પ્રભુ પધાર્યા/૨૦. શારદુ આવી
``કોઈ બાઈ તમને બોલાવે છે, શિવ બાબુ, ખનાન-ટોની જૌહરમલ-શામજી ચાવલ મિલના દરવાને ઓફિસમાં આવી શિવશંકરને ખબર આપ્યા.
``ક્યાં છે?
``દરવાજે.
``કોણ છે?
``બર્મી તો નથી. લાગે છે તમારા દેશની.
સાંભળીને શિવ ચમક્યો, અને એના સાતેક ગુજરાતી સાથીઓએ ચોપડામાંથી માથું ઊંચું કરીને પરસ્પર જોયું.
``કેમ શિવુભાઈ! એક જણે કહ્યું, ``દેશમાં કોઈ વીસનો'રી વસાવીને તો નો'તા આવ્યા ને? એણે તો તમારો પીછો નથી લીધો ને?
વીસનો'રી એટલે વીસ નહોરવાળી, અર્થાત્ વાઘણ જેવી પત્ની. કાઠિયાવાડમાં કોઈ પરણે તેને એમ કહેવાય કે ``ભાઈ, એને તો હવે વીસનો'રી વળગી!
``કેવડીક છે બાઈ? શિવે અકળાઈને પૂછ્યું.
``જુવાન જેવાં લાગે છે.
મૂંઝાયેલો શિવ મશ્કરીની શરવૃષ્ટિએ વીંધાતો બહાર નીકળ્યો. જઈને જુએ તો બગલમાં નાનું પોટકું લઈને બાઈ ઊભેલી. વસ્ત્રો સંકોડીને ઊભી હતી. માથે વાળ હતા, પણ સેંથો પાડીને સરખા ઓળ્યા નહોતા. જોનારને સહેજમાં જણાઈ આવે કે એ કેશ મૂળ તો કાળાભમ્મર હશે, પણ થોડીક ધોળી લટો ત્યાં ધસારો કરીને ધીરે ધીરે પેસી જઈને પોતાનું અરધું પરિબળ જમાવી બેઠી હશે. કાબરચીતરા કેશનુંયે એક અનોખું રૂપ હોય છે. ઘણા થોડાને જ એ રૂપની સરત રહે છે.
એ જ પ્રમાણે એ મોંનો ઘાટ, ચામડીનો વર્ણ, આંખોનો આકાર અને ડોળાનો પ્રકાશ, — આ બધાં અંગોની શોભા એવી હતી કે જોનારને ભૂતકાળમાં જ લઈ જઈ એવા ભણકારા જગાવે કે આ સ્ત્રી એક વાર બહુ રૂપાળી હશે. એ ભણકારા જોનારના મનને વિશે વર્તમાન રૂપના અવશેષના કરતાં ભૂતકાળનું વધુ આકર્ષણ ને કૌતુક ઝણેણાવી રહે, એવી એ બાઈ હતી.
એ વિધવા પણ નહોતી, તેમ સધવા પણ નહોતી. રંડાપો અને સુહાગણપણું, બે વચ્ચે એક એવી સ્થિતિ છે કે જેને નિરાળું નિજત્વ છે.
નજીક આવ્યા પછી જ શિવે ઓળખી. એ સ્ત્રી એટલું જ બોલી : ``કાં ભૈલા! એટલા હોઠના ફફડાટે એના દાંતની પંક્તિનું દર્શન કરાવ્યું. દાંતના ઊપટી ગયેલા રંગો બોલી ઊઠ્યા કે, એક દિવસ અમે આંહીં પોથીનાં પાંદ અને મજીઠનાં તાંબૂલમાંથી ચૂયા હતા. પણ આ સ્ત્રીના જીવતરની કોઈક અજાણી ખટાશ અમને ધીરે ધીરે ખાઈ ગઈ છે, છતાં હવે અમે જેટલા છીએ તેટલા તો દાંતની જોડે જ જશું.
