પ્રતીતિ/સર્જકતા અને સાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

સર્જકતા અને સાહિત્ય

માનવસંસારમાં કવિ એક સ્રષ્ટા છે, અને તેણે રચેલી વાઙ્‌મય કૃતિ એક અલૌકિક સૃષ્ટિ છે, એક અનોખું સર્જન છે – એ ખ્યાલ આપણા પ્રાચીન અલંકારશાસ્ત્રમાં વ્યાપકપણે પ્રતિષ્ઠિત થયેલો છે. કવિની સૃષ્ટિની વિશેષતાઓ વર્ણવતાં આચાર્ય મમ્મટે એમ કહ્યું હતું કે કવિની ભારતી, નિયતિના નિયમોથી મુક્ત, કેવળ હ્‌લાદૈકમયી, અનન્યપરતંત્ર, અને નવરસરુચિર હોય છે. કવિ મનીષી છે, ક્રાન્તદૃષ્ટા છે, પણ પોતાના દર્શનનું વર્ણન કરીને જ તે કવિપદ પામે છે તેમની આ પ્રકારની વિચારણામાં, કવિને ‘સર્જક’ તરીકે અને તેની રચનાનો ‘સર્જન’ તરીકે, અપૂર્વ મહિમા રહ્યો છે. કાવ્યવિચારની આપણી દીર્ઘ પરંપરામાં આ ખ્યાલ એકધારો પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. રસપ્રદ મુદ્દો એ છે કે આપણા અર્વાચીન સાહિત્યના આરંભના તબક્કામાં – ‘કવિ’ સંજ્ઞાની સમાંતરે ‘લેખક’, ‘કર્તા’, ‘ગ્રંથકાર’, ‘સાહિત્યકાર’ જેવી સંજ્ઞાઓ પ્રચારમાં આવી; સામાન્ય રીતે કવિતા રચનાર ‘કવિ’, અન્ય સ્વરૂપો ખેડનાર તે ‘લેખક’ ‘કર્તા’ ઇત્યાદિ... એ સંજ્ઞાઓ પાછળ સાહિત્યની બદલાયેલી વિભાવનાનો મુદ્દો પડેલો છે : એ રીતે કે ‘સાહિત્ય’ ‘સંજ્ઞા’ પાશ્ચાત્ય વિવેચનના પ્રભાવ નીચે, સર્જનાત્મક સાહિત્ય ઉપરાંત અન્ય ચિંતનગ્રંથો અને વિદ્યાકીય લખાણોને સમાવી લે તે રીતે યોજાવા લાગી હતી. એ પછી, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં પશ્ચિમનાં આધુનિકતાવાદી વિચારવલણો અને કળાવિચારણાઓના પ્રભાવ નીચે સર્જનપ્રક્રિયા વિશે નવી સંપ્રજ્ઞતા જન્મી, ત્યારે કવિ લેખક નાટ્યકાર સૌને માટે ‘સર્જક’ અને તેની કૃતિ માટે ‘સર્જન’ સંજ્ઞા ફરી ઝડપથી વ્યાપક પ્રચારમાં આવી. પણ, નોંધવું જોઈએ કે, આ સંજ્ઞાઓના સંકેતો વિશે અસ્પષ્ટતાઓ વધતી જ રહી છે. ભારતીય કાવ્યશાસ્ત્રની અને પાશ્ચાત્ય વિવેચનની, પ્રાચીન સમયની અને આધુનિક યુગની, પરસ્પરભિન્ન બલકે પરસ્પરવિરોધી એવી અનેક વિચારણાઓ, સંદિગ્ધપણે, આપણા સાહિત્યક્ષેત્રમાં આવી મળી છે. કોઈ એક કૃતિનું ‘સર્જન’ તરીકે આપણે ગૌરવ કરીએ ત્યારે એમાં કઈ ગુણસમૃદ્ધિનો, કયા કળાત્મક મૂલ્યનો, મહિમા કરવા ચાહીએ છીએ, તે વિશે કદાચ આપણે પૂરતા સ્પષ્ટ હોતા નથી. આધુનિક પશ્ચિમમાંથી ‘સર્જકતા’ (creativity), સર્જનપ્રક્રિયા (creative process) અને ‘સર્જનકાર્ય’ વિશેના જે કેટલાક વિચારો આપણને મળ્યા, તે ખરેખર તો, આપણી પ્રાચીન વિચારણાથી ઘણા જુદા પડે છે. આ સંદર્ભે આપણે સૌ પ્રથમ એમ નોંધવાનું રહે છે કે આધુનિક સમયમાં પશ્ચિમમાં વિજ્ઞાનવાદ, ઉત્ક્રાંતિવાદ, ફ્રોય્‌ડવાદ, અસ્તિત્વવાદ જેવી વિચારધારાઓના પ્રભાવ નીચે ‘સર્જકતા’ વિશેની સમજમાં મૂળભૂત પરિવર્તન આરંભાયું છે. ત્યાંના અનેક ચિંતકો, મનોવૈજ્ઞાનિકો, કેળવણીકારો, માનવનૃવંશશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો-સર્જનશક્તિને થોડીક પ્રતિભાસંપન્ન માનવવ્યક્તિઓ પૂરતી સીમિત નહિ, માનવજાતિમાં વ્યાપકપણે વ્યક્તિઓમાં દેખા દેતી શક્તિરૂપે સ્વીકારે છે. રેમંડ વિલિયમ કહે છે કે સર્જકતા કોઈ એકલદોકલ માનવવ્યક્તિમાં કામ કરતી વસ્તુ નથી; સુષુપ્તપણે સમૂહની પ્રત્યેક વ્યક્તિમાં તે પડી હોય છે; એટલું જ કે થોડી વ્યક્તિઓમાં તે સાનુકૂળ સંજોગોમાં ખીલી ઊઠે છે. એક રીતે સમૂહના સભ્યોમાં એક જ શક્તિ વ્યાપી રહી છે. આવી સર્જનાત્મક શક્તિને યોગ્ય રીતે કેળવીને વિકસાવી શકાય એમ અનેક આધુનિક ચિંતકો, વૈજ્ઞાનિકો, કેળવણીકારો માને છે. આવી સમજની ભૂમિકા પર ‘સિનેક્ટિક્સ’ અને ‘સાયબરનેટિક્સ’ જેવી બે ભિન્ન વિદ્યાશાખાઓ પણ ત્યાં પ્રચારમાં આવી છે. એ પૈકી સિનેક્ટિક્સ માનવચિત્તની સર્જકતાના વિકાસ અંગેના ઉપાયોનું સંશોધન કરતું શાસ્ત્ર છે; જ્યારે સાયબરનેટિક્સ એ માનવમગજ અને યંત્રની કામગીરી વચ્ચે તુલનાત્મક અધ્યયન કરી જુદી જુદી માનવપરિસ્થિતિઓના નિયંત્રણ અને સંક્રમણના સિદ્ધાંતોની તપાસ કરતું વિજ્ઞાન છે. જો કે સિનેક્ટિક્સના વિષયમાં કામ કરતા સંશોધકોને એક તબક્કે અવરોધ ઊભો થયો છે. લેખક, કળાકારો, ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો આદિ ભિન્નભિન્ન ક્ષેત્રના પ્રતિભાશાળી માણસોમાં સર્જનાત્મક ચિંતનની પ્રક્રિયા શી રીતે ચાલે છે, તેની તપાસમાં લેખકો-કળાકારોની પ્રવૃત્તિઓ તેમને મોટા પડકારરૂપ બની છે. મૂળ વાત એ છે કે, સાહિત્યાદિ કળાઓમાં અને ગણિત વિજ્ઞાન આદિ વિષયોમાં દેખા દેતી ‘સર્જકતા’ને સમરૂપ અને સમાન લક્ષ્યગામી માની લેવામાં જ ક્યાંક મુશ્કેલી છે. ગણિત વિજ્ઞાન આદિ ક્ષેત્રોમાં ચિંતકો વૈજ્ઞાનિકો જે રીતે સંશોધન કરે છે, તેમાં ‘સર્જનાત્મક ચિંતન’ (creative thinking)નો યોગ હોય તો પણ સાહિત્યાદિ કળાઓમાં કામ કરતી સર્જકચેતના સાથે તે એકરૂપ નથી. અલબત્ત, સર્જનપ્રક્રિયાના વિકાસમાં, તેના અવનવા ઉઘાડમાં, તેના ગત્યંતરોમાં, ‘સર્જનાત્મક ફાળ’ (creative leap)ની બાબતમાં એ વિષયોમાં સમાન તબક્કાઓ જરૂર મળી આવશે. પણ, બંને પ્રવૃત્તિઓ વચ્ચે જે સામ્ય દેખાય છે તેથી વધુ મૂળગત ભિન્નતાઓ તેમાં રહી છે. ગણિત વિજ્ઞાનમાં સમસ્યાઉકેલની જે પ્રવૃત્તિ ચાલે છે, તે મુખ્યત્વે અમૂર્ત ચિંતનની કોટિની છે. ગણિતશાસ્ત્રી કે વૈજ્ઞાનિક જ્યારે કોઈ કૂટ સમસ્યાની સામે આવી ઊભે છે ત્યારે ભારે મૂંઝાતા રહે એમ બને. તેની સમસ્યા-ઉકેલની પ્રવૃત્તિમાં સામાન્ય રીતે નીચે પ્રમાણેના તબક્કાઓ જોવા મળે : (૧) પ્રસ્તુત સમસ્યાની સાચી ઓળખ કરવી, તેમ તેની વ્યવસ્થિત માંડણી કરવી; (૨) ઉપલબ્ધ dataને આધારે તેના શક્ય ઉકેલની દિશામાં ચિંતન કરવું; (૩) એક તબક્કે ચિંતનપ્રવૃત્તિમાં ભારે અવરોધ ઊભો થવો, આગળ વધવાની દિશા ન જડવી; (૪) જાગૃત મનને relax કરી થંભી જવું; (૫) અજ્ઞાત ચિત્તમાં સમસ્યાનું છૂપું સંવર્ધન (incubation) થવું; (૬) ફરી જાગૃત સ્તરે ચિંતનનો આરંભ કરતાં અસામાન્ય break through રચાય, અને ઉકેલ જડી આવે. આ પ્રવૃત્તિમાં અજ્ઞાત ચિત્તની સુષુપ્ત પ્રવૃત્તિ પછી જે મોટી ફાળ સંભવે છે તેને જ creative leap કહે છે. જાગૃત સ્તરે માનવબુદ્ધિ જે રીતે ઉકેલ માટે મથી રહી હતી, તેમાં રેઢિયાળ ટેવગ્રસ્ત અને ચીલાચાલુ માર્ગે જવાનો પ્રયત્ન હતો. આથી ભિન્ન, અજ્ઞાત ચિત્તમાં સર્વથા અણજાણ અને અક્ષુણ્ણ માર્ગે જવાની પ્રવૃત્તિ સાથે ઉકેલની જે દિશા મળી, એમાં કશુંક કેવળ chance રૂપે, અણધારી રીતે, આવી મળ્યું હોય છે. પ્રસ્તુત મુદ્દો અહીં એ છે કે, અજ્ઞાત મન સમસ્યાને નવા જ પરિપ્રેક્ષ્યમાં, નવા જ સંદર્ભમાં, જોવા ક્રિયાશીલ બને છે. મૂળ data રૂપ સામગ્રીને એક નવા જ configurationમાં, નવી frameમાં ગોઠવીને તે જુએ છે; અને ત્યાં ઉકેલ હાથવેંતમાં મળી જાય છે. સાહિત્યાદિ કળાઓમાં કળાકાર સામે રૂપનિર્મિતિ સ્વયં એક સમસ્યારૂપે આવે છે; રૂપનિર્માણને કોઈ ને કોઈ તબક્કે અવરોધ જેવું પણ અનુભવાય છે; અને અજ્ઞાત મન અનિર્ણિત દશામાંથી માર્ગ પણ કરી આપે છે; બલકે ‘સર્જનાત્મક ફાળ’ તેની પ્રવૃત્તિમાં ભાગ ભજવતી રહે છે; આમ છતાં સાહિત્યાદિ કળાઓમાં જે કંઈ બને છે, અને જે કંઈ સિદ્ધ થાય છે, તેનું સ્વરૂપ અને તેની લક્ષ્યગામિતા જુદાં છે. આ વિષયમાં આપણે આગળ વધીએ તે પહેલાં એકબે સંબંધિત મુદ્દાઓનું સ્પષ્ટીકરણ કરી લઈશું. એ પૈકી એક મુદ્દો એ છે કે ‘સર્જનપ્રક્રિયા’ (creative process) અને ‘સર્જનકાર્ય!’ (creative act) એ બે સંજ્ઞાઓના સંકેતોમાં સૂક્ષ્મ ભેદ છે. ‘સર્જનપ્રક્રિયા’ સંજ્ઞા સર્જનની ઘટનાનો નિર્દેશ કરે છે, પણ એમાં સર્જકપક્ષે ઇચ્છા સંકલ્પ કે કર્તૃત્વનો અર્થ સૂચિત થતો નથી : ‘સર્જનકાર્ય’માં સર્જકની ઇચ્છા, પ્રયત્ન, કર્તૃત્વ કે સામેલગીરીનો ખ્યાલ સ્પષ્ટપણે નિર્દેશાય છે. આ સંદર્ભે બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે કોઈ પણ કળાકૃતિમાં ચાલતી ‘સર્જનપ્રક્રિયા’ અને એને પરિણામે સિદ્ધ થતી ‘કળાકૃતિ’ – એ બે વચ્ચે તાર્કિક ભેદ રહેલો છે. ‘સર્જનપ્રક્રિયા’ સંજ્ઞા કૃતિનિર્માણમાં પ્રવર્તતી કેન્દ્રીય સંચલનાને અનુલક્ષે છે. પ્રથમ સર્જનાત્મક સ્પંદ સાથે કળાકાર જે રીતે તેને માધ્યમમા મૂર્તિમંત કરવા સક્રિય બને છે, અને માધ્યમ સાથે મુકાબલો કરતાં કૃતિ જે રીતે ક્રિયાપ્રતિક્રિયામાંથી પસાર થાય છે, તે ક્રિયાશીલતા એમાં સૂચિત છે. આથી ભિન્ન, સર્જાઈ ચૂકેલી કૃતિ એક સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મનિર્ભર વિશ્વ છે. સર્જકનું દર્શન સંવેદન ચિંતન કલ્પન સર્વ એમાં સંયોજિત થયાં છે. આ સર્વ સામગ્રી કળાકૃતિમાં સજીવ એકતા પામી છે. સાહિત્યકૃતિ કોઈ ભાવકસમૂહ માટે કે સમાજ માટે જે રીતે મૂલ્ય પ્રાપ્ત કરે છે, જે રીતે અર્થવત્તા (significance) ધારણ કરે છે, તેમાં સર્જનપ્રક્રિયાની ઓળખ કે તેનું સ્પષ્ટીકરણ પર્યાપ્ત નીવડતું નથી. ‘સર્જનની પ્રક્રિયા’ એ શબ્દપ્રયોગ – કૃતિમાં સંયોજિત થતાં દર્શન ચિંતન અનુભવો આદિ સામગ્રીને નહિ, એ સામગ્રીને આત્મગત કરતી કેન્દ્રવર્તી ચૈતસિક પ્રવૃત્તિને અનુલક્ષે છે; સામગ્રીની કોટિથી અલગ એક કેન્દ્રવર્તી સંચલના, ગતિશીલ સ્ફુરણાનો એમાં સંકેત છે. સર્જનપ્રક્રિયા વિશે