પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/તત્ત્વગ્રાહી અભ્યાસનું સુફળ
પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાનો મર્મ સમજાવતા ૧૯૬૯માં પ્રગટ થયેલા પોતાના વિવેચનલેખોના સંગ્રહનું પુનર્મુદ્રણ કરવાના સુયોગનો લાભ લઈને જયંતભાઈએ લૉંજાઇનસ નામના ગ્રીક તત્ત્વચિંચકે પોતાના કોઈ મિત્રને લખેલા ‘ઑન ધ સબ્લાઇમ’ શીર્ષકથી ઓળખાતા પત્રમાં કરેલા રૌદ્ર-ભવ્યના વિવરણની મર્મગ્રાહી સમજૂતી આપતો વિવેચનલેખ સામેલ કર્યો છે. અર્વાચીન ભારતીય સાહિત્યનાં મુખ્ય રૂપોના વિકાસની પ્રેરણા યુરપીય, વિશેષે અંગ્રેજી, સાહિત્યનાં તે તે રૂપોના ઇતિહાસમાંથી મળી છે. સાહિત્યની વિવેચનરીતિ પણ આપણે મહદંશે યુરપીય સાહિત્યવિવેચનમાંથી સ્વીકારી છે. પરંતુ એ વિવેચનરીતિમાં અનુસ્યૂત મૂળભૂત સિદ્ધાન્તોનો અભ્યાસ ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછો થયો જણાય છે, અને જે કંઈ થયો છે તે પણ એક અધ્યાપકીય પ્રવૃત્તિ રૂપે અને છૂટોછવાયો. આ સ્થિતિમાં એ ઇચ્છનીય છે કે આપણા પોતાના સાહિત્યના ગુણદોષોના પરીક્ષણમાં યુરપીય વિવેચનસિદ્ધાન્તોનો વ્યવસ્થિત વિનિયોગ કરવામાં આવે. એવી પરીક્ષણરીતિ આપણા વિવેચનની ઊણપો પૂરવામાં ઉપકારક નીવડશે અને તે સાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિનેય લાભદાયી પુરવાર થશે. કળા અને સાહિત્ય મનુષ્યની કલ્પનાનાં સર્જન છે. એ સર્જનવ્યાપારનું સ્વરૂપ, પૂર્વમાં કે પશ્ચિમમાં, સર્વત્ર એક જ હોઈ શકે. ભારતીય કાવ્યમીમાંસામાં એ સ્વરૂપને જે દૃષ્ટિબિંદુથી સમજવાનો પ્રયત્ન થયો છે તેનાથી યુરપીય કાવ્યમીમાંસામાં ભિન્ન દૃષ્ટિબિંદુથી સમજવાનો પ્રયત્ન થયો છે. ભારતીય અને યુરપીય વિવેચનરીતિઓમાં સમાન અંશો કરતાં અસમાન અંશો વધારે સ્પષ્ટ છે. પરંતુ ગુજરાતી સાહિત્યના સર્વલક્ષી અભ્યાસ માટે તો ભારતીય અને યુરપીય બેય વિવેચનરીતિઓનાં અનુસ્યૂત વિચારસરણીઓનો વિનિયોગ આવશ્યક છે. આપણા પ્રથમ પંક્તિના વિવેચક પ્રા. જયંત કોઠારી વર્ષોથી ભારતીય કાવ્યમીમાંસાના સૂક્ષ્મ અભ્યાસી રહ્યા હોવાથી તેમની ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને યુરપીય કાવ્યમીમાંસાના મર્મનો પરિચય કરાવવાની સવિશેષ પાત્રતા ગણાય. યુરપીય કાવ્યમીમાંસાની પરંપરા, પ્લેટો અને ઍરિસ્ટૉટલ એ બે ગ્રીક ચિંતકોએ સાહિત્ય અને કળાનાં સ્વરૂપ તથા પ્રયોજન વિષયક પોતપોતાની કૃતિઓમાં કરેલી ચર્ચાથી શરૂ થાય છે. એ બેયે – ગુરુશિષ્યે – એ વિષયોની વિચારણા