``અરે! શિવે ઓળખી પાડીને તુરત જ જે ઉદ્ગાર કાઢ્યો તેમાં આદર અને અણગમાનું, હર્ષ અને ઉચાટ બેઉનું મિશ્રણ હતું.
``શારદુ! તું!
``ખોળી કાઢ્યો ખરોને, ભૈલા! ઓળખાયેલી સ્ત્રીએ સાડીનો સણગટ સંકોરીને ફરી મોં મલકાવ્યું અને શિવના મોં પર મલકાટ આવવાની વાટ જોઈ. પણ એ વાટ ફોગટ જતાં પોતે કહ્યું : ``હું દેશથી જ આવી.
``એકલી?
``એકલી જ તો! સ્ત્રીના એ બોલમાં પોતાની સ્થિતિનો વણખચકાયો એકરાર હતો. ``આજ સવારે જ અમારી આગબોટ આવી. કેમ, ઘેર તો બધાં ખુશીમાં છે ને, ભાઈ? ભાણો તો નરવો છે ને?
મોટી બહેનનો આ પ્રશ્ન વધુ મૂંઝવનાર હતો. એણે જવાબ આપવાને બદલે સવાલ પૂછ્યો : ``તું જામનગરથી આવી, શારદુ!
``જામનગરથી ઘેર માણાવદર ગઈ'તી, ને ત્યાંથી પરબારી આંહીં. મનમાં થયું કે લેને ત્યારે ભાઈને મળી આવું.
કેમ જાણે ખનાન-ટો જામનગર-માણાવદરની વચ્ચે આવેલું કોઈક પરિચિત ગામડું હોય તેવી અદાથી શારદુ નામની સ્ત્રીએ વાત કરી. યાંગંઉ જો સાંભળી શકે તો એને કેટલું ખોટું લાગે! શિવશંકર જરીક ચિડાયો પણ ખરો. કાઠિયાવાડ બહાર કદી ન નીકળેલી પોતાની કંગાળ અનાથ બહેન શારદુની આ ધૃષ્ટતા તો હરકોઈ ભાઈને વધુ પડતી ભાસે.
મનમાં થયું કે હાલ, ભાઈને મળતી જાઉં! વાહવા! શરીરે પહેરેલ સાડીમાં તો બે-પાંચ થીગડાં છે. બગલમાં પોટલી છે. નથી સાસુ-સસરો, ધણી ત્યાગ કરીને અદૃશ્ય થઈ ગયો છે, જામનગરમાં તો દિવસ આથમ્યા પછી શેરીઓમાં પણ જાય નહીં, પોતાના શહેરના સ્ટેશનમાં પણ જેણે વર્ષોથી પગ મૂક્યો નહીં હોય, એવી શારદુ કહે છે કે `ચાલ ને ત્યારે ભાઈની પાસે થતી જાઉં!'
``તું તો શરીરે નરવો લાગછ, કાં ભૈલા! ઘણું ગજું કરી ગયો, હો શિવ! મેં તો સાત વર્ષે દીઠો. તું મને ઓળખી ગયો ખરું? મેં તો ધારેલું કે તું બે ઘડી ગેંગેં ફેંફેં કરીશ ને હું તને છળીશ. આંહીં નોકરી છે ને! સારું, સારું, ભાઈ! બધું સરસ છે. રંગૂન તો રૂપાળું છે, અમારે નગરના કરતાં પહોળા રસ્તા. પાણી પીધું તે તો બહુ મીઠું લાગ્યું, હો શિવ! હું તો પીતાં ધરાતી જ નથી, આંહીં આવી ત્યાં તો ફરી તરસી થઈ ગઈ!
``લે મંગાવી દઉં. એમ કહી શિવશંકર પાસે ઊભેલા કૌતુકમગ્ન મજૂરને અંદર બાસામાં પાણી લેવા મોકલ્યો. બાઈ કહે : ``ના રે ના . હવે ઘેર જઈને વાત. કેટલુંક છેટું છે? કોઈને મારી જોડે મોકલ ને. હું મારી જાણે જઈશ. તું તારે છો કામ કરતો.
``ના, ના! હું આવું છું. એમ કહેતો શિવશંકર પાછો અંદર ઓફિસમાં ગયો.
કમ્પાઉન્ડ વળોટતાં તો એની કાંધ પર વિચારની થપ્પીઓ પર થપ્પીઓ ચડી બેઠી : આ બહેન ક્યાંથી આવી ચડી હશે? એને ઘેર લઈ જઈશ તો શું થશે? બર્મી પત્નીના તો બાર જ વાગી જવાના. આ શારદુ, મારી એકની એક મોટી બહેન, પરણાવેલી ત્યાં દુ:ખી થયેલી, એ મારી બર્મી સ્ત્રીને શે પાલવશે? પોતાનું તો બગડ્યું, તે હવે મારું બગાડવા શીદ આવી? દેશમાં ગયેલા પેલા મારા ન્યાતીલાઓએ ઇરાદાપૂર્વક જ મારું ઘર ભાંગવા આંહીં બહેનનું આક્રમણ મોકલ્યું લાગે છે. માંડ માંડ માળો કરીને બેઠો, ત્યાં કાળી નાગણી-શી આવી!
રજા લઈ, ચોપડા ઠેકાણે મૂકી, એ પાછો દરવાજે ગયો ત્યારે શારદુની સામે ચાર-પાંચ બ્રહ્મી મજૂરણો ઊભી હતી. બહેન અને એ બધાં બોલીને તો વ્યવહાર કરી શકતાં નહોતાં. પણ એમની આંખો અને એમનાં હાસ્ય પરસ્પર પિછાન કરતાં હતાં. પોશાકનો ભેદ, વાચાનું અજાણપણું, કશું જ તેમનામાં રહેલા સામાન્ય સ્ત્રીપણાના સુમેળની વચ્ચે વિક્ષેપ કરી શકતું નહોતું. બહેનના કાબરચીતરા કેશ એની ફાટેલ સાડીનાં ફાંકાં વચ્ચેથી આ બ્રહ્મી સ્ત્રીઓને કહી રહ્યા હતા કે એક વાર અમેય તમારા વાળ જેવા જ લાંબા, સુઘટ્ટ અને કાજળઘેરા હતા; અને એક દિવસ તો અમે પણ નવાનગરની ફૂલવાડીનાં ફૂલડાં રાત્રીના એકાંતમાં સજતાં હતાં. એક દિવસ જોબન હતું, મલકાટ હતા, ઉન્માદ હતો, આશા હતી, નીલામ્બર અમારે શિરે હતું, ને નાગમતી નદીનાં નીર અમારી ઉનાળાની કંઈ સમીસાંજોની પથારી હતાં.
ભાઈ પાછળ ચાલી નીકળતી બહેને એ સૌને બે હાથ જોડી નમન કર્યાં ને પેલા ડોકિયાં કરતા કાબરા કેશની લટોએ આ બ્રહ્મી સ્ત્રીઓના સઢોંઉ પાસેથી જડાઉ ભીં (કાંસકી) પણ મૂંગી મૂંગી માગ્યા કરી.
``કેવું ભરાવદાર શરીર છે! મિલમાં જતી મજૂરણોએ અંદર અંદર વાતો કરી, અને ઊપસેલી, છોળો દેતી છાતી તેમના ખાસ વિચારનો વિષય બની.
``તું એમ ને એમ ચાલી આવી! રસ્તે ભાઈએ બહેનને સામું જોયા વગર જ કાંઈક ઊધડી લેવા માંડી.
``તને ઓચિંતો જોવો હતો. દુ:ખો, અપમાનો અને છેલ્લે પતિના પરિત્યાગથી રીઢી બનેલી બહેન વિનોદ ઉડાડવા લાગી.
