એની સાથે અતૂટપણે સંકળાયેલાં છે. આમાંથી એ ફલિત થાય કે એક ચોક્કસ હેતુ માટે અને સીમિત સમય માટે એક પિંડ વિશ્વના અસ્તિત્વ સાથે એક સુસંગત ભૂમિકા ભજવવા માટે આવે છે. તો પછી પ્રશ્ન થાય કે આ બાયોલૉજિકલ બેટરી જે માણસ છે એને શું કરવાનું હોય છે? જવાબ સાદો અને સ્પષ્ટ છે; જેટલે અંશે માણસ પ્રાણી છે એણે પોતાની સ્પીસિઝને પેદા કરતા રહેવાની છે અને એ રીતે જીવનનું સાતત્ય ટકાવી રાખવાનું છે. પણ માણસને આ કરતાં વિશેષ કરવાની પરવાનગી છે. એનામાં કુદરતી વૈશ્વિક સર્જનની પેદોશોમાં પોતાના મનોવ્યાપાર દ્વારા તદ્દન અલગ પ્રકારની બનાવેલી ચીજોનો ઉમેરો કરવાની શક્તિ છે. પાષાણયુગથી શરૂઆત કરીને એ રૉકેટ સુધી પહોંચી ગયો છે. સાંસ્કૃતિક અસ્તિત્વના ખૂબ જ શરૂઆતના તબક્કામાં એણે પિરામિડો બાંધ્યા. આ સ્થાપત્યની સિદ્ધિ પછી એવી જ બીજી સ્થાપત્યની સિદ્ધિઓએ મંદિરો અને દેવળોની રચનાઓમાં દેખા દીધી. સ્થાપત્ય ભૌતિક પદાર્થોની ભૌમિતિક આકૃતિમાં રહેલા સૌંદર્યની નવી વિભાવના લાવ્યું. માણસની બીજી અને વધારે મહત્ત્વની સર્જનાત્મક શક્તિ એની માનસિક દુનિયામાં રહેલી છે. પ્રાણી સ્વયંસંચાલિત સર્જક છે, પણ માણસ પોતાની સંકલ્પશક્તિથી પણ સર્જન કરે છે. માણસની આ બે જાતની શક્તિ અપાર દેખાય છે, પણ જીવવિદ્યાવિજ્ઞાન અને પદાર્થવિજ્ઞાન જે નિષ્કર્ષ ઉપર આવ્યાં છે એની અસંગતિ અસ્વસ્થ કરી મૂકે એવી છે. આજનું પદાર્થવિજ્ઞાન ભૌતિક વિશ્વના અંતની આગાહી કરે છે; એનર્જિ ખૂટી જશે કે ભૌતિક વિશ્વનો અંત આવશે અને એ એનર્જિ ભરી શકાશે નહીં. હું જાણું છું કે કેટલાક ગણિતશાસ્ત્રીઓ આને આખરી સત્ય નથી માનતા. આની સામે જીવવિદ્યાવિજ્ઞાનના તજ્જ્ઞો જીવંત વસ્તુઓની સર્જનપ્રક્રિયામાં કશી નિષ્ફળતા જોતા નથી. ત્યારે આપણે શું એમ માનવું કે પૃથ્વી ઉપર સતત ચાલતી રહેલી સર્જનની ઘટના એ વિશ્વના ભૌતિક અસ્તિત્વના સીમિત સમય પૂરતી મર્યાદિત છે? એટલે કે પદાર્થવિજ્ઞાને ભાખેલા ભૌતિક વિશ્વના અંત સાથે એનો અંત આવશે? તો પછી પ્રશ્ન થાય કે જીવન અસ્તિત્વમાં જ શા માટે આવ્યું? આ પદાર્થવિજ્ઞાન અને જીવવિદ્યાવિજ્ઞાન વચ્ચેનો સંઘર્ષ આપણને એવા બિંદુએ લાવી મૂકે છે કે આપણે શું એમ માનવું પડે કે સમસ્ત સર્જન અર્થવગરનો અકસ્માત છે, ઇર્રેશનલ ખેલ છે? કે પછી કોઈક રેશનલ હેતુ છે જે હજી સુધી આપણે જાણી શક્યા નથી? માનવીય મન આવી અર્થહીનતાને કબૂલ કરી શકતું નથી – ખાસ કરીને જ્યારે આખરી પરિણામને બાદ કરતાં બધું તર્કસંગત અને અર્થપૂર્ણ લાગતું હોય. પણ માનવીય જ્ઞાનના હમણાંના આ તબક્કે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનું કોઈ સાધન દેખાતું