પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/આનંદ – એક અપમૂલ્ય


આનંદ – એક અપમૂલ્ય

પ્લેટોએ સૂક્ષ્મ ઉપયોગદૃષ્ટિ દાખવી હોત તો કવિતામાંથી મળતા આનંદ પ્રત્યે પણ એ સહાનુભૂતિભર્યું વલણ બતાવી શક્યા હોત, કદાચ આનંદને એક સ્વતંત્ર મૂલ્ય તરીકે એ સ્વીકારી શક્યા હોત. કવિતા સત્યમય છે કે અસત્યમય છે, નીતિપ્રેરક છે કે અનીતિપ્રેરક છે એ ઝઘડાઓ બાજુએ મૂકીએ – કવિતા કંઈ સત્ય માટે કે નીતિબોધ માટે નથી – પણ કવિતા કલ્પનાનો આનંદ આપે છે એ વાસ્તવિક હકીકતનો વિચાર કરીએ તો એમાંથી જ એના અસ્તિત્વની કંઈ સાર્થકતા ન મળી આવે? પણ નીતિ અને સદાચારને જ પરમ મૂલ્ય માનતા પ્લેટો આવી દલીલને હસી કાઢે. ‘ગૉર્જિઆસ’માં એ કહે જ છે કે હિતાહિતનો વિચાર કર્યા વિના કેવળ રંજન કરવું એ તો ખુશામત કહેવાય. આપણા કોઈ પણ કાર્યનો ઉદ્દેશ અપ્રિય પણ સત્ય કહેવાનો હોવો જોઈએ. કવિતા જો શ્રોતાઓના શ્રેયની પરવા ન રાખે અને એમને ગમે તે પ્રકારે ખુશ કરવાની નેમ રાખે તો એ પણ ખુશામત જ કહેવાય. સારો કવિ તો આત્માને ખુશ કરવાને બદલે એને કેળવવા-સુધારવાનો ઉદ્દેશ રાખે અને એની કવિતા જ ઉન્નત કવિતા ગણાય. પણ પ્લેટો કહે છે, આવા કવિઓ હતા નહીં અને છે પણ નહીં. આમેય પ્લેટોને મન આનંદ એ કોઈ હલકી ચીજ છે. એમાંયે સૌને આનંદનો અધિકાર મળી જતો હોય તો તો એ વધારે હલકી વસ્તુ બની જાય. ઍરિસ્ટૉટલની જેમ, એ, આનંદને તંદુરસ્ત અવયવો અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિના સ્વાભાવિક પરિણામ તરીકે – “યુવાન માણસના મુખ પરની તંદુરસ્તીની લાલી” તરીકે સ્વીકારતા નથી, માનવકલ્યાણની શ્રેણીમાં એ એને છેક પાંચમું સ્થાન આપે છે. આનંદનું કંઈ સ્વતંત્ર મૂલ્ય હોય, આનંદને કોઈ બાબતમાં નિર્ણાયક તત્ત્વ ગણી શકાય તો તે સદ્‌ગુણ અને કેળવણીની દૃષ્ટિએ પ્રસિદ્ધ એવા પુરુષનો આનંદ જ. એવા પુરુષનો આનંદ શુદ્ધ અને સાત્ત્વિક હોય છે અને એ અકલ્યાણકારી બનતો નથી. પણ આનંદની મૂલ્યવત્તાના આ સિદ્ધાંતને કલાની વિચારણામાં પ્લેટો કંઈક અવળી રીતે લાગુ પાડે છે. સારાસારવિવેકવાળા સંસ્કારી-સદાચારી પુરુુષને કવિતા આનંદ આપે છે કે નહીં, અને તો એ આનંદને પથ્ય ગણવો કે નહીં એ રીતે વિચારવાને બદલે એ એમ વિચારે છે કે કવિતાનો આનંદ યુવાન માનસ પર કેવી અસર કરે છે? સ્વચ્છંદી ચંચળ વૃત્તિના યુવાન માણસ પર તો કવિતા કે કળા આનંદની ભૂરકી નાખે છે અને એને સારાસારનો વિવેક ભુલાવે છે. આ આનંદને પથ્ય કેમ ગણી શકાય? આમ, આનંદ એ પ્લેટોને મન મૂલ્ય નહીં પણ અપમૂલ્ય બની જાય છે. આનંદની વાત આવે છે અને પ્લેટો કંઈક છળી પડે છે. સંભવ છે કે આનંદની અસર વિશે પ્લેટોને આટલા બધા સચિંત બનાવનાર નાટકની દુનિયાના અનુભવો એમને એ જમાનામાં પ્રાપ્ત થયા હોય અને સેઇન્ટ્‌સબરી તો કહે છે કે નીતિ અને રાજકારણમાં પ્લેટોના સમય પછી ગ્રીકોની જે અવનતિ થઈ એ પ્લેટોની નીતિવિષયક સચિંતતાને કંઈક વાજબી ઠેરવે છે.