પ્રતીતિ/સુંદરમ્‌ની વાર્તાઓ : માનવીય સંવેદનાનાં અનોખાં પરિમાણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search



સુંદરમ્‌ની વાર્તાઓ : માનવીય સંવેદનાનાં અનોખાં પરિમાણો

કવિતાના પ્રકારમાં તેમ ટૂંકી વાર્તામાં સુંદરમ્‌ની સર્જકપ્રતિભાના અનેક વિરલ ઉન્મેષો આપણને જોવા મળ્યા છે. જો કે ટૂંકી વાર્તાના સ્વરૂપમાં તેમની કળાત્મક સિદ્ધિઓની પૂરતી નોંધ લેવાઈ નથી એવી મારી અંગત લાગણી રહી છે. તેમની વાર્તાઓ વિશેનું આપણું ઘણુંએક વિવેચન એમાં રજૂ થયેલા કેટલાક મુખ્ય વિષયોની ઓળખ કે તેના વિવરણમાં, તેમાં રજૂ થયેલી સમસ્યાઓ નિમિત્તે સામાજિક વાસ્તવની નોંધ લેવામાં, અને વધુ તો એ વાર્તાઓનાં પ્રેરક અને પ્રભાવક બળો લેખે એ યુગની વિચારધારાઓની તપાસ કરવામાં ખરચાતું રહ્યું છે. અલબત્ત, એ રીતે પણ સુંદરમ્‌ની કેટલીક ઉત્કૃષ્ટ કોટિની વાર્તાઓ વિવેચનનો વિષય બની છે. પણ સુંદરમ્‌ની વાર્તાઓમાં માનવીય સંવેદનાઓનાં જે અવનવાં સ્તરો અને અનોખાં પરિમાણો ખુલ્લાં થતાં રહ્યાં છે, અને માનવીય અનુભવના અર્થની ખોજમાં એ ભાવભૂમિકાએથી વર્ણ્યવિષયો (themes)ની જે વિશિષ્ટ ભાતો ઊપસી છે, તે પાસું ઠીકઠીક ઉપેક્ષિત રહ્યું છે એમ મને લાગે છે. એટલે જ, સુંદરમ્‌ની ટૂંકી વાર્તાઓને વધુ નિકટતાથી જોવાનો અવલોકવાનો આ ઉપક્રમ સ્વીકાર્યો છે. સુંદરમ્‌ના વાર્તાલેખનની ફલશ્રુતિરૂપે આપણને પાંચ વાર્તાસંગ્રહો મળ્યા છે : ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮), ‘બોલકી અને નાગરિકા’ (૧૯૩૯), ‘પિપાસી’ (૧૯૪૦), ‘ઉન્નયત’ (૧૯૪૫), અને ‘તારિણી’ (૧૯૭૮). આ સંગ્રહોની વાર્તાઓમાં બે મુખ્ય તરેહો પકડી શકાય એમ છે. એ પૈકીની એક તે સમાજના દલિતપીડિત વર્ગનાં લોકોનાં સુખઃદુખ અને તેમની યાતનાઓની વાર્તાઓની છે. ‘માજા વેલાનું મૃત્યુ’, ‘બીડીઓ’, ‘પેકાર્ડનો પ્રવાસ’, ‘ઊછરતાં છોરુ’, ‘લીલી વાડી’ ‘મીન પિયાસી’ ‘જમીનદાર’ ‘પની’ – જેવી વાર્તાઓમાં સમાજજીવનની આર્થિક વિષમતાની ભૂમિકા છે; અને, એક રીતે, ‘કોયાભગતની કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’નાં દલિતપીડિતોને વિષય કરતાં કાવ્યો સાથે એનું માર્મિક અનુસંધાન પણ જોઈ શકીએ. આગળ આપણે જોઈશું કે, સામાજિક વિષમતાઓ અને બેહાલીનો સંદર્ભ છતાંય લેખકની દૃષ્ટિ વધુ તો નાયક નાયિકાના આંતરસંચલનો પર, તેમના ગહન આંતરપ્રવાહો પર ઠરી છે. પણ, સુંદરમ્‌ની વાર્તાઓમાં બીજી મોટી તરેહ તે – માનવવ્યક્તિની સૌથી મૂળભૂત એવી જાતીય વૃત્તિ, સ્ત્રી પુરુષના રાગઅનુરાગ, દાંપત્યનાં સુખદુઃખ અને સંઘર્ષો, અને માનવહૃદયમાં સ્ફુરતા પ્રેમતત્ત્વના અર્થની ખોજ વગેરે વિષયોની વાર્તાઓ બની છે. એમાં નારી પાત્રોની ભાવસંવેદનાઓ વધુ કેન્દ્રમાં રહી છે. જુદા જુદા સામાજિક સ્તરની, જુદા જુદા સંયોગો વચ્ચે જીવતી, અને જુદી જુદી વયની અનેક નારીઓની સંવેદનકથાઓ એમાં ચોક્કસ તરેહ રચે છે. લગ્ન ઝંખતી મુગ્ધ કન્યાના અંતરની સૂક્ષ્મ કોમળ આરત, આણે જતી નવવધૂના કોડ અને કોડભંગ, નારીની સંતાન માટેની એષણા, સકારણ કે અકારણ દાંપત્યજીવનમાં જન્મી પડતી તિરાડ, જાતીય વાસનાનું બીભત્સ રૂપ, પતન પામેલી નારીના અંતરનું નિર્મળ એકાંત – એમ નારીજીવનના ગહનગૂઢ આંતરસત્ત્વની તેમણે પોતાની વાર્તાઓમાં ખોજ ચલાવી છે. ત્રીસીના ગાળામાં જ, અલબત્ત, શ્રી અરવિંદ અને શ્રીમાતાજીના યોગમાર્ગ તરફ તેઓ ઝૂકવા લાગ્યા હતા. શ્રી અંબુભાઈ પુરાણી સાથેના તેમના પત્રવ્યવહારમાંથી આ વાત એકદમ સ્પષ્ટ થાય છે. ‘વસુધા’ અને ‘યાત્રા’ની કવિતામાં માનવપ્રેમનું ઉદાત્ત અભિજાત અને દિવ્યરસના સ્પર્શથી પાવક એવું જે રૂપ તેમણે પ્રત્યક્ષ કર્યું, તેમાં તેમની આધ્યાત્મિક ખોજની દિશા જોઈ શકાશે. અને, હકીકતમાં, વાર્તાક્ષેત્રમાં પણ ‘ઉલ્કા’ જેવી વાર્તામાં તેઓ માનવપ્રેમના અર્થની ખોજને જ વર્ણ્ય-વિષય બનાવ્યો છે, તે એટલો જ સૂચક છે. ‘ખોલકી’ જેવી પ્રાકૃત જાતીય આવેગને રજૂ કરતી વાર્તા, એ જો તેમની આરંભની એક ભાવભૂમિકા છે, અને એક સમસ્યા છે; તો ‘ઉલ્કા’ એ તેમની ઉત્તરકાળની આધ્યાત્મિક ખોજની ભૂમિકા અને તત્સંબંધિત સમસ્યા રજૂ કરે છે. હકીકત તો એ છે કે સુંદરમ્‌નું સમગ્ર સાહિત્ય આંતરિક વિકાસ દર્શાવે છે. માનવ અસ્તિત્વના અર્થની ખોજ અને તે સંદર્ભે ગ્રહણ થતી માનવીય સમસ્યાઓ તેમની સર્જક તરીકેની મુખ્ય નિસ્બત રહી છે. શ્રી અરવિંદ અને શ્રી માતાજીના ચરણકમળમાં આત્મસમર્પણ કર્યું તે પછી તેમના સમગ્ર સર્જનચિંતનમાં આમૂલ પરિવર્તન આવ્યું. શ્રી અરવિંદ અને શ્રીમાતાજીના જીવનદર્શનના પ્રકાશમાં તેઓ માનવજીવનનો વિચાર કરવા પ્રેરાયા. બલકે, પૂરી આસ્થા સાથે એ મહાસાધકોની દાર્શનિક વિચારણાઓ સ્વીકારવા પ્રેરાયા. અને તેમને એ દર્શનમાં પૂરું સમાધાન પણ મળ્યું. પણ, વીસીના ઉત્તરાર્ધમાં તેમણે સાહિત્યક્ષેત્રમાં ચરણ મૂક્યાં ત્યારે તેઓ ગાંધીજીની જીવનવિચારણાથી પ્રેરાયા હતા. એ સમયનાં યુગનિર્ધારક બળોએ, ખરેખર તો, તેમના માનસિક જીવનના ઘડતરમાં મોટો ભાગ ભજવ્યો હતો. સંભવતઃ ગાંધીજી ટાગોર અને લેનિન આદિના માનવતાવાદી ચિંતનનો તેમના અંતર પર મોટો પ્રભાવ પડ્યો હતો. એટલે દલિતપીડિતો પ્રત્યેની અનુકંપા અને કરુણા, સમાજજીવનની વિષમતા અને વર્ગભાન, સામાજિક ક્રાંતિની ઝંખના, ગાંધીજીએ રજૂ કરેલા પંચમહાવ્રતો સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસંગ્રહ અસ્તેય – આ સર્વ તેમની સર્જકચેતનાને પ્રગાઢપણે સ્પર્શી રહે છે. પણ સામાજિક આર્થિક વિષમતાનું તીવ્ર પ્રખર ભાન છતાં સુંદરમ્‌ની પ્રતિભા એ રાજકીય સામાજિક પ્રશ્નોને અંતિમ પ્રશ્નો લેખવતી નથી, એમ તેમના સમગ્ર સાહિત્યનું પરિશીલન કરતાં સમજાય છે. સામાજિક વાસ્તવની વિષમતા અને કઠોરતાના પ્રશ્નો, અંતે તો, વ્યક્તિના પ્રાકૃતિક જીવનના ગહન કૂટ પ્રશ્નો છે. અહીં ગરીબી અજ્ઞાન જડતા પ્રાકૃતતા હિંસ્રતા દુરિત જેવાં અનિષ્ટ તત્ત્વો છે, પણ એની કૂટ વાસ્તવિકતા એ વ્યક્તિની પ્રાકૃત સ્તરની સત્તા રૂપે સંભવે છે. માનવવ્યક્તિમાં સક્રિય થતી જાતીય વૃત્તિ, તેની દુર્દમ્ય દુર્નિવાર ગતિ, અને અંધ આવેશ – એ સર્વ માનવપ્રકૃતિમાં સૌથી ઊંડે રોપાયેલાં બળો છે. એટલે, માનવજાતિ સામે, અંતે, પ્રશ્ન તે આ માનવપ્રકૃતિના ઊર્ધ્વીકરણનો છે, તેનું દિવ્યતામાં રૂપાંતરણનો છે. તેમની પ્રસિદ્ધ કાવ્યરચના ‘૧૩-૭ની લોકલ’ તેમની આધ્યાત્મિક સંપ્રજ્ઞતાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. દેખીતી રીતે તો, એ રચનામાં સમાજના રંક દીનહીન લોકોનું તેમણે પૂરી સહાનુકંપાથી વર્ણન કર્યું છે. પણ એ રચનાને માત્ર સામાજિક વિષમતાના દર્શન રૂપે ઘટાવવાનું પૂરતું નથી : કૃતિના અંતભાગમાં કાવ્યનાયકનું સ્વગતોક્તિરૂપ ચિંતન એના ભાવજગતને એક અનોખું પરિમાણ અર્પે છે :

ખાલી એ અવકાશે ત્યાં તગતા સૂર્યતેજમાં
પાટાઓ સાંધતા સૂતા ક્ષિતિજો બે દિશા તણી
ત્યહીં શું કોટિ કોશાન્તે ઝગતો સવિતા દીસે
ઊતરી આવીને નીચે દ્રવતો દ્રવ્ય પૃથ્વીનાં
ભિન્નની ભિન્નતા ગાળી એકત્વે ઓપતો બધું.
ના, ના, એ ઝાંઝવાં સંધું, દૂર એ ભર્ગધામ છે!
અહીં તો હાલ સર્વત્ર
માટી ને લોહના જેવી પૃથક્‌તાના મુકામ છે!

કાવ્યનાયક ૧૩-૭ની લોકલ પસાર થઈ ગયા પછીની સ્ટેશનવિસ્તારની નિર્જન દશાને આ રીતે અનુભવે છે! ક્ષણેક તો સામસામી દિશામાં વિસ્તરેલા પાટાઓ ક્ષિતિજને સાંધતા ને આખા દૃશ્યને એકતા અર્પતા લાગે છે, બલકે સૂર્યના પ્રખર તેજમાં સર્વ કંઈ દ્રવીને એકરસ બની રહેતું લાગે છે. પણ ના, બીજી જ ક્ષણે, કાવ્યનાયકની ભ્રાંતિ તૂટે છે : ‘ના. ના, એ ઝાંઝવાં સંધું, દૂર એ ભર્ગધામ છે / અહીં તો હાલ સર્વત્ર / માટી ને લોહના જેવી પૃથક્‌તાના મુકામ છે!’ અહીં જોઈ શકાશે કે સુંદરમ્‌ના જીવનદર્શનમાં વર્તમાન માનવજાતિની વિષમ કઠોર વાસ્તવિકતાનો સ્વીકાર છે. શ્રી શંકરાચાર્યના અદ્વૈતદર્શનમાં, બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. સુંદરમ્‌ આ પૃથ્વીલોકની પાર્થિવતા અને પ્રાકૃતતાને મિથ્યા લેખવતા નથી. માનવવ્યક્તિમાં એ પાર્થિવતા અને પ્રાકૃતતા જ સ્વયં એક મોટી સમસ્યા છે. અને, એ રીતે, તેમની વાર્તાઓમાં જે કોઈ માનવીય સંદર્ભો રજૂ થયા છે તેમાં, સામાજિક વિષમતાની ઓછીવત્તી સભાનતા પ્રગટતી હોય તો પણ, તેમનું ધ્યાન વધુ તો માનવવ્યક્તિ પર, માનવવ્યક્તિની નિજી સમસ્યા પર, ઠરેલું દેખાય છે. તેમની વાર્તાઓમાં જે જે માનવીય પરિસ્થિતિઓ અને સમસ્યાઓ રજૂ થઈ છે તેમાં એક ચોક્કસ ખોજની દિશા મળે છે. ખાસ કરીને દાંપત્યજીવન અને નારીના પ્રશ્નોને લક્ષતી વાર્તાઓ ચોક્કસ ભાત રચે છે. તેમના સમગ્ર સાહિત્યમાં એ એક મહત્ત્વનો સર્જનાત્મક અંશ છે. સમગ્ર સજીવ પ્રતિભાકોષ (oeuvre)નો એક અર્થસભર એવો એ આવિષ્કાર છે. મને એમ લાગે છે કે સુંદરમ્‌ જેવા વિકાસશીલ સર્જકની બાબતમાં કાઈ એક કવિતા કે ટૂંકી વાર્તાનું અલગ વાંચન પર્યાપ્ત નહિ બને. સમગ્ર પ્રતિભાકોષના સંદર્ભે તેના આસ્વાદન અને અર્થમાં નવા પરિમાણો પ્રાપ્ત થાય છે.