વર્ણન કરનારા લેખકો-ચિંતકો-કળાકારો, આથી, વ્યાપકપણે ‘સર્જન’ નામની પ્રક્રિયાનો-ઘટનાનો, બને તેટલો વ્યાપક અને અમૂર્ત સ્તરેથી આલેખ (graph) આપવા પ્રવૃત્ત થતા હોય છે તે સૂચક છે. અહીં આ ચર્ચાના અનુસંધાનમાં એ પણ નોંધવું જોઈએ કે ‘સર્જકતા’ ‘સર્જનપ્રક્રિયા’ અને ‘સર્જનકાર્ય’ વિશે વિશ્વસાહિત્યમાં વિપુલ ચિંતન થયું છે. સાહિત્યાદિ કળાઓની સ્વરૂપવિચારણાઓમાં પ્રત્યક્ષપણે કે ગર્ભિત ધારણા રૂપે આ વિશે કશુંક ને કશુંક પ્રાપ્ત થાય છે. જો કે કવિઓ, વાર્તાકારો, નવલકથાકારો કે ચિત્રકારો શિલ્પીઓ આદિ નિવેદકોએ અંગત કેફિયતરૂપે પોતાની કળાસર્જનની પ્રવૃત્તિ વિશે જે કંઈ કહ્યું છે તેમાં વૈયક્તિક દૃષ્ટિભેદો ઘણા છે. તેમ તેમાં ભાષાભેદોય એટલા જ છે. અને અભ્યાસીઓ, વિવેચકો, અને સૌંદર્ય-મીમાંસકોએ આ વિષયમાં વ્યવસ્થિત સંશોધન-ચિંતન હાથ ધર્યું છે તેમાં પણ ભિન્ન વિચારધારાઓ મળે છે. હકીકત તો એ છે કે ધર્મવિચાર, તત્ત્વદર્શન, સંસ્કૃતિચિંતન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તર્કશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, સંકેતવિજ્ઞાન આદિ અનેક ક્ષેત્રોની પરિભાષા આ વિશેના સંશોધન અધ્યયનમાં એકત્ર થઈ છે. સર્જનની ઘટનામાં તાર્કિક ખુલાસાથી પામી ન શકાય, પ્રમાણી ન શકાય, એવો કોઈ ગહન અંશ રહ્યો છે, અને એમ માની લઈએ કે માનવબુદ્ધિ માટે તે અમુક અંશે અભેદ્ય છે, તો પણ ‘સર્જકતા’ વિશેની એ સર્વ ચર્ચાવિચારણાઓએ એમાં વધુ આવરણો રચ્યાં છે! અહીં એ પણ નોંધવું જોઈએ કે આ વિશેની ચર્ચાઓમાં કેટલીક પાયાની ધારણાઓ જ સંદિગ્ધ રહી છે. સર્જકવ્યક્તિત્વ (creative self), સર્જક ચિત્ત (creative mind) સર્જકશક્તિ (creative power), સર્જક સ્પંદ (creative impulse), સર્જકકલ્પના(creative imagination) વગેરે સંજ્ઞાઓના ઉપયોગમાં, ‘સર્જનાત્મક’ ‘સર્જક’ સંજ્ઞાની સ્વચ્છ સુરેખ વ્યાખ્યાના અભાવે સંદિગ્ધતા જ ચાલતી રહે, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જોકે આ આખો મુદ્દો મનોવિજ્ઞાન, જ્ઞાનતંતુવિજ્ઞાન, શરીરવિજ્ઞાનના ક્ષેત્રને વધુ સ્પર્શે છે. માનવવ્યક્તિમાં આવી કોઈ વિશિષ્ટ શક્તિ કે સત્ત્વનો સાચો ખ્યાલ તો, સર્જનપ્રવૃત્તિમાં એ જે રીતે પ્રવર્તે છે અને પ્રગટ થાય છે, તેને લક્ષમાં રાખીને જ બાંધી શકાય. સાહિત્યાદિ કળાઓની રચનામાં, પ્રથમ પ્રેરક સ્પંદ કે પ્રેરણાત્મક તત્ત્વ, કોઈ અમૂર્ત બૌદ્ધિક ખ્યાલ કે તર્ક નહિ; સર્જકની ચેતનાને વધુ અખિલાઈમાં, વધુ ગહન સ્તરે, પકડમાં લેતું કોઈ સજીવ અનુભૂતિ રૂપ સત્ત્વ છે. કાવ્યચિંતનની દીર્ઘપરંપરામાં એને ‘દર્શન’ ‘પ્રેરણા’ ‘અંતઃસ્ફુરણ’ ‘લાગણી’ ‘અનુભૂતિ’ કે ‘સંવેદન’ જેવી વિભિન્ન સંજ્ઞાઓથી ઓળખાવવામાં આવ્યું છે. જો કે એના સંકેતો જુદા જુદા રહ્યા છે. અને, કવિતા વાર્તા જેવી ભિન્ન પ્રકારની કૃતિઓના નિર્માણમાં બિલકુલ આરંભની ‘સર્જકસંવિદ્‌’ એકરૂપ જ હોય, કે એક જ કોટિનો અનુભવ હોય, એમ પણ નથી. ઊર્મિકવિતા, મહાકાવ્ય, વાર્તા, નવલકથા, કે નાટક – એ દરેક સ્વરૂપની કૃતિઓના નિર્માણમાં સર્જકના પ્રથમ પ્રેરણાત્મક સંચલનના-વિભાવનના-અને તેના આકારનિર્માણના આગવાઆગવા પ્રશ્નો સંભવે છે. પણ, અહીં આપણી સામે પ્રસ્તુત મુદ્દો એ છે કે કળાકૃતિના નિર્માણમાં, વિશેષતઃ સાહિત્યકૃતિના નિર્માણમાં, જે કોઈ અનુભવ સંવેદન પ્રેરણા કે વસ્તુદર્શન કવિ / લેખકના ચિત્તને પકડમાં લે છે, તે કોઈ બૌદ્ધિક સમસ્યાની કોટિની વસ્તુ હોતી નથી; તેના અંતરતમ વ્યક્તિત્વને આશ્લેષમાં લેતું જીવંત તત્ત્વ છે. એ આદિતત્ત્વ કવિલેખકને કોઈક રીતે અર્થક્ષમ કે સત્ત્વસંપન્ન પ્રતીત થાય છે, અને પોતાની અંતર્ગત પડેલી બીજરૂપ વસ્તુના વિકાસ અર્થે, એની પૂર્ણ અભિવ્યક્તિ અર્થે, કવિ / લેખકના ચિત્તને તે પ્રેરે છે, સંકોરે છે. દબાવ આણે છે. આ બીજરૂપ વસ્તુમાં અર્થબોધની શક્યતાનો જે અણસાર મળ્યો છે, એનું જે રહસ્યાવૃત્ત રૂપ ઇંગિત આપી રહ્યું છે, તેમાં સર્જકની આસ્થા હોય છે. સર્જનપ્રક્રિયાની ક્ષણોમાં એના ‘અર્થની સંરચના’ ઓછીવત્તી બદલાય પણ ખરી, પણ ગણિત વિજ્ઞાન આદિ વિષયોમાં સમસ્યા-ઉકેલની બાબતમાં જે પ્રારંભિક બૌદ્ધિક દશા સંભવે છે, તેથી ભિન્ન દશા સર્જનાત્મક સંવેદનાની હોય છે. કૃતિના ક્રમિક ઉઘાડમાં અને વિકાસમાં આદિ સંવેદનાનું અમુક રૂપાંતર કે નવસંસ્કરણ થાય, પણ ઘણીયે વાર કૃતિના સમય રૂપનિર્માણનું કોઈ આંતરસૂત્ર એમાં આરંભથી જ અનુસ્યૂત રહેલું પણ સંભવે. કળાનિર્માણમાં, માધ્યમ સાથેનો મુકાબલો એ પણ એક અનિવાર્ય ઘટના છે. ગણિત કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કામ કરતા ચિંતક / વૈજ્ઞાનિક તાર્કિક ચિંતનની પૂરી ચોકસાઈ અને ચુસ્તી જાળવવા મથે છે. વૈયક્તિક લાગણીઓનાં સાહચર્યોથી મુક્ત, ગમાઅણગમાઓથી મુક્ત, બિનંગત, ભાષા યોજવા તે પ્રવૃત્ત થાય છે. અતિ અમૂર્ત વિચારણાના સ્તરેથી તેઓ આગવું બૌદ્ધિક તંત્ર રચવા ઝંખે છે. કવિ કે લેખક, આથી ભિન્ન, શબ્દોની વ્યંજનાઓ, સાહચર્યો, સંસ્કારો આદિનો વિશેષ રીતે ઉપયોગ કરે છે. શબ્દનું સજીવ સ્પર્શક્ષમ અને સઘન રૂપ તેને ઇષ્ટ છે. દીર્ઘ સાંસ્કૃતિક-સાહિત્યિક પરંપરામાં શબ્દોને જે કંઈ અર્થસમૃદ્ધિ મળી છે, તેને તે પોતાના લાભમાં ફેરવી નાંખવા ચાહે છે. એટલે, સર્જનની પ્રક્રિયામાં ભાષાનું માધ્યમ સ્વયં કવિ / લેખકની સર્જકચેતનાને ઉદ્દીપ્ત કરે છે. એ રીતે ક્રમશઃ બીજરૂપ વસ્તુમાં નવસંસ્કરણ થતું રહે છે. કૃતિવિકાસમાં એકથી વધુ તબક્કે સર્જકને અમુક અનિર્ણિતતાનો સામનો કરવાનો પણ આવે. એવી ક્ષણે કૃતિના વિકાસની એકથી વધુ શક્યતાઓ દેખાય, એકથી વધુ દિશાઓની ઝાંખી થાય, ત્યારે રચાઈ ચૂકેલો ખંડ એમાં દિશાસૂચન કરી રહે. અંત, કૃતિ પૂરી થાય છે ત્યારે, વિકાસપ્રક્રિયાના તબક્કાઓ એની સંરચનામાં જળવાઈ રહે છે. એમાં સર્જનાત્મક ફાળ ભરવાના જે પ્રસંગો આવ્યા છે તે કૃતિની આંતરસંરચનામાં અનિવાર્ય અંશ બન્યા છે. ગણિત વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં સમસ્યા-ઉકેલની પ્રવૃત્તિમાં creative leapનો પ્રસંગ આવે, પણ એમાં અંતિમ ઉકેલનું જ વિશેષ મૂલ્ય ઠરે છે. ઉકેલ મળ્યા પછી અવાંતર ફાળનું એટલું પોતીકું મહત્ત્વ રહેતું નથી. કવિતા સંગીત ચિત્ર શિલ્પ આદિ કળાઓની સર્જકતાના પ્રશ્ને દરેક કળાની આગવી રૂપનિર્મિતિ, રચનારીતિ, શૈલી, આદિના મુદ્દાઓ ય લક્ષમાં લેવાના રહે છે. કળાઓના ક્ષેત્રમાં નિરપેક્ષપણે નિર્બંધપણે સર્જકતા કામ કરે છે એમ માનવું મુશ્કેલ છે. કળાઓમાં ભિન્નભિન્ન પરિબળો સર્જનશક્તિને દિશા અર્પે છે, પરિમાણ અને વ્યાપ અર્પે છે, આગવું સંચાલનસૂત્ર નક્કી કરી આપે છે. મૂળ તો કવિ કે લેખકની કળા વિશેની વિભાવના અને અભિગમ એમાં ધ્યાનપાત્ર બને છે. પ્રશિષ્ટ વૃત્તિ અને રંગદર્શી વૃત્તિ પણ એમાં પ્રગટપણે કે પરોક્ષપણે ભાગ ભજવે છે. વળી, વાસ્તવવાદી વાર્તા નવલકથામાં માનતો લેખક માનવીય વાસ્તવ, પાત્રવિધાન, પ્રસંગસંકલન, ભાષાશૈલીના સ્તરેથી જે રીતે કામ કરે છે, તેમાં તેની સર્જકવૃત્તિ વાસ્તવદર્શનના ચોક્કસ પરિપ્રેક્ષ્યથી અને વાસ્તવવાદી કળાના ચોક્કસ matrixથી નિયંત્રિત અને સંયત થાય છે. વાસ્તવવાદી કળાનો સ્વીકાર કર્યા પછી તેની સર્જકકલ્પના એના સીમિત-એકાત્મક અને સમપરિમાણી-વાસ્તવની વચ્ચે કામ કરે છે. આથી ભિન્ન, પ્રતીકધર્મી કથામાં લેખકની સર્જકકલ્પના એકધારી નવા સ્તરેથી ગતિ કરે છે. એવો લેખક પોતાની અનુભવસામગ્રીનો એકેએક અંશને પ્રતીકાત્મક સ્તરે ઊંચકે છે; બલકે, અનુભવસામગ્રીના આકલનમાં જ તેની પ્રતીકાત્મક દૃષ્ટિ કામ કરે છે. અતિવાસ્તવવાદી કવિતા, એબ્સર્ડ નાટક, અમૂર્તવાદી ચિત્ર શિલ્પ કે ભાવનાત્મક કળા – એ દરેકમાં સર્જકતા જુદા જુદા સંદર્ભે, જુદા જુદા matrixમાં પ્રવર્તે છે. દરેકમાં સૌંદર્યબોધ કે કળાત્મક રૂપ વિશેની સમજ અમુક રીતે નિયામક બને છે, તો વાસ્તવબોધની અમુક દૃષ્ટિ પણ એમાં નિર્ણાયક બની રહે છે. જરા જુદી રીતે કહીએ તો, પ્રકૃતિવાદી નવલકથા, વાસ્તવવાદી નવલકથા, પ્રતીકવાદી કવિતા – એમ ભિન્નભિન્ન વાદો વિભાવનાઓથી પ્રેરિત કૃતિઓને આગવી એવી વાસ્તવ-વ્યવસ્થા (unique order of reality) સંભવે છે. સર્જનપ્રક્રિયા આ પ્રકારની વાસ્તવ-વ્યવસ્થાનો જાણ્યેઅજાણ્યે સ્વીકાર કરીને ચાલે છે, એવી વાસ્તવ-વ્યવસ્થાને અનુસરીને પ્રવર્તે છે. ગણિત વિજ્ઞાન આદિ વિષયોમાં ચિંતક સંશોધક જે પ્રકારનો discourse રચે છે, તેમાં બૌદ્ધિક પ્રવૃત્તિ જ મુખ્યત્વે નિર્ણાયક તત્ત્વ બને છે, કહો કે વૈજ્ઞાનિક સત્યોની ઉપલબ્ધિ એમાં મુખ્ય બાબત બની રહે છે. આથી ભિન્ન, સાહિત્યાદિ કળાઓમાં જે વિશ્વ ઊભું થાય છે. તેમાં માનવ જાતિને ઇષ્ટ એવાં ત્રણ પરમ મૂલ્યો – ‘સત્ય’ ‘શિવ’ અને ‘સુંદર’નો યોગ થાય છે. એટલું જ નહિ, આ મૂલ્યોની સાથે સંકળાઈને બીજાં જીવનમૂલ્યોય એમાં પ્રવેશે છે. સાહિત્યની (કે અન્ય લલિત કળાની) કૃતિ આપણને જે રીતે પ્રભાવિત કરે છે, તેમાં કળાત્મક મૂલ્યોની સાથે સાથે અમુક જીવનમૂલ્યોનોય ફાળો સંભવે છે. સર્જનની પ્રક્રિયાનું, એથી, અલગ અને સ્વતંત્ર મૂલ્ય નક્કી કરવાનું મુશ્કેલ છે. પણ સમગ્ર કૃતિની અર્થવત્તા અને પ્રભાવકતા એની સર્જનપ્રક્રિયામાં જ નિહિત છે એમ કહી શકાય નહિ.