નથી. અને ધારો કે માની લઈએ કે ભૌતિક વિશ્વ અને જીવંત સૃષ્ટિનું અનંત સહઅસ્તિત્વ રહેશે તોયે એની પણ મારા જેવી માનવકેન્દ્રી શ્રદ્ધાને વાંધો રહે છે. આ ભૌતિક વિશ્વના વિશાળ વ્યાપ અને માનવીય જીવન વચ્ચેનું જે વિષમ પ્રમાણ છે કે પૃથ્વી ઉપરનું સમસ્ત જીવન અને માનવીય જીવન વચ્ચે જે વિષમ પ્રમાણ છે એનો વિચાર કરતાં આ વાંધો ઊભો થયો છે. શા માટે સર્જનની સૌથી ઉચ્ચ આખરી પેદાશ એ અસ્તિત્વનો અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ હોય? ધાર્મિક શ્રદ્ધાને અલબત્ત, આવા વિરોધનો વિચાર કરવો પડતો નથી. જોકે એ પણ એટલી જ માનવકેન્દ્રી છે. એ આ ભૌતિક વિશ્વને વાસ્તવિકતા તરીકે ઓળખતી નથી એટલે ધાર્મિક શ્રદ્ધાને માનવીય જીવન અને ભૌતિક વિશ્વ વચ્ચેની અસમાનતા સમજાવવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. પણ મારી શ્રદ્ધા જુદી છે. એ બ્રહ્માંડ પૂરતી સીમિત છે, અને એટલે મારે એ બતાવવું જોઈએ કે હેતુ જે વિશ્વમાં અંતર્ભૂત છે એને શા માટે માત્ર એક કણમાં જ જોવો જોઈએ અને બીજું બધું શૂન્યાવકાશમાં છોડી દેવું જોઈએ? પાસ્કાલનું દર્દથી બોલી ઊઠવું, ‘The eternal silence of these infinite spaces frightens me’ – આની પાછળ આ દ્વિધાની સજગતા રહી છે. વિશ્વના આ અમાનવીય ભાગને નકારવો એ માણસની એકદમ ઉદ્દંડ ગર્વિષ્ટ અભિવ્યક્તિ છે. હું પોતે વિશ્વ એક સર્જનાત્મક પ્રક્રિયા છે, એ બિન-ધાર્મિક દૃષ્ટિબિંદુ ઉત્ક્રાન્તિની ઉપપત્તિના જોરે આવી પહોંચ્યો. ઉત્ક્રાન્તિની પ્રક્રિયા એવી છે કે ધીમે ધીમે જેમજેમ ક્રમ ઉપર જતો જાય છે એમ એનો જથ્થો ઘટતો જાય છે. જેમ કે ભૌતિક વિશ્વ જીવતી દુનિયા કરતાં અનેક ગણું મોટું છે, પૃથ્વી ઉપરનું એક-કોષી જીવન બહુ-કોષી જીવન કરતાં ઘણી મોટી સંખ્યામાં છે; વનસ્પતિનું રાજ્ય પ્રાણીના રાજ્ય કરતાં મોટું છે; અપૃષ્ટવંશી પ્રાણીઓ (invertibrate) પૃષ્ટવંશી (vertibrate) પ્રાણીઓ કરતાં મોટી સંખ્યામાં છે. બિનસ્તન પ્રાણીઓનું પણ સસ્તન પ્રાણીઓની સરખામણીમાં આવું જ છે. આ આખું દૃશ્ય અને સાથે ઉત્ક્રાન્તિનો ઇતિહાસ બતાવે છે કે વૈશ્વિક સર્જનની પેદાશો સતત ઊંચે જતા અને સાથે સાથે સંકોચાતા જતા જીવંત પિરામિડોના ભાગો છે, જેમાં જે બધું નીચે છે એ જે ઊંચે છે એ કરતાં મોટું છે, અને જે ટોચ ઉપર છે એ કદમાં તળિયા સાથે કોઈ ગુણોત્તર (Ratio) કે પ્રમાણ ધરાવતું નથી; એવી જ રીતે ગુણની બાબતમાં તળિયાની ટોચ સાથે કોઈ સરખામણી જ નથી. શા માટે કદ અને અર્થવત્તામાં સર્જનની પહેલી પેદાશ અને અંતિમ પેદાશ વચ્ચે આટલો વિશાળ તફાવત હોવો જોઈએ? વિશ્વના દૃષ્ટિબિંદુથી તો આનો કોઈ તૃપ્તિકર