``પણ આંહીં—આંહીં અમારી કેવી દશા હોય... અમે કેમ કરીને માંડ ઠેકાણે પડ્યા હોઈએ... શિવશંકર તૂટક તૂટક બોલતો હતો.
``ગાંડા! બહેને કહ્યું, ``કેવીક દશા ને શી વાત છે! સંસારમાં એ તો થતું જ આવે છે. તું ગભરાઈ શીદ જાય છે? આપણે કાંઈ ચોરીલબાડી થોડી કરી છે?
``પણ પહેલેથી મને જણાવ્યું હોત તો બધું પાકે પાયે કરીને કાગળ લખત, ખરચી મોકલત. આમ ભિખારી જેવી ચાલી આવી?
શારદા શાંત રહી. એને ભાઈના આ બોલ જરીકે ભોંકાયા નહીં, કારણ કે એ તો પેલા ઊંટ જેવી હતી. પીઠ પર નગારાં વાગી ગયાં હોય તેને ખેતરવાળો થાળી વગાડીને થોડો નસાડી શકે છે!
ઘેર પહોંચ્યા પછી ભાઈ એને કહે કે, ``તું આંહીં પરસાળમાં બેસ, હું અંદર જઈને વાત કરું છું.
``લે, રાખ રાખ, ગાંડા! હું જ અંદર નહીં જાઉં? હું કાંઈ મે'માન છું કે અજાણી થોડી છું? ચાલ મારી સાથે, નહીં તો મને ભાષા કોણ સમજાવશે?
સીધી જ એ તો ઘોડિયા પાસે ગઈ, અને ઝૂકીને બાળકને ઊંઘતો જોયો. બોલી : ``વાહ રે, ભૈ! આ તો બરાબર શિવા જેવો ને શું? એમ કહેતાં તે મીઠડાં લેતી હતી, ત્યાં તો અંદરના કમરામાંથી બાળકની માતા આવી પહોંચી. મીઠડાંની ક્રિયા કરતી અજાણી સ્ત્રીને એણે પહેલી જ વાર ઘરમાં દીઠી. પોતે તે ક્ષણે નખશિખ પૂર્ણ બ્રહ્મી સજાવટ કરી હતી. બાગ જેવી મઘમઘતી હતી. ગરદન પરથી પવા(દુપટ્ટા)ના બેઉ છેડા સાથળ પર ઝૂલતા હતા.
``આ! શારદુએ ભાઈને ભયથી પૂછ્યું.
``હા! શિવ બીકથી એક જ અક્ષર બોલ્યો.
``ભાભી! કહેતી જ શારદુ બ્રહ્મી નારી તરફ વળી, થોડી વાર થંભી, પછી એના મોં પર મલકાટ છવાયો, શાંત ઊભેલી બર્મીના મોં પર પણ એ મલકાટનાં પ્રતિબિમ્બો પડ્યાં. શારદુ જરાક નજીક ચાલી અને એણે ભાઈની પત્નીને ખભે હાથ મૂક્યો.
શારદુ કાઠે ઊંચી હતી. ઉપલાં વર્ણોમાં આવાં કદાવર ગજાં કાઠિયાવાડમાં હવે વિરલ બન્યાં છે. ગજાદાર શારદુનો હાથ પોતાની સામે પોતાના ખંભા સુધી જ થતી પાતળી બર્મીના આખા બરડા પર રેલાઈ ગયો. અને પછી હાથ માથા પર ચડ્યો. અંબોડાનાં ફૂલોને અડ્યો. ફૂલ એણે ભાઈની વહુના શિર પર સરખાં કર્યાં ને કહ્યું : ``હં-અં ને! છે તો અસલ કામરૂ ને શું?