સર્જનની ઘટના કોઈક રીતે રહસ્યના આવરણમાં ઢંકાયેલી રહી છે. કશુંક સ્વૈર લીલામય તત્ત્વ એમાં કામ કરે છે. એની કૃતિને કોઈ વ્યવસ્થિત વિચારતંત્રમાં ઘટાવી શકાય નહિ, કે તાર્કિક વિધાનમાં તેને તારવી શકાય નહિ, ગણિત વિજ્ઞાન આદિ વિષયોમાં સર્જનાત્મક ચિંતનનો યોગ થાય છે એમ સ્વીકારીએ તો પણ, સાહિત્યાદિ કળાઓમાં ચાલતી સર્જનપ્રક્રિયા ઘણીઘણી સંકુલ અટપટી અને દુર્ગ્રાહ્ય જ રહેવાની. ‘કળાકૃતિનું સર્જન’ – creation of a work of art – એ શબ્દપ્રયોગમાં ‘સર્જન’ સંજ્ઞા ખરેખર એક અતિ સંકુલ સંજ્ઞા છે. સાહિત્યસિદ્ધાંત, કૃતિવિવેચન અને કળામીમાંસામાં જુદી જુદી રીતે એનો પરિચય મળે છે, અને પરસ્પર સંબંધિત અનેક અર્થચ્છાયાઓ એમાં જોડાયેલી છે. પરંપરાની સૌંદર્યમીમાંસા અને વિવેચનમાં એના નીચેના પરસ્પરસંબંધિત અર્થો મળે છે : (૧) વિશ્વજીવનના આંતરપ્રવાહોનું કવિને જે દર્શન થયું હતું તેનું ‘વર્ણન’. (૨) બહારના જગતના પદાર્થો સત્ત્વો વ્યક્તિઓ વિભાવનાઓ આદિનું સચ્ચાઈભર્યું આલેખન. (૩) બહારના જગતના પદાર્થો વ્યક્તિઓ આદિનું આંતરસત્ત્વ પ્રગટાવવું (to reveal inner essence), અર્થાત્‌ તેમનું આંતરસ્વરૂપ (essential form) બહાર આણવું. (૪) બહારના જગતના પદાર્થો વ્યક્તિઓ આદિનું ભાવનાત્મક રૂપ નિર્માણ કરવું કે તેને કલ્પનોત્થ રૂપમાં ઢાળવું. (૫) બહારના કે અંદરના વિશ્વના સંનિકર્ષ સાથે જન્મતા અનુભવો લાગણીઓ સંવેદનાઓની અભિવ્યક્તિ. (૬) સૂક્ષ્મ વાયવ્ય અને નિરવયવી લાગણીનું મૂર્ત સઘન સ્પર્શક્ષમ અને ઇંદ્રિયગોચર રૂપ રચવું. (૭) કવિચિત્તમાં વેરવિખેર પડેલી સંવેદનાઓ વિચારો કલ્પનો આદિ સામગ્રીને એકાત્મક તરેહ કે આકૃતિમાં જોડવી. (૮) રૂઢ પરિચિત અને યાંત્રિક પ્રત્યક્ષો perceptionsમાં બંધાઈને જડ થઈ ચૂકેલી વાસ્તવિકતાને નવાં તાઝગીભર્યાં પ્રત્યક્ષોમાં પામવી. (૯) પદાર્થો વ્યક્તિત્વો વચ્ચે નવા સંબંધભાવો (relationships) પ્રત્યક્ષ કરવા. (૧૦) પરિચિત વાસ્તવનું વિઘટન કરીને તેમાં નવું સંરચિત રૂપ રચવું. (૧૧) સ્થળકાળના વિરાટ અવકાશમાં પડેલા, સાવ છેટેના પરસ્પરથી અણજાણ અને સંબંધહીન જણાતા પદાર્થો / સત્ત્વો / કલ્પનો વચ્ચે metaphorical relations સ્થાપવાં. (૧૨) કલ્પનો પ્રતીકો પુરાકલ્પનો આદિનાં આલંબન લઈ ચૈતસિક વાસ્તવમાં નવાં જ પરિમાણો ખુલ્લાં કરવાં. (૧૩) પરિચિત વાસ્તવનું જુદી જુદી રીતે અમૂર્તીકરણ (abstraction) કરવું. (૧૪) વાસ્તવની પરિચિત વ્યવસ્થાનું અન્ય વ્યવસ્થામાં રૂપાંતર સાધવું, વગેરે. સાહિત્યાદિ કળાઓના વ્યાપક સંદર્ભે સર્જનની ઘટનાનો આપણે નિર્દેશ કરતા હોઈએ ત્યારે જાણ્યે અજાણ્યે ઉપરના કોઈ એક કે એકથી વધુ અર્થો- અર્થચ્છાયાઓ આપણા મનમાં પડી હોય, એમ બને. અને, નોંધવું જોઈએ કે કળાકૃતિના જુદા જુદા સ્તરે જુદા જુદા વ્યાપમાં સર્જકતા કામ કરતી જણાશે. સૌથી વ્યાપક ફલક પર, કવિતા વાર્તા નવલકથા કે નાટક જેવી કૃતિના સૌથી મૌલિક વિભાવન રૂપે એ દેખા દે છે. ઘટના ચરિત્રચિત્રણ શૈલી આદિ સર્વ સ્તરોને સાંકળી લેતું વિભાવન સમગ્ર પરંપરામાં અ-પૂર્વ છે, મૌલિક છે, તાઝગીસભર ઉન્મેષ છે, એ રીતે એની ઓળખ થઈ શકે. આથી ભિન્ન, કવિ વાર્તાકાર કે નાટ્યકાર કોઈ પ્રાચીન કથા-આખ્યાનના બીજરૂપ વૃત્તાંતનું નવવિધાન કરી તેમાં બનાવોનું નવું રહસ્ય પ્રગટાવી આપે, પાત્રોના ચરિત્રમાં નવો અર્થ પૂરે, મૂળ વૃત્તાંતનું નવું અર્થઘટન કરે, કે એમાં નવી જીવનદૃષ્ટિ સાકાર કરે, ત્યારે પુનર્વિધાનની એ ઘટનામાં સર્જકતા જ કામ કરી રહી છે; મૂળ વૃત્તાંતના માનવપ્રસંગોમાં જે એક નવી માનવીય વાસ્તવિકતા છતી થઈ છે જે એક નવી વાસ્તવ-વ્યવસ્થા a new order of reality નિર્માણ થઈ છે, તેમાં સર્જકતા રહી છે એમ કહેવું જોઈએ. પણ આપણે એ ય નોંધવું જોઈએ કે છેક ભાષાની અભિવ્યક્તિના સ્તરે કે શૈલીની સંરચનાના સ્તરે પણ સર્જકતા કામ કરે છે. ઉપમારૂપકાદિ અલંકારોની રચનામાં પ્રગટપણે કે પ્રચ્છન્નપણે જે કોઈ ઔપમ્યસંબંધ (analogical relations) રહ્યો હોય છે, તેમાં સર્જનપ્રક્રિયા ચાલે જ છે. અનુભવજગતના, તેમ અનુભવાતીત જગતના, પરસ્પરથી દૂરના અને સંબંધ-રહિત લાગતા પદાર્થો વચ્ચે અણધારી રીતે ક્યાંક સંબંધ સ્થપાય, સંવાદ અને સંગતિ રચાય, તેમાં પણ સર્જનની ગતિ છે જ. અહીં પરસ્પરથી ભિન્ન એવા પદાર્થો, ખરેખર તો જુદી જુદી ‘frams of reality’ને રજૂ કરે છે, અને એ બંનેનું સંયોજન કે બંનેનો એકબીજામાં આંતરપ્રવેશ સ્વયં એક ‘new order of reality’નો સંકેત કરે છે. કલ્પનો અને પ્રતીકો દ્વારા ભાવસંવેદનના મૂર્તીકરણમાં પણ ચૈતસિક વાસ્તવનું એક નવું પરિમાણ ખૂલે છે, અને ત્યાં સર્જકતા પ્રત્યક્ષ થાય છે.

