પ્રતીતિ/થિમની વિભાવના અને ગુજરાતી નવલકથામાં થિમની તપાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



થિમ-Theme-ની વિભાવના અને ગુજરાતી
નવલકથામાં થિમની તપાસ
[‘નંદશંકરથી ઉમાશંકર’ની ગ્રંથસમીક્ષા]

આપણા તરુણ પેઢીના તેજસ્વી સર્જક અને સંનિષ્ઠ અભ્યાસી ડૉ. ધીરેન્દ્ર મહેતાએ ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ અર્થે પ્રસ્તુત કરેલું સંશોધન ‘નંદશંકરથી ઉમાશંકર’ (ગુજરાતી નવલકથાનો સ્વાધ્યાય) એવા શીર્ષક નીચે હવે પ્રકાશિત થયું છે. તેમણે એ સંશોધનગ્રંથની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કર્યું છે તે પ્રમાણે તેમના અધ્યયનવિષયનું મૂળ શીર્ષક હતું : ‘ઈ. સ. ૧૯૪૦ સુધીના ગુજરાતી નવલકથા સાહિત્યમાં નિરૂપાયેલા ઉપેયો (વિષયો, themes) અને સમકાલીન પરિબળો સાથે તેમનો સંબંધ’, પણ એ અધ્યયન-સંશોધનનું શીર્ષક તેમણે અહીં સંક્ષેપમાં મૂક્યું છે. તેમણે સ્વીકારેલા સમયગાળામાં, આપણને સુવિદિત છે તેમ, નંદશંકર, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી જેવા કેટલાક અગ્રણી નવલકથાકારો ઉપરાંત બીજા અનેક ગૌણ લેખકોએ આ ક્ષેત્રમાં આગવું આગવું અર્પણ કરેલું છે. આ ગ્રંથને અંતે પરિશિષ્ટમાં આ ગાળામાં પ્રકાશિત થયેલી નવલકથાઓની તેમણે જે સૂચિ આપી છે તે કેટલીક દુર્લભ માહિતીને કારણે ઘણી મૂલ્યવાન બની રહે છે. અલબત્ત, એ સર્વ નવલકથાઓનાં ‘ઉપેયો’-themes-નું અધ્યયન કરવાને, દેખીતી રીતે જ, અહીં અવકાશ નહોતો. એટલે સૂઝપૂર્વક આ અધ્યયનવિષયને તેમણે મહત્ત્વની કૃતિઓ પૂરતો સીમિત કર્યો છે. એ અંગે પ્રસ્તાવનામાં તેમણે એમ સ્પષ્ટ કર્યું છે : ‘ઐતિહાસિક સંદર્ભમાં ઉપેયાત્મક દૃષ્ટિએ કે સમકાલીન પરિબળો સાથેના સંબંધની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતી કૃતિઓની ચર્ચા અત્રે પ્રસ્તુત છે.’ અધ્યયનવિષયને આ રીતે મર્યાદિત કર્યા છતાંયે અલ્પ પરિચિત એવી અનેક નવલકથાઓનાં ઉપેયોની તપાસમાં તેઓ પ્રવૃત્ત થયા છે. એનું એક મોટું ઇષ્ટ પરિણામ એ આવ્યું છે કે આપણી નવલકથાના ઇતિહાસની, એના વિકાસવિસ્તાર અત્યાર સુધી ઢંકાઈ રહેલી અનેક કડીઓ અહીં પહેલી વાર પ્રકાશમાં આવી છે. હકીકતમાં, આ સ્વરૂપની અને અસંખ્ય દુર્લભ અને અણજાણ કૃતિઓની તેમણે જે રીતે માહિતી એકત્ર કરી છે, તેમાં એક સંશોધક તરીકે તેમની ઊંડી નિષ્ઠા અને ભારે જહેમત દેખાઈ આવે છે. અધ્યયન સંશોધનના વિષયમાં આ રીતે હકીકતો અને માહિતીઓના એકત્રીકરણમાં જ આ ગ્રંથને મોટું મૂલ્ય મળી જાય છે એમ સ્વીકારવું જોઈએ. ડૉ. ધીરન્દ્ર મહેતાએ આપણી નવલકથાઓમાંના થિમની તપાસ કરવાનો જે ઉપક્રમ સ્વીકાર્યો તે પણ એટલો જ આવકારપાત્ર છે. આપણા સાહિત્યવિવેચનમાં, ખરેખર તો, થિમ-theme-ની વિભાવના ખાસ સ્વીકારાયેલી નથી, તેમ એટલી પ્રયોજાયેલી પણ નથી. આમ પણ નવલકથાના કળાસ્વરૂપ અંગેની આપણી સિદ્ધાંતચર્ચા હજી ઘણી અવિકસિત રહી છે. સુરેશ જોષી આદિ થોડાક અભ્યાસીઓએ એને સંગીન તાત્ત્વિક ભૂમિકા આપવાનો બળવાન પુરુષાર્થ કર્યો છે, તો પણ થિમની વિભાવના આપણે ત્યાં લગભગ અપ્રતિષ્ઠિત રહી છે. એવી પરિસ્થિતિમાં ડૉ. ધીરેન્દ્ર મહેતાનો સ્વાધ્યાય, ખરેખર, ધ્યાનાર્હ બની રહે છે. જો કે, આ રીતે, સંશોધનઅધ્યયનમાં વિવેચનની કોઈ કેન્દ્રીય વિભાવના નિયામક અને માર્ગદર્શક બનતી હોય, અથવા કહો કે, એવી કોઈ કેન્દ્રીય વિભાવના તપાસનું મુખ્ય ઓજાર બનતી હોય, ત્યારે સંશોધક માટે એ વિભાવના વિશેની સમજ એકદમ નિર્ણાયક બની રહે છે. વિભાવના વિશેની થોડીક પણ અધૂરી સમજ આખી ય તપાસમાં ઊણપ આણે એમ બનવાનું. અને આ સમીક્ષાલેખમાં આપણે આગળ ઉપર જોઈશું કે થિમ (theme)ની વિભાવના વિશેની કંઈક અધૂરી સમજને કારણે આ તપાસમાં ક્ષતિ રહી ગઈ છે. ડૉ. ધીરેન્દ્ર મહેતાએ પાશ્ચાત્ય વિવેચનમાં વ્યાપકપણે પ્રતિષ્ઠિત થયેલી અને પ્રયોજાતી રહેલી theme સંજ્ઞાના પર્યાય લેખે કેટલીક વાર ‘ઉપેય’, તો કેટલીકવાર ‘વિષય’, સંજ્ઞા યોજેલી છે. પણ, અહીં નોંધવું જોઈએ કે, અંગ્રેજી themeના પૂરા સંકેતો એમાં ઊપસતા નથી. વળી, આપણા વિવેચનમાં ‘વર્ણ્યવસ્તુ’ ‘વર્ણ્યવિષય’ કે ‘વર્ણ્યસામગ્રી’ જેવી સંજ્ઞાઓ ઘણી સંદિગ્ધપણે અને શિથિલ રીતે યોજાતી રહી છે. એમાં જાણ્યેઅજાણ્યે ક્યારેક થિમનો સંકેત પ્રગટ થઈ જાય છે, તો વારંવાર કાચી વિષયસામગ્રીનો જ એનાથી નિર્દેશ થતો રહ્યો છે! એટલે, ડૉ. ધીરેન્દ્ર મહેતાએ Theme માટે યોજેલી ‘વિષય’ સંજ્ઞા એના સાચા અર્થબોધમાં મુશ્કેલી ઊભી કરે છે. એટલે, આ ગ્રંથસમીક્ષામાં અંગ્રેજીની સંજ્ઞા ‘થિમ’નો પ્રયોગ કરવાનું ઉચિત ધાર્યું છે. પાશ્ચાત્ય વિવેચનસાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, ત્યાંના સાહિત્યવિવેચનમાં એ સંજ્ઞા અંગે ઘણી વિદગ્ધ કોટિની તત્ત્વચર્ચા થયેલી છે. કવિતા જેવા સ્વરૂપને અનુલક્ષીને ય તેની ભૂમિકા સ્પષ્ટ થઈ છે, પણ નવલકથા લઘુનવલ અને ટૂંકી વાર્તા જેવાં કથામૂલક સ્વરૂપની કૃતિઓ સંદર્ભે તેની ઘણી સૂક્ષ્માતિસૂક્ષ્મ ચર્ચાવિચારણાઓ ઘડી રહેલી છે, અને પ્રત્યક્ષ વિવેચનમાં તેની સાર્થકતા અને સાભિપ્રાયતા પણ દર્શાવવામાં આવી રહી છે. થિમની વિભાવનાને કેન્દ્રમાં રાખીને થતાં કૃતિલક્ષી વિવેચનો અધ્યયનોની એક સમૃદ્ધ પરંપરા ત્યાં હવે ઊભી થઈ ચૂકી છે. એવાં થોડાંક જ દૃષ્ટાંતોનો નિર્દેશ કરું તો – જેમ્સ એન. હાર્ડિન (જુનિયર) નામના અભ્યાસીએ હર્મન બ્રોકની નવલકથાઓમાં salvationની થિમ કેવા તો ભિન્ન આવિભાર્વો સાધે છે તે તેમણે દરેક નવલકથાની આગવી સંરચના તપાસીને દર્શાવ્યું છે, રાલ્ફ બ્રૅન્સ નામના અભ્યાસીએ વળી વિલિયમ ફોકનેરની જાણીતી નવલકથા ‘Absalom! Absalom!’