મહેમાન સ્ત્રીના હોઠ પરથી મલકાટનું ચંદન લેતી લેતી બ્રહ્મીએ શિવશંકરની સામે જોયું. એણે હિંદીમાં ઓળખાણ આપી કહ્યું : ``બહિન. દેશસે આયી.
``આ-પ ખ-બ-ર ન-હીં દિ-યા? બર્મી ધીરે ધીરે હિંદી બોલી અને પછી એની આંખ પતિ તરફથી નણંદ તરફ અર્ધગોળાકાર પંખા પેઠે ફરી.
``હિંદુસ્તાની બોલે છે ને શું! હિંદનાં લાગે છે આ તો. ચોખ્ખાં હિંદનાં જ. એક લગરીક નાકની અણી જો બહાર હોત ને... બોલતાં બોલતાં શારદુનાં નેત્રો ફરતી જળ-કિનારી બંધાઈ ગઈ.
પત્નીના જવાબમાં શિવે બર્મી બોલવા માંડ્યું : ``મને જ એણે ખબર નહીં આપેલી. હું દિલગીર છું. એ તો પૂછ્યાગાછ્યા વગર આવી પડી એટલે અહીં લાવ્યા વગર છૂટકો નહોતો. તને અગવડ તો પડશે. નારાજ ન થતી. હું ગમે તેમ કરીને વળાવી દઈશ.
જવાબમાં પત્નીનાં નેણ વિસ્મયથી ઊંચાં થતાં હતાં અને એના મોં પરના મલકાટનો ગુલાબ સહેજ કાંટાની સખ્તાઈ ધારણ કરતો હતો તેટલું જ શારદા જોઈ શકી.
બર્મી સ્ત્રીએ બર્મી બોલમાં વાર્તાલાપ ચાલુ રાખવાને બદલે હિંદીમાં જવાબ વાળ્યો : ``નરાજ! ક્યોં-મેં-નરાજ! બહિન ઘર આઈ ઉસમેં નરાજ કૈસે?
એનો વળતો ખુલાસો શિવશંકર બર્મીમાં દેવા જતો હતો કે તુરત સ્ત્રી બોલી ઊઠી : ``ન-હીં. હિંદી બો-લિ-યે- કહેતી જ એ હસી પડી ને શરમાઈ જઈ મહેમાન તરફ જોઈ ગઈ. બોલી : ``ખ-રા-બ મ-ત લ-ગા-નાં, બહિન!
એમ કહી, શારદાનો હાથ ઝાલી એને ચટાઈ પર બેસારી અને પોતે દૂધ વગેરે લઈ આવી.
બરાબર પોતે બર્મી પોશાક પહેરીને બજારે પોતાની દુકાન પર ધંધે જતી હતી. એ પોશાકમાં પોતે દૂધ લાવીને નણંદ આગળ ઘૂંટણિયે ઝૂકી. અને પછી એ જ સ્થિતિમાં બેસી રહીને પોતે કુમાશથી મુખવાસ તૈયાર કર્યો. સામે બેઠેલ શારદાનું શરીર પહોળી પલાંઠીએ સુંદર લાગતું હતું. પોતાની સામે કોઈ મંદિરની મૂર્તિ સમક્ષ બેઠેલ ભક્ત સમી ઝૂકેલી આ સ્ત્રી શારદાને પોતાનાથી જુદી છતાં પોતાના જેવી જ લાગી. મનુષ્યની લાગણી સર્વત્ર એવી હોય છે. પોતાનાથી જુદા દેશનું વાસી આટલું નિકટ આવે ત્યારે મનનો આનંદ કૌતુકમાં ભીંજાઈ છલછલ બને, પલેપલ નવીનતામાં પ્રવેશતા હોઈએ એવું ભાસે, સ્વપ્ન સ્વપ્ન લાગે, અને રખે આ બધું ખોટું પડે એવી ફિકર થાય.
ભાઈએ બહેનને સમજ પાડી : ``એ બજારે જાય છે.