પરસ્પરવિરોધી દૃષ્ટિબિંદુથી કરી છે. ભવિષ્યમાં સદીઓ સુધી યુરપમાં ચાલતી રહેલી કળા અને સાહિત્યને લગતા પ્રશ્નોની ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓ પ્લેટો અને ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણાઓમાં બીજરૂપે રહેલા હોવાથી એ મુદ્દાઓને લગતાં તેમના મંતવ્યો આજપર્યંત યુરપીય કાવ્યમીમાંસાનાં પ્રેરણાસ્રોત બની રહ્યાં છે. પ્લેટોની કાવ્યવિચારણાનું મધ્યબિંદુ હતું આત્માના નૈતિક સ્વાસ્થ્યની અને ‘યતો વાચો નિવર્તન્તેઽપ્રાપ્ય મનસા સહ’ એવા પરમ, શાશ્વત, અવિનાશી તત્ત્વના જિજ્ઞાસુની દૃષ્ટિએ કળા અને સાહિત્યની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન, અર્થાત્ એવી પ્રવૃત્તિઓની ઇષ્ટતા-અનિષ્ટતા. આ બાબતમાં પોતાનું વિશિષ્ટ મંતવ્ય પ્રતિપાદિત કરવા પ્લેટોએ એ કાળે કાવ્ય અને કળાના સ્વરૂપ વિશે સર્વમાન્ય એવા અનુકરણના સિદ્ધાન્તનો આશ્રય લીધો. એ સિદ્ધાન્તનો પ્લેટોએ એવો અર્થ ઘટાવ્યો કે આ દૃશ્ય જગતના સર્વ પદાર્થો તે તે પદાર્થની વિશ્વપુરુષની સંકલ્પનાની, પ્લેટોની પરિભાષામાં ‘આઇડિયા’ની, પ્રતિકૃતિ હોય છે અને એ અર્થમાં એ પદાર્થોનું તાત્ત્વિક અસ્તિત્વ નથી હોતું, આપણા આદિ શંકરાચાર્યના અદ્વૈતના સિદ્ધાન્તમાં અભિપ્રેત છે તે માયાએ સર્જેલો એ પદાર્થોના અસ્તિત્વનો માત્ર આભાસ છે. અનુકરણનો આવો અર્થ પ્લેટોએ કાવ્ય અને કળાના સર્જનની પ્રક્રિયાને પણ લાગુ પાડ્યો અને એ સર્જનોનું મૂલ્યાંકન એ અર્થના સંદર્ભમાં જ કર્યું, પ્લેટોનું આ દર્શન આપણાં પ્રાચીન ઉપનિષદોના દ્રષ્ટાઓના દર્શન સાથે અમુક અંશે સામ્ય ધરાવતું જણાય છે. એક મત એવો છે પણ ખરો કે પ્લેટોએ પ્રાચીન ભારતના ગંગાપ્રદેશની મુલાકાત લીધી હતી. આ મતમાં તથ્ય હોય તો સંભવ છે કે એ કલ્પનાશીલ ગ્રીક તત્ત્વચિંતકે ગંગાપ્રદેશમાં આધ્યાત્મિક સાધના કરતા કોઈ ઋષિમુનિ પાસેથી અધ્યાત્મવિદ્યાની જાણકારી મેળવી હોય. એ જે હો તે, પ્લેટોના ‘સંવાદો’માં અગમ્યવાદનો નિર્દેશ કરતા ઘણા સંકેતો મળે છે. અગમ્યવાદી દર્શનને તર્કબદ્ધ કરવાનો પ્રયત્ન કરતાં તેણે કાવ્ય અને કળાના આસ્વાદમાં આપણને થતી સૌંદર્યાનુભૂતિના તાત્ત્વિક અને નૈતિક મૂલ્ય વિશે મૂળગામી શંકા અનુભવી. તેના સ્વભાવમાં ઉત્કૃષ્ટ કોટિના કવિત્વનો અંશ હતો અને તેને કવિમાનસને સહજ એવું ઇન્દ્રિયગમ્ય સૌંદર્ય પ્રત્યે આકર્ષણ હતું, અને તે માનતો કે ઇન્દ્રિયગ્રાહ્ય ભૌતિક સૌંદર્યની અનુભૂતિ દ્વારા આપણે બુદ્ધિગ્રાહ્ય સૌંદર્યની (intellectual beauty) ઝાંખી કરી શકીએ છીએ. રંગદર્શી અંગ્રેજ કવિ શેલી પ્લેટોના આ મંતવ્યથી એટલો પ્રભાવિત થયો હતો કે તેણે ‘Hymn to Intellectual Beauty’ શીર્ષકથી એક સુંદર કાવ્ય લખ્યું હતું. યુરપીય તત્ત્વચિંતનના ઇતિહાસનું એ એક મોટું આશ્ચર્ય છે કે સ્વભાવે કવિ એવો પ્લેટો કાવ્ય અને કળાના આસ્વાદમાંથી મળતા આનંદની સાત્ત્વિકતા સમજી શક્યો નહીં. એ આનંદમાં તેણે શ્રેય વિરુદ્ધ પ્રેયનું આકર્ષણ જોયું, એ અર્થમાં કે કવિઓ અને કલાકારોનાં સર્જનો આપણા સ્વભાવની હીન વૃત્તિઓને કવિત્વમય વાણી દ્વારા સૌંદર્યનો આભાસ આપી એ વૃત્તિઓને આકર્ષક રૂપ આપે છે. અને એ રીતે વસ્તુતઃ જેનું તાત્ત્વિક અસ્તિત્વ નથી એવા નાશવંત, સતત પરિવર્તનશીલ અને તેની પોતાની દૃષ્ટિએ માયાસૃષ્ટિ જેવા આ દૃશ્ય જગત પ્રત્યેની આપણી આસક્તિ દૃઢ કરે છે. પોતાની આ વિચારસરણીને અનુસરીને પ્લેટોએ કોઈ સત્યનિષ્ઠ વ્યક્તિ પોતાને પ્રિય, પણ સત્યની પોતાની સાધનામાં બાધક નીવડે એવી, પ્રવૃત્તિઓનો ત્યાગ કરે એવા ભાવથી તેના ચિંતનના પરિપાક જેવી ગણાતી તેની કૃતિ ‘રિપબ્લિક’માં કલ્પવામાં આવેલા આદર્શ રાજ્યમાંથી કળા અને કાવ્યને સ્થાનભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો અને જેમનાં સર્જનો નૈતિક દૃષ્ટિએ અહિતકર નીવડવાનો સંભવ હોય એવા કવિઓને તો એ આદર્શ રાજ્યમાંથી દેશવટો જ આપ્યો. વિવેચનલેખોના આ સંગ્રહના પહેલા, પ્લેટોની કાવ્યવિચારણાનું વિવરણ કરતા લેખમાં જયંતભાઈએ મનુષ્યજીવનમાં કાવ્ય અને કળાના તાત્ત્વિક સત્યની અને આત્માના નૈતિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ મૂલ્ય પરત્વે પ્લેટોના અભિગમની વિશદ અને સર્વગ્રાહી ચર્ચા કરી છે. મેં પોતે તો ગુજરાતી વિવેચનસાહિત્યમાં પ્લેટોની કાવ્યવિચારણાનાં સર્વ પાસાંઓનું જયંતભાઈએ કર્યું છે એવું તલસ્પર્શી અને જેને લક્ષ્યવેધી કહી શકાય એવું નિરૂપણ ક્યાંય વાંચ્યું નથી. અને છતાં પ્લેટોની કાવ્યવિચારણા જે મૂળભૂત મુદ્દો ઉપસ્થિત કરે છે તેનું નિરાકરણ, મારા મતે, જયંતભાઈએ કર્યું નથી, કદાચ થઈ શકે એવું છે જ નહીં. એ મુદ્દો છે કાવ્ય અને કળાના સૌંદર્યનો આસ્વાદ અહિતકર હોઈ શકે? સામાન્ય માન્યતા એવી છે કે એ અહિતકર અને હિતકર બેય હોઈ શકે. પ્લેટોનો મત હતો કે એવો આસ્વાદ સામાન્યતઃ અહિતકર હોય છે. પણ કવિ સંયમ અને વિવેકની લક્ષ્મણરેખા ન ઓળંગે તો કાવ્ય અને કળાના આસ્વાદમાંથી મળતો આનંદ હિતકર હોઈ શકે. એક ત્રીજો અંતિમ પક્ષ માને છે કે કાવ્ય