માં અનુસ્યૂત રહેલા (કે ઊપસી આવતા) બે-ત્રણ થિમોની વચ્ચે collapse of dynestyનો થિમ જ મધ્યવર્તી છે, અને સમગ્ર કૃતિની સંરચનાનો તે નિયામક છે, એમ ઘણી અસરકરક રીતે બતાવ્યું છે. દ’મિત્રી કીઝેવ્સ્કી નામના અભ્યાસીએ વળી દોસ્તોએવ્સ્કીની નવલકથાઓમાં ‘the Double’ના થિમની એટલી જ ઝીણવટભરી અને એટલી જ નક્કર પ્રતીતિકર તપાસ કરી છે. દોસ્તોએવ્સ્કીની નવલકથાઓની સંરચનાગત ભાતમાં તેઓ એ માટે ઘણા ઊંડા ઊતર્યા છે. એ જ રીતે જ્યોર્જ સેબૂઈન દ્વારા કેટલીક પાશ્ચાત્ય નવલકથાઓમાં ‘the Father Son’ થિમની તપાસ પણ એેટલી જ પ્રભાવક છે. તો, યોસેફ કોન્રેડની નવલકથાઓમાં એચ. એમ. દેલિવ્સકી દ્વારા the dispossession of the self’ના થિમની તપાસ, અને કાફકાની નવલકથાઓ અને વાર્તાઓમાં father-son’ થિમની તપાસ – એવાં એવાં થિમલક્ષી અનેક અધ્યયનોની અતિ પ્રભાવક પરંપરા હવે પશ્ચિમમાં ઊભી થઈ છે. પણ, એમ નોંધવું જોઈએ કે, એવાં અધ્યયનોમાં વિવેચનના કેન્દ્રવર્તી ઓજાર તરીકે યોજાતી થિમની વિભાવના ઘણી સૂક્ષ્મસંકુલ અને પ્રમાણમાં દુર્ગ્રાહ્ય બની ચૂકી છે. અલબત્ત, વિવેચનની અનેક સંજ્ઞાઓેની જેમ, અંગ્રેજીની ‘થિમ’ સંજ્ઞા પણ કેટલીક વાર શિથિલપણે અને ઉપરછલ્લી રીતે પ્રયોજાતી જોવા મળશે. રોજિંદી વાતચીતમાં, પત્રકારોનાં લખાણોમાં, અને સાહિત્યિક પત્રકારિત્વમાં પણ, થિમ સંજ્ઞા માત્ર ‘subject’ ‘idea’ ‘problem’-ના અર્થમાં યોજાતી રહેલી છે. અમુક નવલકથામાં યુદ્ધનો થિમ છે, કે ગુલામીનો થિમ છે, એમ કહીએ ત્યારે પ્રસ્તુત કૃતિના માત્ર બાહ્ય વિષયનો જ નિર્દેશ થાય છે. જ્યારે કૃતિની ગહન સંરચના, રચનાપ્રક્રિયા, અને સમગ્રના તંત્રમાંથી ઊપસતો, અને સમગ્રમાં અન્વિત રહેતો, થિમ એ જરા જુદી વસ્તુ છે. પાશ્ચાત્ય વિવેચનમાં વ્યાપકપણે પ્રતિષ્ઠિત થયેલો થિમ એ સાહિત્યકૃતિની સંરચનામાં સજીવપણે અન્વિત રહેલો હોય છે. કૃતિના સમગ્ર તંત્રમાં વિશિષ્ટ રહસ્યબોધ રૂપ સાકાર થતો એ થિમ કોઈ અમૂર્ત વિચાર નથી, કે સમસ્યાનું નામકરણ નથી, કે કૃતિના વિષયનો ઉલ્લેખ કરતી સંજ્ઞા માત્ર નથી. પાશ્ચાત્ય વિવેચનમાં થિમની વિભાવના એક અતિ સૂક્ષ્મ સંકુલ અને ગતિશીલ વિભાવના રૂપે વિકસી છે. એના હાર્દને લક્ષતા કેટલાક કેન્દ્રવર્તી ખ્યાલો નીચે પ્રમાણે નોંધી શકાય : (અ) નવલકથા એ કથામૂલક સ્વરૂપ છે. અને ભિન્નભિન્ન પ્રતિભાવાળા નવલકથાકારોએ આ કથાસ્વરૂપને ભિન્નભિન્ન વૃત્તિ અને ભિન્નભિન્ન દૃષ્ટિએ સ્વીકાર્યું હોય છે. પણ બધી નવલકથાઓમાં ‘થિમ’ જડતો નથી. નવલકથાના કળાત્મક રૂપ વિશે પ્રખર સૂઝસમજ ધરાવતા સર્જકોની અમુક ચોક્કસ સંરચનાવાળી, ચોક્કસ ભાતવાળી, ચોક્કસ પ્રકારની, નવલકથાઓમાં જ એ પ્રત્યક્ષ બને છે. (બ) નવલકથાની કળાત્મક સંરચનામાં અન્વિત થતા થિમને તમે શિથિલપણે subject કે subject-matter તરીકે ઓળખાવો એમ બને; પણ દરેક subject કે subject-matter એ થિમ બનતો નથી. આપણે નવલકથાના subject (‘વિષય’)ની વાત કરીએ, ત્યારે તે subjectનો ઉલ્લેખ સંભવતઃ કૃતિને ઉપરઉપરથી ઓળખાવે એમ બને. subject, એ રીતે, કૃતિને બહારથી લાગેલું લેબલ માત્ર છે, કહો કે કૃતિની સાથે કામ પાડવાનું એ બાહ્ય હેન્ડલ માત્ર છે. જ્યારે થિમ અનિવાર્યપણે કૃતિની સંરચનામાં અન્વિત રહેલું તત્ત્વ છે. સમગ્ર રૂપનિર્મિતિમાંથી તે એક મૂર્ત વિધાન રૂપે ઊપસે છે? પણ તે કોઈ એક અમૂર્ત વિચારતત્ત્વ નથી, અમૂર્તીકૃત વિચારતત્ત્વ નથી. તેને, ખરેખર, કોઈ એક સુરેખ નિશ્ચિત તાર્કિક વિચારમાં ઘટાવી શકાય નહિ. સમગ્ર કૃતિના રહસ્યસભર અનુભવવિશ્વનો એ એક મૂર્ત કલ્પન સમો ‘આઈડિયા’ છે. કૃતિના આંતરિક મૂલ્યનું તે મહત્ત્વનું અધિષ્ઠાન છે. (ક) કૃતિની રચના પૂર્વે લેખકે એમાં સ્પર્શવા ધારેલી સામાજિક નૈતિક સમસ્યા પોતે પણ સાચા અર્થમાં થિમ નથી. લેખકના મનમાં કૃતિ નિમિત્તે જે કંઈ વિચારસામગ્રી કે ભાવનાના રંગો જન્મે તે ય થિમ નથી. એ તો સમગ્ર કૃતિમાં પ્રસ્તુત કરવા ધારેલા માનવપ્રસંગો કે પરિસ્થિતિઓ વિશેના દર્શનમાં નિહિત રહેલી ગહન સંવેદનમૂલક સત્યની પ્રત્યક્ષ વિધાનરેખા છે. એવાં સંવેદનમૂલક સત્યો લેખકની prime sensibilityમાંથી પ્રક્ષિપ્ત થાય છે. એક રીતે, પોતાની વર્ણ્યસામગ્રીમાં સાકાર થતું અનુભૂત સત્ય સ્વયં થિમ બને છે. નવલકથાની સમગ્ર રચનાપ્રક્રિયા દ્વારા, અને રચનાપ્રક્રિયાને અંતે, એ પર્યાપ્તપણે સાકાર થાય છે. (ડ) થિમ એક રીતે સમગ્ર સંરચનામાં અતિ સૂક્ષ્મ અને પ્રચ્છન્ન સ્તરે સક્રિય બનતું વિધાયક તત્ત્વ છે. એને કૃતિની સંરચનામાં ઘણેઅંશે controlling idea કે dominant idea રૂપે પ્રત્યક્ષ કરી શકાય. કૃતિના અંશેઅંશમાં તે પ્રવર્તતો લાગે. પાત્રો ઘટનાઓ પરિસ્થિતિઓ ભાવસંવેદનાઓ કાર્યો સર્વ તત્ત્વો તેને સૂક્ષ્મ રીતે અનુવર્તતાં લાગે. (ઇ) થિમ એ કોઈ વિચારવસ્તુનું તાર્કિક પ્રતિપાદન નથી, થિસિસ નથી. થિસિસમાં બધો ભાર તાર્કિક અંકોડાઓ પર પડે છે. પણ થિમ એવું તર્કગ્રાહ્ય પ્રતિપાદન નથી. એનો સાચો અંતઃસ્રોત સર્જકની સંપ્રજ્ઞતા, બલકે તત્ત્વપૂત સંવેદનશીલતા છે. બહારના જગતની ઘટનાઓ અને પરિસ્થિતિઓનું એ કોઈ વસ્તુલક્ષી નિરીક્ષણ નથી; આત્મલક્ષી સંવેદનાની ભૂમિમાંથી તે ઊપસે છે. (ફ) થિમનો ઉદ્‌ભવ એના સર્જકની સંપ્રજ્ઞ કળાદૃષ્ટિમાંથી સંભવે છે. જીવન અને જગત વિશેના ગાઢ અનુભવો અને સંવેદનાઓમાંથી સહજ ઊપસતી રહસ્યસભર વિચાર-પ્રતિમા રૂપે તેનું ગ્રહણ થાય છે, અને એમાં સર્જકની સંવેદનશીલતાનું અનિવાર્યપણે mediation હોવાનું. નવલકથામાં થિમની ઉપસ્થિતિ ત્યાં જ વરતાય, જ્યાં સમગ્ર કૃતિમાં સંપ્રજ્ઞ કળાદૃષ્ટિએ મૂળ થિમની ઝાંખીને અનુરૂપ તેની સંરચના સિદ્ધ કરવામાં આવી હોય. એ રીતે thematic structure અને thematic significance વચ્ચે અનિવાર્યપણે સજીવ સંબંધ રહ્યો હોય છે.