``તે ભલે ને જાય, તમે પણ બે ઘડી પછી જાવ, એમને કામ હશે તે કરી આવવા દો.
સ્ત્રીને જે કામે જવું હતું તે જણાવતાં શિવશંકર શરમાયો. ખુદ સ્ત્રીએ કહ્યું : ``મેં જાતી થી દુકાન પર. મેરી દુકાન.
``ભલે જાનાં! અમ ભાણાકું રખુંગી. શારદાએ ઘોડિયા તરફ આંગળી બતાવીને રજા આપી. અને આવી રૂપાળી ભાભી બજારમાં દુકાને બેસી સેંકડો પુરુષો સાથે વેપાર કરતી હશે એવો એક વિચાર પોષ માસના પવનના એક જ સુસવાટા સમો એના મગજને ધ્રુજાવી ચાલ્યો ગયો ત્યાં તો સ્ત્રીએ કહ્યું : ``નહીં, પીછે. આપ નહા લો. એમ કરતી પોતે નાહવાની ઓરડીમાં જઈ બાલદી સરખી ગોઠવી, પાણીની ચકલી ઉઘાડી આપી અને બચકીમાંથી શારદા પોતાનાં કપડાં કાઢે તે પૂર્વે તો એણે પોતે જે પહેરતી તે સાડીઓમાંથી એક સારી જોઈને ત્યાં ધરી દીધી. પછી શિવ બહાર પરસાળમાં જતાં પોતે નણંદને સહેજ સ્મિત કરીને ધીરે સમજાવ્યું કે ``મારાં પોલકાં તો તમને બહુ ટૂંકાં પડશે. શું કરું!
`હાય હાય! આ તો જો! નજર તો જો, ઝીણી નજર! મારા શરીરનો બાંધો પણ નજરમાં રાખી લીધો.' એમ આશ્ચર્ય અનુભવતી શારદુએ પોતાના દેહ પરનો કમ્મરથી ઉપલો ભાગ મનમાં નિહાળ્યો અને પોતે પોતાને છાનો શાપ દીધો : `આટલી આટલી વીત્યા પછીય શરીર ગળ્યું જ નહીં! ઊલટાનું વધુ વધુ ફૂલતું ગયું! સંતાડવા જતાં સાળુ ટૂંકાં પડ્યા. મને કંઈ ઓછી હેરાન કરી છે આ શરીરે! મને પલે પલે લોકોની નજરે જૂઠી પાડી છે. મારું મન મેં કરમાવી નાખ્યું છે એ કોઈ માને જ નહીં. આ આણે પણ મને એ જ ઇશારો કર્યો. હજુ તો આવીને ઊભી રહી છું ત્યાં જ કાયાએ ચાડી ખાધી!
``પહેલાં આ શરીરે ચોળજો! એમ કહીને ભોજાઈએ તનાખાનો લેપ નાહવાની રૂમમાં બતાવ્યો. ``ઠંડક વળશે. ને હું હમણાં જ દુકાને જઈને આવું છું. પતિને પૂછ્યું કે ``થોડી વાર થોભી શકશો કે?
``હાં, હાં, તમ-તમારે જાઈકે આવ. ભાઈકું અમ રોકેગી. એવું બોલીને શારદુએ એને થોડી વારને માટે પણ દૂર કરવાનું જરૂરી ગણ્યું, અને એ ગયા બાદ શિવશંકરને બહેને કહ્યું : ``ભાઈ, તારે સનાન છે, લુગડાં ઉતાર.
કપડાં ઉતારીને ધોતીભર બનેલા ભાઈને બહેને ખબર આપ્યા : ``બા ગુજરી ગઈ.
``ક્યારે?
``માણાવદરથી મારે ઘેર નગર આવી હતી. એને આંહીં આવવું હતું. આઘાત લાગી ગયો.
``શેનો?
