પ્રતીતિ/‘તપસ્વિની’
‘તપસ્વિની’
મુનશીની પાછળના તબક્કાની એક મહત્ત્વાકાંક્ષી નવલકથા
મુનશીની ‘૫૮માં પ્રકાશિત થયેલી બૃહદ્ નવલકથા ‘તપસ્વિની’ (ભા. ૧–૨–૩) એ તેમની લેખક તરીકેની કારકિર્દીના પાછળના તબક્કાની એક મહત્ત્વાકાંક્ષી કૃતિ છે. એની પ્રસ્તાવનામાં મુનશીએ ‘ગુજરાતી જીવનના ઈ. સ. ૧૯૨૦થી ૧૯૩૭ સુધીના સામાજિક તેમજ રાજકીય પ્રવાહોને પ્રતિબિંબિત કરતી મારી નવલકથા’ તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. તેમનો આ ઉલ્લેખ જોતાં જ આપણને એમ થાય કે ગોવર્ધનરામ જે રીતે ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)માં પોતાના સમયના ગુજરાતી પ્રજાજીવનના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રશ્નો રજૂ કરવા પ્રવૃત્ત થયા હતા, એ જ રીતે કંઈક મુનશી પણ આ સદીના ત્રીજા-ચોથા દાયકાના ‘ગુજરાતી જીવન’ના પ્રવાહો આલેખવા ચાહે છે. આ સંદર્ભે તરત ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે ‘સરસ્વતીચંદ્ર’ અને ‘તપસ્વિની’ બંને બૃહદ્ નવલકથાઓ વિશેષતઃ મહાનગર મુંબઈના ‘ગુજરાતી જીવન’ને રજૂ કરે છે. સમાજ, સંસ્કૃતિ અને રાજકારણ વિશે બંને સર્જકોએ પોતપોતાની કથામાં જે રીતે રજૂઆત કરી, તેમાં મુંબઈ મહત્ત્વની ઘટનાભૂમિ બની છે. અલબત્ત, sex, politics, અને religion-ને જોવાસમજવાની મુનશીની દૃષ્ટિ ગોવર્ધનરામથી ઘણી ભિન્ન છે. મુનશીએ કથાવિષય તરીકે સ્વીકારેલો સામાજિક/ઐતિહાસિક સમય પણ ભિન્ન છે, અને નવલકથાના સ્વરૂપ પરત્વે મુનશીનો અભિક્રમ પણ નિરાળો છે. અને, જો કે, ‘તપસ્વિની’ના સર્જનમાં મુનશીએ પોતાની સર્જક-શક્તિને વધુ એકાગ્ર કરીને યોજવાનો પ્રયત્ન કર્યો છે, પણ અંતે એક એવી છાપ રહી જાય છે કે ગોવર્ધનરામની કથામાં અનેકવિધ પાત્રોના આશ્રયે રજૂ કરેલાં સંવેદન ચિંતનમાં જે વ્યાપ અને ગહરાઈ પ્રતીત થાય છે, તે મુનશીની આ કૃતિમાં જણાતાં નથી. ‘ગુજરાતી જીવન’નું વિશાળ ફલકનું બહુરંગી ચિત્ર આંકવાના હેતુથી મુંબઈ શહેર અને તળ ગુજરાતની ધરતીનાં, વિવિધ સ્તરનાં વિભિન્ન સંસ્કારવાળાં અનેકવિધ પાત્રો, અને તેની આસપાસ મુખ્યગૌણ વૃત્તાંતો, તેમણે રચ્યાં છે ખરાં; પણ એવા વૃત્તાંતો પાછળના આશયો ભિન્નભિન્ન છે; અને એ રીતે, એની રૂપરચનામાં અમુક શિથિલતા કે વ્યસ્તતા પ્રવેશી ગઈ છે. એ ઉપરાંત, કથનકળાની બાબતમાં મુનશી તેમની એ અગાઉની નવલકથાઓમાં છતી થયેલી મર્યાદાઓને ઝાઝા ઓળંગી શક્યા નથી. પણ એથી ય મોટી મુશ્કેલી તો કદાચ દૃષ્ટિની વેધકતાની છે. રવિ-રાજબાના વૃત્તાંતમાં, તેમ ઉદય-શીલાના પ્રકરણમાં, એ પાત્રોના નૈતિક આધ્યાત્મિક સંઘર્ષો આલેખવાની ક્ષણોમાં મુનશીની સર્જકશક્તિની સીમા આવી જાય છે. આત્માના ગહનતર અનુભવોનું રહસ્ય, એનાં સૂક્ષ્મતર સંચલનોમાં પ્રત્યક્ષ કરવાનું મુનશીને ઝાઝું ફાવ્યું નથી. વારંવાર તેઓ રૂઢ દર્શનચિંતનની પરિભાષાનો આશ્રય લે છે. તેમની કથનવર્ણનની ભાષાનું બારીક વિશ્લેષણ કરતાં તેમનાં ચિંતનસંવેદનના અમુક સંદર્ભો રૂઢ પ્રયોગોમાં જકડાઈ જતા જણાશે, આમ છતાં ‘તપસ્વિની’ના મુખ્ય મુખ્ય વૃત્તાંતોનું મુનશીએ જે રીતે નિર્વહણ કરવા ધાર્યું છે, તેમાં મુખ્ય પાત્રોના અસ્તિત્વપરક સંઘર્ષો અમુક ચોક્કસ પ્રભાવ ઊભો કરે છે. મુનશીની વાર્તાકથનની શક્તિ અહીં કંઈક વધુ સૂક્ષ્મ સ્તરે ખેડાતી આવી છે, તેથી તેમાં સંવેદનચિંતનની સૂક્ષ્મતાઓ પણ ઠીકઠીક અંશે સધાઈ છે. અને ખાસ તો, મુખ્ય પાત્ર રવિના જીવનઘડતરના પ્રશ્ન નિમિત્તે આપણા આજના સાંસ્કૃતિક/દાર્શનિક પ્રશ્નની રજૂઆત કરવાનો એક ગંભીર અને સંનિષ્ઠ ઉપક્રમ હાથ ધર્યો છે. એ રીતે ય આ બૃહદ્ નવલકથા ધ્યાનપાત્ર ઠરે છે. ‘તપસ્વિની’ને તેમની અગાઉની જાણીતી સામાજિક નવલકથા ‘સ્વપ્નદૃષ્ટા’ સાથે અમુક આંતરિક સંબંધ હોવાનું સમજાશે. બંનેમાં આપણી રાષ્ટ્રીય મુક્તિની લડતના ચોક્કસ સંદર્ભો છે. બંનેમાં કથાનાયક જુદી જુદી રીતે સમકાલીન રાજકારણમાં સંડોવાય છે, અને બંનેમાં એ કથાનાયકો નવી અભિજ્ઞતા લઈને બહાર આવે છે. જો કે ‘સ્વપ્નદૃષ્ટા’ કરતાં ‘તપસ્વિની’નું કથાફલક ઘણું વિસ્તારી અને બહુસ્તરીય છે. ‘તપસ્વિની’ના વિગત અવલોકન અર્થે નીચે પ્રમાણે મુખ્ય-ગૌણ વૃત્તાંતોને અલગ પાડી શકાય. (અ) રવિ ત્રિપાઠીના આત્મઘડતરની કથા : એના દાદા ગણપતિશંકરની વિદ્યાકીય ઉપાસના અને પિતા શિવુભાઈની રાષ્ટ્રીય મુક્તિ અર્થે ચાલેલી ભૂગર્ભ ચળવળમાં ફનાગીરી – એ બે વૃત્તાંતો રવિના મુખ્ય વૃત્તાંતની પશ્ચાદ્ભૂમિકામાં રહ્યા છે. રવિના વૃત્તાંતમાં પ્રથમ કમ્યૂનિસ્ટોના મંડળની પ્રવૃત્તિ અને મહિલા કોમરેડ મોના સાથેનું સહજીવન એક મહત્ત્વનો તબક્કો બને છે; જ્યારે મુંબઈ કૉંગ્રેસમાં પ્રવેશ અને કૉંગ્રેસ કાર્યકર તરીકેની તેની પ્રવૃત્તિઓ અને સાથોસાથે બેરિસ્ટર ઉદયની યોગનિષ્ઠ બહેન રાજબા સાથેનો લાગણીસંબંધ – એ બીજો મહત્ત્વનો તબક્કો બને છે. (બ) મુંબઈના અતિ ધનાઢ્ય બેરિસ્ટર રાધારમણ અને તેમના બીજા લગ્નની પત્ની શીલા વચ્ચેનો કરુણ વિષમ વિખવાદ એ આ નવલકથાનો બીજો મહત્ત્વનો વૃત્તાંત છે. બેરિસ્ટર ઉદય અને શીલા વચ્ચે જન્મેલા ઉદાત્ત લાગણી-સંબંધને કારણે એ આખાય વૃત્તાંતમાં ગૂંચ અને સંઘર્ષ વિકસ્યાં છે. (ક) ઉપરાંત, ઉદય-એલિસની કથા, કેપ્ટન સમરસિંહની કથા, હંસકુંવરબાની કથા, નર્મદાતીરના સ્વામિરાજનો વૃત્તાંત, બહારવટિયાઓની કથા, ઉપરાંત બીજાં ગૌણ પાત્રોની આસપાસ રચાયેલા બીજા અતિ ગૌણ વૃત્તાંતો.
*
અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, આ બૃહદ્ નવલકથામાં ‘ગુજરાતી જીવન’ને એના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવાહોમાં ઝીલવા મુનશી અહીં પ્રવૃત્ત થયા છે, અને ઉપર દર્શાવેલાં મુખ્ય-ગૌણ વૃત્તાંતોનું વિસ્તૃત ફલક તેમણે એ આશયથી પસંદ કર્યું છે. દાદા ગણપતિશંકર ત્રિપાઠીની ભોંયવાડાની જર્જરિત ચાલમાં ચાલતી પરંપરાગત રીતિની પાઠશાળા વિરુદ્ધ નવી અંગ્રેજી શાળા, બેરિસ્ટર રાધારમણની હાઈકોર્ટમાંની ચેમ્બર, વેડછીના હળપતિઓની રેલી, બારડોલીનો સત્યાગ્રહ, મુંબઈના મજૂર લત્તાઓમાં કમ્યૂનિસ્ટોની પ્રચારપ્રવૃત્તિ, મુંબઈ કૉંગ્રેસનું રાજકારણ, પૂનામાં રાજકીય ખટપટો, સાબરમતી આશ્રમ, જંબૂસર તાલુકાની ભૂગર્ભ ચળવળ, રાજકીય કેદીઓનું જેલજીવન, પરદેશી માલના બહિષ્કારનું આંદોલન – એમ તત્કાલીન જીવનના અનેક સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવાહો અહીં જુદી જુદી રીતે ઝીલાતા રહ્યા છે. ગાંધીજીની અહિંસક લડત અને શ્રી અરવિંદની પૂર્ણયોગની સાધના એ બે મહાન ઘટનાઓ, એક રીતે, આ કથાવિશ્વમાં વિશિષ્ટ અક્ષાંશ રેખાંશ સમી વિસ્તરી છે. રવિ, રાજબા, શીલા, ઉદય, રાધારમણ, ગણપતિશંકર આદિ મહત્ત્વપૂર્ણ પાત્રોના અનુભવો અને તેમની જીવનગતિને સમજવા અને ઘટાવવામાં એ બંને ઘટનાઓ reference-points જેવી બની રહે છે.