જુદી જુદી સંસ્કૃતિઓમાં સર્જકતા વિશેના વિશિષ્ટ ખ્યાલો પ્રતિષ્ઠિત થયેલા છે. એની પાછળ આગવું આગવું વિશ્વદર્શન રહ્યું છે. ભારતીય પરંપરામાં પરમ બ્રહ્મનો અપૂર્વ ખ્યાલ પ્રતિષ્ઠિત થયેલો છે. અભિનવગુપ્ત અને કુંતક જેવા આચાર્યો શૈવાદ્વૈતદર્શનના પ્રકાશમાં કળાનિર્માણ અને રસનિષ્પત્તિના સિદ્ધાંતો ચર્ચે છે. કવિતાના વિશ્વને અભિનવ મોરના ઈંડાના ન્યાયથી સમજાવે છે. કાવ્યનાટકાદિમાં જે કંઈ નવા નવા લાગતા ભાવો રજૂ થતા દેખાય છે તે ભાવકની પરમશિવરૂપ ચેતના માટે, ખરેખર, કોઈ અણજાણ વસ્તુ રહેતી નથી : અતિસૂક્ષ્મ સંસ્કાર રૂપે જે કંઈ તેની ચેતનામાં અવ્યક્ત સુષુપ્ત રૂપમાં ચિત્તમાં પડ્યું હતું, તે કાવ્યનાટકાદિના યોગે વ્યક્ત થાય છે. ભાવકની નિરંતર વિકસતી વિલસતી ચેતના માટે કશું પરાયું હોતું નથી; કશું બાહ્ય હોતું નથી. જે કંઈ આંતરકેન્દ્રમાં સુષુપ્ત હતું, તે જ નિમિત્ત મળતાં વિલસી રહે છે. ભાવકની ચેતના, એ રીતે, નિત્ય નવા ભાવજગત સાથે વિસ્તરવાની શક્તિ મૂળથી જ ધરાવે છે. કવિ પણ નવા નવા ભાવો રજૂ કરતો છતાં તે દ્વારા પરમ શિવરૂપ ચેતનાનું અનુસંધાન જાળવે છે. તેની કૃતિમાં પાત્રો બનાવો સંવેદનાઓ આદિ તત્ત્વો એ ચેતનાનું અનુસંધાન પામીને જ પરમ સત્ય સૌંદર્ય અને શિવત્વ સાથે જોડાય છે. પાશ્ચાત્ય પરંપરામાં ‘સર્જકતા’ વિશે, આમ તો પરસ્પરથી ભિન્ન, બલકે વિરોધી, વિચારણાઓ જોવા મળે છે. પણ તેમાં એક દૃષ્ટિબિંદુ વારંવાર પુરસ્કારાતું રહ્યું છે. પશ્ચિમની અનેક પુરાણકથાઓમાં એના ઉલ્લેખો મળે છે. એ દૃષ્ટિબિંદુ આ પ્રમાણે છે : સૃષ્ટિના આદિકાળમાં સર્વપ્રથમ કેવળ અંધતમિસ્ર હતું, અરાજકતા હતી, શૂન્યતા હતી. અને એવા આકારહીન અર્થહીન દ્રવ્યમાં વિભુએ આકાર અર્પ્યો; વ્યવસ્થા નિર્માણ કરી, અને અર્થ પૂર્યો! આ પુરાણકથામાં વિભુ જેવી કોઈ પરમશક્તિએ સક્રિય થઈને અર્થસભર રૂપો નિર્માણ કર્યાં, એ પ્રકારની જે સમજ રજૂ થઈ છે, તે પશ્ચિમના ચિંતનમાં છેક આજ સુધી એક યા બીજી રીતે પ્રેરક કે પ્રભાવક નીવડી છે. પશ્ચિમના કળાવિચારમાં કાચી સામગ્રીને અર્થપૂર્ણ આકાર આપવાની, આકારહીન અને અવ્યવસ્થિત સામગ્રીમાં new order નિર્માણ કરવાની, અને એ રીતે તેને ‘અર્થ’ આપવાની સમજ ફરી ફરીને પ્રગટ થતી રહી છે, તે ખાસ નોંધપાત્ર છે. આધુનિક સમયમાં વિજ્ઞાનવાદ, ઉત્ક્રાંતિવાદ, અસ્તિત્વવાદ જેવી વિચારધારાઓના પ્રભાવ નીચે એ સમજ વધુ પુષ્ટ થતી રહી છે. સાહિત્યાદિ કળાઓના સંદર્ભે સૌન્દર્યબોધ, રસબોધ, અર્થબોધ અને આકારબોધના ખ્યાલો આ બે પરંપરામાં દાર્શનિક વિચારણાઓથી કેટલા પ્રભાવિત થયા છે તે સ્વતંત્ર તુલનાત્મક અધ્યયનનો વિશાળ વિષય છે. સર્જન-પ્રક્રિયાનો ખ્યાલ પણ એ રીતે બંને પરંપરાના વ્યાપક સંદર્ભે સરખાવવા જેવો છે.

પશ્ચિમના જગતમાં આ સદીના આરંભના બે અઢી દાયકાઓમાં આધુનિકતાવાદી સાહિત્ય જન્મ્યું. એમાં ફ્રેંચ પ્રતીકવાદ, એઝરા પાઉન્ડ આદિનો કલ્પનવાદ, આન્દ્રે બ્રૅતોં આદિનો અતિવાસ્તવવાદ, અભિવ્યક્તિવાદ ભવિષ્યવાદ જેવા વિભિન્ન વાદો અને વિભાવનાઓ પ્રવર્તક બળ બન્યાં. આ આધુનિકતાવાદી સાહિત્ય અને લલિત કળાઓમાં સર્જકતાના વિભિન્ન ખ્યાલો કામ કરી રહ્યા હતા. એની પાછળ ત્યાંની આધુનિક સમયની અપૂર્વ સાંસ્કૃતિક કટોકટી કારણભૂત હતી. પરંપરાગત વિચારણાઓમાં વિશ્વવાસ્તવ અને માનવીય વાસ્તવ વિશેની જે સમજ પ્રચારમાં હતી તે જ્ઞાનવિજ્ઞાનનાં વિભિન્ન ક્ષેત્રોમાં જન્મેલા અભિનવ ક્રાંતિકારી વિચારોની સાથે છિન્નભિન્ન બની ગઈ. કિર્કગાર્દ નિત્ઝે આદિ ચિંતકોની અસ્તિત્વવાદી વિચારણા, હેગલ શીલર આદિની કળા વિચારણા, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, ફ્રોય્‌ડ અને યુંગના અજ્ઞાત (unconscious) વિશેના ખ્યાલો, માર્ક્‌સનો દ્વન્દ્વાત્મક ભૌતિકવાદ, ફ્રેઝર, માલિનોવ્સ્કી આદિની આદિમ-જાતિની સંસ્કૃતિ વિશેની તેમ પુરાણકથા વિશેની વિચારણા, કાસિરેરનો પ્રતીકવાદ, બર્ગસૉંનો સર્જનાત્મક ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત, ભૌતિક વિજ્ઞાનોમાં વાસ્તવિકતા વિશેની બદલાતી સમજ, ભાષા અને પ્રતીક વિશેની વિચારણા – એવી એવી અનેકવિધ વિચારણાઓએ જૂના માનવવિશ્વને, માનવવ્યક્તિત્વને, અને જીવનના અર્થને છિન્નભિન્ન કરી નાંખ્યા. આવી કટોકટીમાં આધુનિક કવિઓ-લેખકોએ કળાનિર્માણ વિશે આગવી સૂઝથી કામ આરંભ્યું. તે સાથે કળાકાર તરીકે પોતાની નવી ભૂમિકા વિચારી લીધી. અનેકવિધ વિચારધારાઓના પ્રવર્તન સાથે કવિ માટે, કલાકાર માટે, કોઈ વાસ્તવિકતા સ્થિર રૂપે બચી નહોતી, ક્યાંય કોઈ વ્યવસ્થા (order) ટકી નહોતી, ત્યારે કળાનિર્માણ દ્વારા તેઓ એક સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત વિશ્વ નિર્માણ કરવા પ્રેરાયા – એક એવું વિશ્વ જેને પોતાની વ્યવસ્થા હોય, જેને પોતાનું તંત્ર હોય, અને જેને પોતાનો ‘અર્થ’ હોય. કળાનું વિશ્વ તેમને માટે એક માત્ર સાચું પ્રામાણિક અને શ્રદ્ધેય વિશ્વ બની રહ્યું, અને આધુનિક સર્જકો પૂરી ગંભીરતા નિષ્ઠા અને સચ્ચાઈથી કળાકૃતિનું રૂપનિર્માણ કરવા પ્રેરાયા. પરિચિત જીવન અને જગતના છિન્નવિચ્છિન્ન અને અરાજક અનુભવોને ચોક્કસ એકાત્મકરૂપ આપીને જ તેનો અર્થ પામી શકાય, અનેક વિદ્યાશાખાઓમાં પરસ્પર વિરોધી વિશ્વદર્શન (world-view)ને સર્જકચેતનાના કોઈ કેન્દ્રમાં સાંકળીને તેમાંથી સંવાદી અને આંતર સંગતિવાળું એક કળાત્મક વિશ્વ રચીને તેનો અર્થ પામી શકાય – એવી તેમની પ્રતીતિ હતી. એક રીતે કવિ-કલાકાર માટે ‘સ્વ’ની અખિલાઈ સિદ્ધ કરવાની એમાં અપેક્ષા હતી : કળાની પ્રક્રિયા એ જ તેની કળાત્મક અખિલાઈ!

પશ્ચિમના આધુનિક વિવેચન અને કલાવિચારમાં સર્જકશક્તિને સ્વતંત્ર સ્વસંચાલિત શક્તિ લેખે સ્થાપવાના અનેક પ્રયત્નો થયા. કાન્ટે સૌંદર્યવૃત્તિને માનવચિત્તની બૌદ્ધિક અને નૈતિક વૃત્તિઓથી અલગ અને સ્વતંત્ર કરી તે પછી ત્યાંની પરંપરામાં સૌંદર્યનિર્માણ કરનારી શક્તિની સ્વતંત્ર પ્રતિષ્ઠા કરવાનું વલણ પ્રબળ બન્યું. ઇંગ્લૅન્ડ જર્મની વગેરે દેશોના અનેક ચિંતકો અને વિવેચકોએ સર્જનાત્મક કલ્પનાનું અપૂર્વ ગૌરવ કર્યું. વિજ્ઞાનની શોધો સામે સર્જક-કલ્પનાને ઉપલબ્ધ થયેલાં પ્રેરણારૂપ સત્યોને ઊંચાં આંકવાના પ્રયત્નો થયા. આધુનિક સાહિત્યમાં આવી સર્જનાત્મક શક્તિનો જુદી જુદી રીતે વિનિયોગ કરવાનું પ્રબળ વલણ જન્મ્યું. ગઈ સદીના કઠોર વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ સામે એમાં તીવ્ર પ્રતિક્રિયા હતી એ તો ખરું જ, પણ સર્જનશક્તિમાં તેમની વિરલ આસ્થા જન્મી હતી.

આધુનિકોના સર્જકતા વિશેના આ ખ્યાલમાં, અલબત્ત, આત્યંતિકતા ય છતી થઈ છે. સામાજિક નૈતિક ઉદ્દેશોથી સર્વથા મુક્ત એવું કળાત્મક વિશ્વ રચવા માટેના અસંખ્ય સર્જકોએ પ્રયત્ન કર્યા. એમાં ચિત્રશિલ્પ આદિ કળાની જેમ એમાં અમૂર્તતાવાદ અને અમાનવીયકરણની દિશામાં ગતિ થઈ. પરિચિત માનવીય વાસ્તવિકતા – માનવતાવાદીઓએ જોયેલા સ્વીકારેલા જગતની વાસ્તવિકતા – છોડી દઈને અમૂર્ત માનવીય સંદર્ભ રચવાનું વલણ પણ એમાં કામ કરતું થયું. આગલી સદીઓની માનવવ્યક્તિ (human individual) માનવપ્રતિમા (human image) આખી રહી નથી. એટલે કળાકાર એવી વિઘટિત વ્યક્તિતાનું યથાતથ ચિત્રણ કરે એવી સમજ પણ કેળવાઈ. જો કે, પશ્ચિમના આધુનિકતાવાદી સાહિત્યમાં માનવીય વાસ્તવિકતા જુદી જુદી રીતે, જુદા જુદા કોણથી, પ્રતિબિંબિત થતી રહી છે. ડી. એચ. લૉરેન્સ, વર્જિનિયા વુલ્ફ, જેમ્સ જોય્યસ, પ્રુસ્ત, કાફકા, ઍલિયટ વગેરેની કૃતિઓનું ઝીણવટભર્યું અવલોકન કરતાં એની પ્રતીતિ થશે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે આધુનિક કવિઓ કળાકારોએ સર્જકતા વિશે જે કંઈ ચર્ચાઓ કરી કે કેફિયતો આપી, તેમાં સાહિત્યસર્જન એ હવે વધુ તો ભાષાના માધ્યમ સાથેના મુકાબલાની બાબત બની રહ્યું. પ્રાચીન ભારતીય ચિંતનમાં કવિને પ્રથમ ‘દર્શન’ થાય, અને પછી તેનું તે ‘વર્ણન’ આપે–એવો ક્રમ અભિપ્રેત હતો. એ ભૂમિકા આધુનિકોને સ્વીકાર્ય રહી નથી. આધુનિક સમયમાં કવિઓ, લેખકો, ચિંતકો, વિવેચકો અને સૌંદર્યમીમાંસકોએ સર્જનની પ્રક્રિયા વિશે જે જે વિચારણાઓ રજૂ કરી, જે જે સ્પષ્ટીકરણો આપ્યાં, કે જે જે કેફિયતો આપી, તેમાં અગાઉ નોંધ્યું છે તેમ, પરિભાષાની