પ્રતિસાદ/બાયસ્ટૅન્ડર ડ્રકર


શા માટે વર્ષો પછી આપણે કોઈક વાંચેલા પુસ્તકને યાદ કરીએ છીએ, અને શા માટે એ આપણી ચેતનાનો, આપણી સાયકીનો એક ભાગ બની જાય છે? શા માટે નવલકથાનું કોઈક પાત્ર આપણા અંતરતમમાં પ્રવેશી જાય છે – અને કદાચ આપણા મૃત્યુ સાથે જ મરણ પામે છે? એ શું એવું બીજ છે જે અંદર વૃદ્ધિ પામ્યા કરે છે – નવા અર્થો અને અર્થચ્છાયાઓનાં પર્ણો અને પુષ્પો એમાંથી ફૂટ્યા કરે છે, અને જીવનમાં આપણે જેમ જેમ આગળ ધપીએ છીએ એમ વધુ ને વધુ ઉત્કટતા અને ઊંડાણ ધારણ કરતું રહે છે? એ શું આપણા રક્તપ્રવાહ અને આત્મામાંનો ભૂકંપીય પ્રક્ષોભ છે જે આપણા જીવન ઉપર કાયમી પ્રભાવ મૂકી જાય છે? પુસ્તક શું કાફકાએ કહ્યું એમ ‘આપણી અંદર થીજી ગયેલા સમુદ્ર માટે કુહાડી છે?’

સીતાકાન્ત મહાપાત્ર



બાયસ્ટૅન્ડર ડ્રકર

‘Adventures of A Bystander’ પુસ્તકનું નામ એવું તો આકર્ષક ઠરે કે તમારા હાથમાં એ પુસ્તક આવે ત્યારે જ જંપો. પાછું તમે સાંભળો કે એના લેખક પીટર એફ. ડ્રકર આમ તો બિઝનેસ મેનેજમેન્ટના એક ઉત્તમ વિશ્લેષક છે, પણ જીવન તરફ જોવાની એમની અનોખી દૃષ્ટિ છે ત્યારે પુસ્તક માટે વધુ ઝંખના થાય.

બાયસ્ટૅન્ડર શબ્દ સૂચક છે. એ દ્રષ્ટા છે, પણ પડખે ઊભેલો દ્રષ્ટા છે – Chance Spectator છે. આપણે એને અછડતો દ્રષ્ટા કહી શકીએ. જોકે અહીં કામચલાઉ આપણે બાયસ્ટૅન્ડર શબ્દ જ વાપરીશું. બાયસ્ટૅન્ડર કૃષ્ણમૂર્તિનો નિરીક્ષક નથી, જ્યાં નિરીક્ષક અને નિરીક્ષ્ય એક હોય એવી ધારણા છે. બાયસ્ટૅન્ડરને આધ્યાત્મિક કોનોટેશન નથી. એનામાં જ્ઞાતા દૃષ્ટિદાતાની દૂરતા છે, પણ એ તીવ્રપણે આત્મલક્ષી છે. ટોળાશાહીની મહેચ્છાઓથી એ દૂર ભાગે છે; ખુદવફાઈને વરેલો છે. જોઈએ ડ્રકર આ બાબતમાં શું કહે છે : “બાયસ્ટૅન્ડરોને પોતાનો કોઈ ઇતિહાસ હોતો નથી. એ લોકો મંચ ઉપર હોય છે, પણ ક્રિયાનો કોઈ ભાગ નથી હોતા. એ લોકો પ્રેક્ષકો પણ નથી હોતા. નાટક અને નાટકમાં ભાગ લેતા દરેક નટના ભાગ્યોદયનો આધાર પ્રેક્ષકગણ ઉપર છે, જ્યારે બાયસ્ટૅન્ડરના પ્રતિભાવની અસર પોતા સિવાય કોઈને થતી નથી. વિંગમાં ઊભા રહીને એ જે ચીજો જુએ છે એ કોઈ નટ કે પ્રેક્ષક જોઈ શકતો નથી. સૌથી વધુ તો પ્રેક્ષક કે નટ જુએ એ કરતાં જુદી રીતે એ જુએ છે. બાયસ્ટૅન્ડરો વિચારે (રિફ્લૅક્ટ) છે અને એ ચિંતન દર્પણ નહીં, પરિવર્તન નથી કરતું, પણ ત્રિપાર્શ્વ – પ્રિઝમ છે, વક્રીભવન (રિફરેક્ટ) કરે છે.” આપણને અહીં આર. કે. લક્ષ્મણનાં ઠઠ્ઠાચિત્રોના કૉમનમૅન યાદ આવે. ઠઠ્ઠાચિત્રોના બધા જ પ્રસંગો અને વાતચીતોમાં એ ક્યાંક ને ક્યાંક ઊભેલો છે, નિર્દોષ સાક્ષી જેવો. એની નિર્દોષતા અને પાત્રોનાં બેવકૂફી ભરેલાં વિધાનો આપણને હસાવે છે. પણ બાયસ્ટૅન્ડરના – લેખકના ચિંતનરૂપી ત્રિપાર્શ્વમાં એણે જે કંઈ જોયું-જાણ્યું છે એનું વક્રીભવન — નિજી વિશ્લેષણ થાય છે. આ પુસ્તકમાં લેખક વિવિધ ક્ષેત્રોમાં જે જે વ્યક્તિઓના સમાગમમાં આવ્યા, અને જેમની ઊંડી છાપ એમના મન ઉપર પડી એમનાં વિલક્ષણ રેખાચિત્રો છે. આ બધી વ્યક્તિઓને એમની પૂરી સંકુલતામાં સમજવાનો લેખકનો પ્રયાસ છે. આની સાથે લેખક સ્વયંનું વ્યક્તિત્વ ઉઘાડ પામતું આવે છે, પણ લેખક કહે છે કે એ એનું ધ્યેય નથી. ડ્રકર જણાવે છે, “આ પુસ્તક જેમ અભ્યાસ નથી, એમ આપણા સમયનો કે મારા યુગનો ઇતિહાસ પણ નથી. મારા જીવનની ઘટનાઓનો ઉપયોગ મુખ્યત્વે પુસ્તકમાંનાં પાત્રોના પ્રવેશ માટે થયો છે. આ અંગત પુસ્તક નથી પણ મારા અનુભવો, મારું જીવન અને મારું કાર્ય એમની સંગત કરે છે, પુસ્તકનો વિષય નથી, પણ કોઈ ઉત્તમ તસવીરનો યત્ન હોય એમ ઉત્કટપણે આત્મલક્ષી છે. મને નોંધવા જેવા, વિચારવા જેવા, ફરી ફરી વિચારવા જેવા, ચિંતન કરવા જેવા લાગ્યા હોય એવા લોકોને પુસ્તકે હાથમાં લીધા છે. આવા લોકો અને ઘટનાઓને મારી પોતાની અનુભૂતિની ભાતમાં અને મારું જે કંઈ આજુબાજુના વિશ્વનું અને મારા અંદરના વિશ્વનું ખંડિત (ફેગમેન્ટરી) દર્શન છે એમાં બેસાડવાનું થયું છે.” લેખકનું કહેવું છે કે બાયસ્ટૅન્ડરો જન્મતા હોય છે, બનતા નથી હોતા. એની એને ખબર ક્યારે પડે છે? કોઈક તક મળતાં કે કોઈક પ્રસંગ ઊભો થતાં એનો એકદમ વિસ્ફોટ થાય છે. લેખકને પણ આમ બન્યું છે. એમના ચૌદમા જન્મદિવસને અઠવાડિયાની વાર હતી એ દિવસે ૧૧મી નવેમ્બર, ૧૯૨૩ને દિવસે એમણે શોધ કરી કે એ બાયસ્ટૅન્ડર હતા. ખૂબ તાદૃશપણે એમણે આ વાત મૂકી છે. એ કઈ રીતે અમુક ઘટનાના અનુસંધાનમાં તારતમ્ય ઉપર આવ્યા એ આખી વિચારપ્રક્રિયા પણ રસપ્રદ છે. આપણે આખી ઘટના એમના શબ્દોમાં