આમ જુઓ તો, મુનશી આ નવલકથામાં આપણા યુગની સાંસ્કૃતિક કટોકટીને critically આલેખવા ચાહે છે. એમાં રવિ ત્રિપાઠીના વ્યક્તિત્વની વિસંવાદિતા અને આંતરિક કટોકટી અને તેને અંતે ‘પુનર્જન્મ’ – એ આખી ય કથા આપણા એક પાયાના સાંસ્કૃતિક-આધ્યાત્મિક આંતરવિરોધને પકડમાં લેવા મથે છે. જો કે, આ લેખની ચર્ચામાં આપણે આગળ જોઈશું કે, મુનશીને આખી ય સમસ્યાને કળાત્મક રૂપ આપવામાં અમુક મર્યાદાઓ નડી જ છે. પણ તેમનો ઉપક્રમ તેથી અવગણી શકાય નહિ. હકીકતમાં, ગણપતિશંકર, ઉદય, રાજબા, શીલા જેવાં અગ્રણી પાત્રોમાં ભારતીય સંસ્કારો પ્રગટ થાય છે, તો રાધારમણ, મોના, એલિસ જેવાં પાત્રો સ્પષ્ટપણે પાશ્ચાત્ય સંસ્કારો અને આચારવિચારોથી રંગાયાં છે. મહાનગર મુંબઈના ‘ગુજરાતી જીવન’ની સામાજિક સાંસ્કૃતિક ભૂમિકા અહીં ઘણી સારી રીતે ઊપસી આવી છે. વાસ્તવમાં અંગ્રેજી શાસન દરમ્યાન પાશ્ચાત્ય સંસ્કાર અને શિક્ષણનો વધુ વ્યાપક અને ઊંડો પ્રભાવ મુંબઈના ગુજરાતી સમાજ પર, વધુ તો ત્યાંના ધનિક સમાજ પર પડ્યો. એટલે મહાનગર મુંબઈના પ્રજાજીવનમાં ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કારોનો સંઘર્ષ વધુ તીવ્રપણે જન્મી આવ્યો. ‘તપસ્વિની’નું ઘટનાફલક મુંબઈ એ રીતે ધ્યાનપાત્ર ઠરે છે. ‘તપસ્વિની’ એક વિશેષ અર્થમાં ‘ઐતિહાસિક નવલકથા’ બને છે. એમાં શ્રી અરવિંદ, ગાંધીજી અને સરદાર જેવાં અગ્રણી ઐતિહાસિક પાત્રો ગૂંથાયા છે. પણ એ સાથે વધુ તો આ કથાનાં મુખ્ય ગૌણ કલ્પિત પાત્રોમાં તત્કાલીન સમાજસંસ્કૃતિનાં પરિબળો કામ કરતાં પ્રત્યક્ષ થાય છે. રવિ, ઉદય, શીલા આદિની રાજકીય પ્રવૃત્તિઓમાં, તેમ આ કથામાં રજૂ થતી સામાજિક સાંસ્કૃતિક સંસ્થાઓની ગતિવિધિઓમાં, સૂક્ષ્મ અને પ્રગટ કે પ્રચ્છન્નપણે, તત્કાલીન પ્રજાકીય ચેતના સક્રિય રહી છે. જો કે, બિનંગત અને વસ્તુલક્ષી ઇતિહાસ સંભવે છે કે કેમ એ એક મોટો પ્રશ્ન રહે જ છે. અને મુનશીને આ નવલકથામાં એવા કોઈ ઇતિહાસ સાથે કદાચ એટલી નિસ્બત પણ નથી. તેમણે મુખ્ય પાત્રોનાં સંવેદન-ચિંતનમાં તેમ તેમનાં કાર્યોમાં, સંઘર્ષોમાં, સંશયોમાં ઐતિહાસિક ઘટનાઓનું ‘હાર્દ’ ઝીલવા પ્રયત્ન કર્યો છે. માનવજીવન – વ્યક્તિગત સ્તરે કે સામાજિક સ્તરે – અતિ સંકુલ જટિલ પ્રક્રિયા છે. એમાં બહારના ઐતિહાસિક બનાવોની અસર ઝીલાય છે, તો પાત્રની નિજી વ્યક્તિતા અને નિજી પ્રકૃતિ પણ એમાં ભાગ ભજવે છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે મુનશી ઇતિહાસની ગતિવિધિઓને ભિન્નભિન્ન પાત્રોના ચેતના પર અસરકર્તા પરિબળો તરીકે આલેખવા ચાહે છે. ગાંધીજીની લડત, કૉંગ્રેસ ‘કલ્ચર’ કે રાજકીય કેદીઓની કથા ભિન્નભિન્ન પાત્રોમાં જુદા જુદા આઘાતો-પ્રત્યાઘાતો રૂપે રજૂ થાય છે. ઇતિહાસ, પાત્રોની ચેતનામાં એ રીતે અર્ધવિગલિત બને છે, અને અર્ધ પારદર્શી આવરણ રચે છે.
*
રવિ ત્રિપાઠીના જીવનની ગતિવિધિ આ નવલકથામાં સૌથી પ્રભાવક થિમ બને છે. મુનશીનું વિશિષ્ટ જીવનદર્શન એમાં અન્વિત રહ્યું છે. આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ નીચે આપણા રાષ્ટ્રીય જીવનમાં જે દાર્શનિક/સાંસ્કૃતિક સંઘર્ષો ઊભા થતા ગયા, અને તરુણ શિક્ષિતોના જીવનમાં વૈયક્તિક સ્તરે જે આંતરિક કટોકટી જન્મી પડી, તે આખો સંદર્ભ મુનશીને માટે અહીં પ્રેરક તત્ત્વ બન્યો છે. રવિ ત્રિપાઠીના વૃત્તાંતને આવો વિશાળ સંઘર્ષમૂલક સંદર્ભ મળ્યો છે. તે જે રીતે જાહેર જીવનમાં ઝંપલાવે છે, અને જે રીતે જીવનનું ઘડતર કરતાં કરતાં પોતાના આશયોની તપાસ કરતા રહે છે, તે ઘણી સૂચક બાબત છે. પોતાના અંતરમાં જન્મી પડેલી દુર્દમ્ય મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા જતાં તે અંદરથી જ તૂટતો રહે છે. દાદા ગણપતિશંકરના સ્નેહ અને વિશ્વાસનો દ્રોહ કરીને તે પોતે આગળ વધવા મથી રહ્યો છે એવો એક સંદિગ્ધ અને પ્રચ્છન્ન અપરાધબોધ, કદાચ, આરંભના ઘડતર કાળથી જ તેના અંતરમાં કામ કરી રહ્યો છે. છતાં પોતાના માર્ગે જવા સંકલ્પબદ્ધ રહીને તે જે જે પ્રવૃત્તિઓ આરંભે છે તેમાં મૂળથી જ અપ્રામાણિકતા અને આત્મદ્રોહ રહ્યાં છે. અને એટલે જ તે લાંબો સમય પોતાની જાતનો સામનો કરી શકતો નથી. અંદર ઊંડે ઊંડે જન્મી પડેલી વિચ્છિન્નતા જ તેની વિફલતામાં પરિણમતી જાય છે. સમય અને સંજોગો વચ્ચે તે આઘાતો પામીને નિર્ભ્રાન્ત બને છે. અંતર્મુખી વૃત્તિથી તે પોતાને અહંભાવના કોશેટામાં બંધાયેલો જુએ છે. ઉત્તર ભાગની કથામાં અંતે રાજબાના ઉદાત્ત સ્નેહના સ્પર્શ તે અહંભાવનું વિસર્જન કરવા સમર્થ બને છે. પોતાપણું સિદ્ધ કરીને જગત સમસ્ત પર પ્રભાવ પાડવા નીકળેલા એક તેજસ્વી તરુણના આત્મશોધનની આ કથા, જેવી છે તેવી, એક poignant theme તરીકે અહીં ધ્યાન ખેંચે છે. રવિ ત્રિપાઠીની વ્યક્તિકથા પાછળ મહાનગર મુંબઈના ગુજરાતી વર્ગની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પશ્ચાદ્ભૂમિકા રહી છે. તેની મનોદશા અને તેનો મિજાજ એ કોઈ આકસ્મિક વસ્તુ નથી. આ સદીના ત્રીજાચોથા દાયકાના પ્રજાજીવનનાં સ્થૂળસૂક્ષ્મ અસંખ્ય પરિબળો એને આકાર આપે છે. કિશોરકાળના રવિ ત્રિપાઠીમાં પોતાની રંક દરિદ્ર દશા પ્રત્યે ભારોભાર અસંતોષ અને ગ્લાનિ જન્મી પડે છે. તેને એટલી તો ખબર છે કે દાદાજી ગણપતિશંકર પ્રાચીન વેદવિદ્યાના મોટા પંડિત છે, અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનન્ય નિષ્ઠા ધરાવે છે. તે એ પણ જુએ છે કે દાદાજીએ અત્યંત સાદગીભર્યું સંયમી અને અપરિગ્રહવ્રતવાળુ જીવન સ્વીકાર્યું છે. છતાં ભોંયવાડા વિસ્તારની જૂની ખંડિયેર-શી ચાલમાં દાદા જે દશામાં જીવે છે, તે આખી પરિસ્થિતિ તેને અસહ્ય લાગે છે. માધવબાગના લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાં એક બાહ્મણબટુક તરીકે દાનદક્ષિણા માટે તે દિવસે તેણે હાથ લંબાવ્યો, ત્યારે એક કારમાંથી ઊતરેલા તેની જ વયના એક શ્રીમંત બાળકે તેને પાંચ રૂપિયા આપ્યા! એ પ્રસંગે તેના અંતરમાં ખુશી જન્મી ખરી, પણ પોતાની નિર્માલ્ય દશાનુંય તીવ્ર ભાન તેને થયું! એટલે પોતે પણ પુરુષાર્થ કરી અઢળક ધનસંપત્તિ મેળવે, સત્તા અને માનમોભ્ભો પ્રાપ્ત કરે, આખાય સમાજ પર પોતાનો પૂર્ણ ‘પ્રભાવ’ વિસ્તારી દે એવી પ્રબળ એષણા તેના અંતરમાં તે સેવવા લાગે છે. તેને લાગી રહે છે કે અહીંના ધનાઢ્ય સમાજની સામે પોતે સાવ તુચ્છ અને હીન દશામાં સબડી રહ્યો છે, અને એ ધનિક સમાજ તેના તરફ ઉપહાસની નજરે જોઈ રહ્યો છે! તેને ઉગ્ર અંસતોષ તેની દુર્દમ્ય મહત્ત્વાકાંક્ષામાં પરિણમે છે : તેનો