હવે આપણે ડૉ. ધીરેન્દ્રની વિવેચનવિચારણામાં થિમના સ્વરૂપ અને સ્થાન વિશેના મુદ્દાઓ ટૂંકમાં અવલોકીશું. ડૉ. ધીરેન્દ્ર મહેતાએ પહેલા પ્રકરણમાં નવલકથાના સ્વરૂપ વિશે સર્વસામાન્ય રૂપની થોડી અછડતી ચર્ચા કરી પોતાના સંશોધન-અધ્યયનની મુખ્ય વિભાવના ‘થિમ’ની વ્યાખ્યા વિચારણા હાથ ધરી છે. તેમના મતે લેખકનો થિમ એ ‘લેખનમાત્ર આરંભબિંદુ’ છે, ‘વિષયને લગતો વિચારવિમર્શ’ છે. ‘લેખકનું વિષયને લગતું દૃષ્ટિબિંદુ’ ય છે. જો કે તેમની આ વિચારણા થિમના સ્વરૂપનું હાર્દ બરોબર પ્રગટ કરતી નથી, કેમ કે, જીવન અને જગતના પ્રશ્નો બૌદ્ધિક દૃષ્ટિએ ચિંતન કરનાર માનવીએ પણ જીવન અને જગતને જોવાનું પોતીકું દૃષ્ટિબિંદુ કેળવ્યું હોય છે. એટલે થિમની વિભાવનામાં એક નિર્ણાયક મુદ્દો તે સર્જકની સંપ્રજ્ઞતામાં – તેની prime sensibility–માં એવું કોઈ દૃષ્ટિબિંદુ શી રીતે જન્મે છે, અને કૃતિની સંરચનામાં તે શી રીતે અન્વિત થાય છે, તે છે. ખરેખર તો, ‘દૃષ્ટિબિંદુ’નો ખ્યાલ થિમની સંકુલ ભાવના રજૂ કરવા માટે અપર્યાપ્ત જ નીવડે છે. પાશ્ચાત્ય લેખક આર્નલ્ડ બેનેટના મતને ટાંકી તેઓ એમ સ્પષ્ટતા કરે છે કે દરેક નવલકથાને તેનો એક ‘મુખ્ય વિષય’-main theme હોય છે, અને દસેક શબ્દોમાં તેનું વિધાન થઈ શકે છે. ડૉ. ધીરેન્દ્ર મહેતાએ સ્વીકારેલો આ ખ્યાલ પણ ચર્ચાસ્પદ જણાય છે. નવલકથા વર્ગની હરકોઈ નવલકથામાં થિમ પ્રત્યક્ષ થતો નથી. ભેદભરમના અંશોવાળી જાસૂસી કથાઓ, ફૅન્ટસીના અંશોવાળી વૈજ્ઞાનિક કથાઓ, રંગરાગી રંજનલક્ષી કથાઓ, અને અટપટા પ્લોટના આશ્રયે વિસ્તરતી નવલકથાઓમાં, સાચા અર્થમાં, થિમને ભાગ્યે જ અવકાશ મળે છે. થિમનો મુદ્દો તો સંવેદનશીલ સર્જકની આંતરચેતનામાં ઊગતી અને સભાન કળાત્મક સંરચના ધરાવતી અમુક પ્રકારની નવલકથાઓ પરત્વે જ પ્રસ્તુત બને છે. થિમ, ખરેખર, એક concrete imageના રૂપમાં કૃતિના કેન્દ્રીય ભાવવિશ્વને પ્રત્યક્ષ કરી આપે છે. જોય્યસ કેરી જેવા અગ્રણી નવલકથાકાર આ વિષયની વ્યાખ્યા કરતાં કહે છે કે લેખકનો થિમ એ તેની ગહનતમ સંવેદનાના સ્તરેથી પ્રતીત થયેલી, પ્રબળતમ એવી નિજી અનુભૂતિના maturation રૂપે પ્રાપ્ત થતી, વિચાર-પ્રતિમા છે. એવો થિમ તેની કૃતિની સમગ્ર સંરચનામાં પ્રેરક અને વિધાયક તત્ત્વ બની રહે છે : થિમ જ કૃતિનું હાર્દરૂપ રહસ્ય, અને એ જ તેનું કળાત્મક મૂલ્ય બને છે. થિમની ઉપસ્થિતિ કળાકારના artistic motivationની અનિવાર્યતા માગે છે. અને કૃતિની સંરચનાથી સ્વતંત્રપણે, નિરપેક્ષપણે, થિમની અલગ સત્તા સંભવતી નથી. એની તાર્કિક ઉપપત્તિ એ છે કે કોઈ પણ નવલકથામાં સાચા થિમની તપાસ કરવા માટે નવલકથાની સૂક્ષ્મતમ સંરચનાગત ભાતને ઉકેલવાની રહે, એટલું જ નહિ, એ સંરચનાગત ભાતમાં જ થિમનું મૂર્ત રૂપ ગ્રહણ થઈ છે. પાશ્ચાત્ય વિવેચકો અને અભ્યાસીઓએ આથી, જ્યારે કોઈ કૃતિના થિમની તપાસ હાથ ધરી છે, ત્યારે સમગ્ર કૃતિમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે મુખ્ય કે ગૌણ જે જે ભાતો ઊપસતી લાગે તેનાં ખૂબ ઝીણવટમાં અવલોકનો કરવાનું અનિવાર્ય માન્યું છે. કેટલીક વાર બે કે ત્રણ થિમની ભાતો પરસ્પરમાં ગૂંથાતી દેખાય ત્યાં સૌથી પ્રવર્તક અને વિધાયક એવા મુખ્ય થિમનો પણ તપાસ કરવાની રહે. આપણે એમ પણ કહી શકીએ કે અતિ સંકુલ આધુનિક નવલકથાઓમાં મુખ્ય થિમની ઓળખ સ્વયં એક પડકાર બની રહે. સર્જકે કૃતિની રચના પૂર્વે એ વિશે જે કંઈ કેફિયત રૂપે કહ્યું હોય, કે જે કોઈ સમસ્યાનો નિર્દેશ કર્યો હોય, તેને જ થિમ માની લઈને ચાલવામાં જોખમ ઓછું નથી. કોઈ પૂર્વજ્ઞાત ખ્યાલ લઈને ચાલવા જતાં સાચા થિમની ઓળખ કરવાનું, અને તેની આંતરિક સંરચનાની ભાત ગ્રહણ કરવાનું જ મુશ્કેલ બની રહે, તો આશ્ચર્ય નહિ. ડૉ. ધીરેન્દ્ર મહેતાએ થિમતત્ત્વને નવલકથામાં સ્વીકારાતી ‘સામગ્રી’ (material) ‘વસ્તુ’ (content), અને લેખકના ‘કથયિતવ્ય’થી અલગ રેખાંકિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે તે, અલબત્ત, સાચી દિશાનો છે, અને તેથી તે ધ્યાનાર્હ છે. ‘થિમ’ અને ‘સામગ્રી’ વચ્ચે ભેદ પાડતાં તેઓ એમ કહે છે : “સામગ્રી એ કૃતિ બહારનું તત્ત્વ છે. સર્જન પૂર્વે તે કાચા સ્વરૂપમાં, અને અનેકવિધ અંશોના મિશ્રણરૂપ, હોય છે. લેખકનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ (point of view) તેમાંથી નિપજાવે છે.” (પૃ. ૩) અને, તેઓ ઉમેરે છે : “...