જોઈએ : “મારા બાળપણના ઑસ્ટ્રિયામાં ૧૧મી નવેમ્બર પ્રજાસત્તાક દિન હતો. સમાજવાદી બહુમતી ધરાવતા વિયેનામાં પ્રજાસત્તાક દિન એ વિજય અને ઉજવણીનો દિવસ હતો. બપોર સુધી બધું તદ્દન બંધ રહેતું; ટ્રામો, ટ્રેનો, એમ્બ્યુલન્સ ગાડીઓ, બંબાઓ, પોલીસવાહનો માર્ગો ઉપર દોડી શકતાં નહીં. વિયેનાના કામદારોને શહેરનો કબજો સોંપી દેવાતો. ઊંચે લાલ ઝંડાઓ લહેરાવતા દરેક પરા અને લત્તામાંથી નગર-ખંડની સામેના મોટા ચોગાનમાં એ લોકો જૂનાં ક્રાંતિકારી ગીતો ગાતાં, પોતાની શ્રદ્ધાને નવું જીવતદાન આપવા, અને પોતાના નેતાઓને શોષણના મિથને અને ભવિષ્યના વર્ગવિહીન સમાજના પરમસુખને દોહરાવતા સાંભળવા માટે કૂચ કરી જતા.... ૧૧મી નવેમ્બર, ૧૯૨૩ને દિવસે હજી કામદારો એકઠા થવા માંડ્યા નહોતા એના કલાકો પહેલાં હું જ્યાં રહેતો હતો એ ડોબ્લિંગ જિલ્લાના યુવકોની ટુકડીની પહેલી કૂચ કરવામાં હતી. ટુકડીમાં જે સૌથી નાનો હોય, જેની પહેલી જ વાર ભરતી થતી હોય એને મોટા લાલ ઝંડાને લઈ આગળ ચાલવાનું માન મળતું – અને અલબત્ત એ દિવસે આગેવાની કરવાનું માન મને મળ્યું હતું. કાયદેસર રીતે તો મને કૂચ કરવાની પરવાનગી મળે જ નહીં, કારણ કે માધ્યમિક શાળાના વિદ્યાર્થીએ કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે ચૌદ વર્ષના હોવું જરૂરી હતું. પણ મારે માટે ખાસ કંઈ જોખમ નહોતું કારણ કે કાયદેસરની વયને માત્ર આઠ જ દિવસ બાકી હતા. વાત ભલે નજીવી અને બિનજોખમકારક હતી, પણ ગેરકાયદેસરતાએ આખી વસ્તુને વધુ રોચક બનાવી. ઉપરાંત હું એકાકી અને મારા વર્ગના સાથીદારોમાં તો બિલકુલ લોકપ્રિય ન કહેવાઉં એવો હતો. એટલે જ્યારે ડોબ્લિંગના સમાજવાદી કિશોરોના કડક સંચાલકે મને સરઘસની આગેવાની સ્વીકારવાનું કહ્યું ત્યારે મેં ઉત્સાહપૂર્વક એ વાત સ્વીકારી.” “અમે જ્યાં બીજા પડોશી જિલ્લાઓની માધ્યમિક શાળાઓની ટુકડીઓ અમારી પાછળ જોડાઈ ત્યાં સુધીના મોટા રસ્તાના જંકશન સુધી કૂચ કરી ગયા. પછી અમે ગાવાનું શરૂ કર્યું અને મેં ગર્વપૂર્વક ગંજાવર લાલ ઝંડો લહેરાવ્યો. અમે બાર-બારની હરોળમાં શહેરના એક મુખ્ય રસ્તાને પાર કરી ગયા. વધતી જતી સંખ્યાને મોખરે માત્ર હું જ હતો. મને લાગ્યું કે મારા જીવનનો આ સૌથી સુખી દિવસ હતો — અને કદાચ હતો પણ.” “પણ જેવા અમે મુખ્ય માર્ગથી ફંટાયા અને મોટા ચોગાનની પછીતે ઝળૂંબતા રાક્ષસકાય સ્યૂડો ગોથિક નગર-ખંડ પાસે આવવા લાગ્યા કે મારી તદ્દન સમક્ષ ગઈ રાતના વરસાદથી થયેલું પાણીનું ખાબોચિયું મેં જોયું. મને ખાબોચિયાં ગમતાં – હજી પણ ગમે છે. આવી જાતનું ખાબોચિયું મેં માર્ગથી ફંટાઈને પણ માણ્યું હોત. એક અચ્છા ખાબોચિયામાંથી ઊઠતા સ્કયૂશ સ્કયૂશ અવાજે મને જે તૃપ્તિ આપી છે એવા બહુ થોડા ધ્વનિઓએ આપી છે. પણ આ ખાબોચિયું મેં પસંદ નહોતું કર્યું. મારામાં હતી તે બધી તાકાતથી આ ખાબોચિયાથી ફંટાવાનો મેં પ્રયત્ન કર્યો. પણ મારી પાછળ આવતા મારા અનુયાયીઓના પગના તાલબદ્ધ ઠબકારોથી, સામૂહિક દબાણે સામૂહિક ગતિની શારીરિક જબરદસ્તીએ મને હરાવી દીધો. હું ખાબોચિયામાં એક છેડેથી બીજા છેડા સુધી ચાલ્યો. પછી એક પણ શબ્દ બોલ્યા વગર મેં ઝંડો મારી પાછળ આવતા હૃષ્ટપુષ્ટ દાક્તરી અભ્યાસ કરતા વિદ્યાર્થીના હાથમાં ઠોસ્યો અને કતારમાંથી નીકળી ઘર તરફ ચાલ્યો. ઘર તરફની એ મજલ ઘણી લાંબી હતી. આખા રસ્તા ઉપર વિયાનિઝ સમાજવાદીઓની કૂચ કરતી ઝંડાઓ લહેરાવતી બાર બારની સામૂહિક કતારો મારી પાસેથી પસાર થતી રહી. હું ખૂબ એકાકી બની ગયો અને એમની સાથે એક થવાનું ઝંખી રહ્યો. પણ સાથે સાથે હું હલકો ફૂલ જેવો થઈ ગયો અને શબ્દાતીત પ્રફુલ્લતા અનુભવી રહ્યો. જ્યારે હું ઘેર પહોંચ્યો ત્યારે પહેલી વાર મારી ચાવીથી ઘરનું બારણું ખોલ્યું (ડ્રકરને મોટો ગણીને પહેલી વાર એને ઘરની સ્વતંત્ર ચાવી આપવામાં આવી હતી.) અને અંદર દાખલ થયો. મારાં માતાપિતા હું બપોર પહેલાં ઘેરે આવું એમ માનતાં નહોતાં એટલે ચિંતિત થઈ પૂછવા લાગ્યાં, “તને સારું નથી શું?” મેં સચ્ચાઈપૂર્વક જવાબ આપ્યો. “મને ખ્યાલ આવ્યો કે હું એમનામાંનો નહોતો.” કેટલી નાની લાગતી વાત ડ્રકરને માટે સ્ફોટક બની ગઈ અને એને ખ્યાલ આવ્યો કે પોતે બાયસ્ટૅન્ડર છે. એકાએક એ કિશોર પ્રગલ્ભ બની ગયો. અને પોતાની સ્વતંત્ર ચાવીથી પહેલી વાર પોતાનું ઘર ખોલ્યું. આ માણસ સમૂહનો નથી. સમૂહથી ઉફરા ચાલીને એકાકી બની જાય; ફરી એની સાથે થવા ઝંખે એમ બને, પણ સ્વ-પ્રકૃતિમાં સ્થિત એ હલકો ફૂલ પણ થઈ જાય. બાયસ્ટૅન્ડર અહંવાદી (ઇગોઇસ્ટ) નથી હોતા, વ્યક્તિત્વવાદી (ઇન્ડિવિજ્યુઆલિસ્ટિક) હોય છે. બંને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. ઉપર ઉપરથી સામ્ય લાગે. અહંવાદીને પણ સ્વતંત્રતા જોઈએ—પણ માત્ર પોતાના અહંને સંતોષવા પૂરતી; એ ટચી છે—વાતવાતમાં લાગી જાય, પોતા ઉપર ટીકા થાય તો ઊકળી પડે, પણ એ સંવેદનશીલ (સેન્સિટિવ) નહીં. વ્યક્તિત્વવાદી સંવેદનશીલ હોય, બીજા માટે એનું દિલ દૂઝે. આપણામાંના ઘણા અહંવાદી હોય છે, પણ પોતાને માને છે વ્યક્તિત્વવાદી. ડ્રકરે ૧૪ વર્ષની ઉંમરે શોધી કાઢ્યું કે એ બાયસ્ટૅન્ડર છે, પણ આનો અણસાર એ છેક આઠ વર્ષના હતા ત્યારે પહેલા વિશ્વયુદ્ધ વખતે બાળકોની એક ક્રિસ્મસ પાર્ટીમાં થયો હતો. આ પ્રસંગ પણ એમના શબ્દોમાં માણીએ. ડ્રકર લખે છે, “એ શિયાળામાં યુદ્ધના દિવસો દરમિયાન પહેલી મોટી નફાખોરી કરતી બદનક્ષીની વાત બહાર આવી હતી, અને સપ્તાહો સુધી વર્તમાનપત્રોનાં મથાળાઓને ચમકાવ્યાં હતાં. વિયેનાની એક ઉત્તમ હોટેલનો માલિક—હજી પણ મને એનું નામ યાદ છે—ફ્રાન્ઝ પકડાયો હતો, અને એના ઉપર કાળાબજારનો આરોપ મુકાયો હતો. વિયેનાના સાચા ભૂખમરાનાં વર્ષો હજી ભવિષ્યમાં હતાં. પણ મીટ(માંસ)ની અછત તો ત્યારે પણ ઘણી હતી. રેશનિંગમાં જે ખૂબ નાનો હિસ્સો દરેકને ફાજલ પાડવામાં આવ્યો હતો તે પણ મોટે ભાગે દુકાનોમાં પ્રાપ્ત નહોતો, અને જે કંઈ મળતો તે ખાવાલાયક નહોતો. ફ્રાન્ઝે પોતાની હોટેલમાં હંમેશાં ઉત્તમ વાનગીઓ જ આપી હતી, અને જ્યારે એણે પોતાની હોટેલ માટે સારું મીટ કાળાબજારની કિંમતે ખરીદ્યું ત્યારે તરત જ દોષિત જાહેર થયો. કાયદો છૂટ આપે એ કરતાં એક પાઈ પણ એણે પોતાની મીટની વાનગીઓ માટે ગ્રાહકો પાસેથી વધારે નહોતી લીધી અને રેશનિંગ આપે એટલો જ હિસ્સો એ પીરસતો અને આ માટે બરાબર રેશનની કૂપનો ગ્રાહકો પાસેથી લઈ લેતો. પણ વર્તમાનપત્રો અને જનતાની વાહવાહ સાથે સરકારી વકીલે બતાવ્યું કે ફ્રાન્ઝ જે વસ્તુઓ કિંમત-નિયમન બહાર હતી જેવી કે રાતે હોટેલમાં રહેવાની વગેરે માટે કાળાબજારના દર રાખતો હતો. આમ કરવાથી એને મીટની કાળાબજારની કિંમત ચૂકવવી પડતી હતી તે ખરેખર તો પાછી મેળવી લેતો હતો.” “અમે બધાં ઉચ્ચવર્ગીય સુરક્ષિત બાળકો ક્રિસ્મસ પાર્ટીમાં હતાં : કોઈ આઠ કે નવ વર્ષથી મોટું નહોતું અને છતાં એ બિલુકલ નવાઈની વાત નહોતી કે અમે ફ્રાન્ઝની બાબત ઉપર વાતે ચઢ્યા હતા. યુદ્ધ અને એને લગતા સમાચારો એ દિવસોમાં ક્યારેય દૂરની વાત નહોતી – ઉચ્ચવર્ગીય સુરક્ષિત ક્રિસ્મસ પાર્ટીનાં બાળકો માટે પણ નહીં... અચાનક એક બાળકે આ ફ્રાન્ઝની બાબત મને સમજાવવા માટે કહ્યું, અને મારા પોતાના જ આશ્ચર્ય વચ્ચે સૌથી મોટા ખલનાયક ફ્રાન્ઝના બચાવમાં – ના, બચાવમાં નહીં, એની પ્રશંસામાં મેં એક આવેશભર્યું વ્યાખ્યાન ઝીંક્યું. બધાની ચર્ચાનો વિષય હતો એ કાયદો એણે તોડ્યો હતો કે નહીં એ મારે માટે નજીવી વાત હતી. એણે એવું કાર્ય કરવાનો યત્ન કર્યો હતો જેથી આદર ઊપજે. મહેમાનો જે સદાયે એની પાસેથી અપેક્ષા રાખતા આવ્યા હતા અને જે માટે એ લોકો કિંમત ચૂકવતા હતા એનું વળતર આપવાનો એણે પ્રયત્ન કર્યો.” “જ્યારે હું અટક્યો ત્યારે ચુપકીદી છવાઈ ગઈ હતી. બાળકો લજવાઈ ગયાં હતાં. મારી મિત્ર અને સાથીદાર બીબી જેમના ઘેરે અમે મળ્યાં હતાં એણે વર્ષો પછી પણ એેની ક્રિસ્મસ પાર્ટી બગાડવા માટે મને ઠપકો આપ્યો. મોટેરાઓ હું ભાષણ કરતો હતો ત્યારે ત્યાં આવી ચડ્યાં હતાં અને વાત્સલ્યપૂર્વક હસ્યાં હતાં; પણ બીબીના પિતા મને બાજુએે લઈ ગયા અને કહ્યું, ‘સાચે જ આ રસપ્રદ દૃષ્ટિબિંદુ છે અને કોઈએ પહેલાં સાંભળ્યું નથી — કંઈ નહીં તો ય બીજા ખંડમાં અમારા ભોજન-ટેબલ ઉપર અમે જ્યારે આ ફ્રાન્ઝની વાત કરતા હતા ત્યારે કોઈએ આવી રીતે પોતાનો મત વ્યક્ત કર્યો નથી. તું ફ્રાન્ઝ વિશે સાચો હોય એમ બની શકે. પણ ખરેખર તું વિચિત્ર માણસ છે. તારે ટેક્ટફુલ અને સાવધ તો રહેવું જોઈએ ને જોવું-વિચારવું એ ખૂબ સારી વાત છે, પણ ગળું ફાડી પોતાના મતો જણાવી લોકોને આઘાત આપવો એ કોઈ રીતે વખાણી શકાય નહીં.” પછી ડ્રકર કહે છે કે “આવો ઉપદેશ બાયસ્ટૅન્ડર હંમેશાં સાંભળતો આવે છે કારણ કે વસ્તુને જુદી રીતે જોવી એ એની નિયતિ છે. આમ તો ઉપદેશ કંઈ ખોટો નથી પણ મેં ભાગ્યે જ એની દરકાર કરી છે – આ પુસ્તકે પણ એની દરકાર કરી નથી.” કશા જ મોટા દાવા વગરનો આ બાયસ્ટૅન્ડર આપણને ગમી જાય એવો છે. એમાં નિરાગ્રહીપણા સાથે અદ્દલ એકાકીપણાની ખુમારી છે. આ પછી ડ્રકરે ફ્રોઇડને લગતા મિથ અને વાસ્તવનો વિશ્લેષીય ચિતાર આપ્યો છે એ વિષે લખવા વિચાર છે.

તા. ૨૦-૬-૯૧