પ્રખર અહંભાવ તેની વિજિગીષામાં ફેરવાઈ જાય છે. અને આવા મનોભાવ સાથે જ તે સરકારી શાળામાં નવી પદ્ધતિનું શિક્ષણ લેવા જોડાય છે! દાદાજીની પાઠશાળા અને પ્રાચીન સંસ્કારિતા તેને હવે ખપનાં રહ્યાં નથી! રવિ ત્રિપાઠીના ચરિત્રનિર્માણમાં મુનશી અમુક અજ્ઞાત ગ્રંથિઓને પકડી શક્યા છે, તેથી એમાં અમુક રીતની સંકુલતાય નિર્માણ કરી શક્યા છે. તેના વૃત્તાંતમાંથી એક વાત એ સ્પષ્ટ થઈ છે કે શિશુવયમાં જ તે માતાને ગુમાવી બેઠો છે. એ રીતે નારીના વાત્સલ્યથી તે વંચિત રહ્યો છે. શ્રીમંત સન્નારી શીલાની કાર આગળ તે હડફેટમાં આવી ગયો, અને મોટી ઈજા થઈ, ત્યારે શીલાએ તેને પોતાના બંગલે લઈ જઈ તેની સેવાશુશ્રૂષા કરી. એ સમયે એક સંસ્કારી અને જાજ્વલ્યમાન નારીના સહવાસથી રવિનું અંતર કોળી ઊઠ્યું. ખાસ તો તેની કોમળ લાગણીભરી સેવાશુશ્રૂષાથી તેનું અંતર દ્રવી ઊઠ્યું. પણ એ સાથે શીલાનો ધનવૈભવ જોઈ આખાય ધનિક વર્ગ માટે તેના હૃદયમાં રોષની પ્રબળ લાગણી ય ઉદ્ભવી! તરુણ વયમાં રવિ ત્રિપાઠીએ જાહેર જીવનમાં ઝંપલાવ્યું, ત્યારે આખા ય જગતને જીતવા નીકળ્યો હોય તેવી પ્રખર મહત્ત્વાકાંક્ષા તેના ચિત્તમાં દહી રહી હતી. સત્તાવનના બળવાની દાદાજીએ કહેલી કથા, પિતા શિવુભાઈએ વહોરેલી શહીદી, અને માસ્તર ભગવાનદાસે બતાવેલી નવી દુનિયા-એ સર્વે તેના ચિત્તમાં સંચિત થઈને પડ્યું હતું... રવિ ત્રિપાઠીનો જીવનમાર્ગ, દેખીતી રીતે જ, દાદા ગણપતિશંકરના માર્ગથી સાવ જુદો છે. દાદા ગણપતિશંકરને માટે વિદ્યાપ્રાપ્તિ એ જ જીવનનું પરમ મૂલ્ય છે. જીવનભર વિદ્યાની ઉપાસનામાં જ તેઓ રોકાયેલા રહ્યા. અકિંચનપણું તેમણે સ્વેચ્છાએ અંગીકાર કર્યું હતું. ધનવૈભવ, સત્તા કે દુન્યવી લાભોની કોઈ એષણા તેમને સ્પર્શતી નહોતી. લગભગ નિવૃત્તિમય બની શાંતિનું જીવન તેઓ ગુજારી રહ્યા હતા. ભારતીય પરંપરાના ઋષિમુનિઓ અને બ્રાહ્મણોને ઇષ્ટ એવો એ જીવનમાર્ગ છે. પૌત્ર રવિ ત્રિપાઠી એ માર્ગથી ઊફરો જવા મથે છે. સત્તા અને ધનવૈભવ દ્વારા જ તે આ જગત પર પોતાનો ‘પ્રભાવ’ પાથરવા ઝંખે છે. દેખીતી રીતે જ, આધુનિક પાશ્ચાત્ય જીવનરીતિની પ્રેરણા એમાં કામ કરી રહી છે. પોતાની અંદર પડેલી સર્વ શક્તિઓને ખિલવીને, સ્પર્ધા અને સંઘર્ષના જગતમાં વિરોધી પરિબળોને મહાત કરીને વિજય મેળવવો એ આજના પાશ્ચાત્ય માનવીની ઊંડી ઝંખના રહી છે. રવિએ સ્વીકારેલા માર્ગમાં, તેની મહત્ત્વાકાંક્ષામાં, તેના સંકલ્પમાં, આ પ્રકારનો પાશ્ચાત્ય વ્યક્તિવાદ જ ઉગ્ર રૂપમાં છતો થતો દેખાય છે. તેની સમસ્ત જીવનગતિ એ રીતે દાદા ગણપતિશંકરના માર્ગથી તીવ્ર વિરોધમાં ઊપસી આવે છે. તરુણ વયે રવિ ત્રિપાઠી રાષ્ટ્રીય જીવનમાં જોડાવાની ઇચ્છા દાદાજી સમક્ષ પ્રગટ કરે છે, ત્યારે દાદાજી તેને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે રવિને આશીર્વાદ આપતાં દાદાજીએ એમ કહ્યું હતું : ‘મારા દીકરા, તને આજે ઈશ્વરે જ પ્રેરણા કરી છે, તારા પૂર્વજોના પુણ્યે. હું પણ મહિને છ મહિને જવાનો. પણ મારી તપશ્ચર્યા આજે ફળી. જા ભારતવાસીઓને મારો – તારા પૂર્વજોનો – મહર્ષિઓનો સંદેશો જઈ સંભળાવ. ધર્મનો ઉદ્ધાર કર. એ જ બ્રહ્મણોનો પરમ અધિકાર છે.’ પણ રવિ પોતાના અંતરમાં જુદી જ એષણા પોષી રહ્યો છે! દાદાજીના વિશ્વાસનો દ્રોહ કરીને તે પોતાને માર્ગે આગળ ધપે છે! પોતાનો ‘પ્રભાવ’ પાડવા તે પ્રથમ કમ્યૂનિસ્ટ પ્રચારકોની છાવણીમાં જોડાય છે, અને તેમને વેશ ધારણ કરી તે તેમની પ્રચાર પ્રવૃત્તિમાં જોડાય છે. દાદાજીના શબ્દોને પ્રયત્નપૂર્વક તે અંતરના ઊંડાણમાં ક્યાંક ધરબી દેવા મથે છે! જો કે પોતે દાદાજીને છેતરી રહ્યો હતો એ જાતનો અપરાધબોધ પણ તેનામાં જન્મી પડે છે. તેના હવે પછીના જીવનમાં દાદાજીના શબ્દો ફરીફરીને સજીવન થઈ ઊઠે છે, અને તેના અંતઃકરણને જગાડી જાય છે. હકીકતમાં, દાદાજીની જીવનભાવના જ તેના આત્માને અસંપ્રજ્ઞાતપણે પ્રેરી રહે છે. જો કે રવિના આંતરસત્ત્વને પ્રગટ કરવામાં, અને તેને ચોક્કસ વળાંક આપવામાં, ઉદય, શીલા, રાજબા, વિનાયકરાવ, દિનકર જાની જેવાં અનેક પાત્રોનો પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો છે. શ્રી અરવિંદ, ગાંધી, સરદાર જેવી ઐતિહાસિક વ્યક્તિઓ પણ તેના વ્યક્તિત્વ પર અમુક સંસ્કાર મૂકી જાય છે. રવિની ચેતના, ખરેખર જ સંકુલપણે ઊઘડતી દેખાય છે. કમ્યૂનિસ્ટ મંડળમાં જોડાયા પછી કેટલાક સમયે મોના નામની મહિલા કોમરેડ તેને આવી મળે છે. સ્વભાવે એ મહિલા પ્રગલ્ભ, સાહસિક, તુંડમિજાજી અને પ્રતાપી છે. કમ્યૂનિસ્ટ વિચારસરણીમાં તે પૂરી આસ્થા ધરાવે છે. અત્યારે, ખરેખર તો, તે અજ્ઞાતવાસમાં સમય ગાળવા આવી છે. પણ રવિ ત્રિપાઠીની ઓરડીમાં આશ્રય મળતાવેંત જ તે ધૃષ્ટતાપૂર્વક તેની જીવનસંગિની બની બેસે છે. અને કંઈક પરવશપણે રવિ તેના સહવાસને સ્વીકારી ય લે છે. પણ રવિમોનાના સહવાસના સંદર્ભે એમ નોંધવું જોઈએ કે એની રજૂઆત નબળી રહી ગઈ છે. મોના જેવી મહિલા અજ્ઞાતવાસ શોધતી અહીં આવે એ ઘટના બિલકુલ સ્વાભાવિક લાગે, પણ જે પ્રગલ્ભતા અને સાહસિકતાથી તે રવિની જીવનસાથી બની બેસે છે, તે એટલી પ્રતીતિકર નથી. પણ રવિના આત્મબોધની દૃષ્ટિએ આ વૃત્તાંત અવલોકનીય છે, કેમ કે એ સંદર્ભે એક વાત એ ઊપસે છે કે આખા ય જગત પર પોતાનો ‘પ્રભાવ’ પાથરવા નીકળેલો રવિ આ પ્રગલ્ભ અને સ્વાધીન સ્ત્રીની સામે નિર્માલ્ય અને નિસ્તેજ પુરવાર થાય છે! બીજી વાત એ કે આ દેશના કમ્યૂનિસ્ટ પ્રચારકો જે રીતે પરદેશમાંથી પ્રેરણા લઈ પોતાનું પ્રચારકાર્ય કરી રહ્યા હતા, અને ભારતીય સંસ્કારિતાને તરછોડીને જે રીતે સ્વચ્છંદી જીવન જીવી રહ્યા હતા, તે મોનાના પાત્ર દ્વારા મુનશી સૂચવી દેવા ચાહે છે. પછીથી રવિ ત્રિપાઠી મુંબઈ કૉંગ્રેસમાં દાખલ થાય છે ત્યારે તેને મોના સાથે ભારે વિવાદ થાય છે. અને અંતે બંને છૂટાં પડે છે. પણ મોના પ્રત્યે રવિના અજ્ઞાત મનમાં કશીક ઘૃણા, જુગુપ્સા અને રોષની લાગણી જન્મે છે, એટલે સૌમ્યમૂર્તિ રાજબાના નિકટના સંપર્કમાં તે આવે છે, ત્યારે તેને જોવાસમજવામાં એ રોષની લાગણી અમુક અંતરાય રચે છે, કહો કે એક વિલક્ષણ આવરણ બને છે. મોના સાથેનો વિવાદ, એક રીતે, હતાશ બનતા ગયેલા રવિના આંતરમનનો સંકેત આપી દે છે. કમ્યૂનિસ્ટોના મંડળમાં કામ કરતાં રવિ ત્રિપાઠીને બહુ થોડા સમયમાં નિર્ભ્રાન્ત બનવાનું આવે છે. તેને તો કોઈ પણ ભોગે પોતાનો ‘પ્રભાવ’ વિસ્તરે એ માટે ઝડપથી ટોચના સત્તાસ્થાને પહોંચવું હતું. પણ તે જોઈ શકતો હતો કે કમ્યૂનિસ્ટ પક્ષમાં હજી તે સૌથી નીચલી