જવાબ ન હોઈ શકે. પણ માણસ પોતાના દૃષ્ટિકોણથી હંમેશ એનો જવાબ આપશે. એ કહેશે કે માત્ર ગુણની જ કિંમત છે, અને એમ પણ કહેશે કે માણસ પાસે માત્ર ગુણ જ એના ઉચ્ચતમ પ્રગટીકરણરૂપે નથી, પણ એની સાથે સાથે એની પાસે એની સજગતા પણ છે. આવી સભાનતા માણસને માનવકેન્દ્રી બનાવી જ દે. સાચી કે ખોટી રીતે માણસ પોતાની શ્રદ્ધા માણસને કેન્દ્રમાં રાખી ઊભી કરે છે. પણ કદાચ આ બધી મુશ્કેલીઓ છતાં શ્રદ્ધા રાખવી વ્યાજબી છે અને બૌદ્ધિક શંકાઓ બાજુએ મૂકીને હું નીચે પ્રમાણે શ્રદ્ધાની કબૂલાત કરું છુંઃ (૧) હું માનું છું કે વિશ્વ Self-increate છે, (એટલે કે કોઈએ સર્જ્યું નથી) અને એમાં જે છે એ બધાં મૂલ્યો જેવાં કે પદાર્થ, જીવન, મન, બુદ્ધિ, નૈતિકતા, આધ્યાત્મિકતા વગેરે આવી જાય. આ વિશ્વનો અંત નથી, જોકે કદાચ એનો આરંભ હોઈ શકે. તાર્કિક અભિપ્રાય કે જેને આરંભ હોય એનો અંત પણ હોવો જોઈએ એ આ બાબતમાં સાચો નથી. (૨) હું માનું છું કે વિશ્વ એના પ્રવાહમાં સતત પરિવર્તનશીલતામાં હેતુપરક છે, અને હેતુ આંશિક રીતે સિદ્ધ થયો છે, પણ એનો મોટો ભાગ હજી ફલિત થવો બાકી છે, અને આ હેતુમાં માણસના મને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જે કંઈ ઉચ્ચતમ મૂલ્યોની ઝંખના કરી છે, જેવાં કે સૌંદર્ય, સારપ, સાચાપણું કે પવિત્રતા એ બધાનો સમાવેશ થાય છે. (૩) હું માનું છું કે વિશ્વમાં હેતુ અંતર્ભૂત છે અને બાહ્ય નથી. એક સંપૂર્ણ વિચાર તરીકે પહેલેથી જ હસ્તી ધરાવતો નથી, પણ પ્રત્યેક પળે હેતુ અપૂર્ણ છે અને અનંત સુપ્ત શક્તિઓ ધરાવે છે. (૪) હું માનું છું કે ઇષ્ટ જિંદગી એ છે કે જે વિશ્વની સર્જનાત્મક પ્રક્રિયા સાથે સંવાદિતા ધરાવતી હોય. હિંદુ ધર્મો અને એની તાત્ત્વિક વિચારણા સાથે જે પરિચિત છે એ મારી શ્રદ્ધા અને હિંદુ અદ્વૈતવાદ જે વ્યક્તિગત આત્મા અને વૈશ્વિક આત્મા એક છે એમ કહે છે એ સાથે સંબંધ જોઈ શકશે. પણ મારે માટે આટલું જ પૂરતું નથી. મારી શ્રદ્ધાની પ્રમાણભૂતતા મારે માટે એણે જે કર્યું એમાં રહી છે. શારીરિક અને માનસિક બંને રીતે નબળા માણસને આ શ્રદ્ધાએ નેવું વર્ષ સુધી કાર્ય કરવા માટે આત્મવિશ્વાસ આપ્યો છે. એણે દુનિયા સામે કે વ્યક્તિઓના કોઈ એક જૂથ સામે ફરિયાદો કરવામાંથી મને બચાવ્યો છે. ગરીબાઈ કે અભાવના વળતરરૂપે ધિક્કાર, દ્વેષ કે વિષયલંપટતામાંથી મને એણે બચાવ્યો છે. ક્યારેય મારી શ્રદ્ધા પાયાહીન છે એમ હું માની શકું નહીં. છતાં મારા જીવનમાંની વિશિષ્ટ પરિસ્થિતિઓમાં શ્રદ્ધાએ મારે માટે જે કર્યું એ ઉપરથી હું મારી શ્રદ્ધા બીજાને ધરી શકું નહીં. વધારે સામાન્ય માનવીય પરિસ્થિતિઓમાં અને