દૃષ્ટિબિંદુ ન પકડાય તો સામગ્રીને વિષય માની લેવાની ગંભીર ભૂલ ઘણી વાર થઈ બેસે છે.” તેમની આ વિચારણા, દેખીતી રીતે, થિમના પાશ્ચાત્ય ખ્યાલની ઘણી નજીક આવી જતી લાગશે. અહીં, જો કે, ‘દૃષ્ટિબિંદુ’નો ખ્યાલ તે આજની કથામીમાંસામાં કથાના નેરેટર સાથે સંકળાયેલું ‘point of view’ નથી : લેખકને અભિમત જીવનદૃષ્ટિ કે તેના પરિપ્રેક્ષ્યનો ખ્યાલ એમાં સૂચિત હોવાનું સમજાય છે. એ પછી, કૃતિના ‘થિમ’ અને લેખકના ‘કથયિતવ્ય’ વચ્ચે તેઓ આ રીતે ભેદ કરે છે : “વિષયને સિદ્ધ કરતી લેખકની દૃષ્ટિ એ વિષય પરત્વે જે કથન તારવી આપે તે કૃતિનું કથયિતવ્ય”. ‘વિષય એ લેખકનું દર્શન છે કથયિતવ્ય એ જે જોયું છે તેને વિશે વ્યક્ત થયેલું મંતવ્ય છે. છતાં વિષય અને કથયિતવ્ય હંમેશાં ભિન્ન જ હોય એવું પણ નથી. દર્શનમાં મંતવ્ય ભળેલું હોય એવું પણ બને...” (પૃ. ૪) અહીં આ ચર્ચામાં ‘વિષય’ ‘કથયિતવ્ય’ ‘દર્શન’ અને ‘મંતવ્ય’ જેવી સંજ્ઞાઓના અર્થસંકેતો પૂરતા સ્પષ્ટ કર્યા ન હોવાથી ગૂંચો રહી જ જાય છે. થિમને નવલકથાના આકાર સાથે સાંકળવાના પ્રયત્નમાં તેઓ જે ચર્ચા વિકસાવે છે, તેમાં તેઓ, કદાચ, અણજાણપણે જ, થિમના પાશ્ચાત્ય ખ્યાલની એકદમ નજીક આવી જાય છે : “...વાર્તા તત્ત્વ, પાત્ર, સંવાદ, સ્થળકાળ આદિ ઉપકરણો પોતે પણ નવલકથાની આખી રચનામાં ખૂબ જ અંતર્ગત અને જીવંતપણે પ્રવર્તતા હોવાને લીધે વિષય સમગ્ર રચનામાં સમરસ થઈ જતો હોય છે. અને સાહિત્યેતર કૃતિની જેમ કૃતિને અંતે તરી આવતો નથી. તેના શોધકે જેને વિશે પ્રયત્ન કરવો પડે છે.” (પૃ. ૪) ડૉ. ધીરેન્દ્રની આ ભૂમિકા સાચી છે, અને આ વિભાવનાની વ્યાખ્યાવિચારણામાં એ એક નક્કર વિચારતંતુ છે. એનું વિવરણ કરતાં તેઓ એમ કહે છે : “વસ્તુતઃ પ્રસંગ, પરિસ્થિતિ, પાત્ર અને સંવાદ વચ્ચે સંગતિ સધાય તો જ વિષય યોગ્ય રીતે સિદ્ધ થાય.” (પૃ. ૬) નવલકથામાં થિમ ‘યોગ્ય રીતે’ સિદ્ધ થાય, થવો જોઈએ, એ વાત પર તેમણે અહીં યોગ્ય રીતે જ ભાર મૂક્યો છે. કૃતિનાં સર્વ ઘટકો ‘પ્રસંગ’ ‘પરિસ્થિતિ’ ‘પાત્ર’ ‘સંવાદ’ આદિ વચ્ચે ‘સંગતિ’ સ્થપાવી જોઈએ એમ તેઓ કહે છે, ત્યારે નવલકથાની સંરચના અને સર્જકના કળાકીય ઉદ્દેશ વચ્ચેની સંગતિનો ખ્યાલ જ સૂચવાય છે. હકીકતમાં, નવલકથાની કળાત્મક સંરચના વિશે સારી સભાનતા ધરાવતો લેખક, પોતાના થિમને પર્યાપ્તપણે સિદ્ધ કરી લે છે ત્યારે, તેની કૃતિમાંનાં ઘટકોના અન્વયમાં તે પ્રતિબિંબિત થતો હોય છે. ઘટકેઘટકની, અંગેઅંગની, સંગતિમાંથી થિમ ઊપસતો આવે છે. આખીય સંરચનામાં થિમ જ અન્વયસાધક બળ બન્યો છે એમ એમાં પ્રતીત થતું હોય છે. એ પ્રકરણના અંત ભાગમાં ડૉ. ધીરેન્દ્ર મહેતાએ થિમની વિભાવનાને નવલકથાકારોને ઘડનારાં ‘સમકાલીન પરિબળો’ સાથે સાંકળવાનો બિલકુલ અછડતો પ્રયત્ન કર્યો છે. એ મુદ્દાને છેડતાં તેઓ એમ કહે છે કે લેખકોમાં ‘જિવાતા જીવન વિશેની સંપ્રજ્ઞતા’ હોવી જોઈએ. કોઈ પણ લેખક ‘સમકાલીન પરિબળો’ની અવગણના કરી શકે નહિ, એમ પણ તેઓ નોંધે છે. એ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે ‘સમકાલીન પરિબળો’ની અસર લેખકોનાં ‘દૃષ્ટિબિંદુઓ’ પર પડતી હોય છે. જો કે, કોઈ પણ લેખકનું દૃષ્ટિબિંદુ બહારના જગતનાં પરિબળોથી કેવી રીતે પ્રભાવિત થાય છે, તે વિશે એમાં સ્પષ્ટતા મળી નથી. થિમ વિશેની વ્યાખ્યાવિચારણામાં, તેમ અધ્યયન અર્થે પસંદ કરેલી નવલકથાઓમાંના થિમની તપાસમાં, ડૉ. ધીરેન્દ્ર એકધારી રીતે લેખકના ‘દૃષ્ટિબિંદુ’ના ખ્યાલને પુરસ્કારતા રહ્યા છે. પણ, એ દૃષ્ટિબિંદુના ઘડતર વિશેની તેમની ચર્ચા ઠીક ઠીક સંદિગ્ધ રહી ગઈ છે. લેખક પોતાની સામગ્રી પરત્વે વૈયક્તિક ‘દૃષ્ટિબિંદુ’ ધરાવે છે, અને એ દૃષ્ટિબિંદુ, વળી, સમકાલીન પરિબળોથી પ્રભાવિત પણ થાય છે. પણ આ દૃષ્ટિબિંદુ પાછળની લેખકની નિજી સંવેદનશીલતાનો મુદ્દો અહીં અછડતો રહી જવા પામ્યો છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, થિમ કોઈ બૌદ્ધિક ચિંતનની કોટિનું દૃષ્ટિબિંદુ નથી. તેમ એ કોઈ વિચારસરણીનું પરિણામ પણ નથી. આત્મલક્ષી સંવેદનામાંથી મૂર્ત કલ્પનરૂપે એક સઘન સ્પર્શક્ષમ આઈડિયા રૂપે એ ઉપલબ્ધ થાય છે. ડૉ. ધીરેન્દ્રની થિમ વિશેની આ સૂર્વ ચર્ચાવિચારણાઓનું ઝીણવટભર્યું અવલોકન કરતાં એમ સમજાય છે કે થિમના ખ્યાલને તેઓ લગભગ સતત રીતે લેખકના ‘દૃષ્ટિબિંદુ’ રૂપે ઘટાવતા રહ્યા છે. અને એક તબક્કે ‘દૃષ્ટિબિંદુ’ને તેઓ નવલકથાની રૂપરચના સાથે સાંકળવા પણ પ્રેરાયા છે; પણ પછીથી ગુજરાતી નવલકથાઓના સંદર્ભે આ વિભાવના પ્રત્યક્ષપણે લાગુ પાડીને તેની તપાસ હાથ ધરી છે, ત્યાં નવલકથાની રૂપરચનાની તપાસનો મુદ્દો ગૌણ બની જતો દેખાય છે; અને, કૃતિમાં રૂપરચના અને થિમ વચ્ચેની ‘સંગતિ’નો અહીં જે ખ્યાલ રજૂ કર્યો છે તે પણ, ‘સંગતિ’ની તપાસમાં ઠીકઠીક ઉપેક્ષિત રહી જવા પામ્યો છે. એ પરથી એમ માનવાને કારણ રહે છે કે આ વિભાવના વિશે તેમના મનમાં ક્યાંક ઊંડે ઊંડે સંદિગ્ધતા રહી ગઈ છે. આ અધ્યયનગ્રંથનું બીજું પ્રકરણ ‘ગુજરાતી નવલકથાના ઉદ્‌ભવની ભૂમિકા’ ઘણું ટૂંકું છે. એટલી જગ્યામાં, માંડ સાડાચાર પાનામાં, તેમણે પ્રાચીન માધ્યકાળની કથાપરંપરા, યુરોપમાં નવલકથા સ્વરૂપનો ઉદ્‌ભવ અને તેના પ્રેરક સંયોગો, અને ગુજરાતી નવલકથાનો આરંભ – એટલા મુદ્દાઓ અછડતી ભૂમિકા રૂપે સ્પર્શ્યા છે. એ રીતે એનું કોઈ ઝાઝું મહત્ત્વ ઊભું