ગુજરાતી વાર્તાસાહિત્યની પશ્ચાદ્‌ભૂમિકા પર મૂકીને સુંદરમ્‌ના વાર્તાજગતનું અવલોકન કરીએ, તો સ્પષ્ટ થશે કે ધૂમકેતુ, મેઘાણી, મડિયા, પન્નાલાલ અને જયંત ખત્રી જેવા રંગદર્શી સર્જક વૃત્તિવાળા લેખકોની વાર્તાસૃષ્ટિ સાથે તેને કેટલુંક માર્મિક સામ્ય રહ્યું છે. એ સંદર્ભે સૌથી પહેલી નોંધવા જેવી વાત એ છે કે આ સૌ લેખકોની જેમ સુંદરમ્‌ની સર્જકવૃત્તિ પણ સહજ વાર્તાકથન માટે ઝોક ધરાવે છે. એટલું જ નહિ, ચોક્કસ કદની વાર્તાક્ષમ ઘટનાઓ અંગે રસપ્રદ કથાનક માટે પક્ષપાત ધરાવે છે. રોજિંદા જીવનના સામાન્ય અને પરિચિત લાગતા બનાવો કરતાં કંઈક અસામાન્ય, કંઈક અણજાણ અને કંઈક વૈચિત્ર્યસભર બનાવો લઈને તેઓ વાર્તા રચવા પ્રેરાયા છે. કશુંક મૂળગામી રંગરાગી તત્ત્વ તેમની સર્જકકલ્પનામાં ભળી જતું દેખાય છે. રસપ્રદ મુદ્દો તો એ છે કે પોતાના અનુભવમાં આવેલા લોકજીવનનાં સુખદુઃખ વેરઝેર અને આશાનિરાશાની કથા કહેવા તેઓ પ્રેરાયા છે ત્યાં પણ લોકજીવનની કઠોર દારુણ વાસ્તવિકતાનાં નકરાં ચિત્રણો નહિ, રંગરાગી કલ્પનાની સૂક્ષ્માતિસૂક્ષ્મ છટાઓ તેમાં સહજ ભળી ગઈ છે. સામાન્ય અને પરિચિત લાગતા દૃશ્યમાં કે બનાવમાં પણ કશુંક અણજાણ અનનુભૂત અને રંગરાગી તત્ત્વ સહજપણે ઘૂંટાતું જણાશે. આગળ આપણે જોઈશું કે તેમની ઘણીએક વાર્તાઓમાં મુખ્યગૌણ ઘટનાઓના સ્તરે, પાત્રનિર્માણના સ્તરે, ભાવસંવેદનાઓ દૃશ્યવર્ણનો અને ભાષાવિનિયોગના સ્તરે, ક્યાંક ને ક્યાંક રંગરાગી ઝાંય ચમકી ઊઠે છે, પરિચિત વાસ્તવિકતાને એથી નવો ઓપ મળ્યો છે. અને સુંદરમ્‌ની ઘણીએક વાર્તાઓમાં મુખ્યગૌણ નાનામોટા સ્થૂળસૂક્ષ્મ બનાવોની જે રીતે યોજના થતી રહી છે તે જેતાં એમ માનવાનું મન થાય છે કે વાર્તાનિર્માણ અર્થે વાર્તાક્ષમ બનાવોનો સ્વીકાર કરીને ચાલવાનું તેમનું બળવાન વલણ રહ્યું છે. ‘અંબા ભવાની’, ‘મીન પિયાસી’, ‘યા નસીબ’, ‘પાપિણી’, ‘પુષ્પિતા’, ‘હીરાકણી’, ‘ઉલ્કા’, ‘લાલ મોગરો’ જેવી તેમની અનેક વાર્તામાં દીર્ઘ સમયપટ પર પથરાતી મુખ્ય ગૌણ ઘટનાઓની મોટી સાંકળ પકડમાં લે છે. એમાં રજૂ થતી માનવપરિસ્થિતિ વધુ સંકુલ અને વધુ વિસ્તૃત રહી છે. વાર્તાક્ષમ બીજને અમુક પરિમાણમાં ખિલવવા તરફ તેમની વૃત્તિ રહી છે. એ રીતે, રહસ્યમંડિત માનવઘટના કે માનવપરિસ્થિતિને વસ્તુવિકાસની અતિસન્નધ રેખા પર રજૂ કરવાની અને તેની અતિ લાઘવભરી આકૃતિ રચવાની વૃત્તિ ઓછી, પણ મુખ્યગૌણ ઘટનાઓનું આલંબન લઈ તેના કથનવર્ણનની ભરચક વિગતો સાથે કામ પાડતા જઈ તેનું વધુ અંતરગ્રાહી (inclusive) રૂપ રચવાની વૃત્તિ તેમનામાં વિશેષ દેખાઈ આવે છે. વાર્તાની મુખ્ય ભાવપરિસ્થિતિ તેમના દૃષ્ટિફલકમાં સ્વચ્છસુરેખ પડી હોય તોપણ તેના મુખ્યગૌણ બનાવો દૃશ્યો અને ચરિત્રવર્ણનમાં અતિ માર્મિક વિગતોની ભરચકતા તેના પર અમુક પાતળું આચ્છાદન રચી દે છે. તેમની ‘ખોલકી’, ‘આશા’, ‘માને ખોળે’, ‘માજા વેલાનું મૃત્યુ’, ‘નાગરિકા’, ‘ભદ્રા’, ‘લીલી વાડી’, જેવી અનેક સત્ત્વશીલ વાર્તાઓમાં મુખ્ય ભાવપરિસ્થિતિ સીધી લક્ષ્યગામી રજૂઆત પામી છે, છતાં એ વાર્તાઓ પણ કંઈક પ્રસ્તારી હોવાની છાપ મૂકી જાય છે. જો કે એ પ્રસ્તાર સાચા અર્થમાં પ્રસ્તાર નથી. પાત્ર પ્રસંગ દૃશ્ય અને ભાવનિરૂપણમાં સુંદરમ્‌ની સર્જકચેતના એમાં પૂરી મોકળાશથી લીલયાવૃત્તિથી ગતિ કરે છે. કથનવર્ણનના ઝીણી ઝીણી પણ મર્મગ્રાહી અને છતાં નક્કર સ્પર્શક્ષમ અને સઘન વિગતો એમાં સહજ સ્થાન લેતી રહે છે. આપણે તેમના કેટલીક ઉત્કૃષ્ટ વાર્તાઓનાં અવલોકનમાં જોઈશું કે આ પ્રકારની તેમની સર્જકવૃત્તિ, ખરેખર તો, માનવસંવેદનાનાં અનોખાં સ્તરો અને અનોખાં પરિમાણો ખુલ્લાં કરી આપે છે. જો કે સુંદરમ્‌ની વાર્તાઓમાં કથાવસ્તુના પ્રસ્તાર અને સંવિધાનની શિથિલતાની ફરિયાદ થઈ હોય તો તેમની કેટલીક વાર્તાઓ માટે એ સાચી ઠરે એમ છે. ‘યા નસીબ’, ‘જમીનદાર’, ‘ઊછરતાં છોરુ’, ‘લાલ મોગરો’, જેવી વાર્તાઓમાં વર્ણ્યવસ્તુ પૂરી એકાગ્રતામાં પકડી શકાઈ નથી, તેમ તેના સીધા લક્ષ્યગામી વિકાસનો તંતુ બરોબર હાથમાં આવ્યો નથી. પણ આ જાતની ઊણપ કે મર્યાદા તેમના મૂળ વસ્તુવિભાવનમાં જ રોપાયેલી જણાશે. ટૂંકી વાર્તાની ટેક્‌નિક વિશે પ્રખર સભાનતા લઈને, તેનો અતિ લાઘવભર્યો વસ્તુવૃત્તાંત ખિલવવાનો અને પૂરી કરકસરથી તેની માવજત કરવાનો, એમાં એવો કોઈ પ્રબળ આગ્રહ વરતાતો નથી. વાર્તાલેખક જયંતિ દલાલનો વાર્તાસર્જન પરત્વેનો અભિગમ આ તબક્કે સરખાવવા જેવો છે. જયંતિ દલાલે ટૂંકી વાર્તાની રચનામાં કૃતિના હાર્દ સમી માનવપરિસ્થિતિનું બને તેટલું કરકસરયુક્ત, બને તેટલું લાઘવભર્યું, અને બને તેટલું સીધેસીધું આલેખન કરવાનો આગ્રહ રાખ્યો છે. ગૌણ અને અપ્રસ્તુત કે મુખ્ય રહસ્યથી દૂરના લાગતા પ્રસંગો અને પાત્રોનું હ્રસ્વીકરણ કરીને કે તેનું તિરોધાન કરીને અને હાર્દ રૂપ મુખ્ય પરિસ્થિતિના કથનવર્ણનમાંય શક્ય તેટલી કાપકૂપ (trimming) કરીને તેમણે વાર્તાકળાને નિભાવવાનો પ્રયત્ન કર્યો છે. અલબત્ત, જયંતિ દલાલ આ રીતે કથનવર્ણનમાં trimming કરે છે, ત્યારે માનવસંયોગો, ચરિત્રનિર્માણ અને ભાવસંવેદનાઓની અમુક સંકુલતાઓ આપમેળે ગળાઈ જાય છે કે તેનું અમુક સરલીકરણ થવા પામે છે. એટલે જયંતિ દલાલની રચનારીતિ હંમેશાં આવકાર્ય ઠરતી નથી. સુન્દરમ્‌ની કથનવર્ણનની રીતિમાં સહજ રીતે વિગતોની પ્રચુરતા અને ભરચકતા પ્રવેશે છે તે ખરેખર તો માનવીય સંયોગોની સંકુલતા અને જટિલતાને આવરે છે. એટલે, અંતે, પ્રશ્ન તો કોઈ પણ ટૂંકી વાર્તામાં તેનો સર્જક માનવીય વાસ્તવિકતાની સંકુલતાને કેટલી ગ્રહણ કરે છે, અને તે સાથે કૃતિને કેટલી એકાગ્ર લક્ષ્યગામી અને એકાત્મક પ્રભાવશાળી બનાવી શકે છે તેનો છે. એ ખરું કે સુંદરમે અનેક વાર્તાઓ માટે અસામાન્ય ઘટના(ઓ)નો આધાર લીધો છે, ઘટનાપ્રચુર લાગે એવા અટપટા વૃત્તાંતો ય કેટલીક વાર સ્વીકાર્યા છે, પણ ઘટના લેખે ઘટનામાં તેમને એટલો રસ હોય એમ જણાતું નથી. ‘માને ખોળે’, ‘જીવનની તરસ’, ‘લાલ મોગરા’, ‘ભદ્રા’, જેવી વાર્તાઓમાં, દેખીતી રીતે, અસામાન્ય લાગતી ઘટનાઓનો આધાર છે ત્યાં પણ સુંદરમ્‌નો મૂળ આશય તો એ વાર્તાઓનાં નાયકનાયિકાઓના આંતરજીવનનો-જીવનના ગૂઢ આંતરપ્રવાહોનો-તાગ લેવાનો રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે તેમની વાર્તાઓમાં કેટલીક વાર યુગની વિચારધારાઓ નાયકના માનસને પ્રગટપણે કે પ્રચ્છન્નપણે પ્રેરતી હોય છે, પણ ત્યાંય વાર્તાનું રહસ્ય તો તેમનાં, ગહન ભાવસંચલનોમાં નિહિત રહ્યું સમજાશે. બૌદ્ધિક જાગૃત મનના સ્તરની નીચે પ્રાકૃતિક સ્તરના જીવનમાં સુષુપ્ત રહેલા અબૌદ્ધિક અંશ (the Irrational)ને તેઓ તાગ લેવા ચાહે છે. અજ્ઞાત મનની આદિમ્‌ વૃત્તિઓ ઝંખનાઓ તૃષ્ણાઓ અને પ્રાકૃતિક આવેગો પર તેમની દૃષ્ટિ મંડાયેલી છે. માનવવ્યક્તિમાં કૂટ દુર્ભેદ્ય એવી જે પ્રાકૃતિક સત્તા પડી છે તેને તાગવાનો એમાં પ્રયત્ન છે. ભારપૂર્વક નોંધવું જોઈએ કે સુંદરમ્‌ની વાર્તાઓમાં જેમ બહારની તેમ અંદરની પ્રકૃતિનું વધુ નક્કર અને સ્પર્શક્ષમ વાસ્તવ રજૂ થયું છે. એ રીતે માનવીય વાસ્તવિકતાને તેઓ વધુ તળના સ્તરેથી પકડવા મથ્યા છે. ઐન્દ્રિયિક સંવેદનાઓ, દૈહિક અનુભૂતિઓ આવેગો અને સંચલનાઓ, અને પ્રાકૃતિક સ્તરના સંઘર્ષો તેમની વાર્તાઓમાં મોટું પ્રભાવક બળ બને છે. એ દૃષ્ટિએ જયંત ખત્રીની વાર્તાઓ સુંદરમ્‌ની વાર્તાઓની ઘણી નજીક આવી જાય છે. અલબત્ત, બંનેના વાર્તા-વિષયોમાં સંવિધાનમાં શૈલીમાં તેમ વાતાવરણમાં સ્પષ્ટ ભિન્નતા પણ છે. પણ પાત્રોના પ્રાકૃતિક જીવનના આવેગો પ્રાકૃતિક સ્તરની સંવેદનાઓ અને સંઘર્ષોના આલેખનની બાબતમાં ઠીકઠીક સામ્ય જોઈ શકાશે. જો કે સુંદરમ્‌ની જીવનગતિ જુદી દિશામાં ચાલી છે. તેમના વિશ્વદર્શનમાં શ્રી અરવિંદ અને શ્રીમાતાજીની પ્રેરણા સાથે આમૂલ પરિવર્તન આવ્યું છે. પણ એ પરિવર્તન પહેલાં તેમનું જિજ્ઞાસુ માનસ માનવીય સમસ્યાઓ વિશે પ્રશ્ન કરતું રહ્યું છે. એટલે તેમની વાર્તાકળામાં જીવનની ખોજ – જાતીય વૃત્તિ, પ્રેમ, દાંપત્ય આદિના માધ્યમમાં ચાલતી ખોજ – વધુ સ્પષ્ટ રૂપે દિશાસૂચન કરે છે.

સુંદરમ્‌ની યશસ્વી વાર્તાઓમાં ‘માજા વેલાનું મૃત્યુ’ તેમાં આલેખાયેલા એક વિલક્ષણ સમાજજીવનના ખંડને કારણે, તેમ તેમની વિલક્ષણ કળાત્મક માવજતને કારણે, અને એથી ય વધુ તો સર્જક સુંદરમ્‌ની કરુણાસભર અનુકંપાસભર માનવ્યદૃષ્ટિને કારણે અનોખું મહત્ત્વ ધરાવે છે. સમાજના એક નીચલા થરના અને બદનામ ગણાયેલા લોકોના જીવનમાં એ કથા ડોકિયું કરાવવા ચાહે છે. અલબત્ત, અતિ વિશાળ કુટુંબના મોભી અને વયોવૃદ્ધ એવા માજાવેલાના અવસાનનો પ્રસંગ એમાં કેન્દ્રસ્થાને છે. કથાનિવેદક (નેરેટર) પૂરા સમભાવથી એ યુદ્ધની કથા આપણી સમક્ષ રજૂ કરે છે. એ રીતે આ વાર્તા વધુ તો ચરિત્રપ્રધાન છે. ગામડાની પછાત જ્ઞાતિમાં જન્મેલા અને અમદાવાદ જેવા શહેરમાં આવી વસેલા પણ ધાડ અને લૂંટની પ્રવૃત્તિમાં સંડોવાયેલા માજાવેલાને પોતાનાં દુષ્કૃત્યોનો કોઈ ઊંડો ડંખ નથી : પોતાનાં સાહસો અને પરાક્રમોની કથા તે પોતાનાં સંતાનોને જાણે ગર્વભેર કહે છે. તેને નવી પેઢીની પ્રજા પામર અને નિર્માલ્ય લાગે છે! ઊગતી પેઢીનાં બાળકોએ હજી સૂતરફેણી જોેઈ નથી એ જાણી તે ઊંડો ખેદ અનુભવે છે, અને તેમને માટે ક્યાંયથી પણ સૂતરફેણી શોધી લાવવા તે ‘ફરમાન’ કરે છે. ચોરી કરીને માગીભીખીને કે અજીઠું વીણીને પેટ ભરવાની પ્રવૃત્તિમાં તેના કુટુંબને ક્યાંય છોછ નથી. અનીતિ બૂરાઈના ખ્યાલો જાણે કે તેમને સ્પર્શતા નથી. અંતે આ ભર્યાભર્યા કુટુંબ વચ્ચે માજો વેલો પોતાના છેલ્લા શ્વાસ મૂકે છે. ‘માજો વેલો બહુ સારું મોત પામ્યા. બહુ સુખી મોત. બહુ સારું મોત!’ એ રીતે તેનાં કુટુંબીજનો ઊંડા આશ્વાસનના-સમાધાનના શબ્દો ઉચ્ચારે છે! શહેરના રાજમાર્ગની ફૂટપાથ પર, એક મોટા તોતિંગ ટાવરની છાયામાં, પૂરી અવસ્થાને કારણે સાવ અશક્ત અને બીમાર બનેલો માજો તેનાં સંતાનો અને તેનાં ય સંતાનોની હાજરીમાં જે રીતે લાગણીમય વાતો કરે છે તેમાં તેના વ્યક્તિત્વનું એક જુદું જ રૂપ છતું થઈ જાય છે. ભદ્ર સમાજ તેના જેવા પછાત માનવીને જે રીતે જુએ છે અને ઓળખે છે તેથી સાવ જુદા જ કોણથી વાર્તાકાર સુંદરમ્‌ તેને રજૂ કરે છે. સામાજિક વાસ્તવનો સ્પષ્ટ સઘન સંદર્ભ એને મળ્યો છે, છતાં વાર્તા કેઈ વર્ગસંધર્ષ કે વર્ગભાનની કથા રહેતી નથી. ગરીબ વર્ગને થતા અન્યાય જુલ્મ અને શોષણનો મુદ્દો અહીં સાવ નગણ્ય બની રહે છે. વાર્તારચનામાં ગૂંથાયેલી મુખ્ય અને ગૌણ ઘટનાઓનું સંયોજન, અને ખાસ તો કથાનિવેદકનો એ આખી માનવપરિસ્થિતિ પરત્વેનો અભિગમ, અહીં ખાસ ધ્યાનપાત્ર છે, વર્તમાન ક્ષણોની કક્ષા પર અહીં માજા વેલાની મનોદશાનું વર્ણન છે. તે સાથે તેના કુટુંબીજનો સાથેના તેના માયામમતાભર્યા વ્યવહારનું આલેખન પણ છે. અવસાન પૂર્વે માજો વેલો પોતાના ભૂતકાળમાં ડોકિયું કરી ધાડના પ્રસંગોની સાહસિકતા અને પરાક્રમોનું ઉત્સાહભેર સ્મરણ કરે છે, પણ એમાં પોતાની બેહાલ દશા માટે અન્ય કોઈ વર્ગ સામે ફરિયાદ નથી, કે પોતાની અવદશા પરત્વે કોઈ ખિન્નતા નથી : ધાડની કથા તો પોતાનાં સંતાનોની પામરતા નિર્માલ્યતા દૂર થાય તે માટે પ્રેરણા રૂપ બનશે એવી સહજવૃત્તિમાંથી જન્મી છે. અવસાન પૂર્વે પોતાની જાતને આસક્તિપૂર્વક વળગવા મથતા, પોતાને પોતામાં દૃઢ કરવા મથતા માણસની એ કદાચ આંતરિક જરૂરિયાત પણ હોય. પણ તેનાં કુટુંબીજનો તેની એ કથા કંઈક અચંબાથી કંઈક આદરથી સાંભળે છે. આ વાર્તામાં, આમ, ભદ્ર સમાજથી તરછોડાયેલાં અને ઉપેક્ષિત રહેલાં માનવીઓના અંતરના સહજ નિર્વ્યાજ લાગણીપ્રવાહો કેન્દ્રસ્થાને છે. મરણના છેલ્લા શ્વાસ લેતાં માજો વેલો પોતાની પૌત્રી ખુડીના વિવાહની ચિંતા પ્રગટ કરે છે! ‘વના, મારી ખુડીને સારો વર પરણાવજે. હોં કે!’ અને ખોડિયારમાનું નામ સ્મરણ કરતો તે પોતાનો શ્વાસ મૂકે છે. આ વાર્તાનો મુખ્ય રહસ્યતંતુ આ રીતે માનવીના અંતરમાંથી ફૂટી નીકળતી સ્નિગ્ધ લાગણીઓમાં પાંગરતો રહ્યો છે. સભ્ય સમાજને ઇષ્ટ એવા નીતિધર્મ અને સદાચારના ખ્યાલથી તોળાતાં, બૂરાઈના માર્ગે પડેલાં આ માનવીઓના અંતરમાં ય કેવી માનવસહજ વૃત્તિઓ ઝંખનાઓ અને ઓરતાઓ જન્મે છે તે સુન્દરમ્‌ને મૂર્ત કરવું છે. કહો કે, કાલિમાથી વિરૂપ થયેલી એ ખંડિત મૂર્તિઓમાં માનવ્યની ઝલક તેઓ દર્શાવવા ચાહે છે. માજા વેલાનું મૃત્યુ મોટા શહેરના તોતિંગ ટાવરની છાયામાં થાય છે એ બનાવની રજૂઆત ઘણી મર્માળી વ્યંગધારમાં થઈ છે. કથાનિવેદકે એના પ્રસ્તુતીકરણમાં અલંકારની જે યોજના કરી છે તે ખાસ ધ્યાનપાત્ર છે : “પ્રાચીન કાળના કોઈ કુલપિતાની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા કોઈ એક તપોવનના વૃક્ષ જેવા ઊંચા ઊંચા ટાવરની છાયા ઢળી હતી...” આ વર્ણનમાં ટાવરની ઉપનિષદના પ્રસિદ્ધ ઊર્ધ્વ મૂલવાળા અશ્વત્થ વૃક્ષ સાથે સરખામણી કરી છે. અહીં વિરાટ વિશ્વવૃક્ષ અને માનવસર્જિત ટાવર વચ્ચેનો ઉપમાન ઉપમેય સંબંધ લાક્ષણિક છે. પણ એમાં અધ્યાત્મદર્શન વિ. આધુનિક ટેકનોલોજી વચ્ચે કોઈ સાંસ્કૃતિક વિસંવાદનું સૂચન જોવામાં મુશ્કેલી છે. માત્ર સુંદરમ્‌ની રંગરાગી સર્જકતાનો એ પ્રાસંગિક આવિર્ભાવ છે. અને, એટલે જ, વાર્તાના ઉત્તર ભાગમાં તોતિંગ ટાવર જુદી રીતે ઔપમ્યભાવે સંકળાયો છે. મૃત્યુ પૂર્વેની ક્ષણોમાં માજો વેલો એ ટાવર તરફ ઊંચે નજર કરતાં સ્વગત ઉચ્ચારે છે : “અધધધ, કેવડોક ઊંચો બાંધ્યો છે! આ જરાક થથરે ને ટૂટી પડે તો!” માજા વેલાને ટાવર થથરતો લાગ્યો. “ઘડપણ દેખાવા લાગ્યું તને માજા વેલા!” – અહીં માજો વેલો પોતાના અસ્તિત્વની ક્ષણભંગુરતાનું ટાવરમાં દર્શન કરે છે! તે સાથે જ માજો વેલો સુંદરમ્‌ની વાર્તાઓ : અણજાણપણે જ પોતાને ટાવર સાથે એકરૂપ લેખવે છે. માજા વેલાની મૂર્તિને એથી અણધારી ઊંચાઈ પણ મળી જાય છે. જો કે એમાં ગર્ભિત રીતે કરુણનો સ્વર પણ ભળી જાય છે. આ વાર્તાનું રહસ્યબિંદુ ખરેખર બે ભિન્ન ભાવખંડોના ભેદક સ્થાને છે. જીવનની ક્ષણભંગુરતાની ઝાંખી કરી મૃત્યુની પિછોડી ખેંચતો માજો વેલો અને માજા વેલાને સારું મોત મળ્યું એમ ઉદ્‌ગાર કાઢતાં તેનાં સ્વજનો – એ બે વચ્ચેના સંકુલ લાગણીમય ખંડનું દર્શન અહીં દૃષ્ટિકેન્દ્રમાં છે. સુંદરમ્‌ની બીજી એટલી જ પ્રસિદ્ધ વાર્તા ‘મીન પિયાસી’ની કથાવસ્તુ વધુ સંકુલ જટિલ છે. એમાં ઝાકઝમાળભર્યા શહેરના છેવાડેના વિસ્તારમાં ભજનિકના અવસાનની ઘટના કેન્દ્રમાં છે. વાર્તામાં વર્તમાન સમયની રેખા પર, ભજનિક શહેરના ફૂટપાથ પર ભજનો લલકારીને પોતાના કુટુંબનું પેટિયું રળે છે તે પરિસ્થિતિની, અને ખાસ તો શ્રીમંત શેઠને બંગલે તેનાં ભજનોનો કાર્યક્રમ યોજાયો તે ઘટનાની, રજૂઆત છે; તો પશ્ચાદ્‌કથા રૂપે એ ભજનિકની જમીન શાહુકારો દ્વારા પડાવી લેવામાં આવી હતી તે નિમિત્તે તેને થયેલા અન્યાય અને શોષણની કથા પડી છે. એ ભજનિક વૃદ્ધ મૂળ તો દૂર અંતરિયાળના કોક ગામનો સાદોસીધો ખેડૂત હતો. પણ તેના ઋણ પેટે શાહુકારે તેની જમીન ખૂંચવી લેતાં તે વર્તમાન બેહાલ દશામાં ફેંકાઈ ગયો છે. તેને ઈશ્વરે મધુર કંઠ આપ્યો છે, એટલે શહેરની ફૂટપાથ પર અહીં એકતારાની ધૂનમાં મધુર લહેકાથી ભજનો ગાઈ તે થોડા પૈસા ગુજરાન અર્થે મેળવી લે છે. શહેરનાં ધનાઢ્ય શેઠશેઠાણી પોતાને બંગલે ભજનિકને આમંત્રણ આપે છે ત્યારે અંતરની અનિચ્છા છતાં સંજોગની ભીંસ વચ્ચે તે આમંત્રણ સ્વીકારે છે. પણ પછી ઝાકઝમાળભર્યા બંગલાના અસબાબ વચ્ચે તેનો પ્રાણ રુંધાય છે. પાણીના શોષથી તેનો પ્રાણ સાચે જ વ્યાકુળ બને છે. મધરાત પછી શહેરની વસ્તીથી દૂર ક્યાંક નિર્જન માર્ગ પર તેનાં સ્વજનો સાથે તે પહોંચે છે અને ટૂંકી બીમારી ભોગવી તે અવસાન પામે છે. દેખીતી રીતે, આ વાર્તામાં સામાજિક વિષમતાની અભિજ્ઞતા પણ કામ કરી જતી લાગશે. પણ આ વાર્તાની સમગ્ર સંરચના, વર્તમાન અને ભૂતકાળના પ્રસંગોનું સંયોજન, પાત્રોની ભાવભૂમિકાઓ વિચારો અને વૃત્તિવલણો, અને કથાનિવેદકનો એ સર્વ ઘટના પરત્વેનો અભિગમ – એ સર્વ બાબતો એકસાથે લક્ષમાં લઈએ ત્યારે તેનું સંકુલ રહસ્ય આગવી રીતે ઊપસી આવે છે. અહીં કૃતિના વર્તમાન પટ પર ભજનિકના શહેરના જીવનક્રમની રજૂઆત છે. શાહુકાર દ્વારા થયેલા અન્યાય અને શોષણનો વૃત્તાંત તો તેની વર્તમાન અવદશાની પૂર્વ કથારૂપે આવ્યો છે. પણ ભજનિકને પોતાની આ અવદશા માટે કોઈ ખેદ નથી કે તેને માટે કારણભૂત એવા શાહુકાર પ્રત્યે કોઈ રોષ કે ફરિયાદ નથી. પોતાની વર્તમાન દીનદશા માટે તેણે કશુંક ઊંડું આધ્યાત્મિક સમાધાન શોધી લીધું છે. પોતાનાં ભજનોમાં તે લીન બની જાય છે. વધારે ભજનો ગાઈને વધુ પૈસા મેળવી લેવા તેના દીકરાનો બળવાન આગ્રહ છતાં તે તેની વાત સ્વીકારતો નથી. પોતાની બે નાની પૌત્રીઓને ટોળાના રંજન અર્થે ગમે તેવા હાવભાવ કરવા પડે છે તેનું ય તેને ઊંડું દુઃખ છે. તે રંક છે તો માત્ર આર્થિક દૃષ્ટિએ, પણ તેનું અંતર કોઈ અગમનિગમના લોકમાં વિરહતું દેખાય છે. કોઈ વિરતિ, અપરિગ્રહ, ત્યાગ અને સંયમની ભાવના તેનામાં કામ કરે છે. શેઠના બંગલાના ઝાકઝમાળભર્યા પરિવેશમાં પાણીના શોષથી તે પીડાય છે, પણ તે ક્ષણે ય તેને કોઈની સામે ફરિયાદ નથી. અંતે, શહેરી વસ્તીથી દૂર નિર્જન માર્ગ પર મૃત્યુની પ્રતીક્ષામાં તે જીવી રહ્યો છે ત્યારે ‘પાનીમેં મીન પિયાસી રે, મોહે દેખત આયે હાંસી રે.’ એ ભજન તે મંદ મધુર કંઠે ગાય છે. આ ભજનની ઉક્તિમાં જ સમગ્ર વાર્તાનું વ્યંગમર્મભર્યું રહસ્ય છતું થાય છે. ભાવક એમ જુએ છે કે શહેરના ભર્યાભર્યા જનસમાજ વચ્ચે આ ભજનિક તરસથી પીડાતો રહ્યો છે : તે સાથે ભજનિક સ્વયં એક આધ્યાત્મિક દૃષ્ટિ આપી રહ્યા છે એમ પણ તેને સમજાય છે. ઝાંઝવાનાં જળ સમાં સુખો માટે સંસારીજનોની અહોરાત અવિરત દોડધામ જોઈ ભજનિક તેમને ઉદ્દેશીને જાણે એમ કહી રહ્યો છે. ‘પાનીમેં મીન પિયાસી!’ કૃતિનું નિર્વહણ જોતાં એમ સ્પષ્ટ થાય છે કે ભજનિકને કોઈ આધ્યાત્મિક શાંતિનો માર્ગ લાધ્યો છે. કોઈ અમૃતબિંદુની વર્ષા તે ઝંખે છે. મૃત્યુની ક્ષણે તેને કોઈ ઊંડું આધ્યાત્મિક સમાધાન છે. અન્યાય શોષણ વિશે કોઈ વિચાર કે લાગણી તેને સંતાપતાં નથી. શાહુકારે પ્રપંચબુદ્ધિથી તેની જમીન છીનવી લીધી છે એ જાતની કઠોર દારુણ વાસ્તવિકતા કથાનિવેદકે રજૂ કરી છે. પણ વાર્તાના રહસ્યકેન્દ્ર પર સામાજિક વિષમતાની સમસ્યા નહિ, આધ્યાત્મિક શ્રેયની બાબત પડી છે. સમગ્ર કૃતિમાં ‘પાનીમેં મીન પિયાસી’નો આધ્યાત્મિક રણકો પ્રબળપણે ફરી વળે છે. ભજનિક વૃદ્ધની દૈહિક તરસ પણ ભ્રાંતિરૂપ બાબત તો નથી જ, પણ માનવજીવનની દિવ્યરસની તરસનો સંકેત પણ એની સાથે જ જન્મે છે. સંસારી માનવીઓ પોતાના અંતરમાં ફૂટતા દિવ્યરસના ઝરણને જોઈ શકતા નથી. એટલે ‘પાનીમેં મીન પિયાસી’ તેમને માટે એટલું જ સહજ રીતે લાગુ પડે છે. એક રીતે લેખક સુંદરમ્‌ની આધ્યાત્મિક ખોજમાંથી જન્મેલું આ પરિમાણ છે. સામાજિક વિષમતા વિસંગતિ શૂન્યતા-ના પ્રસાર વચ્ચે તેઓ કશાક ઊર્ધ્વતર તત્ત્વની ખોજમાં છે તેનો અણસાર આ વાર્તામાં મળે છે. ‘લીલી વાડી’ શીર્ષકની વાર્તામાં સર્જક સુંદરમ્‌ની પ્રતિભા એક વધુ અનોખો આવિષ્કાર રજૂ કરે છે. તેમની સંવેદનશીલતા એ યુગની ચોક્કસ વિચારધારાઓથી આકારિત થઈ છે. સામાજિક ક્રાંતિ અને નવનિર્માણની વિચારધારાઓ તેમને માનવજાતિના શ્રેયાશ્રેયના મૂળભૂત પ્રશ્ન સુધી ખેંચી જાય છે, અને આ વાર્તાના નાયકની ચેતનામાં સીમિત રીતે તો, સમગ્ર સંરચનામાં વ્યાપક રીતે, તેમની સંવેદનપ્રક્રિયા પ્રતિબિંબિત થઈ છે. સામાજિક વાસ્તવિકતાની વિષમતાઓનો અહીં પૂરો સ્વીકાર છે. છતાં માનવવ્યક્તિ અને માનવસંયોગોના ખરા કૂટ પ્રશ્નો તે આર્થિક પ્રશ્નોમાં સમાઈ જતા પ્રશ્નો નથી, એમ આ કૃતિ સૂચવે છે. વાર્તાના આયોજનમાં સમાજના, ઉપલા વર્ગ અને કંગાળ દીન વર્ગ, એ બેનાં પ્રતિનિધિરૂપ એવાં પાત્રો છે : સુવર્ણકાન્ત – એક અતિ ધનાઢ્ય, શિક્ષિત અને સંવેદનપટુ યુવાન; અને અતિ કંગાળ ચીંથરેહાલ ભિખારણ રેવલી. સુવર્ણકાન્ત જ્યાં રહે છે એ વૈભવી લત્તામાં ‘એ રાજા લોક, એ દયાવંતા શેઠ, એ બા...’ એવા આક્રંદભર્યા અવાજે રેવલી ભીખ માગવા ફરતી રહેતી. સુખી લોકોના હૃદયને પીગળાવી દેવા તે કોઈ દુબળા બાળકને ઊંચકી આણતી અને હાથ પ્રસારતી રહેતી. પણ ભદ્ર વર્ગના લોકો તેના આ સર્વ હાવભાવને ભીખ માંગવાની તરકીબ ગણી તેનાથી અળગા રહેતા. પણ શિક્ષિત અને સંવેદનપટુ સુવર્ણકાન્ત એ રેવલીની યુક્તિ જાણતો હોવા છતાંય હંમેશ તેને ચારઆઠ આના આપતો રહેતો. તેને રેવલીની કંગાળ ચીંથરેહાલ મૂર્તિમાં સમાજના દલિતપીડિત વર્ગની ઝાંખી થતી હતી. આખાય દલિતપીડિત સમાજની અવદશા માટે શ્રીમંત સમાજ જવાબદાર છે, બલકે અપરાધી છે, એવી કોઈ ઊંડી લાગણી તેને જકડી રહી છે. સામાજિક ક્રાંતિનો વિચાર તેના ચિત્તમાં તણખા રૂપે પડ્યો છે. અને પોતાના અંતઃકરણને તે રુંધી શક્યો નથી. એટલે, પોતાની બાળકી જ્યારે ગંભીર માંદગીમાં પટકાઈ અને તેની સારવાર અર્થે પોતાના કુટુંબી દાક્તરને બોલાવવા ગયો, ત્યારે રેવલીના બાળકની માંદગીના સમાચાર જાણતાં પોતાના કુટુંબી દાક્તરને એ બાળકની દવા કરવા તેણે વિનંતી કરી. ભાગ્યની કરુણતા એ બની કે એ રીતે વિલંબ થતાં સુવર્ણકાન્તની બાળકીનું અવસાન થયું! એક રંક ભિખારણને સહાય કરવા જતાં સુવર્ણકાન્તે પોતાની બાળકી ખોઈ. અંતમાં ‘તમારી વાડી લીલી રાખે ભગવાન!’ એવી રેવલીની બૂમમાં અણધારી રીતે માનવજીવનની કરુણ વક્રતા છતી થઈ જાય છે. સામાજિક અપરાધબોધથી પીડાતા સુવર્ણકાન્તે રેવલીના સંતાનનું ભલું કરવાનું તાક્યું ત્યારે તેણે પોતાના સૌથી વહાલાજનનું બલિદાન આપવાનું આવ્યું! કરુણ વિસંગતિ-tragic absurdity-નો સંકેત આપી દે છે. સામાજિક આર્થિક વિષમતા, અન્યાય અને શોષણના પ્રશ્નો પર સુંદરમ્‌ કોઈ ભાવનાવાદી કે પક્ષવાદી વલણ લેતા નથી. તટસ્થ દૃષ્ટાની જેમ તેઓ માનવજીવનના ગહનતર પ્રવાહોનો જાણે કે તાગ લેવા ચાહે છે. સુવર્ણકાન્તના મનમાં સામાજિક ક્રાંતિની ઝંખના પડી છે. એ ઝંખના સાથે તેના જાગૃત મનમાં ભીષણ સંઘર્ષ ચાલતો રહે છે. ખાસ નોંધવા જેવો મુદ્દો એ છે કે સુંદરમ્‌ અહીં વાર્તાનાયકની ચેતનાને વ્યાપક લોકોત્તર વૈશ્વિક સંદર્ભે મૂકી આપે છે : ‘સુવર્ણકાન્તના મગજ ઉપરથી છેલ્લું પડ ઉઘડવાની તૈયારીમાં છે. એને વિશ્વદર્શન કરાવનાર પ્રભુના હજારો હાથ આજે કોદાળા અને હથોડા કરવત અને દાતરડાં છે. ‘તારા મગજમાં હતું તે જગતમાં રચાઈ ગયું છે, સમજણ પડે છે તને? સ્વપ્ન સત્ય બન્યું છે. ભલે તારી પોળ અચળ લાગે, ભલે તારું શહેર, તારું મિત્રમંડળ, તારું રાજ્ય, તારો સમાજ, ભલે આખી પૃથ્વી તને અચળ લાગે! કાલે અત્યારે એ બધાં ઊખડી જશે. એ બધાંને ઉખેડવા પડશે. એ વગર સ્વપ્ન તે સત્ય નહિ બને. આદર્શ તે વ્યવહાર નહિ બને. ગુલાબી બચ્ચાં અને પાકનાં વસાણાં, અગાસીવાળા બંગલા અને રોનકદાર મોટરો, મિલનાં મંડળો અને રાષ્ટ્રોના કોલકરારો – એ બધાના પાયામાં અનેકનાં હાડપિંજર અને જીવતાં મડદાં, ખોલી અને ખટારા, દુકાળિયા જાતો અને દબાયેલા દેશો કચરાઈને પડ્યા છે. અમે બધે ઉખેડ્યું છે. ઉપરનાને તોડી પાડીશું. તું નીચે હઈશ તો ઊંચકી લઈશું. આ લે કોદાળો. તારે હાથે તેં જેટલાંને ચગદ્યાં હોય તેમને ઉપાડીને ઉપર લાવ. આ લે ઘણ. જે જે ઊંચે ચઢીને બીજાને દબાવી રહ્યા છે તેને તોડી પાડ! એ અશક્ય નથી. અમે પૃથ્વીનો એક ખૂણો સાફ અને સપાટ કર્યો છે. અમારી કૂચ આગળ વધે છે. ચાલ, ચાલ, રે ચાલ!’ સુવર્ણકાન્તના ચિત્તમાં પ્રજ્વલિત બનેલા ક્રાંતિના તણખાએ જ તેને રેવલીના સંતાનની સારવાર માટે પ્રેર્યો : સમસ્ત જગતની પ્રજાઓ જે રીતે ક્રાંતિની ઊથલપાથલમાં ઉપરતળે થઈ રહી છે તેના ખ્યાલે જ તેને ક્રિયાશીલ બની રહેવા અજ્ઞાત સ્તરે ભીંસ આણી હોય. ગમે તેમ પણ સુવર્ણકાન્ત પોતાના કુટુંબી દાક્તર સાથે રેવલીના બાળકની સારવારમાં રોકાયો તેની પાછળ તેના અજ્ઞાતમાં ક્રાંતિના દાવાનળનું ભીષણ ચિત્ર રહ્યું છે. પણ, વિધિની કરુણ વક્રતા એ છે કે, ઉમદા આશયથી તે સેવાસારવારમાં રોકાયો છતાં પોતાના વૈયક્તિક જીવનની કરુણતા તે નિવારી શક્યો નહિ. સુંદરમે આ વાર્તામાં માનવસંયોગોમાં અંતર્હિત રહેલી કરુણ વક્રતાને ઉત્કટપણે ઉપસાવી આપી છે. સુવર્ણકાન્ત એક ચિંતનશીલ બલકે સંવેદનશીલ વ્યક્તિ છે, અને પોતાની જાતથી ઊંચે ઊઠી સામાજિક શ્રેયનો વિચાર કરવા તે પ્રેરાય છે, અને એવી કોઈ ભાવનાથી તે સક્રિય બને છે ત્યાં તેને પોતાને જ સ્વજનનું બલિદાન આપવું પડે છે. સામાજિક ક્રાંતિ અને પરિવર્તનના પ્રશ્નમાં કોઈ પણ એક બાજુના પક્ષકાર બન્યા વિના સુંદરમે આ વાર્તાવસ્તુ નિભાવી છે તે તેમની કલાકાર તરીકેની અપૂર્વ નિસ્બત છતી કરે છે.

અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, સુંદરમ્‌ની વાર્તાઓમાં સ્ત્રીપુરુષની જાતીય વાસના, લગ્નના કોડ, દામ્પત્યના વિસંવાદ અને માનવપ્રેમના પ્રશ્નો રજૂ કરતી વાર્તાઓની એક મોટી તરેહ રચાઈ છે. એમાં પણ નારીના આંતરજીવનનાં ગૂઢાતિગૂઢ સંચલનોને વર્ણવવાનો તેમનો મુખ્ય આશય રહ્યો છે. એટલે નારીના વ્યક્તિત્વને તેમણે વારંવાર દૃષ્ટિકેન્દ્રમાં આણ્યું છે. ‘ખોલકી’, ‘આશા’, ‘માને ખોળે’, ‘નાગરિકા’, ‘પાપિણી’, ‘ઉલ્કા’, ‘પુષ્પિતા’ જેવી અનેક વાર્તાઓમાં નારી પાત્રોની આંતરચેતના પર સુંદરમ્‌ની દૃષ્ટિ ઠરી છે તે ઘણી સૂચક છે. ખાસ તો, ‘ખોલકી’માં વર્ણવાયેલા વિસંવાદી દાંપત્ય નિમિત્તે તેમણે જાતીય વાસનાના અતિ પ્રાકૃત બીભત્સ અને જુગુપ્સક આવિષ્કરણનું ચિત્ર આપ્યું, ત્યાંથી ‘ઉલ્કા’માં ઉદાત્ત અને દિવ્યતાના અંશવાળા પ્રેમનું જે દર્શન રજૂ કર્યું ત્યાં સુધી, જાતીય વૃત્તિ અને પ્રેમની મૂળભૂત સમસ્યાઓને તેઓ જુદા જુદા કોણથી અને જુદી જુદી રીતથી રજૂ કરી રહ્યા હોવાનું જણાશે. એક રીતે નારીનું આંતરસત્ત્વ એ તેમની જીવનખોજનું એક કેન્દ્રવતી તત્ત્વ રહ્યું છે. ‘વસુધા’ અને અને ‘યાત્રા’નાં કાવ્યોમાં નારીસ્નેહનું રહસ્ય પામવાની દિશામાં તેમની ખોજ આ જ દિશાની રહી છે. આરંભમાં, માનવવ્યક્તિના કૂટ પ્રશ્નોમાં જાતીય વૃત્તિનો અદમ્ય આવેગ અને સમસ્ત જીવનગતિ પર તેનો ઓથાર, એ પ્રશ્ન તેમના વાસ્તવબોધનો જ એક સજીવ અંશ છે. આર્થિક વિષમતા કંગાલિયત એ સર્વ વાસ્તવિકતાનો ભાગ છે, પણ જાતીય જીવન, લગ્ન અને સ્નેહના પ્રશ્નો તો એક રીતે અસ્તિત્વના મૂળભૂત પ્રશ્નો છે. સુંદરમ્‌ આ વિષયની વાર્તાઓમાં, આથી, આ જાતના પ્રશ્નોને નજરમાં રાખી માનવસંવેદનાઓનો અર્થ પામવા મથી રહ્યા દેખાય છે. સુંદરમ્‌ની પોતાની વાર્તાપ્રવૃત્તિમાં – અને ગુજરાતી વાર્તાસાહિત્યના ઇતિહાસમાં પણ – ‘ખોલકી’ એક રીતે સીમાચિહ્ન જેવી વાર્તા રહી છે. જે સમયે એ લખાઈ અને પ્રગટ થઈ ત્યારે ગુજરાતના ભદ્ર વર્ગના રુચિસંપન્ન વાચકો-વિવેચકોને એ વાર્તાએ આંચકો આપ્યો હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. અલબત્ત, આજે તો એ સમયના સાહિત્યમાં ગ્રામજીવનની કઠોર વરવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનું વલણ જોતાં એ પરિસ્થિતિ એટલી આઘાતક નહિ લાગે, નાયિકા ચંદન સાવ મુગ્ધ વયની બાળવિધવા છે, અને આધેડ વય વટાવી રહેલા કોઈ બીજવર સાથે તેનું લગ્ન થતાં ભારે કજોડું સર્જાયું તે હકીકત લોકજીવનની કઠોર કારમી વાસ્તવિકતાનો જ એક અંશ છે, પણ વાર્તાના અંત ભાગમાં પતિની જીર્ણ રોગિષ્ઠ કાયા જોતાં એ બાલિકાવધૂના અંતરમાં જન્મી પડતી ભયંકર ઘૃણા અને જુગુપ્સાની લાગણી, અને નાયિકાના પ્રતિકાર છતાં જાતીય આવેશમાં ચૂર એવા એ પુરુષની ‘આમ ફરને ખોલકી!’ એ ઉક્તિ દાંપત્યજીવનની ક્રૂર વિડંબના સમી છે. પ્રાચીન પરંપરામાં રતિ અને કામદેવના અલૌકિક સંબંધની એમાં વિપરીત દશા રજૂ થઈ છે. આપણા સાહિત્યજગતમાં બદલાતી દૃષ્ટિ અને રુચિનો વિચાર કરીએ ત્યારે આ વાર્તામાં રજૂ થતી નાયક-નાયિકાની મનોદશાઓ/સંવેદનાઓ એક અચરજભરી ઘટના સમજાય છે. કાન્ત કલાપી ન્હાનાલાલ બળવંતરાય આદિ કવિઓ અને ધૂમકેતુ મુનશી જેવા કથાસર્જકો માનવપ્રેમનાં સૂક્ષ્મ ઉદાત્ત અને અભિજાત સંવેદનો રજૂ કરી ચૂક્યા હતા ત્યારે ‘ખોલકી’ના અંતનું કુત્સિત પણ પ્રગલ્ભ નિરૂપણ એક અસામાન્ય પરિમાણ ખુલ્લું કરે છે. માનવીય વાસ્તવિકતાનાં પ્રાકૃત કુત્સિત અને વરવાં રૂપોનો એમાં સ્વીકાર છે, તે સાથે સર્જકોની બદલાતી દૃષ્ટિરુચિનો પણ એમાં સંકેત છે. આ વાર્તાનું સંવિધાન પણ ધ્યાનપાત્ર છે. આખી વાર્તા નાયિકા ચંદનના આત્મકથનરૂપે મૂકાઈ છે. અર્થાત્‌, વાર્તાના બનાવો ચંદનના નિજી (અને તેથી તેના પૂરતા સીમિત) પરિપ્રેક્ષ્યમાં રજૂ થઈ છે. આ રીતના કથનકેન્દ્રના સ્વીકારમાં પૂરું કળાકીય ઔચિત્ય છે. કોઈ સામાજિક પ્રસંગ નિમિત્તે પોતાને આંગણે આવેલા મહેમાનો વચ્ચે ચંદન હજી પોતાના બીજવર પતિને ઓળખી શકતી નથી : તેની વ્યવહારચતુર ભાભી જ તેને પતિનો સહવાસ ગોઠવી આપવામાં સહાયરૂપ બને છે. આ સમયે ચંદનના મુગ્ધ ઉરમાં જન્મતાં કુતૂહલ વિમાસણ સુખની ઝંખના આરત સંકોચ જેવાં ભાવસંચલનો નાયિકાના મનોગત રૂપે રજૂ કરવામાં આ કથનકેન્દ્ર વધુ ઉપકારક નીવડ્યું છે. ખાસ કરીને પાડોશણના મેડે પતિના સહવાસ અર્થે તે પહોંચી ત્યારે તેને જે ભારે ઘૃણા અને જુગુપ્સાની લાગણી થઈ તેનું સ્વયં નાયિકાના આત્મકથનરૂપે નિવેદન થયું, તેથી તે વધુ જીવંત રણકાવાળું અને સાચકલું બન્યું છે. એમ લાગે કે સુંદરમ્‌ સ્વયં નાયિકાના મનોકોષમાં પ્રવેશીને આખી પરિસ્થિતિને પ્રત્યક્ષ કરી રહ્યા છે. વાર્તાના કથનવર્ણનમાં પ્રકૃતિવાદી રીતિ તરફનો સ્પષ્ટ ઝોક છે. નાયિકાના દૃષ્ટિફલકમાં આવતા બનાવો લેખકે રોજિંદા જીવનની ઝીણીઝીણી વિગતોમાં વર્ણવ્યા છે. બીજવર પતિના વર્તનમાં થૂંક ગળફા દાટી દેવા જેવી કુત્સિત વિગતો રજૂ કરીને તેમ તેની કાયાની વરવી આકૃતિનું વર્ણન કરીને લેખકે આ વાર્તાની કેન્દ્રીય ભાવપરિસ્થિતિને ઉત્કટ બનાવી છે. પાડોશણની જે મેડી પર પતિને મળવાનું હતું તેના વર્ણનમાં ય અત્યંત ઘરગથ્થુ લાગતી વિગતો અસાધારણ પ્રભાવ ધારણ કરે છે. ગામડાંની અંધારઘેરી મેડીના ઝાંખા રતુમડા ઉજાસમાં એક જીવંત પરિવેશ જન્મ્યો છે. પણ સુંદરમ્‌ની સર્જકતાનો વિશેષ તો ચંદનના મનોભાવમાં ઘૃણા અને જુગુપ્સાની રેખાઓ ઘૂંટવામાં પ્રગટ થયો છે. “પછી એમને ખાંસી થઈ અને એમણે ખૂણામાં થૂંક્યું. પછી મારા મોઢા સાથે મોઢું ઘસવા લાગ્યા. મારું કાળજું ધબકવા લાગ્યું તો ય હું એમને એમ બેસી રહી... મારું શરીર સહેજ દુખતું હતું, એટલે હું ખાટલામાં આડી પડી. એમણે દીવો એકદમ હોલવી ના નાખ્યો. એમણે બીજી સિગારેટ કાઢી, અને દીવાની જોતમાં ધરીને સળગાવી, પછી મોઢામાં હોઠ વચ્ચે ઝાલી અને બેય હાથ કેડે દઈ દીવા સામું તાકતાં તાકતાં ઊભા રહી એમણે એમ ને એમ પાંચસાત દમ લીધા. બીડેલા હોઠના એક ખૂણામાંથી ધુમાડા નીકળતા હતા. એમની કરોડ સહેજ વાંકી વળેલી દેખાઈ. એમનાં મોટાં પાંસળાં થોડાં થોડાં દેખાતાં હતાં. એ થૂંક ગળતા ત્યારે ગળાનો હૈડિયો જરા જરા ઊંચોનીચો થતો હતો. સૂપડી જેવી મૂછો હોઠ પર લટકતી હતી...” અણજાણ પતિની હિલચાલના અતિ નિકટતાથી થયેલા આ પ્રત્યક્ષીકરણમાં નાયિકા ચંદનની સંક્ષુબ્ધ મનોદશા પ્રતિબિંબિત થઈ છે. ખાસ તો પતિના દેહનાં સ્થૂળ સંચલનોના પ્રત્યક્ષીકરણમાં નાયિકાની સંવેદનશીલ ચેતના પરના આઘાતો જ સ્પષ્ટ બને છે. અંતે પતિની ભોગેષણાનો તે શિકાર બને છે એમાં જ માનવીય અસ્તિત્વની કોઈ મૂળભૂત એબ્સર્ડિટી છતી થઈ જાય છે. ચંદનના નારીસત્ત્વને આલેખવાના પ્રયત્નમાં સુંદરમ્‌ તેના એક ગૂઢતમ ઝંખનાના ખંડને બહુ માર્મિક રીતે સ્પર્શે છે. અહીં મેડીના એકાંતમાં ભાભીના છૈયાને ગોદમાં લેતાં ને તેને છાતી સરસો દબાવતાં તેનામાં માતૃત્વની ઝંખના જન્મી પડે છે. એમાં છૈયાનો ગાઢ દેહસ્પર્શ તેની અજ્ઞાત લાગણીઓ પ્રગટ કરવામાં નિમિત્ત બને છે. અને એ કારણે તો તેના રતિજીવનનની વિફલતા વધુ વિડંબનારૂપ લાગે છે. ‘આશા’ વાર્તામાં ગર્ભશ્રીમંત કુટુંબની મુગ્ધ કન્યા આશાના વિવાહનો બનાવ દેખીતી રીતે તો કેન્દ્રસ્થાને છે. એક બનાવ લેખે એ કોઈ અવનવી બાબત નથી. સંસારજીવનનો એ સહજ ક્રમ માત્ર છે. પણ આ વાર્તાનું ખરું રહસ્ય તો એક મુગ્ધ કિશોરીમાં નવવધૂ બનીને સાસરવાસો સજવાની અને માતૃત્વ પામવાની ઝંખના જે રીતે જન્મી પડી, અને તેના નારીસત્ત્વમાં જે સૂક્ષ્મ રૂપાંતર થયું, તેના માર્મિક આલેખનમાં રહ્યું છે. ભાવિ પતિ તરીકે જે અણજાણ યુવકને તે ઉત્કંઠાથી નિહાળી રહે છે તેમાં તેને પોતાનેય ન સમજાય તે રીતે ગૂઢ એષણા, આરત, લજ્જા, ભીતિ, સંકોચ, મૂંઝવણ, આતુરતા, સુખેષણા જેવા ભાવો તે અનુભવી રહે છે. અને આ વાર્તામાં યે તેની ભાભીના નાના બાળકના સુખદ રોમાંચક સ્પર્શે તેનામાં અજ્ઞાત સ્તરેથી માતૃત્વના કોડ જન્મી પડતા વર્ણવાયા છે, અને માતૃત્વના સુખદ રોમાંચ સાથે ધન્યતા અને કૃતાર્થતાના આહ્‌લાદક ભાવો જ તેને લગ્નના અજ્ઞાત પ્રદેશમાં સાહસ કરવા પ્રેરે છે. તેના અંતરમાં અજ્ઞાત પ્રદેશમાં ડગ મૂકવાના નિર્ધાર સાથે આ વાર્તામાં એક અનોખું પરિમાણ ઊભું થાય છે. આ વાર્તામાં આશા, આશાની માતા, અને આશાની ભાભી – એ ત્રણે નારીમૂર્તિઓ પરસ્પરમાં ક્યાંક જોડાયેલી લાગશે. સંસારનાં સુખદુઃખોમાંથી પસાર થઈ પ્રૌઢત્વને પામેલી માતા અને નાના બાળકની માતા એવી ભાભી – એ બંને નારીઓ આશાના આંતરસત્ત્વને પ્રગટ કરનાર અરીસા સમી છે. વાર્તામાં એકથી વધુ સંદર્ભે યોજાયેલું અરીસાનું પ્રતીક સૌને સૂક્ષ્મ સંવેદનાઓના સ્તરેથી સાંકળી આપે છે. જો કે વર્ણ્યપ્રસંગ કે ચરિત્રનિર્માણ નિમિત્તે કથાનિવેદકની રજૂઆતમાં વચ્ચે ક્યાંક ક્યાંક ટીકાટિપણીઓ સમાં વિધાનો બોલકાં બની જતાં, ને તેથી વાર્તાકળાને કંઈક હાનિકર્તા બનતાં લાગશે. ‘માને ખોળે’ વાર્તા આપણા વિવેચકો-રસિકોમાં વારંવાર પ્રશંસા પામેલી અને ચર્ચાતી રહેલી કૃતિ છે. એમાં પણ મુગ્ધ કોડીલી નવોઢાનું આંતરસત્ત્વ ખુલ્લું કરવામાં આવ્યું છે. એમાં, આમ જુઓ તો, એક સરળ નિર્દોષ નવોઢા – જે પોતાના ઉદરમાં સંતાનને સેવી રહી છે – તેની તેના મૂઢ અણઘડ અને નિષ્ઠુર સસરા દ્વારા થયેલી હત્યાએ કેન્દ્રસ્થાને રહેલી પરિસ્થિતિ છે. સમાજજીવનની એ એક ઘેરી કરુણ ઘટના છે, અને લોકજીવનની કઠોર વાસ્તવિકતાનો એને ચોક્કસ સંદર્ભ મળ્યો છે. પણ આ વાર્તાના હાર્દમાં એ મુગ્ધા નારીના ગૂઢાતિગૂઢ સંવેદનો અને સંચલનો રહ્યાં છે, એ હકીકત જ મહત્ત્વની ઠરે છે. શબૂનું આણું કરવા તેનો સસરો અને તેનો પતિ આવ્યા છે. શબૂની સગર્ભાવસ્થા માટે તેનો પુત્ર જ જવાબદાર હતો, છતાં એ વિશે અણજાણ પિતાએ શબૂના ચારિત્ર્ય વિશે શંકા આણી તેનું મહીના નિર્જન રેતાળ પટમાં ગળું ઘૂંટીને ખૂન કર્યું એ બનાવમાં પરિબળોની સંકુલતા નોંધપાત્ર છે. શબૂની હત્યા માટે તેનો સસરો જ્યારે તેના પુત્રને મદદમાં બોલાવે છે, ત્યારે પિતાના પ્રખર દમનકારી માનસ સામે તે એકદમ ગૂઢ અને લાચાર બની જાય છે, અને અત્યંત અવશપણે શબૂની નિર્ઘૃણ હત્યામાં તે ભાગીદાર બને છે. શબૂના ઉદરમાંના સંતાન વિશે તે કશું ઉચ્ચારી શકતો નથી, અને ઘોર હત્યાનો બનાવ બની જાય છે. શબૂના સસરાએ મોટા પુત્રની પત્ની સાથે વ્યભિચાર કર્યાનો અને તેની ય હત્યા કર્યાનો વાર્તામાં નિર્દેશ છે. તેથી તો એ સસરાના કૃત્ય પાછળનો આશય વધુ રહસ્યમય બને છે. એક રીતે પિતા-પુત્ર અને શબૂના સંબંધોને મનોવિશ્લેષણવાદના પ્રકાશમાં