અનિષ્ટો અને આફતો સામેની ઢાલરૂપે મારે એ શ્રદ્ધાની સંભવિતતા બતાવવી પડે. જૉબના સમયથી માણસ આવાં અનિષ્ટો અને આફતોના સમયે પોતાની શ્રદ્ધામાંથી ડગમગી ઊઠ્યો છે. પણ જે ઐતિહાસિક ઘટનાઓમાંથી આખી માનવજાત સહિત મારે જીવનના એક જ કાળ દરમ્યાન પસાર થવું પડ્યું એ વળી શ્રદ્ધા માટે મોટી કસોટી થઈ પડી. માનવજાતના આ પહેલાંના આખા ઇતિહાસનાં બધાં જ અનિષ્ટોની નોંધ લો તોપણ આની સાથે સરખામણી થઈ શકે નહીં. સૌથી છેલ્લા પડકારો એટલા તો ભયાનક છે કે યહૂદી પયગંબરો એમની ક્રોધ કરવાની અપ્રતિમ શક્તિ સાથે પણ એમનો મુકાબલો કરી શકત નહીં. પહેલાં હું જૂના પડકાર બાબત વાત કરીશ. ખ્રિસ્તી ધર્મશાસ્ત્રીઓ અને નીતિવેત્તાઓને સમાજમાં અનિષ્ટ એટલું તો સર્વવ્યાપક અને આક્રમક લાગ્યું કે એમની હતાશામાં એમણે અનિષ્ટને માણસની બહાર છતાં માણસ ઉપર કામ કરતો અલગ દરજ્જો આપી દીધો. બધા જ શ્રદ્ધાના માણસોને આ અનિષ્ટની સંકલ્પનાને એની જગ્યાએ રાખવી પડે કારણ કે શ્રદ્ધા એટલે જ પરમ ઇષ્ટમાં વિશ્વાસ. તો પછી પ્રશ્ન થાય કે જો ઇષ્ટ એ જ માનવીય જીવનમાં આખરી વાસ્તવિકતા છે તો અનિષ્ટને શા માટે ટકવા દેવામાં આવે છે? ફ્રૉઇડે ક્રૂસોને પૂછ્યું કે ભગવાને શેતાનને કેમ મારી ન નાખ્યો? ધર્મશાસ્ત્રની અને નીતિની બધી જ પદ્ધતિઓ આ અસંગતિને બાથમાં લેવા મથી છે, પણ અત્યાર સુધી કોઈ પણ ખુલાસો પ્રતીતિકર નથી જણાયો કારણ કે એની વિચારણા મુખ્યત્વે ધર્મશાસ્ત્રપરક અને કંઈક અંશે નૈતિક રહી છે. આ વિચારણા પ્રમાણે અનિષ્ટ ઇષ્ટ જેટલું જ સ્થાયી છે અને એટલી જ વાસ્તવિકતા ધરાવે છે. ખરેખર તો અનિષ્ટ પ્રત્યેનો અભિગમ જો બાયોલૉજિકલ હશે તો જ એ પૂરતો તર્કસંગત બની શકશે. મેં આ દૃષ્ટિકોણ અપનાવ્યો છે. હું હિંદુ તરીકે જન્મ્યો અને મારો ઉછેર હિંદુ નીતિ પ્રમાણે થયો એનો વળી મને વધુ લાભ મળ્યો છે. એક ધર્મ તરીકે હિંદુત્વ પાસે અનિષ્ટને માટે કોઈ ધર્મશાસ્ત્રીય સિદ્ધાંત નથી. ખ્રિસ્તી ધર્મની જેમ એણે અનિષ્ટને સ્વતંત્ર દરજ્જો (જેમ કે શેતાનની કલ્પના) આપ્યો નથીઃ અનિષ્ટને નીતિના પ્રદેશમાં સીમિત કરીને એણે સંતોષ માન્યો છે. હિંદુ ધર્મ અને નીતિ બંને માણસમાંની નિષ્ફળતા જે છ આવેગોને કારણે ઊભી થઈ છે એને અનિષ્ટ માને છે. આ આવેગો ષડ્રિપુ તરીકે વર્ણવાયા છે, એ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આથી જોઈ શકાશે કે હિંદુઓએ પ્રાકૃતિક ઇચ્છાઓના દુરુપયોગને નૈતિક અનિષ્ટ ગણ્યું છે. આ ઉપરથી હું જોઈ શક્યો કે વર્તનમાંથી નીપજતી બધી જ નિષ્ફળતાઓને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રીઓ અને નીતિવેત્તાઓ અનિષ્ટ ગણે છે એ ખરેખર તો માણસે