અને કળાના આસ્વાદમાંથી મળતો આનંદ નીતિ-નિરપેક્ષ એવું એક સ્વતંત્ર મૂલ્ય છે. (ક. મા. મુનશીના શબ્દોમાં નીતિ કળાની વિષકન્યા છે) અને એ મૂલ્ય જીવનનાં અન્ય મૂલ્યોનું વિરોધી હોઈ શકે જ નહીં. આ પક્ષના મતે કાવ્ય અને કળામાં પુરસ્કૃત મૂલ્યો અને સામાજિક મૂલ્યો વચ્ચે વિરોધ જણાય તો સામાજિક મૂલ્યોને દૂષિત ગણી કાવ્યો અને કળાકૃતિઓનું મૂલ્યાંકન કરવામાં તેમની ઉપેક્ષા કરવી જોઈએ. આ વિચારસરણી પશ્ચિમનાં કેટલાંક સાહિત્યિક વર્તુળોમાં વ્યાપકપણે પ્રવર્તે છે અને સામાજિક મૂલ્યોના રક્ષણ અર્થે કળાકાર અને સાહિત્યકારની માની લેવામાં આવેલી સ્વતંત્રતા ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન થાય છે તો એવા પ્રયત્નનો અભિનિવેશપૂર્વક વિરોધ કરવામાં આવે છે. એ સાહિત્યિક વર્તુળોમાં અશ્લીલતા પણ નૈતિક આવશ્યકતા (spiritual necessity) ગણાય છે. આ મનોવૃત્તિનું આપણા કે પશ્ચિમના દેશોમાં કેવું પરિણામ આવશે એ તો કોઈ ભવિષ્યવેત્તા જ કહી શકે. યુરપીય વિવેચનસાહિત્યમાં સત્તરમી સદીથી આજ સુધી એક અતિમહત્ત્વના દસ્તાવેજ તરીકે ગણાતી રહેલી ‘પોએટિક્સ’ સંજ્ઞાથી ઓળખાતી કૃતિ ઍરિસ્ટૉટલની પોતાની મૌલિક કૃતિ છે, કે ઍરિસ્ટૉટલની મૂળ કૃતિનો કોઈ અન્ય વ્યક્તિએ આપેલો સાર છે અથવા ઍરિસ્ટૉટલે સંભવતઃ ઈ.સ.પૂર્વે ૩૩૫થી ૩૨૨ સુધીના સમયગાળામાં આપેલાં વ્યાખ્યાનોની એ વ્યાખ્યાનોના કોઈ શ્રોતાએ સંપાદિત કરેલી નોંધો છે એ બાબત વિદ્વાનો એકમત નથી, પણ સામાન્યતઃ એને ઍરિસ્ટૉટલની જ કૃતિ માની લેવામાં આવે છે. ઍરિસ્ટૉટલની એ કૃતિમાં ઉપસ્થિત કરવામાં આવેલા મહત્ત્વના મુખ્ય મુદ્દાઓ આ છે : (૧) કાવ્યનું સ્વકીય, સ્વતંત્ર મૂલ્ય; (૨) અનુકરણની પ્રક્રિયાનું સ્વરૂપ; (૩) ટ્રૅજડીમાં વસ્તુવિધાનનું રૂપ; (૪) ટ્રૅજડીના નાયકના ચારિત્ર્યનાં લક્ષણો; (૫) ટ્રૅજડીમાં વસ્તુવિધાન અને પાત્રાલેખનનું એકમેકની અપેક્ષાએ (relative) મહત્ત્વ; અને (૬) ટ્રૅજડીમાં નિરૂપિત ભાવોની પ્રેક્ષક અથવા વાચકના ચિત્ત ઉપર થતી અસર. આ સર્વ મુદ્દાઓ પરત્વે ઍરિસ્ટૉટલનાં મંતવ્યોનાં યુરપીય વિદ્વાનો અને વિવેચકોએ ભિન્નભિન્ન અર્થઘટનો કર્યાં છે. તેમના ‘ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’ વિષયક વિવેચનલેખમાં જયંતભાઈએ એ અર્થઘટનોના ગુણદોષોનું જે સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે તે મારા મતે ગુજરાતી વિવેચનસાહિત્યમાં અનન્ય છે. એ વિશ્લેષણની યથાર્થતા ને ગુણવત્તાનું પરીક્ષણ જયંતભાઈ જેવા સજ્જ વિદ્વાન વિવેચકો જ કરી શકે. મારી પોતાની તો એવી સજ્જતા નથી. ઉપરોક્ત છ મુદ્દાઓમાંથી હું પહેલા, ચોથા અને છઠ્ઠા, એ ત્રણ મુદ્દાઓ પરત્વે મારી શંકાઓ રજૂ કરીશ. ઍરિસ્ટૉટલના આ ત્રણ મુદ્દાઓને લગતાં મંતવ્યોના મૂળ ગ્રીક પાઠોનું ‘પોએટિક્સ’ના સંપાદક પ્રો. એસ. એચ. બુચરે અંગ્રેજીમાં આવા અનુવાદો કર્યા છે. પહેલો મુદ્દો : “Poetry in general seems to have sprung from two causes, each of them lying deep in our nature. First, the instinct of imitation is implanted in man from childhood, one difference between him and other animals being that he is the most imitative of living creaturees; and through imitation he learns his earliest lessons, and no less universal is the pleasure felt in things imitated.” ચોથો મુદ્દો : “...the change of fortune presented must not be the spectacle of a virtuous man brought from prosperity to adversity. ...Nor again that of a bad man passing from adversity to prosperity... There remains, then, the character between these two extremes _ that of a man who is not eminently good and just, yet whose misfortune is brought about not by vice or depravity, but by some error or frailty.” છઠ્ઠો મુદ્દો : “Tragedy, then, is an imitation of an action that is serious, complete and of a certain magnitude, in language embellished with each kind of artistic ornament, the several kinds being found in separate parts of the play, in the form of action, not of narrative, through pity and fear effecting the proper purgation of these emotions.” આ ત્રણ પ્રતિપાદનોના ગુજરાતી અનુવાદ અનુક્રમે આમ થઈ શકે : (૧) કાવ્યનાં સર્વ રૂપોનું ઉદ્ભવસ્થાન બે વૃત્તિઓ જણાય છે, જે બેય આપણા સ્વભાવમાં ઊંડી પડેલી છે; પહેલી, બાળપણથી માણસના સ્વભાવમાં અંકિત થયેલી અનુકરણવૃત્તિ. માણસ અને અન્ય પ્રાણીઓ વચ્ચેનું એક વ્યાવર્તક લક્ષણ એ છે કે સર્વ પ્રાણીઓમાં માણસ સૌથી વધુ અનુકરણશીલ છે; અને અનુકરણ દ્વારા તે પહેલામાં પહેલા પાઠો શીખે છે; અને અનુકૃત વસ્તુઓમાંથી મળતો આનંદ એટલો જ સાર્વત્રિક છે. (૨) દર્શાવવામાં આવતો ભાગ્યવિપર્યય સાધનસંપન્ન સ્થિતિમાંથી દુર્દશામાં આવી પડતા સદાચારી માણસનું દૃશ્ય ન હોવું જોઈએ, દુર્દશામાંથી સાધનસંપન્ન સ્થિતિ પ્રાપ્ત કરતા દુરાચારી માણસનું પણ નહીં.. હવે રહ્યું આ બે અંતિમો વચ્ચેનું ચારિત્ર્ય – ઉચ્ચ કોટિનો સદાચરણી અને ન્યાયપ્રિય ન હોય એવો માણસ જેના દુર્ભાગ્યનું કારણ દુષ્ટતા કે અધમતા નહીં પણ કોઈ ભૂલ અથવા ચારિત્ર્યગત નિર્બળતા હોય. (૩) તો ટ્રૅજડી નાટકના જુદા જુદા ભાગોમાં પ્રયોજવામાં આવેલા અલંકારોથી વિભૂષિત વાણી દ્વારા, ક્રિયારૂપે, કથનરૂપે નહીં; કોઈ ગંભીર. સ્વયંસંપૂર્ણ અને અમુક કદની ક્રિયાનું અનુકરણ છે : જે કરુણા અને ભય દ્વારા એ ભાવોનું શોધન કરે છે. હવે બાળકની અનુકરણવૃત્તિની બાબતમાં સામાન્ય અનુભવ એવો છે કે અનુકરણ કરતાં બાળક સારાનરસાનો વિવેક નથી કરતું. કહો કે એ વયે તે કરી શકતું જ નથી. અને કેટકેટલાં કિશોર-કિશોરીઓ ચિત્રપટમાં કે દૂરદર્શનમાં જોયેલાં દુષ્કૃત્યોનું અનુકરણ કરવા લોભાઈ જાય છે! પુખ્તવયનાં સ્ત્રીપુરુષો પણ સાહિત્ય કે કળાનાં વિવિધ રૂપોમાં નિરૂપિત ભાવો પ્રત્યે તટસ્થ રસકીય, સાક્ષીભાવ (aesthetic attitude) ધારણ કરી શકે છે કે કેમ એય શંકાનો વિષય છે, અને ન કરી શકે તો એવા ભાવોની સારીમાઠી અસરમાંથી તે હંમેશાં મુક્ત રહી શકવાનાં નહીં. એટલે કળાના નૈતિક મૂલ્ય બાબત પ્લેટોની શંકા માણસની સ્વભાવગત અનુકરણવૃત્તિને લગતા ઍરિસ્ટૉટલના વિધાનમાં અનુત્તરિત જ રહે છે. ઍરિસ્ટૉટલના મતે ટ્રૅજડીમાં દર્શાવવામાં આવતા ભાગ્યવિપર્યયનું કારણ નાયકની ભૂલ અથવા ચારિત્ર્યગત નિર્બળતા છે. પણ એ તો જાણીતી હકીકત છે કે ગ્રીક ટ્રૅજિક કૃતિઓમાં નાયકના દુર્ભાગ્યનું કારણ નિયતિ (fate) હોય છે. ઈડિપસના જન્મ સમયે જ ભવિષ્યવાણી થઈ હતી કે તે પોતાના પિતાનો વધ કરશે અને પોતાની માતા સાથે લગ્ન કરશે. વાસ્તવમાં સર્વ ગ્રીક ટ્રૅજિક કૃતિઓમાં નિયતિની છાયા આપણને એક અપરિહાર્ય પરિબળરૂપે પ્રવર્તતી પ્રતીત થાય છે. શેક્સ્પિયરની ટ્રૅજિક કૃતિઓના નાયકો વિશે કહેવાય છે કે Character is Destiny, એટલે કે નાયકનું ચારિત્ર્ય જ નિયતિ છે, અર્થાત્ નાયક જે કંઈ આપત્તિનો ભોગ બને છે તેનું કારણ તેના ચારિત્ર્યમાં જ રહેલું હોય છે. આ મત અંશતઃ જ સાચો છે. શેક્સ્પિયરની ટ્રૅજિક કૃતિઓમાં નિયતિ નહીં તો પરિસ્થિતિ એક નિર્ણાયક પરિબળ હોય છે. હૅમ્લેટ જે પરિસ્થિતિમાં મુકાયો હતો તે જ પરિસ્થિતિમાં ઑથેલો મુકાયો હોત, અથવા ઑથેલોની પરિસ્થિતિમાં હૅમ્લેટ મુકાયો હોત, તો એ બેય નાયકોનો સર્વનાશ થયો હતો તે ન થાત અને કહેવાય છે કે ક્લિયૉપેટ્રાનું નાક હતું તેટલું