પાર વિનાની ભિન્નતાઓ છે, તેમ તેના પ્રતિપાદનમાં ય મૂંઝવી દે એટલો ફેર છે. પણ એમાં અંતે બે વિરોધી લાગતા અભિગમો નોખા પડે છે : એક અભિગમ પ્રમાણે કવિને કે કળાકારને કૃતિનિર્માણના પ્રસંગે આરંભમાં જે અનુભૂતિ થઈ છે, તેમાં દેખીતી રીતે કૃતિનો અમુક અંશ પ્રતીત થયો હોય તો પણ સમગ્ર કૃતિના રૂપની શક્યતા એમાં વરતાઈ હોય છે; વર્તુળના અમુક arc કે segmentમાં આખા પરિઘનું સૂચન હોય છે, કંઈક તેવી જ રીતે સમગ્ર કૃતિનો આકાર તેને આછીપાતળી રેખામાં પ્રત્યક્ષ થયો હોય છે. પણ સમગ્ર કૃતિની ઉપલબ્ધિ માટે સર્જનપ્રક્રિયા તેને આવશ્યક બની રહે છે. આથી ભિન્ન બીજો અભિગમ એમ સ્વીકારે છે કે કવિને કળાકારને આરંભમાં મળેલું સંવેદન કે અનુભવની સામગ્રી કે બીજભૂત વિચાર – જે કંઈ પ્રેરકતત્ત્વ હો, એમાં કૃતિની પૂર્ણતા એકતા કે અખિલાઈનું જરા પણ દર્શન હોતું નથી. મૂળની પ્રેરક વસ્તુમાં કૃતિવિકાસની કોઈ એક સ્પષ્ટ દિશાની તેને ઝાંખી હોતી નથી : એકથી વધુ શક્યતાઓ તેની સામે કૃતિવિકાસને હરેક તબક્કે ઊઘડતી રહે છે, અને કવિ-કળાકાર રચાઈ ચૂકેલા ખંડ સાથે અનુસંધાન સાચવીને આગળ વધવાનો માર્ગ પસંદ કરે છે, અને એ રીતે અજ્ઞાત ખંડમાં ડગ ભરતો તે કૃતિના આખરી રૂપ સુધી પહોંચે છે. પોતાના મૂળ સંવેદનના વિકાસવિસ્તારમાંથી એક અખિલાઈવાળી આકૃતિ કે તરેહ નિપજી આવેલી લાગે ત્યાં તે અટકે છે, અર્થાત્‌ ત્યાં તે કૃતિને છોડી દે છે. કળામીમાંસાના ક્ષેત્રમાં, આ બે અભિગમો સાથે સરખાવી શકાય તેવા, બે પરસ્પર ભિન્ન સિદ્ધાંતો ચર્ચાની એરણ પર અત્યારે ચઢ્યા છે. એ પૈકી પહેલા સિદ્ધાંતને સર્જનની propulsive theory તરીકે ઓળખાવવામાં આવ્યો છે. કૃતિના પૂર્ણ વિકાસનો પ્રેરક અને નિયામક સિદ્ધાંત એના આદિ સ્રોતમાં આરંભથી જ ઉપલબ્ધ હોય છે એ જાતનો એમાં સ્વીકાર છે. બીજા સિદ્ધાંતને કળામીમાંસકોએ teleological theory તરીકે એાળખાવ્યો છે. સર્જક પોતાની અંદર પડેલી સામગ્રીને કોઈ અંતિમ લક્ષ્યને નજરમાં રાખી ઘાટ આપ્યે જાય છે, એમ એમાં અભિમત છે. સર્જનપ્રક્રિયાની બને તેટલી ચુસ્ત તાર્કિક માંડણી કરવાના પ્રયત્નમાં જન્મેલા આ બે સિદ્ધાંતો પૈકી એક જ સાચો છે, અને બીજો ખોટો છે, એમ અંતિમ નિર્ણય કરવાનું જો કે મુશ્કેલ છે. અને સર્જનની ઘટનાનું રહસ્ય એ રીતે વધુ અકળ બને છે. એને કોઈ એક ચુસ્ત તાર્કિક કે વૈજ્ઞાનિક વિચારતંત્રમાં ઘટાવી શકાય નહિ, એમ પણ એમાંથી ફલિત થાય છે. એની એક અનિવાર્ય ઉપપત્તિ એ છે કે સાચી સર્જનાત્મક કૃતિ પણ કોઈ એક તાર્કિક વિધાનમાં તારવી લઈ શકાય તેવી હોતી નથી. કળાકૃતિનું સંકુલ અર્થ-બહુલ અને મૂર્ત કલ્પનો-પ્રતીકોમાં બંધાયેલું વિશ્વ જે ‘અર્થ’ પ્રગટ કરે છે તેને આથી કોઈ વિચારસરણીમાં સારવવાનો પ્રયત્ન મૂળથી જ ખોટો છે. અહીં એમ નોંધવું જોઈએ રૂપકગ્રંથિ (allegory) તરીકે ઓળખાતા સાહિત્યિક ઢાંચામાં પાત્રો અને બનાવોનું માળખું ઘણી વાર એના કવિ-લેખકને અભિપ્રેત પૂર્વસિદ્ધ વિચારતંત્રને ખુલ્લું પાડી દે છે. કવિને-લેખકને અભિમત વિચારો કે વિચારતંત્ર પાત્રો/બનાવોમાં દૃષ્ટાંતીકરણ પામ્યાનું એમાં તરત પ્રતીત થઈ જાય છે. દરેક પાત્ર અને દરેક બનાવ એક અમૂર્ત વિચારમાળખાંના ચોક્કસ એકમને રજૂ કરવા આવતું નિમિત્ત છે એમ અનાયાસ એમાં છતું થઈ જાય છે. વાંચનપ્રક્રિયામાં જ, પાત્ર કે બનાવ કોઈ એક રહસ્યસંપન્ન અને દુર્ભેદ્ય સત્તાના એવા જ કોઈ દુર્ભેદ્ય અંશ રૂપે નહિ, પણ કોઈ એક અમૂર્ત વિચાર-એકમની અવેજીમાં આવેલા આભાસી તત્ત્વરૂપે દેખા દે છે. જો કે પ્રતિભાશાળી કવિ કેટલીકવાર વાર રૂપકગ્રંથિનું આલબંન લઈ શરૂ કરતો છતાં સમસ્ત કૃતિમાં તેને અતિક્રમી જાય એમ બને. સર્જનનું ગૌરવ પામતી કૃતિ કોઈ આકસ્મિક ઘટના નથી. કવિ કે કળાકારને પક્ષે, બહારના કે અંદરના જગત પરત્વેની એ નરી પ્રતિક્રિયા પણ નથી, તેમ કુદરતી વૃત્તિનો એ સહજ આવિષ્કાર પણ નથી જ. કળાકૃતિની સિદ્ધિમાં – મહાન કૃતિના નિર્માણમાં – સર્જકની ‘સર્જક-ઇચ્છા’નું પ્રવર્તન સંભવે છે. સંપ્રજ્ઞપણે વિશિષ્ટ કળાત્મક રૂપ રચવા માટે, વિશિષ્ટ કળાત્મક દૃષ્ટિ અને કળાત્મક હેતુનું એમાં પ્રવર્તન થાય છે. કૃતિનો ચોક્કસ આકાર, ચોક્કસ રચનારીતિ અને ચોક્કસ શૈલીના ખ્યાલો એ દૃષ્ટિમાં અને હેતુમાં ગર્ભિત રહ્યા હોય છે. સર્જક પોતાની લેખનપ્રવૃત્તિને ‘સર્જનની લીલા’ તરીકે ઓળખાવે કે ‘અહૈતુક નિર્માણ’ની પ્રવૃત્તિ તરીકે લેખવે, ત્યારે પણ તેની રૂપરચના સર્વથા યાદૃચ્છિક કે આકસ્મિક બાબત હોતી નથી. કળાનિર્માણ વિશેની કોઈ ને કોઈ દૃષ્ટિ, વિભાવના, એમાં નિર્ધારક અને નિયામક બને જ છે. અતિવાસ્તવવાદી રીતિની કવિતા પરત્વે, તેમના સર્જકોનો તેમાં સર્વથા મુક્ત નિર્બંધ અને કલ્પનશ્રેણિના આવિર્ભાવનો દાવો છતાં, એમાં પણ રચનાનું અમુક patterning જોઈ શકાશે. મુક્ત અને નિર્બંધ સર્જકતા પણ પોતાના આંતરસ્રોતોને સંપ્રજ્ઞાતપણે નહિ તો અર્ધસંપ્રજ્ઞાતપણે ચોક્કસ patternમાં સાંકળવાનું વલણ બતાવે છે.

સર્જકતા અને સર્જનપ્રક્રિયા વિશેની આધુનિક વિચારણામાં ફ્રોય્‌ડની અજ્ઞાત મન (the unconscious)ની વિભાવના ઘણી રીતે પ્રેરક અને પ્રભાવક નીવડી છે. ફ્રોય્‌ડ અને યુંગ બંને મનોવૈજ્ઞાનિકોએ, અલબત્ત, અજ્ઞાતના સ્વરૂપ અને સ્થાન વિશે આગવી આગવી માંડણી કરેલી છે, અને એ રીતે સર્જકતા અને સર્જનપ્રક્રિયા વિશે આગવાં આગવાં સ્પષ્ટીકરણો આપ્યાં છે. એ પૈકી ફ્રોય્‌ડની વિચારણા ઠીક ઠીક સીમિત અને કુંઠિત છે. ‘ક્રિએટિવ રાઈટર્સ ઍન્ડ ડે-ડ્રિમીંગ’ શીર્ષકના પ્રસિદ્ધ લેખમાં તેમની આ વિષયની મુખ્ય ભૂમિકા રજૂ થઈ છે. મહાન સર્જનાત્મક કૃતિનો ખુલાસો મનોવિશ્લેષણવાદ આપી શકે નહિ એમ તેઓ સ્વીકારે છે ખરા. એવી મહાન કૃતિ જે અપૂર્વ આહ્‌લાદનું કારણ બને છે તેમાં તેની રૂપનિર્માણની પ્રક્રિયાનું મહત્ત્વ પણ તેઓ સારી રીતે જાણે છે. સર્જકના દિવાસ્વપ્નમાં પ્રગટ થવા મથતી કોઈ પણ લાગણી જુગુપ્સક અરુુચિકર બને નહિ એ રીતે તેનું નવવિધાન (કે નવસંસ્કરણ) કરવામાં કળાસર્જનનું ઊંડું રહસ્ય રહ્યું છે એમ તેઓ કહે છે. પણ આ નવવિધાનની પ્રક્રિયાને છેવટે તેઓ ગૌણ લેખવે છે. કળાકૃતિમાં વધુ ઊંડા આહ્‌લાદના મૂળમાં પાત્રોના (અને પરોક્ષ રીતે સર્જકના) ઊંડા ‘અજ્ઞાત ચિત્તના સ્રોતો’ જ રહ્યા છે એમ તેઓ દર્શાવે છે. કલ્પનાની પ્રવૃત્તિના પહેલા પહેલા અણસાર તો બાળકોની ક્રીડામાં જોવા મળે છે. ક્રીડામાં રત થયેલું બાળક સર્જક-કળાકારની જેમ જ વર્તે છે! પોતાને રૂચે તે રીતે પોતાના જગતના પદાર્થોની અવનવી રીતે તે ગોઠવણ કરી જુએ છે અને એમ દરેક વેળા તે આગવું જગત રચતું રહે છે. અને એ નોંધવું જોઈએ કે, બાળક પોતાના એ જગતનિર્માણમાં પૂરેપૂરું ગંભીર બનીને ગાઢ લાગણીઓ સમેત એમાં સંડોવાયેલું છે. તેની ક્રીડાપ્રવૃત્તિને સામેને છેડે કઠોર વાસ્તવિકતાનું જ્ઞાન છે. પોતાની ક્રીડામાં તે જે જગત ઊભું કરે છે તેને બહારની વાસ્તવિકતાથી તે અલગ તારવે છે; છતાં એ જગતના પદાર્થો અને તેમાંની પરિસ્થિતિઓને વાસ્તવિક જગતના દૃષ્ટિગોચર અને સ્પર્શક્ષમ પદાર્થો સાથે તેને સાંકળવાનું તેને ગમે પણ છે. ફ્રોય્‌ડ આમ બાળકોની ક્રીડાનું જગત અને માનવચિત્તની ફેન્ટસી – એ બે વચ્ચે ભેદ કરે છે. સર્જક કળાકાર પણ બાળકની ક્રીડાપ્રવૃત્તિની જેમ જ પોતાની કલ્પનાનું આગવું જગત રચે છે, તેમ તેને ગંભીરતાથી જુએ છે. બાળકોની ક્રીડા અને કવિતાનું સર્જન બંને વચ્ચે ક્યાંક ભાષાસંબંધ સંભવે છે. પુખ્ત વયનો માણસ પોતાની અતૃપ્ત ઇચ્છાની સિદ્ધિ અર્થે લગભગ નિરંતર ફૅન્ટસી રચ્યા કરે છે. જે વાસ્તવિકતા, જે રોજિંદા સંયોગો, તેને અતૃપ્તિકર લાગે છે, તેનું તે સતત નવસંસ્કરણ કરતો રહે છે. માનવીની કોઈ ને કોઈ મહત્ત્વાકાંક્ષા એમાં નિમિત્તરૂપ હોય કે રતિમૂલક ઝંખના એમાં પડી હોય! નોંધવા જેવી બાબત એ છે કે ફ્રોય્‌ડ માનવવ્યક્તિની ફેન્ટસીને સમયાતીત વસ્તુ નહિ, સમય સાથે સજીવપણે જોડાયેલી બાબત ગણે છે, અને ત્રણે કાળ તેમાં પ્રવેશે છે એમ કહે છે. મહાન ઉત્કૃષ્ટ અને પ્રશિષ્ટ કૃતિઓને જરા બાજુએ રાખીને ફ્રોય્‌ડ રંગરાગી લોકભોગ્ય કથાઓમાં ફેન્ટસીનું તત્ત્વ કેવી રીતે પ્રવેશે છે, તેનો ઉલ્લેખ કરે છે. નવલકથાના નાયકો ખલનાયકો આદિની યોજનામાં પરોક્ષ રીતે ફૅન્ટસી જ કામ કરે છે, એમ તેઓ કહે છે. સાહિત્યમાં સક્રિય બનતી સર્જકતા વિશે કાર્લ ગુસ્તવ યુંગની વિચારણા કંઈક વધુ પ્રસ્તુત લાગે છે, જો કે એમાં અમુક રહસ્યવાદી વિચારની છાયા ઝીલાયેલી છે. એક રીતે ફ્રોય્‌ડના ખ્યાલોનો યુંગ પ્રતિવાદ કરતા જણાશે. ‘મનોવિજ્ઞાન અને સાહિત્ય’ (‘Psychology and Literature’) શીર્ષકના તેમના પ્રસિદ્ધ લેખમાં, કળાકૃતિમાં વિશિષ્ટપણે ચાલતી દેખાતી ‘રૂપનિર્માણની પ્રક્રિયા’ અને ‘સર્જક પ્રતિભા’ – એ બંને બાબતોને મનોવૈજ્ઞાનિકોએ એક જ કોટિમાં મૂકીને વિચારવી ન જોઈએ એવી ભારપૂર્વક હિમાયત કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કળાનિર્માણની બાબતમાં અત્યંત જટિલ માનસિક પ્રક્રિયાઓના અંતિમ પરિણામ સાથે આપણે કામ પાડીએ છીએ; અને દેખીતી રીતે જ, એવી કળાકૃતિ ચોક્કસ આશયપૂર્વક અને સંપ્રજ્ઞપણે ઘાટ પામી છે. આથી ભિન્ન, સર્જકપ્રતિભાની બાબતમાં આપણે માત્ર ચિત્તરૂપી કરણ-the psychic apparatus સાથે જ નિસ્બત ધરાવીએ છીએ. કળાકૃતિની બાબતમાં ચોક્કસપણે પરિસીમિત પણ મૂર્ત ઘાટ ધરાવતી કળાત્મક સંસિદ્ધિના મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો પ્રશ્ન છે, જ્યારે સર્જકપ્રતિભામાં જીવંત સર્જકના અનોખા વ્યક્તિત્વ સાથે આપણે કામ પાડીએ છીએ. આ બંને ઘટનાઓ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે; પણ કાર્યકારણભાવે એકમાંથી બીજાનો ખુલાસો આપી શકાય નહિ. મનોવિજ્ઞાન આજે એક ચુસ્ત વિજ્ઞાન બનવા મથી રહ્યું છે, પણ જીવનના સર્જનાત્મક અંશો જે રીતે કળનિર્માણમાં પૂર્ણ વિશદતાથી વ્યક્ત થાય છે, તેને બૌદ્ધિક સૂત્રમાં તારવી શકાય નહિ. કોઈ એક સાહિત્યકૃતિ પરત્વે, મનોવૈજ્ઞાનિકની અને વિવેચકની તપાસમાં તેમના અભિગમો અંગે મૂળભૂત ભિન્નતા રહી છે. વિવેચકને કૃતિમાં નિશ્ચિતપણે જે વસ્તુ મહત્ત્વપૂર્ણ અને અમૂલ્ય લાગે છે તે મનોવૈજ્ઞાનિકને સાવ અપ્રસ્તુત અને અનુપયોગી લાગવા સંભવ છે. વારંવાર એમ જોવા મળે છે કે સાહિત્યિક દૃષ્ટિએ ઉતરતી ને નબળી લાગતી કૃતિ મનોવૈજ્ઞાનિક માટે રસપ્રદ સામગ્રી બની રહે. એટલે, સર્જનાત્મક કૃતિઓમાં, ખરેખર તો, બે કોટિ સ્વીકારવાની રહે. એક, માત્ર ‘મનોવૈજ્ઞાનિક કોટિનું નિર્માણ’, બે, ‘સાક્ષાત્કારની કોટિનું સર્જન.’ એ પૈકી પહેલી કોટિનું સાહિત્ય માણસના સંપ્રજ્ઞાત ચિત્તના ખંડમાંથી પોતાની સામગ્રી ઉપાડે છે. જેમ કે, જીવનના પ્રસંગોમાંથી મળતા બોધપાઠ, લાગણીઓના આઘાતો-પ્રત્યાઘાતો, ભાવાવેગો, અને માનવનિયતિ અંગેની કટોકટી વગેરે. અસંખ્ય કવિતા વાર્તા નવલકથા નાટક આ પ્રકારની સામગ્રી લઈને કામ કરે છે. મનોવિજ્ઞાન ચિત્તના જે જે ખંડોને સામાન્ય રીતે અવલોકે છે, તેને ઘણું ખરું તે ઓળંગતી નથી. આથી ભિન્ન, સાક્ષાત્કારની કોટિનું સાહિત્ય આપણને સર્વથા અણજાણ અને અનનુભૂત એવા રહસ્યસભર લોકનું ઉદ્‌ઘાટન કરે છે. માનવચિત્તના છેક તળના ખંડો એમાં રજૂ થાય છે. સમયાતીત એવું એ જગત તો છે – માનવીની પૂર્વ-માનુષી દશાનું, માત્ર તેજ અને અંધકારના આદિમ્‌ પરિવેશમાં ઝિલમિલાતું જગત! એને primordial experience માનવબુદ્ધિ માટે અગ્રાહ્ય હોય છે. સમયાતીત ગહનતાથી એ ઉદ્‌ભવે છે, અને એ અનુભવ સમગ્રતયા અણજાણ, પરાયો, ઉષ્માહીન, બહુપાર્શ્વી અને રુદ્રકરાલ પ્રતીત થાય છે. શાશ્વત અરાજકતાનું એ ભીષણ કરાલ દર્શન, જીવનમૂલ્યો અને સૌંદર્યની આકૃતિ વિશેનાં આપણાં પરિચિત માનવીય ધારણામાં બંધબેસતું થતું નથી. યુંગની સર્જકતા વિશેની વિચારણામાં ‘સામૂહિક અવચેતન’નો તેમનો આગવો ખ્યાલ વિશેષ રૂપે પ્રેરક નીવડ્યો છે. ફ્રોય્‌ડના વૈયક્તિક અજ્ઞાત ચિત્તથી ભિન્ન, તેની તળે, એ ‘સામૂહિક અવચેતન’ રહ્યું છે. યુંગની સમજ એ છે કે કળાનિર્માણનો અહેવાલ આપતાં, કૃતિને તેના સર્જકની વૈયક્તિક માનસિક પ્રક્રિયામાં ઘટાવવાનું ઉચિત નથી; એમ કરતાં કૃતિ સ્વયં કળાકારની માનસિક પ્રકૃતિમાં તિરોધાન પામશે. જ્યારે, હકીકતમાં કળાકૃતિ સ્વયં પોતાનું આગવું વિશ્વ રચે છે. કળાકૃતિ તેના સર્જકના અમુક ચિત્તવ્યાપારાને ઢાંકવાનું આવરણ નથી : ‘સાક્ષાત્કાર’ કોટિનો એવો એ અનુભવ માનવીના રાજિંદા ભાવાવેગોથી વધુ ગહન અને વધુ પ્રભાવક હોય છે. ‘સાક્ષાત્કાર’ જે સાચો primordial experience છે તે અન્ય કશાયની ઉપપત્તિ નથી, કે અન્ય કશાયનું તે symptom પણ નથી! એ તો સાચેસાચું પ્રતીકાત્મક અભિવ્યક્તિનું રૂપ છે, જે સ્વયં પોતાને માટે અસ્તિત્વ ધરાવે છે. દૃષ્ટાઓ ઋષિઓ અને પેગંબરોને એ આદિમ્‌ જગતની અનુભૂતિ હોય છે. કવિઓએ એવાં intimations ને શાશ્વતરૂપ આપ્યું હોય છે. દરેક આદિ સંસ્કૃતિમાં ગુહ્ય રહસ્યોનું કોઈને કોઈ તંત્ર ઊભું થયું જ છે. માનવીની બૌદ્ધિક સંપ્રજ્ઞતાના ખંડથી એ ઘણું દૂરનું વિશ્વ છે. આદિ માનવીની સૌથી પ્રાણવાન સંવેદનાઓ એમાં જન્મી હોય છે. આથી જ કવિ પુરાણકથાઓનો વિનિયોગ કરીને પોતાના અનુભવોને સૌથી ઉચિત અભિવ્યક્તિ આપી શકે છે. આ આદિ અનુભવ, ખરેખર તે, સ્વસંચાલિત થઈને અભિવ્યક્તિ અર્થે મથે છે. આવા સાક્ષાત્કારને વાણીના કોઈ વ્યક્ત રૂપમાં પૂરેપૂરો ઝીલી શકાય નહિ. એના સ્રોત સામૂહિક અવચેતનમાં રહ્યો છે. મહાન કવિતા પોતાનું જીવનબળ સમગ્ર માનવજાતિના ગહન ચેતનમાંથી મેળવે છે. એટલે એને લગતા વૈયક્તિક પરિબળોના ખુલાસા પર્યાપ્ત ન બને. માનવીની ઇચ્છાશક્તિના સ્વાતંત્ર્યની જેમ, તેના ચિત્તમાં પડેલી સર્જકપ્રતિભા પણ, ગૂઢ રહસ્યમયતાનો અંશ ધરાવે છે. ‘ઇચ્છાશક્તિ’ અને ‘સર્જકતા’ એ બંને આવિષ્કારોને મનોવૈજ્ઞાનિકો પ્રક્રિયારૂપે બહુ બહુ તો વર્ણવી શકે; પણ તેનો તાત્ત્વિક ખુલાસો ન આપી શકે; યુંગ એમ સ્પષ્ટતા કરે છે કે ફ્રોય્‌ડે કળાકારના અંગત અનુભવોમાંથી કૃતિની ઉપપત્તિ ઘટાવવાનો પ્રયત્ન કર્યો તે અમુક અંશે જ સંભવિત લાગે. કેમ કે, neurosisની ઘટનાની જેમ, કળાકૃતિના મૂળમાં ઉતરતાં સર્જકના ચિત્તની અમુક ગ્રંથિઓ સુધી પહોંચી શકાય; અને એય સાચું છે કે કવિની ચિત્તવૃત્તિ જ તેની કૃતિનાં મૂળ અને તેની શાખાઓમાં ઊતરી જાય છે. પણ, ફ્રોય્‌ડ કળાનિર્માણને વિચાર neurosisની કોટિએ મૂકીને કરે, અને સર્જકચિત્તનાં દમિત વૃત્તિવલણોને જ લક્ષમાં લે, ત્યાંથી ખરેખરી મુશ્કેલી આરંભાય છે. કૃતિમાં અમુક વૈયક્તિક નિર્ધારકો – personal determinants-નાં સ્પષ્ટીકરણ પૂરતો જ આ પ્રશ્ન હોય, તો તો વળી ઝાઝી મુશ્કેલી નથી. કેમ કે, કૃતિમાં એવાં નિર્ધારકો તો હોવાનાં જ. પણ આ નિર્ધારકો આખી ય કળાકૃતિનો ખુલાસો આપી શકે નહિ. બલકે, એ નિર્ધારકો એટલાં મહત્ત્વનાં પણ નથી, કળાકૃતિમાં અનિવાર્ય તો એ છે કે સર્જકના અંગત જીવનથી તે ઊંચે ઊઠવી જોઈએ, અને કવિનો આત્મા સમગ્ર માનવજાતિના આત્મા સાથે બોલે એમ બનવું જોઈએ. કળાનિર્માણમાં વૈયક્તિક પાસું એ મર્યાદારૂપ તો ખરું જ; બલકે એ દોષરૂપ પણ ખરું. કળાનું રૂપ જો નર્યું અંગત હોય, તો તે neurosisથી ભાગ્યે જ જુદું હશે. યુંગ તો એટલે સુધી કહેવા જાય છે, કે કળાસર્જન એ સ્વસંચાલિત અનુભવ છે, જે કળાકાર વ્યક્તિના ચિત્ત પર છવાઈ જાય છે. અને તેને પોતાનું ‘સાધન’ બનાવે છે! કળાનિર્માણની બાબતમાં કળાકાર કંઈ ‘મુક્ત ઇચ્છા’ ધરાવતી વ્યક્તિ નથી, પોતાના અંગત ઉદ્દેશો સિદ્ધ કરવા તે પ્રવૃત્ત થતી નથી. પણ કળાનિર્માણના મૂળ સ્પંદને પોતાના દ્વારા સંસિદ્ધ થવાને તે માર્ગ કરી આપે છે! એક વ્યક્તિ તરીકે કળાકારને તેની વૈયક્તિક ભાવદશાઓ હોય, વૈયક્તિક ઇચ્છા હોય, કે ઉદ્દેશ હોય, પણ એક કળાસર્જક તરીકે ઉચ્ચતર ભૂમિકાએ પહોંચતું તે ‘માનવીય સત્ત્વ’ (human essence) માત્ર છે, તે એક ‘સામૂહિક વ્યક્તિત્વ’ છે. એક કળાકાર તરીકે તે માનવજાતિના અજ્ઞાત ચિત્તના જીવનનું વહન કરે છે, અને તેને તે ઘાટ આપે છે. પ્રતિભાની વિશેષતાનું વર્ણન કરતાં યુંગ કહે છે કે કળાકૃતિ તેના વ્યક્તિત્વના સીમાઓ તાડીને અસીમમાં વિકસે અને વિસ્તરે છે. અજ્ઞાત ગહરાઈઓમાંથી ઉદ્‌ભવતી કૃતિઓ, જનનીના ઉદરમાં સેવાતી રહી હોય તે રીતે, જન્મે છે. સર્જનની શક્તિ જ્યારે શાસનકર્તા બને છે ત્યારે માનવજીવન જાગૃત સ્તરની સક્રિય ઇચ્છાશક્તિથી નહિ, અજ્ઞાત ખંડનાં બળોથી નિયંત્રિત થાય છે અને તેનાથી ઘાટ લે છે. સંપ્રજ્ઞ સ્વરૂપનો ego એ ક્ષણોમાં અંતરિયાળ પ્રવાહોમાં ખેંચાઈ રહે છે, માત્ર નિષ્ક્રિય