ગુમાવી દીધેલો પ્રાણીનો દરજ્જો છે. આ પ્રાણીનો દરજ્જો એટલે કે માનવીની બાયોલૉજિકલ ઇચ્છાઓ ઉપર જન્મજાત નિયંત્રણ. પ્રાણીઓમાં તો જેમ ઉત્કટ ઇચ્છાઓ કામ કરતી હોય છે એમ જ એની સાથે જન્મજાત નિયંત્રણ પણ આપોઆપ કામ કરતું હોય છે. કોઈ પ્રાણી જરૂરિયાત કરતાં વધુ ખાતું નથી હોતું. સ્પિસીઝને જાળવવાની જરૂરિયાત કરતાં વધારે સંભોગ નથી કરતું હોતું; જરૂરિયાત કરતાં વધુ મારતું નથી હોતું. જો માણસે આ પ્રાણીનો દરજ્જો જાળવીને માત્ર એમાં ડહાપણ ઉમેર્યું હોત તો આખા વિશ્વમાં ક્યાંય અનિષ્ટ ન હોત, કારણ કે માણસ સિવાય અનિષ્ટની ક્યાંય હસ્તી નથી. પણ કમનસીબે જે શક્તિએ માણસને નવી ચીજો બનાવતો કર્યો એણે માણસને અનિષ્ટ કરવા તરફ પણ ઢળતો કર્યો. એટલે માનવીય દરજ્જાના તબક્કાથી જ એ પોતામાં પોતાથી વિભક્ત થઈ ગયો. એટલે જ પાસ્કાલે કહ્યું કે માણસ કઈ જાતનો રાક્ષસ છે, કઈ જાતનું નાવીન્ય છે, કઈ જાતની અરાજકતા, અસંગતિઓનું પોટલું છે, વિશ્વથી બહિષ્કૃત, વિશ્વનું ઐશ્વર્ય છે? માણસની પ્રકૃતિનું આથી વધારે સાચું નિદાન બીજે ક્યાંય સાહિત્યમાં થયું નથી. શૅક્સપિયરે માણસની સારી બાજુ જોઈ અને વખાણી; એમણે હેમ્લેટ પાસે કહેવડાવ્યું, ‘What a piece of work is man!’ હેમ્લેટ માણસને ‘Paragon of animals’ કહે છે, એવું નથી કે શૅક્સપિયર માણસમાં રહેલા અનિષ્ટ પ્રત્યે અંધ હતો. એમ હોત તો એણે કરુણાન્તિકાઓ ન લખી હોત. શૅક્સપિયરે અનિષ્ટ સાથે અલગ રીતે કામ પાડ્યું કારણ કે એ ધર્મનો કે નીતિનો માણસ નહોતો. એ પ્રબોધકાળનો માનવતાવાદી હતો. જ્યારે શૅક્સપિયર સિલ્વિયાને પવિત્ર કહે છે ત્યારે એને મન પવિત્ર એટલે માત્ર શુદ્ધ, પણ ધર્મની રીતે શુદ્ધ નહીં. પણ છતાં શૅક્સપિયર માત્ર નીતિની નદીમાંથી થોડું જુદું ફંટાઈ ગયેલું વહેણ હતો. કોઈએ નીતિ સામે સ્વતંત્રતા જાહેર કરી નહોતી. ઊલટું માણસની માનસિક ઉત્ક્રાન્તિનો નોંધાયેલો આખો ઇતિહાસ બતાવે છે કે બધા ગુરુઓએ નીતિ નિપજાવીને માણસોના આવેગનો દુરુપયોગ અટકાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ બહુ દૂરના નહીં, થોડા જ કાળ પહેલાં અસ્તિત્વમાં આવેલી નીતિ એટલાં ઊંડાં મૂળિયાં સાધી શકી નહીં કે પ્રાણીના કુદરતી નિયંત્રણની જેમ સંપૂર્ણ નિયંત્રણ લાવી શકે. આ પછી અનિષ્ટ અંગે નૈતિક અને ધર્મશાસ્ત્રીય ખ્યાલ ઉદય પામ્યો. પણ ધર્મશાસ્ત્રીઓએ જે ઉપાયો બતાવ્યા તે રોગ કરતાં વધુ ખરાબ હતા. સૌ પ્રથમ એમણે પ્રાકૃતિક ઇચ્છાઓના માત્ર દુરુપયોગને નહીં, પણ સ્વયં ઇચ્છાઓને વખોડી કાઢી, અને એમનો સંપૂર્ણ નકાર કર્યો. પણ માણસને માટે પોતાની પ્રકૃતિનું સંપૂર્ણપણે દમન કરવું કેટલું તો મુશ્કેલ છે એ ખ્યાલ આવવાથી ખ્રિસ્તી ધર્મે બીજા ક્રમાંકના વૈકલ્પિક જીવનની વાત કરી : “Blessed are the poor in spirit; blessed are the meek.” આ શબ્દો જિસસના મુખમાં મૂકવામાં આવે છે. એમનો ઇરાદો માણસને આ રીતે અનિષ્ટ કરતો અટકાવવાનો હતો. ખરેખર એ વિચિત્ર છે કે નિષ્ક્રિય જીવનની અને સામાન્ય માણસની સ્તુતિ યહૂદીઓએ કરી છે જેમણે સેલ્ફ-એસર્શનથી માનવજાત માટે બનતું કર્યું છે અને એવી જ બીજી સેલ્ફ-એસરટિવ મુસ્લિમ કોમે આવા નિષ્ક્રિય જીવનના નૈતિક-અભિગમને ટેકો આપ્યો. અને એ પણ ઓછું વિચિત્ર નથી કે આ બંને કોમોના સ્થાપકો–મોઝિઝ અને મોહમ્મદ poor in spirit કે meek નહોતા. અને એથી પણ વધુ વિચિત્ર એ છે કે યુરોપિયનોએ આ નૈતિક આદર્શ અપનાવ્યો; પણ પ્રકૃતિથી જ યુરોપિયનો પોતાની પ્રભુત્વ જમાવવાની ઉત્કટ ઇચ્છાને દબાવવા માટે અશક્તિમાન છે; જ્યારે હિંદુઓએ પ્રભુત્વ જમાવવાની ઇચ્છાને ક્યારેય વખોડી કાઢી નહીં, પણ માણસની આધ્યાત્મિક શાંતિ માટેની ઝંખના જેટલી જ કાયદેસર ગણી. યુરોપી વિચારણાના આ વિરોધાભાસે મને હંમેશાં મૂંઝવ્યો છે. ટૂંકમાં, અનિષ્ટના પ્રશ્ન તરફના ધાર્મિક અભિગમે – અને ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના અભિગમે માણસની બાયોલૉજિકલ ઇચ્છાઓ ઉપરના નિયંત્રણને ઘણું મુશ્કેલ બનાવી દીધું અને માણસને વધુ એનો દુરુપયોગ કરવા તરફ ધકેલી દીધો. નૈતિકતા, જે ક્યારેય માણસ ઉપર પૂરેપૂરી સત્તા જમાવી શકી નહીં એ હવે તો તદ્દન અપજશને પામી છે. આપણા યુગના જેવું નૈતિકતા ઉપરનું આવું આક્રમણ બીજા કોઈ યુગમાં થયું નથી, ખાસ કરીને આ આક્રમણ અમેરિકામાંથી આવ્યું છે. આ આક્રમણ વધુ સૂચક એટલા માટે બને છે કે નૈતિકતાની અવજ્ઞા માત્ર વ્યવહારમાં નથી થઈ, પણ વધુ નુકસાનકારક રીતે સૈદ્ધાન્તિક રીતે એની અવજ્ઞા કરવામાં આવી છે. આપણા યુગમાં અનૈતિકતા સામ્યવાદ જેટલી જ ઝનૂની બની ગઈ છે. શ્રદ્ધાનો માણસ બનવું હોય તો એનો મુકાબલો કરવાની તૈયારી હોવી જોઈએ. હું તો એટલું જ કહી શકું કે મેં જૂનાં અને નવાં બંને અનિષ્ટોને ધ્યાનમાં લીધાં છે. આ જાણે શ્રદ્ધાની કસોટી માટે પૂરતું અકળાવનારું ન હોય એમ ઇતિહાસમાં પહેલાં કદી નથી બન્યું એવી માનવતાની વર્તમાન પરિસ્થિતિનો મુકાબલો કરવાનું હવે આપણને આવ્યું છે; માણસની વિચાર કરવાની શક્તિ અને એની બનાવવાની (Make) શક્તિ વચ્ચેની સમતુલા તદ્દન ઊથલી પડી છે. ભૂતકાળમાં માણસની કરવાની કે બનાવવાની શક્તિ એટલી તો સીમિત હતી કે વિચાર એની સમાન કક્ષાએ જ હતો. એટલું જ નહીં, પણ એનું નિયંત્રણ કરી શકતો હતો. પણ આજે માણસની કલ્પી ન શકાય એવી ચીજો બનાવવાની શક્તિનો ફેલાવો