પાયરીએ છે, અને ‘પોલિટ બ્યૂરો’માં સ્થાન મેળવતાં તો કદાચ તેની આખી જિંદગીય ખરચાઈ ખૂટે! અને એટલે જ કમ્યૂનિસ્ટોની વિલક્ષણ કાર્યપદ્ધતિના એક ભાગરૂપ ‘ટ્રોજન હોર્સ’ના વ્યૂહમાં તે મુંબઈ કૉંગ્રેસમાં દાખલ થાય છે. દેખીતી રીતે જ, રવિના કૉંગ્રેસ પ્રવેશ એ તેનું પ્રપંચી પગલું છે. કૉંગ્રેસની વિચારસરણીમાં તેને ખરેખર કોઈ આસ્થા નહોતી. અને ગાંધીજીની જીવનભાવના અને તેમની અહિંસક કાર્ય પદ્ધતિમાંય તેને વિશ્વાસ નહોતો. માત્ર એ સંસ્થાને અંદરથી તોડીને અરાજકતા ઊભી કરવા પૂરતો જ તેને રસ હતો. તેનું એ કાર્ય જેટલું આત્મવંચનાભર્યું હતું, તેટલું જ એ અપ્રમાણિક પણ હતું. પણ હકીકત તો એ રહી છે કે કમ્યૂનિસ્ટોની વચ્ચે હતો ત્યારે ય તે એવી જ અપ્રમાણિકતા આચરતો રહ્યો હતો! મજૂરો કામદારોના હિત માટે તે લડ્યો જ નહોતો! તેને તો પોતાની મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવી હતી! અને, એટલે જ એ અપ્રમાણિક જિંદગી તેના અંતર પર ધીમે ધીમે બોજ બનતી ગઈ. મોના સાથેના છેલ્લા વિવાદને અંતે રવિને પોતાની જાતતપાસ કરવાનો અવકાશ મળે છે :
*
‘મહિનાઓ ઉપર મોનાએ તેને કહ્યું હતું, ‘રવિ, તું મારું સર્વસ્વ છે.’ પણ આજે જરા જેટલો મતભેદ પડતાં એણે માર્ક્સ-લેનિનનાં સૂત્રો, હિંસા, વર્ગદ્વેષ, વિશ્વવિપ્લવ, રશિયા, આ બધાંને વધારે પ્રિય ગણ્યાં હતાં કે પછી આ તેનો ભ્રમ હતો? રવિએ પણ ઘણી વખત પ્રણયોક્તિથી તેને વધાવી લીધી હતી. ‘હું તને ચાહું છું, મોના’, એ એના શબ્દોનો શો અર્થ? ને મોનાએ પ્રણય કેવો કલ્પ્યો હતો? માત્ર સાથે રહેવું, એક પ્રકારનું શુષ્ક સાહચર્ય સેવવું, માર્ક્સ-લેનિનના વિચારોની આપલે કરવી, પોલીટબ્યૂરોની આજ્ઞા માનવી, કામદારો સાથે રહી અસંતોષ કેળવવો ને હડતાળો પડાવવી! પણ આ બધાંથી પ્રણય મહાન નહોતો? પ્રેમમાં કોઈ જુદો અર્થ સમાયો હતો કે માત્ર આ સામાન્ય અર્થ? માત્ર સહચાર? એક પ્રવૃત્તિમાં સહયોગ? ધન અને વાસની ભાગીદારી? રવિએ વાંચ્યું હતું કે પ્રણય આ બધાથી જુદો છે. તે એક એવી શક્તિ હતી કે બે જણને સદૈવ એક કરી રાખે અને એકબીજાથી અળગા થવા માંગીયે તો ય ન થવાય.”
*
અને, રવિ ત્રિપાઠી આવા મનોભાવ સાથે મુંબઈની કૉંગ્રેસમાં દાખલ થાય છે. તેની જીવનગતિમાં નારીઝંખના અને રાજકારણ – બંનેય એકબીજામાં ગૂંચાતાં રહે છે. મોના છોડી ત્યારે તેના જેવી સ્ત્રી તેને માટે મોટું બંધન બની ગઈ છે, એમ તેને લાગ્યું હતું. મોના અને પોલિટબ્યૂરોના સકંજામાંથી તેને છૂટવું હતું!! દાદા ગણપતિશંકરના શબ્દો તેને એ ક્ષણે યાદ આવ્યા. દાદાજીએ સ્વીકારેલો વિદ્યામાર્ગ પણ તેના સ્મરણમાં આવ્યો. પણ લોકો પર ‘પ્રભાવ’ પાડવાની તેની ઘેલછા દૂર થઈ નહિ! મુંબઈ કૉંગ્રેસમાં જોડાતાં રવિનું કાર્યક્ષેત્ર બદલાયું; બલકે ‘કૉંગ્રેસ કલ્ચર’નો તેને વાસ્તવિક અનુભવ થયો. કૉંગ્રેસની બેઠકમાં પહેલા જ જાહેર સંબોધને તેણે સૌને પોતાની વાગ્મિતાથી ચકિત કરી દીધા. અહીંથી ઉદય, રાજબા અને શીલા સાથે તેને ગાઢ સંપર્કમાં આવવાનું બન્યું. ઉદય અને શીલા જેવાં કાર્યકરોને, પોતાનો પ્રભાવ વિસ્તારવામાં ખપમાં લઈ શકાશે એવો વ્યૂહ પણ તેણે મનોમન વિચારી લીધો. તે સાથે એ બંનેના સ્નેહસંબંધને ‘બ્લેકમેઈલ’ કરી પોતાનું હિત સાધવાની યુક્તિ ય કરી! ઉદયના અંગત સેક્રેટરી તરીકે કામગીરી ય કરી, પણ ઉદયની રાજકીય પ્રવત્તિઓને ભિન્નભિન્ન કરી નાખવા વિરોધીઓના જૂથમાં ય તે ભળ્યો! એ પછી રવિ ત્રિપાઠીને જેલવાસ આવ્યો... અને જેલ તોડીને ભાગવાની કોશિશ કરી... જંબૂસર તાલુકામાં દિનકર જાનીના ચળવળિયા જૂથની ભાંગફોડિયા પ્રવૃત્તિમાં સંડોવાયો, પણ ત્યારે તો તેની માનસિક ભૂમિકા ઘણી બદલાઈ ચૂકી હતી!
વાસ્તવમાં, રવિની આ સર્વ રાજકીય પ્રવૃત્તિઓની સાથોસાથ તેની મનોઘટના સૂક્ષ્મપણે બદલાતી રહે છે. અને એમાં સૌમ્ય અને મધુરમૂર્તિ રાજબાની ઊંડી પ્રેરણા રહી છે. ખરેખર તો રવિના તેની સાથેના લાગણીસંબંધો પણ સૂક્ષ્મ રીતે પલટાતા રહ્યા છે. રવિ અને રાજબા વચ્ચેનો સંકુલ લાગણીસંબંધ, અને રવિનો આંતરસંઘર્ષ – આ તબક્કામાં માર્મિક રીતે આલેખાયો છે. રાજબા, મુનશીની જ વિલક્ષણ કલ્પનાનું નારીપાત્ર, આ નવલકથાનું નિરાળું પાત્ર છે. રાજકુળમાં જન્મી છે, છતાં મીરાંની જેમ કોઈ ગૂઢ પ્રેરણામાં તે જીવી રહી છે! નર્મદાના સ્વામીરાજની કથા તેને હૃદયસંતર્પક નીવડે છે. તો પોંડેચેરીમાં શ્રી અરવિંદના પરમ આશીર્વાદ પણ તેને મળ્યા છે! કુટુંબ-જીવનની વચ્ચે ય તે ધ્યાનભક્તિમાં લીન બને છે. કૃષ્ણ દ્વૈપાયનની તેને ઝાંખી થઈ છે, એટલે દુન્યવી બાબતોમાં તે નિર્લેપ બની રહે છે. અંતરની ઊંડી શ્રદ્ધાને કારણે તે એકદમ સ્વસ્થ, શાંત અને સૌમ્ય ભાવમાં જીવ્યા કરે છે. મુનશીએ આ નારીપાત્રની આસપાસ જાણે કે અપાર્થિવ આભામંડળ રચવા પ્રયત્ન કર્યો છે. એ રીતે કેટલેક પ્રસંગે તેને ભવિષ્યવાણી ઉચ્ચારતી આલેખી છે. જો કે નિકટતાથી જોતાં જણાશે કે તેની એ ‘વાણી’ ઉદય જેવાં સ્વજનોની ચિંતા પૂરતી જ વધુ તો સીમિત રહી છે. રાજકીય પ્રવૃત્તિઓ નિમિત્તે રવિને રાજબાના સંપર્કમાં આવવાનું થયું ત્યારે, પ્રથમ તો એ યુવતી પ્રત્યે તેને અણગમો અને દ્વેષ જન્મ્યાં. પણ જેમ જેમ તેને ઉદયના કુટુંબમાં સંપર્ક વધતો ગયો, તેમ તેમ રાજબાનું સૌમ્ય મોહક વ્યક્તિત્વ તેને પ્રત્યક્ષ થતું ગયું. પણ રાજબાની તેજોમય પ્રતિભા આગળ તે પોતાને તુચ્છ અને ક્ષુદ્ર અનુભવી રહ્યો. રાજબાને જીતવાની પ્રબળ લાલસા હવે તેણે કેળવવા માંડી. રાજબા જાણે કે તેના પૌરુષને પડકારી રહી છે; અને તેણે પડકાર ઝીલવો જ રહ્યો, એમ તે વિચારે છે. પણ ઉદય અને શીલાના સંબંધને તેણે જે ક્ષણે રાજકીય લાભ અર્થે વટાવી જોયો, એ પ્રસંગે પોતે રાજબાનો અપરાધ કર્યો હોય એવી ઊંડી લાગણી તેને થઈ આવી.
*
રાજ તેની સામે જોઈ રહી. ને ધીરેથી ઊંઘમાં હોય તેમ એણે પૂછ્યું, “આ શું સૂઝ્યું?’ પોતાને પૂછ્યું કે કોને તે સમજાયું નહીં, પણ તેનો જવાબ તલવારની ધારની માફક એના હૃદયમાં ભોંકાઈ ગયો. રાજે આંખો મીંચી દીધી અને રવિ ત્યાંથી નાઠો. ટેક્સીમાં બેસી તે ઘરે આવ્યો. ટોપી ફેંકી દઈ તે ચટાઈ પર પડ્યો ને જોરથી બે હાથે તેણે વાળ ખેંચ્યા. ‘દુષ્ટ! રાક્ષસ!’ તેના મોઢામાંથી શબ્દો સર્યા. આખી રાત રવિ તડફડતો પડી રહ્યો. બે મોટી આંખો એના હૃદયનાં પડોને ભેદીને તેને તળિયે રહેલાં સ્વાર્થ, અભિમાન ને દુષ્ટતાના પડને કોરી રહી હતી. એને સ્વપ્ન આવ્યું. જાણે પેલી આંખો સુદર્શનચક્રની માફક એની પાછળ પડી હતી. એ નાસતો હતો... એ ફસાઈ પડ્યો... એ દુષ્ટ હતો...
