પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/સ્વયંસ્વીકૃત સમીકરણ
પણ કેવળ પ્રાસંગિક પ્રત્યાઘાતોમાંથી પ્લેટો કરે છે તેવા તર્કો જન્મે નહીં. પ્લેટોની તત્ત્વવિચારણાના પાયામાં જ કોઈ એવું સ્વયંસ્વીકૃત પ્રતિપાદન હોવું જોઈએ જેમાંથી ઉપરના બધા તર્કો સહેજે જન્મે. પ્લેટોની વિચારણાનો મૂળભૂત ખ્યાલ એ જણાય છે કે એ સાત્ત્વિકતા અને સર્જનશક્તિને, નીતિ અને સૌંદર્યદૃષ્ટિને, ચારિત્ર્યની ઉત્કૃષ્ટતા અને આકૃતિની ઉત્કૃષ્ટતાને લગભગ એકરૂપ ગણે છે. યુવાનો પર તંદુરસ્ત અસર પાડવા એ કેવા કલાકારોની શોધ કરવાનું કહે છે? જેઓ પોતાના ચારિત્ર્યને કારણે સૌંદર્ય અને પૂર્ણતાનું સ્વરૂપ પામી શકે એવા. પ્લેટોએ પોતાનું એ પ્રતિપાદન અત્યંત સ્પષ્ટતાથી મૂકેલું પણ છે : “વિચારની, અને સંવાદિતાની, અને આકૃતિની, અને લયની ઉત્કૃષ્ટતા ચારિત્ર્યની ઉત્કૃષ્ટતા એટલે કે સારા સ્વભાવ સાથે સંકળાયેલી છે. સારો સ્વભાવ એટલે કશાયે રંગ વગરનું ચારિત્ર્ય – જેને આપણે ઘણી વાર પ્રશંસાત્મક રીતે સારું ચારિત્ર્ય કહીએ છીએ તે – નહીં. પણ એવો સ્વભાવ જે ખરેખર સારો હોય અને ચારિત્ર્યની દૃષ્ટિએ ઉમદા રીતે સજ્જ હોય.” (રિપબ્લિક, ઉદ્ધૃત, વર્સફોલ્ડ, જજમેન્ટ ઇન લિટરેચર, પૃ. ૨૧) “...અને આકૃતિની અને લયની અને સંવાદિતાની ખામી એ વિચાર અને ચારિત્ર્યની ખામી સાથે સંકળાયેલ છે; જ્યારે કલાનાં એ તત્ત્વોની ઉત્કૃષ્ટતાઓ અનુક્રમે આત્મસંયમ અને સદ્વૃત્તિની ઉત્કૃષ્ટતાઓ સાથે સંકળાયેલ છે. કલાગુણોની ઉત્કૃષ્ટતા નૈતિકતાની ઉત્કૃષ્ટતાનું જ સીધું પ્રગટીકરણ છે.” (રિપબ્લિક, ઉદ્ધૃત, વર્સફોલ્ડ, જજમેન્ટ ઇન લિટરેચર, પૃ. ૨૨) ચારિત્ર્ય અને નીતિને જ જે માણસ જીવનની સર્વ શક્તિનું પ્રભવસ્થાન અને જીવનસર્વસ્વ માનતો હોય એ દૈવી પ્રેરણા ઉપર, લાગણીના આવેશ ઉપર, અને એમાંથી જન્મતા આનંદ ઉપર કેટલો વિશ્વાસ મૂકી શકે? એવી પ્રેરણામાંથી જે જન્મે તે સુંદર કે સત્ય ન હોઈ શકે, એ આનંદજનક હોય તો તો વળી એનાથી વધારે ચેતવા જેવું – એવા વિચારો એ દર્શાવે તો એ અસ્વાભાવિક ન ગણાય, અને માનવજીવનની કોઈ પણ પ્રવૃત્તિની સાર્થકતા, સારો માણસ તૈયાર કરવામાં એ સીધી અને દેખીતી રીતે ઉપયોગી છે કે નહીં એને આધારે આંકે, તો એમાં પણ કશું નવાઈ જેવું નથી. પ્લેટોની ચર્ચા પરિણામે તત્ત્વનિષ્ઠ કરતાં નીતિનિષ્ઠ વધુ બની છે તેનું કારણ આ જણાય છે.