નમણું ન હોત તો રોમન સામ્રાજ્યનો ઇતિહાસ જુદો જ હોત. મૅકબેથને મળી હતી તેવી મહત્ત્વાકાંક્ષી ને નિષ્ઠુર પત્ની ન મળી હોત તો? આમ શેક્સ્પિયરની ટ્રૅજિક કૃતિઓમાં પણ આકસ્મિક સંયોગોનો તે તે કૃતિના નાયકનો કરુણ અંત લાવવામાં ફાળો હોય છે. ટ્રૅજડીમાં નિરૂપિત ભાવોની પ્રેક્ષક અથવા વાચકના ચિત્ત ઉપર થતી અસર માટે ઍરિસ્ટૉટલે પ્રયોજેલા ‘કથાર્સિસ’ શબ્દનો પ્રો. બુચરે અંગ્રેજી પર્યાય purgation સ્વીકાર્યો છે. પણ તેમની આ પસંદગી શંકાસ્પદ છે, ‘કથાર્સિસ’ શબ્દ દ્વારા ઍરિસ્ટૉટલને એ અભિપ્રેત હોવાનો સંભવ છે કે કોઈ ટ્રૅજિક કૃતિ પ્રેક્ષક કે વાચકના ચિત્તમાં અનુકરણની જે પ્રક્રિયા દ્વારા કરુણા અને ભયના ભાવો જાગ્રત કરે છે તે જ પ્રક્રિયા દ્વારા એ ભાવોનું ઉપશમન પણ કરે છે. અર્થાત્ સત્તરમી સદીના અંગ્રેજ મહાકવિ મિલ્ટનના શબ્દોમાં And calm of mind, all passion spent જેવી પ્રસન્ન મનઃસ્થિતિનો અનુભવ કરાવે છે. જો ઍરિસ્ટૉટલને કરુણા અને ભયના ભાવોના ઉપશમનની આવી મનઃસ્થિતિ અભિપ્રેત હોય તો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા એક રસકીય સંવેદન ગણાય, અને તેને પ્રો. બુચરે ‘કથાર્સિસ’ શબ્દના અંગ્રેજી પર્યાય રૂપે પ્રયોજેલા શબ્દ ‘purgation’માં સૂચિત થતો અર્થ અભિપ્રેત હોય તો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા વૈદ્યકીય (medical) સંવેદન ગણાય. વળી કોઈ કોઈ વિદ્વાનો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક (psychological) સંવેદન હોવાનું માને છે. ઍરિસ્ટૉટલને પોતાને ‘કથાર્સિસ’ની પ્રક્રિયા દ્વારા રસકીય, વૈદ્યકીય અથવા મનોવૈજ્ઞાનિક સંવેદન હોવાનું અભિપ્રેત હતું એ કાવ્યશાસ્ત્રનો એક કૂટ પ્રશ્ન છે જેનો સર્વમાન્ય થાય એવો ઉત્તર આજ સુધી કાવ્યશાસ્ત્રના કોઈ મીમાંસક આપી શક્યા નથી અને ભવિષ્યમાં આપી શકશે કે કેમ એય શંકાસ્પદ છે. ભારતીય કાવ્યમીમાંસાના વ્યુત્પન્ન ભાષ્યકાર એવા જયંતભાઈ અમુક પ્રમાણમાં તેમને અપરિચિત એવા યુરપીય કાવ્યમીમાંસાના ક્ષેત્રમાં અનાયાસ અને સરળ ગતિ કરી શક્યા છે એ તેમની એક મોટી સિદ્ધિ ગણાય, અને કાવ્યવિચારણાના કૂટ પ્રશ્નોની ચર્ચા કરતા જયંતભાઈના ગુજરાતી ગદ્યમાં સુસંબદ્ધ તાર્કિક તાણાવાણા અને પ્રવાહિતા જેવા સામાન્યતઃ પરસ્પરવિરોધી ગણાતાં લક્ષણોનો સમન્વય જોવા મળે છે એ તો તેમની મારા જેવાને જેની ઈર્ષ્યા થાય એવી સિદ્ધિ છે.
તા. ૧૦-૮-૧૯૯૮
૪, નીલકંઠ પાર્ક, નવરંગપુરા
અમદાવાદ ૩૮૦૦૦૯
ચી. ના. પટેલ