*
રવિના અજ્ઞાત મનમાં જન્મી પડેલી ભાવગ્રંથિઓનું અહીં ઠીકઠીક અસરકારક નિરૂપણ થયું છે. પ્રશાંત ધ્યાનમૂર્તિ સમી રાજબાની ઠપકાભરી મૂક દૃષ્ટિ તેને ઊંડે ઊંડે શારી રહી છે, એમ આ સંદર્ભમાંથી સમજાય છે. ઉદય સામે તેણે જે રાજરમત આરંભી છે તેથી, રાજબાની નજરમાં પોતે ઊતરી ગયો છે, એવી સભાનતા સાથે તે વ્યથિત થઈ ઊઠે છે. બીજી બાજુ, રાજબા તેનું અપકૃત્ય જોતી છતાં તેને ઉદારતાથી ક્ષમા આપી રહી છે, એ ભાન પણ તેને અસ્વસ્થ કરી મૂકે છે. પણ રાજબા તેને માટે પરમ ઝંખનામૂર્તિ બની જાય છે. એટલે રાજબાના વચને તે ઉદયને ‘સહયોગ’ આપવા તત્પરતા દાખવે છે. રવિના નૈતિક-આધ્યાત્મિક જીવનમાં અહીંથી એક મોટો નિર્ણાયક તબક્કો આરંભાય છે. હજીય તે કેટલીક જાહેર પ્રવૃત્તિઓમાં રોકાય છે ખરો, પણ ‘પ્રભાવ’ વિશેની તેની દૃષ્ટિમાં આમૂલ પરિવર્તન આવવા લાગે છે, અને તેની આત્મખોજ વધુ ઉત્કટ બનતી જાય છે. રાજબાનો પ્રેમ એ જ તેની ગૂઢતમ ઝંખના બને છે; એટલે જાહેર જીવનની પ્રવત્તિઓ તેને હવે મિથ્યા લાગવા માંડે છે. રાજબા જ ‘સત્ય’ છે, ‘સૌંદર્યમૂર્તિ’, છે, અને તે જ તેની પરમ આરાધ્ય દેવતા પણ છે, એમ તેને લાગે છે. બીજી બાજુ, રાજબાને પણ રવિમાં પોતાની ઝંખનાનો તેજસ્વી પુરુષ દેખાયો છે, એટલે રવિની જીવનગતિને તે પોતાની રીતે વાળવાનો પ્રયત્ન આદરે છે. એ કારણે જ તો રવિના દાવપેચને જોતી સમજતી છતાં, તેને ક્ષમાવૃત્તિથી જુએ છે. રવિ અને રાજબાના લાગણીસંબંધો આ તબક્કે વધુ ને વધુ સૂક્ષ્મ અને સંકુલ બને છે. રાજબા પોતાના પ્રત્યે અત્યંત સૌમ્ય અને કોમળ ભાવે વરતે છે તે વાતથી, રાજબાના અંતરમાં પોતાને સ્થાન મળ્યું છે એમ રવિને પ્રતીત થાય છે. પણ, રાજબા તેને ‘સ્વામિની’ જેવી લાગ્યા કરે છે; પોતે તેની આજ્ઞાને અનુસરી રહ્યો હોય એવી લાગણી તે અનુભવે છે, એ રીતે તેનો સૂક્ષ્મ અહમ્ ઘવાય છે. રાજબાના પ્રભાવથી પોતે મુક્ત થઈ જવું જોઈએ, એવો મનોભાવ તે કેળવી રહે છે! પણ જેમ જેમ તે રાજબાની નિકટ આવતો જાય છે, તેમ તેમ તે વધુ ને વધુ અપાર્થિવ નારી લાગે છે! રાજબાની આધ્યાત્મિકતા રવિને વધુ ને વધુ પ્રતીત થાય છે, અને તેને પોતાને ય ખબર ન રહે તેમ તે રાજબાના આધ્યાત્મિક વિશ્વ તરફ વળે છે. રાજબા, ખરેખર તો, રવિને પોતાનો પ્રેરક સંદેશ આપીને સૂક્ષ્મપણે તેનું જીવનઘડતર કરવામાં રોકાય છે. હવે રવિ સ્વાતંત્ર્યની લડતમાં રાજબાનો સહકાર માગે છે. પણ રાજબા તેને જાહેર પ્રવૃત્તિઓની વ્યર્થતા સમજાવે છે, અને માનવજીવનનું પરમ શ્રેય તો આત્માની ઉન્નતિમાં રહ્યું છે – આત્માની સૌંદર્યમય સ્થિતિમાં રહ્યું છે – એવો સંદેશ આપે છે. પણ રવિ હજીય રાજકીય પ્રવૃત્તિઓથી સાવ અળગો બની શકતો નથી! ઉદય સામેની રાજરમતમાં તે ફરી પછડાટ ખાય છે! અને, રાજબા તેને કઠોર વચનો સંભળાવે છે, ત્યારે રવિ પોતાને માટે ભયંકર આત્મતિરસ્કાર અનુભવે છે. પોતાના ભૂતકાળનાં બધાં જ દુષ્કૃત્યો યાદ કરીને તે ઊંડા પ્રાયશ્ચિત્તમાં ડૂબે છે : ‘... રાજબા, જશો નહીં, ઊભાં રહો. એક વાર કહી દઉં? તમે... તમે મારું સત્ય છો.. તમે મારુ સૌંદર્ય છો... તમારો સ્નેહ કે પ્રણય પામવાની લાલસા મેં સેવી હતી. પણ હું તમારે યોગ્ય નથી... મારે સ્પર્શે તમને મેં અપવિત્ર કર્યા... તમે મારો પ્રકાશ હતાં. પણ હું અંધારાનું પંખી છું. મારા કર્મે પ્રકાશ નથી લખાયો. આજે મારું વિશ્વ અંધારું થઈ ગયું...’ રવિના આંતરપરિવર્તનમાં છેક છેલ્લો તબક્કો તે તેની જાત સાથેના સંઘર્ષનો છે. પોતે જે ‘પ્રભાવ’ ઝંખી રહ્યો હતો, તેની ભૂમિકા જ આમ તો બદલાઈ ગઈ છે. રાજબા તેના જીવનને ઘાટ આપી રહી છે, એ વિચાર પણ તેને ખટકી રહે છે. સૂક્ષ્મતમ અહંભાવનું સ્ફુરણ તેની માનસિક પ્રવૃત્તિઓમાં ચાલતું રહે છે. જેલવાસ દરમ્યાન એક સાથી કેદીના યજ્ઞોપવિતના પ્રસંગે ગંભીરતાથી તે ગાયત્રીમંત્રનું ઉદ્ઘાટન કરે છે, ત્યાં જ તેને પોતાના વર્તમાનની વિષમતા સમજાય છે. દાદા ગણપતિશંકર તેમને – ‘ધર્મદ્રોહી’ ‘સંસ્કારદ્રોહી’ અને ‘પિતૃદ્રોહી’ – એ શબ્દોમાં ઉપાલંભ આપી રહ્યા હોય એમ લાગે છે. જેલમાંથી ભાગીને રવિ એક રાત્રે રાજબાના બંગલામાં આશ્રય લે છે. રાજબા તેને પૂર્ણ વિશ્વાસથી પોતાના શયનખંડમાં દોરી જાય છે. પણ રાજબાના દેહલાવણ્યથી મોહિત થતા રવિમાં કામવિહ્વળતા જન્મી પડે છે! પણ રાજબાની શાંત નિર્મળ મૂર્તિ તેને સ્થૂલ સંબંધમાં સક્રિય થતાં રોકે છે. રાજબાએ આ ક્ષણે પોતાનામાં ભગવાન વ્યાસની ઝાંખી કરી છે, એ જાણી તેનો આત્મા ઊર્ધ્વલોકમાં વિહરતો થાય છે. ઘડીક જાતીય ઇચ્છાનો એક દુર્દમ્ય આવેગ ફરી એક વાર રવિને જકડી લે છે, પણ રાજબાના ‘આત્માના સૌંદર્ય’ને જાળવવા દૃઢ મનોબળથી તે પોતાની જાતને વારી લે છે! પણ રવિ હવે અગ્નિકસોટીમાંથી પસાર થઈ ચૂક્યો છે. હવે જે જેલવાસ તેને ભોગવવાનો આવ્યો તેમાં તેની જીવનદૃષ્ટિ જ બદલાઈ ગઈ. સમસ્ત રાષ્ટ્રમુક્તિની લડત જ તેને હવે મિથ્યા લાગે છે : “સંસારચક્રો ઊંધાં ફરતાં હતાં. પારકા પર પ્રભાવ મેળવવા બધાં ફાંફાં મારતાં હતાં. એ તો ખોટું હતું. સદંતર જૂઠાણું હતું. જેલમાં ગયે, પાટા તોડે, કે ઇન્કિલાબ ઝિંદાબાદ પોકારે, નથી માણસ પ્રભાવશાળી થતો કે નથી ખરો પ્રભાવ મેળવતો. સ્વરાજ્ય મળે તો ય ભવ્ય જીવન જીવવાના સંકલ્પ વિના કદી નહીં ટકે. કેટલા નેતાઓ સત્યમ્ શિવમ્ સુંદરમ્ હૃદયમાં સ્થાપી આચારમાં લાવતા હતા? અને જ્યાં સુધી તે આચારમાં ન આવે ત્યાં સુધી તેમને ખરો પ્રભાવ કેમ મળે? અત્યારે તો મૂર્ખ સાધુ ભીખ આપવા પંચાગ્નિ સેવે એવી પ્રક્રિયા ચાલતી હતી...” પોતાની કારકિર્દીના આરંભે રવિએ પોતે જ પોતાનો ‘પ્રભાવ’ પાડવા જાહેર પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું હતું! હવે તેને આખા દેશમાં ચાલતા રાષ્ટ્રીય સંગ્રામ મિથ્યા લાગે છે! નેતાઓના હૃદયમાં ‘સત્યમ્’ ‘શિવમ્’ અને ‘સુંદરમ્’ની સ્થાપના થઈ નથી, એમ તેને સમજાવા લાગ્યું છે. જો કે રવિ જે રીતે માનવવ્યક્તિના અંતિમ શ્રેય તરીકે આ ત્રણ પરમ મૂલ્યોની પ્રાપ્તિને સ્વીકારે છે, તેમાં તેની ચેતના કુંઠિત રહી જતી લાગે છે, કેમ કે રાજબાની આધ્યાત્મિક ભૂમિકાના સંદર્ભે રવિ તેનામાં ‘સત્ય’ અને ‘સૌંદર્ય’ની સિદ્ધિ જુએ છે ત્યાં, અને નેતાઓના અંતરમાં એવાં ‘સત્ય’ ‘સૌંદર્ય’નો અભાવ જુએ છે ત્યાંય, એ મૂલ્યોનું નર્યું અભિધાપરક કથન જ થયું છે. આત્મામાં સાકાર થતાં ‘સત્ય’ ‘સૌંદર્ય’ અને ‘શિવ’ના સાક્ષાત્કારની ગૂઢતમ ક્ષણો સુધી, ગહન આધ્યાત્મિક અનુભૂતિઓ સુધી, રવિની ગતિ થતી નથી. સર્જક-ચિંતક મુનશીની જ અંતે એ મર્યાદા બને