દૃષ્ટા રહીને તે ઘટનાઓને નિહાળી રહે છે. કળાકૃતિ જે નિર્માણ થઈ રહી છે તે સ્વયં કવિની નિયતિ બને છે, અને તેના ચૈતસિક વિકાસમાં નિર્ધારિક બને છે. એ દૃષ્ટિએ ગ્યૂથેએ ‘ફૉસ્ટ’નું સર્જન કર્યું એમ નહિ, ‘ફૉસ્ટે’ ગ્યૂથેનું સર્જન કર્યું, એમ કહેવું જોઈએ. અને આ ફૉસ્ટ છેવટે છે શું? – એક ‘પ્રતીક’ માત્ર : સ્પષ્ટપણે જે વસ્તુનું જ્ઞાન સંભવતું નથી, છતાં અજ્ઞાત ખંડમાં ગહનગંભીર રૂપે જે જીવંત છે, તેની અવેજીમાં આવતું અભિવ્યક્તિરૂપ માત્ર, આ ‘ફૉસ્ટ’માં ખરેખર એવું કંઈક છે, જે પ્રત્યેક જર્મન વ્યક્તિના અંતરતમમાં સજીવ સત્ત્વરૂપે પડ્યું હોય છે. એ એક primordial image છે, પ્રજ્ઞાશીલ વ્યક્તિના ચિત્તમાં પડેલી એક archetypal image છે, અને માનવસંસ્કૃતિના ઉદયકાળથી માનવીના અજ્ઞાત ચિત્તમાં સુષુપ્ત રીતે તે દટાયેલી પડી હોય છે. માનવસમાજ જ્યારે કોઈ ઘેરી ગંભીર કટોકટીમાં ફસાય છે, અને કાળના સાંધાઓ છૂટા પડી જાય છે, ત્યારે એ જાગૃત ચિત્તની સપાટી પર તરી આવે છે. જીવનરચનામાં જે કંઈ એકાંગીપણું જન્મ્યું હોય, કે વિ-કૃતિ આવી હોય, તેમાં નવસંસ્કરણ કરીને તે સમતુલન સાધી આપે છે! પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક અને અભ્યાસી ઍરિક ન્યૂમેને પોતાના ‘Art and The Creative Unconscious’ શીર્ષકના ગ્રંથમાં પ્રચંડ ઘટનાપુરુષ લિયોનાર્દો દ વિન્ચીની સર્જકતાના આદિસ્રોતોની તપાસ કરી છે એક જ વ્યક્તિત્વમાં મહાન સર્જક અને મહાન વૈજ્ઞાનિક એમ બે મનોવિશ્વો એકત્ર થયાં હતા તેનું ન્યૂમેનને ઘણું મોટું વિસ્મય હતું. એટલે એ સંકુલ ઘટનાની શોધમાં તેમણે સજીવ વિકાસની મૂળભૂત એકતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો. એમાં મૂળ પ્રેરકતત્ત્વ ‘The Mother Archetype’ હોવાનું તેમણે દર્શાવ્યું. અગાઉ ફ્રોય્‌ડે, પોતાની રીતે, તેમાં માતૃગ્રંથિનો અંશ નિહાળ્યો હતો : એરિકે યુંગના મનોવિજ્ઞાનના પ્રકાશમાં, અતિવૈયક્તિક સ્વરૂપની ‘માતૃપ્રતિમા’ હોવાનું સ્પષ્ટ કર્યું. લિયોનાર્દોના જીવનમાં ગીધ પંખીનું મોટિફ એક કેન્દ્રીય તત્ત્વ રહ્યું હતું, અને તેની માતાની પ્રતિમાને સ્થાને તે આવ્યું હતું, એમ ઍરિક કહે છે. ‘The Mother Archetyps’માં નિરંતર ક્રિયાશીલ બનતી સર્જકતા, ધરતી અને સ્વર્ગ, અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત, રુદ્ર અને રમ્ય, અંધતમિસ્ર અને પ્રકાશ – એ સર્વ સૂચિત છે. શિશુ જે રીતે માતાના દૈહિક માનસિક જીવનથી અલગ પડવા મથે છે. તેમાં તેનું વિશિષ્ટ વ્યક્તિત્વ આકારાતું આવે છે. પણ જનનીનું આદ્યપ્રકૃતિરૂપ તેની સર્જકતાનો સાચો સ્રોત રહે છે. નારી સ્વરૂપ એવી એ આદ્યપ્રકૃતિમાંથી માનવજાતિ યુગેયુગે પોષણ પામતી રહી છે. એક રીતે અસંપ્રજ્ઞાત ચિત્તથી અલગ થવાની સંપ્રજ્ઞાતની મથામણ જ સર્જનનો તણાવ રચે છે. પ્રતિભાસંપન્ન વ્યક્તિ આ રીતે ક્રમિક આંતરવિકાસ સાધતી રહે છે. તેના archetypal world અને જાગૃતિ ચિત્ત વચ્ચેના મુકાબલામાંથી સર્જનની ઘટનામાં તેનું વ્યક્તિત્વ એકીસાથે અલગતા અને અખિલાઈ સિદ્ધ કરે છે. સર્જકતા અને સર્જન પ્રક્રિયા વિશેની વિચારણામાં કવિઓ ચિંતકો અને મનોવૈજ્ઞાનિકો જ્યારે અજ્ઞાત ચિત્તને તેને આદિસ્રોત લેખવે છે, ત્યારે પણ તેમની વિચારણામાં ફ્રોય્‌ડ કે યુંગનો કેવો આધાર છે, અને તેમાં કેવો કેટલો ફેરફાર છે, તેની નોંધ લેવાનું અતિ આવશ્યક બની રહે છે. સર્જનમાં સક્રિય બનતો સર્જક આવેગ, તેમાંનો આદિભૂત સંઘર્ષ, આંતરિક તણાવ, અંધ અરાજક જગતમાં વ્યવસ્થાનિર્માણ, વ્યક્તિત્વની અખિલાઈ, સ્વનો આંતરસંવાદ, સ્વની મુક્તિ એ સર્વ ખ્યાલો પૂરી ચોકસાઈથી રજૂ થવા ઘટે. કમનસીબે, મનોવિજ્ઞાનની સ્થિર સંગીન ભૂમિકાના અભાવમાં આ વિશેની વિચારણાઓ ક્યાંક ને ક્યાંક સંદિગ્ધ રહી જતી દેખાય છે.

સાહિત્યના ક્ષેત્રમાં સર્જન સાથે સીધી રીતે સંડોવાયેલા કવિઓ લેખકો, અને સર્જનની ઘટનામાં રસ લેતા વિવેચકો અભ્યાસીઓ, આ વિશે જે કંઈ કહે છે તેમાં પણ દૃષ્ટિભેદો પુષ્કળ છે; છતાં સર્જનની ઘટનાના નિકટના સાક્ષી અને અવલોકનકાર હોઈ તેમના વિચારો વધુ મહત્ત્વના અને વધુ પ્રસ્તુત બની રહે છે. પ્રસિદ્ધ રશિયન નવલકથાકાર દોસ્તોએવ્સ્કીએ, પોતાની નવલકથાલેખનની પ્રવૃત્તિને લક્ષીને જે નોંધો લખી છે, તેમાં તેમની એ કથામૂલક સ્વરૂપની સર્જનપ્રક્રિયા વિશે ઘણી માર્મિક વિચારણાઓ મળે છે. તેમના મતે ‘સર્જનશીલતા’ એ માનવપ્રકૃતિનો જ એક સજીવ અંશ છે. અને સર્વ લલિત કળાઓમાં વ્યાપી રહેતું એ સૌથી પાયાનું તત્ત્વ છે. જો કે દોસ્તોએવ્સ્કી એ વાત એકદમ સ્પષ્ટ કરીને ચાલે છે કે માનવપ્રકૃતિમાં અલગ તત્ત્વ લેખે ઓળખાવાતી ‘સર્જનશીલતા’ તે સંસિદ્ધ થયેલી ‘સમગ્ર કૃતિ’નો પર્યાય નથી જ. એ ખરું કે કળાકારની પ્રકૃતિમાં નિહિત રહેલી ‘સર્જનશીલતા’ના દબાણ વિના કોઈ સાચી કળાકૃતિ જન્મે નહિ, પણ સાથે એ ય ખરું કે, વ્યક્તિમાં સર્જનશીલતાની અમુક ઉપસ્થિતિ વરતાય, પણ એમાંથી કૃતિ જન્મશે જ એવી કોઈ ખાતરી આપી શકાતી નથી! સંપ્રજ્ઞ અને અર્ધસંપ્રજ્ઞ એમ બંને સ્તરેથી એક સાથે પ્રવર્તતી સર્જકતા અતિશય જટિલ પ્રક્રિયા સંભવે છે; અને એમાં ઘણી બાબતે અનિશ્ચિત એવી ક્રિયાઓ ભાગ ભજવે છે. દોસ્તોએવ્સ્કીના મતે કળાકારમાં ‘અંતઃપ્રેરણાનું ફૂટી આવવું’ – burst of inspiration – એક લોકોત્તર ઘટના છે. આવી પ્રેરણાની ક્ષણોમાં, વાણીમાં વ્યક્ત થઈ શકે તે કરતાં અતિશય બૃહદ્‌ એવું ભાવવિશ્વ સ્ફુરી આવે છે! એટલે, એ ભાવવિશ્વની ભરચકતા, અને કળાત્મક સાધનોની મર્યાદા – એ બે વચ્ચેની મોટી વિસંગતિ જ સર્જકને માટે પડકાર રૂપ બને છે. જે કંઈ ‘કાવ્યાત્મક વસ્તુ’ના પ્રબળ સ્ફુરણ રૂપે ફૂટી આવ્યું છે, તેને કળાત્મક રૂપમાં ઢાળવાની પ્રવૃત્તિ તે જ ‘સર્જકકર્મ’ સર્જકચિત્તના મૂળ સ્ફુરણમાં જ પરમ સૌંદર્યનું સ્વપ્નિલ દર્શન સંભવે છે. અને એની અપાર્થિવ ઝાંયને ઝીલવામાં શબ્દો ઊણા ઉતરે છે. દોસ્તોએવ્સ્કી, આ રીતે, અભિવ્યક્તિના પ્રશ્નને ઘણો ગંભીર લેખવે છે. કળાકારનું ચિત્ત જ્યારે પોતાના સીમિત વ્યક્તિત્વમાં જ બંધાઈને ગંઠાઈ જાય ત્યારે સ્થળકાળ-અવકાશ સાથેના તેના સંબંધો ધીમે ધીમે તિરોભૂત થાય છે, તેમ તે વિશેનું જ્ઞાન પણ લુપ્ત થાય છે. નક્કર કૂટ વાસ્તવિકતા સાથે એ રીતે વિચ્છેદ સર્જાતાં તેની સર્જકતાને હાનિ પહોંચે છે. વાસ્તવિક જીવનમાં કળાકાર વ્યક્તિ પોતાના ‘સ્વ’ની પ્રબળપણે સંપ્રજ્ઞતા કેળવે, અને આત્મવિસ્તાર સાધે, તો તેની કળા ખીલી શકે. એક રીતે, જીવન સ્વયં એક અખિલ કળા છે. જીવન જીવવું, એટલે જ પોતાની જાતમાંથી કળાકૃતિને ઘાટ આપવો. અને, તે માટે કેવળ એકલતામાં નહિ, સહાનુકંપા અને કારુણ્યદૃષ્ટિ સાથે માનવજાતિના જીવનમાં પ્રવેશવું અનિવાર્ય છે. કળાકારે જે ‘self-image’ સિદ્ધ કરવાની છે, તે વાસ્તવિક જીવનના સંદર્ભો વચ્ચે કરવાની છે. ‘પોતાના આંતરિક કળાત્મક વિશ્વ’માં જ તે વિહરતો રહે, તે કોઈ રીતે પર્યાપ્ત નથી. એમાં અજ્ઞાત ચિત્તવૃત્તિ જ પ્રબળપણે કામ કરતી હશે; સંપ્રજ્ઞ બૌદ્ધિક કોટિની સંવિધાયક દૃષ્ટિ એમાં ગૌણ રહી હશે. દોસ્તોએવ્સ્કીના મતે કૃતિના ‘બીજ નિક્ષેપ’ની ‘જ્વરયુક્ત દશા’માંથી મૂર્તિકરણ કરવાનું અને સર્જનની ઘટનામાં વસ્તુનું કલ્પનરૂપ નિપજાવવાનું આવશ્યક છે. અતિ પ્રબળપણે ગતિશીલ બનેલી સર્જક-ચેતનામાં કલ્પનાનાં ભવ્ય ઉડ્ડાન, કલ્પનશ્રેણીઓનું સ્ફુરણ, અને શાશ્વત સમયાતીત વાસ્તવનું ઉદ્‌ઘાટન – એ સર્વનું કળાત્મક વિધાન પૂરી સંપ્રજ્ઞતાથી કરવાનું રહે. દોસ્તોએવ્સ્કી માને છે કે સર્જકચેતના સ્વતઃ વિકાસશીલ વસ્તુ છે; અને એના વિકાસ અર્થે પૂર્ણ સ્વાતંત્ર્ય માગે છે; પણ આ સ્વાતંત્ર્ય તે આકારનિર્માણ માટેનું હોય, વાસ્તવિકતાની કળાત્મક વ્યવસ્થા માટેનું હોય, અન્યથા નહિ જ. સમર્થ સર્જક, પોતાની અંતર્ગત સ્વતંત્રપણે ઉપસ્થિત થતી કલ્પનશ્રેણીઓને પોતાની કેન્દ્રીય કલ્પનાના શાસન નીચે આણે છે. કળાકૃતિની રચનામાં અંતઃપ્રેરણા જેવા તત્ત્વનો એક germinal element તરીકે દેસ્તોએવ્સ્કી સ્વીકાર કરે છે, પણ સર્જક માત્ર અંતઃપ્રેરણા પર આધાર રાખી શકે નહિ એમ તેઓ કહે છે. એના પૂર્ણ વિકાસ અર્થે સર્જકે સભાનપણે પ્રયત્ન કરવાનો રહે જ છે. પોતાની કળાની રચનારીતિ વિશે પૂરેપૂરી જાણકારી