થતું નથી. ત્રીજા પ્રકરણ ‘આરંભકાળની નવલકથાઓ’માં તેમણે થિમની તપાસ આરંભી છે. એ પ્રકરણમાં ‘સરસ્વતીચંદ્ર’ ભા. ૧ (પ્ર. ૧૮૮૭) પૂર્વેની કેટલીક ચર્ચાક્ષમ કથાઓની તેમણે છણાવટ કરી છે. આરંભ નંદશંકરની જાણીતી ઐતિહાસિક કથા ‘કરણઘેલો’ (૧૮૬૬)થી કર્યો છે. આમ તો, છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલાના પતનની આ કથા છે. પણ એ નિમિત્તે લેખકે પોતાના સમયના સામાજિક પ્રશ્નો પણ એમાં ગૂંથી લીધા છે. કૃતિનું સંકલન એ રીતે ઘણું શિથિલ રહી જવા પામ્યું છે. પણ ડૉ. ધીરેન્દ્ર આ કથામાં ‘પાપકર્મ અવનતિસાધક છે’–એ જાતનું નીતિસૂત્ર પડ્યું હોવાનું નોંધી એને જ થિમ તરીકે લેખાવે છે! અને ત્યારે, આ જાતનો નૈતિક ખ્યાલ થિમ શી રીતે કહેવાય એવો પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય જ છે. મહીપતરામની સમાજકથા ‘સાસુવહુની લડાઈ’ (પ્ર. ૧૮૬૬)માં તે સમયે હિંદુ કુટુંબોમાં ઉગ્ર બનતા કલહનું ચિત્રણ થયું છે. કથાની સાહિત્યિક ગુણવત્તા વિશે ડૉ. ધીરેન્દ્ર અહીં ચર્ચા કરતા નથી. તેઓ એ સંદર્ભે માત્ર એવું પ્રતિપાદન કરવા ચાહે છે કે આ જાતના કલહો માટે બાળલગ્નની પ્રથા જ જવાબદાર છે એમ આ કથામાં સૂચિત રહ્યું છે, અને આ જાતની લેખકની માન્યતાને જ તેઓ થિમ તરીકે આગળ ઘરે છે. કેશવલાલ દલપતરામની કૃતિ ‘ચંદાકુમારીની વાર્તા’ (ઈ. સ. ૧૮૭૩)માં તેઓ ‘સ્નેહલગ્ન’ના ખ્યાલને જ થિમ તરીકે લેખવતા જણાય છે. પણ અહીં કથાના વિષય-subject-થી થિમની અલગ સિદ્ધિ તેમણે આંકી બતાવી નથી. ભવાનીશંકર નરસિંહરાવની કથા ‘કમળાકુમારી : હિંદુ ઘરસંસાર સ્થિતિનું ચિત્ર’ (ઈ. સ. ૧૮૮૧)માં આવો જ એક સામાજિક પ્રશ્ન રજૂ થયો છે. એમાં ‘પુનર્લગ્ન હિંદુ વિધવાનાં દુઃખોનાં નીવારણનો યોગ્ય ઉપાય છે’ એવા લેખકના સુધારાવાદી વિચારવલણને તેમણે થિમ તરીકે ઓળખાવ્યું છે. ‘બાળજ્ઞાનવર્ધક’ સભાના કોઈ ‘સભાસદે’ લખેલી ‘ભાનુમતી’ (ઈ. સ. ૧૮૮૨) નામની નવલકથામાં પણ તત્કાલીન લગ્નવિષયક સમસ્યા રજૂ થઈ છે, અને એને અનુલક્ષીને ‘ઉચ્ચ કુળના વરના મોહને કારણે થતા કજોડાંના અનિષ્ટ’નો નિર્દેશ કરી એ જાતના સામાજિક દૃષ્ટિકોણને તેમણે થિમ લેખવ્યો છે. પણ, આપણી આ બધી આરંભકાળની ‘નવલકથાઓ’ મુખ્યત્વે તે સમયનાં સુધારાવાદી વિચારવલણોથી પ્રેરાયેલી છે. કુટુંબકલહ, લગ્નવૈફલ્ય, કજોડું, વિધવા-પુનર્લગ્ન જેવા પ્રશ્નોએ એ સમયના સુધારકોને વિચાર કરતા કરી મૂક્યા હતા. સ્વાભાવિક રીતે જ, સુધારાને લગતા ખ્યાલો કથાસૃષ્ટિના આશ્રયે રજૂ કરવાનું ત્યારે પ્રબળ વલણ જન્મ્યું હતું. પણ ડૉ. ધીરેન્દ્ર આ કથાઓની સાહિત્યિક સંરચનાઓની છણાવટ કરવા રોકાતા નથી. અગાઉ તેમણે એમ નોંધ્યું હતું કે થિમ સમગ્ર કૃતિમાં ‘સમરસ’ થઈને રહેવો જોઈએ; અને, થિમ ‘યોગ્ય રીતે’ ‘સિદ્ધ’ થયો છે કેમ તેની તપાસ અર્થે કૃતિનાં વિભિન્ન ઘટકો વચ્ચે ‘સંગતિ’ સધાઈ છે કે નહીં, તે પણ અવલોકવું જોઈએ. પણ કૃતિઓની રૂપરચના, તેની પાછળ થિમનું પ્રવર્તક બળ, અને કૃતિમાં જ સર્જકતત્ત્વો દ્વારા સાકાર થતું થિમનું મૂલ્ય – એ જાતની શોધમાં તેઓ ઝાઝા રોકાયા નથી. લેખકોને ઇષ્ટ એવાં સુધારાવાદી દૃષ્ટિબિંદુઓ કે માન્યતાઓને જ થિમ તરીકે રેખાંકિત કરવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. પણ એ કૃતિઓમાં થિમની સિદ્ધિ કે ઉપસ્થિતિના પ્રશ્ને ડૉ. ધીરેન્દ્ર પોતે સંદેહની દશામાં રહ્યા હોય એમ માનવાને પણ કારણ રહે છે. પાંચમા પ્રકરણમાં ‘સરસ્વતીચંદ્ર’ની સમકાલીન અને તરતના પૂર્વેના ગાળાની નવલકથાઓમાં રજૂ થયેલા થિમના મુદ્દાને સર્વ સામાન્ય રૂપે સ્પર્શતાં, કદાચ અણજાણ્યે જ, તેઓ વજનદાર વિધાનો કરી બેસે છે! “...આ કૃતિઓથી સુધારાલક્ષી ગુજરાતી નવલકથામાં એક મહત્ત્વનું તત્ત્વ ઉમેરાયું હોવાથી આ કૃતિઓની ચર્ચાને અલગ પ્રકરણ ફાળવવું ઉચિત માન્યું છે. એ તત્ત્વ છે કૃતિની સામગ્રી પરત્વે લેખકનું અમુક ચોક્કસ દૃષ્ટિબિંદુ; જેના અભાવે ‘સરસ્વતીચંદ્ર’ પૂર્વેની કૃતિઓમાં વિષય કેન્દ્રીભૂત થતો નહોતો, છૂટક છૂટક વિચારો રૂપે વેરાઈ જતો હતો.” (પૃ. ૮૩) હવે પ્રસ્તુત સમયગાળાની (અર્થાત્‌ ‘સરરવતીચંદ્ર’ના પ્રકાશન પૂર્વેની) કથાઓની રચના પાછળ ક્યાંય કોઈ લેખકનું ‘દૃષ્ટિબિંદુ’ જેવું ન હોય, તેમાં ‘વિષય’ (theme) જોે ‘કેન્દ્રીભૂત’ થઈ શક્યો ન હોય, અને ‘છૂટક છૂટક વિચારો રૂપે વેરાઈ જ ગયો હોય’ તો તો એમાં થિમ ઊપસતો જ નથી એમ કહેવાનું રહે. અને, અગાઉ તેમણે એ બધી કથાઓમાં થિમની ઓળખ કરાવવાનો જે રીતે પ્રયત્ન કરેલો તે અભિગમ બરોબર નહોતો, એવા નિર્ણય પર આવવાનું રહે. અને, બન્યું છે એમ કે, ગ્રંથના છેલ્લા પ્રકરણ ‘ઉપસંહાર’માં, સમગ્ર અધ્યયન પર વિહંગાવલોકન કરતાં, ફરી એક વાર આ પહેલા તબક્કાના લેખકો વિશે તેમને ટીકાટિપ્પણીનો પ્રસંગ આવ્યો છે. ત્યાં તેઓ એવી ચિકિત્સા કરવા પ્રેરાયા છે : “આ તબક્કાના લેખકો વિષયને વર્ણ્યવસ્તુ સમજ્યા છે. વિષયની અસર ઉપજાવવા ઘટના અને પાત્રને તેમણે દૃષ્ટાંત રૂપે રજૂ કર્યાં છે. નવલકથાનો વિષય અને સ્વરૂપગત તત્ત્વો વચ્ચેના આ સિવાયના કોઈ સંબંધની તેમને જાણ નથી..” (પૃ. ૩૨૨) અહીં તેમને એમ અભિપ્રેત છે કે આરંભકાળના એ લેખકો subject – ‘વર્ણ્યવસ્તુ’ – ને જ થિમ સમજતા હતા! બીજી રીતે કહીએ તો થિમ નવલકથામાં શી રીતે સિદ્ધ થાય તે વિશે તેમની સૂઝ ખીલી ન હતી. દીર્ઘમંથન પછી ડૉ. ધીરેન્દ્ર આ રીતે આપણા આરંભકાળની નવલકથાઓની મૂળ મર્યાદા પકડી શક્યા છે, અને એ રીતે પોતાના અધ્યયન વિષય પર ચોક્કસ પકડ મેળવી શક્યા છે. ચોથા પ્રકરણમાં તેમણે ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)માં અન્વિત રહેલા થિમની ચર્ચા હાથ ધરી છે. આ મહાનવલમાં તેઓ એક મુખ્ય અને તેની સાથે જોડાયેલા બીજા ગૌણ થિમો તારવી બતાવવાનો પ્રયત્ન કરે છે. મુખ્ય થિમ, દેખીતી રીતે જ, સરસ્વતીચંદ્ર-કુમુદ-કુસુમના વૃત્તાંત સાથે જોડાયેલો છે. અહીં કથા વિશેના ઉમાશંકરના એક અભિપ્રાયમાં જ તેઓ થિમ પ્રગટ થતો જુએ છે : ‘જીવનમુક્ત સરસ્વતીચંદ્રના આ રીતના જીવનસ્વીકાર દ્વારા લેખકે પોતાની પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના મૂર્ત કરી છે. અને આ જ તત્ત્વ ‘સરસ્વતીચંદ્ર’ને ચિરંજીવ બનાવનારું છે એવું ઉમાશંકર જોશીનું કથન યથાર્થ છે. આ જ ‘સરસ્વતીચંદ્ર’નું મુખ્ય ઉપેય છે.’ (પૃ. ૭૮) અહીં, ખરેખર તો ગોવર્ધનરામની ભાવનાદૃષ્ટિને જ થિમ તરીકે લેખવવામાં આવી છે. પણ આ જાતનું તારણ ચર્ચાસ્પદ રહે છે. કૃતિના સમગ્ર મુખ્ય વૃત્તાંતમાં ગૂંથાયેલી ઘટનાઓ પરિસ્થિતિઓ પાત્રો આદિ સાથે તેની સંગતિ બતાવવાનું બાકી રહે છે. કથાનાં અન્ય પાત્રો અને વૃત્તાંતોને લક્ષમાં લઈ ‘દાંપત્યજીવન’ ‘કુટુંબજીવન’ ‘દેશી રાજ્યો’ ‘ધર્મદર્શન’ જેવા વિષયોને ગૌણ થિમ તરીકે તેમણે નોંધ્યા છે એ માટે તેમણે પાત્રોના સંવાદો, પત્રો આદિની ચર્ચાને કે લેખકની પોતાની વિચારણાઓને જ આધાર તરીકે રાખી છે. પ્રકરણ પાંચથી આઠ સુધીમાં છણાતી રહેલી થિમની ચર્ચા આ સ્વાધ્યાયનો ખાસ્સો મોટો ભાગ છે, મુનશી રમણલાલ મેઘાણી આદિની નોંધપાત્ર ઉપરાંત આ ગાળાના અલ્પખ્યાત એવા બીજા અનેક લેખકોની કૃતિઓ અહીં થિમની તપાસમાં આવી છે. નોંધવું જોઈએ કે નંદશંકર અને તેમના સમકાલીન લેખકો કરતાં આ લેખકો નવલકથાની રચના વિશે એકંદરે વધુ સૂઝ પ્રગટ કરે છે. પોતાના સમયના સામાજિક અને રાજકીય પ્રશ્નો વિશે તેઓ ઠીક ઠીક સભાન છે. બલકે એવા પ્રશ્નોનું પોતાની નવલકથાઓમાં આલેખન કરવા ય આતુર બન્યા જણાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે નવલકથાની કળાત્મકતા વિશેના તેમના ખ્યાલો એટલા જ દોષયુક્ત છે. તેમની પાત્રસૃષ્ટિ ઘણાંય દૃષ્ટાંતોમાં લેખકની વિચારણાઓ કે ભાવનાઓની વાહક જેવી છે. અને વળી રંજકવૃત્તિમાંથી તેઓ મુક્ત થઈ શક્યા નથી. કથારસ બહલાવવાને તેઓ, આથી, પ્લૉટની તરેહ તરેહની આંટીઘૂંટી, કથાવિકાસ અર્થે આકસ્મિક ઘટનાઓ, પ્રેમ વીરતા અને સાહસની ઘેરી રંગદર્શી ભાવનાઓ, ભોંયરાંની ભેદી સૃષ્ટિઓ કે સ્થૂળ પરિમાણની ઘટનાઓ – વગેરે તત્ત્વોનો વારંવાર ઉપયોગ કરતા રહ્યા છે. લેખક પાસે જે કંઈ ભાવનાવાદી દૃષ્ટિ છે, કે વાસ્તવિકતાની સમજ છે, કે સુધારાવાદી વિચારવલણ છે, તે પણ આવા અટપટા કથા પ્રપંચમાં રુંધાતાં રહે છે. એટલે એ સંદર્ભોમાં થિમની ખોજ પડકારરૂપ બને છે. થોડાં દૃષ્ટાંતોનું અવલોકન : બંધુસમાજી લેખક ‘સુમિત્ર’ની નવલકથા ‘અલક્ષ્યજ્યોતિ અથવા આધુનિક જનસમાજનું ચિત્ર’ (ઈ. સ. ૧૯૦૭)માં બદલાતા પ્રજાજીવનના સંદર્ભે કુટુંબસંસ્થાને લગતો પ્રશ્ન રજૂ થયો છે. એ પરત્વે ‘સંયુક્ત કુટુંબસંસ્થા વ્યક્તિના વિકાસમાં બાધક છે’ એવી થિસીસ તારવી તેને જ થિમ તરીકે ઓળખાવી છે. ભોગીન્દ્રરાવ દીવેટિયાની કથા ‘ઉષાકાન્ત’ (ઈ. સ. ૧૯૦૮)માં તેઓ કોઈ ચોક્કસ થિમ પકડી શક્યા હોય એમ જણાતું નથી. ‘દેશસેવા એટલે દેશની રાજકીય ઉન્નતિ – સ્વરાજ્ય મેળવવામાં જ આવી રહેતી નથી’ – કથાના એક પાત્રની આ જાતની પ્રાસંગિક ઉક્તિમાં સમગ્ર કથાનું ‘કથયિતત્વ’ સમાઈ જતું હોવાનું તેમને લાગ્યું છે. અને સંભવતઃ એ ખ્યાલને જ તેઓ આ કથાનો મુખ્ય થિમ લેખવતા રહ્યા છે. વળી, આ જ રીતે, બીજા એક પાત્રની પ્રાસંગિક ઉક્તિ – ‘બી.એ. એમ.