છે. કદાચ, સત્ય તો એ સંભવે છે કે ‘સત્ય’ ‘શિવ’ અને ‘સુંદર’ જેવાં absolutesનો સ્વીકાર જ પાત્રોની ગહનગૂઢ ચૈતસિક : અનુભૂતિઓની અનવરુદ્ધ ખોજમાં અંતરાય બની રહે છે. રવિના જેલવાસની આખરી કથા ઘણી માર્મિક છે. આત્મશુદ્ધિની દિશામાં તેનો સંઘર્ષ હવે વધુ ને વધુ તીવ્ર બનતો જાય છે. તેને ફરીથી મળેલા જેલવાસ પાછળ તેની બદલાતી હૃદયવૃત્તિ જોઈ શકાય છે. જંબૂસર તાલુકામાં ક્રાંતિવીર દિનકર જાની અને તેના સાથીદારોએ રેલવેની જે ભાંગફોડ કરેલી એ કાવતરામાં પોતે ભાગીદાર નહોતો; છતાં આ પ્રસંગે એ ક્રાંતિવીરોને જીવતદાન આપવાની ઉદાર ભાવનાથી અદાલતમાં ભાંગફોડનો ગુનો તેણે પોતાને શિરે ઓઢી લીધો. પોતાના હિતથી ઊંચે ઊઠીને અન્યને અર્થે પોતાનું જીવન સમર્પિત કરવાનો ઉદાત્ત ભાવ તેના હૃદયમાં જન્મી પડ્યો હતો. પણ ભાંગફોડ માટે તેને ફાંસીની શિક્ષા મળશે એ ખ્યાલ સાથે તેનો આંતરિક સંઘર્ષ વળી વધુ ઉત્કટ બને છે. પોતાની ‘દિવ્યમૂર્તિ’ સાથે અંતરનો દોર સધાતાં તેનું વિશ્વ વિસ્તરવા લાગે છે. વિશ્વક્રમની ઘટનાઓ – જીવન અને મૃત્યુ, સૃષ્ટિ અને પ્રલય – એ સર્વ તેને હવે ક્ષણભંગુર લાગે છે. ભારતની રાષ્ટ્રીય મુક્તિની લડત વિશે તેનું દૃષ્ટિબિંદુ બદલાયું : “સ્વાતંત્ર્ય મળે આ દેશ – ઇંગ્લેન્ડ, ફાંસની નકલ જ કરવાનો હોય તો ‘ભારત’ કેમ રહે? પછી તો ધનાઢ્ય ને ગરીબ વચ્ચે વિગ્રહ; રાજપુરુષો વચ્ચે દ્વેષ ને સ્પર્ધા; નીતિ ને આચારમાં પશ્ચિમનું અનુકરણ; બોલરૂમમાં શૃંગાલ નૃત્યો ને સ્ત્રીપુરુષોના પાશવી સમાગમો; યુવકોની ઉચ્છૃંખલતા ને અસંસ્કારિતા; વધારે ધન ને પ્રચંડ ભોગવિલાસો; વધારે જુગારખાનાં ને વધારે પીઠાં, તોપો ટેંકો એરોપ્લેનો, વધારે વિશ્વવ્યાપી અશાંતિ ને અસુખ; ઈશ્વરની વિડંબના ને નૈતિક વ્યવસ્થામાં અશ્રદ્ધા; જડવાદની સર્વોપરિતા; આમાં માનવ ઉદાત્ત કેમ બને? માનવી તો હતો તેવો જ રહે... આસુરી યોનિનો.... અધોગતિમાં પચેલો!” રવિ ત્રિપાઠીની આ વિચારસરણીમાં ઊંચો ભાવનાવાદ પડ્યો છે : ભારતીય અધ્યાત્મવાદનું અનુસંધાન રહ્યું છે. આ ભૂમિકાએથી ચિંતન કરતાં સાચું શ્રેય તે વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિમાં રહ્યું છે, અને એટલે જ સાચું ઘડતર વ્યક્તિનું કરવાનું છે એમ તેને લાગવા માંડે છે. અહીં એ વાત આપણે ભારપૂર્વક નોંધવાની છે કે રવિને આ રીતે – રાષ્ટ્રનું નવનિર્માણ, સંગઠનો અને સંસ્થાઓનું કાર્ય, સામ્યવાદ, ચરખાવાદ – એ સર્વે દુન્યવી પ્રવૃત્તિઓ મિથ્યા સમજાય છે. સાચો પ્રભાવ વ્યક્તિની આધ્યાત્મિકતામાંથી જન્મે છે, અને તેણે એવો ‘પ્રભાવ’ જન્માવવાનો છે, એમ તે વિચારે છે. અલબત્ત, તેના એ વિચારમાં સૂક્ષ્મતમ અહંભાવ છુપાઈને પડેલો છે. પણ એવો ‘પ્રભાવ’ મેળવવા જ તો તે અન્નત્યાગ આરંભે છે! રવિને જેલમાંથી મુક્ત કરાયાના સમાચાર મળે છે ત્યારે તેના આત્મમંથનમાં વળી એક નવો વળાંક આવે છે. તેને એમ લાગે છે કે હવે તે જીવતો રહેશે એટલે રાજબાની સાથે સંસાર માંડશે; પણ એ સાથે જ, પોતે કેટલો ક્ષુદ્ર માટીનો જીવ છે તેની રાજબાને પ્રતીતિ થશે! અને, એ રીતે, હતાશ બનતા તેની (રાજબાની) દિવ્યતા લુપ્ત થશે. આ વિચારમાં પણ, રાજબાની સાધના ટકાવી રાખવામાં પોતાનું મૃત્યુ જ ઉપકારક બન્યું હોત, એવો સૂક્ષ્મ અહંભાવ પડેલો જ છે. નવલકથાના અંતિમ દૃશ્યમા રવિ ત્રિપાઠી રાજબા સમક્ષ આત્મસમર્પણ કરતો રજૂ થયો છે. ઊંડા આધ્યાત્મિક સંઘર્ષ પછી અહમ્ના સૂક્ષ્મ દુર્ભેદ્ય કોટલાને તોડીને તેનો આત્મા જાણે કે મુક્ત થાય છે. આ નવલકથાનો મુખ્ય વૃત્તાંત, આમ, આખા ય જગત પર ‘પ્રભાવ’ પાડવા નીકળેલો રવિ ત્રિપાઠી પોતાના અહંભાવનું પૂરું વિસર્જન કરવા સમર્થ બને છે, એ માર્મિક ક્ષણે સમાપ્ત થાય છે. રવિ ત્રિપાઠી તેના દાદા ગણપતિશંકરની જીવનભાવના સાથે એ ક્ષણે જાણે કે પૂર્ણ સંવાદ સાધી લે છે. બલકે, પ્રાચીન ભારતીય જીવનદૃષ્ટિ સાથે અનુસંધાન કરવા પામે છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના પાયામાં માનવ-વ્યક્તિના self-realizationનો જે ખ્યાલ રહ્યો છે એમાં જાણ્યેઅજાણ્યે ય અહમ્વાદ જ કામ કરી રહ્યો જણાશે. એથી ભિન્ન, પ્રાચીન ભારતીય જીવનદૃષ્ટિમાં વ્યક્તિના આધ્યાત્મિક શ્રેય પર બધો ભાર છે, અને એ માટે વ્યક્તિના અહમ્નો લોપ અનિવાર્ય લેખાયો છે. રવિની જીવનગતિમાં મુનશી, આમ, ભારતીય જીવનદૃષ્ટિનો પુરસ્કાર કરી રહ્યા છે, એમ સ્પષ્ટપણે ઊપસી આવે છે. રવિની જીવનગતિમાં પહેલે તબક્કે કોમરેડ મોના સાથેનું તેનું સહજીવન પણ અમુક અંશે વિધાયક તત્ત્વ બની રહે છે. પણ રાજબા સાથેનો સ્નેહસંબંધ વધુ સ્પષ્ટપણે તેના જીવનને ઘાટ આપે છે. સ્ત્રીપુરુષના પ્રેમનું ઉન્નત અને ઉદાત્ત સ્વરૂપ અહીં રવિ અને રાજબાના સંકુલ સંબંધમાં ઊપસી આવતું દેખાય છે. રાજબામાં રવિને, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ‘દિવ્યમૂર્તિ’ની ઝાંખી થાય છે, તો રાજબા પણ રવિમાં ‘કૃષ્ણ દ્વૈપાયન’ને પ્રત્યક્ષ કરે છે. રાજબાના અપાર્થિવ સ્નેહનો અનુભવ કરતાં રવિની તેના પ્રત્યેની સ્થૂળ કામવૃત્તિ સુધ્ધાં વિલય પામે છે. આમ, રાજબાના અપાર્થિવ સ્નેહથી રવિના મનના પ્રાકૃત અને સ્થૂળ અંશો લુપ્ત થતા રહે છે. સાચો પ્રેમ માનવ-આત્માને વિશુદ્ધ કરે છે, પ્રાકૃતતાથી ઊંચે ઉઠાવે છે, એવી પ્લેટોનિક પ્રેમભાવના એમાં આકાર લે છે. આ અગાઉ તેમની નવલકથાઓ અને પૌરાણિક નાટકોમાં આવી ભાવના-પરસ્તી વ્યક્ત થઈ હતી જ. આ નવલકથામાં એ ભાવના-પરાયણતા જરા જુદા સંદર્ભે રજૂ થઈ છે. અને, આમ જુઓ તો, સંસારના કુટિલ વ્યવહારમાં ડૂબેલા રવિ ત્રિપાઠીના આધ્યાત્મિક ઉત્કર્ષની એ કથા બને છે. પણ, એક કળાસ્વરૂપ લેખે નવલકથાને, આધ્યાત્મિક જગતમાં દૃઢ વિશ્વાસ સાથે ગતિ કરવાનું ખાસ ફાવ્યું નથી. એનાં કારણો ગમે તે હો, નવલકથાની ચેતના જ્યાં પાત્રની આધ્યાત્મિક ઉન્નતિને લક્ષવા જાય છે, ત્યાં તે માનવીય વાસ્તવિકતાની પકડ કોઈક સ્તરે ગુમાવી બેસે છે. ભાવનાવાદ કે અધ્યાત્મવાદ નવલકથાની કળાની કેમ સદતો નથી. તે એક મહત્ત્વનો તાત્ત્વિક પ્રશ્ન બને છે. રવિ-રાજબાના વૃત્તાંતમાં વસ્તુની પકડ ક્યાંક ઢીલી પડે જ છે. કદાચ રાજબાના પાત્રનિર્માણમાં મૂળથી જ ક્યાંક મુશ્કેલી સંભવે છે. તેની ધર્મઘેલછા સમજી શકાય, શ્રી અરવિંદના આશીર્વાદ મેળવે તે ય સમજાય, અને વારંવાર તે આધ્યાત્મિક સાધનામાં રોકાયેલી રહે તે ય સ્વીકારીએ, પણ તેના આધ્યાત્મિક અનુભવો અહીં પ્રતીતિકારક રીતે ઊઘડી શક્યા નથી. જ્યારે ઉદયના લગ્નની વિચ્છિન્નતાનો, કે ઉદય-શીલાના ઉદાત્ત સ્નેહનો, કે ઉદયની રાજકીય પ્રવૃત્તિઓનો તે વિચાર કરે છે ત્યારે તેનું ચરિત્ર જીવંતતા ધારણ કરે છે. પણ સ્થૂળ જાતીય ઇચ્છાથી પર થયેલી એ નારીમૂર્તિ કેટલેક અંશે અવાસ્તવિક લાગે છે! એથી ઊલટું, રવિના અજ્ઞાત મનના ચિત્રણમાં રાજબા અને મોના કે રાજબા અને હંસકુંવરબાની મૂર્તિઓ એકબીજીમાં ગૂંચવાતી રજૂ થઈ છે તે મનોવાસ્તવિક ઘટના વધુ સાચકલી લાગે છે. પણ કંઈક અચરજ થાય એવી બાબત એ છે કે મુનશી આ સદીના છઠ્ઠા દાયકામાં આ કથા લખવા પ્રેરાયા ત્યારે પણ પોતાની આરંભકાળની માનવપ્રેમની કલ્પનામાં જ બંધાયેલા રહ્યા! ભાવનાપરસ્તી, આદર્શવાદ કે આધ્યાત્મિકતા જેવાં તત્ત્વો નવલકથામાં ન જ આવે એવું નથી; પણ એ સર્વેને માનવીય વાસ્તવની નક્કર ધરાતલ પરથી રજૂ કરવાનાં રહે. પણ મુનશીએ અહીં પોતાને પ્રિય જીવનદૃષ્ટિ સાકાર કરવાની ઝંખના સેવી છે. રવિ ત્રિપાઠીનો વૃત્તાંત, આમ જુઓ તો, ઐતિહાસિક સામાજિક અને સાંસ્કૃતિક ઘટનાઓ સાથે ગૂંથાયેલો રહ્યો છે. પણ રવિની અંગત મહત્ત્વાકાંક્ષા જેમ જેમ નિષ્ફળ જાય છે, તેમ તેમ તે નિર્ભ્રાન્ત બને છે. પણ સાથોસાથ, રાજબા અને દાદા ગણપતિશંકરમાંથી તેને નવી પ્રેરણા મળે છે! અને, માનવ-જીવનનું સાચું રહસ્ય પામવા તે સમર્થ બને છે. પણ એ પ્રક્રિયામાં, શ્રી અરવિંદ અને ગાંધીજી જેવી વિભૂતિઓને બાદ કરતાં, આખા ય રાષ્ટ્રની મુક્તિની લડત, રાષ્ટ્રના નવનિર્માણના કાર્યક્રમો, સંસ્થાઓ, સંગઠનો ચળવળો એ સર્વમાંથી તેની આસ્થા ઊઠી જાય છે! એટલે સુધી કે દુન્યવી પ્રવૃત્તિઓ અને વ્યવહારો ય તેને મિથ્યા લાગવા માંડે છે! કેવળ આત્મમુક્તિ એ જ પરમ સત્ય છે એવા ખ્યાલથી રવિ ત્રિપાઠી પોતાની જાતને પ્રવૃત્તિના માર્ગથી અંદર ખેંચી લે છે! વર્તમાન ઇતિહાસનો ઇન્કાર કરીને રવિ માત્ર અધ્યાત્મવિશ્વમાં આશ્રય લે છે! હવે આ જાતના કથા-નિર્વહણમાં મુનશીનું દૃષ્ટિબિંદુ અન્વિત રહ્યું છે એમ જો સ્વીકારીએ, તો તો સર્જક મુનશીના ઉપક્રમમાં જ ક્યાંક મર્યાદા રહી છે એમ સ્વીકારવું પડે, કેમ કે વર્તમાનનો-ઇતિહાસની ગતિવિધિઓનો-ઇન્કાર કરીને કોઈ સર્જક જીવનનું બૃહદ્ ઋત પ્રાપ્ત કરી શકે કે કેમ એ પ્રશ્ન જ રહે છે. જો કે રવિ, ઉદય, શીલા, મોના જેવાં પાત્રો ઐતિહાસિક ઘટનાઓમાં સંડોવાયા છે ખરાં; પણ એ ઐતિહાસિક ઘટનાઓ વધુ તો આ મુખ્ય પાત્રોની ચેતનાને સંકોરવા કે પ્રભાવિત કરવા યોજાયેલી છે. અને, પાત્રનિર્માણની બાબતે અહીં એમ નોંધવું જોઈએ કે આ પાત્રો અન્ય સાથેના પોતાના સંબંધો પરત્વે ઠીકઠીક સભાનતા દાખવે છે. એ રીતે ઉત્કટ લાગણીના સંઘર્ષોમાં એક પાત્રની સજાગ ચેતના પર અન્ય પાત્ર કે પાત્રોના પ્રતિભાવો પણ ઝીલાતા રહે છે. એથી મુખ્ય પાત્રોની સંવેદના માર્મિક સંઘર્ષોની ક્ષણોમાં ઠીકઠીક સંકુલતા પ્રાપ્ત કરે છે. પણ મુનશીની કળાદૃષ્ટિની મર્યાદા રવિ અને રાજબાનાં ચિંતનસંવેદનમાં છતી થઈ જાય છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, વ્યક્તિજીવનના (કે ભારતીય સંસ્કૃતિના) સંદર્ભે ‘સત્ય’ ‘શિવ’ અને ‘સુંદર’ જેવા absolutesના સ્વીકારથી એ પાત્રોનું અનુભવજગત ક્યાંક કુંઠિત થઈ જતું લાગશે.
*
રાધારમણ અને શીલાના દાંપત્યની વિચ્છિન્નતા અને શીલા ઉદય વચ્ચેના ઉત્કટ લાગણી સંબંધોનો વૃત્તાંત, આ નવલકથામાં બીજો મહત્ત્વનો ઘટનાપ્રવાહ બને છે. એ આખો ય વૃત્તાંત વળી રવિ-રાજબાના વૃત્તાંત સાથે અનેક બિંદુએ ગાઢ રીતે સંકળાતો રહ્યો છે. છતાં રાધારમણ-શીલાની કરુણવિષમ કથા એક અલગ રહસ્યસભર વૃત્તાંત પણ બની રહે છે. એમાં ઉદય-શીલાના લાગણી-પ્રવાહો જોડાતાં કથાવસ્તુ થોડી જટિલ અને વધુ ઉત્કટ બની છે. હકીકતમાં, રાધારમણ અને તેની બીજા લગ્નની પત્ની શીલા વચ્ચે શીલ, સંસ્કાર, રુચિ અને વય – એમ બધી રીતે કજોડું રચાયું છે! અતિ કુશાગ્ર બુદ્ધિશક્તિ અને વાક્પાટવથી રાધારમણે મુંબઈ હાઈકોર્ટમાં એક અગ્રણી ધારાશાસ્ત્રી તરીકેની પ્રતિષ્ઠા મેળવી છે; અને વ્યવસાયી સફળતાથી મેળવેલી અઢળક ધનસંપત્તિને કારણે મુંબઈના ધનાઢ્ય ગુજરાતી વર્ગમાં તેમણે આગવું સ્થાન મેળવ્યું છે. કાયદાનો અભ્યાસ તેમણે ઇંગ્લૅંડમાં કર્યો હતો, અને ત્યાંના વસવાટ દરમ્યાન તેમણે પાશ્ચાત્ય સંસ્કારો અને આચારવિચારો અપનાવી લીધા હતા. એ કારણે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેઓ તિરસ્કાર પ્રગટ કરતા રહ્યા છે. રવિના દાદા ગણપતિશંકર ત્રિપાઠીનો રંક વેશ જોઈ તેઓ તેમનો ઉપહાસ કરવાનું ચૂકતા નથી! ગાંધીજીની અહિંસક લડતમાં ય તેમને કોઈ આસ્થા નથી! બલકે, અંગ્રેજોના શાસનને અહોભાવથી તેઓ જુએ છે... મુંબઈના ગવર્નરની કાઉન્સિલમાં પોતાને સ્થાન મળે એવી મહત્ત્વાકાંક્ષા પણ તેઓ સેવતા રહ્યા છે. પણ મુંબઈના એલિટ વર્ગમાં માનમોભ્ભો મેળવનાર રાધારમણનું માનસ ઘણું સંકુચિત, ક્ષુદ્ર, દંભી અને અસંસ્કારી છે, તે હકીકત શીલા સાથેના તેના દાંપત્યજીવનમાંથી એકદમ છતી થઈ જાય છે. વળી અઢળક ધનસંપત્તિની સાથે શરાબ અને વેશ્યાગમન જેવા દુર્ગુણો તેમના જીવનમાં દૃઢમૂલ થઈ ચૂક્યા છે. એટલે, શીલા જેવી સંસ્કારી, રુચિસંપન્ન, કોમળ વૃત્તિની અને આત્મગૌરવ ધરાવતી પત્નીને તેઓ કેવળ જાતીય સુખનું સાધન ગણે છે. અને, એથી વધુ તો, કદાચ ધનિકોના ક્લબમિલનમાં એક શણગારસજ્જ રમણી તરીકે સાથ નિભાવે એટલી લાલસાવૃત્તિ તેમણે જાળવી રાખી છે. દેખીતી રીતે જ, મુંબઈમાં નવો બહાર આવેલો ધનિક વર્ગ, સ્ત્રી પ્રત્યે કેવી મનોવૃત્તિ દાખવે છે, તે વાત મુનશીને અહીં સૂચવવી છે. રાધારમણ અને શીલાના દાંપત્યવિચ્છેદ પાછળ, આમ જુઓ તો, તેમના જાતીય જીવનના અતિ નાજુક સંબંધોની કથા પડી છે. રાધારમણના લોહીમાં જ દુર્દમ્ય જાતીય વાસના રહી છે. તેમના ચારિત્ર્યની એ એક પ્રાણઘાતક નિષ્ફળતા નીવડી છે. અલબત્ત, જીતી ન શકાય એવી એ નિર્બળતાને કારણે રાધારમણના પાત્ર પ્રત્યે વાચકને અમુક અંશે અનુકંપા જન્મે છે ખરી; પણ તેમનામાં છતી થતી દુષ્ટતાને કારણે સહૃદય વાચકને તેમના પ્રત્યે પૂરો સમભાવ પણ થતો નથી! શીલાને લગ્ન પછી થોડા સમયમાં જ પોતાની બંધનદશાનો ખ્યાલ જન્મી પડે છે. રવિની ખબર પૂછવા ગણપતિશંકર ત્રિપાઠી તેના નિવાસસ્થાને આવ્યા, ત્યારે એ વિદ્યાપુરુષમાં વિરલ વિદ્યાસંપત્તિ અને સાદગીનો સુભગ સંયોગ જોઈ તેના હૃદયમાં સાત્ત્વિક જીવનની ઝંખના જાગી ઊઠી હતી! ભગવાનદાસ સાથે તે વેડછી અને બારડોલીની મુલાકાત લે છે, ત્યાર જ મુક્તિનો અનુભવ તેને થાય છે. પણ તેનું ભાગ્ય રાધારમણ સાથે દુર્નિવારપણે જોડાઈ ચૂક્યું હતું. એટલે રાધારમણનો પતિ તરીકેનો અધિકાર, જુનવાણી માનસ ધરાવતી પતિવ્રતા સ્ત્રીઓની જેમ, તે સ્વીકારી