ઘટાવી શકાય. પિતાના પ્રખર સત્તાશીલ અને દમનકારી વ્યક્તિત્વ સામે પુત્ર જે રીતે આત્મહ્રાસ અનુભવે છે તેમા ઈડિપસ ગ્રંથિનો મુદ્દો પડેલો છે. પિતાની સત્તાથી પરાભૂત થયેલો પુત્ર પોતાની જાતીય ક્ષમતા વિશે અપંગપણાનું ભાન અનુભવી રહે છે, અને પિતાની દુર્નિવાર સત્તા સામે ભયંકર હ્રસ્વપણું આત્મસંકોચ અને મૂઢતા અનુભવી રહે છે. પિતા પ્રત્યે અકળ ભીતિ અને દુર્નિવાર આકર્ષણ – એવી દ્વિમુખી લાગણીથી તે પીડાય છે. અને એ કારણે પોતાની અંદર અવરુદ્ધ પડેલી લાગણીઓની ગ્રંથિને ભેદીને તે બહાર આવી શકતો નથી. પિતા દ્વારા શબૂની હત્યા પણ તેની એવી જ કોઈ અજ્ઞાત મનોગ્રંથિનું પરિણામ સંભવે છે. જો કે, વાર્તાનું રહસ્ય એવા કોઈ મનોવૈજ્ઞાનિક અર્થઘટનમાં સીમિત થઈ જતું નથી. એક રીતે આ વાર્તાની પાયાની સંરચનામાં માનવજીવનની કરુણ વક્રતા રહી છે. ઉદરમાં પોઢેલા જીવમાં જીવ લગાડીને એક કોડભરી નવોઢા સંસારના ઊંબર પર જ્યાં પગ મૂકવા જાય છે ત્યાં જ અણજાણપણે તેની હત્યા થાય, એમાં તેની નિષ્ઠુર નિયતિની ગતિ જોઈ શકાશે. આ વિશ્વજીવનમાં સક્રિય રહેલું દુરિત (evil) જ અહીં તેનો ભાગ ભજવી જાય છે, એમ કહેવું જોઈએ. અને મુગ્ધ નિર્દોષ અને નિષ્પાપ વૃત્તિની શબૂ જે રીતે બાલિકાસુલભ રમતિયાળ અને ક્રીડનશીલ બનીને વર્તે છે, તેથી તો તેની હત્યા વધુ કરુણ અને વધુ વિસ્મય પ્રતીત થાય છે. મહીકાંઠાના ઊંચા કરાડા પરના પોતાના ફળિયામાંથી સ્વજનોની વિદાય લઈ સસરા અને પતિની પાછળ નિર્દોષભાવે તે ચાલી આવે છે, ત્યારે નિયતિના પ્રપંચની રજ માત્ર છાયા તેના નિર્મળ પારદર્શી અંતરને સ્પર્શતી નથી. અને એટલે જ તેની હત્યાની કરુણતા વધુ આઘાતક બની છે. વાર્તાનો બનાવ વર્તમાનના પટ પર બને છે. પણ એમાં શબૂની વયનાં જાણે કે ત્વરિત ગત્યંતરો દેખાય છે. મહીના જળપ્રવાહમાં પગ મૂકતાં પહેલાંની છેક મુગ્ધ બાલિકા શબૂ, જળપ્રવાહમાં નવવધૂ શી શબૂ, અને સામેના કાંઠા પરના અફાટ રેતવિસ્તારમાં જીવનને એકાએક બોજ વેંઢારી રહેલી પુખ્ત વયની નારી શી શબૂ – એમ તેની ભિન્ન પ્રતિમાઓ જોવા મળશે. ખરેખર તો, વાડમાં ચણોઠી વીણતી ને રસ્તા પર છાણનો પોદળો અબોટી લેતી શબૂ જ્યાં સસરા અને પતિની પાછળ ઢસડાવા માંડે છે તે ક્ષણે જ તે પોતાનું શૈશવ ખોઈ દેતી દેખાશે; તો મહીના જળમાં આચમન લેતાં ઉદરમાંના ગર્ભના સ્ફુરણ સાથે તેના વિચારમાં લીન બનતી શબૂ એક ધીરગંભીર માતૃત્વની પ્રતિમા શી વર્તાશે, તો સામા કાંઠાના નિર્જન પટમાં તરસથી રુંધાતી શબૂ જાણે સંસારનો માર્ગ ખૂંદી-ખૂંદીને હૃદયભગ્ન બનેલી પ્રૌઢ નારીની ઝાંખી કરાવે છે! વાર્તાસર્જક સુંદરમ્‌ની વિશેષ સિદ્ધિ તે શબૂના નારીસત્ત્વના આવા સૂક્ષ્મ રૂપાંતરમાં પ્રગટ થાય છે. આ વાર્તામાં શબૂની હત્યાનો બનાવ, અલબત્ત, સામાજિક દૃષ્ટિએ ચિંતનીય છે જ, પણ હત્યાના બનાવનું સ્થૂળ વર્ણન બહુ બહુ તો એક સનસનાટીભર્યો ચપટો કિસ્સો બની રહેત. એટલે આ વાર્તાની કળાત્મકતાનું હાર્દ વધુ તો શબૂના નારીસત્ત્વનાં અજ્ઞાતનાં દલેદલ ખુલ્લું કરવામાં રહ્યું છે, અને એક વાર્તાકાર તરીકે સુંદરમ્‌ની પ્રતિભાનો વિશેષ પણ સમગ્ર કૃતિની ભાવપરિસ્થિતિના મુખ્ય આધારરૂપે શબૂના મનોગતમાં ઝીલાતાં સૂક્ષ્માતિસૂક્ષ્મ સંવેદનોને આકાર આપવામાં રહ્યો છે. તેના ગ્રામીણ પરિવેશની, પ્રકૃતિનાં દૃશ્યોની) ઝીણી ઝીણી વિગતો અહીં વાર્તાના ભાવજગતમાં અણધારી ચમત્કૃતિ આણે છે. વર્ણનનો આ સંદર્ભ જુઓ : “અનૂરી પર અનૂરાં હજી કાચાં હતાં. એ તો ઘેર પાકશે એમ અનૂરું તોડવા એણે હાથ લંબાવ્યો. ત્યાં નીચેથી એના વરનો અવાજ આવ્યો : ‘લે હેંડ હવે!’ તે ચોંકી. કંથારનો કાંટો તેને કોણી આગળ વાગ્યો.” અહીં ‘અનૂરાં કાચાં છે’ અને ‘ઘેર પાકશે’ જેવા શબ્દો તેના દેહમાં મ્હોરી રહેલા ગર્ભનો સંકેત આપી જાય છે. તો વરની બૂમથી એકાએક ચોંકી જતી શબૂને કંથારનો ડંખ લાગવાની વિગત પણ નિયતિના ડંખનો નિર્દેશ કરી રહે છે! વર્ણનનો આ બીજો સંદર્ભ જુઓ : “તેના ઊતરવાથી ઊડેલી ધૂળ કોતરના મથાળે પહોંચી ‘શબૂ ગઈ!’ એમ કહેતી હોય તેમ હવામાં ઊડી રહી!” આ વર્ણનમાં ‘શબૂ ગઈ!’ એ શબ્દોમાં કંઈક અગમ્ય રીતે અમંગળ એંધાણીનો ભણકાર જન્મી પડે છે. કોતરના મથાળા સુધી ઊઠીને ધીમે ધીમે વિખરાઈ જતી ધૂળના દૃશ્યમાં જ વિસર્જનના અણસાર વાંચી શકાય છે. (કવિ રમેશ પારેખની પ્રસિદ્ધ ગીતરચના ‘તારો મેવાડ મીરાં છોડશે’માંની પંક્તિ ‘ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં વિખરાયાની ધૂળ’ તરત સ્મરણે ચઢશે. વિદાય વેળાએ વિસર્જિત નારી આકૃતિને કંડારવામાં બંનેયની પ્રતિભા સમાન કલ્પન જુએ છે તે ઘટના રસપ્રદ છે.) હવે આ સંદર્ભ જુઓ : “શબૂએ આંખ ઉપર હથેળી ઢાળી સૂરજના અજવાળામાં ઝંખાતી તેની આંખે સામી પારના ગામની લીલીઘેરી સીમ જોવા લાગી.” આ વર્ણનમાં ‘લીલીઘેરી સીમ’ અને ‘સામે પાર’ જેવા શબ્દોય અવનવા ધ્વનિ રણકાવી રહે છે. એમાં ધનધાન્યથી સમૃદ્ધ ભૂમિનું સૂચન છે, તો એ સામેપારનું વિશ્વ છે એવો સંકેત પણ એમાં છે. શબૂની દૃષ્ટિમાં ઝીલાતું એ મનોરમ દૃશ્ય અંતે દિવાસ્વપ્ન શું નીવડે છે! આ રીતના વિગતપ્રચુર વર્ણનમાં, આમ, સૂક્ષ્મ સ્તરે વ્યંગની સેર વહેતી રહે છે. નવવધૂ શબૂના શણગારનું વર્ણન પણ સુંદરમ્‌ની સર્જકતાને ખુલ્લું કરવામાં ઘણું સહાયક બને છે : “પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા લાગી. પગમાંનાં નક્કર કલ્લાં સહેજ ખણખણ્યાં નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરનાં બલૈયાં કાચની બંગડી સાથે રણક્યાં. તેના કાપડાની અતલસ કડકડી. કાપડાની બાંયનું મોઢિયું સૂરજના તેજમાં ઝગી ઊઠ્યું. તેની મેંશ આંજેલી આંખ આમતેમ જોવા લાગી. તે થંભી ગઈ...” પૂરેપૂરો સાસરવાસો સજીને નીકળેલી શબૂનું આ અતિ મનોહર ચિત્ર છે. તેનાં નવાનકોર વસ્ત્રાભૂષણોનો ‘સડસડ’ ધ્વનિ એ નિર્જન નીરવ કોતરના એકાંતમાં પ્રબળપણે પડઘાયા કરે છે. શ્રુતિનિષ્ઠ કલ્પનની વિરલ સમૃદ્ધિ એમાં પ્રત્યક્ષ થાય છે, પણ અણધારી રીતે શબૂના અંતરના ઉમંગઉલ્લાસ અને ઓરતા પણ એમાં રણકી ઊઠ્યા છે. વળી, તેના કાપડાની બાંયના મોઢિયામાં સૂર્યપ્રકાશના ચમકારા ચમકી રહ્યાનું સુંદરમે જે વર્ણન આપ્યું છે તેમાં તેમની રંગદર્શીવૃત્તિનો વિરલ ઉન્મેષ જોઈ શકાશે. વસ્ત્રના સાદાસીધા વર્ણનમાં પણ કશીક લોકોત્તર ઝાંય અર્પવામાં એ સર્જકવૃત્તિ પ્રગટ થાય છે. એક રીતે આ આખીય વાર્તાના કથન વર્ણનમાં સ્વભાવોક્તિને અતિક્રમી અણજાણ અને અગમ્ય જગતનો પરિવેશ રચવાનું તેમને પ્રિય રહ્યું છે. આગળ જતાં સૌભાગ્યના શણગારની આ વિગતોને સુંદરમે શબૂના અંતરમાં જન્મતાં ભીતિ વિમાસણ જેવાં સંવેદનોને વ્યક્ત કરવા અસાધારણ સૂઝથી ખપમાં લીધી છે. ઘડીક શૂન્યતામાં ડૂબેલી શબૂ એકાએક જાગૃત બની ત્યાં તેને પોતાનાં એ નવાં વસ્ત્રો અને ચાંદીનાં ઘરેણાંનો ભાર વરતાવા લાગ્યો! અજ્ઞાત ચિત્તમાં જન્મી પડતા ભીતિના ઓથારનું – અજ્ઞાત ભાવિનું એમાં સૂચન છે. મહીના જળપ્રવાહમાં પગ મૂકતાં જ શબ્દને ફરી વિચિત્ર લાગણી થઈ. સંદર્ભ જુઓ : “ખુલ્લે ઘૂંઘટે ચાલી આવતી શબૂએ મોં પર ઘૂંઘટો ખેંચ્યો. આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ. કાદવનો કાળો ઉજાશ, પાણીના ઝગારા, બધું ઘડીક વસાઈ ગયું. હાશ તેના પગને ટાઢું ટાઢું લાગ્યું. પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી.” શબૂનું અસ્તિત્વ ક્યાંક મૂળથી હલી ઊઠતું હોવાનું અહીં વર્ણન છે, તે કૃતિના વસ્તુવિકાસની દૃષ્ટિએ ઘણું સૂચક છે. સસરા દ્વારા તે હત્યા પામી તે પૂર્વે જ તેનું આંતરસત્ત્વ તો કશાક અમંગળના ખ્યાલથી વિછિન્ન થઈ રહ્યું હતું! મહીના જળપ્રવાહમાં તે ઘડી બે ઘડી ઊભી ત્યારે તેને તેની સહિયરના છૈયાનું સ્મરણ એકાએક થઈ આવ્યું, અને તેને રમાડવાના કોમળ કોડ જન્મ્યા, ત્યાં પોતાના જ ઉદરમાં સૂતેલા ગર્ભશિશુના વિચારમાં તે સરકી જાય છે : ‘તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફૂરતું લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ.’ શબૂની આ હિલચાલમાં એક સગર્ભા નારીની ગહનતમ એષણા પ્રગટ થાય છે. સ્ત્રીના વર્તનની આ પ્રકારની ઝીણીઝીણી વિગતોમાં સુંદરમ્‌ની માનવજીવનની દૃઢ પકડ દેખાઈ આવે છે. આ વાર્તામાં પ્રકૃતિનો પરિવેશ એક રહસ્યસભર સત્ત્વ બની રહે છે. ખાસ કરીને શબૂની હત્યા જે નિર્જન રેતવિસ્તારમાં થઈ છે તે વિસ્તૃત દૃશ્યપટ સ્વયં એક મર્માળો વ્યંગ જન્માવે છે. ધોમ ધખતા મધ્યાહ્ન, પ્રખર તેજમાં ઝગારા મારતો રેતાળપટ, નિર્જન રેતવિસ્તાર પર તરતાં ઝાંઝવાં જળ, એક કાંઠા સમીપ વહેતો મહીનો જળપ્રવાહ, નિર્જન વાતાવરણમાં ભેંકાર ઘૂંટતા કોક બાળકના રુદનનો ભણકાર – આમ આખોય પ્રાકૃતિક પરિવેશ જાણે છલના રચી રહ્યો છે! શબૂનો પાણીનો શોષ તીવ્ર બન્યો છે. જે મહી માતામાં તેની આ ક્ષણ સુધી આસ્થા રહી છે તેનું પાણી હવે ખારું થઈ ચૂક્યું છે, અને તે તેની તરસ છીપાવી શકે તેમ નથી! તેની જીવનશ્રદ્ધાનું આલંબન જાણે કે હવે એકાએક તૂટી પડવા આવ્યું છે : ‘સૂરજના ઝળહળતા તાપમાં તેની આંખો ઘડીક મીંચાઈ ગઈ. તેણે આંખો ઉઘાડીને જોયું તો ચારે કોર ઝાંઝવાં જ ઝાંઝવાં દેખાય છે. નદી પણ ઝાંઝવાં ભેગી ભળી ગઈ છે. આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડપાન જનજનાવર કશું જ દેખાતું નથી. ઊનો પવન સૂ સૂ કરતો રેતીની વાછંટો મારતો જાય છે...” મહીકાંઠાના પ્રાકૃતિક પરિવેશનું આ અતિ પ્રભાવક ચિત્ર છે. શબૂના અંતરમાં અજ્ઞાતપણે છવાતી જતી શૂન્યતા અને વિભીષિકા એમાંથી ઊપસી આવ્યાં છે. આવી કારમી ક્ષણમાં ય તેના ઉદરમાં પોઢેલા શિશુનું સ્ફુરણ તેની ચેતનાને સ્પર્શી રહે છે : “તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. તેની છાતીમાં પાનો ચઢ્યો. તેણે કોમળ હાથે પોતાનાં ભરાવા લાગેલાં બેય સ્તન દાબ્યાં. ધબક! ધબક! ભૂંડું કાળજું ય કેવુંક છે! તેની આંખમાં હરખનાં બે આંસુ આવ્યાં. તેને લૂછ્યા વગર જ તે ચાલી.” અને, આ રીતે, પોતાની સંતતિના વિસ્તારની આશામાં શબૂ થોડી આગળ વધી ત્યાં સસરાનો રાક્ષસી પંજો તેને ભીંસમા લે છે. મોતની કારમી ક્ષણોનું વર્ણન અસાધારણ સામર્થ્યવાળું છે : “મહીસાગરના પાણીમાં પોતે સેલારા મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું. તેની આંખો ખેંચાવા લાગી. તે ઘડીક એકદમ ખુલી ગઈ. તેના મોં પર સસરાનું વરુ જેવું મૂંછાળું મોં ઝઝૂમી રહ્યું હતું. તેમાંથી બીડીની ગંધ આવતી હતી. એ મોંની પાછળ જે થોડુંક આકાશ દેખાતું હતું તેમાં તેને દેખાયું કે એના બાપ જાણે હવામાં આમતેમ આંટા મારી