એ. અથવા સ્વરૂપવાન પત્નીની જરૂર નથી, પણ હૃદયની સુંદરતાની જરૂર છે. એ સુંદરતા નૈસર્ગિક રૂપે હોય છે જ. જો તે ખીલવવામાં આવે તો ખીલી શકે છે’ – ને તેમણે પ્રસ્તુત કથાનું ગૌણ થિમ ગણાવી છે. પણ આ જાતનો અભિગમ ચર્ચાસ્પદ બને છે. સમગ્ર કથાનાં પાત્રો પરિસ્થિતિઓ ઘટનાઓ આદિ ઘટકોના કળાત્મક સામંજસ્યના પ્રશ્નને તેઓ અહીં સ્પર્શતા જ નથી. મુનશીની પ્રસિદ્ધ કથાત્રયીમાંની પ્રથમ કથા ‘પાટણની પ્રભુતા’ (પ્ર. ૧૯૧૬)માં, દેખીતી રીતે જ, મધ્યકાલીન ઇતિહાસનો કેટલોક આધાર છે. આમ છતાં, એમાં તેમની ઘેરી રંગદર્શી કલ્પના કામ કરતી રહે છે. મુંજાલ અને મીનળના નાજુક સંબંધની આસપાસ પાટણનું સત્તાકેન્દ્ર અને તેની આસપાસના બીજા રાજપ્રપંચો ખટપટો સંઘર્ષો અને રોમૅન્ટિક પ્રણયવૃત્તાંતો વગેરેની એમાં અટપટી ગૂંથણી થઈ છે. આવી એક રોમૅન્ટિક કથામાં, ખરેખર, કોઈ થિમને અવકાશ નથી. આમ છતાં, એમાં ‘રાષ્ટ્રની એકતા અને અસ્મિતાની મહત્તા’નો થિમ રહ્યો હોવાનું ડૉ. ધીરેન્દ્ર માને છે. ‘ગુજરાતનો નાથ’ (પ્ર. ૧૯૧૯)માં થિમના પ્રશ્ને આ રીતે જે વિવાદ ઊભો થયો, તે ઓછો સૂચક નથી. ડૉ. હર્ષદ ત્રિવેદી, એ નવલકથામાં કોઈ થિમ નથી, એમ કહેવા ચાહે છે. તેમની દલીલ આ છે : “મુનશી આ વાર્તામાં જીવનના કોઈ રહસ્યનું દર્શન કરાવી શકતા નથી... થાકી આવું રહસ્ય – theme – તો નવલકથાની કરોડરજ્જુ હોય છે...’ વગેરે. (પૃ. ૧૬૧-૧૬૨) બીજા અભ્યાસી શ્રી રઘુવીર ચૌધરીને પણ આ નવલકથામાં કોઈ થિમ પ્રત્યક્ષ થતો નથી. ‘ગુજરાતનો નાથ’ ‘રાજાધિરાજ’ના અંતમાં અંત પામે છે. એ જોતાં તો મુનશીએ એ કથાથી વિશેષ કંઈ કહેવાનું છે કે કેમ એ પ્રશ્ન થશે...” વગેરે. (પૃ. ૧૬૨) ડૉ. ધીરેન્દ્ર બંનેનાં મંતવ્યનો અસ્વીકાર કરે છે. ‘રાષ્ટ્રની એકતા’નો થિમ એમાં ગૂંથાયેલો છે, એમ તેઓ બતાવવા ચાહે છે. અને એ માટે કીર્તિદેવના પાત્રનિર્માણ પાછળ મુનશીની ભાવના અને એ પાત્રનાં કેટલાંક પ્રાસંગિક ઉચ્ચારણોને તેઓ સમર્થનમાં રજૂ કરે છે. પણ તેમનો આ જાતનો અભિગમ મૂળથી જ વિવાદાસ્પદ છે. કૃતિ સમગ્રની રૂપરચનાની તપાસ ક્યાં છે અહીં? ખરેખર તો રોમાન્સનાં બધાંય તત્ત્વોથી ભરચક આ કથામાં થિમને અવકાશ જ નથી. રમણલાલની ‘જયંત’ (ઈ. સ. ૧૯૨૫), ‘શિરીષ’ (૧૯૨૭), ‘કોકિલા’ (૧૯૨૮), ‘હૃદયનાથ’ (૧૯૩૦) ‘પત્રલાલસા (૧૯૩૧), ‘દિવ્યચક્ષુ’ (૧૯૩૨), ‘પૂર્ણિમા’ (૧૯૩૨) અને ‘ગ્રામલક્ષ્મી’ ૧-૪ (૧૯૩૩) જેવી સામાજિક નવલકથાઓમાં ડૉ. ધીરેન્દ્રની થિમના તપાસ જો કે કેટલાંક ધ્યાનપાત્ર અવલોકનો લાવી શકી છે, નવલકથાની વસ્તુસંકલના, ઘટનાસૂત્ર અને પાત્રયોજનાના મુદ્દાઓને તેમણે અહીં અનેક દૃષ્ટાંતોમાં સ્પર્શ્યા છે. ‘શિરીષ’ની ચર્ચા કરતાં તેઓ આવા તારણ પર આવ્યા છે : “કૃતિનાં પ્રધાન પાત્રો અને તેમને લગતા પ્રસંગો વિષયનિરૂપણ પરત્વે જ વિનિયોગ પામવાને બદલે લક્ષ્ય ચૂકીને યોજાતાં રહે છે...’ (પૃ. ૧૬૮) “ ‘શિરીષ’માં છેક સુધી એક પછી એક ઉમેરાતાં આવતાં કથાનકોનો ગોફ તર્કબદ્વ રીતે ગૂંથાયો નથી, અંતે કારણોની કડીઓ ખેંચી ખેંચીને જોડવી પડી છે. આનું કારણ પણ એ છે કે એ કથાનકોની પાછળ પ્રવર્તતી લેખકની દૃષ્ટિ વિષયમૂલક રહી નથી. આને પરિણામે કૃતિનું વાર્તાકદ વધ્યું છે, પરંતુ તેમાં વિષયનું વજન ઓછું છે.” (પૃ. ૧૬૮) તેમનું આ જાતનું વિવેચન, ખરેખર, ધ્યાનાર્હ છે. થિમનું અવલોકન કરવાના પ્રયત્નમાં કૃતિના બંધારણના મુદ્દાને અહીં તેમણે બરોબર કેન્દ્રમાં આણ્યો છે. એટલે, આ ખરેખર સાચી દિશાની તપાસ છે, એમ કહેવાનું અહીં પ્રાપ્ત થાય છે. મેઘાણીની જાણીતી નવલકથા ‘નિરંજન’ (પ્ર. ૧૯૩૬)માં કથાનાયક નિરંજનને લક્ષતો એક માનસશાસ્ત્રીય કોયડો રજૂ થયો છે. ડૉ. ધીરેન્દ્રે આ કથાની છણાવટ કરતાં એમાં લગ્નજીવન પરત્વે દૃષ્ટિ બદલાઈ રહી હોવાનું નોંધ્યું છે. એમાંથી ‘સમવેદનાજન્ય લગ્ન જ સુખી નીવડે છે – એ જાતનું તારણ કાઢી તેને જ તેમણે પ્રથમ તો થિમ લેખવ્યો છે. પણ એ અંગે તરત સ્પષ્ટ કર્યું છે : “જોકે નવલકથાનું વસ્તુ એમાં પ્રસ્તુત થયેલા આ ઉપેયની ઉચિત શોધ કરી શક્યું નથી.” (પૃ. ૨૫૩) મતલબ કે, સમુચિત રચનાવિધાનના અભાવે એમાં થિમ સિદ્ધ થઈ શક્યો નથી! મેઘાણીની વધુ જાણીતા કથા ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ (પ્ર. ૧૯૩૭) વળી, એક વાતાવરણપ્રધાન પ્રાદેશિક કથા છે. ડૉ. ધીરેન્દ્ર એમાં ‘અંગ્રેજી રાજ્યઅમલને પરિણામે સાંસ્કૃતિક પરિવર્તન પામતા જતા વાતાવરણ’ના તત્ત્વને જ થિમ લેખવે છે. પણ અહીં થિમ ખરેખર કોઈ નક્કર ‘વસ્તુ’ રૂપે ઉપલબ્ધ થયું નથી. કૃતિના સંવિધાનમાં તે કેવી રીતે વિધાયક બને છે, તેની તપાસ પણ બરાબર હાથ ધરાઈ નથી. ૧૯૪૦ સુધીના ગાળાની આપણી નવલકથાઓના સંદર્ભે ડૉ. ધીરેન્દ્રે આ રીતે થિમને લગતી જે તપાસ હાથ ધરી, તેમાં અનેક કૃતિઓનાં તારણો વત્તેઓછે અંશેય ચર્ચાસ્પદ રહે જ છે. એવે પ્રસંગે કથામાં રજૂ કરવા ધારેલા ‘વર્ણ્યવિષય’ (subject) અને થિમની સિદ્ધિ વચ્ચે બારીક વિવેક કરવાનું મુશ્કેલ નીવડ્યું છે. લેખકને ઇષ્ટ સુધારાવાદી વિચારવલણો કે નૈતિક દૃષ્ટિબિંદુઓને જ થિમ રૂપ ઘણી લેવાનાં દૃષ્ટાંતો અનેક છે. કેટલીય વાર અમુકતમુક પાત્રનો સંવાદ, ઉક્તિ કે લેખકની પોતાની વિચારકણિકાને થિમના રૂપમાં જોવાના પ્રયત્નો થયા છે. પણ આ ગાળાની નવલકથાઓમાં કળાતત્ત્વના વિકાસની ભૂમિકાઓ કેન્દ્રમાં રાખી હોત તો સંભવતઃ વધુ ઇષ્ટ પરિણામ આવી શક્યું હોત. જે તબક્કે લેખકની સ્થૂળ સુધારાવાદી દૃષ્ટિ જ કથામાં પ્રેરક