થયો હોવાથી માણસે એની સાથે રહી વિચાર કરવાની શક્તિ ગુમાવી દીધી છે. આથી વિશિષ્ટ માનવીય પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાજુ સાંસ્કૃતિક જીવનની પૂરેપૂરી અવનતિ છે જેનું મુખ ભૂતકાળ તરફ રહેલું છે, તો બીજી બાજુ ભવિષ્ય તરફ જોતી યંત્રોદ્યોગિકીય (ટેક્નોલૉજિકલ) શક્તિ છે જેને વિકાસ કહેવો જોઈએ. શ્રદ્ધા આમ એની પસંદગીમાં બે વચ્ચે વિભાજિત છે. આ વિરોધ વધારે મૂંઝવનારો છે કારણ કે એવું કંઈ આગળના ઇતિહાસમાં બન્યું નથી; આપણી પાસે કોઈ પણ કાળની સાંસ્કૃતિક અને સામાજિક અવનતિની બરાબર માહિતી હોય તો તે ગ્રેકો-રોમન સભ્યતાની અવનતિની છે, અને ત્યાં આવું દેખાયું નથી. ત્યાંનું પતન બીજી સંસ્કૃતિઓનાં પતન જેવું જ હતું – જીવવાની ટેક્નિકમાંથી ઊભું થયેલું. જેમ કે ગ્રેકો–રોમન સભ્યતાના અવનતિના કાળમાં સામાજિક સાંસ્કૃતિક પતન બે ચીજોની વિરુદ્ધમાં હતું. આ બે ચીજો ભવિષ્ય માટેનાં સ્વપ્નાંઓ દેખાડતી હતી : એક પોતાના ધાર્મિક અને નૈતિક સંદેશા સાથેનો ખ્રિસ્તી ધર્મ અને બીજી ચીજ તે પોતાની શારીરિક પ્રાણશક્તિ દાખવતા જર્મન બર્બરો. આ જૂના વિરોધો માણસની વર્તણૂકને લગતા હતા, એમની ટેક્નોલૉજિકલ શક્તિને લગતા નહોતા. હમણાં ટેક્નોલૉજિકલ શક્તિ અનંતગણી વધારે છે, પણ એના વિરોધમાં જે છે તે સાર્વત્રિક માનવીય અવનતિ— શારીરિક તેમજ નૈતિક. પ્રથમ તો કોઈ નવી શ્રદ્ધા નથી, કે નથી પ્રાણશક્તિ અર્પતા જુવાન બર્બરો. ઓછામાં ઓછું સંસ્કૃત થયેલું બિનયુરોપીય આફ્રિકા પણ સામાજિક અને સાંસ્કૃતિક રીતે યુરોપિયનો જેટલું જ પડેલું છે. યુરોપિયનો જે હવે પોતાની નવી ટેક્નોલૉજી બિન-યુરોપિયનોને મોકલી રહ્યા છે એની સાથે સાથે પોતાની અવનતિનો પણ નિકાસ કરી રહ્યા છે. આ જેમની પ્રાચીન સંસ્કૃતિ હતી એવા ભારતમાંના મારા લોકો જે બીજું અમેરિકા ઊભું કરવાના યત્નમાં છે એમને માટે પણ આમ કહેવાનું થાય. આ દુન્યવી પરિસ્થિતિને વાસ્તવિક કે રીઝનથી જોઈએ તો આ અંધકારમય દેખાવમાં ક્યાંય પ્રકાશનું કિરણ નહીં દેખાય. આપણા યુગના ચિંતકોએ જો સામાજિક જીવનની અવનતિને નિખાલસ માન્યતા આપી હોત તો શ્રદ્ધાને ટકાવી રાખવાનો પ્રશ્ન આટલો મુશ્કેલ બન્યો ન હોત. એવું જો બન્યું હોત તો શ્રદ્ધા અવનતિ સાથે મેળ પાડી શકી હોત. અને સભ્યતા ઉદય અને પતનનું ચક્રાકાર દૃષ્ટિબિંદુ સ્વીકારી અનિવાર્ય અવનતિનો મુકાબલો કર્યો હોત અને કહ્યું હોત કે દુનિયાનો મહાન યુગ હવે નવેસરથી શરૂ થાય છે. પૃથ્વી સર્પની જેમ કાંચળી ઉતારે છે અને સોનેરી વર્ષો પાછાં ફરે છે. પણ આજના ઉત્તમ બુદ્ધિજીવીઓ પણ હું જેમ જોઉં છું એમ અંધકાર જોઈ શકતા નથી. એ લોકો કબૂલ કરતા નથી કે અવનતિ આવી રહી છે. પ્રત્યેક અવનતિની ઐતિહાસિક હિલચાલ આવી સંવેદનશૂન્યતા સર્જતી હોય છે. આવા કાળમાં બુદ્ધિજીવીઓની સામાન્ય આદત વાસ્તવિકતાની સન્મુખ ન થવાની છે. એમની અસાધ્ય પ્રકૃતિ જ એવી છે કે વાસ્તવિકતા ઉપર શબ્દોની ભાત બેસાડી દેવી. બુદ્ધિજીવીઓની દુનિયા આજે એક વાતોડિયા બુઢ્ઢાઓના વિશાળકાય આશ્રયગૃહ જેવી છે. પણ બૌદ્ધિક નિષ્ફળતા કરતાં પણ વધુ ગંભીર તો નૈતિક બાજુની ઉપેક્ષા કરવાનું વલણ છે. આવું વલણ ટેક્નોલૉજિકલ વિકાસથી ઉદ્ભવેલા ઉદ્દંડ ગર્વને કારણે ઊભું થયું છે અને આ ઉદ્દંડ ગર્વ સૌથી વધુ અમેરિકામાં જોવા મળે છે. એ લોકો એ પણ ભૂલી ગયા છે કે એમની ટેક્નોલૉજિકલ શક્તિ પ્રકૃતિના નિયમોમાંથી ઉદ્ભવી છે. પ્રકૃતિ પાસે એ લોકો એટલા અસહાય છે કે ભલે એ લોકો દૂર રૉકેટ મોકલી શકતા હશે, પણ વાવાઝોડા મારફત થતા ઘરોના વિનાશને રોકી શકતા નથી. બધા યુગો કરતાં આજે વિકાસ અને અવનતિ વચ્ચેનો સંઘર્ષ અનંતગણો મોટો છે. પણ છતાં એના પાયાનાં લક્ષણમાં ફેર નથી, માત્ર વિકાસ અને અવનતિના સંઘર્ષનો વ્યાપ ઘણો મોટો છે. માણસના સંકલ્પ કરતાં વિશ્વમાં રહેલી કોઈ ઉચ્ચતર સત્તાને માનતા શ્રદ્ધાના માણસો પોતાના અસ્તિત્વમાં રહેલા દ્વન્દ્વથી હંમેશાં મૂંઝાતા આવ્યા છે. અને એટલે એ બોલી ઊઠ્યા છે : O Promise! O menace! O dark mystery! How many evils, and how much good are predicted in turn! How can one with so much anger give so much love. પણ શ્રદ્ધાના માણસો હોવાને કારણે એમણે એમ પણ ગાયું છે : What new Jerusalem Rises from the depths of brilliant desert of clarity, And carries on its forehead The immortal mark? people of the earth sing. આ શ્રદ્ધાના એકરારમાં માનવીય પરિસ્થિતિમાં કોઈ દિવસ નહોતો એવો દ્વન્દ્વ ઊભો થયો હોવા છતાં હું જોડાઉં છું. વિસ્તૃત ફલક ઉપર એક પછી એક મુદ્દાઓ આવરી લઈ નિરદ ચૌધરીએ પોતાના સમગ્ર બૌદ્ધિક અને ભાવવિશ્વનું ચિત્ર આપણી સમક્ષ તાદૃશ કર્યું છે. એમની જ્ઞાનપિપાસા કયા વિષયને નથી સ્પર્શી? કેટલી બાજુઓ એ પ્રશ્નોની ચર્ચી શક્યા છે! એમની બૌદ્ધિક માન્યતાઓને સ્પ્રિંગબોર્ડ ગણી એમણે એમની શ્રદ્ધાની માંડણી કરી છે. જેમને માટે અસ્તિત્વનું રહસ્ય પામવાની સર્વોપરી ઝંખના છે. પણ જ્ઞાન સિવાય, બુદ્ધિ પર નિર્ભર રહેવા સિવાય પ્રકૃતિથી એમને ભક્તિ કે બીજા માર્ગો સહજ નથી, એમને માટે નિરદ ચૌધરીની ચિંતનધારા એવા તો પડકારો ઊભા કરે છે કે એનું આખું વિચારતંત્ર હાલી ઊઠે છે. હમણાં તો બસ અહીં જ થોભીએ અને વિમાસીએ આ બધા ઉપર, એથી વધારે અવકાશ પણ ક્યાં બચ્યો છે?

તા. ૨૦-૩-૯૪