રહ્યા છે. પોતાના બચ્ચાને પીંખી નાંખતું જોતો કોઈ ગીધ ઊડતો હોય તેમ...” અહીં શબૂની દૃષ્ટિમાં તેના પિતા ગીધની આકૃતિ રૂપે પ્રત્યક્ષ થાય છે, એ ફૅન્ટસીમાં સુંદરમ્‌ની વિરલ સર્જકતાનો પ્રભાવક આવિર્ભાવ જોવા મળે છે. મનોવિશ્લેષણવાદીઓ માટે આ ફૅન્ટસીનું અનોખું મૂલ્ય સંભવે છે. આ સંદર્ભમાં એમ નોંધીશું કે મહીકાંઠાના અફાટ નિર્જન રેતીપટમાં શબૂ જેવી નારીની હત્યા સ્વયં એક કરુણ વ્યંગભરી ઘટના બની રહે છે. ‘જીવનની તરસ’ વાર્તાને, આમ તો, ગ્રામીણ જીવનનો સંદર્ભ મળ્યો છે, પણ જે રીતે એની કથાવસ્તુની માવજત થઈ છે તે જોતાં તેને આગવું મનોવૈજ્ઞાનિક મૂલ્ય પ્રાપ્ત થયું છે એમ કહેવું જોઈએ. વાર્તાનું ઘટનાકેન્દ્ર એક કસ્બો છે. બાલમંદિરના શિક્ષક રમેશભાઈ અને તેની જૂનવાણી માનસ ધરાવતી પત્ની ચંપાના દાંપત્યની આ મર્મસ્પર્શી કથા છે. ગાંધીયુગના વાતાવરણમાં ઊછરેલા રમેશભાઈએ લગ્નજીવનમાં ય બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું છે, અને કેટલાંક વર્ષો વીત્યાં છતાં ચંપાની સંતાનઝંખના અધૂરી રહી ગઈ છે. વાર્તાનો આરંભ આવા એક અતિ નાજુક કોયડા સાથે થયો છે, જ્યારે એનો અંત સુખદ નિરાકરણરૂપે આવ્યો છે. રમેશભાઈના માનસિક પરિવર્તનની ઘટના અહીં રહસ્યકેન્દ્રમાં છે. કસબાના અગ્રણી કુટુંબનાં કમળા શેઠાણીનો વૃત્તાંત એમાં માર્મિક રીતે ગૂંથી લેવાયો છે. બાલમંદિરની પ્રૌઢ શિક્ષિકા પણ સંતાનસુખ પામી નથી. આમ ત્રણ સ્ત્રીઓની સંતાન માટેની એષણા અહીં રજૂ થઈ છે. માનવવ્યક્તિના બૌદ્ધિક સ્તરના પ્રશ્નો કરતાં યે તેની પ્રકૃતિના મૂળમાં પડેલી આદિમ્‌ વૃત્તિઓ તૃષ્ણાઓ ઝંખનાઓ પર વાર્તાકાર સુંદરમ્‌ની દૃષ્ટિ ઠરતી રહી છે તે સૂચક છે. માનવઅસ્તિત્વના મૂળભૂત પ્રશ્નોની ખોજ તેમને પ્રાકૃતિક જીવનના આદિમ્‌ આવેગો તરફ ખેંચી જાય છે. એ રીતે ‘જીવનની તરસ’માં સંતાનઝંખનાનો પ્રશ્ન કેન્દ્રમાં આવ્યો છે. વાર્તાના બનાવો અને ભાવપરિસ્થિતિઓની રજૂઆત વાર્તાનાયક રમેશભાઈ દ્વારા થઈ છે. અર્થાત્‌, આ પુરુષ પાત્રના દૃષ્ટિકોણથી આખું નિરૂપણ થયું છે. એ દૃષ્ટિકોણની પસંદગીનું કળાદૃષ્ટિએ ઘેરું ઔચિત્ય છે. કેમ કે, તેનું માનસપરિવર્તન આ વાર્તાના કેન્દ્રમાં પડેલો સૌથી માર્મિક રહસ્યતંતુ છે. પોતાનું સંવેદનજગત તે સારી રીતે સમજે છે. અનેક બનાવોના તાણાવાણા તેના મનોગતમાં ગૂંથાયેલા છે. તેનો કોયડો તે લગ્નજીવનમાં તેણે સ્વીકારેલું બ્રહ્મચર્યવ્રત છે. (સુંદરમે ‘ભદ્રા’ શીર્ષકની વાર્તામાં આલેખેલા મગનભાઈ અને ‘ભીમજીભાઈ’ વાર્તામાં રજૂ કરેલા ભીમજીભાઈ પણ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઈને બ્રહ્મચર્યના માર્ગે ચાલવાનો સંકલ્પ કરી બેઠા છે. પણ દરેકની નિયતિ જુદી રીતે કામ કરતી વર્ણવાઈ છે.) પણ સંતાનની એષણા વણપુરાયેલી, રહેતાં ચંપાનું માનસ કંઈક હિસ્ટીરિયાથી પીડાવા લાગે છે પત્નીની આ માનસિક બીમારીને આરંભમાં પતિ સમજી શકતો નથી. કંઈક રહસ્યમય લાગે એવી વાત તો એ બને છે કે કમળા શેઠાણીનું ‘પ્રેત’ જ આ દંપતીના જીવનમાં સંવાદ રચી આપે છે. વાર્તાનું રચનાવિધાન થોડું સંકુલ છે. લોકવાયકા એવી છે કે હવેલીવાળાં કમળા શેઠાણી સંતાનની અધૂરી વાસનામાં ગુજરી ગયેલાં, અને એ પછી એ વિશાળ નિર્જન હવેલીમાં તેમનું પ્રેત રઝળતું રહ્યું છે. શિક્ષકપત્ની ચંપાને પણ એ પ્રેતનો સતત ડર રહ્યો છે. બુદ્ધિવાદી રમેશભાઈ એવા પ્રેતની હસ્તીનો જ ઇન્કાર કરે છે. પણ ચંપા તો એ પ્રેતના ભયથી ઉન્માદી બની ચૂકી છે. આવા સંજોગોમાં ભૂતિયા હવેલીમાં બાળમંદિર બેસાડવાની રમેશભાઈની યોજના તેમના બુદ્ધિવાદી માનસની નીપજ છે. પણ તેમનો એ બૌદ્ધિકતાવાદ ચંપાની સંતાનઝંખના સમજવામાં નિષ્ફળ જાય છે. રમેશભાઈના માનસિક જીવનમાં અણધારી રીતે આવતું પરિવર્તન આ વાર્તાની મુખ્ય ધરીરૂપ ઘટના છે. એક રાત્રે તેમને કમળા શેઠાણીનું પ્રેત સ્વયં એક વિશ્વજનનીના લોકોત્તરરૂપે સ્વપ્નમાં દેખા દે છે. અંધકારના ગર્ભમાં વાર્તાનાયક અનિમેષ દૃષ્ટિએ તાકી રહે છે. સૃષ્ટિના આદિસ્પંદ સુધી તેમની ચેતના વિસ્તરવા મથે છે. માનવવ્યક્તિની સીમિતતાને અતિક્રમી જઈને વિશ્વક્રમની સમગ્રતાને તે આશ્લેષમાં લેવા ઝંખે છે. અને આ સૃષ્ટિના અણુએ અણુમાં ‘એકોઅપિ બહુસ્યામ્‌’નો નાદ સાંભળવા તેઓ શક્તિમાન બને છે. આદ્યસ્રષ્ટાના એ પ્રથમ સંકલ્પ પર તો વિશ્વનો લીલામય વિસ્તાર થયો છે એમ તેને સમજાય છે. તારા નિહારિકા સૂર્યો ગ્રહમંડળો પૃથ્વીઓ વનસ્પતિ જીવજંતુ જળચર ખેચર ભૂચર પ્રાણી માનવ એ સર્વ અનંત વિસ્તાર તેમની દૃષ્ટિમાં તગતગી રહે છે. (અર્જુનના વિશ્વરૂપદર્શનનું અહીં સહજ સ્મરણ થશે.) અને આ વિશ્વજીવનની આદ્યશક્તિ સ્વયં સ્ત્રીમાં મૂર્તિમંત થયેલી છે એવી પ્રતીતિ તેને થાય છે. આ સાક્ષાત્કારની ક્ષણના ગર્ભમાંથી જ એક પ્રશ્ન ગોરંભાતો ઊઠે છે : “શું મને શેઠાણી ભૂતરૂપે ભક્ષી જશે?” અને એના પ્રત્યુત્તરમાં ‘મીઠી મોરછાવાળાં’ શેઠાણી ‘છબીમાંથી’ બોલતાં તેમને સંભળાય છે. એ પ્રસંગ જરા નિકટતાથી જોઈએ : “ના, ના,” તે મોઢું હસ્યું. તેના તારાકણી જેવા દાંતના સ્મિતથી આકાશનાં નક્ષત્રો વધારે દીપ્યાં. તેણે સોડિયામાંથી હાથ કાઢ્યા. ગૌર કોમળ હાથ પર સોને મઢ્યાં રાતાં કંકણ જરાક રણક્યાં. અને એ હાથ લંબાતા લંબાતા મારી પાસે આવ્યા. મને ઉપાડ્યો. બાળપણમાં ઉઘાડે ડિલે માતાની બાથમાં મસ્ત અંગે તરફડિયાં મારતો હતો એમ હું તોફાનમાં તરવરી રહ્યો. એના કોમળ હાથ મારા બાળશરીરને જાણે એના માર્દવથી જ પકડી રાખતા હતા...” ફૅન્ટસીના અંશવાળો આ પ્રસંગ સુંદરમ્‌ની વિલક્ષણ રંગદર્શી સર્જકતાનો દ્યોતક છે. કમળા શેઠાણીનું વિશ્વમોહિની સમું અલૌકિક રૂપ અને એ જગત્‌માતાના કોમળ હાથોમાં વાર્તાનાયકનું પોતાનું જ નવજાત શિશુરૂપ – એ દૃશ્યમાં વાર્તાનાયકના અજ્ઞાત મનની કામના જ રૂપાંતરે સાકાર થઈ છે. માતૃગ્રંથિનું આ અનોખું પ્રક્ષેપણ છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એનું અનોખું મૂલ્ય છે. વાર્તાનાયક પુરુષ સ્વયં નવજાત શિશુરૂપે પોતાને પામે એમાં તેની ગૂઢતમ એષણા મૂર્ત થઈ છે. વાર્તાનાયકનું આ સ્વપ્નદૃશ્ય આગળ વિસ્તરે છે. “રૂમઝુમ પગલે શેઠાણી મને લઈ જાય છે. મકાનનો મોટો દરવાજો આપોઆપ ખુલી જાય છે. વંડાને કાંગરેકાંગરે બારણેબારણે બારીએબારીએ ઝળહળતી દીપાવલિ ઝળકી રહી છે. બગીચો ખીલી ઊઠ્યો છે. પગથિયે અને ઓટલે કંકુ અને ફૂલના સાથિયા ચીતરાઈ ગયા છે... શેઠાણીને આવતાં જોઈ બધાં કબાટ ઊઘડી ગયાં. બધાં રમકડાં અંદરથી દોડી આવ્યાં... મને એના આતુર હાથે ખોળામાં લીધો. હૈયે દબાવી મારા પર પાલવ ઢાંક્યો અને એ અમૃત જેવું દૂધ પીતાં પીતાં અનંત ઊંઘ આવી ગઈ...” વાર્તાનાયક પોતાને કમળા શેઠાણીની ગોદમાં નવજાત શિશુ રૂપે ઓળખે એ ફૅન્ટસીનું મનોવિશ્લેષણ દૃષ્ટિએ વિશેષ રહસ્ય છે. આ જાતના સ્વપ્નદર્શનથી તેના અજ્ઞાત મનની ગ્રંથિ તૂટી જાય છે. કમળા શેઠાણી અને ચંપા બંને એકરૂપ બની જાય છે. ચંપાને પણ કમળા શેઠાણી સ્વપ્નમાં દેખા દે છે, અને પ્રસન્નતાથી તેને સંતાન અર્પતી નિહાળે છે. પતિપત્ની વચ્ચેની માનસિક દીવાલ ઓગળી જાય છે. વાર્તાનાયક પોતાનું બ્રહ્મચર્યવ્રત ત્યજી દે છે. ચંપા હવે સગર્ભા બની છે. પોતે માતા બનવાની છે એવા શુભ સમાચાર લજ્જાભાવે તે પતિને કહે છે. ચંપાના માનસમાંથી, લોકમાનસમાંથી, અને અવાવરુ હવેલીમાંથી, શેઠાણીનું પ્રેત હંમેશ માટે અદૃશ્ય થઈ જાય છે! વાર્તાનાયક શિક્ષક એના સમયમાં ગાંધીજીની વિચારધારાના પ્રભાવ નીચે બ્રહ્મચર્યવ્રત લઈ બેઠો હતો. કમળા શેઠાણીની સ્વપ્નમૂર્તિ જ તેને એ વ્રતમાંથી મુક્ત કરે છે. વિશ્વજીવનમાં સક્રિય રહેલા આદ્ય સર્જનસ્પંદની ઓળખ સાથે તેના વિચારની શૃંખલા તૂટે છે. માતૃત્વમાં આદ્ય સૃષ્ટિનો મૂળ સ્પંદ કામ કરી રહ્યો છે એવા લોકોત્તર જ્ઞાનમાં આ વાર્તાને અનોખું પરિમાણ પ્રાપ્ત થયું છે. માનવજીવનની ગહનતર ગતિ-બૌદ્ધિક નૈતિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી વધુ ગહન ગતિ-ને પામવાની દિશામાં વાર્તાકાર સુંદરમ્‌ અહીં સક્રિય બન્યા દેખાય છે. ગ્રામજીવનની રોજિંદી અને પરિચિત લાગતી ઘટનાઓ અને રાજિંદા સુખદુઃખના આલેખનમાં સુંદરમ્‌ની સર્જકવૃત્તિ સહજ જ કશીક ને કશીક અપરિચિતતા અને અસામાન્યતાને સ્પર્શે છે, અને કૌતુકભર્યો રહસ્યમય પરિવેશ રચી દે છે. પાત્રો બનાવો અને દૃશ્યોનાં કથનવર્ણનમાં ઝીણીઝીણી પણ નક્કર વિગતો સાથે તેઓ જે રીતે કામ પાડે છે તેમાં સહજ જ ઘેરો પરિવેશ નીપજી આવે છે. તેમની પ્રતિભાનો આ વિલક્ષણ ઉન્મેષ કમળા શેઠાણીની નિર્જન ભેંકાર મારતી હવેલીના પરિવેશના તેમ પ્રેતની હિલચાલના વર્ણનમાં જોવા મળે છે. માર્મિક વિગતો જ અજ્ઞાતપણે ભીતિનો સ્પર્શક્ષમ પરિવેશ રચી આપે છે : પ્રેતની ઉપસ્થિતિનો આ સંદર્ભ જુઓ : “મધરાતે મધરાતે એ મોટા મકાનના ચોકમાં રાસડા લેતું કે રાજિયા ગાતું, પોક મૂકીને રડતું કે ખડખડાટ હસતું, ચૂડીઓ ખખડાવતું કે દાંત કચકચાવતું, બિલાડી બોલાવતું કે સમડી પેઠે ચક્કરચક્કર ફરતું, લોકોનાં છોકરાંને માંદાં પાડતું કે કદી મારી નાંખતું, એમ વિવિધ સ્વરૂપે, કંસવધ વખતે કૃષ્ણ જેમ અનેક અનેક રૂપે ભક્તોને તેમની ભાવનાનુસાર દેખાયા હતા તેમ તે દેખાતું હતું...” સુંદરમ્‌ની રંગરાગી સર્જકતા, આમ, લીલયા ચિત્રો રચતી ખીલી રહે છે. કથનવર્ણનમાં સુંદરમ્‌ની સર્જકવૃત્તિ જાણે કે અનવરુદ્ધ વિલસતી રહે છે. મુખ્ય બનાવ કે ભાવપરિસ્થિતિ નાના ફલકની હોય તો પણ તેમની સહજ સર્જકતાની ગતિને કારણે વિસ્તૃત બને છે. એની ઉપકારકતા એ રીતે સિદ્ધ થાય છે કે ઇંદ્રિયગોચર અને ઇંદ્રિયાતીત વાસ્તવનું વધુ સઘન અને સંકુલ રૂપ એમાં નિર્માણ થઈ આવે છે. પણ એવા દરેક પ્રસંગે સંવિધાન શિથિલ બની રહે કે મુખ્ય રહસ્ય પ્રચ્છન્ન બની રહે એવું જોખમ પણ ઊભું હોય છે. ‘સૌન્દર્ય શું?’ શીર્ષકની વાર્તામાં પણ, દેખીતી રીતે જ, માનવપ્રકૃતિમાં ઊંડે ઊંડે રોપાયેલી જાતીય વાસના કેવી તો એક કૂટ દુર્નિવાર સત્તા છે, અને માનવજીવનની કરુણતાનું મોટું કારણ બને છે તેનું આલેખન થયું છે. આ પ્રકારની વાર્તાવસ્તુના સ્વીકાર પાછળ અભ્યાસીઓ ફ્રોય્‌ડની વિચારધારાની પ્રેરણા હોવાનું કહેતા હોય છે. અને એ સાચું ય છે. કેમ કે, આ સદીના છેક આરંભના સમયગાળામાં ન્હાનાલાલ જેવા ભાવનાપરાયણ સર્જકે માનવીય સંયોગોના ચિત્રણમાં જાતીય વાસનાને વધુ તો આભાસી બાબત લેખવી હતી. ‘જયા જયંત’ નાટકની રચના એનું જ્વલંત દૃષ્ટાંત છે. એની સામે ત્રીસીનો વાસ્તવબોધ સામાજિક અને મનોવૈજ્ઞાનિક સત્યોનો સ્વીકાર કરવા તત્પર બંને છે. સુંદરમ્‌ની પ્રસ્તુત વાર્તા એ રીતે ધ્યાનપાત્ર છે. વાર્તાના કેન્દ્રમાં રહેલી ભાવપરિસ્થિતિ, અલબત્ત, કંઈક અટપટો આકાર લે છે. અહીં જાતીય જીવનની સમસ્યા તે વાર્તાના મુખ્ય સ્ત્રીપાત્ર મંજુબહેનની નિજી સમસ્યા છે, બલકે તેના દાંપત્યની સમસ્યા છે. પણ સુંદરમે એ દંપતીનો વૃત્તાંત અલગ રેખાંકિત કરીને મૂક્યો નથી. એ દંપતીની સમસ્યાને પૂરા કુતૂહલથી જોવાસમજવા ચાહતા એક સાહિત્યના અધ્યાપકના દૃષ્ટિકોણથી રજૂ કરી છે. મંજુબહેનના કેસમાં સારવાર કરતા ડૉક્ટર એ અધ્યાપકના મિત્ર છે, અને એ અંગત સંબંધની રુએ એ દંપતીના જીવનની વિષમ સમસ્યા વિશે અધ્યાપક કેટલીક ખાનગી માહિતી મેળવે છે. અને, એ રીતે, વાર્તામાં, ખરેખર તો, અધ્યાપક સ્વયં એક કથાનિવેદક (narrator)ની ભૂમિકા ભજવે છે. એક વિદ્યાસંપન્ન અને સંવેદનપટુ અધ્યાપકનાં, પ્રસ્તુત દંપતીની સમસ્યા વિશેનાં ચિંતનસંવેદનો, ક્રિયાપ્રતિક્રિયાઓ, કંઈક નિરાળા ભાવખંડ બની રહે છે. વાર્તાનું રહસ્ય એમ અલગ અલગ બે ભાવખંડોથી રચાયું છે. અંત ભાગમાં – ‘સૌન્દર્ય શું? જગત શું? તપ એ જ સાથી?’ એ કવિ કાન્તની પંક્તિના મનોમન ગુંજનમાં વાર્તાનો કરુણ સ્વર તીવ્રતાથી રણકી ઊઠે છે. ઈશ્વરે મંજુબહેનને જે કમનીય સૌંદર્ય અર્પ્યું છે તેમાં જાણે કે અભિશાપનું તત્ત્વ પણ નિહિત રહ્યું છે. સામાન્ય પુરુષની જાતીય ઇચ્છાને ચંચળ કરી મૂકે એવું કોઈ સ્થૂળ આકર્ષણનું તત્ત્વ એમાં વ્યાપી રહ્યું છે. તેના ભાગ્યની કરુણતા વળી એ છે કે શરીરના અધૂરા વિકાસને કારણે સંતાનને જન્મ તે ન આપી શકે એવી મુશ્કેલી તેની સામે ઊભી છે. નિષ્ણાત ડૉક્ટરે પહેલી વાર ઑપરેશન કરી જાતીય જીવનના સુખભોગની અમુક મુશ્કેલી હળવી કરી, તે સાથે કડક ચેતવણી આપી કે પ્રસૂતિનો બનાવ તેને માટે જીવલેણ નીવડી શકે છે. મંજુબહેન અને તેમના પતિ, આ વિશે સાવધાન બન્યાં છતાં, મંજુબહેન એક પછી એક, બે પ્રસૂતિનું જોખમ ખેડી ચૂક્યાં હતાં અને ત્રીજી વાર ડૉક્ટરની ભારે ચેતવણી છતાંય મંજુબહેન ફરી સગર્ભા બન્યાં છે! કથાના મુખ્ય પાત્ર અધ્યાપક સામે આ દંપતીના જીવનની સમસ્યા એ માનવીય અસ્તિત્વની એક દુર્નિવાર સમસ્યા રૂપે આવે છે. માનવપ્રકૃતિમાં રોપાયેલી જાતીય વાસનાના પ્રવર્તન સામે માનવીનાં જ્ઞાન તપ બધાં જ વિફલ! કથાનિવેદકનો પ્રશ્ન, અંતે તો, વાર્તાકાર સુંદરમ્‌નો જ પ્રશ્ન છે. કરુણ વક્રતા એ છે કે નારીનું કામણગારું રૂપ તેની સામે એક છલના રચી રહ્યું છે! કથાનિવેદક અધ્યાપક જો કે એ સ્ત્રીના કામ્યરૂપ પરત્વે તટસ્થવૃત્તિ દાખવે છે. એ સ્ત્રીના દેહલાવણ્યમાં કશીક જુગુપ્સા તેને વરતાઈ છે. એટલે જ અન્ય પુરુષોની એ સ્ત્રીના દેહસૌંદર્ય પરત્વેની ‘બણબણતી નજર’ની તે સ્વસ્થપણે નોંધ લઈ શકે છે. ‘પુષ્પિતા’ વાર્તાનું સંવિધાન પણ કંઈક અટપટું છે. બે અલગ કુટુંબોના વૃત્તાંતો અહીં જોડાયા છે. ઘટનાકેન્દ્ર અહીં મુંબઈ છે એ મહાનગરમાં કૉલેજના પ્રાધ્યાપક તરીકે જોડાયેલો પુરુષ – જે આ વાર્તામાં વાર્તાનિવેદક (narrator) છે, અને જેને નામ મળ્યું નથી – તે અને તેની પત્ની લીલાબહેન-એ દંપતીનો એક મહત્ત્વનો વૃત્તાંત છે; તો તેઓ જે મકાનમાં ભાડૂત તરીકે રહેવા આવ્યાં તેના માલિકની પુત્રી પુષ્પિતાનો એટલો જ, બલકે એથી ય વધુ મહત્ત્વનો વૃત્તાંત છે. સુંદરમે પૂરા કૌશલ્યથી બંને વૃત્તાંતોને એક ભાવપરિસ્થિતિમાં સાંકળી લીધા છે. આમ છતાં, લગ્ન ઝંખતી અને ભાવિ જીવનની ઉલઝનમાં આપઘાત કરી બેસતી પુષ્પિતાનો વૃત્તાંત વધુ ગૂઢ કોયડા સમાન છે, અને વાર્તાના કેન્દ્રમાં અંતે એ ઊપસી આવે છે એમ કહેવું જોઈએ. મુંબઈના ભદ્ર સમાજની પણ એકાકી જીવન જીવી રહેલી એ કુમારિકા ખરેખર ઘેરી માનસિક કટોકટીમાં મુકાઈ છે. માતાની ગોદ તે છેક બાળપણમાં ખોઈ બેઠી હતી. એટલે પિતાએ જ તેની આ એકની એક દીકરીને અતિ લાડકોડથી ઉછેરી હતી. પણ વેપારધંધા નિમિત્તે ઘણોખરો સમય તેઓ બીજાં શહેરોમાં ગાળતા. એવા સંજોગોમાં અધ્યાપક અને લીલાબહેનનું તેમના મકાનમાં ભાડૂત તરીકે આવવું એ એક મોટી નિર્ણાયક ઘટના બની રહે છે. એક અતિ પ્રસન્ન અને રસિક દંપતીનો સહવાસ મળતાં પુષ્પિતાના એકાકી જીવનમાં એકાએક જ નવજીવનનો સંચાર થયો. લીલાબહેન સાથે તેને ગાઢ સખ્ય બંધાયું. અધ્યાપકના હાથ નીચે વળી તેનું શિક્ષણ આરંભાયું. થોડા સમયમાં લીલાબહેન સગર્ભા બન્યાં અને પછી તો તે માતા બન્યાં. આ ગાળામાં પુષ્પિતા અધ્યાપકની ઘણી નજીક આવી ગઈ. પોતાનું લગ્ન જે યુવાનની સાથે થવાનું છે તે લગ્નજીવનમાં બ્રહ્મચર્યપાલનની હિમાયત કરી રહ્યો છે તેની તે વાત કરે છે. લીલાબહેનના નવજાત પુત્ર પ્રત્યે તેને અપાર વાત્સલ્ય જન્મ્યું છે. બલકે, એ શિશુના કોમળ દેહના સ્પર્શે તેના દેહપ્રાણમાં કોઈ ઊંડી ઊંડી અજ્ઞાત ઝંખના જન્મી પડી છે. પણ, સૌના આઘાત વચ્ચે, પોતાના જન્મદિનની ઉજવણીના દિને વહેલી સવારે આપઘાત કરીને, તે સૌની અણધારી વિદાય લે છે! કોઈ અસાધારણ અજ્ઞાત ભીતિથી તે પીડાઈ ચૂકી હશે, કોઈ ભયંકર હતાશાની ધાર પર તે આવી પહોંચી હશે, એટલે તેણે આપઘાતનો માર્ગ લીધો! તેનું મૃત્યુ લીલાબહેન અને અન્ય સ્નેહીજનોને ભારે અચરજનો વિષય બની રહ્યું. માત્ર અધ્યાપક જ તેનું રહસ્ય કળી રહ્યા હોય તેમ પોતાના અંતરના એકાંતમાં સરી જાય છે! આ વાર્તાને, દેખીતી રીતે જ, ગૂઢ મનોવૈજ્ઞાનિક રહસ્ય પ્રાપ્ત થયું છે. લીલાબહેન અધ્યાપક અને તેમના નવજાત શિશુ સાથેના પુષ્પિતાના લાગણીમય સંબંધો જીવંતપણે જોડાયેલા છે. તે સાથે તેના પિતા અને ભાવિ પતિના સંબંધો પણ એમાં ગૂંચવાયેલા રહ્યા છે. માતાના અવસાન પછી પુષ્પિતા પોતાના પિતા પ્રત્યે જે લાગણીમય સંબંધો ધરાવે તેમાં electra complexનો અણસાર મળે છે. બીજી બાજુ, પિતાની ગેરહાજરીમાં અધ્યાપક તરફ જે લાગણી જન્મે છે તેમાં અમુક અંશે પિતૃપ્રતિમા અને અમુક અંશે સખ્યભાવ ગૂંથાયાં છે. અધ્યાપકે જો કે સંપ્રજ્ઞપણે સમજની ભૂમિકા પરથી પુષ્પિતા પ્રત્યે અમુક તાટસ્થ્ય, અમુક દૂરતા, કેળવ્યાં છે. એટલે, લીલાબહેન હૉસ્પિટલમાં રહ્યાં એ દિવસોમાં પુષ્પિતા અધ્યાપકની સાથે બહાર નીકળતી અને પોતાના લગ્નના અંગત પ્રશ્નમાં તેમને ખેંચી જતી ત્યારેય તેઓ સમત્વ જાળવી રહેતા. પણ પુષ્પિતા એવે સમયે અધ્યાપક સમક્ષ જે રીતે વિશ્વાસથી અને નિખાલસતાથી અંતર ખોલે છે તેમાં સંભવતઃ તેનું અજ્ઞાત મન પોતાને લીલાબહેનને સ્થાને ગોઠવીને અંતરમાં સુખની પ્રતીતિ કરી રહ્યું હોય એમ જોઈ શકાશે. લીલાબહેનના સંતાનને ગોદમાં લેતાં તેના મૃદુ કોમળ સ્પર્શે તેની માતૃત્વ ઝંખના જન્મે, અને તે સાથે જ, તેના ભાવિ પતિની બ્રહ્મચર્યની વાત તેને એમાં અવરોધક લાગે એ સમજાય તેવું છે. પિતા પતિ અને અધ્યાપક ત્રણેય પુરુષો સાથેના તેના લાગણીમય સંબંધો પર આ રીતે એક સાથે જે અસાધારણ ભીંસ આવી તેથી તે આપઘાતને માર્ગે ગઈ! બહાર નીકળવાને કોઈ દ્વાર ન હોય તેવા labyrinthમાં તે પૂરાઈ ચૂકી હતી!

વાર્તાના એકાદબે પ્રસંગોમાં કેટલુંક ચિંતન વિસ્તર્યું છે. અધ્યાપકના મનોગતમાં ઊડતા ચિંતનના ભાગરૂપે અને પુષ્પિતાની વિચારણારૂપે એ આવ્યું છે. બંને પાત્રોની મનોભૂમિકા એમાં સૂચવાઈ છે, બલકે લાગણીમય સંબંધો એની આસપાસ ગૂંથાયેલા છે. એટલે એ ચિંતન આગંતુક રહેતું નથી. બલકે, અધ્યાપક અને પુષ્પિતા જે કંઈ સહચિંતન કરે છે તે પુષ્પિતાને ઉગારી શકતું નથી, અને એમાં જ માનવવ્યક્તિની કરુણ વિષમતા છતી થઈ જાય છે. ‘નાગરિકા’માં વળી ભદ્ર સમાજના જ એક શિક્ષિત સંસ્કારી અને કુલીન દંપતી વચ્ચે જન્મતા વિસંવાદની કથની રજૂ થઈ છે. આખી વાર્તા નાયિકાના આત્મનિવેદન રૂપે આવી છે. મધુમિલનની પ્રથમ રાત્રિએ જ શિક્ષિત પણ વેદિયા પતિથી ઘોર ઉપેક્ષા પામેલી નાયિકાની એ કથા ઊંડી મર્મવિદારક છે. એક રીતે માનવનિયતિની અકળ ગતિનું એમાં સૂચન છે. વાર્તાનું શીર્ષક નાયિકાના જીવનની કરુણતાને વિશેષ ધાર અર્પે છે. નાયિકા સ્વયં એક શિક્ષિત અને શાલીન કન્યા છે, નવવધૂના હૈયામાં સહજ એવા કોડ અને ઉમંગ લઈને તે પતિગૃહે આવી છે. સાહિત્ય અને વિદ્યામાં જ ખોવાયેલા રહેતા તેના પતિદેવ પ્રથમ મિલનની રાત્રિએ પણ સંસ્કૃત સાહિત્યના રસિક ખંડોનું વિવરણ કરતા રહે છે. નવવધૂના હૈયાની ઝંખના, તેના ઉમંગ ઉલ્લાસ સમજવા જેટલી સહૃદયતા તેનામાં નથી. સાહિત્યવિદ્યા પ્રત્યેની તેની ભક્તિએ તેને આત્મકેન્દ્રી બનાવી મૂક્યો છે. અંતે નિદ્રાધીન નવવધૂને તે બાજુના ખંડમાંના બિછાના પર સૂવડાવી આવે છે. મોડી રાત્રે નાયિકા એકાએક જાગી પડે છે ત્યારે પોતાની એકલતાનું તીવ્ર કરુણ ભાન તેનામાં જન્મી પડે છે. એ પછી નાની નણદલને આણી તેની સોડમાં તે પોઢી જાય છે! પહેલી મિલનની રાતના તેના ઓરતા અધૂરા જ રહી જાય છે. બલકે, બંને વચ્ચે સંવાદ રચાવામાં સૂક્ષ્મ અંતરાય રચાઈ જાય છે. અભણ માનસની પ્રાકૃતતા અને જડતા નહિ, વિદ્યાસંપન્ન પુરુષની આત્મરતિ અને એમાંથી જન્મતી લાગણીહીનતા અહીં કરુણતાનું કારણ છે. નાયિકાના આત્મનિવેદનમાં તેના લાગણીસભર અનુભવનું બયાન છે. એક વાર્તા લેખે અહીં કોઈ એવી મોટી સામાન્ય ઘટના નથી : નાયિકાના આત્મનિવેદન રૂપે વ્યક્ત થતી વિલક્ષણ ઘટનાઓમાં જ એનું સાચું રહસ્ય રહ્યું છે. એક રીતે આખાય કુટુંબ જીવનની અને પતિના વ્યવહારની આખી કથા તેના નિજી દૃષ્ટિકોણથી રજૂ થઈ છે. પતિની ઘોર ઉપેક્ષા પામતાં તેના અંતરમાં જે વેદના જન્મી છે, તેથી તેના નિવેદનમાં એકધારા મર્માળા વ્યંગ અને કાકુઓ છતા થાય છે. પણ પતિ પ્રત્યે એમાં ઊંડો ડંખ કે દ્વેષ નથી. પોતાની કરુણ નિયતિનો એમાં દર્દભર્યો સ્વીકાર છે, અને આવી પડેલી વિષમ પરિસ્થિતિને સહી લેવા જેટલી સહિષ્ણુતા અને ઉદારતાય તેનામાં છે. એક રીતે તેનાં ભાવસંવેદનમાં તેના અંતરની કોમળતા શાલીનતા અને આભિજાત્ય જ પ્રગટ થઈ જાય છે, અને તેના ચરિત્રને વિશેષ ગરિમા અર્પે છે. અલબત્ત, એવી શાલીન વધૂના અંતરને વીંધી રહેલી વેદનાની વાણીમાં વિદગ્ધ અને વાક્‌પટુ નારીના સૂક્ષ્મ વ્યંગકટાક્ષ અસાધારણ બળવાળા છે ‘નાગરિકતા’ શીર્ષક નીચે ‘રાત આઈ હૈ નયા રંગ જમાને કે લિયે’ એ પંક્તિ આખી વાર્તામાં મર્માળો વ્યંગ પાથરી રહે છે. વાર્તામાં જે પતિનું ચરિત્ર ઊપસ્યું છે તે સુંદરમ્‌ની ‘પુષ્પિતા’ અને ‘ભીમજીભાઈ’ જેવી વાર્તાના નાયકોનો સગોત્ર છે. ગાંધીયુગમાં પ્રચલિત થયેલા જીવનના આદર્શોમાંથી પ્રેરણા લઈ જીવવા મથતા પુરુષની છબીઓ એમાં અંકિત થયેલી છે. ‘નાગરિકતા’માં વિદ્યાપરાયણ પતિનું વિલક્ષણ માનસઘડતર એ રીતે ચોક્કસ વિચારસરણીઓથી ઘડાયું છે. પણ એવી વિચારસૃષ્ટિ પણ કોઈ પણ ક્ષણે જીવનસંવાદમાં અંતરાય રચી શકે છે, એમ સુંદરમ્‌ને સૂચવવું છે.