બળ બની રહી હોય, અથવા કથારસને જ ઉપાસ્ય ગણીને તેના વિસ્તાર અર્થે પ્લોટની ગૂંથણીમાં તરેહ તરેહની યુક્તિઓ યોજાતી હોય, ત્યાં મૂળ પ્રશ્ન તો artistic motivationનો છે. એ સ્તરની કથાઓમાં થિમની ખોજ ઝાઝી ફળપ્રદ ન જ બને. અગાઉ સ્પષ્ટીકરણ કરતાં આપણે નોંધ્યું છે કે, થિમની વિભાવના અત્યંત સૂક્ષ્મ સંકુલ અને દુર્ગાહ્ય છે. એટલે સમૃદ્ધ કળાકૃતિમાં પણ થિમ પૂરેપૂરો સિદ્ધ થઈ શક્યો છે કે નહીં, એની તપાસ સરળ હોતી નથી. પણ આ આખો ખ્યાલ નવલકથાની અમુક સ્તરે સભાનપણે ચાલતી સર્જકતા સાથે સંકળાયેલો છે. ડૉ. ધીરેન્દ્રનો સ્વાધ્યાય આપણને નવલકથાની કળામીમાંસાના એક પાયાના ખ્યાલ વિશે આ રીતે તીવ્રપણે સભાન કરે છે. તેમનું આ અધ્યયન નવલકથા વિવેચનના એક પાયાના પ્રશ્નને જે રીતે સંકોરી આપે છે તેથી, નવલકથાની કળામીમાંસા માટે એક મહત્ત્વની ભૂમિકા અહીં ઊભી થાય છે. આ અધ્યયન એ રીતે ઉપકારક બને જ છે. પણ નવલકથાની કળાના પ્રશ્નો કરતાંયે તેમાં પ્રવેશતા સામાજિક પ્રશ્નોમાં જેમને વધુ રસ છે, તેમને તો વળી અહીં ઘણી રસપ્રદ અને ઉપયોગી સામગ્રી જડી આવશે.

થિમની વિભાવનાના અધ્યયન અર્થે ઉપયોગમાં લીધેલાં કેટલાંક મહત્ત્વનાં લખાણો :
(A) સાહિત્યના પારિભાષિક કોષો
૧. Dictionary of World Literature : Ed. J. T. Shipley; Littlefield, ૧૯૬૬
૨. A Dictionary of Modern Critical Terms : Ed. by Roger Fowler; Routledge & Kegan Paul; ૧૯૭૩
૩. A Reader’s Guide to Literary Terms : A Dictionary; Ed. Karl Beckson & Arthur Ganz; Thames & Hudson ૧૯૭૦
૪. Concise Dictionary of Literary Terms; Ed. by Harry Shaw; McGraw-Hill; ૧૯૭૬
૫. A Glossary of Liteary Terms; by M. H. Abrams; Holt, Rinehart & Winston, Incઃ ૧૯૭૧
૬. A Dictionary of Literary Terms; by J. A. Cuddon; Indian Book Company. ૧૯૭૭
(B) વિવેચન ગ્રંથો :
૧. ‘The Process of Literature’ – by Macken zie; George Allen & Unwin; ૧૯૨૯ (આ ગ્રંથમાં ‘The Writer and the apprehension of his theme’ અત્યંત મહત્ત્વનું પ્રકરણ)
૨. ‘Understanding Fiction’ : by Cleanth Brooks & Robert Pen Warren; Appleton; ૧૯૭૧ (સેક્સન-૬ ‘What Theme reveals’ની સિદ્ધાંતચર્ચા ઘણી મહત્ત્વની)
૩. ‘Understanding Poetry’ : Cleanth Brooks & Robert Pen Warren; Holt, Rinehart & Winston, ૧૯૭૬ (‘થિમ’ના ખંડની ચર્ચા)
૪. ‘An Introduction to Short Fiction and Criticism’ઃ Ed. by Emil Hurtik and Robert Yarber; Xerox Gollege Pub. ૧૯૭૧ (પ્રાસ્તાવિક ચર્ચામાં થિમ વિશે મૂલ્યવાન ચર્ચા)
૫. ્રoseph Conrad’s Theory of Fiction, Mohammad Yaseen; Asia Publishing; ૧૯૬૭
૬. ‘Highlights of Modern Literature’ઃ Ed. by Francis Brown; A Mentor Book; ૧૯૫૪ (જોય્‌સ કેરી અને અન્ય લેખકોના નિબંધો)
૭. ્રoseph Conradઃ The Ways of Dispossession’ – H. M. Deliski Faber ૧૯૭૭ (થિમની તપાસનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંતરૂપ પુસ્તક)
(C) સામયિકોમાં થિમને લગતાં અધ્યયનો :
૧. અધ્યયન લેખ : ‘The Theme of Salvation in the Novels of Hermann Broch’ – by James N. Hardin Jr. PMLA, March -૧૯૭૦, Vol. ૮૫, No. ૨.
૨. અધ્યયન લેખ : ‘Collapse of Dynasty’ : The Thematic Centre of ‘Absalom! Absalom!’ – by Ralph Behrens PMLA Jan. ૧૯૭૪, Vol, ૬૯, No. ૧.
૩. અધ્યયન લેખ : ‘The Theme of the Double in Dostoevsky by D’Mitri Chizevsky; (‘Twentieth Cent. Views’ – શ્રેણીમાં Dostoevsky ગ્રંથમાં રજૂ થતો લેખ Ed. Rene Wellek, ૧૯૬૨)
૪. અધ્યયન લેખ : ‘From Abram and Isaac to Bob Slocum and My Boy : Why Fathers Kill their Sons : ‘The Father-Son Theme in Recent Fiction, by George Sebouhian; ‘Twentieth Cent. Literature’-Vol. ૨૭, Spring, ૧૯૮૧, No. ૧
૫. અધ્યયન લેખ : ‘Kafka’s Parable : ‘Der Kreisel’ - Structure and Theme’ : by Richard Lanson; ‘Twentieth Century Literature’, Vol. ૧૮ Jan. ૧૯૭૨; No. ૧
૬. અધ્યયન લેખ : ‘The Last Victorian Novel : Technique and Theme in ‘Parade’s End’ ” – by Jame M. Heldman; ‘Twentieth Century Literature’, Vol. ૧૮, Oct. ૧૯૭૨, No. ૪
૭. અધ્યયન લેખ : ‘Kafka’s ‘Burrow’-A Speculative Analysis’ by Verne P. Snyder; ‘Twentieth Cent. Literature; Vol. ૨૭, Summar, ૧૯૮૧, No. ૨
૮. અધ્યયન લેખ : ‘Sequence and Theme in Victor Hugo’s ‘Les Orientales’ by Richard B. Grant, PMLA, Vol. ૯૪, No. ૫. October, ૧૯૭૯
૯. અધ્યયન લેખ : “The Theme & Structure of the Stanzaic ‘Morte Arthur” by Richard A. Wertime, PMLA, Vol. ૮૭, No. ૫