પ્રતીતિ/કૃતિ-પરિચય
પ્રમોદકુમાર પટેલનું કોઈપણ વિવેચનકાર્ય – એ પછી સિદ્ધાન્તવિવેચન હોય કે કૃતિ પરનો સમીક્ષાલેખ હોય – એ એમના ઊંડા ને વ્યાપક સ્વાધ્યાયતપનું ફળ હોય છે. ‘પ્રતીતિ’માં ‘સર્જકતા અને સાહિત્ય’, ‘લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય’, વગેરે જેવા વૈચારિક-સૈદ્ધાન્તિક લેખો છે; કોઈ વિશેષ સાહિત્યસ્વરૂપમાં તે તે સાહિત્યકારની ઊપસતી વિશેષતાઓ અને એ લેખકના પ્રદાનની ચર્ચા કરતા લેખો છે – જેમ કે ‘ઉમાશંકરની વિવેચનપ્રતિભા’, ‘દ્વિરેફની વાર્તાકળા’, ‘નવલકથાકાર મેઘાણી’. આ ઉપરાંત આ પુસ્તકમાં કૃતિની સમીક્ષા, ખરેખર તો કૃતિ-તપાસ કરતા લેખો પણ છે – જેવા કે ‘તપસ્વિની’ (મુનશી) અને ‘હિમાલયનો પ્રવાસ’ (કાલેલકર). આ સર્વ લેખોમાં હાથ ધરેલા વિષયની, મુદ્દાઓની ચોપાસથી કરેલી તપાસ છે, એમાં ચિકિત્સા છે, નિરીક્ષણો છે ને સાહિત્યનો રસ-આસ્વાદ પણ છે. આ કારણે આ પુસ્તકના લેખોનું વાચન રસપ્રદ અને વિચારણીય છે ને દરેક લેખ વાચકને-અભ્યાસીને કશુંક નક્કર સંપડાવી જાય છે.
– રમણ સોની