દાંપત્યજીવન, સ્ત્રીપુરુષના અનૈતિક સંબંધો અને નારીના આંતરસત્ત્વને લક્ષતી સુંદરમ્‌ની અન્ય વાર્તાઓમાં ‘મિલનની રાત’, ‘ભદ્રા’, ‘લાલ મોગરો’, ‘પાપિણી’, ‘અંબા ભવાની’, ‘પ્રસાદજીની બેચેની’, ‘ભીમજીભાઈ’, અને ‘ઉલ્કા’ – એ વિશેષ ઉલ્લેખનીય વાર્તાઓ છે. માનવપરિસ્થિતિ અને માનવસંવેદનાઓના એક એકથી ઘણાં ભિન્ન રૂપો એમાં ખુલ્લાં થયાં છે. વાર્તાકાર સુંદરમ્‌ની સંવેદનશીલતાનો વ્યાપ અને તેની ગહરાઈનો અંદાજ લેવા ચાહતા ભાવકે એ વાર્તાઓમાંથી સહૃદયભાવે પસાર થવું જોઈએ. એ પૈકી ‘પ્રસાદજીની બેચેની’ સૌથી નાના ફલકની વાર્તા છે. જ્યારે બાકીની વાર્તાઓ ઠીક ઠીક વિસ્તૃત ફલકની છે. એમાં જ્યાં કેન્દ્રવર્તી પરિસ્થિતિ એક અને એકાગ્ર છે, ત્યાં પણ તેમની વિગતપ્રચુર કથનવર્ણનની રીતિને કારણે વિસ્તાર સધાયો છે. ‘લાલ મોગરો’, ‘પાપિણી’ અને ‘ઉલ્કા’ જેવી કૃતિઓમાં પ્રસંગોની જટિલતા ધ્યાન ખેંચે છે. એટલું જ નહિ, એના સંવિધાનમાં અમુક પ્રસ્તાર કે શિથિલતા દોષરૂપ પણ લાગશે, છતાં સુંદરમ્‌ની સર્જકદૃષ્ટિ માનવજીવનના કેટકેટલા અણજાણ ખૂણાઓમાં ફરી વળે છે, અને આંતરપ્રવાહોને કેટકેટલા કોણથી ભેદી રહે છે. તે જોવા સમજવાને આ વાર્તાઓ લક્ષમાં લેવી જ જોઈએ એમ મને લાગે છે. એ પૈકી ‘મિલનની રાત’ શીર્ષકની વાર્તા, સમાજની એક પાછળ લેખાતી જ્ઞાતિના તાજેતરમાં ઘરભંગ થયેલા પુરુષની વિષમ કરુણ મનોદશાનું અતિવેધક રીતે આલેખન કરે છે. ઘરભંગ થતા એ પુરુષનું નામ છે આશા હોણ. પત્નીના અવસાન પછી ત્રણેક મહિને પોતાના સાસરામાં તે આવ્યો છે. તેની માસી સાસુની મુગ્ધ વયની પણ અલ્લડ કન્યા પાલી, સાળીના સંબંધ દાવે, બનેવીની મજાકમશ્કરી કરે છે. શિયાળાની જામતી રાતે તાપણું તાપતા સાસરા પક્ષના વડીલો પાલીના આશા હોણ સાથેના લગ્નની વાતચીત છેડે છે. પણ એ કન્યા મેળવવા આશા હોણ પાસે સામા પક્ષને આપવાની રકમ ન હોવાથી એ લગ્ન ગોઠવાતું નથી. આગલી પરસાળમાં આશા હોણ માટેના ખાટલા પર જે રજાઈ હતી, તે તો પાલીએ મજાકમશ્કરીમાં સંતાડી દીધી હતી. ભયંકર કડકડતી ઠંડીમાં આશા હોણ કશું ઓઢ્યા વિના સૂઈ રહે છે. પણ ઠરતી રાતે તેના શરીરમાં નારીદેહની ઉષ્માની તીવ્ર જરૂરિયાત વરતાય છે. અણધારી રીતે જ, શેરીની કોક કૂતરી તેની સોડમાં ભરાય છે. ઠરી રહેલા આશા હોણને પ્રાણદાયી ઉષ્માનો સુષુપ્ત અનુભવ થાય છે. ઊંઘમાં તેને સ્વપ્નો આવે છે. ઘડીક સદ્‌ગત પત્નીનો તો ઘડીક પાલીનો ચહેરો તે સ્વપ્નમાં જુએ છે. જાણે નારીદેહની ઉષ્મા મળી રહી છે, અને હવે એ ઉષ્મા ખોવાઈ ન જાય એવી દુર્નિવાર લાલસામાં તે રાત વીતાવે છે. રાતનો બનાવ એ રીતે એક ભયંકર વિડંબના હતી એમ તેને સવારે સમજાય છે. સુંદરમે અહીં આ વાર્તામાં sardonic humour નિષ્પન્ન કર્યો છે. ‘મિલનની રાત’ જેવું રંગદર્શી શીર્ષક અસાધારણ વેધક કટાક્ષ રચે છે. સદ્‌ગત પત્ની જીવીનાં સ્વપ્નદૃશ્યોમાં કરુણતા ઘૂંટાય છે. આશા હોણનો અનુભવ સુંદરમે કંઈક નિષ્ઠુર બનીને વર્ણવ્યો હોય એમ લાગે છે. અસ્તિત્વની પ્રાકૃતતામાં રોપાયેલી દેહની જરૂરિયાતો, તેની દુઃસહ દુર્નિવાર સત્તા, અને તેની પ્રાણ રુંધતી બોજિલતા સુંદરમ્‌ અહીં દર્શાવવા ચાહે છે. આખીય વાર્તામાં ઘેરો ઊંડો કટાક્ષ વહી રહ્યો છે. રાત્રિના ઘોર અંધકારામાં આશા હોણની દૈહિક તૃષ્ણા જે ફૅન્ટસીનું રૂપ લે છે તે ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિરલ વસ્તુ છે. ‘ભદ્રા’ શીર્ષકની વાર્તામાં જે કેન્દ્રવર્તી પરિસ્થિતિ રજૂ થઈ છે તેમાં ભદ્રા નામનું નારી પાત્ર મહત્ત્વનું સ્થાન લે છે. આમ છતાં આ વાર્તામાં કેન્દ્રીય સંચલનાનું આલંબન તો મગનભાઈનું પાત્ર છે. એ મગનભાઈ ગાંધીજીના ચુસ્ત અનુયાયી રહ્યા છે. સાબરમતી જેલમાંથી છૂટી હમણાં જ કાળુપુર સ્ટેશને આવ્યા છે. શહેરના રોનકદાર પરિવેશ વચ્ચે મગનભાઈના માનસમાં જન્મતી પ્રતિક્રિયાઓ સાથે વાર્તાનો આરંભ થાય છે, અને નદી પારની ધનાઢ્ય વસાહતમાં પોતાના એક જૂના મિત્ર મોહનભાઈના બંગલામાં એક રાતના આઘાતક બનાવથી નિર્ભ્રાન્ત થઈને તેઓ કાળુપુર પાછા ફર્યા – એ બાવીસચોવીસ કલાકની ઘટનાઓ અહીં રજૂ થઈ છે. આગલી રાત્રે મોહનભાઈની અનુપસ્થિતિમાં ભદ્રા સાથે એક અણજાણ પુરુષની અનૈતિક માંગણીના તેઓ સાક્ષી બન્યા, તે સાથે જ મોહનભાઈએ સર્જેલી ધનવૈભવની દુનિયા તેમને ધુમાડા જેવી ખાલીખમ લાગી. પોતાની ઉપસ્થિતિને કારણે જ ભદ્રા તો એ રાત્રે અનૈતિક વ્યવહારમાંથી માંડ ઊગરી ગઈ, પણ તેમનું માનસ શૂન્યવત્‌ બની રહ્યું. મોહનભાઈની આર્થિક સહાયથી તેઓ પોતાના વતનમાં રચનાત્મક કાર્યક્રમ ઉપાડવા ચાહતા હતા. પણ હવે તેમનું અંતર એકદમ આઘાત પામીને દિશાશૂન્ય બની ગયું. તેમના અંતરમાં વિચારો ચાલતા રહ્યા : ‘અહીં સંસ્કાર હતા, કલા હતી, સુઘડતા હતી, ખાદી હતી, ભક્તિ હતી, બધી ભાવનાઓ હતી. મહાપુરુષની પ્રતિમા હતી, છતાં આ જીવનપ્રવાહ કોઈ ભયંકર બળવાળા પવનથી પ્રેરાઈ કોઈ ઊલટી દિશામાં ગતિ કર્યે ગયો હતો. શું ત્યારે પોતે જે વિચારસરણી સેવી રહ્યા હતા, જીવનની અંતિમ સિદ્ધિની જેમાં શક્યતા જોતા હતા, તેમાં એટલી બધી જગજ્જયિની શક્તિ ન હતી? કોણ જાણે?’ મગનભાઈ આજ સુધી ગાંધીજીની જીવન દૃષ્ટિ સ્વીકારી પોતાનું જીવન ઘડવા જે રીતે ઝંખી રહ્યા હતા તે જ તેમને ધુમાડાના બાચકાં જેવી લાગી. તેમના વ્યક્તિત્વના મૂળમાંથી જાણે તિરાડ પડી ગઈ. પણ તેમની આ જાતની અભિજ્ઞતા માટે મોહનભાઈ અને ભદ્રાના દાંપત્યનો સડો કંઈ એકલો કારણભૂત નહોતો. ભદ્રાના સાન્નિધ્યમાં મગનભાઈના પોતાના અજ્ઞાત મનમાં કશીક તૃષ્ણા છતી થઈ ગઈ હતી, અને પોતાના શીલસંયમમાં ક્યાંક મૂળથી કશુંક હચમચી ઊઠ્યું હતું. અમદાવાદના બજારલત્તામાંથી પસાર થતાં એક તસવીરકારની દુકાને શૉ વિન્ડોમાં મૂકેલી કામણગારી લલનાઓની તસવીર જોવા તેઓ ખાસી ક્ષણો રોકાયા હતા ત્યારે જ તેમના મનની નિષ્ફળતા છતી ગઈ હતી. એ શૉ વિન્ડોમાં એક તસવીર તો ભદ્રાની હતી! સંસ્કારિતાના વરખ નીચે જીવતા દંપતીના જીવનની જાણે કે વરવી રેખાઓ તેમની દૃષ્ટિ સામે સળવળી રહી. પોતે કોઈ સુખી સમાજની રચનાનું જે સ્વપ્ન લઈને જીવી રહ્યા હતા તેના આધાર સમું અંગત શીલ જાણે કે વિઘટિત થતું તેમણે અનુભવ્યું. મગનભાઈના અસ્તિત્વના હ્રસ્વીકરણની આ ઘટનામાં માનવનિયતિનું કરુણ વ્યંગભર્યું દર્શન થાય છે. ‘લાલ મોગરો’નું વસ્તુવિધાન કંઈક પાંખું અને શિથિલ રહી ગયું છે. સમુચિત ટેક્‌નિકના અભાવે પ્રસંગોનો કેટલોક બિનજરૂરી પ્રસ્તાર થયો છે. પણ એમાં રજૂ થતી મુખ્ય ઘટનાઓને ચોક્કસ મનોવૈજ્ઞાનિક રહસ્ય મળ્યું છે. એક રીતે આ વાર્તામાં એક સાવ સામાન્ય, પછાત જાતિના તરુણ શનિયાના અજ્ઞાત મનમાં વિધવા ગોરાણી જમના પ્રત્યેના જાતીય ભાવનું પ્રતીકાત્મક આલેખન થયું છે. વાર્તાના પૂર્વાર્ધમાં શનિયાના અતિ શ્વેત કૂતરાનો વૃત્તાંત છે, ઉત્તર ભાગમાં લાલ કૂતરાનો વૃત્તાંત છે. વાર્તાનું મૂળ શીર્ષક હતું ‘કૂતરાં’, પણ સુંદરમે પાછળથી એને ‘લાલ મોગરો’ શીર્ષક આપ્યું છે. દેખીતી રીતે જ ઉત્તર ભાગના લાલ કૂતરાનો એમાં નિર્દેશ છે. પૂર્વાર્ધમાં શનિયાના શ્વેત કૂતરાએ જમના ગોરાણીના પૂજા સ્થાનને અભડાવ્યું ત્યારે ગોરાણીએ ચંદન ઘસવાનો ઓરસિયો છુટ્ટો મારતાં તે મૃત્યુ પામ્યો હતો. ઉત્તર ભાગમાં, જમના ગોરાણી સાહેબને બંગલે રસોયણ બનીને રહી અને શનિયો પોતાના લાલ મોગરા સાથે સાહેબને બંગલે ચાકરી કરવા રહ્યો એ વૃત્તાંત રજૂ થયો છે. સાહેબના શયનખંડમાં જમના ગોરાણી સમય ગાળી રહ્યાં હતાં ત્યારે શનિયાનો લાલ મોગરો લાગ જોઈ શયનખંડમાં ઘૂસી ગયો ત્યારે સાહેબે ક્રોધે ભરાઈને લાલ મોગરાને બંદૂકની ગોળીથી તરત ઠાર માર્યો! મૃત કૂતરાના દફનમાં રોકાયેલા શનિયાના ચિત્તમાં એક વેધક વિચાર ચમકી ગયો : ‘તે દહાડે તો મોગરાને જાણે માત્ર ગોરાણીએ થોડુંક કંકુ જ ચોપડી આપ્યું હતું. પણ આજે તો તેણે આ લાલિયાને આખો ને આખો કંકુમાં રંગાવી આપ્યો હતો!’ વાર્તાનો પૂર્વખંડ અને ઉત્તરખંડ અહીં એકાએક શનિયાની પ્રતિક્રિયામાં ગૂઢ સ્તરેથી સંકળાઈ આવે છે, અને આ વાર્તાને સંવિધાયક બળ મળી જાય છે. જમના ગોરાણીના વ્યભિચારના ખ્યાલે શનિયો અંતે સમસમી ઊઠે છે. ‘સફેદ મોગરો’નો સંકેત જમના ગોરાણી પ્રત્યે શનિયાની નિર્મળ લાગણી સુધી વિસ્તરે છે, તો ‘લાલ મોગરો’ એ ગોરાણી પ્રત્યે તેના અજ્ઞાત ચિત્તમાં જન્મી પડેલી જાતીય કામનાનો સંકેત કરે છે. જમના ગોરાણી જ્યારે એકાકી પવિત્ર જીવન ગાળી રહ્યા હતા ત્યારે શનિયાના અજ્ઞાત ચિત્તમાં ગોરાણી પ્રત્યે જે નિર્મળી વૃત્તિ હતી, તે તેના વ્યભિચારી જીવનના ખ્યાલ માત્રથી વિચ્છિન્ન બની ગઈ. ‘પાપિણી’ વાર્તાનું વસ્તુવિધાન કંઈક ઘટનાબહુલ અને સંકુલ છે. સમાજના એક અંધારિયા ખૂણામાં સુંદરમ્‌ અહીં આપણને ડોકિયું કરાવે છે. ગામડેથી ચાલી આવીને શહેરના એક લંપટ દુરાચારીને પરણેલી શાંતાના અનૈતિક જીવનની આ માર્મિક કથા છે. પતિ મનોહરની યોજના પ્રમાણે થોડાંક વર્ષોનાં દાંપત્ય પછી પોતાના મકાનમાં તે અનીતિનું ધામ ચલાવે છે. એની જેમ, અબુધ કન્યા ફૂલવંતીના અહીં આગમન પછી તેના જીવનમાં નવાં આંતરબળો જન્મે છે. ફૂલવંતીમાં તે એક શોક્યની છાયા જુએ છે, તે સાથે જ પુત્રીની મમતા તેને માટે અનુભવે છે. અનીતિના વ્યવસાયમાં સપડાઈ હોવા છતાં તેના અંતરના એક છૂપા ખૂણામાં દેવદેવી પ્રત્યેનો શ્રદ્ધાદીપ પણ તે જલતો રાખે છે. ફૂલવંતી જ છેવટે તેની તારણહાર બને છે, અને મનહરના હૃદયપરિવર્તનમાં પણ નિમિત્ત બને છે. મનહરનું પરિવર્તન વાર્તાનો કરુણમંગલ અંશ છે. નારીના અંતરના ગૂઢ સત્ત્વની ઓળખ ‘અંબા ભવાની’માં યે રજૂ થઈ છે. અલૌકિકતાની આભામાં એક રોમેન્ટિક પ્રણયકથા અહીં આકાર લે છે. ‘પ્રસાદજીની બેચેની’માં પણ ઠાકુર શિવપ્રસાદના અંતરને બેચેન કરી દેતી મુસ્લિમ પણ્યાંગનાની કથા કેન્દ્રમાં છે. અનૈતિક જીવનમાં સપડાયા છતાં અંતરના એકાંતમાં તે અલ્લાહનું સ્મરણ કરતી રહે છે. અને શિવપ્રસાદ જેવા વિલાસી અને હૃદયજડ માનવીને એ ઘટના ઊંડે ઊંડે બેચેન કરી દે છે. ‘ઉન્નયન’ સંગ્રહના અંતમાં મુકાયેલી વાર્તા ‘ઉલ્કા’ સુંદરમ્‌ની સાચે જ એક લાંબી વાર્તા છે. એનું શીર્ષક સંકેત આપે છે તેમ, નાયિકા ઉલ્કાના આંતરજીવનની કથા અહીં કેન્દ્રમાં છે. ભદ્ર અને સંસ્કારી કુટુંબની ઉલ્કામાં નારીસહજ પોતાના રૂપનો સૂક્ષ્મ અહમ્‌ છે અને પુરુષવર્ગની રૂપઝંખતી નજરના સ્પર્શે એ અહમ્‌ પોષાતો રહ્યો છે. એવી કોઈ અહમ્‌-ગ્રંથિ જ લાલન જેવા તરુણના અંતર સુધી વિસ્તરવામાં અવરોધ રચે છે. છતાં લાલનની ઉપસ્થિતિમાં તે પોતાના ચિત્તમાં જન્મતી વિવિધ લાગણીઓને સમજવા તીવ્રપણે મથી રહે છે. બીમારીના દિવસોમાં હવાફેર માટે તે કોઈ ગિરિનગરમાં જાય છે. અહીં તે પોતાના છેક દૈહિક સ્તરના સંવેદનો અંતર્મુખી વૃત્તિથી અનુભવી રહે છે. કવિ લાલનના અવસાનના સમાચાર વાંચી તેનું અંતર ભારે આઘાત અનુભવે છે. અહીં તેની એકાકી ગમગીન જિંદગીમાં કળાકાર કમલનયનનો પ્રવેશ થાય છે. વાર્તાના આરંભે સબર્બન ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં પોતાની અતિસ્થિર સ્વસ્થ અને અચલ વૃત્તિથી ઉલ્કાને પરાજિત કરનાર જે પુરુષનો ઉલ્લેખ હતો તે જ આ કમલનયન! કમલનયનના સાન્નિધ્યમાં ઉલ્કા હવે નવો આધ્યાત્મિક પ્રકાશ ઝંખે છે. કમલનયને દોરેલા ચિત્રમાં ઉલ્કા પોતાનામાં રહેલા અશરીરી તત્ત્વની ઝાંખી કરે છે. તેના અહમ્‌નું આવરણ લુપ્ત થવા લાગે છે. ઉલ્કા પોતાના જીવના અર્થ પામવા વિચારમંથન છે : ‘જીવનનો પાયો અને તેની ટોચ આટલાં બધાં અસ્થિર છે, અદૃશ્ય છે, છતાં માણસ કેવી સ્થિરતાથી નિશ્ચિતતાથી બધા સંબંધોમાં વિચરે છે. જાણે બધું પાકે પાયે જ પોતે કરી રહ્યો છે! આ તે તેની અજ્ઞાનજનિત મૂઢતા છે કે કોઈ ગૂઢ શ્રદ્ધા છે?’ ઉલ્કાના આ આધ્યાત્મિક મંથન પાછળ એના વાર્તાસર્જક સુંદરમ્‌ની આધ્યાત્મિક ખોજનો પ્રશ્ન અહીં રણકી ઊઠતો સંભળાશે. અંત ભાગમાં કમલનયનની ઉપસ્થિતિમાં ઉલ્કા પરમ શાતા અનુભવે છે. તેનું આંતરસત્ત્વ જગતનાં પ્રાકૃત અને લૌકિક સ્તરોને અતિક્રમીને વૈશ્વિકતાની કોટિએ પહોંચે છે. કોઈ ગહન અદ્‌ભુતના રહસ્યમય લોકમાં તે પ્રવેશે છે. એક નારીના આંતરસત્ત્વના ઊર્ધ્વીકરણની આ કથામાં સુંદરમ્‌ની જીવનખોજનું એક ઉચ્ચતર સોપાન પ્રત્યક્ષ થાય છે. ‘ખોલકી’, ‘લાલ મોગરો’, ‘પાપિણી’ના સર્જક અહીં માનવજીવનનું એક ઊર્ધ્વરૂપ પ્રગટ કરે છે. ‘ઉલ્કા’ વાર્તાનું વિરલ ભાવજગત તેમની નારીજીવનના આંતરપ્રવાહોને લક્ષતી વાર્તાઓને એક ચોક્કસ તરેહમાં સાંકળી આપે છે, અને એ રીતે એ વાર્તા આ પ્રકારની વાર્તાઓને નવા પ્રકાશમાં મૂકી દે છે.