``કોઈકે ખબર દીધા હશે. તારો કાંઈ કાગળ નહીં, એમાં ખબર દેનારાઓએ કંઈક ઘરનાં ચિતરામણ ઉઠાવીને વાત કરી હશે.
``શા વિશેની?
``તારા લગન વિશેની. આ એમ કે તું મચ્છી ખાતો હઈશ, ને બાયડીએ તને કોણ જાણે કેવોય કબજામાં રાખ્યો હશે, ગોલાપા કરાવતી હશે. એવું બધું, ભાઈ! તે એને તો ઝટ આંહીં પહોંચવું હતું મને લઈને, પણ એનું હૈયું ત્યાં ને ત્યાં જ ભાંગી ગયું. મરવા ટાણે મારે હાથે પાણી મુકાવ્યું, કે મરતી મરતીયે રંગૂન પહોંચજે ને ભાઈના સુખદુ:ખના સમાચાર લેજે. હું બાના અંત્યેષ્ટિસંસ્કાર માંડ પૂરા કરાવી, માણાવદર જઈ ખોરડું વગેરે સંભાળી કરી, પછી આંહીં આવી. તને લખવાની વેળા જ નહોતી, ભાઈ! એ બાપડી તો જવા જોગ હતી, પણ તારું સુખ જોયા વગર તારું દુ:ખ કલ્પતી જ ચાલી ગઈ.
થોડી વારની શાંતિ બાદ બેઉનાં નયણાં શ્રાવણ-ભાદરવો વરસાવી રહ્યાં. અને પછી સહજ પોકાર પણ શિવના ગળામાં ઘૂંટાઈ ગયો.
પોતે સ્નાન કર્યું. બહેને પણ નહાઈ લીધું. બેઉ બેઠાં બેઠાં વાતો કરવા લાગ્યાં. બહેને ભાઈના ઘરમાં ચોમેર, ચીજેચીજ, વસત ને વાનાં, ગોઠવણ ને સજાવટ, રાચ ને રચીલું નિહાળી નિહાળીને કહ્યું : ``બાને બાપડીને આ સાચી ખબર પડી હોત ને, તો સદ્ગતિએ જાત. એ તો કહેતી ને, કે ન્યાત ગઈ ચૂલામાં, મારો શિવ ગમે તે ઠેકાણે પરણી લ્યે તો હાંઉં, ગંગ નાયાં. પાંચ-દસ ઘડીમાં જ અહીંની પરખ મને તો થઈ ગઈ! રૂપાળું છે, ભઈલા! આફૂડાં વહાલાં લાગે તેવાં છે. વળી ધંધો પણ કરે છે!
``નહીંતર મારી ત્રીસ રૂપરડીમાં તો શું પૂરું થવાનું હતું! શિવે સ્ફોટ કર્યો.
``ત્રીસ જ મળે છે, એમ ને!
``ત્યારે! પણ એય આ કદી માગે નહીં. કહે કે તમે તમારે ખરચો, જોઈએ તો દેશમાં મોકલો.
``ત્યારે ઘરવહેવાર તો એ ચલાવે, એમ ના?
``નહીં ત્યારે? એક ઘડીય નવરી ન બેસે. ચીજો પોતે બનાવે, મજૂરો રાખીને બનાવરાવે, ને દુકાન રાખીને વેચે.
``તો તું નોકરી શીદને કરછ? એના ધંધામાં જ ભળી જા ને?
``એ કહે છે કે નહીં, તમારે પુરુષને અમારા આંહીંનાં બરમા પુરુષો જેવા પરવશ ન બનવું. તમે મારા ધંધામાં આવશો તો મારા નોકર જેવા બની જશો. એ તો કહે કે તમે નવરા બેઠા રહો તોપણ હું એકલી કમાઈ કાઢીશ. પણ નવરો બેઠો નખોદ વાળે. બરમા પુરુષોના જેવું આપણે નથી કરવું.
``એ તો સાચી વાત, હો ભાઈ! તો તો એ બહુ સમજુ કહેવાય.