તેણે મેળવી લેવાની રહે જ છે. રચનાકૌશલ વિના મોટી કૃતિ સંભવે નહિ. અંતઃપ્રેરણા, અલબત્ત, કોઈ અમૂર્ત વિચાર કે વિભાવનારૂપે નહિ, પણ ‘સદ્યજાત ચિત્રસર્જન રૂપ’ વસ્તુ છે. પણ એની શક્ય તેટલી કળાત્મક માવજત તો કળાકારે કરવાની રહે જ છે. કોઈ એક વિચારવસ્તુને વ્યક્ત કરવા આવતાં અલગ અલગ તત્ત્વો ચિત્તમાં સંયોજિત થતાં રહે, અને કૃતિમાં એક પ્રભાવક કલ્પનરૂપે ઊપસી આવે, તે માટે તેણે રાહ જોવાની રહે. વિશાળભવ્ય ચરિત્રનું નિર્માણ ઘણી વાર સર્જકચિત્તમાં લાંબા સમયના સેવન પછી સંભવે છે આરંભમાં એક ઝબકાર સમા દૃશ્ય કે કલ્પનને ચિત્તમાં પરિપોષ મળતો રહે તો જ ફળપ્રદ બને. અમુક કવિતા પૂરતું, અલબત્ત, એમ કહી શકાય, કે આખીય કૃતિ કવિના ચિત્તમાં પૂરો ઘાટ લઈ ચૂકી હોય, પણ કથાસાહિત્યમાં તો કાચી સામગ્રી હંમેશાં સંમાર્જન અને નવસંસ્કરણ માગે જ છે. નવલકથાની રચનાપ્રક્રિયા એ રીતે ઘણી વિદગ્ધ અને સંકુલ ઘટના છે. મૂળ વાસ્તવિક એના લેખકના ચિત્તમાં અમુક ‘ટોન’ અને રીતિના અણસાર સાથે પ્રાપ્ત થાય, પણ પછી ભારે જહેમત અને યાતના સહીને તેણે તેનું કળાત્મક રૂપ નિર્માણ કરવાનું રહે. સર્જનની એ પ્રક્રિયાને કોઈ વિચાર વ્યવસ્થામાં તારવી આપી શકાય નહિ. ચિત્તમાં સક્રિય બનેલું ‘કલ્પન’ એના અંતરિયાળમાં પડેલાં તત્ત્વો સાથે ક્રિયાપ્રતિક્રિયા સાધીને વિકસતું રહે છે. એ ઘટનામાં મૂળનું કલ્પન નવા ઢાંચામાં ઢળાતું રહે, અને એમ સંવૃદ્ધિ પામતું રહે. અંતે, જે કંઈ વિચારવસ્તુ હતી તે, અને તેના અંતિમ રૂપ વચ્ચે, પૂર્ણ સમન્વય રચાવા પામે છે. ઉદ્દીપ્ત શક્તિ અને સંપ્રજ્ઞ સર્જક ચેતના વચ્ચે પૂર્ણ સંવાદ અને સમતુલન જન્મે છે. તણાવ, સંઘર્ષ, અને આંતર-મુકાબલાને અંતે ‘પ્રશમ દશા’ પ્રાપ્ત થાય છે. કળાની આ રૂપરચના એક અર્થમાં પૂર્ણ આત્માભિવ્યક્તિ છે; પણ જીવનની મૂળભૂત અને વિષમ સમસ્યાઓથી પલાયન થવા માટે નહિ, એ સમસ્યાઓને ઉચ્ચતર સ્તરે રજૂ કરવાને અનિવાર્ય છે. જીવનના કૂટ પ્રશ્નોનું ઉદાત્તીકરણ કરવા, અને તેને વસ્તુલક્ષી નિર્માણ કરવા માટે કળાનિર્માણ જરૂરી છે. કવિતાની સર્જનપ્રક્રિયા માટે આ સદીના અસંખ્ય કવિઓએ આગવી આગવી કેફિયતો આપી છે, કે એ વિશે ચર્ચાવિચારણાઓ કરી છે. પણ એમાં સ્ટીફને સ્પેન્ડરની ‘કવિતાનું નિર્માણ’–‘Making of a Poem’ શીર્ષકની કેફિયત ઘણી રીતે લાક્ષણિક છે. સર્જકતા વિશેના આ સદીના ખ્યાલને સમજવામાં એ ઘણી ઉપકારક બને એમ છે. સ્પેન્ડરના મતે કવિતાનું નિર્માણ કવિ પાસે ચોક્કસ પ્રકારની ‘ધ્યાનમગ્નતા’ માગે છે. અલબત્ત, શ્રુતિ, દર્શન, કલ્પના, સ્મૃતિ, જેવી ચિત્તશક્તિઓ કવિમાં કેળવાયેલી હોવી જોઈએ. સ્પેન્ડર માને છે કે ગણિતની સમસ્યા ઉકેલવાની પ્રવૃત્તિમાં ગણિતશાસ્ત્રી જે રીતે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, તેથી જુદી જ રીતે કવિ ધ્યાનસ્થ બને છે તેમની વિચારણાનો એક અંશ અહીં અનુવાદમાં મૂકું છું’ : ‘(કાવ્યનિર્માણમાં) અત્યંત વિલક્ષણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત છે. વિકાસની પ્રક્રિયામાં છોડ પોતાની પ્રાણશક્તિ કંઈ એક જ દિશામાં વાળતો નથી. પર્ણઘટાઓ પ્રકાશ અને ઉષ્માની દિશામાં, તો મૂળિયાઓનો પુંજ નીચેની ભોંયમાં ઊંડે ઊંડે ભેજગ્રસ્ત પ્રાંતમાં – એમ સર્વ દિશાઓમાં તે એક સાથે પ્રસાર સાધે છે. કવિ પણ, એ જ રીતે, પોતાના ‘બીજભૂત વિચાર’ (Idea)ના શક્ય તેટલા ગર્ભિતાર્થો પામવા અને તેના આંતરવિકાસ અર્થે પૂરતી સંપ્રજ્ઞતા કેળવવા મથે છે.’ સ્પેન્ડર એ વાત પર ભાર મૂકીને કહે છે કે, કવિતાની રચના એ તેને માત્ર ગમતી પ્રવૃત્તિ છે એ કારણે નહિ, પણ તેમના અંતરની એક અદમ્ય જરૂરિયાત બની રહી છે, અને એમાં અમુક રીતનો આધ્યાત્મિક દબાવ પ્રતીત થાય છે, એટલા માટે તેઓ સ્વીકારે છે. અંદરનાં આદિતમિસ્રોમાં ઢંકાયેલાં શિખરો સુધી પહોંચવાને માનવચિતિનો એમાં કઠોર પુરુષાર્થ રહ્યો છે એમ તેઓ માને છે. સર્જનની આ ક્ષણો ભારે ઉત્તેજનાભરી તેમ વેદનાભરી હોય છે. એ પ્રવૃત્તિમાં આગળ વધવામાં ક્યાંય કોઈ નિશ્ચિત લક્ષ્ય દેખાતું નથી. ઘણી વાર તો જે કંઈ રચાઈ રહ્યું છે તે અમૂલ્ય જ છે એવી કોઈ પ્રતીતિ ય જન્મતી નથી. કૃતિવિકાસ સંદર્ભે સ્પેન્ડર એમ સ્પષ્ટ કરે છે કે કેટલીક વાર કાવ્ય-નિર્માણમાં ક્રમિક તબક્કાઓ એકબીજાથી અલગ રેખાંકિત કરી ન શકાય તેટલી ત્વરાથી સમેટાઈ જાય છે. એટલે કૃતિ પૂરી થતાં તેમાં સુધારાવધારા કે નવસંસ્કરણની ઝાઝી જરૂર રહેતી નથી. અન્ય કવિઓની બાબતમાં કાવ્યરચના ક્રમશઃ ધીમે ધીમે ઊઘડતી આવે છે. કાચા મુસદ્દાનું ફરીફરીને સંમાર્જન અને નવવિધાન ચાલતું રહે છે. આશ્ચર્ય સાથે કવિને પ્રત્યક્ષ થાય છે કે એ રીતે તેના બિલકુલ આરંભના મુસદ્દામાં ખાસ્સું રૂપાંતર થઈ ચૂક્યું છે. સ્પેન્ડર પોતાની કાવ્યનિર્માણની પ્રવૃત્તિ બીજા પ્રકારની છે એમ નોંધે છે. પણ સાથે એમ સ્પષ્ટ કરે છે કે, અંતે તો ‘અંતદૃષ્ટિ’ની આદિ ક્ષણ પોતાને આંતર-વિકાસ સાધીને ‘સૌંદર્યનિષ્ઠ રૂપ’ પ્રાપ્ત કરે છે કે નહિ, એ જ સૌથી મહત્ત્વની બાબત રહે છે. કવિતાની સર્જનપ્રક્રિયાનું સ્પેન્ડરે આ રીતે વર્ણન આપ્યું છે : (૧) કવિતા ઉદ્‌ભવમાં કોઈ ભાવ, બીજરૂપ વિચાર, અંતદૃષ્ટિ કે એવી આંતરક્ષમતાવાળી વસ્તુ પડી હોય છે. (૨) મૂળનો ભાવ કે બીજરૂપ વસ્તુ સ્વયં ઊઘડવા વિકસવા ક્રિયાશીલ બને છે. (૩) કવિચિત્તનો પૂરેપૂરો કબજો લઈ બેઠેલી એ વસ્તુ એકાએક ઊઘડી આવે કે ક્રમશઃ ધીરેધીરે વિકસતી આવે. (૪) બીજરૂપ વસ્તુ કોઈ એક પૂર્વનિશ્ચિત દિશામાં જ વિકસે એવું નથી, કવિસંવિદ્‌ના અવકાશમાં એકી સાથે અનેક બાજુએ એ વિસ્તરવા મથે છે. (૫) અજ્ઞાત ચિત્તના આદિતમિસ્ર ખંડનો તાગ લેવા કવિચિત્ત અંતર્મુખી બને છે, એટલું જ નહિ, એમાં પૂરી એકાગ્રતા સાધીને ચાલે છે. (૬) અનેક વાર બીજરૂપ વસ્તુ અર્ધઉઘાડ પામીને થંભી જતી લાગે છે. એ વસ્તુ કવિના ચિત્તમાં દિવસો સુધી મહિનાઓ સુધી કે વર્ષો સુધી પોતાની ઉપસ્થિતિનો કશો પણ અણસાર આપ્યા વિના સુષુપ્તપણે પડી રહે છે. અને પાછળથી કશુંક પણ નિમિત્તે મળતાં એકાએક અણધારી રીતે જાગૃત મનની સપાટી પર આવી તે કવિના સમગ્ર ચિત્તનો કબજો લે છે, અને સર્જનકાર્ય આગળ ચાલે છે. (૭) સર્જનની આખી પ્રક્રિયા દરમ્યાન ચિત્તના અંતરિયાળમાંથી સહજ રીતે ઊપસી આવતી કલ્પનસામગ્રીના સ્વીકાર વિશે કવિનું જાગૃત કે અર્ધજાગૃત ચિત્ત નિર્ણય કરતું રહે છે. (૮) વિકાસ પામીને પૂર્ણરૂપ લેતી કૃતિમાં આરંભની વસ્તુનો વિકાસતંતુ જળવાયેલો લાગે. કૃતિમાં પ્રવેશતી અસંપ્રજ્ઞ સ્તરની સામગ્રી સ્વયં પ્રબળતાથી ઉપસ્થિત થતી લાગે, પણ એના સ્વીકાર અસ્વીકારમાં રચાઈ ચૂકેલો અંશ અમુક ભાગ ભજવે, તો સર્જનાત્મક વિકાસની નવી શક્યતાઓનો અણસાર પણ એમાં નિર્ણાયક બને. (૯) સર્જનના કોઈ ને કોઈ તબક્કામાં ધૂંધળી અનિશ્ચિતતા કે દિશાશૂન્યતાની ક્ષણ આવે છે, અને ત્યાં કવિને થંભી જવું પડે છે, બલકે પોતાના સર્જકચિત્તને વિશ્રાન્તિમાં મૂકી દેવું પડે છે. એવી અનિશ્ચિતતાની ક્ષણે પ્રયત્નપૂર્વક, બળપૂર્વક આગળ જવા કરતાં તે પોતાની શક્તિઓને શિથિલ દશામાં છોડી દે છે. અને રાહ જુએ છે. (૧૦) અજ્ઞાત ચિત્તમાં મૂળ વસ્તુના વિકાસની શોધ ચાલતી રહે, અને સાવ અણધારી રીતે એકાએક જ નવી ઉપલબ્ધિ આવી મળે છે. (૧૧) આ પ્રવૃત્તિ કોઈ પૂર્વનિશ્ચિત રૂપરેખા પ્રમાણે ચાલતી હોતી નથી. (૧૨) કૃતિ કોઈ પૂર્વ પ્રાપ્ત વિચારનું દૃષ્ટાન્તીકરણ નહિ, પણ એક એનું સંકુલ વિશ્વ છે જેને કોઈ વિચારમાં તારવી શકાય નહિ. (૧૩) કૃતિમાં અણધારી રીતે જોડાતાં કલ્પનો, લાગણીઓ, વિચારો, એક ‘અ-બૌદ્ધિક વ્યવસ્થા’માં ઢળાય છે. (૧૪) કૃતિની રચના દરમ્યાન બહાર ફેંકાઈ જતી પંક્તિ અર્ધપંક્તિ કે કલ્પનરચના સ્વયં કોઈ નવી કૃતિને જન્મ આપે, આપી શકે, એવી સસત્ત્વ હોઈ શકે. સર્જનની ઘટના આ રીતે રહસ્યના અમુક આવરણમાં ઢંકાયેલી રહી છે. એટલે જ એને લગતાં વર્ણનો કેફિયતો સ્વયં રસપ્રદ હોવાનાં. પણ ‘સર્જકતા’ સ્વયં કૃતિના મૂલ્યાંકનમાં એક મોટો નિકષ બનતી હોય ત્યારે તો એની વ્યાખ્યા વિચારણાઓનું વિવેચનની દૃષ્ટિએ પણ આગવું મૂલ્ય પ્રાપ્ત થાય છે. એટલે આપણે આ ક્ષેત્રમાં ઊડું ચિંતનમનન કરીએ, તો તે આપણા કૃતિવિવેચનમાં કોઈ ને કોઈ રીતે ઉપકારક બનશે, એવી મારી અંગત પ્રતીતિ છે.