લે છે! અને, એ રીતે, પતિની પાશવી આવેશયુક્ત જાતીય ઇચ્છાને તે તાબે થતી રહે છે!! વારંવાર શહેરની વેશ્યાઓની મુલાકાતે જઈ આવ્યા પછી ય શીલાના મોહક અને માદક રૂપથી આકર્ષાઈને રાધારમણ તેના પર બળાત્કાર કરતા રહ્યા છે. શીલાની જાતીય ઇચ્છાઅનિચ્છાનો તેમણે ભાગ્યે જ ખ્યાલ કર્યો છે. અત્યંત સંસ્કારી અને કોમળ હૃદયની શીલા, એવે પ્રસંગે, ભારે આઘાત અનુભવતી રહે છે. તેને પોતાનું નારીગૌરવ હણાતું લાગે છે, પોતાનાં સ્વમાન અને સ્વાતંત્ર્ય ઝૂંટવાતાં લાગે છે. પણ રાધારમણની જાતીય પરવશતાને ય તે સારી રીતે જાણી ચૂકી છે. એટલે, રાધારમણનાં દંભ, ચાલબાજી, દુષ્ટતા બધું ય સમજતી છતાં તેને જાતીય સંતોષ આપી સાચા માર્ગે વાળવા તે સંપ્રજ્ઞપણે પ્રયત્ન કરે છે. રાધારમણને ઊંડી વેદના સાથે તે જે રીતે આત્મસમર્પણ કરવા તત્પર બને છે તેમાં, અંતે તો, ભારતીય સ્ત્રીની એક કારુણ્યમૂર્તિ જ છતી થાય છે! રાધારમણને સંતુષ્ટ કરવાના તેના પ્રયત્નો, અલબત્ત, નિષ્ફળ જાય છે, અને તેની દરેક નિષ્ફળતા સાથે તેના મનમાં આઘાત અને નિર્ભ્રાન્તિ જન્મી પડે છે; અને છતાં તે રાધારમણને વળગવા ફરીફરીને પ્રયત્ન આરંભે છે. અંતે તે રાધારમણ દ્વારા ભારે પછડાટ ખાય છે, પોતાના મૃત્યુ-વીલમાં રાધારમણ તેને કશું જ આપતા નથી! શીલા માટેનો તેનો ઊંડો દ્વેષ અને તેની કિન્નાખોરી એ વીલમાં પ્રગટ થાય છે. રાધારમણ અને શીલાના વિચ્છિન્ન દાંપત્ય સાથે ઉદયનો વૃત્તાંત માર્મિક રીતે જોડાયેલો છે. પત્ની એલિસથી તરછોડાયેલા એ યુવાન બેરિસ્ટરને શીલા પ્રત્યે સહજ સમભાવ જન્મે છે. રાધારમણની ઑફિસમાં ઉદય વકીલાતની તાલીમ અર્થે જોડાય છે, એટલે ઉદય અને શીલા વચ્ચે નિકટનો સંપર્ક સધાય છે. પણ ઉદય એક સંવેદનશીલ લેખક પણ છે. ‘તપસ્વિની’ શીર્ષકની તેની નવલકથા શીલા સાથે તેનો હૃદયતંતુ જોડવામાં મોટું નિમિત્ત બને છે. જો કે ઉદય અને શીલાના લાગણી સંબંધને પણ, સ્થૂળ જાતિય વૃત્તિના આવેગથી મુક્ત રાખી ઉદાત્ત પવિત્ર સંબંધ રૂપે રજૂ કરવાનો મુનશીનો આશય અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે. શીલાએ રાધારમણ સાથે યુરોપનો પ્રવાસ કર્યો, ત્યારે સંજોગોવશાત્ શીલા અને ઉદય ત્યાંના એક સ્થળે મળે છે; પણ બંને પોતાનું શીલ સાચવવા આકરી તાવણીમાંથી ગુજરે છે. બંનેય જણના અંતરના ઉત્કટ ઝુરાપા અને વિરહભાવને મુનશીએ માર્મિક રીતે આલેખ્યો છે. શીલને ઉદય પ્રત્યે ઊંડી લાગણી જન્મી છે, એ વિશે રાધારમણમાં સંદેહ જન્મ્યા પછી શીલા સાથેના તેના વર્તનમાં દંભવૃત્તિ પ્રબળ બને છે, અને શીલાને માનસિક યાતના થાય તેવી સભાન યુક્તિઓ તેઓ યોજતા રહે છે. શીલા અને ઉદય બંને મુંબઈની કૉંગ્રેસમાં સાથે જોડાયાં તે પછી રાધારમણ વધુ ને વધુ પ્રપંચ આદરે છે. ગવર્નરની કાઉન્સિલમાં સ્થાન મેળવવા તેમણે જે મહત્ત્વાકાંક્ષા સેવી હતી તેમાં પોતાની પત્ની શીલા સાચે જ સૌથી મોટો અવરોધ બની ચૂકી છે, એવી સભાનતાથી તે શીલા પ્રત્યે ક્રૂર બને છે. મુનશીએ આ ત્રણની કથાને રાજકીય ઘટનાઓની વચ્ચે ગૂંથી લીધી છે. એ રીતે એ પાત્રોની ચેતનાને વિશાળ રાજકીય, સાંસ્કૃતિક અને નૈતિક અર્થસંસ્કારો મળ્યા છે. રવિ-રાજબાનો વૃત્તાંત, રાજબા અને ઉદય-એલિસનો વૃત્તાંત, કેપ્ટન સમરસિંહ રાજબા અને હંસકુંવરબા આદિના વૃત્તાંતો રાધારમણ અને શીલાની દાંપત્યકથામાં કોઈ ને કોઈ બિંદુએ સાંકળી લેવાનો મુનશીનો સંનિષ્ઠ પ્રયત્ન રહ્યો છે. જો કે ભિન્ન ભિન્ન રીતે નિર્વહણ પામતા અને ભિન્ન ભિન્ન રહસ્ય છતું કરતા મુખ્યગૌણ વૃત્તાંતો અમુક અંશે પરસ્પરથી અલગ રહી જાય છે. હંસકુંવરબા અને કેપ્ટન સમરસિંહની આસપાસ ગૂંથાતી રજવાડાંની કથા, નર્મદાકાંઠાના સ્વામિરાજની કથા, અને બહારવટાંની કથા – અહીં ઝાઝી સમર્પક બની શકી નથી. રાજકીય ખટપટો, બહારવટાં કે ચમત્કૃતિભર્યા બનાવો, ઘણાં છીછરા નીવડ્યા છે. તત્કાલીન ગુજરાતના પ્રજાજીવનમાં એવી ઘટનાઓ બનતી હોવાનું સ્વીકારીએ તો પણ, એ વૃત્તાંતો તત્કાલીન ઐતિહાસિક સામાજિક પ્રક્રિયાઓ કે પ્રશ્નોને આકાર આપવામાં ભાગ્યે જ ઉપકારક નીવડ્યા છે. જો કે નવલકથાના છેક આરંભના ભાગમાં ઉદય અને એલિસના દામ્પત્યવિચ્છેદની કથાને ચોક્કસ સામાજિક-સાંસ્કૃતિક મહત્ત્વ પ્રાપ્ત થાય છે. ઇંગ્લૅન્ડમાં ડૉ. ચૌધરીની અંગ્રેજ પત્નીથી થયેલી પુત્રી એલિસ, સ્વાભાવિક રીતે જ, અંગ્રેજી સંસ્કારો અને રહેણીકરણીથી કેળવાયેલી છે. ઉદય જેવા તરુણ બેરિસ્ટર સાથે તે લગ્ન કરે છે ખરી; પણ ભારત આવતાં જ અહીંની જીવનરીતિ અને અહીંની પ્રજાની રૂઢિઓથી તે તરત જ અકળાઈ ઊઠે છે. ઉદય સાથેનો સહવાસ તેને પ્રતિકૂળ લાગવા માંડે છે. ઉદય જે રીતે પરંપરાગત હિંદુ જીવનરીતિ આચારવિચારને અનુકૂળ થાય છે, તેથી એલિસ આઘાત અનુભવે છે. હિંદુ કુટુંબજીવન તેના મુક્ત મિજાજને ફાવતું નથી. એટલે રણચંદાની જેવા એક લાલચુ અને છેલબટાઉ યુવકની સાથે સહચાર કેળવી એલિસ તેની સાથે રંગરાગ ખેલે છે. પણ છેવટે એ યુવક તેને છેતરી જાય છે! પછીથી તે ઉદયને હંમેશ માટે છોડી ઇંગ્લૅન્ડ ચાલી જાય છે, અને ત્યાંથી તે છૂટાછેડા લે છે. મૂળથી જ સંસ્કાર અને આચારવિયારની ભિન્નતાને કારણે ઉદય અને એલિસ વચ્ચે લગ્નવિચ્છેદ થાય છે, એ વાત અહીં મુનશીએ માર્મિક રીતે સૂચવી દીધી છે. કવિ મત્ત મયૂર અને પત્રકાર કાલિદાસ જેવાં પાત્રો દ્વારા મુનશી વળી એ સમયના ‘સાહિત્યિક’ પ્રવાહો તરફ સંકેત કરવા ચાહે છે. કવિ મત્ત મયૂર કેવળ શબ્દવિલાસી અને મિથ્યાભિમાની વ્યક્તિ છે. જ્યારે કાલિદાસમાં કેવળ રાગદ્વેષમાં રાચતા પત્રકારનું દર્શન થાય છે. ઉલ્લેખનીય છે કે આરંભમાં આગંતુક અને ગૌણ લાગતાં એ પાત્રો શીલા, રાધારમણ અને ઉદયના ગૂંચવાયેલા સંબંધોને વિચિત્ર રીતે વળ આપે છે, અને કથાના મુખ્ય પ્રવાહોને એ અંશતઃ પ્રભાવિત કરે છે.
*
મુનશીએ, આમ, ‘તપસ્વિની’માં ‘ગુજરાતી જીવન’ના આંતરપ્રવાહોનો તાગ લેવાનો એક ગંભીર અને સંનિષ્ઠ પુરુષાર્થ આદર્યો દેખાય છે. એ માટે મુખ્ય મુખ્ય પાત્રોની બદલાતી ચેતનાનો આગવો આગવો આલેખ રજૂ કરવા તેઓ પ્રવૃત્ત થાય છે. પણ એમાં જે મર્યાદાઓ કે ઊણપો છતી થાય છે તેમાં મુનશીની કળાકાર તરીકેની મર્યાદાઓ તરત ધ્યાન ખેંચે છે. તે સાથે જીવનદૃષ્ટિ અને શૈલીમાં તેમની પ્રતિભા ક્યાંક કુંઠિત થઈ જતી હોય એમ લાગે છે. પણ જે રીતે ‘ગુજરાતી જીવન’ના આંતરપ્રવાહોને તાગી જોવાના પ્રયત્નમાં સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રશ્નોને ફલકમાં આણ્યા, તેથી પણ આ નવલકથા સહૃદય માટે વાચનવિવેચન અને પરિશીલનની ક્ષમતાવાળી બની છે. એમ મને લાગે છે.