``હું દુકાને જઈને અમસ્તો બેસું, તો તેટલી વાર પોતે ઊભી ઊભી જ કામ કરવાની.
``હેં ભૈ! એક વાત પૂછું? આ બાઈઓ બીડી પીવે?
``હા, નાનીમોટી બધી જ બીડી પીવે. પણ ખરું જોતાં એ બીડી જ નથી, શારદુ! એમાં તમાકુ જેવું કાંઈ જ હોતું નથી. મોં ચોખ્ખું રાખવાનો જ ઉદ્દેશ મૂળ તો હશે. આપણાં બૈરાં ભાંગ ઘસે છે ના, એના જેવું.
આમ બાના મૃત્યુનો પ્રસંગ થોડી ઘડી બીજી વાતો આડે ઢાંક્યો ત્યાં તો ભાભી પાછી આવી પહોંચી. તેણે બેઉનાં મોં રડેલાં દીઠાં. પણ એકાએક કશું ન બોલતાં ઘરમાં જઈ કપડાં બદલી ગુજરાતી પોશાક પહેરી લઈ, અંબોડો પણ સેંથા વગરનો હતો તેને બદલે સેંથો પાડી, પોતે બહાર આવીને બેસી જઈને પતિને કહ્યું : ``તમે હવે જઈ શકો છો. એ ગયા પછી પોતે મહેમાનને પૂછ્યું : ``ક્યોં રોયે હેં?
``મા મર ગઈ. શારદાની આંખો પલળી.
થોડી વાર બ્રહ્મી ભાભીએ મૃત્યુના માનમાં મૌન પાળ્યું. પછી પોતે પૂછ્યું : ``યહાં-ક્યોં નહીં-આઈ, મા? બહુત-દફા ઇનકો કહા થા. તુમારી — તો, માલૂમ-ભી નહીં-થી.
ભાઈએ જ વાત છુપાવી રાખી છે એવું શારદુને લાગતાં તે કંઈ બોલી ન શકી.
``શૌંબી હો ગઈ માતા! ફયા કો જરૂર પડી. યહાં કૈસે રહ સકે? ભોજાઈ દિલાસો દેવા લાગી.
શારદુના હૈયામાં નવા કુતૂહલે એવા ઘુઘવાટા આદરી દીધા હતા કે એને માતાનું મૃત્યુ જલદી ભૂલી જવાની જ ઇચ્છા થઈ. એણે તો આ બાઈને જ જોયા કર્યું. મનમાં થતું હતું કે આને અંબોડે અડી લઉં! પગનાં તળિયાંને સ્પર્શ કરું! નાક ચીબું છે તે ખેંચીને જરા બહાર કાઢું!
``આપનાં નામ ક્યા? શારદુએ માંડ પૂછ્યું.
``રાતકો બતાઉંગી.
રાત પડી એટલે શારદુને હાથ ઝાલી બહાર ખુલ્લા ગગન હેઠળ લઈ જઈ આ સ્ત્રીએ ચંદ્ર બતાવ્યો : ``જો ઇસકા નામ વહ મેરા નામ.
``ક્યા?
``મા-હ્લા. હ્લા બોલનેસે ચાંદ. મા બોલનેસે બહિન.
``ચંદ્રા? ચંદ્રિકા? ચંદાબહેન?
``હાં. અબ આપકા નામ બતલાઈએ.
``શારદુ. જે ઋતુમેં તુમ — ચંદ્રિકા — સરસ લગો તે ઋતુવાલી અમ શારદુ : વાદળ વિનાની સ્વચ્છ-સુંદર — શારદુ ચોખ્ખું આકાશ બતાવવા લાગી.
``હાં-હાં-હાં-હાં — મા-હ્લા ખૂબ ખૂબ હસી પડી.
શારદુ અને ચંદ્રા એકબીજાને લડાવવા લાગ્યાં.